Saturday, June 20, 2015

અનુરાગ ડાળે વળગ્યો --- શાહબુદ્દીન રાઠોડ

અનુરાગે હાથ જોડ્યા અને અમારા પગમાં પડ્યો. સગપણની વાત નીકળતાં ગમે તેવા ઉદ્દંડ યુવાનો પણ કેવા વિનમ્ર બની જાય છે!.
હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ


પૈસા ખિસ્સામાં ભલે ન હોય છતાં મનમાં ઉમંગ હોય, બાવડાંમાં બળ હોય, હૈયામાં હામ હોય, પગમાં જોર હોય, હૃદયમાં પ્રેમ હોય, મન મોર બનીને થનગનાટ કરતું હોય- આનું નામ યુવાની છે.

જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું,

પછાડું ઊડતાં પંખીને એવો હું શિકારી છું;

ખરેખર બાદશાહ બેતાજ છું આખીયે આલમનો,

છતાંયે આપની મીઠી નજર કાજે ભિખારી છું.

મારા મિત્ર મધુકરનો પુત્ર અનુરાગ યુવાન વયે કવિ થઈ ગયો. ‘જેવી પ્રભુની મરજી’ આમ વિચારી પરિવારે આ આઘાત સહન કરી લીધો. આમ તો અનુરાગનો સ્વભાવ રમૂજી. મિત્રોમાં રમૂજી પ્રસંગો કહી સૌને હસાવતો. એમાં પણ યુવતીઓની હાજરી હોય ત્યારે તો એ ઓર ખીલી ઊઠતો. તેના બદલે અનુરાગ ગંભીર થઈ ગયો. મિત્રોએ પૂછ્યું પણ ખરું, ‘અનુરાગ, તું હસતો કેમ નથી?’ અનુરાગે કાવ્યમાં પ્રત્યુત્તર આપ્યો:

દારુણ દુ:ખ ભર્યંુ છે દિલમાં મનમાં છે મુઝારો,

અજબ વ્યથાથી અંતર ભરિયું હવે કેમ હસું હું યારો?

આટલી નાની વયે ક્યાં દારુણ દુ:ખો તેના પર તૂટી પડ્યાં, કઈ વ્યથા એના અંતરને કોરી ખાતી હશે એ કોઈને સમજાણું નહીં.

મેં મિત્રોને કહ્યું, ‘આવું જોડકણાં લખતાં લખતાં અનુરાગ સાચે ને જ કવિ થઈ જાય તો એમાં ખોટું શું છે?’

મારી વાતના સમર્થનમાં મેં એક પ્રસંગ વર્ણવ્યો. એક વર્ગશિક્ષકે તેના વિદ્યાર્થીની ફરિયાદ તેના પિતાને કરતાં કહ્યું, ‘તમારો પુત્ર અભ્યાસમાં ધ્યાન આપતો નથી. નથી લેસન કરતો. ગમે તે પિરિયડમાં બસ કવિતા જ લખ્યા કરે છે. અત્યારથી ધ્યાન નહીં આપો તો કદાચ એ કવિ થઈ જશે.’

પિતા ગુસ્સે થયા, પુત્રને શિક્ષા કરવા સોટી ઉપાડી અને કહ્યું, ‘નિશાળમાં ભણવા જાય છે કે કવિતા લખવા?’ પિતાનું રૌદ્રસ્વરૂપ નિહાળી પુત્ર ભાગ્યો. પિતા સોટી લઈ પાછળ દોડ્યા. ભાગતાં ભાગતાં પિતાને પુત્રે વિનંતી કરી:

ઋફવિંયિ રફવિંયિ ળયભિુ ફિંસય

ટયતિયત ઈં ૂશહહ ક્ષયદયિ ળફસય

‘પિતા દયા કરો... કાવ્યપંક્તિઓ હું કદી નહીં રચું.’ કાવ્ય નહીં રચવાની વિનંતી કાવ્યમાં સાંભળીને સમજદાર પિતાના હાથમાંથી સોટી પડી ગઈ. એ પુત્રને પ્રેમથી ભેટી પડ્યા અને કહ્યું, ‘મારા વહાલા પુત્ર તારે હવે ભણવાની જરૂર નથી. તું કાવ્યો જ લખ્યા કર.’

પિતાનું પ્રેમભર્યંુ પ્રોત્સાહન મળતાં બાળકનું હૈયું નાચી ઊઠ્યું. એ ભણ્યો પણ ખરો, કાવ્યો પણ લખ્યાં અને ઍલેકઝાંડર પોપના નામે પ્રસિદ્ધ કવિ પણ થયો. અંગ્રેજી સાહિત્યમાં જે સ્થાન શેલી, કિટ્સ, બાયરન, રૅનિશન, રૉબર્ટ બ્રાઉનિંગનું છે તેવું જ સ્થાન ઍલેકઝાંડર પોપનું પણ છે.

પરંતુ અહીં અનુરાગની કાવ્યપ્રતિભાને પારખી શકે તેવું મધુકરના પરિવારમાં કોઈ નહોતું. ઊલટાનું મધુકરે તો અમને મિત્રો, સ્નેહીઓ, સ્વજનોને તેને ઘેર બોલાવ્યા અને પરિવાર માથે આવી પડેલી આ આપત્તિમાં સહભાગી થઈ ઉગારી લેવા આજીજી કરી. લાંબી ચર્ચા-વિચારણાને અંતે એવું નક્કી થયું કે વહેલી તકે અનુરાગને પરણાવી દેવો. લાખ દુ:ખો કી એક દવા છે લગ્ન. પત્નીરૂપી સાચું કાવ્ય સામે આવશે એટલે એ બધાં કાવ્યો ભૂલી જશે. આમ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું.

આવા કામના નવીનકાકા અનુભવી હોવાથી તેમને અનુરાગના સગપણનું કાર્ય સુપરત કરવામાં આવ્યું. મારે તેમને સહાય કરવી એવું નક્કી થયું.

અમે અનુરાગ લગ્ન-અભિયાનની શરૂઆત અનુરાગના મિલનથી કરી. અમે અનુરાગને તેના સગપણ બાબત વાત કરી. અનુરાગે હાથ જોડ્યા અને અમારા પગમાં પડ્યો. સગપણની વાત નીકળતાં ગમે તેવા ઉદ્દંડ યુવાનો પણ કેવા વિનમ્ર બની જાય છે!

મથુરને લઈને તેના માટે ક્ધયા જોવા માટે અમે જ્યારે સતાપર પ્રેમજીને ત્યાં ગયા ત્યારે ત્યાં બગીચામાં રંગબેરંગી પતંગિયાં ઊડતાં હોય એવી ત્રણેક ક્ધયાઓને જોઈને મથુર ભાવવિભોર બની ગયો.

અમારા માટે ઢોલિયો ઢાળવામાં આવ્યા. પ્રથમ નાસ્તાની ડિશો આવી. પછી મંજુ ચા લઈને આવી. પીતાંબર પટેલે સામેથી કહ્યું, ‘કોઈ ગરીબ મુરતિયો મળેને તો મારે મોટી દીકરી મંજુના હાથ પીળા કરી દેવા છે.’ આટલું સાંભળતાં મથુર ઢોલિયા પરથી ઊતરી નીચે કોથળા પર બેસી ગયો. પીતાંબર પ્રેમજીની અનુભવી આંખે આ દૃશ્ય નિહાળ્યું. મથુરના વર્તનમાં આવેલ પરિવર્તનની નોંધ લીધી અને એટલું જ કહ્યું, ‘તાજા ગરીબ સાથે નથી પરણાવવી.’

અનુરાગે સગપણ માટે અમને સહર્ષ સંમતિ આપી અને વિનંતી કરી, ‘આપ પ્રસ્થાન કરો તે પહેલાં મારી પણ થોડી અપેક્ષા જાણી લ્યો. મારા માટે એવું ક્ધયારત્ન શોધી લાવો જેની મોતી જેવી દંતપંક્તિઓ હોય, પરવાળાં જેવા હોઠ હોય, દીપશિખા જેવી નાસિકા હોય, કામદેવના ધનુષ જેવી જેની ભ્રમર હોય, નિર્દોષ હરિણી જેવી જેની આંખો હોય, મેઘ જેવો કેશકલાપ હોય, ચંદ્રમાં જેવું મુખારવિંદ હોય, સહેજ સ્મિત કરતાં જેને ગાલે ખંજન પડતાં હોય... બસ, આવી કોઈ નવયૌવના, કોઈ મુગ્ધા મળે તો જાણ કરજો.’

મેં કહ્યું: ‘તું બોલ્યો એ બધું એક કાગળમાં લખી દે તો સારું, મોઢે અમને યાદ નહીં રહે.’ પણ નવીનકાકાએ કહ્યું: ‘કંઈ જરૂર નથી.’ વળી અનુરાગે શરૂ કર્યંુ, ‘આવી કોઈ મયૂરાક્ષી મળે તો સાત સમુંદરને પાર કોઈ ખળખળ વહેતા ઝરણાને તીરે, કોઈ આમ્રકુંજમાં જ્યાં આમ્રવૃક્ષની ડાળો જળ સાથે ક્રીડા કરતી હોય, જ્યાં કોયલો ટહુકાર કરતી હોય, જ્યાં મત્ત મયૂરો નાચતા હોય, જ્યાં શ્ર્વેત રાજહંસો તરતા હોય...’ મેં કહ્યું, ‘તું ઘરે નહીં હો તો?’ નવીનકાકા કહે, ‘ક્યાંય નથી જાવાનો, તમે શું કામ ચિંતા કરો છો?’ છતાં હું બોલ્યા વગર ન રહી શક્યો. મેં કહ્યું, ‘ધારો કે એક જ ક્ધયામાં આ બધાં લક્ષણો ન મળે અને ત્રણચારમાં મળે તો અમારે શું કરવું?’ અનુરાગ કહે, ‘સર્વને લાવજો. હું જે શ્રેષ્ઠ હશે તેને જ તક આપીશ.’

પછી તો સગપણની વાટાઘાટ, પ્રવાસો, મુલાકાતો પસંદગી-નાપસંદગીમાં પાંચ વર્ષ વીતી ગયાં. સાતેક ક્ધયા અનુરાગે જોઈ, પણ મેળ ન પડ્યો. પરિસ્થિતિ અનુસાર અનુરાગ પસંદગીનું ધોરણ ઘટાડતો ગયો. અનુરાગે કહ્યું, ‘પૂરતી ઊંચાઈ અને નાકેચહેરે નમણી ક્ધયા હશે તો પણ ચાલશે.’ ચારેક વર્ષ પાછાં પસાર થઈ ગયાં. વળી ત્રણ ક્ધયાઓ જોઈ. છેવટે અનુરાગની તમામ અપેક્ષાઓ એક જ શબ્દમાં સમાઈ ગઈ- ‘યુવતી.’ મને કોઈ યુવતી સાથે પરણાવો. અનુરાગની વ્યથા તેના કાવ્યમાં વ્યક્ત થવા લાગી. તેણે લખ્યું:

દયાળુ દીકરીવાળા દયા વાંઢા પર લાવો,

દુ:ખી છે જિંદગી મારી કૃપાળુ કોઈ પરણાવો.

મધુ નામની ક્ધયા અનુરાગને પસંદ પડી, પણ મધુએ સ્પષ્ટ ના પાડી. અમે અનુરાગને વાત ન કરી પણ એમ કહ્યું કે મધુ તો ગ્રેજ્યુએટ મુરતિયા સાથે જ લગ્ન કરવા ઈચ્છે છે.

અમારા આશ્ર્ચર્ય વચ્ચે અનુરાગે ફરી ભણવાનું શરૂ કર્યંુ. રાતદિવસ મહેનત કરી, પરીક્ષા આપી એ જ્યારે કંટાળતો- થાક્તો ત્યારે મધુની યાદ તેને પ્રેરણા આપતી. પરિણામ આવ્યું, અનુરાગ પાસ થયો. મધુનું સરનામું મેળવી તેને મળવા માર્કશીટ લઈ અનુરાગ મધુના બંગલે પહોંચ્યો, ડૉરબેલ વગાડી. મધુએ બારણું ખોલ્યું. અનુરાગને જોઈ તેને નવાઈ લાગી. અનુરાગે માર્કશીટ બતાવી હર્ષ વ્યક્ત કર્યો, ‘હું બી.એ. પાસ થઈ ગયો છું.’ મધુએ ચા-નાસ્તાનો આગ્રહ કર્યો અને પૂછ્યું, ‘તમે અત્યારે બી.એ. થયા?’ ત્યાં તો બે બાળકો ‘મમ્મી, મમ્મી’ કહી મધુને વીંટળાઈ વળ્યાં. નાના રાકેશે પૂછ્યું પણ ખરું, ‘મમ્મી આ અંકલ કોણ છે?’ મધુએ કહ્યું, ‘તારા ડૅડીના ફ્રેન્ડ છે.’ અનુરાગને પૂછ્યું, ‘તમે એમને મળવા આવ્યા હતા?’ ‘હા. ના... ના... આ તો અમસ્તો અહીંથી નીકળ્યો હતો તે થયું મળતો જાઉં.’ આવા ગોટા વાળી અનુરાગ ચાલતો થયો.

હવે તેને જીવતરની વાસ્તવિકતા સમજાવા લાગી. એ ચૂપચાપ બી.એડ. કૉલેજમાં દાખલ થયો અને બી.એ.બી.એડ્. થયા પછી ગામની હાઈસ્કૂલમાં શિક્ષકના સ્થાન પર નિયુક્ત થયો, બી.એડ્.માં સાથે અભ્યાસ કરનાર મીનાક્ષીબહેનને પણ તે જ હાઈસ્કૂલમાં સર્વિસ મળી. પરિચય તો હતો જ. સહકાર્યથી તે વધુ ગાઢ થયો. મીનાક્ષીબહેનને કોઈ પુરુષના રક્ષણની જરૂર હતી અને અનુરાગને વાંઢા-મહેણું ભાંગવું હતું. બંને પરસ્પર સંમત થયાં. અમને ખબર પડી, અમે બંનેનાં લગ્નમાં સહાયરૂપ થયા. મેં નવીનકાકા અને મિત્રોને કહ્યું, ‘આખરે અનુરાગ ડાળે વળગ્યો. વર્ષો પહેલાં ક્ધયાનું અનુરાગે કરેલું વર્ણન મને યાદ છે. તમે કહો તો કરી દેખાડું.’ નવીનકાકાએ કહ્યું, ‘હવે દાઝયા માથે ડામ દેવાનો કંઈ અર્થ નથી.’

મેં અનુરાગને પૂછ્યું, ‘એલા કવિતાનો શોખ છે કે ભુલાઈ ગયો?’ અનુરાગ કહે, ‘હવે જ મારી કવિતામાં અનુભવનું ઊંડાણ ભળશે.’ આમ કહી એ ચાર પંક્તિઓ બોલ્યો:

દુ:ખના દરિયે સફર છે મારી

અને નાવ ફંસી છે ભંવરમાં,

કરુણાસાગર કર થામીને

હવે કરી દે ઉદ્ધાર મારો.

મેં કહ્યું, ‘કરુણાસાગર ઉદ્ધાર કરે કે ન કરે, પણ મીનાક્ષીબહેન જરૂર કરશે.’ આટલું સાંભળતાં સૌ ખડખડાટ હસી પડ્યા.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=91133

અદ્ભુત દુનિયા નેપ્ચૂનની --- ડૉ. જે. જે. રાવલ

નેપ્ચૂન સૂર્યમાંથી જે ગરમી મેળવે છે તેના કરતાં અઢી ગણી બહાર ફેંકે છે.
બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ


નેપ્ચૂન બરફોની બનેલી દુનિયા છે. એન્ટાર્કટિકા તો તેની પાસે કાંઈ જ નહીં. નેપ્ચૂનમાં હીરા પાકે છે. ભવિષ્યમાં ત્યાંથી પૃથ્વીવાસીઓ હીરા મેળવશે. નેપ્ચૂન પર ભયંકર પવનો ફૂંકાય છે અને વાદળો વીંઝાય છે. ત્યાંથી જ યમપુરીનો પ્રારંભ થાય છે. તેના પછીનું અંતરિક્ષ વૈતરણી નદી જ ગણી શકાય જેનો પાર પામવું બહું દુષ્કર છે.

નેપ્ચૂનનો આ નવો શોધાયેલો ઉપગ્રહ તેનો સૌથી નાનો ઉપગ્રહ છે. નેપ્ચૂન, ઍડમ્સ અને લે વેરિયરે ખગોળવિજ્ઞાનના સિદ્ધાંતોની મદદથી નક્કી કરાયેલી કક્ષાએ શોધાયો હતો. પણ તે શોધાયો તે પહેલાં, થોડાં વર્ષો પહેલાં કે થોડાં વર્ષો પછી. ઍડમ્સ અને લે વેરિયરે ખગોળના સિદ્ધાંતો દ્વારા દર્શાવેલી કક્ષાની જગ્યાએ તેની શોધ ચલાવી હોત તો તે શોધાત નહીં, કારણ કે નેપ્ચૂનની ખરી કક્ષા તો અલગ જ હતી. તેની પાછળનું કારણ એ હતું કે આદમ્સ અને લે વેરિયરે નેપ્ચૂનની કક્ષાની ગણતરી કરવામાં નેપ્ચૂનનું જે અંતર લીધું હતું તો ખોટું હતું, પણ અંતરિક્ષમાં બધા આકાશીપિંડોનુું પ્રક્ષેપણ આકાશરૂપી છતમાં થાય છે. તેથી તેની જગ્યા પ્રમાણે વાંધો આવ્યો નહીં અને નેપ્ચૂન ઍડમ્સ અને લે-વેરિયરે દર્શાવેલ જગ્યાએ શોધાયો. સૂર્ય, ચંદ્ર, ગ્રહો કે તારાનું અંતરિક્ષમાં પ્રક્ષેપણ તો આકાશરૂપી છતમાં જ થાય છે. હકીકતમાં તેમના અંતરો કરોડો કિલોમીટર અલગ અલગ હોય છે.

આ બાબતે ખૂણાના યામો (ફક્ષલીહફિ ભજ્ઞ-જ્ઞમિશક્ષફયિંત) બરાબર હોવા જોઈએ. આમ ઍડમ્સ અને લે-વેરિયરની આગાહીએ મેદાન મારી લીધું.

