Sunday, October 11, 2015

ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર? --- સિક્કાની બીજી બાજુ - જયવંત પંડ્યા (3)

02-08-2015

જી. એમ. શાહ સરકારે વિશ્ર્વાસનો મત મેળવ્યો

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=169612

(ગયા અંકથી ચાલુ)

રાષ્ટ્રપતિ શાસન લાદવાને પુષ્ટિ આપતો ફારુક અબ્દુલ્લાનો પત્ર આવતા વાર લાગી એટલે જગમોહને મુખ્ય સચિવને ફારુકને ત્યાં પત્ર લાવવા મોકલ્યા. તેઓ જે પત્ર સાથે પાછા ફર્યા તેમાં ફારુકના સૂર અગાઉના સૂરથી બદલાયેલા હતા. તેમણે તો એવું લખ્યું હતું કે એક તો, વિશ્ર્વાસનો મત તો હંમેશાં વિધાનસભામાં જ લેવાવો જોઈએ (રાજભવનમાં નહીં). બીજું, કાશ્મીર વિધાનસભાના પક્ષાંતર વિરોધી કાયદા પ્રમાણે, જે ધારાસભ્યોએ તમને પત્ર લખ્યો છે તેઓ મત આપવાનો અધિકાર ગુમાવી બેઠા છે અને ત્રીજું, આપણી વચ્ચે જે ચર્ચા થઈ હતી તેમાં આપણે શું થઈ શકે તેના વિકલ્પો ચકાસ્યા હતા જેમાંનો એક વિકલ્પ હતો રાષ્ટ્રપતિ શાસન લાદવાનો. આથી હું માગણી કરું છું કે વિધાનસભાનું સત્ર બોલાવી વિશ્વાસનો મત લેવામાં આવે અને જો તમે આ લોકશાહી પદ્ધતિ અપનાવવા ન માગતા હો તો મારી કેબિનેટ વતી મારી તમને સલાહ છે કે તમે વિધાનસભાને ભંગ કરો. (આનો અર્થ કે સવારે બેઠકમાં તેમણે રાષ્ટ્રપતિ શાસન લાદવાની વાતમાં હા ભણી હતી તેનાથી તેઓ ફરી ગયા.)

આમ, ફારુકે પોતાના પગ પર જ કુહાડો માર્યો હતો. જો રાષ્ટ્રપતિ શાસન લદાયું હોત તો સૌથી વધુ નુકસાન તો જી. એમ. શાહને જવાનું હતું. વળી, આ પત્રમાં તેમણે જે લખ્યું કે ૧૩ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચ્યો છે તેનાથી બાદમાં ફારુકે કરેલી ટીકા પણ વ્યર્થ છે કે રાજ્યપાલે રાજભવનમાં માથાંની ગણતરી કરીને નિર્ણય લીધો. ફારુકે તેમની પુસ્તિકા માય ડિસ્મિસલ’માં એ પણ ટીકા કરી હતી કે ૨ જુલાઈ ૧૯૮૪એ દિલ્હીએ (કેન્દ્ર સરકારે) જગમોહનની રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ ફગાવી દીધી. આનાથી ફારુકે પોતાના એ આક્ષેપનો પણ રદ્દિયો આપી દીધો કે જગમોહન કેન્દ્ર સરકાર સાથે ષડયંત્ર કરી રહ્યા હતા. ષડયંત્ર કરી રહ્યા હોત તો જગમોહન શા માટે રાષ્ટ્રપતિ શાસનની માગણી કરત? 

ફારુકના પક્ષે એક નકારાત્મક વાત એ પણ હતી કે તેમણે વિધાનસભા ભંગ કરવાની સલાહ તો આપી હતી પરંતુ સામે પક્ષે તેઓ ભૂલી ગયા હતા કે તેઓ લઘુમતીમાં આવી ગયા છે. જો ફારુકે રાષ્ટ્રપતિ શાસન લાદવાને સ્વીકાર્યું હોત તો જગમોહન કેન્દ્ર સરકાર પર પણ દબાણ કરી શક્યા હોત કે મુખ્યમંત્રી પણ આવું જ ઈચ્છે છે. આમ, સ્પષ્ટ હતું કે ફારુકે મૂર્ખામી કરી હતી, પરંતુ અને એ મૂર્ખામી તેમણે કોઈનાથી દોરવાઈને કરી હતી, બાકી સવારની બેઠકમાં તો તેઓ રાષ્ટ્રપતિ શાસન માટે ખુશી-ખુશી તૈયાર થઈ ગયા હતા. તેમને કોઈએ સલાહ આપી હશે કે અધ્યક્ષ તો આપણા જ છે ને, વિધાનસભામાં મત લેવાનું થશે તો ૧૨એયને ગેરલાયક ઠેરવીને બહુમતી સાબિત કરી દઈશું. થવાનું હતું આવું જ, તેમ છતાં ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું.

બપોરના ત્રણ વાગ્યા પછીનો સમય હતો. જગમોહનને કેબિનેટ સચિવ તરફથી જણાવાયું કે કેન્દ્ર સરકાર હમણાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના મતમાં નથી. આમ, ફારુક ઉપરાંત ઈન્દિરા ગાંધીનું વલણ પણ ફરી ગયું હતું. કારણ? જગમોહન તેમના પુસ્તક માય ફ્રોઝન ટર્બ્યુલન્સ ઇન કાશ્મીર’માં કહે છે કે ચોક્કસ કારણ તો ખબર નથી, પરંતુ સંભવિત કારણો આ પૈકીનાં કોઈ એક હોઈ શકે: (૧) કદાચ જમીન સ્તરની વાસ્તવિકતા પૂરેપૂરી સમજ્યા ન હોય; (૨) કેન્દ્ર સરકાર પર કેટલાંક સ્થાપિત હિતો દબાણ લાવ્યાં હોય; (૩) ફારુક રાષ્ટ્રપતિ શાસન લાદવાની વાતથી ફરી ગયા તેનાથી રોષે ભરાયા હોય; (૪) અથવા આ બધાં પરિબળો ભેગાં થવાથી હોય. 

જગમોહન આ નિર્ણયથી નિરાશ થઈ ગયા. તેમની પાસે હવે જી. એમ. શાહને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવવા સિવાય કોઈ ચારો નહોતો. જગમોહને જી. એમ. શાહને બોલાવ્યા અને તેમને કહ્યું કે તેઓ ખાતરી આપે કે તેઓ એક મહિનાની અંદર વિધાનસભાની બેઠક બોલાવશે. જી. એમ. શાહ અને ડી. ડી. ઠાકુરના ફિક્કા પડી ગયેલા ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ આવી. સાંજે ૫.૩૦ વાગે શપથ સમારંભ યોજી દેવાયો. શાહ અને તેમના સમર્થકોએ ટોળાં ભેગાં કરી લીધાં. તેઓ એ બતાવવા માગતા હતા કે લોકો તેમના સમર્થનમાં હતા. જગમોહને તેમને સલાહ આપી કે તેઓ એવું કંઈ ન કરે જેના કારણે તેના આકરા પ્રત્યાઘાત આવે. તેમણે તેમના પ્રતિસ્પર્ધીઓની સાથે માનપૂર્વક વ્યવહાર કરવો પડશે અને કોઈને હેરાન નહીં કરાય. જગમોહન પર એવો આક્ષેપ પણ ફારુકે કર્યો કે રાજ્યપાલે જી. એમ. શાહને બહુમતી પુરવાર કરવા એક મહિનાનો સમય આપ્યો. આ અંગે સામસામે પત્રબાજી પણ થઈ. 

આ તરફ ફારુકે જે વિચારીને રાષ્ટ્રપતિ શાસન લાદવાને ટેકો ન આપ્યો તે વિચાર થોડા સમય પછી સ્પષ્ટ થઈ ગયો. વિધાનસભા, લોકસભા કે રાજ્યસભાના અધ્યક્ષ આમ તો પક્ષીય રાજકારણથી પર હોય છે, પરંતુ તેવું થતું આવ્યું નથી. 

તાજું ઉદાહરણ લઈએ તો ૨૦૧૧માં લોકપાલનું આંદોલન બહુ ગાજ્યું હતું ત્યારે ડિસેમ્બરમાં સત્રના અંતિમ દિવસે રાજ્યસભામાં લોકપાલનું વિધેયક લાવવામાં આવ્યું. ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારી હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હતા. વિપક્ષના સભ્યોએ મત લેવાની માગણી કરી, પરંતુ હમીદ અન્સારીએ ચર્ચા થવા દેવા નિર્ણય કર્યો. એ વખતે અણ્ણા હઝારે અને તેમના સાથીઓ આ મુદ્દે આંદોલન કરી રહ્યા હતા. રાજ્યસભામાં ૩૦ ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ જે થયું તેની ટીકા કરતા શાંતિભૂષણે કહ્યું હતું કે હમીદ અન્સારીએ સમય પસાર થવા દેવા લાંબાં લાંબાં ભાષણો થવા દીધાં. કોંગ્રેસ અને લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ વચ્ચેની સાઠગાંઠ જાણીતી છે. તે વખતે રાજદ યુપીએ સરકારનો હિસ્સો પણ હતું. રાતના ૧૨ વાગે સત્ર સમાપ્ત થાય તેમ હતું. વિપક્ષના નેતા તરીકે અરુણ જેટલીએ સત્રનો સમય વધારવા માગણી કરી અને બહુમતી સભ્યો તેમની સાથે સંમત પણ હતા. અગાઉથી લખાયેલી સ્ક્રિપ્ટ પ્રમાણે ડ્રામા ભજવતા, લાલુપ્રસાદના રાજદના સાંસદ રાજનીતિ પ્રસાદ બોલવા ઊભા થયા. તેમણે બોલવાનું પૂરું કર્યું. હવે વડા પ્રધાન કાર્યાલયના પ્રધાન (પીએમઓ મિનિસ્ટર) (વધુમાં વધુ સભ્યોને મંત્રી બનાવી શકાય એટલે કોંગ્રેસે અનેક જાતના નવા નવા ખાતાંઓ બનાવ્યા છે.) નારાયણસામી બોલવા ઊભા થયા. એટલી વારમાં રાજનીતિ પ્રસાદ પોતાની જગ્યાએથી ઊભા થઈ આગળ આવ્યા અને નારાયણસામીના મેજ પર રહેલાં કાગળો ફાડી નાખ્યાં. નક્કી થયા મુજબ શોરબકોર ચાલુ થઈ ગયો અને ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીએ ચોખ્ખે ચોખ્ખી બદદાનત બતાવતાં સત્ર સમાપ્ત જાહેર કર્યું. પાછળથી ટીકા થતાં સરકાર તરફથી ખુલાસો થયેલો કે સત્ર લંબાવવા રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી હોય છે, પરંતુ શાંતિભૂષણ કાયદાના ખાં ગણાય છે. તેમણે કહ્યું કે સત્ર બોલાવવું હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી જોઈએ, સત્રને ચાલુ રાખવા મંજૂરી ન જોઈએ. 

તો ૧૯૮૮માં તમિલનાડુમાં પણ અધ્યક્ષનો પક્ષપાત સ્પષ્ટ થઈ ગયો હતો. ૨૪ ડિસેમ્બર ૧૯૮૭ના રોજ મુખ્ય પ્રધાન એમ. જી. રામચંદ્રનનું અવસાન થયું. રાજ્યપાલે વરિષ્ઠ સભ્ય નેદુનચેઝિયાનને મુખ્ય પ્રધાન બનવા આમંત્રણ આપ્યું. ૨ જાન્યુઆરીએ એમ. જી.નાં પત્ની જાનકી રામચંદ્રને (એઆઈએડીએમકે)ના સમર્થકોએ રાજ્યપાલનો સંપર્ક કરી કહ્યું કે તેમનો ટેકો જાનકીને છે. આથી જાનકીને મુખ્ય પ્રધાન બનાવાયાં. ગૃહમાં બહુમતી સાબિત કરવાનો વારો આવ્યો ત્યારે કોંગ્રેસ (આઈ)એ જયલલિતાના નેતૃત્વવાળા એઆઈએડીએમકેને ટેકો આપવાનું નક્કી કરેલું. ૨૮ જાન્યુઆરી ૧૯૮૮એ મતદાનના દિવસે અધ્યક્ષ પાંડિયને સવારે બેઠક મળતાવેંત કહ્યું કે તેમને એક ફોન આવેલો કે કોંગ્રેસ (આઈ)ના પાંચ સભ્યો વિધાનસભામાંથી રાજીનામું આપે છે. તેમ કહી તેમણે ગૃહને બપોર સુધી મોકૂફ કરી દીધું. તે પછી બપોરે તેમણે કહ્યું કે તેમણે નેદુનચેઝિયાન સહિત છ સભ્યોને ગેરલાયક ઠરાવવાનો નિર્ણય કર્યો છે. તેમ કહી ફરી બપોરના ૩ વાગ્યા સુધી ગૃહ મોકૂફ કરી દીધું, પરંતુ જયલલિતા પાકાં ખેલાડી હતાં. વચ્ચેના સમયગાળામાં તેઓ અને તેમના કોંગ્રેસ (આઈ)ના સમર્થકો જેમની કુલ સંખ્યા ૧૨૨ હતી, તેમણે નવા જ અધ્યક્ષ એસ. શિવરામનને ચૂંટી કાઢ્યા. અને આ અધ્યક્ષની સામે જાનકી સામેનો અવિશ્ર્વાસ પ્રસ્તાવ પસાર પણ કરી દેવાયો! બપોરે ફરી ગૃહ મળ્યું ત્યારે બહારથી ગુંડા ધસી આવેલા અને હિંસા થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યો ઘાયલ થયા હતા. પાંડિયને પોલીસની મદદથી તમામ વિરોધીઓને બહાર કઢાવ્યા. આવા સંજોગોમાં મત લેવાયો અને પાંડિયને જાહેર કર્યું કે જાનકીની તરફેણમાં વિશ્વાસ મત પ્રસ્તાવ પસાર થયો છે. અંતે રાષ્ટ્રપતિ શાસન લદાયું હતું. લોકશાહીના નામે કેવાં નાટકો ભજવાય છે તે જોવા જેવું છે. 

રાજ્યસભાનો કિસ્સો ૨૦૧૧નો છે અને તમિલનાડુ વિધાનસભાનો ૧૯૮૮નો, પણ ફારુક સરકારે તો ૧૯૮૪માં આવું કરેલું. અધ્યક્ષ તેમના પક્ષના હતા. નેશનલ કોન્ફરન્સે અધ્યક્ષ સમક્ષ ફરિયાદ આપી કે જે લોકોએ બળવો કર્યો છે તેમને એટલે કે નેશનલ કોન્ફરન્સ (ખાલિદા)ના ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા જોઈએ. આથી પોતે નિર્ણય ન લેતાં અધ્યક્ષ વાલી મોહમ્મદ ઈટુએ આ બાબત જમ્મુ-કાશ્મીર હાઇ કોર્ટને સોંપી દીધી (જેને કોર્ટની ભાષામાં રિફર કરવું કહે છે). ૩૦ જુલાઈ ૧૯૮૪ના રોજ પોતાનો ચુકાદો આપતાં હાઇ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ આ ધારાસભ્યો ગેરલાયક ઠરતા નથી તેમ જણાવ્યું. પણ અધ્યક્ષ ઈટુની ખંધાઈ જુઓ. જ્યારે ન્યાયમૂર્તિ તેમનો ચુકાદો સંભળાવતા હતા ત્યારે તેમણે પોતે હાઇ કોર્ટને સોંપેલો રેફરન્સ પાછો ખેંચ્યો. આની સામે ન્યાયમૂર્તિએ કહ્યું કે હાઇ કોર્ટ રેકોર્ડની કોર્ટ છે. કોઈ પક્ષ હાઇ કોર્ટ સમક્ષ અનિર્ણિત પડેલી મેટરને પોતાની મરજી મુજબ પાછી ખેંચી શકે નહીં. 

છતાં અધ્યક્ષ તો તેનાથી પણ આગળ નીકળી ગયા. જમ્મુ-કાશ્મીરના બંધારણની જોગવાઈઓ (ફરી વાર યાદ અપાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરનું બંધારણ અલગ છે), પક્ષાંતર વિરોધી કાયદો અને હાઇ કોર્ટના ચુકાદાને ઘોળીને પી ગયા અને નિર્ણય આપી દીધો કે જે ૧૨ ધારાસભ્યોએ બળવો કર્યો છે તેઓ ગેરલાયક ઠરે છે. સ્પષ્ટ હતું કે તેમણે ઈરાદાપૂર્વક, જાણી જોઈને અને ફારુક અબ્દુલ્લાના ઈશારે જ આ નિર્ણય આપ્યો હતો.

ફરી એક વાર યાદ અપાવી દઈએ કે ૨૦૦૨માં ગુજરાતનાં રમખાણો અને એન્કાઉન્ટરના કેસો પછી, ગુજરાત હાઇ કોર્ટમાં કેસો નિષ્પક્ષ નહીં ચાલે તેમ માનીને (એવું થયા વગર માની લેવું તે પૂર્વગ્રહ ન કહેવાય) સુપ્રીમ કોર્ટે કેસો ગુજરાત બહાર ચલાવવા કહ્યું હતું, પરંતુ વર્ષોથી કાશ્મીરમાં તો હાઇ કોર્ટને તો શેખ અબ્દુલ્લા કે ફારુક અબ્દુલ્લા ગાંઠતા જ આવ્યા નહોતા, તે કેમ આ સેક્યુલર પ્રજાતિના ધ્યાનમાં ન આવ્યું?

૩૧ જુલાઈએ સવારે ૧૦ વાગે ધારાસભાની બેઠક શરું થઈ. જગમોહને તેમના સચિવને ગૃહની કાર્યવાહી જોવા મોકલ્યા. જી. એમ. શાહ સરકારે ત્રણ કાર્યો કાર્યસૂચિ (એજન્ડા)માં રાખ્યાં હતાં. એક તો, વિશ્વાસ મત પ્રસ્તાવ, વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્ર્વાસ પ્રસ્તાવ અને નાયબ અધ્યક્ષની ચૂંટણી. આગલા દિવસે અધ્યક્ષે ૧૨ સભ્યોને ગેરલાયક ઠેરવી દીધા, તેથી સ્વાભાવિક છે કે હવે શાસક બની ગયેલા જી. એમ. શાહ આણિ મંડળીને તેમનામાં વિશ્ર્વાસ ન જ હોય. આથી પહેલાં તો અધ્યક્ષને તેમની સામેનો અવિશ્ર્વાસ પ્રસ્તાવ હાથ ધરવા વિનંતી કરાઈ, પરંતુ અધ્યક્ષ ઈટુએ તેને અત્યંત બેશરમીથી ફગાવી દીધી. પરંતુ ૪૩ સભ્યો પ્રસ્તાવના પક્ષમાં ઊભા થઈ ગયા. (જી. એમ. શાહને કોંગ્રેસનો પણ ટેકો હતો) અને આ રીતે અધ્યક્ષને દૂર કરાયા. પોતાનું હવે કંઈ નહીં વળે તેમ લાગતાં નેશનલ કોન્ફરન્સ (ફારુક)ના ૩૧ સભ્યોએ ગૃહત્યાગ કરી દીધો. આમ, જી. એમ. શાહે વિશ્ર્વાસ મત જીતી લીધો...

(ક્રમશ:)

09-08-2015

ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો, ખરેખર?
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=170158

ફારુક અબ્દુલ્લા સરકાર ૨ જુલાઈ, ૧૯૮૪એ બરતરફ થઈ. ૬ જુલાઈ, ૧૯૮૪ના રોજ શીખ અંતિમવાદી સંગઠન ઑલ ઇન્ડિયા શીખ સ્ટુડન્ટ્સ ફેડરેશન (એઆઈએસએસએફ)ના કહેવાતા છ જણે ૨૫૫ ઉતારુઓ અને નવ ક્રૂને લઈ જતા ઇન્ડિયન એરલાઇન્સની શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટનું અપહરણ કર્યું હતું અને વિમાનને લાહોર લઈ જવાની ફરજ પાડી હતી. આ ત્રાસવાદીઓ પાસે પિસ્તોલ, કટાર અને વિસ્ફોટકો હતા. તેમણે વિમાનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. પીટીઆઈના અહેવાલ મુજબ આ ત્રાસવાદીઓ જર્નૈલસિંહ ભીંદરાનવાલેના વફાદાર હતા, જે ૬ જૂન, ૧૯૮૪ના રોજ અમૃતસરના સુવર્ણ મંદિરમાં લશ્કરના હુમલામાં મરાયો હતો. તેમની માગણી હતી કે પંજાબમાંથી લશ્કર અને સુરક્ષા દળો પાછાં ખેંચી લેવામાં આવે. આંદોલનમાં જે શીખોની ધરપકડ કરવામાં આવી છે તેમને મુક્ત કરવામાં આવે. તમામ ગુરુદ્વારા ધાર્મિક નેતાઓને આપવામાં આવે અને સુવર્ણ મંદિરમાં વિદેશી નાગરિકો સહિત તમામ લોકોને પ્રવેશ આપવામાં આવે. આ અપહરણકારોના કુટુંબના લોકો સુવર્ણ મંદિર પર સેનાએ કરેલા હુમલામાં માર્યા ગયા હતા. આ આખું દિલધડક નાટક ૧૭ કલાક સુધી ચાલ્યું હતું. છેવટે અપહરણકારોએ પાકિસ્તાનના તંત્ર સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી હતી. 

