Saturday, March 29, 2014

તંત્રીલેખ -- ખંડનાત્મક રાજકારણ: પ્રજા હવે ચલાવી લેશે નહીં

ખંડનાત્મક રાજકારણ: પ્રજા હવે ચલાવી લેશે નહીં


રાજકીય અસ્થિરતાની અતિ ભારે કિંમત ભારતે ચૂકવવી પડે તેવું દેખાય છે. હાલમાં જે રીતે પ્રચાર થઈ રહ્યો છે અને આમ આદમી પાર્ટીની વર્તણૂક અને કાર્યપદ્ધતિ છે તે જોતાં એમનું નિશાન ડૂબતી જતી કૉંગ્રેસ નથી, પરંતુ ભાજપ છે, પરંતુ રાજકીય અસ્થિરતાની કિંમત મધ્યમવર્ગનો માણસ જ ચૂકવવાનો છે કે જેમને આગળ જવું છે, નવા લક્ષ્યાંક સિદ્ધ કરવા છે અને જીવનધોરણ સુધારવું છે.

જે રીતે આમ આદમી પાર્ટી કોઈ જ એજન્ડા વગર કાર્ય કરે છે અને વાવાઝોડાની જેમ ફરે છે તેમનો આશય શું છે? તેઓ ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરે છે, ઉદ્યોગપતિઓ પર દોષારોપણ કરે છે, પરંતુ તેમના 

ખુદના પક્ષમાં શું બધા દૂધે ધોયેલા છે? કેજરીવાલ પણ તરંગી પ્રકૃતિના છે, તેમણે અનેક નોકરી બદલી છે અને સાથી કાર્યકરો સાથે વિવાદ ઊભા 

કર્યા છે.

કૉંગ્રેસ પક્ષે તેમને આગળ કર્યા છે. કૉંગ્રેસનું કલ્ચર એવું રહ્યું છે કે ૧૯૯૬-૯૭ અને ૧૯૯૭-૯૮ એ બે વર્ષમાં તેમણે ‘બહારથી ટેકો’ આપીને દેવગૌવડા અને આઈ. કે. ગુજરાલ એમ બે વડા પ્રધાનથી કામ ચલાવ્યું હતું. ત્યારબાદ પણ વાજપેયી સરકારને સ્થિર થવા દીધી નહોતી, પરંતુ તેમણે કામકાજ આગળ વધાર્યું હતું.

ત્યારબાદ ૨૦૦૪ અને ૨૦૦૯માં કૉંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યો અને વિવિધ પક્ષના ટેકાથી સરકાર ચલાવી. તેમાં સ્વયં 

કામગીરી કરવાને બદલે સીબીઆઈ અને ઈન્કમટેક્સના દરોડા દ્વારા વેપારી - ઉદ્યોગપતિ અને કોર્પોરેટ જગતને બાનમાં પકડીને પોતાની સત્તા વિસ્તૃત કરી અને શાસન ચલાવ્યું. ‘બહારથી ટેકો’ એ સૌથી મોટો, રાજકીય ભ્રષ્ટાચાર હતો.

હવે કેજરીવાલને આગળ કરીને રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે. કેજરીવાલ પણ છેલ્લાં ૧૦ વર્ષ કેન્દ્રમાં નિષ્ફળ શાસન ચલાવનાર કૉંગ્રેસ પક્ષને નિશાન બનાવવાને બદલે ભાજપ પર પથ્થર ફેંકે છે. આ રહસ્ય સમજાતું નથી. સૌથી વધુ ભ્રષ્ટાચાર, ગેરરીતિ કૉંગ્રેસે કર્યા છે તો પછી તોપનું નાળચું કેમ બદલાય જાય છે?

અગ્રણી કૉંગ્રેસી નેતાઓ ચૂંટણી લડવાને બદલે મેદાન કેમ છોડી રહ્યા છે? શા માટે ચિદમ્બરમ રાજ્યસભા માટે હવે આગ્રહ રાખે છે? મોદી લહેર સમગ્ર દેશમાં છે તેનું પ્રમાણપત્ર ખુદ કૉંગ્રેસ પક્ષ આપે છે. લોકશાહીમાં પરાજય સ્વીકારી લેવાની તૈયારી રાખવી જોઈએ. કારણ કે જય - પરાજય એ સતત ચાલતી પ્રક્રિયા છે. કોઈ કાયમી વિજેતા કે કાયમી પરાજિત 

નથી.

ભારતને રાજકીય અસ્થિરતા - જૂથવાદી રાજકીય પક્ષો અને સોદાબાજી પોસાય તેમ નથી. આ સઘળી બાબતો જ ભ્રષ્ટાચાર ફેલાવે છે. આવે વખતે ‘આમ આદમી પાર્ટી’એ પોતાનું મિથ્યાભિમાન પ્રગટ કર્યા વગર ઓછા ભ્રષ્ટ છે તેમની સાથે કોઈક એવી રીતે ગોઠવણ કરવી જોઈએ કે જેથી પ્રજા અને સમાજને ફાયદો થાય અને સારો વહીવટ આપી શકાય.

બાકી હાલમાં જે ‘ભાંગી નાખીશ’, ‘તોડી નાખીશ’ની જે રાજનીતિ આમ આદમી પાર્ટી અપનાવે છે તે સામાન્ય વ્યક્તિને જરા પણ સ્વીકાર્ય નથી. કૉંગ્રેસ પક્ષે જે રીતે આટલાં વર્ષો સુધી પ્રજાને ગેરમાર્ગે 

દોરવી તેનો પ્રત્યાઘાત યુવાન વર્ગમાં છે. આજનો યુવાન હવે કંઈ પણ ચલાવી લેવા માગતો નથી તેની સંબંધિત રાજકીય પક્ષોએ નોંધ લેવી 

જોઈએ.

કૉંગ્રેસ પક્ષ હંમેશાં કોઈકને ઢાલ બનાવીને જ કામ કરે છે. પહેલા દેવગૌવડા અને પછી ગુજરાલ ત્યારબાદ સીબીઆઈ દ્વારા મુલાયમસિંહ 

અને માયાવતી બન્ને એકબીજાના રાજકીય હરીફને પોતાની સાથે રાખીને કૉંગ્રેસે શાસન કર્યું છે તે હકીકત છે. આવી રાજકીય દગાખોરી માત્ર ભારતની પ્રજા સાથે જ સંભવી શકે છે. કૉંગ્રેસે કદી નૈતિક જવાબદારી સ્વીકારી જ નથી.

કૉંગ્રેસની આવી હલ્કી મનોવૃત્તિની કિંમત ભારતની પ્રજા ભાવવધારો, ભ્રષ્ટાચાર અને તદ્દન નબળી સરકારી સેવાઓ પેટે ચૂકવી રહી છે. મુંબઈ મહાનગરમાં ફૂટપાથ ચાલવા યોગ્ય રહી નથી. તમામની લાદીઓ ઊખડી ગઈ છે. આવો ભ્રષ્ટાચાર કોઈને દેખાતો નથી કારણ કે બધા જ સંપેલા છે. દરેક પક્ષ ‘હપ્તા’ અને ‘સુપારી’ દ્વારા ચાલે છે.

દિલ્હી જેવા રાજ્યના મુખ્યમંત્રીપદે રહી ચૂકેલી વ્યક્તિ આવી ‘છેલબટાઉ’ હોય તે પ્રજાને સ્વીકાર્ય બાબત બનતી નથી. તેમનામાં ગંભીરતા હોવી જોઈએ, બાકી વાતનું વતેસર તો આજે કોઈપણ કરી શકે છે. આવી બાબતમાં કોઈ જ બુદ્ધિની જરૂર નથી.

મતનું વિભાજન એ સ્પષ્ટ રીતે કૉંગ્રેસ પક્ષ માટે લાભની બાબત બની શકે છે. આ વખતની ચૂંટણી પહેલી વાર સાંસદોની જવાબદારી અને ફરજ ઉપરાંત તેમની કામગીરીની આસપાસ કેન્દ્રિત થયેલી છે. હવે માત્ર પ્રચાર કરવાથી જ ચૂંટણી જીતી શકાય તેમ નથી. પ્રજા સાંસદોની કામગીરીના લેખાંજોખાં કરે છે અને કંઈકને રવાના કરી દેવાની વાત માત્ર આ વખતે જ બનવાની છે.

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી -- ૧૯૮૪, ૧૯૮૯, ૧૯૯૧: કૉંગ્રેસની જાહેરખબરો, જાહેરખબરોની કૉંગ્રેસ

૧૯૮૪માં કૉંગ્રેસી વિજ્ઞાપનની ભાષા હતી: વિકાસને હાથ આપો! અથવા શક્તિને હાથ આપો! ૧૯૮૯માં વિકાસ અને શક્તિની વાત ન હતી. કૉંગ્રેસી જાહેરખબરનો મુખ્ય નારો હતો: મારો હર ધબકાર ભારતને કાજ છે! 

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

આ બધું છેલ્લાં બે નિર્વાચનોથી શરૂ થયું છે. આ બધું એટલે દેશપ્રેમની જાહેરખબરો આપવી, દેશ ચિંતાની જાહેરખબરો આપવી, અને પછી પક્ષને દેશના ભવિષ્ય માટે વોટ આપવાનો અનુરોધ કરવો. એક તરફ કૉંગ્રેસની જાહેરખબરો હતી, બીજી તરફ જાહેરખબરોની કૉંગ્રેસ હતી. જાહેરખબરોની સાચા અર્થમાં શરૂઆત થઇ ૧૯૮૪માં, અને જાહેરખબરોની કાપાકાપી ૧૯૮૯માં જીવલેણ બની ગઇ. કદાચ ૧૮ વર્ષની છોકરી અને છોકરો પહેલી વાર મતદાન કરવાનાં હતા અને આ પેઢી જાહેરખબરી ભાષા વધારે આસાનાથી સમજી શકે છે એ કારણ હોય. હવે ૧૯૯૧ના એપ્રિલ સુધીમાં જાહેરખબરોની મારામારી જામી જશે. વિજ્ઞાપનની દુનિયામાં સૌથી પૈસાદાર વ્યક્તિ કે પક્ષ થોડો આરંભિક લાભ જરૂર પૈસાના જોરે ઉઠાવી જાય છે અને કૉંગ્રેસ હિંદુસ્તાનના રાજકીય પક્ષોમાં સૌથી ધનિક પક્ષ છે. ૧૯૮૪ અને ૧૯૮૯ના વિજ્ઞાપન આક્રમણે એ સાબિત કરી આપ્યું છે.