૧૬૧૩માં નેપ્યૂનની ખરેખર શોધ થઈ તેનાં ર૩૩ વર્ષ પહેલાં ગેલિલિયોએ તેના નાના અને પ્રાથમિક દૂરબીનમાંથી નેપ્ચૂનને જોયો હતો પણ તે ત્યારે બહુ જ ધીમી ગતિથી આકાશમાં ચાલતો હતો. તેથી ગેલિલિયો તેને ગ્રહ તરીકે ઓળખી શક્યો ન હતો અને તેણે તે આકાશપિંડને ઝાંખા તારા તરીકે લીધો હતો. પછીના બીજા બે દિવસે રાત્રિ આકાશમાં ગેલિલિયોએ તેને જોયો હતો. તે આકાશપિંડે તારાના સંદર્ભે જગ્યા પણ બદલી છે. તેની પણ તેણે તેની ડાયરીમાં નોંધ કરી હતી. પણ આગળ દર્શાવ્યું તે પ્રમાણે નેપ્ચૂન ત્યારે ધીમે ધીમે ચાલતો હતો અને તેણે બહુ જ થોડી જગ્યા બદલી હતી અને પછીના દિવસે તે દૂરબીનના ફિલ્ડમાંથી બહાર નીકળી ગયો હતો. પછીના દિવસોમાં રાત્રિ આકાશ વાદળોથી ઘેરાયેલું હતું. તેથી ગેલિલિયો આકાશદર્શન કરી શક્યો ન હતો. તેથી ગેલિલિયો એ વિચારી શક્યો નહીં કે ગ્રહ હશે, કારણ કે તે જમાનામાં શનિ સુધીના ગ્રહો જ જાણીતા હતા અને ખગોળવિજ્ઞાનીઓના મગજમાં એવો વિચાર પણ આવતો ન હતો કે શનિ પણ ગ્રહ હોઈ શકે છે. એ તો જ્યારે અચાનક અને અકસ્માતે શનિ પછીના ગ્રહ યુરેનસની શોધ થઈ કે ખગોળવિજ્ઞાનીઓ વિચારતા થયા કે યુરેનસ પછી પણ ગ્રહ હોઈ શકે છે. એ દિવસોમાં રાત્રિ આકાશ વાદળોથી છવાયું ન હોત તો ગેલિલિયો જ નેપ્ચૂનને શોધી શક્યો હોત. તો નેપ્ચૂન, યુરેનસ પહેલાં શોધાયો હોત. છેને વાત અજબ-ગજબની. દૂરનો ગ્રહ પહેલાં શોધાયો હોત.

નવી શોધોની દુનિયા વિચાર પર આધારિત છે. જરા પણ વિચાર ન આવે કે વિચારવામાં જરા પણ ફરક પડે તો ચિત્ર તદ્દન બદલાઈ જાય અને વિજ્ઞાની નવી મોટી શોધ કરતા રહી જાય. ગેલિલિયો આમ નેપ્ચૂનની શોધ કરતાં જરા માટે રહી ગયો. ગેલિલિયોએ શનિનાં વલયો પણ જોયાં હતાં પણ તે શનિનાં વલયો છે તેમ તે વિચારી શક્યો નહીં અને આમ તે શનિનાં વલયો શોધવામાં જરા માટે રહી ગયો. તેની પાછળનું મૂળ કારણ તેનું નાનું પ્રાથમિક દૂરબીન હતું. તેથી તે વસ્તુને રિઝોલ્વ કરી શકતું ન હતું. જો ગેલિલિયો પાસે મોટું ટેલિસ્કોપ હોત, જો તેણે પોતે મોટું દૂરબીન બનાવ્યું હોત તો તે કેટલીયે પાછળ થઈ ગયેલી શોધ કરી શક્યો હોત. ક્રિશ્ર્ચન હોયગન્સે મોટું દુરબીન બનાવ્યું હતું. તે દૂરબીનને જ્યારે તેણે શનિનો અભ્યાસ કરવા ફેરવું ત્યારે તે શનિના ગોળા ફરતે થોડે દૂર જગ્યા રાખી શનિનાં વલયો જોઈ શક્યો હતો અને તેને શોધી શક્યો હતો. ગેલિલિયોનું દૂરબીન પ્રાથમિક હતું તેથી તે શનિનો ગોળો અને થોડે દૂર જગ્યા રાખી શનિનાં વલયો જોઈ શક્યો ન હતો. તેણે શનિનાં વલયોને શનિના ગોળા સાથે અડીને શનિ જાણે કે તેના વિષુવવૃત્ત પર જરા ફૂલેલો હોય તેમ જોયો હતો. તેથી ગેલિલિયો તેને શનિનાં વલયો તરીકે કળી શક્યો ન હતો. ગેલિલિયોએ જ્યારે એ દૃશ્ય જોયું ત્યારે તેણે તેના મદદનિશને બોલાવી કહ્યું જો, જો શનિને બે કાન હોય તેમ લાગે છે. હકીકતમાં શનિના ગોળાની બંને બાજુએ ઊપસી આવેલાં દેખાતાં વલયો હતાં.

વિજ્ઞાનમાં વિજ્ઞાનીઓને નવી શોધ દેખાય પણ જો તે ચીલા-ચાલુ વિચાર કરે તો તે નવી શોધ શોધતાં-શોધતાં રહી જાય. આમ સંશોધનની દુનિયા ઘણી ગૂંચવણ ભરેલી છે. તેમાં વિચારવામાં ભૂલ થાય તો રહી ગયા સમજો, આને ભાગ્ય કહો કે જે કહો તે.

હાલ સુધીમાં માત્ર એક જ અંતરિક્ષયાન વોયેજર-ર એ નેપ્ચૂનની મુલાકાત લીધી છે. નેપ્ચૂન વિશે જે આપણે જાણતા હતા તે વોયેજર-રની નેપ્ચૂન-યાત્રાની દેન હતી. પણ પછી ૧૯૯૦માં હબલ દૂરબીન અંતરિક્ષમાં તરતું મુકાયું. હબલે નેપ્ચૂન અને પ્લુટો વિશે ઘણી નવી શોધ કરી છે અને આપણને આ દૂરની દુનિયાઓની ઝાંખી કરાવી છે. પૃથ્વી સ્થિત શક્તિશાળી દૂરબીનોએ પણ નેપ્ચૂન અને પ્લુટો વિશે આપણા જ્ઞાનમાં વધારો કર્યો છે.

પ્લુટોની કક્ષા ખૂબ જ લંબગોળ હોવાથી તે તેની પરિક્રમામાં થોડાં વર્ષો માટે નેપ્ચૂનની કક્ષાની અંદરના અંતરિક્ષમાં આવી જાય છે. ત્યારે પ્લુટો દૂરનો આકાશીપિંડ (પ્લેનેટોઈડ) નથી રહેતો. આપણને બધાને હવે ખબર છે કે પ્લુટોને ખગોળવિજ્ઞાનીઓ ગ્રહ નથી ગણતા પણ ડ્વાર્ફ પ્લેનેટ ગણે છે. નેપ્ચૂન સૂર્યમાંથી જે ગરમી મેળવે છે, તેના કરતાં અઢી ગણી બહાર ફેંકે છે. માટે લાગે છે કે તેના ગર્ભભાગમાં આણ્વિક પ્રક્રિયાનું રીએક્ટર ધીમું ધીમું ચાલે છે. નેપ્ચૂનનાં વલયોનાં ઍડમ્સ લે-વેરિયર, ગાલ એવાં નામ આપવામાં આવ્યાં છે. એક વલયનું નામ હજુ સુધી અપાયું નથી. લેેવેરિયર વલયના બહારના ભાગને લાસ્સલ અને આરગો નામ આપવામાં આવ્યાં છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=101064

હું મારી દૃષ્ટિએ --- ચંદ્રકાંત બક્ષી

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


નાનો હતો ત્યારથી જ દોસ્તો એને બક્ષી કહેતા હતા. પત્નીથી દુશ્મન સુધીના બધાએ આ નામનો સ્વીકાર કરી લીધો છે. સાહિત્યના સમીક્ષકો આલોચના કરતી સમયે અથવા પોલીસવાળા કેસ કરતી વખતે આ જ શબ્દોનો પ્રયોગ કરે છે. વિષના બૂંદની જેમ આ નામ ગુજરાતી સાહિત્યમાં ફેલાઈ ચૂક્યું છે. આ એક વિચિત્ર નામ છે. એની વાર્તાઓ જર્મનમાં છપાય છે અને એ સરકારી લાઈબ્રેરીઓના બ્લૅક લિસ્ટ પર છે. ન એને ગુજરાતમાં ક્યાંય બોલાવવામાં આવે છે, ન એણે રેડિયો સ્ટેશનનો દરવાજો જોયો છે, ન એને કોઈ પારિતોષિક આપવામાં આવ્યું છે (સિવાય કે એક પોલીસ-કેસ જે અત્યારે ચાલી રહ્યો છે) ... અને... એની વાર્તાઓ સૌથી વિશેષ અનુદિત થઈ છે, સૌથી વધુ રૂપિયા કમાઈ લે છે, સૌથી વધારે ગુજરાતી કથાનું પ્રતિનિધિત્વ કરે છે. વિચિત્રતા જોડાયેલી છે આ નામ સાથે - ૧૯૫૧થી. જ્યારે ૧૯ વર્ષની વયે એની પહેલી વાર્તા પ્રગટ થઈ હતી.

છ વાર્તાસંગ્રહો. દસ નવલો. ત્રણ નાટકો. એક વિવેચનસંગ્રહ - એકવીસ વર્ષના સાહિત્યજીવનની આ ફળશ્રુતિ, અને એ ગુજરાતી જાણતો નથી, શીખ્યો નથી, આરંભિક કૃતિઓ અંગ્રેજીમાં છપાઈ, ખેલકૂદની ભાષા હિન્દી રહી, જીવન કલકત્તામાં બસર થયું. વ્યવસાયની ભાષા બંગાળી, મિજાજની ભાષા ઉર્દૂ, આલોચકો કહે છે એની ભાષા હિન્દી-ગુજરાતી કે એંગ્લો-ગુજરાતી છે. હજી સુધી ગુજરાતી ‘પ્રદાન’ને સ્થાને એ ‘યોગદાન’ વાપરે છે. રેંગના અને ઝુલસના, સુસ્તાના અને તરાશના એના લેખનમાં એટલા પથરાયેલા છે કે લોકોએ એના પર હિન્દીની અસરના ઉલ્લેખ કરવા પણ હવે તંગ આવીને બંધ કર્યા છે, આજકાલ મુંબઈમાં છે. કૉલેજમાં અંગ્રેજીમાં શીખવે છે, હિન્દીમાં સ્ક્રિન પ્લૅ લખે છે, અને વાર્તા-નવલ ગુજરાતીમાં જૂના મિત્રો સાથે બંગાળીમાં, નવા સંબંધીઓ સાથે મરાઠીમાં વાતો કરે છે. જડો ખોવાઈ ગઈ છે એની. સફાઈ પેશ કરી દે છે. ભારતીય એક જ વસ્તુ છે મારી પાસે, મારી ચામડીનો રંગ. આપણા દેશમાં અંગ્રેજી સરકારની વ્યવસાયની, કાનૂનની, સમાચારપત્રોની ભાષા છે. હિન્દી વ્યવહારની, રેડિયોની, ફિલ્મોની, સ્ટેશનોની ભાષા છે, અને માતૃભાષા કિચનથી બેડરૂમ સુધી ચાલે છે. બહુ મોટો દેશ છે. હજારો વર્ષોથી ઈતિહાસનો ‘સિન્થેસીસ’ ચાલતો રહ્યો છે. એક ભાષા થઈ નથી. રાજભાષા અને પ્રજાભાષા હંમેશાં અલગ રહી છે. બુદ્ધના સમયથી... અને પછી એ ઈતિહાસમાંથી પ્રમાણો આપવા શરૂ કરે છે, કારણ કે ઈતિહાસ અને રાજનીતિ એ કૉલેજમાં ભણાવે છે, એવી વાતો કરે છે કે ગુસ્સો આવી જાય છે અને એ હસે છે - વિરોધિતા સારી ચીજ છે, એના કથાકાર મિત્ર મધુ રાયે એક વાર એના વિષયમાં લખ્યું હતું: બક્ષી કયા વાદમાં માને છે એ જાણવા માટે પહેલાં તમારે નક્કી કરવું પડશે, તમે કયા વાદમાં માનો છો. તમે જે વાદમાં માનો છો એનાથી વિરુદ્ધ વાદમાં એ માને છે. બક્ષીના વાદનું નામ એક જ છે - પ્રતિવાદ.

એ કહે છે કે આજની રાજનીતિ, આજની સામાજિક આર્થિક અવ્યવસ્થાને ભૂલીને સાહિત્ય-સર્જન શક્ય નથી, કમથી કમ આજના શહેરી લેખક માટે સમાજ આપણને અલગાવ આપે છે. સાહિત્ય એ અલગાવને વાચા આપે છે. શહેરથી દોસ્તાના છે. પૈદાઈશી દોસ્તાના. ચૌરંગી હોય કે ફલોરા ફાઉન્ટ કે કેનોટ સર્કલ - રખડવું એ એક જ પ્રમાણિક ઘટના છે. આપણી યુવાવસ્થા પર નગર-સંસ્કૃતિની અસર છે. આપણે પહેલી પેઢી છીએ જેણે નગર સંસ્કૃતિ કે વિકૃતિને શબ્દોમાં આકાર આપ્યો. જીવનમાં સેક્સ ધર્મ બની ગઈ. અસ્તિત્વમાં પંચ મહાભૂતોમાં પાપને સ્થાન આપ્યું. પાપ સ્વતંત્રતાનું દ્યોતક છે, સ્વૈચ્છિક છે, આપણું છે, ઘડિયાળના ‘ઝીરો-અવર’ની જેમ પાછળ અતીત નથી. શોખ છે રખડવાનો. વર્ષેક બૌદ્ધમાર્ગનો અભ્યાસ કરીને લુમ્બિની-કુશીનગર-નેપાળ રખડી આવ્યો અને ધર્મ-વિષયક ઉપન્યાસ લઈ આવ્યો. એ પૂર્વે સાર્ત્ર અને હેમિંગ્વે એના નાયકો હતા. પછી એક ડિટેક્ટીવ ઉપન્યાસ લખ્યો. બે ઐતિહાસિક હવે કહે છે ‘એલિસ-ઈન-વન્ડરલૅન્ડ’ જેવું કંઈક; દસ-બાર વર્ષનાં બચ્ચાંઓ માટે. પછી સાયન્સ-ફિક્શન, કંઈક શિકાર કથા, કંઈક રાજનીતિક વ્યંગ્યાત્મક, આંચલિક, યુદ્ધ-વિષયક... કથાકારમાં ‘રેંજ’ હોવી જોઈએ. આપણા કથાકાર જલ્દી સુકાઈ જાય છે, ભાગે છે, અનુભવ નથી. દરેક કથાકાર બધું નથી લખી શકતો, પણ પ્રયત્ન કરવો જોઈએ. આવતી કાલનો દિવસ બાદબાકી જિંદગીનો પહેલો જ દિવસ છે અને હજી તો ચાલીસ જ વર્ષો પસાર થયાં છે.

વિવિધતાનો એ પક્ષઘર છે, સ્વભાવનો વિરોધાભાસ શર્માવાવાળી વાત નથી. જીવતા માણસના વિચારો ઉકળતા જ રહે છે, એટલા માટે જ તો પાંચ લાખ વર્ષની ઉત્ક્રાન્તિ પછી મનુષ્યના માથામાં એણે એક મગજ મેળવ્યું છે. એકલો માણસ કંઈ જ કરી શકતો નથી પણ પ્રયત્ન કરીને અસફળ જરૂર થઈ શકે છે. એટલું સ્વાતંત્ર્ય છે એની પાસે.

વર્ષો પહેલાં એ ખાદી પહેરતો હતો. ગાંધીજીનું હરિજન બંધુ વાંચતો હતો. પછી આર.એસ.એસ.ની પરેડોમાં જતો હતો. પછી કમ્યુનિસ્ટ પાર્ટીની સેલોમાં જઈને ‘ડાયલેક્ટીકલ’ અને ‘હિસ્ટોરિકલ’ મેર્ટિરીએલિઝમનું તાત્ત્વિક અંતર સમજવાની કોશિશ કરતો હતો. એણે કમ્યુનિસ્ટોના ફરેબને જોયો અને એ ‘કમ્યુનિસ્ટ’માંથી ‘માર્ક્ષિસ્ટ’ બની ગયો. એણે માર્ક્ષિસ્ટોના છલકાતા ધનને જોયું અને એ ‘માર્ક્ષિસ્ટ’માંથી ‘આર્ટિસ્ટ’ બની ગયો. હવે કહી રહ્યો છે કે આર્ટિસ્ટોનું જૂઠ એને ક્યાંક આર્ટિસ્ટમાંથી ‘હ્યુમેનિસ્ટ’ ન બનાવી નાંખે! જો કે હ્યુમેનિસ્ટ પ્રકારના માણસો એને પસંદ નથી...

ગરીબીને એણે રોમાંસનો રંગ આપ્યો નથી. કારણ કે વર્ષો સુધી ગરીબી-બેરોજગારી એણે જોયાં છે. કલાકાર ‘સુપર-સિટીઝન’ નથી. એક પ્લમ્બર કે બૅન્ક-કલાર્ક કરતાં એને વિશેષ અધિકાર નથી. સાથે સાથે એ માને છે કે જે કલાકાર પરિવારના દુ:ખ ઉપર પોતાની કલાની ઊંચાઈ સિદ્ધ કરે છે એ દ્રોહી છે. કુટુંબનો પણ એક અધિકાર હોય છે - મિડલ ક્લાસ સુખનો. સ્ત્રીઓ એને માટે સમસ્યા નથી, પણ પત્ની જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ સ્ત્રી છે. બાળકની સાથે કેરમનો એક દાવ રમવો, વાર્તા પૂરી કરવા કરતાં અધિક જરૂરી છે. શરીરની સ્વસ્થતા તરફ એ હંમેશાં ધ્યાન આપે છે. કલાકારની કલાસાધના વ્યક્તિના પોતાના એકાંતનું પાપ હોવું જોઈએ. સાહિત્યના સંબંધો કરતાં વિશેષ મહત્ત્વ એ દોસ્તાનાને આપે છે. એટલે જ એના ઘણા ખરા મિત્રો સાહિત્યિકો નથી. કેટલાકને તો ખબર પણ નથી કે એ કંઈક લખે

પણ છે...

અને ક્યારેક પાઈપ પીતાં પીતાં એ વિચારે છે: બક્ષી લખે છે શા માટે? આ પરિશ્રમ, આ સાધના, આ વર્ષોથી આંખો બાળવાની મજૂરી? કદાચ થોડા પૈસા, થોડું સુનામ, થોડીક કૈફી ગલતફહમીઓ? કદાચ આ બધું જ થોડું થોડું ને...

એની સામે રશિયન બાળકોએ લખેલી કવિતાઓનું એક નાનું પુસ્તક ખૂલી જાય છે. એ વાંચે છે છ વર્ષની એક બેબી નતાશાએ લખેલી એક પક્તિ...

Put your head on my pillow,
And we will see my dream together.

બસ, ચંદ્રકાંત બક્ષીને આ જ કહેવું છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=164368

સૃષ્ટિસર્જનને સમજવા માનવી લાચાર --- ડો. જે. જે. રાવલ

             

                                         
પૃથ્વી પર વિવિધ પ્રકારનું જીવન કેવી રીતે ઉત્પન્ન થયું અને વિકસ્યું એ કુદરતની ગહન બાબતને જાણવી બહુ અઘરી છે.
બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ


પૃથ્વી પર આપણી આજુબાજુ કેટલીયે જાતનું જીવન છે. માનવીઓ, તેમાં પણ સ્ત્રી અને પુરુષ, જાનવરો-ઘોડા, ઘેટાં, બકરી, ગાય, ભેંસ, જંગલમાં વસતાં પ્રાણીઓ વાઘ, સિંહ, ચિત્તા, રીંછ, હરણ વગેરે. પંખીઓ-ચકલી, મોર, પોપટ, કાબર, ટીટોડી વગેરે અને વૃક્ષો, જાત-જાતના જીવ-જંતુઓ, ફળો-કેરી, કેળાં, પેરુ, સફરજન વગેરે. તો આપણને થાય કે પૃથ્વી પર જીવન કેવી રીતે ઉત્પન્ન થયું હશે? આ બધા જીવોના મૂળ જનક કોણ? શું દરેક જાતિના અલગ અલગ જનક હશે? વિજ્ઞાનીઓ કહે છે કે છેવટે એમિનો એસિડ-કાર્બોહાઈડ્રેટ જીવનનું મૂળભૂત તત્ત્વ છે.

