Sunday, July 12, 2015

બ્રહ્માંડમાં પ્રકાશનું સામ્રાજ્ય --- ડૉ. જે. જે. રાવલ


                                       

બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


વિખ્યાત અને વિચક્ષણ વિજ્ઞાની કલર્ક મેક્સવેલે સૌપ્રથમ દર્શાવ્યું કે, બ્રહ્માંડમાં દરેકે દરેક જગ્યાએ પ્રકાશ (ઈલેક્ટ્રોમેગ્નેટિક વેવ્ઝ વિદ્યુત-ચુંબકીય તરંગો) હાજર છે. બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યા એવી નથી જ્યાં પ્રકાશ હાજર ન હોય. આનો અર્થ એમ થયો કે બ્રહ્માંડ પ્રકાશનો પરપોટો છે. પ્રકાશ ઊર્જા છે. માટે બ્રહ્માંડ ઊર્જાનો પરપોટો છે. પ્રકાશની ઘણી જાતો છે ગામા-રે, એક્સ-રે, અલ્ટ્રાવાયોલેટ-રે, દૃશ્યપ્રકાશ, ઈન્ફ્રારેડ-રે, માઈક્રોવેવ, રેડિઓવેવ. આ બધા જ પ્રકારના પ્રકાશોની શૂન્યાવકાશમાં ગતિ એક જ છે. પ્રતિસેક્ધડ ૩ લાખ કિલોમીટર. માત્ર તેમનામાં ઊર્જાની માત્રા અલગ અલગ હોય છે, એટલે કે તેની તરંગ લંબાઈ અલગ અલગ હોય છે. લેઝર એવો પ્રકાશ છે જે અતિશક્તિશાળી હોય છે.

બ્રહ્માંડ ઉત્પન્ન થયું ત્યારે પ્રથમ પ્રકાશ જ ઉત્પન્ન થયો હતો. ઊર્જા ઉત્પન્ન થઈ હતી અને તેમાંથી પદાર્થ ઉત્પન્ન થયો. આઈન્સ્ટાઈને દર્શાવ્યું કે ઊર્જા એ જ પદાર્થ અને પદાર્થ એ જ ઊર્જા-E=mc2. પ્રકાશ એ ઊર્જા. બ્રહ્માંડમાં પછી તારા ઉત્પન્ન થયા જે બ્રહ્માંડમાં પ્રકાશ છોડે છે. અંધકાર પ્રકાશની યાદ અપાવે છે.

પ્રકાશ જ્યારે કાચમાંથી પસાર થાય છે ત્યારે તેને કાચના અણુઓમાંથી પસાર થવું પડે છે. માટે તે તેની ઊર્જા ગુમાવે છે અને તેથી તેની ગતિ પણ ઓછી થાય છે અને તે વાંકો વળે છે. પ્રકાશ જેવી દિવ્ય વસ્તુને પણ સંગતિ દોષ લાગે છે. માટે સારી સંગતિ રાખવી. પ્રકાશ અપારદર્શક પદાર્થ પર પડે છે, ત્યારે તે પદાર્થમાં શોષાય છે અને ગરમી ઉત્પન્ન કરે છે. તેની તરંગ લંબાઈ વધે છે અને ફ્રિકવન્સી (આવર્તન) ઓછી થાય છે. પ્રકાશ પણ માનવીની જેમ હાંફે છે. પ્રકાશ બહુ ચાલે ત્યારે પણ હાંફે છે. પ્રકાશ જ્યારે બળની વિરુદ્ધ કાર્ય કરે છે, ત્યારે તે તેની ઊર્જા ગુમાવે છે.

પ્રકાશને બે રૂપો છે-એક તરંગરૂપ અને બીજું કણસ્વરૂપ, ઘણા સમય સુધી પ્રકાશે વિજ્ઞાનીઓને તેના આ બે-સ્વરૂપો વચ્ચે મૂર્ખ બનાવ્યાં. આઈન્સ્ટાઈને પ્રકાશનાં બે સ્વરૂપનો ભાંડો ફોડ્યો. પ્રકાશને સમજવા માટે બીજું જો ઉત્તમ કાર્ય થયું હોય તો તે આપણા સત્યેન્દ્રનાથ બોઝ વડે થયું. તેમણે દશાવ્યું કે ક્વોન્ટમની એક સ્ટેટમાં ગમે તેટલા ફોટોન પ્રકાશના કણો રહી શકે છે. ઊર્જા કે પ્રકાશ આ રીતે વર્તે છે. એક ખુરશીમાં ગમે તેટલા માનવીઓ બેસી શકે તેમ. આ બાબતને બોઝ-સ્ટેટિસ્ટિક્સ કહે છે. બોઝ સ્ટેટિસ્ટિક્સ અસ્તિત્વમાં આવ્યા પછી બીજું ફર્મી સ્ટેટિસ્ટિક્સ અસ્તિત્વમાં આવ્યું. ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ફર્મી સ્ટેટિસ્ટિક્સ અનુસરે છે. બ્રહ્માંડમાં બે જ જાતના કણો છે. જે પદાર્થકણો બોઝ સ્ટેટિસ્ટિક્સ અનુસરે છે તેને બોઝોન કહે છે અને જે પદાર્થકણો ફર્મી સ્ટેટિસ્ટિક્સ અનુસરે છે તેને ફર્મીઓન કહે છે. માટે બ્રહ્માંડના કણો કાં તો બોઝોન હોય છે અને નહીં તો ફર્મીઓન. માટે કહેવાય છે કે કાં તો બ્રહ્માંડ બોઝોનિક છે, નહીં તો ફર્મીઓનિક વિજ્ઞાનીઓ મજાકમાં કહે છે કે બ્રહ્માંડ કાં તો ઈન્ડિયન (ભારતીય) છે, નહીં તો ઈટાલિયન.

તારો જન્મે તો પણ પ્રકાશ ઉત્પન્ન થાય, મરે તો પણ પ્રકાશ ઉત્પન્ન થાય. પ્રકાશ ન હોય તો બ્રહ્માંડ અંધકારનો ગોળો બની જાય. હકીકતમાં પ્રકાશ દૃશ્યમાન નથી, પણ તે જે વસ્તુ પર પડે છે તેને દૃશ્યમાન કરે છે. પ્રકાશ અગ્નિનું જ રૂપ છે. અંતરીક્ષમાં જઈએ તો આકાશ કાળું લાગે પૃથ્વી પર વાયુમંડળ છે માટે તે સૂર્યના પ્રકાશનું વિકિરણ કરે છે અને આપણને બધે પ્રકાશ પ્રકાશ દેખાય છે. અને તારાને તે અદૃશ્ય કરે છે. હકીકતમાં તારા અદૃશ્ય નથી થતા, નથી સૂર્ય તેને અદૃશ્ય કરતો. દિવસે તારા દેખાતા નથી તેની પાછળ ગુનેગાર પૃથ્વીનું વાયુમંડળ છે.

બ્રહ્માંડમાં જેટલા પણ પ્રકારના પ્રકાશ આપણે જોઈએ છીએ તે હકીકતમાં એકરૂપ જ છે. બગીચામાંથી વાયુ આવે તો તે સુગંધિત બને છે અને કતલખાના પરથી આવે તો તે દુર્ગંધ મારે છે. તેમાં બદલાવ આવે છે. પાણી ગંદકી પરથી આવે તો તે દૂષિત બને છે, પણ પ્રકાશ ગમે ત્યાંથી આવે તે દૂષિત બનતો નથી. તે જ પ્રકાશની દિવ્યતા છે.

પ્રકાશ આવે છે ત્યારે તે ઠૂમક ઠૂમક તરંગો રૂપે આવે છે. તે વર્તુળો રચે છે. આ વર્તુળનું દરેક બિન્દુ પ્રકાશનો સ્ત્રોત બને છે. અને વર્તુળો રચે છે. આ વર્તુળો જ્યાં એક બીજાને છેદે અને પ્રકાશનું સીધી લીટીમાં કિરણ ઉત્પન્ન કરે છે અને આપણને આભાસ કરે છે કે તે સીધી લીટીમાં ચાલે છે. પ્રકાશ જ્યાં પડે ત્યાં બાણરૂપે પડે છે. આ તેનો મૃદુ અને કઠણ સ્વભાવ છે. પ્રકાશ કુદરતનું મહાન રહસ્ય છે. પ્રકાશની અગાધતા જાણવી અઘરી છે. તેની અગાધતાનો અણસાર મેળવનાર પહેલો મુસ્લિમ વિજ્ઞાની અલહેજામ હતો, બીજો ગેલિલિયો હતો. ત્રીજો ન્યુટન હતો, ચોથો આઈન્સ્ટાઈન હતો, પાંચમો સત્યેન્દ્રનાથ બોઝ હતો અને છઠ્ઠો લેઝરનો શોધક ટાઉની હતો. પ્રકાશ દેખાતો નથી પણ તેની અગાધતા ઘણી છે. પ્રકાશને માધ્યમ સાથે સંબંધ છે. પ્રકાશને આંખ સાથે પણ સંબંધ છે.

સવાર પડે અને ચોમેર પ્રકાશ ફેલાઈ જાય. પ્રાચીન માનવીને ખબર નહોતી પડતી કે આ પ્રકાશ શું છે. અગ્નિની શોધ થઈ પછી તે માનવા લાગ્યો કે અગ્નિ પ્રકાશ ફેંંકે છે. લોકો માનતા કે પ્રકાશની ગતિ અસીમ છે. મુસ્લિમ ભૌતિકશાસ્ત્રી અલહેજામ અને ન્યુટન પ્રકાશ સાત રંગનો બનેલો છે અને તે સૂક્ષ્મ પદાર્થકણોનો બનેલો છે તેમ માનતા, પણ પ્રકાશ પદાર્થની કિનારીનો બરાબર પડછાયો પાડતો નથી. તેથી તે તરંગોનો બનેલો હોવો જોઈએ. આમ પ્રકાશના બે વિરોધાભાસી ગુણો દેખાયા. ગેલિલિયોએ પ્રથમ વાર એવી શંકા કરી કે પ્રકાશની ગતિ સીમિત હોવી જોઈએ. ગેલિલિયોના વખતનાં સમય માપવાના સાધનો એવાં હતાં કે તે એક સેક્ધડની ૩ લાખની તેની ગતિ માપી શકે નહીં. તેણે જેટલી વાર પ્રયોગ કર્યો પ્રકાશની ગતિ અલગ અલગ આવી. તેથી ગેલિલિયો માનવા લાગ્યો કે પ્રકાશ તેની ગતિ બદલે છે. પછી ૧૬૭૫માં ઓલ રોમરે સાબિત કર્યું કે પ્રકાશને સીમિત ગતિ છે. પછી તેની ગતિ ચોક્કસ મપાઈ.

