Friday, May 30, 2014

ભારતીય ગ્રાહકની નિયતિ: પૈસા ખર્ચો અને ખાદ્ય પદાર્થોના બદલે ઝેર ખરીદો! -- ક્ધિનર આચાર્ય-

પબ્લિક હેલ્થ આપણી સરકારોના અગ્રતાક્રમમાં સૌથી છેલ્લા સ્થાને આવે છે. તમારી સામે જ કંપ્નીઓ, ઉત્પાદકો, તેલમિલરો, કંદોઈઓ અને બકાલીઓ તમને છેતરતા રહે છે અને તમે વિવશ છો, લાચાર, નિ:સહાય છો


ન્યૂઝ વ્યૂઝ અને રિવ્યૂઝ - ક્ધિનર આચાર્ય


જાહેર આરોગ્ય નામની એક જણસ છે. જે બલાનું નામ આપણે ત્યાં ભાગ્યે જ કોઈએ સાંભળ્યું છે. રાષ્ટ્રો માત્ર મિસાઈલથી કે સોફ્ટવેર થકી મહાન બનતાં નથી, જાહેર આરોગ્ય, પબ્લિક હેલ્થ પણ એક મુદ્દો છે, પારાશીશી છે. જગતના જે વિકાસશીલ દેશોએ આ મુદ્દા પર ધ્યાન આપ્યું એ જ વિકસિત બની શક્યા છે અને વિકસિત દેશોમાં અત્યારે પબ્લિક હેલ્થનું મહત્ત્વ શસ્ત્ર ઉત્પાદન કરતાં અને અર્થતંત્ર કરતાં પણ વધારે છે. કારણ બહુ સ્પષ્ટ છે : દેશની પ્રજા સ્વસ્થ હશે તો જ પ્રગતિ વિશેના અન્ય મુદ્દા વિચારી શકાશે.

આપણે ત્યાં કેવીક જાગૃતિ છે જાહેર આરોગ્ય પ્રત્યે? કેટલીક વિગતો છે જે સ્વયં સ્પષ્ટ કરે છે કે આપણો અને આપણી સરકારોનો અભિગમ આ મુદ્દા પ્રત્યે કેવો છે. આપણે ત્યાં છૂટથી વેચાતી અમેરિકન મકાઈ એક પાપી પાક છે. એને જિનેટિકલી મોડિફાઈડ કરીને બનાવવામાં આવી છે. તેની જન્મભૂમિ ગણાતા અમેરિકામાં તેની સામે સખત અને સજ્જડ ઝુંબેશ ચાલી છે અને ત્યાં એના બિયારણના જૂના સ્વરૂપ્નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે, પરંતુ આપણે ત્યાં એ છૂટથી વેચાય છે. માનવશરીરને ક્ષતિ પહોંચાડી શકે એવાં અનેક તત્ત્વો તેમાં હોવા છતાં આપણા શાસકોએ આ બાબતે કોઈ વાંધો લીધો નથી. વર્ષો અગાઉ અમેરિકાથી આયાત થયેલા સડેલા ઘઉંની વાતો બહુ ચાલી હતી. છેવટે શું થયું? એ સડેલા ઘઉં આપણામાંના ઘણા લોકો ખાઈ ગયા.

પબ્લિક હેલ્થ આપણી સરકારોના અગ્રતાક્રમમાં સૌથી છેલ્લા સ્થાને આવે છે. તમારી સામે જ કંપ્નીઓ, ઉત્પાદકો, તેલમિલરો, કંદોઈઓ અને બકાલીઓ તમને છેતરતા રહે છે અને તમે વિવશ છો, લાચાર અને નિ:સહાય છો. આઈસક્રીમના નામે આપણે ત્યાં એકાદ બેને બાદ કરતાં મોટા ભાગની કંપ્નીઓ ‘ફ્રોઝન ડિઝર્ટ’ ખવડાવે છે. આઈસક્રીમના નામે વેચાતી આ પ્રોડક્ટમાં માત્ર વેજિટેબલ ઓઈલ્સ હોય છે અને બનાવટી ફ્લેવર ફાર ઈસ્ટના દેશો અને અન્ય દેશોમાંથી સાવ ફાલતુ કક્ષાનાં વેજિટેબલ ઓઈલ્સ સાવ જ સસ્તા ભાવે મગાવીને તેમાંથી આ ફ્રોઝન ડિઝર્ટ બનાવાય છે. વાડીલાલ જેવી કંપ્નીઓની મોટા ભાગની પ્રોડક્ટ્સ ફ્રોઝન ડિઝર્ટ જ હોય છે. જાહેરખબરોમાં ક્યાંય કંપ્નીઓ ઉલ્લેખ કરતી નથી કે તેમની પ્રોડક્ટ એ આઈસક્રીમ નથી, પરંતુ દૂધનું નામોનિશાન પણ નહીં ધરાવતું એક ઉત્પાદન છે. કંપ્નીઓ દ્વારા વેચાતા આઈસક્રીમમાં મોટા ભાગના કિસ્સાઓમાં ફેટનું નિયમ પ્રમાણ જળવાતું નથી, તેમાં કુલ વજનના ૬૦ ટકા જેટલી તો હવા હોય છે. ૧૦૦ મિલીલિટર આઈસક્રીમ માટે તમે નાણાં ચૂકવો છો અને તેની સામે તમને મળે ૪૦-૫૦ ગ્રામ ફ્રોઝન ડિઝર્ટ!

આ એક એવો દેશ છે જ્યાં તમને કશું જ શુદ્ધ મળતું નથી. હવા પ્રદૂષિત, પાણી દૂષિત અને ખાદ્ય પદાર્થો ભેળસેળથી છલોછલ. કેરીને વેપારીઓ ખુલ્લેઆમ જોખમી કાર્બાઈડથી પકાવે છે, પપૈયાના પલ્પમાં હેંતકનું મેંગો એસેન્સ અને ખાંડ ઠાલવીને આપણને પધરાવી દેવાય છે. કેળાને ઝડપથી પકવવા માટે ઘાતક કેમિકલમાં બોળવામાં આવે છે. હળદર, મરચા જેવા મસાલામાં ભેળસેળ થાય છે, કોઈના પેટનું પાણી હલતું નથી. ફૂડના સેમ્પલ લેવા માટે આપણે ત્યાં નગરપાલિકાઓ અને મહાનગરોથી મોટી કોઈ આથોરિટી નથી. વાસ્તવમાં આ એટલી મહત્ત્વપૂર્ણ બાબત છે કે તેનું નિયમન આઈ.એ.એસ. કરતાં નીચેની કેડરના અમલદારના હાથમાં હોવું જ ન જોઈએ.

ખાદ્યતેલોથી લઈને દેશી ઘી સુધીની બાબતમાં કંપ્નીઓ, ઉત્પાદકો પ્રજાને છેતરતા રહે છે. બજારમાં મળતા સિંગતેલમાંથી અત્યારે કઈ બ્રાન્ડ એવી છે જેનું સિંગતેલ ૧૦૦ ટકા ભેળસેળરહિત હોય? જવાબ આપણે સૌ જાણીએ છીએ. ઓઈલ મિલર્સ બહુ પ્રેમપૂર્વક ભેળસેળ કરે છે અને તેમને એવું કરતા કોઈ રોકવાનો પ્રયાસ કરે તો તેઓ બેઠકો કરે છે અને છેવટે ઉત્પાદન બંધ કરી નાખીને કૃત્રિમ અછત સર્જે છે. મેક્ડોનાલ્ડ્સ નામની અમેરિકન કંપ્ની પોતાની ચિપ્સમાં ગાયની ચરબીનો પાઉડર નાખે છે ત્યારે સૌ સ્વદેશીપ્રેમીઓ કાગારોળ કરીને કહે છે કે ‘જોયું અમે નો’તા કે’તા!’ મેક્ડોનાલ્ડ્સને આવું કરવા બદલ જાહેરમાં માફી માગવી પડે છે અને અબજો રૂપિયાનું વળતર ચૂકવવું પડે છે. એવા લોકોને, એવાં સંગઠનોને પણ તેમણે નાણાં ચૂકવવાં પડે છે, જેમણે કદી એમની ચિપ્સ ચાખી સુધ્ધાં નથી! અને આપણે ત્યાં દેશી ઘીમાં ગાયની ચરબીની ભેળસેળ સાવ ખુલ્લેઆમ થાય છે તેના અપરાધીઓ બીજા જ દિવસે છૂટી જાય છે. કોઈને માફી માગ્યા વગર, કોઈને વળતર ચૂકવ્યા વિના.

દરેક વાતમાં પશ્ર્ચિમને ભાંડવાથી આપણી તબિયત સુધરવાની નથી. ફૂડ હેબિટની બાબતે આપણી પ્રજા દુનિયાની સૌથી વધુ અપરાધી કોમ્યુનિટી છે. કેટલીક સારી વસ્તુ જે આપણી હતી, આપણે છોડી દીધી છે. પશ્ર્ચિમની નકલ કરવા માટે આપણે બ્રેડ-બેકરી આઈટમને હદ ઉપરાંતના ઉમળકાથી આવકાર આપ્યો પણ એ નકલમાં અક્કલ ક્યાંય નથી. આપણે મકાઈના પૌઆ ખાવાનું બંધ કર્યું પણ તેના કરતાં વીસ ગણી કિંમતના કોર્નફ્લેકસ ખાવાનું શરૂ કર્યું! બેઉમાં ફરક શો છે ભલા? કોર્નફ્લેકસના પેક પર તેનું પોષણમૂલ્ય લખેલું હોય છે એટલો જ. હવે ઉત્પાદકોએ તેમાં આર્ટિફિશિયલ ફ્લેવર્સ ઉમેરી છે. આપણે અમેરિકનોની માફક બ્રેડ ખાવા માંડ્યા પણ એમની અને આપણી બ્રેડની બનાવટમાં એટલો જ તફાવત છે જેટલો ફૂલકા રોટલી અને તંદૂરી નાન વચ્ચે હોય છે. આખા અમેરિકાના દરેક ઘર-પરિવારમાં બ્રેડ ખવાય છે, પરંતુ ત્યાં ઘઉંના થૂલામાંથી બ્રેડ બને છે, ત્યાં બ્રેડમાં મેંદાનો ઉપયોગ લગભગ સ્વયંવર્જિત છે. મેંદામાંથી બનતી વ્હાઈટ બ્રેડ સામે ત્યાં એવડી લડત, એટલી ઝુંબેશ થઈ ચૂકી છે જેટલી આપણે ત્યાં સરદાર સરોવરનો વિરોધ કરવા માટે પણ થઈ નથી.

નકલ કરવામાં કશું ખોટું નથી પણ એ અનુકરણમાં દિમાગનો ઉપયોગ કરવો જરૂરી હોય છે. ફૂડ અને ન્યુટ્રિશનના મામલામાં, હેલ્થકેર, પબ્લિક હેલ્થ અથવા તો જાહેર આરોગ્યનું પશ્ર્ચિમનું અનુકરણ થાય એ આવકાર્ય છે. આપણી સારી બાબતો જાળવી રાખી, વધુ સારી વાતો હોય એ અપ્નાવવી અને ખરાબ આદતો દૂર કરવી એ જ જાહેર આરોગ્યની ચાવી ગણાય. પ્રથમ કદમ એ જ કહેવાય.

પણ આ એક અવિરત યાત્રા છે. કોન્સ્ટન્ટ પ્રોસેસ. એ ગાડી ક્યાંય અટકવી નહીં જોઈએ. ફૂડ અને પોષણક્ષમ ખાદ્ય પદાર્થોની બાબતમાં હજુ આપણે રાક્ષસી કદના કાર્યો કરવા પડશે. સૌથી મહત્ત્વનો મુદ્દો છે : ખાદ્ય પદાર્થોમાં જાયન્ટ કંપ્નીઓ દ્વારા થતી છેતરામણીનો, મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ તથા ધનવાન લોકોને નાની કંપ્નીઓના ઉત્પાદનોમાં ખાસ વિશ્ર્વાસ રહ્યો નથી. પરિણામે તેઓ મોટી કંપ્નીના ઉત્પાદનો તરફ વળ્યા છે. આપણી પડખેની ડેરીમાંથી હવે આપણે ઘી ખરીદતા નથી, પરંતુ અમૂલનું કે સાગરનું જ ખરીદ કરીએ છીએ. તકલીફ ત્યારે પડે છે જ્યારે આવી તોતિંગ કંપ્નીઓ પણ ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે. અમદાવાદની સ્વૈચ્છિક સંસ્થા છેલ્લાં ઘણાં વર્ષોથી બજારનાં વિવિધ ઉત્પાદનો લઈને સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી લેબોરેટરી ટેસ્ટ કરાવે છે અને તેના પરીક્ષણનાં અહેવાલો, વિગતો બહાર પડતી રહે છે. છેલ્લાં વર્ષોમાં તેમણે મિનરલ વોટરથી લઈને ખાદ્યતેલો સુધીનાં ઉત્પાદનોનાં પરીક્ષણ કર્યાં અને તેના અહેવાલો ખળભળાવી મૂકે એવાં છે. એમણે બજારમાં ઉપલબ્ધ વિવિધ બ્રાન્ડના ઘઉંના લોટ મેળવીને તેનાં અનેક પરીક્ષણો કર્યાં, ‘પિલ્સબરી’થી લઈને ‘અન્નપૂર્ણા’ સુધીની તમામ બ્રાન્ડના લોટમાં ‘લિન્ડેન’ નામનું એક જંતુનાશક એમને મળ્યું જેના ઉપયોગ પર આપણે ત્યાં પૂર્ણત: પ્રતિબંધ છે. છ બ્રાન્ડમાં ‘ઓરીસ’ અને ‘ડિએલ્ડ્રીન’ નામનું જોખમી જંતુનાશક જોવા મળ્યું. દરેક બ્રાન્ડના લોટમાં ધૂળ, રજકણનાં તત્ત્વો હતા, તેની પર માખીઓ બેસી ચૂકી હોવાના પુરાવા હતા. પ્રોટીનની જે ન્યૂનતમ માત્રા હોવી જોઈએ તે નહોતી. લોટ જૂનો હોવાની સાબિતીરૂપે તેમાં આલ્કોહોલિક એસિડનું પ્રમાણ મળ્યું.

પેપ્સી-કોકાકોલા તો વિદેશી કંપ્નીઓ હોવાથી બહુ વિવાદ થયો હતો, જ્યારે એમનાં ઉત્પાદનોમાંથી જંતુનાશકો મળ્યા હતા ત્યારે હવે આ બધી સ્વદેશી કંપ્નીઓનું શું કરવું ?