રપ વર્ષ પહેલાં એમ મનાતું કે વૃક્ષો-વનસ્પતિમાં જીવ નથી. તે સજીવ નથી. પણ આપણા ભારતીય વિદ્વાન જગદીશચંદ્ર બોઝે દર્શાવ્યું કે વનસ્પતિ સજીવ છે. લોકો માને છે કે વૃક્ષો બિચારાનું જીવન આપણા જીવન કરતાં ઊતરતું છે. આપણું જીવન ઊંચું. આપણે પોતે પોતાને ઉચ્ચ માનીએ છીએ. વાસ્તવમાં વૃક્ષોનું જીવન આપણા જીવન કરતાં ઊંચું છે, કારણ કે તેમને તેમના ખોરાક માટે આપણે કરીએ છીએ તેવી રઝળપાટ કરવી નથી પડતી. તે પોતાની જગ્યાએ જ રહીને ખોરાક-પાણી મેળવી શકે છે. તેમને કોઈ પ્રકારની અપેક્ષા નથી.

વૃક્ષોને થાય કે તેમનું જીવન પથ્થર કરતાં ઊંચું છે. પણ પથ્થરને તો ખાવાની પણ જરૂરિયાત નથી. માટે પથ્થરનું જીવન વૃક્ષો કરતાં પણ વધારે ઊંચું ગણાય. હકીકતમાં બ્રહ્માંડમાં કોઈ વસ્તુ નિર્જીવ નથી. બ્રહ્માંડની દરેક વસ્તુને પોતપોતાને જીવનનો એક સ્તર હોય છે. રસપ્રદ વાત એ છે કે નિર્જીવ દેખાતી વસ્તુ જ સજીવને ઉત્પન્ન કરે છે. પૃથ્વી, માટી-પથ્થરનો ગોળો નથી. જો એ માટી-પથ્થરનો ગોળો હોય તો સૂર્યને પણ નિર્જીવ કહેવો પડે. મંદાકિનીને નિર્જીવ કહેવી પડે, પૂરા બ્રહ્માંડને નિર્જીવ કહેવું પડે. હકીકતમાં પૂરા બ્રહ્માંડનો દરેક પદાર્થ છેવટે ઈલેક્ટ્રોન-પ્રોટોન-ક્વાર્કસ-હિગ્ઝ-ઓઝોન અને ચેતનાનો બનેલો છે. ચેતના દરેકેદરેક વસ્તુમાં છે. દરેકેદરક અણુમાં ઈલેક્ટ્રોન્સ અણુની નાભિની ફરતે ફરે છે. બ્રહ્માંડની દરેક વસ્તુ અણુઓની બનેલી છે. છેવટે બધું એકરૂપ છે. તો થાય કે જીવન શું છે? જીવનની વ્યાખ્યા બહુ વિસ્તૃત છે. ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે કોઈ યોગ્ય કારણ વગર પથ્થરને પણ ઠેસ મારતા નહીં. આ શું સૂચવે છે? આ સૂચવે છે કે બ્રહ્માંડની દરેકેદરેક વસ્તુ જીવંત છે.

આપણા ઋષિ-મુનિઓએ યથાર્થ જ કહ્યું છે કે વસુધૈવ કુટુંબકમ્! પૂરી વસુધા આપણું કુટુંબ છે. તેમણે આગળ એમ પણ કહ્યું છે કે યત્ર વિશ્ર્વં ભવતિ એક નીડમ્! એટલે કે પૂરું બ્રહ્માંડ એક માળો છે. માળો માત્ર તણખલા નથી પણ તેમાં હૂંફ છે. આપણા ઋષિ-મુનિઓએ બ્રહ્માંડની સ્થાવર-જંગમ પશુ-પ્રાણી-પંખી-માનવી બધાનું સરખું જ કલ્યાણ ઇચ્છ્યું છે. શાંતિ સુક્તમાં ઋષિઓ કહે છે કે અંતરીક્ષ, પૃથ્વી, વનસ્પતિ, પાણી બધાને શાંતિ થાય, કારણ કે આ બધા સજીવો છે. આ બધા પંચમહાભૂતો છે જેમાંથી બ્રહ્માંડ રચાયું છે. હવે વિજ્ઞાનીઓ આ પંચમહાભૂતોને ખૂબ ઊંડાણથી સમજ્યા છે. આ પંચમહાભૂતોને શાંતિ હોય તો આપણને પણ શાંતિ હોય.

જીવન મૂળભૂત ઊર્જાની દેન છે. સૂર્યની ઊર્જા પૃથ્વી પર પડે છે તેમાંથી જે કેમિસ્ટ્રી ઉત્પન્ન થાય છે તે જ કેમિસ્ટ્રીએ આપણને બનાવ્યા છે. દરેક ગ્રહ પર પૃથ્વી છે, જમીન છે,અંતરીક્ષ છે, અગ્નિ છે. આમ દરેક ગ્રહની પાસે ત્રણ મહાભૂતો તો છે જ. આપણા જેવું જીવન ઉત્પન્ન કરવા તેને બીજાં બે મહાભૂતો જળ અને વાયુની જરૂર છે. જળ અને વાયુ હકીકતમાં એક જ મહાભૂતનાં બે અંગો છે. જો ગ્રહને વાયુમંડળ હોય તો તેમાં જળ પણ સમાયેલ જ છે. આ વાયુમંડળ ગ્રહના પેટાળમાંથી આવે છે. ગ્રહના પેટાળમાંથી વાયુમંડળમાં આવેલી વરાળ ઠંડી પડે છે ત્યારે તે ગ્રહ પર વરસાદરૂપે પડે છે. જેથી ગૃહ પર વનસ્પતિ ઉત્પન્ન થાય છે જે વાયુમંડળમાં ઓક્સિજન ઉત્પન્ન કરે છે. આમ ગ્રહ જીવનથી ભરપૂર બને છે. પૃથ્વી પર જે જીવન બન્યું છે તે એરકન્ડિશન્ડ માહોલમાં બન્યું નથી પણ ગ્રહ જ્યારે વિકરાળ અવસ્થામાં હતો. ખૂબ ગરમ અને ભયંકર અમોનિયા, કાર્બનડાયોક્સાઈડ, સલ્ફરડાયોક્સાઈડ, નાઈટ્રોજનથી ઘેરાયેલો હતો જેમાં ભયંકર વીજળી ઝબૂકતી હતી તે અવસ્થામાં હતો ત્યારે પૃથ્વી પર પ્રાથમિક જીવનરસ ઉત્પન્ન થયો છે. બહારથી ધૂમકેતુઓ, ઉલ્કાઓ અને લઘુગ્રહો દ્વારા પણ કદાચ પૃથ્વી પર જીવનનું આરોપણ થયું હોય.

હેન્રી મિલર અને હેરોલ્ડ યુરી નામના બે વિજ્ઞાનીઓએ પ્રયોગશાળામાં પૃથ્વી જન્મી ત્યારનો માહોલ ઉત્પન્ન કર્યો અને તે પ્રયોગના પરિણામે જીવનરસ ઉત્પન્ન થયો હતો. રુસી વિજ્ઞાની એપટીન અને ભારતીય-અંગ્રેજ વિજ્ઞાની હલધને આવો પ્રયોગ ઉપરોક્ત વિજ્ઞાનીઓ પહેલાં કર્યો હતો. એપટીન અને હલધન એ જોવા માગતા હતા કે આપણા મૂળભૂત વડવા કોણ છે? પૃથ્વી પર જીવન છે, કારણ કે પૃથ્વી પર વાયુમંડળ છે. પૃથ્વી પર વાયુમંડળ છે, કારણ કે તેનું ગુરુત્વાકર્ષણ એટલું છે કે તે વાયુમંડળને તેની ફરતે જકડી રાખી શકે છે. ચંદ્ર કે બુધ પર વાયુમંડળ નથી, કારણ કે, તેમનું ગુરુત્વાકર્ષણ એટલું સશક્ત નથી કે તે વાયુમંડળને પોતાની તરફ જકડી રાખી શકે. શુક્ર ગ્રહ સૂર્યની નજીક હોવાથી તેમાંથી કાર્બનડાયોક્સાઈડ અને સલ્ફરડાયોક્સાઈડ ખૂબ બહાર પડ્યાં. શુક્રનું ગુરુત્વાકર્ષણ, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ જેટલું જ છે પણ આ વાયુઓ શુક્રને ઘેરી વળ્યાં છે. તેના વાતાવરણને પૃથ્વીના વાતાવરણ કરતાં ૧૦૦ ગણું ઘટ્ટ બનાવી રાખ્યું. આ વાયુઓ ગ્રીનહાઉસ વાયુઓ હોઈ સૂર્યની ગરમીને શોષતા જ રહ્યા અને શુક્ર પર ઉષ્ણતામાન પ૦૦ અંશ સેલ્સિયસ બનાવી રાખ્યું છે. ઉપરોક્ત કારણોસર અને પરિસ્થિતિમાં બુધ, ચંદ્ર અને શુક્ર પર જીવન ઉત્પન્ન થયું નથી.

મંગળ પર પરિસ્થિતિ થોડી જુદી છે. ભૂતકાળમાં મંગળ પર વાયુમંડળ હતું. મંગળ પર પાણી હતું. મંગળ પર નદી વહેતી હતી, તળાવો, સરોવરો અને સમુદ્રો હતા. પણ મંગળનું ગુરુત્વાકર્ષણ નબળું હોઈ તેનું વાયુમંડળ અંતરીક્ષમાં પલાયન થઈ ગયું. વાયુમંડળ નહીં રહેવાથી, વાયુનું દબાણ ઘટી ગયું અને તેથી મંગળ પરનું પાણી ઊકળી ઊકળી અંતરીક્ષમાં ઊડી ગયું અને મંગળ પર પાંખું વાયુમંડળ રહ્યું. પૃથ્વી પર છે તેનાથી લગભગ ૧૦૦ ગણું પાંખું વાયુમંડળ મંગળ પર રહી ગયું અને મંગળની ધરતીમાં થોડું પાણી રહ્યું.

આપણી સૂર્યમાળાના ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચૂન જેવા ગ્રહો સૂર્યથી દૂર જન્મ્યા માટે મોટા રહ્યાં અને વાયુથી ઘેરાયેલા રહ્યાં. તેના વાયુમંડળમાં સૂક્ષ્મ જીવજંતુઓ હોવાની શક્યાતા છે. આપણી ગ્રહમાળામાં આપણા જેવું જીવન માત્ર પૃથ્વી પર જ છે.

આપણી આકાશગંગામાં જ પ૦૦ અબજ તારા છે. તેમાંથી પ૦ ટકા સૂર્ય જેવા છે. જો સૂર્યને ગ્રહમાળા છે અને પૃથ્વી જેવાં ગ્રહ છે તેના પર જીવન છે, તો તે તારાની ગ્રહમાળામાં પણ પૃથ્વી જેવો ગ્રહ હોય અને ત્યાં જીવન હોઈ શકે. બ્રહ્માંડમાં આમ ઘણી બધી જગ્યાએ જીવન હોવાની શક્યતા છે. પણ બીજા તારા આપણાથી એટલા બધા દૂર છે કે તેમને કોઈ પૃથ્વી જેવા ગ્રહો હોય તો તેમની ભાળ કાઢવાનું હાલમાં તો આપણી ક્ષમતામાં નથી. આમ જુઓ તો બ્રહ્માંડમાં જગ્યાએ જગ્યાએ વાયુનાં વાદળો છે જેમાં જીવનરસની હાજરી છે. બ્રહ્માંડમાં જીવન જગ્યાએ જગ્યાએ છે. તે આપણાથી અલગ પ્રકારનું પણ હોઈ શકે જેને આપણે સમજી શકતા ન હોઈએ. માટે બ્રહ્માંડમાં આપણે એકલા છીએ તે માનવાને કોઈ કારણ નથી.

આ વિશાળ વિશ્ર્વમાં ૧૦૦ અબજ મંદાકિનીઓ છે. એક એક મંદાકિનીમાં પ૦૦ અબજ, ૧૦૦૦ અબજ, ર૦૦૦ અબજ તારા છે. વાયુનાં વાદળો છે. ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ અને ધૂમકેતુઓ છે. તો થાય છે કે શું માત્ર પૃથ્વી પરના જીવન માટે જ કુદરતે આટલું વિશાળ બ્રહ્માંડ બનાવ્યું હશે? કુદરત બહુ કરકસરવાળી છે. તે પદાર્થનો આટલો બધો વેડફાટ માત્ર માનવીને ઉત્પન્ન કરવા અને તેને જિવાડવા ન કરે. માટે જગ્યાએ જગ્યાએ જીવન હોવું જોઈએ. માત્ર પૃથ્વી પર જ જીવન હોય તે માનવું વધુ પડતું ગણાય. આપણને ઉત્પન્ન કરવા કુદરતને પૃથ્વી બનાવવી પડી છે. સૂર્ય, તારા મંદાકિની અને પૂરું બ્રહ્માંડ બનાવવું પડ્યું છે. કુદરતને પૃથ્વી પર આપણને બનાવવા સાડાચાર અબજ વર્ષ લાગ્યા છે. બ્રહ્માંડને બનાવવા ૧૩થી ૧૪ અબજ વર્ષ લાગ્યાં છે. હકસલીએ એક વાર કહેલું કે માનવીને બનાવીને કુદરતે પોતાને સમજવાની પ્રક્રિયા શરૂ કરી. આ વિવિધ પ્રકારનું જીવન કેવી રીતે ઉત્પન્ન થયું અને તેનો વિકાસ કેવી રીતે થયો તેવી કુદરતની ગહન બાબતને જાણવી બહુ અઘરી છે.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=95567

શરાબ, સમાજ અને સેવા --- શાહબુદ્દીન રાઠોડ

23-06-2013
શરાબ પીનારો રોડમાં રહે છે ને વેચનારો કરોડોમાં રાચે.
હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ


જિંદગીમાં બે જ વિકલ્પો અમારી સામે હતા-આત્મજ્ઞાન પ્રાપ્ત કરી પોતાનું જીવન સુધારવું અથવા સમાજને સુધારવામાં જીવન સમર્પી દેવું, અમે સમાજસુધારણાને પ્રાધાન્ય આપ્યું.

સેવાભાવી યુવકોના સહકારથી અમે એક સંસ્થા સ્થાપી, નામ રાખ્યું ‘સંગાથ’ અને ઉદ્દેશ રાખ્યો ‘સાચો રાહ’ અમુક સભ્યોએ સૂચન કર્યું કે આપણું જ્ઞાન ગમે તેટલું મૂલ્યવાન હોય પણ એ જ્યાં સુધી અનુભવની સરાણે ચડી ‘સમજણ’ ન બને ત્યાં સુધી તેનું કંઈ મૂલ્ય નથી.

આ વિધાનનો વિરોધ કરતાં અમુક સભ્યોએ કહ્યું: ‘સાચો રાહ ન બતાવી શકાય તો કંઈ નહીં, ખોટા રાહથી તો સમાજને જાગ્રત કરી શકાય ને?’

દારૂ-જુગાર, હિંસા અને ચારિત્ર્યહીનતા જેવા રસ્તાઓ બેહાલીમાં, બરબાદીમાં, કારમી ગરીબાઈમાં પૂરા થાય છે, જેલમાં, હોસ્પિટલમાં કે ફાંસીને ફંદે પૂરા થાય છે. આવું ન સમજાવી શકાય? પ્રત્યુત્તરમાં અમુક સભ્યોએ કહ્યું: ‘આપણી સમજણ એમને કામ આવશે ખરી?’

મેં આ ચર્ચાનું સમાપન કરતાં કહ્યું: ‘જુઓ, આવી ચર્ચાનો કોઈ અંત જ નથી. આ તો પરાપૂર્વથી ચાલ્યા જ કરે છે. આપણે એટલું જ સમજી લઈએ કે માનવીના માર્ગ પરથી તેની મંજિલ નક્કી થઈ જાય છે. જ્ઞાન વગરનું કર્મ અને કર્મ વગરનું જ્ઞાન બંને વ્યર્થ છે. આપણે બંનેને પ્રાધાન્ય આપવાનું છે. આપણાં ઘરો સાફ કરવાં શેરીની ગંદકીઓ દૂર કરવી, રોજ તળાવે જઈ સ્નાન કરવું, કપડાં હાથે ધોઈ નાખવાં, ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવી, કોઈ બીમારને દવાખાને પહોંચાડવા... આવાં કાર્યો કરવામાં ક્યાં મોટી સમજણની જરૂર છે?’

એ પછી તો ઘણી ચર્ચા થઈ. કરી શકાય એવાં ઘણાં કાર્યોનાં સૂચનો થયાં. સૌનો અભિગમ હકારાત્મક રહ્યો. સૌનાં મન ઉત્સાહથી કંઈક કરી છૂટવાની ભાવનાથી ભરાઈ ગયાં.

અમે પ્રથમ પ્રાધાન્ય આપ્યું વ્યસનમુક્તિને. ગામનો એક પછાત વિસ્તાર પસંદ કર્યો. ત્યાં સત્સંગસભાનું આયોજન કર્યું. સ્થળ, સમય, વક્તાઓ બધું નક્કી કરવામાં આવ્યું. સત્સંગસભાનો જોરજોરથી પ્રચાર કરવામાં આવ્યો.

સમાજઉત્કર્ષ અભિયાનનો એ શુભ દિન આવી ગયો. અમે નિશ્ર્ચિત સમયે ત્યાં પહોંચી પણ ગયા. સભાનો સમય થયો પણ હાજરી કંગાળ હતી. એક ટેબલ અને બે ખુરશીની વ્યવસ્થા થઈ. એમાં એક પર તો જેની હતી તે બેસશે એવી શરતે મળી હતી. એક પર મારે બેસવાનું હતું.

જે ઓટા આગળ અમારી સભા હતી તેના પર બેસનારા નિવૃત્ત વૃદ્ધો મનેકમને સામે આવી બેઠા. કોઈ પ્રોગ્રામ સમજી થોડા યુવાનો આવ્યા. બધું પત્યા પછી પ્રસાદ વહેંચાશે એ ગણતરીએ બાળકો સામે બેઠાં. બે માજી તો ભેંસ ખરીદવા માટે લોન મળશે કે નહીં? એટલું જ જાણવા આવ્યાં હતાં.

