આપણે સવારે ઊઠીએ ને સૂર્યોદય થાય. હકીકતમાં સૂર્યોદય થાય અને સવાર થાય અને આપણે ઊઠીએ. સૂર્યોદય બરાબર નિયમિત રીતે થાય. કોઈ પણ એક દિવસ એવો ન હોય જે દિવસે સૂર્યોદય ન થાય. હાં, વાદળા હોય તો સૂર્યના દર્શન ન થાય તે જુદી વાત છે. તેવી જ રીતે સૂર્યાસ્ત પણ નિયમિત રીતે થાય છે. રાત્રે ચંદ્રોદય પણ નિયમિત રીતે થાય છે અને સવારે ચંદ્રાસ્ત પણ નિયમિત રીતે થાય છે. સૂર્ય અને ચંદ્રની આકાશમાં થાળીઓ લગભગ સમાન લાગે છે પણ તેમની સાઈઝ સમાન નથી. ઘણા લોકો માને છે કે સૂર્ય અને ચંદ્ર સમાન સાઈઝના છે અને બંને સૂર્યો છે. એક દિવસનો અને એક રાતનો, સૂર્ય, ચંદ્ર કરતાં કદ ()માં ૮ કરોડ ૩૨ લાખ ગણો મોટો છે અને પૃથ્વી કરતાં કદ ()માં ૧૩ લાખ ગણો મોટો છે. સૂર્ય સ્વયંપ્રકાશિત તારો છે. જ્યારે ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. ચંદ્ર સ્વયં-પ્રકાશિત નથી, ચંદ્ર પૂર્ણિમાને દિવસે પૃથ્વીના સંદર્ભે સૂર્યની બરાબર સામે આવી જતો હોવાથી પૂર્ણ દેખાય છે. હકીકતમાં તે અર્ધ છે. ચંદ્રના ગોળાનો એક અર્ધ ભાગ જ આપણને દેખાય છે. ચંદ્રની ગતિ એવી છે કે તેનો એક જ અર્ધગોળો પૃથ્વી સમક્ષ રહે છે. સૂર્ય, પૃથ્વીના સંદર્ભે ચંદ્ર કળા કરતો દેખાય છે. અમાસને દિવસે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જતો હોવાથી અને તે સ્વયંપ્રકાશિત ન હોવાથી રાતે ગાયબ થયેલો લાગે છે. હકીકતમાં તે ગાયબ થતો નથી. આકાશમાં જ હોય છે પણ તેનો જે ભાગ પૃથ્વી સામે છે તેના પર સૂર્યપ્રકાશ પડતો નથી માટે તે દેખાતો નથી.
ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે અને નિયમિત રીતે કળા કરે છે. ચંદ્રને પૃથ્વીની એક પરિક્રમા પૂરી કરતા જે સમય લાગે છે તે જ સમય તેને કળાનું ચક્ર પૂરું કરતાં થાય છે એને આપણે મહિનો કહીએ છીએ. ચંદ્ર જે કળા કરે છે તેથી જ પુરાતન માનવીને સૌપ્રથમ સમયનો વિચાર આવ્યો. આમ ચંદ્ર નિયમિત કળા કરે છે. સૂર્ય અને ચંદ્રે સૌપ્રથમ આપણને સમયનું ભાન કરાવ્યું અને નિયમિતતા અર્પી. આમ આપણને બ્રહ્માંડમાં નિયમિતતાના પ્રથમ દર્શન કરાવનાર સૂર્ય અને ચંદ્ર છે.
શું સૂર્યોદય-સૂર્યાસ્ત, ચંદ્રોદય-ચંદ્રાસ્તે આપણને નિયમિતતા આપી? બ્રહ્માંડમાં જે સાચું છે તે ઘણીવાર દેખાતું નથી અને દેખાય છે તે ઘણીવાર સાચું હોતું નથી. સૂર્ય અને ચંદ્રે આપણને નિયમિતતા આપી જ નથી. નિયમિતતા આપનાર આપણી પૃથ્વી છે. તે તેની ધરી પર ગોળ ગોળ ફરે છે અને સ્વયંપ્રકાશિત નથી અને ગોળો છે માટે દિવસ-રાત થાય છે. એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્તની નિયમિતતા આપનાર સૂર્ય અને ચંદ્ર નથી પણ પૃથ્વી પોતે જ છે.