પછી સાબિત થયું કે પ્રકાશની ગતિમાં કાંઈ પણ ફરક પડતો નથી જો પ્રકાશનો સ્ત્રોત કે નિરીક્ષણ ગતિ કરે. આ ખરેખર પ્રકાશની અદ્ભુતતા છે. પ્રકાશનો આજે તબીબી વિદ્યામાં ખૂબ જ ઉપયોગ થાય છે, લડાઈમાં પણ. આર્કિમિડિઝે પ્રકાશની મદદથી રોમન લશ્કરનાં વહાણોનાં સઢ બાળી તેમને પરેશાન કરી મૂક્યાં હતાં.

પ્રકાશ જ્ઞાન સ્વરૂપ છે. કારણ કે પ્રકાશ જ્ઞાન મેળવવામાં ઉપયોગી છે. પ્રકાશથી જ જ્ઞાન મળે છે.

પ્રકાશની ગતિ સીમિત છે તે બ્રહ્માંડનું મહાન રહસ્ય છે. તેણે બ્રહ્માંડને પણ સીમિત બનાવી મૂક્યું છે. પ્રકાશની સીમિત ગતિએ આપણી બ્રહ્માંડ જોવાની નજર જ બદલાવી નાખી છે. આપણે પ્રકાશની મદદથી જ બ્રહ્માંડ જોઈએ છીએ અને પ્રકાશની ગતિ સીમિત છે માટે આપણે બ્રહ્માંડની વસ્તુનો ભૂતકાળ જ જોઈએ છીએ, પ્રકાશ બીજું કાંઈ જ નથી પણ વિદ્યુત-ચુંબકીય તરંગો છે.

પ્રકાશ મેઘધનુષ બનાવે છે. રંગપટ બનાવે છે. જળબિંદુ પર પડે તો તેને મોતી બનાવે અને ડાયમન્ડની પ્રભા પ્રકાશ જ છે. માનવીના શરીરમાંથી આવતો પ્રકાશ તેની તંદુરસ્તીનો દ્યોતક છે. પ્રભાવ એટલે પ્રકાશ. રાતે તારા ટમટમે છે તે બ્રહ્માંડની ભવ્યતા છે. તે ટમટમે છે તે પણ પ્રકાશની વાયુમંડળમાં થતી ગતિવિધિ છે. પ્રકાશ સરોવરના તળિયાને હોય તેના કરતાં ઊંચું દર્શાવી તમને ફસાવી શકે છે. જ્યાં પ્રકાશ ન હોય ત્યાં પરિસ્થિતિ ડરામણી લાગે છે. માટે જ રાત ડરામણી છે. દીવો પ્રકાશનો દ્યોતક છે. ગુરુત્વાકર્ષણ માફક પ્રકાશની તીવ્રતા પણ પ્રકાશસ્ત્રોતથી વસ્તુના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તેથી પ્રકાશ અમુક અંતરે અદૃશ્ય થાય છે અને ગોળા તરફ ચાલતા હોઈએ તો ફરીથી તે જ પ્રકાશ દૃશ્યમાન થાય છે. મોબાઈલ વગેરે ચાલે છે, ઘરમાં વીજળીના દીવા બળે છે તે પ્રકાશને જ લીધે. આત્માનો પ્રકાશ માનવીને મહાન બનાવે છે.

પ્રકાશ માત્ર પ્રકાશ નથી. તેની હાજરીમાં વૃક્ષો વાયુમંડળનો કાર્બનડાયોક્સાઈડ વાયુ લઈ આપણને ઓક્સિજન આપે છે અને ફળ-ફળાદિ, અનાજ આપે છે. તે છેવટે આપણો જીવનદાતા અને અન્નદાતા પણ બને છે. પ્રકાશથી જ બધું શુદ્ધ થાય છે. પ્રકાશ ન હોય તો દુનિયાભરમાં રોગચાળો ફેલાય, પ્રકાશ જ વરસાદ વરસાવે છે. પ્રકાશ-ગરમીને લીધે મહાસાગરના પાણી વરાળ બની વરસાદરૂપે પાછા ધરતી પર ફરે છે અને ધરતીને નંદનવન બનાવે છે. નદીઓ, મહાસાગરો છેવટે પ્રકાશની દેન છે. સૂર્યના પ્રકાશને લીધે જ અહીં જીવન ઉત્પન્ન થયું છે અને હજુ સુધી ટક્યું છે અને જ્યાં સુધી આપણને પ્રકાશ મળતો રહેશે ત્યાં સુધી આપણે જીવીશું. આનાથી વધારે પ્રકાશ શું હોઈ શકે? પ્રકાશ જ દુનિયાનું જીવન છેને? પ્રકાશ પદાર્થ પણ છે અને પ્રકાશ ઊર્જા પણ છે. અત્રતત્ર સર્વત્ર પ્રકાશ જ છે. દાર્શનિક રીતે અંધારું પણ પ્રકાશનું જ સર્જન છે. પ્રકાશનું બીજું સ્વરૂપ અંધકાર છે. પ્રકાશ જ પદાર્થ છે જે છેવટે પ્રકાશની આડે આવી અંધારું સર્જે છે. પ્રકાશ પૃથ્વી પણ છે, પ્રકાશ જળ પણ છે, પ્રકાશ વાયુ પણ છે, પ્રકાશ અગ્નિ પણ છે અને પ્રકાશ અંતરીક્ષ પણ છે. પંચમહાભૂતનો કારક પ્રકાશ છે. પ્રકાશ અસ્તોમા સદ્ગમય છે. તમસોમા જ્યોતિર્ગમય છે. અને મૃત્યોમાં અમૃતંગમય છે. પ્રકાશ જ બ્રહ્માંડની કોઈ પણ વસ્તુનો જન્મદાતા છે અને તે જ છેવટે મૃત્યુદાતા છે.

પૂર્ણ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે

પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે॥

આ પ્રકાશ છે. તે તેનામાં પૂર્ણ છે. તેમાંથી પૂર્ણ કાઢી લઈએ તો પણ તે પૂર્ણ જ રહે છે. તેમાં પૂર્ણ ઉમેરીએ તો પણ તે પૂર્ણ જ બને છે, બમણું નહીં થાય. પ્રકાશનું વર્ણન કરવાની તેના ગુણને સમજવાની આ ઋચા છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=165132

બુદ્ધિશાળીનો પ્રશ્ર્ન: બારીની બહાર કઈ સદી ચાલી રહી છે? --- ચંદ્રકાંત બક્ષી

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


બુદ્ધિનાં ઇંજેક્શનો મળતાં નથી, ડહાપણની ટેબ્લેટો મળતી નથી. શિક્ષણનું એસેન્સ કે કોન્સન્ટ્રેટ મળતું નથી. તાલીમથી પ્રજ્ઞા સુધીનો એક સમુદ્ર છે. અહીં દરેક અભ્યાસી અસમાન છે. શિક્ષણમાં લોકશાહી નથી હોતી. વિદ્યાના અર્થીએ ઉચ્ચ, ઉચ્ચતર, ઉચ્ચતમ, શ્રેષ્ઠ, શ્રેષ્ઠતર, શ્રેષ્ઠતમની કક્ષાઓ સિદ્ધ કરવી પડે છે. બુદ્ધિ અનામતનો વિષય નથી, વ્યક્તિગત વિષય છે. ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું છે એમ આ ‘માહિતી યુગ’ છે. માહિતી પર આધારિત જ્ઞાન અને માહિતી દ્વારા પ્રમાણિત તર્ક સર્વોપરી બની રહ્યાં છે. કદાચ ડહાપણને પણ હવે ડેટા-બૅંકનો સામનો કરવાનો રહેશે. આપણા સમયનો એક પ્રશ્ર્ન છે: બુદ્ધિમાન વિદ્યાર્થી! એ બે કે ચાર ટકા છે, કે એક કે અડધો ટકો છે. એ અ-પછાત છે. એ એના સમવયસ્કો અને સમકાલીનો કરતાં ત્વરિત જ્ઞાનપ્રાપ્તિ કરે છે. ભારતીય શિક્ષણપ્રણાલી બુદ્ધિશાળી વિદ્યાર્થીને માટે શું કરે છે?

આજના ભારતમાં વિદ્યાર્થીને ૩૫ ટકા બુદ્ધિના સ્તર પર મૂકવાનું લોકપ્રિય અભિયાન ચાલી રહ્યું છે. પેપરો ફૂટવાં, ડિગ્રીઓની સોદાબાજી કરવી, શિક્ષકોનાં યુનિયનો અને વિદ્યાર્થીઓનાં મંડળો સ્થાપવાં, બધાને પાસ કરી દેવા... ઠીક છે. પણ જે તેજસ્વી વિદ્યાર્થી છે એને અન્યાય કરવો એ કોઈ પણ સમાજ માટે ધીમી બૌદ્ધિક આત્મહત્યા છે. જગતનો દરેક અક્કલમંદ દેશ બુદ્ધિશાળી વિદ્યાર્થીને અને એની જ્ઞાનપિપાસાને અને એવા વાણીસ્વાતંત્ર્યને સંભાળી લે છે, કારણ કે એ ખાસ જનતા છે. બુદ્ધિના વિશ્ર્વમાં સમાનતા નામની વસ્તુ નથી.

કવિ ટી. એસ. એલિયટે ‘રૉક’ કવિતાના કોરસમાં ગાયું હતું: અનંત શોધો/ અનંત પ્રયોગો/ ગતિનું જ્ઞાન આપે છે પણ સ્થિતિનું નહીં/ ધ્વનિનું જ્ઞાન આપે છે પણ શાંતિનું નહીં/ અક્ષરોનું જ્ઞાન આપે છે અને શબ્દ વિષે અજ્ઞાન રાખે છે/ ક્યાં છે એ પ્રજ્ઞા જે આપણે જ્ઞાનમાં ખોઈ નાખી છે?/ ક્યાં છે એ જ્ઞાન જે આપણે માહિતીમાં ખોઈ નાખ્યું છે?...

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર સ્કૂલને જેલ સાથે સરખાવતા. પુસ્તક દ્વારા મળતું ડિ-હાઈડ્રેટેડ અથવા સૂકવેલું જ્ઞાન દૈનિક જીવન દ્વારા જિવાતું - ધબકતું જ્ઞાન બે જુદી વસ્તુઓ છે. શિક્ષણના સૌ સૌના પોતપોતાના વિચારો છે. મહાન નર્તક ઉદય શંકર એમના પુત્ર અન્નદા શંકરને સ્કૂલે જવા દેતા નહીં. એ દિવસ બહુ જ સરસ ઊગ્યો હોય અથવા વરસાદ પડતો હોય તો આકાશના રંગો જોવા વધારે જરૂરી છે. પ્રત્યેક ક્ષણે માણસ શિક્ષિત બની શકે છે. ઉદય શંકરનું કહેવું હતું કે મંદિરમાં ભગવાનની મૂર્તિને નહીં પણ એ મૂર્તિને અસીમ આસ્થાથી પૂજનારા ચહેરાઓ જુઓ, સ્તુતિ અને પ્રાર્થના કરતા ચહેરાઓ જુઓ. ત્યાં જ ઈશ્ર્વર છે. ઈશ્ર્વરનું સાતત્ય શિક્ષણનો એક અંશ છે.