ગમે તેવાં સારાં કાર્યો કરો, સમાજને તેની કાંઈ પડી નથી. આવી ટીકા અમારા યુવાનો કરવા લાગ્યા. સમય થયો ત્યારે અમે તો સભા શરૂ કરી. પ્રાર્થના, સત્કાર, સ્વાગત, ફૂલહાર જે અમે જ સાથે લાવ્યા હતા તે પહેરાવવામાં આવ્યાં. ત્યાર બાદ વક્તાઓએ પોતાનાં પ્રવચનો રજૂ કર્યાં. કોઈએ અજ્ઞાનતા, કોઈએ ગરીબી, કોઈએ ગંદકીને સમાજનાં પતનનાં કારણો ગણાવ્યાં, વ્યસન, વાસના, ક્રોધ અને પ્રલોભનના પણ ઉલ્લેખો થયા, પણ વાત ખીલે બંધાતી નહોતી. કોઈ માહોલ ઊભો જ ન થયો. ત્યાં મારા નામની જાહેરાત થઈ. એટલી વારમાં આખો ચોક ધીરે ધીરે ભરાઈ ગયો. હું પ્રવચન કરવા ઊભો થયો. મેં કહ્યું: ‘મિત્રો, આપણે સુખી છીએ કે દુ:ખી?’ સૌએ કહ્યું: ‘દુ:ખી.’ સભામાં કાંઈક ઉત્તેજના આવી એટલે મેં ભગવાન બુદ્ધની વાત મારા શબ્દોમાં રજૂ કરી પ્રશ્ર્નો પૂછ્યાં. જો દુ:ખ હોય તો દુ:ખને કારણ હોય ખરું? કારણ હોય તો નિવારણ હોઈ શકે ખરું? અને નિવારણ હોય તો દુ:ખમાંથી મુક્તિ મળી શકે ખરી? બધા પ્રશ્ર્નોના ઉત્તરો ‘હા, હા, હા’માં મળ્યા. ‘તો પછી આજે આપણે માત્ર આપણાં દુ:ખો વિશે અને તેના નિવારણ અંગે ભેગા થઈ વિચારીશું મિત્રો, આપણાં દુ:ખનાં ઘણાં કારણો છે, પણ તેમાંનું એક કારણ છે, વ્યસન અને વ્યસનમાં પણ દારૂ.’ આવું સાંભળીને પીનાર હતા એ શરમમાં નીચું જોઈ ગયા. મેં કહ્યું: ‘શરમાવાની જરૂર નથી. માત્ર વિચારો. શરાબીઓની બાદબાકી અને શરાબ વેચનારાઓની આબાદી વિશે.

શરાબીઓ પાસે રહેવા સારું મકાન નથી. તેમના પરિવાર માટે પૌષ્ટિક ભોજન નથી. તેમનાં બાળકોનાં શરીર પર પૂરતાં વસ્ત્રો પણ નથી. તેમના શિક્ષણની કોઈ સુવિધા નથી. જ્યારે શરાબ વેચનારાઓ આલીશાન બંગલામાં રહે છે. તેમનાં બાળકો કીમતી યુનિફોર્મ પહેરી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોમાં ભણે છે. ઉત્તમ પ્રકારના ભોજનનો આ લોકો આસ્વાદ માણે છે, મોટરોમાં ફરે છે, ફિલ્મો જુએ છે અને જીવનનો આનંદ માણે છે. આ બધું કોના ભોગે? તમારા ભોગે... મેં કહ્યું: ‘તમારે આ બધું મેળવવું હોય તો માત્ર એક નાનું કામ કરવું પડશે. કરશો?’ હા. સૌએ એકસાથે જવાબ આપ્યો. મેં કહ્યું: ‘તો આજથી દારૂનું વ્યસન છોડી દો. અત્યારે જ ગજ્ઞૂ જ્ઞિ ક્ષયદયિ. સભા શાંત થઈ ગઈ. પીનારા ડઘાઈ ગયા. આવો અચાનક હુમલો આવશે તેની કોઈને કલ્પના પણ નહોતી. છેવટે મારા સ્નેહી પ્રીતમલાલ ઊભા થયા. આંખમાં આંસુ સાથે તેમણે કહ્યું: ‘હું આજથી દારૂ છોડી દઉં છું’ પ્રીતમલાલનું આટલું જ વાક્ય સાંભળતાં જ ચારે તરફથી તેમના પર પ્રશંસાનાં પુષ્પોની વૃષ્ટિ થઈ. ચારે તરફથી અભિનંદનનો વરસાદ વરસ્યો, આખી સભા પ્રીતમલાલ સન્માન સમારંભમાં બદલાઈ ગઈ. હું પણ પ્રીતમલાલને ભેટી પડ્યો. તેમને બિરદાવ્યા અને તેમના માનમાં એક રમૂજ પ્રસંગ મેં રજૂ કર્યો. (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=95557

મીઠું બોલવું કે સાચું બોલવું? --- શાહબુદ્દીન રાઠોડ

‘સત્ય પ્રિય પણ નથી અને અપ્રિય પણ નથી, માનવીના મનની સ્થિતિ પ્રમાણે તેને એ પ્રિય-અપ્રિય લાગે છે’. 
હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ


રાજકોટ ‘અનિલ’માં નવીનકાકાએ મને પૂછ્યું, ‘અધ્યાત્મ અને ધર્મમાં ફેર શો?’ પૂરો પરિવાર સાંભળવા માટે ઉત્સુક બની ગોઠવાઈ ગયો.

મેં કહ્યું, ‘આમ તો મારી સમજણ બહારનો પ્રશ્ર્ન છે છતાં હું ઉત્તર આપવા પ્રયાસ કરું.’

ધર્મ એટલે જે સંજોગોમાં, જે સ્થાને, જે સમયે માનવીએ જે ફરજ બજાવવાની હોય તેનું નામ ધર્મ કહી શકાય. યુદ્ધના મેદાન પર એક સૈનિકનો ધર્મ શત્રુની હિંસા કરવાનો હોય છે, સમાજમાં નહીં.

રણસંગ્રામ પર વધુ ને વધુ શત્રુને હણી નાખનારને આપણે વધુ ને વધુ માનસન્માન આપીએ છીએ- વીરચક્ર, પરમવીરચક્ર વગેરે, પરંતુ સમાજમાં કોઈનું ખૂન કરવામાં આવે તો ફાંસી સુધીની સજા કરવામાં આવે છે. અધ્યાત્મ તો આત્માની ઓળખ છે.

ભગવાન મહાવીર સુંદર ઉદાહરણ આપી આ વાત સમજાવતા.

એક તુંબડા પર માટીમાં પાણી ભેળવી તેનો ગારો બનાવી તેનો એક સ્તર તેના પર ચડાવી સૂકવી નાખવામાં આવે. ગારો સાવ સુકાઈ જાય પછી એ જ રીતે બીજો સ્તર ચડાવવામાં આવે. ફરી ત્રીજો, ચોથો... આમ સ્તર ચડતા જાય સુકાતા જાય અને ત્યાર પછી એ તુંબડાને પાણીમાં નાખી દેવામાં આવે તો તેનું શું થાય ગૌતમ?

ઈન્દ્રભૂતિ ગૌતમે પ્રણામ કરી કહ્યું, ‘પ્રભુ, એ તુંબડું પાણીમાં ડૂબી જાય.’ ભગવાન મહાવીરે ફરી પૂછ્યું, ‘પાણીમાં એ માટીના સ્તરો પલાળ્યા કરે, પલાળ્યા જ કરે પછી શું થાય?’

ગૌતમે પ્રત્યુત્તર આપ્યો, ‘જેમ જેમ સ્તર પલળતા જાય, તેમ તેમ એ તુંબડાથી અલગ પડતા જશે અને છેલ્લે તમામ સ્તરો પલળીને અલગ થઈ જશે ત્યારે તુંબડું ફરી જળ પર તરવા માંડશે.’

આ જ રીતે આત્માના તુંબડા પર કામ- ક્રોધ- લોભ- મોહ- મદ અને મત્સર જેવા દુર્ગુણોના સ્તર જેમ જેમ ચડતા જાય છે તેમ તેમ આત્મા ડૂબતો જાય છે, પરંતુ સત્યના જળનો સંગ થતાં એ સ્તરો પલળીને દૂર થાય છે અને આત્મા ફરી તરવા માંડે છે. આત્માનો સ્વભાવ જ તરવાનો છે. અખો એમ કહેતો કે તુંબડું અંદરથી સુકાય તો તરે અને જે તરી શકે એ જ કોઈને તારી શકે.

મેં સમાપન કરતાં કહ્યું, ‘ભગવાન મહાવીરનું ઉદાહરણ મને ગમે છે એટલે તેનું હાર્દ સચવાઈ રહે તે રીતે મારા શબ્દોમાં રજૂ કરવા મેં પ્રયાસ કર્યો છે.’

જયૂએ પૂછ્યું, ‘તમે જે અધ્યાત્મ વિશે સમજાવ્યું તેની જીવનમાં શરૂઆત ક્યાંથી કરવી?’

મેં કહ્યું, ‘તમારા પોતાના જીવનથી. તમે જે રીતે જીવો છો તેનાથી સારી રીતે જીવી શકાય.’

નવીનકાકા કહે, ‘દાખલા તરીકે?’ મેં કહ્યું, ‘દાખલા તરીકે, આપણે જે ભાષા બોલીએ છીએ તેનાથી સારી ભાષા બોલી શકાય?’

અમુએ કહ્યું, ‘કોઈ પ્રસંગ વર્ણવો તો વધુ મજા આવે.’

મેં વાત શરૂ કરી.

‘ઠાકોરસાહેબ રત્નસિંહજી પોતાની હવેલીના પહેલા માળે આમથી તેમ ફરી રહ્યા હતા. તેમનું સ્થૂળ શરીર કંઈક મેળમાં આવે એ માટે ઠાકોરસાહેબે થોડો વ્યાયામ શરૂ કર્યો હતો. એમાં મથુરનો દીકરો દામોદર ત્યાંથી નીકળ્યો. તેણે ઠાકોરસાહેબની પ્રવૃત્તિનું પ્રથમ નિરીક્ષણ કર્યંુ અને ખડખડાટ હસી પડ્યો. હસીને હાલતો થઈ ગયો હોત તો પણ વાંધો નહોતો પણ આ તો ત્યાં ઊભો રહી હસતો જ રહ્યો.

ઠાકોરસાહેબનું ધ્યાન ગયું. તેમણે જેસિંહને બોલાવી હુકમ કર્યો. ‘પેલા છોકરાને પકડી અહીં લઈ આવો.’ જેસિંહે દામોદરને પકડ્યો અને ઠાકોરસાહેબ સમક્ષ રજૂ કર્યો. દામોદરને જોતાં જ પ્રશ્ર્નોની ઝડી વરસાવી- ‘શું નામ છે તારું? કોનો દીકરો છો? તને હસવું કેમ આવ્યું? બતાવ મને.’ દામોદર ગભરાઈ ગયો. તેણે પોતાનું નામ, પિતાનું નામ વગેરે કહ્યું, પણ હસવાનું કારણ ન જણાવ્યું. દામોદર એક જ વાત કહેતો રહ્યો: એ હું નહીં બતાવું. ઠાકોરસાહેબે તેને વચન આપ્યું, ‘હું તને કંઈ નહીં કહું. મારે માત્ર તારા હસવાનું કારણ જાણવું છે.’ દામોદર કંઈક હિંમતમાં આવ્યો અને તેણે કહ્યું, ‘માફ કરજો બાપુસાહેબ, ભૂલ થઈ ગઈ, પણ આપનું આવડું મોટું શરીર જોઈ મને વિચાર એ આવ્યો કે આપ પહેલા માળે ગુજરી જાવ તો ઉપરથી નીચે કઈ રીતે ઉતારવા?... અને પછી મારા જ વિચાર પર હું હસી પડ્યો.’ ઠાકોરસાહેબની ભ્રૂકુટિ તંગ થઈ ગઈ. તેમણે કહું, ‘આવો વિચાર કરે છે અને પાછો હસ્યા કરે છે? જેસિંહ, એના બાપને બોલાવી લાવ.’ મથુર ઠાકોરસાહેબ સમક્ષ હાજર થયો. ઠાકોરસાહેબે તમામ વિગત મથુરને જણાવી પૂછ્યું, ‘આવો અક્કલહીન છે તમારો પુત્ર? આવા સંસ્કારો આપો છો?’ મથુર કહે, ‘બાપુસાહેબ, માફ કરજો. છોકરું છે. એને શી ખબર પડે? પણ એ છે અક્કલમઠો, તેનામાં બુદ્ધિ નથી. બાપુસાહેબ એને એટલું ન સૂઝ્યું કે આપ ગુજરી જાવ તો આપના બે ભાગ કરી એક પછી એક ન ઉતારી લેવાય?’

ઠાકોરસાહેબે મથુરને એક અડબોથ વળગાડી. તે પડ્યો દામોદર માથે એને હુકમ કર્યો જેસિંહને કે મથુરના બાપને બોલાવો.

મથુરના બાપ પીતાંબર ડોસાને બાપુ સમક્ષ હાજર કરવામાં આવ્યા. દામોદર-મથુરના જવાબો જણાવવામાં આવ્યા અને ઠપકો આપવામાં આવ્યો કે આવા સંસ્કારો સંતાનોને આપ્યા છે? પીતાંબરબાપાએ પરિસ્થિતિનો કયાસ કાઢી વિચારીને કહ્યું, ‘બાપુસાહેબ, આ મારો વસ્તાર છે. આ બાપ-દીકરામાં બુદ્ધિનો છાંટો નથી એ હું સમજું છું. મૂરખાઓને એટલી સમજણ ન પડી કે આપના ગુજરી ગયા પછી આ હવેલી રાખીને શું કરવી છે? એમાં જ સીધી દીવાસળી ન મુકાય? ચિતાનાં લાકડાં ખડકવાની તો માથાકૂટ નહીં... પણ બાપુ, સમજણ વગર બધું નકામું છે.’

બાપુએ પીતાંબરબાપાની અવસ્થાનો ખ્યાલ કરી માત્ર ધક્કો જ માર્યો અને એ પડ્યા મથુર માથે. કોઈ શિક્ષા ન કરી પણ બે દિવસ સુધી ત્યાં ને ત્યાં ભૂખ્યા-તરસ્યા બેસાડી રાખ્યા. ત્રણેએ નક્કી કર્યંુ કે જીવનમાં વિચારો ગમે તેવા આવે પણ કોઈની વિરુદ્ધના હોય તો આ રીતે પ્રગટ ન કરવા. એટલે જ ભગવાન બુદ્ધ કહેતા: સત્ય બોલવું પણ અપ્રિય સત્ય ન બોલવું.

ત્યાં રમાકાકીએ જણાવ્યું, ‘રસોઈ તૈયાર થઈ ગઈ છે, આવો જમવા.’ મેં કહ્યું, ‘બસ, આવું પ્રિય સાચું બોલવું.’ અને બધા ખડખડાટ હસી પડ્યા. જમતાં જમતાં અને જમ્યા પછી પણ થોડી વાર અમારી ચર્ચા ચાલુ રહી. વિષય હતો, ‘સત્ય પ્રિય છે કે અપ્રિય?’

મેં કહ્યું, ‘સત્ય પ્રિય પણ નથી અને અપ્રિય પણ નથી, માનવીના મનની સ્થિતિ પ્રમાણે તેને એ પ્રિય-અપ્રિય લાગે છે.’

બળાત્કારના કેસમાં મેજિસ્ટ્રેટ ગુનેગારને જનમટીપની સજા કરે તો ગુનેગાર અને તેના કુટુંબીજનોને અપ્રિય લાગશે એ જ ચુકાદો બળાત્કારનો ભોગ બનનાર યુવતીને કે તેના પરિવારજનોને પ્રિય પણ લાગે.

એક વાર એક કેસમાં એક વકીલે વિચિત્ર દલીલ કરી. તેણે કહ્યું, ‘મારા અસીલે ગુનો કર્યો જ નથી, જે ગુનો કર્યો છે તે તેના જમણા હાથે કર્યો છે. નામદાર કોર્ટ સજા કરવા ઈચ્છતી હોય તો તેના જમણા હાથને કરવી જોઈએ.’

મેજિસ્ટ્રેટસાહેબે વિચારીને ચુકાદો આપ્યો. તેમણે જણાવ્યું, ‘ગુનેગારના જમણા હાથને બે વર્ષની સજા ફરમાવવામાં આવે છે. ગુનેગારે જમણા હાથ સાથે ભોગવવી કે ન ભોગવવી એ એની મરજી પર છોડી દેવામાં આવે છે.’

ચુકાદો સાંભળી ગુનેગાર ખુશ થયો. તેણે સ્ક્રૂ ખોલી ખોટો જમણો હાથ ટેબલ પર મૂક્યો અને વિદાય થયો. ગુનેગાર અને તેના વકીલને ચુકાદો પ્રિય લાગ્યો. સાહેબને અપ્રિય લાગ્યો.

ધર્મ માને છે:

Action is judged by the intention.

કાયદો માને છે:

intention is judged by the action.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=101054

Wednesday, June 17, 2015

શિક્ષણ આપવાની જવાબદારી શિક્ષકની કે માબાપની --- સૌરભ શાહ

સ્કૂલો ખૂલી ગઈ છે અને વૉટ્સઍપ ફરતા થઈ ગયા છે: બગીચાનાં ફૂલો પાછા બુકેમાં ગોઠવાઈ જશે...

બર્ટ્રાન્ડ આર્થર વિલિયમ રસેલને ૧૯૫૦માં સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું પણ મૂળભૂત રીતે તેઓ મેથેમેટિશ્યન અને ફિલોસોફર. વિજ્ઞાન, ધર્મ અને સમાજ વિશે ખૂબ ચિંતન કર્યું. શિક્ષણ વિશે પણ. 

‘ઑન એજ્યુકેશન: એ સ્પેશ્યલ ઈન અર્લી ચાઈલ્ડહૂડ’ એમનું વિશ્ર્વ પ્રસિદ્ધ પુસ્તક. પહેલવહેલીવાર ૧૯૨૬માં છપાયું. અલમોસ્ટ એક સદી પહેલાં. એમાંના વિચારો આજે પણ મૉડર્ન લાગે. 

પુસ્તકમાંના વિચારોનો સાર ચૅપ્ટરવાઈઝ જોતાં જઈએ. પ્રસ્તાવનામાં બર્ટ્રાન્ડ રસેલ કહે છે કે દરેક માબાપને બાળકના શિક્ષણની ચિંતા હોવાની, શિક્ષણ પદ્ધતિમાં રહેલી ખામીઓ વિશે પણ ફિકર હોવાની. ઈચ્છા અને સગવડ હોય તો બાળકને ઘરે ભણાવી શકાય પણ એમાં ફાયદાઓની સાથે સૌથી મોટું નુકસાન એ થઈ જાય કે તમારું બાળક એની ઉંમરનાં બીજાં બાળકોથી વિખૂટું પડી જાય અને જ્યારે એ બીજાઓ સાથે હળેમળે ત્યારે એને પોતે કંઈક જુદું છે એવી કૉન્શ્યસનેસ સતત રહેવાની. એજ્યુકેશન સિસ્ટમમાં માબાપ પોતે ધારે છે એવો સંપૂર્ણ બદલાવ ક્યારેય શક્ય નથી બનવાનો, કારણ કે એ વિશે એકમતી સાધવી અશક્ય છે. દરેક માબાપને પોતપોતાના આગ્રહો હોવાના. આ તમામ આગ્રહોનો સમાવેશ કરતી શિક્ષણ પદ્ધતિ ક્યારેય શક્ય બનવાની નથી. માટે જ બાળકને ભણાવવા માબાપે પોતે સજ્જ થવું પડે, બાળકને સજ્જ કરવું પડે અને એ માટે કેટલીક પાયાની વાતો સમજી લેવી પડે. 

શિક્ષણનો પાયાનો હેતુ શું? બે. એક તો, બાળકના દિમાગને ખુલ્લું બનાવે. એને દરેક દિશામાં વિચારતું કરે. અને બે, બાળક મોટું થાય એ પછી એને પોતાની રીતે કમાવાની વધુમાં વધુ તક મળે. બાળક દરેક પ્રકારની ચિંતાઓથી, દરેક પ્રકારના ડરથી મુક્ત બને એ જ શિક્ષણનો હેતુ હોવો જોઈએ. આ હેતુ પાર પડે એ માટે શું કરવું પડે? 

