Saturday, August 29, 2015

બ્રહ્માંડમાં ઈશ્ર્વર છે કે નહીં? --- ડૉ. જે. જે. રાવલ ( 1 }

02-08-2015
બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ
                          
                

હંમેશાં વિજ્ઞાનીને પ્રથમ પ્રશ્ર્ન એ પૂછવામાં આવે છે કે તમે ઈશ્ર્વરમાં માનો છો કે નહીં? વિજ્ઞાની ઈશ્ર્વરમાં માને તોય શું અને ન માને તોય શું? આવી કૂથલી કરવાની લોકોને શું જરૂર છે? વિજ્ઞાની એમ કહે છે તે ઈશ્ર્વરમાં માને છે તો પણ લોકો ખુશ થતા નથી અને તે એમ કહે કે તે ઈશ્ર્વરમાં નથી માનતો તો પણ લોકો ખુશ થતા નથી. તેને નાસ્તિક કહે છે. તો થાય છે કે લોકોને જોઈએ છે શું? વિજ્ઞાનીના ઈશ્ર્વરમાં માનવા કે ન માનવા પર ઈશ્ર્વર પણ નિર્ભર નથી અને બ્રહ્માંડ પણ નિર્ભર નથી.

વિજ્ઞાનીને બીજો પ્રશ્ર્ન એ પૂછવામાં આવે છે કે તે જ્યોતિષમાં માને છે કે નહીં? વિજ્ઞાની કહે છે કે તે જ્યોતિષમાં માનતો નથી તો લોકો નિરાશ થઈ જાય છે. મોઢું ફેરવી લે છે. અમારા જેવા ખગોળવિજ્ઞાનીને તેઓ આ પ્રશ્ર્ન પૂછે છે અમે કહીએ છીએ કે અમે જ્યોતિષમાં માનતા નથી ત્યારે તેઓ માને છે કે આ નકામું ખગોળ વિજ્ઞાન છે. થોડા દશક પહેલાં ઇંગ્લેન્ડનો એસ્ટ્રોનોમર રૉયલ પ્રોફેસર સર માર્ટિન રિટ્ઝ મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં પધારેલા. રેડિયોવાળા, ટેલિવિઝનવાળા, છાપાવાળા તેમનો ઈન્ટરવ્યૂ લેવા આવ્યા. હું ત્યારે રિસર્ચ સ્ટુડન્ટ હતો એટલે અમે પ્રોફેસરની સાથે હતા. છાપાના રિપોર્ટરે રિટ્ઝને પહેલો પ્રશ્ર્ન એ પૂછેલો કે તમે ઈશ્ર્વરમાં માનો છો કે નહીં? રિટ્ઝે શું જવાબ આપ્યો ખબર છે? રિટ્ઝે જવાબ આપેલો કે ઈશ્ર્વરમાં ન માનવા કરતાં ઈશ્ર્વરમાં માનવું વધારે સારું છે, કારણ કે તો આપણે હલકા રહીએ છીએ.

થોડાં વર્ષો પહેલાં સ્ટીફન હોકિંગે જાહેર કરેલું કે ઈશ્ર્વર નથી. એ તો કુદરતના નિયમોએ બ્રહ્માંડને ઉત્પન્ન કર્યું છે. પૂરી દુનિયામાં મોટી બબાલ થઈ ગઈ. જાણે કે ઈશ્ર્વરનું મૃત્યુ થઈ ગયું, પણ એ જાણવું રહી જાય છે કે કુદરતના નિયમો એટલે શું, તે ક્યાંથી આવ્યા? એ આપણે જાણતા નથી. એના જવાબો મળતા નથી.

ઈશ્ર્વર છે કે નહીં તે વાતને છોડો પણ એ દીવા જેવું સ્પષ્ટ છે કે જે લોકો ઈશ્ર્વરમાં માને છે તેમને ઘી-કેળાં છે. કાંઈ પણ કામ કર્યા વગર સાધુ-બાવા દરરોજ સવાર-સાંજ માલ-પૂઆ ઉડાવે છે, જે લોકો ઈશ્ર્વરમાં માનતાં નથી પણ સજ્જન અને પ્રામાણિક છે તેમને જીવન જીવવા ભારે જહેમત ઉઠાવવી પડે છે. બોલો તો, આ ઈશ્ર્વરની અસર ન ગણાય? હાલમાં નાસિકમાં કુંભમેળો ચાલે છે આદિ શંકરાચાર્યે આવા સાધુ-બાવા માટે સરસ કહ્યું છે:

જટીલો મુંડી લૂંમિત કેશ: કાષાયાંબર બહુ કૃતે વેશ:

પશ્યન્નમિ ચ ન પશ્યનતિ મૂઢ: ઉદરનિર્મિત્તં બહુ કૃતવેષ:॥

અર્થાત્ બાવો માથે જટા રાખે, દાઢીને લોચન કરે, રંગ-બેરંગી લાલ-સફેદ કપડાં પહેરે, પણ તે જુએ છે પણ છતાં જોતો નથી. આ બધાં ઉદર ભરવાનાં નાટકો છે. હાલમાં આવા ઘણા બાવા છે.

માનવો પણ કેટલા લોલુપતાવાળા હોય છે તેના માટે શંકરાચાર્ય કહે છે:

અંગંગલિતં પલિતંમુંડં, દશનવિહીનં જાતં તુંડમ્

વૃદ્ધોયાતિ ગૃહીત્વાદંડં તદઅપિ ન મુંચનિ આશાપિંડમ્॥

અર્થાત્, માથે પાળીયાં આવી ગયાને અંગ અંદર ગળી ગયું. તેમાં વળી મુખ મૂર્ખ તારું દાંત વિના મળી ગયું, ઘડપણ વડે તું લાકડીતો ઓથ આપે અંગને તો પણ અરે તૃષ્ણાતણા તું ત્યજ ન કેમ તરંગને॥

હ્યુમનેટરિયન બેઝીઝી પર પણ ઈશ્ર્વર હોવો જરૂરી છે, નહીં તો ફિલોસોફરો, દાર્શનિકો, સાહિત્યકારો, કવિઓ, કથાકારો, સંગીતકારો ગાયકો, ભજનિકો, પૂજારીઓ, પંડિતો, પાંડાઓ તેમના ઘર કેમ ચલાવત? સાધુઓ તેમના મંદિરો કેવી રીતે ચલાવત?

ઈશ્ર્વર છે તેમ સાબિત કરવું જેટલું અઘરું છે, તેટલું જ અઘરું ઈશ્ર્વર નથી તે સાબિત કરવું છે. ઈશ્ર્વર છે એમ કહીએ તો ઈશ્ર્વર ખરેખર in person  બતાવવો પડે. અને ઈશ્ર્વર નથી એમ કહીએ તો નિ:શંકપણે સાબિત કરવું પડે કે ઈશ્ર્વર નથી.  Absence of evidence is not an evidence of absence. અર્થાત્ પ્રમાણની ગેરહાજરી એ ગેરહાજરીનું પ્રમાણ નથી. ઈશ્ર્વર છે તેનું પ્રમાણ નથી એનો અર્થ એવો નથી કે તે નથી. હોઈ પણ શકે છે.

જીનીવામાં ૪૦૦ અબજ રૂપિયાનો લાર્જ હેડ્રોન કોલાઈડરનો પ્રયોગ થયો. તેણે સાબિત કર્યું કે Hinggs-Boson exists, Hinggs Boson નું અસ્તિત્વ તો ૧૯૬૪માં પીટર હેગ્ઝે થિયરીથી સાબિત કર્યું હતું, પણ તેનું પ્રમાણ નહોતું. હવે મળ્યું છે. અમે લોકોએ સૂર્યમાળામાં નવા ગ્રહો, ઉપગ્રહો અને વલયો છે તેમ સાબિત કરેલું પણ તેનાં પ્રમાણ નહોતાં. દશ વર્ષ પછી વૉયેજર અને પાયોનિયર અંતરીક્ષયાનોએ તેના પ્રમાણ આપ્યાં.

ઈશ્ર્વર છે કે નહીં એની અસમંજસમાં આપણે ઈશ્ર્વર છે તેમ માનવાવાળાને બેનિફિટ ઓફ ડાઉટ આપી શકીએ, પણ અહીં ખરેખર બતાવવામાં આવશે કે ઈશ્ર્વર છે.

ગ્રેવિટેશનલ ફિલ્ડ, ઈલેક્ટ્રિકલ ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ, ન્યુક્લીઅર ફિલ્ડ, રેડિયેશન ફિલ્ડ, રેડિયો-ઍક્ટિવિટી ફિલ્ડ. આ બધાં ફિલ્ડ છે તે શું દૃશ્યમાન થાય છે? તેમ છતાં તેમાં થતી એક્ટિવિટી આપણને દેખાય છે તેમ વિશ્ર્વવ્યાપી ચેતના ફિલ્ડ છે. તે દૃશ્યમાન નથી, પણ તેમાં થતી ગતિવિધિ આપણે જોઈ શકીએ છીએ. આ સર્વવ્યાપી ચેતના જ ઈશ્ર્વર છે. તેનો અંશ આપણા બધામાં ધડકનરૂપે ધબકે છે. જે. જે. રાવલ, જે. જે. રાવલ છે જ્યાં સુધી આ સર્વવ્યાપી ચેતનાનો અંશ તેનામાં છે. તે ચાલ્યો જાય પછી જે. જે. રાવલ ડેડ-બોડી છે. તેને બાળી નાખવામાં આવશે, દાટી દેવામાં આવશે કે પશુ-પંખીને ધરી દેવામાં આવશે. આ રીતે પંચમહાભૂતોને ધરી દેવામાં આવશે. જેનું હતું તેને પાછું આપી દેવામાં આવશે.

કોઈની પત્ની અતિ સુંદર હોય પણ તે મૃત્યુ પામે પછી તેનો પતિ તેને ઘરમાં રાખતો નથી. પંચમહાભૂતને સમર્પિત કરી દેવામાં આવે છે.

ભાઈ-બહેન વચ્ચે પ્રેમ છે, સંતાનો અને માતા-પિતા વચ્ચે પ્રેમ છે, પતિ-પત્ની વચ્ચે પ્રેમ છે. તમે બધા પ્રેમને માનો છો? ઊંચી આંગળી કરો. તમે જે ઊચી આંગળી કરી તે દર્શાવે છે કે તમે બધા જ પ્રેમને માનો છો. શું તમે પ્રેમને કદી જોયો છે? ઈશ્ર્વરનું આવું જ છે.

God is not conclusion which can be arrived at by logical process, by believing, by discussing or by analysing. It is for experiencing.

બ્રહ્માંડની રચના જોઈએ તો મગજ ચકરાવે ચઢી જાય. તેની અગમ્ય રચના સમજાય તેવી નથી. અબજો Galaxies , એમાં અબજો તારા. અબજો અને અબજો પ્રકાશવર્ષના અંતરો, વાયુનાં વાદળો, તારા, ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુઓ, લઘુગ્રહો, ઉલ્કાઓ, ધૂલિકણો, પ્રકાશ, અંધકાર, ૮૪ લાખ તો યોનિઓ. કેવી રીતે આ યોનિઓ જન્મી. કેવી રીતે આ બ્રહ્માંડ જન્મ્યું આ બધાના જવાબો મળતા નથી.

