Sunday, October 11, 2015

કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ -- સિક્કાની બીજી બાજુ - જયવંત પંડ્યા (2)

07-06-2015

કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=164457



મોટા ભાગે જનમાનસમાં એવી છાપ છે કે જમ્મુ-કાશ્મીર અને તે રીતે ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિની શરૂઆત ’૮૦ના દાયકામાં થઈ. એ વાત ખોટી છે. રઝાકરોની મદદથી બક્ષી ગુલામ મોહમ્મદની સરકારને ઊથલાવી દઈ કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા શેખે કાવતરું ઘડ્યું હતું તેમ તે વખતે સીબીઆઈના ડિરેક્ટર બી. એન. મલિકે માય યર્સ વિથ નેહરુ’ પુસ્તકમાં લખ્યું છે. ૧૯૫૭માં પાકિસ્તાનના પ્રમુખ ઇસ્કંદર મિર્ઝાએ ચૂપચાપ રીતે કાશ્મીર લિબરેશન ફ્રન્ટની રચનાને સમર્થન આપ્યું હતું, જે સરહદપારથી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરો મોકલતો હતો. ૧૯૭૦માં જ પાકિસ્તાન પ્રેરિત એક ત્રાસવાદી સંગઠન અલ ફતેહ રચાયું હતું. ‘ધ હિન્દુ’ અને ‘ધ ડેઇલી ટેલિગ્રાફ’ જેવાં માતબર અંગ્રેજી અખબારોમાં કામ કરનાર અને અત્યારે ‘ધ હિન્દુ’ના સ્ટ્રેટેજિક અફેર્સ એડિટર પ્રવીણ સ્વામીએ ‘ઇન્ડિયા, પાકિસ્તાન એન્ડ ધ સિક્રેટ જિહાદ: ધ કોવર્ટ વોર ઇન કાશ્મીર, ૧૯૪૭-૨૦૦૪’ પુસ્તકમાં અલ ફતેહ પર વિગતવાર લખ્યું છે. 

કાશ્મીરના જહાંગીર, ફઝલ ઉલ હક કુરેશી અને મુસદાક હુસૈન પાકિસ્તાન જઈને આવ્યા હતા અને ત્યાં તેમને પાકિસ્તાનની સેના તરફથી છૂપી પ્રવૃત્તિઓ શરૂ કરવા ખાસ સૂચનાઓ મળી હતી. ત્રણેયને શિખવાડવામાં આવ્યું હતું કે સરળતાથી મળતી સામગ્રીમાંથી કઈ રીતે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સ્પ્લોઝિવ ડિવાઇસ બનાવવી. ભારત આવતાંવેંત જહાંગીરે ભરતી ચાલુ કરી. અલ ફતેહનું મુખ્ય ભેજું નાઝીર અહેમદ વાણીએ ગેરીલા પદ્ધતિએ લડવાનું શિખવાડવાનું ચાલુ કર્યું. મોટા પાયે હેન્ડ ગ્રેનેડને ઘુસાડાયા. દરમિયાનમાં નેશનલ લિબરેશન ફ્રન્ટ (એનએલએફ)એ પણ દેશદ્રોહી પ્રવૃત્તિ શરૂ કરવા માંડી હતી. બાંગ્લાદેશના મુદ્દે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ થાય એ પહેલાં ૩૦ જાન્યુઆરી, ૧૯૭૧ના રોજ, કાશ્મીરમાંથી વિમાન અપહરણનું ત્રાસવાદી કૃત્ય થવાનું હતું. 

૩૦ જાન્યુઆરી એટલે ગાંધીજીનો શહીદી દિવસ! ગાંધીજીએ આ દેશમાં અહિંસાના વિચારો એટલા જબરદસ્ત રોપ્યા કે આપણો દેશ આક્રમણ તો ઠીક, પણ પ્રતિકારની-સ્વબચાવની ભાષા પણ ભૂલી ગયો. પાકિસ્તાન ગમે તેટલાં આક્રમણો કરે, ગમે તેટલી ત્રાસવાદી પ્રવૃત્તિ કરે, આપણી સરકાર અને આપણાં માધ્યમો શાંતિની, પ્રેમની અને અહિંસાની માળા જપતાં રહે. (સોરી માળા, કોમવાદી શબ્દ થઈ જશે, પણ બીજા શબ્દથી ધાર્મિક ભાવના દુભાવવાનો ખતરો છે.) આ દિવસે ૨૬ મુસાફરો અને ૪ ક્રૂ સભ્યોને લઈને ઇન્ડિયન એરલાઇન્સ ફોકર ફ્રેન્ડશિપનું ગંગા નામનું વિમાન શ્રીનગરથી જમ્મુ જવા ઊડ્યું, પરંતુ તેણે લાહોર વિમાનમથકે અણધાર્યું ઉતરાણ કર્યું. તેને બે જ માણસોએ અપહૃત કરી લીધું હતું. તેમની પાસે હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ હતાં. આ અપહરણના કિસ્સામાં કોઈ લોહી રેડાયું નહોતું. કાશ્મીરનો માત્ર ૧૬ વર્ષનો હાસીમ કુરૈશી તેની બહેનનાં લગ્ન માટે પેશાવર ગયો હતો. પાકિસ્તાનમાં એનએલએફના નેતા મકબૂલ બટ્ટે હાસીમ કુરૈશીને પોતાની બાજુ લીધો હતો. મકબૂલ બટ્ટ જેલમાંથી છૂટ્યો તે પછી તે અને તેના સાથીદારો વિચારી રહ્યા હતા કે કાશ્મીર પ્રશ્ર્ને વિશ્ર્વનું ધ્યાન ખેંચાય તે માટે શું કરવું જોઈએ. તે સમયે તેમનું ધ્યાન એક બનાવ તરફ ગયું. પશ્ર્ચિમ એશિયામાં પેલેસ્ટાઇન માટે પોપ્યુલર ફ્રન્ટ ફોર ધ લિબરેશન ઑફ પેલેસ્ટાઇને પાંચ વિમાનોનું અપહરણ કર્યું હતું. તેમાં ત્રણને તો ફૂંકી માર્યા હતાં. તેનાથી વિશ્ર્વના દેશોમાં રોષ તો ફેલાયો, પરંતુ સાથે પેલેસ્ટાઇનના પ્રશ્ર્ન તરફ ધ્યાન દોરાયું. હાસીમ કુરૈશીએ એનએલએફની સ્થાનિક પાંખ જમ્મુ-કાશ્મીરમાં શરૂ કરી હતી. તેણે અને તેના પિતરાઈ અલ્તાફ કુરૈશીએ ‘ગંગા’નું અપહરણ કરવાનું નક્કી કર્યું. 

આ થ્રિલર કોમેડીમાં ત્યારે પલટાઈ ગયું જ્યારે એનએલએફના મુઝફ્ફરાબાદના વડા મથકે પિસ્તોલ અને હેન્ડ ગ્રેનેડ આ અપહરણકારોને મોકલવા એક માણસને પસંદ કર્યો પણ તે માણસ ડબલ એજન્ટ નીકળ્યો અને તેણે ભારતીય ગુપ્તચરોને શસ્ત્રો આપી દીધાં! જોકે તોય અપહરણ ટુકડીએ લાકડાનાં શસ્ત્રો બનાવી લીધાં અને તે વિમાનનું અપહરણ કરવામાં સફળ રહ્યા. વિમાનને મૂળ લઈ જવાનું હતું રાવલપિંડી પણ ઈંધણની અછતના કારણે લાહોર ઉતારવું પડ્યું. અપહરણકારોએ તેમને પાકિસ્તાનમાં આશ્રય આપવાની, તેમના જમ્મુ-કાશ્મીરમાં રહેલા પરિવારોને હાનિ નહીં પહોંચાડવાની અને એનએલએફના ૩૬ કેદીઓને છોડવાની માગણી કરી હતી. લાહોરમાં અપહરણકારોને ઉષ્માપૂર્ણ સત્કાર મળ્યો. આ ઘટનામાં આગમાં ઘી હોમતા હોય તેવું ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કર્યું! હકીકતે તેઓ ત્યારે બળવાગ્રસ્ત પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ)થી આવી રહ્યા હતા, પરંતુ તેમણે પરિસ્થિતિ પામી લીધી. તેઓ લોકોના દેખતાં બંને અપહરણકારોને ભેટી પડ્યા! તેમને પાકિસ્તાનના કાશ્મીર અભિયાનના સાચા યોદ્ધા ગણાવ્યા! (અને, આ અપહરણ પછી, ભારત-પાકિસ્તાનના યુદ્ધ છતાં, ઇન્દિરા ગાંધી ભુટ્ટો સાથે મંત્રણામાં હારી ગયાં! અને આજ સુધી આપણા શાસકોનું, ચાહે કોંગ્રેસના હોય કે ભાજપના કે ત્રીજા મોરચાના, વલણ ઠંડું જ રહ્યું છે. વિપક્ષમાં હોય ત્યારે સિંહગર્જના કરનારા ભાજપની આ ત્રીજી વારની સરકાર છે. પાકિસ્તાન અત્યારે પણ શસ્ત્રવિરામભંગ કર્યા રાખે છે. ત્રાસવાદી પ્રવૃત્તિ આજે પણ કાશ્મીરમાં ચાલુ છે. અનેક જવાનો મોદી સરકાર આવ્યા પછી શહીદ થયા છે. હવે તો કાશ્મીરમાં પણ ભાજપની યુતિ સરકાર છે. શું કરી લીધું ભાજપે પણ?) 

અપહરણકારોએ વિમાનને સળગાવ્યું. જોકે બંધકોને કોઈ નુકસાન પહોંચ્યું નહીં. પાકિસ્તાને અપહરણકારોને કસ્ટડીમાં લીધા. ભારત પરિસ્થિતિ પામી ગયું હતું એટલે તેણે અધીરાઈમાં આવીને કોઈ સમજૂતી ન કરી તે સારું થયું. આ બનાવ બાદ ભારતે પાકિસ્તાનનાં વિમાનોને ભારતના અવકાશ પ્રદેશ પરથી જવા પર પ્રતિબંધ લગાવ્યો. આનાં સુફળ તેના મહિનાઓ પછી ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અને બાંગ્લાદેશની સ્વતંત્રતા માટેની લડાઈમાં જોવાં મળ્યાં. પાકિસ્તાન સામે માત્ર યુદ્ધ જ એકમાત્ર પગલું નથી તે વાત સ્વીકારીએ તો બીજાં અનેક પગલાં છે, જેમાંનું આ એક છે. ૨૦૦૧માં જ્યારે સંસદ પર હુમલો થયો તે પછી અટલ બિહારી વાજપેયીની સરકારે પાકિસ્તાનનાં વિમાનોને ભારતીય વાયુ સીમામાંથી જવા પ્રતિબંધ મૂક્યો હતો. તેના કારણે પાકિસ્તાનને ઘણું આર્થિક નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત પાકિસ્તાનના કલાકારો પણ અહીં આવે છે, કમાય છે અને પાછા ચાલ્યા જાય છે. તેના કારણે ભારતીય કલાકારોને નુકસાન થાય જ છે. તેમ છતાં તે બાબતે કોઈ પ્રતિબંધ મુકાતો નથી. અદનાન સામી ગમે તેટલો પ્રતિભાવાન કલાકાર હોય, તેના વિઝા પૂરા થઈ જાય છે તેમ છતાં તે જલસાથી અહીં રહે છે. પોલીસ મોડી મોડી કાર્યવાહી કરે છે. ભારતીય કલાકારોને પાકિસ્તાનમાં કાર્યક્રમ પણ કરવા દેવાતા નથી. આ અંગે જાણીતા ગઝલ ગાયક સ્વ. જગજીતસિંહ અને ગાયક અભિજિત જેવા કલાકારોએ સમયે સમયે વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ તે દરેક સરકારના બહેરા કાને જ અથડાયો હતો.

લવ જિહાદના મામલે વિરોધ આજકાલ વધુ સંભળાય છે, પરંતુ જમ્મુ-કાશ્મીર તો ઈ. સ. ૧૯૬૭માં આ મામલે સળગ્યું હતું. અલબત્ત, એ વખતે આ શબ્દ વપરાતો નહોતો. બન્યું હતું એવું કે કાશ્મીરી પંડિતની સગીર છોકરી પરમેશ્ર્વરી હાંડો એક જગ્યાએ તેની સાથે કામ કરતા મુસ્લિમ છોકરાના પ્રેમમાં પડી અને તે મુસ્લિમ બની ગઈ. તેને પરવીન અખ્તર નામ આપવામાં આવ્યું. એક વાત એવી પણ હતી કે મુસ્લિમ છોકરાએ પરમેશ્ર્વરીનું અપહરણ કર્યું હતું અને તેને બંધક બનાવી હતી. આ કિસ્સામાં પંડિતો ભડકી ઊઠ્યા. તેમણે તે વખતના કાશ્મીરના મુખ્ય પ્રધાન જી. એમ. સાદ્દિક સામે આંદોલન આદર્યું. સાદ્દિકે પહેલાં તો છોકરીને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ પછી તેમણે પણ પાછીપાની કરી લીધી. આથી પંડિતો વધુ ભડક્યા. તેમણે માગણી કરી કે સગીર પરમેશ્ર્વરીને તેની માતાના કબજામાં રાખવામાં આવે, પરંતુ તેમની માગણી સ્વીકારાઈ નહીં. કાશ્મીરી પંડિતોને જમ્મુ-કાશ્મીરમાંથી કાઢવાના પ્રયાસ રૂપે આ ઘટનાને જોવામાં આવે છે. સાદ્દિક સરકાર, રાજ્યનાં રાષ્ટ્રવિરોધી પરિબળો અને પ્લેબિસાઇટ ફ્રન્ટના નેતાઓ આ બધાની મિલીભગત હતી તેમ માનવામાં આવે છે. આ મામલે કેન્દ્ર સરકારના દરવાજા પણ ખખડાવવામાં આવ્યા, પરંતુ તેમાં નિરાશા જ સાંપડી. (અત્યારે મુંબઈમાં એક મુસ્લિમ પત્રકાર મિસબા કાદરી પોતાને ફ્લેટ ન મળતાં, ખોટી રીતે ગામ ગજવે છે કે તેને મુસ્લિમ હોવાના કારણે ફ્લેટ ન મળ્યો અને કોઈ સચ્ચાઈ જાણ્યા વગર જ આપણું અંગ્રેજી મીડિયા અને તેના કારણે સ્થાનિક મીડિયા પણ તેને ચગાવી દે છે. પરંતુ બીજા દિવસે સચ્ચાઈ જાણવા મળે છે ત્યારે તેને પણ કેટલી ચેનલો, કેટલા છાપાંઓ પ્રસિદ્ધિ આપે છે? જ્યારે જમ્મુ-કાશ્મીરમાં તો વર્ષોથી સુવ્યવસ્થિત આયોજનપૂર્વક હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવતા રહ્યા છે. તેને કેટલા મીડિયાએ પ્રસિદ્ધિ આપી?) જોકે, આ આંદોલનને કેન્દ્રના ઈશારે કચડી નાખવામાં આવ્યું હતું. 

૧૯૭૨માં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થઈ. તેમાં કોંગ્રેસ ૫૮ બેઠકો સાથે વિજેતા થઈ. કોંગ્રેસ ધારત તો કાશ્મીરને ભારતમાં સાચા અર્થમાં ભેળવી શકત, પરંતુ શેખ અબ્દુલ્લા નામની પનોતી ભારતનો એમ સહેલાઈથી પીછો છોડે એમ નહોતી. નેહરુ-જેપી- તો ઠીક પણ ઇન્દિરા ગાંધી જેમણે પાકિસ્તાનના બે ટુકડા કરાવી દીધા અને સખ્તાઈવાળાં હતાં, તેમણે પણ ન જાણે કેમ, શેખ અબ્દુલ્લા સાથે સમાધાન કર્યું, તેમને ફરી જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન બનાવ્યા.

૧૯૭૨ના વર્ષમાં શેખ અબ્દુલ્લાએ થોડી ડાહી ડાહી વાતો શું કરી, શેખ અબ્દુલ્લા, જી. એમ. શાહ અને મિર્ઝા અફઝલ બેગ સામે તડીપારનો આદેશ પાછો ખેંચી લેવાયો અને (ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા શેખ અબ્દુલ્લાના) પ્લેબિસાઇટ ફ્રન્ટ પરથી પ્રતિબંધ પણ ઉઠાવી લેવાયો. ૨૪ માર્ચ, ૧૯૭૨ના રોજ ઇન્દિરા ગાંધીએ ભારતની સંસદને જણાવ્યું કે શેખ અબ્દુલ્લાના વિચારોમાં પરિવર્તન થયું છે. તેઓ કાશ્મીરને ભારતમાં ભેળવવાની અંતિમ વિધિ સાથે સંમત છે. આના પછી ૧૬ જૂન, ૧૯૭૨ના રોજ ટોચના અધિકારી જી. પાર્થસારથી અને શૈખ અબ્દુલ્લાના પ્રતિનિધિ મિર્ઝા અફઝલ બેગ વચ્ચે ગુપ્ત મંત્રણાઓ શરૂ થઈ. ૨૬ સત્ર પછી ૨૪ ફેબ્રુઆરી ૧૯૭૫ના રોજ આ મંત્રણા પૂરી થઈ.! ‘ઇસ્લામિક ફંડામેન્ટલિઝમ એન્ડ ઇન્ડિયા’ પુસ્તકમાં જે. બી. દાસગુપ્તા લખે છે કે ૧૯૭૨માં તડીપારનો આદેશ પાછો ખેંચાયો તે પછી શેખ અબ્દુલ્લાનું વલણ બદલાયું નહોતું. તેમણે કાશ્મીરમાં આત્મનિર્ણયનો અધિકાર દેવાની માગણી પાછી કરી હતી. આ તરફ પાકિસ્તાન હારી ગયા પછી પણ ટંગડી ઊંચી રાખતું હતું. ભુટ્ટો કાશ્મીરીઓની સ્વતંત્રતાની વાત કરતા હતા. 