આ જ સંસ્થાએ બજારમાં ઉપલબ્ધ તમામ બ્રાન્ડના ઘીનું પરીક્ષણ કર્યું. અમૂલ, સાગર, ગીટ્સ અને ગાયત્રી જેવી બ્રાન્ડમાંથી તેમને ડી.ડી.ટી. હોવાના પુરાવા મળ્યા. પેરોક્સાઈડ જેવું જોખમી તત્ત્વ પણ તેમાં હાજર હતું. સંસ્થાએ જાણીતી બ્રાન્ડસના મધનું પરીક્ષણ કર્યું હતું, તેમાંની ઘણી બ્રાન્ડમાં ભેળસેળ જણાઈ. હાઈડ્રોકસી મિથાઈલ ફ્યુરફ્યુરલ નામનું તત્ત્વ એવા જ સંજોગોમાં ઉત્પન્ન થાય છે જ્યારે મધનો સંગ્રહ સારી રીતે કરાયો ન હોય, મધ ઉઘાડું રખાયું હોય. કિલોગ્રામ દીઠ તેનું પ્રમાણ ૮૦ મિલીગ્રામથી વધુ હોવું જોઈએ નહીં. પણ બૈદ્યનાથના મધમાં ૧૯૧ મિલીગ્રામ હતું અને હિમાલયમાં ૩૯૬ મિલીગ્રામ. દરેક બ્રાન્ડના મધમાં વત્તાઓછા અંશે આથો આવેલો હતો. સંસ્થાએ આ તમામ અહેવાલો પોતાના મેગેઝિનમાં, વેબસાઈટ પર જાહેર કર્યા પણ કંપ્નીઓનું કશું જ બગડ્યું નથી.

જંતુનાશકોનો ઉપયોગ આપણે ત્યાં ખાદ્ય પદાર્થોમાં સામાન્ય થઈ પડ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સના કાયદાઓમાં છીંડા નહીં પણ મસમોટાં ગાબડાં છે. ઉપરથી આ કાયદાઓની તીક્ષ્ણતા ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ જ્યુડિશિયરી સિસ્ટમે ઘસી નાખી છે. આપણા દરેક ખાદ્ય પદાર્થ તેની સાથે ઢગલાબંધ કેર લાવે છે. ભારતમાંથી જાપાનમાં કેરીની નિકાસ કરવા માટે છેલ્લાં વીસ વર્ષોથી પ્રયત્નો થઈ રહ્યા છે પણ જાપાન તેની પરવાનગી આપતું નથી, કારણ કે આપણે ત્યાં જંતુનાશકોનો એટલી હદે ખેતીમાં ઉપયોગ થાય છે કે એ શરીરની હાલત ખરાબ કરી નાખે છે. આપણા લાલ મરચાના પાઉડરમાં હેંતકનો રંગ ઠલવાયો હોવાથી હજુ હમણાં જ જાપાને તેને રિજેક્ટ કર્યા. લીલી દ્રાક્ષના ઉત્પાદનમાં ભારતનો નંબર બહુ આગળ આવે છે પણ આપણે ત્યાંથી નિકાસ થયેલી દ્રાક્ષમાં આવી જ ગરબડ જોવા મળી હોવાથી બે વર્ષ પહેલાં આખા યુરોપમાં તેના પર પ્રતિબંધ મુકાયો હતો અને એ દ્રાક્ષનો નાશ કરવામાં આવ્યો હતો. દૂરની વાત ક્યાં કરવી, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાંથી તલની નિકાસ કરવામાં કંઈ કેટલાય વિઘ્નો આવ્યાં છે. જાપાનમાં આયાતકારોએ તો સ્પષ્ટ કહી દીધું છે કે આ તલમાંથી જંતુનાશકોનું પ્રમાણ નહિંવત નહીં થાય ત્યાં સુધી તેઓ આપણા તલને હાથ પણ અડાડશે નહીં. અને એ જ તલ, એ જ દ્રાક્ષ, એ જ કેરી આપણે ત્યાં સાવ ખુલ્લેઆમ વેચાય છે. જંતુનાશકોનું ઝેર ઓછું હોય તેમ એમાં કાર્બાઈડના અવગુણો મળે છે. અને તલના તેલમાં ભળે છે સસ્તું પામ ઓઈલ. ખાદ્ય પદાર્થોમાં ચેડાં કરતા લોકોને ફાંસીની સજાની જોગવાઈ શા માટે નહીં?

અત્રતત્રસર્વત્ર અગ્નિનું મહત્ત્વ --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

પુરાતન માનવીને અગ્નિની ખબર ન હતી. જંગલમાં જ્યારે તેણે દાવાનળ જોયો ત્યારે તેણે પ્રથમ વાર અગ્નિનાં દર્શન કર્યા. અગ્નિનો પ્રકાશ જોયો અને ગરમીનો અનુભવ કર્યો. દિવસે ગરમીનો અનુભવ થતો તેથી તે માનવા લાગ્યો કે સૂર્ય અગ્નિની તકતી છે. ત્યારે લોકોને ખબર ન હતી કે સૂર્ય ગોળો છે, નહીં કે તકતી, કેમ કે ગોળાનું પ્રક્ષેપણ તકતીના સ્વરૂપે દેખાય તેની તેને ખબર ન હતી. જંગલના દાવાનળમાં ભુંજાયેલી વસ્તુઓ ખાવાથી તેને વધારે સ્વાદિષ્ટ લાગવા માંડી. તે પછી તેના શિકારને અગ્નિમાં ભૂંજીને ખાવા લાગ્યો, પણ તેની સમસ્યા એ હતી કે અગ્નિ તે કેવી રીતે ઉત્પન્ન કરે? તેણે બે પાંચીકા ઘસીને અગ્નિ તો ઉત્પન્ન કર્યો પણ તે ઘણા પરિશ્રમનું કામ છે. તો બીજી સમસ્યા તેની એ હતી કે અગ્નિને કેવી રીતે સાચવી રાખવો. તેણે જોયું કે લાકડાં બળવાથી અગ્નિ ટકી રહે છે. તેણે લાકડાં બળતાં રહે તેની વ્યવસ્થા કરી. આ લાકડાં પર તે તેના શિકારને પણ શેકતો. તે જમાનામાં લાકડાનો તો કોઈ તોટો ન હતો. રાત-દિવસ લાકડાંને તે બળતાં રાખતો. તેણે જોયું કે લાકડાં બળતાં હોય તો જંગલી જનાવરો તેની નજીક આવતાં નથી. તેણે અગ્નિને રક્ષણશસ્ત્ર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું. પ્રાચીન માનવે જોયું કે અગ્નિ તેને બે રીતે મદદ કરે છે. એક કે અગ્નિ તેનું જંગલી પશુઓથી રક્ષણ કરે છે અને અગ્નિનો પ્રકાશ રાતે જંગલમાં જવું હોય તો તેના માર્ગમાં પ્રકાશ પાથરે છે. આમ અગ્નિનો રાતે મશાલના રૂપમાં બત્તી તરીકે ઉપયોગ શરૂ થયો. આજે તે વીજળીના દીવાના રૂપમાં આપણી પાસે છે. દિવસે સૂર્ય આપણો અગ્નિ છે અને રાતે ચંદ્ર.

પુરાતન માનવી ચંદ્રને પણ અગ્નિનો ગોળો માનતો. તારાને આકાશમાં રહેતાં અગ્નિના કણો માનતો. જ્યારે ઉલ્કાવર્ષા થતી ત્યારે તે માનતો કે અગ્નિગણોનો વરસાદ થાય છે. તેને ખબર ન હતી કે ચંદ્ર તો સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરી પોતાને દેખાડે છે. પુરાતન સમયમાં સૂર્ય અને ચંદ્રને દેવતા માનવામાં આવતા. ગ્રહણો થતાં ત્યારે લોકો માનતા કે સૂર્યને અને ચંદ્રને રાક્ષસ ગળી જાય છે.

આપણા ઋષિ-મુનિઓને અગ્નિનું મહત્ત્વ સમજાયું હતું. તેઓ તેની એક શક્તિ તરીકે, એક દેવતા તરીકે પૂજા કરતા. અગ્નિકુંડ બનાવવામાં આવતા અને તેમાં હોમ થતો. બારે માસ અગ્નિને સળગતો રાખવામાં આવતો. મોટા મોટા દિવસે હવન કરી અગ્નિને આહુતિ દેવામાં આવતી. તેની પૂજા કરવામાં આવતી અને તેની પ્રશંસામાં ઋચાઓની રચના કરવામાં આવતી. તેઓ માનતા કે અગ્નિ દેવતાનું મૂળ છે. અગ્નિમાં હોમાયેલું દેવતાને પહોંચે છે. વૈદિક સમયમાં પારસીઓ વૈદિક સંસ્કૃતિના જ હતા. તેથી જ પારસીઓ પણ અગિયારીમાં અગ્નિને બારે માસ જલતો રાખે છે. અગ્નિ પછી દીવાના સ્વરૂપે આપણી સમક્ષ આવ્યો. આજે પણ એ પ્રકાશ સ્વરૂપને, એ જ્ઞાન સ્વરૂપને, એ સરસ્વતી સ્વરૂપને આપણે કોઈ કાર્યના આરંભે પ્રગટાવીએ છીએ. દીવા પણ ઘણા પ્રકારનાં છે. પહેલાં ચરબીના દીવા થતા હતા, પછી ઘીના દીવાની શરૂઆત થઈ. હવે મીણબત્તીના દીવા પણ અસ્તિત્વમાં આવ્યા છે. વિદ્યુત પ્રકાશે ઈતિહાસ રચ્યો છે. વિજ્ઞાન અને વિજ્ઞાનીઓએ આપણને ધન-વિદ્યુતભાર અને ઋણ-વિદ્યુતભારને સમજી વીજળીનો કરન્ટ, વીજળીનો પ્રવાહ આપ્યો, વિદ્યુત અને ચુંબક એકના એક છે તે દર્શાવ્યું અને તેના વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી દર્શાવ્યું કે પ્રકાશ કાંઈ જ નથી, પણ વિદ્યુત-ચુંબકીય ક્ષેત્ર છે. બ્રહ્માંડમાં એવી એક પણ જગ્યા નથી જ્યાં વિદ્યુત-ચુંબકીય ક્ષેત્ર ન હોય. આપણે પ્રકાશના રહસ્યને સમજી શક્યા. સૂર્યના પ્રકાશના રહસ્યને સમજી શક્યાં. આકાશમાં થતી વીજળીના રહસ્યને સમજી શક્યા. પૃથ્વી પર ડાયનેમો અને જનરેટર અસ્તિત્વમાં આવ્યાં. અગ્નિ એક અદ્ભુત વસ્તુ છે. અગ્નિમાં લાડુ નાખો તો પણ તે પ્રેમથી તેને આરોગી જાય અને મડદું નાંખો તો પણ તે કોઈ પણ છોછ વગર તેને આરોગી જાય. પ્રકાશ અગ્નિનું જ સ્વરૂપ છે. પાણી ગંદકી પરથી આવે તો ગંદું થાય. હવા કતલખાના પરથી આવે તો દુર્ગંધ મારે. પણ પ્રકાશ ગમે ત્યાંથી આવે ગુલાબ પરથી કે ગંદકી પરથી, આપણને તેમાં કોઈ પણ ફરક પડે નહીં. ખરાબ વસ્તુ જોવી આપણને ન ગમે પણ તેમાંથી પરાવર્તન થઈને આવતો પ્રકાશ આપણને જરા પણ નડે નહીં. જો આપણી આંખે પાટા બાંધ્યા હોય તો આપણે કહી ન શકીએ કે પ્રકાશ કયા સ્ત્રોત પરથી આપણા શરીર પર પડે છે. આ અગ્નિ અને પ્રકાશની દિવ્યતા છે.

બ્રહ્માંડમાં અગ્નિ ક્યાં નથી? આપણા પેટમાં છે. પેટની બહાર રૂમમાં છે, રૂમની બહાર ઘરમાં છે, ઘરની બહાર અંતરીક્ષમાં છે. પૃથ્વીની બહાર સૂર્યમાળાના અંતરીક્ષમાં છે, સૂર્યમાળાની બહાર મંદાકિનીના અંતરીક્ષમાં છે. મંદાકિનીના અંતરીક્ષની બહાર બ્રહ્માંડમાં છે. હાલના બ્રહ્માંડનું ઉષ્ણતામાન લગભગ ૩ અંશ કેલ્વિન એટલે કે માઈનસ ૨૭૦ અંશ સેલ્સિયસ) ઉષ્ણતામાન છે. એરકન્ડિશન્ડ રૂમમાં કે આપણા ઘરમાં ભલે અગ્નિની જ્વાળા ન દેખાતી હોય પણ ત્યાં ઉષ્ણતામાન ૧૦ અંશ કે ૨૦ અંશ સેલ્સિયસ છે. તે શું બતાવે છે? તે દર્શાવે છે કે ત્યાં અગ્નિ છે. અગ્નિ એટલે ઊર્જા, અને ઊર્જા એટલે અગ્નિ. બ્રહ્માંડ પોતે ઊર્જાનો એક પરપોટો છે. એટલે કે અગ્નિનો પરપોટો છે. પૂરું બ્રહ્માંડ ઊર્જાના એટલે કે અગ્નિના બળે ચાલે છે. આપણા શરીરમાં જે શક્તિ છે તે ઊર્જાની અગ્નિની શક્તિ છે. શરીરની ચેતના જે એક એક પેશીમાં છે તે ચાલી જાય એટલે આપણું શરીર મડદું થઈ જાય. જેમ ગરમ પાણી દઝાડે છે તેમ ભયંકર ઠંડું પાણી પણ દઝાડે જ છે. આ બ્રહ્માંડ ઘણું રહસ્યમય છે. તેમાં બોઈલરમાં બરફ મળે છે અને બરફમાં બોઈલર.

રાજસ્થાનમાં ઉનાળામાં ઉષ્ણતામાન લગભગ ૫૨ અંશ સેલ્સિયસ રહે છે. એન્ટાર્કટિકામાં ઉષ્ણતામાન માઈનસ ૪૦ અંશ સેલ્સિયસ હોય છે. આ બંને જગ્યાના ઉષ્ણતામાનમાં લગભગ ૯૨ અંશ સેલ્સિયસનો તફાવત હોય છે. એન્ટાર્કટિકાના માણસને ઉનાળામાં રાજસ્થાનના રણમાં લઈ આવીએ તો તે કહેશે કે રાજસ્થાની માણસો બોઈલરમાં રહે છે કે શું? શનિના ઉપગ્રહ પર ઉષ્ણતમાન માઈનસ ૨૦૦ અંશ સેલ્સિયસ રહે છે. શનિના ઉપગ્રહ પર જો માનવ વસ્તી હોય અને તેમાંના એક માણસને આપણે એન્ટાર્કટિકામાં લઈ આવીએ તો તે કહેશે કે એન્ટાર્કટિકાના માણસો બોઈલરમાં રહે છે કે શું? પ્લુટોના ઉપગ્રહ પર ઉષ્ણતામાન માઈનસ ૨૪૦ અંશ રહે છે. પ્લુટોના ઉપગ્રહ પર જો માનવ વસ્તી હોય અને તેમાંના એક માણસને આપણે શનિના ઉપગ્રહ પર લઈ આવીએ તો તે કહેશે કે શનિના ઉપગ્રહ પરના માણસો બોઈલરમાં રહે છે કે શું? બ્રહ્માંડમાં ઉષ્ણતામાન માઈનસ ૨૭૦ અંશ સેલ્સિયસ છે. તેમાં જો માણસ હોય અને તેને પ્લુટોના ઉપગ્રહ પર લઈ આવીએ તો તે કહેશે કે પ્લુટોના ઉપગ્રહ પરના માણસો બોઈલરમાં રહે છે કે શું? તો પ્રશ્ર્ન થાય કે આમાં ખરેખર બોઈલર કયું? દરેકેદરેક જગ્યા બોઈલર છે અને દરેકેદરેક જગ્યા બોઈલર નથી. આમ અગ્નિ બ્રહ્માંડમાં દરેકેદરેક જગ્યાએ છે. લાઈટરમાં પીઝો ઈલેક્ટ્રિક કરન્ટ ઉત્પન્ન થાય છે તેથી તે સ્પાર્ક ઉત્પન્ન કરે છે.