ન્યુટ્રિનો નામનો પદાર્થકણો છે. તેને નથી પદાર્થ નથી ધન અથવા ઋણ વિદ્યુતભાર. વળી પાછા તેમના પ્રવાસ દરમિયાન જ તે તેનાં રૂપ-રંગ-આકાર અને જાત બદલી નાખે છે. કોઈ પણ વસ્તુમાંથી પસાર થઈ જાય છે. દર ક્ષણે આપણા શરીરમાંથી અબજોની સંખ્યામાં પસાર થઈ જાય છે. ડાર્ક એનર્જી ડાર્ક મેટર શું છે તે ખબર નથી. આખે આખી પ૦૦ અબજ સૂર્યો ભરેલી ગેલેક્સીને તે દોડાવે છે. એક સૂર્યનું વજન જ છ અબજ, અબજ, અબજ, ટન છે. આવા પાંચસો અબજ સૂર્યો ભરેલી મંદાકિનીને તે અતિ ઝડપે દોડાવે છે, ખરેખર ઊર્જા શું છે તે પણ આપણને ખબર નથી. શા માટે ઊર્જા સંચયનો નિયમ? શા માટે વેગમાન સંચયનો નિયમ? શા માટે કોણીય વેગમાન સંચયનો નિયમ? શા માટે કુદરત E=mc2 જેવાં સૂત્રો અને નિયમોને અનુસરે છે?

પૌલિનો એક્સક્લુઝનનો સિદ્ધાંત છે, તે કહે છે કે એક ક્વોન્ટમ સ્ટેટમાં એક જ ઈલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોનનો કણ રહી શકે. જ્યારે બોઝ સ્ટેટિસ્ટિક્સ કહે છે કે પ્રકાશના કણો એક જ ક્વોન્ટમ સ્ટેટમાં અબજો અને અબજો (Infinite) રહી શકે. આમ શા માટે કુદરતમાં બધે જ તમે લિમિટ જુઓ છો. વ્હાઈટ-ડ્વાર્ફ તારા બનવા માટે લિમિટ, ન્યુટ્રોન તારા બનવા માટે લિમિટ, સૂર્યમાળા બનવા માટે લિમિટ, ગેલેક્સી બનવા માટે લિમિટ, બ્રહ્માંડની ખુદની લિમિટ, ક્ષિતિજની લિમિટ આમ શા માટે?

શા માટે જાત જાતના ફિલ્ડ ગ્રેવિટેશનલ વગેરે, શા માટે અમુક પદાર્થકણો પર ઘનભાર, અમુક પર ઋણભાર તો અમુક પર કોઈ જ ભાર નહીં? શા માટે ગુરુત્વાકર્ષણમાં અપાકર્ષણ નથી? શા માટે ગુરુત્વાકર્ષણ આકર્ષણની શક્તિ છે. તે આપણે હવે સમજ્યા છીએ. એવું બધું ઘણું આપણે સમજ્યા છીએ. કહો કે વિજ્ઞાને આપણને સમજાવ્યું છે. શા માટે પ્રકાશની ગતિ સૌથી વધારે. શા માટે કોઈ પણ પદાર્થકણની ગતિ પ્રકાશની ગતિ જેટલી ન હોઈ શકે?

શા માટે પ્રકાશ માધ્યમ કે માધ્યમ વગર ચાલી શકે અને અવાજ માધ્યમ વગર ચાલી ન શકે?

પૃથ્વીની સૂર્યમાળામાં જગ્યા એવી છે કે તે થોડી દૂર હોત તો પણ પૃથ્વી પર જીવન ઉત્પન્ન થઈ શક્યું ન હોત અને નજીક હોત તો પણ પૃથ્વી પર જીવન ઉત્પન્ન થઈ શક્યું ન હોત. આમ શા માટે? (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=169614

(ગયા અંકનું ચાલુ)
9-08-2015

                                 

બ્રહ્માંડમાં કોસ્મોલોજિકલ કોન્સ્ટન્ટ (અચલ) છે. તેમાં જો તસુભાર પણ ફેરફાર કરવામાં આવે તો આ બ્રહ્માંડ અસ્તિત્વ ધરાવે જ નહીં? આમ શા માટે?

સરોવરમાં પાણીનું ઉષ્ણતામાન ધારો કે ૧૫ અંશ સેલ્સિયસ હોય. કડકડતા શિયાળામાં પાણી ઠંડું થાય ૧૦ અંશ, ૬ અંશ, પાંચ અંશ અને પછી ૪ અંશ સેલ્સિયસ થાય. કુદરત એવી છે કે ૪ અંશ ઉષ્ણતામાનવાળું પાણી સૌથી ભારે હોય છે અને તેથી તે તળિયે બેસી જાય છે. તળિયાનું હલકું પાણી ઉપર આવે છે. તે પછી ૪ અંશ થઈને તળિયે આવે છે. તળિયે રહેલા ૪ અંશ ઉષ્ણતામાનવાળા ભારે પાણી ઉપર રહેલા હલકા વધારે ઉષ્ણતામાનવાળા પાણીને આ બીજું ૪ અંશ ઉષ્ણતામાનવાળું ભારે પાણી ઉપર ધકેલે છે અને તેની જગ્યાએ તે બેસે છે. આમ તળિયે ૪ અંશ ઉષ્ણતામાનવાળું પાણી એકઠું થઈ જાય છે. છેવટે આખું સરોવર ૪ અંશ ઉષ્ણતામાનવાળા પાણીથી ભરાઈ જાય છે. જો વધારે ઠંડી પડે તો જ સરોવરની સપાટી પરનું પાણી ૪ અંશથી ૩ અંશ, ર અંશ અને શૂન્ય અંશ થઈ બરફ થઈ જાય છે. તે ઉપર તરે છે અને તેની નીચે ૪ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાનવાળું હૂંફાળું પાણી હોય છે. આવી સ્થિતિમાં બધાં જ જળચર પ્રાણીઓ આ ૪ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાનવાળા હૂંફાળા પાણીમાં આવી જાય છે અને મઝાથી જીવન જીવે છે. તો થાય કે શું કુદરતે શિયાળામાં જળચર પ્રાણીઓને બચાવવા જ આ ગોઠવણ કરી હશે? આમ શા માટે? થાય કે ખરેખર કુદરત દયાળું છે અને નિ:સહાયનું પણ એટલું જ તે ધ્યાન રાખે છે. 

આપણા શરીરની રચનાનો વિચાર કરો. એક એક અંગની જગ્યાનો વિચાર કરો. માનવી મોટો થાય તેમ તેના શરીરના ભાગો સપ્રમાણમાં જ વૃદ્ધિ પામે છે. નહીં કે એક હાથ અડધા ફૂટનો અને બીજો હાથ ત્રણ ફૂટનો. એક પગ એક ફૂટનો અને બીજો પગ ચાર ફૂટનો, આંખ પાછળ વગેરે. આ જાણીએ તો લાગે કે વાહ, કુદરત તારો પણ જવાબ નથી. આ બધું સમજાય તેવું નથી. માટે આપણે ઈશ્ર્વર જેવો શબ્દ આ ન સમજાય તેની બાબત માટે વાપરીએ છીએ. 

આપણને ખરેખર એ ખબર નથી કે ઊર્જા શું છે. આપણે ઊર્જા ઊર્જા કરીએ છીએ પણ વાસ્તવમાં આપણને તેના વિશે ખબર નથી. ઊર્જાથી જ બધું ચાલે છે, બધાં બળો કાર્યરત છે પણ ઊર્જા પોતે દેખાતી નથી. 

આપણામાં ઊર્જા હોવાથી જ આપણે કાર્ય કરી શકીએ છીએ. કાર્ય કરવાથી આપણને થાક લાગે છે. આપણામાં ઊર્જા ઓછી થઈ જાય છે. પછી આરામ કરીએ અને ખાઈ-પીએ એટલે વળી પાછા આપણે તાજામાજા ઊર્જાસભર થઈ જઈએ છીએ, પણ ઊર્જા શું છે તે ખબર નથી. તો આપણને થાય કે આપણે જે ખોરાક-ફળ ખાઈએ છીએ તેમાંથી આપણને ઊર્જા મળે છે. જો ફળો કે ખોરાક એમને એમ પડ્યા રહે તો બગડી જાય છે. આપણે ખાઈ શકતાં નથી. તે ઊર્જા ક્યાં જાય છે? ખોરાક જમીનમાં બિયારણ વાવવાથી, પાણી અને સૂર્યની ઊર્જાનું પરિણામ છે તો સૂર્ય ક્યાંથી ઊર્જા મેળવે છે? તો કહે તેમાં ચાલતી અણુક્રિયાથી. સૂર્યમાં જે આણ્વિકક્રિયા ચાલે છે તે તેમાં રહેલા ઉષ્ણતામાન અને દબાણનું પરિણામ છે. ઉષ્ણતામાન એ ગરમીની તીવ્રતાનું દ્યોતક છે-માપન છે. ગરમી વળી પોતે ઊર્જા છે. દબાણ એ વાયુની ઘનતાથી પેદા થતા દર એકમ ક્ષેત્ર પર લાગતા બળનું પરિણામ છે. બળ વળી પાછું ઊર્જાનું પરિણામ છે. ઊર્જાના પણ ઘણા પ્રકાર છે. દા.ત. ગ્રેવિટેશનલ એનર્જી, મેગ્નેટિક એનર્જી, ઈલેક્ટ્રિકલ એનર્જી, અણુ-ઊર્જા, રેડિયો-એક્ટિવિટીથી ઉત્પન્ન થતી ઊર્જા પણ તે બધી છેવટે ઊર્જા છે. ઊર્જાનો આપણે નાશ પણ કરી શકતા નથી અને તેને ઉત્પન્ન પણ કરી શકતા નથી. તે એકથી બીજા રૂપમાં રૂપાંતર થાય છે પણ તેનો જથ્થો તો એક જ રહે છે. ઊર્જા એ જ ચેતના. ઊર્જા જ બ્રહ્માંડને ચલાવે છે. માટે જ આપણે એ શક્તિને પૂજીએ છીએ. એ જ ઊર્જા આપણી સમક્ષ અલગ અલગ રૂપે હાજર થાય છે. આઈન્સ્ટાઈને સાબિત કર્યું કે પદાર્થ એ પણ ઊર્જાનું જ સ્વરૂપ છે. બ્રહ્માંડમાં બધે પદાર્થ જ છે એટલે કે ઊર્જા જ છે. E=mc2. માટે બ્રહ્માંડ પદાર્થ અને ઊર્જાનો એટલે કે છેવટે ઊર્જાનો ગોળો છે. ઊર્જા જ્યારે ગઠિત થાય છે ત્યારે પદાર્થ બને છે અને પદાર્થમાંથી ઊર્જા ઉત્પન્ન થાય છે. અણુબોમ્બનો વિસ્ફોટ થાય છે ત્યારે તેમાંથી ભયંકર ઊર્જા ઉત્પન્ન થાય છે. ઊર્જા જ સર્જનનું કારણ છે અને એ જ વિનાશનું કારણ છે. ઊર્જાનાં આમ બે સ્વરૂપો છે. તમે ઊર્જાના કયા રૂપને ભજો છો તેના પર બધો આધાર છે. અણુ ઊર્જા વિદ્યુત ઉત્પન્ન કરવા અને બીજાં ઘણાં સુન્દર અને શાંતિનાં કાર્યો કરવા વાપરી શકાય છે અને તેનો ધ્વંસ કરવા-વિનાશ કરવા પણ ઉપયોગ થઈ શકે છે. આપણા શરીરમાં જે ઊર્જા છે તેનો ઉપયોગ આપણે ઘણાં સારાં કાર્યો કરવામાં કરી શકીએ છીએ અને જો આપણું મગજ વિકૃત હોય તો તેનો ઉપયોગ નઠારાં કાર્યો કરવામાં વપરાય છે. અહીં આધ્યાત્મિકતાનો-વિવેકબુદ્ધિનો-સંસ્કારિતાનો પ્રવેશ થાય છે. આપણને કેવા પ્રકારનું શિક્ષણ અને સંસ્કાર મળ્યા છે. તેના પર આધારિત છે વિજ્ઞાન અને અધ્યાત્મને આ સંબંધ છે. વિજ્ઞાન કુદરત કેવી રીતે કાર્ય કરે છે તેની સમજણ આપે છે, અધ્યાત્મ આપણને દિશા બતાવે છે. 