પાકિસ્તાનમાં તેનો ખટલો પણ ચાલ્યો હતો. તેમાં લાહોરના ન્યાયાલયે આ અપહરણકારોના નેતા પરમિન્દરસિંહ સૈનીને ફાંસીની સજા સંભળાવી હતી. જોકે, તેને પછી આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી અને દસ વર્ષની કેદ પછી તેને છોડી મુકાયો હતો. તેને પાકિસ્તાનમાંથી જતા રહેવા જણાવાયું હતું. ૧૯૯૫માં સૈનીએ બલબીર સિંહના ખોટા નામે બનાવટી અફઘાન પાસપોર્ટ પર કૅનેડામાં આશ્રય લીધો હતો. આ પાસપોર્ટ પણ પાકિસ્તાને જ બનાવી આપ્યો હતો. સ્પષ્ટ હતું કે પાકિસ્તાનનો આ શીખ ત્રાસવાદીઓને ટેકો હતો. 

સૈનીએ કૅનેડામાં બી.એ.ની ડિગ્રી મેળવી અને કાયદાનું શિક્ષણ પણ મેળવ્યું હતું. ત્યાં તે પોતાના ભારતમાં પ્રત્યાર્પણ સામે કેસ પણ લડ્યો હતો. જોકે, કૅનેડાએ તેને ઈ. સ. ૨૦૧૦માં ભારત પરત મોકલી આપ્યો હતો.

હવે આ અપહરણકાંડની વાત નીકળી છે તો ભેગાભેગ આપણે અગાઉનાં પ્રકરણોમાં જે વાતનો નિર્દેશ કરી ગયા છે તે ઝિયા ઉલ હકની ભારત સામે ત્રાસવાદ દ્વારા પ્રોક્સી વોર છેડવાની બદમાશ યોજનાઓ વિશે જાણીએ. ફારુક અબ્દુલ્લા પછી કાશ્મીરના મુખ્ય મંત્રી બનેલા તેમના બનેવી જી. એમ. શાહ સરકારને કેવી રીતે અને કેવા સંજોગોના કારણે બરતરફ કરવામાં આવી તે આગામી પ્રકરણમાં જોઈશું. 

અંગ્રેજોને ખબર હતી કે ભારત મહાસત્તા છે (એટલે જ તો તેઓ અહીં આવ્યા હતા), પરંતુ આ મહાસત્તાને તોડવી હોય તો તેમને અંદરોઅંદર લડાવી મારવા જરૂરી છે અને આથી મોહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગને પોતાની તરફ કરીને તેમણે કાયમી ધોરણે મુસ્લિમ-હિન્દુ ઝઘડાનાં બીજ રોપ્યાં. ૧૯૦૫માં કર્ઝને (નામની આગળ લોર્ડ લખાય છે, આપણે શેનું લોર્ડ લખવાનું?) બંગાળના ભાગલા પાડીને અખતરો કરી લીધો હતો. આ અખતરાનું લાંબા ગાળે એટલે કે ૪૨ વર્ષ પછી પરિણામ આવ્યું પાકિસ્તાન રૂપે. ભારતનો જ એક ટુકડો ભારતનો ઘોર વિરોધી બની ગયો અને ૬૮ વર્ષ પછી પણ આપણને હેરાન કર્યા રાખે છે. એ પાકિસ્તાનને અત્યાર સુધી અમેરિકા-બ્રિટન-ચીન મદદ કરતા આવ્યા-પોષતા આવ્યા છે. 

ઘણા એમ માને છે કે ૧૯૭૧ના યુદ્ધમાં કારમી હાર પછી પાકિસ્તાનના સત્તાધીશોને વિચાર આવ્યો કે ભારતને હરાવવું હોય તો સીધી રીતે નહીં હરાવી શકાય, પરંતુ કેટલાક ભારતીયોને જ તેમના દેશ વિરુદ્ધ તૈયાર કરીને છદ્મ યુદ્ધ અર્થાત્ પ્રોક્સી વોર છેડવું જોઈએ, પરંતુ ભારતની જાસૂસી સંસ્થા રો’ના ત્રાસવાદ વિરોધી વિભાગના વડા સ્વ. બી. રામન (૧૯૯૩ના મુંબઈ વિસ્ફોટના આરોપી યાકુબ મેમણને ફાંસી ન આપવી જોઈએ તેવો તેમનો જૂનો લેખ તાજેતરમાં વિવાદનું કેન્દ્ર બન્યો હતો) એવા મતના હતા કે પાકિસ્તાનના સત્તાધીશોએ ૧૯૫૦ના દાયકામાં જ પ્રોક્સી વોરનું આયોજન કર્યું હતું કેમ કે તેમને લાગતું હતું કે ભારતને અસ્થિર રાખવું અને તેની સેનાને આંતરિક સુરક્ષાની ફરજોમાં રોકાયેલી રાખવી જરૂરી છે જેથી ભારતની સેનાની પાકિસ્તાનની સેના કરતાં સર્વોપરિતા ન રહે. 

જોકે, પાકિસ્તાનના નેતાઓને અંદરખાને એ ભય પણ સતત રહ્યો છે કે જો તેઓ ભારતના બળવાખોરો અને ત્રાસવાદીઓને ઉત્તેજન આપવાનું ચાલુ રાખશે તો ભારત પણ પાકિસ્તાન પ્રત્યે આવી જ નીતિ અપનાવશે. આથી ઝુલ્ફીકાર અલી ભુટ્ટો, બેનઝીર ભુટ્ટો અને નવાઝ શરીફે પાકિસ્તાનની આ નીતિ પ્રત્યે સમયે-સમયે પ્રશ્નો ઉઠાવ્યા છે. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ ૧૯૭૨માં, બેનઝીરે ૧૯૮૮માં તો નવાઝ શરીફે ૧૯૯૦માં સત્તામાં આવ્યા પછી આ પ્રશ્ન કર્યો હતો, પણ દરેક વખતે ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ) અને સેનાના વડાઓ રાજકીય નેતૃત્વને સમજાવી દેતા હતા કે પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ વધારવું અને આપણી સેનામાં બે વધારાની ડિવિઝન રાખવી તેના કરતાં ભારતમાં અસ્થિરતા રાખવી સસ્તું પડશે. 

૧૯૭૧માં કારમી હાર પછી આઈએસઆઈ અને સેનાના વડાઓના આ મંતવ્યને વધુ બળ મળ્યું. તેઓ એવું કહી શકતા હતા કે ભારત પાકિસ્તાનના વધુ ભાગલા કરી દે તે પહેલાં આપણે ભારતના ભાગલા કરી દઈએ. વળી આમ કરીને તેઓ ભારતને આ પ્રદેશમાં આર્થિક રીતે સર્વોપરી સત્તા બનતા પણ રોકી શકતા હતા.

પાકિસ્તાનના પ્રમુખ જન. પરવેઝ મુશર્રફે ૧૨ એપ્રિલ, ૧૯૯૯ના રોજ પાકિસ્તાનની એક સંસ્થા ઇંગ્લિશ સ્પિકિંગ યુનિયન (આ સંસ્થાની સ્થાપના ૧૯૧૮માં કરાઈ હતી)ની કરાચી શાખાને સંબોધતા કહેલું તે પાકિસ્તાનના દૃષ્ટિકોણથી સમજવા જેવું છે, જેમ આપણે લોકો પશ્ર્ચિમી સંસ્કૃતિના આક્રમણથી કે અમેરિકા-બ્રિટન-પાકિસ્તાન પ્રત્યે પૂર્વગ્રહ કે અસલામતીના ભયથી પીડાઈએ છીએ તેમ પાકિસ્તાનને પણ સતત ભય રહે છે કે ક્યાંક ભારત આપણા પર કબજો ન કરી લે. મુશર્રફે કહ્યું હતું કે ધારો કે આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરનો મુદ્દો ઉકેલાઈ જાય છે, તો પણ તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય નહીં બને કેમ કે ભારતની આધિપત્યની મહત્ત્વાકાંક્ષામાં પાકિસ્તાન તેને કાંટાની જેમ ખૂંચશે અને તે પાકિસ્તાનને સતત નબળું પાડવા પ્રયાસ કર્યા રાખશે. 

પાકિસ્તાનને ભારત વિરુદ્ધ પ્રોક્સી વોર છેડવાનો વિચાર અમેરિકાના ષડ્યંત્રમાંથી મળી ગયો. જેવી રીતે અમેરિકાના ઈશારે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં મુઝાહિદ્દીનો અને તાલિબાનોને રશિયાની સેના સામે લડવા તૈયાર કર્યા તેનાથી પાકિસ્તાનને ખ્યાલ આવી ગયો કે આ યુક્તિ તો તે ભારત સામે પણ અજમાવી શકે તેમ છે. 

૧૯૭૯માં વિશ્ર્વ બે મહાસત્તાની છાવણી અને બે વિચારધારામાં વહેંચાયેલું હતું- એક મૂડીવાદી વિચારધારાવાળું અમેરિકા અને બીજું સામ્યવાદી વિચારધારાવાળું યુએસએસઆર (જે પછીથી તૂટીને રશિયા બન્યું). બંને દેશો વચ્ચે શીત યુદ્ધ સતત ચાલતું હતું. અફઘાનિસ્તાનમાં સામ્યવાદી સરકાર સામે મુસ્લિમ ગેરીલાઓ પડ્યા હતા. આથી સામ્યવાદી સરકાર બચાવવા યુએસએસઆરે સેના મોકલી. આથી તે સેનાને હરાવવા અમેરિકાએ પાકિસ્તાનના પ્રમુખ ઝિયા ઉલ હકની મદદ અફઘાનિસ્તાનમાં લડતા મુઝાહિદ્દીનો તથા આરબ જૂથોને રશિયા સામે લડવા ટ્રેનિંગ આપવા માટે માગી. ઝિયાએ ખુશી-ખુશી આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને કુશળ વેપારી જેવી લુચ્ચાઈથી સામે પાકિસ્તાનને અમેરિકાએ સૈન્ય અને આર્થિક સહાય કરવી તેવું નક્કી કરી નાખ્યું. દેશ દ્વારા પોષિત (સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ)નાં મૂળ આમાં નખાયા. ઈસ્લામી જેહાદની આગ અફઘાનિસ્તાન, ભારતથી થઈને પછી તો ચીન, ફિલિપાઇન્સ, ઉઝબેકિસ્તાન, ઈજિપ્ત, સાઉદી અરેબિયા, અલ્જિરિયા અને રશિયા થઈને ૨૦૦૧ના વર્ષમાં સ્વયં અમેરિકા સુધી પહોંચી ગઈ. ઝિયાએ જનરલ પરવેઝ મુશર્રફ અને મોહમ્મદ અઝીઝને આ કામ માટે પસંદ કર્યા. મુશર્રફ બાદમાં ૧૯૯૯માં આ જ નીતિ અજમાવીને કારગિલ યુદ્ધ કરવાના હતા. અઝીઝ પણ બાદમાં ૨૦૦૧માં પાકિસ્તાન સેનાના વડા બન્યા હતા. 

મુશર્રફે અને અઝીઝે કામ વહેંચી લીધું. મુશર્રફ મુઝાહિદ્દીનોને તૈયાર કરવાના હતા તો અઝીઝ ઓસામા બિન લાદેન સહિત આરબ ત્રાસવાદીઓને. આ આખા કામમાં અમેરિકા-બ્રિટન અને ફ્રાન્સની સહાય મળતી હતી. આ ઈસ્લામી સેનાને પ્રશિક્ષિત કરવા માટે મેજર જનરલ (હવે નિવૃત્ત) મહેમૂદ દુર્રાનીએ ૧૦૦ મદરેસા પસંદ કર્યા જે મોટા ભાગના દેવબંદી હતા. તેમાં આ સેનાના સૈનિકોને તાલીમ અપાવા લાગી. આ સો મદરેસાઓમાંથી મુખ્ય ત્રણ હતી - કરાચીની બિનોરી મસ્જિદ, નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સની દારુલ ઉલૂમ અકોરા ખટ્ટક, અને લાહોરની જામીયા અશરફીયા. ભારતને જે રંજાડવાના હતા તે પૂર્વે હરકત ઉલ મુઝાહિદ્દીન અને હાલમાં જૈશ-એ-મોહમ્મદ નામના સંગઠનના મૌલાના મસૂદ અઝહર સહિત મુલ્લા-મૌલવીઓ આ ત્રણ મદરેસામાં જ તૈયાર થયા હતા. ૧૯૯૦માં અનેક તાલિબાનીઓ પણ આ મદરેસાઓમાંથી જ તૈયાર થઈને બહાર નીકળ્યા હતા. આમ, આ ઈસ્લામી ત્રાસવાદીઓને તૈયાર કરવાનું પાપ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને પાકિસ્તાનના માથે ચડે છે, જે હવે આ ચારેય દેશોને પોતાને પણ પજવી રહ્યું છે.

મુશર્રફ અને અઝીઝે જે જૂથો અંદરો અંદર લડતા હતા, શક્ય હોય તે તમામને આ સેનામાં જોડ્યા જેથી પાકિસ્તાનને તેમની લડાઈથી ઓછી ઉપાધિ થાય અને પાકિસ્તાનની સત્તાને પણ તેમનાથી કોઈ ખતરો ન રહે. કોઈ એક જ જૂથ સૌથી શક્તિશાળી કે મોટું ન બની જાય. જોકે, મુશર્રફ અને અઝીઝની યોજના સફળ ન થઈ કેમ કે અફઘાનિસ્તાનમાં તો લોહી વહ્યું જ પણ આ જૂથો પાકિસ્તાનને પણ સરવાળે ભારે પડવા લાગ્યા કેમ કે આ જૂથોમાં મોટા ભાગના સુન્ની દેવબંદી હતા. પાકિસ્તાનમાં છાશવારે શિયાઓ પર હુમલા થાય છે અને શિયા મસ્જિદ પાસે બોમ્બ વિસ્ફોટો થાય છે તે આ મુશર્રફ અને અઝીઝની નીતિના કારણે જ. 

પહેલી વાર ધાર્મિક કટ્ટરતાનો સહારો લઈને કોઈ યુદ્ધ જીતવા પ્રયાસ કરાયો. આ બધાના કારણે ભારતમાં પ્રોક્સી વોર થયું. છાશવારે બૉમ્બ વિસ્ફોટો થયા. અને સરવાળે હિન્દુઓમાં પણ કટ્ટરવાદ આવવા લાગ્યો. આજે સ્થિતિ એ છે કે ભારતમાં દરેક ધર્મ-સંપ્રદાયોમાં કટ્ટરતા આવી ગઈ છે અને દરેકની લાગણી નાની-નાની વાતમાં દુભાઈ જાય છે. 

અમેરિકા સહિત પશ્ર્ચિમી ગુપ્તચર સંસ્થાઓએ પ્રોક્સી વોર દ્વારા રશિયાને હંફાવવા હેરોઇનના ઉત્પાદન અને તેની દાણચોરીને પણ ઉત્તેજન આપ્યું જેથી પ્રોક્સી વોર સ્વનિર્ભર બને અને પોતે ઓછા પૈસા આપવા પડે. અમેરિકાએ જે નીતિ યુએસએસઆરને હંફાવવા અપનાવી તે તેને પોતાને પણ નડી. ૨૦૦૧માં અમેરિકા પર હુમલો થયો તે પછી અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો અને તે પણ ખાસ સફળ જઈ શક્યું નહીં અને ૨૦૧૪માં અમેરિકા તથા તેના સહયોગી નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રેટી ઑર્ગેનાઇઝેશન) સંસ્થાએ સૈનિકોને પાછા ખેંચવા પડ્યા.

૧૯૮૯માં અફઘાનિસ્તાનમાંથી તો યુએસએસઆરના સૈનિકો નીકળી ગયા, પણ પાકિસ્તાનને કાયમી રામબાણ ઈલાજ મળી ગયો ભારતને સતત હેરાન કર્યે રાખવાનો, જે આજ સુધી ચાલુ છે. એટલું જ નહીં, પરંતુ કાશ્મીરથી વિસ્તરીને મુંબઈ (૧૯૯૩ના બૉમ્બ વિસ્ફોટો કે ૨૦૦૮માં મુંબઈ પર ત્રણ દિવસ સુધી ચાલેલા હુમલાને કોણ ભૂલી શકે?) થઈને દક્ષિણ સુધી પહોંચી ગયો છે. કેરળના યુવકો હવે ઈસ્લામિક સ્ટેટ ફોર ઇરાક એન્ડ સિરિયા (આઈએસઆઈએસ) નામની, ત્રાસવાદી સંસ્થાઓમાં અત્યારે સૌથી ખૂનખાર બની ગયેલી સંસ્થામાં જોડાવા જાય છે. બાય ધ વે, આ આઈએસઆઈએસ સંગઠન પણ સુન્નીઓ, ખાસ કરીને સલાફી સુન્ની જિહાદીઓનું જ છે. અલ કાયદા અને ઈઝરાયેલને સતત પરેશાન કરતા હમાસ સંગઠન પણ સુન્ની વિચારધારાવાળા મુસ્લિમોનું જ છે. એક ઈરાન છે જે શિયાના વર્ચસ્વવાળું છે અને તે અંતિમવાદને એક સમયે પોષતું હતું, ખાસ કરીને ઈરાનના આયાતોલ્લાહ રુહોલ્લાહ ખોમૈનીએ મૂળ ભારતના લેખક સલમાન રશદી સામે તેમના ઈસ્લામ વિરોધી ગણાતા પુસ્તક ‘સેતાનિક વર્સીસ’ માટે ફતવો બહાર પડ્યો તે જાણીતું છે. આ વિગતો જાણ્યા પછી ત્રાસવાદીનો કોઈ ધર્મ નથી હોતો તેમ કહી શકાય તેમ છે? (ક્રમશ:)

16-08-2015
પાકિસ્તાનનું પ્રોક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=170724

મુખ્યમંત્રી જી. એમ. શાહે વિશ્ર્વાસનો મત જીતી લીધા સુધીની વાત પછી આપણે કાશ્મીરની રાજકીય બાબતથી દૂર જઈને પાકિસ્તાને છેડેલા ત્રાસવાદના છદ્મ યુદ્ધની વાત કરી રહ્યા છીએ. અફઘાનિસ્તાનમાં રશિયા સામે અમેરિકાએ મુજાહિદ્દીનોને અને તાલિબાનોને હાથો બનાવીને જે રીતે આ છદ્મ યુદ્ધ અથવા પ્રોક્સી વોર છેડી તેના પરથી પાકિસ્તાનને ભારત સામે આવું યુદ્ધ આદરવાનો વિચાર આવ્યો. 

ભારતની જાસૂસી સંસ્થા ‘રો’ના ત્રાસવાદ વિરોધી વિભાગના વડા સ્વ. બી. રામને ‘અ ટેરરિસ્ટ સ્ટેટ એઝ અ ફ્રન્ટલાઇન એલાય’ નામના પુસ્તકમાં આ છદ્મ યુદ્ધ વિશે વિગતે લખ્યું છે. આઈએસઆઈની પ્રોક્સી વોરની યોજના બે તબક્કામાં હતી. પહેલો તબક્કો ૧૯૮૯થી ૧૯૯૨નો હતો. તેમાં આઈએસઆઈએ ત્રાસવાદી જૂથોને નાણાકીય મદદ, તાલીમ અને શસ્ત્ર સહાય પોતે સીધી આપી. કોઈ વચેટિયાઓ નહોતા રાખ્યા. આ તબક્કામાં ઘણા બધા કાશ્મીરી ત્રાસવાદી જૂથોને આઈએસઆઈએ તૈયાર કર્યાં. તેમાં હિઝબુલ મુજાહિદ્દીન (એચએમ)થી લઈને જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)નો સમાવેશ થતો હતો. હિઝબુલ મુજાહિદ્દીનનું લક્ષ્ય જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવાનું હતું જ્યારે જેકેએલએફનું લક્ષ્ય જમ્મુ-કાશ્મીરને સ્વતંત્ર કરાવવાનું હતું. 

૧૯૯૨ સુધી અમેરિકા અને તેના મળતિયા દેશોએ કાશ્મીરમાં ચાલતા ત્રાસવાદ પ્રત્યે આંખ આડા કાન કર્યા. પરંતુ ૧૯૯૨માં ઈઝરાયલી પર્યટકો પર શ્રીનગરમાં હુમલા બાદ સ્થિતિ બદલાઈ. પશ્ર્ચિમી દેશોમાં પણ ફડક પેઠી. આથી ૧૯૯૩માં આઈએસઆઈએ બે ફેરફાર કર્યા. ત્રાસવાદને જીવંત રાખવા તેણે પોતે સીધી ભૂમિકા ભજવવાનું બંધ કર્યું અને વચેટિયા રાખવા લાગી. બીજું, જે જૂથો કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવાની તરફેણ કરતાં હતાં તેમને સહાય ચાલુ રાખી, પણ જે જૂથો કાશ્મીરને સ્વતંત્ર કરવા માગતાં હતાં તેમને સહાય બંધ કરી. વચેટિયા તરીકે પહેલું પાકિસ્તાની સંગઠન જમાત-એ-ઇસ્લામી પસંદ કરાયું. તેને નાણાં આપવામાં આવ્યાં અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર તેમજ અફઘાનમાં ચાલતી ત્રાસવાદી તાલીમ શિબિરો ચલાવવાની જવાબદારી તેને સોંપાઈ. બાદમાં આઈએસઆઈએ લશ્કર-એ-તોઈબા (એલઈટી) અને હરકત-ઉલ-અન્સારને પણ શિબિરોની જવાબદારી સોંપી. આ બંને સંગઠનો દેવબંધી/વહાબી પ્રકારના હતાં. તેઓ પહેલાં જમાત-ઉલ-ઉલેમા ઇસ્લામ (જેયુઆઈ)ની નિકટ હતા અને ૧૯૯૪ પછી તાલિબાન તરફી થયા. 