શિક્ષણમાં સામાન્યતા નથી. બાબા આમટે કહે છે એમ મધ ઉપરથી પડે છે ત્યારે અવાજ કરતું નથી, પાણી પડે છે ત્યારે અવાજ કરે છે. એ શિક્ષણના સામાન્યીકરણના પુરસ્કર્તા છે. એમનું વિધાન સ્પષ્ટ છે: બે આંખો એક દૃશ્ય, બે હોઠ એક શબ્દ, બે પગ એક ચાલ, બે હાથ એક તાળી તો પછી આ ભેદ શા માટે? એમને માટે શિક્ષણ અને સંસ્કાર એક બિંદુ પર એકાકાર થઈ જાય છે.

મારે માટે શિક્ષણ એ છે જે માણસને અસામાન્ય બનાવે છે. શિક્ષણ વ્યક્તિને જડ સમાનતાના ઘૂંટી નાખતા મહાપાશમાંથી મુક્ત કરીને એક ખુલ્લા આકાશના ફેલાવમાં મૂકી દે છે. વિદ્યા મુક્ત કરે છે. વિદ્યામાં સ્પર્ધા હોવી જોઈએ. ઉચ્ચ અને ઉચ્ચતરનો ભેદ સ્પષ્ટ હોવો જોઈએ. ઉચ્ચતમ એક પૂર્ણવિરામ છે, પણ ઉચ્ચતર એક અલ્પવિરામ છે. મને હંમેશાં લાગ્યું છે કે ગમે તે વ્યક્તિ ઉચ્ચતમ થઈને અટકી જાય છે પણ મનુષ્યે જીવનભર ઉચ્ચતર થતા રહેવું પડે છે. ઉચ્ચતમ કરતાં ઉચ્ચતર મને ઊંચી સ્થિતિ લાગી છે...

આ ‘તર’ અને ‘તમ’, બે કીર્તિમાનો કે ડિગ્રીઓનાં અંતર અથવા એ વિષેના ભેદજ્ઞાન માટે સંસ્કૃતમાં શબ્દ છે: તારતમ્ય! બુદ્ધિમાન માણસ તારતમ્ય સમજે છે.

બહુજનશિક્ષણના યુગમાં એલિટ કે ઉચ્ચભ્રમ શિક્ષણની વાત કરવી જરા અસંગત લાગે છે. પણ વાત એ જ કરવી છે. ઇંગ્લેંડમાં કહેવાય છે કે તાલીમ કૂતરાઓને અપાય છે. જૂના કૉલેજ શિક્ષણમાં એક ‘ઓનર્સ’ કોર્સ હતો, એક ‘પાસા’ કોર્સ હતો. વધારે બુદ્ધિશાળી છાત્રો ઓનર્સ લેતા. બધા જ વિદ્યાર્થીઓને એક જ પાટલી પર બેસાડીને ઉચ્ચ શિક્ષણ આપી શકાતું નથી. કદાચ ચીની લેખિકા હાન સુઈયેને આ વાત વધારે આરપાર રીતે કહી છે. ન્યુ દિલ્હીના એક સેમિનારમાં એમણે એક ચીની કહેવત ટાંકતાં કહ્યું કે સરસ ભરતકામ કરવું હોય તો પ્રથમ એક સરસ કપડાનો ટુકડો લાવો!... શિક્ષણની સિદ્ધિની વાત કરતાં પહેલાં બુદ્ધિમાન વિદ્યાર્થીને ન્યાય કરવાનું વિશ્ર્વવિદ્યાલયોએ શીખવું પડશે.

ઉચ્ચ કે ગંભીર શિક્ષણ વિષે સમય અસમય બૌદ્ધિકો આ દેશમાં પ્રતિભાવો આપતા રહ્યા છે. તાલીમ ગમે તે ખાનગી સંસ્થા આપી શકે છે, શિક્ષણ વિશ્ર્વવિદ્યાલયમાં જ મળવું જોઈએ. વિશ્ર્વવિદ્યાલયોએ વિદ્યાર્થીની પરીક્ષા લેતાં પહેલાં કૉલેજોની પરીક્ષા, કૉલેજોની યોગ્યતાની પરીક્ષા કૉલેજોની ક્ષમતાની પરીક્ષા લેવી જોઈએ એમ મદ્રાસ આઈ.આઈ.ટી.ના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રોફેસર પી. વી. ઈન્દ્રસેને કહ્યું હતું. દરેક કૉલેજને પોતાનો અભ્યાસક્રમ અને પોતાની પરીક્ષાઓનો અધિકાર આપવા વિષે વિચારવું જોઈએ. જીવનભર બીજાઓની પરીક્ષા લેતો શિક્ષક પોતે શા માટે પોતાના મૂલ્યાંકન માટે રાજી નથી? મૃતબુદ્ધિ શિક્ષક પાસેથી કેટલી નવચેતનાની અપેક્ષા રાખી શકાય? બસો વર્ષ પહેલાં યુરોપના રાજાઓ એમના અબાધિત દૈવી અધિકારોની દલીલ કરીને રાજ ચલાવતા હતા. આજે શિક્ષણના વિશ્ર્વમાં અબાધિત અધિકારવાળાઓ છે, અનામત અધિકારોવાળા પણ છે. પણ શિક્ષણમાં બે જ પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે: એક હક કે અધિકારમાં માને છે. બીજા ફર્જ કે ઉત્તરદાયિત્વમાં માને છે.

અમેરિકાસ્થિત નોબેલ પુરસ્કારવિજેતા ડૉ. એસ. ચંદ્રશેખરને ગણિત અને ભૌતિકશાસ્ત્ર બંને વિષયોના ઓનર્સ અભ્યાસક્રમો એક જ સાથે કરવા દેવામાં આવ્યા હતા. જોકે સરકારી નિયમો પ્રમાણે એ ગેરકાયદે હતું. સત્યની શોધમાં કે જ્ઞાનના સંધાનમાં કાયદાની સીમા ક્યાં સુધી હોય છે? સ્ત્રી સ્વાતંત્ર્યની વિશ્ર્વપ્રસિદ્ધ પુરસ્કર્તા મિઝ જર્મેન ગ્રીઅરે ન્યુ દિલ્હીની એક વિચારગોષ્ઠિમાં એક દૃષ્ટાંત આપ્યું હતું, જે આજના આપણા શિક્ષણની દિશાશૂન્યતાનું દ્યોતક છે. એ બૅંગલોર પાસેના એક ગામમાં એક ડૉક્ટરને મળી જે પ્રેક્ટિસ કરી શકતો ન હતો, કારણ કે દવાઓ ન હતી. ગામના પાણીને સ્વચ્છ કરવાના અભિયાનમાં એ ભાગ લઈ શકતો ન હતો, કારણ કે એના કહેવા પ્રમાણે એ પ્લમ્બર ન હતો. એ બાયોગેસનું આયોજન કરી શકતો ન હતો, કારણ કે એનું કહેવું હતું કે હું એન્જિનિયર નથી. જર્મેન ગ્રીઅરે પૂછ્યું કે તમે શા માટે ગ્રામજનો સાથે મળીને વાત કરી લેતા નથી ત્યારે એણે કહ્યું કે અમને બંનેને એકબીજા માટે ઘૃણા છે. એને માટે હવે એક જ આદર્શ બાકી રહ્યો હતો: દરિયાપાર (એટલે કે અમેરિકા) જવું, કંઈક કરવું, ડૉલર કમાવા. (ક્રમશ:) ઉ

હાર્વર્ડ યુનિવર્સિટીના અધ્યક્ષ પ્રોફેસર ડેરેક બોકે કહ્યું: વિશ્ર્વવિદ્યાલયો ‘લિનીયર થિંકિંગ’ની સંસ્થાઓ બની ગઈ છે. ભારતીય સંદર્ભમાં મારે કહેવું હોય તો આપણાં વિશ્ર્વવિદ્યાલયો બંધિયાર જળાશયો જેવાં છે. જે હંમેશાં કમળનાં ફૂલો ઉગાડવાની વાતો કરે છે પણ સપાટીની ઉપર લીલ ફેલાતી જાય છે, અને પાણીની અંદર ઝેરી વેલા અને ઝાડઝંખાડ ફેલાતાં જાય છે.

એક જમાનામાં શ્રીલંકાની કોલોમ્બો યુનિવર્સિટીમાં સર ઈવોર જેનિંગ્સ ઉપકુલપતિ હતા. એમણે ઈતિહાસના એક યુવા - વિદ્વાનને પૂછ્યું: એક વર્ષથી હું તમારા નામનો એક પણ લેખ જોઈ રહ્યો નથી? યુવા-વિદ્વાને કહ્યું: સર, મને યોગ્ય વિષય મળ્યો નથી!... સર ઈવોર બગડ્યા: ઈતિહાસનો માણસ આ કહી રહ્યો છે? થોડા સિક્કા ભેગા કર અને એક પેપર લખ. જો આવતા વર્ષ સુધીમાં તું કંઈ જ નહીં લખે તો હું તારું સાલિયાણું બંધ કરાવી દઈશ.

સારા શિક્ષકનું મૂલ્ય વિશ્ર્વવિદ્યાલયો કે કૉલેજોેની મેનેજિંગ કમિટીઓને કદાચ નહીં હોય પણ ફૂટબોલ ટીમના પ્રશિક્ષક કે કોચને છે. આર્જેન્ટિનાની વિશ્ર્વવિજેતા ફૂટબોલ ટીમ ૧૯૭૮માં બ્રાઝિલ સામે તૂટવા લાગી ત્યારે આર્જેન્ટિનાની ટીમના કોચ સિઝર લુઈસ મિનોટીએ કહ્યું: અમે ખેલાડીઓ ખોઈ રહ્યા છીએ એ અમારી સમસ્યા નથી. અમે શિક્ષકો ખોઈ રહ્યા છીએ. કંઈક કરવું જ પડશે કે જેથી આ શિક્ષકો અમારી સાથે રહે...! આ સમજદારી ૧૯૭૮માં હતી.

૧૯૮૬ના વિશ્ર્વકપ ફૂટબોલમાં

આર્જેન્ટિના વિશ્ર્વ ચેમ્પિયન બન્યું હતું, એ એક આડવાત.