હવે પ્રશ્ર્ન થાય છે કે દીવાસળી બળે ત્યારે ઉત્પન્ન થયેલો અગ્નિ કે લાકડું બાળવાથી ઉત્પન્ન થતો અગ્નિ કે કાગળ, પેટ્રોલ, કેરોસીન બળવાથી ઉત્પન્ન થતો અગ્નિ, પ્રકાશ, સૂર્યમાંથી નીકળતો પ્રકાશ શું એક જ અગ્નિ છે? ખરેખર અગ્નિ છે શું? અગ્નિ વિદ્યુત-ચુંબકીય ક્ષેત્ર છે. જ્યારે ઈલેક્ટ્રોન પ્રવેગી (ફભભયહયફિયિંમ) થાય છે ત્યારે પ્રકાશ ફેંકે છે તે અગ્નિ કહેવાય છે. ઈલેક્ટ્રોન જ્યારે ઊર્જા મેળવે છે ત્યારે તે પરમાણુમાં ઉપરની કક્ષાએ પહોંચે છે અને પછી તરત જ નીચેની તેની મૂળકક્ષાએ ઊતરે છે. આ વખતે તેણે મેળવેલી ઊર્જા પ્રકાશરૂપે બહાર ફેંકે છે. આ રીતે બધા જ પ્રકારના અગ્નિ એક જ છે. તે માત્ર ઈલેક્ટ્રોનની કૂદાકૂદ છે.

પ્રતિકાવ્ય: પૅરડી --- શાહબુદ્દીન રાઠોડ

જે શૈલીમાં પૅરડી રચવી હોય તે શૈલીનું પર્યાપ્ત જ્ઞાન જરૂરી છે. મૂળ કૃતિના ભાવને કઈ રીતે હળવા ભાવમાં બદલી નાખવો તે પૂરતો પરિશ્રમ માગી લે છે


હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય,

બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય.

ગુરુવંદનાનો આ દોહો ખૂબ જ પ્રચલિત છે. ગુરુની પ્રશંસા અને મહત્ત્વ દર્શાવવા તેની અવાર-નવાર રજૂઆતો થયા કરે છે.

આ દોહા પરથી એક કવિએ પૅરડીની રચના કરી. મૂળ કાવ્ય, દોહો, મુક્તક, ગીત કે ભજનના જે તે સ્વરૂપને અકબંધ રાખી તે જ શૈલીમાં મૂળ કવિતાના ગંભીર ભાવને સ્થાને ખૂબીપૂર્વક હળવા, રમૂજીભાવની અભિવ્યક્તિ કરવી તેને પૅરડી-પ્રતિકાવ્ય કહેવામાં આવે છે. જેમ કે,

પત્ની ખડી, શ્ર્વશુર ખડે, કિસકો લાગું પાય,

બલિહારી શ્ર્વશુર આપકી ક્ધયા દિયો બિહાય.

કોઈ વાર એક ચરણ એને એ જ રાખી બીજા ચરણને કવિ બદલી નાખી પૅરડી રચે છે.

ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ

તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર.

આ પ્રચલિત દોહા પરથી એક કવિએ રચના કરી:

ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ,

બાબા ખડે ચલા રહે નૈન સૈન કે તીર.

કોઈ વાર કોઈ પ્રસિદ્ધ કવિની શૈલીનું અનુસરણ કરી સીધી રચના પણ કરવામાં આવે છે.

સાંકર ઘર કી લગ ગઈ ભઈ રાત જો દેર

રહીમન ચુપ હે બૈકિયે દેખી દીનન કો ફેર.

આ તો હિન્દી સાહિત્યનાં ઉદાહરણો છે. ગુજરાતી સાહિત્યમાં પણ પ્રતિકાવ્યનો ઉમદા હાસ્યપ્રકાર ભલે થોડા પ્રમાણમાં પણ ખેડાયેલ તો છે જ. થોડાં ઉદાહરણો-મૂળ રચના સાથે.

નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ,

એક તું, એક તું, એમ કહેવું.

નિદ્રાને પરહરી સમરવાં શ્રીમતી

ચા મૂકો, ચા મૂકો, એમ કહેવું.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

અખિલ બ્રહ્માંડમાં એક તું સ્ત્રી ખરી.

દીકરી ને ગાય દોરે ત્યાં જાય,

દીકરી ને ગાય માથું મારીને ખાય.

સંપ ત્યાં જંપ

સાઇકલ ત્યાં પંપ

કવિશ્રી બાલાશંકર કંથારિયાની જાણીતી ગઝલ:

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે

ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.

કવિશ્રી જ્યોતીન્દ્ર દવેએ જે કાવ્યપ્રકારો અજમાવ્યા છે તેમાં પ્રતિકાવ્યોનો સમાવેશ પણ થાય છે. તેમણે ઉપરોક્ત ગઝલની પૅરડી આ રીતે શરૂ કરી છે:

ગુજારે જે શિરે તારે વઢકણી વહુ તે સ્હેજે

ગણ્યું જે પ્યારું પ્યારીએ અતિ પ્યારું ગણી લેજે.

કટાક્ષ, વિડંબના, વક્રોક્તિ, ઉપહાસ વગેરે દ્વારા જે હાસ્ય નિષ્પન્ન થઈ શકે છે તે તમામનો તેમણે સફળતાપૂર્વક પ્રયોગ કરેલ છે.

અરે સંતાન તો છે ઘેલાં રહે એ દૂર માંગે તો,

ન માંગે દોડતાં આવે ન વિશ્ર્વાસે કદી રહેજે.

‘બોધ - ન શોધ’ એવું શીર્ષક આપને કવિશ્રી બાલાશંકરના જ શબ્દોમાં રજૂઆત કરી તેઓશ્રીએ મુક્ત હાસ્ય સર્જ્યું છે.

તિજોરીને દઈ તાળાં પછી કૂંચી લઈ કરવામાં,

પ્રિયાની જાડી ગ્રીવામાં પરોવી સુખે સૂજે.

‘પ્રભુની પ્યારી ગ્રીવામાં’ને બદલે ‘પ્રિયાની જાડી ગ્રીવામાં’ જેવા શબ્દો અસરકારક હાસ્ય સર્જે છે. કવિની મૂળ પંક્તિ પૅરડી સાથે:

નિજાનંદે હંમેશાં તું બાલ મસ્તીમાં મજા લેજે,

નિજાનંદે હંમેશાં બાલ વસતિમાં મજા લેજે.

આગળની પંક્તિ સાથે પ્રતિકાવ્ય...

નિયંત્રણ સંતતિ કેરું ભલે સરકાર ફટકારે,

નિજાનંદે હંમેશાં બાલ વસતિમાં મજા લેજે.

મસ્તીને વસતિમાં બદલી નાખીને હાસ્યકારે સમગ્ર ચિત્રને બદલી નાખ્યું છે. તેમની ગઝલની આ બે પંક્તિઓ તેમની સર્જકપ્રતિભાનો ખ્યાલ આપે છે.

ગઝલ લઈ આવવા અમને અહીં આજ્ઞા કરાઈ છે,

ગઝલ છે નારીજાતિ તે અમારે મન પરાઈ છે.

કવિશ્રી ન્હાનાલાલે ડોલનશૈલી નિર્માણ કરી તેમાં કાવ્યો રચી નોખી કેડી કંડારી એમાં ઘણાનો રોષ તેમણે વહોરી લીધો, ડોલનશૈલીનો વિરોધ પણ ખૂબ થયો અને ઉપહાસ પણ એટલો થયો.

કવિશ્રી જ્યોતીન્દ્ર દવેએ ન્હાનાલાલના ‘એ કોણ હતી?’ કાવ્યની પૅરડી રચી છે. ડોલનશૈલીની મજાક તો તેમાં છે જ, વૈભવી વાણીમાં મોટો પ્રારંભ કરી ઊંચી જિજ્ઞાસા જગાવી છેવટે સામાન્ય અંત લાવી અસરકારક હાસ્ય સર્જ્યું છે.

સારાય જગતને પોષતી,

માનવભાગ્યની કલ્યાણ પ્રેરતી,

મસ્તક વડે પ્રેરણા પ્રેરતી,

એ તો હતી મહિષી,

એક મીઠી ભેંસલડી!

કલાપીની શૈલીનું અનુસરણ કરી તેમણે રચેલ પૅરડી:

રહેવા દે રહેવા દે આ સંહાર પ્રિયે હવે,

ઘટે ના સ્થૂળતા આવી નેહભીની કુશાંગીને,

બટાકો છોલવાને તું આવો ઉત્સાહ કાં ધરે,

બટાકાને પચાવાને બટાકો બનવું પડે.

કવિ ન્હાનાલાલ સામે મોટાલાલ નામ ધારણ કરી કવિતામાં છંદના હિમાયતી કવિ ખબરદારે પણ ડોલનશૈલી સામે ઉપહાસનું શસ્ત્ર ઉગામ્યું. ગુજરાતનો તપસ્વી ન્હાનાલાલના કાવ્યની ખબરદારે ‘પ્રભાતનો તપસ્વી’ શીર્ષક આપીને પૅરડી રચી છે. જેમાંની થોડી પંક્તિઓ...

ન્હાનાલાલ:                    મોટાલાલ:

મંદિરોમાં પચ્ચાસ,             આંગણામાં પચ્ચીસ વખત,

દીપમાળા પ્રગટાવો,           પાણી છંટાવો,

પચ્ચાસ પચ્ચાસ,              પચ્ચીસ પચ્ચીસ,

આરતીઓ ઊતરાવો,           ચોક પુરાવો,

પચ્ચાસ પચ્ચાસ,              આજે પચ્ચીસમી,

દેવઘંટા વગડાવો,              વેળાનો પુકાર છે,

આજે પચ્ચાસ વર્ષનો,           કૂકડે કૂ, કૂકડે કૂક

ઉત્સવ છે.                       કોઈના ચૂકરે ચૂક.

આમ તો ‘આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે’ આવું કહેનારા કવિશ્રી નરસિંહરાવમાં પણ ક્યારેક હાસ્યની ઝલક જણાઈ આવે છે. તેમણે પણ ન્હાનાલાલની ડોલનશૈલીનો ઉપહાસ કરવા એ જ શૈલીમાં પ્રતિકાવ્યની રચના કરી છે.

એ પતંગની પતાકાઓનું,

દિવ્યગાન સુણતો,

નિદ્રાવશ ઊભેલો,

મહાશ્ર્વેતાની વીણાથી મુગ્ધ હિરણશો,

પેલો દીન ગધેડો,

શેરીમાં સ્થિર ઊભેલો,

એ ગધેડાનો સુરેખ કાન,

પોતાના હાથમાં ધરીને,

જો! સખી! પેલા ગંગારામ,

ભૂગોળશા ગોળ શરીરધારી,

સ્થિર ચિત્તે,

અક્ષુબ્ધ હૃદયે,

સમાધિલીન ઊભા છે!

મધ્યયુગમાં જે રીતે રજપૂતોનાં ટેક, શૌર્ય અને વીરતાને બિરદાવવામાં આવતાં એમાં ઘણી વાર અતિરેક પણ થઈ જતો. તેને હાસ્યનું લક્ષ્ય બનાવી એ લોકબોલીની યાદગાર પૅરડી રચી છે. ‘શેષ’ના ઉપનામથી કવિશ્રી રામનારાયણ વિ. પાઠકે.

‘એક રજપૂતની ટેક’નો પ્રસંગ તેમણે આ રીતે વર્ણવ્યો છે.

રજપૂતાણી રજપૂતને જણાવે છે -

સાંભળો છો કે સાયબા મારી કાયા કામણી,

એક માખીને કાજે મારી ઊંધ્યું વિખાણી,

એક માખીના ઉપદ્રવને લીધે રજપૂતાણીની ઊંઘ વેરણ થઈ અને રજપૂતાણીએ આવું રજપૂતને મહેણું માર્યું એમાં રજપૂતને લાગી આવ્યું. તેણે ગૃહત્યાગ કરી વનરાવનનો મારગ લીધો. મહેણાંની યાતના અસહ્ય થઈ પડી ત્યારે રજપૂતે વિઠલાનું સ્મરણ કર્યું. આ વિઠલો એટલે પ્રભુ વિઠલ નહીં, દીનાનાથ નહીં, આ વિઠલ એટલે વિઠલો વાળંદ, કવિએ આખાયે પ્રસંગનું હાસ્યરસિક શૈલીમાં ચોટદાર વર્ણન કર્યું છે.

વેલો આવે વિઠલા મારે હાથ નથી હથિયાર,

આ મેણાંથી મુકાવવા, તું ચડજે મારી વાર,

વેગે ધાયો વિઠલો કરતો કપરી કૂચ,

મેણિયતે માથું ધર્યું એની મૂંડ નાખી મૂછ.

પ્રતિકાવ્ય - પૅરડી કઠિન પ્રકાર છે. હાસ-પરિહાસ, નર્મ-મર્મ, હાસ્યકટાક્ષની ઊંડી સૂઝ સર્જકમાં હોવી જરૂરી છે. જે શૈલીમાં પૅરડી રચવી હોય તે શૈલીનું પર્યાપ્ત જ્ઞાન જરૂરી છે. મૂળ કૃતિના ભાવને કઈ રીતે હળવા ભાવમાં બદલી નાખવો તે પૂરતો પરિશ્રમ માગી લે છે.

વિશુદ્ધ હાસ્ય સર્જવાને બદલે જ્યારે તેમાં અંગત ઈર્ષા કે દ્વેષ ભળે છે ત્યારે બુદ્ધિહીન મૂર્ખાઈ ભરેલ પૅરડી રચાય છે. ઉદાહરણ રૂપે, ‘એ દાળ હારે બિસ્કિટ ખાય છે તેમાં તારા બાપનું શું જાય છે?’

હાસ્યમાં રિયલાઈઝેશન થવું જોઈએ રીઍક્શન નહીં.

Wednesday, May 28, 2014

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ‘સ્વૉટ’ ઍનેલિસિસ --- સૌરભ શાહ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ‘સ્વૉટ’ ઍનેલિસિસ  ---   સૌરભ શાહ
26-05-2014

આજે સાંજે ૬ વાગ્યે ભારતને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મળશે. આ દેશ માટે મોદી શું કરશે અને શું નહીં કરે એની કલ્પના સૌને છે, પણ મોદી શું કરી શકશે અને શું નહીં કરી શકે એ માટે એમનું ‘સ્વૉટ’ ઍનેલિસિસ કરવું પડશે.

‘સ્વૉટ’ કોઈ નવી ક્ધસેપ્ટ નથી. સ્ટૅનફર્ડ રિસર્ચ યુનિવર્સિટીના વિખ્યાત બિઝનેસ અને મૅનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ આલ્ફ્રેડ હમ્ફ્રી (૧૯૨૬-૨૦૦૫)એ ૧૯૬૦ના દાયકામાં નવ વર્ષ દરમિયાન ૫,૦૦૦ જેટલા ઈન્ટરવ્યૂઝ પછી આ ક્ધસેપ્ટ તૈયાર કરી. આ રિસર્ચને ફૉર્ચ્યુન-ફાઈવ હન્ડ્રેડમાંની વિશ્ર્વની સૌથી મોટી કંપનીઓએ ફંડિંગ કરી.

