Wednesday, September 2, 2015

આવનારો જન્મ સુધારી આપવાની વાત કરતા લોકોથી ચેતી જાઓ : યોગ તમારો આ જન્મ પણ સુધારી શકે : રામદેવજી

ક્ધિનર આચાર્ય


રાજકોટના કાલાવડ રોડ પર આવેલી તપોવન સોસાયટીના એક બંગલા પાસે સેંકડો માણસો એકઠા થયા છે. ભાવનગરથી આવેલા એક સજ્જન તો સવારના આઠ વાગ્યાથી બેઠા છે. અત્યારે બપોરના ૪ થયા છે. ભાવનગરથી આવેલા આગંતુક કહે છે : "મારે માત્ર એક જ વખત રામદેવજીના દર્શન કરવા છે. હું છેલ્લાં ૧૫ વર્ષોથી ખાટલાવશ હતો. ઊભો થઈ શકતો નહોતો. પણ છેલ્લા દોઢ મહિનાથી મેં ટીવી પર જોઈને એમની પદ્ધતિ મુજબ પ્રાણાયામ શરૂ કર્યો અને આજે હું જાતે જ, બસમાં બેસીને અહીં આવ્યો છું. ચાલીસેક વર્ષના એક સજ્જન રાજકોટના જ છે. તેમને પણ માત્ર એક જ વખત રામદેવજીના ચરણસ્પર્શ કરવા છે. એમની બીમારી વિચિત્ર છે અથવા તો કહો કે હતી. તેઓ આજ સુધીમાં લગભગ પચાસેક વખત કોમામાં જતા રહ્યાં છે. મેડિકલ સાયન્સ કોઈ જ નિદાન ન કરી શક્યું. આવા દર્દીઓએ કેટલાંય દાકતરોના પગથિયા ઘસી નાંખ્યા હશે એ આપણને કોઈએ સમજાવવાની જરૂર નથી. વર્ષો સુધી આ તકલીફ ભોગવીને તેઓ ત્રાસી ગયા હતા. તેઓ કહે છે : "પણ આજથી છ મહિના પહેલા મેં ટીવી પર રામદેવજીને જોયા અને પ્રાણાયામ કરવાની શરૂઆત કરી અને પરિણામ એવું છે કે છેલ્લાં છ મહિનાથી હું એક પણ વખત કોમામાં ગયો નથી.

અસાધ્ય રોગોમાં પણ ચમત્કારિક પરિણામો આપી શકનાર આ રામદેવજી મહારાજ છેવટે છે કોણ ? લોકો શા માટે હજારોની સંખ્યામાં એમની શિબિરોમાં ઊમટે છે? રામદેવજી મહારાજ કોઈ સંત મહાત્મા નથી, તેઓ હવામાંથી ભભૂતી કાઢતા નથી કે કોઈને કંઠી બાંધતા નથી અને કોઈને ગુરુમંત્ર અથવા તો દીક્ષા પણ આપતા નથી. તેઓ આજે ભારતના પ્રથમ હરોળના યોગાચાર્ય છે અને આયુર્વેદ તથા એકયુપ્રેસરના જ્ઞાતા પણ છે. આર્ટ ઑફ લિવિંગના શ્રીશ્રી રવિશંકર પછી કોઈ સંન્યાસીએ સમગ્ર ભારતમાં સૌથી વધારે પ્રભાવ પાડ્યો હોય તો એ રામદેવજી છે.

રામદેવજી મહારાજની પ્રાણાયામ શિબિરો આજે દેશભરમાં યોજાઈ રહી છે. દર વર્ષે તેઓ પાંચ લાખ કરતાં વધુ લોકોને પોતાની શિબિરો દ્વારા પ્રાણાયામના પાઠ ભણાવે છે. ધાર્મિક ચેનલોમાં તેમની શિબિરોનું નિયમિત જીવંત પ્રસારણ થાય છે. તેના દ્વારા ઘરે જ યોગ-પ્રાણાયામ કરતા લોકોની સંખ્યા પણ લાખોમાં છે. આજકાલ લોકો માત્ર આસનોને જ યોગ તરીકે રજૂ કરે છે.