૧૯૯૨માં અયોધ્યામાં વિવાદિત ઢાંચો તૂટ્યો તેના કારણે મુસ્લિમોમાં રોષ ફેલાયો તે આઈએસઆઈ જાણી ગઈ. તેથી તે ભારતમાં હિન્દુઓનું વર્ચસ્વ ખતમ કરવા અને ઈસ્લામી શાસન લાવવા માગતી હતી અને આ માટે કાશ્મીર સિવાયના શેષ ભારતમાં પણ ત્રાસવાદ ફેલાય તે જરૂરી હતું. તે એમ પણ ઈચ્છતી હતી કે જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓ પર હુમલાઓ કરવામાં આવે. આથી ૧૯૯૩ પછી આઈએસઆઈએ આ ત્રાસવાદી જૂથોને સહાય માટે શરત મૂકી કે તમને સહાય તો જ અપાશે જો તમે જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવો, હિન્દુઓ પર હુમલા કરો અને શેષ ભારતમાં પણ અંતિમવાદી મુસ્લિમોને ત્રાસવાદી બનાવવા માટે તૈયાર કરો. આમ, હવે આઈએસઆઈનો હેતુ જમ્મુ-કાશ્મીરનો કબજો કરવાનો નહોતો, પરંતુ હિન્દુત્વને નબળું પાડી ભારતમાં મોગલ સામ્રાજ્ય ફરીથી સ્થાપવાનો હતો. 

આપણા નેતાઓ કમનસીબે આ વાત સમજતા નથી અને ત્રાસવાદીઓને કોઈ ધર્મ નથી તેવા મિથ્યા આલાપ કર્યા કરે છે. બધા મુસ્લિમો ત્રાસવાદી નથી એ વાત સાચી, પણ બધા ત્રાસવાદી મુસ્લિમો છે તે તો હવે આખું જગત જાણી ગયું છે, કારણ કે પાકિસ્તાનમાંથી શરૂ થયેલા ઇસ્લામી ત્રાસવાદે અમેરિકા, ઈઝરાયલ, ચીન, રશિયા, ફ્રાન્સ, બ્રિટન એમ અનેક મહાસત્તાઓને પોતાની લપેટમાં લીધા છે.

જમાત-એ-ઇસ્લામી અને હિઝબુલ મુજાહિદ્દીન, જે કાશ્મીરીઓનું સંગઠન હતું, તે જમ્મુ-કાશ્મીરની બહાર ત્રાસવાદ ફેલાવવામાં સંકોચ અનુભવતાં હતાં, પરંતુ લશ્કર-એ-તોઇબા, હરકત-ઉલ-અન્સાર અને પૂર્વ પાકિસ્તાનના અલ બદ્રએ આ વાત સ્વીકારી લીધી. હરકત-ઉલ-અન્સારે તેનું નામ બાદમાં બદલીને હરકત-ઉલ-મુજાહિદ્દીન કરી નાખ્યું. આ ત્રણેય સંસ્થાઓ સાથે મળીને કામ કરવા લાગી. 

હિઝબુલ મુજાહિદ્દીન અમેરિકા, ઈઝરાયલ અને સાઉદી અરેબિયાના શાસક પરિવારની વિરુદ્ધ નહોતું જ્યારે લશ્કર-એ-તોઈબા, હરકત-ઉલ-મુજાહિદ્દીન અને અલ બદ્ર વિરુદ્ધ હતાં. આના કારણે અમેરિકા (કારણ કે ત્યાં ઇઝરાયલ લોબી મજબૂત છે) અને ઈઝરાયલ ભારતની તરફેણમાં આવ્યા. અમેરિકાએ ૧૯૯૭માં હરકત-ઉલ-અન્સારને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન જાહેર કર્યું. 

આઈએસઆઈએ બીજી પણ એક ચાલ એ રમી કે તે પોતાના દ્વારા પોષાયેલા ત્રાસવાદીઓને ભારતમાં સેનાના હાથે મરાવતું રહ્યું. આનાથી તેને બેવડા લાભ થયા. એક તરફ, તેના દ્વારા પ્રેરિત કાશ્મીરનાં સંગઠનો એમ કહી શકતા હતા કે ભારતીય સેના કાશ્મીરમાં જુલમ કરે છે. બીજી બાજુ, ધર્માંધ જેહાદી માનસિકતાવાળા ત્રાસવાદીઓ ભારતમાં જ ખતમ થઈ જતા હતા, જેથી તેઓ પાછા ફરીને પાકિસ્તાનને પણ જેહાદની લપેટમાં ન લઈ શકે અને પાકિસ્તાન પર આવા જેહાદીઓનું શાસન ન આવે. આઈએસઆઈને ૧૯૭૭માં ઉત્તર પ્રદેશના સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ્સ ઑફ ઇન્ડિયા (સિમી) જેવા સંગઠનનો પણ લાભ મળ્યો. સિમીનો હેતુ છે ભારતમાં ઈસ્લામી શાસન સ્થાપવું. તે લોકશાહી, બિનસાંપ્રદાયિકતા, રાષ્ટ્રવાદ અને ભારતના બંધારણ વગેરેને ઈસ્લામ વિરોધી ગણે છે. સિમી આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ઓસામા બિન લાદેનને પોતાનો નાયક (હીરો) ગણે છે!

પાકિસ્તાનમાં આજે પણ મૌલાના મસૂદ અઝહર, હાફીઝ સઈદ જેવા ખૂંખાર ત્રાસવાદીઓ છૂટા ફરે છે. પાકિસ્તાનની ભારતને છદ્મ યુદ્ધ દ્વારા હેરાન કર્યા રાખવાની અને ભારતમાં કટ્ટર ઈસ્લામી શાસન સ્થાપવાની નીતિને આજે નહીં નહીં તોય ૨૬ વર્ષ થઈ ગયાં. તેની સામે ભારતે શું કર્યું? ભારતે ધાર્યું હોત તો સિંધ અને બલૂચિસ્તાનના પ્રશ્ર્ને પાકિસ્તાનને પોતાની સમસ્યાઓમાં જ વ્યસ્ત રાખી શક્યું હોત. ઈઝરાયલ જેવા હુમલા કરી શક્યું હોત, પરંતુ એવું થયું નથી. સામાન્ય રીતે વિપક્ષમાં હોય ત્યારે પાકિસ્તાનને તેની ભાષામાં જડબાતોડ જવાબ દેવાની મોટી મોટી સિંહગર્જના કરનારા અટલ બિહારી વાજપેયી-નરેન્દ્ર મોદી જેવા ભાજપી નેતાઓ પણ સત્તામાં આવ્યા પછી મિયાંની મીંદડીની જેમ ચૂપ થઈ જાય છે અને નવાઝ શરીફને શાલ ભેટ તરીકે મોકલાવ્યા કરે છે. ઈદની મુબારકબાદ આપ્યા કરે છે. (યોગાનુયોગ ભાજપના બંને શાસનકાળ વખતે શરીફ જ વડા પ્રધાન હતા/છે). હવે તો સ્થિતિ એ આવી છે કે અત્યારે સૌથી ખૂંખાર ત્રાસવાદી સંગઠન તરીકે પંકાઈ ગયેલા આઈએસઆઈએસના ઝંડા પણ જમ્મુ-કાશ્મીરમાં ફરકાવા લાગ્યા છે. ભાજપ એવો પણ બચાવ કરી શકે તેમ નથી કે જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદીઓ સાથે સાઠગાંઠ ધરાવનાર અબ્દુલ્લા પરિવારની સત્તા છે, કેમ કે પીડીપી સાથે તે સત્તામાં ભાગીદાર છે. 

ઠીક ત્યારે. પ્રોક્સી વોરને આગળ વધારવા માટે પાકિસ્તાનના તત્કાલીન શાસક ઝિયા ઉલ હક અને આઈએસઆઈએ ક્રિકેટનો સહારો પણ લીધો હતો. ત્રાસવાદી પ્રવૃત્તિ ગુપ્ત રીતે કરવા માટે જમ્મુ-કાશ્મીરમાં ક્રિકેટ ક્લબ સારું ઓઠું બની ગઈ હતી. રાજ્યના દરેક મહોલ્લામાં ક્રિકેટ ક્લબ સ્થપાઈ. આમ રાજ્યમાં હજારો ક્રિકેટ ક્લબો અસ્તિત્વમાં આવી ગઈ. ‘કાશ્મીર ડિસ્ટોર્શન એન્ડ રિયાલિટી’ પુસ્તકમાં લેખક દીનાનાથ રૈના લખે છે કે આ ક્લબોમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા. તેમનો દેખાવ ચુસ્ત મુસ્લિમ જેવો રહેતો. દાઢી, સલવાર, કુર્તા એમનો વેશ રહેતો. આ ક્લબો યુવાનોને એકબીજા સાથે જોડાયેલા રાખવાનું કામ કરતી. ૧૯૮૪થી ૧૯૮૯માં જો કોઈ શ્રીનગરના રસ્તાઓ પરથી નીકળે તો ગલીઓમાં યુવાન ક્રિકેટ રમતા દેખાય. તેઓ પ્લાસ્ટિકના દડાથી રમતા. કોઈ વાર વટેમાર્ગુને દડો વાગી જાય, તો પણ કોઈ આ માટે ફરિયાદ કરતું નહીં. કાશ્મીરના યુવાનોનો ક્રિકેટમાં રસ જોઈને ઝિયાએ અચાનક જ જયપુરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાનારી ટેસ્ટ મેચ જોવાનું ગોઠવી નાખ્યું. ઝિયાએ જાહેરાત તો એવી કરી નાખી કે ‘ક્રિકેટ ફોર પીસ’ (શાંતિ માટે ક્રિકેટ) એ મારું મિશન છે. 

૧૪-૧૬ જુલાઈ ૨૦૦૧ના રોજ, પાકિસ્તાને કારગિલમાં હુમલો કર્યો હોવા છતાં, તેના પર વળતો હુમલો કરવાના બદલે, અગાઉની કોંગ્રેસની સરકારોની જેમ મંત્રણા માટે તે વખતના પાકિસ્તાનના શાસક જન. પરવેઝ મુશર્રફને આગરામાં બોલાવવાનું ભાજપની વાજપેયી સરકારે પસંદ કર્યું હતું. તે વખતે સુષમા સ્વરાજ જે અત્યારે વિદેશ પ્રધાન છે, તેમણે મુશર્રફની કુર્નિશ કરી હતી. મુશર્રફની ભારે આગતાસ્વાગતા કરાઈ હતી. આવું જ ૧૯૮૭માં ઝિયા ઉલ હક જયપુર આવ્યા ત્યારે રાજીવ ગાંધી સરકારે કર્યું હતું. એ સરકારને ત્યારે લાગ્યું હતું કે પોતે બહુ મોટું તીર માર્યું છે. એ વખતના માધ્યમોના અહેવાલો પ્રમાણે, સરકારે સત્તાવાર રીતે ઝિયાને આમંત્રણ નહોતું આપ્યું અને ભારતીય અધિકારીઓએ પણ ખાનગીમાં સ્વીકાર્યું હતું કે તેમને ઝિયાની મુલાકાતથી આશ્ર્ચર્ય થયું છે. ઝિયાએ એવું કહ્યું હતું કે તેઓ ભારતીય ક્રિકેટ બોર્ડના આમંત્રણથી ભારત આવ્યા છે. ઘણી વાર બે દેશોના વડાઓ વચ્ચે પબ્લિક રિલેશન (જેને પી.આર. કહેવાય છે) હરીફાઈ થતી હોય છે. એટલે કે અંદરખાને ગમે તેટલું વેરઝેર હોય, બહાર મીઠો મીઠો દેખાવ કરવાનો. ઝિયાની મુલાકાત વખતે કેટલાક એવું માનતા હતા કે રાજીવ ગાંધી સામે પી.આર.માં મેદાન મારી જવા ઝિયાએ આ ઓચિંતી મુલાકાત ગોઠવી નાખી હતી. 

આપણે ત્યાં ઘણા લોકો અતિશય ભોળા લાગે છે અથવા તો નમાલા. વિદેશીઓ આવે એટલે ઓળઘોળ થઈ જાય. અતિથિ દેવો ભવ એ આપણું સૂત્ર છે એ વાત સાચી, પરંતુ પોતાના રાષ્ટ્રના ગૌરવને ભૂલીને ઓળઘોળ થઈ જવું એ ખોટું છે. ચાહે, આપણી પર રાજ કરી ગયેલા બ્રિટિશરો હોય કે આપણને પજવતા રહેલા અમેરિકા-રશિયા હોય કે પછી પાકિસ્તાની હોય, ત્યાંથી મામૂલી વ્યક્તિ પણ આપણે ત્યાં આવે તો ઘણા લોકોના મોંમાંથી લાળ ટપકવા લાગે છે. પાકિસ્તાનના કલાકારો તો માત્ર ને માત્ર અહીં કમાવા જ આવે છે તેમ છતાં મહેશ ભટ્ટ જેવા બિનસાંપ્રદાયિકતાના નામે માત્ર ને માત્ર ઈસ્લામની તરફેણ કરનારા લોકો આવા કલાકારોને અહીં ભારતીય કલાકારોના ભોગે પુષ્કળ નામ ને દામ આપે છે. ભારતીય મિડિયા જે કેટલીક વાર દેશદ્રોહની કક્ષાએ વર્તે છે, તે ઓબામા-કેમેરોન કે મુશર્રફ જેવા વિદેશી શાસકો પણ ભારત આવે ત્યારે તેમણે કેટલી વાર છીંક ખાધી ને કેટલી વાર જાજરુ ગયા સહિતની ઝીણી ઝીણી ને નકામી વિગતોથી પાનાં ભરી ભરીને છાપે છે- ચોવીસ કલાક એ જ બતાવ્યા કરે છે. 

ઝિયા ઉલ હકની મુલાકાત વખતે પણ બિશનસિંહ બેદી જેવા ભારતીય ક્રિકેટરો પ્રભાવિત થઈ ગયા હતા. તેમણે કહેલું કે ઝિયા તો ખૂબ જ ઉમદા હૃદયના છે. એ મેચમાં અઝહરુદ્દીને શતક ફટકાર્યું જેને પાકિસ્તાનના મિડિયાએ ગાઈ-વગાડીને રજૂ કર્યું. (એ વખતે ભારતીયો પણ અઝહરને તેની બેટ્સમેન-ફિલ્ડર તરીકેની સફળતાના કારણે તેમજ તેના નમ્ર વર્તનના કારણે માથે ચડાવતા હતા). તેણે કહ્યું કે એક મુસ્લિમ ભારતીય સમાજમાં પોતાનું સ્થાન બતાવી શકે છે. એક ભારતીય પત્રકારે તો ઘસડી નાખ્યું, આ સેક્યુલરિઝમનો વિજય છે. એ જ અઝહર જ્યારે મેચ ફિક્સિગંમાં ફસાયો અને તેણે પોતાના બચાવમાં કહ્યું કે પોતે મુસ્લિમ હોવાથી તેને ફસાવવામાં આવે છે ત્યારે આ સેક્યુલર’ પત્રકારોએ લખવું જોઈતું હતું કે આ સેક્યુલરિઝમની હાર છે. અઝહરને માથે ચડાવ્યો, પરંતુ જ્યારે તે ગુનામાં ફસાયો ત્યારે પોતાની લઘુમતીની ઓળખને આગળ કરી.

પાકિસ્તાન અને ઝિયાનું ક્રિકેટ પોલિટિક્સ આગળ વધીને યુએઈ સુધી વિસ્તર્યું હતું, જ્યાં અબ્દુલ રહેમાન બુખાતીરે બંધાવેલા સ્ટેડિયમમાં પૂર્વ પાકિસ્તાન કપ્તાન આસીફ ઇકબાલ (જે ૧૯૬૦માં ભારતથી પાકિસ્તાન ચાલ્યો ગયો હતો)ના મેનેજમેન્ટમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચો યોજાતી અને તેમાં અમ્પાયરોની આડોડાઈ અને અન્ય કારણોસર ભારતની હાર મોટા ભાગે નિશ્ર્ચિત જ રહેતી. આનાથી કાશ્મીર સહિત ભારતમાં અનેક જગ્યાએ મુસ્લિમો ખુશ થતા જ્યારે રાષ્ટ્રવાદી લોકોનું મનોબળ ઘટતું. એ શારજાહની વાત આવતા હપ્તે. (ક્રમશ:)

23-08-2015

પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હાર જા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=171344

ઝિયાની જયપુરમાં ક્રિકેટ મેચ જોવા આવવાની મુલાકાતથી કાશ્મીરમાં ક્રિકેટ ક્લબ કલ્ચરને જબરદસ્ત પ્રોત્સાહન મળી ગયું. જોકે હિન્દુઓ માટે ક્રિકેટ મેચો હંમેશાં ભયનું કારણ રહેતી. ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચો જ્યારે પણ કાશ્મીરમાં યોજાય ત્યારે હિન્દુઓ ફફડતા કારણ કે જો ભારતીય ટીમ જીતે તો મુસ્લિમો ગુસ્સે થઈ જતા. સરકારી અધિકારીઓ ઑફિસમાં હાજર ન રહેતા. હડતાળ પાડતા. ખીણમાં ભારે પ્રમાણમાં પ્રદર્શનો થતાં. જો પાકિસ્તાન જીતે તો અભૂતપૂર્વ ઉજવણી થતી. લોકો શેરી પર નીકળી પડે અને ડાન્સ કરવા લાગતા. આ બંને સંજોગોમાં હિન્દુઓ તો ફફડતા રાંક પ્રાણીની જેમ ઘરની અંદર પુરાઈ રહેતા. તેઓ પોતાના મોઢામાંથી કંઈ ન બોલાઈ જાય તેનું ધ્યાન રાખતા. હિન્દુઓના આત્મસંયમના કારણે પરિસ્થિતિ મોટા ભાગે શાંત જળવાઈ રહેતી. જોકે ક્રિકેટના બોસ (ક્રિકેટ બોર્ડ) લોકો અને સરકારને ક્યારેય ઝિયાનું આ ક્રિકેટ પોલિટિક્સ સમજાયું નહીં. 

પાકિસ્તાનીઓનું આ ક્રિકેટ પોલિટિક્સ શારજાહ સુધી વિસ્તર્યું હતું. શારજાહ એટલે હાર જા. આવી ઉક્તિ યાદ હશે. યુએઇના આ શહેરમાં અબ્દુલ રહેમાન બુખાતીરે ૧૯૮૦ના દાયકામાં બંધાવેલા સ્ટેડિયમમાં મોટા ભાગે ભારત-પાકિસ્તાન અને કેટલીક વાર તેમાં ત્રીજો દેશ સામેલ થતો તો તેમની વચ્ચે ક્રિકેટ મેચો રમાતી. આ મેચોનું પરિણામ અગાઉથી નક્કી જ રહેતું. ભારતની હાર નિશ્ર્ચિત હતી. શ્રીલંકા કે પાકિસ્તાનના અમ્પાયરોની અંચઈ રીતસર દેખાતી તો પણ માધવરાવ સિંધિયા જેવા ક્રિકેટ બોર્ડ પર કબજો જમાવીને બેઠેલા કોંગ્રેસી નેતા કે સરકાર કંઈ કરતી નહીં. કદાચ એટલા માટે કે બોર્ડના અધિકારીઓને મસમોટી રકમ ચૂકવાતી હતી. જ્યારે પણ ત્યાં મેચ રમાતી ત્યારે ભારતની ટીમ જાણે ભૂખ્યા વાઘ સામે બાંધેલા પશુઓને ફેંકી દેવાય તેમ મેદાન પર ઉતારતી હતી. બીબીસીના ક્રિકેટ સંવાદદાતા જોનાથન એગ્નુએ કહ્યું હતું કે હું સોગંદ પર એ કહેવા તૈયાર છું કે મેં જે મેચ જોઈ છે તેમાં બેએક મેચ તો પાકિસ્તાન દ્વારા ફિક્સ કરાઈ હતી. 