આવતી કાલથી નરેન્દ્ર મોદીનું ‘સ્વૉટ’ ઍનેલિસિસ શરૂ કરીએ તે પહેલાં સમજી લઈએ કે આ ક્ધસેપ્ટ શું છે. ‘સ્વૉટ’ એટલે અંગ્રેજીમાં એસ.ડબલ્યુ.ઓ.ટી. (જ.ઠ.ઘ.ઝ). એસ ફૉર સ્ટ્રેન્થ્સ, ડબલ્યુ ફૉર વીકનેસીસ, ઓ ફૉર ઑપોર્ચ્યુનિટીઝ અને ટી ફૉર થ્રેટ્સ.

છેલ્લા ચારેક દાયકામાં ‘સ્વૉટ’ ઍનેલિસિસ કોઈ નવી નવાઈની વાત રહી નથી. ભારત સહિત દુનિયાની અનેક કંપનીઓ, બ્રાન્ડ્સ, વ્યક્તિઓ પોતાની તાકાત, નબળાઈ અને પોતાની સામે રહેલી તક તેમ જ આવી શકનારી આપત્તિઓના વિશ્ર્લેષણ માટે વિવિધ સ્તરે ‘સ્વૉટ’ ઍનેલિસિસનો સહારો લેતી થઈ ગઈ છે. અહીં આપણે આ ક્ધસેપ્ટને નરેન્દ્ર મોદી, ધ પ્રાઈમ મિનિસ્ટરના સંદર્ભ પૂરતો સીમિત રાખવાના છીએ.

આ ક્ધસેપ્ટને સમજીને તમે તમારી રીતે મોદીની સ્ટ્રેન્થ્સ, વીકનેસીસ, ઑપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ નક્કી કરો અને જુઓ કે તમારા અને મારા વિચારો કેટલા મૅચ થાય છે. એટલે જ આ મૅથડ વિશે જરા વિગતે લખી રહ્યો છું. બીજું એક કારણ એ કે મોદીનું ‘સ્વૉટ’ ઍનેલિસિસ કરી લીધા પછી તમે પોતે તમારું પણ ‘સ્વૉટ’ ઍનેલિસિસ કરી શકો છો. આવું કરવા માટે બેએક દિવસ માટે તમે એકલા ક્યાંક ઉપડી જાઓ તો પાછા આવશો ત્યારે બોધિવૃક્ષ નીચે બેસી આવ્યા હોવાનો અનુભવ થશે. (ના, મેં હજુ સુધી મારું પોતાનું ‘સ્વૉટ’ ઍનેલિસિસ કર્યું નથી, પણ મોદીનું કર્યા પછી કરવાનો છું અને ના, હું બે દિવસ માટે ક્યાંય જવાનો નથી. મારા માટે મારો સ્ટડી રૂમ જ બોધિવૃક્ષ છે).

‘સ્વૉટ’ના ચાર વિભાગોમાંના જે પહેલા બે છે - સ્ટ્રેન્થ્સ અને વીકનેસીસ તે આંતરિક છે અને ઑપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ બાહ્ય છે. આનો મતલબ શું? સ્ટ્રેન્થ્સ અને વીકનેસીસ માણસના (કે કંપનીના, બ્રાન્ડના, પ્રોજેક્ટના) પોતાના ઉછેરે, પોતાના વાતાવરણ, પોતાના સ્વભાવ, પોતાની સમજણ, પોતાના મિજાજ, પોતાના અનુભવો, પોતાના સંસ્કાર, પોતાના જિન્સ અને ડીએનએ વગેરે પર આધાર રાખે છે. આમાં ઉછીનું કશું હોતું નથી. જે કંઈ હોય છે તે બધું જ તમારું પોતાનું હોય છે. તમારી તમામ સ્ટ્રેન્થ અને બધી જ વીકનેસ એમાંથી જ આવે છે.

બીજા બે જે મુદ્દા છે- ઑપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ તેના પર તમારો કોઈ ક્ધટ્રોલ નથી હોતો. તમે જે દુનિયામાં રહો છો એ દુનિયામાં તમારા સિવાય બીજી કરોડો વ્યક્તિઓ રહે છે. આ વ્યક્તિઓ જે કંઈ કરે છે (કે નથી કરતી) તેને કારણે તમારા માટે ઑપોર્ચ્યુનિટીઝ સર્જાય છે, તમારા માથે થ્રેટ્સ તોળાય છે.

‘સ્વૉટ’ ઍનેલિસિસ ઘણી બધી રીતે ઉપયોગી થાય: ૧. અત્યારના પ્રશ્ર્નોનો, જેનો ઉકેલ જૂની રીતે નથી મળતો એવી સમસ્યાઓનો, નવેસરથી વિચાર કરીને એને સૉલ્વ કરવા. ૨. તમે જે લક્ષ્ય સાધવા માગો છો એની આડે વિઘ્નો ક્યાં છે તે શોધવા માટે. ૩. પરિવર્તન લાવવાની શક્યતાઓ કેટલી અને કઈ કઈ છે તે સમજવા અને કઈ બાબતોમાં કઈ હદ સુધીનું જ પરિવર્તન શક્ય છે તે જાણવા. ૪. જ્યાં જવું છે ત્યાં જવાનો શ્રેષ્ઠ માર્ગ કયો છે (ટૂંકામાં ટૂંકો નહીં, શ્રેષ્ઠ માર્ગ- તે કદાચ લાંબો પણ હોય) તે શોધવા. ૫. જેમનો સાથ જોઈએ છે તેમને એમની શક્તિ પ્રમાણેની જવાબદારીઓ સોંપવાની યોજનાઓ બનાવવા. ૬. યોજનાઓના અમલીકરણની અસરકારકતા વધારવા. આમાં હજુ તમે તમારી રીતે બીજા ઘણા મુદ્દા, તમારી જરૂરિયાત મુજબ ઉમેરી શકો, આમાંથી બાદ પણ કરી શકો.

‘સ્વૉટ’ ઍનેલિસિસ દરમિયાન તમારી સ્ટ્રેન્થ્સ, વીકનેસીસ, ઑપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ નક્કી થઈ ગયા પછી તમારા સંજોગો અનુસાર તમારે ચાર વિકલ્પોમાંથી એકની પસંદગી કરવાની રહે.

પહેલો વિકલ્પ. તમારી સ્ટ્રેન્થ્સ અને ઑપોર્ચ્યુનિટીઝનો અંદાજો મેળવીને તમારી પાસેની તકોનો તમારી તાકાત વડે મૅક્સિમમ ઉપયોગ કરવો.

બીજો વિકલ્પ. તમારી વીકનેસીસ પિછાણી લીધા પછી એ નબળાઈઓમાંથી બહાર આવવાના ઉપાયો શોધીને તમારી સામે ઊભી રહેલી તકોનો મૅક્સિમમ ઉપયોગ કરવો.

ત્રીજો વિકલ્પ. તમારી સામે જે થ્રેટ્સ છે તે આપત્તિઓને તમારી સ્ટ્રેન્થ્સ વડે મિનિમાઈઝ કરી નાખવી.

ચોથો અને છેલ્લો વિકલ્પ છે જે ત્યારે જ અમલમાં મૂકવો પડે જ્યારે તમારાં બારે વહાણ ડૂબી ગયાં હોય- વીકનેસીસ અને થ્રેટ્સને મિનિમાઈઝ કરવાનો પ્રયત્ન કરવાનો. (કૉન્ગ્રેસના કે રાહુલ- સોનિયાજીના ‘સ્વૉટ’ ઍનેલિસિસ પછી આ ચોથો વિકલ્પ અપનાવવો પડે).

‘સ્વૉટ’ વિશેની આ બધી સમજ, પ્રોસિજર, એને લગતાં ટુલ્સ તમને મૅનેજમેન્ટને લગતા કોઈ પણ સારા પુસ્તકમાંથી મળી રહેવાનાં. આપણે આ ટુલ્સનો ઉપયોગ કરીને મૌલિક વિચારણા કરવાની છે. જેથી સમજી શકીએ કે દેશના ૧૪મા વડા પ્રધાન (૧૪નો આંકડો મારા માટે તો લકી છે, ભાઈ) આપણા માટે શું શું કરી શકશે જેનાં સપનાં આપણે સેવી શકીએ અને શું શું નહીં કરી શકે જેની આશા રાખવાનું આપણે છોડી દેવું જોઈએ.

આજનો વિચાર

ચાલવાનો નિર્ણય કરી લીધા પછી આગળનો રસ્તો આપોઆપ સર્જાતો જાય છે.

- પાઉલો કોએલો

એક મિનિટ!

મોદી અને કેજરીવાલ પાસેથી એક વાત શીખવાની કે...

જ્યાં સુધી નવી નોકરી ના મળે ત્યાં સુધી જૂની છોડવાની નહીં.

27-05-2014

પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની સૌથી મોટી પાંચ સ્ટ્રેન્થ્સ

નરેન્દ્ર મોદી ભારતના ૧૪મા વડા પ્રધાન છે કે ૧૫મા? પોલિટિક્લી અને ફૉર ઑલ પ્રૅક્ટિકલ રિઝન્સ મોદી ૧૪મા જ વડા પ્રધાન કહેવાય. આમ છતાં જેઓ એમને ૧૫મા વડા પ્રધાન ગણે છે તેઓ ખોટા નથી કારણ કે સરકારી બાબતે અને બંધારણીય રીતે તેઓ ૧૫મા છે. ગુલઝારીલાલ નંદાને આ યાદીમાં ગણો તો મોદી ૧૫મા અને ન ગણો તો મોદી ૧૪મા. ન ગણવાનું કારણ એ કે ગુલઝારીલાલ નંદાને જે બે વાર વડા પ્રધાન બનાવવામાં આવ્યા તે બંને વાર એમને અને પ્રજાને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે તેઓ ઍક્ટિંગ વડા પ્રધાન છે, કામચલાઉ પ્રાઈમ મિનિસ્ટર છે. જવાહરલાલ નેહરુ અને લાલબહાદુર શાસ્ત્રી વડા પ્રધાનપદે હતા ત્યારે જ એમનું અવસાન થયું. બંનેના અવસાન પછી શોકનો ગાળો પૂરો થાય અને નવા પીએમ નક્કી થાય ત્યાં સુધી ગુલઝારીલાલ નંદાને (જેઓ ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા હતા) કામચલાઉ વડા પ્રધાન બનાવવામાં આવ્યા કારણ કે તેઓ કેબિનેટના સૌથી સીનિયર સભ્ય હતા. બેઉ વખત તેઓ એક્ઝેટ્લી તેર-તેર દિવસ સુધી વડા પ્રધાનપદે રહ્યા હતા.

આટલી સ્પષ્ટતા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વૉટ (જ.ઠ.ઘ.ઝ.) ઍનેલિસિસ શરૂ કરીએ. સ્ટ્રેન્થ્સ, વીકનેસીસ, ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સમાંથી સૌથી પહેલાં નરેન્દ્ર મોદીની સ્ટ્રેન્થ્સ વિશે વાત કરીએ.

મારા અંગત મત મુજબ મોદીની

સૌથી મોટી સ્ટ્રેન્થ છે ખંત, જે કામ હાથમાં લીધું તે પૂરું કરવા માટે મચી પડવું. અંગ્રેજીમાં જેને પર્સીવરન્સ કહે છે કે મોદીમાં ઠાંસી ઠાંસીને તમને જોવા મળશે. કોઈ પણ માણસે જિંદગીમાં સફળતા મેળવવી હોય તો એનામાં આ પાયાનો ગુણ હોવો જરૂરી છે.

ખંતીલો માણસ જ સફળ થઈ શકે. આ એકમાત્ર સદ્ગુણ સફળતા માટે જરૂરી છે એવું નથી. બીજા પણ ગુણો જોઈએ, પણ આ ગુણ પાયાનો છે. એના વિના બીજા તમામ ગુણ નિરાધાર બની જાય.

મોદીનું આ પર્સીવરન્સ, એમનો આ ખંતીલો સ્વભાવ ક્યાંથી આવે છે? કઈ બાબતોનો સરવાળો એમને ખંતીલા બનાવે છે? માત્ર મુદ્દાઓ જ જોઈ લઈએ. અન્યથા આ દરેક પેટા મુદ્દાઓ પર પણ દાખલાઓ અને ઉદાહરણો ટાંકીને સ્વતંત્ર લેખ થઈ શકે. મોદીના સ્વૉટ ઍનેલિસિસ પછી બીજા ઘણા અલગ અલગ વિષયો રાહ જોઈને ઊભા છે. માટે ઝાઝું ઈલેબોરેટ કર્યા વિના વાત કરીશું. મોદીને ખંતીલા બનાવતી પાંચ બાબતો છે:

એક તો, ધીરજ. જીવનમાં કંઈક ખરાબ બન્યું તો તેઓ ધીરજ ગુમાવીને બેબાકળા થઈ જતા નથી. આપણે જોયું છે કે મોદીના જીવનમાં, ખાસ કરીને ૨૦૦૨ના ગોધરાકાંડ પછી કેટલું ખરાબ બન્યું છે. આ કસોટીના ગાળામાં એમણે ધીરજ ગુમાવી નથી. જીવનમાં કંઈક સારું બન્યું ત્યારે પણ મોદી ઉન્માદમાં આવ્યા વિના ધરતી સાથે જોડાયેલા રહ્યા છે. ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીઓમાં થમ્પિંગ મૅજોરિટી મેળવ્યા પછી પણ મોદી સ્વસ્થ રહ્યા છે. ન તો એમણે જીતના યુફોરિયામાં કોઈ ગેરવાજબી પગલાં લીધાં છે, ન આવી ભવ્ય જીત સમયે તેઓ ફુલાઈને ફાળકો થઈને ફર્યા છે. ધીરજ રાખવી એ એમના સ્વભાવમાં, વ્યક્તિત્વમાં વણાઈ ગયેલો ગુણ છે.

બીજું, શિસ્ત. ગજબના ડિસિપ્લિન્ડ આદમી છે મોદી. એમની જીવનચર્યા અત્યંત શિસ્તભરી છે. આ શિસ્ત એમને કિશોરાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી મળી છે. આર.એસ.એસ.ના તમામ સભ્યોમાં આવી શિસ્ત નથી હોતી. એનાં અનેક કારણો હોઈ શકે. પણ આર.એસ.એસ. એક સંસ્થા તરીકે જે શિસ્તના, નિયમિતતાના પાઠ ભણાવે છે તેનું ઉત્તમ ઉદાહરણ તમને સંખ્યાબંધ સંઘસભ્યોમાં જોવા મળે. મોદીની શિસ્ત આ બધામાં પણ ઊડીને આંખે વળગે એવી છે.