એવા સમયમાં તેઓ મહર્ષિ પતંજલિ દ્વારા પ્રતિપાદીત ‘અષ્ટાંગ યોગ’નો પ્રચાર-પ્રસાર કરે છે. તેઓ કહે છે, શારીરિક અને માનસિક આરોગ્યની પ્રાપ્તિમાં અને આધ્યાત્મિક દૃષ્ટિએ પણ પ્રાણાયામનું ખૂબ જ મહત્ત્વ છે. રોગોપચારની દૃષ્ટિએ હાડકાના રોગ સિવાય લગભગ તમામ રોગનું પ્રાણાયામની ક્રિયાઓ દ્વારા શમન કરી શકાય છે. આસનોનો પૂરતો લાભ ત્યારે જ મળે છે. જ્યારે એ પ્રાણાયામ સાથે કરવામાં આવે છે. રામદેવજી પોતાની શિબિરોમાં મુખ્યત્વે સાતેક પ્રાણાયામ પર ભાર મૂકે છે. ભ્રસ્રિકા પ્રાણાયામ, કપાલભાતિ, બાહ્ય પ્રાણાયામ, અનુલોમ-વિલોમ પ્રાણાયામ, નાડીશોધન, ભ્રામરી અને ઓમકારનો જાપ. તેમની શિબિરોમાં હૃદયરોગના, અસ્થમાના, ડાયાબિટીસના અને મેદસ્વીપણાના હજારો દર્દીઓ ઊમટે છે. અને કેટલાંક ચમત્કારિક પરિણામો તેમને મળે છે. તેઓ દાવો કરે છે કે હાર્ટ બ્લોકેજને તેઓ માત્ર પ્રાણાયામ થકી ખોલાવી શકે છે અને તેના માટે એન્જિયોપ્લાસ્ટી વગેરેની જરૂર રહેતી નથી. તેઓ કહે છે, "મારી પાસે આવવાની પણ જરૂર નથી. માત્ર ટીવી પર જુઓ અને હું કહું છું એ પ્રમાણે દરરોજ વીસ મિનિટ પ્રાણાયામ કરો. પંદર દિવસ પછી તમે ચેક-અપ કરાવો. અને જુઓ કે ફરક પડ્યો છે કે નહીં.

સાત દિવસની રામદેવજીની શિબિર દરમિયાન મેદથી પીડાતા લોકોનું એકથી દસ કિલો વજન ઘટ્યું હોવાનો દાવો તેઓ કરે છે. જો કે, રામદેવજી એકલા જ નહીં, તમામ શિબિરાર્થીઓ પણ આવો દાવો કરતા રહે છે. આજે એમની પાસે દરરોજના સેંકડો લેખે જટિલ બીમારીના દર્દીઓ આવતા રહે છે. રામદેવજી કહે છે, હું નવું કશું જ લોકોને આપતો નથી. મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગ પર મારી શિબિરો આધારિત હોય છે. એમાં મારું મૌલિક કશું જ નથી. હા, યોગ-પ્રાણાયામના વિશાળ વિશ્ર્વમાંથી મેં કેટલીક જરૂરી વસ્તુ તારવીને લોકોને આપી છે.

