Thursday, January 28, 2016

બ્રહ્માંડ ન્યુટ્રિનોનો મહાસાગર: કોઈ રોકટોક નહીં -- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

આ વર્ષનું નોબેલ પ્રાઈઝ બે વિજ્ઞાનીઓને આપવામાં આવ્યું છે. એક જાપાનના છે અને બીજા કેનેડાના. આ બંને વિજ્ઞાનીઓએ એમ શોધી કાઢ્યું અને સાબિત કર્યું કે ન્યુટ્રિનોને દળ છે. તે દળ વગરના કણો નથી. એ પહેલાં ત્રણ વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું હતું કે ન્યુટ્રિનો ત્રણ પ્રકારનાં છે અને તે જે સ્ત્રોતમાંથી નકળે છે ત્યારે રસ્તામાં તે તેની જાત બદલે છે, માટે પૃથ્વી પર આવતા ન્યુટ્રિનોની ગણતરીનો તાળો મળતો આવતો નથી. ન્યુટ્રિનોના ત્રણ પ્રકારમાં ઈલેક્ટ્રોન ન્યુટ્રિનો, મ્યુઓન ન્યુટ્રિનો અને ટાઉ ન્યુટ્રિનોો છે. આ બધા ન્યુટ્રિનો વળી પ્રતિપદાર્થકણો છે. આમ ન્યુટ્રિનોના કુટુંબમાં છે ન્યુટ્રિનો છે. જોવાનું એ છે કે ન્યુટ્રિનો અને તેનો પ્રતિપદાર્થ બંને એક જ છે. 

ન્યુટ્રિનો ૧,૬૦૦૦૦ અબજ કિલોમીટરની દીવાલમાંથી પસાર થઈ જાય છે તો આવી જાડી દીવાલ પણ તેને રોકી શકતી નથી. તો દીવાલની સાથે જરાપણ ઘર્ષણમાં ઊતરતો નથી અને પસાર થઈ જાય છે. તેથી તે બ્રહ્માંડના છેડેથી પણ પૃથ્વી પર આવી શકે છે. તે જરા પણ રોકટોક વગર પૂરા બ્રહ્માંડમાં વિહાર કરે છે. તે કોઈ પણ પદાર્થમાં શોષાતો નથી. તે કોઈ પણ પદાર્થની સાથે ગતિવિધિ કરતો નથી, નથી સંઘર્ષમાં ઊતરતો. તે વિરકત છે. તેને કોઈ પણ વસ્તુનો રંગ લાગતો નથી. તે નાશ પામતો ન હોઈ અને પૂરા બ્રહ્માંડમાં વિહાર કરતો હોવાથી તે બ્રહ્માંડનો ખરો મેસેન્જર (સંદેશવાહક) છે, તે લગભગ પ્રકાશની ગતિથી ચાલે છે. તેને નહિવત્ પદાર્થ તો છે. આ ન્યુટ્રિનો બ્રહ્માંડનું મોટું રહસ્ય છે અને તે આપણને બ્રહ્માંડનું રહસ્ય બતાવી શકે છે. તે કાંઈ જ નથી પણ કાંઈક છે. હકીકતમાં તે સર્વસ્વ છે. 

ન્યુટ્રિનોનું નામ પાડનાર વિખ્યાત અણુવિજ્ઞાની એન્રીકો ફર્મી હતા. ન્યુટ્રિનોના અસ્તિત્વની આગાહી વિખ્યાત ભૌતિકશાસ્ત્રી વોલ્ફગાંગ પૌલીને ૧૯૩૦માં કરી હતી, પણ તેની શોધ છેક ૧૯૫૬માં થઈ પણ ત્યારથી માંડી ૫૯ વર્ષ પછી તેને વિજ્ઞાનીઓ સમજ્યા અને ઓળખવા પામ્યાં છે. તેને નહીંવત્ પદાર્થ () છે, પણ તે લગભગ ઊર્જારૂપમાં છે.