આ શિસ્તમાંથી ઊતરી આવે છે કામઢાપણું, મોદી વર્કોહોલિક છે. હજુય તેઓ પોતાને ‘મજદૂર માણસ’ ગણાવે છે. શિસ્ત અને કામગરાપણું આમ જુઓ તો સહોદર છે, એક જ સિક્કાની બે બાજુઓ છે - એકના વિના બીજું શક્ય નથી, બીજાના વિના પહેલું શક્ય નથી. મોદી કેટલા કામગરા છે તે આ ચૂંટણીપ્રચાર દરમ્યાન સૌએ જોયું. પણ એ પહેલાં, ગુજરાતના મુખ્ય મંત્રીપદના ૧૩ વર્ષ દરમ્યાન પણ તેઓ આટલા જ કામગરા હતા અને જેઓ એમને સંઘના પ્રચારક હતા ત્યારથી જાણે છે કે ત્યારબાદ ભાજપના સંગઠનમંત્રી હતા તે ગાળાથી જાણે છે, તે સૌને ખબર છે કે ઓછામાં ઓછી ઊંઘ અને દિવસરાત સતત કામ, કામ ને કામ - આ મોદીનો જીવનમંત્ર છે. ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી દરમ્યાન એક સૂત્ર વહેતું કરેલું: કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. (મોદીએ ઈન્દિરાજીનું આ સૂત્ર બરાબર પોતાના જીવનમાં ઉતાર્યું છે!)

ધીરજ, શિસ્ત અને કામઢાપણામાંથી નિષ્ઠા નીપજે છે. મોદી જેવી સિન્સેરિટી બહુ ઓછા રાજનેતાઓમાં જોવા મળે. આને કારણે જ તેઓ વિશ્ર્વસનીય છે. એમના શબ્દો પર લોકોને ભરોસો બેસે છે. લોકો-એમની આસપાસના અને લોકો - ભારતની પ્રજામાંનો એકેએક નાગરિક. મોદીની ક્રેડિબિલિટી એમની નિષ્ઠામાંથી નીપજી છે જે એમને એમના ૪૦ વર્ષના જાહેરજીવનનું એક-એક પગથિયું ઉપર ચડાવવામાં સહાયભૂત થઈ છે.

મોદીના ખંતીલાપણાના ચાર મુદ્દામાંથી નીપજે છે એમની લડાયક વૃત્તિ. મેદાનમાં પડીને લડો. સમસ્યાને જાજમ હેઠળ છુપાવો નહીં. એના ઉકેલ માટે એને ટાળ્યા નહીં કરો. કઠિન સિચ્યુએશનથી ભાગો નહીં, અણગમતા મુદ્દાથી મનને ડાયવર્ટ નહીં કરો. એની સામે આવીને એને ડીલ કરો અને જરૂર પડે તો એની સામે શિંગડાં ભરાવો. મોદી સતત આ જ કરતા આવ્યા છે. રણમેદાનમાં ઊતરીને સામી છાતીએ લડ્યા છે, પીઠ બતાવીને ભાગ્યા નથી કે બીજાઓની આડશ લઈને પોતાની સલામતી શોધી નથી.

તો મોદીની પાંચ સ્ટ્રેન્થ્સમાંની પહેલી સ્ટ્રેન્થ-ખંત અને આ ખંત જેના પાયા પર ઊભી છે તે પાંચ પાયાની વાતો.

મોદીની બાકીની ચાર સ્ટ્રેન્થ્સ વિશે વાત કરીને સ્વૉટ ઍનેલિસિસના બીજા ત્રણ મુદ્દાની પણ ચર્ચા કરવાની છે એટલે હવે ઝડપ રાખીશું.

આજનો વિચાર

તમારી આસપાસના લોકોને કારણે, તમે જે નથી તે તમારે બની જવાનું નથી. તમે જો તમારું સપનું સાકાર નથી કરી રહ્યા, તો રોકાઈ જાઓ અને નવેસરથી શરૂઆત કરો.

- પાઉલો કોએલો

28-05-2014

નરેન્દ્ર મોદી અનાસક્ત વિઝનરી છે

નરેન્દ્ર મોદીની બીજી સૌથી મોટી તાકાત છે - અનાસક્તિ, ડીટેચમેન્ટ. નિષ્પક્ષ કે તટસ્થ તેમ જ આધ્યાત્મિક ટર્મિનોલોજિવાળી ઉદાસીન વૃત્તિ (દુનિયાદારીવાળી ઉદાસીનતા નહીં) પણ એને કહી શકો.

મોદીને કોઈ સંસાર નથી. માતા, ભાઈઓ- કોઈનેય તેઓ પોતાની સોગંદવિધિમાં પણ બોલાવતા નથી. માતા પોતે કમળને વોટ આપવા ભાડાની રિક્શામાં જાય છે. આ મુદ્દામાં મોદીનો બિગેસ્ટ પ્લસ પોઈન્ટ છે કે એમને કોઈ સંતાન નથી. દીકરાને ક્યાં ગોઠવવો અને વેવાઈની ફાઈલ કેવી રીતે પસાર કરાવવી એની કોઈ ચિંતા નથી એમને. મુખ્યમંત્રી હતા ત્યારે ખુદ ભાજપમાંથી એમની સતામણી વધી ગઈ ત્યારે એક અંગત મુલાકાતમાં નિરાંતના સ્વરે તેમણે કહ્યું હતું: ‘દિલ્હીથી મોવડીમંડળ કહેશે તો અબઘડી આ બંગલો ખાલી કરીને એક થેલીમાં મારો સામાન ભરી હેડગેવાર ભવન જતો રહીશ. ત્યાં મારા રહેવા માટે એક રૂમ મળી જશે.’ અમદાવાદના મણિનગરનું હેડગેવાર ભવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું રાજ્યમથક છે અને જો કોઈ એવો આદેશ આવ્યો તો એમણે એવું જ કર્યું હોત એની એમને સતાવનારા ભાજપીઓને પણ ખબર હતી અને એટલે જ દિલ્હીના મોવડીમંડળે એવો કોઈ આદેશ મોકલ્યો નહીં. મોદીની આ અનાસક્તિ, એમની નિર્લેપતા એમના પ્રારબ્ધને ઘડે છે, કારણ કે કવિએ કહ્યું છે એમ માગીએ છીએ તો એ દૂર ભાગે છે, ન માગ્યું હોય ત્યારે એ દોડતું આવે છે.

મોદીની પ્રામાણિકતા એમની આ અનાસક્તિમાંથી આવે છે. અનાસક્તિનો અર્થ એવો નથી થતો કે જે છે એને જ સાચવીને બેસી રહેવું અને ભવિષ્ય માટેનાં સપનાં ન જોવાં. એવું હોત તો તો મોદી ગુજરાતમાં ૧૩ વર્ષ દરમિયાન મેળવેલી સિદ્ધિમાંથી સંતોષ લઈને ગાંધીનગરમાં બેસી રહ્યા હોત, પણ ફળ જે મળે તે, એની આશા રાખ્યા વિના, આગળનું કામ કરવું, કરતાં રહેવું એવું વિચારીને મારા સહિત બીજા અનેકને ખોટા પાડીને એમણે ૨૦૧૪ની ચૂંટણી માટે ભાજપના વડા પ્રધાનપદની ઉમેદવારી સ્વીકારી. (હું માનતો હતો અને જાહેરમાં લખ્યું પણ છે કે મોદીએ ૨૦૧૯ સુધી રાહ જોવી જોઈએ અને જોશે. આ એક બાબતમાં ખોટા પડ્યાનો આનંદ મારા જેટલો જ સૌને હશે).

ભગવદ્ ગીતાની કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન્ની ફિલસૂફીને જીવનમાં સંપૂર્ણપણે વણી લેનારી ભારતની સૌથી જાણીતી એક વ્યક્તિનું નામ આપવું હોય તો કોનું આપવું એની હવે તમને ખબર છે.

આગળ ચાલીએ.

મોદીની ત્રીજી સૌથી મોટી સિદ્ધિ- એમને સપનાં જોતાં આવડે છે. મૅનેજમેન્ટની ટર્મ વાપરીને કહીએ તો એમનાં સપનાં આઉટ ઑફ બૉક્સ હોય છે, પરંપરાગત વિચારધારાથી સાવ હટકે હોય છે. ભારતનો કયો મુખ્યમંત્રી પોતાના રાજ્યને સિંગાપોર, જપાન, ચીન કે બ્રિટન- અમેરિકાની સાથે સ્પર્ધામાં મૂકે? બહુ બહુ તો મહારાષ્ટ્ર, બિહાર કે તમિળનાડુ સાથે તુલના કરે.

પણ મોદીનાં સપનાં શેખચલ્લીનાં નથી હોતાં. રિયાલિટી બેઝ્ડ હોય છે. તેઓ પોતાની, ગુજરાતની અને ભારતની ભૂમિની તથા પ્રજાની શક્તિઓને પિછાણે છે, મર્યાદાઓને પણ જાણે છે. કારણ કે ભારતભરમાં તેઓ ફર્યા છે. ટુરિસ્ટ તરીકે નહીં, નાનાં નાનાં ગામ-શહેરોના લોકો વચ્ચે રહીને, એમને ત્યાં જમીને, એમને પોતાના ઉતારે બોલાવીને જમાડીને. આંખકાન ખુલ્લાં રાખીને કરેલું આ ભારતભ્રમણ એમને એક યુનિક પોઝિશનમાં મૂકે છે. લોકોનાં દુખદર્દ અને એમની જરૂરિયાતો જ માત્ર નહીં, એમના એસ્પાયરેશન્સ પણ તેઓ જાણે છે. એક ટીવી મુલાકાતમાં એમણે કોઈ ન્યૂઝ ચૅનલને કહ્યું હતું: ‘મારી સાથે મારા પ્રધાનો, બ્યુરોક્રેટ્સ અને એક્સપર્ટ્સની મીટિંગ હોય ત્યારે હું સી.એમ. તરીકે નહીં પણ એક સામાન્ય નાગરિક તરીકે એમની વાતો સાંભળું છું, અને નાગરિક તરીકે જ વિચારીને સજેશન્સ આપું છું.’ મોદીને ખબર છે કે ભારતનો એક સામાન્ય નાગરિક શું વિચારતો હોય છે.

શું સોનિયા ગાંધીને ખબર હશે કે ભારતના આમ આદમીના મનમાં શું ચાલતું હોય છે? ફૉર ધૅટ મૅટર શાહજાદાને, એમના પિતાને, એમની માતાને, એમના પિતાને - આખા નેહરુ વંશને એવી ખબર હોવાની? એ લોકો ક્યારેય પોતાના આઈવરી ટાવરમાંથી બહાર નીકળ્યા નથી. ભારતના બાકીના ભૂતપૂર્વ વડા પ્રધાનોનું પણ આમ જનતા સાથેનું એક્સપોઝર મોદી જેટલું નહોતું.

આની સાથોસાથ મોદી ટેક્નોસેવી પણ છે. ૧૦ એપ્રિલ ૨૦૦૦ના રોજ ‘રૂબરૂ’ કાર્યક્રમમાં રાજીવ શુક્લને આપેલી મોદીની જિંદગીની સૌથી પહેલી ટીવી મુલાકાતમાં મોદીએ કહેલું કે છેલ્લાં આઠ-દસ વરસથી તેઓ કૉમ્પ્યુટર વાપરે છે અને એમની પાસે એ જમાનાથી ઈ-મેલ આઈડી છે. ૧૯૯૨ના જમાનામાં ભારતમાં કેટલા લોકો આ હદ સુધી ટેક્નોસેવી હતા?

મોદી પાસે લોકોને જેટલી અપેક્ષા છે એના કરતાં વધારે અપેક્ષા મોદી જ પોતાની પાસે રાખે છે અને એટલે જ સાયન્સ, ટેક્નોલોજી, આઈટી, ફિનાન્સ, એગ્રીકલ્ચર, હેલ્થ જેવાં તમામ ક્ષેત્રોમાં તેઓ દૂરનું જુએ છે. યુ ટ્યુબ પર એક વીડિયો જોયો હમણાં. એક જણ કહે છે કે પરદેશના વિમાન પ્રવાસમાં મારી બાજુમાં કોણ છે એની મને ખબર નહોતી. એમણે મારી સાથે ઓળખાણ કરી. હું હેલ્થ સેક્ટરમાં કામ કરું છું. મને એ પ્રશ્ર્નો પૂછતા ગયા, જાણકારી મેળવતા રહ્યા. મેં એમને કહ્યું કે રસ્તા કેવી રીતે ચોખ્ખા રાખવા એ પણ હેલ્થ સેક્ટરનો વિષય છે. પછી એમણે મને એમની ઓળખાણ આપી. થોડા દિવસ પછી ગાંધીનગરથી એમના આસિસ્ટન્ટનો ફોન આવ્યો. મને મારી નિપુણતાના વિષય પર લેક્ચર આપવા માટે એ લોકોએ ઈન્ડિયા બોલાવ્યો. મારા લેક્ચરમાં ખુદ એ લોકો, એમના કેટલાક પ્રધાનો તથા બ્યુરોક્રેટ્સ પણ હાજર હતા.

આવા હતા મુખ્યમંત્રી મોદી. તો જરા વિચારીએ કે પ્રધાનમંત્રી મોદી કેટલા મોટા વિઝનરી બનશે. નેહરુ માટે આ શબ્દ વપરાતો- વિઝનરી, સ્વપ્નસેવી, પણ નેહરુનું ભારત કેવું હતું તે તમારા પપ્પાને કે દાદાને પૂછો. આપણે એ વાત નથી કરવી. જે વીતી ગયું તે વીતી ગયું. મોદીની આ ત્રીજી સ્ટ્રેન્થ- એમનું વિઝનરીપણું નક્કી ભારતને એવી ઊંચાઈએ લઈ જઈ શકે છે જ્યાં પહોંચવાનું અત્યારે આપણને સપનામાં પણ અશક્ય લાગે છે. મોદીની બાકીની બે સ્ટ્રેન્થ વિશે કાલે.

આજનો વિચાર

આપણા વાઈલ્ડેસ્ટ ડ્રીમ્સ જ આપણા ખરાં સપનાં છે.

- પાઉલો કોએલો

Sunday, May 25, 2014

બ્રહ્માંડના કણકણમાં બેક્ટેરિયાનો વાસ --- ડૉ. જે. જે. રાવલ

વાયુમંડળ અને જળમંડળમાં વિશાળ જીવસૃષ્ટિ પૃથ્વી પર વિશાળ જીવ-સૃષ્ટિ છે. ઝાડ-પાન, ફળ-ફૂલ, વન્ય જીવન, મનુષ્ય જીવન, પ્રાણીસૃષ્ટિ. કહેવાય છે કે પૃથ્વી પર ૮૪ લાખ યોનિ છે. બધાના આકારો અલગ અલગ, બધાની દુનિયા અલગ અલગ. આ બાજુ સિંહ, વાઘ, ચિત્તા, હાથી, ગેંડા, રીંછ, વાનરો છે તો બીજી બાજુ સાપ, નોળિયા, કાચીંડા, છિપકલી, ઉંદર વગેરે છે. તો વળી ત્રીજી બાજુ ચકલી, મોર, ગરુડ, કાગડો, કબૂતર, પોપટ, ખિસકોલી, કેટલી અજબ આ પૃથ્વીની સપાટી પરની જીવનસૃષ્ટિ છે. તેમ છતાં 

ખબર નથી પડતી કે મરઘી પહેલી કે ઈંડું.