હરિદ્વારમાં વિશાળ આશ્રમ ધરાવતા રામદેવજી આજે ઘેર-ઘેર જાણીતા બની ગયા છે. ગુજરાતનાં ત્રણ મુખ્ય શહેરો - અમદાવાદ, સુરત અને રાજકોટમાં યોજાયેલી તેમની શિબિરો મેગા હિટ રહી છે. હરિયાણાના કાળવા ગુરુકુળના, આચાર્ય બલદેવજી મહારાજ એટલે રામદેવજીના ગુરુ, સંત શંકરદેવજીના હસ્તે ભાગીરથી નદીના કિનારે તેમણે દીક્ષા લીધી એ પછી અષ્ટાધ્યાયી મહાભાષ્ય અને દર્શન-ઉપનિષદ વગેરેનું શિક્ષણ ગુરુકુળમાં જ મેળવ્યું. છેલ્લા લગભગ બે દાયકાથી યોગ-પ્રાણાયામ સાથે સંકળાયેલા રામદેવજીને જો કે, નાનપણથી જ અધ્યાત્મના ક્ષેત્રમાં જવાનાં સ્વપ્નો આવતાં હતાં. તેઓ કહે છે, ‘ત્રણ વર્ષનો હું હતો ત્યારે જ સ્વપ્નો આવતાં કે મારે સંત થવાનું છે.’ ૧૫ વર્ષની ઉંમરે વૈરાગ્ય આવતા ઘર છોડ્યું. અભ્યાસમાં તેઓ અવ્વલ રહેતા. શિક્ષકો પણ કહેતા કે આ છોકરો મોટો થઈને ખૂબ આગળ વધશે. પણ તેમને અભ્યાસ કરતા અધ્યાત્મમાં વધુ રસ હતો.

હરિયાણાનું ગુરુકુળ છોડ્યા પછી તેમણે હરિદ્વારના કનખલમાં દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટની સ્થાપના કરી. એમની સાથે વૈદકના તજજ્ઞ આચાર્ય બાલકૃષ્ણજી, સ્વામી મુક્તાનંદજી તથા આચાર્ય કર્મવીરજી પણ જોડાયા. ૧૯૯૫ થી શરૂ થયેલા એ કેન્દ્રમાં આજ સુધીમાં લગભગ ૫ લાખ લોકો યોગ પ્રાણાયામ શીખવા આવી ચુકયા છે.

યોગાચાર્ય રામદેવજી મહારાજ આજકાલના અન્ય ભગવાધારીઓ કરતા અનેક દ્રષ્ટિએ નોખા છે. તેઓ કોઈને કંઠી બાંધતા નથી અને ગુરૂમંત્ર પણ આપતા નથી. તેમની શિબિરોમાં તેમના ફોટા વહેચાતા નથી અને વેચાતા પણ નથી. શિબિર શુલ્ક પેટે શિબિરાર્થીઓ પાસેથી માત્ર ટોકન જ લેવામાં આવે છે. એમનો કોઈ પંથ નથી. સંપ્રદાય પણ નથી. તેઓ કહે છે : ‘ધર્મથી અંધકાર, આડંબર અને અજ્ઞાન ફેલાય છે. એવું મે અનેકવાર અનુભવ્યું છે. એટલે જ હું ચેલા-ચેલી બનાવતો નથી, કોઈને કંઠી બાંધતો નથી.’ તેઓ પશ્ર્ચિમી સંસ્કૃતિની આકરી ટીકાઓ કરતા રહે છે. મલ્ટીનેશનલ કંપનીઓના પણ તેઓ કટ્ટર વિરોધી છે. પોતાની શિબિરોમાં તેઓ એલોપથી અથવા તો વિદેશી દવાની નિરર્થકતા પર સતત બોલતા રહે છે. રામદેવજી મહારાજ કહે છે, "મલ્ટિનેશનલ કંપનીઓ માત્ર પોતાના કારોબાર માટે આપણને બિનજરૂરી દવાઓ પધરાવતી રહે છે. એ દવાઓ માત્ર બિનજરૂરી જ નહીં પણ નુકસાનકારક પણ છે. તેઓ આયુર્વેદના નિષ્ણાત છે અને એટલે જ એલોપથીની અધિકારપૂર્વક આલોચના કરે છે. સ્વામી રામદેવજી મહારાજ પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય ફાળવીને અહીં દીર્ઘ વાતચીત કરે છે...

યોગ-ધ્યાનના નામે આજકાલ શિબિરોનો રાફડો ફાટ્યો છે. સાચું શું છે અને તેમાંથી કોણ ખોટા છે એ લોકો કેવી રીતે નક્કી કરી શકે ?