સૌથી પહેલાં તો બાળકનું ચારિત્ર્ય ઘડવું પડે. ચારિત્ર્યઘડતર એટલે શિશુ અવસ્થાથી જ બાળકને એવી ટેવો પડે જે એના તનને અને મનને હેલ્થી બનાવે. એનામાં ખાવાપીવાની સારી આદતો કેળવાય. એની શારીરિક એનર્જીને ભાંગફોડિયા પ્રવૃત્તિને બદલે મેદાની રમતગમતો તરફ વાળી શકાય. બાળક સાવ નાનું હોય ત્યારે એને સુવડાવવા માટે હાથમાં લઈને ઝુલાવવાને બદલે કે એની પીઠ થાબડવાને બદલે કે એના માથા પર હાથ ફેરવીને એેને ઉંઘાડવાની કોશિશ કરવાને બદલે એને ચોખ્ખી પથારીમાં સુવડાવીને થોડીક મિનિટોમાં જ એનાથી દૂર થઈ જવું. લાડપ્યાર કરવાની હોંશમાં આપણે સંતાનની આદતો બગાડતા હોઈએ છીએ. એકલું પડી જશે એવા ડરથી આપણે એને ખોટી ટેવ પાડીએ છીએ. ઊંઘ આવશે એટલે એ સૂઈ જવાનું જ છે. તમે એને વહાલ નહીં કરો તો પણ એ સૂઈ જશે. બાળકને સ્વતંત્ર બનાવવાની દિશામાં માબાપે આ પ્રથમ પગલું ભરવું જોઈએ. 

બે-ત્રણ મહિનાનું બાળક સ્મિત કરતાં શીખે છે. માતા સાથેનો સંબંધ સ્થપાય છે. માને જોતાં જ બાળકના હાવભાવ પલટાય છે, એના ચહેરા પર ખુશી દેખાય છે. હવે એ નવી નવી ચીજવસ્તુઓને પકડવાની કોશિશ કરે છે, ભાંખોડિયા ભરતું થઈ જાય છે, ડગુમગુ ચાલવાની, ઊભા રહેવાની, બૅલેન્સ જાળવવાની કોશિશ કરે છે. આ ગાળામાં બાળક કંઈક નવું કરે ત્યારે એને એન્કરેજ કરવા તમે શબ્દોથી કે તમારા વર્તનથી વખાણ કરો છો. પણ બાળકને તમારે પ્રોત્સાહન કે વખાણની એટલી બધી જરૂર નથી જેટલું તમે માનો છો. બાળકને નવી નવી વસ્તુઓ શીખવા માટે તક મળે એવી પરિસ્થિતિ સર્જે, એવું વાતાવરણ ઘરમાં બનાવો, એવાં સાધનો એને આપો એટલું પૂરતું છે. તમારા પ્રગટ પ્રોત્સાહન વિના પણ એ શીખવાનું જ છે.

બાળક એક વર્ષનું થઈ જાય ત્યાં સુધીમાં એનું ખાવાપીવાનું રૂટિન સેટ કરી નાખવું જોઈએ. એની છીછીપીપીનો સમય, એનો ઉંઘવાનો સમય નક્કી થઈ

જવો જોઈએ. આ એક વર્ષ દરમ્યાન બાળકને એના પરિચિત વાતાવરણ અને પરિચિત વ્યક્તિઓના સાંનિધ્યમાં રાખવાથી એનામાં ઈમોશનલ સિક્યોરિટી સર્જાય છે. બાળકને ગમે ત્યારે કોઈના ઘરે કે અલગ અલગ વ્યક્તિઓની સંભાળમાં મૂકી દેવાથી એ મૂંઝાઈ જવાનું. ડરતું થઈ જવાનું. આ સમય છે તમારા સંતાનને બાળક તરીકે નહીં પણ એક એડલ્ટ તરીકે રિસ્પેક્ટ કરવા માટેનો. અત્યારથી જ જો તમે એને એક વ્યક્તિ તરીકે ટ્રીટ કરતાં થઈ જશો તો એ મોટું થઈ જશે ત્યારે તમે એની સ્વતંત્રતાની આડે નહીં આવો. તમને ગલૂડિયાં જેવાં બાળકોની સાથે રમવાની મઝા આવે એ સારી વાત છે. બાળકને પણ તમારી ખુશ જોઈને જાતજાતના નખરાં કરવાનું ગમતું હોય છે. પણ એને એની રીતે એકલાં એકલાં રમવા દો. એની કલ્પનાશક્તિ ખીલે એવાં રમકડાં, એવી પ્રવૃત્તિઓનું વિશ્ર્વ એની સામે ખોલી આપો. એની શારીરિક સ્વસ્થતામાં કોઈ ગરબડ જણાય તો તાત્કાલિક એનો ઈલાજ કરો. માંદલું બાળક માંદલી માનસિકતા સાથે મોટું થવાનું. 

બાળકના આયુષ્યનું બીજું વર્ષ કુટુંબમાં ખૂબ બધી ખુશીઓ લાવતું હોય છે. એ બોલતાં શીખે છે. ચાલવાનું શરૂ કરી દે છે. બાળકને પોતાને આવું કરવામાં પોતાની સ્વતંત્રતાનો અહેસાસ થાય છે, પોતે પણ માબાપની જેમ પાવરફુલ છે એવું એને લાગે છે. એ આસપાસની દુનિયાને નિહાળતું થઈ જાય છે. પંખીઓ, ફૂલ, નદી, મોટરકાર,વરસાદ, હોડી, પ્રાણીઓ જોઈને એનું વિસ્મય અને કૌતુક વધતાં જાય છે. બગીચામાં કે મેદાનમાં કે દરિયાની રેતીમાં ખૂબ લાંબે સુધી દોડાદોડી કર્યા કરતા બાળકને આઝાદીનો અનુભવ થાય છે. હવે એ ધારે ત્યાં જઈ શકે છે, ધારે તે કરી શકે છે. ખાવાની બાબતમાં હવે ઘણી નવી નવી વાનગીઓ ખાઈ શકે એવું પાચનતંત્ર તૈયાર થઈ રહ્યું છે. જિંદગીનાં આવા ઘણા બધા આનંદો માણવા માટે એ આતુર છે, તૈયાર છે. 

નવા વિશ્ર્વની સાથે નવા નવા ડર પણ બાળકના મનમાં પ્રવેશતા થઈ જાય છે. અંધારાનો ડર, પાણીમાં પડવાનો, લસરપટ્ટી પરથી ભમ દઈને નીચે પડવાનો ડર. આમાંના કેટલાક ડર માબાપે જ બાળકમાં આરોપેલા હોય છે. અંધારાનો ડર બાળકોને ત્યારે જ લાગે જ્યારે એણે માબાપ પાસેથી એવી વાતો કે વાર્તાઓ સાંભળી હોય. માબાપને ડર લાગતો હોય છે કે બાળક અંધારામાં જશે તો પડી જશે, એને વાગશે. માબાપે દિમાગમાં ન ભર્યું હોય તો બાળક અંધારાથી ડરતું નથી. 

નાનું બાળક પશુપંખીથી સહેજે ડરતું નથી. પશુપંખી પણ બાળકોથી ડરતાં નથી, મોટા માણસોથી ડરતાં હોય છે એટલે જ ક્યારેક પોતાના બચાવમાં તેઓ માણસો પર હુમલો કરી બેસતા હોય છે. કોઈ પણ ઉંમરનો ડૉગ બાળક સાથે પ્રેમથી રમશે. બાળક એની પૂંછડી, એના કાન ખેંચશે તો પણ એ એને કંઈ નહીં કરે, ઊલટાનું એને સામેથી વહાલ કરશે, કારણ કે એને ખબર છે કે બાળકની આ બધી જેશ્ર્ચર્સ હાર્મલેસ છે. 

સ્વિમિંગ શીખવાડવાની હોંશમાં માબાપ ક્યારેક ઉતાવળ અને અધીરાઈ દેખાડી દે છે. બાળકને સ્વિમિંગ પુલમાં છબછબિયાં કરવા દો. પાણીના ટેમ્પરેચર સાથે એડજસ્ટ થવા દો. એની મેળે એ ધીમે ધીમે પાણીમાં ઊતરતું થઈ જશે. આ કે આવું કશું પણ શીખવવા માટે ધીરજ રાખવી પડે. બીજાઓ કરે છે તો તારે પણ કરવું જ જોઈએ એવી જીદ નહીં રાખવાની. બીજાઓ કરતાં બે વસ્તુ મોડી શીખશે તો કંઈ એ મંદબુદ્ધિ પુરવાર નથી થવાનું. 

આ ઉંમરે બાળકને ખરેખરા જોખમથી ચેતવવું પડે. બે વર્ષની ઉંમરે એ તો દોડી જવાનું છે રસ્તો ઓળંગવા. પણ આવતી જતી કાર્સના જોખમનો અંદાજ માબાપે આપવો પડે. કાચની ચીજ હાથમાંથી પડશે તો એ તૂટી જવાની છે, (સેલફોન ભોંય પર પછડાશે તો નુકસાન થવાનું છે) એવી એવી વાતો માબાપે શીખવવી પડે. બાળકને ડરપોકપણામાંથી મુક્તિ અપાવવી અને વ્યવહારુ જોખમોની જાણકારી આપવી - માબાપે આ બેઉ કામ બાળકની આ ઉંમરે કરવાના હોય છે. 

ત્રણ વર્ષની ઉંમરે બાળકોને પ્રવૃત્તિ કરવી અને પ્રવૃત્તિ જોવી ખૂબ ગમતું હોય છે. રસ્તો ખોદાતો હશે તો એ જોવા ઊભું રહી જશે, મમ્મી રસોડામાં કામ કરતી હશે તો એને પણ રસોઈ કરવાનું મન થશે. બાળકની કલ્પનાશક્તિ ખીલે એના માટે આવી તમામ પ્રવૃત્તિઓ કરવી કે જોવી ખૂબ જરૂરી છે. 

ત્રીજા-ચોથા વર્ષે બાળકમાં ક્ધસ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ વૃત્તિઓ જન્મવા માંડે છે. રેતીનો કિલ્લો બાંધવાની એની જેટલી મઝા આવે છે એટલી જ મઝા કોઈ રમકડું તોડીને એની અંદરના સ્પેરપાર્ટ્સ છૂટાં કરી નાખવાની આવે છે. બાળકની આ વૃત્તિને સંતોષવા એને એવાં રમકડાં આપવા જેના ભાગ એ છૂટા કરીને જાતે જ પાછા જોડી પણ શકે (હવે તો લૅગૉ જેવી બીજી કેટલીય રમકડાં પ્રવૃત્તિ બાળકો માટે મળે છે)

ચારેક વર્ષે બાળકમાં માલિકીભાવ જન્મે છે. સ્વાર્થવૃત્તિ એને કારણે જ આવે છે. મારું રમકડું હું કોઈને રમવા નહીં આપું. સાથે સાથે એ પોતાના નાના ભાઈ કે બહેનને, આ જ પઝેસિવનેસને કારણે પ્રોટેક્ટ કરતું પણ થઈ જાય છે. માબાપ જ બાળકને સમજાવી શકે કે કઈ બાબતમાં પઝેસિવનેસ સારી અને ક્યાં માલિકીભાવની જરૂર નથી. 

હવે બાળકને સાચું બોલતાં શીખવવાનું છે. બાળક ડરને કારણે ખોટું બોલતા શીખે છે. માત્ર બોલતાં જ નહીં, સાચું વિચારતાં શીખવવાનું હોય છે. બાળકના ચારિત્ર્યઘડતરનો આ એક મોટો હિસ્સો હવે તમે બાળકને પનિશમેન્ટ આપી શકો છો. પણ એ સજા એણે કરેલા ખોટા કામના પ્રપોર્શનમાં હોવી જોઈએ. અન્યથા સજાના ડરથી એ વધારે ખોટું બોલવાનું શરૂ કરશે. કોની સાથે કેવી રીતે બીહેવ કરવું એની સૂચના એવું વર્તન થાય (કે ન થાય) ત્યારે જ આપી દેવાની. 

હવે બાળક ઘરની બહાર નીકળીને બીજાં બાળકો સાથે શિક્ષણ પામવા તૈયાર થઈ ગયું છે. શિક્ષણના પાયાના પાઠ માબાપે જ ભણાવવાના હોય, શિક્ષક પર એ જવાબદારી ઢોળી દેવાની ના હોય. આવતી કાલે પૂરું. 

આજનો વિચાર

હૃદયની કેળવણી વિના માત્ર દિમાગને કેળવવું એને શિક્ષણ ન કહેવાય. 

- એરિસ્ટોટલ 
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=165358#


બાળકને માબાપ તરફથી મળતી શ્રેષ્ઠ ભેટ કઈ

બાળક નર્સરી, પ્લે ગ્રુપ કે કે.જી.માં જતું થાય ત્યારે બીજા અનેક અજાણ્યા ચહેરાઓ સાથે એનો સંપર્ક થવાનો છે. ઘરમાં હોય છે ત્યારે જો મોટાં ભાઈ-બહેન કે કાકા-મામાનાં છોકરાં કે અડોશ-પડોશનાં છોકરાં સાથે એણે ભળવાનું હોય છે. હવે અપરિચિતો સાથે રોજ થોડાક કલાક ગાળવાના હોય છે. અત્યાર સુધીનો તમારો ઉછેર નક્કી કરશે કે તમારું બાળક અતડું રહેશે, શરમાળ હશે, ડોમિનેટિંગ બનશે, સબમિસિવ બનશે કે પછી ફ્રેન્ડલી બનશે. સ્કૂલનાં પાછલાં વર્ષોમાં કે કૉલેજનાં વર્ષોમાં તમારા બાળકની સોશ્યલ એક્સેપ્ટન્સ કેટલી હશે તે અહીં જ નક્કી થઈ જવાની. 

બે-ચાર વર્ષના બાળકને માબાપ કે એમની ઉંમરના બીજાં વડીલો કરતાં પોતાનાથી એક-બે વર્ષ મોટાં બાળકો સાથે રમવાની - હળવાભળવાની વધારે મઝા આવતી હોય છે, એમની પાસેથી એ ઘણું બધું શીખતું હોય છે. પણ તકલીફ એ હોવાની કે તમારા બાળક કરતાં એક-બે વર્ષ મોટાં બાળકોને પોતાના કરતાં એક-બે વર્ષ મોટાં બાળકોની કંપની વધારે ગમતી હોય છે અને એમને એમના કરતાં મોટાં... છેવટે બાળકે પોતાની જ ઉંમરનાં બાળકો સાથે રમવાનું હોય છે. 

બાળકને શિસ્તના પાઠ ભણાવતી વખતે કે એનું ચારિત્ર્યઘડતર કરતી વખતે એને વહાલ અને સહાનુભૂતિની જરૂર પણ છે એ ન ભુલાય. વધુ પડતાં લાડપ્યારથી બાળકને મોઢે ચડાવી નથી દેવું એવી સભાનતા રાખવામાં ક્યાંક એની સાથેનો સ્નેહનો તંતુ તૂટી ન જાય એ ખાસ જોવું જોઈએ. આ ઉંમરે તમે એને જેવી રીતે ટ્રીટ કરશો એ જ રીતે એ મોટું થઈને તમારી સાથે વ્યવહાર કરશે. 

જે માબાપોની ફરિયાદ હોય કે મારું ટીનએજ સંતાન કે મારાં પરણેલાં દીકરી/દીકરા મારી આમન્યા નથી રાખતા, મારી સામે બોલે છે, મારું કહ્યું નથી માનતા એ પેરન્ટ્સે આંતરખોજ કરવી જોઈએ કે એ સંતાનોના બાળપણમાં તમે એની સાથે કેવો વ્યવહાર કર્યો હતો. કપડાં-રમકડાં કે બીજી સગવડો પાછળ જે ખર્ચ કર્યો હોય તે - એની વાત નથી. તમે એના પર ક્યારે ક્યારે ગુસ્સે થયા હતા, ક્યારે તમે એના મૂડ પ્રમાણે વર્ત્યા નહોતા, ક્યારે તમે વગર વાંકે એને પનિશમેન્ટ આપતા હતા, ક્યારે તમે બીજાઓની હાજરીમાં એને ઉતારી પાડતા હતા, ક્યારે તમે એનું આત્મગૌરવ હણાય - એનામાં લઘુતાગ્રંથિ જન્મે એવું વર્તન કરતા હતા. તારામાં તો અક્કલ જ નથી - થી માંડીને બીજાં એવાં કેટકેટલાં અપમાનજનક શબ્દો તમે એને કહ્યા હતા.

બાળક પાછળ પૈસા ખર્ચવા એ તમારી મજબૂરી, જરૂરિયાત, શોખ - બધું જ હોઈ શકે છે. બાળક સાથે સારી રીતે વર્ત્યા હશો તો જ એ મોટું થઈને તમારા એ સદ્વર્તનનો બદલો વાળશે. પુખ્ત વયના થઈ ગયેલા તમારાં સંતાનો વિશે મનમાં (કે કોઈની આગળ) ફરિયાદ કરતાં પહેલાં જરા ભૂતકાળમાં ડૂબકી મારીને જોજો કે તમે કરેલાં ગેરવર્તનનો જ બદલો તો નથી મળી રહ્યોને અત્યારે? માબાપને વૃદ્ધાશ્રમમાં છોડી આવતાં સંતાનોની ટીકા કરતાં પહેલાં બે જાણકારી મેળવી લેવી જરૂરી છે: આ માબાપોએ પોતે એમના માબાપ સાથે યુવાનીમાં કેવો વ્યવહાર કર્યો હતો અને બે, આ માબાપોએ

પોતાનાં સંતાનો સાથે કેવો વ્યવહાર કર્યો છે. નેવું ટકા કિસ્સાઓમાં તમને ખબર પડશે કે આમાં સંતાનોનો વાંક ઓછો છે, માબાપોનો વાંક અનેકગણો છે. પણ આપણે ત્યાં હવે ટ્રેન્ડ થઈ ગયો છે કે માબાપ વૃદ્ધાશ્રમભેગાં થાય એટલે સંતાનોની ટીકા કરવાની.

બાળકોને જે ઉંમરે તમારા એફેક્શન અને સિમ્પથીની સૌથી વધુ જરૂર હોય છે તે ઉંમરે તમે પોતે તમારી લાઈફને સજાવવામાં, પૈસા કમાવવામાં, મિત્રો સાથે પાર્ટીઓ કરવામાં, પત્ની (કે ગર્લફ્રેન્ડ) સાથે મોજમજા કરવામાં બિઝી હો છો. તમારી લાઈફની સ્ટ્રગલની અસર તમારા સ્વભાવ પર પડતી હોય છે અને આ સ્વભાવની અસર તમારા સંતાનો પર. છોકરાંઓની ભૌતિક સગવડો સાચવી લેવાથી તમારી ફરજ પૂરી નથી થઈ જતી. એમની આંતરિક જરૂરિયાતોને, માનસિક અને ઈમોશનલ નીડ્સને પૂરેપૂરી સંતોષી શકો તો જ તમને હક્ક છે એ મોટાં થાય પછી એમની પાસે તમારી ભાવનાત્મક જરૂરિયાતો પૂરી કરાવવાનો. જો તમે ખરેખર તમારા બાળકને નાનપણથી ઈમોશનલ સિક્યોરિટી આપી હશે તો એમના મોટાં થયા પછી તમારે એમની પાસે કશું માગવું નહીં પડે. તમારું ઈન્વેસ્ટમેન્ટ અનેકગણું થઈને તમને પાછું મળશે. પણ તમે કાંટા વાવ્યા હશે તો બાવળ જ લણશો અને તોફાન વાવ્યાં હશે તો વાવાઝોડાં જ ઉછેરશો. 