આપણે હજુ સુધી સમજ્યાં નથી કે ઊર્જા શું છે? ક્યાંથી આવી?

આપણા પ્રાચીન પ્રબુદ્ધ જ્ઞાની ઋષિ-મુનિઓને પ્રશ્ર્ન હતો કે બ્રહ્માંડમાં અંતિમ પદાર્થ શું છે. (What is ultimate matter of the universe?) તેમણે તેનો જવાબ પણ શોધેલો-ચેતના. આ બ્રહ્માંડમાં રહેલી ચેતનાને તેમણે બીજું પણ નામ આપેલું બ્રહ્મન. આપણે આ ચેતનાનો અંશ છીએ. સર્જન જ ઈશ્ર્વર છે. ચેતના જ ઈશ્ર્વર છે. જ્યારથી માનવીના શરીરની ધડકન શરૂ થઈ ત્યારથી તે ચેતનાનો તેમાં પ્રવેશ થયેલો સમજવો. અથવા કહો માનવીના દેહમાં જ્યારે ચેતના પ્રવેશે છે ત્યારે તેના હૃદયની ધડકન શરૂ થાય છે, તે છેક મૃત્યુ પર્યન્ત. એ ધડકન જ ચેતનાનો અહેસાસ છે. બધા કહે છે કે ઈશ્ર્વર આપણા હૃદયમાં છે. તે સાચી વાત છે. હૃદય માત્ર લોહીને ચલાવવાનો પંપ જ નથી, હૃદયની ધડકન એ જ ઈશ્ર્વર છે. 

હાલના વિજ્ઞાનીઓ શું શોધવા માગે છે? તેઓ જાણવા માગે છે કે બ્રહ્માંડનો અંતિમ પદાર્થ શું છે? તે જાણવા માટે તેઓએ જીનિવામાં ૪૦૦ અબજ રૂપિયાના ખર્ચે લાર્જ હેડ્રોન કોલાઈડર નામનું મશીન સ્થાપિત કર્યું છે. તે મશીને હિગ્ઝ-બોઝોન નામના ચેતનાના કણોનું અસ્તિત્વ દર્શાવ્યું છે. તે હકીકતમાં ચેતના છે. પ્રકાશ છે-ઊર્જા છે. તેને ગોડ-પાર્ટિકલ કહે છે, કારણ કે તે ચેતના જ છે જે ઈલેક્ટ્રોન-પ્રોટોન-ન્યુટ્રોન-કવાર્ક વગેરે સૂક્ષ્મ પદાર્થકણોને જન્મ આપી બ્રહ્માંડમાં પદાર્થ અને ઊર્જાને ઉત્પન્ન કરે છે. તેમ છતાં હિગ્ઝ-ફિલ્ડ અંતિમ ચેતના નથી. તેની અંદર પણ ચેતના છે. તેની પણ તેમણે તાજેતરમાં શોધ કરી તે પણ અંતિમ ચેતના નથી. આ જ તો બ્રહ્માંડનું ઘૂંટાતું રહસ્ય છે. બ્રહ્માંડનાં અંતિમ રહસ્યોનો આપણે કદી પાર પામી શકીશું નહીં. માટે ઈશ્ર્વર શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. 

બ્રહ્માંડમાં અલગ અલગ બળો છે. તે હકીકતમાં દૃશ્યમાન નથી, પણ તેમાં જે વિવિધ ગતિવિધિ ચાલે છે તે આપણે જોઈ શકીએ છીએ. આમ તેઓ અદૃશ્ય રહેવા છતાં તેમનો અહેસાસ આપણે કરી શકીએ છીએ. બ્રહ્માંડમાં જે સર્વવ્યાપી ચેતના ક્ષેત્ર છે તેને આપણે જોઈ શકતા નથી પણ તેનો અહેસાસ કરી શકીએ છીએ. આ ચેતના ક્ષેત્ર બ્રહ્માંડનાં બધાં જ વિવિધ ક્ષેત્રોને જેવાં કે ગ્રેવિટેશન ફિલ્ડને પોતાનામાં આવરે છે. આ બધાં ફિલ્ડઝ તેનાં જ રૂપો છે. 

ઉષ્ણતામાનમાં નિરપેક્ષ શૂન્ય ઉષ્ણતામાન છે. (Absolute Zero Temperature). તેનાથી નીચું ઉષ્ણતામાન નથી. તો થાય કે આમ શા માટે? આનો જવાબ મળતો નથી. તો વિદ્વાનો કહે છે કે બ્રહ્માંડ જેવું છે તેવું છે (The universe is at it is) શા માટે બ્રહ્માંડ જેવું છે તેવું છે? માટે ઈશ્ર્વર-એક અજ્ઞાત શક્તિની ધારણા કરવામાં આવે છે જેણે આ બ્રહ્માંડને જેવું છે તેવું ઉત્પન્ન કર્યું છે. બ્રહ્માંડ શા માટે ઉત્પન્ન થયું છે? તે જ મોટો પ્રશ્ર્ન છે. તેના ઉત્પન્ન થવાનો ઉદ્દેશ્ય શું છે ઇશલ ઇફક્ષલ શા માટે, આ બધા પ્રશ્ર્નોના જવાબો મળતા નથી. 

વિજ્ઞાનીઓને કુદરત કેવી રીતે કાર્ય કરે છે તે માટે E= mcr જેવાં સૂત્રો મળ્યાં છે, ટ=ઇંઉ જ્યાં ટ-ઝડપ પ્રદર્શિત કરે છે. ઇં હબલનો પ્રમાણનો અચલ છે અને ઉ-મંદાકિનીનું અંતર છે. આ સૂત્ર વિજ્ઞાનના વિશ્ર્વને સમજાવે છે. તેવી જ રીતે બોઈલનો નિયમ છે ગુરુત્વાકર્ષણનો નિયમ છે. રેખા માટે સમીકરણ છે. વર્તુળ, લંબવર્તુળ, વલય, પરિવલય વગેરે માટે સૂત્રો છે. તો થાય કે આ સૂત્રો શા માટે? શા માટે કુદરત આ સૂત્રો પ્રમાણે કાર્ય કરે છે. હકીકતમાં આ સૂત્રોમાં આપણે ઈશ્ર્વરનો ચહેરો જોઈ શકીએ છીએ. તેની હાજરી જોઈ શકીએ છીએ. 

ઈશ્ર્વરને જોવાની દૃષ્ટિ હોવી જોઈએ, તેવી દૃષ્ટિ કેળવવી પડે, તો ઈશ્ર્વર દેખાય. કોઈ કહે ઈશ્ર્વર દેખાડો તો ઈશ્ર્વર દેખાડી ન શકાય. ઈશ્ર્વરને કેમ જોવો તેની દિશા દર્શાવી શકાય. 

ઈશ્ર્વર માતામાં જોઈ શકાય, ઈશ્ર્વર સૂર્યમાં જોઈ શકાય. જીન્સમાં જોઈ શકાય, પ્રકાશમાં જોઈ શકાય, નિરપેક્ષ શૂન્યમાં, પ્રકાશની ગતિમાં, ૪ અંશ ઉષ્ણતામાનવાળા પાણીમાં જોઈ શકાય, વૃક્ષોમાં જોઈ શકાય, પાણીમાં, આકાશમાં જોઈ શકાય, ઊર્જામાં જોઈ શકાય, અગ્નિમાં જોઈ શકાય. દયા, ભાવના, અનુકંપા, કરુણામાં જોઈ શકાય, જ્ઞાન અને સત્યમાં જોઈ શકાય. સૂત્રોમાં જોઈ શકાય, નદી, સરોવર, મહાસાગર, પહાડોમાં ઈશ્ર્વર જોઈ શકાય. આ બધાં ઈશ્ર્વરના ચહેરા છે. બધે જ ઈશ્ર્વરની હાજરી જોઈ શકાય છે. લોકો શા માટે કહે છે કે ઈશ્ર્વર દેખાડો. ઈશ્ર્વર તો બધે જ દેખાય છે. 

ઘણા વિચિત્ર લોકો એમ પણ કહે છે કે ઈશ્ર્વર હોય તો તે એવો પથ્થર બનાવે જે કોઈ તોડી ન શકે. જો ઈશ્ર્વર તેને તોડી ન શકે તો તે ઈશ્ર્વર નથી અને તોડે તો પણ તે ઈશ્ર્વર નથી. આવી વાહિયાત વાતો ઈશ્ર્વરમાં ન માનનારા માણસો કરતા હોય છે. 