૧૯૭૫માં ઇન્દિરા અને શેખના પ્રતિનિધિઓ વચ્ચે મંત્રણા પૂરી થઈ. આ સમજૂતીમાં ઇન્દિરા અથવા ભારતે શું ખાટ્યું? તેમાં જે મુદ્દાઓ પર સમાધાન થયું તે તો કાશ્મીરને અલગ જ રખાય તેવા મુદ્દા હતા. એક મુદ્દો એ હતો કે કાશ્મીરમાં ૩૭૦મી કલમ ચાલુ રહેશે. એ તો ઠીક, જમ્મુ-કાશ્મીરને વધુ સ્વતંત્રતા આપતો બીજો મુદ્દો એ હતો કે જમ્મુ-કાશ્મીરની સરકાર ૧૯૫૩ પછી કેન્દ્ર સરકારે બનાવેલા સમવર્તી (કોન્કરન્ટ) યાદીમાં આવતા વિષયો પરના કાયદાની સમીક્ષા કરી શકશે! આ સમજૂતી પછી શેખને કઈ રીતે નિયમોને તડકે મૂકીને ઇન્દિરાએ મુખ્ય પ્રધાન બનાવ્યા તેની વાત આવતા અંકે. (ક્રમશ:)

14-06-2015

શેખ અબ્દુલ્લાએ ઈન્દિરા ગાંધીને ભૂ પીવડાવી દીધુ!

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=165130

(ગયા અંકથી ચાલુ)

શેખ અબ્દુલ્લાને તો ભાવતું મળી ગયું. શેખ-ઈન્દિરા સમજૂતી પછી ઈન્દિરા ગાંધીના ઈશારે કઠપૂતળી જેવા સૈયદ મીર કાસીમે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું. એક વાતમાં ઈન્દિરા ગાંધીએ જબરદસ્ત સખ્તી અને હોશિયારી દાખવી. જ્યાં સુધી શેખ અબ્દુલ્લા મુખ્યપ્રધાનપદના શપથ ન લે ત્યાં સુધી ઓલ ઇન્ડિયા રેડિયો પર સતત પ્રચાર કરવામાં આવ્યો કે ભારત અને કાશ્મીરના સંબંધ (જાણે બંને અલગ-અલગ દેશ હોય) યથાવત્ જ રહેશે. આના કારણે કાશ્મીરમાં એવી લાગણી જન્મી કે શેખ અબ્દુલ્લાએ કાશ્મીરને વેચી દીધું છે. તેમની સામે જબરદસ્ત રોષ પ્રગટ્યો. વિરોધ પ્રદર્શનો થયાં. તેઓ સોગંદવિધિમાં આવ્યા નહીં. ઈન્દિરા ગાંધીએ વિદાય લેતા મુખ્યપ્રધાન સૈયદ મીર કાસીમને શેખને થાળે પાડવા સ્પષ્ટ સૂચના આપી અને કહ્યું કે તેમને કહો કે જો તેઓ શપથ નહીં લે તો કાસીમ ફરી મુખ્યપ્રધાન બની જશે. શેખ જેલની જિંદગીથી કંટાળી ગયા હતા. તેમણે વાત માની લીધી. તેમણે જનમત સંગ્રહનો તંત પણ મૂકી દીધો અને જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન વડા પ્રધાન (વઝીર-એ-આઝમ) તેમજ રાજ્યપાલ રાષ્ટ્રપતિ (સદર-એ-રિયાસત) કહેવાય તે જિદ પણ છોડી દીધી. 

જોકે આ સમજૂતી થયા પછી ‘અભી બોલા અભી ફૌક’ની જેમ નેશનલ કોન્ફરન્સના નેતાઓ, શેખના દીકરા મુસ્તફા કમાલ (જેમણે ૩ જૂન, ૨૦૧૫ના રોજ જ નિવેદન આપ્યું હતું કે કાશ્મીરમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવાય તેમાં કંઈ ખોટું નથી), ભત્રીજા શેખ નઝીર વગેરે ઈન્દિરા-શેખ સમજૂતીને માનતા નથી અને સમયે સમયે સવાલ ઉઠાવતા રહ્યા છે કે તેના પર શેખના હસ્તાક્ષર જ ક્યાં છે. તેઓ એમ પણ કહ્યા રાખે છે કે કાશ્મીરનું ભારતમાં વિલિનીકરણ પણ કામચલાઉ જ હતું.

જમ્મુ અને લદ્દાખના લોકો મીર કાસીમના રાજીનામાથી રોષે ભરાયા. સૈયદ મીર કાસીમ, તે વખતના મુખ્યપ્રધાન, પોતાના પુસ્તક ‘માય લાઇફ એન્ડ ટાઇમ્સ’માં લખે છે કે જ્યારે હું દિલ્હીથી જમ્મુ પહોંચ્યો ત્યારે જમ્મુમાં લોકો મને ઘેરી વળ્યા અને મને કહ્યું, અમે તમને મત આપ્યો હતો, શેખને નહીં. પરંતુ કાસીમને ઈન્દિરા ગાંધીનો આદેશ હતો. ઉપરાંત તેઓ પોતે પણ ઢીલા હતા. અગાઉ સાદ્દિક વખતે તેમનું નામ મુખ્યપ્રધાનના દાવેદાર તરીકે ઊભર્યું અને તે બંને મિત્રો (સાદ્દિક-કાસીમ) વચ્ચે મતભેદો થયા ત્યારે તેમણે રાજીનામું આપી રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો હતો. રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસમાં ભાગલા થયા હોવાથી ઈન્દિરા ગાંધીને મીર કાસીમના ટેકાની જરૂર હતી તેથી તેઓ તેમને રાજકારણમાં પાછા લઈ આવ્યા હતા. સાદ્દિકના અવસાન બાદ મીર કાસીમ સિવાય કોઈ વિકલ્પ દેખાયો નહીં. તેથી તેમને મુખ્યપ્રધાન બનાવી દેવાયેલા. પરંતુ હવે ઈન્દિરા ગાંધી ઈચ્છવા લાગ્યાં હતાં કે તેઓ રાજીનામું આપી દે અને શેખને મુખ્યપ્રધાન બનાવવામાં આવે! આમ, ચૂંટાયેલી સરકારના મુખ્યપ્રધાન મનમરજી મુજબ બદલવાની રીતરસમ કોંગ્રેસના વખતથી શરૂ થઈ. આજે આપણે જોઈએ છીએ કે જયલલિતા જેલમાં જાય એટલે તેમના પ્યાદાને મુખ્યપ્રધાન બનાવી દેવાય. તેઓ નિર્દોષ છૂટે એટલે ફરી તેમને મુખ્યપ્રધાન બનાવી દેવામાં આવે, પરંતુ આ બધી ગેરરીતિઓ કોંગ્રેસે શીખવી છે. 

શેખ જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન તરીકે ૧૯૭૫માં ફરી બિરાજમાન થયા, પરંતુ કેવી રીતે! તેમને ઈન્દિરા તરફથી કોંગ્રેસમાં આવી જવા કહેવાયું હતું, પરંતુ તેમણે પ્રસ્તાવ ફગાવી દીધો! જે ઈન્દિરાની વાત ટાળવાની કોઈ હિંમત કરતું નહોતું તેનો પણ પ્રસ્તાવ ફગાવી શકે તે વ્યક્તિ કેવી હશે? અથવા એમ વિચારો કે નહેરુ-જેપી-શાસ્ત્રી-ઈન્દિરા તમામ શાસકો કયા ભેદી કારણસર શેખ સામે હંમેશાં ઝૂક્યા કરતા હતા? એમાંય, ૧૯૭૨ના સમય સુધીમાં તો શેખનું રાજકારણ ખતમ કરી નખાયું હતું. શ્યામાપ્રસાદ મુખરજી સાથે થયું તેવું ભલે શેખ સાથે ન કરાય, પરંતુ તેમને તડીપાર કરીને તેમને બોધપાઠ આપી દેવાયો હતો તે ચાલુ રાખવાના બદલે ઈન્દિરાએ તેમને ફરીથી સત્તા આપવાની શી જરૂર હતી? માનો કે કાસીમ ઢીલા હતા, પરંતુ શેખ સિવાય કોઈ વિકલ્પ જ ન દેખાયો નહેરુ- ઈન્દિરાને? આના કારણે તો પછી એવું થયું કે શેખ પછી તેમની બે પેઢીએ વર્ષો સુધી કાશ્મીર પર શાસન કર્યે રાખ્યું!

લોખંડી ઈન્દિરાની સખ્તાઈ શેખ સામે પીગળી જતી હતી. શેખની નેશનલ કોન્ફરન્સે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તેથી તેમના પક્ષના એક પણ ધારાસભ્ય ચૂંટાયેલા નહોતા. એટલે માત્ર એક વ્યક્તિ જે ચૂંટાયેલી નહોતી તેને બહુમતી પક્ષ કોંગ્રેસે ટેકો આપી દીધો અને લોકશાહીનું ગળું ટૂંપી દેવાયું!

જોકે શેખ અબ્દુલ્લાના (કદાચ વિચારપૂર્વકના) કેન્દ્ર અને કોંગ્રેસ સાથે લવ-હેટના સંબંધ ચાલુ રહ્યા. મુખ્યપ્રધાન બન્યા પછી શેખ અબ્દુલ્લા કોંગ્રેસમાંથી માણસો તોડવા લાગ્યા. ખાસ કરીને કોંગ્રેસમાંના મુસ્લિમ નેતાઓને પોતાના પક્ષમાં ખેંચવા લાગ્યા. કોંગ્રેસમાંથી અબ્દુલ ગની લોન જેવા ઘણાય લોકો નેશનલ કોન્ફરન્સમાં જોડાવા લાગ્યા. શેખ અબ્દુલ્લાની બીજી અવળચંડાઈઓ પણ ચાલુ થઈ, પનોતી પણ સાડાસાત વર્ષે ઊતરી જાય, પરંતુ શેખ અબ્દુલ્લા નામની પનોતી તો દાયકાઓ સુધી જમ્મુ-કાશ્મીર પરથી ઊતરી નહીં. શેખ અબ્દુલ્લાએ કેન્દ્ર તરફથી મળતા ખાદ્ય રેશન પર અપાતી સબ્સિડી કાપી નાખી. તેમણે કાશ્મીરના લોકોને પેટે પાટા બાંધી લેવા કહ્યું અને કેન્દ્રની કૃપામાંથી મુક્ત થવા કહ્યું. એક રીતે એમની વાત સાચી હતી. એ રીતે કે એ વખતે ઈન્દિરા ગાંધીનું માત્ર જમ્મુ-કાશ્મીર તરફ જ નહીં, એ કોઈ પણ રાજ્ય જ્યાં તેમની મનગમતી વ્યક્તિ શાસક તરીકે ન હોય ત્યાં હેરાન કરવા માટે આવું જ વલણ હતું. ગુજરાતમાં ચીમનભાઈ પટેલ તેમની મરજી વિરુદ્ધ મુખ્યપ્રધાન બન્યા તો કેન્દ્ર તરફથી મળતા ઘઉંના પુરવઠામાં કાપ મૂકી દીધો. ચીમનભાઈએ હોસ્ટેલનું ફૂડ બિલ વધારી દીધું, જેના પરિણામે (ઈન્દિરાના ઈશારે જ) મોંઘવારી સામે આંદોલન થયું જે છેવટે તો ચીમનભાઈ ઉપરાંત ઈન્દિરાની ખુરશી ઉથલાવીને રહ્યું, પરંતુ શેખ અબ્દુલ્લાના કેસમાં આવું ન થયું. 

તેમણે પોતાની બેવડી રમત ચાલુ રાખી. કાશ્મીરમાં હોય ત્યારે ભારત વિરુદ્ધ બોલવાનું અને ભારતીય પત્રકારો કે જમ્મુમાં જાય ત્યારે ડાહી ડાહી વાતો કરવાની! જમ્મુના નેતા પંડિત પ્રેમનાથ ડોગરા શેખ અબ્દુલ્લા વિશે સાચું જ કહેતા, એ કમ્યુનલિસ્ટ ઇન કાશ્મીર, કમ્યુનિસ્ટ ઇન જમ્મુ એન્ડ નેશનાલિસ્ટ ઇન ઇન્ડિયા. અર્થાત્, કાશ્મીરમાં તે (મુસ્લિમતરફી) કોમવાદી બની જાય, જમ્મુમાં સામ્યવાદી બની જાય અને ભારતમાં રાષ્ટ્રવાદી! શેખ અબ્દુલ્લાએ કોંગ્રેસ પક્ષના માણસોને તોડ્યા એટલે નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસ વચ્ચે ટકાટકી ચાલુ થઈ ગઈ હતી, પરંતુ ૧૩ ઑક્ટોબરે બંને વચ્ચે મતભેદોનો અંત લવાયો અને એક સંકલન સમિતિ બનાવાઈ. જોકે આ લાંબું ન ચાલ્યું. ૨૧ ઑક્ટોબરે તેમણે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું અને પોતાના નવા મંત્રીમંડળમાં ઈન્દિરા ગાંધીને પૂછ્યા વગર જ કૉંગ્રેસના ચાર પ્રધાનોનો સમાવેશ કર્યો. જવાબમાં ઈન્દિરા ગાંધીએ એ ચાર સભ્યોને પ્રધાન તરીકે ન જોડાવા આદેશ આપ્યો. આથી સોગંદ સમારંભ રદ્દ કરવો પડ્યો. (લોકશાહીના નામે કેવું ફારસ ભજવાતું રહ્યું છે એ આના પરથી સ્પષ્ટ 

થાય છે.) 

દરમિયાનમાં ભારતમાં નવનિર્માણ આંદોલન, કટોકટી સામેની લડાઈ ચાલુ થઈ ગઈ હતી. કૉંગ્રેસ વિરુદ્ધ દેશમાં ભયંકર આક્રોશ અને રોષ હતો. ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધીના ઈશારે વિરોધી નેતાઓને પકડી પકડીને જેલમાં પૂરવા લાગ્યા હતા. તેમના પર અત્યાચારની હદ થઈ રહી હતી. અખબારોનો અવાજ ઘોંટી દેવાયો હતો. લોકશાહીનો સૂરજ આથમી જાય તેવાં એંધાણ થઈ રહ્યાં હતાં.

માર્ચ ૧૯૭૭માં કટોકટી અને સખત પોલીસ દમન છતાં ચૂંટણીમાં સંયુક્ત થયેલા વિરોધ પક્ષોની પાર્ટી - જનતા પાર્ટી ચૂંટણીમાં જીતી ગઈ. ઈન્દિરા ગાંધીને લાગ્યું કે શેખ અબ્દુલ્લા આ તકનો લાભ ઉઠાવી કૉંગ્રેસ સાથે ગઠબંધન તોડી નાખશે અને જનતા પાર્ટી સાથે સમાધાન કરી લેશે. તેમણે શેખ અબ્દુલ્લા સાથ છોડે તે પહેલાં જ કૉંગ્રેસના રાજ્યના નેતાઓને અબ્દુલ્લા સરકારને ટેકો પાછો ખેંચી લેવા આદેશ આપ્યો. (કૉંગ્રેસના ટેકાથી બનેલી તમામ સરકારો સાથે આવું જ થયું છે. આ શરૂઆત કદાચ શેખ અબ્દુલ્લાથી થઈ, પછી ચરણસિંહ, ચંદ્રશેખર, દેવગોવડા અને છેલ્લે ઈન્દ્રકુમાર ગુજરાલની સરકારો સાથે આવું જ થયું.) ૭૩ સભ્યોની વિધાનસભામાં કૉંગ્રેસના ૪૫ સભ્યો હતા. તેણે શેખ અબ્દુલ્લા સરકારને ટેકો પાછો ખેંચી લીધો, જેથી ૨૬ માર્ચ ૧૯૭૭થી ૯ માર્ચ ૧૯૭૭ સુધી જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન સ્થપાયું. 

