Tuesday, June 9, 2015

એક હતો ચકો ને એક હતી ચકી... --- ચંદ્રકાંત બક્ષી

એક હતો ચકો ને એક હતી ચકી. ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી દાળનો દાણો... અથવા ઊલટું પણ ચાલે. ચકીએ એની ખીચડી રાંધી અથવા બંનેએ મળીને એની ખીચડી રાંધી, ચૂલે ખીચડી મૂકીને ચકી પાણી ભરવા ગઈ. ચકી ગઈ એટલે ચકો ખીચડી ખાઈ ગયો અને આંખે પાટા બાંધીને સૂઈ ગયો. ચકી પાણી ભરીને આવી ત્યારે તપેલું ખાલી! ચકીએ કહ્યું: ચકારાણા, ચકારાણા! આ ખીચડી કોણ ખાઈ ગયું. ચકાએ કહ્યું કે રાજાનો કૂતરો ખાઈ ગયો હશે! ચકી રાજા પાસે ફરિયાદ કરવા ગઈ, રાજાજી તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો... અને...

ગુજરાતી ભાષાની આ સર્વશ્રેષ્ઠ વાર્તા છે એવો મારો મત છે. પચાસ વર્ષ પહેલાં દાદીમા, પચીસ વર્ષ પહેલા બા, દસ વર્ષ પહેલાં મમ્મી અને બે વર્ષ પહેલાં મમ્મા હતી એ દરેકે ગુજરાતી સ્ત્રીએ આ વાર્તા એના સંતાનની વિસ્મયથી ચકમતી આંખોમાં જોઈને કહી છે! એ વાર્તાની બધાને ખબર છે અને દરેક બાળકે એકથી વધારે વાર સાંભળી છે અને એટલું જ વિસ્મય થયું છે. આ વાર્તા દરેક બેબીએ સાંભળી છે અને એ બેબી મમ્મી બની છે ત્યારે એણે પોતાની બેબી કે બાબાને સંભળાવી છે! આ વાર્તા એકસો ટકા ગુજરાતી છે.

કોઈ પણ મહાન કૃતિ એટલા માટે મહાન ગણાય છે કે દરેક વાચક અથવા શ્રોતા અથવા ભાવક એનું પોતાનું અર્થઘટન કરી શકે છે. છ વર્ષની બેબી હોય કે છોંતેર વર્ષનો વૃદ્ધ હોય, ચકો અને ચકીની ટ્રેજેડી જરૂર અર્થ સમજાવી જાય છે અને એનો અર્થ વિસ્મયથી અનુભૂતિ સુધીના ફલક પર ફેલાઈ જાય છે. એમાં હીરો છે, હીરોઈન છે, નાયક - નાયકની સાથે પ્રતિનાયકના સ્વરૂપમાં ખલનાયક બની જતો નાયક પણ છે અને વિલન છે. આરોપિત વિલન છે, રાજા જેવી ત્રાહિત વ્યક્તિ છે. પ્લોટ માટેનો પદાર્થ ‘ખીચડી’ છે. યંત્રણા છે, છળ છે, સસ્પેન્સ છે, ભયંકરનું પરિણામ છે, ટ્રેજિક રોમાન્સ છે, ટ્રેજેડી છે અને અંતે સ્પેનિશમાં કહેવાય છે એ ‘કુ દ ગ્રેસ’નું તત્ત્વ અથવા બુલફાઈટમાં આખલા મારી નાખવા માટે જે છેલ્લો પ્રહાર થાય એ પણ છે.

વાર્તા બધા જ માપદંડો પ્રમાણે સંપૂર્ણ છે, નહિ તો બાળકો સ્વીકારે નહિ! વાર્તા એકથી વધુ વાર વાચન કે શ્રવણની કસોટીમાંથી પસાર થઈ શકે એ જ કોઈ પણ વાર્તા માટે ઊંચામાં ઊંચું કીર્તિમાન છે અને વિવેચકો આ વાર્તાને હજી સ્પર્શી શક્યા નથી. ચકો અને ચકી વિવેચનથી પર છે...

...અને રાજાએ કાળિયા કૂતરાને બોલાવ્યો. રાજા કહે: ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો? કૂતરો કહે, મેં ખીચડી નથી ખાધી. એ તો ચકોએ ખાધી હશે. એ ખોટું બોલતો હશે. ચકાને બોલાવ્યો. એણે કહ્યું, કૂતરાએ ખાધી હશે, એટલે રાજાએ સિપાઈને બોલાવ્યો: પેટ કાપો બંનેનાં! કોણે ખીચડી ખાધી છે એ ખબર પડશે. ચકો ધ્રૂજવા માંડ્યો. ખીચડી મેં ખાધી છે. એક ગુનો માફ કરો. રાજાએ ચકાને કૂવામાં ફેંકાવી દીધો. ચકી કૂવાના કાંઠા પર બેસીને રડવા લાગી.

એક ગાયોનો ગોવાળ નીકળ્યો: ગાયોના ગોવાળ! ગાયોના ગોવાળ! મારા ચકારાણાને કાઢે તો તને ખીર ને પોળી ખવડાવું અને કોઈ રોકાતું નથી. ગાયોનો ગોવાળ... ભેંસોનો ગોવાળ... બધા જ ચાલ્યા જાય છે. અંતે સાંઢિયાની ગોવાલણને યાદ આવે છે, એ ચકાને કૂવામાંથી કાઢે છે. ચકી એને પોતાને ઘેર લઈ આવે છે. એ ખીર ને પોળી બનાવવા બેસે છે, જમવાનો વખત થાય છે...