બ્રહ્માંડની રચના અને ગતિવિધિ સમજવાના આઈન્સ્ટાઈનના સમીકરણો અને સૂત્રોમાં એક અચલ (constant) આવે છે. તેને કોસ્મોલોજિકલ કોન્સ્ટન્ટ કહે છે. આ અચલમાં તસુભાર પણ ફેરફાર કરવામાં આવે તો દેખાય કે બ્રહ્માંડનું અસ્તિત્વ જ ન રહે. તો પ્રશ્ર્ન થાય કે આમ શા માટે? બ્રહ્માંડની આવી ડિઝાઈન કેવી રીતે અસ્તિત્વમાં આવી? (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=170160

16-08-2015

                                  
                   

પુરાતન સમયમાં લોકો દૈવીશક્તિમાં માનતા. જ્યારથી વિજ્ઞાને પ્રગતિ કરી ત્યારથી માપન અને પ્રયોગો શરૂ થયાં. જે માપી ન શકાય, જે પ્રયોગ વડે સાબિત કરી ન શકાય તેમાં માનવાનું લોકોને ન ગમવા માંડ્યું અને ઈશ્ર્વરમાંથી શ્રદ્ધા ડગવાની શરૂઆત થઈ. જીવન ઈશ્ર્વરની દેન છે. તેમાં માનવાનું ધીરે ધીરે બંધ થવા લાગ્યું, અને એમ મનાવા લાગ્યું કે જીવન ગહન કેમિસ્ટ્રીનું પરિણામ છે. તેમાં વળી ન્યુટને ડાયનામિક્સ આપ્યું જે દર્શાવે છે કે બ્રહ્માંડ એક યંત્ર છે. આ યંત્ર કેવી રીતે આવે છે? તો કહે ઊર્જા વડે. આ ઊર્જા ક્યાંથી આવી? તે પ્રશ્ર્નનો જવાબ મળતો નથી. તેમાં વળી ડોક્ટરોએ સાબિત કર્યું છે કે શરીર પણ એક યંત્ર છે અને હૃદય માત્ર લોહીનો પંપ છે. પણ પ્રથમ ધડકન કોણે શરૂ કરી? છેલ્લી ધડકન વખતે ચેતના ચાલી જાય છે તે ચેતના શું છે? કોઈને ખબર નથી. 

તેમાં વળી કાર્લ માર્ક્સ જેવા વિચારકોએ જાહેર કર્યું કે ધર્મ તો અફીણ સમાન છે. ધર્મના સ્થાપિત હિતો કહેવા લાગ્યા કે વિજ્ઞાન ધર્મનું દુશ્મન છે. વિજ્ઞાન ધર્મને છિન્ન-વિછિન્ન કરે છે. તેઓ જાણતા ન હતા કે સાચો ધર્મ શું? સાચા ધર્મને કોઈ પણ છિન્ન-વિછિન્ન કરી ન શકે. જેમ સૂર્યને કોઈ ઢાંકી ન શકે, જે કહેવાતો ધર્મ ચાલે છે તે તો વેપાર અને કર્મકાન્ડ જ છે. વિજ્ઞાન તો હકીકતમાં ધર્મનું હૃદય છે અને તે ધર્મને ચકાચક રાખવા માગે છે. આમ મનુષ્ય અને ઈશ્ર્વર વચ્ચે ખાઈ વધતી ચાલી. ધર્મનાં સ્થાપિત હિતો કહેવા લાગ્યાં કે વિજ્ઞાને માનવી અને ઈશ્ર્વર વચ્ચેની ખાઈ વધારી છે. હકીકતમાં ધર્મનાં સ્થાપિત હિતોએ એવાં એવાં કર્મો કરી, માનવી અને ઈશ્ર્વર વચ્ચે ખાઈ વધારી છે. મંદિરની બહાર પણ માંગણ અને ભિખારીઓ હોય છે અને મંદિરની અંદર પણ ભિખારીઓ જ હોય છે. ધર્મ અને ઈશ્ર્વરની મહાનતાને તેઓ સમજતા નથી. 

ઈશ્ર્વર કાંઈ દૂર દૂર બેઠેલો સર્વશક્તિમાન વ્યક્તિ નથી જે વિશ્ર્વતંત્રને ચલાવે છે. તે તો વિશ્ર્વવ્યાપી-સર્વવ્યાપી ઊર્જા છે, ચેતના છે જે દેખાતી નથી, પણ બધાં જ કાર્યો કરે છે. 

આ બ્રહ્માંડમાં બધે જ સીમા (લિમિટ Limit) છે. ક્ષિતિજને લિમિટ શ્ર્વેતવામન તારાના મૂળ પદાર્થના જથ્થા પર લિમિટ, ન્યુટ્રોન તારાના મૂળ પદાર્થના જથ્થા પર લિમિટ, સૂર્યમાળાને લિમિટ, મંદાકિનીને પણ લિમિટ અને બ્રહ્માંડને પોતાને લિમિટ. તો આમ બધે લિમિટ શા માટે?

લોકોમાં ઠસાવવામાં આવ્યું કે જે વિજ્ઞાન ન આપી શકે તે કોઈ બીજું આપી ન શકે. આમ વિજ્ઞાન અને ધર્મનાં સ્થાપિત હિતોએ લોકોમાં જબ્બર ગૂંચવણ પેદા કરી.

ઈશ્ર્વર છે તે વાતમાં પણ ગર્ભિત છે કે ઈશ્ર્વર નથી, કારણ કે તેને આપણે બતાવી તો શકતા નથી અને ઈશ્ર્વરનું નથી તે વાતમાં પણ ગર્ભિત છે કે ઈશ્ર્વર છે. ઈશ્ર્વર નથી તો ક્યાં ઈશ્ર્વર નથી? ઘણા લોકો માને છે કે ઉજ્જૈનના મંદિરમાં પાણી ભરાઈ ગયું તો ઈશ્ર્વર ત્યારે ક્યાં ગયો હતો કે તેણે પોતાના જ મંદિરમાં પાણી ભરાયું તો કાંઈ કર્યંુ નહીં? વાત એમ છે કે તેઓ સમજતા નથી કે મંદિર પણ તે છે, પાણી પણ તે છે અને મૂર્તિ પણ તે છે. માટે કોઈ ક્ષોભ પામવાની વાત નથી. મહાશિવરાત્રીના દિને દયાનંદ સરસ્વતીએ એક ઉંદરને શંકર ભગવાનની પિંડી પર ફરતો જોયો ત્યારે તેમને થયું કે આ ભગવાન? એક ઉંદરને પણ ભગાડી ન શકે? અને તેમણે મૂર્તિપૂજાને તિલાંજલિ આપી, પણ જો શંકર ભગવાનને ત્યારે તેમણે, સાંભળ્યા હોત તો તે કહેત કે દયાનંદ, ક્ષોભ ન પામ. ઉંદર પણ હું છું, પિંડી પણ હું છું, આ મંદિર પણ હું છું અને તું પણ હું જ છું. 

ઈશ્ર્વરને સમજવો, કુદરતને સમજવી, બ્રહ્મને સમજવું તે બહુ જ એબ્સ્ટ્રેક્ટ છે. અમૂર્ત છે. માટે મૂર્તિપૂજા અસ્તિત્વમાં આવી અને જાતજાતના દેવતા અસ્તિત્વમાં આવ્યા. સાથે સાથે તેમને સંબંધિત કથાઓ, કર્મકાંડો, માન્યતાઓ અસ્તિત્વમાં આવ્યા. ૩૩ કરોડ દેવતા અસ્તિત્વમાં આવ્યા. વેદ કહે છે એકદ્ સદ્વિપ્રા: બહુધા વદન્તિ/અર્થાત્ સત્ય પામવાના ઘણા રસ્તા છે. જેમ એક બિન્દુથી બીજા બિન્દુએ જવાના ઘણા રસ્તા છે, એક પ્રમેયને સાબિત કરવાના પણ બે-ત્રણ રસ્તા હોઈ શકે છે. માટે લોકોને તેમની શ્રદ્ધા મુજબ સત્ય પામવા દો. તેમનો રસ્તો સાચો હશે તો તેમને જરૂર સત્ય મળશે, નહીં તો ઠેબાં ખાશે. રેશનાલિસ્ટો જે ઈશ્ર્વરને નથી માનતા તે પણ સત્ય પામવાનો એક રસ્તો જ છે. 

શ્રદ્ધા, દિવ્ય વસ્તુ છે. શ્રદ્ધા જ છેવટે સિદ્ધિ અપાવે છે. શ્રદ્ધામાં આપણે ઈશ્ર્વરનો ચહેરો જોઈએ છીએ. તે શ્રદ્ધા પછી અંધશ્રદ્ધા, ખોટી માન્યતા કે વહેમ ન હોવા જોઈએ. 

કલાકારો, વિજ્ઞાનીઓ, સંગીતકારો, ચિત્રકારો, દાર્શનિકો, કવિઓ વગેરેમાં કયું એવું તત્ત્વ છે જે તેમને સતત, વિટંબણામાં પણ તેમની આરાધના ચાલુ રાખવા પ્રેરે છે. 

સર્વવ્યાપી કુદરત જ ઈશ્ર્વરનું સ્વરૂપ છે. ગીતાના વિભૂતિયોગ અને વિશ્ર્વદર્શન યોગમાં આ વાત સ્પષ્ટ થઈ શકે છે. આપણને જ્યાં ક્યાંય તેજ દેખાય છે તે ઈશ્ર્વર છે. ઈશ્ર્વરને શોધવા જવાની જરૂર નથી તે અત્ર તત્ર સર્વત્ર આપણને દેખાય છે. 

શ્રદ્ધા, સત્ય, જ્ઞાન, અનુકંપા, દયા, ભાવના, કરુણા, સંવેદના અહિંસામાં ઈશ્ર્વરનું સૌમ્ય અને સુન્દર રૂપ દેખાય છે, જ્યારે ધરતીકંપ, જ્વાલામુખી, પાણીનાં પૂર, સુનામી, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આકાશમાંથી આવી પડતા લઘુગ્રહો, કુદરતનું-ઈશ્ર્વરનું રૌદ્ર સ્વરૂપ છે. શ્રદ્ધાળુનો ઈશ્ર્વર એ વિજ્ઞાનીની કુદરત છે અને શ્રદ્ધાળુના ઈશ્ર્વરના નિયમો, વિજ્ઞાનીના કુદરતના નિયમો છે. 

રસપ્રદ વાત એ છે કે બ્રહ્માંડમાં કોઈ પણ બનાવ બને તે કદી નાશ પામતો નથી, કારણ કે પ્રકાશની ગતિ સીમિત છે અને બ્રહ્માંડ વિસ્તૃત થતું જાય છે. આપણે માત્ર બ્રહ્માંડમાં ભૂતકાળ જ જોઈ શકીએ છીએ. 

કોઈ વાર પ્રશ્ર્ન કર્યો છે કે ઈલેક્ટ્રોનનું અસ્તિત્વ ન હોય તો શું થાત? કદી કલ્પના કરી છે કે ઈશ્ર્વર ન હોત તો ફિલોસોફરો, દાર્શનિકો, સાહિત્યકારો, કવિઓ, કથાકારો, કલાકારો, ચિત્રકારો, સંગીતકારો, ગાયકો, ભજનિકો, પૂજારીઓ, પંડા, પંડિતો વગેરેનું શું થાત? તેઓ તેમની આજીવિકા કેવી રીતે ચલાવત?