૧૯૮૦માં કૉંગ્રેસના ચૂંટણી અભિયાનના મેનેજર શ્રીકાંત વર્મા હતા. જે હિંદીમાં સામાન્ય કવિતાઓ, વાર્તાઓ લખતા હતા. ૧૯૮૪માં કૉંગ્રેસે સમાચારપત્રોમાં પૂરાં પાનાં ભરીને ૮ વિજ્ઞાપનો બજારમાં મૂકયા હતાં. આ પ્રસ્તુતિની નીચે લખ્યું હતું: ચંદુલાલ ચંદ્રાકર, મહામંત્રી, અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટી. ૨૪, અકબર રોડ, ન્યુ હિન્દી ૧૧૦૦૧૧! ૧૯૮૯ના ચુનાવ અભિયાનમાં વ્યક્તિનું નામ નીકળી ગયું, લખ્યું હતું: પ્રસ્તુત કરનાર મહામંત્રી (જાહેરખબર વિભાગ). પછી એડ્રેસ, દિલ્હીની કૉંગ્રેસ ઓફિસનું. ૧૯૮૯માં તો વિજ્ઞાપનોનું વાવાઝોડું ફુંકાઇ ગયું હતું. ૧૯૮૪માં કૉંગ્રેસના વિજ્ઞાપનના અક્ષરની સાઇઝ ૧ ઈંચ હતી, ૧૯૮૯માં અક્ષરની સાઇઝ ૧.૪૦ ઈંચ સુધી પહોંચી ગઇ હતી. કૉંગ્રેસ હિંદુસ્તાનનો સૌથી દેશભક્ત પક્ષ છે એ સાબિત કરા હવે બીજું કંઇ કરવાની જરૂર રહી ન હતી.

૧૯૮૪માં કૉંગ્રેસી વિજ્ઞાપનની ભાષા હતી: ‘ગિવ ગ્રોથ અ હૅન્ડ!’ (વિકાસને હાથ આપો!) અથવા ‘ગિવ સ્ટ્રેન્ગ્થ એ હૅન્ડ!’ (શક્તિને હાથ આપો!) ૧૯૮૯માં કૉંગ્રેસે જે ગતિ ને વિપુલતાની વિજ્ઞાપનો પાછળ રૂપિયાનો દરિયો વહાવી દીધો હતો, લાગતું હતું કે પાંચ વર્ષના શાસન દરમિયાન કૉંગ્રેસ પક્ષ પાસે વિકાસ અને શક્તિ બંને આવી ગયા હતા! નહીં તો હિંદુસ્તાનની બધી જ ભાષાઓમાં આખાં પાનાં ભરીભરીને છાપાઓની જગ્યા કેમ ખરીદી શકાય! ૧૯૮૯માં વિકાસ અને શક્તિની વાત ન હતી. કૉંગ્રેસી જાહેરખબરનો મુખ્ય નારો હતો: ‘માય હાર્ટ બીટ્સ ફોર ઈન્ડિયા’ (મારો હર ધબકાર ભારતને કાજ છે!)

છાપાંવાળા શયતાની દિમાગોવાળા માણસો હોય છે જેમને ટેલિસ્કોપની જગ્યાએ માઇક્રોસ્કોપ અને માઇક્રોસ્કોપને સ્થાને ટેલિસ્કોપ વાપરતા રહેવાની શરારત હંમેશાં સૂઝતી રહે છે. મને યાદ છે, મેં એ વખતે આ કૉંગ્રેસસૂત્રનો ઉપયોગ કરીને લખ્યું હતું: હું કૉંગ્રેસને વોટ નહીં આપું કારણ કે મારો હર ધબકાર ભારતને કાજ છે... હું કૉંગ્રેસના વિકલ્પને વોટ આપીશ, કારણ કે મારો હર ધબકાર ભારતને કાજ છે... હું એકચક્રી, એકવંશી રાજ્ય ચલાવા નહીં દઉં, કારણ કે મારો હર ધબકાર ભારતને કાજ છે... હું કોઇને પણ એની સાથે દગો નહીં કરવા દઉં કારણ કે મારો હર ધબકાર ભારતને કાજ છે... વગેરે વગેરે...

જાહેરખબર તલવારની જેમ એકધારી નહીં પણ શેવિંગ કરવાની બ્લેડની જેમ બેધારી હોય છે. ૧૯૮૪માં કૉંગ્રેસી જાહેરખબરો ચર્ચાસ્પદ બની ગઇ હતી. એ જાહેરખબરોની પાછળ રિડીફ્યૂઝન કંપનીના અરુણ નંદાનું દિમાગ હતું. એ દિવસોમાં ભા.જ.પ. ના મહામંત્રી એલ. કે. અડવાણી હતા, જનતા પક્ષના મહામંત્રી ડૉ. બાપુ કાલ્દાતે હતા, ડી. એમ. પી. કે. ના મહામંત્રી સત્યપ્રકાશ માલવિય હતા અને કૉંગ્રેસના વરિષ્ઠ મહામંત્રી અરુણ નેહરુ હતા. પાઉડર કે સાબુ કે પ્રસાધનની જેમ કૉંગ્રેસ પક્ષ ભારતનું ભવિષ્ય વેંચવા નીકળ્યો છે એવી એક અસર ઉત્પન્ન થતી હતી.

૧૯૮૪ની એક કૉંગ્રેસી જાહેરખબરમાં એક કાંટાદાર કેકટસના છોડને મનુષ્યમુખ અને બે પગ ચીતર્યા હતા, નીચે લખ્યું હતું: તમારું ભવિષ્ય તમારા જન્મથી નક્કી થશે કે તમારી યોગ્યતાથી? કર્ણાટકમાં જનતા પક્ષનું શાસન હતું અને દરરોજ આ કૉંગ્રેસી વિજ્ઞાપનનો પ્રતિવિજ્ઞાપન દ્વારા ઉત્તર અપાતો હતો. કર્ણાટકના જનતા પક્ષના પ્રતિવિજ્ઞાપનમાં જ આ જ વિજ્ઞાપન છાપીને નીચે લખ્યું હતું: હા, જો તમે પ્રધાનમંત્રીના બેટા હો તો!... બીજા એક વિજ્ઞાપનમાં કાંટાની એક લોખંડી વાડ હતી અને લખ્યું હતું કે દેશની સીમાઓ તમારા ઘરના દરવાજા સુધી આવી જશે? જનતા પક્ષે ઉત્તર આપ્યો હતો: હા, જો શાસક પક્ષને શાસનમાં રહેવા દેશો તો!... આ પ્રતિવિજ્ઞાપનોની નીચે લખ્યું હતું: જે. એચ. પટેલ, સેક્રેટરી જનરલ, જનતા પક્ષ, કર્ણાટક.

૧૯૮૪માં કૉંગ્રેસી વિજ્ઞાપનો જરા કુત્સિત અને જુગુપ્સાપ્રેરક હતા. એક વિજ્ઞાપનમાં છરા, એસિડ બલ્બ, લોખંડની ચેઇન ચીતરીને નીચે લખ્યું હતું: ભવિષ્યમાં તમે બજારમાં જશો ત્યારે એસિડ બલ્બો, લોખંડના સળિયા, છરાઓ ખરીદશો? બીજું એક વિજ્ઞાપન બે વિકરાળ મગરોના ચિત્રવાળું હતું, નીચે લખ્યું હતું: હવેનું યુદ્ધ ભારત માટેનું છેલ્લું યુદ્ધ હશે? આ બંનેનો જનતા પક્ષે પ્રતિઉત્તર આપેલો: હા, જો શાસક પક્ષ ફરીથી સત્તા પર આવશે તો!...

એ વર્ષે કૉંગ્રેસનું કદાચ સૌથી હાસ્યાસ્પદ વિજ્ઞાપન હતું. એ દેશનું નામ આપો જેનો પ્રગતિદર ઈંગ્લેન્ડ અને અમેરિકા કરતાં પણ વધારે છે. ઉત્તર: ઈન્ડિયા! આગળ લખ્યું હતું: ભારતનો સરેરાશ ઔદ્યોગિક વિકાસદર છેલ્લાં ૫ વર્ષોમાં ૪.૯ ટકા રહ્યો છે, જ્યારે ઈંગ્લેન્ડનો .૩ અને અમેરિકાનો ૧.૨ ટકા જ રહ્યો છે. દિવસનો એક રૂપિયો ભીખ મેળવનાર ભિખારી બે રૂપિયા મેળવી લે તો એનો વિકાસદર ૧૦૦ ટકા થઇ જાય એવું આ ભ્રમગણિત હતું. જે પણ હોય, શ્રીમતી ગાંધીની હત્યાનો જબરદસ્ત આઘાત હોય કે રાજીવ ગાંધી માટે હમદર્દીની હવા હોય કૉંગ્રેસ અભૂતપૂર્વ વિજય મેળવી ગઈ. ૧૯૮૯માં ફરીથી નિર્વાચન આવ્યું, અને કૉંગ્રેસે બાકાયદા વિજ્ઞાપનમારો શરૂ કરી દીધો. મુખ્ય સુત્ર હતું: મારો હર ધબકાર ભારતને કાજ છે! (માય હાર્ટ બીટ્સ ફોર ઈન્ડિયા!) આ વખતે વિજ્ઞાપનયુદ્ધ હાઈટેક બની ચૂકયું હતું. ૧૯૮૪માં કૉંગ્રેસી વિજ્ઞાપનો ઘણા વધારે હતા અને વધારે કાતિલ હતા. કરવતથી એક વડ કપાઇ રહ્યો હતો (‘અને હું કોઇનેય એના પંચાયતી રાજ સાથે દગો કરવા નહીં દઉ’) સાપ એક ઈંડું જોઇ રહ્યો હતો (‘અને હું એના ભવિષ્યને કોઇની અંધ મહત્ત્વાકાંક્ષાનો શિકાર નહીં થવા દઉ’) સિંહાસનના બે સિંહો ઘૂરકી રહ્યા હતા (‘અને હું કોઇ ઝઘડા દળને દેશના ભોગે પાર્ટી નહીં કરવા દઉ’) તૂટેલી તસવીરની સામે બુલેટ પડી હતી (‘અને હું કોઇનેય એને જુદા જુદા ધર્મનું રણક્ષેત્ર નહીં બનાવવા દઉ’) બાળક આકારના રમકડાંના હાથપગ તોડીને છૂટા પાડી નાખ્યા હતા (‘અને હું કોઇનેય એના ટુકડા નહીં કરવા દઉ’). ત્રણ વીંછીઓ એકબીજા સામે ખેંચાયેલા હતા (‘અને શું કોમવાદ, હિંસા, હુલ્લડ અને અરાજકતાનો ઝેરીલો ડંખ આપના રોજિંદા જીવનનું અંગ બનશે?’) વગેરે વગેરે... આ જાહેરખબરો જધન્ય કક્ષાની, લગભગ બીભત્સ કહી શકાય એવી ગંદી હતી. સ્વયં કૉંગ્રેસીઓએ વિરોધ કર્યો હતો. આમાં હાથથી રોટી તોડીને ખાનારા હિન્દુસ્તાનીનો દેશપ્રેમ દેખાતો ન હતો, આમાં છરી-કાંટાથી મસાલા ઢોસા ટેસ્ટ કરનારા કૉન્વેન્ટિયા ઈન્ડિયનના હાર્ટના બીટ સંભળાતા હતાં. વિપક્ષો તૂટી પડે એ સ્વાભાવિક હતું. આ વિજ્ઞાપનયુદ્ધ, સન ૧૯૮૯નું, છઠ્ઠા રાઉન્ડના બોક્સિગં જેવું લોહીલુહાણ હતું. આંખની ઉપર પડેલ કાપા ઉપર, જયાંથી લોહી નીકળી ગયું હતું, ત્યાં જ બ્લો મારવાનો હતો, વધારે લોહી તરત કાઢવાનું હતું કે જેથી પ્રતિસ્પર્ધીની આંખમાં ગરમ ગરમ લોહી ઊતરી આવે, એને દૃષ્ટિભ્રમ થઇ જાય, પછી નોક-આઉટ પંચ લેન્ડ કરવાનો હતો. બુલફાઇટને અંતે સાંઢની બે આંખની વચ્ચે સીધી તલવાર ખૂંપાવી દેવા જેવો, જેને માટે શબ્દ છે: કુદ ગ્રેસ અથવા અંતિમ સુસંસ્કૃત વાર! વિપક્ષોનાં પ્રતિવિજ્ઞાપનો પ્રતિહિંસક બની ગયાં, કારણ કે વિપક્ષોની યુતિને કૉંગ્રેસના લોહીની વાસ આવી ગઇ હતી. ૧૯૮૯માં કૉંગ્રેસનો નોક-આઉટ સંપૂર્ણ હતો. વનપ્રાંતરમાંથી જાનપદી અંચલોમાંથી. ઝૂંપડાઓમાંથી, મહાનગરોમાંથી, ધુળિયા ગાડામાર્ગોમાંથી હિંદુસ્તાની ઓરતો- મર્દોએ, હાથી જેવી વિરાટ મહાપ્રજાએ કળશ નવા ચહેરાને પહેરાવી દીધો. એ માણસનું નામ: રાજા વિશ્ર્વનાથ પ્રતાપસિંહ ખેર, એ પછીની વાત બીજી વાત છે. 



