Saturday, August 29, 2015

૧૨૩ વર્ષ જૂની કોડક કંપની કેમ દેવાળું કાઢી રહી છે? --- સ્પોટ લાઈટ - સંજય વોરા

અમેરિકાનું અર્થતંત્ર એવી મુસીબતમાં છે કે એક પછી એક પ્રસિદ્ધ કંપનીઓ દેવાળું ફૂંકવા મજબૂર બની રહી છે. તેમાં હવે ૧૨૩ વર્ષ જૂની કોડક કંપનીનું નામ પણ ઉમેરાયું છે. કોડક કંપની કેમેરાનો અને ફોટોગ્રાફીનો પર્યાય ગણાય છે. હાથમાં પકડવાના કેમેરાની શોધનો યશ કોડાકને ફાળે જાય છે. હોલીવૂડની ફિલ્મોની કોડક વિના કલ્પના પણ કરી શકાય નહીં. હોલીવૂડની મોટા ભાગની ફિલ્મોની પ્રિન્ટ કોડકની ફિલ્મ ઉપર જ તૈયાર થતી હતી. ઇ.સ.૧૯૯૦ના દાયકામાં ડિજિટલ ફોટોગ્રાફી અને ડિજિટલ પ્રિન્ટનો જમાનો શરૂ થયો તેની સાથે કોડકના ધંધામાં ઓટ આવવા લાગી. સમય સાથે તાલ ન મિલાવી શકવાને કારણે કોડક કંપનીએ અમેરિકાના કાયદા મુજબ ચેપ્ટર ૧૧ હેઠળ નાદારી નોંધાવી છે. આજથી માત્ર નવ વર્ષ અગાઉ કોડકમાં ૬૩,૯૦૦ કર્મચારીઓ નોકરી કરતા હતા. આજની તારીખમાં તેમની સંખ્યા સંકોચાઇને ૧૭,૦૦૦ની રહી ગઇ છે.

કોડક કંપનીની સ્થાપના જ્યોર્જ ઇસ્ટમેને ઇ.સ.૧૮૮૯ની સાલમાં કરી હતી. જ્યોર્જ ઇસ્ટમેનની સાથે ડેવિડ હુસ્ટન નામનો ફોટોગ્રાફર હતો, જેની પાસે કેમેરા બાબતના ઘણા આઇડિયા હતા. ડેવિડ હુસ્ટન નોર્થ ડાકોટા સ્ટેટનો રહેવાસી હતો એટલે તેણે પોતાની કંપનીનું નામ નોડક રાખ્યું હતું. હુસ્ટન પાસે કેમેરાની ઘણી પેટન્ટો હતી. આ પેટન્ટો તેણે ઇસ્ટમેનને વેચી દીધી. ઇસ્ટમેને આ પેટન્ટો સાથે નોડક નામ પરથી પ્રેરણા લઇને કોડક કંપનીની સ્થાપના કરી. કોડક નામકરણમાં ઇસ્ટમેનની માતાનો પણ મહત્ત્વનો ફાળો હતો. કોડક કંપનીએ અમેરિકામાં સસ્તા કેમેરા વેચવાની શરૂઆત કરી. તેઓ કેમેરાની સાથે ફોટો ફિલ્મો અને પ્રોસેસિંગ માટેનાં કેમિકલ્સ પણ વેચતા હતા. આ રીતે તેમનો ધંધો ઝડપથી વધવા લાગ્યો. એક સમયે અમેરિકામાં ફોટોગ્રાફી અને કોડક શબ્દો એકબીજાના પર્યાય ગણાતા હતા. ઇ.સ.૧૯૭૬ની સાલમાં અમેરિકામાં જેટલા કેમેરા વેચાતા હતા તેમાંના ૮૫ ટકા કોડક કંપનીના વેચાતા હતા અને ૯૦ ટકા ફોટો ફિલ્મ પણ કોડક કંપનીની વેચાતી હતી.