એક બહુ સરસ કવિતા છે, તેના કવિનું નામ મને ખબર નથી. આ કવિતા નીચે પ્રમાણે છે:

મંદિર તારું વિશ્ર્વ રૂપાળું

સુન્દર સર્જનહારા રે

પળ પળ તારા દર્શન થાયે

દેખે દેખણહારા રે

નહીં પૂજારી, નહીં કોઈ દેવા 

નહીં મંદિરને તાળાં રે

નીલ ગગનમાં મહિમા ગાતા

ચાંદો સૂરજ તારા રે

વર્ણન કરતાં શોભા તારી, 

થાક્યા કવિગણ ધીરા રે, 

મંદિરમાં તું ક્યાં છુપાયો

શોધે બાળ અધીરાં રે...

-જયંતીલાલ આચાર્ય 

જેના પળ પળ દર્શન થાય છે, પણ તે મંદિરમાં ક્યાં છુપાયો તેની આપણને ખબર નથી, આ બહુ અર્થગર્ભિત અને અર્થપૂર્ણ કવિતા છે. તે ઈશ્ર્વર છે એમ પણ કહે છે અને ઈશ્ર્વર નથી એમ પણ કહે છે. તે જ ઈશ્ર્વરનું સાચું સ્વરૂપ છે. 

પૃથ્વી પર ૮૪ લાખ યોનિ છે. આંબા પર કેરી જ થાય. દાડમ ન થાય. જોકે હવે કલમો બાંધીને એક વૃક્ષ પર કૃત્રિમ રીતે ઘણા પ્રકારનાં ફળો ઉગાડી શકાય છે, પણ આંબલીના વૃક્ષ પર કેળાં ન થાય. આવું કુદરતનું સ્વરૂપ સમજાતું નથી. માટે ઈશ્ર્વર અસ્તિત્વમાં આવે છે. ૮૪ લાખ જાતનાં જીવ-જંતુ શા માટે? આપણે અંતિમ તત્ત્વ તો એક છે જેને આપણે શોધી રહ્યા છીએ તે ઈશ્ર્વર. આ અલગ અલગ જાતની યોનિયો શા માટે અને કેવી રીતે ઉત્પન્ન થતી હશે?

મહાનતા એમાં છે કે આપણે વિશ્ર્વચેતનાના અંશનું જે આપણામાં છે તેનંું નિરુપણ સુપેરે કરીએ. માનવજાતના ભલા માટે કરીએ અને જેમ કલામસાહેબ સારાં કાર્યો કરી, સુંદર જીવન જીવીને પરમ ચેતનામાં સમાઈ ગયા તેમ પરમ ચેતનામાં સમાઈ જઈએ. મૂળભૂત પંચમહાભૂતમાં ભળી જઈએ. કરુણા, ભાવના, દયા, સંવેદના અહિંસા તેનું નિરૂપણ છે.

આટ આટલાં દેવી દેવતા હોવા છતાં છેવટે હિન્દુત્વ એક ઈશ્ર્વરવાદી છે. (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=170726

23-08-2015                                                                                                                                       
                                   


   ગ્રહો દડા જેવા ગોળ છે. પૃથ્વી દડાં જેવી ગોળ છે. બીજું પૃથ્વી સ્વયં પ્રકાશિત નથી અને અપારદર્શક છે. તેની એકબાજુ સૂર્યનો પ્રકાશ રહે છે માટે ત્યાં દિવસ રહે છે અને તેની વિરુદ્ધમાં રાત રહે છે. જો આમને આમ રહે તો વિશ્ર્વના ભાગમાં રહેતા માનવીઓ કંટાળી જાય, મૃત્યુ થઈ જાય. તેવું જ રાતના ભાગમાં રહેતા માનવીઓનું બને. કુદરતે માનવીઓ માટે પૃથ્વીને દડા જેવી ગોળ બનાવી અને તેની ધરી પર ગોળ ગોળ ઘૂમતી કરી જેથી માનવીઓ રાત-દિવસની મઝા માણે અને કંટાળી ન જાય. તેમ છતાં આવી ધરીવાળી ઘૂમતી પૃથ્વી પણ માનવીઓ માટે પર્યાપ્ત નથી, કારણ કે આવી સીધી ધરીવાળી પૃથ્વી પર ઋતુઓ ન થાય, શિયાળો, ઉનાળો, ચોમાસુ ન થાય માટે કુદરતે પૃથ્વીની ધરી વાંકી કરી જેથી પૃથ્વી પર ઋતુઓ થાય અને માનવી આવી નંદનવન જેવી પૃથ્વી પર આરામથી રહે. વાહ, કુદરત વાહ. તેમ છતાં માનવી પોતાના દુર્ગુણોથી દુ:ખી થાય છે અને દુર્ભાગ્યને પ્રાપ્ત થાય છે. કુદરતે આવી પરિસ્થિતિ સર્જી તેથી જ તો અહીંયા જીવન શરૂ થયું અને હાલ સુધી ટક્યું છે. શું કુદરતે પૃથ્વી પરના જીવનને ઉત્પન્ન કરવા, ટકાવી રાખવા, પૃથ્વીને નંદનવન બનાવવા જ આ પરિસ્થિતિ સર્જી હશે આનો જવાબ મળતો નથી. 

જો પૃથ્વી સૂર્યની પરિક્રમા ન કરે તો તે સૂર્ય સાથે ભટકાઈને નાશ પામે માટે કુદરતે પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરતી કરી. આમ જ્યારે કુદરતના કામ કરવાના એક એક પાસાં પર વિચાર કરીએ તો આપણું મગજ કામ ન કરે. માટે ઈશ્ર્વરનો વિચાર અસ્તિત્વમાં આવ્યો. ઈશ્ર્વર એટલે કુદરત. શા માટે કુદરત? એ જ મોટો પ્રશ્ર્ન છે શા માટે બ્રહ્માંડમાં આવું બધું દેખાય છે.

પૃથ્વીને વાયુમંડળ ન હોત તો? તો આપણે ઈશ્ર્વર છે કે નહીં તેવું વિચારવા અને પ્રશ્ર્ન કરવા અહીં હોત જ નહીં. આપણા અસ્તિત્વ સામે જ સવાલ છે શા માટે આપણું અસ્તિત્વ અસ્તિત્વમાં આવ્યું છે? છે એનો જવાબ. 

પૃથ્વીને જો ચુંબકીયક્ષેત્ર ન હોય તો પણ આપણે અહીં હોત નહીં. શા માટે ચુંબકીય ક્ષેત્ર, શા માટે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર, શા માટે આણ્વિક અને રેડિયો-એક્ટિવિટી? કુદરતે કેવી બધી લીલા કરી છે. કેવું બધું સર્જન કર્યું છે? અને શા માટે? આ બધું સમજાતું નથી. માટે ઈશ્ર્વર નામનો શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. 

પૃથ્વીના વાયુમંડળમાં કાર્બનડાયોક્સાઈડ વાયુ છે. આ વાયુ જીવનને હાનિકારક મનાય છે પણ હકીકતમાં પૃથ્વી પર જે જીવન ટકી રહ્યું છે ને તે કાર્બનડા-યોક્સાઈડની હૂંફના કારણે જ ટકી રહ્યું છે. તે જરા પણ વધી જાય તો ગ્લોબલ વોર્મિંગ લાવે, ઘટી જાય તો હિમયુગ લાવે, ઓક્સિજન બળવાની ક્રિયાને મંદ કરે છે. વાયુમંડળમાં તે લગભગ ર૦ ટકા છે. બીજો નત્રવાયુ (નાઈટ્રોજન) નિષ્ક્રિય વાયુ છે પણ જો તે વાયુમંડળમાં ન હોય તો આપણે બે હાથની હથેળીને ઘસત અને ભડકો થાત.

ઘણી વાર આપણને એ સમજાતું નથી કે આ દુનિયામાં લફંગા-ગુંડા-નકામા માણસ કેમ લહેર કરે છે અને પ્રામાણિક અને સજ્જનો વિવિધ આપત્તિથી પીડાય છે? તો સ્વાભાવિક રીતે જ પ્રશ્ર્ન ઊઠે છે કે ઈશ્ર્વર હોય તો આવું થાય? તેેને માટે લોકો દલીલ કરે છે કે તે તો તેના પૂર્વજન્મના કર્મોનું ફળ છે. વિજ્ઞાન આ માટે સઘન પુરાવા માગે છે.

અઢારમી અને ઓગણીસમી સદીમાં ફ્રાન્સમાં પિયરી સાયમન દ લાપ્લાસ નામનો મોટો ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતો તે ફ્રાન્સના રાજાના દરબારનો વિજ્ઞાની હતો. એક દિવસ ફ્રાન્સના રાજાએ લાપ્લાસને પૂજ્ય કે સાહેબ, તમારા વૈજ્ઞાનિક સંશોધનમાં તમને ક્યાંય ઈશ્ર્વરની હાજરી દેખાય? તમને ક્યાંય ઈશ્ર્વરની મદદની જરૂર પડી? લાપ્લાસે કહ્યું, મહારાજા મને મારા કાર્યમાં ક્યાંય ઈશ્ર્વર દેખાયો નથી, નથી મને મારા કાર્યમાં તેની જરૂર પડી. વાસ્તવમાં લાપ્લાસે જે મહાન સંશોધન કર્યું તે જ ઈશ્ર્વરનો ચહેરો છે.

પૃથ્વીની સૂર્યમાળામાં એવી જગ્યા છે જ્યાં સૂર્યનો ખૂબ તાપ નથી અને ખૂબ ઠંડી નથી. માટે જ પૃથ્વી પર જીવન અસ્તિત્વમાં આવ્યું છે. પૃથ્વીની આવી સ્થિતિ કોણે સર્જી? શા માટે સર્જી? આ પ્રશ્ર્નનો જવાબ નથી. કુદરતની આવી બાબતને જ આપણે ઈશ્ર્વરની કરામત કહીએ છીએ. 

સમય જ ઈશ્ર્વરનું સ્વરૂપ છે. તેમાં બધા જન્મે છે. અને તેમાં બધા નાશ પામે છે. બ્રહ્માંડમાં અગ્નિ સર્વવ્યાપી છે. તે પણ ઈશ્ર્વરનો ચહેરો છે. અગ્નિ એટલે પ્રકાશ, અગ્નિ એટલે ઊર્જા બ્રહ્માંડ છે તો આપણે છીએ. અને આપણે છીએ તો બ્રહ્માંડનું અસ્તિત્વ અર્થપૂર્ણ બને છે. એપ્રિસિયેટ થાય છે. 