ક્લોઝ અપ

એ કૂતરીનો બચ્ચો આઈઝન હોવર કોઇ પણ કામ માટે ડોબો હતો...

- અમેરિકન રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેન, બીજા રાષ્ટ્રપતિ આઈઝન હોવર વિષે (પ્લેન સ્પીકિંગ: પૃષ્ઠ ૩૭૪).

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી -- રાજકારણમાં પૈસો એ માનું દૂધ છે!

માણસ છાપાં શા માટે વાંચે છે? એકસો ઉત્તરો હોઈ શકે છે આ પ્રશ્ર્નના, અને એક મિત્રે ઉત્તર આપ્યો હતો કે હું છાપામાં ફક્ત કૂતરાનાં નાનાં નાનાં બચ્ચાં વેચવાની જાહેરખબરો વાંચવા માટે છાપું વાંચું છું. આપણને ખબર પડે કે બજારમાં ડોબરમેન કે આલ્સેશિયન કે પોમેનેરીઅન કે પીકીંગીઝ કુરકુરિયાં ક્યાં મળે છે, અને પછી એનો ભાવ પૂછી શકાય છે. કેટલાક સુજ્ઞ વાચકો છાપાંઓ એટલા માટે વાંચે છે કે આજકાલ કયા કયા નેતાઓ, શું શું ભાવે મળે છે એ ખબર રહે. એક વાચકે એવી શિકાયત કરી હતી કે ગુજરાતી સમાચારપત્રોમાં શેરબજારના ભાવ અને ક્રિકેટના સ્કોર સિવાય સર્વત્ર છાપકામની ભૂલો જ હોય છે. છાપાં જ્ઞાનવૃદ્ધિ માટે વાંચવાં એ એક વાત છે અને ગમ્મતવૃદ્ધિ માટે વાંચવાં એ બીજી વાત છે. ડિલિવરી પછી બહેનોએ પેટ કેવી રીતે ઓછું કરવું એ લેખો વરસાદના દિવસોમાં નિયમિત આવતા જ હોય છે, ને હું એ લેખો વાંચવાનું ચૂકતો નથી, કારણકે સ્ત્રીના શરીરમાં સ્ત્રીનું પેટ એ સૌથી અસેક્સી, સેક્સહીન, સેક્સલેસ અંગ છે. એક વાચકનું કહેવું હતું કે લેખની સાથે લેખકનો ફોટો છાપવાનું એક સુખ એ છે કે ફોટો જોઈને તરત નક્કી કરી શકાય છે કે કયો લેખ ન વાંચવો. ઘણો ટાઈમ, શરૂની આઠ દસ લાઈનો વાંચવાનો, બચી જાય છે. અન્ય એક વાચકે પ્રતિભાવ આપ્યો હતો કે વાચકની ઘ્રાણેન્દ્રિયથી જ નક્કી થાય છે કે શું ન વાંચવું, અને જે કોલમ વાંચવાલાયક છે એમાંથી ખુશ્બૂ જ આવે છે, પુલાવમાંથી ઊઠતી ભાપની જેમ ગરમગરમ કે લેડીઝ રૂમાલમાં છાંટેલા ઓ’ડી કોલોનની જેમ ઠંડી ઠંડી... એટલે વાંચવું એ અનુભવી નાક સાથે સંબંધિત પ્રક્રિયા છે.

છાપા બહુ ન વાંચી નાંખવા વિશે હું સ્પષ્ટ છું, અને આમાં દરેકે નક્કી કરવાનું છે કે એ ગાયવાદી છે કે ભેંસવાદી છે. ગાય બધાં જ છાપાં ખાઈ જાય છે, ભેંસ છાપું ખાતી નથી. હોલીવુડમાં બકરીઓ એક ફિલ્મનો રોલ ખાઈ રહી હતી. એક બકરીએ બીજી બકરીને કહ્યું: યાર, આ ફિલ્મ કરતાં તો નોવેલ વધારે સારી હતી! વાત સાચી છે, નોવેલ ચાવવામાં જ મજા છે એ કચકડાની ફિલ્મમાં ક્યાં છે? સમીક્ષકો તરીકે બકરીઓ બેસ્ટ છે. કારણ કે એ બધું જ ખાય છે, એમને બધું જ ખાવું પડે છે. દરેક છાપામાં રોજ એવું કેટલું બધું છપાય છે જે વાંચવાની મારે જરૂર છે? છતાં પણ એરંડા બજારની ભાવવધઘટથી જુહી ચાવલાના વાળની વધઘટથી સંજય લાલભાઈની દાઢીની વધઘટ સુધી બધું જ વાંચવું પડે છે. આમાં બજાર, વાળ કે દાઢી મહત્ત્વનાં નથી, જેને અંગ્રેજીમાં ‘ઑપરેટિવ વર્ડ’ કહેવાય છે એ છે: વધઘટ! કેટલાક શબ્દો વિના છાપાં ચાલી શકતાં નથી. ‘કરૂણ રકાસ’ એક આવો જ તકિયા કલામ છે. એ દરેક સ્થિતિમાં, પરિસ્થિતિમાં, દુ:સ્થિતિમાં વાપરી શકાય છે પણ ભારતીય ક્રિકેટ ટીમ માટે આ શબ્દો ઝાંખા પડી જાય છે. શ્રીલંકામાં ૬ વિકેટે ૯૫૨ રન કરનારા રાવણના વંશજો શ્રીલંકાના ક્રિકેટરોની સામે ભારતીય તેંદુલકર ટીમ વિશે શું લખવું જોઈએ? રમૂજી રકાસ? અદ્ભુત રકાસ? અભૂતપૂર્વ રકાસ? એક ડ્રોઈંગરૂમ દેશપ્રેમી તરીકે હું આ પ્રકારના શીર્ષકની અપેક્ષા રાખતો હતો: ‘શ્રીલંકામાં ભારતીય ક્રિકેટ ટીમે સિદ્ધ કરેલો અભૂતપૂર્વ, અશ્રુતપૂર્વ, અપૂર્વ રકાસ’! અને નીચે ‘બોર્ડર’ ફિલ્મના ગીતમાંથી લીટીઓ: ‘સંદેશે આતે હૈ... કબ ઘર આઓગે?...’

જેને તોફાની બોલતાં આવડે છે એને છાપાઓમાં તરત સ્થાન મળી જાય છે એવી માન્યતા છે. અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝના અધ્યક્ષ સ્પીકર ટીપ ઓ’નીલનું વિધાન હતું કે રાજકારણમાં પૈસો એ તો માનું દૂધ છે! હિંદુસ્તાનના રાજકારણમાં આ વિધાન બિલકુલ ઉપયુક્ત સાબિત થયું છે. હિંદુસ્તાનમાં અને ગુજરાતમાં હવે રાજકારણીઓ માટે માતાના દૂધની બાબતમાં કોઈ પક્ષાપક્ષી રહી નથી. દરેક પક્ષને સત્તા મળી છે અને દરેક પક્ષના નેતાએ આંખો બંધ કરીને ધાવવાનું ચાલું રાખ્યું છે. કચ્છી પ્રજામાં એક કહેવત પણ છે: એકને ધાવવું અને બીજા પર હાથ રાખવો! (હિકચે કે ધોયણું, ને બે તેં હથ રખણું) ગુજરાતના દરેક પક્ષના નેતાનો માતૃપ્રેમ, ધાવતા રહેવાની બાબતમાં પ્રશસ્ય રહ્યો છે એ સ્વીકારવું જ પડશે. અને આજે નેતાને વિષાદ એક જ વાતનો છે કે કૂતરી જો માતા તરીકે હોત તો માનું દૂધ પીવા માટે ધાવવાની કેટલી બધી વધારે સુવ્યવસ્થા હોત? અને કચ્છી કહેવત પણ અપ્રસ્તુત બની જાત... અજમેરની મેયો કૉલેજનાં ૧૧૩ વર્ષોની સમાપ્તિ પ્રસંગે પ્રવચન આપતાં પૂર્વ અમેરિકન રાજદૂત ફ્રેન્ક વિઝનરે કહ્યું કે અમારે ત્યાં અમેરિકામાં દરેક વરિષ્ઠ સરકારી અફસર માટે એની કમાણી, સંપત્તિ અને કર્જ જાહેર કરવાં જરૂરી હોય છે. આમાં રાજદૂતોનો સમાવેશ આવી જાય છે અને રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવારો પણ આવી જાય છે, આ દરેકે પોતાનું ટૅક્સ-રિટર્ન આપવું પડે છે. હિંદુસ્તાનમાં તો નહીં પણ ગુજરાતના ભાજપી કેશુભાઈ પટેલના મુખ્યમંત્રીપદ દરમિયાન ભાજપી મંત્રીશ્ર્વરોને પ્રમાણિકતાનો આવો એક અટેક આવી ગયો હતો અને સંપત્તિઓ ધડાધડ જાહેર કરી દેવામાં આવી હતી. આ પ્રમાણિકતાનો ચેપ શંકરસિંહ વાઘેલા કે એમના સિંહાસનના પગ પકડીને ઊભેલા કૉંગ્રેસીઓને લાગ્યો નહીં એ ગુજરાતનું સૌભાગ્ય છે...