દિવાળી આવે ઠંડીની ઋતુ શરૂ થાય. હુતાશની આવે વસંતઋતુ આવે પછી ઉનાળો આવે અને પછી વર્ષાઋતુ શરૂ થાય. ઋતુઓને આ નિયમિતતા કોણે અપી? પૃથ્વીની વાંકી ધરીએ. બોલો લો. પૃથ્વી થોડી વાંકી વળી ગઈ અને આપણને ઋતુઓની નિયમિતતા મળી ગઈ. વર્ષની નિયમિતતા જે આપણને મળી છે તે છેવટે તો પૃથ્વીએ જ તો આપણને આપી છે. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેથી આપણને વર્ષની નિયમિતતા મળી છે.
ચંદ્ર મહિનાના ચાર ભાગ પાડી સમયને થોડા નાના યુનિટમાં વહેંચ્યો છે. તે પડવેથી સુદ આઠમ, સુદ આઠમથી પૂર્ણિમા અને પૂર્ણિમાથી વદ આઠમ અને વદ આઠમથી અમાસ. આમ સમયને નાના યુનિટમાં વહેંચી શકાય છે તે બાબતની જાણ આપણને ચંદ્રે કરી. પૃથ્વીની વાંકી ધરીએ સૂર્યના માર્ગને ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં વહેંચી વર્ષના છ, છ મહિનાના બે ભાગ કરી વર્ષને બે સબ યુનિટમાં વહેંચ્યું.
પ્રકાશિત તારા લગભગ સરખા અંતરે સ્થિત હોવાથી પૃથ્વીના ધરીભ્રમણે રાત્રિના લગભગ સરખા ૧૨ ભાગ કર્યા. તેથી દિવસના પણ ૧૨ ભાગ થયા અને આપણને ર૪ કલાકનો દિવસ મળ્યો. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતી હોવાથી તારા દરરોજ ૪ મિનિટ વહેલા ઊગે છે. તેણે કલાકની ૬૦ મિનિટ આપી. પૃથ્વીના સૂર્ય ફરતેના પરિભ્રમણે આપણને અલગ અલગ ઋતુમાં અલગ અલગ તારા-નક્ષત્રોના દર્શન કરાવી ઋતુઓની ઓળખાણ કરાવી. દા. ત. મૃગશીર્ષ તારામંડળ આકાશમાં નજરે ચઢવાનું શરૂ થાય એટલે સમજવું કે શિયાળો બેઠો છે. રાત્રિ આકાશમાં વિંછુડો નજરે ચઢવાનું શરૂ થાય એટલે સમજવું વર્ષાઋતુ શરૂ થવાની છે. આકાશમાં સિંહ રાશિ દેખાવાની શરૂ થાય એટલે સમજવું કે ઉનાળો શરૂ થશે. આમ આપણને લાગે કે આ બધી નિયમિતતા આપણને છેવટે પૃથ્વીએ આપી છે.
હકીકતમાં આ બધી નિયમિતતા આપણને પૃથ્વીએ આપી નથી, પણ ભૂતકાળમાં સંકોચન પામેલી સૌર-નિહારિકાએ આપી છે. સૌર નિહારિકા ધરીભ્રમણ કરતી હતી અને ગુરુત્વાકર્ષણને લીધે સંકોચન પામતી હતી તેણે ગ્રહોને અક્ષભ્રમણ અને કક્ષાભ્રમણ અપ્યાં અને આપણને નિયમિતતા મળી. પણ સૌર-નિહારિકાને અક્ષભ્રમણની નિયમિતતા કોણે આપી? તો કહે આપણી આકાશગંગા મંદાકિનીએ. આકાશગંગા તેની ધરી પર ગોળ ગોળ ઘૂમે છે. માટે સૌર-નિહારિકાને પણ તે ગતિ મળી હતી.