આજનો માનવી સ્વાર્થી, લુચ્ચો, નીતિમત્તા વગરનો અપ્રમાણિક ધનપ્રેમી, પ્રેમ-કરુણા-ભાવના વગરનો હલકી કોટીનો થતો જાય છે. ત્યાં ઈશ્ર્વર છે કે નહીં તેવી વાત માંડવાનો કોઈ અર્થ નથી. જેમ કાયદા લોકોને ડરાવવા માટે, શિસ્તમાં રાખવા માટે છે, તેમ ઈશ્ર્વર પણ લોકોને ડરાવવા માટે છે. જેથી તે સીધે રસ્તે ચાલે, પણ હવે એક ટકા લોકોને પણ ઈશ્ર્વરનો ડર રહ્યો નથી, એટલે કે તેમને ઈશ્ર્વરની હાજરી દેખાતી નથી. આ લોકો માટે તો ઈશ્ર્વર ક્યારનોય મરી પરવાર્યો છે. લોકો સજ્જનને મૂર્ખ માને છે. રુશ્વત ન લે કે ન દે તેને મૂર્ખ માને છે. અણહક્કનો પૈસો ઘરમાં આવે છે. તેને કમાણી કહે છે અને અણહક્કના પૈસા આવતા હોવાથી મોજ-મઝા કરે છે. દરરોજ નાનાં-મોટાં કોભાંડો દેખાય છે. દુષ્કૃત્યો થાય છે. વાડ જ ચીભડા ગળે છે. આ જ દર્શાવે છે કે લોકો ઈશ્ર્વરની હાજરી મહેસૂસ કરતા જ નથી. એટલે કે સાબિત થાય છે કે તેઓ માટે ઈશ્ર્વર નથી માટે રેશનાલિસ્ટો માટે ઈશ્ર્વર નથી તેવું સાબિત કરવાનું રહેતું નથી. આવી પરિસ્થિતિમાં માત્ર નોન રેશનાલિસ્ટોને સાબિત કરવાનું રહે કે ઈશ્ર્વર છે. 

ઘણીવાર થાય છે કે આ દુનિયામાં કીડીને કણ, હાથીને મણ સૌને સૌનું જાય મળી કેવી રીતે થતું હશે. માત્ર માણસને જ રોટી-કપડાં-મકાનની ચિંતા છે. બાકી કોઈ પશુ-પંખી અને પ્રાણીઓેને નથી. 

ધર્મ-આધ્યાત્મિકતા કહે છે કે છેવટે એક જ તત્ત્વમાંથી બધું ઉત્પન્ન થયું છે. આ બાબત વિજ્ઞાન ધર્મની સાથે સો ટકા સહમત થાય છે. તે તત્ત્વને જ આપણે ઈશ્ર્વર કહીએ છીએ. તે તત્ત્વ છેવટે ચેતના છે. પ્રાચીન ઋષિ-મુનિઓએ તેને બ્રહ્મ કહ્યું છે. 

લોકો કહે છે જન્મ-મરણ અને લગ્ન કોઈના હાથમાં નથી. જન્મ તો જ્યાં થાય ત્યાં થાય છે. ગરીબ મા-બાપના ઘરે જન્મ થાય તો કુદરતી રીતે જ જીવન સખત હોય છે. પણ ઝૂંપડામાં પણ રતન પાકે છે. રામાનૂજન, ફેરેકે, એડિસન, આંબેડકર, એ.પી.જે. અબ્દુલ કલામ તેનાં ઉદાહરણો છે. ધનવાન મા-બાપના ઘરે જન્મ થાય તો કુદરતી રીતે જ જીવન સુખમય હોય છે. પણ મહેલમાં પણ પથ્થરા પાકે છે. મરણનો જ્યાં સુધી સવાલ છે, કોઈને પણ ખબર નથી કે તે ક્યાંથી આવશે. જતાં જતાં અજવાળામાં કે અંધારામાં ઠેસ વાગે અને માનવી મૃત્યુ પામે છે. ફૂટપાટ પર માનવી ચાલતો હોય અને પાછળથી તેની પર મોટરકાર ચઢી જાય ને તેનું મૃત્યુ થાય છે. લોકલ કે મેઈલ ટ્રેનમાં માનવી પ્રવાસ કરતો હોય અને બહારથી અનિષ્ઠ તત્ત્વ ખૂબ જ રમરમાવીને પથ્થર મારે તો બારીમાંથી તે પથ્થર મુસાફરને લાગે અને તેની આંખ જાય છે. માટે તો ટ્રેઈનમાં હવે જાળી મૂકવામાં આવે છે. રાજીવ ગાંધી દિલ્હીથી પેરેમ્બુદુર આવે છે ત્યાં તેનું મૃત્યુ થાય છે. કલામ સાહેબનું અચાનક મૃત્યુ થાય છે. બસમાં મુસાફરી કરતા લોકોની બસ ખાઈમાં પડે છે અને બધાનું મૃત્યુ થાય છે. માણસ રસ્તે ચાલ્યો જતો હોય અને મકાનની અટારી તેના પર પડે છે અને તેનું મૃત્યુ થાય છે. 

કારના અકસ્માતોમાં માનવી ક્ષણવારમાં મૃત્યુ પામે છે. તો વળી ચોથા માળેથી પડેલું બાળક ખડખડાટ હસતું રહે છે કે નીચેથી ગાદલા ભરેલી ટ્રક પસાર થાય છે. અને બાળક તેમાં પડે છે. અને તે ખીલખીલાટ હસતું હોય છે આમ માનવી તેના મરણની આગાહી કરી શકતો નથી તેના સમય અને સ્થળની પણ કરી શકતો નથી. કલામ સાહેબ એરોડ્રામથી સિલોંગ જતા હતા ત્યારે તેના રક્ષકે ભરી બંદૂકે ઊભા રહીને કલામ સાહેબની કાર પાછળ દોડતી જીપમાં કલામ સાહેબની અનિષ્ઠ તત્ત્વોથી રક્ષા કરી હતી. ગેસ્ટ હાઉસ પહોંચ્યા પછી કલામ સાહેબે તે જવાનને બોલાવી તેનો આભાર માન્યો હતો અને તેનું સન્માન કર્યું હતું. ત્યારે તે બિચારા જવાનને ક્યાં ખબર હતી કે કલામ સાહેબ અર્ધો કલાક પછી જ મહાપ્રયાણ કરવાના છે. કલામ સાહેબની તેણે રક્ષા કરી પણ હકીકતમાં કલામ સાહેબનું મૃત્યુ તેની સાથે જ ચાલતું હતું. યમરાજ તેમની સાથે જ ચાલતા હતા. 

જ્યાં સુધી લગ્નની વાત છે કોણ ક્યાં કોની સાથે ભટકાઈ જાય છે તેની ખબર જ પડતી નથી. જીવનમાં આપણને ક્યાં કેવા કેવા માણસો મળી જાય છે તેની કલ્પના જ નથી હોતી. કોઈ આપણું સારું કરે છે તો કોઈ આપણું બૂરું કરે છે. આપણા જ માણસો આપણું બૂરું કરે છે. જગતમાં ખૂન ખરાબા બધેજ ચાલે છે. જીવનમાં ક્યાંનું ક્યાં કનેકશન લાગે છે તે વિચારતા કરી મૂકે છે. જીવનમાં સારા માણસો મળે તો નીચ સ્તરનું જીવન ઊજવળ બને છે અને ખરાબ માણસો મળે તો ઉચ્ચ સ્તરનું જીવન અંધકારમય બને છે. (ક્રમશ:)  

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=171346
                

30-08-2015

                               


(ગયા અંકનું ચાલુ)

બ્રહ્માંડની સૂક્ષ્માતિસૂક્ષ્મથી માંડી વિરાટ સુધી રચના એવી છે કે આપણને અચંબામાં નાખ્યા વગર રહે જ નહીં. થાય કે દરેકે દરેક જીવની, દરેકે દરેક વસ્તુની આવી ડિઝાઈન કોણે બનાવી હશે. કેવી રીતે બનાવી હશે. તેમના આકારો, રંગ, રૂપ ખરેખર અદ્ભુત. આ અચંબામાં જ ઈશ્ર્વરનો જન્મ થયો છે. ઈશ્ર્વર દેખાય છે, ઈશ્ર્વરની હાજરી મહેસૂસ કરી શકાય છે જે તે જે દેખાતો નથી, પણ દેખાય છે. બ્રહ્માંડમાં દરેકે દરેક વસ્તુની ઉપયોગિતા છે. માત્ર ઉપયોગિતા જ નહીં પણ વિશિષ્ટ ઉપયોગિતા છે. દરેકે દરેકના અસ્તિત્વ પાછળ કારણ છે. એક વસ્તુની ગેરહાજરી ખાલી જગ્યા બતાવે છે. માટે કોઈ ડિઝાઈનર છે? એવા પ્રશ્ર્ન ઊભો થાય છે. બ્રહ્માંડને ઉત્પન્ન થયાનો કોઈ હેતુ ખરો? બ્રહ્માંડની આવી રચનાને લીધે કોઈ અમને કહે ‘ઈશ્ર્વર છે’ તેના પર વ્યાખ્યાન આપો તો અમે એ પ્રમાણે અમારું વ્યાખ્યાન આપીએ. કોઈ કહે, ‘ઈશ્ર્વર નથી’ તેના પર વ્યાખ્યાન આપો તો અમે એ પ્રમાણે વ્યાખ્યાન આપીએ. બંને સાચા હોય તો આવું ક્યારે બને? ઈશ્ર્વર હોય તો કે ન હોય તો? માને તેમના માટે ઈશ્ર્વર છે. ન માને તેમના માટે ઈશ્ર્વર નથી. માટે ઈશ્ર્વરમાં માનવું ન માનવું તે વ્યક્તિગત રાખવું સારું છે. ધર્મનું પણ એવું જ છે. તે વ્યક્તિગત છે. માટે આ બાબતે વધારે ડહાપણ ડહોળવું નકામું છે. 

ભારત જીવંત વિરોધાભાસનો દેશ છે. અહીં તલસ્પર્શી જ્ઞાન છે. સાથે સાથે બધે અજ્ઞાન પણ પ્રવર્તે છે. ભારત ઉચ્ચ આધ્યાત્મિકતાનો દેશ છે. સાથે સાથે અહીં વહેમ, અંધશ્રદ્ધા, ખોટી માન્યતાઓ પણ એટલી જ દેખાય છે. ભારત વસુધૈવ કુટુંબકમ્નો દેશ છે, પણ અહીં ઊંચ-નીચના ભેદ, જાતીય અને પ્રાંતીય સંકુચિતતા પણ એટલી જ પ્રસરેલી છે. 

ભારતીયો જીવનની જાતજાતની મુશીબતોને સ્વસ્થતાથી સહન કરી શકે છે, વૈશ્ર્વિક મંદી પણ તેની પાછળ ભારતની આધ્યાત્મિકતા છે. તેનો જ જો આપણે છેદ ઉડાડી દઈશું તો આપણે ક્યાંયના પણ નહીં રહીએ, જે લોકોમાં આધ્યાત્મિકતા નથી તે લોકો ડિપ્રેશનમાં સરી જાય છે અને છેવટે આપઘાત પણ કરી લે છે. આધ્યાત્મિકતાના ઉચ્ચસ્તરે બ્રહ્માંડ પણ નિરપેક્ષ નથી. તે સાપેક્ષ છે, તે માયા છે. એ અર્થમાં આદ્ય શંકરાચાર્યે કહેલું બ્રહ્મ સત્ય જગત મિથ્યા. 