ઇ.સ.૧૯૮૦ના દાયકામાં જપાનની ફુજીફિલ્મ કંપનીએ અમેરિકાના બજારમાં પ્રવેશ કર્યો તેના સાથે કોડકના પતનનો પ્રારંભ થયો હતો. ફુજીફિલ્મ કંપની કોડક જેવી જ પ્રોડક્ટ સસ્તી કિંમતે વેચી રહી હતી. કોડકના મેનેજરો એવા ભ્રમમાં હતા કે અમેરિકાના ગ્રાહકો તેમના માટે પવિત્ર ગણાતી કોડક બ્રાન્ડનો કદી ત્યાગ નહીં કરે. આ આશાવાદ ઠગારો પુરવાર થયો. ફુજી કંપનીએ અમેરિકામાં જ ફિલ્મનું ઉત્પાદન કરવાનો પ્લાન્ટ નાંખ્યો. ફુજીના આક્રમક વેચાણ અને ઓછા ભાવને કારણે તેનો બજારમાં હિસ્સો સતત વધતો ગયો. ૧૯૯૦ના દાયકાના પ્રારંભમાં અમેરિકાની બજારમાં ફુજીફિલ્મનો હિસ્સો ૧૦ ટકા હતો તે ઇ.સ.૧૯૯૭માં વધીને ૧૭ ટકા ઉપર પહોંચી ગયો. આ ગાળામાં કોડકનો હિસ્સો ૮૦ ટકા પરથી ઘટીને ૭૪ ટકા ઉપર આવી ગયો હતો. કોડકે જપાનની માર્કેટમાં પ્રવેશવાની કોશિશ કરી પણ તેને ધારી સફળતા ન મળી.

ઇ.સ.૧૯૯૦ના દાયકામાં કોડકના સંચાલકોને ખ્યાલ આવી ગયો હતો કે હવે ફોટો ફિલ્મનો જમાનો પૂરો થયો છે અને ડિજિટલ પ્રિન્ટનો જમાનો આવી રહ્યો છે. આ કારણે કોડકના તત્કાલીન સીઇઓ જ્યોર્જ ફીશરે ડિજિટલ ટેકનોલોજી તરફ પ્રયાણ કરવા માટે એક દાયકાની યોજના તૈયાર કરી હતી, પણ આ યોજનાનો તેઓ અસરકારક રીતે અમલ કરી શક્યા નહોતા. ઇ.સ.૧૯૯૪માં એપલ કંપનીએ ‘ક્વિકટેક’ નામના ડિજિટલ કેમેરા બજારમાં મૂક્યા તેનું ઉત્પાદન હકીકતમાં કોડકે કર્યું હતું. તેઓ પોતાની જ પ્રોડક્ટનો લાભ લેવામાં નિષ્ફળ ગયા હતા.

ઇ.સ.૨૦૦૦ની સાલ સુધીમાં બજારમાં જાતજાતના ડિજિટલ કેમેરા મળવા લાગ્યા હતા. જપાનની સોની કંપનીએ તેની આગેવાની લીધી હતી. કોડકનો ફોટોગ્રાફિક ફિલ્મનો ધંધો ખતમ થઇ રહ્યો હતો પણ તેનો કેવી રીતે મુકાબલો કરવો એ કંપનીના સંચાલકોને સમજાતું નહોતું. ઇ.સ.૨૦૦૧માં ટ્વિન ટાવર ઉપર હુમલો થયો તેને પગલે અમેરિકામાં આર્થિક મંદીનો માહોલ ઊભો થયો અને કેમેરાનું વેચાણ ઘટવા લાગ્યું. ડિજિટલ કેમેરાના પડકારને પહોંચી વળવા કોડકે મોડે મોડે ‘ઇઝીશેર’ની બ્રાન્ડ હેઠળ ડિજિટલ કેમેરા બનાવવાનું શરૂ કર્યું.આ કેમેરાથી પાડવામાં આવેલી તસવીરો સહેલાઇથી કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરી શકાતી હતી. અમેરિકામાં ડિજિટલ કેમેરાની બજારમાં કોડકે પ્રથમ સ્થાન હાંસલ કર્યું. ઇ.સ.૨૦૦૫ની સાલમાં કોડકે અમેરિકામાં ૫.૭ અબજ ડોલરના ડિજિટલ કેમેરાઓ વેચ્યા હતા.