આ જાત જાતની સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ હશે. બધા જ એકબીજાથી અલગ. પક્ષી ઊડી શકે, માછલી પાણીમાં તરી શકે અને બંને વચ્ચે માનવી પૃથ્વી પર ચક્કર મારે. માનવી હવામાં ઊડે છે અને પાણીની નીચે તરે છે, તે ગજબની વાત છે. આ તેની બુદ્ધિની ઊપજ છે. પૃથ્વીના વાયુમંડળમાં આમ જોઈએ તો કાંઈ દેખાય નહીં. અંતરીક્ષ ખાલીખમ લાગે. તેમાં વાયુઓ છે તે પણ દેખાય નહીં. તેમાં વાયુઓ તો છે જ, પણ તેમાં સૂક્ષ્મ જીવોની, બેક્ટેરિયાની વિશાળ દુનિયા છે. તમે કહેશો કે વાયુમંડળમાં વિશાળ જીવસૃષ્ટિ છે તે દેખાતી તો નથી. વાયુઓ જ દેખાતા નથી. આ જ કમાલ છે. પૃથ્વીના વાયુમંડળમાં બેકટેરિયાની વિશાળ દુનિયા ન હોય તો દૂધમાંથી દહીં કોણ બનાવે છે? શાકભાજી, ફળફળાદિ સડી કેમ જાય છે? દાળ-શાક બગડી કેમ જાય છે? એ બધો પ્રભાવ બેક્ટેરિયાની દુનિયાનો છે. સૂક્ષ્મદર્શક યંત્રથી જુઓ પૃથ્વીના વાયુમંડળમાં બેક્ટેરિયાની કેટલી વિશાળ દુનિયા છે, જાણે કે આપણે બેક્ટેરિયાના જ વાતાવરણમાં જીવી રહ્યા છીએ.

સૂર્ય આટલો તપે છે તો પણ વાયુમંડળના બેકટેરિયા નામશેષ થતા નથી એટલું જ નહીં તે એસિડમાં અને ઊકળતા ૧૦૦ અંશ ઉષ્ણતામાન પાણી અને પ્રવાહીમાં પણ જીવે છે. થોડા વિજ્ઞાનીઓ માને છે કે વાયુમંડળના બેક્ટેરિયા વરસાદ લાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. બેકટેરિયાને પૃથ્વી પર નીચે આવવું છે માટે તેઓ પૃથ્વી પર વરસાદ લાવે છે. પૃથ્વી પર જે પાણીનાં ટીપાં કે બરફના સૂક્ષ્મ કણો પડે છે તેના કેન્દ્રમાં હકીકતમાં અંતરીક્ષના બેકટેરિયા છે. બેકટેરિયા જ પૃથ્વી પર વરસાદ લાવવાના કારણરૂપ છે. બેકટેરિયા વરાળ ઠંડી પડતાં પાણીનાં ટીપાંનાં બંધારણનો નાભિનો પાઠ ભજવે છે, તે પર બરફ જામી જાય છે અને પછી તે ઠંડા પડતાં પાણી કે બરફરૂપે પૃથ્વી પર આવે છે.

અમુક વિજ્ઞાનીઓ માને છે કે પૃથ્વી પર જીવન બાહ્યઅવકાશમાંથી આવ્યું છે: તે પૃથ્વી પર આવ્યું અને નંદનવન જેવી પૃથ્વીએ તેનું લાલનપાલન કર્યું. પૃથ્વી પર જીવન ધૂમકેતુઓમાંથી આવ્યું છે. ધૂમકેતુ જ્યારે પૃથ્વીની નજીકથી પસાર થાય છે ત્યારે પૃથ્વી તેની પૂંછડીમાંથી પસાર થાય છે. ધૂમકેતુની પૂંછડીમાં જીવનરસના રેણુઓ હોય છે, બેકટેરિયા પણ હોય છે. આ જીવન પૃથ્વી પર ઊતરી આવ્યું હતું અને તેમાંથી કાળક્રમે પૃથ્વી પર જીવન વિકસ્યું.

વિખ્યાત ખગોળ - ભૌતિકશાસ્ત્રી, પ્રોફેસર વિક્રમ સિંધી, પ્રોફેસર જયંત નારળીકર અને તેમના સહયોગીઓએ ઈસરોની મદદથી રોકેટ ઉડાડી ૪૫ કિલોમીટર ઉપર જીવન છે, ત્યાં બેકટેરિયા છે એમ સાબિત કર્યું છે. ભૂતકાળમાં આ બેકટેરિયા જમીન પર ઊતરી આવ્યા હશે અને પૃથ્વી પર જીવન રોપ્યું હશે.

બેકટેરિયાની દુનિયા વિશાળ, અતિ વિશાળ છે. પૃથ્વી પર જો પ્રથમ જન્મ્યાં હોય તો તે બેકટેરિયા છે. પૃથ્વીનો ગોળો વાયુમંડળથી તો ઢંકાયેલો છે જ, સાથે સાથે તે બેકટેરિયાથી પણ ઢંકાયેલો છે. બેકટેરિયા જાણે કે તેનું કવચ હોય.

જો વિજ્ઞાનીઓએ સૂક્ષ્મદર્શક યંત્ર શોધ્યાં ન હોત તો આપણે આજ સુધી પૂરી બેકટેરિયા સૃષ્ટિથી અજાણ જ હોત અને પૃથ્વી પર થતાં કેટલાક રોગો, પૃથ્વી પર સડી જતા પદાર્થો શા માટે સડી જાય છે, કુદરતમાં ચાલતું નાઈટ્રોજન ચક્ર વગેરે વિષે આપણને ખબર જ ન પડત. અમુક બેકટેરિયા આપણને નુકસાન પહોંચાડે છે, જ્યારે અમુક બેકટેરિયા આપણને ઘણો ફાયદો કરે છે.

બેકટેરિયા દરેકેદરેક ગ્રહ પર છે. કદાચ બુધ ગ્રહ પર નથી, કારણ કે ત્યાં દિવસે ઉષ્ણતામાન ૪૦૦ અંશ સેલ્સિયસ રહે છે અને રાતે માઈનસ ૨૬૦ અંશ સેલ્સિયસ રહે છે. શુક્ર પર, પૃથ્વી, મંગળ બધા લઘુગ્રહો પર, ઉલ્કામાં, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચૂન, પ્લુટો અને બધા ધૂમકેતુઓ પર બેકટેરિયાનો વસવાટ છે. એટલું જ નહીં, પણ મંદાકિનીના બધાં જ વાયુનાં વાદળોમાં બે ગ્રહોની વચ્ચેના અંતરીક્ષમાં, બે તારા વચ્ચેના અંતરીક્ષમાં અને બે મંદાકિનીઓ વચ્ચેના અંતરીક્ષમાં પણ બેકટેરિયા મળી આવ્યા છે. હકીકતમાં બેકટેરિયા વૈશ્ર્વિક સિટીઝન છે. આપણા શરીરમાં પણ જાતજાતના બેકટેરિયા છે. આપણે ખોરાક સાથે બેકટેરિયાને પણ ખાઈએ જ છીએ. શ્ર્વાસમાં બેકટેરિયાને લઈએ છીએ, કોઈ એવી જગ્યા ખાલી નથી જ્યાં બેકટેરિયા ન હોય. એ રીતે આપણે પ્યોર વેજીટેરિયન છીએ જ નહીં.

રસપ્રદ વાત એ છે કે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રો ન હતાં ત્યારે મહાવીર સ્વામી અને બીજા 

જૈન મહાત્માઓને ખબર પડી ગઈ હતી કે વાયુમંડળમાં બધે બેકટેરિયા છે. તેથી જ જૈન લોકો પાણીને ઉકાળીને પીએ છે અને મોઢે મુહપ્તી 

રાખે છે.

પૃથ્વી પરથી અંતરીક્ષયાનો ચંદ્ર પર ઊતર્યાં છે, મંગળ પર ઊતર્યાં છે સાથે સાથે પૃથ્વી પરના બેકટેરિયા પણ ચંદ્ર અને મંગળ પર ઊતર્યાં છે, ત્યાંના બેકટેરિયા પૃથ્વી પર આવી ગયા છે.

જેટલી વિશાળ સૃષ્ટિ પૃથ્વીના વાયુમંડળમાં છે તેટલી જ વિશાળ સૃષ્ટિ પૃથ્વીના જળમંડળમાં છે. ઝીણી ઝીણી માછલીથી માંડી વિશાળકાય માછલીઓ, મગરો, 

કાચબા, સ્ટાર ફિશ, દરિયાઈ ઘોડા વગેરેની છે. કોરલ્સ, જાતજાતના શંખલા વગેરે જળસૃષ્ટિના ઘરો છે. સમુદ્રમંથનમાંથી નીકળેલા રત્નોમાં એક શંખ પણ છે. ગાય, ઘોડો, હાથી, લક્ષ્મી, ઝેર, અમૃત વગેરે બીજા રત્નો છે જે સમુદ્રમંથનમાંથી નીકળ્યા હતાં.

મહાસાગરના તળિયે તો રંગ-બેરંગી વેલા, છોડ, ફૂલો છે, જેને જોઈને આપણે ચકિત થઈ જઈએ. ત્યાં પહાડો પણ છે અને જ્વાલામુખીઓ પણ છે. જળસૃષ્ટિ ઘણી રંગીન છે જેમાં સોનાના રંગની માછલીઓ છે જે કુદરતની કમાલ છે. માછલીઘરમાં જઈએ તો ખબર પડે કે જળચરો કેટલાં સુન્દર છે. મહાસાગરના તળિયે જાતજાતના થોર અને વનસ્પતિ સૃષ્ટિની અજાયબ દુનિયા છે. ત્યાં નાના નાના પહાડો, ખીણો વગેરેની અજબ સૃષ્ટિ છે. એટલું જ નહીં, મહાસાગરના તળિયા નીચે દશ કિલોમીટર નીચે સૂક્ષ્મ દુનિયા જીવે છે. મહાસાગરમાં પાણીના ઠંડા પ્રવાહો છે તેમ ગરમ પ્રવાહો પણ છે. મહાસાગરના તળિયે પહાડોમાંથી ધુમાડા નીકળે છે, ગરમ પાણીના ફુવારા છૂટે છે. બ્રહ્માંડમાં જીવસૃષ્ટિની વ્યાખ્યા કરવી અઘરી છે. આપણા શાસ્ત્રોમાં કચ્છાવતાર, મચ્છાવતાર, વરાહવતાર છે. શું તે મહાસાગરની જીવસૃષ્ટિનો સંકેત કરે છે, પૃથ્વી પરની જીવસૃષ્ટિ ખરેખર અદ્ભુત છે.

પૃથ્વી પર જે જીવન આવ્યું છે તે મહાસાગરમાંથી તો આવ્યું જ છે, સાથે સાથે તે બાહ્યઅવકાશમાંથી પણ આવ્યું છે. પૃથ્વી પરનું જીવન આ બંને જગ્યાએથી આવેલ મિશ્રજીવન છે. માટે જ તે દરિયામાં તરવાની ઈચ્છા રાખે છે અને હવામાં ઊડવાની પણ, અને તેણે આ બંનેને સાધ્ય કર્યાં છે. જીવન આખરમાં છે શું તે જાણવું મોટો કોયડો છે. તે કેવી રીતે ઉત્પન્ન થયું છે તે જાણવું તો મોટો કોયડો છે. જીવનના ત્રણ તબક્કા છે, ઉત્પત્તિ, ટકી રહેવાની અને મૃત્યુ, જેને આપણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કહીએ છીએ.

ખુરશી પરથી ઊતરવા વિશે: આપણા કૌરવો, એમના પાંડવો - ચંદ્રકાંત બક્ષી

ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા મહાન દેશો એટલા માટે છે કે ત્યાંના રાજકારણીઓ નીતિના ધોરણો સ્થાપે છે, સ્વચ્છતાની પ્રતિભા ઉપસાવે છે, વ્યક્તિગત ઈમાનદારીનાં કીર્તિમાન ઊંચા ચડાવતા રહે છે. રાજકારણીએ સ્વચ્છ અને જવાબદાર થવું એવું કોઈ દેશના સંવિધાનમાં લખવામાં આવતું નથી પણ સિંહાસન પર બેઠેલો માણસ સ્વેચ્છાએ કાર્ય કરે છે અને દેશને ગરિમા આપે છે. એ દેશના સર્વોચ્ચ નેતાઓ એક જ ક્ષણમાં સત્તાસ્થાનેથી ઉતરી જાય છે અને બીજી જ ક્ષણે સામાન્ય નાગરિક બની જઈ શકે છે. હિન્દુસ્તાની રાજકારણીઓના માથાની પાછળથી મિનિસ્ટરી આભા ખસતી નથી. હિન્દુસ્તાની મંત્રી, નાનામાં નાનો મંત્રી, સત્તા પર હોય કે ન હોય, પણ એકવાર મંત્રી થઈ ગયો હોય તો આજીવન મંત્રીબાજી છોડતો નથી, સગવડ સુવિધા જિદ્દી હકથી ડિમાન્ડ કરતો થઈ જાય છે. મંત્રીઓમાંથી કેટલાય સાંસદો અને વિધાનસભ્યોમાંથી કેટલાય, એમને આપેલા સરકારી નિવાસો છોડતા નથી, ઝઘડે છે. પાણીના ભાવે મળેલા વિરાટ આવાસોનું ભાડું ભરતા નથી, જળોની જેમ જાતજાતના બહાનાં કે કોર્ટકચેરીબાજી કરીને આવાસોમાં ચોંટી રહે છે. ભારતવર્ષની લોકશાહી આવા ઘટિયા અને બેજવાબદાર અને ભ્રષ્ટ શાસકોની સામે વૃદ્ધ નોકરડીની જેમ લાચાર થઈને ઊભી રહી જાય છે. કારણ કે શાસક હિન્દુસ્તાનમાં સાફ સમજે છે કે એ કાનૂનની ઉપર છે. જ્યારે શાસક ઈંગ્લેન્ડ કે ફ્રાંસ કે અમેરિકામાં સાફ સમજે છે કે એ કાનૂનની નીચે છે અને શાસક એટલે સામાન્ય ધારાસભ્ય કે સાંસદ નહીં, શાસક એટલે ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા મિત્તેરોં શાસક એટલે અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ; શાસક એટલે ઇંગ્લેન્ડની પ્રાઈમ મિનિસ્ટર માર્ગરેટ થેચર! મિત્તેરોં, કે થેચર એટલે છગ્ગુપંજુ રાજકારણીઓ નહીં, પણ વિશ્ર્વના સૌથી શક્તિમાન દેશોના સૌથી શક્તિમાન રાજનીતિજ્ઞો, જે સિંહાસન પર હતા ત્યારે પૂરી પૃથ્વીને હલાવી નાંખતા હતા...? આપણા રાજકારણીઓ કેટલા નૈતિક છે! અને આ કેટલા નૈતિક હતા?