આપણી આકાશગંગા મંદાકિનીને તેનું અક્ષભ્રમણ કોણે આપ્યું? આકાશગંગા મંદાકિનીમાં જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયાં અને બંને વચ્ચે ખૂણો બન્યો તેણે આકાશગંગાને ગોળ ગોળ ઘુમાવવાનું શરૂ કર્યું. પણ મુખ્ય પ્રશ્ર્ન એ છે કે આકાશગંગા મંદાકિનીમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો કેવી રીતે ઉત્પન્ન થયાં? એ ગુરુત્વાકર્ષણે ઉત્પન્ન કર્યાં, કારણ કે ગુરુત્વાકર્ષણે મંદાકિનીના પદાર્થને આકર્ષી તેમની વચ્ચે ટક્કર શરૂ કરાવી. તેમાંથી ઈલેક્ટ્રોન્સ બહાર પડ્યાં. મંદાકિનીમાં આયોનાઈઝેશન (આયનીકરણ) શરૂ થયું. પ્રવેગી ઈલેક્ટ્રોન્સે ચૂંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. મંદાકિનીમાં વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થયું. આ બે ક્ષેત્રની અસમતુલાએ મંદાકિનીને ગોળ ગોળ ફેરવવાનું શરૂ કર્યું. આમ છેવટે ગુરુત્વાકર્ષણે આ બધાં ચક્રો શરૂ કર્યાં. ભલે પ્રારંભ ગુરુત્વાકર્ષણે કર્યો પણ પછી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોનો તેને સહારો મળ્યો. પણ પદાર્થનો ગુણ તો ગુરુત્વાકર્ષણ જ ગણાય. એ પદાર્થમાં જે ઈલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ હતા જે પદાર્થ જ છે પણ તે વિદ્યુતભારવાળા છે. તેણે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન કર્યાં. આમ છેવટે પદાર્થની નાભિમાં રહેલાં ગુરુત્વાકર્ષણબળ, વિદ્યુતબળ અને ચૂંબકીયબળ બ્રહ્માંડના જાત જાતના અક્ષભ્રમણ અને કક્ષાભ્રમણને ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. નથી સૂર્ય, નથી ચંદ્ર, નથી પૃથ્વી. સૂર્યને પોતાને જે અક્ષભ્રમણ અને કક્ષાભ્રમણ છે તે છેવટે પદાર્થની નાભિસ્થિતિ ઉપરોક્ત બળોને જ આભારી છે. છેવટે બધું સૂક્ષ્મમાંથી જન્મે છે. માટે જ અણુ-પરમાણુને સમજવા ખૂબ જ જરૂરી છે. અણુ-પરમાણુ છે તો નાના પણ નાના નથી. પૂરા બ્રહ્માંડની તાકાત તેમાં સમાયેલી છે. વિશાળ જગતને સમજવાની ચાવી આ સૂક્ષ્મજગત તેની પાસે લઈને બેઠું છે.
વિજ્ઞાનીઓ માટે જ સૂક્ષ્મજગતને સમજવા પાછળ લાગ્યાં છે. તેઓ સૂક્ષ્મજગત અને વિશાળ જગત વચ્ચેના બ્રિજના અનુસંધાનને શોધવા મથે છે. હજુ સુધી તે અનુસંધાન દેખાતું નથી. આ બ્રહ્માંડમાં દેખાતી બધી જ ક્રિયાઓનું મૂળ ભલે તે ગ્રહોનું અક્ષભ્રમણ હોય કે કક્ષાભ્રમણ કે કોઈ પણ ગતિ હોય કે કોઈ પણ નિયમિતતા હોય તે છેવટે સૂક્ષ્મજગતને આભારી છે. અણુ-પરમાણુને આભારી છે. માટે જ નિયમિતતા અને ગતિ દૈવી છે. આપણો આ દેહ છેવટે તો નાની નાની પેશીઓ-અણુ-પરમાણુ પર જ ઊભો છે. નાના-નાના-જીન્સ પર બંધાયેલ છે. આ વિશાળ બ્રહ્માંડ સૂક્ષ્મ અણુ-પરમાણુ પર ઊભું છે. એ અણુ-પરમાણુએ જ ગુરુત્વાકર્ષણ, વિદ્યુત, ચુંબકીય, આણ્વિક, રેડિયો-એક્ટિવિટી ક્ષત્રોને બળોને જન્મ આપી બ્રહ્માંડમાં નિયમિતતા સર્જી છે.