ભારતનો ખૂંખાર ગુંડો જે પાછળથી ત્રાસવાદી બન્યો તે દાઉદ ઇબ્રાહિમ શારજાહમાં વટથી ટીવી કેમેરામાં આખા જગતને દેખાય તેમ હાજર રહેતો અને તેની સાથે અનિલ કપૂર, ફિરોઝ ખાન, સંજય ખાન, સીમી ગરેવાલ, (રાજેશ ખન્ના અને ક્રિકેટર ગેરી સોબર્સની પ્રેમિકા) અંજુ મહેન્દ્રુ, શર્મિલા ટાગોર જેવાં અભિનેતા-અભિનેત્રીઓ પૂંછડી પટપટાવતા સાથે બેસીને મેચ જોતાં. અભિનેત્રી મંદાકિની તો તેની રખાત હતી. તે પણ દાઉદ સાથે શારજાહમાં જોવા મળતી. શારજાહમાં દર્શકોમાં પણ મોટા ભાગના પાકિસ્તાનની તરફેણવાળા રહેતા અને ભારતની હારના કારણે તેમનામાં, પાકિસ્તાનમાં રહેલા લોકો, ભારતમાં ઘણા મુસ્લિમો, ખાસ કરીને કાશ્મીરના મુસ્લિમો જોશમાં આવી જતા. સાચા રાષ્ટ્રવાદી ભારતીયો ગુસ્સાથી સમસમીને રહી જતા. તેમનું મનોબળ ભારે નીચું જતું. મોટા ભાગની મેચનું પરિણામ પહેલેથી નક્કી જ રહેતું - ભારતની હાર. તેથી કાશ્મીર સહિત ઘણી જગ્યાએ ઉજવણી હજુ મેચ ન પતી હોય ત્યાં જ શરૂ થઈ જતી. સદ્ભાગ્યે ક્રિકેટમાં મેચ ફિક્સિંગનું કૌભાંડ બહાર આવ્યા પછી ૨૦૦૧માં શારજાહમાં ક્રિકેટ મેચો રમાતી બંધ થઈ.

શારજાહમાં રમાતી સ્પર્ધાઓ આઈપીએલના પૂર્વાવતાર જેવી જ હતી. આઈપીએલની મેચો પછી જેવી લેટ નાઇટ પાર્ટીઓ થતી તેવી શારજાહમાં પણ પાર્ટીઓ થતી. સત્તાવાર રીતે તો એવું જ બહાર આવ્યું કે સીમી ગરેવાલ જેવી અભિનેત્રી બુખાતીર સામે ગીતો ગાઈ તેમનું મનોરંજન કરતી. (બિનસત્તાવાર રીતે આ અભિનેતા-અભિનેત્રીઓ જે કંઈ કરતા હોય તે અલગ.) પાકિસ્તાનના નઈમ બુખારીએ શારજાહના હોલિડે ઇન્ટરનેશનલમાં રાત્રિભોજને પાકિસ્તાનની દેશભક્તિમાં બદલી નાખેલી. તેમાં તે ઇસ્લામિક રિપબ્લિક ઑફ પાકિસ્તાન’નું ગીત ગાતો. પાકિસ્તાનીઓ ખુશ થતા અને ભારતીયોએ કૃત્રિમ હાસ્ય આપવું પડતું.

ભારતીય ખેલાડીઓને કદાચ શારજાહમાં રમવાની મજા એટલે પણ આવતી કે (ફિક્સિંગથી જે કોઈને જે કંઈ લાભ થતો હોય તે ઉપરાંત) શોપિંગની મજા પડી જતી. ત્યાં દર્શકો પણ મોટા ભાગે પાકિસ્તાન તરફી જ રહેતા. તેથી ભારતીય ખેલાડીઓ માટે વાતાવરણ એવું રહેતું જાણે તેઓ પાકિસ્તાનમાં ન રમતા હોય. જેમ કે જો ભારતીય બેટ્સમેન પાકિસ્તાન સામે બેટિંગ કરવા જાય તો દર્શકો આવું સૂત્ર બોલતા: આઉટ હો ભાઈ આઉટ હો, જલદી જલદી આઉટ હો. અને દર વખતે નિશ્ર્ચિત જેવી બની ગયેલી ભારતીય હાર નજીક હોય ત્યારે તેઓ આવું બોલતા: યે ટીમ કિસકી હૈ? હર મેચ મેં હારી હૈ? યે ટીમ ઇન્ડિયા કી હૈ, હર મેચ મેં હારતી હૈ. ભારતની ટીમ હારી જાય એટલે પાકિસ્તાન તરફીઓ એવી રીતે ઉજવણી કરતા જેમ કે તેમણે દુનિયા ન જીતી લીધી હોય! જોકે સચીન તેંડુલકર જેવા ખેલાડીઓ એમ માનીને સંતોષ લેતા કે પાકિસ્તાનમાં તો આના કરતાંય ખરાબ વાતાવરણ હોય છે. ત્યાં રહેતા ભારતીયો માટે પણ ભારે વિચિત્ર સ્થિતિ થતી. ભારતીય ટીમ હારી હોય એટલે તેનું દુ:ખ હોય, પરંતુ પાકિસ્તાનીઓ તેમને ફોન કરીને ખોટે ખોટી સહાનુભૂતિ પાઠવે. અંદરથી તો તેઓ ખુશ જ થતા હોય. 

ભારતીય ઓલરાઉન્ડર મનોજ પ્રભાકરે ૧૯૯૭માં પોતાની જ ટીમના એક ખેલાડી પર ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો. તેણે જે મેચોની વાત કરી હતી તેમાંની કેટલીક ૧૯૯૧માં શારજાહમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચો હતી. બન્યું હતું એવું કે અંધારું થઈ ગયું હતું (ક્રિકેટની ભાષામાં તેને બેડ લાઇટ કહે છે.) અમ્પાયરોએ ભારતીય બેટ્સમેનોને લાઇટની દરખાસ્ત પણ કરી હતી, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટે પ્રભાકર અને સંજય માંજરેકરને ઓછા પ્રકાશમાં રમવાનું ચાલુ રાખવા આદેશ આપ્યો હતો. કહેવાની જરૂર નથી કે છેલ્લી ઓવરમાં પાકિસ્તાન જીતી ગયું હતું અને સ્પર્ધાની ફાઇનલ માટે ક્વોલિફાઈ થઈ ગયું હતું. પ્રભાકરે જે બીજી મેચની વાત કરેલી તે કોલંબો (શ્રીલંકા)માં ૧૯૯૪માં રમાઈ હતી. તેમાં ભારતને હરાવવા માટે પ્રભાકરને રૂ. ૨૫ લાખની દરખાસ્ત થઈ હતી! 

ત્રાસવાદી દાઉદ ઇબ્રાહિમની પહોંચ કેટલી હતી તેનો ઘટસ્ફોટ ૨૦૧૩માં બહાર આવેલા એક અહેવાલમાં થયો હતો. પૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરે આ ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે ૧૯૮૦ના દાયકામાં રમાયેલી અનેક સ્પર્ધાઓમાં દાઉદની પહોંચ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમ સુધી હતી. ૧૯૮૬ કે ૮૭માં શારજાહમાં રમાયેલી એક સ્પર્ધામાં દાઉદ ડ્રેસિંગ રૂમમાં આવી ગયો હતો, પરંતુ કપિલ દેવે તેને તગેડી મૂક્યો હતો. અભિનેતા મહેમૂદ તેને ડ્રેસિંગ રૂમમાં લાવ્યો હતો. કોઈ તેને ઓળખી શક્યું નહોતું, પરંતુ દિલીપે તેનો ફોટો જોયો હોવાથી તે તેને ઓળખી ગયા હતા. મહેમૂદે દાઉદની ઓળખ છુપાવી હતી અને તેનો પરિચય એક વેપારી તરીકે કરાવ્યો હતો. દાઉદે કહ્યું હતું કે જો તમે આવતીકાલે પાકિસ્તાનને હરાવશો તો તમને બધાને એક ટોયોટા કોરોલા કાર મળશે. અને તે પણ ભારતમાં તમામ ખેલાડીના ઘરે પહોંચાડી દેવાશે! તે વખતના ભારતીય ટીમના મેનેજર જયવંત લેલે હતા, જેમણે પૂછેલું, મને પણ મળશે? દાઉદે કહેલું, હા. (જયવંત લેલેએ પણ પોતાના પુસ્તકમાં આ ઘટના ઉલ્લેખી છે.) 

કપિલ દેવ બહાર પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા. તેઓ અંદર આવ્યા. તેઓ તેમના સાથી ખેલાડીઓ સાથે વાત કરવા માગતા હતા. તેમણે મહેમૂદને કહ્યું, મહેમૂદસાબ આપ ઝરા બહાર નીકલો. (દાઉદ તરફ ઈશારો કરતા) ઔર યે કૌન હૈ? ચલ બહાર ચલ. દાઉદ કપિલના વર્તનથી ધૂંધવાઈ ગયો હતો. તેણે બહાર નીકળી કહ્યું, કાર કેન્સલ હાં? તે પછી પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિંયાદાદ, જેને સરેરાશ તમામ ભારતીય નફરત કરતો હશે, તે આવ્યો અને તેણે કપિલ દેવના દાઉદ પ્રત્યેના વર્તન વિશે ફરિયાદ કરી. યાર ઉસકો (કપિલ કો) પતા નહીં વો દાઉદ ઇબ્રાહિમ હૈ. ઉસકો કુછ પ્રોબ્લેમ કરેગા... 

એક વાત એ પણ છે કે તે વખતના ક્રિકેટરોની માનસિકતા ડરપોક પ્રકારની હતી. તેઓ પાકિસ્તાનીઓની આક્રમકતા સામે જ નહીં, વેસ્ટ ઇન્ડિઝ, ઈંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા વગેરેના આક્રમક ખેલ સામે પણ બોદા પડતા. કોઈ જાતના આત્મવિશ્ર્વાસ વગર અને રણનીતિ વગર, દરેક પોતાનું શાનદાર પર્ફોર્મન્સ આપવા માગતું હોય તેમ રમતું. મિંયાદાદે ચેતન શર્માની ઓવરમાં છેલ્લા દડે ફટકારેલી સિક્સરને ભારતીય ઇતિહાસકાર, નવલકથાકાર અને નિબંધકાર મુકુલ કેશવને એવી ઉપમા આપેલી કે મિંયાદાદે ભારતીયોના નાકમાં બે આંગળી ઘુસાડી દીધી હોય! ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટરો વચ્ચે પણ જનૂન દેખાઈ આવતું. જાવેદ મિંયાદાદ અને કિરણ મોરેનો વર્લ્ડ કપ દરમિયાન થયેલો ઝઘડો હોય કે આમીર સોહેલ અને વેંકટેશ પ્રસાદનો ઝઘડો હોય. 

આપણી સરકારની નીતિ સાતત્યભરી નથી રહી. પાકિસ્તાનના આટઆટલા ઉંબાડિયાં અને ભારતને પરેશાન કરતા રહેવાની નીતિ છતાં પાકિસ્તાન સાથે થોડો સમય દુશ્મની રાખીને ક્રિકેટ બંધ કરી દેશે, વિમાનને સરહદ પરથી ઉડવાની ના પાડી દેશે, ધંધાપાણી બંધ કરી દેશે અને વળી પાછું શાંતિમંત્રણાઓ કરવા લાગશે. અગાઉની વાજપેયી સરકાર પણ આવું જ કરતી આવી છે અને મોદી સરકાર પણ આવું જ કરે છે. આ લેખ તમે વાંચતા હશો તે જ દિવસે પાકિસ્તાન સાથે સુરક્ષા સંસ્થા સ્તરની મંત્રણા છે. તેમાં વળી દસ્તાવેજોના પુરાવાઓ અપાશે. પાકિસ્તાન તેની હોળી કરીને તાપણાં કરશે. આ બધામાં ક્રિકેટ એ ઘા પર મીઠા ભભરાવા જેવું કરે છે. 

૧૯૯૩માં ૧૨ માર્ચે મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા હતા. તેના ઘા ખોતરતા હોય તેમ તે વખતના પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે (અત્યારે પણ એ જ છે.) દિલ્હીના વિદેશી પત્રકારો અને લાહોર જિમખાના ટીમ વચ્ચે ક્રિકેટ મેચની દરખાસ્ત કરી. એપ્રિલ ૧૯૯૩માં ઈસ્લામાબાદમાં આ મેચ રમાવાની હતી. ભારતીય ટીમમાં બે જણ એવા હતા કે જેઓ પત્રકારો નહોતા! ક્રિકેટરોને વિશેષ વિમાન દ્વારા લાહોરથી ઈસ્લામાબાદ લઈ જવાયા. ક્રિકેટરોને ક્રિકેટ ક્લબ સુધી લઈ જવા સાત મર્સિડિઝ કારનો કાફલો તહેનાત હતો. ફાઇવ સ્ટાર પર્લ કોન્ટિનેન્ટલ હોટલમાં ઉતારો અપાયો હતો. દારૂ પર પ્રતિબંધ હોવા છતાં હોટલમાં પત્રકાર ક્રિકેટરો અને તેમના પરિવારોને દારૂ સાથેની ખાણીપીણી પૂરી પડાઈ હતી. મેચને સ્ક્રિપ્ટ પ્રમાણે ડ્રોમાં લઈ જવાઈ હતી. શરીફ પોતે ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવા આવ્યા હતા. દરેક ક્રિકેટરને એક સાદડી, લેમ્પ શેડ અને પેન હોલ્ડર અપાયાં હતાં. સ્વાભાવિક છે કે પાકિસ્તાનની મહેમાનગતિથી પ્રભાવિત આ પત્રકારો જેમાં થોડાક ભારતીયો પણ હતા તેમણે મુંબઈમાં થયેલા બોમ્બધડાકા પાછળ પાકિસ્તાનનો હાથ છે તેવી ભારત સરકારની વાત પર રોકકળ કરી મૂકી હતી. (જેમ થોડા સમય પહેલાં યાકુબ મેમણની ફાંસીને રોકવા શત્રુઘ્નસિંહા, મહેશ ભટ્ટ આણિ મંડળીએ રોકકળ કરી હતી અને ફાંસી પછી ભારતીય માધ્યમોના એક વર્ગે યાકુબ પ્રત્યે સહાનુભૂતિ ઊભી કરવા પ્રયાસ કર્યો હતો)

30-08-2015
શાહબાનો કેસ: રાજીવના નિર્ણયથી કાશ્મીરમાં ઉજવણીનો માહોલ
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=171997

પાકિસ્તાન પ્રેરિત પ્રોક્સી વોર અને ત્રાસવાદનાં મૂળ ૧૯૮૦ના દાયકામાં નખાયા હોવાથી કાશ્મીરના મુખ્ય પ્રધાન જી. એમ. શાહની વાત અટકાવીને આપણે એ વિશે બેએક હપ્તામાં જાણ્યું. આ બ્રેકના કારણે જી. એમ. શાહની વાત ભૂલાઈ ગઈ હોય તો તાજી કરીએ. શેખ અબ્દુલ્લાના દીકરા ડૉ. ફારુક અબ્દુલ્લાના બનેવી જી. એમ. શાહે બળવો કરી કૉંગ્રેસના ટેકાથી સરકાર બનાવી. વિધાનસભામાં અધ્યક્ષની ભૂંડી ભૂમિકા પછી તેમની સામે અવિશ્ર્વાસની દરખાસ્ત પસાર કરાવીને તેમણે અધ્યક્ષને દૂર કર્યા. અને પછી વિશ્ર્વાસનો મત જીતી લીધો. હવે ફારુક અબ્દુલ્લા કઈ રીતે ફરી મુખ્ય પ્રધાન તરીકે પાછા ફર્યા તેની વાત કરીએ.

૩૧ જુલાઈ, ૧૯૮૪ના રોજ જી. એમ. શાહ સરકારે વિશ્ર્વાસનો મત જીતી લીધો. તે સરકાર પણ અગાઉની સરકારો જેવી જ નીકળી. પોતાના સસરા શેખ અબ્દુલ્લા અને સાળા ફારુક અબ્દુલ્લાની જેમ જી. એમ. શાહ સરકારે પણ આવતાંવેંત ભૂખ્યા વરુ શિકાર કરે તેમ ભ્રષ્ટાચાર કરવા માંડ્યો. ૧૯૮૪માં લોકસભા ચૂંટણી થઈ તે પછી તો જી. એમ. શાહ સરકારે રીતસર લૂંટ જ મચાવી. રાજ્યની જમીન બજાર ભાવ કરતાં અડધા ભાવે લીઝ પર આપવા માંડી. નઝૂલ (સરકારી) જમીન પર જે ગેરકાયદે કબજા હતા તેમને નિયમિત કરવા નિર્ણય લીધો. આથી ફેબ્રુઆરી ૧૯૮૫માં જગમોહને આ અંગે વિરોધ કરતો પત્ર મુખ્ય પ્રધાનને લખ્યો.

શાહ સરકારે ચાવીરૂપ સ્થાનો પર બિનલાયક માણસોને બેસાડવા લાગ્યા. વરિષ્ઠ અધિકારીઓની આડેધડ બદલીઓ કરવા માંડી. જમ્મુ-કાશ્મીર બૅન્કના ચેરમેન તરીકે ભારત પ્રત્યે નિષ્ઠા ન ધરાવતા શંકાસ્પદ વ્યક્તિની નિમણૂક કરી. જગમોહને કેન્દ્રીય નાણાં પ્રધાન અને રિઝર્વ બૅન્કના અધ્યક્ષને તેનો વિરોધ કરતો પત્ર લખ્યો. આનાથી એ વ્યક્તિની નિમણૂક અટકી ગઈ. જગમોહન આ રીતે ઘણા બધા કિસ્સાઓમાં વિરોધ કરતા. તેથી કંટાળીને જી. એમ. શાહે વડા પ્રધાન રાજીવ ગાંધીને જગમોહનની ફરિયાદ કરી. 

જગમોહને રાજીવ ગાંધીને પોતાનો ખુલાસો કરતો પત્ર લખ્યો કે હું જે કંઈ કરું છું તે જમ્મુ-કાશ્મીરના બંધારણની કલમ ૪૪ હેઠળ રાજ્યપાલને મળેલા અધિકારો હેઠળ જ કરું છું. 

જી. એમ. શાહની સરકારના સમયમાં કોમવાદી તણાવ મોટા પ્રમાણમાં વ્યાપી ગયો હતો. લઘુમતી (જમ્મુ-કાશ્મીરના સંદર્ભમાં હિન્દુઓ) અત્યંત ભયભીત બનીને જીવતા હતા. અધિકારીઓનું મનોબળ તૂટ્યું હતું. સચિવાલયમાં અશિસ્ત ફેલાઈ ગઈ હતી. ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર ઉધઈની જેમ તંત્રને કોરી ખાઈ રહ્યો હતો. સરકારી તંત્ર નિયંત્રણ વગરનું બેફામ બન્યું હતું. પહેલેથી નબળું અર્થતંત્ર વધુ ને વધુ નબળું પડી રહ્યું હતું. 

રાજ્યપાલની દખલગીરી મુખ્યમંત્રી જી. એમ. શાહને સહન થાય તેવી નહોતી. તેમને પણ શેખ અને ફારુક અબ્દુલ્લાની માફક કાશ્મીરના સુલતાનની જેમ રાજ્યને લૂટવું હતું, પણ રાજ્યપાલ મોટી અડચણરૂપ હતા. તેમને ડર પણ હતો કે રાજ્યપાલ ફરિયાદ કરશે તો ક્યાંક રાજીવ ગાંધીની સૂચનાથી કૉંગ્રેસ ક્યાંક તેમની સરકારને ટેકો પાછો ન ખેંચી લે. આથી તેમણે દિલ્હીમાં કાશ્મીરી સ્ટાઇલમાં ભવ્ય રાત્રિભોજનનું આયોજન કર્યું. ‘ઈન્ડિયા ટૂડે’ સામયિકના ૧૫ એપ્રિલ, ૧૯૮૫ના અહેવાલ મુજબ, અંગ્રેજીમાં કહીએ તો એઇટ કોર્સ ડિનર અને ગુજરાતીમાં કહીએ તો બત્રીસ શાક અને તેંત્રીસ પકવાનનું તે મહાભોજન હતું. જી. એમ. શાહે રાજ્યના ખર્ચે ત્રણ વરિષ્ઠ પત્રકારોને વિમાનમાં દિલ્હી મોકલ્યા હતા, જે રાજીવ ગાંધીને અનૌપચારિક રીતે પૂછી લે કે તેઓ જી. એમ. શાહને ટેકો ચાલુ રાખવાના મતના છે કે નહીં તે ખાસ પૂછે. (કેટલાક પત્રકારો દિલ્હીમાં પણ આવા પેઇડ ક્વેશ્ર્ચન્સ પૂછતા હોય છે.)

રાજીવ ગાંધીએ જી. એમ. શાહને ક્લિન ચીટ આપી દીધી. એટલું જ નહીં, રાજ્યપાલ જગમોહન અને મુખ્ય પ્રધાન જી. એમ. શાહ વચ્ચેના વણસેલા સંબંધો માધ્યમોની ઊપજ હોવાનું કહ્યું. જી. એમ. શાહે રાજ્યપાલ અને પોતાના વચ્ચે અણબનાવ અંગેના અહેવાલો અંગે એવી ટિપ્પણી કરી હતી કે પત્રકારો હવામાં પતંગ ઉડાડી રહ્યા છે. જ્યારે વડા પ્રધાન રાજીવ ગાંધીએ એવું કહ્યું કે સમાચારપત્રોએ વેચાણ માટે આવું કરવું પડે.