શિક્ષણની રોબર્ટ ફ્રોસ્ટે વ્યાખ્યા આપી છે: ગુસ્સે થયા વિના કે આત્મવિશ્ર્વાસ ખોયા વિના સાંભળી શકવાની ધૈર્યશક્તિને શિક્ષણ કહે છે! જો આ શિક્ષણનો ટેસ્ટ લેવો હોય તો એક સમાચાર સાંભળવા જેવા છે: જ્યારે ૨૦૦૦નું વર્ષ આવશે, જ્યારે આપણે ૨૧મી સદીમાં પ્રવેશ કરીશું ત્યારે, જો આજની આપણી ‘પ્રગતિ’ ચાલુ રહી તો વિશ્ર્વના સૌથી વધારે અભણો ભારતવર્ષમાં હશે! ભારતવર્ષ જગતનો સૌથી અભણ દેશ હશે. જગતના અભણોના અડધોઅડધ એટલે કે પચાસ ટકા જેટલા ભારતમાં હશે...

ધૈર્યશક્તિ મોટી વસ્તુ છે. હા, આપણે એલિટીસ્ટ કે વિદ્વત્ત્કક્ષાના શિક્ષણની વાત કરી રહ્યા હતા.

આપણું શિક્ષણજગત કોમિક નથી એવું નથી. જો અમેરિકાથી પ્રોફેસર ચંદ્રશેખર મદ્રાસ આવે તો પ્રવચન માટે મદ્રાસની આઈ.આઈ.ટી. એમને સીધા બોલાવી શકે નહીં. પ્રોફેસર, ડિરેક્ટર, બોર્ડ ઓફ ગવર્નર, સેનેટ કોઈ બોલાવી શકે નહીં, ફક્ત ભારત સરકારની લેખિત અનુમતિ હોય તો જ બોલાવી શકાય અને આ અનુમતિ માટે થોડા મહિનાઓ પહેલાં નોટિસ આપવી પડે...

મદ્રાસની ક્વીન મૅરીઝ કૉલેજ (આ જમાનામાં પણ આવાં નામો રહી ગયાં છે!)ની એક સ્ત્રીલેકચરરે અશ્ર્લીલ પોસ્ટરોના વિરોધી આંદોલનમાં ભાગ લીધો એટલે મૅનેજમેન્ટે એના પર આરોપ મૂક્યો: દેશની સ્વાયત્તતા (સોવરેઈન્ટી)ને ખતરો છે! આંદોલન ૧૯૭૯માં થયું હતું, મૅનેજમેન્ટની ઈન્કવાયરી ૧૯૮૩માં શરૂ થઈ હતી!

એક લેકચરરે એક અંગ્રેજી છાપામાં પત્ર લખ્યો કે ઉપભોક્તાઓએ ગ્રાહકો તરીકે માલ ખરીદતી વખતે જાગ્રત રહેવું જોઈએ. આ લેકચરર થંજવુરની એક ગવર્નમેન્ટ કૉલેજમાં ભણાવતા હતા અને કોલેજીએટ એડ્યુકેશનના ડિરેક્ટર આ માટે એ લેકચરરને એક મેમો મોકલ્યો!

તામિળનાડુના સરકારી કર્મચારી નિયમો સરકારી કૉલેજોના શિક્ષકોને પણ લાગુ પડે છે. સરકારની રજા વિના એ પ્રોફેસરો લેખ લખી શકતા નથી, પુસ્તક પ્રકટ કરી શકતા નથી, સાહિત્ય કે કલાની કોઈ પ્રવૃત્તિ કરી શકતા નથી! એ અધ્યાપકો રાજ્ય કે કેન્દ્ર સરકાર વિષે જાહેરમાં અભિપ્રાય કે હકીકતો પણ આપી શકતા નથી, અને એમના પરિવારનો કોઈ સદસ્ય જો કોઈ આંદોલન કે પ્રવૃત્તિમાં ભાગ લેતો હોય અને એ રોકી ન શકતા હોય તો એમણે તરત સરકારને જણાવવાની જવાબદારી રહે છે. એ સ્વયં તો કોઈ રાજકીય પક્ષ સાથે જોડાઈ શકતા નથી એ લખવાની જરૂર નથી...

આઝાદી આવી ગઈ છે આ દેશમાં. પણ બોરિસ પાસ્તરનાકની રશિયન કવિતાની એક લાઈન રહી રહીને યાદ આવી જાય છે: ભાઈ! બારીની બહાર કઈ સદી ચાલી રહી છે?...

-----------------------

ક્લોઝ અપ

એક ચમચો પોતાના ઉપરીને જોઈને હંમેશાં એક પહોળું સ્મિત કરીને, ઝૂકીને, મીઠા સ્વરે કહેતો: ‘સર, આપે પોતે... આવવાની તકલીફ લીધી...?’ ફેકટરીનો શોપ-ફ્લોર હોય કે ઑફિસ, ચમચો દરેક વાત આ વાક્યથી જ શરૂ કરતો.

એક વાર ઉપરી પુરુષોના ટોઈલેટમાંથી બહાર નીકળી રહ્યો હતો. ચમચો અકસ્માત સામે આવી ગયો. આદતન એનાથી બોલાઈ ગયું: ‘સર આપે પોતે... તકલીફ...’

- ચીની માસિક ‘ચાઈના રિક્ધસ્ટ્રક્ટસ’માં છપાયેલી રમૂજ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=166345

રહસ્ય બ્રહ્માંડના આવિષ્કારનું --- ડો. જે. જે. રાવલ

 ગ્રહમાળાની ઉત્પત્તિ અકસ્માતે નથી થઈ, તેની પાછળ ભૌતિકશાસ્ત્રના નિયમો કાર્યરત છે                               
                           
બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ


પ્રથમ તો આપણને ખબર ન હતી કે સૂર્ય શું છે, ગ્રહો શું છે, ધૂમકેતુઓ શું છે, તારા શું છે? સૂર્ય-ચંદ્ર અને ગ્રહોેને આપણે દેવતા માનતા. ધૂમકેતુઓથી ડરતાં, ધૂમકેતુઓને રાજાઓના મૃતાત્મા માનતા. તારાને મૃત્યુ પછીના મહાન આત્માઓ માનતા, જેમને ઈશ્ર્વરે તેમના મહાન કાર્યને ધ્યાનમાં લઈ રાત્રિ આકાશમાં સ્થાન આપ્યા છે.

પછી તો ખબર પડી કે સૂર્ય એક તારો છે અને બધા તારા સૂર્યો. સૂર્યની ફરતે ગ્રહમાળા છે તો બીજા તારાની ફરતે પણ ગ્રહમાળા હોવી જોઈએ એમ આપણે વિચારીએ છીએ. તારા ધગધગતા વાયુના વિશાળ ગોળા છે. એટલા મોટા છે કે તેમાં ૧૩ લાખ પૃથ્વી સમાઈ જાય. તેની સપાટીનું ઉષ્ણતામાન ૬,૦૦૦ અંશ સેલ્સિયસ છે, જ્યારે તેના ગર્ભભાગનું ઉષ્ણતામાન ર૦ લાખ અંશ સેલ્સિયસ છે. તેમાં અતિપ્રચંડ વાયુઓનું દબાણ છે. તારામાં આવી પરિસ્થિતિ હોઈ તેમાં હાઈડ્રોજનની ચાર નાભિઓ મળી હિલીયમની નાભિ બનાવે છે. આ ક્રિયામાં પ્રચંડ ઊર્જા બહાર પડે છે.

પછી ખગોળ વિજ્ઞાનીઓને પ્રશ્ર્ન થયો કે તારા કેવી રીતે જન્મતા હશે? સૂર્યમાળા (ગ્રહમાળા) કેવી રીતે જન્મતી હશે? છેલ્લાં બે દાયકામાં સૂર્યમાળાની બહાર કેટલાય ગ્રહો ખગોળ વિજ્ઞાનીઓને મળી આવ્યા છે પણ તે તારાની ફરતેની ગ્રહમાળાનો પૂરો અંદાજ, રચના, વિકાસ, જન્મની આપણને હજુ કાંઈ વધારે ખબર નથી. આ તરફ આપણને હાલ સુધી એ પણ ખબર ન હતી કે ધૂમકેતુઓ શું છે, ક્યાંથી આવે છે અને ક્યાં જન્મ્યાં છે?

સૂર્યમાળાનો અભ્યાસ કરીએ તો આપણી સમક્ષ બહુ રસપ્રદ ચિત્ર રજૂ થાય છે. એક તો સૂર્ય જે દિશામાં ધરી ભ્રમણ કરે છે તે જ દિશામાં બધા ગ્રહો પોતપોતાની ધરી પર ધરીભ્રમણ અને તે જ દિશામાં તે સૂર્યની પરિક્રમા કરે છે. બે-ચાર અપવાદો દેખાય છે પણ તે પાછળથી ઉત્પન્ન થયેલા અપવાદો છે. બીજું કે બધા જ ગ્રહો લગભગ એક જ સમતલમાં રહીને સૂર્યની પરિક્રમા કરે છે અને તે સમતલ સૂર્યના વિષુવવૃત્તની સમતલ છે. ત્રીજું બધા જ ગ્રહો લગભગ ગોળ છે. કેપ્લરના નિયમોને અનુસરે છે અને મૂળભૂત રીતે એક જ પદાર્થના બનેલા છે જે હાઈડ્રોજન અને હિલિયમ છે અને રજકણો છે. સૂર્ય પણ હાઈડ્રોજન અને હિલિયમનો જ બનેલો છે. ચોથું સૂર્યની વય અને ગ્રહોની વય લગભગ સરખી છે. પાંચમું ગ્રહો સૂર્યમાળામાં એમને એમ વિખરાયેલાં નથી પણ એક નિયમને અનુસરે છે. બધા જ વિશાળ ગ્રહો ફરતે વલયમાળા છે. ગ્રહોને પણ ઉપગ્રહમાળાઓ છે જે ગ્રહમાળાની નકલ જ કરે છે. આ બધું દર્શાવે છે કે ગ્રહમાળાની ઉત્પત્તિ પાછળ ભૌતિકશાસ્ત્રના નિયમો કાર્યરત છે. તેની ઉત્પત્તિ એક અકસ્માત નથી.

૧૭૫૮માં ઈમેન્યુઅલ કાન્ટ નામના વિદ્વાને કહ્યું કે તારા વાયુનાં વાદળોમાંથી જન્મતા હોવા જોઈએ. વિશ્ર્વમાં જે દિશામાં જુઓ એ દિશામાં વિશાળ વાયુનાં વાદળો નજરે ચઢે છે. આ વાદળો કેટલાં વિશાળ હશે? તેમના વ્યાસ ૩૦,૦૦૦ અબજ કિલોમીટરના હોય છે. બાર્ટ બોક નામના ખગોળવિજ્ઞાનીએ બ્રહ્માંડમાં રહેલાં આવાં વાયુનાં વાદળો શોધ્યાં છે અને તેમનો અભ્યાસ કર્યો છે તેથી આવાં વાદળોને બોક ગ્લોબ્યુલ્સ કહે છે. બાર્ટ બોક જ્યારે મુંબઈમાં આવેલા ત્યારે તેમનું અમે નહેરુ સેન્ટરમાં વ્યાખ્યાન રાખેલું. આ ૧૯૮૦ના દાયકાની વાત છે. હવે તો તેમનું મૃત્યુ થઈ ગયું છે.