હકીકતે કૉંગ્રેસ પાસે અને ઈન્દિરા ગાંધી પાસે આ મોટી તક હતી. તેની પાસે ૪૫ સભ્યો હતા. શા માટે તેમણે શેખ અબ્દુલ્લા સાથે ૧૯૭૫ની સમજૂતી (એકોર્ડ) કરી? શા માટે તેમણે સૈયદ મીર કાસીમને હટાવીને, જે પક્ષના એક પણ ધારાસભ્ય નહોતા તે, નેશનલ કોન્ફરન્સના નેતા શેખ અબ્દુલ્લાને લોકશાહીનું ગળું ઘોંટીને મુખ્ય પ્રધાન બનાવ્યા? જો તેમણે કૉંગ્રેસની સરકાર ટકી હોત તો જમ્મુ-કાશ્મીર રાષ્ટ્રીય પ્રવાહમાં ભળવાની પૂરી સંભાવના હતી, પરંતુ શેખ અબ્દુલ્લાને આપખુદ રીતે મુખ્ય પ્રધાન બનાવીને જમ્મુ-કાશ્મીરની પ્રજાને હેરાન તો કરી જ, સાથે તેને રાષ્ટ્રીય પ્રવાહમાં ભેળવવાની સંભાવનાને દાયકો પાછળ ધકેલી, જે આજ સુધી નથી આવી શકી. અને શેખ અબ્દુલ્લાએ બદલામાં શું કર્યું? કાશ્મીરના લોકોને ભારત વિરુદ્ધ ભડકાવ્યે રાખ્યા. કૉંગ્રેસને તોડી નાખી. એ પછી કૉંગ્રેસ સત્તા બહાર ગઈ તે ગઈ, તે પછી છેક, ૨૦૦૨માં પીડીપી સાથે યુતિ સરકાર દ્વારા આડકતરી અને ૨૦૦૫માં ગુલામનબી આઝાદ મુખ્ય પ્રધાન બન્યા ત્યારે સીધી રીતે સત્તા હાથમાં આવી. 

કૉંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધા પછી તેને (એટલે કે ઈન્દિરાને) એમ કે પોતે પાછી સરકાર રચી શકશે, પરંતુ શેખ અબ્દુલ્લા રાજ્યપાલ એલ. કે. ઝા પાસે વિધાનસભાનું વિસર્જન કરાવવામાં સફળ રહ્યા. કૉંગ્રેસ (એટલે કે ઈન્દિરા) આનાથી ડઘાઈ ગઈ, રોષે ભરાઈ ગઈ. તેમણે શેખ અબ્દુલ્લાના પગલાને રાજકીય દગાબાજી તરીકે ગણાવ્યું. રાજ્યપાલ પણ કેવા કહેવાય! તેમણે માત્ર ત્રણ સભ્યોનો ટેકો ધરાવતા મુખ્ય પ્રધાનની સલાહ માનીને વિધાનસભા વિસર્જિત કરી નાખી! અને શેખ અબ્દુલ્લાના કાબાપણાને-લુચ્ચાઈને તો શું કહેવું!

હવે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અવશ્યંભાવી બની હતી. દેશમાં જનતા પાર્ટીનું મોજું હતું, પરંતુ શેખ અબ્દુલ્લાએ જનતા પાર્ટી સાથે સમજૂતી કરવાની ના પાડી દીધી. તેમને લાગ્યું કે તેમ કરવાથી તેમની ભારતવિરોધી છબિ નબળી પડી જશે. આ તરફ રાજ્યમાં જનતા પાર્ટીનું એક એકમ સ્થપાયું હતું. મૌલાના મસૂદીની નીચે. તેમાં કેટલાંક જૂથો અને પક્ષો સામેલ થયાં હતાં જેમાં મૌલવી ફારુકીની અવામી ઍક્શન કમિટીનો પણ સમાવેશ થતો હતો. શેખ અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ માટે આ ચિંતાનો વિષય હતો, પરંતુ ઈન્દિરા ગાંધીને પણ જે માણસ ભારે પડતો હોય તે આ બધાને તો ઘોળીને જ પી જાય ને! જનતા પાર્ટીમાં ભારતીય જનસંઘ પણ હતો (રાષ્ટ્રીય સ્તરે) તેથી શેખ અબ્દુલ્લાએ ચૂંટણીપ્રચાર દરમિયાન કાશ્મીરની જનતામાં ભય ફેલાવ્યો કે આ લોકો એટલે કે મૌલાના મસૂદીવાળો પક્ષ જો સત્તામાં આવશે તો કલમ ૩૭૦ દૂર થઈ જશે અને કાશ્મીરની જનતા પર ભારે અત્યાચારો થશે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે જો ભારત તરફથી આપણને માન-સન્માન નહીં મળે તો આપણે ભારતમાંથી છૂટા પડી જઈશું. ૧૯૫૩થી કલમ ૩૭૦ને ઘણી નબળી પાડી દેવામાં આવી છે, તેને આપણે મજબૂત કરવાની છે. તેમણે રાજ્યમાંથી ભારતીય સેનાને હટાવી લેવા પણ માગણી કરી. ચૂંટણી દરમિયાન શેખ અબ્દુલ્લા માંદા પડી ગયા! વિરોધીઓને લાગ્યું કે પ્રજાની સહાનુભૂતિ મેળવવા તેઓ નાટક કરી રહ્યા છે. જો ખરેખર નાટક હોય તો શેખ અબ્દુલ્લા અદ્ભુત કલાકાર કહેવાય! 

ચૂંટણી જીતવા શેખ અબ્દુલ્લાના તમામ ઉપાયો કારગત નિવડ્યા. ૧૯૭૭માં યોજાયેલી જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં શેખ અબ્દુલ્લા તેમના પક્ષ નેશનલ કોન્ફરન્સને ભારે બહુમતી અપાવવામાં સફળ રહ્યા. કૉંગ્રેસનું પત્તું સાફ થઈ ગયું. જનતા પાર્ટી કેમ હારી તેની વાત તેમજ જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં પ્રયોજાતા શબ્દ ‘શેર-બકરા’માં શેર કોણ હતા અને બકરા કોણ હતા, તેમજ બકરાઓની હાલત શું હતી, તેની વાત આવતા અઠવાડિયે...(ક્રમશ:)

21-06-2015 Yog Day

28-06-2015

કાશ્મીરમાં શેર-બકરાનું રાજકારણ: બકરાઓની કેવી હાલત હતી?

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=166434

યોગ દિવસના બ્રેક પછી આપ સહુનું કાશ્મીર પર ચાલતી શ્રેણીમાં સ્વાગત છે. કાશ્મીરમાં પંડિતોના પુનર્વસનની ચર્ચા ચાલુ થઈ અને તેના મુદ્દે વિવાદ છેડાયો ત્યારથી આ શ્રેણી ચાલુ કરી છે. ગયા અઠવાડિયે બ્રેક આવી ગયો હોઈ ગયા હપ્તાનું થોડું તાજું કરી લઈએ: 

ઈન્દિરા ગાંધીએ બધા નિયમો તડકે મૂકીને એક પણ સભ્ય ન ધરાવતા પક્ષ નેશનલ કોન્ફરન્સના વડા શેખ અબ્દુલ્લાને મુખ્ય પ્રધાન બનાવ્યા. અબ્દુલ્લા કોંગ્રેસમાં જોડાવાના બદલે કાશ્મીર કોંગ્રેસને તોડવા લાગ્યા. મુખ્ય પ્રધાન બનતા પહેલાં બકરી જેવા બની ગયેલા અબ્દુલ્લા સત્તા હાથમાં આવતાં વેંત શેર જેવા બની ગયા. તેમણે ઈન્દિરા ગાંધી વિરુદ્ધ કાશ્મીરમાં વર્તવા લાગ્યું. આ તરફ દેશમાં ઈન્દિરા ગાંધી વિરુદ્ધ જબરદસ્ત આક્રોશ હતો. ઈન્દિરા ગાંધીના ઈશારે કાશ્મીરમાં કોંગ્રેસે ટેકો પાછો ખેંચ્યો અને અબ્દુલ્લાએ રાજ્યપાલને મનાવી લઈ વિધાનસભા વિસર્જિત કરાવી નાખી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી. તેમાં તમામ શસ્ત્રો અજમાવી શેખ પાછા સત્તા પર આવ્યા. કોંગ્રેસનું પત્તું સાફ થઈ ગયું. જનતા પાર્ટી પણ હારી. અને શેર-બકરાનું રાજકારણ પાછું ચાલુ થઈ ગયું. 

જનતા પાર્ટી હારી તેનું કારણ એ હતું કે તેના નેતાઓ બે ભાષા બોલ્યા હતા (આજે પણ ભાજપના એ જ હાલ થાય છે, રામમંદિર, કલમ ૩૭૦, સમાન નાગરિક સંહિતા જેવા જે મુદ્દા પર તેની સંખ્યા આટલી વધી છે અને સરકારમાં આવી છે તે જ મુદ્દાઓ તે સરકારમાં આવે પછી વિસરી જાય છે અને પડતા મૂકી દે છે. ભૂમિ અધિગ્રહણ મામલે તે અનેક વાર વટહુકમ લાવી શકે છે. અને ત્યારે રાજ્યસભામાં લઘુમતીમાં હોવાનો મુદ્દો નડતો નથી, પરંતુ રામમંદિર બનાવવાના મુદ્દે તે એવું બહાનું આગળ ધરે છે કે તે રાજ્યસભા લઘુમતીમાં છે.) તે વખતે જનતા પાર્ટીના નેતા સુબ્રમણિયમ સ્વામીએ જમ્મુમાં કહ્યું હતું કે અમે ધારા ૩૭૦ નાબૂદ કરીશું . પરંતુ તેના બીજા નેતા અબ્દુલ ગની લોને (એ જ નેતા જેમને શેખ અબ્દુલ્લા કોંગ્રેસમાંથી નેશનલ કોન્ફરન્સમાં લાવ્યા હતા અને પછી તે જનતા પાર્ટીનું મોજું જોતાં તેમાં જોડાયા હતા. ૨૦૧૪માં કાશ્મીરમાં યોજાયેલી ચૂંટણીમાં અબ્દુલ ગની લોનના દીકરા સજ્જાદ ગની લોન સાથે ભાજપે ગઠબંધન કરતાં ભાજપની ખૂબ ટીકા થઈ હતી. સજ્જાદ અત્યારે પીડીપી-ભાજપ સરકારમાં પ્રધાન છે.) સાવ વિરુદ્ધનું વલણ લઈ કહ્યું કે ધારા ૩૭૦ને મજબૂત બનાવાશે! પરિણામે જનતા પાર્ટી ન હારે તો જ નવાઈ હતી. ૧૯૭૭ની ચૂંટણીમાં ધમાકેદાર રીતે શેખ અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સને બહુમતી અપાવી સત્તામાં આવ્યા. તે પછી તેમણે શેર-બકરાનું રાજકારણ શરૂ કર્યું. શું હતું આ શેર-બકરાનું રાજકારણ?

અમેરિકામાં યુનિવર્સિટી ઑફ નોર્થ ટેક્સાસમાં લિંગ્વિસ્ટિક્સ એન્ડ ટેક્નિકલ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સદ્દાફ મુનશીએ એક લેખમાં શેર-બકરા વિશે સમજાવતાં લખ્યું છે કે ૧૯૩૮થી આ શબ્દ જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં પ્રયોજાતો રહ્યો છે. આમાં શેર એટલે જે લોકો શેખ અબ્દુલ્લા તરફી હોય તે અને બકરા એટલે તેમના વિરોધીઓ! શરૂઆતમાં શેખ અબ્દુલ્લા અને તેમના ટેકેદારો માટે આ શબ્દ વપરાતો હતો. જ્યારે તેમના વિરોધી મીરવાઈઝ યુસૂફ શાહ (તેઓ, અત્યારે કાશ્મીરમાં જે અલગતાવાદીનું નામ બહુ સંભળાય છે તે મીરવાઈઝ ઉમર ફારુકના પિતા મીરવાઈઝ મોહમ્મદ ફારુકના કાકા થાય) અને તેમના તરફીઓ બકરા ગણાતા હતા કારણકે તેઓ લાંબી દાઢી રાખતા હતા! શેખ અબ્દુલ્લા કેટલા ખંધા હતા કે જેઓ તેમને આગળ લાવતા હતા તેમને જ તે પાડી દેતા હતા. ૧૯૩૦માં તે વખતની મુસ્લિમ કોન્ફરન્સ (જેનું નામ પછી, નહેરુના કહેવાથી નેશનલ કોન્ફરન્સ રખાયું)ના વડા તરીકે શેખ અબ્દુલ્લાનું નામ આ મીરવાઈઝ યુસૂફ શાહે જ સૂચવ્યું હતું.

અત્યારે સમગ્ર વિશ્ર્વમાં મુસ્લિમ દેશોમાં પણ જે લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે તેના પર નજર નાખીએ અને ભારતમાં તેમજ પાકિસ્તાનમાં જે કંઈ બનતું રહ્યું અને બની રહ્યું છે તેના પર વિચાર કરીએ તો ધ્યાનમાં આવશે કે મોટા ભાગે જે કંઈ ઊથલપાથલ થઈ છે તે સુન્ની સંપ્રદાયના મુસ્લિમો પોતાનું વર્ચસ્વ સ્થાપવા કે અકબંધ રાખવા કરે છે. આમાં શિયા મુસ્લિમોનો ભોગ વધુ લેવાય છે. જમ્મુ-કાશ્મીરમાં પણ એવું જ હતું. શેખ અબ્દુલ્લાના વિરોધીઓને બકરા કહેવાતા હતા, અને તેમનો વારો પાડી દેવાતો હતો, પરંતુ આ શેર-બકરામાં શિયા અને બીજા કાશ્મીરી પંડિતોનો ક્યાંય સમાવેશ થતો નહોતો, કારણકે તેમને વિશ્ર્વાસની નજરે જ જોવાતા નહોતા. (અને અત્યારે કેટલાક મુસ્લિમો ભારતમાં ફરિયાદ કરે છે કે તેમને વિશ્ર્વાસની નજરે જોવાતા નથી, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં અને ઈસ્લામના શાસન વખતે મુસ્લિમોએ હિન્દુઓ સાથે શું કર્યું છે તે ઇતિહાસ તો તપાસો.) શિયા કે કાશ્મીરી પંડિતોને કોઈ પૂછે કે તમે શેર કે બકરા? તો તેમનો જવાબ આવતો: કોઈ નહીં. અને એ જવાબમાં હંમેશાં ભયની લાગણી જોવા મળતી. (આવું ડૉ. સદ્દાફ મુનશી લખે છે.) તેઓ લખે છે કે મને શાળામાં હંમેશાં એક પ્રશ્ર્ન પુછાતો- તમે શિયા કે સુન્ની? મુનશી અનુસાર, કાશ્મીર મુસ્લિમોમાં વધુ એક વિભાજન પણ હતું- ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ હોય ત્યારે કેટલાક ભારતના ટેકેદાર રહેતા તો કેટલાક પાકિસ્તાનના. 

તો, ૧૯૭૭માં અબ્દુલ્લાએ ફરી આ શેર-બકરાનું રાજકારણ ચાલુ કર્યું. ‘કાશ્મીર: ઇટ્સ એબોરિજિનિસ એન્ડ ધેર એક્સોડસ’ પુસ્તકમાં કર્નલ તેજ કે. ટિકૂ લખે છે કે ચૂંટણી જીત્યા પછી શેખ અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સના લોકોએ જનતા પાર્ટીના કાર્યકરોને બહુ જ હેરાન કર્યા. ‘શેરના ગુસ્સાથી બચવા આ બધા બકરા’ઓને તેમનાં ઘર છોડીને નાસી જવાનો અને સલામત સ્થળોએ આશ્રય લેવાનો વારો આવ્યો. (કોઈ ચેનલે કે અખબારે આ બધી બાબતો તપાસવાની કે દર્શાવવાની તસ્દી લીધી? સાબરમતી એક્સ્પ્રેસ પછીનાં રમખાણો બાબતે લાચાર મુસ્લિમોની વ્યથા બધા દર્શાવશે, મુઝફ્ફરપુરનાં રમખાણો પછીની કરુણ સ્ટોરીઓ બધા દર્શાવશે, મિસબાહ કાદરીને ફ્લેટ ન મળ્યો તે બધા ગાઈ વગાડીને કહેશે, અને તેમાં કોઈ વાંધો પણ નથી, પરંતુ એકતરફી જ રિપોર્ટિંગ શા માટે?) કોંગ્રેસના ટેકેદારો સાથે એટલો ખરાબ વ્યવહાર જોકે ન કરાયો, હા, તેમને ગાળો ભાંડવામાં જરૂર આવતી. 

શેખ અબ્દુલ્લા તેમના દીકરા ફારુક અબ્દુલ્લા માટે પણ તખ્તો તૈયાર કરતા જતા હતા. ફારુકના જે પ્રતિસ્પર્ધીઓ હોય તેમને કાં તો નેશનલ કોન્ફરન્સમાંથી હાંકી કઢાતા કાં તો તેમને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવતા હતા. દા.ત. મિર્ઝા અફઝલ બેગને ૨૫ સપ્ટેમ્બર ૧૯૭૮એ રાજીનામું આપવા કહી દેવાયું અને ચાર દિવસ પછી તેમને પક્ષમાંથી હાંકી કઢાયા. ફારુક અબ્દુલ્લાના બીજા પ્રતિસ્પર્ધી અને શેખના જમાઈ જી. એમ. શાહ પર પણ શેખને કોઈ ભરોસો નહોતો. તેમણે ફારુકને પોતાના વારસ જાહેર કરી દીધા અને તેમને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ બનાવી દીધા. શેખે રાજ્યમાં પક્ષાંતર વિરોધી કાયદો પણ એવો બનાવ્યો કે જેથી તેમનું રાજ્ય પર વર્ચસ્વ મજબૂત બને.