જી. એમ. શાહે રાજીવ ગાંધી આગળ પોતાની રજૂઆત કરી તો સામે પક્ષે પોતાની વાતની રજૂઆત કરવા જગમોહન પણ દિલ્હી તેમના પખવાડિયા અગાઉ પહોંચ્યા હતા. જગમોહન રાજીવ ગાંધીને જ નહીં રાષ્ટ્રપતિ ઝૈલસિંહને પણ મળ્યા હતા. તો આ તરફ ફારુક અબ્દુલ્લાની છાવણી પણ ચૂપ નહોતી બેઠી. ફારુકનાં માતાના નેતૃત્વમાં નેશનલ કોન્ફરન્સના સાંસદો પણ રાજીવ ગાંધીને મળ્યા. વડા પ્રધાન રાજીવે તેમને ખાતરી આપી કે તેઓ તેમની ફરિયાદો પર ધ્યાન આપશે. તો આ તરફ, રાજીવના પોતાના પક્ષ કૉંગ્રેસના નેતાઓ પણ રાજીવ ગાંધીને એવી ફરિયાદો સાથે મળ્યા કે રાજ્યમાં કોમી ભાવનાઓ ભારે પ્રવર્તી રહી છે અને અલગતાવાદી પરિબળોને છૂટો દોર મળી ગયો છે. (એ વખતે કૉંગ્રેસે એટલું બધું તુષ્ટિકરણ શરૂ નહોતું કર્યું, જેના કારણે હિન્દુઓનું દુ:ખ પણ તેને દેખાતું હતું.) વિધાનસભાના સત્રમાં કૉંગ્રેસના નેતા ત્રિલોચન દત્તે તો સરકારની ભ્રષ્ટાચાર રોકવામાં નિષ્ફળતા માટે ઝાટકણી પણ કાઢી નાખી. 

ફારુક અબ્દુલ્લા પોતે પણ મેદાને પડ્યા. તેમની મેટાડોર વાનમાં તેઓ ગામડેગામડાં ખૂંદી વળ્યાં. તેઓ કહેતા: મારા મિત્ર રાજીવે રાજ્ય સરકારને લોકોને લૂંટવા અનુમતિ આપી દીધી છે. સરકારને દૂર કરવા ચાલો, આપણે લડીએ.

આ બધામાં સૌથી મોટો પડકાર સ્વાભાવિક જ જગમોહન તરફથી હતો. કોઈ પણ સરકાર હોય, રાજ્યપાલ તરફથી અહેવાલ આવે એ કાયદેસર પગલાં માટે બાધ્ય બની જતો હોય છે. જગમોહને જી. એમ. શાહના ભ્રષ્ટાચાર અને રાજ્યમાં મુસ્લિમ કટ્ટરવાદીઓના આતંક વિશે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું. તેમણે આ મુદ્દાઓ ઉઠાવ્યા હતા: ૧. પાકિસ્તાન તરફીઓ અને અલગાવવાદીઓને જેલમાંથી બિનશરતી રીતે છોડી મૂકવામાં આવ્યા. ૨. ધાર્મિક ભરતી બોર્ડની નાબૂદી અને સરકારી નોકરીઓમાં મંત્રીઓના સગાવહાલાઓની નિમણૂક. ૩. સરકારી નોકરીઓમાં કટ્ટર મુસ્લિમોની નિમણૂક ૪. નઝૂલ અને લીઝ પરની જમીન તેના કબજેદારોને બજાર કિંમત કરતાં અડધી કિંમતે આપી દેવી. ૫. કેબિનેટ મંત્રીઓને સીધી કરદાતાઓ સાથે વાટાઘાટ કરીને મહેસૂલ અને કરવેરામાં માફી આપવાની છૂટ ૬. ભ્રષ્ટાચારના ગંભીર આરોપવાળા વ્યક્તિની જમ્મુ-કાશ્મીર બૅન્કના અધ્યક્ષ તરીકે નિમણૂક. 

અત્યારે જે કનડે છે તે અલગતાવાદી સૈયદ અલી શાહ ગિલાની ત્યારે પણ કાશ્મીરને કનડતા હતા. ૧૯૮૪ના ડિસેમ્બરમાં, લોકસભાની ચૂંટણી પહેલાં, સૈયદ અલી શાહ, જેમની જાહેર સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, તેમને છોડી મૂકવામાં આવ્યા. તેઓ છૂટીને પછી જાહેર સભાઓ સંબોધવા લાગ્યા અને તેમણે પાકિસ્તાન તરફી પ્રવચનો આપ્યાં અને લોકોને દેશમાં ઈરાન પ્રકારની ક્રાંતિ કરવા ઉશ્કેર્યા. 

કેન્દ્ર સરકારના હસ્તક્ષેપથી ગિલાનીની ફરી ધરપકડ કરવામાં આવી, પરંતુ તેને રાજ્ય સરકારે ફરીથી છોડી મૂક્યા. નાયબ મુખ્યપ્રધાન ડી. ડી. ઠાકુરે એવો બચાવ કર્યો હતો કે ગિલાનીની તબિયત એટલી ખરાબ હતી કે જો જેલમાં તેમનું મૃત્યુ થઈ જાત તો સરકાર માટે સમસ્યા થાત. 

કાશ્મીરી પંડિતોએ શરૂઆતમાં જી. એમ. શાહને ટેકો આપ્યો હતો, એમ સમજીને કે ફારુક અબ્દુલ્લાના શાસનમાં કટ્ટર ઈસ્લામી પરિબળોએ માઝા મૂકી હતી તો આમના રાજમાં એવું કંઈ નહીં થાય. પરંતુ તેમની આશા ઠગારી નીવડી. રાજ્યની એડ્મિશન અને ભરતીની નીતિ મુસ્લિમો તરફી જ હતી. ઑલ ઇન્ડિયા કાશ્મીરી પંડિત’સ કોન્ફરન્સના વડા એચ. એન. જત્તુએ કહ્યું કે કૃષિ ખાતામાં ૬૦૦ ભરતી થઈ જેમાંથી માત્ર છ હિન્દુ હતા. અને ૩૧ શિક્ષિકાઓ પૈકી માત્ર ચાર જ પંડિત હતી. જોકે તેમાંથી ૨૮ જેટલી શિક્ષિકાઓ મેરિટમાં ઘણી આગળ હતી. વિદ્યાર્થીઓએ પણ ફરિયાદ કરી હતી કે તેઓ હિન્દુ હોવાથી તેમને શૈક્ષણિક સંસ્થાઓમાં એડ્મિશન અપાઈ રહ્યું નથી. (અત્યારે મુસ્લિમને ફ્લેટ ન મળતો હોવાની વાત, જે પાછળથી ખોટી સાબિત થાય છે, ને મીડિયા ખૂબ જ ચગાવે છે, પરંતુ ક્યારેય આ બધી વાતો પ્રકાશમાં લાવી? ક્યારેય આ મામલે ચર્ચા કરી?)

કાશ્મીર સશસ્ત્ર પોલીસ (કેએપી)ની બે બટાલિયન ઊભી કરવાના શાહના નિર્ણયે પણ ટીકા વહોરી લીધી. કૉંગ્રેસે ફારુક અબ્દુલ્લા સરકારની પણ આ મામલે ટીકા કરી હતી, કારણ કે તેમાં કોમવાદી મુસ્લિમોને નોકરીઓ આપવાની વાત હતી.

આમ, રાજીવ ગાંધીએ ભલે જી. એમ. શાહને જીવનદોરી આપી દીધી, પરંતુ કૉંગ્રેસના નેતાઓ અંદરખાને નાખુશ હતા. અને તેમના માટે રાહત કે આશાની વાત એ હતી કે રાજ્યપાલ તરીકે જગમોહન હતા જે પોતે પણ આ સરકારથી ખુશ નહોતા. હવે તો ફારુક પણ કહેવા લાગ્યા હતા કે રાજ્યપાલનું શાસન હોય તે વધુ સારું.

૧૯૮૬માં રાજીવ ગાંધીએ વડા પ્રધાન તરીકે સૌથી મોટી મૂર્ખામી કરી. શાહબાનો નામની ૬૨ વર્ષની વૃદ્ધા અને પાંચ સંતાનની માતાને ૧૯૭૮માં તેના પતિએ છૂટાછેડા આપતાં તેણે સર્વોચ્ચ ન્યાયાલયમાં કેસ કર્યો હતો. આ કેસમાં તે જીત્યાં અને તેમને તેમના પતિ તરફથી ભરણપોષણ મળવું જોઈએ તેવો નિર્ણય આવ્યો. આ ચુકાદા સામે રૂઢિચુસ્ત મુસ્લિમોએ વિરોધ કર્યો કે ઈસ્લામી કાયદામાં આ દખલગીરી છે. તેઓ શેરીઓમાં નીકળી પડ્યા. ઇન્દિરા ગાંધીની ૧૯૮૪માં હત્યા થતાં કૉંગ્રેસને અભૂતપૂર્વ બહુમતી મળી હતી, પરંતુ રાજીવ ગાંધીમાં પરિપક્વતા નહોતી. (રાહુલમાં કેમ નથી, તે હવે સમજાય છે?) કેટલાક નેતાઓએ (ખોટી) સલાહ આપી કે જો આપણે સર્વોચ્ચનો ચુકાદો બદલી નહીં નાખીએ તો આગામી ચૂંટણીમાં આપણે હારી જઈશું. આથી રાજીવની સરકારે સંસદમાં બહુમતીના જોરે સર્વોચ્ચનો ચુકાદો પલટાવી નાખવાનો દુર્ભાગી નિર્ણય કર્યો અને મુસ્લિમ મહિલાઓ (છૂટાછેડા પર અધિકારની સુરક્ષા) નામનો કાયદો પસાર કર્યો. કાયદાના નામમાં છળ કેવું છે? અધિકારની સુરક્ષા કે અધિકારથી વંચિત રાખવાની વાત હતી? મહાત્મા ગાંધીજીએ ખિલાફત આંદોલન દ્વારા મુસ્લિમ તુષ્ટિકરણની શરૂઆત કરી જેને રાજીવ ગાંધીએ નવેસરથી ઉખેળી. કાશ, રાજીવ ગાંધી મહાત્મા ગાંધી કરતાં તેમની માતાના પગલે ચાલ્યા હોત, જેમણે કોઈનું તુષ્ટિકરણ નહોતું કર્યું. પરંતુ રાજીવ ગાંધી સોનિયા ગાંધી જેવા નહોતા. તેમણે એવું વિચાર્યું કે મુસ્લિમોને ખુશ કર્યા એટલે હવે હિન્દુઓને પણ ખુશ કરવા પડશે. આથી તેમણે અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળે તાળાં ખોલાવી નાખવાનો આદેશ આપ્યો. (તમે નોંધજો, આના પગલે મુસ્લિમ કટ્ટરવાદ અને હિન્દુ કટ્ટરવાદ બંનેનો જન્મ થયો.)

શાહબાનો કેસમાં સર્વોચ્ચના નિર્ણયને રાજીવ ગાંધીએ પલટી નાખતાં, કટ્ટર મુસ્લિમો ખૂબ જ ખુશ હતા. કાશ્મીરમાં તેનો જબરો પડઘો પડ્યો. વગર ઈદે ઉજવણીનો માહોલ થઈ ગયો. લોકસભામાં રાજીવ ગાંધી મંત્રીમંડળના વરિષ્ઠ કેબિનેટ મંત્રી ઝેડ. આર. અન્સારીએ નવા કાયદાની તરફેણમાં જે ભાષણ આપ્યું હતું તેમાં તેમણે સર્વોચ્ચ ન્યાયાલય અને તેના ન્યાયાધીશોની હાંસી ઉડાવી હતી. એકમાત્ર આરીફ મોહમ્મદ ખાન જે રાજ્યપ્રધાન હતા તેમણે જ રાજીવ ગાંધી સરકારના આ કાયદાનો વિરોધ કર્યો હતો. આ મુદ્દે તેમણે કૉંગ્રેસ છોડી હતી અને તેઓ બાદમાં વી. પી. સિંહના જનતા દળમાં જોડાઈ ગયા હતા. તે પછી તેઓ બહુજન સમાજ પક્ષ અને બાદમાં ભાજપમાં પણ જોડાયા, પરંતુ ૨૦૦૭માં તેમણે પોતાની ઉપેક્ષાને કારણ ગણાવી ભાજપ છોડી દીધો. રાજકારણમાં આરીફ મોહમ્મદ ખાન જેવા પ્રગતિશીલ મુસ્લિમનું કોઈ કામ કે મહત્ત્વ હોય તેમ લાગતું નથી, ચાહે તે ભાજપ જ કેમ ન હોય. બધાને ઓવૈસી જેવા લોકો જ ખપે છે. તો, ઝેડ. આર. અન્સારીના એ ભાષણનો એક-એક શબ્દ શ્રીનગરનાં તમામ સમાચારપત્રોમાં છપાયો હતો. ફેરિયાઓ બૂમો પાડી પાડીને સમાચારપત્રો વેચી રહ્યા હતા: લા-દીન હિન્દુસ્તાન પર ઈસ્લામ કા તમાચા. (ક્રમશ:)

06-09-2015

કાશ્મીરમાં સાંપ્રદાયિક હુલ્લડોમાં હિન્દુઓને નિશાન બનાવાયા
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=172644

શાહબાનો કેસમાં વડા પ્રધાન રાજીવ ગાંધી જે રીતે કટ્ટરવાદી મુસ્લિમો સમક્ષ ઝૂકી ગયા તેનાથી જમ્મુ-કાશ્મીરમાં મુખ્ય પ્રધાન જી. એમ. શાહ અને તેમના સાથીઓનો ઉત્સાહ પણ વધ્યો. તેઓ જમાત-એ-ઇસ્લામીની માગો માનવા લાગ્યા. એવામાં અફવાઓ ફેલાવાની શરૂ થઈ. જમ્મુમાં કંઈ બન્યું જ નહોતું તેવી બાબત પર અફવા ફેલાઈ. તેના કારણે હિંસક સરઘસો અને બાદમાં કોમી રમખાણો ફાટી નીકળવાનાં શરૂ થયાં. 

૨૦ ફેબ્રુઆરી, ૧૯૮૬ના રોજ આ અભૂતપૂર્વ કોમી રમખાણો શરૂ થયાં. પ્રારંભ અનંતનાગથી થયો. જે પછી બિજબેહરા, દાનવ બોગંડ, અકૂરા, વન્પોહ, લોક ભવન, ચોગામ વગેરે જગ્યાએ ફેલાયાં. તેમાં ૩૦૦ હિન્દુઓએ ઘર ગુમાવ્યાં. વિજેશ્ર્વર અને વિતસ્તા નદીના કિનારે હરિશ્ર્ચંદ્ર ઘાટ પર આવેલું શંકર ભગવાનનું એક મંદિર (જે વારાણસીના મંદિર પરથી બનાવાયું હતું) એમ બે મંદિરોને સળગાવી દેવાયાં. રાજ્યની બહુમતી પ્રજા કાશ્મીરી મુસ્લિમોની સરકારે અને અખબારોએ આ રમખાણોને ઢાંકવાની ભરપૂર કોશિશ કરી. અનંતનાગની સ્થાનિક મુસ્લિમ સરકારે તો આ ઘટનાને કલ્પના જ ગણાવી. વિજય કે. સઝવાલ નામના કાશ્મીરી પંડિતે ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ નામના અમેરિકાના પ્રતિષ્ઠિત ગણાતા સમાચાર પત્રને કાશ્મીરમાં હિન્દુ લઘુમતી સાથે કેવો ખરાબ વ્યવહાર થાય છે તે વિશે પત્ર લખ્યો તો તેના તંત્રી તરફથી શું જવાબ આવ્યો ખબર છે? તમને જાણીને નવાઈ લાગશે કે આ અંગ્રેજી સમાચારપત્રો, વિદેશી માધ્યમો અને વિદેશી સરકાર માત્ર મુસ્લિમોને થતી પીડા, તેમને થતાં અન્યાયને જ મોટી ઘટના ગણે છે, કારણકે તેમાં તેમને રસ છે. ભારત અસ્થિર રહે તે તેમની ઈચ્છા છે. ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના તંત્રી તરફથી પ્રતિભાવ આવ્યો, યુ કેન નોટ બી સિરિયસ. આર યૂ ટેલિંગ અસ હિન્દુઝ આર સફરિંગ ઇન પ્રીડોમિનન્ટલી હિન્દુ ઇન્ડિયા? એટલે તંત્રી એવું માનતા હતા કે પાકિસ્તાન ધર્મના આધારે છૂટું પડ્યું અને ઈસ્લામી દેશ બની ગયો એટલે ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે. (અને આપણે ભારતને બિનસાંપ્રદાયિક જ ગણાવતા આવ્યા છીએ. એ પ્રયત્નો જ હવે છોડી દેવાની જરૂર છે. જેમ ચીન માનવાધિકારના ભંગ બાબતે પશ્ર્ચિમી દેશોનું કંઈ સાંભળતું જ નથી, તેમ આપણેય આપણી છબીને સુધારવાના પ્રયાસો પાછળ સમય અને પરિશ્રમ વેડફવાની જરૂર નથી, કેમ કે એનાથી કંઈ વળવાનું જ નથી.) તે પછી વિજયનો પત્ર નવી દિલ્હીમાં સમાચાર પત્રના બ્યૂરો ચીફ સ્ટીવન વૈઝમેનને મોકલવામાં આવ્યો તો વૈઝમેને વિજય અને તેમના તંત્રીને વળતો પત્ર લખ્યો, મુસ્લિમોએ કાશ્મીરી પંડિતોના ઘર અને દુકાનો પર તેમ જ મંદિરો પર હુમલા કર્યા.

આ વિજય સઝવાલે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગે અમેરિકાના પંચ (યુએસસીઆઈઆરએફ)ને ટેસ્ટીમોની લખી હતી. આ પંચ અમેરિકી સરકારને પોતાનો અહેવાલ આપતું હોય છે. 

રમખાણોનાં બે અઠવાડિયામાં કૉંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો. રાજ્યપાલ જગમોહનને તો આટલું જ જોઈતું હતું. તેમણે ૬ માર્ચ, ૧૯૮૬ના રોજ દિલ્હી ગયેલા જી. એમ. શાહને તાબડતોબ બોલાવ્યા. જી. એમ. શાહને ખબર હતી કે તેમને શા માટે બોલાવાઈ રહ્યા છે. તેમણે બહાનું કાઢ્યું કે તેમને સવારની ફ્લાઇટની ટિકિટ નથી મળી. આથી તેમના માટે ખાસ વિમાન મોકલવામાં આવ્યું! 

કાશ્મીરમાં આવીને રાજભવનમાં રાજ્યપાલ જગમોહનને મળવા જવાના બદલે તેમણે ઘરે ભોજન માટે જવાનું પસંદ કર્યું. હવે એ તો કોઈ પણ માણસને હક છે કે તે પ્રવાસેથી આવે તો ઘરે થાક દૂર કરવા- ભોજન લેવા જાય. (ભલેને એરલાઇન્સમાં ભોજન મળ્યું હોય તોય) પરંતુ જી. એમ. શાહનો ઘરે ભોજન લેવા જવા પાછળ બીજો ઈરાદો હતો - ડિપ્લોમસીનો. થોડા વખત પછી જ્યારે તેઓ ભોજન લઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે તેમના મંત્રીમંડળના દસ સાથીઓ હતા!

કેટલાક લોકો સત્તા માટે કેવાં કેવાં નાટકો કરી શકે, કેવા યુ ટર્ન મારી શકે તે જોવા જેવું છે. (એક સમયે લાલુપ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડ માટે વખોડનારા કેજરીવાલ આજે સત્તા માટે બિહારમાં તેમનો પ્રચાર કરી રહ્યા છે જ ને. ક્યાં ગયા તેમના ભ્રષ્ટાચાર સામેના સિદ્ધાંતો, લડાઈ? જે લાલુપ્રસાદ યાદવ કટોકટીની વિરુદ્ધ લડ્યા અને કટોકટીના કાળા કાયદા મીસા પરથી તેમણે તેમની દીકરીનું નામ મીસા પાડ્યું તે મીસા કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે એક જ મંચ પર જોવા મળી રહ્યાં છે. સત્તા માટે સિદ્ધાંતોની આવી બાંધછોડ?) ભોજનમાં અચાનક જ જી. એમ. શાહે ધડાકો કર્યો: આપણો પક્ષ નેશનલ કોન્ફરન્સ (કે) (કે એટલે ફારુકની બહેન ખાલિદાનો કે, પણ એ નામ પૂરતો જ, હકીકતે તો જી. એમ. શાહ જ સર્વેસર્વા હતા)ને ફારુક અબ્દુલ્લા હસ્તકની નેશનલ કોન્ફરન્સમાં વિલીન કરવામાં આવે છે!

જી. એમ. શાહે સત્તા માટે જે ફારુક અબ્દુલ્લાને ભ્રષ્ટ ગણાવ્યા, કોમવાદી ગણાવ્યા, અલગતાવાદી ગણાવ્યા, સત્તા બચાવવા તે જ ફારુક અબ્દુલ્લાની શરણે જવા તૈયાર થઈ ગયા. એમાંના છ જણા જોકે ખમીરવાળા હોય કે ગમે તે કારણે, તેમણે આ નિર્ણયનો વિરોધ કર્યો. ત્રણ દિવસ પછી જી. એમ. શાહના ૧૪ મંત્રીઓએ જાહેર કર્યું કે એન. સી. (કે)નું અસ્તિત્વ હવે રહ્યું નથી ત્યારે તેઓ પોતાનું જૂથ રચશે. 

જોકે, જી. એમ. શાહે ૭ માર્ચે ભોજન પર જે નિર્ણય કર્યો તેનાથી તેઓ પોતાની ખુરશી બચાવી શક્યા નહીં. તે દિવસે બપોરે શાહની રાહ જોઈ જોઈને કંટાળી ગયેલા જગમોહને ચાર લાઇનનો એક પત્ર રવાના કરી દીધો જેમાં શાહ સરકારને બરતરફ કરવાની જાહેરાત હતી. આ તરફ, જી. એમ. શાહ એન. સી. (કે)ના એન. સી. (એફ)માં વિલીનીકરણ અંગેના પત્ર અને રાજીનામાને લઈને સજ્જ હતા, પરંતુ હવે મોડું થઈ ચૂક્યું હતું. જી. એમ. શાહના ૨૦ માસના શાસનનો અંત આવી ગયો હતો...