ન્યુટ્રિનોેક્ષેત્રે કાર્ય કરતા કેટલાય વિજ્ઞાનીઓને નોબેલ પ્રાઈઝ મળ્યા છે. એક જ ક્ષેત્રમાં ત્રણ નોબેલ પ્રાઈઝ દેવાયા છે તે જ દર્શાવે છે કે આ વિષય કેટલો અગત્યનો છે. 

ભૌતિકશાસ્ત્રીઓએ ગણતરી કરી કે સૂર્યમાંથી કેટલા ન્યુટ્રિનો મળવા જોઈએ, પણ જે પૃથ્વી પર આવે છે તેની સંખ્યા તો અડધી કે એક તૃતીયાંશ જ છે. તો તેમને થયું કે આ ગુમ થયેલા ન્યુટ્રિનોે જાય છે ક્યાં? આ કોયડો લગભગ ૪૦ વર્ષ સુધી ભૌતિકશાસ્ત્રીઓને પજવતો રહ્યો. પછી વિજ્ઞાનીઓને ખબર પડી કે રસ્તામાં ન્યુટ્રિનોો તેની જાત બદલે છે અને આ બધી જાતનો તાળો મેળવીએ તો ખબર પડે કે સૂર્યમાંથી પૃથ્વી પર આવતા ન્યુટ્રિનોની સંખ્યા બરાબર છે. 

ન્યુટ્રિનો તારાના ગર્ભભાગમાં, મહાતારાનો વિસ્ફોટ થાય ત્યારે, મંદાકિનીના કેન્દ્ર વગેરે જગ્યામાં ઉત્પન્ન થઈ બહાર પડે છે, દર સેક્ધડે અબજો ન્યુટ્રિનો આપણા શરીરમાંથી કે પૃથ્વીમાંથી પસાર થઈ જાય છે. આપણને ખબર પણ પડતી નથી હવે પૂરેપૂરી ન્યુટ્રિનો એસ્ટ્રોનોમી ઉત્પન્ન થઈ છે. તેમાં ભારતનું પણ યોગદાન રહ્યું છે. દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં ભારતના નેતૃત્વ નીચે ન્યુટ્રિનોે ઓબ્ઝર્વેટરી ઊભી કરવામાં આવી છે, પણ સ્થાનિક લોકો માને છે કે તે નુકસાનકારક છે. તેમને સમજ નથી કે આ કેટલું મોટું કાર્ય ભારતમાં થઈ રહ્યું છે. જેમ નર્મદા પર સરદાર સરોવર ડેમ બાંધવામાં એક્ટિવિસ્ટોએ વાંધો લીધો હતો. તેવો જ વાંધો ભારત સ્થાપિત ન્યુટ્રિનો વેદ્યશાળાની આજુબાજુના માણસો સમજ્યા વગર કોઈના ચઢાવે વાંધો લઈ રહ્યા છે. સરકાર જ્યાં અણુમથક નાખે છે ત્યાં પણ લોકો સમજ્યા વગર વાંધો લે છે. તે દેશને નુકસાનકારક છે. ન્યુટ્રિનો સર્વવ્યાપી છે. પૂરું બ્રહ્માંડ ન્યુટ્રિનોથી ભરેલું છે. ન્યુટ્રિનો અજર-અમર ઊર્જા છે. હકીકતમાં આપણે ન્યુટ્રિનોના મહાસાગરમાં દરેક ક્ષણે નાહી રહ્યા છીએ. જેટલા ન્યુટ્રિનો આપણા શરીરમાં કે પૃથ્વીમાં એક બાજુથી પ્રવેશે છે તેટલાં જ તે બીજી બાજુથી બહાર નીકળે છે.