જોકે શેખ પોતે જાણતા હતા કે તેમનો દીકરો કેટલો બોદો છે. શેખ અબ્દુલ્લાની કેબિનેટમાં એક પ્રધાન હતા - ડી. ડી. ઠાકુર. ફારુક અબ્દુલ્લા એક વાર ઠાકુરની સાથે રાજ્ય બહાર કોઈ મુલાકાતમાં જવા માગતા હતા, પરંતુ પોતાની હિંમત ચાલી નહીં એટલે ઠાકુરને પિતાની પરવાનગી લેવા કહ્યું. ઠાકુરે એક જગ્યાએ લખ્યું છે કે જ્યારે તેમણે શેખને વાત કરી તો શેખે કહ્યું કે તમે તેની કુસેવા કરી રહ્યા છો. તે (ફારુક) એક નાનકડું ક્લિનિક તો ચલાવી શકતો નથી, રાજકારણમાં શું ઉકાળશે?

ફારુક અબ્દુલ્લાએ વર્ષ ૨૦૧૪માં નવી દિલ્હીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જાહેરમાં કહ્યું હતું કે તેમના પૂર્વજો બ્રાહ્મણ હતા. આમ, આ વટલાયેલા મુસ્લિમ શેખ અબ્દુલ્લાના ૧૯૭૫થી ૧૯૮૨ના શાસનમાં જમ્મુ-કાશ્મીરના ઈસ્લામીકરણનો દોર જોરશોરથી ચાલ્યો. વહીવટી તંત્રનું પૂરું ઈસ્લામીકરણ કરી નખાયું. કટ્ટરવાદીઓને પૂરી છૂટ મળી ગઈ. ઑફિસોમાં શુક્રવારની નમાઝ પઢાવા લાગી. શુક્રવારે નમાઝ હોવાથી સિનેમાના શો દિવસે રદ્દ કરી નાખવામાં આવતા. ભારત સરકારની સત્તાને નષ્ટ કરવા તમામ પ્રયાસો કરાયા. કાશ્મીરના રાજકારણીઓની કરચોરી પકડવા આવકવેરા અધિકારીઓ આવે તો તેમને રાજ્ય સરકાર તરફથી તો કોઈ મદદ મળતી જ નહીં, ઉપરાંત નેશનલ કોન્ફરન્સના કાર્યકરો દ્વારા સમર્થિત ટોળાંઓ દ્વારા હિંસક વ્યવહારનો પણ તેમણે સામનો કરવો પડતો. રાજ્ય બહારના આઈએએસ અધિકારીઓને ગૌણ પદો દેવાતાં. હા, જે ચમચા હોય તેમને મહત્ત્વનાં પદ અપાતાં. પોલીસમાં પણ જમાત-એ-ઇસ્લામી નામના કટ્ટર સંગઠનના સભ્યોને ભરતી કરાવા લાગ્યા, જેમાં ઘણા તો પાકિસ્તાનના હતા. 

શેખ અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરનું વધુ ને વધુ ઈસ્લામીકરણ કર્યે જતા હતા તેનું એક કારણ પાકિસ્તાન હતું. અબ્દુલ્લા બતાવવા માગતા હતા કે પાકિસ્તાન કરતાં પોતાના શાસનમાં રાજ્યનું વધુ ઈસ્લામીકરણ થશે. આ માટે તેમણે કોમવાદી અને અલગતાવાદી પરિબળોને ઉત્તેજન આપ્યે રાખ્યું. રાજ્યના ભંડોળનો ઉપયોગ સરકારી જમીન પર મસ્જિદ બનાવવા માટે કરાવા લાગ્યો. અનેક કાશ્મીરી ગામોનાં નામો ઈસ્લામી કરવા આદેશ અપાયો જેથી તેમનો ઐતિહાસિક વારસો મીટાવી શકાય. કાશ્મીરીઓની નજરમાં (બાકીનું) ભારત વિલન બને તેવું કરવામાં તેમણે કોઈ કચાશ ન રાખી. શેખ અબ્દુલ્લાએ પોતાની આત્મકથા આતશ-એ-ચિનાર’માં કાશ્મીરી પંડિતોને ઇન્ટેલિજન્સ બ્યુરોના એજન્ટ સુધ્ધાં વર્ણવી નાખ્યા. 

ઉપરાંત તેમણે રિસેટલમેન્ટ બિલ લાવ્યા અને અલ ફતહના ૩૦ ખૂંખાર ત્રાસવાદીઓ સામેના કેસ પણ પાછા ખેંચી લીધા. રિસેટલમેન્ટ બિલ એવું હતું કે જે લોકો ૧૯૪૭ પછી કાશ્મીર છોડી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા અને જેઓ ૧૪ મે ૧૯૫૪ સુધી રાજ્યની માન્ય પ્રજા હતા, તેમને ફરી કાશ્મીરમાં વસાવી શકાય. આ મુદ્દે લાંબો વિવાદ ચાલેલો અને ૧૫ નવેમ્બર, ૨૦૦૧ના રોજ સર્વોચ્ચ ન્યાયાલયે આ ખરડાને કોઈ જવાબ વિના પાછો મોકલતાં, આ ખરડો અંતે રાજ્ય વિધાનસભાએ પસાર કરેલો મનાયો હતો. 

શેખ અબ્દુલ્લાએ અગાઉ વચન આપ્યા પ્રમાણે, જમાત-એ-ઇસ્લામીની શાળાઓ સામે પણ કોઈ પગલાં લીધાં નહીં. ઊલટાનું, પાકિસ્તાન અને આરબ દેશો તરફથી તેના માટે અને જમાત-એ-એહલ-એ-હદીસ અને તેમનાં સંગઠનો માટે અઢળક ભંડોળ આવવા લાગ્યું. માર્ચ ૧૯૮૦માં જમાત-એ-ઈસ્લામીએ મદિના યુનિવર્સિટીથી આવેલા એક પ્રતિનિધિમંડળ માટે કાર્યક્રમ રાખ્યો હતો. આ પ્રતિનિધિમંડળના એક સભ્ય, પ્રા. અબ્દુલ સમાદે શ્રીનગરમાં એક જાહેરસભામાં કહ્યું, ઈસ્લામી ક્રાંતિ માટે આપણે વ્યક્તિગત અને સામૂહિક રીતે તૈયાર થવું જોઈએ. આ માટે આપણે કુરબાની દેવા પણ તૈયારી રાખવી જોઈએ.

આ જ વર્ષે સપ્ટેમ્બરમાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના જમાત-એ-ઈસ્લામીના મૌલાના અબ્દુલ્લાએ કાશ્મીરની મુલાકાત લીધી. તેમણે જાહેરમાં કહ્યું કે પાકિસ્તાન સીમલા સમજૂતીને માનતું નથી. એવું મનાય છે કે મૌલાના જમ્મુ-કાશ્મીરની જમાત-એ-ઈસ્લામીને પાકિસ્તાનના જનરલ ઝિયાના ઓપરેશન ટોપાકને શરૂ કરીને કાશ્મીર પચાવી પાડવાની યોજના સમજાવવા આવ્યા હતા. જોવાની વાત એ છે કે શેખ અબ્દુલ્લાએ તેમની સામે કોઈ પગલાં ન લીધાં, પણ કેન્દ્ર સરકાર સાવધ થઈ ગઈ અને તેણે ચોવીસ કલાકમાં આ મૌલાનાને કાશ્મીરમાંથી નીકળી જવા કહ્યું. 

જનરલ ઝિયાની આ દુષ્ટ યોજના ઓપરેશન ‘ટોપાક’ શું હતી? ફારુક અબ્દુલ્લા કેમ ‘ડિસ્કો ચીફ મિનિસ્ટર’ કહેવાતા હતા? તેમણે પણ પિતાની કાશ્મીરના ઈસ્લામીકરણની યોજના કઈ રીતે આગળ વધારી એ અંગે આવતા અઠવાડિયે વાત. 

05-07-2015 

ફારુકના શાસનમાં શીખ ત્રાસવાદીઓને આશ્રય મળતો
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=167070

શેખ અબ્દુલ્લાની તબિયત હવે નરમગરમ રહેવા લાગી હતી. જિંદગીનો બહુ ભરોસો નહોતો. તેમણે ૧૯૮૧માં ફારુક અબ્દુલ્લાને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ બનાવીને પોતાના વારસદાર જાહેર કરી દીધા હતા, પરંતુ તેમના ઘરમાં જ ફારુક અબ્દુલ્લાના એક પ્રતિસ્પર્ધી હતા - ગુલામ મોહમ્મદ શાહ, જે શૈખના જમાઈ અને ફારુકના બનેવી થતા હતા. 

શેખના અંતકાળ તેમ જ ફારુકના રાજકીય કારકિર્દીના સમયમાં, જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામીકરણ કેટલું થયું અને અલગતાવાદીઓને કેટલો છૂટો દોર અપાયો તે તો આપણે ગયા હપ્તે જોયું, પરંતુ ભ્રષ્ટાચાર પણ કેટલો ફૂલ્યોફાલ્યો હતો તે આજે જોઈએ. 

૧૫ એપ્રિલ ૧૯૮૨ના રોજ એક અંગ્રેજી સામયિકે સ્ટોરી કરી હતી. તેમાં જણાવ્યા મુજબ, છેલ્લાં કેટલાંક વર્ષોથી (એટલે કે ૧૯૮૨ પહેલાંના કેટલાંક વર્ષોથી) જમ્મુ-કાશ્મીરનો એકેય ખૂણો એવો નહોતો જ્યાં ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓની વાત ન થતી હોય. શક્ય છે કે એમાંની કેટલીક અતિશયોક્તિવાળી હોય, પરંતુ તેમાં જે તત્ત્વ છે તે ઘણા અંશે વિશ્ર્વસનીય છે. સરકાર અને એનસી (નેશનલ કોન્ફરન્સ) પોતે જ કાયદો બની ગયા હતા. જમીનની ફાળવણી બાબતે તો ખાસ. દુકાનો, સિનેમાઓ અને રહેવાસી પ્લોટો કથિત રીતે પક્ષ તરફે સહાનુભૂતિ રાખનારાઓ, જેમને વિશેષ ગણવામાં આવતા હતા તેવા અને ઉચ્ચ પદે બેઠેલાઓના સગાંસંબંધીઓને મનફાવે તેમ ફાળવી દેવાતા હતા. દા.ત. સરકારે ઝેલમના કિનારે આવેલી મુખ્ય જમીનની ચાર કેનાલ નેશનલ કોન્ફરન્સના નવા-ઇ-સુબહ-ટ્રસ્ટ (જે ઉર્દૂ અને અંગ્રેજી દૈનિક કાઢતું હતું)ને ફાળવી દેવાઈ. તેમાં પાંચ માળનું બિલ્ડિંગ જે રૂ. ૧ કરોડની કિંમતનું હતું તે બનાવવાનું હતું અને આ જમીન કયા ભાવે લીઝ પર અપાઈ હતી? ૯૦ વર્ષ માટે એક કેનાલ રૂ. ૧ના વાર્ષિક ભાડા પર અપાઈ હતી! આ ટ્રસ્ટના વડા હતા શૈખના જમાઈ જી. એમ. શાહ!

જમ્મુ-કાશ્મીરની હાઇ કોર્ટને તો જાણે ઘોળીને પી ગયા હતા. (અને ગુજરાતનાં રમખાણો વખતે કેસો ગુજરાત બહાર ચલાવવા આદેશો અપાયા હતા!) કાશ્મીરની હાઇ કોર્ટે એક પત્રકારની અરજીના આધારે આ બાંધકામ પર પ્રતિબંધ મૂક્યો તો પણ આદેશને અવગણીને બાંધકામ ચાલુ રખાયું. વાત તો એવી હતી કે મંત્રીમંડળનો ભાગ્યે જ કોઈ એવો મંત્રી હશે જેણે તેની મુદતમાં જમ્મુ અથવા શ્રીનગરમાં મહેલ જેવું ઓછામાં ઓછું (આઇ રિપીટ, ઓછામાં ઓછું) એક ઘર નહીં બનાવ્યું હોય! એક પ્રધાનને મોડી ફાળવણી થઈ. તેને દક્ષિણ શ્રીનગરના રાવલપરામાં જમીન અપાઈ હતી. એટલે આ ભાઈએ શું કર્યું? બસ સ્ટેશન માટે ફાળવાયેલી જમીન પર કબજો જમાવી બે પ્લોટ બનાવી નાખ્યા. 

દાલ સરોવરના કિનારે મહારાજા હરિસિંહના દીકરા ડો. કરણસિંહની ૯૦ એકરમાં ફેલાયેલી એક સંપત્તિ હતી - હરિ નિવાસ. રાજ્ય સરકારે તેમને આ સંપત્તિ સામાજિક કામો માટે આપી હતી. તે સંપત્તિ સાત વેપારી પરિવારોને ૩૦૦ રૂમની લક્ઝરી હોટેલ બનાવવા આપી દેવાઈ! તેમાં જે ભાગીદારો હતા તેઓ નેશનલ કોન્ફરન્સના ટેકેદારો હતા. તેમના પર આવકવેરા ખાતાના દરોડા પણ પડ્યા હતા. પણ આ દરોડા તો શેખને દબાવવા માટે ઈન્દિરા ગાંધીના ઈશારે પડાયા હતા, કેમ કે, તે વખતે બંને વચ્ચે પાછો સંઘર્ષ ચાલતો હતો. આમ માનવાને કારણ એ હતું કે આ દરોડા પછી કોઈ કાર્યવાહી કરાઈ નહીં કે કોઈ સંપત્તિ ટાંચમાં ન લેવાઈ. 

માત્ર જમાઈ જ નહીં, શેખનો નાનો દીકરો પણ ઓછો નહોતો. એનું નામ તારીક. ૪૪ વર્ષનો તારીક રાજ્યના ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો ચેરમેન હતો. તેણે કોર્પોરેશનના સેંકડો કર્મચારીઓને રાતોરાત કાઢી મૂક્યા હતા. તારીકે પોતે આ આંકડો ૧૯૦નો કહેલો, પરંતુ હકીકતે તે ૫૦૦નો હતો તેમ સૂત્રોએ કહેલું. શ્રીનગરની કોર્ટે આ છટણીને ગેરકાયદે, નિયમથી વિરુદ્ધ અને બિનઅસરકારક ઠેરવેલી, પરંતુ તારીક આ આદેશને ઘોળીને એ જ રીતે પી ગયેલા જેમ તેમણે તેમના વિરુદ્ધ કોર્ટે કાઢેલા અસંખ્ય સમન્સને પી ગયા હતા. 

પરંતુ ૧૯૮૩માં ચૂંટણી આવવાની હતી. (કાશ્મીરમાં બીજી બધી બાબતોની જેમ, આ બાબતમાં પણ દેશનાં અન્ય રાજ્યોથી ઊલટું છે. ત્યાં દર પાંચ વર્ષે નહીં, દર છ વર્ષે ચૂંટણી થાય છે.) એટલે શેખ અને ડો. ફારુક અબ્દુલ્લા જાગ્યા. તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરવાનો દેખાવ કર્યો. ફારુકે જાહેર કર્યું કે કોઈ ભ્રષ્ટાચારીને ફરી ટિકિટ નહીં મળે. શેખ તેમના પુત્રને જીતાડવા માટે તમામ રીતે પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેઓ પોતાના જીવતા જીવ ફારુકને મુખ્ય મંત્રી બનતો જોઈ શક્યા નહીં. ૮ સપ્ટેમ્બર, ૧૯૮૨ના રોજ તેમનું મૃત્યુ થયું. ગાંધીજી, નહેરુની જેમ શૈખને ભવ્ય વિદાઈ અપાઈ. પણ કાશ્મીરના માથે જે વ્યક્તિ પનોતી બનીને રહ્યો હતો અને કાશ્મીરને બરબાદ કરવામાં કોઈ કસર નહોતી છોડી તે પનોતીનો કોઈ અંત નહોતો આવ્યો. નેશનલ કોન્ફરન્સમાં જેમ શૈખે પોતાના વારસદાર ફારુકને બનાવ્યા, તેમ આ પનોતીનો પણ વારસો પસાર કરતા ગયા, કેમ કે, ફારુકના સમયમાં ત્રાસવાદ ભયંકર રીતે માથું ઊંચકવાનો હતો અને અનેક બોમ્બધડાકા રોજબરોજની કહાણી બની જવાના હતા. કાશ્મીર ખીણમાંથી વ્યવસ્થિત અને ક્રૂર ષડ્યંત્ર હેઠળ કાશ્મીરી પંડિતોની હત્યા, લૂંટ અને બળાત્કાર થવાના હતા તેમ જ પંડિતોને કાશ્મીરમાંથી ખદેડવાના હતા. 

શેખના મૃત્યુ પછી સ્વાભાવિક જ ફારુકને મુખ્ય પ્રધાન બનાવાયા. તેમને વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી અને રાજ્યના ગવર્નર બી. કે. નહેરુનો અંદર ખાને ટેકો હતો. દિલ્હીમાં બેઠેલા લોકોને ફારુક એ વખતે સીધાસાદા લાગતા હતા, જ્યારે તેમના બનેવી અને મુખ્ય દાવેદાર જી. એમ. શાહ હાર્ડલાઇનર હતા. આમ, ચૂંટણી સુધી એટલે કે એક વર્ષ માટે ફારુક અબ્દુલ્લા મુખ્ય પ્રધાન બન્યા. ચૂંટણીમાં શૈખના મૃત્યુના કારણે સ્વાભાવિક જ નેશનલ કોન્ફરન્સને સહાનુભૂતિનો લાભ મળ્યો અને તેનો વિજય થયો અને ફારુક અબ્દુલ્લા મુખ્યપ્રધાન બન્યા, પરંતુ ફરી એક વર્ષ માટે જ. કેમ કે ૨ જુલાઈ, ૧૯૮૪ના રોજ ઈન્દિરા ગાંધીની સરકારના ઈશારે તેમને મુખ્યપ્રધાન પદેથી બરતરફ કરવાના હતા. 