યોગ ધ્યાનથી તમને શું મળે છે એ વાત સૌથી મહત્ત્વની છે તમને તેની દૈહિક અનુભૂતિ તાત્કાલિક થવી જોઈએ, ફળ મળવું જોઈએ. આજકાલ યોગના નામે ઘણુંબધું ચાલે છે. લોકો તેમને ગયા જન્મની વાતો કરે છે અને આવનારો જન્મ સુધારવાના સોનેરી સ્વપ્નો દેખાડે છે. હું કહું છું કે જે યોગથી તમારો આ જન્મ ન સુધરતો હોય એ આવતો જન્મ કેવી રીતે સુધારી શકે. યોગ-ધ્યાનથી તમારો આ જન્મ સુધરી શકે છે પણ એ શીખવનાર સાચા હોવા જોઈએ. હું માનું છું કે યોગમાં સાદગી હોવી જોઈએ. જાત-પંથનો આગ્રહ ન હોવો જોઈએ. એમાં આડંબર પણ ન ચાલે. પોતે જ સંયમી જીવન ન જીવતો હોય એવો યોગાચાર્ય બીજાને યોગ કેવી રીતે શીખવી શકે ?

ટીવી અને સી.ડી. વગેરેમાં જોઈને પ્રાણાયામ કરી શકાય કે તમારા સીધા માર્ગદર્શન હેઠળ જ તમારી રૂબરૂમાં કરવો જોઈએ ?

હું તો કહું છું કે મારી પાસે કોઈએ આવવાની જરૂર જ નથી. ટી.વી., સી.ડી. પર જોઈને જ થઈ શકે. કેટલીક ક્રિયાઓ તો ટી.વી. પર તમે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. શિબિરમાં આવું થઈ શકતું નથી. હા ! શિબિરમાં એક પ્રકારનું વાતાવરણ જામ્યું હોય છે, એનો ફાયદો ચોક્કસ થાય. પણ શિબિર અનિવાર્ય નથી.

ડાયાબિટીસ - હૃદયરોગ જેવી જટિલ બીમારીઓમાં પ્રણાયામ કેવું કામ આપે છે ?

મારી પદ્ધતિથી શું મટી શકે છે એ તમને સૌપ્રથમ કહી દઉં. હાઈપરટેન્શનથી કાયમી છુટકારો મળી શકે છે. મેં હજારો લોકોની બ્લડ પ્રેસરની દવા છોડાવી છે અને તેમને મુક્ત જીવન માણતા કર્યા છે. શિબિરમાં આવીને તમે કોઈને પૂછી શકો છો. હું તો કહું જ છું કે મારી પ્રયોગશાળા ઘર-ઘરમાં ચાલી રહી છે અને મારા પ્રયોગો દરેક પરિવારમાં થઈ રહ્યા છે. મારે બહારથી ઉદાહરણ શોધવા જવાની જરૂર જ નથી. હાર્ટ બ્લોકેજ સંપૂર્ણપણે ખૂલી જાય છે. મેં અનેક લોકોને એન્જિયોપ્લાસ્ટીમાંથી બચાવ્યા છે. મારા પ્રયોગોથી હૃદયની કાર્યક્ષમતા વધી જાય છે. કોલેસ્ટરોલ વધી ગયું હોય તો કાબૂમાં આવી જાય છે. અને અસ્થમા સો ટકા નાબુદ થઈ શકે છે. અસ્થમાનો કાયમી ઈલાજ તો માત્ર પાંચ સાત અઠવાડિયામાં જ થઈ શકે છે.

તમે ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ના એક અહેવાલને વારંવાર પડકારો છો...

‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ના એ અહેવાલની એક નકલ મારી પાસે પડી છે. તેમાં જણાવાયું છે કે આવતા વીસ વર્ષની અંદર એવી સ્થિતિ નિર્માણ થશે કે ભારતની કુલ વસ્તીમાંથી ૪૦ ટકા લોકો હૃદયને લગતી બીમારીથી અને ૩૦ ટકા પ્રજા ડાયાબિટીસની બીમારીથી પીડાતા હશે. વાતાવરણ જ એવું સર્જાયું છે. આહાર-વ્યવહાર વિચારનું એક જબરદસ્ત અનિયંત્રણ છે અત્યારે પણ મારા કોન્સેપ્ટ ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ના આ અહેવાલથી તદ્ન વિપરીત છે. અત્યારે દેશમાં યોગ-પ્રાણાયામ તરફ જે હદે પ્રવાહ વળી રહ્યો છે એ જોઈને આનંદ થાય છે. મારા પ્રયત્નો ચાલુ છે. હું ઈચ્છું છું કે દરેક ઘર એક યોગ મંદિર જેવું હોવું જોઈએ. ટીવીના માધ્યમથી હું લોકોને મારી પદ્ધતિ એવી રીતે સમજાવું છું કે જેથી લોકોને મારી પાસે આવવાની જરૂર જ રહે નહીં. એ વળી અલગ વાત છે કે આજે ટીવીના કારણે મને દેશમાં બધા લોકો ઓળખવા માંડ્યા છે. પણ હું કહું છું કે ટીવી પર આવવાનો ઉદ્દેશ્ય મારી પબ્લિસિટી કરવાનો હરગીઝ નથી. હું તો આ ઉપકારક પદ્ધતિનો પ્રચાર કરું છું. મારું મિશન સફળ થશે જ એવી મને શ્રદ્ધા છે. પ્રાણાયામ તરફ લોકોનો પ્રવાહ આવી જ રીતે જળવાઈ રહેશે તો વીસ વર્ષ પછી ભારતમાં હૃદયરોગના દર્દીને કે ડાયાબિટીસના દર્દીને શોધવો મુશ્કેલ થઈ જાય એવી સ્થિતિ સર્જાશે. વિકૃત જીવન, એલોપથીના ઝેરના કારણે આજે નાની ઉંમરથી જ લોકો ગંભીર બીમારીનો ભોગ બની રહ્યાં છે. બાળક હવે ગર્ભમાંથી જ ડાયાબિટીસ સાથે જન્મે છે. અને હૃદયમાં કાણું લઈને અવતરે છે. આ સ્થિતિ મારે દૂર કરવી છે.

આયુર્વેદ વિશે પણ તમે ઘણું જાણો છો. પ્રાણાયામ સાથે તેનું સંયોજન શી રીતે સાધી શકો છો ?

આયુર્વેદ એક નૈસર્ગિક ચિકિત્સાશાસ્ત્ર છે. તેનો સીધો સંબંધ માનવશરીર સાથે, પ્રકૃતિ સાથે છે. પ્રાણાયામની જેમ જ મહત્વની વાત એ છે કે તેમાં હાનિકારક તત્ત્વો નથી. ‘ચરકસંહિતા’માં એક જગ્યાએ કહેવાયું છે કે જે રોગ જ્યાં પેદા થાય છે ત્યાં જ તેનું ઔષધ છે. લોકો તેનું મન ફાવે એવું અર્થઘટન કરે છે. પણ હું કહું છું કે રોગ શરીરમાં પેદા થાય છે તો શરીરમાં જ તેનું ઔષધ રહેલું છે. એ ઔષધ એટલે પ્રાણાયામ. જો યોગ-પ્રાણાયામથી ઈલાજ ન થઈ શકે તો છેવટે ઔષધની મદદ લેવાય પણ કેટલાંક રોગોની સારવારમાં સમય લાગતો હોય છે. રોગ કંઈ સાવ એમ જ આપણા શરીરમાં આવી જતો નથી. આપણે દસ-વીસ વર્ષ મહેનત કરીને તેને બોલાવીએ છીએ. તો એને કાઢતા પણ થોડો સમય લાગે જ. બીજી તરફ એલોપથીનો સતત એવો પ્રચાર થતો રહે છે કે તેનાથી રોગ જલદી દૂર થાય છે. ઈન્ટરનેશનલ મીડિયા અને વિવિધ ઈન્સ્ટિટ્યૂટ તેમના માટે પ્રચાર કાર્ય કરતા રહે છે. આમાં રામદેવજી જેવા સાધુ-બાવાનું સાંભળે કોણ ? લોકોને થાય કે બોલ્યા કરે છે કોઈ બાબા, આપણને શું ? પણ આ સ્થિતિ આપણે બદલવી પડશે. હું કહું છું કે બદલાઈ રહી છે. ગઈકાલ સુધી જે શિક્ષિત-બુદ્ધિજીવી વર્ગ યોગ-પ્રાણાયામ તરફ શંકાથી જોતો હતો એમની દૃષ્ટિ હવે બદલાઈ છે. મારી પદ્ધતિથી પ્રાણાયામ કરનારા એક હજાર કરતાં વધારે આઈ.એ.એસ. ઓફિસરો છે, આજે એક હજાર કરતાં વધારે જજ તથા એટલી જ મોટી સંખ્યામાં ડોકટરોને કેટલીક બીમારીઓમાં અદ્ભુત પરિણામ મળ્યું છે. હિપેટાઈટીસ-બીની દવા આયુર્વેદે શોધી લીધી છે.

