ઈન્ટરનૅશનલ યોગ દિવસની ઘોષણા થઈ ત્યારે, થોડાક મહિના પહેલાં આ વિષય પર આ જ જગ્યાએથી લખી ચૂક્યો છું એટલે એમાંની કોઈ વાત રિપીટ કર્યા વિના વિશ્ર્વ પ્રસિદ્ધ યોગ ગુરુ બી. કે. એસ. અયંગર પૂરતી આજની વાત સીમિત રાખીશ. ‘ટાઈમ’ સાપ્તાહિકે જેમને વિશ્ર્વની ૧૦૦ સૌથી ઈન્ફલ્યુએન્શ્યલ વ્યક્તિઓની યાદીમાં સ્થાન આપ્યું હતું તે બેલુર કૃષ્ણમાચાર સુંદરરાજા અયંગર ગયા વર્ષે ઑગસ્ટમાં ૯૫ની ઉંમરે અવસાન પામ્યા. એમની બે વાત ગાંઠે બાંધી રાખવા જેવી છે. એક, યોગ એ કંઈ માત્ર કસરત નથી - શારીરિક વ્યાયામ કરતાં યોગ કંઈક અધિક છે. અને બે, યોગને કારણે તમે તમારી રોજિંદી પ્રવૃત્તિ વધુ સારી રીતે કરી શકો છો. તમે બસ ડ્રાયવર હો, વિદ્યાર્થી હો, બિઝનેસમેન હો કે પછી ગૃહિણી હો કે કળાના - વિજ્ઞાનના ક્ષેત્રમાં હો. તમારી જવાબદારીઓ, તમારું કામ બહેતર રીતે થઈ શકતું હોય છે. જગવિખ્યાત વાયોલિનવાદક યહૂદી મેનુહિને બી.કે.એસ. અયંગર પાસેથી યોગ શીખ્યા પછી જાહેરમાં કહ્યું હતું કે યોગાભ્યાસ બાદ હું વાયોલિન વધુ સારી રીતે વગાડી શકું છું. યહૂદી મેનુહિને બી.કે.એસ. અયંગરને એક ઘડિયાળ ભેટ આપીને એની પાછલી બાજુએ કોતરાવ્યું હતું: ‘મારા શ્રેષ્ઠ વાયોલિન ટીચર, બી.કે.એસ. અયંગરને.’
અયંગર જિદ્દુ કૃષ્ણમૂર્તિ સહિત બીજા અનેક મહાનુભાવોના યોગગુરુ હતા જેમાં સચિન તેન્ડુલકર અને કરીના કપૂરનો પણ સમાવેશ થઈ જાય છે.
કર્ણાટકના કોસર જિલ્લાના બેલુર ગામે જન્મેલા આ યોગગુરુ ગરીબ કુટુંબના ૧૩ બાળકોમાંનું ૧૧મું સંતાન. ૧૩માંના ૧૦ ભાઈભાંડુ જીવ્યા. તે વખતે ગામમાં ઈન્ફ્લ્યુએન્ઝાનો રોગચાળો ચાલે. નાનપણથી એમનું શરીર માંદલુું. મલેરિયા, ટીબી, ટાઈફોઈડ બધા જ રોગના ભોગ બને. કુપોષણને લીધે શરીર કોઈ રોગનો પ્રતિકાર કરી શકે નહીં. હાથપગ દોરડી અને પેટ ગાગરડી જેવું શરીર. પાંચ વર્ષની ઉંમરે પિતા કુટુંબની સાથે બેંગલોર સ્થાયી થયા અને પંદર-સોળ વર્ષની ઉંમરે મૈસૂર જઈને બનેવી પાસેથી યોગ શીખ્યા. તબિયત સુધરવા લાગી. ૧૯ વર્ષની ઉંમરે પૂના જઈને લોકોને યોગ શીખવાડવાનું શરૂ કર્યું. જયપ્રકાશ નારાયણ પણ એમના વિદ્યાર્થી અને બેલ્જિયમની રાણી ૮૦ વર્ષનાં હતાં ત્યારે એમને શીર્ષાસન પણ શીખવ્યું. આયુષ્યના ઉત્તરાર્ધના પાંચ દાયકા દરમિયાન એમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી. સ્કૂટર એક્સિડન્ટમાં કમરનો મણકો ખસી ગયા પછી પણ યોગ કરતાં, શીખવાડતા. એક જાણીતા હિન્દી ફિલ્મ ડિરેક્ટરનો વર્ટિગોનો પ્રોબ્લેમ એમણે એને બારીની બહાર દોરડા વડે ઊંધા લટકાવીને સોલ્વ કર્યો હતો.