આવા ન્યુટ્રિનોની શોધ કેવી રીતે થઈ હશે? યુરેનિયમ જેવા રેડિયો-એક્ટિવ પદાર્થના વિસર્જનમાં છેક અણુના ગર્ભભાગમાં આ ન્યુટ્રિનો ઉત્પન્ન થાય છે. તેની સાથે સાથે આલ્ફા પદાર્થકણો (હિલીયમ અણુનું નાભિ) બીટા પદાર્થકણો (ઈલેક્ટ્રોન્સ) બહાર પડે છે. આ ક્રિયામાં કુલ ઊર્જાનો તાળો મેળવીએ તો બેસે નહીં. આ તાળો મેળવવાના પ્રયત્નમાં વોલ્ફગાંગ પૌલી નામના ભૌતિકશાસ્ત્રીએ ધારણા કરી કે આ ક્રિયામાં એવો પદાર્થકણ બહાર પડતો હોવો જોઈએ જેને નથી દળ કે નથી વિદ્યુતભાર, ત્યારે બીજા વિજ્ઞાનીઓને આ વાત ગમી નહીં કે વળી એવો પદાર્થ હોઈ શકે જેને નથી દળ (Mass) કે નથી વિદ્યુતભાર. આ તો પૌલીના મગજની કલ્પના છે. આવું બની શકે જ નહીં. તો પૌલીએ કહ્યું કે જો આવું ન બનતું હોય તો શક્તિસંચય, વેગમાન સંચય, કોણીયવેગમાન સંચયના નિયમો ખોટા પડે અને આ બધા નિયમો તો પૂર્ણ રીતે પ્રસ્થાપિત છે. તો વાંધો લેનારા વિજ્ઞાનીઓએ કહ્યું કે ભલે બધા સંચયના નિયમો ખોટા પડે. અમે તે સ્વીકારવા તૈયાર છીએ પણ નવો પદાર્થકણ કે જેને નથી દળ કે નથી વિદ્યુતભાર તેને સ્વીકારવા અમે તૈયાર નથી. કદાચ તેના પાછળ બીજાં કારણો પણ હોય. આમ ૧૯૩૦થી ૧૯પ૬ સુધી આવી ચર્ચાઓ ચાલી પણ ૧૯પ૬માં બ્રુકહેવન વેદ્યશાળાના રીએક્ટરની નજીક ન્યુટ્રિનો શોધાયાં, ત્યારે તેમના વાંધા નકામા બની ગયાં. આમ વિજ્ઞાનમાં સાચી શોધનો પણ જલદી સ્વીકાર થતો નથી અને ઘણી વાર ખોટી શોધોનો જલદી સ્વીકારક થઈ જાય છે. હકીકતમાં ન્યુટ્રિનોની શોધ ન્યુટ્રિનો નામના વિદ્યુતભાર વગરના ભારે પદાર્થકણોની શોધ થયા પહેલા થઈ હતી. પ્રારંભે ન્યુટ્રિનોનું નામ ન્યુટ્રિનો જ પૌલીએ પાડ્યું હતું, પણ ન્યુટ્રિનો શોધાયા પછી તેનું નામ ન્યુટ્રિનો રાખવામાં આવ્યું. ન્યુટ્રિનો અણુ-પરમાણુના ગર્ભભાગમાંથી આવતા હોઈ તે બ્રહ્માંડનું ઊંડું રહસ્ય લઈને બેઠાં છે. તેમનો અભ્યાસ આપણને પદાર્થ (matter)ના અણુના ગર્ભભાગના રહસ્યને બતાવી શકે છે. ન્યુટ્રિનો કોઈ પણ બંધનથી મુક્ત હોવાથી તેને પકડવો અઘરો છે. આ વખતે આપણને યાદ આવે શંકરાચાર્ય જેમણે કહ્યું.

અહં નિર્વિકલ્પો નિરાકતરૂપો

વિભૂર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણી

સદામે સમત્વ ન મુક્તિર્નબન્ધ:

ચિદાનંદરૂપો શિવોહમ્ શિવોહમ્

ઉપરોક્ત શંકરાચાર્યની વાત ન્યુટ્રિનોને બરાબર લાગુ પડે છે. બ્રહ્મન્ કેવું હોય તેની ન્યુટ્રિનો આપણને ઝાંખી કરાવી શકે છે. હકીકતમાં તે બ્રહ્મન્ સ્વરૂપ છે, કારણ કે તે કોઈની પણ સાથે ગતિવિધિ (interaction) કરતો નથી.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=178225

No comments:

Post a Comment