ચર્ચાસ્પદ છાપવું એ છાપાનો ધર્મ છે એમ ઘણાં સમાચારપત્રાધિપતિઓ ગંભીરતાથી માને છે. ઑક્સફોર્ડમાં રહેતા ૧૦૦ વર્ષીય લેખક નિરદ ચૌધરી આવાં મૌલિક વિધાનો માટે મશહૂર અથવા લગભગ કુખ્યાત છે. નિરદબાબુએ હમણાં વિધાન કર્યું કે બંગાળીઓ ‘બનાવટી બુદ્ધિમાનો’ છે અને ‘બુદ્ધિશાળી પંજાબી’ (પંજાબી ઈન્ટેલેકચ્યુઅલ) નામની કોઈ વસ્તુ હોતી નથી! જો ગુજરાતમાં કોઈ લેખક આ પ્રકારના વિધાનો કરે કે... કાઠિયાવાડી ઈન્ટેલેકચ્યુઅલ નામની કોઈ વસ્તુ નથી... અથવા આભલાંવાળાં બ્લાઉઝ પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થઈ જાય છે... કે વાતનો પ્રકોપ વધી જાય છે ત્યારે લાભશંકર કવિ સારી વાર્તાઓ લખી શકે છે... કે બાબુભાઈ મેઘજી શાહે ચીતરેલા આત્મારામ પટેલનાં ચિત્ર ‘અધોવસ્ત્રહરણ’ને પેરિસની બાયેનીઅલ ચિત્રપ્રદર્શનીમાં ૧૮૩મું ઈનામ મળ્યું છે... ત્યારે વાંચનારને મજા આવે છે. પણ આ બધાં જ વિધાનો જરૂર ચર્ચા જન્માવી શકે છે. આજકાલ કળિયુગ ચાલે છે અને ટી-શર્ટ અને જીન્સ અને સ્નીકર્સ પહેરેલી કૉલેજની છોકરીને જો એમ કહેવામાં આવે કે તમે નારીજાતિનાં છો તો પણ એ ‘વૉટ... મૅન?’ કહીને ઉત્પાત મચાવી શકે છે.

છાપાંઓમાં શું વાંચવું જોઈએ? જુલીઆ ચાઈલ્ડ અમેરિકામાં કિચનની સામ્રાજ્ઞી ગણાય છે. એ છાપાંઓમાં રસોઈ વિશે લખે છે, ટી.વી.માં વાનગીઓ વિશે કાર્યક્રમ આપે છે. લાખો અમેરિકન મહિલાઓ જુલીઆ ચાઈલ્ડની કૉલમો-કાર્યક્રમોની આશિકાઓ છે. એણે હમણાં એક વિધાન કર્યું કે ‘હેલ્ધી ફૂડ’થી હું દૂર ભાગું છું. જો એ ‘હેલ્ધી’ છે તો સમજજો કે એમાંથી બધો જ સ્વાદ કાઢી લેવામાં આવ્યો છે! અમેરિકામાં તોફાન મચી જવું સ્વાભાવિક હતું. ફૂટપાથ પર રેંકડી પરથી બટાટાવડાં ખાઓ અને ફોર-સ્ટાર-હૉટેલમાં બટાટાવડાં ખાઓ, કોઈ ફર્ક લાગે છે? ફૂટપાથી ઊભેલો તમને પાણીપૂરી ખવડાવે અને તમે ઍરપોર્ટની ચકચકિત કૉફી શૉપમાં પાણીપૂરી પ્લેટમાં ખાઓ (જો મળતી હોય તો), કોઈ ફર્ક લાગે છે? બસ બહુ ઝગઝગાટ હોય છે ત્યાં સ્વાદ ભાગી જાય છે. અને મારું એવું માનવું છે કે છાપાંઓમાં જાતજાતની ચમકદાર સન્નારીઓ જે વ્યંજનો બનાવવાનાં સૂચનો-સલાહો અને રેસીપી આપે છે એ તદ્દન બેસ્વાદ હોય છે. શુદ્ધ ઘીમાં પ્યાજના ભજિયાં કે શક્કરિયાંનાં શાકમાં કેસરનો વઘાર ‘મહિલા જગત’ પૂર્તિ માટે બરાબર છે પણ ડાઈનિંગ ટેબલ પર આવી જાય તો પતિને બીમાર કરી મૂકે! ઘણી વસ્તુઓ છાપાંના પાનાંઓ પર બહુ ચટાકેદાર લાગે છે...! ગ્રીનકાર્ડીઆ અમેરિકન ગુજરાતીઓ કહ્યા કરે છે કે અમે અહીં છાપાં વાંચતા નથી, અમે તો ટી.વી.માં જ ન્યૂઝ જોઈ લઈએ છીએ! (ડૉલર-દોઢ ડૉલર બચી પણ જાય છે.) પણ એમને ત્યાં કોઈ ન્યૂઝ છે? એમને ત્યાં દેવેગૌડા, માયાવતી, રબડી દેવી છે? લાલુપ્રસાદ યાદવ છે? બાળ ઠાકરે, દાઉદ ઈબ્રાહિમ, છોટે મુરારી, બડે વાઘેલા, છોટા શકીલ, બડે કેશુભાઈ છે? ગાંધીનગરમાં એક ‘છોટે છોટેમિયાં’ની પણ કોઈ સજ્જને ઓળખાણ કરાવી હતી એ યાદ છે...



ક્લોઝ અપ

ફૅક્સ મી! પેજ મી! ઈ-મેઈલ મી! યુ સિલી!

- ૧૯૯૭માં મોકલાયેલો એક પ્રેમીને બીજા પ્રેમીનો પ્રેમસંદેશ

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી -- નયા ગુજરાત બનાવવાનો પ્લૉટ...

છેવટે એક મંત્રીએ કહ્યું: આપણે નયા ગુજરાત બનાવવાનો પ્લૉટ કર્યો છે. તમારે એ માટે સૂચનો કરવાનાં છે!... હું જરા ગભરાયો, ‘પ્લૉટ’ શબ્દ સાંભળને, પછી સંયત થઇ ગયો. શ્રી મંત્રીશ્રી ‘પ્લાન’ને બદલે ‘પ્લૉટ’ બોલી ગયા હતા. ગુજરાતમાં ધણાખરા મંત્રીશ્રીઓ અંગ્રેજી ભાષાથી જરા મેહરુમ છે. મેં કહ્યું: મંત્રીશ્ર્વર! મારી પાસે ગુજરાતને નયા ગુજરાત બનાવવાના ઘણા પ્લૉટ છે. એમણેશ્રીએ કહ્યું: લખીને મોકલો. દરેક ગુજરાતીએ તનમનધનથી ગુજરાત માટે કાંઇક કરવું પડશે!... હું વિચારતો રહ્યો કે મંત્રીશ્રીની વાત બરાબર હતી. અત્યાર સુધી મારા અને બધાના સર્વ મિત્ર માધવસિંહ સોલંકીના યુગમાં માત્ર તનધનફન ગુજરાત સેવાની આધારશિલા હતી, હવે ફનને સ્થાને મન આવી રહ્યું હતું.

હું સૂચિ લઇને મંત્રીશ્રી પાસે પહોંચ્યો.

પ્લૉટ લાયા?

લાયો છું.

બધા જ ચાલ્યા ગયા, આ રૂમમાંથી બહાર ઊગેલાં બોગનવીલીઆ દેખાતા હતા. ઉપર પાંજરામાં એક પોપટ હતો. એ મને જોઇને સતત બોલતો હતો લાવ... મૂક જા!.. જા! લાવ... મૂક... જા!... મંત્રીશ્રીએ પોપટ તરફ બૂમ પાડી: ચૂપ! પોપટ અસંતુષ્ટની જેમ ચૂપ થઇ ગયો. પણ એ આંખ ફાડીને અમને જોતો રહ્યો, મંત્રીશ્રીએ કહ્યું: આ અમારા ઘરમાં ત્રાસવાદી ઘૂસી ગયો છે... હી...હી...હી...

હી... હી... હી.. હું જવાબદારીપૂર્વક પ્રતિહાસ્ય કરતો ગયો. મે સૂચિ ખોલીને વાંચવા માંડી.

‘અમદાવાદમાં સાત પુલો છે.: શાસ્ત્રી, ઈન્દિરા, નેહરુ, સુભાષ, ગાંધી, સરદાર અને ઍલિસ. આ સાત પુલોના નામ બદલવા જોઇએ અને ગુજરાતના ઈતિહાસનાં મહાન નામોથી આ પુલો ઓળખાવા જોઇએ. જેમ કે હેમચંદ્રાચાર્ય પુલ, સિદ્ધરાજ જયસિંહ પુલ, કુમારપાળ પુલ, વનરાજ પુલ, તાનારીરી પુલ, દાદુ દયાલ પુલ, મીનળદેવી પુલ. આ પુલોની ડિઝાઇનો તદ્દન મોળી અને એકવિધ છે. આ પુલો પર બંને તરફ થોડે થોડે અંતરે ગનમેટલ કે અન્ય ધાતુના કોતરેલા ઊંચા લેમ્પો ગોઠવવા જોઇએ. દરેક પુલ આજે એક જેવો જ દેખાઇ રહ્યો છે. એ દરેક પુલને એક વ્યક્તિત્વ મળવું જોઇએ. લંડનમાં પાર્લામેન્ટમાં મકાનો પાસે વેસ્ટ નિન્સ્ટરથી ટાવર બ્રિજ સુધી પુલો છે. પેરિસમાં સેન નદી પરના પુલો વિશ્ર્વપ્રસિદ્ધ છે. લંડનથી લેનિનગ્રાદ સુધી સરસ, રોમેન્ટિક પુલો છે. એમાંથી અમદાવાદે શીખવું જોઇએ, સ્વીકારવું જોઇએ.

સાબરમતી નદીમાં પાણી વહેતુ થવું જોઇએ. જરૂર પડે તો નદીને વધારે સાંકડી કરી શકાય. નદીના પટમાં બે દીવાલો બાંધીને નદીને વધારે સાંકડી બનાવવી જોઇએ અને કિનારા તથા દીવાલની વચ્ચે લોકોને ફરવા માટે પ્રોમેનેડ કે વૃક્ષાચ્છાદિત માર્ગો બનાવવા જોઇએ. લંડનમાં થૅમ્સ નદીને કિનારે આ રીતે ફરવાનો માર્ગ છે. ત્યાં ગાડી કે અન્ય કોઇ વાહન આવી શકે નહીં. માત્ર માણસો જ ચાલી શકે. યુરોપમાં અને રશિયામાં લગભગ દરેક નદીકિનારે આ રીતે ફરવાની વ્યવસ્થા સરકારે કરી છે. આનાથી આગળ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં છે. સમુદ્રકિનારે એક ‘ગોલ્ડન માઈલ’ અથવા એક માઇલનો લાંબો વિસ્તાર છે. સમુદ્ર અને મકાનોની વચ્ચે અહીં હોટલો છે. હંમેશાં લાઇટો જલે છે. સાંજના આખું શહેર જાગી ઊઠે છે. બાળકોને રમવા માટે મિનિ ઉદ્યાનો છે. અમદાવાદમાં નદીના પટમાં બંને કિનારે, દીવાલ અને સડકની વચ્ચે આવા ગોલ્ડન માઇલ વિસ્તારો બનાવવા જોઇએ જ્યાં એ વિસ્તારના લોકો ફરી શકે.