યોગ એ માત્ર શારીરિક ક્રિયા નથી, શરીરની સાથે મન જોડાયેલું છે અને યોગ માનસિક ક્રિયા પણ છે એવું સમજાવતાં બી.કે.એસ. અયંગર કહે છે: ‘બીજાઓમાં ખામી શોધતાં પહેલાં તમારે તમારા મનમાં ડોકિયું કરવું જોઈએ. બીજાઓ ભૂલો કરે છે એવું દેખાય ત્યારે તમારે જોવું જોઈએ કે એવી જ ભૂલો તમે કરો છો કે નહીં. આ જ રીતે તમે તમારી જાતને સુધારી શકવાના છો.’ આટલું કહીને તેઓ ઉમેરે છે: ‘બીજાઓના શરીરને તમે ન તો ઈર્ષ્યાની નજરે જુઓ, ન તમારું શરીર એના કરતાં વધારે સારું છે તે રીતે જુઓ. દરેક વ્યક્તિ અલગ અલગ શારીરિક બંધારણ સાથે જન્મ લે છે. બીજાના શરીર સાથે ક્યારેય સરખામણી ન કરો. પોતપોતાના શારીરિક બંધારણ મુજબ દરેકની ક્ષમતા અલગ અલગ હોવાની. તમારી ક્ષમતા કેટલી છે તે સમજી લો અને પછી એને વધારવાની કોશિશ કરો.’
‘યોગ સંગીત છે. શરીરના તાલ અને મનના લય સાથે આત્માનું સાયુજય સધાય છે ત્યારે જિંદગીનું સંગીત સર્જાય છે.’ એવું બી.કે.એસ. અયંગર કહે છે ત્યારે સમજવાનું એ છે કે જિમ્નેશિયમમાં જઈને ચાળીસ મિનિટ વ્યાયામ કરી આવ્યા પછી જો તમારા વિચારોને તમે કસરત નહીં કરાવો તો તમે છો ત્યાંના ત્યાં જ રહેવાનાં. તંદુરસ્તી અને મનદુરસ્તી એકબીજાના સાથે હાથ મેળવીને ચાલે છે. તમારા વિચારોની પ્યોરિટી તમારા શરીર પર અસર કરે છે અને ગંદું મગજ તમારા ગમે એવા સ્વસ્થ શરીરને પણ ગટર જેવું બનાવી નાખે છે.
યોગગુરુ અયંગર કહે છે, ‘યોગ દ્વારા તમે તમારા જીવનની સંપૂર્ણતા મેળવી શકો છો. અત્યાર સુધી તમે તમારા જીવનના વિખેરાયેલા ટુકડા ભેગા કરીને સાંધવાની કોશિશ કરતા હતા એવું જીવનમાં યોગના પ્રવેશ પછી બનવાનું નથી.’