મૃગનક્ષત્ર સ્થિત મૃગનિહારિકા અને અશ્ર્વમુખ નિહારિકા વિશાળ વાયુનાં વાદળો છે. જેમાં આજે પણ તારા જન્મ લઈ રહ્યા છે.

ગોળ ગોળ ફરતા વિશાળ વાયુનાં વાદળો ગુરુત્વાકર્ષણને લીધે સંકોચાતાં જાય છે અને તેમના વિષુવવૃત્ત પરની સમતલમાં વાયુ અને પદાર્થનાં વલયો છોડતાં જાય છે. દડા આકારનાં ગોળ ગોળ ફરતાં વાયુના વાદળોની અંદર કેન્દ્રત્યાગી બળો ઉત્પન્ન થાય છે જે કેન્દ્રગામી ગુરુત્વાકર્ષણબળોની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે અને એક સમય એવો આવે છે જ્યારે કેન્દ્રત્યાગી બળો, કેન્દ્રગામી બળો કરતાં બળવાન બને છે અને વાદળના વિષુવવૃત્ત પર ફૂલેલા ભાગને વલયના રૂપમાં બહાર પાડે છે. આ ક્રિયાનું પુનરાવર્તન થાય છે અને વાદળના કેન્દ્ર ભાગ ફરતે કેટલાંય વલયો ઉત્પન્ન થાય છે. વાયુના વાદળનો કેન્દ્રભાગ સૂર્ય બને છે અને વલયોમાં ગ્રહો બને છે. આવી રીતે ગ્રહમાળાનો જન્મ થાય છે.

ગ્રહમાળા ફરતેનું પ્રથમ વલય તેની ફરતેનું સ્ફેરિકલ સેલ હોય છે જે કેન્દ્રના સૂર્યના ગુરુત્વાકર્ષણ સાથે નબળી રીતે જોડાયેલું હોય છે, કારણ કે તે સૂર્યથી દૂર દૂર હોય છે. સૂર્યની ગરમીની પણ તેની ઉપર કાંઈ ખાસ અસર હોતી નથી. તે પાંખા વાયુઓનું બનેલું હોય છે. તેમાં નાના નાના બરફના ખડકો ઉત્પન્ન થાય છે તેને ધૂમકેતુઓ કહે છે. આ વાદળનો પ્રથમ અહેસાસ ઉર્ટ નામના ડચ ખગોળવિજ્ઞાનીને થયો હતો તેથી તેને સૂર્ય ફરતેનું ઉર્ટનું ધૂમકેતુનું વાદળ કહે છે.

સૂર્યની ફરતે એટલે કે સૂર્યમાળાની ફરતે ઉર્ટનું ધૂમકેતુઓનું સ્ફેરિકલ કવચ છે તેમ ગુરુ, શનિ યુરેનસ, નેપ્ચ્યૂન વગેરે ગ્રહોની ફરતે એટલે કે તેમની ઉપગ્રહમાળાની ફરતે પણ ધૂમકેતુઓનાં સ્ફેરિકલ કવચો છે. એટલું જ નહીં, દરેકે દરેક તારાની ફરતે ધૂમકેતુઓનાં વાદળો હોવાં જોઈએ. તારાની ગુરુત્વાકર્ષણીય ગતિવિધિને લીધે તારા ફરતેના ધૂમકેતુઓના વાદળમાંથી ધૂમકેતુઓ ખરી જઈને તારાની ફરતે ચક્કર લગાવે છે. તો કોઈ બહાર ફેંકાઈ જઈને બીજા તારાના ધૂમકેતુના વાદળમાં ભરાઈ જાય છે. આમ ધૂમકેતુઓ એક તારાની ફરતે ચક્કર લગાવતાં લગાવતાં તેઓ ગુરત્વાકર્ષણની રમતમાં બીજા તારાના ધૂમકેતુઓ બની જઈ શકે છે. આવી રીતે મંદાકિનીમાં ધૂમકેતુઓ વાંદરાની માફક કૂદાકૂદ કરતા હોવા જોઈએ એમ ખગોળવિજ્ઞાનીઓ માને છે. આમ થતું ખગોળ વિજ્ઞાનીઓએ નિરીક્ષણ પણ કર્યું છે. આ બાબતે વધારે નિરીક્ષણ કરવું જોઈએ એમ ખગોળવિજ્ઞાનીઓ માને છે.

બીજા નજીકના તારા એટલા બધા દૂર છે કે તેમની ફરતેના ધૂમકેતૂઓનાં વાદળોનું નિરીક્ષણ કરવું વિકટ બને છે, કારણ કે આંતરતારકીય અંતરીક્ષમાં આવા ધૂમકેતુઓનું સ્થાન માત્ર રજકણ જેવું જ છે. તો શું દરેક મંદાકિનીની ફરતે પણ ધૂમકેતુઓનું વાદળ હશે? હોવું જ જોઈએ પણ તેને જોવું તે તદ્દન અશક્ય નહીં તો પણ ઘણું વિકટ છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=96292

બ્રહ્માંડમાં લિમિટ વગરનું કાંઈ જ નથી, ખુદ બ્રહ્માંડ પણ --- ડૉ. જે. જે. રાવલ

                         
                                         

બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય મારી છાબડીમાં માય. આ પંક્તિઓ આકાશના તારા માટે છે. આ પંક્તિઓ આજે સાચી નથી, કારણ કે જે છાબડીમાં માય તે કદાપિ અગણિત હોય જ નહીં. તે હંમેશાં સીમિત સંખ્યા જ હોય, તો સંખ્યા ગમે તેટલી મોટી હોય.

કોઈ આપણને પૂછે કે પૃથ્વીમાં પદાર્થકણો કેટલા? તો આપણે કહીએ કે તે અનંત (શક્ષરશક્ષશયિં) છે. તો તે જવાબ સાચો નથી, કારણ કે પૃથ્વી સીમિત છે. માટે તેમાં રહેલા પદાર્થકણોની સંખ્યા પણ સીમિત જ હોય. રણમાં રેતીના કણોની સંખ્યા અગણિત લાગતી હોવા છતાં તે સીમિત સંખ્યા છે. પૃથ્વી પરના માણસોની સંખ્યા અગણિત લાગે છે. હકીકતમાં તે સીમિત છે. તારાની સંખ્યા અગણિત લાગે છે પણ તેને ગણવામાં આવી છે. નદી, સરોવર, મહાસાગરમાં પાણીના રેણુઓ ગણી શકાય છે.

નદી ગમે તેટલી લાંબી હોય પણ તેનો અંત છે. મહાસાગરનો પણ છેડો છે અને હિમાલયના શિખરની ઊંચાઈ પણ સીમિત જ છે. માનવીની ઊંચાઈની પણ લિમિટ છે અને આપણી ચારે કોર દેખાતી ક્ષિતિજ પણ સીમિત જ છે.

સૂર્ય અને ચંદ્ર તો સીમિતિ દેખાય જ છે. હકીકતમાં સૂર્ય એટલો મોટો છે કે તેમાં ૧૩ લાખ પૃથ્વી સમાય જાય અને ૮ કરોડ ૩૨ લાખ ચંદ્રો સમાઈ જાય. સૂર્યમાળાની લિમિટ ૧૫૦૦૦ અબજ કિલોમીટરની છે અને તેનો વ્યાસ ૩૦,૦૦૦ અબજ કિલોમીટર. આટલી મોટી લાગતી સૂર્યમાળા પણ સીમિત છે. ગુરુ ગ્રહ વિશાળ છે. તેમાં ૧૭૨૮ પૃથ્વીઓ સમાઈ જાય. આપણી આકાશગંગામાં ૫૦૦ અબજ સૂર્યો છે. બે સૂર્યો વચ્ચે સરાસરી અંતર ૪૫૦૦૦ અબજ કિલોમીટર છે, તેમ છતાં આકાશગંગા સીમિત છે, એટલું જ નહીં, આટલું વિશાળ અતિવિશાળ આપણું બ્રહ્માંડ જેમાં આકાશગંગા જેવી ૧૦૦ અબજ મંદાકિનીઓ છે અને બે મંદાકિનીઓ વચ્ચે સરાસરી અંતર ૨૨ અબજ કિલોમીટર છે. તેમ છતાં તે સીમિત છે, આપણું દૃશ્યવિશ્ર્વ સીમિત છે.

દૃશ્ય વિશ્ર્વ ખુદ જ સીમિત છે. તેથી બ્રહ્માંડની દરેકે દરેક વસ્તુ સીમિત છે. દરેકે દરેક કણ સીમિત છે.

બ્રહ્માંડની કોઈ પણ વસ્તુની ફરતે એવું ગુરુત્વાકર્ષણનું ક્ષેત્ર હોય છે જેમાં બીજી કોઈ નાની વસ્તુ પ્રવેશે તો તેના ટુકડેટુકડા થઈ જાય છે અથવા તો કહીએ કે આકાશીપિંડની ફરતે જો મૂળભૂત પદાર્થ હોય તો તે ભેગો મળી મોટો પદાર્થ ગ્રહ કે ઉપગ્રહ બનાવી શકતો નથી. ગુરુત્વાકર્ષણ તેને ભેગો થવા દેતો નથી. બે કણો ભેગા થઈ જાય તો ત્રીજો કણ તેને આકર્ષી છૂટો પાડી દે છે. જ્યારે મોટો પિંડ બને ત્યારે તે બની રહ્યા પછી તેની આસપાસ થોડો પદાર્થ પડ્યો જ રહે છે, તે મોટા પદાર્થની ફરતે વલય બનાવી રહે છે. માટે જ શનિ, ગુરુ, યુરેનસ, નેપ્ચૂન વગેરે ગ્રહોની ફરતે વલયો હોય છે. ગુરુત્વાકર્ષણના આ બળોને ભરતી-ઓટનાં બળો કહે છે. અંગ્રેજીમાં તેને ડિફ્રન્સિયસ ગ્રેવિટેશનલ ફોર્સીસ કે ટાઈડલ ફોર્સીસ કહે છે. આ ક્ષેત્રની લિમિટને રોસ લિમિટ કહે છે. આમ દરેક આકાશપિંડની ફરતે રોસ લિમિટ હોય છે, તેને આકાશમાં દેખાતી લક્ષ્મણરેખા કહે છે, કારણ કે કોઈ પણ બીજો નાનો આકાશપિંડ તેમાં પ્રવેશે તો તેનો વિનાશ નક્કી છે. જેમ રાવણ લક્ષ્મણ રેખામાં પ્રવેશે તો તેનું મૃત્યુ નક્કી જ હતું તેમ.

અણુ સીમિત છે, પરમાણુ સીમિત છે ઈલેક્ટ્રોન - પ્રોટોન - ન્યુટ્રોન - ક્વાર્ડ્સ સીમિત છે. જેમ વિશાળ દુનિયા સીમિત છે તેમ સૂક્ષ્મ દુનિયા પણ સીમિત છે. સીમિતતાના વિશ્ર્વનો ગુણ છે.