સામાન્ય રીતે રાજ્યપાલનું શાસન લદાય તે કોઈને ગમતું નથી. લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર જ લોકોને પસંદ પડે. પરંતુ જગમોહનના પગલાંને બધાએ આવકાર્યું. ફારુક અબ્દુલ્લાના પક્ષે પણ આવકાર્યું. તેમની માતાએ રાજ્યપાલના શાસનને આવકારતું નિવેદન આપતા કહ્યું, અમે પૂર્ણ સહકાર આપીશું. પીપલ્સ લીગના અબ્દુલ ગની લોને (જેમના દીકરા સજ્જાદ લોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને તેમના પક્ષ પીપલ્સ કોન્ફરન્સે પીડીપી-ભાજપ યુતિને ટેકો આપેલો, તેઓ જમ્મુ-કાશ્મીર સરકારમાં ઘેટા અને પશુ સંવર્ધન પ્રધાન પણ છે.) પણ જગમોહનના પગલાંને સાચી દિશાનું પગલું ગણાવ્યું. 

જી. એમ. શાહની સરકાર વખતે હડતાળ અને આંદોલનો રોજબરોજની ઘટના બની ગઈ હતી. તેનો હવે અંત આવી ગયો. રાજકીય પ્રતિનિધિઓ, અગ્રણી નાગરિકો અને સામાન્ય લોકો સાથે બેઠકો કરીને જગમોહને સંચારબંધી તબક્કાવાર ઉઠાવી લીધી. તેમણે કહ્યું, મારી પહેલી પ્રાથમિકતા કોમી સંવાદિતા અને લઘુમતી (એટલે કે હિન્દુઓ)માં વિશ્ર્વાસ પાછો લાવવાની છે. ભારે ઉત્સાહથી જગમોહન કોઈ સમય વેડફ્યા વગર રાજ્યને પજવતી સમસ્યાઓ ઉકેલવામાં લાગી ગયા. જી. એમ. શાહના ભ્રષ્ટાચારની તપાસ કરવાનો તેમણે જોકે ઈનકાર કરી દીધો. (આપણે ત્યાં આવું જ થાય છે. આક્ષેપો તો બધા જાતજાતના કરે છે, પરંતુ તપાસ કરવાની આવે ત્યારે તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ જેવું થાય છે. વી. પી. સિંહ બોફોર્સના દસ્તાવેજો ખિસ્સામાં લઈ લઈને બધે ફર્યા અને રાજીવ ગાંધી સહિતના દોષિતોને સજા કરવાનું કહેલું. કંઈ થયું? તે પછી ભાજપની સરકાર આવી ત્યારે પણ બોફોર્સ કાંડમાં કંઈ નક્કર થયું નહીં. હવે જ્યારે સુષમા સ્વરાજ સામે સંસદમાં લલિત મોદીને તેમની પત્નીની સારવારના કિસ્સામાં મદદ કર્યાની વાત ઊઠે છે ત્યારે સુષમા રાહુલ ગાંધીને કહે છે કે મમ્મીને પૂછો કે આપણને ક્વાટ્રોચીના કિસ્સામાં કેટલા પૈસા મળ્યા? ડેડીએ (ભોપાલ ગેસ કાંડના આરોપી) એન્ડરસનને કેમ ભાગવા દીધો? અરે ભાઈ! અત્યારે તમારી જ સરકાર છે. માત્ર આક્ષેપો શા માટે કરો છો? બોફોર્સની તપાસ કરાવો અને તમે જ કહો કે ક્વાટ્રોચીના કેસમાં રાજીવ ગાંધી પરિવારને કેટલા પૈસા મળ્યા હતા?)

જગમોહને કારણ એવું આપ્યું કે જી. એમ. શાહ સરકારમાં ભ્રષ્ટાચારની તપાસ કરવાથી અધિકારીઓ તેમાં જ રોકાયેલા રહેશે અને રાજ્યની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત નહીં થાય. જગમોહને શ્રીનગરના ડિવિઝનલ કમિશનર તરીકે હમીદુલ્લા ખાન અને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર તરીકે એ. એમ. વત્તાલીને ફરી પદસ્થાપિત કર્યા. આ લોકોએ ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં ફારુક અબ્દુલ્લાના માણસોને ગેરરીતિઓ કરતા રોક્યા હતા.

જગમોહનનું રાજ્યપાલનું શાસન ૭ માર્ચ, ૧૯૮૬થી ૬ સપ્ટેમ્બર, ૧૯૮૬ એમ છ મહિના ચાલ્યું. તેમાં તેમણે જમ્મુ-કાશ્મીર રાજ્ય ગૌણ સેવા ભરતી કાયદો લાવ્યો. તે સહિત ઘણી બાબતો તેમણે આ ટૂંકા ગાળામાં ઠીક કરવાની કોશિશ કરી. તેમણે રાજ્યમાં પાણી અને વીજળીની સમસ્યા હળવી કરી. પાણી અને વીજળી લોકોમાં અસંતોષનું એક મોટું કારણ હતી. વહીવટ પારદર્શી બની ગયો. તેમણે અધિકારીઓને કેટલાંક લક્ષ્યાંકો સમયબદ્ધ પૂરા કરવા આપીને તેમને જવાબદેહી બનાવ્યા. ભ્રષ્ટાચાર દૂર કરવા તેમણે સાર્થક પ્રયાસો કર્યા. રસ્તા, જાહેર પરિવહન, આરોગ્ય, શિક્ષણ, જાહેર બાંધકામ વગેરે ખાતાઓમાં નોંધપાત્ર સુધારો થયો. જગમોહનના વહીવટના કારણે તેમના માટે તમામ ધર્મ-પંથના લોકોમાં તેમના માટે આદર ઉત્પન્ન થયો. તેનાથી સ્થાપિત હિતો એકઠાં થયા. રાજકારણીઓ, દાણચોરો, ડ્રગ વેચનારાઓ, ભ્રષ્ટ અધિકારીઓ, કાળા બજારિયાઓ, સત્તાના દલાલો આ બધાએ જગમોહન સામે બદનામ કરતી ઝુંબેશ ચલાવી અને તેમને મુસ્લિમોને નફરત કરનારા અને હિન્દુવાદી ગણાવ્યા. (આ જગમોહને નહીં,પણ કર્નલ તેજ કે. ટિક્કુએ તેમના પુસ્તક કાશ્મીર: ઇટ્સ એબ્રોજિન્સ એન્ડ ધેર એક્ઝોડ્સમાં લખ્યું છે.) પરિણામે ૬ સપ્ટેમ્બરથી રાષ્ટ્રપતિ શાસન લદાઈ ગયું. 

શૈખ અબ્દુલ્લાએ જે સડો દાખલ કરી દીધો હતો તે એટલો બધો વકરી ગયો હતો કે તેમના પરિવારજનો, પછી તેમના દીકરા ફારુક હોય કે તેમના જમાઈ જી. એમ. શાહ, બધા એ સડાને વધારતા જ ગયા અને પોતાનો લાભ લેતા ગયા. ફારુક અબ્દુલ્લા જગમોહનના શાસન પછી જ્યારે સત્તામાં આવ્યા ત્યારે તેમણે ઉપરોક્ત ભરતી કાયદો હટાવી દીધો! 

ફારુક અબ્દુલ્લાએ જી. એમ. શાહ નામનો કાંકરો તો કાઢી નાખ્યો, પરંતુ જગમોહનના શાસનના કારણે પોતાના લાભો મળતા બંધ થઈ ગયા હતા. તેને દૂર કરવા કેન્દ્રમાં રાજીવ ગાંધી સાથે મૈત્રી જરૂરી હતી. આથી તેમણે તે માટે દાણા નાખવા માંડ્યા...
13-09-2015

કટ્ટરવાદી ઉમેદવારોનો નારો રહેતો: એસેમ્બ્લી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા!
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=173268

જી. એમ. શાહ નામનો કાંટો તો રસ્તામાંથી દૂર થઈ ગયો હતો, પણ હજુ જગમોહન રાજ્યપાલ તરીકે સત્તામાં હતા અને બહુ સારી રીતે પ્રશાસન ચલાવી રહ્યા હતા. આજે પણ કાશ્મીરના લોકો એ ટૂંકા પાંચ મહિનાના જગમોહનના શાસનને યાદ કરે છે. સપ્ટેમ્બર ૧૯૮૬માં રાષ્ટ્રપતિ શાસન લદાઈ ગયું હતું. પાણીની બહાર જેમ માછલી તરફડે તેમ શૈખ અબ્દુલ્લા સત્તા વગર તરફડતા હતા અને તેમણે ડાહી ડાહી વાતો કરીને ઈન્દિરા ગાંધી સાથે સમજૂતી કરી હતી (વાંચો: કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧માં ચાલુ થઈ, ૭/૬/૧૫) તેમ ફારુક અબ્દુલ્લા પણ વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે મૈત્રીના દાણા નાખવા માંડ્યા. (ફારુક અબ્દુલ્લા અત્યારે પણ સત્તા વગર તરફડી રહ્યા છે અને તેનું ઉદાહરણ એ છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં તેમણે નરેન્દ્ર મોદી પર આક્ષેપો કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી, તેમના હવે વખાણ કરી રહ્યા છે. 

તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણા થવાની હતી ત્યારની વાત છે. બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચેની મંત્રણામાં પાકિસ્તાને અલગતાવાદીઓને આમંત્ર્યા હતા. પરંતુ મોદી સરકારે પાકિસ્તાનનો ખરાબ હેતુ સફળ ન થવા દીધો. આ અંગે ફારુક અબ્દુલ્લાએ મોદીના વખાણ કર્યા હતા. ગત ૨૨ ઑગસ્ટના હિન્દુસ્તાન ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, ફારુકે કહ્યું હતું કે પહેલી વાર ભારત સરકારે મક્કમ વલણ લીધું છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ માટે અભિનંદન આપું છું. ખરેખર તો શેખ અબ્દુલ્લા અને તેમના દીકરા ફારુકમાં રામવિલાસ પાસવાનની જેમ એક પ્રતિભા છે. તે એ કે સત્તામાં કોણ આવશે તેની તેમને સારી રીતે ગંધ આવી જાય છે. રામવિલાસ પાસવાન અત્યાર સુધી ૧૯૮૯ પછી જે પણ સરકાર રચાઈ છે તેમાં રહ્યા છે. ૨૦૦૪ પહેલાં તેઓ એનડીએ છોડીને જતા રહેલા અને પછી યુપીએ સાથે જોડાયા અને ૨૦૧૪માં તેમણે પવન જોઈ સઢ બદલી નાખ્યું અને મોદી સાથે જોડાયા. જે નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં રમખાણોના કારણે રામવિલાસ પાસવાને એનડીએ છોડ્યું હતું તે જ રામવિલાસ પાસવાન તે જ નરેન્દ્ર મોદી ૨૦૧૪માં સાથે હાથ મિલાવે છે. 

તો ફારુકે પણ વર્ષ ૨૦૧૧માં પુન: પ્રાપ્ય (રિન્યુએબલ) ઊર્જા ક્ષેત્રે ગુજરાત સરકારે કરેલા સારા કામ બદલ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. યાદ રહે, તે વખતે ફારુક અબ્દુલ્લા કેન્દ્રમાં નવી અને પુન:પ્રાપ્ય ઊર્જાના કેન્દ્રીય પ્રધાન હતા અને તે વખતે ડૉ. મનમોહન સિંહની યુપીએ સરકાર હતી. એટલે કે ફારુકને અંદાજ આવી ગયો હતો કે આગળ જતા નરેન્દ્ર મોદી મહત્ત્વની ભૂમિકા ભજવવાના છે. 

અત્યારે મોદીની પ્રંશસા પાછળ ફારુકનો હેતુ કેન્દ્રમાં તેમને પ્રધાન બનવાનો હોઈ શકે અને પીડીપી સાથે ફારગતિ કરાવી ભાજપ સાથે કાશ્મીરમાં સત્તા મેળવવાનો હોઈ શકે. 

૧૯૮૬ના સમયમાં પાછા ફરીએ. ફારુકનો દાવ સફળ રહ્યો. રાજીવ ગાંધીએ કુહાડી પર જ પગ માર્યો. જો ઈન્દિરા ગાંધી જેવા ચતુર, બાહોશ અને હિંમતવાળાં રાજનેત્રી શેખ અબ્દુલ્લા સામે થાપ ખાઈ જતા હોય તો રાજીવ ગાંધી તો ખાઈ જ જાય ને. 

ઈન્દિરા ગાંધીએ શેખ અબ્દુલ્લા સાથે સમજૂતી કરી અને શેખ અબ્દુલ્લાના પક્ષ નેશનલ કોન્ફરન્સનો એક પણ ધારાસભ્ય ચૂંટાયેલો ન હોવા છતાં તેની સાથે કૉંગ્રેસનું ગઠબંધન કરાવીને તેમને સત્તા પર બેસાડ્યા અને શેખે કૉંગ્રેસનું તે પછીની ચૂંટણીઓમાં નામું નાખી દીધું, તે જ રીતે રાજીવ ગાંધીની ફારુક અબ્દુલ્લા સાથેની સમજૂતીથી પણ કૉંગ્રેસને ભારે ફટકો પડવાનો હતો. ફારુક અબ્દુલ્લાનો તો આ સમજૂતીથી હેતુ સરી ગયો. એનસી અને કૉંગ્રેસ વચ્ચે સમજૂતીના કારણે ફારુક નવેમ્બર, ૧૯૮૬માં ફરી મુખ્યમંત્રી બની ગયા. 

વિચાર કરો કે આ દેશમાં લાલુપ્રસાદ યાદવને ભ્રષ્ટ કહી તેનો વિરોધ કરનાર અરવિંદ કેજરીવાલ અત્યારે તેની સાથે ચૂંટણી પ્રચાર કરે છે, તે સગવડિયા ગઠબંધનનો રસ્તો કૉંગ્રેસે જ દેખાડ્યો છે. અત્યારે રાજકારણમાં જે પણ પક્ષાંતર, પક્ષપલ્ટા, સંસદમાં તોફાન, સાંસદોને ખરીદી લેવા, ચૂંટણી પહેલાં જેનો વિરોધ કર્યો હોય તેની સાથે જ ચૂંટણી પછી ગઠબંધન કરી લેવું...આ બધું કૉંગ્રેસે જ શીખવ્યું અને કૉંગ્રેસને પાઠ ભણાવવા ભાજપ, જનતા દળ (અને તેમાંથી છૂટા પડીને સર્જાયેલા પક્ષો- સમાજવાદી પક્ષ, રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ યુ...વગેરે), આમ આદમી પાર્ટી વગેરે એવી જ હલકી રાજનીતિ કરી રહ્યા છે. જે ફારુક અબ્દુલ્લા ૧૯૮૪માં રાજીવ ગાંધીને રાષ્ટ્રવિરોધી લાગતા હતા અને દેશની સુરક્ષા પર જોખમ જેવા ભાસતા હતા તે જ ફારુક અબ્દુલ્લા સાથે રાજીવ ગાંધીએ ૧૯૮૬માં ગઠબંધન કરી લીધું! શું એ ગઠબંધનના કારણે ફારુકનું આખું ચરિત્ર બદલાઈ ગયું? શું તેઓ રાષ્ટ્રવિરોધી મટી ગયા?

૧૯૮૭માં રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ 

પણ યોજાવાની હતી. વિધાનસભાની ચૂંટણી માટે રાજીવ ગાંધીએ ફારુક અબ્દુલ્લા સાથે જે બેઠક વહેંચણીની સમજૂતી કરી તેમાં કૉંગ્રેસને ઘણું ગુમાવવાનું હતું. તેનાથી કૉંગ્રેસનું નામું નખાઈ જવાનું હતું. કૉંગ્રેસમાં પણ ઘણો આંતરિક વિરોધ હતો. તેમ છતાં રાજીવ ગાંધી ધરાર આગળ વધ્યા અને સમજૂતી કરી. 

ઇન્ડિયા ટૂડે’ સામયિકના ૩૧ માર્ચ, ૧૯૮૭ના અંકમાં આ ચૂંટણી અંગે રસપ્રદ અહેવાલ ઇન્દરજિત બધવારે આપ્યો છે. કાશ્મીરની ચૂંટણીમાં એક તરફ નેશનલ કોન્ફરન્સ અને તેનો ભાગીદાર પક્ષ કોંગ્રેસ હતાં, તો સામે પક્ષે જમાત-એ-ઇસ્લામી, ઉમ્મત-એ-ઇસ્લામ, મહાઝ-એ-આઝાદી, વગેરે કટ્ટરવાદી પક્ષોએ મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ રચ્યો હતો.

નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસની સમજૂતીથી આ બંને પક્ષના કાર્યકરો હતપ્રભ હતા, કેમ કે ફારુક અબ્દુલ્લા અત્યાર સુધી કેન્દ્ર સરકાર-રાજીવ ગાંધીને વખોડતા આવ્યા હતા. હિન્દુસ્તાનની સરકાર કાશ્મીરીયતને કચડી નાખવા માગે છે તેમ કહેનાર ફારુક અબ્દુલ્લા હવે તેમના કાર્યકરોને એ કોંગ્રેસ માટે મત નાખવા કહેતા હતા!

એનસી સાથેની સમજૂતીના કારણે કૉંગ્રેસના ૧૨ ચાલુ (સિટિંગ) ધારાસભ્યો, જેમાં પક્ષના નેતા મૌલવી ઇફ્તિક્વાર હુસૈન અન્સારી પણ હતા, તેમને પડતા મુકાયા. કૉંગ્રેસમાં અસંતોષ વધ્યો. ઘણાએ બળવો કર્યો અને અપક્ષ તરીકે ઊભા રહ્યા. જે બેઠક વહેંચણી થઈ હતી તે સીધી ફારુક અને રાજીવ વચ્ચે થઈ હતી, એટલે બહુ કંઈ બોલી શકાય તેમ નહોતું. (ફરિયાદ કરવી તો કોને કરવી? તેવો પ્રશ્ન કૉંગ્રેસમાં હતો). અત્યારે પીડીપીના નેતા તરીકે મુખ્યપ્રધાન બનેલા મુફ્તી મોહમ્મદ સઈદ તે વખતે કોંગ્રેસમાં હતા અને કેન્દ્રમાં પર્યટન પ્રધાન હતા. તેમના એક પણ સાથીને ટિકિટ મળી નહીં. 

અને વિધિની વિચિત્રતા તો જુઓ! જવાહરલાલ નહેરુ, તે પછી, ઈન્દિરા ગાંધી અને ત્યાર બાદ રાજીવ ગાંધી- સતત ત્રણ પેઢી કઈ રીતે આ શેખ અબ્દુલ્લા- ફારુક અબ્દુલ્લા સામે રીતસર ઝૂકી જતી હતી! રાજીવ ગાંધીને પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ તરીકે કોઈ નેતાની નિમણૂક કરવાની હતી. આ માટે કૉંૅંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ 

ગુલામ રસૂલ દાવેદાર હતા. પરંતુ તેઓ મુફ્તી મોહમ્મદ સઈદના પૂર્વ ટેકેદાર હતા. તેમને પ્રદેશ પ્રમુખ તરીકે બઢતી ત્યારે મળી જ્યારે તેઓ રાજીવ ગાંધીને ગૂપચૂપ મળી આવ્યા અને ફારુક સાથે 

થયેલી સમજૂતીનું સમર્થન કરવાનો સંકલ્પ કર્યો 

હતો. તે પછી પણ રાજીવ ગાંધીએ અંતિમ નિર્ણય 

તો ફારુક અબ્દુલ્લા પર જ છોડી દીધો હતો! 

બોલો! રાજીવ તો નહેરુ અને ઈન્દિરાથી પણ ગયા! પોતાના પક્ષના રાજ્ય એકમના વડાની નિમણૂક એકસમયના પ્રતિસ્પર્ધી પક્ષના નેતા (ફારુક)ને પૂછીને કરવાની?

કહેવા પૂરતું તો બંને પક્ષો વચ્ચે સંકલન માટે ચાર સભ્યોની સંકલન સમિતિ રચાઈ હતી, જેમાં બે એનસીના હતા અને બે કૉંગ્રેસના હતા, પરંતુ ફારુકે તેમને એકબાજુ ધકેલી દીધા હતા અને પોતે જ બધા નિર્ણયો કરતા હતા. અરે! કૉંગ્રેસના ઉમેદવારોનો પણ અંતિમ નિર્ણય ફારુકના જ હાથમાં હતો. (કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ જેની સંમતિથી નિમાતા હોય, તો પછી ચૂંટણીના ઉમેદવારો પણ તેમની સંમતિથી નિમાય તેમાં નવાઈ શી?) બળવો એટલો વધી ગયો કે કૉંગ્રેસે રાષ્ટ્રીય નેતાઓની એક ટુકડી કાશ્મીર મોકલવી પડી. અત્યારે ભાજપનાં નેત્રી અને કેન્દ્રીય લઘુમતી બાબતોનાં પ્રધાન નજમા હેપતુલ્લા તે વખતે કૉંગ્રેસમાં હતાં. નજમા ઉપરાંત ગુલામ રસૂલ કર અને રાજેશ પાઇલોટને ફારુક અબ્દુલ્લા સાથે પ્રચારમાં મોકલાયા. કૉંગ્રેસના આ ત્રણેય નેતાઓએ પક્ષના કાર્યકરોને ચેતવણી આપી કે ફારુકને જો સંપૂર્ણ સહકાર નહીં આપો તો કડક પગલાં લેવાશે. 