‘જો સાબરમતીમાં પેરિસની સેન કે લંડનની થેમ્સ જેટલો જ સાંકડો પ્રવાહ વહે તો પણ હવામાન ઠંડું થઇ શકે છે. સાંજે બોટનાં, નદીના એક સિરાથી બીજા સિરા સુધી સામાન્ય લોકો વિહર કરી શકે. સૌથી મોટી વાત તો એ કે કોઇ અમદાવાદીને આપઘાત કરવો હોય તો કાંકરિયા સુધી જવું ન પડે. સરકારે સુલભ આપઘાત માટે પ્રજાને સહાયક સગવડો પૂરી પાડવી જોઇએ.

‘ગુજરાત સરકારે નગરોમાં હરિજન કલા સંગ્રહાલય કે અનુસૂચિત જાતિ કલાભવન કે દલિત હુન્નર મ્યુઝિયમ પ્રકારનાં કલાકેન્દ્ર ખોલવાં જોઇએ. જે સ્થાઇ હોય. મૉસ્કોમાં ઑસ્ટેનકીનો પેલેસ ૧૮મી સદીનો છે. જેમાં મ્યુઝિયમ ઓફ સર્ફ આર્ટ અથવા ગુલામોની કલાનું સંગ્રહાલય છે. એમાં ચિનાઇ માટીની વસ્તુઓ, કોતરકામ, ફર્નિચર અને અન્ય કલાકૃતિઓ મૂકેલી છે. આ જ રીતે ગુજરાતમાં દલિત કલાનાં મ્યુઝિયમો ખોલવાં જોઇએ. મોસ્કોનો ઑસ્ટેનકીનો મહેલ પણ સર્ફ (ગુલામ) કલાકારોએ બાંધ્યો છે.

- રશિયામાં મોસ્કોમાં પ્રતિવર્ષ બે કલા મહોત્સવો થાય છે. એક ‘રશિયન વિન્ટર ’ અથવા રશિયન શિયાળો (ડિસેમ્બર ૨૫ થી જાન્યુઆરી ૫) અને બીજો મોસ્કો સ્ટાર્સ (મે ૫ થી મે ૧૩) આ લાઇવ શોમાં ગીતસંગીત, નૃત્ય અને સમૂહગાન થાય છે. ગુજરાત પાસે આ જ રીતે નવરાત્રિ ઉત્સવ થાય છે, પણ એને માટે ગુજરાત સરકાર જાહેરાતો કરતી નથી અથવા કરતા આવડતી નથી. દરેક પ્રજાના આવા નૃત્ય મહોત્સવો જગપ્રસિદ્ધ છે. જર્મનીમાં ઓકટોબર ફેસ્ટ થાય છે. અમેરિકામાં માર્દી-ગ્રા થાય છે. સ્પેનમાં ફિયેસ્તા હોય છે. પૂરા લેટિન અમેરિકામાં મેક્સિકો, બ્રાઝીલ આર્જેન્ટિના સર્વત્ર આ ફિયેસ્ટા ચાલે છે. નાનકડું સિંગાપુર પણ પ્રતિવર્ષ ઓગસ્ટમાં સ્ંિવગ સિંગાપુર નામનો સડકનો જલસો કરે છે. ગુજરાત પાસે તો નવરાત્રિ છે જ. ગુજરાત સરકારે વિશ્ર્વભરમાં આ નૃત્યોત્સવ જાહેરાતો કરવી જોઇએ. તો ગોવાના ફિયેસ્ટાની જેમ વિશ્ર્વ પર્યટકો ગુજરાત ખેંચી શકે. કમસે કમ, ભારતના દરેક પ્રમુખ સ્થાનિક પત્રમાં આની પૂર્વ જાહેરાત વિધિવત કરવી જોઇએ.

- હમણાં કલકત્તામાં ૧૯મી સદીનો બંગાળી ભોજનનો ભોજનવિલાસ ઉત્સવ કરવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં ૧૯મી સદીના બંગાળની ખાદ્ય વાનગીઓ, વ્યંજનો, પેય પદાર્થો એ જ કાળના પોષાક પહેરીને પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં. સ્ત્રી-પુુરુષો ૧૯મી સદીની જેમ ઘોડાગાડીઓમાં આવ્યા હતાં, ઉતર્યા હતાં, ને ગુલાબજળનો છંટકાવ થયો હતો. પલાઠી મારીને લોકો જમવા બેઠા હતા. પ્રજાએ એક આવી ૧૯મી સદી ખડી કરી દીધી હતી! આ બંગાળી પ્રજાનો ભોજનવિલાસ હતો. મીઠાઇઓ એ જ રીતે બનાવવામાં આવી હતી, જે રીતે ૧૯મી સદીમાં બનતી હતી અને સંગીત એ જ રીતે વગાડવામાં આવ્યું હતું જે રીતે વાગતું હતું. ગુજરાતમાં સુરતમાં ગુજરાત સરકારે પ્રતિ વર્ષ ભોજનવિલાસ ઉત્સવ કરવો જોઇએ. આ કાર્યક્રમ પ્રજાને એમના ભૂતકાળ અને સંસ્કૃતિ તરફ લઇ જશે.

- ગુજરાતમાં સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, આણંદ વગેરે શહેરો ફેલાતાં ગયાં છે. પણ આ એક પણ નગરનો આધુનિકતમ કે અપટુડેટ નગરનકશો મળતો નથી. અમદાવાદમાં એક ડિઝાઇન સંસ્થા છે.

અમદાવાદ પાસે, લંડનમાં જેમ ‘એ ટુ ઝેડ’ નામનું નકશાઓનું પુુરું પુસ્તક મળે છે, એમ પુસ્તક હોવું જોઇએ. અત્યારે જે ઉપલબ્ધ છે એ કવોલિટીની દષ્ટિએ રેઢિયાળ કરી શકાય એવાં છ. ગુજરાત વિશ્ર્વવિદ્યાલય વિસ્તારનો પણ નકશો મળતો નથી. રિક્ષાવાળાઓને લેડીઝ હૉસ્ટેલ ક્યાં છે એ ખબર નથી! ગુજરાતના દરેક નગરમાં નવાં નવાં ઉપનગરો, પરાંઓ, વસાહતો વિકસી ગયા છે. જેમનો નકશામાં સમાવેશ થતો રહેવો જોઇએ. વિદેશોમાં સૌથી વધુ અનિવાસી ભારતીય (નોન-રેસીડન્ટસ) ગુજરાતીઓ છે, જેમાંના ઘણા વર્ષે બે વર્ષે ગુજરાત આવતાં રહે છે. એમને માટે પણ લેટેસ્ટ નગરનકશાઓ ગુજરાત સરકારે તૈયાર કરાવવા જોઇએ. - ઘેટાના શરીર પર ઊન પણ વ્યવસ્થિત ઊગે છે. પણ સુરતમાં જે રીતે જૂની શેરીઓમાં નવાં સ્કાયસ્ક્રેપર્સ ઊભાં થયાં છે, નવી ગંદી કોલોનીઓ બની ગઇ છે, અરાજકતાનું એક સામ્રાજ્ય વ્યાપ્યું છે. એ માટે એ સમયના નગરસેવકો પર મુકદમા ચલાવવા જોઇએ. સુરતની આ સૂરતે - હાલ જોયા પછી મને એક વિચાર આવે છે, જે મેં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં જોયો છે. ત્યાં મ્યુનિસિપલ ચૂંટણી થવાની હતી, ત્યારે હું હતો. રાજકીય પક્ષોના ઉમેદવારો ઉભા રહે છે, પણ લોકો સ્વતંત્ર ઉમેદવારોને ઊભા રાખીને જિતાડે છે. જે લોકો સ્વાસ્થ્ય, નગરવિકાસ, વિદ્યુત, જળવ્યવહાર, સડક યાતાયાત આદિના વિશેષજ્ઞો હોય છે. રાજકીય પક્ષો પણ અન્જિનિયર, તંત્રજ્ઞો નિષ્ણાતોને ઊભા રાખે છે. મ્યુનિસિપલ નિર્વાચન ભૂસ્કદાસો અને ઠેકડાલાલો માટે નથી પણ નગરસમસ્યા સમજતા હોય એવા નિષ્ણાતો માટે જ છે. પરિણામ સ્પષ્ટ છે. વિશ્ર્વના શ્રેષ્ઠ રાજમાર્ગો દક્ષિણ આફ્રિકના ગણાય છે. મહાનગરો સ્વચ્છ છે.. વગેરે વગેરે. મારી સૂચિ હજી પૂરી થઇ ન હતી. શ્રી મંત્રીશ્રીની આંખો ઝૂકી ઝૂકી રહી હતી. ઉજાગરો હશે. હું ઉભો થઇ ગયો. સૂચિ ખીસામાં મૂકીને બહાર નીકળ્યો. નયા ગુજરાતનો મારો પ્લૉટ જામ્યો નહીં. આજકાલ નવલકથાના પ્લૉટ પણ બરાબર જામતા નથી...



ક્લોઝ અપ

કોઇ પણ પ્રજાને એનું રાષ્ટ્ર ચાંદીની થાળી પર અપાયું નથી.

- ઇઝરાયલી રાજપુરુષ ચાઈમ વાઇઝમાન

દિવ્યાશા દોશી -- સાચું જ્ઞાન, સ્વાર્થી શિક્ષણ નહીં

કંઈક જુદી જ માટીમાંથી ઘડાયેલા બંકર રોયે બેરફુટ કોલેજ સ્થાપી જ્યાં ડિગ્રીધારી શિક્ષકો નથી ભણાવતા કે નથી ભણનારને ડિગ્રીના સર્ટિફિકેટ અપાતા. રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવું જ શિક્ષણ અપાય છે 

સાર્થકતાના શિખરેથી - દિવ્યાશા દોશી

શિક્ષણ વ્યવસ્થાને નામે આપણે રોજ બૂમો પાડીએ છીએ અને સાંભળીએ છીએ... પણ તેને માટે આપણે શું કરીએ છીએ ? કશું જ નહીં. એ જ સિસ્ટમમાં આપણે તણાઈએ છીએ... જીવીએ છીએ..આપણામાં કોઇ પરિવર્તન આવતું નથી. આપણી સરકારી શાળા કે કોલેજો પણ એમાંથી બાકાત નથી. દિલ્હીમાં આપની સરકાર આવતા પહેલીવાર સરકારી શાળા અને કોલેજોને સુધારવાની વાત થઈ હતી.. બાકી શિક્ષણ એટલે કમાણીનો ધંધો જ્યાંથી એ જ શીખીને બહાર જવાનું કે આપણે કેટલા પૈસા પેદા કરી શકીએ. સંસ્કારિતા કે વિકાસની વાત થતી નથી. શિક્ષણ આપણને સ્વાર્થી બનતા શીખવાડે છે, સમાજ માટે કે સાથે જીવન જીવતાં શીખવાડતું નથી.

પણ બંકર રોય નામની વ્યક્તિ કંઇક જુદી જ માટીમાંથી ઘડાઈ છે. તેમણે રાજસ્થાનમાં બેરફુટ કોલેજની સ્થાપના કરી જ્યાં ડિગ્રીધારક શિક્ષકો નથી ભણાવતા અને અહીં ભણનારને ડિગ્રીના કોઇ સર્ટિફિકેટ અપાતા નથી. તેઓ શિખેલું યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકે તે રીતે તેમને શિખવાડાય છે. આ કોલેજમાં રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે તેવું શિક્ષણ આપવામાં આવે છે.