૧૯૮૩ની ચૂંટણી અગાઉ સૈયદ મીર કાસીમ (કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન) જેમણે ઈન્દિરા ગાંધીની ૧૯૮૦માં ફરી સત્તા પર આવ્યા પછીની બિનલોકશાહી રીતરસમોના કારણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, તેમ છતાં તેઓ ઈન્દિરાની નજીક હતા. તેમણે ઈન્દિરાને અને ફારુકને કાશ્મીરની ચૂંટણી સાથે લડવા સમજાવ્યું. પરંતુ એ વખતે કોંગ્રેસના પ્રમુખ હતા મુફ્તિ મોહમ્મદ સઈદ (જે આજે પીડીપીના મુખ્ય પ્રધાન છે). તેમણે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી. કાસીમ તેમના પુસ્તક માય લાઇફ એન્ડ ટાઇમ્સ’માં લખે છે કે મેં ઈન્દિરાને સમજાવ્યું તો ઈન્દિરાએ કહ્યું કે મુફ્તિએ મારી મંજૂરી વગર આ જાહેરાત કરી નાખી છે. (આવું બની શકે? ઈન્દિરાની મંજૂરી વગર દેશ આખામાં પત્તુંય ન હલતું હોય, એમાંય આ તો કટોકટી પછી વધારે જોરથી સત્તામાં આવ્યાં હતાં, તો મુફ્તિની શું હેસિયત?) છેવટે કાસીમના કહેવાથી, ફારુકને શ્રીનગરથી દિલ્હી લાવવા ખાસ વિમાન મોકલાયું! (આજે આવું નરેન્દ્ર મોદીએ કર્યું હોય તો કેટલાંય અઠવાડિયાં સુધી આ સમાચાર છાપાં અને ચેનલો પર ગાજે!) ફારુક અને ખાસ તો તેમનાં માતા બેગમ અબ્દુલ્લા કોંગ્રેસ સાથે બેઠક વહેંચણી માટે સમાધાનના મૂડમાં નહોતા. તેમણે ત્યાં સુધી કહી દીધું કે કાશ્મીરમાં કોંગ્રેસ ધોવાઈ જશે. બસ, આનાથી ઈન્દિરા ગાંધીનો અહંકાર ઘવાયો અને તેમણે ફારુકને પાઠ ભણાવવા નિર્ણય લઈ લીધો.

અને તેમણે જગમોહન દ્વારા આ બદલો લીધો. એ જ જગમોહન જે કાશ્મીરના રાજ્યપાલ હતા અને બીજી મુદતમાં, કાશ્મીરમાં ત્રાસવાદે માથું ઊંચક્યું હતું ત્યારે પણ રાજ્યપાલ હતા. આ તરફ, ફારુક પણ તેમના પિતા શેખના પગલે જ ચાલતા હતા. અહીં એક આડવાત કરવી એટલા માટે જરૂરી છે જેથી ફારુકના તેમના પિતા જેવા સ્વભાવની ખબર પડે. ફારુક ઈંગ્લેન્ડમાં ભણ્યા હતા. ફારુકે લગ્ન પણ લંડનની એક બ્રિટિશ મૂળની નર્સ મોલી સાથે કર્યાં છે. ફારુક દાક્તરીનું ભણતા હતા ત્યારે તેમને મોલી સાથે પ્રણય થઈ ગયો હતો. બંનેનાં લગ્ન ૬૦ના દાયકામાં થયા હતા અને લગ્ન પછી મોલી કાશ્મીર આવેલા, પરંતુ તેઓ ઘણા સમયથી તેમની દીકરી હિના સાથે લંડન જ રહે છે. હમણાં કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી વખતે (૨૦૧૪માં) ફારુક બીમાર પડેલા ત્યારે તેમને મોલીએ પોતાની કિડની આપીને જીવતદાન આપ્યું હતું. ફારુકની એક દીકરી કોંગ્રેસના નેતા સ્વ. રાજેશ પાઇલોટના દીકરા સચીનને પરણી છે. ફારુકના દીકરા અને પૂર્વ મુખ્ય મંત્રી ઓમરનો જન્મ પણ યુકેના એસેક્સમાં થયો છે.

તો, ફારુક અબ્દુલ્લા જ્યારે ઈંગ્લેન્ડમાં ભણતા હતા ત્યારે તેઓ જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના નેતાઓના પરિચયમાં આવ્યા હતા. તેમાં એક હતો અમાનુલ્લા ખાન. અમાનુલ્લા ખાનને ૧૯૭૧માં તેઓ મળેલા. તે પછી ફારુકે ૧૯૭૩માં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં જઈને જેકેએલએફે યોજેલા એક કાર્યક્રમમાં કાશ્મીરને સ્વતંત્ર કરાવવાના શપથ લીધા હતા અને એટલું જ નહીં, ત્યાં હાજર અન્ય યુવાનોને પણ શપથ લેવડાવ્યા હતા. ૧૯૭૫માં જ્યારે શેખ સત્તામાં ફરી આવેલા (ઈન્દિરાની કૃપાથી) ત્યારે એક સરઘસ કાઢવામાં આવેલું. તેમાં ફારુક, તેમની સાથે ઈંગ્લેન્ડથી આવેલા જેકેએલએફના સાથીઓ સાથે જોડાયા હતા અને ફારુકે નવું સૂત્ર આપેલું, ચ્યોં દેશ, મ્યોં દેશ, કશૂર દેશ, કશૂર દેશ અર્થાત્ તમારો અને મારો દેશ કાશ્મીર છે!

મુખ્ય પ્રધાન બનતાં વેંત તેમણે ઈન્દિરા ગાંધી સામે બાથ ભીડવાનું ચાલુ કરી દીધું. તેમણે પહેલાં તો પોતાના જૂના સાથીઓને જ કાઢી મૂક્યા અને જાહેર સભામાં પોતાની નવી ટીમ જાહેર કરી અને લોકો પાસે તેની મંજૂરી માગી. લોકોએ હા પણ પાડી દીધી. તે પછી તેમણે જાહેર કર્યું કે તેઓ કાશ્મીરની પ્રતિષ્ઠા અને ગરીમાને ઊની આંચ નહીં આવવા દે અને તે માટે શક્તિશાળી ભારત સામે લડવું પડે તો પણ લડી લેશે. સત્તામાં આવ્યાના ત્રણ મહિનાની અંદર તેમણે કોંગ્રેસ વિરોધી અને કેન્દ્ર સરકાર વિરોધી પક્ષો અને પરિબળો સાથે હાથ મિલાવ્યા. એ વખતે દેશમાં પાકિસ્તાનના ઈશારે શીખ ત્રાસવાદીઓની સમસ્યા ઊકળતી હતી. ‘કાશ્મીર: ઇટ્સ એબોરિજિન્સ એન્ડ એક્સોડસ’ પુસ્તકમાં કર્નલ તેજ કે ટિકૂ લખે છે, મુખ્ય મંત્રી તરીકેની પોતાની પ્રથમ મુદતમાં, ફારુકે ભાગીને આવતા શીખ ત્રાસવાદીઓને કાશ્મીરમાં સલામત આશ્રય આપવાનું શરૂ કર્યું હતું. કાશ્મીરની અંદર શીખ ત્રાસવાદીઓને તાલીમ અપાતી હતી. ફારુક સરકારના આ વલણથી શીખ ત્રાસવાદીઓના ટેકેદારોને હિંમત અને જુસ્સો મળ્યો. તેઓ રાજ્યમાં સરઘસો કાઢવા લાગ્યા, પ્રદર્શનો યોજવા લાગ્યાં. 

૬ જૂન, ૧૯૮૪ના રોજ જ્યારે અંતિમવાદી શીખ જર્નૈલસિંહ ભીંદરાનવાલેનું મૃત્યુ થયું એ વખતે ફારુક અબ્દુલ્લા તુલામુલ્લામાં ખીર ભવાની મંદિર ગયા જ્યાં કાશ્મીરી પંડિતો અષ્ટમીનો ઉત્સવ ઊજવી રહ્યા હતા. તેમણે તેમને શ્રીનગર પાછા જવા સલાહ આપી, કારણ કે પરિસ્થિતિ બેકાબૂ થવાની પૂરી શક્યતા હતી, પરંતુ તેમણે હનુમાન મંદિર તેમ જ આસપાસના નિવાસોને બચાવવા કોઈ પગલાં ન લીધાં. રોષે ભરાયેલા શીખોએ તેમને લક્ષ્ય બનાવ્યા અને ઘણું નુકસાન પહોંચી ગયું પછી પોલીસને મોકલાઈ. 

આ તો હજુ શરૂઆત જ હતી. ફારુકના શાસનમાં હિન્દુઓ આગળ આનાથી પણ ખરાબ દિવસો આવવાના હતા...

12-07-2015

ઇન્દિરાની સભામાં ફારુકના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યા!
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=167754

પિતાની જેમ ફારુક અબ્દુલ્લાનાં પણ બેવડાં ધોરણ હતાં. ભારતીય માધ્યમો સમક્ષ દેશભક્ત બની જવું અને કાશ્મીર ખીણમાં અલગતાના રાગ આલાપવા. તેમનું આ વલણ ચાલુ જ છે. ૧૬ નવેમ્બર ૨૦૧૪ના દિવસે યુકેમાં કિડનીની સારવાર કરાવતા કરાવતા પણ તેમણે ધમકી આપી હતી કે કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવશે તો વ્યાપક અશાંતિ સર્જાશે. તે અગાઉ આ જ વર્ષની ૩૦ માર્ચના રોજ કહેલું કે હું મરીશ તો પણ કબરમાંથી બૂમ પાડીશ કે કલમ ૩૭૦ની રક્ષા કરો. આ બધાં નિવેદનો તેમણે રાજ્યમાં ચૂંટણી આવતી હોવાથી કર્યાં હતાં. 

પિતા શેખ અબ્દુલ્લા માનતા હતા અને તેમણે ડી. ડી. ઠાકુર નામના તેમના કેબિનેટ મંત્રી આગળ હૈયાવરાળ કાઢી હતી (સિક્કાની બીજી બાજુ, તા.૨૮/૬/૧૫) કે એક નાનકડું ક્લિનિક ચલાવી ન શકતો ફારુક રાજકારણમાં શું ઉકાળશે? પણ તેમને ખબર નહોતી કે ફારુક અબ્દુલ્લા તેમને જોઈને જ મોટા થયા છે. તેઓ તેમના પગલે જ ચાલશે. બલકે અમુક બાબતોમાં તેમના કરતાં પણ સવાયા નીકળશે. એટલે ઑક્ટોબર ૧૯૮૩માં ચૂંટણી આવતી હોવાથી ફારુક પિતાની જેમ કાશ્મીરમાં અલગતાવાદનો રાગ બરાબરનો અને મોટા અવાજે આલાપતા હતા. તેમણે કાશ્મીર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેમની ઇસ્લામિક ઓળખ જાળવવા સલાહ આપી. જે લોકો કોંગ્રેસવિરોધી હતા તેવા બૌદ્ધિકોને પોતાની પડખે લીધા (જેથી તેઓ ઇન્દિરા ગાંધીવિરોધી છે તેવી છાપ મજબૂત થાય) અને તેમને બાકીના ભારતમાં કાશ્મીરિયતનો સંદેશો ફેલાવવા કહ્યું. 

હવે ફારુક પોતે કેટલા કાશ્મીરિયતવાળા હતા/છે તે જ એક સવાલ છે. તેમને ડિસ્કો ચીફ મિનિસ્ટરનું બિરુદ મળ્યું હતું. આની પાછળનું કારણ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ઇન્ટરનેશનલ અને કમ્પેરેટિવ પોલિટિક્સના પ્રાધ્યાપક સુમંત્ર બોઝે લખેલા પુસ્તક કાશ્મીર: રૂટ્સ ઑફ કોન્ફ્લિક્ટ, પાથ્સ ટૂ પીસ’માંથી મળે છે. બોઝ લખે છે, ફારુકને ડિસ્કો ચીફ મિનિસ્ટરનું બિરુદ મળ્યું, કારણ કે તેઓ ભારતનાં શહેરોમાં આવેલાં ડિસ્કોથેકમાં અવારનવાર જોવા મળતા હતા અને તેઓ તેમનો મોટા ભાગનો સમય ક્યાં તો ગોલ્ફ રમવામાં અથવા વિદેશમાં વેકેશન ગાળવામાં પસાર કરતા હતા. તેમના શાસનમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો હતો.

‘કાશ્મીર ઇન કોન્ફ્લિક્ટ: ઇન્ડિયા, પાકિસ્તાન એન્ડ ધ અનએન્ડિંગ વોર’ પુસ્તકમાં વિક્ટોરિયા શોફિલ્ડ પણ ફારુકને ડિસ્કો ચીફ મિનિસ્ટરનું બિરુદ આપીને લખે છે કે તેમને શ્રીનગરમાં મોટર બાઇસિકલ (બાઇક) પર ફરવું બહુ ગમતું હતું. રાજદીપ સરદેસાઈ જેવા સેક્યુલર મનાતા પત્રકાર-લેખકે એક લેખમાં ફારુકને ડિસ્કો ચીફ મિનિસ્ટર કેમ કહેવાય છે તેના કારણમાં લખ્યું છે કે ફારુક અબ્દુલ્લા મહાન સેક્યુલર અભિનેત્રી શબાના આઝમીને મોટરબાઇક પર પાછળ બેસાડીને ફર્યા હતા જેના કારણે તેમને ‘ડિસ્કો ચીફ મિનિસ્ટર’નું બિરુદ મળ્યું હતું. યુરોપસ્થિત કાશ્મીર ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટર (કેઆઈઆરસી)ના ન્યૂઝ પોર્ટલ કાશ્મીર વોચ ડોટ કોમ પરના એક લેખ મુજબ, ૧૯૮૪માં જ્યારે ફારુકના બનેવી જી. એમ. શાહે તેમની સરકાર ઉથલાવી દીધી ત્યારે તેઓ પહલગામમાં એક હિન્દી ફિલ્મ અભિનેત્રી સાથે કથિત રીતે આનંદ માણી રહ્યા હતા. 

એટલે ફારુકની જીવનશૈલીમાં કાશ્મીરિયતનો સહેજે છાંટો નહોતો તેમ કહી શકાય. પરંતુ ચૂંટણી જીતવા તેમણે કાશ્મીરિયતનો નારો બુલંદ કર્યો. તેમણે ભારત પર (શેખ-ઇન્દિરાની સમજૂતી પછીય જાણે કાશ્મીર કોઈ ભારત બહારનો પ્રદેશ હોય તેમ) કાશ્મીરમાં કોમવાદી રમખાણો ભડકાવવાનો આક્ષેપ કર્યો. એટલું જ નહીં કોમવાદી પત્તું પણ ઊતર્યા. તેમણે કાશ્મીરની વાત છોડો, ભારત માટે એવું જાહેર કર્યું કે મુસ્લિમો ભારતમાં સલામત નથી! તેમણે નેશનલ કોન્ફરન્સની યુવા પાંખને ‘સ્વતંત્રતાની લડાઈ’ માટે તૈયાર રહેવા આહ્વાન કર્યું. જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ તેમનું ભારત વિરોધી અને હળાહળ કોમવાદી વલણ બુલંદ થતું ગયું. એક જાહેરસભામાં તેમણે કહ્યું કે આપણી લડાઈ તો કોંગ્રેસ સામે છે. તે આપણને કચડી નાખવા માગે છે. કોંગ્રેસની હાર મતલબ કેન્દ્ર સરકારની હાર.

તેમણે શેર-બકરાનું રાજકારણ સમાપ્ત કરવા પિતાના કટ્ટર દુશ્મન મૌલવી ફારુક સાથે હાથ મિલાવ્યા. પરંતુ ભારતીય મીડિયા સમક્ષ તેઓ દયામણા બનીને રજૂ થતા અને કહેતા કે ઇન્દિરા ગાંધી વગર કારણે તેમને હેરાન કરે છે. ખરેખર સાચું શું હતું? ગયા વખતે આપણે જોયું તેમ ઇન્દિરાએ ફારુકને તક આપી હતી. શેખના મૃત્યુ પછી ફારુકને મુખ્યપ્રધાન બનવા દઈને તેમજ ચૂંટણી માટે સમજૂતી કરવા ખાસ વિમાન શ્રીનગર મોકલાવીને, પણ ફારુક તે માટે તૈયાર નહોતા અને તેઓ તથા તેમનાં માતા તો એમ કહીને આવ્યા હતા કે કાશ્મીરમાં કોંગ્રેસ ધોવાઈ જશે. આ તો ઠીક, પણ ઇન્દિરા ગાંધીની શ્રીનગરના હઝારીબાગ (જે હવે ઈકબાલ પાર્ક તરીકે ઓળખાય છે) ખાતેની એક જાહેરસભામાં તો નેશનલ કોન્ફરન્સના કાર્યકરોએ અત્યંત શરમજનક વ્યવહાર કર્યો. 