યોગ દ્વારા અને પ્રાણાયામ દ્વારા શરીર અને મન બેઉ એકબીજા સાથે તાલ મિલાવતાં થાય એ પછી અયંગર-ગુરુજી કહે છે એવી સંપૂર્ણતાનો અહેસાસ થાય. શરીરને ચાબુક મારીને કામ કરવા માટે સમજાવવાનું નથી હોતું. મનને લગામ ખેંચી ખેંચીને ક્ધટ્રોલમાં રાખવાથી કાયમી ઉકેલો મળવાના નથી. લાગ મળ્યે એ છટકી જ જવાનું. પણ યોગસાધના પછી શરીર-મન ધીરે ધીરે આપમેળે શાંત બનીને, ઉધામા છોડીને, એકબીજાને સાથ આપતાં થઈ જાય છે. આનું પરિણામ એ આવશે કે તમને તમારી રોજિંદી પ્રવૃત્તિઓ કરવામાં અગાઉ કરતાં વધારે રસ પડશે, તમારો ઉત્સાહ-તમારી સ્ફૂર્તિ વધશે. શરીરની જેમ મન પણ ઘાટીલું અને સુડોળ બનશે જેને કારણે તમારા બાહ્ય સૌન્દર્યની સાથોસાથ તમારા મનની સુંદરતા પણ વધશે. તમારા બેચેની, અસ્વસ્થતા, ચીડચીડાપણું, સ્વાર્થ, ક્રોધ - આ બધાંનો નાતો તમારી લાઈફસ્ટાઈલ સાથે અને લાઈફસ્ટાઈલનો નાતો તમારા મન સાથે છે. અશાંત અને ચંચળ મન તમને ક્યારેય જંપીને બેસવા નહીં દે, જે કરવું છે તેમાં ધીરજપૂર્વક ખૂંપી જવા નહીં દે. યોગ આ બાબતમાં ચમત્કારિક પરિણામો આપે છે.
પણ યોગાભ્યાસ શરૂ કરતાં પહેલાં યોગ વિશે ઊંડી જાણકારી મેળવી લેવી પડે જેથી કોઈ બજારું યોગગુરુની અડફેટે તમે ચડી જાઓ તો બીજી દિશામાં ફંટાઈને તમારું નુકસાન ન કરી નાખો.
રજનીશજીએ પતંજલિની યોગની વ્યાખ્યા સમજાવતાં કહ્યું છે કે યોગ કરતી વખતે વિચારોને નિવૃત્તિ આપી દેવાની. જીમમાં તમે મ્યુઝિકમાં ઓતપ્રોત થઈને એક્સરસાઈઝ કરશો તેે ચાલશે. યોગનાં આસનો કરતી વખતે મગજમાં કોઈ વિચારો નહીં કરવાના. વિચારો આવશે તો યોગ નહીં થાય.
આજના વિશ્ર્વ યોગદિન નિમિત્તે યોગાભ્યાસ શરૂ કરવો હોય તો તે પહેલાં બી.કે.એસ. અયંગર જેવા સાચા યોગગુરુુઓ પાસેથી પ્રથમ આ વિષયની જાણકારી મેળવી લેવી, યોગ્ય ટેક્નિક અને પદ્ધતિઓ જાણી લેવી અને પછી કોઈ અનુભવીના ગાઈડન્સ હેઠળ જ યોગનાં આસનો તેમ જ પ્રાણાયામ શરૂ કરવાં. અયંગરના પુસ્તકો - વીડિયો તેમ જ અન્ય યોગગુરુનાં પુસ્તક - વીડિયો માટે ગૂગલ, યુટ્યૂબ તથા ફ્લિપકાર્ટ તેમ જ અમેઝોન તમારી સેવામાં છે જ. બે-ચાર મહિનામાં જિમિંગ અને ડાયેટિંગ કરીને શરીરને ઘાટીલું બનાવી લેવાની ઉતાવળ ધરાવનારાઓ માટે યોગ નથી. મહિનાઓ અને વર્ષોની નિયમિત આરાધના પછી યોગ તમને તમે ધારો છો એનાં કરતાં પણ સુંદર પરિણામો આપશે.
-----------------------
કાગળ પરના દીવા
સંબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરાથી નથી ટકતો. એ તો ટકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિશ્ર્વાસથી.
- ફેસબુક પર ફરતું.
---------------------------
સન્ડે હ્યુમર
અમદાવાદી: હેલ્લો ડોમિનોઝ?
ડોમિનોઝ: જી, બોલો તમારી શું સેવા કરી શકું?
અમદાવાદી: ઘરે પિઝા બનાવવાની રેસિપી લખાવોને...
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=165831
No comments:
Post a Comment