અણુમાં ઈલેક્ટ્રોન્સને કક્ષાભ્રમણ આપેલ છે અને અક્ષભ્રમણ પણ આપે છે. આમ ગતિનું ઉત્પન્ન સ્થાન અણુ-પરમાણુ છે. માટે જ કણ્વઋષિએ બ્રહ્માંડનો છેવટનો આધાર કણ છે અને કણને જરા પણ નજરઅંદાજ કરવું નહીં જોઈએ તે વાત કરી સૂક્ષ્મ કણોને સમજવાની અને સમજાવવાની શરૂઆત કરી. કણ્વઋષિ નામ પ્રાપ્ત કર્યું. રસપ્રદ વાત એ છે કે કણ્વઋષિ પ્રભાસ-પાટણ-ગુજરાતના હતા અને ઈસુની પહેલાની છઠ્ઠી સદીમાં થઈ ગયા હતા. જગતને-બ્રહ્માંડને સૂક્ષ્મકણોના જ્ઞાનની દિશામાં લઈ જનાર પ્રથમ માનવી ઋષિ કણ્વ હતા. આપણા ગણપતરાય ર. જાની જે માટુંગામાં રહે છે તેઓએ ગીતામાંથી સૂક્ષ્મ જ્ઞાન સમજીને આ ભૌતિકજગત છેવટે સૂક્ષ્મજગતને આભારી છે તે પ્રતિપાદન કરતા આવ્યા છે. કણ્વઋષિ પ્રથમ ઋષિ હતા જેમણે સૂક્ષ્મજગતમાં ડૂબકી મારી હતી જેનો હજુ સુધી તાગ નીકળ્યો નથી. સૂક્ષ્મજગત વિશાળ બ્રહ્માંડ કરતાં અબજોગણું ઊંડું સાબિત થયું છે એટલે કે વિશાળ સાબિત થયું છે. વિશાળતાને તેણે અબજોગણી સંકીર્ણ બનાવી દીધી છે અને વિશાળતાએ તેનો અર્થ ગુમાવી દીધો છે. તે તાકાત સૂક્ષ્મ બ્રહ્માંડની છે. છેવટે બધું નાભિમાંથી ઉત્પન્ન થયું છે, વિષ્ણુ ભગવાનની નાભિમાંથી.
સૂક્ષ્મ એ સૂક્ષ્મ નથી, વિરાટ છે, વિરાટ એ વિરાટ નથી સૂક્ષ્મ છે, આ જ તો બ્રહ્માંડની માયા છે. વિરાટમાં સૂક્ષ્મ સમાયેલ છે. સૂક્ષ્મમાં વિરાટ સમાયેલ છે. તેમાં કોઈ ભેદ નથી બીજમાં વૃક્ષ તું વૃક્ષમાં બીજ તું એ નરસિંહ મહેતાના ભજનની કડી યથાર્થ સાબિત થાય છે. માટે જ્યારે તમે નિયમિતતા અને ગતિની વાત કરો ત્યારે અણુ-પરમાણુને યાદ કરવાં જરૂરી છે. છેવટે બધું નાના અણુ-પરમાણુમાં સમાયેલું છે. જ્યારે પશ્ર્ચિમ અંધકારયુગમાં હતું ત્યારે ભારતે વિશાળ બ્રહ્માંડ અને ઊંડાં સૂક્ષ્મ બ્રહ્માંડને આત્મસાત્ કર્યાં હતાં. આજે આપણે ક્યાં છીએ તે વિચારવું રહ્યું.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=179353
No comments:
Post a Comment