કથાને આદિ છે, મધ્ય છે, અંત છે. ગોવાળ રોકાતા નથી, ગોવાલણ મદદે આવે છે. પાત્રો છે અને વિશિષ્ટ પાત્રાલેખન છે, દરેક પાત્રનું આલેખન અને આવર્તન વ્યવસ્થિત છે. ચરિત્રચિત્રણ લાક્ષણિક છે. લોકાલ બદલાતું રહે છે, ઘર છે, રાજદરબાર છે, ઊંડો કૂવો છે, અંતે ફરી ઘર આવે છે. પ્રયોગ ‘સાઈકલિકલ’ છે, જ્યાં કથાનું આરંભબિંદુ છે ત્યાં જ અંતબિંદુ વિરમે છે. શ્રોતા કે વાચકને ક્રોધ, અનુકંપા, થડકાર, આનંદ, વિસ્મય થઈ શકે છે અને કથાના શબ્દાર્થની પાછળ પાછળ જીવનના રૂપકનો પણ એક ગૂઢાર્થ નીકળતો જાય છે.

ચકાએ લોખંડનો પાટલો ગરમ કરીને લાલચોળ બનાવ્યો અને કહ્યું: ગોવાલણબાઈ! આ સોનાને પાટલે બેસો. ગોવાલણ બેસવા ગઈ અને દાઝી ગઈ. એ તો બિચારી બોલતી બોલતી ભાગી, ખીર ન ખાધી, હું તો દાઝી!... અને વાર્તા પૂરી થઈ ગઈ પૂરી!

મેં મહેન્દ્ર મેઘાણીને પૂછ્યું હતું: આ વાર્તા ગિજુભાઈએ લખી છે? એમનો ઉત્તર હતો: આ લોકવાર્તા છે. એમાં ભાષાના જાતજાતના ફેરફારો થયા છે, પણ કથાનક એ જ ટકી રહ્યું છે.

અંગ્રેજી ભાષામાં બાળકો માટે લખાયેલી અમર કૃતિ ‘એલિસ ઈન વલ્ડરલેન્ડ’ છે, જેમાં હમ્પટી-ડમ્પટીનું ઇંડાકાર ગોળ પાત્ર દીવાલ પર બેસે છે, તૂટી જાય છે. બાળકોને મજા પડે છે અને આપણી આંખોમાં આંસુ આવી જાય છે. હમ્પટી-ડમ્પટી ‘એગહેડ’ છે અને અંગ્રેજીમાં આ ઈંડાકારનો અર્થ થાય છે: બુદ્ધિજીવી કે બૌદ્ધિક!

આપણે બૌદ્ધિકો આપણી દીવાલો પર ચડી બેસીએ છીએ. બેસી શકતા નથી. ગબડી પડીએ છીએ, આપણો નાશ થાય છે. આપણે આપણી દીવાલને પણ અનુકૂળ થઈ શકતા નથી, આપણું બંધારણ, આપણો આકાર જ એવો છે કે આપણે અસ્થિર થઈ જઈએ! મૂળ લીટીઓ સરસ છે: હમ્પટી-ડમ્પટી સેટ ઓન ધ વૉલ/ હમ્પટી-ડમ્પટી હેડ એ ગ્રેડ ફોલ/ઓલ ધ કિંગ્સ મેન એન ઓલ ધ કિંગ્સ હોર્સીસ/ કુડ નોટ પૂટ હમ્પટી-ડમ્પટી ટુગેધર એગેન...

આપણે હમ્પટી-ડમ્પટી છીએ. આપણી પોતાની ઊંચાઈ પરથી ગબડીને ચૂર ચૂર થઈ જઈએ છીએ. રાજાના માણસો અને રાજાના ઘોડા આવે છે, પણ હવે આપણને દીવાલ પર નહિ બેસાડી શકે!

ચકો અને ચકીની વાત મને એટલી જ મહાન લાગી છે. માંડ માંડ ભેગા કરેલા એક ચોખાના દાણા અને એક દાળના દાણાની આપણી ખીચડી બની છે. જિંદગીભરની મહેનત હોય છે અને ચકો ખાઈ જાય છે, પાટા બાંધીને સૂઈ જાય છે, રાજાના કાળા કૂતરાની વાત કરે છે. રાજાના દરબારમાં આપણા ચકાના સાચા સ્વરૂપની આપણને ખબર પડે છે અને એને કૂવામાંથી બહાર પણ કાઢવો પડશે. જીવન છે ત્યાં સુધી જીવવું પડશે. ગાયોના અને ભેંસોના અને બકરાના ગોવાળો... પૂરી દુનિયા પસાર થઈ જાય છે અને અંતે જે તારક છે એને જ એ ચક્રો દઝાડે છે. ભગાડી મૂકે છે. કાલ ફરીથી પડશે. એક ચોખાનો અને એક દાળનો દાણો બંનેએ ભેગો કરવો પડશે, પાણી ભરવા જવું પડશે. કદાચ રાજાનો કાળિયો કૂતરો હવે આવીને ખરેખર ખીચડી ખાઈ જશે... કદાચ રાજાના કાળિયા કૂતરાને ચકી જ જઈને ખીચડી ખવડાવી આવશે, કદાચ એ વખતે ચકીએ આંખે પાટા બાંધી લીધા હશે...

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=161304

No comments:

Post a Comment