પ્લે સ્કૂલ, નર્સરી, કેજી અને પછી સ્કૂલમાં જતું થયેલું બાળક એની સાથેનાં બીજાં બાળકોની કેટલી મદદ કરે છે, એમની કેટલી દરકાર રાખે છે એનો આધાર તમે ઘરમાં એને આપેલાં સંસ્કાર ઉપર છે. તમે પ્રત્યક્ષપણે એને જેટલું શીખવાડો છો એના કરતાં વધારે એ અપ્રત્યક્ષપણે - તમને જોઈ જોઈને - શીખે છે. તમારા પાડોશીઓને, સગાં, મિત્રો, કુટુંબીઓને તમે કેટલા હેલ્પફુલ થાઓ છો, કેવી રીતે એમની સાથે વર્તો છો, એમને કેટલાં છેતરો છો - એ બધું જ બાળકનું અજાગ્રત મન નોંધતું હોય છે. બાળકનું કૅરેક્ટર આ જ રીતે બિલ્ટ થતું હોય છે. તમારી જો ફરિયાદ હોય કે મારું સંતાન ભારે કજિયાખોર છે તો તમારે તમારો સ્વભાવ પહેલાં તપાસવો પડે. તમારી ૧૪ વરસની છોકરી વંઠી ગઈ છે એવું લાગતું હોય તો પહેલાં તમારે તમારું કૅરેક્ટર તપાસવું પડે. કૉલેજમાં ભણતા તમારા દીકરાનો વૉર્ડરોબ સાફ કરતાં તમને એમાંથી ક્ધડોમ્સના પૅકેટ્સ મળી આવે તો એનો કાન પકડતાં પહેલાં તમારે તમારો ભૂતકાળ અને વર્તમાન ચેક કરવો પડે. એને ઠપકો આપવાથી કંઈ નહીં વળે. 

બાળક સ્કૂલમાં જતું થાય એ પછી એણે તો શાળાના અભ્યાસક્રમ મુજબ જ ભણવાનું હોય છે. આ અભ્યાસક્રમની સરહદો તોડીને, દરેક વિષયની સીમામર્યાદા હટાવીને, તમે બાળકના વિશ્ર્વને મોટું બનાવી શકો છો. આજના જમાનામાં ગૂગલ કંઈ બધી જ વાતોનો ઉકેલ નથી. ગૂગલ સિવાય પણ જ્ઞાનની ઘણી મોટી પરબો છે. ગૂગલ તમને માહિતીનો ખડકલો આપી શકે, એમાંથી તારવણી કરવાનો વિવેક ન શીખવી શકે, કઈ માહિતીની સત્યાસત્યતા કેવી રીતે ચકાસવી એની સૂઝ તમને ગૂગલ ન આપી શકે. આ માટે હજુય જૂના જમાનાની જ રીત અપનાવવી પડે. લાઈબ્રેરી. બાળકને પુસ્તકો વાંચવાની ટેવ પડવી જોઈએ. માત્ર સાહિત્યના જ નહીં. એને જે વિષયમાં વધારે રસ પડે એવા વિષયના પુસ્તકો અને મૅગેઝિનો અને છાપાં પણ. 

સ્કૂલમાં મળતા શિક્ષણને સમાંતર શિક્ષણ આપવાના આ બધા નુસખા છે. બાળકની એસ્થેટિક સેન્સ ખીલે એવી પ્રવૃત્તિઓમાં એને રસ લેતું કરવું જોઈએ. નૃત્ય, સંગીત, ચિત્રકળા, નાટક-ફિલ્મ, કવિતા. જરૂર નથી કે બાળક આ વિષયોમાં પારંગત બને. પણ સ્કૂલમાં એને આ વિષયોમાં જેટલું એક્સપોઝર મળે છે એના કરતાં વધારે તમે પોતે એને આપી શકો. માત્ર એકસ્ટ્રા ક્લાસીસમાં ફીઝ ભરી દેવાથી કામ નથી પતી જવાનું. એ ક્લાસીસની વાતો તમને બીજા માબાપો પાસે શેખી કરવામાં કામ લાગશે. પણ તમે જાતે રસ લઈને, તમારો સમય કાઢીને, એની સાથે આવી પ્રવૃત્તિઓ કરવાની કે એવી પ્રવૃત્તિઓમાં હાજરી આપવાની કાળજી રાખશો તો તમારો એ સમય, તમે વાપરેલી એનર્જી ઊગી નીકળવાનાં છે. આવું જ સ્પોર્ટ્સની બાબતમાં. 

બાળક બાર-પંદર વર્ષનું થાય તે પહેલાં માબાપ તરફથી એને શ્રેષ્ઠ ભેટ મળતી હોય તો તે છે વૅકેશન્સ. વતનમાં, મોસાળમાં, નજીકના કોઈ સ્થળે, મિત્રોને ત્યાં, દૂર બહારગામના કોઈ સ્થળે, હિલ સ્ટેશન, દરિયાકિનારે, જંગલમાં - જ્યાં સાથે લઈ જવાય ત્યાં. બાળક માટે આ બધી સ્મૃતિઓ એની આજીવન મૂડી બની જતી હોય છે. ટીનએજ સંતાનો એમની ઉંમરના છોકરા-છોકરીઓ સાથે વીકએન્ડ ટ્રિપ પર, ટ્રેકિંગ પર કે પછી લાંબા વૅકેશન પર એકલા જ જવાનાં છે, તમારા વિના. પણ એ પહેલાં એમને તમારી કંપનીની જરૂર છે. જો એ વખતે તમે એમને વૅકેશનોની સ્મૃતિઓ આપી હશે તો તેઓ પણ તમારી પચાસ-સાઠ વર્ષની ઉંમર પછી તમને ચારધામની જાત્રા ઉપરાંતના અનેક એક્ઝોટિક વૅકેશન્સમાં કંપની આપવા આવી જવાનાં.

સ્કૂલનાં છેલ્લાં વર્ષોમાં ભવિષ્યમાં તું કરિયર તરીકે આ પસંદ કરીશ કે તે એવું પૂછી પૂછીને એને પ્રેશરમાં નહીં નાખતા. એણે જો કોઈ કરિયરની પસંદગી કરી હોય તો ખોટે ખોટે પ્રોત્સાહન પણ નહીં આપતા અને હતોત્સાહ પણ નહીં કરતા. એનું માઈન્ડ વિવરિંગ થતું હોય તો ટોકતા પણ નહીં કે: હવે તું ફાઈનલ કહે કે તારે પાઈલટ બનવું છે કે રિક્શા ડ્રાઈવર. એને એની રીતે નક્કી કરવા દૉ. કૉલેજ પ્રવેશ વખતે ‘લાઈન ચૂઝ’ કરવાનો વખત આવે ત્યારે પણ જો એ અવઢવમાં હોય તો ભલે કૉમર્સ કે આર્ટ્સ જેવી કમ્પેરેટિવલી ન્યુટ્રલ અને નિરુપદ્રવી લાઈન ચૂઝ કરે. બે-એક વર્ષમાં એને ખબર પડી જશે કે ફાઈનલી શું કરવું છે. આવું કરવામાં બે-ચાર વર્ષ ‘બગડે’ એમાં કશું ખાટુંમોેળું નથી થઈ જતું. જે જિંદગીમાં કરવું જ નથી એવા કોઈ વિષયની કારકિર્દીમાં એ ભરાઈ પડે અને પૂરી લાઈફ બરબાદ કરી નાખે એના કરતાં આ ઉંમરે જ થોડો સમય બગાડતો હોય તો ધીરજથી કામ લેવાનું. 

તમારું સંતાન સ્કૂલમાં અને કૉલેજમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેનો મોટો સોર્સ એના શિક્ષકો અને એના સહાધ્યાયીઓ હોવાના. એ બેઉને રિસ્પેક્ટ કરતાં શીખશે તો જ એને જ્ઞાન મળવાનું. શિક્ષકોને ભણાવતાં આવડતું જ નથી કે મારી સાથે ભણતા બધાં ‘આવા’ જ છે એવી ઍટિટયુડ તમારા સંતાનમાં હશે તો તે એને જ ભારે પડવાની. બીજી વ્યક્તિઓનો આદર કરતાં તમારે નાનપણથી જ એને શિખવાડવું પડે. 

બાળકને શિક્ષણ આપવાનું કામ એના જન્મ સમયથી જ શરૂ થઈ જતું હોય છે. એ ભણવાનું પૂરું કરી લે ત્યાં સુધીનાં વર્ષોમાં તમારું એના શિક્ષણમાં ક્યાં, ક્યારે, કેટલું પ્રદાન હોવું જોઈએ એનો આછો ખ્યાલ તમને આ બે લેખમાં આપ્યો. વધારે ઊંડા ઊતરવું હોય તો બર્ટ્રાન્ડ રસેલની ‘ઑન ઍજ્યુકેશન, બુક વાંચવી. ક્યાં મળે? ગૂગલ સર્ચ કરો. ગુજરાતીમાં છે? ના. 

સંતાનોના શિક્ષણ પાછળ ગમે એટલા પૈસા ખર્ચાશે તે ત્યારે જ ઊગી નીકળશે જ્યારે તમે એની કેળવણી પાછળ તમારો સમય ફાળવ્યો હશે. એસ.એસ.સી. અને એચ.એસ.સી.ના રિઝલ્ટ્સ આવી ગયાં છે/ આવી રહ્યા છે અને કૉલેજનાં ઍડમિશન્સ ખુલી રહ્યાં છે. તમારું બાળક જન્મવાનું હોય, જન્મી ચૂક્યું હોય, નર્સરીમાં પ્રવેશવાનું હોય, સ્કૂલમાં દાખલ થવાનું હોય કે પછી કૉલેજમાં - ભારતની શિક્ષણ પ્રથાનો વાંક કાઢવાને બદલે તમે પોતે તમારા સંતાનના શિક્ષણ માટે શું-શું અને કેટલું કરી શકો છો એટલું વિચારતા થશો તો ઘણું છે, બાળકના ફયુચર માટે, આ દેશના ફયુચર માટે. 

આજનો વિચાર

જ્યારે સંતાનોને લઈને માબાપને ક્લાસીસ તરફ દોડાદોડી કરતાં જોઈએ છીએ ત્યારે ખબર નહીં કેમ પણ કાર્બાઈડથી કેરી પકવતા વેપારીઓ યાદ આવી જાય છે. 

- વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

ટીચર: આજે ફરી મોડો આવ્યો?

પપ્પુ: પપ્પા-મમ્મી ઝઘડતા હતાં.

ટીચર: એ લોકોના ઝઘડામાં તું શું કામ મોડો પડે?

પપ્પુ: મારું એક શૂ પપ્પાના હાથમાં હતું, બીજું મમ્મીના...


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=165492

Tuesday, June 9, 2015

સમજુ માણસોએ બાયપાસ, એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફીથી દૂર રહેવું --- સૌરભ શાહ

                                 

                          


હૃદયરોગના હુમલાને અટકાવવા કે એના ઉપચાર માટે કોઈ પણ અકસીર દવા આધુનિક તબીબીશાસ્ત્ર પાસે નથી

શરીરને માંદામાંથી સાજા કરવા માટે તાવ, દુખાવો, શરદી, ઊલટી, ઝાડા જેવી તકલીફો સર્જાય છે. આને કારણે શરીરની પ્રક્રિયામાં ઉચિત ફેરફારો થઈને ગાડી પાછી પાટે ચડી જાય છે .  


‘તબીબી ક્ષેત્રે હિંસા’ પુસ્તકમાં ડૉ. મનુ કોઠારી તથા ડૉ. લોપા મહેતા લખે છે કે સ્ત્રીઓની ફૅશન જેમ બદલાતી રહે છે એમ સતત કંઈક નવું બજારમાં મૂકવાની ઘેલછાથી દવાઓ પણ બદલાતી રહે છે. આ બદલાતી દવાઓ કંઈ મેડિકલ ક્ષેત્રની પ્રગતિની નિશાની નથી. દવા બનાવનારી કંપનીને પહેલેથી જ પોતાની પ્રોડક્ટની પોકળતાની ખબર હોય છે. ડૉક્ટરો સુધી આ પોકળતાની માહિતી પહોંચે ત્યાં સુધીમાં તો દવા કંપની એ દવાને પાછી ખેંચીને બીજી બે દવા બજારમાં મૂકી દે છે... આટલું કહીને ડૉક્ટર કોઠારી અને ડૉ. મહેતા એક ધણું અગત્યનું વિધાન કહે છે: ‘દવા બનાવવા અને વેચવાનો ઉદ્યોગ એક અનોખો છે જેમાં શોષણ કરવાની પ્રવૃત્તિને પણ પરોપકારની ઉમદાવૃત્તિનું મહોરું પહેરાવાય છે.’

બ્રિટિશ મેડિકલ જર્નલના ૧૯૯૭ના એક અંકમાં તંત્રીલેખના શબ્દો ટાંકીને આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે: ‘જ્યાં સુધી તમારી પાસે એવું વજૂદ કે એવા પુરાવા ન હોય કે તમારી તપાસ કે ડાયગ્નોસિસને લીધે દર્દીનું વહેલું નિદાન કરવાથી એને ફાયદો થવાનો છે ત્યાં સુધી કોઈ પણ બીમારી માટે નિયમિત આગોતરી તપાસ કરતા રહેવું અયોગ્ય છે.’ 

પ્રોસ્ટેટના કૅન્સરની બાબતમાં આ વિધાન થયું છે. અમેરિકામાં આ વિધાન થયું છે. અમેરિકામાં પ્રોસ્ટેટના કૅન્સરની નિયમિત આગોતરી તપાસ કરાવવાનું ચલણ શરૂ થયા પછી એ કૅન્સરના પ્રમાણની નોંધ રાતોરાત વધી ગઈ. બાયોપ્સી અને શસ્ત્રક્રિયા વડે પ્રોસ્ટેટને દૂર કરવાનો આંક એકદમ ઉપર જતો રહ્યો. 

આ ડૉક્ટરબેલડી દૃઢપણે માને છે કે હૃદયરોગનો હુમલો, પક્ષાઘાત કે બ્લડપ્રેશરમાં થતો ઉંમર સહજ વધારો જેવા રોગો માનવદેહની રચનાના કાર્યક્રમમાં જ સમાયેલા છે... સંધિવાનો રોગ એ સમગ્ર શરીરના તાંતણાના માળખામાં ઉંમર સહજ થતા ફેરફારોનું સ્વરૂપ છે. ભીંડો કેવો ઘરડો થઈ જાય છે, તેવી જ રીતે શરીરના તાંતણાની ઉંમર સાથે કુણાશ ઘટતી જાય છે. હૃદયની કાર્યક્ષમતા ઘટી ગઈ હોય ત્યારે સંધિવા રોગીને મદદરૂપ નીવડે છે. સાંધાના દુખાવાથી વ્યક્તિની દોડાદોડી ઘટી જાય છે જેથી કરીને હૃદય પર ક્યારેય અતિ શ્રમ પડતો નથી. કૅન્સર, હૃદયરોગ અને હાઈ બીપી જેવા અન્ય રોગની જેમ ડાયાબિટીસ પણ મનુષ્યદેહના કાર્ય અને એની રચનાના અંતર્ગત કાર્યક્રમનો એક સ્વતંત્ર પ્રસંગ છે. એને માતાપિતામાં ડાયાબિટીસ હતો કે નહીં એની સાથે કંઈ લેવાદેવા નથી. જન્મથી માંડીને જીવનના કોઈ પણ તબક્કે આ પ્રસંગ ભજવાય છે. 

આ ડૉક્ટરો સમજાવે છે કે માનવ શરીરનું અખૂટ ડહાપણ શરીરને માંદામાંથી સાજા કરવા માટે તાવ, દુખાવો, શરદી, માથાનો દુખાવો, ઊલટી, ઝાડા જેવી તકલીફો ઊભી કરે છે. આને કારણે શરીરની પ્રક્રિયામાં ઉચિત ફેરફારો કરીને ગાડીને પાછી પાટે ચડાવવાનો ઈરાદો હોય છે. દવા બનાવનાર કંપનીઓ આવી તકલીફોને શરીર પર થયેલા ત્રાસદાયક આક્રમણ તરીકે બદનામ કરે છે અને ટપલું મારીને તકલીફને દબાવી દેવાનું કહે છે. આવી દરેક તકલીફ એ શરીરના શાણપણની નિશાની છે. 

આ ડૉક્ટર લેખકોનું એક અન્ય પુસ્તક છે: ‘જીવન, મરણ અને તબીબી ક્ષેત્ર! વાસ્તવિક નજરે.’ આ પુસ્તકમાં હૃદયરોગ, એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ વિશેના એક પ્રકરણમાં તેઓ કહે છે: ‘હૃદયરોગના હુમલાને અટકાવવા કે એના ઉપચાર માટે કોઈ પણ અકસીર દવા આધુનિક તબીબીશાસ્ત્ર પાસે નથી. આ કથન કોઈ પણ સામાન્ય માણસને ગળે ઊતરવું કઠિન છે. હકીકતે (હૃદયરોગ માટે) જે કંઈ દવાઓ વપરાય છે એ સર્વેની શરીરમાં અન્યત્ર ઠેર ઠેર વ્યાપક અનિચ્છનીય આડકતરી અસરો જોવા મળે છે. માટે જ તો ડૉક્ટરો નિતનવી દવાઓનો વપરાશ કરતા હોય છે. હૃદયરોગનો હુમલો શું છે, શેને કારણે છે એની જ ખબર ન હોય તો તેના પર અસરકારક રામબાણ દવાની આશા કેવી રીતે સેવી શકાય?

બાયપાસ સર્જરી વિશે લેખકોનું કહેવું છે કે આ શસ્ત્રક્રિયાને કારણે હૃદયના જ્ઞાનતંતુઓ છેદાઈ જતાં હૃદય દ્વારા દુખાવાનો સંદેશો મગજ સુધી પહોંચી શકતો નથી. હૃદયના જે ભાગમાંથી દુખાવાની ફરિયાદ થતી હતી તે ભાગ શસ્ત્રક્રિયા કરવાથી પૂરેપૂરો મરી જાય છે એટલે જ ત્યાંથી પછી દુખાવો શરૂ થતો નથી. દુખાવો શાંત થઈ જવાથી દર્દી અને ડૉક્ટર બેઉ શસ્ત્રક્રિયાની અકસીરતા પર વારી જાય છે. હકીકતમાં આંગણાં મોકળાં મૂકી ખાળે ડૂચા મારવામાં આવે છે. 

આ મૂલ્યવાન પુસ્તકમાં ડૉક્ટર લેખકોએ નિખાલસ બનીને સ્પષ્ટ સલાહ આપી છે: સૌ અભણ અને સાક્ષર વ્યક્તિઓને અમારી એક જ સલાહ છે કે ભલે (હૃદયરોગનો) ઉપચાર (જેવા કે) બાયપાસ, એન્જિયોપ્લાસ્ટી તમને તર્કસુસજ્જ દેખાતાં હોય પણ એ ઉપચારો હૃદય માટે તેમ જ તમારા મગજ માટે નુકસાનકારક છે. હૃદયરોગ નિષ્ણાત અને હૃદય શસ્ત્રક્રિયા નિષ્ણાત અત્યારે વાવ પર ચઢી બેઠા છેે અને એના પરથી ઊતરવા તૈયાર નથી, કારણ કે તે બહાદુરીને કારણે જ પૈસાના ધોધનો બદલો મળે છે તે તરત જ અટકી પડે. હૃદય ધમનીનો એક્સ-રે દ્વારા અભ્યાસ, કોરોનરી એન્જિયોગ્રાફી અને કોરોનરી એન્જિયોપ્લાસ્ટી - આ ત્રણેય આજે દુનિયાભરમાં વધુ બીજા રોગો બક્ષનાર ત્રિપુટી છે. એક સમજુ માણસે પોતાના હૃદયની ધમનીની માળા પર કોઈને હાથ લગાડવા દેવો નહીં, પછી ભલેને એ ખૂબ આધુુનિક લેઝર હોય કે ટીમર હોય કે રોટર હોય કે જે કંઈ હોય, અને તે વાપરનાર ડૉક્ટર ભલે ને કોઈ દેવનો દીકરો દેખાતો હોય.