પ્રાણાયામથી દરેક લોકોને ફાયદો થાય છે ? એ કરતી વખતે બીજી કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે ?

પ્રતિક્રિયાઓ સારી હોય તો બહુ જલદીથી લોકોને ફાયદો થાય છે, આસ્થા હોવી જરૂરી છે. કેટલાંક કિસ્સા એવા બને છે કે હું ખુદ પણ આશ્ર્ચર્યચકિત થઈ જઉં છું. કોઈના ચશ્માનાં નંબર ઊતરી જાય છે તો કોઈનું વજન બહુ ઝડપથી ઘટવા માંડે છે. સાત દિવસની શિબિર દરમિયાન ચારથી આઠ કિલો વજન ઊતર્યું હોય એવા ઘણાં ઉદાહરણો મારી પાસે છે. લાખો લોકોને આ પદ્ધતિથી ફાયદો થયો છે.

યોગ પ્રાણાયામ તો ઘણા લોકો કરે છે. લોકો તમારી પાસે જ આટલી સંખ્યામાં આવે છે તેનું કારણ શું ?

લોકોને ફાયદો થાય છે એટલે આવે છે. માણસ સ્વાર્થી છે, એને ફળ મળશે તો એ કાર્ય કરશે જ. મારું તો નરેન્દ્ર મોદી જેવું છે. મોદી ચૂંટણી સમયે કહેતા હતા કે મુશર્રફથી બચવું હોય તો અમને મત આપો. હું કહું છું કે બીમારીથી બચવું હોય તો આ કરો. હું દાવો કરું છું કે અભી કરો, અભી પાઓ. શરૂઆતમાં તો યોગાચાર્યોને પણ મારી વાતમાં વિશ્ર્વાસ બેસતો નહોતો.

યોગ-પ્રાણાયામનું ફલક તો બહુ વિશાળ છે. લોકોને ઉપયોગી હોય એવી ક્રિયાઓ તેમાંથી તારવીને તમે લોકોને કેવી રીતે આપી શકો છો ?

હું શ્ર્વાસોચ્છ્વાસની ક્રિયાઓ જ વધુ કરાવું છું, વધુ વાર સુધી શ્ર્વાસને રોકી રાખવાનું હું કહેતો જ નથી. શ્ર્વાસ લો અને છોડો. શ્ર્વાસને રોકવાથી કોઈ ફાયદો નથી. ઊલટાનું ગેરફાયદો જ થવાનો. કાર્બન ડાયોકસાઈડથી શરીરને નુકસાન જ થવાનું. હૃદય અને ફેફસાં પર તેની વિપરીત અસર થાય, શ્ર્વાસ રોકી રાખવાથી કોઈ ફાયદો થતો હોય તો હું બે મિનિટ સુધી રોકવા તૈયાર છું. પણ આવું કરવાનો કોઈ અર્થ જ નથી.

હઠયોગ વગેરેથી કોઈ ફાયદો થાય છે ?

હઠયોગનું અર્થઘટન આપણે ત્યાં ખોટું થાય છે. હઠયોગમાં સૂર્યશક્તિ અને ચંદ્રશક્તિનો સમન્વય સાધવાનો હોય છે. તમે જે પ્રકારના યોગની વાત કરો છો એ અલગ બાબત છે. જમીનમાં દટાઈ રહેવું, કાચ પર ચાલવું, આગ પર બેસવું, એને તો મૂર્ખ યોગ કહેવાય.