મે ૧૯૯૫માં ફ્રાંસમાં શાસકો બદલાયા, ૬૨ વર્ષીય યિત્ઝાક શિરાક ૭ વર્ષ માટે ફ્રાંસના નવા રાષ્ટ્રપતિ નિયુક્ત થયા, જે ત્રીજા પ્રયત્ને સફળ થયા હતા. ફ્રાંસના રાષ્ટ્રપતિ મિત્તેરોં પણ ત્રીજા પ્રયત્ને સફળ થયા હતા. ફ્રાંસની રાજ્ય વ્યવસ્થા જે એ પ્રકારની છે કે ત્યાં અનુભવદગ્ધ રાજનીતિજ્ઞ જ રાષ્ટ્રપતિ થઈ શકે છે, ઈન્દિરા-પુત્ર હોવાને લીધે કે રાજીવજીની વિધવા હોવાને લીધે ખુરશી વારસામાં મળતી નથી. ૧૯૮૧માં મિત્તેરોં રાષ્ટ્રપતિ ચૂંટાયા પછી ફરીથી બીજીવાર ચૂંટાયા અને ૧૯૯૫માં એમણે પદત્યાગ કર્યો. એમનું ૧૪ વર્ષનું રાષ્ટ્રપતિત્વ એ ફ્રાંસના આધુનિક ઈતિહાસનો રેકોર્ડ છે. આજે મિત્તેરોં ૭૮ વર્ષના છે. પ્રોસ્ટ્રેટ કૅન્સરના અસાધ્ય રોગમાં મરણોન્મુખ છે, પૂરા ફ્રાંસની હમદર્દી એમની સાથે છે. આ વિશ્ર્વકક્ષાનો મહાન ફ્રેંચ રાજનીતિજ્ઞ સત્તા છોડ્યા પછી તરત જ બહાર નીકળી ગયા. એ પેરિસમાં ઍફિલ ટાવર પાસે એક ફલેટમાં રહેવા ચાલ્યા ગયા છે. એમની પાસે ૪ માણસોનો સ્ટાફ છે, જે ફ્રેંચ સરકાર આપે છે, બે બૉડીગાર્ડ અને બે ડ્રાઈવર બસ અને માસિક પેન્શન ૪૦ હજાર ફ્રાંક એટલે કે ૫૦૦૦ પાઉન્ડનું! ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મિત્તેરોંને સરકાર તરફથી માત્ર એક જ મોટરકાર મળે છે. જે માણસ ૧૪ વર્ષ સુધી ફ્રાંસનો રાષ્ટ્રપતિ રહ્યો, એલિસી પેલેસના પગથિયાં ઊતરીને એક જ મિનિટમાં સામાન્ય ફ્રેંચ નાગરિક બની ગયો! ફ્રેંચ પ્રજાની સાથે આપણને પણ ગાવાનું મન થઈ જાય એવી આ ઘટના છે: ‘વિવા લ ફ્રાંસ્વા!’ (ફ્રાંસ્વા અમર રહે!)

ઇંગ્લેન્ડની લોખંડી મહિલા માર્ગરેટ થેચર આ સદીમાં સૌથી લાંબા સમય સુધી ઇંગ્લેન્ડની પ્રધાનમંત્રી રહેલી વ્યક્તિ છે. એમના ટોરી પક્ષના નિર્વાચનમાં બરાબર બહુમતી મળી નહીં (એ હારી ન હતી) માટે શ્રીમતી થેચરે નક્કી કર્યું કે પક્ષના નેતૃત્વ માટે હું હવે સંપૂર્ણત: યોગ્ય નથી અને પ્રધાનમંત્રી શ્રીમતી થેચરે ત્યાગપત્ર આપી દીધું, સત્તાત્યાગ કરી દીધો. એ ૧૧ વર્ષો સુધી ઇંગ્લેન્ડની પ્રધાનમંત્રી રહી હતી. ત્યાગપત્ર આપ્યા પછી થોડા જ કલાકોમાં શ્રીમતી થેચરે પ્રધાનમંત્રીનું, ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટનું નિવાસસ્થાન ખાલી કરી નાખ્યું અને દક્ષિણ ઇંગ્લેન્ડના પોતાના ઘરમાં આવી ગઈ અંગ્રેજ પ્રજાની સાથે. આપણને પણ ગાવાનું મન થઈ જાય એવી આ ઘટના છે: ‘રૂલ બ્રિટાનીઆ! રૂલ ધ વેવ્ઝ!’ (બ્રિટાનીયા! સમુદ્રોની સમાજ્ઞી બને!)

અમેરિકામાં જ્યોર્જ બુશ (સિનિયર) રાષ્ટ્રપતિ હતા, વિશ્ર્વના સૌથી રાક્ષસની સામર્થ્ય ધરાવતા મુલકના મહાનેતા. નિર્વાચનમાં એ બિલ ક્લિન્ટનથી પરાજિત થયા અને થોડા જ કલાકોમાં એમણે વૉશિંગ્ટનનું રાષ્ટ્રપતિભવન છોડી દીધું પછી એમનો એક ફોટો છપાયો, જાન્યુઆરી ૨૨, ૧૯૯૩ના દૈનિક ‘કોલમ્બસ ડિસ્પેચ’માં: વિશ્ર્વની સૌથી શક્તિમાન મહાસત્તાનો એક સમયનો એટલે કે અઠવાડિયા પહેલાંનો સૌથી શક્તિમાન મહાનેતા એક સામાન્ય અમેરિકન નાગરિક બનીને હ્યુસ્ટનના પાર્ક લૉરિએટ બિલ્ડિંગની લિફટની લાઈનમાં સવારે ૯ વાગે હાથમાં બે બેગો અને બગલમાં એક બ્રીફકેસ દબાવીને ૬૭મે વર્ષે ઊભો છે અને એણે ટાઈ વિના, એક સ્પોર્ટસ કોટ પહેર્યો છે અને લિફટની કતારમાં ઊભેલી નવમાં માળની લૉ ફર્મમાં નોકરી કરતી કલર્ક રીની જૅક્સન જ્યૉર્જ બુશને સસ્મિત કહે છે, ‘આઈ ગેસ ઈટ્સ ગોઈંગ ટુ બી અ લિટલ હાર્ડર ટુ ગેટ ઈન ધ એલિવેટર’ (મને લાગે છે, લિફટમાં ઘૂસવામાં જરા તકલીફ પડશે!) અમેરિકન પ્રજાની સાથે આપણને ગાવાનું મન થઈ જાય એવી ઘટના છે: ‘ગૉડ્ઝ ઓન લૅન્ડ!’ (ઈશ્ર્વરનો પોતાનો દેશ!)

ફ્રેન્ચ રાષ્ટ્રપતિ કલાકોમાં પોતાના પેરિસના નાના ફલેટમાં ચાલ્યો જાય છે, ઈંગ્લિશ પ્રાઈમ મિનિસ્ટર કલાકોમાં પોતાના દક્ષિણ ઈંગ્લેન્ડના ક્ધટ્રીહોમમાં ચાલી જાય છે, અમેરિકન રાષ્ટ્રપતિ કલાકોમાં એમના હ્યુસ્ટન પાસેના ટેંગલવુડ પરગણામાં ચાલ્યો જાય છે. આને શું કહીશું? સ્વચ્છતા? ઈમાનદારી? પ્રમાણિકતા? ધર્મના શબ્દો વાપરવામાં આપણે ચેમ્પિયનો છીએ. આ ‘અપરિગ્રહ’ છે. આપણા સાધુ બાવાઓ ધર્મની સીઝનમાં દિવસોમાં દોઢસો વાર અપરિગ્રહ શબ્દ વાપરી નાંખે છે. ખુરશીનો, સિંહાસનનો, સત્તાનો, શક્તિનો પણ પરિગ્રહ નહીં. કાયદાની સર્વોપરિતાનું પાલન રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી પણ એક સામાન્ય નાગરિકની જેમ જ કરે છે. સર્વોચ્ચ શાસક પણ નીતિમત્તાનાં મૂલ્ય સ્થાપતા જાય છે. આપણા પરિવેશમાં પણ આ પ્રકારના અપરિગ્રહી માણસો ઉચ્ચ સ્થાને હોય છે અને ગીતા કે મહાભારતનો એક શ્ર્લોક બોલ્યા વિના એ લોકો શાંતિથી ખુરશી પરથી ઊતરી જાય છે. પણ આપણા રાજકારણીનું જે ચિત્ર જનમાનસમાં છે અને આ પ્રકારની સ્થિતિઓમાં છે, એને માટે એક જ મરાઠી શબ્દ કદાચ અર્થપૂર્ણ બની જાય છે: લબાડ! આ મરાઠી શબ્દનો અર્થ થાય છે. જૂઠું બોલવાની ટેવવાળું.

ભ્રષ્ટતા એ કારણ નથી, ભ્રષ્ટતા એ પરિણામ છે, કારણ મનુષ્યની નિમ્ન કક્ષા છે. કારણ કેટલાક માણસોની જન્મજાત બેઈમાનવૃત્તિ ધરાવે છે. કારણ કેટલાક માણસોની જઘન્ય ક્વૉલિટી છે. ખુરશી પર બેઠેલો માણસ ખરાબ શા માટે થઈ જાય છે? પ્રલોભનો? અભાવ? અપસંસ્કાર? કદાચ શેક્સપિયરના ‘ઑથેલો’ નાટકના પાત્ર ઈઆગો વિશે કવિ ટી. એસ. એલિયટે કહેલું કારણ ઉપયુક્ત છે. ‘મોટીવલેસ મેલાઈનિટી’ (ધ્યેયહીન દુર્જનતા) અકારણ ધૂર્તતા, અકારણ હલકટાઈ, અકારણ ઘટિયાપણું, એ કારણ છે? 

------------

ક્લોઝ અપ

મારો ફોઈનો છોકરો મધુ પરીખ અને એનો મિત્ર જર્મનીમાં સ્ટુટગાર્ટથી હામ્બુર્ગ પ્લેનમાં જઈ રહ્યા હતા અને પ્લેન રાત્રે પહોંચવાનું હતું. એમણે બાજુમાં બેઠેલા જર્મનને ઍડ્રેસ વગેરે પૂછ્યું એટલે જર્મન સહયાત્રીએ કહ્યું મને લેવા માટે કાર આવશે, હું તમને તમારા મુકામ પર છોડી દઈશ! મધુએ કહ્યું કે અમને પણ લેવા એક જણ આવવાનો છે, પણ એ જો ન આવે તો? માટે તમને પૂછ્યું...! જર્મને પ્રશ્ર્ન કર્યો, તમને લેવા આવનાર જર્મન છે કે ઈન્ડિયન? ‘મધુએ કહ્યું, કે જર્મન છે! અને જર્મન સહપ્રવાસીએ નિશ્ર્ચિંતભાવે કહ્યું, તો ચિંતા નહીં કરો. એ આવશે જ...! એવું બને જ નહીં કે એ ન આવે!’

અને ઍરપોર્ટની બહાર જર્મન યજમાન ઊભો હતો...

ભારતને હવે એનો ભવ્ય ભૂતકાળ પાછો મળશે --- 24-04-2014 ---સૌરભ શાહ

જે પ્રજા પોતાનાં મૂળિયાં ભૂલી જાય છે તે પ્રજા પોતાનો ચહેરો ગુમાવી બેસે છે, પોતાની ઓળખાણ અને પોતાનું આગવું અસ્તિત્વ ગુમાવી બેસે છે.

ભારતની પ્રજા પોતાનો ઈતિહાસ ભૂલી નથી ગઈ, એને જાણી જોઈને જુઠ્ઠો ઈતિહાસ ભણાવવામાં આવ્યો છે. આ કારસ્તાન ક્યારે, કેવી રીતે ક્રમશ: રચાતું ગયું એનો વળી જુદો જ ઈતિહાસ છે. ભારતની પ્રજાએ પોતાના ઈતિહાસનો સંપૂર્ણ રેકોર્ડ સાચવ્યો નથી અને જે સચવાયેલો હતો તેમાંનો મોટા ભાગનો આક્રમણખોરો દ્વારા કાં તો વિકૃત કરી નાખવામાં આવ્યો કાં ભૂંસી દેવામાં આવ્યો.

ભાજપ - એનડીએની સરકારના શાસનનાં છ વર્ષ બાદ, ૨૦૦૪માં ફરી કૉંગ્રેસની સરકાર આવી ત્યારે કૉંગ્રેસી નેતાઓએ કહેવા માંડ્યું કે ભાજપે છ વર્ષમાં ઈતિહાસના અભ્યાસક્રમને ટોક્સિફાય કરી નાખ્યો છે, એમાં વિષ ઘોળી દીધું છે. કૉંગ્રેસીઓના સૂરમાં સૂર ભેળવ્યો સામ્યવાદીઓએ અને તે વખત સેક્યુલર મીડિયાની મદદથી (જે બધા આજે નમો નમોની આરતી ગાતા થઈ ગયા છે) ચારેકોર માગણી ઊઠી કે ભારતના ઈતિહાસને ડિ-ટોક્સિફાય કરો.

હકીકતમાં ભારતની આઝાદી પહેલાં અંગ્રેજો દ્વારા અને આઝાદી બાદ સામ્યવાદી શિક્ષણકારો દ્વારા ભારતના ઈતિહાસમાં ખૂબ બધું ઝેર ઘોળવામાં આવ્યું હતું. ભાજપ-એનડીએના વાજપેયીના નેતૃત્વ હેઠળનાં છ વર્ષના ગાળામાં એ બધી વિકૃતિઓને દૂર કરવાની ધીમી પણ નક્કર શરૂઆત થઈ હતી જે ૨૦૦૪ પછી અધૂરી રહી એટલું જ નહીં, છેલ્લા દાયકામાં ડિ-ટોક્સિફિકેશનના નામે તે વખતના હ્યુમન રિસોર્સ મિનિસ્ટર અને નરેન્દ્ર મોદી માટે પોતાની વારાણસી બેઠક ખાલી કરીને કાનપુર જઈને જીતનારા વિદ્વાન પ્રોફેસર મુરલી મનોહર જોશીના કર્યા-કારવ્યા ઉપર પાણી ફેરવી દેવામાં 

આવ્યું. જોશીજી ફરીથી એમ.આર.ડી. મિનિસ્ટર બને તો આ મિનિસ્ટરમાં શિક્ષણખાતું પણ આવી જાય છે, અને ફરી એક વાર તેઓ ઈતિહાસનો અભ્યાસ સરખો કરવાનું પુણ્યશાળી કામ કરશે. નહીં તો બીજું કોઈ કરશે, પણ કરશે જરૂર.

ભારતનો ઈતિહાસ હિન્દુ સંસ્કૃતિનો ઈતિહાસ છે. આપણા માટે ઈજિપ્ત, ઈરાક, ઈરાન ઈત્યાદિ પશ્ર્ચિમ એશિયાના દેશો છે - ભારતની પશ્ર્ચિમે આવેલા એ એશિયાઈ દેશો છે, પરંતુ અંગ્રેજો માટે ભારત પૂર્વનો દેશ છે અને આ બધા (ઈજિપ્ત, ઈરાક, ઈરાન ઈત્યાદિ) મધ્ય-પૂર્વના દેશ છે. અંગે્રજોને કારણે એમના રાજ હેઠળના પાઠ્યપુસ્તકોમાં આપણા બાપદાદાઓ ભણતા રહ્યા કે ઈજિપ્ત ઈત્યાદિ મિડલ ઈસ્ટની ક્ધટ્રીઝ કહેવાય. આજની તારીખે ભારતનું નાનું બાળક પણ ફટ દઈને કહેશે કે મિડલ ઈસ્ટ ક્ધટ્રીઝ એટલે ઈજિપ્ત વગેરે વગેરે. એને કોણ સમજાવવા જશે કે દીકરા એ મિડલ ઈસ્ટ અંગ્રેજો માટે, એમણે તૈયાર કરેલાં પાઠ્યપુસ્તકો ભણનારી પ્રજા માટે; તારા માટે તો એ સઘળા વેસ્ટ એશિયાના દેશો ગણાય, કારણ કે તે સઘળા ભારતની પશ્ર્ચિમે આવેલા છે.