આ પુસ્તકનું ‘દેહદાન અને અંગદાન! કેટલી ભ્રમણા, કેટલું સત્ય’ પ્રકરણ પણ વાચકની આંખ ઉઘાડનારું છે. લેખકો કહે છે કે ઈ.સ. ૧૯૬૧થી આજ સુધીના અમારા શેઠ જી. એસ. મેડિકલ કૉલેજના અનુભવ પરથી કહી શકીએ કે કોરોનરની પરવાનગીથી અમને જરૂરી હોય એટલા બિનવારસ મૃતદેહો મળી રહે છે. બીજું, માણસના મર્યા પછી એના દેહની માલિકી એની પોતાની રહેતી નથી. કાયદેસરના વારસદારો એના માલિક બને છે. માટે વારસદારોની ઈચ્છા પ્રમાણે મૃતદેહનો નિકાલ થઈ શકે. 

ડૉક્ટરલેખકો અંગદાન વિશે કહે છે કે આંખ પરના પડદા કોર્નિયા લોહી વગર આખી જિંદગી ટકે છે છતાં ૫૦ ટકા વ્યક્તિઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરેલી કોર્નિયા ટકતી નથી. તબીબી શલ્યચિકિત્સકો આજ સુધી સફળતાપૂર્વક એક ચોરસ ઈંચની ત્વચા પણ ટ્રાન્સપ્લાન્ટ કરી શક્યા નથી તો પછી મૂત્રપિંડ, હૃદય, યકૃત અસ્થિમજ્જાની તો વાત જ શું કરવી? 

ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતાનું ચોથું પુસ્તક (પ્રથમ પુસ્તક કૅન્સર વિશેનું) ‘જીવન, ઘડપણ, રોગ અને મૃત્યુ’ વાંચીને કોઈ પણ વ્યક્તિ રોગના ડરથી, વૃદ્ધાવસ્થાના ભયથી અને મૃત્યુના ખૌફથી મુક્ત થઈ જાય એવી એવી વાતો એમાં લખેલી છે. આ પુસ્તક વાચીને વાચક પોતાની જીવનશૈલીને અનુરૂપ જીવન જીવતો થઈ જાય, લાઈફ ઈન્શ્યોરન્સ કે મેડિકલેઈમની જંજાળમાંથી છૂટી જાય અને બેશક, રેગ્યુલર ચૅકઅપ, દવાઓ તથા ડૉક્ટરો - ઈસ્પિતાલોથી સાવધ થઈ જાય. મેડિકલ ક્ષેત્રની સીમાઓ ક્યાં અને કેટલી છે તથા તબીબી ક્ષેત્રના વ્યાપારીકરણનો ભોગ ન બનવાની સૌ કોઈને સ્વતંત્રતા છે એવી સમજ ફેલાવવાનું કામ આજના યુગના ઋષિ સમાન ડૉ. મનુ કોઠારીએ ખૂબ સમજદારીથી અને વિશ્ર્વસનીયતાથી કર્યું છે. વંદન.


















બ્રહ્માંડમાં હિંડોળા સિવાય બીજું કશું છે જ નહીં --- ડૉ. જે. જે. રાવલ

         


                                    

આપણા દેશમાં ઝૂલો, હિંડોળો હજારો વર્ષથી રાજ કરે છે. ઝાડની ડાળી પર ચઢયા હોઈએ અને પવન આવે તો ઝાડની ડાળી આપણને ઝૂલાવે. એક નાનો લાકડાનો ટુકડો લઈ તેની સાથે દોરડું બાંધી તેને વૃક્ષની ડાળી સાથે બાંધીએ એટલે થઈ ગયો ઝૂલો. રાધા-કૃષ્ણા યમુનાને કિનારે, વૃન્દાવનમાં બપોરે આવા ઝૂલા પર હિંચકા ખાતા ઝૂલામાં લાકડાના ટુકડાની પણ જરૂર નથી. માત્ર દોરડા પર બેસીને પણ ઝૂલાય. ઝૂલાનું મોટું સ્વરૂપ એટલે ખાટ - હિંડોળો. આજે પણ હિંડોળો ખૂબ જ લોકપ્રિય છે. બાગ-બગીચામાં બાળકોને હીંચકા ખાતા. જોઈએ છીએ. મુંબઈ જેવા શહેરોમાં જગ્યા નહીં હોવાથી એક જ દોરડા પર ખુરશી જેવો હિંડોળો હોય છે. હિંડોળો બ્રહ્માંડના મહાન રહસ્યને દ્યોતક છે. બાળકોને હિંચકા ખવડાવવા જ પડે. 

આ બ્રહ્માંડ વિરાટનો હિંડોળો છે. ફજેત-ફારકુ મેરી-ગો રાઉન્ડ કે ચકડોળ જાયન્ટ વ્હીલ એ હીંચકા જ છે. કોઈપણ સામયિક ક્રિયા હિંડોળો જ છે. લોલકવાળા ઘડિયાળનું લોલક હિંડોળાની જ ક્રિયા પ્રદર્શિત કરે છે. લોલકવાળું ઘડિયાળ કુદરતના મહાન રહસ્યને આપણી સમક્ષ પ્રદર્શિત કરે છે. લોલકવાળું ઘડિયાળ ઘરમાં રાખવું જ જોઈએ. બાળક તેની ક્રિયાને જોઈને વિચારવા લાગે કે ઘડિયાળનું લોલક આમતેમ કેવી પદ્ધતિસરની ગતિ કરે છે. હિંડોળાના પ્રથમ શોધક કદાચ ગોકુળ - વૃન્દાવનના કૃષ્ણ હતા. 

માનવીને હિંડોળાનો પ્રથમ અહેસાસ કરાવનાર ચક્ર હતું. ચક્રે સામયિક ક્રિયાનું પ્રથમ પ્રદર્શન કર્યું. પુરાતન માનવીની બુદ્ધિએ આકાશમાં કળા કરતા ચંદ્રને 

ચક્રની સામયિક ક્રિયા સાથે જોડ્યો તે જ આપણો મહિનો. પુનમથી પુનમ ગતિ 

કરતો - કળા કરતો ચંદ્ર હિંડોળા પર જ હિંચકે છે. 

પછી માનવીએ જોયું કે ચંદ્ર આકાશમાં ૧૨ હીંચકા ખાઈ લે છે ત્યાર સુધીના સમયમાં સૂર્ય આકાશમાં માત્ર એક જ હીંચકો ખાય છે. તે થયું આપણું વર્ષ આપણે પણ તેથી હિંડોળા પર જ બેઠા છીએ અને સાથે સાથે રાત-દિવસના હીંચકા પર બેઠા છીએ અને રાત-દિવસ હીંચકા ખાઈએ છીએ. પૃથ્વી પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે. તે હીંચકા જ ખાય છે, કારણ કે પ્રત્યેક સામયિક ક્રિયા હિંચકો જ છે. પૃથ્વી ગોળ છે અને અપારદર્શક છે અને સૂર્ય સ્વયં પ્રકાશિત છે માટે આપણે દિવસ-રાત અનુભવીએ છીએ. 

પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે અને ૩૬૫ દિવસમાં તે સૂર્યની પરિક્રમા કરી રહે છે તે પૃથ્વીનો એક વર્ષના સમયનાં આંદોલન કરતો હીંચકો છે. પૃથ્વી પર આપણે સવાર છીએ માટે આપણે પણ પૃથ્વી સાથે હિંચકા જ ખાઈએ છીએ. પૃથ્વી એક સાથે બે હિંચકા પર સવાર છે. એક હીંચકાનો આંદોલન સમય ૨૪ કલાક છે જ્યારે બીજા હીંચકાનો આંદોલન સમય ૩૬૫ દિવસ છે. પૃથ્વી પર સવાર આપણે પણ પૃથ્વીના એક સાથે બે હીંચકા પર સવાર છીએ, પણ આપણને તે લાગતું નથી. 

દરેકે દરેક ગ્રહ પોતાના ધરીભ્રમણ 

અને સૂર્ય ફરતેના પરિક્રમણ એમ બે 

હીંચકા પર સવાર હોય છે. ગુુરુગ્રહ પોતાની ધરી પર ઘૂમી લેતા માત્ર ૧૦ કલાક જ લે છે. આમ પૃથ્વીના ધરી ભ્રમણ રાત-દિવસના હીંચકાની સરખામણીએ ગુરુનો રાત-દિવસનો હીંચકો ઘણો ફાસ્ટ છે. 

ગુરુ તેના રાત-દિવસના હીંચકા પર બે હીંચકા ખાઈ લે છે, પૃથ્વી તેના રાત-દિવસના હીંચકા પર માત્ર એક જ હીંચકો ખાય છે. 

પૃથ્વી સૂર્યની પરિક્રમાના હીંચકા પર એક વર્ષમાં એક હીંચકો ખાય છે, જ્યારે ગુરુને સૂર્યની પરિક્રમાના હીંચકા પર એક હીંચકો ખાતા ૧૨ વર્ષ લાગે છે. આમ પૃથ્વીનો સૂર્ય પરિક્રમાનો હીંચકો ગુરુના સૂર્ય-પરિક્રમાના હીંચકાથી ૧૨ ગણો ઝડપી છે. બધા જ ગ્રહોને પોતપોતાના પોતાની ધરી પર અને સૂર્યની પરિક્રમા કરવાના હીંચકા છે જેના આંદોલન સમય અલગ અલગ છે. ગ્રહોનાં ઉપગ્રહોને પોતપોતાના હિંચકા હોય છે. આમ પૂરા બ્રહ્માંડમાં હિંચકા ચાલે છે. હિંડોળા ચાલે છે. માટે જ બ્રહ્માંડ વિરાટનો હિંડોળો છે. 

બધી મંદાકિનીઓ (ૠફહફડ્ઢશયત) પોતાની ધરી પર ગોળ ગળે ઘૂમે છે. તે પણ હિંચકા જ ખાય છે. તે બીજી મોટી મંદાકિનીની ફરતે પરિક્રમા કરે છે તે તેનો પરિક્રમાનો હીંચકો છે. 

હીંચકાના આંદોલનોને સ્પંદનો કહે 

છે. ગુરુત્વાકર્ષણ પણ સ્પંદનો ઉત્પન્ન 

કરે છે. 

બ્રહ્માંડના ડાયનાપિલ્સનો પરિચય કરાવવા બાળકોને હીંચકા ખવડાવવા જરૂરી છે. ફજેત ફારકામાં અને ચકડોળમાં 

બેસાડવા જરૂરી છે. પ્રવેગી રાઈડો પર પણ બેસાડવા જરૂરી છે પણ અતિ પ્રવેગી 

હાઈડો હૃદયના સ્પંદનોને, હૃદયના આંદોલનોને, હૃદયના ધબકારને, હૃદયના વાયબ્રૅશનને નુકસાન પહોંચાડે છે. તરત જ તેનો ખ્યાલ નથી આવતો પણ પાછળથી હૃદય નબળું પડી ગયું છે. તેનો ખ્યાલ 

આવે છે. 

હૃદય જે ધબકારા કરે છે તે લય છે, બ્રહ્માંડનો લય, બ્રહ્માંડના હીંચકા સાથે તેનો સંબંધ છે. વિરાટના હિંડોળા સાથે તેને સંબંધ છે. હૃદય જે ધબકે છે તે પણ હીંચકો જ છે. વય તે માણસમાં ચાલતા કે બ્રહ્માંડમાં ચાલતા હિંડોળાની ગણતરી છે. 

હિંડોળો લયબદ્ધ ચાલે છે. હીંચકો જ્યારે પાછળની બાજુએ તેના અંતિમ બિન્દુએ આવે છે ત્યારે જ બાળક તેને ઠેસ મારે છે અને આમ હીંચકો લયબદ્ધ ચાલે છે. પણ જો બાળક તેને વચમાં ઠેસી મારી દે તો તેની ગતિ છિન્નભિન્ન થઈ જાય છે. તેમ બ્રહ્માંડના હિંડોળાના લયમાં જ્યારે અરાજકતા ઉત્પન્ન થાય છે ત્યારે મહા હોનારત થાય છે. બ્રહ્માંડ લયથી ચાલે છે. તેમાં વિપેક્ષ પડે છે ત્યારે ધરતીકંપ, સુનામી, દુકાળ, અતિવૃષ્ટિ, આકાશમાંથી લઘુગ્રહો અને ધૂમકેતુઓનું પૃથ્વી સાથે અથડાવું વગેરે હોનારત થાય છે. માટે માણસે પણ સમાજમાં લય જાળવી રાખવો જરૂરી છે. નહીં તો હોનારત સર્જાય. 

જેમ વિશાળ દુનિયામાં હિંડોળા ચાલે છે તેમ સૂક્ષ્મ દુનિયામાં પણ હિંડોળા જ ચાલે છે. નટરાજ વિરાટના હિંડોળાને પ્રદર્શિત કરે છે. 

બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ સાથે તરંગ જોડાયેલ જ છે, જે હિંડોળો પ્રદર્શિત કરે છે. આમ આપણે પોતે પણ એક હિંડોળો જ છીએ. બ્રહ્માંડ હિંડોળામય છે. ભૌતિકશાસ્ત્રનું ક્વૉન્ટમ મિકેનીક્સ જે બ્રહ્માંડની અંતિમ થિયરી છે તે તરંગો પર સવાર છે એટલે કે હિંડોળા પર જ 

સવાર છે. 

માનવી જે તરંગો કરે છે તે પણ હિંડોળા જ છે. માનવીના સ્પંદનો પણ હિંડોળા જ છે. માનવીની સંવેદનશીલતા હિંડોળા જ છે. જે માનવીમાં દયા-કરુણા-ભાવના-સંવેદનશીલતાના હિંડોળા નથી તેને બ્રહ્માંડ સાથે લય નથી, તે બ્રહ્માંડ સાથે જોડાયેલા નથી. તે જીવમાત્ર છે તે મહામાનવ બની શકે નહીં. 

આપણો સમાજ જે ચાલે છે, તે લયથી ચાલે છે. સમાજમાં વિખવાદ કે લડાઈઓ તે સમાજમાં લયમાં થયેલી ખલેલ છે, સમાજમાં લયબદ્ધ ચાલતા હિંડોળામાં વિક્ષેપ છે. કોઈ પણ જાતનો વિક્ષેપ તે હિંડોળાના લયનો થતો વિક્ષેપ છે. મોરારીબાપુ, ગુણવંતભાઈ શાહ અને આ લેખકને પણ હિંડોળાનો બહુ શોખ છે. હીંચકા ઘણા પ્રકારનાં હોય છે અને તે આપણને તદ્દન નવી જ દુનિયાના પ્રદેશમાં વિહાર કરાવે છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=163833

બ્રહ્માંડનું વણઉકેલ્યું રહસ્ય લઈને બેઠા છે ન્યુટ્રિનો --- ડૉ. જે. જે. રાવલ

પ્રિન્સ્ટન યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ ક્વોન્ટમ મિકેનિક્સમાં પાથ ઈન્ટિગ્રલ નામના મૌલિક વિચાર પર સંશોધન કર્યું છે. તેણે આ વિષય પર પીએચ.ડી.ની થિસિસ લખી છે. એ થિસિસના પરીક્ષકો દુનિયાના બે મહાન નોબેલ પુરસ્કાર વિજેતા આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને વોલ્ફગાંગ પૌલી છે. તેઓ હવે પ્રિન્સ્ટન યુનિવર્સિટીના એક ખંડમાં આ વિદ્યાર્થીના વાય-વા (મૌખિક પરીક્ષા-ઓરલ એક્ઝામ) લેવા બેઠા છે. આ વિદ્યાર્થીએ તેની થિસિસ ડિફેન્ડ કરવાની છે, એટલે કે થિસિસનો સાર રજૂ કરી તેની થિસિસમાં રહેલાં તેના સંશોધન કાર્ય વિશે એ બે પરીક્ષકો જે પ્રશ્ર્નો પૂછે તેના જવાબ આપવાના છે. જો વિદ્યાર્થી, એ પરીક્ષામાંથી પાર ઊતરે તો તેને ડોક્ટરેટની ડિગ્રી મળે, નહીં તો તે લટકી રહે. વિદ્યાર્થી આ બે મહાન વિજ્ઞાનીઓ સમક્ષ પોતાની થિસિસના હાર્દને રજૂ કરે છે. આ બે મહાન પરીક્ષકો તેના પર પ્રશ્ર્નોની ઝડી વરસાવે છે. વિદ્યાર્થી તેના જવાબ આપે છે. પછી વિદ્યાર્થીને જવાનું કહેવામાં આવે છે, અને આ બે મહાન પરીક્ષકો અંદર અંદર ચર્ચા કરે છે કે એ વિદ્યાર્થીને પીએચ.ડી.ની ડિગ્રી આપવી કે નહીં. શું એ વિદ્યાર્થીની થિસિસ પીએચ.ડી. ડિગ્રી આપવા યોગ્ય છે? શું તેણે એવી મૌલિક શોધ કરી છે જેને માટે તેને પીએચ.ડી.ની ડિગ્રી આપી શકાય? વોલ્ફગાંગ પૌલી કહે છે કે તે વિદ્યાર્થી પીએચ.ડી.ની ડિગ્રી આપવા યોગ્ય નથી. તેનું સંશોધન બકવાસ હોય તેમ લાગે છે. આઈન્સ્ટાઈન પૌલીને કહે છે કે તે બકવાસ હોય તેમ લાગે છે. પણ હકીકતમાં તે ખૂબ જ મૌલિક છે, માટે તે આપણને બકવાસ લાગે છે. માટે તે વિદ્યાર્થી પીએચ.ડી.ની ડિગ્રી માટે યોગ્ય છે. પછી આઈન્સ્ટાઈન પૌલીને તે વિદ્યાર્થીની થિસિસના મૌલિક તત્ત્વને સમજાવે છે. પૌલી સહમત થાય છે અને તે વિદ્યાર્થીને પીએચ.ડી. ડિગ્રી એનાયત થાય છે. એ વિદ્યાર્થી હતો મહાન ભૌતિકશાસ્ત્રી રિચાર્ડ ફાયનમન. જેને પછી તેના આ કાર્ય માટે નોબેલ પુરસ્કાર મળે છે. ફાયનમનની આ થિયરી ક્વોન્ટમ ફિલ્ડ થિયરી તરીકે આજે જાણીતી છે અને ક્વોન્ટમ ક્રોમોડાયનામિક્સની એ માતા છે. 