શરીર માટે તો તમારો પ્રાણાયામ ફાયદો કરે છે પણ આત્મોન્નતિ માટે કોઈને યોગમાં આગળ વધવું હોય તો આ શિબિર તેમાં ઉપકારક ગણાય ?

મારી પદ્ધતિ માત્ર શરીર માટે નથી. એ સમગ્ર રૂપાંતરણ માટે છે. બાકી રહી વાત યોગમાં આગળ વધવાની તો આ શિબિર માત્ર બાલમંદિર છે, ત્યારે યોગાચાર્યની કક્ષા સુધી પહોંચવું હોય તો પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને હાયર એજ્યુકેશન જેવા કેટલાક તબક્કા પસાર કરવા પડે. આજકાલ તો આ ક્ષેત્રમાં પણ લેભાગુઓ વધી ગયા છે. ચિકિત્સાના ક્ષેત્રમાં જેમ ઊંટવૈદ્યો વધી ગયા છે એમ યોગમાં આજકાલ પાર્કછાપ યોગાચાર્ય આવી ગયા છે. તેઓ દસ દિવસની શિબિર ક્યાંક કરીને આવે છે અને પોતે જ યોગાચાર્ય બની બેસે છે. હું તમને કહું તમને હૃદયની કોઈ તકલીફ હોય અને તમે ડૉકટર પાસે જાવ છો તો એનો અર્થ એ નથી કે તમે પણ ડૉકટર બની ગયા.

યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનને એકબીજા સાથે જોડી દેવામાં આવે છે, વાસ્તવિકતા શી છે?

આજકાલ કેટલાક લોકો યોગના નામે માત્ર આસનોનો જ પ્રચાર કરે છે, અને તેને યોગ તરીકે લોકો સમક્ષ રજૂ કરે છે. તેઓ મહર્ષિ પતંજલિના અષ્ટાંગયોગની મહત્તા અને ઉપયોગિતાને બાજુ પર રાખી દે છે. આવી પ્રવૃત્તિના કારણે સામાન્ય પ્રજામાં ગેરસમજ ફેલાય છે. અષ્ટાંગયોગનો અભ્યાસ, પ્રચાર બહુ આવશ્યક છે. પ્રાણાયામનું મહત્ત્વ શારીરિક, માનસિક અને આરોગ્યની દૃષ્ટિએ પણ ઘણું છે. આસનોનો સંપૂર્ણ ફાયદો ત્યારે જ થાય છે, જ્યારે તે પ્રાણાયામની ક્રિયાઓ સાથે કરવામાં આવે.

તમે કહો છો કે ઊંડા ઊંડા શ્ર્વાસ લો, બીજી તરફ વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે. આવા સંજોગોમાં પ્રાણાયામ ખરેખર ઉપકારક નીવડી શકે ?

તમે પહેલેથી જ ઓક્સિજન ઓછો લો છો, હવે આનાથી ઓછી માત્રામાં લેશો તો જીવવું દુષ્કર થઈ જશે. પ્રાણાયામથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. મેડિકલ સાયન્સ કહે છે કે શરીરમાં દસ કરોડ કોષ છે અને આપણા પ્રાચીન ગ્રંથો કહે છે કે આ પ્રત્યેક કોષને ચેતનવંતો રાખવો જરૂરી છે. દરેક કોષને શુધ્ધ રકત, શુદ્ધ ઓક્સિજનની અને ઊર્જાની જરૂર પડે છે. જ્યારે તમે ઊંડા શ્ર્વાસ વાટે શરીરમાં ઓક્સિજન લઈ જાવ છો ત્યારે એ પ્રત્યેક કોષ જાણે ચેતનવંતો બની જાય છે. હું એટલે જ કહું છું કે યોગ વાસ્તવમાં નિર્દોષ મેડિકલ સાયન્સ જ છે.

એલોપથી સામે તમને વાંધો શું છે ? તમે વારંવાર તેની ટીકા કરો છો...