સ્થાનિક પોલીસ હાજર હતી તેમ છતાં ઇન્દિરાજીની સભામાં ખલેલ પહોંચાડવા તમામ પ્રયાસો કરાયા, પણ તે ઓછું હોય તેમ નેશનલ કોન્ફરન્સના કાર્યકરોએ એક મહિલાની સામે પોતાના પાયજામા ઉતારી નાખ્યા! શું ફારુક આને કાશ્મીરિયત ગણતા હતા? છેડાયેલી અને ધૂંધવાયેલી વાઘણ જેવાં ઇન્દિરા ગાંધી પછી આનો બદલો ન લેત તો જ નવાઈ હતી! ૧૯૮૩ની એ ચૂંટણીમાં ભારે ગેરરીતિઓ આચરવામાં આવી. બેફામ બોગસ વોટિંગ થયું. આમ, આ ચૂંટણીમાં ફારુક અબ્દુલ્લા ભારતવિરોધી વલણ, બનાવટી કાશ્મીરિયત તેમજ બોગસ વોટિંગ પર પક્ષને વિજયી બનાવવામાં સફળ રહ્યા. 

ફારુકની મુખ્યમંત્રીપદની બીજી મુદ્દતમાં કાશ્મીરને ભારતવિરોધી બનાવવાનું ચાલુ રખાયું. એનું એક ઉદાહરણ એટલે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ૧૩ ઑક્ટોબર ૧૯૮૩ના રોજ શ્રીનગરમાં યોજાયેલી વન-ડે મેચ. ભારતીય ટીમ તાજી જ વિશ્ર્વકપ જીતીને રમી રહી હતી. તે જોતાં ભારતીય ટીમનું સ્વાગત દર્શકો તરફથી ઊષ્માપૂર્ણ રીતે થવું જોઈતું હતું અને તેમને મેચમાં પ્રોત્સાહન અપાવું જોઈતું હતું, પરંતુ આ મેચમાં ભારતીય ક્રિકેટરો સાથે ભયંકર ખરાબ વર્તન કરવામાં આવ્યું. તેમને ગાળો કહેવામાં આવી, ટોણા મારવામાં આવ્યા. ભારતીય ક્રિકેટરોને એવું જ લાગ્યું હશે જાણે કે તેઓ પાકિસ્તાનમાં રમી રહ્યા છે. સ્ટેડિયમમાં ભારતવિરોધી અને પાકિસ્તાન ઝિંદાબાદ’ જેવા નારા ગુંજી રહ્યા હતા. 

સ્પોર્ટ્સ પત્રકાર અભિષેક મુખરજીએ લખ્યું છે: શ્રીનગરની આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હતી. ભારતીય ક્રિકેટરો જેવા મેદાન પર ઊતર્યા કે દર્શકોમાંના એક વર્ગે ભારતીય ક્રિકેટરોનો હુરિયો બોલાવવા માંડ્યો. મેદાન પર ઉપહાસ, ઠઠ્ઠા અને ટોણાનું વાતાવરણ પ્રસરી ગયું. ભારતીય અને વે. ઇન્ડિઝની ટીમ ચોંકી ગઈ. સુનીલ ગાવસકરે પણ ‘રન્સ એન રયુન્સ’માં લખ્યું કે હાર પછી હુરિયો બોલાવે તે તો સમજાય, આ તો તેના પહેલાં હતું જે માન્યામાં જ ન આવે તેવું હતું. આ ઉપરાંત ટોળામાં ઘણા લોકો પાકિસ્તાનતરફી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને અમને હતોત્સાહ કરવા કોશિશ કરી રહ્યા હતા. આવા હુરિયાની વચ્ચે કપિલ દેવ અને ક્લાઇવ લોઇડ ટોસ કરવા ઊતર્યા. લોઇડે ટોસ જીતી ભારતને બેટિંગનું આમંત્રણ આપ્યું. એન્ડી રોબર્ટ્સના દડામાં ગાવસકરનો કેચ વિવિયન રિચાર્ટ્સ ઝીલી લીધો અને દર્શકો જાણે ભારતના નહીં, પરંતુ વેસ્ટ ઇન્ડિઝના દર્શકો હોય તેમ તેમણે તાળીઓ પાડવાનું અને ઘોંઘાટ કરવાનું શરૂ કર્યું. ભારતીય બેટ્સમેનો જેમ જેમ આઉટ થતા ગયા તેમ તેમ દરેક વખતે આ સિલસિલો ચાલુ રહ્યો. કે. શ્રીકાંત આવા વાતાવરણમાં પણ પીચ પર ટકી રહ્યો અને તેણે ૯૧ દડામાં ૪૦ રન ફટકાર્યા. ભારતનું ૧૭૬ રનમાં ફીંડલું વળી ગયું. 

હવે લંચનો ઇન્ટરવલ પડ્યો હતો. દસ બાર જણા મેદાન પર ઊતરી આવ્યા. તેમણે પીચ પીચને ખોદવા પ્રયાસ કર્યો. (ભારતના મીડિયાને અને મોટા ભાગના ક્રિકેટપ્રેમીઓને શિવસેના દ્વારા સાચા કારણથી પીચ ખોદવાનું જ યાદ રહે છે, આવું બધું સિફતપૂર્વક ભૂલી જવાય છે.) 

જોકે પીચને એટલું નુકસાન નહોતું પહોંચ્યું કે રમત આગળ ન વધારાય. લંચ બ્રેક પૂરો થયો. હવે વેસ્ટ ઇન્ડિઝની ટીમ દાવ લેવા ઊતરી. કપિલ દેવ અને બલવિંદર સંધુનો સ્પેલ પૂરો થયો અને રોજર બિન્ની તેમ જ મદનલાલ બોલિંગમાં આવ્યા. ટોળાએ ભારતીય ફિલ્ડરોને ટોણા મારવાના તેમજ તેમના પર સફરજન, બોટલ, પથ્થરો અને કચરો ફેંકવાનું ચાલુ કર્યું, જે બાકીની સમગ્ર રમત દરમિયાન ચાલુ રહ્યું. એક દર્શકે ગાવસકર તરફ ઈમરાન ખાન (એ કહેવાની જરૂર નથી કે પાકિસ્તાની ક્રિકેટરના સંદર્ભમાં વાત છે)નું પોસ્ટર ફરકાવ્યું. ખેલદિલ ગાવસકરે તેના તરફ થમ્બ્સ અપની નિશાની કરી. ગાવસકરની આ ચેષ્ટા આવા ભયંકર ખરાબ દર્શકોને પણ રીઝવી ગઈ. એ એક વાર દર્શકોએ ભારતીય ક્રિકેટરો માટે તાળી પાડી. 

ઓછો પ્રકાશ થતાં રમતને અધૂરી રાખવી પડી ત્યારે વેસ્ટ ઇન્ડિઝ ૨૨.૪ ઓવરમાં વિના વિકેટે ૧૦૮ રન પર હતું. ભારતે ૨૦ ઓવરમાં ૮૦ રન કર્યા હતા. આમ, સરખામણી કરતાં વેસ્ટ ઇન્ડિઝની જીત થઈ હતી. હેઇન્સ મેન ઑફ ધ મેચ જાહેર થયો. આ બધું તો ઠીક, પણ દર્શકોએ આવું વર્તન કર્યું ત્યારે (સ્વાભાવિક જ પહેલી મેચ હોઈ) ફારુક અબ્દુલ્લા હાજર હતા. પરંતુ તેમણે મૂંગા મોઢે (કે પછી મૂછમાં મલકાતા મોઢે હશે?) જોયા કર્યું. તેમણે ધાર્યું હોત તો પોલીસની મદદથી આવા દર્શકોને કાબૂમાં લઈ શક્યા હોત. જોકે તે રાત્રે ડિનર વખતે ફારુકે ભારતીય ટીમની માફી માગવાનું સૌજન્ય જરૂર દાખવ્યું. ત્યારે પણ ગાવસકરે મુત્સદ્દી દાખવી. તેમણે કહ્યું: મને નથી લાગતું કે ભારતીય ખેલાડીઓ દર્શકોના વર્તનથી ખરેખર વ્યથિત હોય. હા, તેઓ વિશ્ર્વકપ જીતીને આવ્યા હોવાથી દર્શકોની પ્રતિક્રિયાથી સ્તબ્ધ જરૂર થઈ ગયા હતા. કાશ્મીરના અલગતાવાદીઓ સ્વતંત્રતા માટેની લડતમાં આ મેચના દિવસને એક સીમાચિહ્ન ગણે છે. આ ઘટનાના કારણે તે પછી ત્રણ વર્ષ સુધી કાશ્મીરને એકેય મેચ ફાળવાઈ નહીં. બીજી અને છેલ્લી મેચ ૧૯૮૬માં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. (આ પીચ ખોદવાના કેસનો ચુકાદો છેક ૨૦૧૧માં એટલે કે ૨૮ વર્ષ પછી આવ્યો અને શ્રીનગરની એક કોર્ટે બારેબાર આરોપીને નિર્દોષ છોડી મૂક્યા હતા).

ઇન્દિરા ગાંધીની સરકાર અમુક બાબતોમાં ખરેખર કડક હતી. બાંગલાદેશના સર્જનની બાબતમાં તેમનું વલણ પ્રશંસનીય હતું (જોકે તે પછી ટેબલ પર ભુટ્ટો સાથે મંત્રણામાં કાશ્મીર પાછું ન મેળવી શકાયું અને પાકિસ્તાનને કાયમ માટે દબાવી ન શકાયું તે જુદી વાત છે). આવી જ કડકાઈ તેમણે કાશ્મીરના અલગતાવાદી સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના સહસ્થાપક અને ત્રાસવાદી મોહમ્મદ અફઝલ બટ (કે ભટ)ને ફાંસી દેવામાં કરી. (આવી ઝડપ સોનિયા ગાંધીના ઈશારે ચાલતી કહેવાતી મનમોહનસિંહની સરકાર અફઝલ ગુરુ કે અજમલ કસાબને ફાંસી દેવામાં નહોતી કરી શકી) બટનો વાંક શું હતો? તેણે તેના સાથીઓ સાથે કાશ્મીરમાં પોલીસ પર હુમલો કર્યો હતો. વળી તેના પર ૧૯૭૧માં જે ગંગા નામના ઇન્ડિયન એરલાઇન્સના વિમાનનું અપહરણ થયું તે (જુઓ સિક્કાની બીજી બાજુ, તા. ૭/૬/૧૫) અપરાધનો પણ તે માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ હતો. પાકિસ્તાનનો આ બટ ૧૯૭૪માં ભારતમાં ઘૂસી આવેલો અને તે પકડાઈ ગયો હતો. તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. તેણે તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહ સમક્ષ દયાની અરજી કરી હતી. 

૩ ફેબ્રુઆરી ૧૯૮૪ના રોજ બર્મિંગહામમાં યુકેમાંના ભારતીય રાજદૂત રવિન્દ્ર મ્હાત્રેનું અપહરણ કરાયું અને તેને છોડવાના બદલામાં અપહરણકારોએ બટને છોડી મૂકવા માગણી કરી. ૬ ફેબ્રુઆરી ૧૯૮૪ના રોજ અપહરણકારોએ મ્હાત્રેની હત્યા કરી નાખી. આ પછી બટની દયાની અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી અને નવી દિલ્હીની તિહાર જેલમાં ૧૧ ફેબ્રુઆરી ૧૯૮૪ના રોજ તેને ફાંસી આપી દેવામાં આવી. તેનો મૃતદેહ જેલના પરિસરમાં જ દફનાવી દેવાયો. આજે પણ જેકેએલએફના લોકો બટનો મૃતદેહ પાછો માગતા હોય છે. હુર્રિયત સહિત અલગતાવાદીઓ બટને ફાંસી માટે ફારુક અબ્દુલ્લાને પણ જવાબદાર માને છે. હુર્રિયતના ચેરમેન સૈયદ અલી શાહ ગિલાનીનો આક્ષેપ છે કે ફારુકે દસ્તાવેજો પર હસ્તાક્ષર કરીને બટની ફાંસીને મંજૂરી આપી તો ઓમર અબ્દુલ્લાએ અફઝલ ગુરુની ફાંસીને. 

ફારુકની સરકાર ૧૯૮૪માં જ પતન પામવાની હતી. તેના બનેવી જ તેમની સરકાર ઊથલાવવાના હતા. તેમણે કઈ રીતે ફારુક સરકારને ઉથલાવી તેની વાત આગળના હપ્તે. 

(ક્રમશ:)

19-07-2015

કાશ્મીરમાં પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=168350

ફારુક બોગસ વૉટિંગથી ૧૯૮૩ની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સને બહુમતી અપાવવામાં સફળ રહ્યા હતા અને તેમણે તથા તેમની માતાએ દિલ્હીમાં ઈન્દિરા ગાંધીને આપેલા સંદેશની માફક કૉંગ્રેસનું લગભગ ધોવાણ થયું હતું. ૨ જુલાઈ ૧૯૮૪ના રોજ ફારુકના બનેવી જી. એમ. શાહે બળવો કરી એનસીમાં ભંગાણ કર્યું. અને પરિણામે તેમની સરકાર રચાઈ. તે વખતે રાજ્યપાલપદે જગમોહન મલ્હોત્રા હતા. 

દિલ્હીના લેફ્ટ. ગવર્નર તરીકે લોકપ્રિય રહેલા જગમોહનની જ્યારે બી. કે. નહેરુના સ્થાને રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ ત્યારે જ ટીકા થવા માંડી હતી કે તેમને ફારુક સરકારને ઉથલાવવાના એજન્ડા સાથે જ મોકલવામાં આવી રહ્યા છે. અને ખરેખર જ્યારે સરકાર ઊથલી ત્યારે તો સ્વાભાવિક જ ટીકા થાય જ. એના સંદર્ભમાં જગમોહને ‘માય ફ્રોઝન ટર્બ્યુલન્સ ઇન કાશ્મીર’માં જુલાઈ ૨, ૧૯૮૪’ નામનું આખું પ્રકરણ પોતાની પરિસ્થિતિ સ્પષ્ટ કરવા લખ્યું છે. તે વાંચો તો ખ્યાલ આવે કે ફારુકના એક વર્ષના શાસનમાં કેટલી અરાજકતા હતી, અલગતાવાદી પરિબળોને કેટલો છૂટો દોર મળી ગયો હતો. 

જ્યારે જગમોહનને કાશ્મીરના રાજ્યપાલ બનાવાયા ત્યારે ઈન્દિરા ગાંધીએ દુ:ખ સાથે કહ્યું હતું કે દેશની અંદરનાં અને બહારનાં પરિબળો ભારતને ચોતરફથી ઘેરી રહ્યાં છે. પંજાબ, કાશ્મીર, તમિલનાડુ અને ઈશાન રાજ્યોમાં દેશવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપી રહ્યાં છે. જગમોહન લખે છે કે ઈન્દિરા ગાંધી ફારુકની પંજાબના શીખ કટ્ટરવાદીઓ સાથેની અસાધારણ દોસ્તીથી ચિંતિત હતાં. 

જગમોહન એવા સમયે રાજ્યના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળવા જઈ રહ્યા હતા જ્યારે રાજ્યમાં મોટા પ્રમાણમાં અંધાધૂંધી ફેલાયેલી હતી. ફારુક ચૂંટણી તો જીત્યા હતા પણ કેવી રીતે? ચૂંટણીમાં તમામ ફાસિસ્ટ ટેક્નિકો અપનાવાઈ હતી. ધાર્મિક અને પ્રાદેશિક ભાવનાઓ પૂરજોશમાં ભડકાવવામાં આવી હતી. રાજ્યમાં ભારત વિરોધી, જનમત અને ઈસ્લામીકરણ તરફી વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન ઈન્દિરા ગાંધીની સભામાં એનસીના કાર્યકરોએ પાયજામા કાઢી નાખ્યાનો કિસ્સો તો આપણે ગયા અઠવાડિયે વાંચી ગયા છીએ, પણ એ સભા પછી ટોળાએ કૉંગ્રેસની ઑફિસને સળગાવી દીધી હતી અને એફઆઈઆરમાં જેમનાં નામ હતાં તે બધા એનસીના કાર્યકરો હતા! 

ફારુકે ચૂંટણીમાં અકાલીઓનો ટેકો લીધો હતો. રાજ્યમાં કટ્ટરવાદી શીખો માટે તાલીમ શિબિરો બેધડક ચાલી રહી હતી. તે વખતના કેન્દ્રીય ગૃહ પ્રધાન પી. સી. શેઠીએ તો કાયદેસર પત્રો લખીને તાલીમ શિબિરો અંગે અને કાશ્મીર તેમજ પંજાબનાં ભાંગફોડિયા તત્ત્વો વચ્ચે ખતરનાક સાઠગાંઠ રચાઈ રહી હતી તે અંગે ભય વ્યક્ત કરાયો હતો. શેઠીએ અલગતાવાદીઓ અને પાકિસ્તાનતરફી તત્ત્વોની પ્રવૃત્તિમાં વધારાનો ઉલ્લેખ પણ કર્યો હતો. 

રાજ્ય અને કેન્દ્ર વચ્ચે ઘર્ષણ પણ જોરદાર થયું. કેન્દ્રએ ૧૦,૦૦૦ અર્ધ સૈનિકોને મોકલ્યા પણ ફારુક સરકારે તેમને યોગ્ય જગ્યાએ ગોઠવવાના બદલે બીજે ગોઠવી દીધા, જેથી બૂથ કેપ્ચરિંગ મુક્તપણે થઈ શકે. ફારુકે મોટા પ્રમાણમાં કેન્દ્રીય અધિકારીઓ અને કેન્દ્રીય ચૂંટણી પંચના નિરીક્ષકોની હાજરી સામે વાંધો ઉઠાવ્યો હતો. 