બંકર રોય વિશે જાણીએ... તેમનું નામ છે સંજીત બંકર રોય. તેમનું શરૂઆતનું શિક્ષણ ત્યારની બહુ જાણીતી ધનાઢ્ય લોકો માટેની દૂન સ્કૂલમાં થયું. ત્યારબાદ દિલ્હીની સ્ટિફન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા. ૧૯૬૪ની સાલમાં તેઓ સ્ક્વોશ રમતમાં ચેમ્પિયન હતા અને તેઓ આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતવતી રમ્યા હતા. શ્રીમંત અને વગદાર કુટુંબમાં તેઓ જન્મ્યા હતા અને તેમના માતાપિતા વિચારતા હતા કે તેઓ સરકારી ઊચ્ચ પદે કામ કરશે. પણ ૧૯૬૫ની સાલમાં તેમને વિચાર આવ્યો કે સરકારી પદવી મેળવવા પહેલાં ગામડાઓ કેવા હોય તે ફરીને જોવા માગતા હતા. એટલે સૌ પ્રથમ તેમણે ગામડાઓને નજીકથી જાણવા જોવા પ્રવાસે નીકળી પડ્યા.૧૯૬૫માં દુકાળ દરમિયાન બિહારના ગામડાઓમાં ફરીને જે દારૂણ ગરીબી,ભૂખમરો અને કરુણતા પ્રથમવાર જોયા. તેમણે ઘરે પાછા જઇને જાહેર કર્યું કે ગામડામાં કામ કરીને સમાજને માટે કામ કરવું છે. આ બાબત માતાપિતાને પસંદ ન આવી. પણ બંકર રોય પોતાની વાતમાં મક્કમ રહ્યા.

બંકર રોયે ટેડ ટોકમાં પોતાના વક્તવ્યમાં બહુ સરસ વાત કરી કે, હું ખૂબ એલિટ, ધનવાનો માટેની એટિકેટવાળી સ્કૂલમાં ભણ્યો અને તેણે મારું જીવન લગભગ બરબાદ કરી નાખ્યું. મને વાસ્તવિકતા ન બતાવી કે ન અનુભવાવી. હું શિક્ષક, ડિપ્લોમેટ કે પછી કોઇપણ સારા પગારની નોકરી માટે તૈયાર કરાયો હતો. પણ નસીબ જોગે મારી ચેતના જાગી અને મને સાચુંકલું ભારત જોવાની ઇચ્છા થઈ. રાજસ્થાનના તિલોનિયા ગામમાં તેમણે ૧૯૭૨માં ગરીબો માટે બેરફુટ કોલેજની સ્થાપના કરી. આ કોલેજ સ્થાનિક લોકોએ જ બાંધી. ગરીબો માટે જ હતી એટલે તેમને સહજતા લાગે એટલે કોલેજમાં કોઇ ટેબલ ખુરશી ન રાખ્યા. આ કોલેજનો મૂળ ઉદ્દેશ એ હતો કે ગામડામાં જે કારીગરો હોય તેમને પોતાના કામમાં આવડત અને પરફેકશન આવે. ગાંધીજીનો આદર્શ ગામડાઓને સ્વાવલંબી બનાવવા તે વિચાર પર આ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં સોલાર પેનલ જે ત્યાંના ગામડાની અભણ મહિલાઓ ધ્વારા બનાવવામાં અને ઓપરેટ કરવામાં આવતું. વોટર પંપ અને સોલાર પેનલ બનાવી શકે અને રિપેર કરી શકે એ ટેકનોલોજી ગામડાના ગરીબને શીખવાડવામાં આવે છે. તેમના રોજિંદા જીવનને સરળ કરી શકે તેવી ટેકનોલોજી ગામડાના ગરીબ તથા અશિક્ષિતને શીખવાડવી તે આ કોલેજનો ઉદ્દેશ છે. બંકર રોયનું માનવું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે સહજતાથી અને સરળતાથી ટેકનોલોજી શીખી જાય છે. એટલે તેમણે જુદા જુદા વિસ્તારની સ્ત્રીઓને ખાસ કરીને જે દાદી બની ગઈ હોય તેમને શીખવાડતા. તેઓ પછી પોતાના ગામના બીજા લોકોને ઉપયોગી થતાં.

આમ, શિક્ષણને ફક્ત પુસ્તકયું બનાવવા કરતાં ઉપયોગી તથા ગામડામાં પહોંચાડવાનું કામ બંકર રોયે શરૂ કર્યું એમ કહી શકાય. આજે બેરફુટ કોલેજમાંથી અનેક લોકો વિદેશ પણ જઇ આવ્યા છે. બાળકો માટેની રાત્રી શાળા ચાલે છે કેમકે તેમને પોતાના કુટુંબ માટે દિવસે કામ કરવાનું હોય. આ બાળકો અહીં લોકશાહીના પાઠ ભણે છે. ત્યાં ચૂંટણી થાય તેમાં છ વરસથી ચૌદ વરસના બાળકો વોટિંગ કરે અને સંસદ રચે, તેમાંથી વડા પ્રધાન પણ ચૂંટાય. બેરફુટ કોલેજનું બાંધકામ પણ અભણ ગામડાના કારીગરોએ જ કર્યું છે. ત્યાંની મહિલાઓએ છતને પરંપરાગત રીતે લિકેજ પ્રૂફ બનાવી. આમ, બંકર રોયે ગામડાની અનેક મહિલાઓને અને પુરુષોને એન્જિનિયર, આર્કિટેક, શિક્ષક અને કારીગરો બનાવ્યા. તેમનું માનવું છે કે કોઇપણ બાબતના સમાધાન માટે બહાર નજર કરવા કરતાં પહેલાં આપણી ભીતર નજર કરવી જોઇએ. આસપાસના અનુભવી લોકોને જુઓ,સાંભળો સમાધાન તમને સહજતાથી જડશે. જમીન સાથે સંકળાયેલા લોકો પાસે પ્રેકટિકલ ઉપયોગી માહિતી મળી શકે એમ છે. જરૂર છે વળી પાછા આપણા મૂળિયા તરફ જવાની. સ્વાવલંબી બનવાની. બંકર રોયને ગાંધીજીનું વાક્ય ગમે છે, પહેલાં લોકો તમને જોશે નહીં, પછી તેઓ તમારા પર હસશે, પછી તમારી સાથે ઝઘડશે. અને પછી તમે જીતી શકશો.

બંકર રોયને ૨૦૧૦માં વિશ્ર્વની સો વગદાર યાદીમાં સ્થાન મળ્યું છે.જમનાલાલ બજાજ ઍવોર્ડ,સેન્ટ એન્ડ્રુઝ પ્રાઈઝ ફોર એન્વાયર્નમેન્ટ અને સોલાર કોમ્યુનિટી તરફથી રોબર્ટ હીલ ઍવોર્ડ પણ મળ્યો છે. શિક્ષિણ મેળવ્યા બાદ શિક્ષણનો સાચો અર્થ સમજ્યા બાદ તેમણે પોતાનો આગવો માર્ગ અપનાવ્યો અને જગત સમક્ષ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવી વધુ શિક્ષણ સંસ્થાઓની અને આવા વિચારકોની આપણા દેશને જરૂર છે. જે ફક્ત પુસ્તકિયું માહિતી ન આપતાં સાચું જ્ઞાન આપે જેમાં સૌના વિકાસની વાત હોય.

A GOOD LAUGH

પ્રવાહ સાથે તો બધા જાય, પ્રવાહ વિરુદ્ધ જે જાય તે જીવનમાં કૈંક બને છે... એવું હું ટ્રાફિક પોલીસવાળાને સમજાવું એ પહેલાં એ ડોબાએ મેમો ફાડી નાખ્યો!

સૌરભ શાહ -- માણસ જેની કલ્પના કરે છે તે વહેલીમોડી સાકાર થયા વિના રહેતી નથી

જેમનો ભય લાગતો હોય એમને મળવાનું ટાળવું નહીં. એમને પ્રસન્નતાથી મળવું. આવું કરવાથી કાં તો તેઓ તમારા શુભ કાર્યની સાંકળમાં એક સોનેરી કડી બની જશે અથવા સાહજિકપણે તમારા માર્ગમાંથી ખસી જશે 

મૅન ટુ મૅન - સૌરભ શાહ


કોઈ પણ પુરુષ, ફૉર ધૅટ મૅટર કોઈ પણ વ્યક્તિ, સફળતાની ઈચ્છા કરે અને નિષ્ફળતા માટે તૈયારી રાખે તો તેને નિષ્ફળતા જ મળવાની છે. આ માનસશાસ્ત્રીય વાત માણસનું મન પારખીને ફલોરેન્સ સ્કોવેલે કહી છે. નવા વિચારોની એ સ્પિરિચ્યુલ લીડર હતી અને છેક ૧૯૪૦ની સાલમાં ૬૯ વર્ષનું આયુષ્ય પામીને ગુજરી ગઈ.

માણસે જે વસ્તુની મનોમન માગણી કરી હોય એની એણે તૈયારી રાખવી જ જોઈએ, એ માટેનાં કોઈ ચિહ્નો ક્યાંય કળાતાં ન હોય તો પણ.

માણસ નકામા વિચારો ખંખેરીને પોતાના લક્ષ્ય તરફ ગતિ કરતો ક્યારે થઈ જાય? શ્રદ્ધા હોય ત્યારે. માણસને ઘણીવાર મોટી સિદ્ધિ મળવાની હોય તે પહેલાં એને નિષ્ફળતા અને હતાશા ઘેરી વળતી હોય છે. દુનિયા આખી તમને નિષ્ફળ ગણતી હોય છતાં એક, માત્ર એક જ વ્યક્તિ, તમને સક્સેસફુલ માનતી હોય તો તમે કદી નિષ્ફળ નહીં જાઓ. કેટલાક મહાન માણસોની સફળતા એમની પત્ની, એમના મિત્રો કે કોઈ સ્વજન કે પ્રિયજને એમનામાં મૂકેલી શ્રદ્ધાને આભારી હોય છે.

જે. કૃષ્ણમૂર્તિની જેમ ફલોરેન્સ સ્કોવેલ પણ માને છે કે માણસ જ્યાં સુધી પરિસ્થિતિનો વિરોધ કરશે ત્યાં સુધી એ પરિસ્થિતિ એની સાથે જ રહેશે. સંજોગોથી ભાગી છૂટવાનો પ્રયત્ન થશે તો આ સંજોગો એની પાછળ પડશે. એને બદલે પ્રતિકૂળ પરિસ્થિતિને સ્વીકારી લેવાથી, એનાથી સહેજ પણ વિચલિત ન થવાથી, તે સંજોગો આપોઆપ બીજે માર્ગે ફંટાઈ જતા હોય છે. બહારની પ્રતિકૂળ પરિસ્થિતિને માણસની અંદરની લાગણીઓ પ્રતિસાદ નથી આપતી ત્યારે બહારની એ પ્રતિકૂળ પરિસ્થિતિ એના માર્ગમાંથી દૂર હટી જાય છે. દલાઈ લામાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારી ભીતરની શાંતિ એટલી ગાઢ અને અપાર છે કે બહાર બનતા ગમે એટલા આકરા બનાવો પણ એ શાંતિને ડહોળી શકતા નથી. દલાઈ લામા જેવી ભીતરની શાંતિ માણસને ધમાચકડીભર્યા વાતાવરણમાં પણ પ્રાપ્ત થઈ શકે છે. જરૂર છે માત્ર થોડો પ્રયત્ન કરવાની. આવા પ્રયત્નો સાચી દિશામાં થાય તે જરૂરી. કોઈ બાબાબાપુ કે દાદાસ્વામીના રવાડે ન ચડી જવાય એનું ખાસ ધ્યાન રાખવું.