આઈન્સ્ટાઈન સાથે રિચાર્ડ ફાયનમનની થિસિસ તપાસનાર જે બીજો મહાન નોબેલ પુરસ્કાર વિજેતા વિજ્ઞાની હતો તે વોલ્ફગાંગ પૌલી દુનિયાનો એક મહાન ભૌતિકશાસ્ત્રી હતો. તેણે શોધી કાઢ્યું કે ઈલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન જેવા પદાર્થકણો ક્વોન્ટમની એક સ્ટેટમાં એક જ રહે, બીજો પદાર્થકણ તે સ્ટેટમાં જગ્યા ન લઈ શકે. જેમ કે સભાખંડમાં કે ક્યાંય એક ખુરશીમાં માત્ર એક જ જણ બેસી શકે. એક ખુરશીમાં બે કે વધારે માણસો બેસી શકે નહીં. 

આ સિદ્ધાંતને ક્વોન્ટમ મિકેનિક્સમાં પૌલીનો એક્સક્લુઝન પ્રિન્સિપલ કહે છે. તે ક્વોન્ટમની એક સ્ટેટમાં બીજા પદાર્થકણને ઘૂસવા દેતો નથી. એક ક્વોન્ટમ સ્ટેટમાં તે એક જ રહે છે. હજારો ઈલેક્ટ્રોન હોય અને તેના પર દબાણ આવે ત્યારે આ બધા ઈલેક્ટ્રોન્સ નજીક નજીક આવતા જાય પણ એક લિમિટ પછી તે વધારે નજીક આવી શકે નહીં, કારણ કે ક્વોન્ટમની એક સ્ટેટમાં તે એક જ હોય. તેથી આ પરિસ્થિતિને લીધે ઈલેક્ટ્રોન્સનું વાદળ બહારની બાજુએ દબાણ કરે. જ્યારે સૂર્ય જેવા તારામાં તેના ગર્ભભાગમાં અણુ-ઈંધણ ખૂટે ત્યારે તેના ગર્ભભાગની બહાર રહેલ પદાર્થ ગુરુત્વાકર્ષણથી તારાને દબાવે, તેને સંકોચે. આ વખતે તારામાં રહેલ પદાર્થના અણુઓ ભાંગી પડે, ઈલેક્ટ્રોન્સ ગર્ભભાગની બહાર ફેંકાય અને ગર્ભ ભાગની ફરતે ઈલેક્ટ્રોન્સ વાદળ રચે. એ ઈલેક્ટ્રોન્સના વાદળને તારાના ઉપલા ભાગનો પદાર્થ ગુરુત્વાકર્ષણથી દબાવે. એક સમય એવો આવે કે એ ઈલેક્ટ્રોન્સના વાદળામાં ઈલેક્ટ્રોન્સ પૌલીના સિદ્ધાંત પ્રમાણે વધારે નજીક જઈ શકે નહીં અને તેથી તે બધા ઈલેક્ટ્રોન્સ ભેગા મળી બહારની બાજુએ દબાણ કરે અને ગુરુત્વાકર્ષણથી થતા તારાના સંકોચનને અટકાવે સૂર્ય જેવા તારામાં જ્યારે અણુ-ઈંધણ ખૂટવા આવે ત્યારે થતાં સંકોચનને અટકાવનાર આ ઈલેક્ટ્રોન્સ પૌલીના સિદ્ધાંત પ્રમાણે તારાનું ગુરુત્વીયપતન અટકાવે છે. આ પરિસ્થિતિમાં તારાને વ્હાઈટ ડ્વાર્ફ તારા કહે છે, ગુજરાતીમાં તેને શ્ર્વેતવામન કે શ્ર્વેતપટુ તારો કહે છે. આપણા ભારતીય-અમેરિકન મહાન ખગોળશાસ્ત્રી સુબ્રમણ્યમ ચંદ્રશેખરે આપણને સમજાવ્યું કે સૂર્ય જેવા તારામાં જ્યારે ઈંધણ ખૂટે ત્યારે તે ૧૪ લાખ કિલોમીટરના વ્યાસના તારામાંથી નિસ્તેજ ૧૪ હજાર કિલોમીટરનો આકાશપિંડ બને છે. તેને આપણે વ્હાઈટ ડ્વાર્ફ તારો કહીએ છીએ. આ કાર્ય માટે ચંદ્રશેખરને ૧૯૮૩માં નોબેલ પુરસ્કાર મળેલો. તેના આ કાર્યમાં તારામાં થતું ગુરુત્વીય પતન અટકાવવા પૌલીના એક્સક્લુઝન સિદ્ધાંતનો ઉપયોગ થાય છે જે તારાના ગુરુત્વાપતનને વ્હાઈટ ડ્વાર્ફ સ્તરે અટકાવે છે. 

જો તારો સૂર્યમાં જે દળ (ળફતત) છે તેના કરતાં ત્રણ-ચાર ગણો હોય અને તેમાં જ્યારે અણુ-ઈંધણ ખૂટે અને તેનું ગુરુત્વીયપતન થાય ત્યારે ઈલેક્ટ્રોન્સનું વાદળ પૌલીના એક્સક્લુઝનના સિદ્ધાંત પ્રમાણે તે તારાનું ગુરુત્વીયપતન અટકાવી શકતું નથી કારણ કે ગુરુત્વાકર્ષણનો ભાર ખૂબ જ જબ્બર હોય છે. તેથી ગુરુત્વીયપતન સાથે ઈલેક્ટ્રોન્સ ઘસડાય છે અને તારાના ગર્ભભાગમાં રહેલ પ્રોટોન્સ સાથે અથડાય છે. અને ભારવિહીન ન્યુટ્રોન્સ નામના પદાર્થકણો બનાવે છે. આ ન્યુટ્રોન્સ પણ પૌલીના સિદ્ધાંતને અનુસરતા હોઈ આવા મોટા તારાના ગુરુત્વીયપતનને અટકાવે છે. ર૦ લાખ કિલોમીટરના વ્યાસનો તારો માત્ર ર૦ કિલોમીટરના વ્યાસનો તારો બને છે અને ન્યુટ્રોન્સ તે સ્તરે તારાના ગુરુત્વીયપતનને અટાકાવવા સમર્થ બને છે. તારાની આ અંતિમ સ્થિતિને ન્યુટ્રોન સ્ટાર કહે છે. આ સમજણ આપણને અમેરિકી ખગોળવિજ્ઞાની ઓપનહાઈમરે આપી. જો તારો પદાર્થમાં સૂર્યમાં જે પદાર્થ છે તેના કરતાં દશ કે વધારે ગણો પદાર્થમાં મોટો હોય તો તેવા તારામાં થતું ગુરુત્વીયપતન ન્યુટ્રોન પણ પૌલીના એક્સક્લુઝન સિદ્ધાંત પ્રમાણે અટકાવી શકતા નથી અને તારો બ્લેકહોલમાં પરિણમે છે. અહીં પૌલીનો સિદ્ધાંત કારગત નીવડતો નથી. પૌલીના એક્સક્લુઝન સિદ્ધાંતની નિષ્ફળતા બ્લેકહોલને જન્મ આપે છે. 

વોલ્ફગાંગ પૌલીએ અણુ-પરમાણુમાં થતી ગતિવિધિનો અભ્યાસ કર્યો અને બતાવ્યું કે જો શક્તિસંચય, ગતિમાન સંચય અને કોણીય ગતિમાન સંચયના સિદ્ધાંતો સાચા હોય તો અણુ-પરમાણુની ગતિવિધિમાંથી એક એવા પ્રકારના પદાર્થકણો બહાર પડતાં હોવા જોઈએ જેને નથી વિદ્યુતભાર, નથી દળ અને નથી ચુંબકીય ગુણધર્મો. આ પદાર્થકણો કાંઈ જ નથી, પણ કાંઈક છે. આ પદાર્થકણોનું નામ ન્યુટ્રિનો પાડવામાં આવ્યું. આ ન્યુટ્રિનો બ્રહ્માંડનું એક બહુ ઊંડું રહસ્ય સાચવીને બેઠાં છે. તેને ન્યુટ્રોન પદાર્થકણોની જેમ વિદ્યુતભાર નથી અને તે તદ્દન કાંઈ જ નથી, માટે તેને ન્યુટ્રિનો નામ આપવામાં આવ્યું છે. 

આ ન્યુટ્રિનો ૧૬ હજાર અબજ કિલોમીટરની જાડી દીવાલમાંથી પસાર થઈ જાય છે તેમ છતાં તે તેમાં શોષાઈ જતો નથી કે નથી તેની સાથે કોઈ પણ પ્રકારની ગતિવિધિ કરતો. પૂરા બ્રહ્માંડમાં તેનો વરસાદ વરસે જ છે. તે હરક્ષણે પૃથ્વીમાંથી લાખો-કરોડો અબજો સંખ્યામાં પસાર થઈ જાય છે. આપણા શરીરમાંથી હર ક્ષણે લાખો ન્યુટ્રિનો પસાર થઈ જાય છે, પણ આપણને ખબર પડતી નથી. આ ન્યુટ્રિનો બ્રહ્માંડનું મોટું વણઉકેલ્યું રહસ્ય લઈને બેઠાં છે. આ ન્યુટ્રિનોની શોધ વોલ્ફગાંગ પૌલીએ ૧૯૩૦માં કરી હતી, પણ તેનું અસ્તિત્વ ૧૯પ૬માં સાબિત થયું.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=163192

એક હતો ચકો ને એક હતી ચકી... --- ચંદ્રકાંત બક્ષી

એક હતો ચકો ને એક હતી ચકી. ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી દાળનો દાણો... અથવા ઊલટું પણ ચાલે. ચકીએ એની ખીચડી રાંધી અથવા બંનેએ મળીને એની ખીચડી રાંધી, ચૂલે ખીચડી મૂકીને ચકી પાણી ભરવા ગઈ. ચકી ગઈ એટલે ચકો ખીચડી ખાઈ ગયો અને આંખે પાટા બાંધીને સૂઈ ગયો. ચકી પાણી ભરીને આવી ત્યારે તપેલું ખાલી! ચકીએ કહ્યું: ચકારાણા, ચકારાણા! આ ખીચડી કોણ ખાઈ ગયું. ચકાએ કહ્યું કે રાજાનો કૂતરો ખાઈ ગયો હશે! ચકી રાજા પાસે ફરિયાદ કરવા ગઈ, રાજાજી તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો... અને...

ગુજરાતી ભાષાની આ સર્વશ્રેષ્ઠ વાર્તા છે એવો મારો મત છે. પચાસ વર્ષ પહેલાં દાદીમા, પચીસ વર્ષ પહેલા બા, દસ વર્ષ પહેલાં મમ્મી અને બે વર્ષ પહેલાં મમ્મા હતી એ દરેકે ગુજરાતી સ્ત્રીએ આ વાર્તા એના સંતાનની વિસ્મયથી ચકમતી આંખોમાં જોઈને કહી છે! એ વાર્તાની બધાને ખબર છે અને દરેક બાળકે એકથી વધારે વાર સાંભળી છે અને એટલું જ વિસ્મય થયું છે. આ વાર્તા દરેક બેબીએ સાંભળી છે અને એ બેબી મમ્મી બની છે ત્યારે એણે પોતાની બેબી કે બાબાને સંભળાવી છે! આ વાર્તા એકસો ટકા ગુજરાતી છે.

કોઈ પણ મહાન કૃતિ એટલા માટે મહાન ગણાય છે કે દરેક વાચક અથવા શ્રોતા અથવા ભાવક એનું પોતાનું અર્થઘટન કરી શકે છે. છ વર્ષની બેબી હોય કે છોંતેર વર્ષનો વૃદ્ધ હોય, ચકો અને ચકીની ટ્રેજેડી જરૂર અર્થ સમજાવી જાય છે અને એનો અર્થ વિસ્મયથી અનુભૂતિ સુધીના ફલક પર ફેલાઈ જાય છે. એમાં હીરો છે, હીરોઈન છે, નાયક - નાયકની સાથે પ્રતિનાયકના સ્વરૂપમાં ખલનાયક બની જતો નાયક પણ છે અને વિલન છે. આરોપિત વિલન છે, રાજા જેવી ત્રાહિત વ્યક્તિ છે. પ્લોટ માટેનો પદાર્થ ‘ખીચડી’ છે. યંત્રણા છે, છળ છે, સસ્પેન્સ છે, ભયંકરનું પરિણામ છે, ટ્રેજિક રોમાન્સ છે, ટ્રેજેડી છે અને અંતે સ્પેનિશમાં કહેવાય છે એ ‘કુ દ ગ્રેસ’નું તત્ત્વ અથવા બુલફાઈટમાં આખલા મારી નાખવા માટે જે છેલ્લો પ્રહાર થાય એ પણ છે.

વાર્તા બધા જ માપદંડો પ્રમાણે સંપૂર્ણ છે, નહિ તો બાળકો સ્વીકારે નહિ! વાર્તા એકથી વધુ વાર વાચન કે શ્રવણની કસોટીમાંથી પસાર થઈ શકે એ જ કોઈ પણ વાર્તા માટે ઊંચામાં ઊંચું કીર્તિમાન છે અને વિવેચકો આ વાર્તાને હજી સ્પર્શી શક્યા નથી. ચકો અને ચકી વિવેચનથી પર છે...

...અને રાજાએ કાળિયા કૂતરાને બોલાવ્યો. રાજા કહે: ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો? કૂતરો કહે, મેં ખીચડી નથી ખાધી. એ તો ચકોએ ખાધી હશે. એ ખોટું બોલતો હશે. ચકાને બોલાવ્યો. એણે કહ્યું, કૂતરાએ ખાધી હશે, એટલે રાજાએ સિપાઈને બોલાવ્યો: પેટ કાપો બંનેનાં! કોણે ખીચડી ખાધી છે એ ખબર પડશે. ચકો ધ્રૂજવા માંડ્યો. ખીચડી મેં ખાધી છે. એક ગુનો માફ કરો. રાજાએ ચકાને કૂવામાં ફેંકાવી દીધો. ચકી કૂવાના કાંઠા પર બેસીને રડવા લાગી.

એક ગાયોનો ગોવાળ નીકળ્યો: ગાયોના ગોવાળ! ગાયોના ગોવાળ! મારા ચકારાણાને કાઢે તો તને ખીર ને પોળી ખવડાવું અને કોઈ રોકાતું નથી. ગાયોનો ગોવાળ... ભેંસોનો ગોવાળ... બધા જ ચાલ્યા જાય છે. અંતે સાંઢિયાની ગોવાલણને યાદ આવે છે, એ ચકાને કૂવામાંથી કાઢે છે. ચકી એને પોતાને ઘેર લઈ આવે છે. એ ખીર ને પોળી બનાવવા બેસે છે, જમવાનો વખત થાય છે...

કથાને આદિ છે, મધ્ય છે, અંત છે. ગોવાળ રોકાતા નથી, ગોવાલણ મદદે આવે છે. પાત્રો છે અને વિશિષ્ટ પાત્રાલેખન છે, દરેક પાત્રનું આલેખન અને આવર્તન વ્યવસ્થિત છે. ચરિત્રચિત્રણ લાક્ષણિક છે. લોકાલ બદલાતું રહે છે, ઘર છે, રાજદરબાર છે, ઊંડો કૂવો છે, અંતે ફરી ઘર આવે છે. પ્રયોગ ‘સાઈકલિકલ’ છે, જ્યાં કથાનું આરંભબિંદુ છે ત્યાં જ અંતબિંદુ વિરમે છે. શ્રોતા કે વાચકને ક્રોધ, અનુકંપા, થડકાર, આનંદ, વિસ્મય થઈ શકે છે અને કથાના શબ્દાર્થની પાછળ પાછળ જીવનના રૂપકનો પણ એક ગૂઢાર્થ નીકળતો જાય છે.

ચકાએ લોખંડનો પાટલો ગરમ કરીને લાલચોળ બનાવ્યો અને કહ્યું: ગોવાલણબાઈ! આ સોનાને પાટલે બેસો. ગોવાલણ બેસવા ગઈ અને દાઝી ગઈ. એ તો બિચારી બોલતી બોલતી ભાગી, ખીર ન ખાધી, હું તો દાઝી!... અને વાર્તા પૂરી થઈ ગઈ પૂરી!

મેં મહેન્દ્ર મેઘાણીને પૂછ્યું હતું: આ વાર્તા ગિજુભાઈએ લખી છે? એમનો ઉત્તર હતો: આ લોકવાર્તા છે. એમાં ભાષાના જાતજાતના ફેરફારો થયા છે, પણ કથાનક એ જ ટકી રહ્યું છે.

અંગ્રેજી ભાષામાં બાળકો માટે લખાયેલી અમર કૃતિ ‘એલિસ ઈન વલ્ડરલેન્ડ’ છે, જેમાં હમ્પટી-ડમ્પટીનું ઇંડાકાર ગોળ પાત્ર દીવાલ પર બેસે છે, તૂટી જાય છે. બાળકોને મજા પડે છે અને આપણી આંખોમાં આંસુ આવી જાય છે. હમ્પટી-ડમ્પટી ‘એગહેડ’ છે અને અંગ્રેજીમાં આ ઈંડાકારનો અર્થ થાય છે: બુદ્ધિજીવી કે બૌદ્ધિક!

આપણે બૌદ્ધિકો આપણી દીવાલો પર ચડી બેસીએ છીએ. બેસી શકતા નથી. ગબડી પડીએ છીએ, આપણો નાશ થાય છે. આપણે આપણી દીવાલને પણ અનુકૂળ થઈ શકતા નથી, આપણું બંધારણ, આપણો આકાર જ એવો છે કે આપણે અસ્થિર થઈ જઈએ! મૂળ લીટીઓ સરસ છે: હમ્પટી-ડમ્પટી સેટ ઓન ધ વૉલ/ હમ્પટી-ડમ્પટી હેડ એ ગ્રેડ ફોલ/ઓલ ધ કિંગ્સ મેન એન ઓલ ધ કિંગ્સ હોર્સીસ/ કુડ નોટ પૂટ હમ્પટી-ડમ્પટી ટુગેધર એગેન...

આપણે હમ્પટી-ડમ્પટી છીએ. આપણી પોતાની ઊંચાઈ પરથી ગબડીને ચૂર ચૂર થઈ જઈએ છીએ. રાજાના માણસો અને રાજાના ઘોડા આવે છે, પણ હવે આપણને દીવાલ પર નહિ બેસાડી શકે!

ચકો અને ચકીની વાત મને એટલી જ મહાન લાગી છે. માંડ માંડ ભેગા કરેલા એક ચોખાના દાણા અને એક દાળના દાણાની આપણી ખીચડી બની છે. જિંદગીભરની મહેનત હોય છે અને ચકો ખાઈ જાય છે, પાટા બાંધીને સૂઈ જાય છે, રાજાના કાળા કૂતરાની વાત કરે છે. રાજાના દરબારમાં આપણા ચકાના સાચા સ્વરૂપની આપણને ખબર પડે છે અને એને કૂવામાંથી બહાર પણ કાઢવો પડશે. જીવન છે ત્યાં સુધી જીવવું પડશે. ગાયોના અને ભેંસોના અને બકરાના ગોવાળો... પૂરી દુનિયા પસાર થઈ જાય છે અને અંતે જે તારક છે એને જ એ ચક્રો દઝાડે છે. ભગાડી મૂકે છે. કાલ ફરીથી પડશે. એક ચોખાનો અને એક દાળનો દાણો બંનેએ ભેગો કરવો પડશે, પાણી ભરવા જવું પડશે. કદાચ રાજાનો કાળિયો કૂતરો હવે આવીને ખરેખર ખીચડી ખાઈ જશે... કદાચ રાજાના કાળિયા કૂતરાને ચકી જ જઈને ખીચડી ખવડાવી આવશે, કદાચ એ વખતે ચકીએ આંખે પાટા બાંધી લીધા હશે...

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=161304