આમ તો ફારુક સરકારનું જ વહીવટી તંત્ર હતું તેમ છતાં ૧૮ મતદાન મથકો પર મોટા પ્રમાણમાં ગેરરીતિની ફરિયાદો આવી. ઘણાં સ્થળોએ બેહિસાબી મતપત્રકો મળી આવ્યા. ઝડિબાલ મતવિસ્તારમાં તો એનસીના ઉમેદવારને ૯૦ ટકા મત મળ્યા. શેખ અબ્દુલ્લાની લોકપ્રિયતા હતી તે વખતે ૧૯૭૭ની ચૂંટણીમાં પણ આટલા મત નેશનલ કોન્ફરન્સને મળ્યા નહોતા, ૫૧ ટકા જ મતો મળ્યા હતા. સૂચિતાર્થ સ્પષ્ટ હતો કે ફારુક તેમના પિતાથી પણ સવાયા સાબિત થયા. વિજય પછી ફારુક સુલતાનની જેમ વર્તવા લાગ્યા હતા. તેમણે રાજભવનમાં પણ સીઆઈડીના માણસો ગોઠવી દીધા હતા જેથી રાજભવનમાં શું હિલચાલ થાય છે તે ધ્યાનમાં રહે. રાજ્યપાલ કોઈ માહિતી માગે તો તેમને કાં તો આપવામાં ન આવતી અને અપાય તો એકતરફી રજૂઆત રહેતી. રાજ્યપાલની દરખાસ્તોને નકારી કાઢી તેમના પદની પ્રતિષ્ઠાને નીચી પડાતી હતી. સરકારી નોકરો ખુલ્લેઆમ દેશના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મારી નાખવાની ધમકી આપતા હતા અને તેમના સામે ફારુક કોઈ પગલાં લેતાં નહોતા. આઈએસઆઈનું માળખું નબળું પાડી દેવાયું હતું અને ન્યાયાલયો પણ મુખ્યમંત્રીની ઈચ્છા મુજબ જ ચાલતાં હતાં. નિમણૂકો, બઢતી, કૉલેજમાં પ્રવેશ અને જમીનની ફાળવણીમાં ગણ્યાંગાઠ્યાં કુટુંબોને જ લાભ મળતો હતો. 

૧૫ ઑગસ્ટ ૧૯૮૩થી કાશ્મીરમાં બૉમ્બ ધડાકાઓનો સિલસિલો ચાલુ થયો. આ ત્રાસવાદ પાછળની ભૂમિકા સમજવા માટે આપણે પાકિસ્તાનના ૧૯૭૭માં બળવો કરીને પ્રમુખ બનેલા ઝિયા ઉલ હકની બદમાશ યોજનાઓ અંગે વિગતવાર પછી વાત કરીશું. ૧૫ ઑગસ્ટની ઉજવણી ચાલી રહી હતી તે વખતે શ્રીનગર ઇન્ડિયન કોફી હાઉસ, ડૉ. એ. એસ. આનંદના ઘર, વડી અદાલતના જજના ઘર, લાલ ચોકમાં પેલેડિયમ સિનેમા, યુનિવર્સિટી લાઇબ્રેરી બ્લોક અને સેશન્સ કોર્ટના નિવૃત્ત જજ એન. કે. ગંજુના ઘરમાં બૉમ્બ ધડાકા થયા! આપણે ભારત-વે. ઇન્ડિઝ વચ્ચેની ક્રિકેટ મેચની વાતમાં કેવા પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા અને તે ટેલિવિઝન પ્રસારણ દ્વારા જોઈને આખો દેશ રોષે ભરાયો હતો તેની વાત કરી ગયા છીએ. 

શેરીઓમાં સરઘસો નીકળતાં. લોકો ‘પાકિસ્તાન ઝિંદાબાદ’, ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’, નૂર-એ-ચશ્મ, નૂર-એ-હક ઝિયા ઉલ હક ઝિયા ઉલ હક’ (પાકિસ્તાનના તે વખતના પ્રમુખ ઝિયા ઉલ હકના સમર્થનમાં)ના નારા લગાવતા. એ વખતે શીખોમાંના કેટલાક લોકો અલગ ખાલિસ્તાન માગી રહ્યા હતા એટલે કાશ્મીરમાં નવો નારો પણ ગુંજવા લાગ્યો હતો - ‘મુસ્લિમ શીખ ભાઈ ભાઈ, હિન્દુ કૌમ કહાં સે આઈ’. આ વાત સ્પષ્ટ કરતું હતું કે એક તરફ પંજાબ અને બીજી તરફ કાશ્મીરમાં આતંકવાદને ભડકાવીને ભારતને નબળું પાડવાની ઝિયા ઉલ હકની યોજના કામ કરી રહી હતી. 

સ્વતંત્રતા દિને જે બૉમ્બ ધડાકા થયા તેમાં તપાસ કરાઈ તો ચાર શંકાસ્પદો મળ્યા- ઈકબાલ કુરેશી, અલ્તાફ કુરેશી, અલતાફ મહાજન અને માજિદ લાલા. આમાં ઈકબાલ કુરેશી એટલે ૧૯૭૧માં ભારતીય વિમાનનું અપહરણ કરનાર હાસીમ કુરેશીનો ભાઈ. અલતાફ કુરેશી આ જ અપહરણમાં હાસીમને સાથ આપનાર અશરફ કુરેશીનો ભાઈ હતો. ભારતીય રાજદૂત રવીન્દ્ર મ્હાત્રેની બર્મિંગહામમાં હત્યા કરાઈ હતી. અને તે માટે મકબૂલ બટને ફાંસી આપી દેવાઈ હતી. મુંબઈમાં ૧૯૮૪માં ભીવંડીમાં રમખાણો થયા હતાં જેમાં બસ્સો ઉપરાંત લોકોનાં મોત થયા હતાં. (એક આડવાત: આ રમખાણોની કોઈ ન્યાયિક તપાસ કરવામાં આવી નહોતી, એ વખતે કૉંગ્રેસની વસંતદાદા પાટીલના નેતૃત્વવાળી સરકાર હતી. ગુજરાતને રમખાણો મુદ્દે બદનામ કરનારા આ બધું સિફતપૂર્વક ભૂલી જાય છે.) એ રમખાણોના પડઘા કાશ્મીરમાં પણ પડ્યા હતા. (મુઝફ્ફરનગર કે આસામનાં રમખાણોના પડઘા ગુજરાત કે બીજા કોઈ રાજ્યમાં પડ્યા? પરંતુ કટ્ટરવાદી મુસ્લિમો બાબરી ધ્વંસ કે આવા ભીવંડી જેવા રમખાણોની પ્રતિક્રિયા અન્ય રાજ્યોમાં આપે તે કેવું?) કાશ્મીરમાં કટ્ટરવાદી મુસ્લિમો શેરીઓમાં નીકળી પડ્યા હતા અને સેના તેમજ બીએસએફનાં સાત વાહનો પર હુમલા કર્યા હતા. તેમાં પાંચ જવાનો ઘાયલ થયા હતા. અગાઉ કહ્યું તેવા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’, ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ જેવા નારા પણ બોલાયા હતા. 

૭ જૂન, ૧૯૮૪ના રોજ આવું જ સરઘસ નીકળ્યું હતું જેમાં ખુલ્લેઆમ તલવારો સાથે કટ્ટરવાદીઓનું અટ્ટહાસ્ય શેરીઓમાં પડઘાઈ રહ્યું હતું. આ સરઘસ ખાલી પ્રદર્શનાત્મક હોત તો તો બરાબર હતું, પરંતુ પછી ટોળાં તોડફોડ પર ઊતરી આવ્યાં. દુકાનોમાં ભાંગફોડ કરાઈ, આર્યસમાજની શાળા અને નિરંકારી ભવનને આગ લગાડાઈ. હનુમાન મંદિર પર હુમલો કરાયો. પૂજારીને ઢોરમાર માર્યો. અને મૂર્તિને ઝેલમમાં ફેંકી દેવાઈ. 

આ બધી ઘટનાઓની સાથે અબ્દુલ્લા પરિવારની અંદર પણ જબરદસ્ત ખીચડી રંધાઈ રહી હતી જેનો લાભ કૉંગ્રેસ (એટલે કે ફારુકથી ગિન્નાયેલાં ઈન્દિરા ગાંધી) લેવા માગતી હતી. શેખ અબ્દુલ્લાએ પોતાના વારસદાર ફારુકને બનાવ્યા તેનાથી તેના બનેવી જી. એમ. શાહ બરાબર ધૂંધવાયેલા હતા. જી. એમ. શાહની પત્ની અને ફારુકની બહેન ખાલિદા પણ ઈચ્છતી હતી કે તેમના પતિ કાશ્મીરના રાજા બને. જી. એમ. શાહે શેખને વફાદારીપૂર્વક બરાબર સાથ આપ્યો હતો. તેઓ જેલમાં પણ ગયા હતા અને એ સમયે ફારુક ઈંગ્લેન્ડમાં ભણી રહ્યા હતા. અરે! સસરાના મૃત્યુ પછી પણ શાહે ફારુકને સાથ આપ્યો, પરંતુ સરકાર બની ગઈ તે પછી શાહ અને ફારુકે જેમને મંત્રીમંડળમાં ન લીધા તે વરિષ્ઠ સાથીઓ પણ ફારુકથી અસંતુષ્ટ હતા. શાહે ફારુકની માને કહીને ચૂંટણીમાં પોતાના આઠ સાથીઓને ટિકિટ અપાવી હતી. ફારુક અને કૉંગ્રેસ (એટલે કે ઈન્દિરા)ના સંબંધો બગડ્યા છે તે જોઈને જી. એમ. શાહના મનમાં લાલચ જાગી કે શા માટે દુશ્મન કા દુશ્મનને દોસ્ત ન બનાવવા?

તેમણે કૉંગ્રેસ સાથે નિકટતા કેળવવાનું ચાલુ કર્યું. આ તરફ, ચૂંટણીમાં ધાંધલીના કારણે કૉંગ્રેસે રાજ્યમાં ફારુક સામે પ્રદર્શનો ચાલુ કર્યાં હતાં. આવા એક પ્રદર્શનમાં પોલીસ ગોળીબારમાં કૉંગ્રેસના ચાર સમર્થકોનાં મૃત્યુ થયાં. આનાથી કૉંગ્રેસનો રોષ વધ્યો. કૉંગ્રેસના એક નેતા મોહમ્મદ શફી કુરેશીએ તો આઘાત સાથે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું કે જો તમે આઝાદ હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવો તો તમારી હત્યા થઈ જાય અને જો તમે પાકિસ્તાન ઝિંદાબાદ કે ઇન્ડિયન ડોગ્સ ગો બેકના નારા લગાવો તો તમને માલપૂઆ મળે! તે પછી કેન્દ્ર સ્તરેથી પણ ફારુકની ટીકા શરૂ થઈ. કે. સી. પંતે કહ્યું કે ફારુક દેશદ્રોહી બળોના હાથનું રમકડું બની રહ્યા છે. સામે પક્ષે ફારુકે પણ બહુમતીના મદમાં કૉંગ્રેસને ચોપડાવી. આ સંજોગોમાં, ફારુકની સરકાર ઉથલાવવા માટે જી. એમ. શાહ પ્રેરિત જૂથ અને કૉંગ્રેસ મક્કમ બન્યાં. 

જગમોહન અગાઉ જે રાજ્યપાલ હતા તે બી. કે. નહેરુ તે વખતે પણ આ લોકો સરકાર ઊથલાવવા માગતા હતા. આથી ૨૭ જાન્યુઆરી, ૧૯૮૪ના રોજ બી. કે. નહેરુએ ફારુકને પત્ર લખ્યો હતો કે નેશનલ કોન્ફરન્સમાંથી પક્ષાંતર કરવા માગતા ૧૩ ધારાસભ્યો મારી પાસે આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસના ૨૬ ધારાસભ્યોનો મને ટેકો છે. તેઓ ઈચ્છતા હતા કે હું તમને બરતરફ કરીને નવા મુખ્યમંત્રી બનાવું, પરંતુ મેં તેમને કહ્યું કે વિધાનસભામાં જ અવિશ્ર્વાસ વ્યક્ત કરવાનો રસ્તો સાચો છે, પરંતુ તેમણે બે કારણોસર તેમ કરવાની ના પાડી. એક તો, તેઓ મારી પાસે આવે અને ગૃહમાં મતદાન થાય એ વચ્ચેના ગાળામાં તેમનાં ઘરોને બાળી નાખવામાં આવે અને તમારા આદેશથી પોલીસ તેમના પરિવારો પર હુમલા કરે તેવી શક્યતા છે. બીજું, તેમને ભય છે કે વિધાનસભામાં પણ નિયમોને તોડીમરોડી નાખવામાં આવશે અને પ્રમાણિક ચર્ચા તેમજ મુક્ત મતદાન નહીં થવા દેવાય. બી. કે. નહેરુએ આ બધી વાત જગમોહનને કરી રાખેલી. જગમોહને પણ પોતાનું હોમવર્ક પાકું કરી રાખ્યું હતું. 

૧ જુલાઈ, ૧૯૮૪ના રોજ રાત્રે ઘડિયાળ સાડાદસનો સમય બતાવી રહી હતી. જગમોહનને તેમના સિક્યોરિટી સ્ટાફે જણાવ્યું કે જી. એમ. શાહ અને દાદા ઠાકુરના નેતૃત્વમાં ધારાસભ્યોનું એક જૂથ આપને મળવા માગે છે. જગમોહનને અણસાર મળી ગયેલો કે તેઓ ફારુક સરકારને ટેકો પાછો ખેંચવા માગે છે. પહેલાં તો જગમોહને તેમને સવારે સાડાઆઠ વાગે આવવાનું કહ્યું, પણ બી. કે. નહેરુ સમક્ષ આ લોકોએ જેવો ભય વ્યક્ત કર્યો હતો તેવો જ ભય જગમોહન સમક્ષ પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે ફારુકને આની ગંધ આવી જશે તો પોલીસ અને ગુંડાઓ અમારા પર છોડી મુકાશે. અમને મારી નખાશે, અમારાં ઘર સળગાવી દેવાશે અને અમારા પરિવારોને નુકસાન પહોંચાડાશે. જગમોહન પરિસ્થિતિ પામી ગયા, તેમ છતાં તેમણે રાત્રે તો ના જ પાડી. હા, સવારે સાડાઆઠના બદલે સાત વાગે બોલાવ્યા એટલી રાહત આપી. આનું કદાચ કારણ એ હતું કે તેમને પણ સમય જોઈતો હતો, શું કરવું તે વિચારવા માટે, દિલ્હીથી સૂચના મેળવવા માટે અને જે પરિસ્થિતિ ઊભી થાય તેનો સામનો કરવા માટે. તેઓ નહોતા ઈચ્છતા કે ફારુકની વિદાયથી કાશ્મીર સળગી ઊઠે. 

જગમોહને ફટાફટ સંભવિત પરિસ્થિતિઓ કાગળ પર ટપકાવી લીધી. દિલ્હીમાં કેબિનેટ સચિવ સી. આર. ક્રિષ્નાસ્વામી રાવ સાહેબ અને ગૃહ સચિવ એમ. એમ. કે. વાલીને ફોન કરી પરિસ્થિતિ જણાવી. આવી પરિસ્થિતિમાં સ્પષ્ટ હતું કે તોફાન થાય તો પહેલું નિશાન કેન્દ્ર સરકારની કચેરીઓ- સેનાનાં વાહનો જ બને. તેમણે નોર્ધન કમાન્ડના જનરલ ઑફિસર કમાન્ડિંગ લેફ્ટ. જનરલ એમ. એલ. છિબ્બરને પણ પરિસ્થિતિ જણાવી દીધી અને શ્રીનગર આવી જવા જણાવી દીધું. ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ કે. પી. સિંહને પણ પરિસ્થિતિથી વાકેફ કરી દીધા. આ બધી કવાયત કરીને જગમોહન સૂવા ગયા ત્યારે રાત્રે ૩ વાગી રહ્યા હતા. કૅલેન્ડરમાં તારીખ બદલાઈને ૨ જુલાઈ થઈ ગઈ હતી! 

(ક્રમશ:)

26-07-2015

૨ જુલાઈ ૧૯૮૪ના રોજ રાજભવનમાં થઈ હતી રસપ્રદ ધડાધડી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=168976

૨ જુલાઈ, ૧૯૮૪નો એ દિવસ હતો. ઘડિયાળમાં સવારના સાતના ટકોરા થઈ રહ્યા હતા. જગમોહન તૈયાર થઈને તેમની ઑફિસમાં બેસી ગયા હતા. તેમને કહેવામાં આવ્યું કે જી. એમ. શાહના નેતૃત્વમાં એક જૂથ તેમને મળવા આવ્યું છે. તેમની સાથે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા ઇફ્તિખાર હુસૈન અનસારી પણ છે. જગમોહને થોડું વિચારી લીધું અને પછી તે લોકોને બોલાવ્યા. 

