Wednesday, September 2, 2015

બ્રહ્માંડમાં દિવસ-રાતની અજબગજબની માયાજાળ --- ડૉ. જે. જે. રાવલ


13-09-2015

                                   

આપણે ગીતામાં કે શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે બ્રહ્માનો એક દિવસ એટલે આટલા યુગ અને બ્રહ્માનું એક વર્ષ એટલે આટલા મહાયુગ, ત્યારે આપણને નવાઈ લાગે કે શું આ શક્ય છે? પણ આપણા બ્રહ્માંડની જ વાત કરીએ તો તેમાં આવું જગ્યાએ જગ્યાએ દેખાય છે. બ્રહ્માંડમાં જગ્યાએ જગ્યાએ લાંબા-ટૂંકા દિવસો અને વર્ષો હોય છે.

પૃથ્વીનો એક દિવસ ૨૪ કલાકનો છે અને તેનું એક વર્ષ ૩૬૫ દિવસનું છે. શુક્ર ગ્રહનો એક દિવસ પૃથ્વીના ૨૪૨ દિવસ બરાબર થાય છે અને તેનું એક વર્ષ પૃથ્વીના ૨૨૪ દિવસ બરાબર થાય છે. એટલે કે શુક્રનો દિવસ એના વર્ષ કરતાં લાંબો છે. શુક્રનું વર્ષ ખતમ થઈ જાય પણ તેનો દિવસ ખતમ થાય નહીં. છેને વિચિત્ર વાત? દિવસનો અર્થ થાય ગ્રહ તેની ધરી પર એક વાર ફરતાં સમય લે તે અને ગ્રહ સૂર્યની પરિક્રમા કરતાં જે સમય લે તેને તેનું વર્ષ કહેવાય. શુક્ર સૂર્યની પરિક્રમા પૂરી કરી લે છે, પણ તે તેની ધરી પર એક વાર ઘૂમી લેતો નથી. શુક્રને ધરી પર ફરતા લગભગ ૧.૧ વર્ષ લાગે. શુક્રનો એક દિવસ તેના વર્ષ કરતાં ૧.૧ લાંબો છે.

બુધ ગ્રહનો દિવસ પૃથ્વીના ૫૮ દિવસ બરાબર છે અને તેનું એક વર્ષ પૃથ્વીના ૮૮ દિવસ બરાબર છે, તેથી બુધના લગભગ ૧.૨૫ દિવસ બરાબર તેનું વર્ષ થાય. માત્ર સવા દિવસ પછી જ તેનું વર્ષ પૂર્ણ થાય.

ચંદ્ર વળી બીજી વિશિષ્ટતા રાખે છે. તેનો દિવસ તેના વર્ષ જેટલો જ લાંબો છે. તેનો એક દિવસ પૃથ્વીના ૩૦ દિવસ બરાબર છે અને તેનું વર્ષ પણ તેટલું જ લાંબુ છે. મંગળનો દિવસ તો પૃથ્વીના દિવસ જેટલો જ લાંબો છે, પણ મંગળનું વર્ષ પૃથ્વીના વર્ષ કરતાં બમણું છે.