એક સીધીસાદી લાગતી આ વાત અહીં નથી અટકતી. ભારત પર હજાર વર્ષ સુધી રાજ કરી જનાર મોગલો - અંગ્રેજો - નેહરુ વંશજોએ ભારતના ભૂતકાળ તરફ જોવાની આપણી દૃષ્ટિ બદલી નાખવાની ભરપૂર કોશિશ કરી, મહદ્ અંશે સફળ પણ રહ્યા. ભારતના ઈતિહાસની નાનામાં નાની વાતને વિકૃત કરીને તથા કોઈ પણ સંસ્કૃતિની હોઈ શકે એવી તદ્દન મામૂલી અને સામાન્ય નબળાઈઓને અતિશયોક્તિભરી રીતે રજૂ કરીને ચારે બાજુનાં આક્રમણ દ્વારા એવું ચિત્ર ઉપસાવ્યું કે આ ભારતમાં શું દાટ્યું છે આજે? ભલું થજો ભગવાનનું કે ૨૬મી મેથી આ દેશની સત્તા એવી વ્યક્તિના હાથમાં સોંપાવાની છે જેમના રાજમાં આપણા સૌની ગુલામીભરી માનસિકતા બદલાઈ જવાની છે. અત્યાર સુધી આપણે, આપણાં સંતાનો ઈન્ડિયાને બદલે અમેરિકા ભણવા જવામાં ગૌરવ અનુભવતા અને અમેરિકનો આપણને એરપોર્ટ પર નાગા કરીને પણ એમના દેશમાં પ્રવેશ ન આપે તો આપણે ઑસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ જવા તૈયાર થઈ જતા.

એક જમાનામાં આદિવાસી અને પછાત ગણાતા ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ જેવા દેશોની યુનિવર્સિટીઓના દલાલો અહીંના પત્રકારોને લાંચ અને ભેટસોગાદો તથા મફતિયા પ્રવાસોની લહાણી કરીને ત્યાં કેવી સમૃદ્ધિ છે એ વિશેના ફરમાસુ લેખો લખાવડાવે છે. એમની બેવકૂફીભરી વાતોમાં આવવું નહીં. બાકી, ઑસ્ટ્રેલિયા જઈને તમારે વીસ વર્ષ સુધી સતત નાઈટ શિફ્ટમાં પોસ્ટ ઑફિસમાં ટપાલના ભારેખમ થેલાઓ ઊંચકીને કમર તોડી નાખીને સુખી થઈ જવું હોય તો એ તમારી મુનસફીની વાત છે.

તેજસ્વી અને મહેનતુ લોકો આ દેશમાં બધું જ છે અને જે કંઈ ખૂટે છે તે આવતા દાયકામાં મોદીના નેતૃત્વ હેઠળ આવી જવાનું છે. જેઓ ડફોળ છે અને જેમની પાસે ગદ્ધાવૈતરું કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એમણે જરૂર મૅક્ડૉનાલ્ડ્સમાં ઝાડુપોતાં કરીને ડૉલરમાં કમાણી કરવા માટે આજે ને આજે ઓબામાબાપાના પગમાં આળોટવાનું શરૂ કરવું જોઈએ.

ભારત પાસે બધું જ છે. અત્યાર સુધી એ બધી સમૃદ્ધિ ધરબાયેલી હતી. સોનાનો સૂરજ હવે ઊગશે. બે વર્ષ પહેલાં, મોદી માટે પીએમપદ ભેંશ ભાગોળે અને છાશ છાગોળે હતું ત્યારે, અમારા એક મિત્રે આંતરસૂઝથી, અલગ જ સંદર્ભમાં કહ્યું હતું કે હવે ભારતમાં પ્રામાણિકતાનો જમાનો આવી રહ્યો છે. એમની પાસે આવું કહેવા માટે અનેક તાર્કિક કારણો હતાં. ગઈ કાલે એક અન્ય મિત્રે મોદીના સંદર્ભમાં કહ્યું: લાગે છે કે કળિયુગ પૂરો થયો, સતયુગ આવી રહ્યો છે.

ભારતની સમૃદ્ધિ ભારતને જ કામ લાગે એનું નામ તો સતયુગ.



આજનો વિચાર

મિરેકલ્સ એમના જ જીવનમાં બને છે જેમને મિરેકલ્સ બનશે એવો ભરોસો હોય.

-પાઉલો કોએલો



એક મિનિટ

કમીનો દોસ્ત કોને કહેવાય?

એક મિત્ર: યાર, તારો ફોન આપ ને. મારી ગર્લફ્રેન્ડ સાથે વાત કરવી છે.

બીજો મિત્ર: શ્યોર, આ લે. રિડાયલનું બટન દબાવી દે...

‘હું શિક્ષણથી અંગ્રેજ છું, વિચારોથી આંતરરાષ્ટ્રીય છું, સંસ્કૃતિથી મુસલમાન છું અને માત્ર જન્મના અકસ્માતથી હિન્દુ છું: પંડિત જવાહરલાલ નેહરુ --- સૌરભ શાહ

ભારતના ૧૪મા પ્રધાનમંત્રીનો આવતી કાલે સોગંદવિધિ થશે ત્યારે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ ૧૯૫૧માં લખનૌ યુનિવર્સિટીમાં આપેલા પ્રવચનમાં શું કહ્યું હતું તે જાણવું જરૂરી છે. પંડિત નેહરુએ કહ્યું હતું, ‘હિન્દુ ધર્મની વિચારધારા વર્તમાન યુગ માટે બિલકુલ અયોગ્ય છે અને જો આ વિચારધારાનાં મૂળ ભારતમાં વધુ ઊંડાં જશે તો ભારતના ટુકડે ટુકડા થઈ જશે.’

એ પહેલાં ૧૯૪૯માં ફરુખાબાદની એક સભામાં પંડિત નેહરુએ કહ્યું હતું, ‘હિન્દુ સંસ્કૃતિની વાતો કરવી ભારત માટે ઘાતક પુરવાર થશે.’

૧૯૫૩માં પંડિતજીએ ડૉ. કૈલાસનાથ કાત્જુ (તે વખતના કેન્દ્રીય ગૃહમંત્રી અને સ્વાતંત્ર્ય સેનાની)ને એક પત્રમાં લખ્યું હતું, ‘ભારતનો એક સામાન્ય હિન્દુ દેશની અન્ય કોઈ પણ વ્યક્તિ કરતાં વધુ અસહિષ્ણુ અને વધુ સંકુચિત છે.’

દેશને આઝાદી મળ્યાના ગાળામાં જ પંડિતજીએ એક જાહેરસભામાં કહ્યું હતું, ‘હું જ્યાં સુધી ભારતનો પ્રધાનમંત્રી છું ત્યાં સુધી ભારતને હિન્દુ રાષ્ટ્ર નહીં બનવા દઉં.’

અને પંડિત જવાહરલાલનું આ ખૂબ જાણીતું વિધાન સૌને યાદ હશે: ‘હું શિક્ષણથી અંગ્રેજ છું, વિચારોથી આંતરરાષ્ટ્રીય છું, સંસ્કૃતિથી મુસલમાન છું અને માત્ર જન્મના અકસ્માતથી હિન્દુ છું.’

આપણી પાસે બે વિકલ્પો છે. એક આપણા પ્રથમ પ્રધાનમંત્રીને પગલે ચાલવાનો અને બીજો આપણા ૧૪મા પ્રધાનમંત્રીને પગલે ચાલવાનો જેઓ પોતે સ્વામી વિવેકાનંદને અનુસરી રહ્યા છે જેમના છેલ્લા બે મહિના દરમ્યાનના ડઝનથી વધુ ટીવી ઈન્ટરવ્યૂઝ વખતે બેકગ્રાઉન્ડમાં વિવેકાનંદની લાંબી પ્રતિમા સ્પષ્ટ જોવા મળતી.

એક વિકલ્પ કહે છે કે જો હિન્દુત્વનું નામ લીધું છે તો તૂટી જશો, ફેંકાઈ જશો, છિન્નભિન્ન થઈ જશો, ટુકડે ટુકડા થઈ જશે તમારા.

બીજો વિકલ્પ કહે છે કે હિન્દુ ધર્મ તમારા રાષ્ટ્રના અને તમારા પોતાના અસ્તિત્વનો આધાર છે.

સ્વામી વિવેકાનંદ કહે છે કે હિન્દુ રાષ્ટ્રે જગત આખાને સહિષ્ણુતા શીખવાડી. પણ પંડિતજી કહે છે કે હિન્દુ જેવા કટ્ટરવાદી અને અસહનશીલ માણસ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે.

સ્વામી વિવેકાનંદ આઝાદી પછી કૉંગ્રેસના છ દાયકાના રાજમાં ભુલાઈ ગયા, કારણ કે તેઓ ભારતના વડા પ્રધાન નહોતા, કારણ કે તેઓ પોતાના અનુયાયીઓને હજારો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારમાં પ્રોટેક્ટ કરી શકવાના નહોતા, કારણ કે એમના વિચારોની વિકૃત રજૂઆત કરવામાં હિન્દુદ્વેષીઓએ કોઈ કમી રાખી નહીં.

પંડિતજી સૌને યાદ છે, કારણ કે ભારતના પ્રથમ વડા પ્રધાન તરીકેના દોઢ દાયકા દરમ્યાન એમણે આ દેશના જનમાનસને સરકારી તંત્રના દુરુપયોગ દ્વારા અભણ રાખ્યું અને જ્યાં શિક્ષણ અપાયું ત્યાં હિન્દુદ્વેષી શિક્ષણ અપાયું, કારણ કે નેહરુના પુત્રી તથા દોહિત્રે તથા દોહિત્રવધૂએ દાયકાઓ દરમ્યાન પોતાના પૂર્વજે આદરેલાં અધૂરાં કામોને પૂરાં કર્યાં. કારણ કે નહેરુવંશીઓએ દાયકાઓ દરમ્યાન નેહરુના પગલે ચાલીને હિન્દુસ્તાનમાંથી હિન્દુત્વને નષ્ટ-ભ્રષ્ટ કરી નાખવાની ઝુંબેશ ચલાવી.

પંદરમી ઑગસ્ટ, ૧૯૪૭થી ૨૦૧૪ની પંદરમી મે સુધીનાં ૬૭ વર્ષ દરમ્યાન આપણે માનતા રહ્યા કે આપણે સ્વતંત્ર થઈ ગયા છીએ, આઝાદ છીએ. હિન્દુ રાષ્ટ્ર ૧૫ મે, ૨૦૧૪ સુધી માનસિક રીતે સ્વતંત્ર નહોતું, પરાધીન હતું. ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ અંગ્રેજોએ આપણને આઝાદી નહોતી આપી, માત્ર સત્તાનો ફેરબદલો (ટ્રાન્સફર ઓફ પાવર) થયો એ દિવસે. પરાધીન હિન્દુ રાષ્ટ્રની સત્તા અંગ્રેજોને બદલે કૉંગ્રેસીઓના હાથમાં ગઈ. પરાધીનતા યથાવત્ રહી. માલિક બદલાયા પણ ગુલામી કાયમ રહી.

૨૩ જૂન, ૧૭૫૭માં પ્લાસીના યુદ્ધ પછી મુસલમાન શાસકોને બદલે અંગ્રેજ શાસકોના હાથમાં હિન્દુ રાષ્ટ્રની સત્તા આવી ત્યારે શું કોઈએ કહ્યું હતું કે આ ટ્રાન્સફર ઓફ પાવરને કારણે આપણને આઝાદી મળી ગઈ. ૧૯૪૭માં અંગ્રેજ નામનો જૂનો માલિક નવા શાસકના હાથમાં સત્તા સોંપીને વતન પાછો જતો રહ્યો છતાં હિન્દુ રાષ્ટ્રના હાથમાં સત્તા ન આવી, કારણ કે જે નવા શાસકે સત્તાની ધુરા સંભાળી એને ન તો હિન્દુની રાષ્ટ્રીયતામાં વિશ્ર્વાસ હતો, ન એ પોતાને હિન્દુ રાષ્ટ્રનો અવિભાજ્ય અંશ માનતા, કારણ કે એમના જ શબ્દોમાં એ પોતે ‘માત્ર જન્મના અકસ્માતથી હિન્દુ’ હતા.

૧૯૪૭ના ઑગસ્ટમાં અવિભાજિત ભારતમાંના મુસલમાન રાષ્ટ્રને સ્વતંત્રતા મળી ગઈ, પણ હિન્દુ રાષ્ટ્રને ન મળી. મુસલમાનો માટેના અલગ રાષ્ટ્રને માન્યતા મળી ગઈ, એમના માટે એક હોમલેન્ડના નામે અલગ ભૂખંડ નક્કી થઈ ગયો જેના પર એમનું રાજ હોય, જ્યાં તેઓ પોતાની આકાંક્ષા, પોતાની સંસ્કૃતિ અને પોતાની મરજી મુજબનું ભવિષ્ય ઘડી શકે. પણ હિન્દુઓને એવું રાષ્ટ્ર ન મળ્યું, પોતાની માતૃભૂમિ પરનું નિયંત્રણ એમને ન મળ્યું.

સેક્યુલરો સવાલ કરે છે કે હિન્દુસ્તાનમાં ભારતીયો જ શાસન કરે છે તો પણ તેમને કેમ આવું લાગે છે? આપણે આ સેક્યુલરોને પૂછીએ કે ઈદી અમીન યુગાન્ડાનો જ નાગરિક હતો. એના શાસનમાં યુગાન્ડાવાસીઓ સ્વતંત્ર હતા?

૧૫મી મે, ૨૦૧૪ના રોજ ભારતમાં એક યુગ પૂરો થયો. ૧૬મીએ નવા યુગનો જન્મ થયો. આ એ યુગ છે જ્યાં વડા પ્રધાન બનવાના સોગંદ લેનાર વ્યક્તિ ચાદર ચડાવવાને બદલે મા ગંગાની આરતી કરવા પહોંચી જાય છે. 

---------------

કાગળ પરના દીવા

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?

હું પડકાર ઝીલનારો માણસ છું.

હું તેજ ઉછીનું લઉં નહીં.

હું જાતે બળતું ફાનસ છું.

ઝળાહળાંનો મોહતાજ નથી.

મને મારું અજવાળું પૂરતું છે.

અંધારાના વમળને કાપે,

કમળ તે જ તો સ્ફૂરતું છે.

ધુમ્મસમાં મને રસ નથી.

હું ખુલ્લો અને નિખાલસ છું.

કુંડળીને વળગવું ગમે નહીં

ને ગ્રહો કને શિર નમે નહીં,

કાયરોની શતરંજ પર

જીવ સોગઠાબાજી રમે નહીં.

હું પોતે જ મારો વંશજ છું.

હું પોતે મારો વારસ છું.

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?

હું પડકાર ઝીલનારો માણસ છું.

- નરેન્દ્ર મોદી

------------

સન્ડે હ્યુમર

સોનિયાજી: આનંદી હવે ગુજરાતની મુખ્યમંત્રી બનશે...

રાહુલબાબા: તો શું ‘બાલિકા બધુ’ બંધ થઈ જશે.