દવાની કંપનીઓ પોતાનો કારોબાર ચલાવવા માટે અનેક બિનજરૂરી દવાઓ બનાવે છે અને આપણે બેફિકર થઈને એનું સેવન કરીએ છીએ. ભારતમાં આજે હજારોની સંખ્યામાં ફાલતું દવાઓ બને છે. આ એક ચક્ર છે. એમાં ઘણા લોકો સંડોવાયેલા છે. એટલે જ કેટલાક લોકો મારી પદ્ધતિ સામે સવાલો ઊઠાવે છે. હું જ્યાં શિબિર કરું છું ત્યાં ડૉકટરોનો ધંધો ઘટી જાય છે. રાજકોટના ડૉકટરોએ ખુદ આ વાત મારી પાસે સ્વીકારી. મને લાગે છે કે આ (એલોપથી)ની સિન્ડીકેટ એકઠી થઈને મારી શિબિરો પર ક્યાંક પ્રતિબંધ ન મુકાવી દે. એલોપથીવાળાઓને અને દવાની મલ્ટીનેશનલ કંપનીઓને હું કણાની જેમ ખૂંચી રહ્યો છું. તેઓ તો હજુ લોકોને પોતાની જાળમાંથી મુક્ત કરવા ઈચ્છતા નથી. હું કહું છું કે એલોપથીની દવાઓથી રોગ નિયંત્રણ કરતાં નુકસાન વધુ થાય છે. તેના મુખ્ય ત્રણ ગેરફાયદા છે : ઊંઘ ઓછી થાય છે, માથાનો દુખાવો રહે છે અને ડિપ્રેશન આવે છે.

તમે દીક્ષા વગેરે આપો છો ? તમારી પ્રવૃત્તિ અન્ય ગુરુઓ કરતા કઈ રીતે નોખી છે ?

મારો કોઈ પંથ નથી. હું ગુરુ-શિષ્યની પરંપરા જ ખતમ કરું છું. હું ધર્મનો પ્રચાર કરતો નથી. મેં હંમેશા અનુભવ્યું છે કે ધર્મથી આડંબર, અંધકાર અને અજ્ઞાન ફેલાય છે. મારે તો લોકોને સ્વસ્થ જીવન આપવું છે. સ્વાસ્થ્ય આપવું છે. એના માટે પ્રાણાયામથી અકસીર અને સરળ માધ્યમ બીજું હોઈ જ ન શકે. વળી, પ્રાણાયામ દરેક વયની વ્યક્તિઓ માટે છે. બાળકથી લઈને વૃદ્ધ સુધીના લોકો એ કરી શકે છે.

આયુર્વેદ વિશે તમારું જ્ઞાન બહુ જાણીતું છે. કેટલીક એવી ટિપ્સ આપો જેથી લોકો સ્વસ્થ રહે, રોગ દૂર રહે...

જેની ફેમિલી હિસ્ટરીમાં કોઈ ગંભીર બીમારી ન હોય એવા લોકો નિયમિત જ્વારારસનું સેવન કરે અને યોગ કરે તથા શક્ય હોય તો ગૌમૂત્રનું સેવન પણ કરે. હું છાતી ઠોકીને કહું છું કે તેમના ઘરમાં કદી બીમારી નહીં આવે. દૂધીનો રસ પણ ઉત્તમ છે. હાથમાં આંગળીના નખ સામસામા ઘસો, મંજીરા વગાડતા હોવ એવી રીતે. સવાર-સાંજ પાંચ મિનિટ આ વિધિ કરશો તો વાળનો જબરદસ્ત ગ્રોથ થશે. અઠવાડિયામાં છ દિવસ ચાલવાનું રાખો. દરરોજ બે કિલોમીટર વોકિંગ દરમિયાન ઊંડા શ્ર્વાસ લો. એક દિવસ રજા રાખવાની. બસ આટલું કરો અને પછી જુઓ કે તમારું સ્વાસ્થ્ય કેટલી હદે સુધર્યું છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=165828

No comments:

Post a Comment