સૂર્યની ફરતે મંગળ અને ગુરુ વચ્ચે કેટલાય લઘુ ગ્રહો ચક્કર લગાવે છે. તેમના દિવસો પૃથ્વીના આઠ-દસ કલાકના હોય છે અને વર્ષ પૃથ્વીના સાત-આઠ વર્ષના હોય છે. આ બધું પૃથ્વીના સંદર્ભે છે. જો પૃથ્વીનો સંદર્ભ ભૂલી જઈએ તો તેનો દિવસ અને વર્ષ પ્રમાણે જ વિચાર કરાય. દા. ત. ગુરુનો દિવસ તો માત્ર દસ કલાકનો જ છે એટલે કે પાંચ કલાકની રાત અને પાંચ કલાકનો દિવસ. આપણે ત્યાં પૃથ્વીનો દિવસ ૧૨ કલાકનો છે અને રાત પણ ૧૨ કલાકની. ગુરુ પર માત્ર પાંચ જ કલાકમાં દિવસ ઊગે અને આથમે. ગુરુ પર સૂર્યોદય થાય પછી માત્ર પાંચ જ કલાક પછી સૂર્યાસ્ત થાય. એટલે ગુરુ પર સૂર્ય અઢી ગણી ઝડપે આકાશમાં ગતિ કરે, આવો અનુભવ આહ્લાદક લાગે. ગુરુનું વર્ષ પૃથ્વીના ૧૨ વર્ષ જેટલું છે. એટલે કે પૃથ્વી પર ૧૨ વર્ષ પસાર થાય ત્યારે ગુરુ પર એક જ વર્ષ થાય. પૃથ્વી પર જન્મેલો માણસ ૧૨ વર્ષનો થાય ત્યારે તે જ વખતે ગુરુ પર જન્મેલો માણસ માત્ર એક જ વર્ષનો થાય. જો ગુરુ પર માણસ ૧૦૦ વર્ષ જીવે તો તે પૃથ્વીના ૧૨૦૦ વર્ષ જીવ્યો ગણાય. એમ તો પૃથ્વી પર જ મુસ્લિમભાઈઓની હિજરી સંવત ૩૬૦ દિવસની છે માટે મુસ્લિમભાઈઓ જલદી મોટા થાય. તેની વય જલદી વધે. દર વર્ષે પાંચ દિવસ તેમની વય જલદી વધે. ૧૦ વર્ષે પચાસ દિવસની તેમની વય આપણા કરતાં વધારે વધે. ૭૦ વર્ષે તેમની વય આપણા કરતાં એક વર્ષ વધારે હોય. આપણે ૭૦ વર્ષના હોઈએ ત્યારે મુસ્લિમ બિરાદર ૭૧ વર્ષનો હોય.

શનિનો દિવસ ગુરુના દિવસ જેટલો જ, લગભગ પૃથ્વીના ૧૦ કલાકનો છે, પણ તેનું વર્ષ પૃથ્વીના ૩૦ વર્ષ બરાબર છે, જ્યારે પૃથ્વી પર માનવી ૩૦ વર્ષનો થાય ત્યારે શનિ પર માનવી માત્ર એક વર્ષનો થાય. શનિ પરનાં ત્રણ વર્ષમાં તો પૃથ્વી પરનો માણસ લગભગ મૃત્યુના શરણે થઈ ગયો હોય. યુરેનસનો દિવસ લગભગ પૃથ્વીના ૧૬ કલાક જેટલો જ છે, પણ તેનું વર્ષ પૃથ્વીનાં ૮૪ વર્ષ જેટલું લાંબું છે, માટે પૃથ્વી પરનો માનવી જન્મીને મરી જાય ત્યારે યુરેનસનો માનવી માત્ર એક જ વર્ષનો થયો હોય. નેપ્ચૂનનો દિવસ લગભગ પૃથ્વીના ૧૬ કલાક જેટલો જ છે, પણ તેનું વર્ષ પૃથ્વીનાં ૧૬૪ વર્ષ બરાબર થાય એટલે નેપ્ચૂન પરનો માનવી અડધા જ વર્ષનો થાય ત્યાં સુધીમાં પૃથ્વી પરનો માનવી જન્મીને મૃત્યુ પામે. પ્લૂટોનો દિવસ તો પૃથ્વીના લગભગ ૧૮ કલાક જેટલો જ છે, પણ તેનું વર્ષ પૃથ્વીના ૨૪૮ વર્ષ જેટલું લાંબું છે. એટલે કે પ્લૂટો પર માનવી જન્મે તેના માત્ર એક તૃતીયાંશ વર્ષમાં જ પૃથ્વી પરનો માનવી જન્મીને મૃત્યુ પામે. છેને બધું વિચિત્ર. પ્લૂટોનો દિવસ પૃથ્વીના ૧૮ કલાકનો અને તેનું વર્ષ પૃથ્વીના ૨૪૮ વર્ષનું માટે પ્લૂટોના એક વર્ષમાં ૧૧,૧૩૦ દિવસ થાય, જ્યારે પૃથ્વીના એક દિવસમાં ૩૬૫ દિવસ છે. આમ જુઓ તો આ વિચિત્ર નથી. પૃથ્વી પર આપણા દિવસના સૂક્ષ્મભાગમાં એકાદ મિનિટમાં જ બેક્ટેરિયા જન્મીને મૃત્યુ પામે છે.