વિજ્ઞાનમાં શક્તિ - સંયમ, ગતિમાન - સંચય અને કોણીયગતિમાન સંચય શું દર્શાવે છે? તે દર્શાવે છે કે બ્રહ્માંડની કુલ ઊર્જા સિમિત છે. માત્ર તે અલગ અલગ પ્રકારની ઊર્જામાં રૂપાંતર પામી શકે છે.

સૂર્ય જેવા તારામાં જ્યારે અણુ ખતમ થવા આવે છે ત્યારે તેમાં ગુરુત્વીયપતન થાય છે. જો તારાનું દળ સૂર્યમાં જે દળ છે તેનાથી ૧.૪૪ ગણું હોય તો તારાનું ગુરુત્વાયપતન શ્ર્વેતપટુના રૂપમાં અટકે છે. આવા તારાના પદાર્થ પરથી આ લિમિટને ચંદ્રશેખર સીમિત કહે છે. જો તારામાં પદાર્થ સૂર્યમાં જે પદાર્થ છે તેના કરતાં ૨.૫ ગણું હોય અને તેના ગર્ભભાગમાં જ્યારે અણુ-ઇંધણ ખૂટે ત્યારે તે સંકોચાઈને ન્યૂટ્રોન તારો બને છે. આવા તારાના પદાર્થ પરની આ લિમિટને ઓપનટાઈમર - વોલ્કોફ લિમિટ કહે છે. ઉષ્ણતામાનને નીચે તરફ લિમિટ છે, જેને નિરપેક્ષ શૂન્ય કહે છે. ઉષ્ણતામાનમાં ઉપરની બાજુએ લિમિટ ન હોય તેમ લાગે છે પણ તે લિમિટ પણ છે. પદાર્થ વરાળ બની જાય છે. બ્રહ્માંડમાં પ્રકાશની ગતિ, ગતિ પરની લિમિટ છે. આ બ્રહ્માંડમાં છેવટે તો લિમિટ છે. દરેકે દરેક ગામને, રાજ્યને, દેશને લિમિટ છે જ. ખુદ પૃથ્વીને લિમિટ છે. માટે માનવીએ તેની પોતાની લિમિટ જાણવી જરૂરી છે. આંગળી સૂજે તો થાંભલો નથી થતી. તેની એક લિમિટ છે. જીવનની પણ લિમિટ છે. આ બંધનો લિમિટ સ્વીકારવી જ પડે.

બ્લેકહોલ ગમે તેટલું મોન્સ્ટર હોય પછી તેને લિમિટ છે જ. બિન્દુ વિચારીએ તેટલું મોટું હોઈ શકે અને વિચારીએ તેટલું નાનું પણ હોઈ શકે. મેથેમેટિક્સમાં પણ સિરીઝને લિમિટ હોય છે. Infinity (અનંતતા) તો એક વિચાર છે તે ગાણિતિક વિચાર છે તે હકીકત નથી. અનંતતાનું શબ્દ પ્રયોજન ગેરમાર્ગે દોરે છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=164459

તમારા હાર્ટની કહાણી અમેરિકન હાર્ટ સર્જનની વાણીમાં --- ગીતા માણેક

યે જો હૈ ઝિંદગી - ગીતા માણેક

બે મિનિટમાં તૈયાર થતો આ ખાદ્ય પદાર્થ પૌષ્ટિકતાથી ભરપૂર ન હોઈ શકે એટલું સમજવા માટે એને લેબોરેટરી ટેસ્ટના રિપોર્ટની આવશ્યકતા નહોતી. ટેલિવિઝનની જાહેરખબરો ચીસો પાડી-પાડીને ભલે ગમે તે કહે તોય આવું માની ન શકાય એટલી સામાન્ય બુદ્ધિ આપણામાં હોવી જોઈતી હતી, પરંતુ મેગી જલદી બની જતી હતી. સ્વાદિષ્ટ હતી, એને બનાવવામાં કોઈ કડાકૂટ નહોતી અને જલદીથી એને મોંમાં ઓરીને દોડમાં લાગી જઈ શકાતું હતું એટલે આપણે બધા જ એને પેટમાં પધરાવતા રહ્યા અને ખાસ તો આપણા બચ્ચાંલોગને પીરસતાં રહ્યા.

ડાહ્યા અને સમજદાર લોકો તો કાયમ પ્રોસેસ્ડ ફૂડના વિરોધી રહ્યા છે. કુદરતી અને તાજો ખોરાક ખાવો જોઈએ એવું કહેતા રહ્યા છે. ખેર, આ બધી બાબતો વિશે ઘણું બધું કહેવાઈ અને બોલાઈ ચૂક્યું છે પણ અહીં જે વાત વાચકો સમક્ષ મૂકી રહ્યા છે એ કોઈ આપણા જેવા આમ આદમીએ કહેલી નથી પણ હૃદયના હજારો ઑપરેશન કરી ચૂકેલા પ્રસિદ્ધ અમેરિકન હાર્ટ સર્જન ડૉક્ટર ડ્વાઇટ લન્ડૈલ દ્વારા આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાંથી લેવામાં આવી છે, જેમાં તેમણે હૃદય સંબંધી રોગ અને આપણા ખાવા-પીવા સંદર્ભે ઘણા ખુલાસા કર્યાં છે.

આ ઇન્ટરવ્યૂનો અનુવાદ વાચકો માટે કોઈ પણ પ્રકારની ટીકા-ટિપ્પણી વિના રજૂ કરી રહ્યા છીએ. તો લો સાંભળો સેંકડો હૃદયો ખોલીને એમાં સમારકામ કરી ચૂકેલા ડૉક્ટર ડ્વાઇટ લન્ડૈલના જ શબ્દોમાં:

અમે બધા હાર્ટ સર્જન અમારા પ્રશિક્ષણ, જ્ઞાન અને અધિકારને કારણે અહંકારી થઈ ગયા છીએ. આ કારણે અમે એ માનતા જ નથી કે અમે પણ ખોટા હોઈ શકીએ. જોકે હાર્ટની સર્જરીના ૨૫ વર્ષના અનુભવ અને ૫૦૦૦ ઓપન હાર્ટ સર્જરી કર્યા બાદ હવે હું એ કહેવા માગું છું કે અમે ખોટા હતા અને છીએ તેમ જ મેડિકલ અને વૈજ્ઞાનિક તથ્યો વિશે થયેલી ભૂલોને સુધારવાનો આજે મારો દિવસ છે.

અનેક પ્રમુખ ચિકિત્સક જેઓ મેડિકલ જગતના દિશાદર્શક કહેવાય છે તેમની સાથે મેં વર્ષો સુધી પ્રશિક્ષણ આપ્યું છે. વૈજ્ઞાનિક સાહિત્યો અને શિક્ષાપ્રદ પરિસંવાદોમાં નિરંતર થનારા બૉમ્બાર્ડિંગ અનુસાર અમે વારંવાર એ જતાવ્યું છે કે હૃદયરોગનું કારણ હાઈ-બ્લડ કૉલેસ્ટરોલ છે. રક્તમાં કૉલેસ્ટરોલની માત્રા અધિક હોય તો જ હાર્ટ-ડિસીઝ થાય છે.

કૉલેસ્ટરોલની માત્રા ઓછી કરવાની દવાઓનું સેવન અને આહારમાં મેદની ઓછી માત્રા એ એક જ એના માટેની સારવાર છે. અમે વારંવાર એ જ કહ્યું કે આહારમાં ચરબી કે મેદની માત્રા ઘટાડવાથી લોહીમાં કૉલેસ્ટરોલની માત્રા પણ ઓછી થઈ જશે. આના સિવાયની કોઈ પણ અન્ય પ્રકારની સલાહને અમે બસ દંતકથા માનીને ન એને માનવા માગતા હતા કે ન તો મનાવવા માગતા હતા.

પરંતુ આ બધું નિરુપયોગી સાબિત થઈ ગયું. અમારી આ માન્યતા વૈજ્ઞાનિક અને નૈતિક દૃષ્ટિથી યોગ્ય નથી. ધમનીઓની આંતરિક દીવાલમાં સોજો આવવો અને બળતરા (ઇન્ફ્લમેશન) થવી એ જ દિલની બીમારીઓનું અસલી કારણ છે, આ નવીન શોધ હવે હૃદયના વિકારો અને બીમારીઓની ચિકિત્સામાં ધીરે-ધીરે બદલાવ લાવીને જ રહેશે.

સત્ય તો એ છે કે બહુ લાંબા સમયથી ડૉક્ટરો દ્વારા આપવામાં આવી રહેલી આહાર અંગેની સલાહોએ જ મેદસ્વિતા અને મધુમેહ ડાયાબિટીઝ જેવી બીમારીઓ નિર્મિત કરી છે, જેના પરિણામ સ્વરૂપ થયેલું ભયંકર શારીરિક કષ્ટ અને આર્થિક નુકસાન આજ સુધી થયેલા કોઈ પણ વિનાશકારી પ્લેગથી અનેકગણું વધુ છે.

સરળ શબ્દોમાં કહીએ તો અગર ધમનીઓની આંતરિક દીવાલમાં ઇન્ફ્લમેશન ન હોય તો જેને હાર્ટ-ડિસીઝ અથવા હાર્ટ-અટૅક આવી શકે એવા કૉલેસ્ટરોલને જમા થવાનું કોઈ કારણ જ નથી. ઇન્ફ્લમેશન ન હોય તો કૉલેસ્ટરોલ આખા શરીરમાં કુદરતી રીતે જ આસાનીથી સંચારિત થશે. ઇન્ફ્લમેશનને કારણે જ કૉલેસ્ટરોલ ધમનીઓમાં ફસાઈ જાય છે.

શરીરમાં થનારું ઇન્ફ્લમેશન પોતાનામાં જરાય ખતરનાક નથી હોતું. ઊલટું એ કીટાણુઓ અને વાઇરસ જેવા ઘૂસણખોરોથી તમારા શરીરની રક્ષા કરવાની સહજ પ્રાકૃતિક સુરક્ષા-વ્યવસ્થા છે. આ કીટાણુઓ અને વાઇરસથી સુરક્ષા માટે શરીરમાં ઇન્ફ્લમેશનની થનારી પ્રક્રિયા બિલકુલ ઉચિત છે. જોકે લાંબા સમય સુધી શરીરમાં વિષયુક્ત તત્ત્વો જમા થવાથી અને જેને પચાવવા માટે મનુષ્યશરીર બન્યું જ નથી એવા પ્રોસેસ્ડ ફૂડનું નિરંતર સેવન કરવાથી શરીરમાં ચીરકાલીન (ક્રૉનિક) ઇન્ફ્લમેશનની હાલત બની જાય છે. ક્રૉનિક ઇન્ફ્લમેશન એટલું જ ખતરનાક છે જેટલું કે ઍક્યુટ ઇન્ફ્લમેશન લાભદાયી હોય છે.