જોકે ફારુકે પણ થોડી ઘણી બાંધછોડ તેમના વલણમાં કરવી પડી હતી. તેઓ સમજી ગયા હતા કે સત્તામાં રહેવું હશે તો જે કેન્દ્ર સરકારમાં હશે તેની સાથે સમાધાન કરીને રહેવું પડશે. તેમણે વચન આપ્યું કે કોંગ્રેસને ગમે તેટલી બેઠકો મળે (બેઠક વહેંચણી પ્રમાણે એનસી ૪૫ અને કોંગ્રેસે ૩૧ બેઠકો પર લડવાનું હતું. બે બેઠકો એક સમયના અબ્દુલ્લા પરિવારના કટ્ટર દુશ્મન અવામી એક્શન કમિટીને અપાઈ હતી.) તેમના મંત્રીમંડળમાં કૉંગ્રેસના પ્રધાનો લેવાશે જ. તેઓ હવે ચૂંટણી પ્રચારમાં કેન્દ્ર સરકારને ગાળો દઈ શકતા નહોતા. ઉલટું તેઓ હવે એવું કહેતા હતા કે કેન્દ્ર સાથે ઝઘડો અને સંઘર્ષ કરીને કાશ્મીરને કંઈ મળ્યું નથી. રાજ્ય વિકાસમાં પાછળ રહી ગયું છે. રાજીવ ગાંધી સાથે સમજૂતી કરવાનું કારણ એ છે કે રાજ્યના વિકાસ માટે મસમોટી આર્થિક સહાય મળે. કટ્ટરવાદી મુસ્લિમો ખોટું કહે છે કે ઈસ્લામ ખતરામાં છે. હકીકતે તો ગરીબી, ખરાબ રસ્તાઓ, શિક્ષણનો અભાવ, પાણી અને વીજળી એ જ મોટો ખતરો છે.

એનસી અને કૉંગ્રેસની સામે કટ્ટરવાદી પક્ષો- મુખ્યત્વે મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ કેવો ઝેરીલો અને કોમવાદી પ્રચાર કરતો હતો? આજે કોઈ આવો પ્રચાર કરે તો ચૂંટણી પંચ તેને જેલમાં જ પૂરે. ગઈ લોકસભા ચૂંટણીમાં ભાજપ નેતા અમિત શાહ સામે બહુ હો હા થઈ ગઈ હતી. અને પંચે અમિત શાહની રેલીઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ કાશ્મીરમાં એ વખતે આ કટ્ટરવાદી પક્ષોનો પ્રચાર તો એનાથી અનેક ગણો ઝેરીલો હતો. મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટના ચાળીસ ઉમેદવારો હાથમાં કુરઆન સાથે જતા અને કહેતા કે ફારુક-રાજીવની સમજૂતી કુરઆનનું અપમાન છે. શૈખ અબ્દુલ્લાના પરિવારે કાશ્મીર હિન્દુસ્તાનને વેચી દીધું છે. એટલું જ નહીં, અનંતનાગ, અચ્છાબાલ, કુઠાર, શાંગાસ, સોપોર, બંદીપોરા અને હંદ્વારામાં તો ત્રાસવાદીની જેમ પ્રચાર કરતા. તેઓ સૂત્રો પોકારાડાવતા, એસેમ્બ્લી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા (અર્થાત વિધાનસભામાં શું ચાલશે? કુરઆનનો કાયદો). એમયુએફના અગાઉ જેલમાં જઈ આવેલા ઉમેદવાર અલી શાહ ગિલાની તો એવું કહેતા કે સેક્યુલરિઝમ (સર્વ ધર્મ સમભાવ) અને સમાજવાદ એ ઈસ્લામ વિરોધી છે. 

ફારુકના ઈરાદાઓ જો સારા હોત અને તેઓ જે સેક્યુલરિઝમની દુહાઈ દેતા હતા તે ખરેખર અંત:કરણથી હોત તો કાશ્મીર સુધરી ગયું હોત. પરંતુ ૧૯૮૭ની ચૂંટણી કાશ્મીર માટે એક એવો વળાંક લાવવાની હતી જે પછી રાજ્ય વધુ ને વધુ ખાડે જવાનું હતું, રાજ્યમાં ઈસ્લામી પરિબળો લઘુમતીમાં રહેલા હિન્દુઓનું જીવવાનું દુષ્કર કરવાના હતા અને કાશ્મીરી પંડિતોને કાશ્મીર ખીણમાંથી રીતસર ષડયંત્રપૂર્વક હાંકી કાઢવાના હતા! (ક્રમશ:)
20-09-2015
કાશ્મીરમાં ૧૯૮૭ની ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિઓ આચરાઈ
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=173823

ગયા વખતે એક વાત કહેવાની રહી ગઈ અને તે એ કે જમ્મુ-કાશ્મીરના વર્તમાન મુખ્ય મંત્રી મુફ્તી મોહમ્મદ સઈદ રાજીવ ગાંધી અને ફારુક અબ્દુલ્લા વચ્ચે ૧૯૮૬માં સમજૂતી થઈ તે વખતે જમ્મુ-કાશ્મીર રાજ્ય કોંગ્રેસના પ્રમુખ હતા, પરંતુ તેઓ ફારુક અબ્દુલ્લાના વિરોધી હતા. આથી ફારુકના ઈશારે તેમને રાજીવ ગાંધીએ કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવ્યા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે મુફ્તી મોહમ્મદ સઈદના પૂર્વ ટેકેદાર ગુલામ રસૂલ કાર (જેમનું ૧૧ એપ્રિલ, ૨૦૧૫ના રોજ ૯૪ વર્ષની વયે નિધન થયું)ને રાજીવે ફારુકની સંમતિ પછી જ નિમ્યા તે વાત આપણે ગયા અંકે જોઈ ગયા છીએ. હવે આગળ. 

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓ માટે ૨૩ માર્ચ, ૧૯૮૭નો દિવસ પસંદ કરાયો હતો. ૨૩ માર્ચ આમ તો શહીદ ભગતસિંહને ફાંસી દેવાઈ તે દિવસ પણ છે, પરંતુ કાશ્મીરના ઘણા લોકો માટે આ જુદો દિવસ હતો. ૨૩ માર્ચને પાકિસ્તાન દિવસ’ તરીકે ઉજવાય છે, કારણકે મુસ્લિમ લીગે લાહોરમાં ઠરાવ કરીને પાકિસ્તાનની પહેલી વાર સત્તાવાર માગણી કરી હતી. આ દિવસે પાકિસ્તાનમાં રજા હોય છે. 

આ ચૂંટણીઓમાં ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ અને રાજીવ ગાંધીની કોંગ્રેસ (આઈ)ની યુતિ વિજેતા થઈ. એનસીને ૪૦ અને કોંગ્રેસને ૨૬ બેઠકો મળી. આમ કુલ ૭૦માંથી ૬૬ બેઠકો યુતિને મળી હતી, જ્યારે નવા વિરોધ પક્ષ તરીકે બનેલા મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ (એમયુએફ)ને ચાર બેઠક મળી હતી, પરંતુ ફારુક અબ્દુલ્લા પર ચૂંટણીમાં ભારે ગરબડો કરાવવાના આક્ષેપો થયા. કાશ્મીર પર લખાયેલા અનેક અહેવાલોમાં આનો પડઘો પડે છે. 

ગરબડો કરવાનું મોટું પ્રમાણ (સાબિતી) તો એ હતી કે રાજ્યમાં મતદાન પછી એક સપ્તાહ સુધી પરિણામો જાહેર જ ન કરાયાં. અને આવું તે એક માત્ર રાજ્ય હતું. મહત્ત્વના વિસ્તારોમાં સંચારબંધીથી પણ એ ચિંતા વધી હતી કે અનેક જગ્યાએ ચૂંટણીમાં ચેડા કરાઈ રહ્યા છે. 

‘ઇન્ડિયા ટૂડે’ના ૧૫ એપ્રિલ ૧૯૮૭ના અંકના અહેવાલ પ્રમાણે, કાશ્મીર ઘાટીમાં અનેક જગ્યાએ બૂથ કેપ્ચરિંગના અને ગરબડો કરવાના બનાવો બન્યા હતા. પટ્ટનમાં કોંગ્રેસે જેને ટિકિટ આપવા ઈનકાર કર્યો હતો તે શિયા નેતા મૌલાના ઈફ્તિખાર અનસારીએ તેના ટેકેદારોને વિરોધ પક્ષ માટે કામ કરવા મંજૂરી આપી હતી. તેમણે આખા મતપત્રકોની પુસ્તિકા (સિરિયલ નંબર ૦૨૪૮૬૪-૦૨૪૮૯૮) મેળવી હતી જેના પર અગાઉથી જ થપ્પા મરાયેલા હતા. તેની સામેની પહોંચ (કાઉન્ટર ફોઇલ) પાછી અકબંધ હતી, આ જ રીતે, ઈદગાહમાં પણ વિપક્ષના ઍજન્ટોએ ૦૩૭૨૦૧-૦૩૭૨૨૫ નંબરવાળી મતપત્રકોની પુસ્તિકા જપ્ત કરી હતી જેના પર પણ અગાઉથી થપ્પા લગાવેલા હતા. હંદ્વારા અને કહદુરામાંથી પણ આવી પુસ્તિકાઓ જપ્ત થઈ હતી. ખાનસાહિબ અને હઝરતબાલમાં વિપક્ષોએ એનસીના કાર્યકરો દ્વારા મોટા પાયે બૂથ કેપ્ચરિંગ કર્યાની ફરિયાદો કરી હતી. 

આ તો માનો કે, વિપક્ષો આવી ફરિયાદ કરે જ, પરંતુ કેટલીક બાબતો દેખીતી રીતે ચાડી ફૂંકતી હતી કે ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ ચૂંટણીમાં ગરબડ કરવાની યોજના બનાવી રહી છે. જેમ કે, ચૂંટણીના બે સપ્તાહ પૂર્વે એમયુએફ, અપક્ષો વગેરે વિરોધીઓ મજબૂત હતા તેવા વિસ્તારોમાંથી ૬૦૦ વિપક્ષી કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. એનસીના ટેકેદારોની સંપત્તિ હોય તેવી ઈમારતમાં મતદાનમથક રખાયું હોય ત્યાં મતદારોને મત આપવા જ નહોતા આવવા દેવાયા! અબ્દુલ ગની લોનના ગઢ મનાતા કુપવારા જિલ્લાના કવારી ખાતે એનસીના ટેકેદારોએ લોનના ૨૫૦ જેટલા ટેકેદારોને એમને ધક્કા મારી મારીને મતદાન મથકમાંથી હાંકી કાઢ્યા હતા. પોલીસે કોઈ ફરિયાદ સાંભળવા જ ઈનકાર કરી દીધો. કોઈ થ્રિલર ફિલ્મના દૃશ્યની જેમ, સોપોર પાસે આવેલી કૃષિ કોલેજ પાસે, જ્યાં મતગણતરી થવાની હતી તેની આગલી રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે જાણી જોઈને ટ્રાફિકજામનું દૃશ્ય ખડું કરાયું. 

મતદાન પેટીઓ લઈને આવી રહેલી બસો મથકથી બે કિમી દૂર ઊભી રખાઈ અને જે ગૂંચવણ ઊભી કરાઈ તેમાં ચૂંટણી અધિકારીઓ અને પોલીસે મતદાન પેટીઓ બસોમાંથી કાઢવા માંડી. સામાન્ય બુદ્ધિની કોઈ પણ વ્યક્તિને સમજાય તેવી વાત છે કે બે કિમી ચાલીને મતદાન પેટીઓ લાવવામાં આવે ખરી? બસની વ્યવસ્થા હોય ત્યારે? પરંતુ મતદાનપેટીઓ હાથોહાથ ઊંચકીને લઈ જવા લાગી. સ્વાભાવિક આક્ષેપ થયો કે આ ગરબડમાં ખરેખર જે મતવાળી પેટીઓ હતી તેની જગ્યાએ નકલી મતવાળી પેટીઓ બદલી નખાઈ છે. અનેક જગ્યાએ તો ચૂંટણી અધિકારીઓએ મત પેટીઓને સીલ જ નહોતું માર્યું. તેમની દલીલ હતી કે તેમની પાસે સીલ જ નથી!

ફારુક અબ્દુલ્લાનું ચૂંટણી પરિણામ ૨૪મીએ મતગણતરી શરૂ થયાના ત્રણ કલાકની અંદર જાહેર કરી દેવાયું, પરંતુ મહત્ત્વના અનંતનાગ જિલ્લામાં પરિણામો અઢી દિવસ માટે રોકી દેવાયા. અનંતનાગ મતગણતરી મથકમાં સેંકડો પોલીસની સુરક્ષા હતી, જ્યારે પણ વિપક્ષના ઉમેદવારો આગળ વધતા લાગે કે તરત જ સરકારે નિયુક્ત કરેલા મતગણતરી કરનાર અધિકારીઓ મતગણતરી અટકાવી દેતા હતા!

એનસીની ગરબડ કરવાની રીત પણ કેવી હતી? અનંતનાગ શહેરમાં એક મતગણતરી રૂમમાં જ્યારે વિપક્ષી ઉમેદવાર સૈયદ શાહ સરસાઈ મેળવતા દેખાયા ત્યારે એનસી-કોંગ્રેસના એજન્ટોએ બોક્સમાંથી મતપત્રકો ખેંચી કાઢ્યા અને તેમને જમીન પર વિખેરી નાખ્યા. આ પછી પ્રિસાઇડિંગ અધિકારીએ મતગણતરી થંભાવી દીધી હતી. જોકે, અંતે તો સૈયદ શાહ જ વિજયી થયા. બીજ બેહરા મતગણતરી રૂમમાં જ્યારે એમયુએફના ઉમેદવારને શરૂઆતમાં જ સરસાઈ મળતી જણાઈ ત્યારે ચૂંટણી અધિકારીઓએ મતગણતરી રોકી દીધી. તો દુરૂ મથકમાં તો હદ જ થઈ ગઈ. એનસીના ઉમેદવારને ૩૦૦ મતોની સરસાઈ મળી જ હતી અને હજુ તો ૧,૧૦૦ મતો ગણવાના બાકી હતા ત્યાં પ્રિસાઇડિંગ અધિકારીએ એનસીના ઉમેદવારને વિજેતા જાહેર કરી દીધો!

આમાંના ઘણા બધા પ્રસંગોએ ‘ઇન્ડિયા ટૂડે’ના પ્રતિનિધિ હાજર હતા તેથી તે માત્ર કહેલી-સાંભળેલી વાત પર નહીં, પણ પ્રત્યક્ષ જોયેલી ઘટનાઓ વિશે અધિકારપૂર્વક લખે છે. જાણીતાં પત્રકાર તવલીનસિંહે પણ લખ્યું હતું, ગરબડો સ્પષ્ટ દેખાતી જ હતી. અબ્દુલ ગની લોનના પરંપરાગત ગઢ હંદ્વારામાં ૨૬ માર્ચે મતગણતરી શરૂ થઈ કે તરત જ લોનના મતગણતરી ઍજન્ટોને પોલીસે મતગણતરી મથકમાંથી બહાર ફેંકી દીધા.

વિપક્ષો એમયુએફ સંપૂર્ણપણે કટ્ટરવાદી મુસ્લિમો હતા. તેમના નારા પણ દેશદ્રોહી કક્ષાના હતા અને ભારતવિરોધી હતા, પરંતુ આ ચૂંટણીમાં થયેલી ગરબડોના કારણે આ કટ્ટરવાદીઓને ત્યાંની પ્રજાને ભડકાવવાની વધુ એક તક મળી ગઈ, એવી તક કે જેના કારણે કાશ્મીરને અનેક વર્ષો સુધી અંધકારની ગર્તામાં ખોવાઈ જવાનું હતું. પ્રજાએ વર્ષોથી અબ્દુલ્લા પરિવારનું ભ્રષ્ટ શાસન જોયું હતું. કાશ્મીરને ભારત વિરોધી બનાવવામાં શૈખ અબ્દુલ્લા, ફારુક અબ્દુલ્લા, ફારુક અબ્દુલ્લાના બનેવી જી. એમ. શાહ, એ રીતે આ અબ્દુલ્લા પરિવારનો પૂરેપૂરો હાથ હતો. આ પરિવારે ૧૯૫૩ પછી થયેલી દરેક ચૂંટણીમાં આ રીતે ગરબડો કરીને સત્તા કબજે કરી હતી. 

એમયુએફના એક ઉમેદવારે ગરબડનો આક્ષેપ કર્યો તો તેને જેલમાં પૂરી દેવાયો. આ ઉમેદવારનું નામ હતું સૈયદ સલાહુદ્દીન ઉર્ફે સૈયદ મોહમ્મદ યુસૂફ શાહ, જે પછીથી હિઝબુલ મુજાહિદ્દીન નામના ત્રાસવાદી સંગઠનનો વડો બન્યો હતો. એક માન્યતા એવી પણ છે કે જો આ ચૂંટણી ન્યાયી અને વાજબી રીતે યોજાઈ હોત તો કદાચ યાસીન મલિક (જે ત્યારે પોલિંગ એજન્ટ હતા), સૈયદ સલાહુદ્દીન જેવા કટ્ટરવાદીઓ કદાચ મુખ્ય પ્રવાહમાં આવી ગયા હોત. જોકે આ જો અને તોની વાત છે. એક દલીલ એવી પણ થઈ શકે કે રાજીવ ગાંધીએ અલગતાવાદીઓને સત્તામાં આવતા રોક્યા. ફારુક અબ્દુલ્લાના બચાવને પણ અહીં નોંધવો જોઈએ. આ ચૂંટણીઓમાં ગરબડનો ઈનકાર કરતા તેમણે કહ્યું હતું, મારા કાયદા પ્રધાન પણ હાર્યા છે. જો ગરબડ કરી હોત તો તેમને હારવા દેત? જોકે, ટીકાકારો પાસે આનો જવાબ હતો કે ફારુક પોતે જ નહોતા ઈચ્છતા કે અગાઉની તેમની સરકારમાં રહેલા કાયદા પ્રધાન જીતે. 

જે હોય તે, પણ એક વાત નિશ્ર્ચિત બની કે આ ચૂંટણી પછી જમ્મુ-કાશ્મીનું સંપૂર્ણ કટ્ટર ઈસ્લામીકરણ થવા લાગ્યું. ૧૯૮૭ની ચૂંટણીનાં પરિણામો રાજીવ ગાંધી કે કોંગ્રેસ માટે આ ન તો હરખાવા જેવી સ્થિતિ હતી ન તો ઉદાસ થવા જેવી. હા, તેમણે હિંમત કરી હોત અને એકલા હાથે ચૂંટણી લડ્યા હોત તો કદાચ કોંગ્રેસ સત્તામાં હોત અને કાશ્મીરને મુખ્યપ્રવાહમાં લાવી શકાયું હોત. પરંતુ તેમણે ફારુક અબ્દુલ્લા નામની કાખઘોડીના આધારે રહેવાનું પસંદ કર્યું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખથી માંડીને કયા વિસ્તારમાંથી કયા ઉમેદવારને કોંગ્રેસની ટિકિટ આપવી તે બધા નિર્ણયો અંતિમ રીતે ફારુક અબ્દુલ્લા પર છોડ્યા! આ ચૂંટણીમાં કોંગ્રેસ (આઈ) એનસીની જુનિયર પાર્ટનર જેવી હતી. 