જી. એમ. શાહે ૨૮ જૂન, ૧૯૮૪ના રોજ લખાયેલો એક કાગળ આપ્યો જેમાં ૧૨ ધારાસભ્યોની સહી હતી અને સાથે એક અપક્ષ ધારાસભ્યનો પત્ર પણ હતો. તેમાં ફારુક અબ્દુલ્લામાં હવે તેમને વિશ્ર્વાસ ન રહ્યો હોવાનું લખાયું હતું અને સ્વાભાવિક જ તેમાં બહાનું વિચારધારાનું લેવાયું હતું કે ફારુક શેખ અબ્દુલ્લાના સિદ્ધાંતો પર ચાલી રહ્યા નથી. ભ્રષ્ટાચાર ખૂબ ફૂલ્યોફાલ્યો છે...વગેરે વગેરે.

જી. એમ. શાહે ૧૩એય ધારાસભ્યોને રાજ્યપાલ જગમોહન સમક્ષ હાજર કરી દીધા. (અંગ્રેજીમાં તેને પરેડ કરાવી તેમ કહેવાય છે.) જગમોહને સવાલ પૂછ્યો કે શા માટે તેઓ પોતાની શક્તિનું પ્રદર્શન વિધાનસભામાં કરતા નથી. તેમણે જવાબ આપ્યો કે વિધાનસભાના અધ્યક્ષ (સ્પીકર) પક્ષપાત કરશે. ૨૭ જાન્યુઆરી, ૧૯૮૪ના રોજ પણ વિધાનસભામાં વિશ્ર્વાસ મત લેવાયો હતો અને ફારુકે તે વખતના રાજ્યપાલ બી. કે. નહેરુને આશ્ર્વાસન આપ્યું હતું કે ન્યાયી રીતે મત લેવાશે. પણ એમ થયું નહોતું. આ વખતેય અમે જો તેમ કરવા જઈશું તો પોલીસને ગુંડાઓના રૂપમાં અમારા પર છોડી મુકાશે. ટોળાઓને પણ અમારી સામે ઉશ્કેરશે. 

જગમોહનને તેમની વાત વાજબી લાગી. તેમણે બધા દસ્તાવેજો લીધા અને પછી ફારુકને ફોન કરી તેમને રાજભવન આવવા જણાવ્યું. ફારુકે કહ્યું કે તેઓ નાહીને આવે છે. ફારુકને નાહીને રાજભવન આવતા ૪૫ મિનિટ થઈ! દરમિયાનમાં જગમોહને જી. એમ. શાહના દસ્તાવેજોની ફોટો કોપી (ઝેરોક્સ) કઢાવી લીધી. (આ બધું વિગતવાર પહેલી વાર કોઈ રાજ્યપાલની પોતાની કલમે જાણવા મળે છે. બાકી આવી સ્થિતિમાં શું થતું હોય છે તે અખબારો કે ટીવી ચેનલો દ્વારા આટલી વિગત સાથે જાણવા ન મળે.) દરમિયાનમાં લેફ્ટ. જન. એમ. એલ. છિબ્બર પણ આવી પહોંચ્યા. જગમોહને તેમને ચા આપવા કહ્યું અને તેમને બધી પરિસ્થિતિથી અવગત કરી દીધા. દરમિયાનમાં જગમોહનના એડીસીએ તેમને જણાવ્યું કે ફારુક આવી પહોંચ્યા છે. જગમોહને તેમને ડ્રોઇંગ રૂમમાં બેસાડવા કહ્યું. 

જગમોહન ફારુક પાસે ગયા. શરૂઆતના શિષ્ટાચાર બાદ, જગમોહન સીધા મુદ્દા પર આવી ગયા: રાજકીય કટોકટી સર્જાઈ છે. આપણે તેને શાંતિથી સંભાળવી પડશે. આપણે એ ખાતરી કરવી પડશે કે જે કંઈ પણ નિર્ણય લેવાય તેના પ્રત્યાઘાતરૂપે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવું કંઈ નહીં કરાય. આમ કહી જગમોહને જી. એમ. શાહના પત્રો બતાવ્યા અને કહ્યું કે અગાઉ ૨૭ જાન્યુઆરી, ૧૯૮૪ના રોજ જે રીતે તમે વિશ્ર્વાસનો મત મેળવ્યો હતો તેના કારણે તેમને વિશ્ર્વાસ નથી રહ્યો કે વિધાનસભામાં ન્યાયી રીત અજમાવાશે. તેઓ કહે છે કે તેમને મુખ્યમંત્રી બનાવી દેવાય. 

આ સાંભળી ફારુકની રોષપૂર્ણ પ્રતિક્રિયા આવી. તેમણે આ બળવાખોર ધારાસભ્યોને ચોર, બદમાશ, આવારા જેવા શબ્દોથી નવાજ્યા. તેમણે આ પત્રો અસલ છે કે કેમ તે સવાલ ન ઉઠાવ્યો. કદાચ તેમને અણસાર આવી ગયો હતો કે આવું કંઈક બનવાનું છે. ફારુક વધુ કંઈ બોલી શક્યા નહીં. જગમોહને તેમને સ્પષ્ટ સમજાવી દીધું કે તેઓ હવે લઘુમતીમાં છે. પરંતુ તેમણે તેમને સાથે એ પણ સમજાવ્યું કે તેઓ તેમના પર તો વિશ્ર્વાસ કરી શકે પરંતુ શેરીઓ પર નીકળી પડનારા તેમના સમર્થકો પર નહીં. જગમોહને પોતાનું મન પણ જણાવી દીધું કે શ્રેષ્ઠ વાત તેઓ એ કરી શકે કે તેઓ રાષ્ટ્રપતિ શાસન લાદી દેશે.

જગમોહનની આ વાતથી ફારુક રાજી થઈ ગયા. તેઓ કદાચ ઈચ્છતા હતા કે ભલે પોતાના હાથમાં સત્તા ન રહે તો વાંધો નહીં, પરંતુ બનેવી જી. એમ. શાહના હાથમાં પણ સત્તા ન જવી જોઈએ. પણ જગમોહન કાચી માટીના ઘડા નહોતા. તેમણે ફારુકને જણાવી દીધું કે તેઓ રાષ્ટ્રપતિ શાસનની વાત સાથે સંમત છે તેવું જણાવતો પત્ર તેઓ બને તેટલો જલદી મોકલાવે. ફારુક કોઈ ખચકાટ વગર સંમત થઈ ગયા. ફારુક ડ્રોઇંગ રૂમની બહાર જવા ગયા ત્યારે તેમને રાજ્યપાલની ઓફિસનો રૂમ અર્ધખુલ્લો દેખાયો જેમાં તેમણે લેફ્ટ. છિબ્બરને જોયા. આથી જગમોહને છિબ્બરને બોલાવવાનું કારણ કહેવું પડ્યું. જોકે બાદમાં માધ્યમોમાં એવી વાત લીક કરવામાં આવી (અને સ્પષ્ટ હતું કે તે ફારુકના ઈશારે જ કરાઈ હશે) કે ફારુકને ધમકાવવા માટે છિબ્બરને બોલાવાયા હતા. 

જગમોહનને ચિંતા એ વાતની હતી કે કાશ્મીરની શેરીઓમાં હિંસા ન થાય. કાશ્મીરનાં ટોળાઓ સહેલાઈથી ઉશ્કેરાઈ જનારા છે. તેઓ બહુ જલદી ઉન્માદી થઈ જાય છે, ચાહે તેઓ કોઈ મુદ્દાને સમર્થન કરતા હોય કે તેનો વિરોધ કરતા હોય. એક વાર તેઓ લાગણીશીલ અને તંગદિલ થઈ જાય પછી તેમને કોઈ અટકાવી શકે નહીં. તેઓ રોડ પર અડચણો ઊભી કરી દે, બસ અને કાર પર પથ્થરમારો કરવા લાગે. તેઓ મોટા ભાગના બેરોજગાર હોય છે અને તેમના મનોરંજન માટે કોઈ પ્રવૃત્તિ જ નથી, જે તેમને રોકેલા રાખે. 

જગમોહને બીજું કામ એ કર્યું કે મૌલવી ફારુકીને રાજભવનમાં બોલાવ્યા. મૌલવી ફારુકી અવામી એક્શન કમિટીના ચેરમેન હતા અને હિંસા કરી શકે તેવા દસ હજાર લોકોનો તેમને ટેકો હતો. શ્રીનગરમાં જાહેર વ્યવસ્થા જાળવવી હોય તો તેમને સાથે લેવા જરૂરી હતા. જગમોહને એમ કહીને તેમને બોલાવ્યા કે બંધારણીય કટોકટીમાં શું કરવું તેના પર સલાહ-વિચારણા માટે આવો. મૌલવી તો પોતાને રાજ્યપાલ દ્વારા આટલું મહત્ત્વ મળતું જોઈ રાજી રાજી થઈ દોડી આવ્યા. હકીકતે, શહેરમાં કાયદા-વ્યવસ્થાને કાબૂમાં રાખવા વ્યવસ્થા ન થાય ત્યાં સુધી જગમોહન મૌલવીને વાતચીતમાં રોકેલા રાખવા માગતા હતા. પણ કેટલીક પરિસ્થિતિ તેમના પણ હાથમાં નહોતી, જેમ કે ઓલ ઇન્ડિયા રેડિયોએ તેના ૮ વાગ્યાના સમાચાર બુલેટિનમાં સમાચાર વહેતા કર્યા કે જી. એમ. શાહ ૧૩ ધારાસભ્યોને લઈને રાજ્યપાલને મળ્યા. તેમણે ફારુકને ટેકો પાછો ખેંચી લીધો છે અને પોતે સરકાર બનાવવા દાવો કરે છે. 

આ સમાચાર લીક થવાથી જગમોહન ચિંતામાં મુકાઈ ગયા. તેમને પ્રશ્ર્ન થયો કે કોઈએ મૂર્ખામી કરી હતી કે પછી શાંતિ રાખવાની તેમની કોશિશ પર કોઈ પાણી ફેરવવા પ્રયાસ કરી રહ્યું છે? આ સમાચારથી થનારી સંભવિત પરિસ્થિતિને ખાળવા પણ તેમણે પગલાં લીધાં. તેમાંથી એક પગલું તો આ મૌલવીને બોલાવ્યા તે હતું જ, બીજી તરફ, સલાહ-વિમર્શ, પત્રો લખવા, બંધારણીય અને વહીવટી મુદ્દાઓ ઉકેલવા...વગેરે કામો ઝડપથી કરવાનાં હતાં. સૌથી પહેલાં તો તેમણે રાષ્ટ્રપતિને વાયરલેસ સિગ્નલ મોકલ્યું જેની કોપી તેમણે કેબિનેટ સચિવ, ગૃહ સચિવ અને વડા પ્રધાનના સચિવને મોકલી. તેમાં તેમણે સ્પષ્ટ લખ્યું કે જી. એમ. શાહના નેતૃત્વમાં ૧૩ ધારાસભ્યોએ ફારુક સરકારને ટેકો પાછો ખેંચતાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચિંતાજનક છે. હું ઈચ્છું છું કે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે. 

તે પછી તેમણે ગૃહ સચિવ અને કેબિનેટ સચિવ સાથે ફોન પર પણ વાત કરી. તેમને તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવાની જરૂરિયાત સમજાવી. બંને સચિવો સંમત પણ થયા. તે જ વખતે શ્રીલંકાના પ્રમુખ જયવર્ધને આવ્યા હતા અને ઇન્દિરા ગાંધી તેમની સાથે મંત્રણામાં વ્યસ્ત હતાં. તે પછી જગમોહને તેમના સ્ટાફને રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે ફોન પર વાત કરાવવા જણાવ્યું. મુખ્ય સચિવ સવાર સવારમાં ગોલ્ફ રમવા ગયા હતા અને તેમને પરિસ્થિતિની કંઈ ખબર જ નહોતી. ડીજીપી રાજભવન આવી પહોંચ્યા અને જગમોહને તેમને બધી પરિસ્થિતિ જણાવી દીધી અને કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમને રાજ્યપાલ કે રાજકીય અગ્રણીના આદેશની જરૂર નથી. 

જગમોહને ત્રીજું કામ એ કર્યું કે તેમણે ફારુક અબ્દુલ્લાને મોઢામોઢ વાત તો કરી હતી, પરંતુ પત્રવ્યવહાર જરૂરી હતો. તેમણે ફારુક સરકાર હવે લઘુમતીમાં છે અને તેઓ હવે મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેતા નથી અને તેથી તેમણે રાજીનામું આપી દેવું જોઈએ તેવો પત્ર પણ લખી નાખ્યો. તેમાં તાજી નોંધ તરીકે એ વાતનો ઉલ્લેખ પણ કર્યો કે આપણે રૂબરૂ મળ્યા છીએ અને ફારુકે પોતાને રાષ્ટ્રપતિનું શાસન લાદવા સલાહ આપી છે અને જો ફારુક પોતાને આ અંગે પત્ર લખી આ વાતની પુષ્ટિ કરશે તો પોતે તેમના આભારી રહેશે તેમ પણ જણાવ્યું. 

સવારે મળવા આવ્યા ત્યારે જી. એમ. શાહે એ ભીતિ પણ વ્યક્ત કરી હતી કે ફારુક વિધાનસભા ભંગ કરવાનું સૂચન કરશે અને તેમ થાય તો રાજ્યપાલે તે માનવું જોઈએ નહીં. ગયા અંકે લખ્યું તેમ, જી. એમ. શાહને મુખ્યમંત્રી બનાવાયા બાબતે જગમોહનની ખૂબ જ ટીકા થઈ હતી, તેથી તેમણે આ બધી સ્પષ્ટતા વિગતે કરી છે, અને ખાસ તો એ સ્પષ્ટતા કરી છે કે તેઓ હકીકતે રાષ્ટ્રપતિ શાસન લાદવા માગતા હતા. વળી, તેમણે જી. એમ. શાહના દસ્તાવેજી પુરાવાના આધારે પગલું લીધું હતું. જો ફારુક અબ્દુલ્લાએ એક દિવસ અગાઉ તેમના સાથીઓ સાથે વિધાનસભાભંગ કરવાની સલાહ આપી હોત તો રાજ્યપાલને તેમ કરવું પડ્યું હોત, પણ હવે તો ફારુક લઘુમતીમાં હતા. તેથી તેમની સલાહ માનવી તેમના માટે બાધ્ય નથી. વળી, જગમોહન પહેલાંના રાજ્યપાલ બી. કે. નહેરુનો ફારુકને લખાયેલો પત્ર પણ જગમોહન પાસે આધારરૂપ હતો જેમાં બી. કે. નહેરુએ વિધાનસભામાં અવિશ્ર્વાસ મત અંગે બળવાખોરો અને વિપક્ષોને ભય અંગે લખ્યું હતું તેમજ લખ્યું હતું કે જો આવું કોઈ પ્રતિનિધિમંડળ મારી સમક્ષ આવશે અને તેમનાં માથાં ગણીને મને લાગશે કે તમે લઘુમતીમાં આવી ગયા છો તો મારી પાસે તમારી સરકાર બરતરફ કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં બચે. 

આમ, જગમોહને રાજભવનમાં ધારાસભ્યોનાં માથાં ગણીને નિર્ણય લીધો તેની વાતનો છેદ આ પત્રથી ઊડી જાય છે. ફારુક અબ્દુલ્લાએ જે કંઈ સ્થિતિ સર્જાઈ તે પછી પોતાના બચાવમાં ‘માય ડિસ્મિસલ’ નામની પુસ્તિકા બહાર પાડી હતી. તેમાં લખ્યું હતું કે જગમોહનને કાયદો અને વ્યવસ્થા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવાની જરૂર કેમ પડી? તેમણે કલ્પી લીધું હતું કે જો મને કાયદેસર બરતરફ કરવામાં નહીં આવે તો કાયદા અને વ્યવસ્થાની ખરાબ પરિસ્થિતિ સર્જાશે. જગમોહને આના બચાવમાં લખ્યું છે કે મેં ફારુક કે જી.એમ. ગમે તેની તરફેણમાં નિર્ણય લીધો હોત તો પણ પરિસ્થિતિ બગડવાની જ હતી, તેથી જ મેં તે માટે પગલાં લીધાં. 

જગમોહને ફરી ગૃહ સચિવ અને કેબિનેટ સચિવને ફોન કર્યો તો તેમને જાણવા મળ્યું કે ઇન્દિરાજીએ કેબિનેટની બેઠક બોલાવી છે અને બપોરના એક વાગતા સુધીમાં તેમને મંજૂરી મળી જશે. આ વાત થયા પછી તરત જ જગમોહને જી. એમ. શાહ અને દાદા ઠાકુરને બોલાવીને કહી દીધું કે તેમની નજરમાં શ્રેષ્ઠ વિકલ્પ રાષ્ટ્રપતિ શાસન લાદવાનો છે. શાહ-ઠાકુરે કહ્યું એ વાજબી નથી અને આમ કહી તેઓ ચર્ચા માટે ચાલ્યા ગયા. આ તરફ, કેબિનેટ-ગૃહ સચિવની વાતથી હળવા થયેલા જગમોહને રાષ્ટ્રપતિ શાસન અને તેનું કારણ જણાવતી અખબારી યાદી તૈયાર કરાવવા માંડી, પરંતુ જગમોહનને ક્યાં ખબર હતી કે તેમણે ધારેલું થવાનું નહોતું અને ઇન્દિરા ગાંધી બીજો જ નિર્ણય લેવાના હતાં અને ફારુક પણ પોતાની વાતથી ફરી જશે..?.

(ક્રમશ:)





























No comments:

Post a Comment