કયો સમજદાર માનવી સ્વેચ્છાથી શરીરમાં ઝેરીલાં તત્ત્વો નિર્મિત કરનારા આહારનું સેવન કરશે? હા, સિગારેટ પીનારાઓ એવું કામ કરે છે અને એ પણ પોતાની ઇચ્છાથી. બાકી આપણા જેવા લોકો ડૉક્ટરોની સલાહ અનુસાર ઓછી ચરબીવાળો, બહુઅસંતૃપ્ત મેદયુક્ત (હાઈ ઇન પૉલિઅનસૅચ્યુરેટેડ ફૅટ) અને કાર્બોહાઇડ્રેટ જેમ કે સાકર, મેંદો અને એમાંથી બનેલા અન્ય પદાર્થોનું સેવન કરતા રહે છે એ જાણ્યા વિના કે એનાથી આપણી ધમનીઓને કેટલી હાનિ પહોંચે છે.

હું ફરીથી કહું છું કે ઓછી ચરબીવાળો આહાર કરવાની સદીઓથી દેવામાં આવી રહેલી સલાહને કારણે જ રક્તકોશિકાઓમાં ઇન્ફ્લમેશન અને જખમ થાય છે.

ક્રૉનિક ઇન્ફ્લમેશનનું સૌથી મોટું કારણ છે હાઇલી પ્રોસેસ્ડ, કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોસેસ્ડ ફૂડમાં વપરાશમાં લેવાતા ઓમેગા-૬ યુક્ત વનસ્પતિ તેલ (સોયાબીન, કૉર્ન અને સનફ્લાવર)નું વધુ પડતું સેવન.

જરા આ દૃશ્યને તમારી નજર સામે લાવો કે તમારી કોમળ ત્વચા પર સખત બ્ર્ાશથી વારંવાર અને જોરજોરથી ઘસવામાં આવી રહ્યું છે એ ત્યાં સુધી કે ત્વચા લાલ થઈને એમાંથી લોહી ન નીકળવા માંડે. આ જ રીતે તમે પાંચ વર્ષ સુધી રોજ દિવસમાં અનેક વાર ઘસતા રહો તો તમારી ત્વચાની શું હાલત થશે? અગર તમે આ રીતે પોતાની ત્વચા પર બ્ર્ાશ ઘસતા રહેવાનું સહન કરી શકો તો તમને સમજાશે કે દરેક વાર ઘસવાની સાથે ત્વચાનો એ હિસ્સો સૂજી જશે અને લોહી વહેવાથી જખમી થઈ રહ્યો છે. આ રીતે કલ્પના કરવાથી તમને સમજાશે કે તમારા શરીરની ભીતર ઇન્ફ્લમેશનની હાલત કેવો ખરાબ પ્રભાવ પાડી શકે છે.

ઇન્ફ્લમેશનની આ પ્રક્રિયા શરીરની ભીતર ચાલી રહી હોય કે બહાર એ વાતથી કોઈ ફરક નથી પડતો, બન્ને એકસરખું જ છે. મેં હજારો લોકોની ધમનીઓમાં ડોકિયું કરીને જોયું છે. એક બીમાર ધમની એવી જ દેખાય છે જાણે કોઈએ એની આંતરિક દીવાલ પર બ્ર્ાશથી ઘસ-ઘસ કર્યું હોય. દરરોજ આપણે જે આહારનું સેવન કરીએ છીએ એમાં દિવસમાં કેટલીયે વાર નાના-નાના જખમ થતા રહે છે અને એ જખમ વધુ મોટા થતા જાય છે. આ જખમ શરીરમાં ઇન્ફ્લમેશનને વધારતા રહે છે.

જ્યારે આપણે સ્વીટ-રોલનો સ્વાદ લેવા માંડીએ છીએ ત્યારે વાસ્તવમાં આપણું શરીર એ રીતે સતર્ક થઈ જાય છે જાણે કોઈ ઘૂસણખોરે યુદ્ધ માટે લલકાર કર્યો હોય. છેલ્લા છ દાયકાથી સાકરયુક્ત આહાર, કાર્બોહાઇડ્રેટ્સ અને લાંબો સમય સુધી ટકાવવા માટે ઓમેગા-૬ ઑઇલયુક્ત પ્રોસેસ્ડ ફૂડ અમેરિકન આહારનો (અને હવે ભારતીય આહારનો પણ) મુખ્ય હિસ્સો રહ્યો છે. આવો આહાર ધીમે-ધીમે ઝેર જેવું કામ કરે છે.

એક સાધારણ લાગતો સ્વીટ-રોલ ધીરે-ધીરે ઇન્ફ્લમેશન વધારીને તમને કઈ રીતે બીમાર કરી શકે છે એ જાણવું બહુ જરૂરી છે. કલ્પના કરો કે તમારા કી-બોર્ડ પર સિરપ ઢોળાઈ જાય તો એની શું હાલત થશે. આની કલ્પના કરતાંની સાથે જ તમે એ સમજી શકશો કે શરીરની કોશિકાઓમાં સ્વીટ-રોલ ખાવાથી શું થાય છે. સાકર જેવું સામાન્ય કાર્બોહાઇડ્રેટ લેતાં જ બ્લડ-શુગર એકદમ તેજીથી વધી જાય છે. પરિણામે પૅન્ક્રિયાઝ ઇન્સ્યુલિનનો સ્રાવ કરે છે. ઇન્સ્યુલિનનો પ્રમુખ ઉદ્દેશ એ જ છે કે એ બ્લડ-શુગરને ગ્લુકોઝમાં બદલી દરેક કોષ સુધી પહોંચાડી દે, જેથી ત્યાં એ ઊર્જાના રૂપમાં સંગ્રહિત કરી શકાય. અગર કોઈ કોષ પહેલાંથી જ ગ્લુકોઝથી ભરેલો હોય અને એમાં અધિક ગ્લુકોઝની જરૂર નથી તો વધારાના બ્લડ-શુગરને નકારી શકે છે. જ્યારે તમારા ભરેલા કોષ વધારાના બ્લડ-શુગરને નકારે છે તો એ વધારાનું ગ્લુકોઝ મેદના રૂપમાં શરીરમાં જુદી-જુદી જગ્યાએ સંગ્રહિત કરવામાં આવે છે.

હવે આ વાતનો ઇન્ફ્લમેશન સાથે શું સંબંધ છે? બ્લડ-શુગર શરીરમાં બહુ ઓછી માત્રામાં સંગ્રહ કરી શકાય છે. બ્લડ-શુગરના વધારાના કણ અલગ-અલગ પ્રકારનાં પ્રોટીન્સ સાથે મળીને રક્ત-કોશિકાઓની દીવાલને જખમી કરતા રહે છે. રક્ત-કોશિકાઓની દીવાલ પર વારંવાર થનારા આ સૂક્ષ્મ જખમ ઇન્ફ્લમેશન નિર્મિત કરતા રહે છે. આ રીતે તમે બ્લડ-શુગરના સ્તરને દિવસમાં અનેક વાર ઉપર-નીચે કરો છો તો આ એવું જ થઈ જાય છે જેમ આ નાજુક રક્ત-કોશિકાઓને તમે સૅન્ડ-પેપરથી ઘસતા હો. જોકે તમે એ જોઈ નથી શકતા, પણ હું કહું છું કે એવું જ થાય છે; કારણ કે મેં છેલ્લા૨૫ વર્ષમાં ૫૦૦૦ રોગીઓને તપાસીને તે બધાની ધમનીઓમાં જે એક જ લક્ષણ જોયું છે એ છે ઇન્ફ્લમેશન.

આપણે ફરી સ્વીટ-રોલ તરફ વળીએ. આ નિર્દોષ દેખાતી સુંદર ચીજમાં ફક્ત સાકર નથી હોતી, બલ્કે એ ઓમેગા-૬થી ભરપૂર સોયાબીન તેલ જેવા તેલમાં પકાવવામાં આવે છે. પ્રોસેસ્ડ ફૂડ તો ઓમેગા-૬ યુક્ત તેલમાં જ બનાવવામાં આવે છે જેથી એ લાંબા સમય સુધી ખરાબ ન થાય. જોકે ઓમેગા-૬ જરૂરી છે, કારણ કે એ કોશિકાઓમાં શું આવી-જઈ રહ્યું છે એના પર નજર રાખનારી કોશિકાઓના પાતળા આવરણનો હિસ્સો હોય છે. એમ છતાં ઓમેગા-૩ના પ્રમાણમાં એનું બરાબર સંતુલિત હોવું આવશ્યક છે. અગર બિનજરૂરી ઓમેગા-૬ને કારણે આ પ્રમાણ અસંતુલિત થઈ જાય તો કોશિકાઓનું આવરણ ઇન્ફ્લમેશન નિર્મિત કરનારું સાયટોકિન નામનું રસાયણ છોડવાનું શરૂ કરી દે છે.

આજના આહારને કારણે ઓમેગા-૩ અને ઓમેગા-૬ આ બે ચરબીયુક્તની ટકાવારીમાં અત્યંત અસંતુલન નિર્માણ થઈ ગયું છે. આ અસંતુલનનું સ્તર ઓમેગા-૬ના સંબંધમાં ૧૫:૧થી ૩૦:૧ જેટલું વધી ગયું છે, જ્યારે કે આજના આહારજગતમાં ૩:૧નું પ્રમાણ ઉચિત અને સ્વાસ્થ્યપૂર્ણ છે.

સ્થિતિઓને વધુ ખરાબ કરવા માટે એવી ચીજો ખાઈ-ખાઈને તમે જાડાપણું વધારી રાખ્યું છે. એ ઇન્ફ્લમેશનને નિર્મિત કરનારાં રસાયણોનો વરસાદ કરનારી વસાયુક્ત કોશિકાઓ બનાવતું રહે છે, જે રસાયણ હાઈ બ્લડ તેમ જ શુગરથી થનારા ધમનીઓના જખમને વધુ ઊંડા કરી દે છે. આ તથ્યથી હવે ભાગી ન શકાય કે જેટલા વધુ આપણે રેડિમેડ અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરીશું ઇન્ફ્લમેશનની સ્વિચને આપણએ એટલી વધુ થોડી-થોડી રોજ દબાવતા જઈશું. આપણું શરીર ન એને પચાવી શકે છે, ન તો આપણું શરીર સાકર અને ઓમેગા-૬ ઑઇલમાં પકાવેલી વસ્તુઓને પચાવવાને લાયક બનાવવામાં આવ્યું છે.