હિંદુ તત્ત્વજ્ઞાનના કર્મના સિદ્ધાંતને સમર્થન આપતાં સ્કોવેલ કહે છે કે માણસનાં કાર્યો, વિચારો અને શબ્દો મોડાં - વહેલાં પણ અચૂક એના ભણી જ પાછાં વળે છે. બૂમરેંગની જેમ માણસ જે આપે છે તે જ પામે છે. અહીં એક વાત જરા ધ્યાનથી સમજવા જેવી છે. અનાજની કોઠીમાં પહેલાં બાજરો ભરીને ઉપર ઘઉં નાખવામાં આવે તો નીચેના કાણામાંથી પહેલાં બાજરો જ નીકળશે, ઘઉં નહીં - આવું ઉદાહરણ આપીને કર્મના સિદ્ધાંતો શીખવનારા તદ્દન સાંકડી અને જૂનવાણી દૃષ્ટિ ધરાવનારા હોય છે. એમની પાસે કર્મનો નિયમ સમજવા જનારાઓમાં માનસિક ગામડિયાપણું હોય છે એ વાત થોડા દિવસ પહેલાં પણ એક જુદા સંદર્ભમાં મેં ‘ગુડ મોર્નિંગ’ કૉલમમાં લખી હતી. હકીકત એ છે કે સારું કામ કરવાથી કે સારું વર્તન કરવાથી કે સારું વિચારવાથી મોટે ભાગે (મોટે ભાગે, દર વખતે નહીં) સામેની વ્યક્તિ આપણી સાથે એ જ રીતનો વ્યવહાર કરતી હોય છે. ક્યારેક સદ્વર્તનનો યોગ્ય પ્રતિસાદ ન મળે ત્યારે વિચારવું જોઈએ કે ખરાબ વર્તાવથી, ખરાબ બોલવાથી કે ખરાબ વિચારવાથી સૌથી પહેલું અને સૌથી મોટું નુકસાન આપણા પોતાના મનને થતું હોય છે. કોઈને માઠા શબ્દો કહી દીધા પછી, કોઈના પર ગુસ્સો કરી દીધા પછી, કોઈને છેતરી લીધા પછી કે કોઈની સાથે બનાવટ કરી લીધા પછી સૌથી પહેલા ઉઝરડા આપણા પોતાના માનસપટ પર પડતા હોય છે. કર ભલા, હોગા ભલાના સૂત્રને આ સંદર્ભમાં સ્વીકારવું જોઈએ.

શંકા અને ભય વિશે ઘણા ચિંતકોએ મનન કર્યું. આ બે ભાવ માણસને કોરી ખાનારી સૌથી વિકરાળ લાગણીઓ છે. ફ્લોરેન્સ સ્કોવેલ કહે છે કે એક તરફ માણસ અને એના ઊંચા આદર્શો તથા બીજી તરફ એના હૃદયની ઈચ્છા - આ બંને વચ્ચે શંકા અને ભય અવરોધક બનીને ઊભાં હોય છે. આમ થશે કે નહીં એવી ચિંતા કર્યા વિના માણસ ઈચ્છા કરે તો એની દરેક ઈચ્છા તત્કાળ પૂરી થવાની. ભય મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે. નિષ્ફળતાનો ભય, અભાવનો ભય, માંદગીનો ભય, અસલામતીનો ભય. સંપૂર્ણ પ્રેમ ભયને નિર્મૂળ કરે છે. કોઈ વાર માણસને કોઈ વ્યક્તિનો ભય લાગતો હોય છે. એવા સમયે જેમનો ભય લાગતો હોય એમને મળવાનું ટાળવું નહીં. એમને પ્રસન્નતાથી મળવું. સ્કોવેલ કહે છે કે આવું કરવાથી કાં તો તેઓ તમારા શુભ કાર્યની સાંકળમાં એક સોનેરી કડી બની જશે અથવા તો સાહજિકપણે તમારા માર્ગમાંથી ખસી જશે.

ભય છોડીને શાંત થવું અઘરું જરૂર છે. આર્થિક અસલામતીના ભયમાંથી બહાર આવવું સૌથી અઘરું છે. એક વાત તો નિશ્ર્ચિત છે જ, વધુ ને વધુ પૈસો ભેગો કર્યા કરવાથી આર્થિક અસલામતી દૂર થતી નથી. કદાચ વધે ખરી. ઈશ્ર્વરે બે હાથ અને મગજ મહેનત કરવા માટે આપ્યાં છે, જે દિશામાંથી મળે તે દિશામાંથી પૈસો ઉસેટી લેવા માટે નહીં. મહેનત થતી રહેશે, નિરંતર થતી રહેશે તો પૈસો આપોઆપ આવ્યા કરશે. મોટાભાગના લોકો આટલું તો સમજતા હોય છે. એમની ચિંતા એ વખત માટેની હોય છે જ્યારે બે હાથ અને / અથવા મગજ મહેનત ન કરી શકે એવા સંજોગો સર્જાયા ત્યારે શું થશે? ત્યારની વાત ત્યારે એવું કહી દેવાથી સમાધાન થતું નથી. ભવિષ્યની આ પ્રકારની અસલામતીમાંથી મુક્તિ મેળવવા એક જ વાત માણસની વહારે ધાતી હોય છે - શ્રદ્ધા. આ શ્રદ્ધાને કારણે જ માણસને જીવનમાં ગમે એવી કપરી પરિસ્થિતિમાં ટકી રહેવાનું બળ મળે છે. શ્રદ્ધાનો ટેકો તૂટી પડે ત્યારે માણસ પોતે ભાંગી પડે. શ્રદ્ધાને ટકાવી રાખવા ફલોરેન્સ સ્કોવેલ કહે છે કે માણસની શ્રદ્ધાનો આધાર એની કલ્પનાશક્તિ પર રહેલો છે. માણસ જેની કલ્પના કરે તે વહેલીમોડી સાકાર થયા વિના રહેતી નથી. માણસ સતત કલ્પના કર્યા કરે કે પોતાને અમુક રોગો થશે તો મોટી ઉંમરે એને એ રોગ થવાની શક્યતા ઘણી વધી જવાની. માણસ કલ્પના કરતો રહે કે પોતે આર્થિક રીતે બેહાલ થઈ જશે કે કુટુંબીજનો એને તરછોડી દેશે તો વહેલુંમોડું એના જીવનમાં એવું જ બનવાનું.

આનો અર્થ એ થયો કે માણસે હંમેશાં સારી કલ્પનાઓ કરતાં શીખવું જોઈએ. પ્રેમ, મૈત્રી, ઊંચા આદર્શો, પ્રસન્નતા, સમૃદ્ધિ અને સારા આરોગ્યની કલ્પનાઓ કરવી જોઈએ. આવી કલ્પનાઓ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું કે સ્વપ્નામાં અને દિવાસ્વપ્નોમાં ફરક હોય છે. આ પ્રકારની કલ્પનાઓ તથા શેખચલ્લીની કલ્પનાઓ વચ્ચે આભજમીનનું અંતર છે. આ કલ્પનાઓને બે હાથ તથા એક દિમાગનું મજબૂત પીઠબળ છે. આ કલ્પનાઓને સાકાર કરવાની મહેનત કલ્પના કરવાની સાથોસાથ થવી જોઈએ. ફલોરેન્સ સ્કોવેલની તમામ વાતોનો એક વાક્યમાં સાર એટલો જ કે માણસના મગજનું જેવું વાતાવરણ હશે અર્થાત્ એના મગજમાં જેવા વિચારો ચાલતા હશે એવું જ એનું જીવન બની જવાનું. હવે તમે જ નક્કી કરો કે તમારે કેજરીવાલના તમાશાઓ વિશે વધારે વિચારવું છે? 



પ્રથમ પુરુષ એકવચન

જો તમને લાગતું હશે કે તમે કરી શકો એમ છો તમે કરી શકવાના અને તમને એવું લાગતું હોય કે નહીં કરી શકો તો તમે સાચા છો! - મૅરી કૅ ઍશ

LINKS

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=120136
સિમ્પલ ભગવદ્ ગીતા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=120137

...ને જમનાદાસ કુંવારા રહી ગયા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=119576

સિમ્પલ ભગવદ્ ગીતા  15-03-2014

સૌરભ શાહ -- નાનપણથી જ ટેવ પડવી જોઈએ કે જે જોઈએ તે બધું મળવાનું નથી

બાળહઠ સાથે પનારો પાડવો સહેલું કામ નથી. બે બાળકો એકબીજા સાથે રમતાં હોય ત્યારે બીજું બાળક જેનાથી રમે છે એ જ રમકડું કે બોર્ડ ગેમ મને જોઈએ છે એવી જીદથી માંડીને જમતી વખતે અમુક વાનગી ખાવી અને અમુક ન જ ખાવી એવી ધરાર જીદ પકડવી કે પછી રસ્તે ચાલતી વખતે દુકાનમાં કે ફેરિયા પાસે જોયેલી કોઈ ચીજ અપાવી દેવા માટેની હઠ પકડવા સુધીની અનેક જીદોનો તમે પૅરન્ટ તરીકે સામનો કરી ચૂક્યા છો અથવા બાળક તરીકે એવી જીદ કરી ચૂક્યા છો.

બાળક જીદ કરે ત્યારે એની માગણીને શરણે થઈ જવું એ સહેલો, સરળ પણ અત્યંત જોખમી ઉપાય છે. ખાધે પીધે સુખી એવાં કુટુંબોમાં માબાપની માનસિકતા એવી થઈ ગઈ હોય છે કે બાળક જે માગે તે એને અપાવી દેવું, બિચારાને કોઈ વાતે ખોટ ન પડવી જોઈએ, ભગવાને આ બધું આપ્યું છે તે શા માટે, વાપરવા માટે જ ને. આવા તર્કથી તેઓ નાનપણથી જ બાળકોની સાવ ક્ષુલ્લક માગણીઓથી માંડીને તદ્દન ગેરવાજબી માગણીઓને પણ પોષ્યા કરે છે. ક્યારેક બાળક જીદ કરીને રડવા માંડે ત્યારે ઘરમાં કકળાટનું વાતાવરણ ન સર્જાય એવા આશયથી માબાપ બાળકની જીદને વશ થઈ જતા હોય છે.