ડિજિટલ કેમેરાના ધંધામાં પણ જપાનની સોની વગેરે કંપનીઓ કોડક કરતાં આગળ નીકળી ગઇ. આ કંપનીઓ સસ્તા ડિજિટલ કેમેરાઓ વેચતી હતી અને તેમાં નિતનવા ફીચર્સ ઉમેર્યા કરતી હતી. કોડક કંપની આ ક્ષેત્રમાં નંબર વન હતી પણ તે પ્રત્યેક કેમેરા ઉપર ૬૦ ડોલરની ખોટ ખાતી હતી. કોડક કંપનીને ફોટો ફિલ્મના ધંધામાં વધુ નફો થતો હતો, પણ તેનું વેચાણ સતત ઘટ્યા કરતું હતું. ઇ.સ.૨૦૧૦ના દાયકામાં મોબાઇલમાં કેમેરા આવવા લાગ્યા, જેને કારણે ડિજિટલ કેમેરાની ડિમાન્ડ ઓછી થવા લાગી. ઇ.સ.૨૦૦૭માં કોડક કંપનીનો ડિજિટલ કેમેરાના વેચાણમાં હિસ્સો ૯.૬ ટકા હતો અને તેનું ચોથું સ્થાન હતું. ઇ.સ.૨૦૧૦ની સાલમાં તે સાતમાં સ્થાને ધકેલાઇ ગઇ અને તેનો માર્કેટ શેર ઘટીને સાત ટકા થઇ ગયો હતો. આજની તારીખમાં કેનોન, સોની અને નિકોન જેવી કંપનીઓ આ ક્ષેત્રમાં કોડક કરતાં આગળ નીકળી ગઇ છે.

ઇ.સ.૨૦૦૭ની સાલથી કોડક કંપનીના સંચાલકો તેને ઉગારવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. અત્યાર સુધી કોડક કંપની તમામ ચીજવસ્તુઓનું ઉત્પાદન પોતાની ફેક્ટરીઓમાં જ કરતી હતી. સીઇઓ એન્ટેનિયો પેરેઝે એક પછી એક ફેક્ટરીઓ બંધ કરવા માંડી અને બહારની કંપનીઓ પાસે ઉત્પાદન કરાવવા માંડ્યું. આ પ્રક્રિયામાં તેણે ૨૭,૦૦૦ કામદારોને છૂટા કરી દીધા. તેણે પોતાના બધા પ્રયાસો નવી ટેકનોલોજી શોધવામાં કેન્દ્રિત કર્યા. ફોટો ફિલ્મના વેચાણમાં આવેલી ઓટને સરભર કરવા તેમણે પ્રિન્ટરની ઇન્કના બજારમાં ઝંપલાવી દીધું. એચપી કંપનીના પ્રિન્ટરની મોંઘીદાટ ઇન્ક સામે ટક્કર આપવા તેમણે સસ્તી ઇન્ક ધરાવતાં પ્રિન્ટરો બજારમાં મૂક્યા. આ માટે નવી ટેકનોલોજી પાછળ તેણે ધૂમ ખર્ચાઓ કર્યા. હવે એવી પરિસ્થિતિ આવી રહી છે કે લોકો પ્રિન્ટરનો ઉપયોગ કરવાને બદલે કોમ્પ્યુટરમાં અને મોબાઇલમાં જ માહિતી સાચવી રાખે છે, જેને કારણે પ્રિન્ટરોનું વેચાણ પણ ઘટી રહ્યું છે. આ બાબતમાં પણ નસીબ કોડક કરતાં બે ડગલાં આગળ ચાલી રહ્યું છે.