ઇન્ફ્લમેશનને બંધ કરાવવા માટે બસ એક જ ઉપાય છે કે એવા આહારની તરફ વળો જે આહાર આપણા પ્રાકૃતિક સ્વરૂપની નજીક હોય. માંસપેશીઓને પુષ્ટ કરવા માટે અધિક પ્રોટીન્સ ખાઓ. જેમાં વિવિધ રંગોનાં ફળો અને શાકભાજી છે એવો કાર્બોહાઇડ્રેટ્સયુક્ત આહારને પસંદ કરો. ઇન્ફ્લમેશનને પ્રભાવિત કરનારા ઓમેગા-૬ યુક્ત કૉર્ન ઑઇલ કે સોયાબીન ઑઇલ અને એમાં બનાવેલા પ્રોસેસ્ડ ફૂડને ઓછાં કરો અથવા છોડી દો.

એક ટેબલસ્પૂન કૉર્ન ઑઇલમાં ૭,૨૮૦ મિલિગ્રામ અને એક ટેબલસ્પૂન સોયાબીન ઓઇલમાં ૬,૯૪૦ મિલિગ્રામ ઓમેગા-૬ હોય છે. એટલા માટે એને બદલે ઑલિવ ઑઇલ અથવા દેશી ઘીનો ઉપયોગ કરો.

એનિમલ ફૅટમાં ૨૦ ટકાથી પણ ઓછું ઓમેગા-૬ હોય છે અને એનિમલ ફૅટ પૌષ્ટિક ગણાનારા અને પૉલિઅનસૅચ્યુરેટેડ લેબલ લાગેલાં તેલોથી ઓછા જ ઇન્ફ્લમેશન માટેનું કારણ બને છે.

ચરબીયુક્ત ખોરાકનું સેવન જ હૃદયરોગોનું એકમાત્ર કારણ છે એ વાતને સાયન્સના નામ પર સદીઓથી તમારા દિમાગ પર વારંવાર ઠોકી-વગાડીને કહેવામાં આવી છે, પરંતુ હવે એ વાત કોઈ અર્થ નથી રાખતી. વસાપૂર્ણ આહાર રક્તમાં કૉલેસ્ટરોલની માત્રાને વધારે છે એ વાતમાં પણ હવે કોઈ તથ્ય નથી રહી ગયું. હવે તો આપણે બધા જાણીએ છીએ કે હૃદય-વિકારો માટે કૉલેસ્ટરોલ કારણ નથી. આ માન્યતા હવે નકામી થઈ ચૂકી છે કે હૃદય-વિકારો માટે વસાયુક્ત આહાર કારણ છે.

કૉલેસ્ટરોલ વધવાથી હૃદય-વિકાર થાય છે એ ગેરસમજને કારણે જે વસારહિત અને ઓછા વસાયુક્ત આહારનું સૂચન કરવામાં આવે છે એને કારણે આજે ધમનીઓમાં ઇન્ફ્લમેશન નિર્મિત કરનારા તથાકથિત આહારનું સેવન વધી ગયું છે. મુખ્યરૂપે પ્રચલિત મેડિકલ સાયન્સે જ્યારે લોકોને સલાહ આપી કે ઓમેગા-૬થી યુક્ત વસાપૂર્ણ આહારને ટાળો ત્યારે એ સલાહ એક જબરદસ્ત ભૂલ થઈ ગઈ. આ ખોટી સલાહને કારણે હવે આપણે ધમનીઓમાં ઇન્ફ્લમેશનને કારણે થનારા હૃદયરોગો અને અન્ય છુપાયેલા મારક રોગોનો સામનો કરવો પડી રહ્યો છે.

હવે તો તમે એ જ કરી શકો છો કે એ જ આહાર ખાઓ જે તમારી દાદી બનાવતી હતી અને જે આહાર તમારી મમ્મી દુકાનોમાંથી રેડિમેડ પકેટ્સ લાવીને બનાવે છે એને ગુડ બાય કહો. ઇન્ફ્લમેશન કરનારા આહારને વિદાય કરીને તાજી ચીજવસ્તુઓથી બનાવેલા પૌષ્ટિક આહારનું સેવન કરવાથી તમારી ધમનીઓની અને તમારા સંપૂર્ણ શરીરની પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી સદીઓથી જે હાનિ થઈ છે એ ઠીક થઈ જશે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=165046


http://www.quackwatch.org/11Ind/lundell.html

Umesh Kapadia  6/13/2015
Your above article is very misleading to readers. Please visit the following link: http://www.quackwatch.org/11Ind/lundell.html





બ્લેક મનીને વ્હાઇટમાં ફેરવવા નાના સ્ટોક્સમાં મોટી ગેમ

એનાલિસિસ - શ્રીવાણી આર


શેરબજારના નાણાંનો ઉપયોગ ટેરરીઝમ મની માટે થતો હોવાની અને ટેરરિસ્ટ શેરબજારમાં નાણાં રોકતા હોવાની આશંકાઓ તો ઘણા સમયથી ચર્ચાઇ રહી છે અને તપાસ એજન્સીઓ તેની તપાસ પણ ચલાવી રહી છે. જોકે, હવે મની લોન્ડરિંગની પાકી શંકા

જન્મી છે.

માર્કેટ રેગ્યુલેટર સેબીએ નાના અને મધ્યમ એકમો (એસએમઇ)ના શેર અને કરન્સી ઓપ્શન્સના ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગની તપાસ શરૂ કરી છે. આ પ્રકારના ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ મની લોન્ડરિંગ અને કરચોરી માટે થયો હોવાનો અંદાજ છે. ખાસ કરીને કાળાં નાણાં ધરાવતા લોકો એક્સ્ચેન્જિસના એસએમઇ ટ્રેડિંગ પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યા હોવાની

શક્યતા છે.

ટ્રાન્ઝેક્શનમાં સહભાગી બનનાર સામેની વ્યક્તિ ખોટો ખર્ચ કે નુકસાન દર્શાવવા માટે કાયદેસરની આવકના અમુક નાણા બ્લેક મનીમાં ફેરવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ અગ્રિમ તબક્કામાં છે. ઉલ્લેખનીય છે કે, નાના અને મધ્યમ એકમો સરળતાથી ભંડોળ એકત્ર કરી શકે એ માટે સેબી અને એક્સ્ચેન્જિસે એસએમઇ પ્લેટફોર્મ શરૂ કર્યું હતું. જોકે, કેટલાકે આ હળવા નિયમોનો મની લોન્ડરિંગ દુરુપયોગ કર્યો હોવાનું જણાય છે.

એક ટ્રેડરના જણાવ્યા અનુસાર સમગ્ર પ્રક્રિયા કંપનીની નોંધણી અથવા કાર્યરત ફર્મના લિસ્ટિંગની તૈયારીથી શરૂ થાય છે. ઉદાહરણ તરીકે, બ્લેક મનીને વ્હાઇટમાં ફેરવવા ઇચ્છુક વ્યક્તિને શેર રૂ.૨૫ના ભાવે ફાળવાય છે.

વાસ્તવમાં તે શેરના રૂ. ૫૦૦ ચૂકવે છે, રૂ. ૨૫ ચેકથી (કાયદેસરની આવકમાંથી) અને રૂ. ૪૭૫ રોકડા. ત્યાર પછી શેરનું મૂલ્યાંકન રૂ. ૨૫ નક્કી કરાય છે. આ તમામ પ્રક્રિયા લિસ્ટિંગ પહેલાં કરાય છે. કંપનીનું લિસ્ટિંગ શેર દીઠ રૂ. ૨૫ના ભાવે કરવામાં આવે છે.

લિસ્ટિંગ પછી પ્રમોટર્સ અને નજીકનાં વર્તુળો શેરનો ભાવ ઉછાળી રૂ. ૫૦૦ કે વધુ કરે છે. એટલે કંપની અનલિસ્ટેડ હતી ત્યારે રૂ. ૨૫ના ભાવે શેર ખરીદનાર રૂ. ૫૦૦ના ભાવે શેર વેચે છે. તે સારી રીતે જાણતો હોય છે કે, શેરનું મૂલ્ય નજીવું છે. તેને ટ્રેડિંગની કાયદેસરની આવક પેટે રૂ. ૫૦૦ કરોડ મળે છે. તેણે આટલાં જ નાણાં કંપનીના પ્રમોટરને લિસ્ટિંગ પહેલાં આપેલાં હોય છે. આવી રીતે બ્લેક મની વ્હાઇટ થાય છે.

જોકે, એક્સ્ચેન્જ પર શેરની ખરીદી કોણ કરે છે? સમગ્ર ડીલના હેતુને સારી રીતે સમજનાર ખરીદદાર અલગ ઇરાદાથી સક્રિય બને છે. તે બિલકુલ ઊંધી પ્રક્રિયા (શેર વેચનારથી) કરે છે. આ વ્યક્તિ એક્સ્ચેન્જ પરથી રૂ. ૫૦૦માં શેર ખરીદી મૂળ પ્રમોટર પાસેથી શેર દીઠ રૂ. ૪૭૫ મેળવે છે. એક્સ્ચેન્જ પર શેરની ખરીદીથી તેની કરપાત્ર આવકમાં ઘટાડો થાય છે. સમગ્ર સોદામાં પ્રમોટર મધ્યસ્થીનું કામ કરે છે. તે પહેલી વ્યક્તિ (બ્લેક મની વ્હાઇટ કરનાર) પાસેથી રોકડ લે છે અને બીજી વ્યક્તિ (વ્હાઇટ મની બ્લેક કરનાર)ને આપે છે.

ડીલ પૂરી થયા પછી શેરમાં વોલ્યુમ ઘટે છે અને શેર લિસ્ટિંગ ભાવના સ્તરે અથવા તેની નીચે ગબડે છે. કંપની ક્યારેક જ પ્રમોટર બદલાયા હોવાની માહિતી એક્સ્ચેન્જને આપે છે. એક્સ્ચેન્જના એક ભૂતપૂર્વ અધિકારીના જણાવ્યા અનુસાર કરન્સી ઓપ્શન્સની ગેમ વધુ સરળ અને સ્માર્ટ છે. ટ્રેડરના જણાવ્યા અનુસાર ટ્રાન્ઝેક્શનમાં કંપની સ્થાપવાની, લિસ્ટિંગ માટે અરજી કરવાની કે ડિમેટ ખાતું ખોલવાની જરૂર હોતી નથી.

ઉપરાંત, ટ્રાન્ઝેક્શન ખર્ચ પણ ઓછો હોય છે. આઉટ ઓફ મની ઓપ્શન્સમાં એકથી વધુ ટ્રેડ કરીને ઓપ્શન ખરીદનાર બ્લેક મનીનું વ્હાઇટમાં રૂપાંતર કરે છે. સમગ્ર રૂપાંતર એક કે બે સોદામાં થતું નથી. કોલ ઓપ્શન ખરીદનાર લે-વેચના સોદા કરે છે અને દર વખતે ઓછી રકમનું પ્રોફિટ-બુકિંગ પણ કરે છે. સમગ્ર ડીલ ઘણાં ટ્રાન્ઝેક્શનમાં કરાય છે, જેથી કોઈનું ધ્યાન ન ખેંચાય.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=167158