ન્યુટનના ડાયનામિક્સમાં ફોર્સ (બળ) પ્રવર્તે છે. આઈન્સ્ટાઈન કહે છે કે બળ જેવું કાંઈ છે જ નહીં એ તો અંતરીક્ષનો વક્ર છે. આ એક જ વસ્તુને જોવાના બે રસ્તા છે. એક મૂર્ત જેવું છે તો બીજું અમૂર્ત.

બ્રહ્માંડમાં જે પરિસ્થિતિ પ્રવર્તે છે ને તે જ ઈશ્ર્વર છે. તેને ગોતવા જવો પડે તેમ નથી. તેનું પર્સનીફિકેશન થઈ શકે તેમ નથી. પદાર્થ એ ચૈતન્યની વ્યુત્પત્તિ છે. 

આપણે આપણી આસપાસ જોઈએ તો લાગે કે આપણે વિશ્ર્વના કેન્દ્રમાં છીએ, જ્યાં જઈએ ત્યાં એમ જ લાગે. એટલે કે વિશ્ર્વનું દરેકે દરેક બિન્દુ વિશ્ર્વનું કેન્દ્ર છે અને વિશ્ર્વનું કોઈ પણ બિન્દુ વિશ્ર્વનું કેન્દ્ર નથી. બધામાં ઈશ્ર્વર છે, પણ ઈશ્ર્વર ક્યાંય નથી. સૂર્ય, પાણી, વાયુ, અંતરીક્ષ, અગ્નિ જીવાડેે છે અને તે મારી પણ શકે છે. બ્રહ્માંડ માટે આપણે ખૂબ જ મહત્ત્વના છીએ, તેમ છતાં આપણે કોઈ જ મહત્ત્વના નથી. માટે આપણે ગર્વ લેવા જેવું પણ છે અને ગર્વ નહીં લેવા જેવું પણ છે. 

આપણે દરેકે દરેક સર્જનનો ભાગ છીએ. અને સર્જન તે જ ઈશ્ર્વર. આમ આપણે દરેકે દરેક ઈશ્ર્વરનો અંશ છીએ. તમે ઈશ્ર્વર શબ્દમાંથી અટકી શકો જ નહીં. વૈશ્ર્વિક ચેતના જ ઈશ્ર્વર છે. ટેબલ ટેબલ રહે છે. અથવા તો કોઈ વસ્તુ એ જ વસ્તુ રહે છે. કારણ કે પ્રથમ તો અણુ-પરમાણુ ઉત્પન્ન થયાં છે. અણુ-પરમાણુ ક્યાંથી, કેવી રીતે અને શેમાંથી ઉત્પન્ન થયાં છે તે ચેતના-ઊર્જામાંથી ઉત્પન્ન થયાં છે. તેના પર એવું બળ લાગે છે કે ટેબલ ટેબલ રહે છે અથવા કોઈ વસ્તુ તે વસ્તુ જ રહે છે. 

બ્રહ્માંડમાં ખરેખર કાંઈ જ વાસ્તવિક નથી. બધે જ આભાસ છે. માયા છે, વસ્તુ છે, પણ તે વ્યવસ્થિત સ્થાપિત વસ્તુરૂપે છે. ખરેખર વાસ્તવિક ચેતના-ઊર્જા છે જેને આપણા મહાઋષિઓએ બ્રહ્મન નામ આપ્યું છે. અહીં ઈશ્ર્વર અને નો ઈશ્ર્વરનો પ્રશ્ર્ન ઊભો થતો જ નથી. ચેતના જ ઈશ્ર્વર છે. તમે કયા પ્લેટફોર્મ પરથી બ્રહ્માંડને જુઓ છો તેવું બ્રહ્માંડ તમને દેખાય છે. બ્રહ્માંડને પોતાને કોઈ નિરપેક્ષ (absolute) રંગ, રૂપ કે ગંધ નથી.

હું તમને ઈશ્ર્વર તો દેખાડી નહીં શકું, પણ બ્રહ્માંડની રચના એવી છે જે જોઈને આપણે આશ્ર્ચર્ય પામીએ અને આ બ્રહ્માંડની રચના આવી શા માટે છે તેનો જવાબ ન મળે ત્યાં સુધી તેને કુદરતની લીલા કે ઈશ્ર્વરની લીલા એમ કહીને નવાઈ શકાય. એમાં કોઈને વાંધો ન હોવો જોઈએ.

મોટા મોટા ડોક્ટરો જ્યારે બહુ કોમ્પ્લિીકેટ ઓપરેશન કરે છે ત્યારે દર્દી જીવશે કે નહીં તે વાત માટે ઈશ્ર્વરને યાદ 

કરે છે. 

જ્યારે કોઈ વસ્તુનો ભેદ-ભરમ સમજાય છે ત્યારે તે કુદરતની લીલાને સ્થાને વિજ્ઞાન આપે છે. વિજ્ઞાન પણ ઈશ્ર્વરનો ચહેરો જ છે. 

ઈશ્ર્વર એક પાયાની ધારણા (Basic Assumption) છે. ધારણા (Assumption)ની સાબિતિ હોતી નથી. આવે વખતે આપણને નરસિંહ મહેતાનું પદ યાદ આવે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજયેરૂપે અનંત ભાસે, ઘાટઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોયે.

જીવનમાં ક્યાં ક્યાંથી બધા ભટકાઈ જાય છે. તમે મારા લેખના વાચકો મને ભટકાઈ ગયાં છો અને હું તમને ભટકાઈ ગયો છું. કેવી રીતે? આ બધું જ્યાં સુધી સમજાતું નથી ત્યાં સુધી ઈશ્ર્વરનો Role છે, અને આ બધું પૂરું સમજાશે નહીં ત્યાં સુધી ઈશ્ર્વરનો Role  રહેશે.

પહેલાં તો કુદરત શું છે તે જ ખબર નથી. એ માત્ર સિમ્બોલિક નામ છે. 

મહાલક્ષ્મી ટેમ્પલ ટ્રસ્ટના હમણા સુધી રહેલા અધ્યક્ષ શ્રી અશોકભાઈએ મને ફોન પર સરસ વાત કરી, આપણને ખબર છે કે વિખ્યાત જર્મન ભૌતિકશાસ્ત્રી મેક્ષ પ્લાન્કે ઊર્જા અને પ્રકાશના આવર્તન (ફ્રિક્વન્સી) વિશે વિખ્યાત સૂત્ર E=hr શોધ્યું. અહીં E ઊર્જા છે, r પ્રકાશનું આવર્તન (ફ્રિક્વન્સી) છે અને h સમપ્રમાણનો અચલ છે. પ્લાન્કના માનમાં તેને પ્લાન્કનો અચલ કહે છે. તે વૈશ્ર્વિક અચલ છે. સ્થાનિક અચલ નથી. ગ્રેવીટેશનલ એક્સલરેશન (ગુરુત્વાકર્ષણનો પ્રવેગ) સ્થાનિક અચલ છે. તે આકાશીપિંડે પિંડ બદલાય છે. પણ એક આકાશીપિંડ માટે અચલ છે. આ સૂત્રે દર્શાવ્યું કે પ્રકાશ દાણાના રૂપમાં કવોન્ટામાં, ઊર્જાના પેકેટમાં આવે છે. પ્રકાશ ખંડિત છે, અખંડિત નથી. આ શોધ દુનિયાના બધા જ વિજ્ઞાનીઓને ચોંકાવનારી હતી, કારણ કે પ્રકાશ તો તરંગો છે માટે અખંડિત છે.

આ શોધે જ ક્વાન્ટમ મિકેનિક્સને જન્મ આપ્યો છે. અને આઈન્સ્ટાઈન્સને ફોટો-ઈલેકટ્રીક ઈફેક્ટ સમજાવવા શક્તિમાન બન્યાં. પ્લાન્કની તે શોધે તેમને નોબેલ પ્રાઈઝ તો મળ્યું પણ આઈન્સ્ટાઈન્સને પ્લાન્કના સૂત્રના આધારે ફોટો-ઈલેક્ટ્રિક ઈફેક્ટ સમજાવવા માટે પણ નોબેલ પ્રાઈઝ મળ્યું. પ્લાન્કને પૂછવામાં આવ્યું કે તમારા સૂત્રમાં જે અચલ છે તે ક્યાંથી આવ્યો? તો પ્લાન્કે કહ્યું કે તેની મને ખબર નથી, પણ તે બધી જ જગ્યાએ જવાબ બરાબર આપે છે. પ્લાન્કનું સૂત્ર ઈશ્ર્વરનો ચહેરો દર્શાવે છે. બીજી બાજુ વેદ-વિજ્ઞાન-ગીતાના ઊંડા અભ્યાસી અને સ્વામી દયાનંદ સરસ્વતીના અનુયાયી બાબાભાઈ પટેલ તો સમજાવે છે કે સત્યં, જ્ઞાનં, અનંતંબ્રહ્મા આ લોકો પાસે બેસીએ તો બ્રહ્મનું રહસ્ય આપણને સમજાય. બાબાભાઈનું કહેવું છે કે વિશ્ર્વાસ જ પોતે ઈશ્ર્વર છે. જે વિશ્ર્વાસઘાત કરે છે તેની દુર્ગતિ થાય છે. 

જીવનમાં એવી એવી વિટંબણાએ આવે છે કે નબળા માણસને કોઈ રસ્તો દેખાતો નથી, કોઈ આશાનું કિરણ દેખાતું નથી. ત્યારે ઈશ્ર્વર છે કે નહીં પણ તેમને સહાય કરે છે. આપણી નજીકનું માણસ મૃત્યુ પામે આ પરિસ્થિતિને કેવી રીતે સહન કરવી. ત્યારે ઈશ્ર્વર ગીતા, આત્મા, શરીર આત્માનું વસ્ત્ર છે એ બધાં વિચારો ઔષધનું કાર્ય કરે છે. કથાઓએ, ભજનોએ મંદિરોએ, મહાત્માઓએ ઈશ્ર્વરના અસ્તિત્વને ટકાવી રાખ્યું છે. બ્રહ્મસ્વરૂપ માટે આ બધાની કાંઈ જરૂર નથી કારણ કે જે અંનંત છે તેને બેસાડવા ક્યાં? જે બધાને જ ખાવા આપે છે તેને નિવેદ ક્યાં ધરવાનો. જે અનંત છે તેને વસ્ત્રો કેમ પહેરાવવા, તેની પ્રદક્ષિણા કેવી રીતે કરવી, તેની પૂજા અને આરતી કેવી રીતે કરવી? હજુ તો આપણને એ પણ ખબર નથી કે જીવન શું છે?

એમ તો બ્રહ્માંડ ખુદ જ માયા છે. અહીં નથી નિરપેક્ષ ગતિ, નથી નિરપેક્ષ લંબાઈ, નથી નિરપેક્ષ પહોળાઈ, નથી નિરપેક્ષ ઊંચાઈ, નથી નિરપેક્ષ સમય પદાર્થ, વજન, ગંધ, રૂપ, આકાર તેમ છતાં આપણે માનીએ છીએ કે આ બધું આપણને છે. બધું જ તર્ક પર ચાલે છે પણ તર્ક પોતે એક ભ્રમણા છે.