કોડક કંપનીમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ખર્ચાઓ સતત વધતા રહ્યા છે અને આવકનાં સાધનો ઘટતાં રહ્યાં છે. કોડક દ્વારા જે નવી ટેકનોલોજીમાં અબજો ડોલરનું રોકાણ કરવામાં આવે છે તે ગણતરીનાં વર્ષોમાં જૂની થઇને નકામી બની જાય છે. આ કારણે કોડક કંપનીના કેશ રિઝર્વમાં સતત ગાબડાં પડી રહ્યાં છે. ઇ.સ.૨૦૧૧ના જાન્યુઆરી મહિનામાં તેની પાસે ૧.૬ અબજ ડોલરની રોકડ હતી તે જૂનમાં ઘટીને ૯૫.૭ કરોડ ડોલર ઉપર આવી ગઇ હતી. સપ્ટેમ્બર મહિનાના અંતે કોડક કંપનીની અસ્ક્યામતો ૫.૧ અબજ ડોલરની હતી અને તેની જવાબદારીઓ વધીને ૬.૭૫ અબજ ડોલર પર પહોંચી ગઇ હતી. ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં કોડકના શેરના ભાવો સતત ગબડી રહ્યા હતા. આ સંયોગોમાં કોડક પાસે નાદારી નોંધાવવા સિવાય કોઇ વિકલ્પ જ બાકી નહોતો રહ્યો. કોડક કંપનીએ નાદારીની પ્રક્રિયા દરમિયાન પોતાના વ્યવહારો ચલાવવા સિટી જૂથ પાસેથી ૧૮ મહિના માટે ૯૫ કરોડ ડોલરની લોન પોતાની મિલકતો ગિરવે મૂકીને મેળવી છે.

આજથી ૧૫ વર્ષ અગાઉ કોડક કંપનીના શેરોની બજારકિંમત ૩૧ અબજ ડોલર હતી, જે આજે ઘટીને ૧૫ કરોડ ડોલર રહી ગઇ છે. કોડક કંપની પાસે અત્યારે જે મૂડી છે તેમાં મુખ્ય ફાળો તેની પાસે રહેલી ૧,૧૦૦ જેટલી ડિજિટલ ફોટોગ્રાફીની પેટન્ટોનો છે. આ પેટન્ટોનો ઉપયોગ લગભગ દરેક ડિજિટલ કેમેરા, સ્માર્ટફોન અને ટેબ્લેટ પીસીમાં થઇ રહ્યો છે. જો કોડક કંપની આ પેટન્ટો વેચીને મૂડી ઊભી કરવાની કોશિશ કરશે તો તેના ધંધામાં હજી વધુ ઘટાડો થશે. કોડક કંપનીએ નાદારી નોંધાવી તેને કારણે તેના ૧૭,૦૦૦ વર્તમાન કર્મચારીઓના અને હજારો ભૂતપૂર્વ કર્મચારીઓના જીવ પડીકે બંધાઇ ગયા છે. આ કર્મચારીઓને હવે પગાર મળશે કે નહીં તેનો કોઇ ભરોસો રહ્યો નથી. વળી અગાઉ જે કર્મચારીઓએ પેન્શન અને નિવૃત્તિ પછીના લાભોના લોભમાં નોકરી છોડી તેમણે પણ હવે રાતા પાણીએ રોવાનો વારો આવશે.

બહુ આશ્ર્ચર્યની વાત એ છે કે કોડકના એક એન્જિનિયરે છેક ૧૯૭૦ના દાયકામાં ૦.૦૧ મેગાપ્રિક્સલનું રિસોલ્યુશન ધરાવતો ડિજિટલ કેમેરા બનાવ્યો હતો, પણ કોડક કંપનીને ડર હતો કે આ કેમેરા તેમના ફિલ્મના ધંધાને ખાઇ જશે. આ કારણે કોડક કંપનીએ છેક ઇ.સ.૨૦૦૧ની સાલમાં ડિજિટલ કેમેરા બનાવવાનો પ્રારંભ કર્યો હતો. આ સમયે કેનોન કંપનીના ડિજિટલ કેમેરા બજારમાં મળતા થઇ ગયા હતા. આ રીતે પોતાની પાસે નવી ટેકનોલોજી હોવા છતાં તેનો યોગ્ય રીતે તેમ જ યોગ્ય સમયે ઉપયોગ ન કરવાને કારણે કોડક કંપની દેવાળું ફૂંકવાને આરે આવી ઊભી છે. આજનું વિશ્ર્વ એટલું ઝડપથી બદલાઇ રહ્યું છે કે જેઓ આ દોટમાં પાછળ રહી જાય તેમનો વિનાશ નક્કી છે.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=172645

No comments:

Post a Comment