માનસશાસ્ત્રીઓ કહે છે કે જીદની બાબતમાં કે કશીક વસ્તુ પ્રાપ્ત કરવાની બાબતમાં બાળકનું મન પુખ્તવયની વ્યક્તિના મનની જેમ જ વર્તન કરતું હોય છે. (અથવા તો કહો કે આવી બાબતોમાં પુખ્તવયની વ્યક્તિ બાળકની જેમ જ વર્તન કરતી હોય છે). મોટા માણસને પણ જાહેરખબરો જોઈને, શૉ રૂમમાં લોભામણી રીતે સજાવેલી ચીજવસ્તુઓ જોઈને કે પછી ઓળખીતી વ્યક્તિ પાસે એ ચીજ જોઈને મન થઈ આવે છે કે મારી પાસે પણ એ વસ્તુઓ હોય. પોતાની ક્ષમતા હોય કે ન હોય, એ ચીજ ખરીદવાનાં સપનાં જોતાં થઈ જાય છે. ક્યારેક ખરીદવાની ક્ષમતા હોય અને એ ચીજ ખરીદાઈ પણ જાય ત્યારે સોમાંથી પચાસ કરતાં વધારે કિસ્સાઓમાં એવું બનતાં તમે જોયું હશે કે એ વસ્તુ વસાવી લીધાના થોડા જ સમયમાં એના માટેનો મોહ ઉતરી જાય છે. ક્યારેક મનમાં છુપી રીતે તમે કબૂલ પણ કરતા હો છો કે આ ખરીદી તમારી ભૂલ હતી, પણ બીજાઓ સમક્ષ એવી કબૂલાત કરતાં તમને ક્ષોભ થાય છે. ક્યારેક એવી કબૂલાત કરવાની તમને કોઈ જરૂર પણ નથી હોતી કારણ કે તમને કોઈ પૂછવાવાળું નથી હોતું. વસ્તુ ખરીદવાની ક્ષમતા ન હોય ત્યારે પુખ્ત વયની વ્યક્તિ મનને સમજાવી શકતી હોય છે કે આટલી આવકમાં મારાથી આટલી મોંઘી ચીજ ન ખરીદી શકાય. બાળક, મોટેભાગે, આવું સમજતું નથી. બાળક માટે માબાપ સર્વ સત્તાધારી ઈશ્ર્વર જેવાં છે, માગો તે ચીજ હાજર કરી દેશે. બાળકની આવી માન્યતા બને એટલી વહેલી તોડી નાખવી.

સાવ નાનાં બાળકો જીદે ચડે ત્યારે એમનું ધ્યાન ખૂબીપૂર્વક, એમને રસ પડે એવા કોઈક બીજા જ વિષય તરફ દોરવાની યુક્તિ જાણીતી છે, અસરકારક પણ છે. બાળકનો જીવ ખરેખર એ ચીજ પર ચોંટી ગયો હશે તો એ ફરી ફરીને એની માગણી કરશે, દિવસો પછી પણ એની માગણી ચાલુ રહેશે. આવા વખતે માબાપે પોતાની ક્ષમતાનો અને બાળકની પાત્રતાનો વિચાર કરવો જોઈએ. ત્રણ વર્ષનું બાળક ટ્રાયસિકલને બદલે બાયસિકલ માગે, આઠ વર્ષનું સંતાન મોબાઈલ ફોન માગે કે બાર વર્ષનો બાબો મોટરસાઈકલ માગે ત્યારે માબાપની ક્ષમતા હોય તે છતાં એમને એમાંનું કશું ન અપાવાય.

બાળકની જીદ ઓછી કરવા શું કરવું? નાનપણથી બાળકને એક વાતની ટેવ પાડવી જોઈએ કે એને જે મેળવવાની ઈચ્છા થાય તે બધી જ ચીજ મળી જાય તે જરૂરી નથી. ચીજ મોંઘી છે એટલે તને નથી અપાવતા એવું કારણ જ્યારે સાચું હોય ત્યારે જ કહેવું અને સાથોસાથ એ પણ ઉમેરવું કે પોસાય એમ હોત તો પણ એ ન અપાવી હોત જેનાં અનેક કારણ હોઈ શકે: એ ચીજ તબિયત માટે હાનિકારક હોઈ શકે, માનસિક વાતાવરણ દૂષિત કરનારી હોઈ શકે, કોઈકનું કે કુદરતનું શોષણ કરીને બનાવેલી

ચીજ હોઈ શકે, અત્યારે એવી જ ચીજ આપણા ઘરમાં છે - ભલે એ જૂની થઈ ગઈ હોય, બગડેલી વસ્તુ ફેંકી દઈને નવી લાવવી જરૂરી નથી - સમારકામ કરાવીને ફરી વર્ષો સુધી વાપરી શકાય છે, એ ચીજની ઉપયોગિતા આપણા માટે બહુ ઓછી છે, અત્યારે એવી તકલાદી ચીજ ખરીદવાને બદલે પૈસા આવશે ત્યારે થોડીક મોંઘી પણ ટકાઉ ચીજ લઈશું, બીજાની પાસે એ ચીજ છે પણ બીજાની પાસે એવું શું શું નથી જે તારી પાસે છે. એ ચીજ ખરીદવાને બદલે કોઈની પાસેથી વાપરવા માટે ઉછીની લઈ શકાય એમ છે અને સાચવીને વાપર્યા પછી પાછી આપી દેવાની અથવા ભાડેથી પણ લાવી શકાય એમ છે અને છેલ્લે, ધારો કે એ ચીજ કોઈક રીતે ન જ મળી તો આપણા જીવનમાં એવો તે કેટલો મોટો ફરક પડી જવાનો છે?

બાળકને નાનપણથી જ આવી તાલીમ મળી હોય તો મોટા થયા પછી એ તમારો આભાર માનશે. કોઈ પણ માણસને એ જે કંઈ ઈચ્છે છે તે બધું જ નથી મળતું. એ શક્ય નથી, જરૂરી પણ નથી. જિંદગીમાં દરેક ઘણી બધી વસ્તુઓ વિના ચલાવી લેવું પડે છે. એક જમાનામાં જાહેરખબરોમાં સિગારેટના કશ લેતો માણસ બોલતો હતો: ‘મને જે કંઈ જોઈએ છે તે મેળવીને જ હું રહું છું.’ આવું રિયલ લાઈફમાં કહેવું કે માનવું એને મૂર્ખામી કહેવાય, ખુમારી નહીં.

બાળકને અભાવની પણ આદત પડવી જોઈએ. કપરી આર્થિક પરિસ્થિતિમાં ઉછરેલાં સંતાનોને મા રોજ સાંજે છ વાગ્યે સવાર-સાંજનું એકમાત્ર ભોજન જમાડતી હોય છે. આવાં સંતાનો મોટાં થઈને વધુ સમજુ સિદ્ધાંતવાદી અને પ્રામાણિક નાગરિકો બનતાં હોય છે. કોઈ પણ પ્રકારના અભાવની આદત પરિસ્થિતિવશ પડી હોય કે માબાપની સમજણને કારણે પાડવામાં આવી હોય, એ તાલીમ મોટા થયા પછી ખૂબ મોટી મૂડી પુરવાર થાય છે.

તમે મારા દેવના દીધેલ છો, તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો, આવ્યા ત્યારે અમર થઈને રહો એવું ગાઈને બાળકને ભરપૂર માનસિક લાડ જરૂર લડાવીએ પણ ભૌતિક લાડકોડથી દૂર રાખીએ. બાળક જે માગે તે તરત હાજર કરી દઈએ ત્યારે એ મોંએ ચડી જાય છે અને મોટા થયા પછી એનાં દુષપરિણામો એણે પોતે જ ભોગવવાનાં આવે છે, જેના માટે સંપૂર્ણપણે જવાબદાર માબાપ હોય છે.

આજનો વિચાર

જે કરવું છે તે કરવા માટેનો સમય હંમેશાં મળી રહેતો હોય છે. અભાવ સમયનો નહીં, જે કરવું છે તે કરવાની તિવ્ર ઈચ્છાનો હોય છે.

- જ્હૉન લુબોક

એક મિનિટ!

એક જમાનામાં માત્ર ‘ઘરવાળી’ અને ‘બહારવાળી’ રહેતી.

હવેના જમાનામાં આ મારી ‘બીબીએમવાળી’, આ મારી ‘ફેસબુકવાળી’, આ મારી ‘વૉટ્સએપવાળી’, આ મારી ‘સ્કાઈપવાળી’, આ મારી ‘વાઈબરવાળી’, આ મારી ‘ ઈન્સ્ટાગ્રામવાળી’...

દિવ્યાશા દોશી-- બાળક પાસેથી શીખીએ

ખૂબ ધનવાન કુટુંબમાં જન્મેલું બાળક દશ વરસનું થયું ત્યારે તેના પિતાએ વિચાર્યું કે તેને ગામડાઓમાં લઈ જવું જોઇએ. જેથી તેને ખ્યાલ આવે કે લોકો કેટલી ગરીબીમાં જીવે છે. અને તેને પૈસાની કિંમત સમજાય. તેઓ નાનકડા ગામમાં ગરીબ ખેડૂતના ખેતરમાં જઈને થોડા દિવસ રહ્યા. 

પાછા ફરતી સમયે પિતાએ બાળકને પૂછ્યું કે તને ગામડામાં રહેવું ગમ્યું ?

બાળકે બહુ ઉત્સાહથી જવાબ આપ્યો, અરે મને તો બહુ મજા પડી. પિતાએ વળી પૂછ્યું તે જોયું લોકો કેટલી ગરીબીમાં જીવે છે ? બાળકે જવાબ આપ્યો, હા મેં જોયું... પિતાએ વળી પૂછ્યું કે શું જોયું વિગતે કહે તો ?

પેલા બાળકે થોડો વિચાર કરી કહ્યું, આપણી પાસે એક જ કૂતરો છે જ્યારે તેમની પાસે ચાર છે, આપણા બગીચામાં નાનકડો પુલ છે જ્યારે તેમની પાસે મોટી નદી છે... જેમાં અનેક માછલીઓ અને સુંદર પથરાંને કેટલા બધા પક્ષીઓ આવે છે. આપણા ઘરે મોંઘો ટેબલ લેમ્પ અને બત્તીઓ છે. પણ તેમની પાસે ચંદ્ર અને તારાઓ છે. આપણી પાસે નાનકડો બગીચો છે જ્યારે તેમની પાસે ખુલ્લાં મેદાનો છે. આપણે અનાજ, શાકભાજી, ફળ ખરીદીએ છીએ તેઓ ઉઘાડેલું તાજું ખાય છે. આપણી નાનકડા ઘરને સલામતી માટે વાડ બાંધી છે જ્યારે તેમની સલામતીનું ધ્યાન આસપાસના તેમના મિત્રો રાખે છે. 

પિતા કશું જ બોલી ન શક્યા. છેલ્લે બાળકે કહ્યું, થેન્ક યુ પપ્પા તમે મને બતાવ્યું કે આપણે કેટલા ગરીબ છીએ. 

ઘણીવાર બાળકો સાચું શું ખોટું શું આપણા કરતાં વધુ સારી રીતે સમજી શકતાં હોય છે. અને જીવનમાં ધન,સંપત્તિ કે ભૌતિક વસ્તુઓ આનંદ આપી શકતા નથી. પ્રેમ, મિત્રો, સ્વતંત્રતાની કિંમત આંકી શકાતી નથી.