આમ તો ૧૯૭૧થી ત્રાસવાદી પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ હતી, પરંતુ મે ૧૯૮૭માં નોંધપાત્ર વાત એ બની કે ફારુક અબ્દુલ્લા મસ્જિદ તરફ કારના કાફલામાં જઈ રહ્યા હતા ત્યારે તેના પર હિંસક હુમલો થયો હતો, જેમાં તેઓ આબાદ બચ્યા હતા. છૂપા હુમલાઓ પણ વધવા લાગ્યા હતા. ફારુક પરના હુમલાઓના બેએક મહિનાઓ પછી પોલીસ પર પણ હુમલાઓ થવા લાગ્યા. ઉનાળાની શરૂઆત થઈ. હવે એ વાત તો જાણીતી છે કે જમ્મુ-કાશ્મીરમાં શિયાળામાં જમ્મુ અને ઉનાળામાં શ્રીનગર રાજધાની તરીકે રહે છે. આનું કારણ એ કે શિયાળામાં કાશ્મીર પ્રદેશમાં એટલી બધી ઠંડી હોય કે જમ્મુમાં રાજધાની ખસેડાય, જ્યારે ઉનાળામાં ગરમી લાગે, તેથી ઠંડા એવા શ્રીનગરમાં રાજધાની રખાય! પ્રજાને ગરમી-ઠંડી લાગે તેનું શું? પ્રજાની હાડમારી નહીં જોવાની? પણ અંગ્રેજોએ રાજનેતાઓ અને બ્યૂરોક્રેટ્સ કેન્દ્રિત સત્તા બનાવી દીધી અને આપણે તે ચાલુ રાખી. તો, ફારુક અબ્દુલ્લાએ એવો તુક્કો વહેતો મૂક્યો (જે કદાચ સાચો પણ હતો) કે કેટલાક સરકારી વિભાગોને કાયમી રીતે જમ્મુ કે શ્રીનગર, ગમે તે એક જગ્યાએ ખસેડી દઈએ. આની સામે જમ્મુમાં વિરોધ થયો. લોકોએ હડતાળ પાડી. ધાર્મિક જૂથોએ માગણી કરી કે જમ્મુને અલગ રાજ્ય બનાવી દો. ૧૪ નવેમ્બર, ૧૯૮૭એ ફારુક અબ્દુલ્લાએ આદેશ પાછો ખેંચી લીધો. તો હવે કાશ્મીર ઘાટી ભડકી. તેના નગરોમાં હડતાળ પાડવામાં આવી. આંદોલનમાં બાર એસોસિયેશન મોરચે અગ્રેસર હતું. તેની સાથે જોડાયેલા વકીલો અને અન્ય લોકો માનતા હતા કે ફારુક અબ્દુલ્લાએ જમ્મુ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી છે. તેમણે એવી માગણી કરી કે શ્રીનગરને રાજ્યની સ્થાયી રાજધાની બનાવી દેવામાં આવે. એક સપ્તાહ પછી આ આંદોલન તો ઠંડું પડી ગયું, પરંતુ ફારુક અબ્દુલ્લાના ટીકાકારોનું કહેવું હતું કે ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે જે કાશ્મીરી મુસ્લિમોનો ટેકો ગુમાવ્યો હતો તે પાછળ મેળવવા ફારુકનું જ આ ગતકડું હતું. 

૧૯૮૭નો અસંતોષ, અલગતાવાદીઓ અને ખાસ તો પાકિસ્તાન દ્વારા પ્રોક્સી વોર માટે વ્યવસ્થિત ષડ્યંત્રના ભાગરૂપે પાકિસ્તાનમાંથી કાશ્મીરમાં ઘૂસણખોરી થવા લાગી. કાશ્મીર ઘાટીના મુસ્લિમોને સરકાર વિરુદ્ધ અને ભારત વિરુદ્ધ બરાબર ઉશ્કેરવામાં આવ્યા. કાશ્મીરના બેરોજગાર યુવાનોને ત્રાસવાદી બનાવીને રોજગાર પૂરો પાડવામાં આવ્યો. મરશો તો તમારા કુટુંબને આર્થિક મદદ કરીશું અને તમને જન્નતમાં ૭૨ હૂર અર્થાત્ કાચી કુંવારી ક્ધયાઓ ભોગવવા મળશે. (જોકે, ઈસ્લામના સાચા જાણકારો કુરઆનમાં આવી કોઈ માન્યતા નહીં હોવાનું જણાવે છે અને ત્રાસવાદીઓ જે આત્મઘાતી હુમલા કરે છે તેના માટે, તેમનું મંતવ્ય છે કે પયગંબર સાહેબે કહેલું છે કે જે વ્યક્તિ આપઘાત કરે છે તેના માટે હું સ્વર્ગના દરવાજા બંધ કરી દઉં છું.)

આમ, ૧૯૮૮નું વર્ષ આવતાં આવતાં કાશ્મીરને કટ્ટર મુસ્લિમ પ્રદેશ બનાવવાની પ્રવૃત્તિઓ અને ત્રાસવાદી હુમલાઓની ઘટનાઓ વધતી ગઈ.(ક્રમશ:)

27-09-2015

૧૯૮૭માં ફારૂક અબ્દુલ્લાને ઈદ-ઉલ ફિતરની નમાઝ ન પઢવા દેવાઈ!
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=174574

૧૯૮૭ની ચૂંટણીમાં ગરબડોની વ્યાપક ફરિયાદો હતી, પરંતુ તેમાં જીત મેળવી હોવાથી વડા પ્રધાન રાજીવ ગાંધીએ નવી ચૂંટણી આપવા બદલે એનસી સાથે યુતિમાં કોંગ્રેસની સરકાર રચવાને વધુ ઉચિત ગણાવ્યું. બીજી તરફ, ‘કાશ્મીર ઇન કોન્ફ્લિક્ટ: ઇન્ડિયા, પાકિસ્તાન એન્ડ ધ અનએન્ડિંગ વોર’માં 

બ્રિટિશ લેખિકા વિક્ટોરિયા સ્કોફિલ્ડે લખ્યું તેમ, રાજીવ ગાંધી અને ફારુક અબ્દુલ્લા સમજૂતીની અનેક પૈકી એક શરત હતી કે કેન્દ્ર સરકાર રૂ. ૧૧ અબજ (૧૧૦૦ કરોડ)ની સહાય (પેકેજ) આપશે, પરંતુ ફારુક રાહ જોતા જ રહી ગયા. રાજીવ ગાંધીએ આ સહાય આપી જ નહીં. 

૧૯૮૭માં ચૂંટણીમાં ગોટાળા થયા ત્યારે કાશ્મીરની અંદર એમયુએફ અને બહાર ભાજપ સિવાય કોઈએ વિરોધ કર્યો નહોતો. તે વખતે વી. પી. સિંહને હજુ રાજીવ ગાંધી સાથે વાંધો નહોતો પડ્યો. પશ્ર્ચિમ બંગાળ અને કેરળમાં ચૂંટણીઓમાં ડાબેરીઓ જીત્યા હતા. એટલે તેઓ પણ ખુશ હતા. બાકી છૂટાછવાયા લોક દળ (દેવીલાલ, અજિતસિંહ) જેવા પક્ષો હતા જેમને આવા મામલામાં બહુ રસ નહોતો. ફારુક સરકારે સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમાં ત્રણ વર્ષ વધારો કરવાનો નિર્ણય કર્યો. સ્વાભાવિક જ આનાથી બેરોજગારી વધે જ. (ગુજરાતમાં પણ આવું જ ચાલે છે. અહીં જે અનામત આંદોલન થયું તેમાં હાર્દિક પટેલના કારણે જે વળાંક આવ્યો તે, પરંતુ અનેક કારણોમાંનું એક કારણ આ પણ છે કે સરકારમાં ભરતી નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા તે વખતથી બંધ જેવી જ છે. શિક્ષકોમાં વિદ્યા સહાયક, પોલીસમાં પોલીસ સહાયક એમ કોન્ટ્રાક્ટ પર જ સાવ ઓછા પગારે લેવામાં આવે છે. વળી સચિવાલય જેવી કેટલીક જગ્યાએ તો એવો નિયમ છે કે સરકારી કર્મચારી નિવૃત્ત થાય તો તેને ઓછા પગારે ફરીથી કોન્ટ્રાક્ટ પર રાખી લેવા. પરિણામે ઘણા સમયથી સરકારી નોકરીઓમાં ભરતી ઓછી થઈ ગઈ હતી. એવામાં તલાટી કૌભાંડ, જીપીએસસીના કૌભાંડ થાય...એટલે યુવાનોમાં રોષ હોય જ.)

સ્થિતિ બહુ જ ખરાબ હતી. કાશ્મીરની અંદર અને બહાર બંને રીતે. ચૂંટણીમાં ભારે ગરબડો કરાઈ હતી. તેથી મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટના પક્ષો સ્વાભાવિક જ નારાજ હતા, પરંતુ તેમાં ભંગાણ પડ્યું. પીપલ્સ કોન્ફરન્સ અને અવામી નેશનલ કોન્ફરન્સ તેમાંથી નીકળી ગયા કારણકે તેઓ ‘જમાત-એ-ઇસ્લામીની ઈચ્છા મુજબ કાશ્મીરને અલ્લાહના હુકમ પ્રમાણે ચાલતા રાજ્ય’ (થિયોક્રેટિક સ્ટેટ) બનાવવા માગતા નહોતા. જમાતના ટેકેદારો કાશ્મીરના લોકોને સ્વનિર્ણય કરવાનો અધિકાર આપવા માગણી કરવા લાગ્યા. પીપલ્સ કોન્ફરન્સના અબ્દુલ ગની લોને કહ્યું કે જમાતના લોકો કાશ્મીરને ભારતમાંથી અલગ કરવા ઈચ્છે છે, જ્યારે અમે ભારત તરફથી આર્થિક ન્યાય અને સારો વ્યવહાર ઈચ્છીએ છીએ. 

હવે આપણે અગાઉ પણ આ શ્રેણીમાં જોઈ ગયા છીએ કે જમ્મુ-કાશ્મીરનું શૈખ અબ્દુલ્લા અને અન્ય સત્તાધીશોએ કેટલું ઈસ્લામીકરણ કર્યું હતું. પાકિસ્તાનમાં જનરલ ઝિયા શાસક બન્યા તદુપરાંત ઈરાનમાં ક્રાંતિ થઈ ખોમૈની સત્તામાં આવ્યા, ઈરાકમાં સદ્દામ હુસૈન જેવા ક્રૂર સરમુખત્યાર હતા. અફઘાનિસ્તાનમાં અમેરિકાના ઈશારે ઝિયા ઉલ હકના આદેશથી પરવેઝ મુશર્રફ અને મોહમ્મદ અઝીઝ કટ્ટરવાદી મુસ્લિમોને લડવા તૈયાર કરી રહ્યા હતા. આ બધાના કારણે કાશ્મીરની અંદર સીધી અસર પડી રહી હતી અને બેરોજગાર, રાજકીય રીતે બેફામ ભ્રષ્ટાચાર, મૂળભૂત જરૂરિયાતો પૂરી ન થવી વગેરે કારણે ત્યાંના યુવાનો તો ત્રસ્ત હતા જ. 

કાશ્મીર: ‘ડિસ્ટોર્શન્સ એન્ડ રિયાલિટી’ પુસ્તકમાં દીનાનાથ રૈના લખે છે કે કાશ્મીરમાં ઉત્તર પ્રદેશમાંથી ઈમામો અને મૌલવીઓ ઊભરાવા લાગ્યા. તેમાંના મોટા ભાગનાને સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર આપી દેવાયું. તેઓ તબલિક-ઉલ-ઇસ્લામ, ઉમ્મત-એ-ઇસ્લામિયા વગેરે સંગઠનો સાથે સંકળાયેલા હતા. રેડિયો કાશ્મીર અને દૂરદર્શન પર પણ ભારત સામે સુઆયોજિત ઝેરી પ્રચાર શરૂ કરાયો. 

તો આ તરફથી રાજીવ ગાંધીની કેન્દ્ર સરકાર તરફથી પણ મુસ્લિમ તુષ્ટીકરણ ભરપૂર પ્રમાણમાં થતું હતું. કાશ્મીરી લેખકોને સાહિત્ય અકાદમીના ઍવૉર્ડ મળતા. તેમાંના ઘણા લોકો બેવડાં વલણ દાખવતાં. કાશ્મીરમાં કટ્ટરવાદી સંસ્થાઓમાં જઈને એવો દેખાવ કરતા કે તેમણે તો પોતાનું પુસ્તક મોકલ્યું જ નથી. અકાદમીએ પોતાની રીતે પુસ્તક મેળવ્યું છે. તેઓ જાહેર મેળાવડાઓમાં અને સમારંભોમાં ભારત પ્રત્યે નફરત અને ધિક્કાર દેખાડતા, પરંતુ ગુપ્ત રીતે પોતાનું પુસ્તક પુરસ્કાર માટે મોકલી આપતા, જ્યારે પુરસ્કાર મેળવવા જવાનું આમંત્રણ આવે ત્યારે પોતે ખુલ્લા ન પડી જાય તે માટે હૃદયરોગ જેવી કોઈ બીમારીનું નાટક કરતા અને અકાદમીને વિનંતી કરતા કે તેમને પોતાના ઘરે જ પુરસ્કાર મોકલાવી દેવામાં આવે! અકાદમી તેમ કરતી પણ ખરી. 

આ પરિસ્થિતિ ગુજરાતમાં જરા ઊલટી છે. અહીં એવું વાતાવરણ બનાવી દેવામાં આવ્યું છે કે જો તમે નરેન્દ્ર મોદી કે ભાજપની સાચા કારણોસર પણ પ્રશંસા કરો તો તમારા પર શાબ્દિક કે અન્ય કોઈ રીતે તડાપીટ બોલે. ઘણા સમાચારપત્રોમાં આવા કટાર લેખકો કે કામ કરતા પત્રકારો તંત્રીઓ આગળ મોદી વિરોધી કે ભાજપવિરોધી ઉપજાવી કાઢેલી વાતો કરે અને એ રીતે સમાચારપત્રમાં પોતાનું સ્થાન જળવાઈ રહે તે જુએ, પરંતુ એ જ પત્રકાર કે કટારલેખક દિવાળી પછી નૂતનવર્ષ કે બીજા કોઈ પ્રસંગે જ્યારે નરેન્દ્ર મોદી કે ભાજપના નેતાઓ સાથે મળવાનું બને તો લળી લળીને વાત 

કરે. સાથે હસીખુશી ફોટા પડાવે. વોટ્સઍપના પ્રોફાઇલમાં પણ ફોટો મૂકે. આમ, છાશ લેવા જવી છે, પણ દોણી સંતાડવી એ ગુજરાત (અને કેટલેક અંશે રાષ્ટ્રીય માધ્યમોમાં)ને અલગ રીતે લાગુ 

પડે છે.

શૈખ અબ્દુલ્લાના મૃત્યુ પછી તેમની ‘આત્મકથા આતીશ એ ચિનાર’ નામથી પ્રસિદ્ધ થઈ. એવું કહેવાય છે કે તેમણે જમ્મુ-કાશ્મીર એકેડેમી ઑફ આર્ટ, કલ્ચર એન્ડ લેંગ્વેજીસના ડિરેક્ટર અને ડિરેક્ટર જનરલ ઑફ લાઇબ્રેરિઝ, મોહમ્મદ યુસૂફ તેંગ પાસે આ પુસ્તક લખાવ્યું હતું. જોવા જેવી વાત એ હતી કે જે નહેરુએ આંધળી રીતે શૈખ અબ્દુલ્લાને ટેકો આપ્યો અને તેમને કાશ્મીરના બાદશાહની જેમ રહેવા દીધા તે નહેરુની ભરપૂર ટીકા આ પુસ્તકમાં કરાઈ હતી. કાશ્મીરી પંડિતો અંગે તો લગભગ બદનક્ષીકારક કહેવાય તેવું લખાણ લખાયું હતું. આતીશ એ ચિનારની વાત નીકળી છે તો તેમાં શૈખે કઈ રીતે નહેરુએ તેમને દગો દીધો હતો તે વાત લખી છે અને સાથે 

એ પણ લખ્યું છે કે જો ગોડસેએ 

ગાંધીજીની હત્યા ન કરી હોત તો 

તેમણે કાશ્મીરના લોકોની સાચા અર્થમાં સ્વાયત્ત કાશ્મીર રાજ્યના સપનાને સાકાર કર્યું હોત. 

શૈખે જે લખ્યું તે કદાચ સંભવ છે કે બન્યું પણ હોત. આ કોલમમાં કોંગ્રેસે આઝાદી અપાવી કે આઝાદી મળવામાં વિલંબ કર્યે રાખ્યો’ નામના બે લેખો (જુઓ મુંબઈ સમાચારની ઉત્સવ પૂર્તિ, તા. ૨૮/૧૨/૧૪ અને ૪/૧/૧૫)માં આપણે એ જોઈ ગયા છીએ કે ઘણી વખત ગાંધીજી મુસ્લિમ તુષ્ટીકરણ કરવા કઈ હદે જતા હતા. ખિલાફત આંદોલનથી માંડીને ઝીણાને ભારતના વડા પ્રધાન બનાવવાની દરખાસ્ત તેમ જ પાકિસ્તાનના નીકળતા ૫૫ કરોડ માટે ઉપવાસ...

અને ગાંધીજીના શૈખ અબ્દુલ્લા અંગે કયા વિચારો હતા તે પણ જાણવા જેવા છે. ફ્રન્ટલાઇન’ સામયિકના ૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ના અંકમાં ‘વ્હાય જમ્મુ ઇરપ્ટ્સ’ શીર્ષકવાળા લેખમાં ‘કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી’ પુસ્તકને ટાંકીને ગાંધીજી અને શૈખ અબ્દુલ્લા વિશે આમ લખાયું છે. ૨૮ નવેમ્બર, ૧૯૪૭ના રોજ પ્રાર્થના સભામાં ગાંધીજીએ કહેલું: તમે શૈખ અબ્દુલ્લાને મારી સાથે જુઓ છો... જેણે ચુસ્ત મુસ્લિમ હોવા છતાં હિન્દુઓ અને શીખોનાં દિલ જીત્યાં છે અને તેમની વચ્ચેનો સમુદાય ભેદ ભૂલાવી દીધો છે. જમ્મુમાં તાજેતરમાં હિન્દુઓ અને શીખોએ મુસ્લિમોની હત્યા કરી હોવા છતાં તેઓ જમ્મુ ગયા અને તેમણે દુષ્ટતા કરનારાને ભૂતકાળ ભૂલી જવા કહ્યું.

આતીશ એ ચિનારની વાત પર પાછા આવીએ તો, આ પુસ્તકને અકાદમી દ્વારા નેશનલ ઍવૉર્ડ માટે પસંદ કરાયું. વડા પ્રધાન રાજીવ ગાંધીએ અંગત રીતે નિર્દેશ આપીને આ ઍવૉર્ડ અપાવ્યો હતો. એ વખતે સંસદમાં આની સામે ભારે વિરોધ થયો હતો. વિરોધ એટલા માટે નહોતો થયો કે શૈખ અબ્દુલ્લા જેવા અલગતાવાદી નેતાના પુસ્તકને ઍવૉર્ડ અપાયો હતો, પરંતુ વિરોધ એટલે થયો હતો કે તેમાં કોંગ્રેસના નેતા અને પ્રથમ વડા પ્રધાન નહેરુ વિરુદ્ધ લખાયું હતું. કોંગ્રેસના સાંસદોએ ભારે ઊહાપોહ કર્યો હતો, પરંતુ છેવટે આ રાજીવની સૂચનાથી જ થયું હોવાથી તેમને શાંત થઈ જવું પડ્યું હતું. 

કાશ્મીરમાં આ રીતે પાકિસ્તાન પ્રેરિત ઈસ્લામીકરણ અને કેન્દ્ર દ્વારા તુષ્ટીકરણ ભરપૂર ચાલી રહ્યું હતું. મે ૧૯૮૩માં સૈયદ શાહબુદ્દીને કાશ્મીર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સમક્ષ સંવેદનશીલ રીતે ભારે કોમી ઉશ્કેરણી કરતું ભાષણ આપ્યું હતું. તેમાં કડવાશ અને કોમી ઉશ્કેરણી ભરપૂર હતી. માત્ર ભારતવિરોધી વ્યક્તિ જ આપી શકે તેવું એ ભાષણ હતું. તે વખતે રાજ્યના મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લા પોતે હાજર હતા, પરંતુ તેઓ ચૂપચાપ ભાષણ સાંભળતા રહ્યા. ૧૯૮૩ પછી બોમ્બધડાકાઓ છુટાછવાયા ચાલુ થઈ ગયા હતા. આમ, એક તરફ ત્રાસવાદી પ્રવૃત્તિ, બીજી તરફ મુસ્લિમોને કટ્ટર બનાવવાનું કામ પૂરજોશમાં ચાલુ હતું. 

૧૯૮૭ની ચૂંટણી પછી ફારુક અબ્દુલ્લા સામે સ્થાનિક પ્રજામાં રોષ ત્રણ કારણે હતો. એક તો, રાજ્યમાં પ્રશાસનનો લગભગ અભાવ. ફારુક અબ્દુલ્લા ડિસ્કોથેકમાં, ગોલ્ફમાં અને મનફાવે ત્યારે વિદેશ ઉપડી જતા. રાજ્યમાં મૂળભૂત સુવિધાઓ નહોતી મળતી. શિક્ષણ અને બેરોજગારી મોટી સમસ્યાઓ હતી. બીજું કારણ એ હતું કે ચૂંટણીમાં મોટા પાયે ગરબડના આક્ષેપો વચ્ચે તેમણે સત્તા મેળવી હતી. અને ત્રીજું કારણ એ હતું કે તેમના પિતા અને તેમણે અત્યાર સુધી કાશ્મીરીઓમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરી કરીને સત્તા મેળવી હતી. હવે એકાએક તેઓ દિલ્લી તરફી થઈ જાય તો પ્રજાને ગળે કેમ ઊતરે? અને એનું પરિણામ કેવું આવવા લાગ્યું?

૧૬ મે, ૧૯૮૭ના રોજ ઈદ ઉલ ફિત્ર હતી. શ્રીનગરના ઈદગાહ ખાતે ફારુક નમાઝ પઢવા ગયા, પરંતુ તેમને નમાઝ પઢવા ન દેવાઈ! રોષે ભરાયેલા યુવાનોએ ફારુક 

પર જૂતાં ફેંકવા માંડ્યા. ફારુક માંડ માંડ બચ્યા. શહેરમાં અન્ય જગ્યાઓએ 

પણ હિંસા થઈ હતી. ફારુકે કયાં પગલાં લીધાં? એ જ જે સામાન્ય રીતે નેતા 

લે. વહીવટીતંત્રમાં બદલીઓ કરી અને 

બીજા દિવસે દિલ્હી જવા રવાના થઈ 

ગયા! (ક્રમશ:)






























No comments:

Post a Comment