બ્રહ્માંડમાં ૧૦૦૦ નવા ગ્રહો શોધાયા છે. તેમના દિવસ અને વર્ષની ગણના કરીએ તો ખબર પડે કે તેમના એક વર્ષમાં આપણું શું થાય? તેમના પર જો માનવી હોય તો તેમના સંદર્ભે આપણે આપણું જીવન-મૃત્યુ સરખાવી શકીએ જે નવાઈ પમાડી શકે.

ન્યૂટ્રોન તારો એક સેક્ધડમાં ૩૩ વાર, ૫૦૦, ૧૦૦૦ વાર કે ૨૦૦૦ વાર પોતાની ધરી પર ઘૂમી લે છે. જો આપણે એવો ન્યૂટ્રોન તારો લઈએ જે એક સેક્ધડમાં ૧૦૦૦ વાર તેની ધરી પર ઘૂમી લે તો તેનો અર્થ એમ થાય કે ત્યાં એક દિવસ આપણી ૦.૦૦૧ સેક્ધડનો થાય. ત્યાં આકાશમાં સૂર્ય કેટલી ઝડપથી પસાર થાય તેની કલ્પના કરો. ૮,૪૪,૦૦,૦૦૦ વાર પાસર થાય. આપણી આંખ આ દૃશ્ય જોઈ જ ન શકે, ફાટી જ જાય.

આ બધું આમ વિચિત્ર લાગે, પણ તે ખરેખર વિચિત્ર નથી. જુઓ સૂર્યનો એક દિવસ આપણા મહિના બરાબર છે, પણ સૂર્યનું એક વર્ષ આપણા ૨૫ કરોડ વર્ષ જેટલું લાંબું છે, એટલે કે સૂર્યના એક વર્ષમાં પૃથ્વી પર એક માનવી જન્મે અને તે ૧૦૦ વર્ષ પછી મરે ત્યારે બીજો જન્મે અને તે પણ ૧૦૦ વર્ષ જીવે અને ત્રીજો જન્મે એમ માની લઈએ જે સૂર્યના એક વર્ષમાં ૨૫ લાખ માનવીઓ એક પછી એક જન્મીને મૃત્યુ પામે. જો આપણે ૨૫ વર્ષની પેઢી લઈએ તો પૃથ્વી પર એક કરોડ પેઢી બદલાઈ જાય. બ્રહ્માંડની ગહનતા અને વિચિત્રતાનો અંદાજ મેળવવો ઘણો મુશ્કેલ છે, તે આપણી કલ્પનાની બહાર લાગે.

આપણી આકાશગંગા મંદાકિની ( )નો એક દિવસ જ પૃથ્વીના એક અબજ વર્ષ જેટલો હોય છે. તેને તેની ધરી પર એક ચક્કર મારતાં પૃથ્વીના એક અબજ વર્ષ લાગે છે. જો તે કોઈ બીજી મોટી મંદાકિની કે બ્લેકહોલ ફરતે પરિક્રમા કરતી હોય તો તેનું એક વર્ષ પૃથ્વીના કેટલાય કદાચ દસ-વીસ અબજ વર્ષ થાય. મંદાકિનીના એક વર્ષમાં તો બ્રહ્માંડમાં કેટલી ઊથલપાથલ થઈ જાય. કેટલાય તારા તેમની સભ્યતા સાથે મૃત્યુ પામે. બ્રહ્માંડની ખુદની વય હાલમાં ૧૪ અબજ વર્ષ છે. તે બ્રહ્માંડ છે માટે આપણને તેનો એક દિવસ અને તેનું એક વર્ષ પૃથ્વીના દિવસ અને વર્ષના સંદર્ભે કેટલું છે તે ખબર નથી, કારણ કે આ બાબતો આપણે જાણી શકીએ નહીં. નેતિ નેતિ!

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=173270



No comments:

Post a Comment