કલા ગુર્જરીમાં ‘ઈશ્ર્વર છે કે નહીં?’ એ વિષય પર કલા ગુર્જરીના સાહિત્ય અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર યશવંત ત્રિવેદીએ ચર્ચા રાખેલી. એ ચર્ચાના સંદર્ભે મેં વિચારો કર્યા તેમાંથી આ આધ્યાત્માનો જન્મ થયો છે. આ ચર્ચામાં ડૉ. મોહનભાઈ પટેલ, શ્રીમાન ભગવાનજીભાઈ રાયાણી અને પ્રાધ્યાપક હર્ષા ભાષ્કર બીજા પેનલીસ્ટો હતાં. આ એવો પ્રશ્ર્ન છે તેને સાબિત પણ ન કરી શકાય અને ગેરસાબિત પણ ન કરી શકાય. માત્ર શબ્દોની માયાજાળ રચી શકાય, કારણ કે ઈશ્ર્વર એ વ્યક્તિગત અનુભૂતિની વસ્તુ છે, બહુ ગહન છે. (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=171999

06-09-2015

                                     
બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


(ગયા અંકનું ચાલુ)

ઘણા ધર્મો પુનર્જન્મની વાત કરે છે. ઘણા ધર્મોમાં આ બાબતનો ઉચ્છેદ છે. આ બાબતે વિજ્ઞાનને સઘન પુરાવા જોઇએ છે. તે હજુ ઉપલબ્ધ નથી. માટે જેને જે માનવું હોય તે માને. જો પુનર્જન્મ હોય તો ભૂત-પ્રેત, આત્મા, ઈશ્ર્વર બધું જ એકસાથે સાચું પડે, આવા પ્રશ્ર્નો ચર્ચામાં લેવા ભારે પડે.

ઈશ્ર્વરમાં માનો તો પણ જીવી શકાય છે અને ન માનો તો પણ જીવી શકાય છે, કારણ કે કુદરતને એટલે કે ઈશ્ર્વરને આની પડી નથી. કુદરત (ઈશ્ર્વર) આ બધાથી પર છે. રસ્તો તમારે લેવાનો છે. જ્યોતિષમાં માનો તો પણ જીવી શકાય છે અને ન માનો તો પણ જીવી શકાય છે. પણ અમારા જેવા ખગોળશાસ્ત્રીઓ પાસે જ્યોતિષમાં ન માનવાનાં ઘણાં કારણો છે.

ઈશ્ર્વર હોય કે ન હોય, પણ ઈશ્ર્વર સાથે જડાયેલી આપણી તહેવારોની, રાસ-ગરબાની, પૂજનની, ભજનની સંસ્કૃતિ આપણા જીવનમાં રંગ પૂરતી રહે છે અને જીવનને આનંદમય બનાવે છે. અને સઘન થઇને બેઠી છે. ભારતીયોની રગેરગમાં છે અને હજારો વર્ષોથી તે ચાલી આવે છે. તે હવે રિયાલિટી-વાસ્તવિકતા બની ગઇ છે. વાસ્તવિકતા પોતે એક ભ્રમણા છે. અવાસ્તવિકતાનું પણ એવું જ છે. હકીકતમાં વાસ્તવિકતા (રિયાલિટી) જેવું કાંઇ જ નથી, જ્યાં પૂરું બ્રહ્માંડ જ રિયલ નથી ત્યાં આ બધું કેવી રીતે રિયાલિટી હોઇ શકે? બધા જ ટાઇમપાસના રસ્તા છે. ઈન્ફિનિટી (અનંતતા), ઇન્ફાઇનાઇટ (અનંત) એ સિમ્બોલિક છે. તે એની સંખ્યા છે જે તમે કલ્પના કરો તેનાથી પણ મોટી છે. ઇન્ફિનિટી એક વિચાર છે તેવું જ ઈશ્ર્વરનું છે. તે એક વિચાર છે. વિચારો સાચા પણ પડે છે. ઈશ્ર્વર કદાચ ન દેખાય પણ ઈશ્ર્વરપણું દેખાઇ શકે છે. પુરાતન માનવીની કલ્પના કરો તો બ્રહ્માંડ વિશે શું વિચારી શકે?

ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે પેલા ભગત મૃત્યુ પામ્યો ત્યારે ભગવાન તેમને લેવા આવેલા. આવી વાત વિજ્ઞાનના ગળે તો ઊતરે નહીં. એ લેવા આવ્યા તો તે ક્યાં ગયા? તો કહે ધામમાં. બ્રહ્માંડમાં જ આવાં ઘરો ક્યાં છે તે બતાવો? આ બધું વિજ્ઞાનની પર છે. તેમાં વિજ્ઞાન પાસે જવાબ માગી શકાય નહીં. વિજ્ઞાનને આવી બાબતોમાં સંડોવાય પણ નહીં. વિજ્ઞાન બિચારું પ્રત્યક્ષ, સિદ્ધાંતો અને પ્રયોગો

પર કામ કરે છે. આ બધી અઘરી વાતો ગણાય.

કર્મ એટલે કાર્યસ્ત ચેતના (ચેતના એટ વર્ક) આધ્યાત્મિકતા એટલે પ્રબુદ્ધતા. આપણને ક્યારેક મહેસૂસ થાય છે કે શરીરમાં કાંઇક દિવ્ય છે, જેને આપણે ઈન્ટ્યુઇશન કહીએ છીએ તે શું છે? તે ક્યાંથી આવે છે? ઘણીવાર આપણી અંદરથી અમુક કાર્ય કરવું કે અમુક કાર્ય નહીં કરવું તેવો અવાજ આવે છે. તે ક્યાંથી આવે છે? મગજની કામગીરી પર વિચાર કરીએ તો મગજ જ બેર મારી જાય.

પ્લાન્કનો અમલ, પ્રકાશની ગતિ અથવા આ બધા વૈશ્ર્વિક અચલો છે. એવો જ એક અચલ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો અચલ છે. જે પણ વૈકલ્પિક છે. તો આ બધા વૈશ્ર્વિક અચલો શા માટે અસ્તિત્વ ધરાવે છે?

જીવનના અંતે વિચાર કરીશું તો કાંઇ જ કામ આવતું નથી. નોબેલ પ્રાઇઝ હોય કે ભારતરત્ન હોય. માનવીનાં સારાં કાર્યો શાશ્ર્વત છે. બાકી બધું અહીં મૂકી જ જવાનું છે. આદ્ય શંકરાચાર્ય કહે છે કે આ જીવન, પ્રભાત કમળની પાંખડી પર રહેલા ઝાકળના ટીપા જેવું છે. ગમે ત્યારે નાશ થશે. માટે સારું જીવન જીવી જવું. લોકો કોઇ ને કોઇ પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિમાં ખૂંપેલા જ છે.

કમસે કમ ઈશ્ર્વરનો ડર બહોળા સમાજને સ્વસ્થ રાખવા ઉપયોગી તો છે. માનવી પર કોઇ ને કોઇ પ્રકારની ધાક રાખવી જરૂરી હોય છે. ઘણા વિજ્ઞાનીઓ, અરે નોબેલ પ્રાઇઝ વિજેતા અબ્દુસ સલામ, હિડેકી યુકાવા ઈશ્ર્વરમાં માનતા અને આજે પણ ઘણા વિજ્ઞાનીઓ ઈશ્ર્વરમાં માને છે. તેમની ટીકા કરવી જરૂરી નથી. તે તેમનો અંગત પ્રશ્ર્ન ગણાય. બીજો અમુકમાં માને કે ન માને આપણે તેમની ટીકા કરવાનો શું અધિકાર છે? તમે કેવી માન્યતા ધરાવો છોે તેના પર બધો આધાર છે. અને માન્યતા હંમેશા વ્યક્તિગત હોય છે. માન્યતા સત્ય નથી હોતી. માન્યતા, માન્યતા જ છે.

જેમ રાતેે સ્વપ્ન આવે છે તેમ આત્મા માટે આ જીવન પણ એક સ્વપ્ન જ છે.

શ્રદ્ધા જ કાર્યમાં રૂપાંતર પામે છે. સવારમાં સૂર્યોદય થાય છે તે શું ઈશ્ર્વરની હાજરી સૂચવતો નથી? કાલે સૂર્યોદય થવાનો છે તે વિશ્ર્વાસે જ આપણે બધાં કાર્યો કરીએ છીએ. કુદરતમાં માનવી જેવા નબળા કોઇ પણ પશુ-પંખી કે પ્રાણી નથી. તેને રોટી, કપડાં, મકાનની ચિંતા સતાવ્યા જ કરે છે. માનવીને પહેલાં રોટીની ચિંતા હતી, પછી રોટી-કપડાંની ચિંતા થઇ અને પછી રોટી-કપડાં-મકાનની ચિંતા થઇ. પશુ-પંખી-પ્રાણીઓ પણ જીવે છે તે તેઓને રોટી-કપડાં-મકાનની કાંઇ જ ચિંતા નથી. કોણ ઉચ્ચ જાતનું જીવન જીવે છે? માનવી કે પશુ-પંખી-પ્રાણી? ઈશ્ર્વરમાં ન માનનારાનો રેશનાલિસ્ટોએ એક નવો વર્ગ ઊભો

કર્યો છે.

ભારતીય અધ્યાત્મનો પાયો વેદોમાં છે. વેદોમાં કોઇ જ જાતના ઈશ્ર્વરનો ઉલ્લેખ નથી. પંચમહાભૂતો અગ્નિ-જળ-વાયુ-પૃથ્વી-અંતરીક્ષ તેમના દેવતા હતા અને આજે પણ તેઓ આપણા દેવતા જ છે. બધું જ જુદાપણું આંતરિક એકતા પરનું આવરણ માત્ર છે. જે એકતા છે તે ચેતના છે. રેશનાલિસ્ટો કે નોન-રેશનાલિસ્ટો બધા જ ઈશ્ર્વરની બાબતમાં ક્ધફ્યુઝડ છે. એ જ ઈશ્ર્વરની હાજરી દર્શાવે છે. બ્રહ્માંડમાં ચિંતા કરવા જેવું કાંઇ જ નથી. તેમ છતાં પણ આપણે ચિંતા કરીએ છીએ. મોક્ષનો અર્થ જ બધી ચિંતામાંથી મુક્ત. એ સદેહે પ્રાપ્ત કરી શકાય છે.

સુખ-દુ:ખ બધું જ મગજની પરિસ્થિતિ છે. ગરીબી કે ધનાઢ્યતા જેવું કાંઇ છે જ નહીં. તે માનવીએ ઉત્પન્ન કરેલી વિભાવના છે. તે સરખામણીમાંથી ઉત્પન્ન થાય છે. ધારે તો દરેક માનવી બ્રહ્માંડનો શહેનશાહ છે. શહેનશાહ પણ પામર પ્રાણી થઇને ઊભો રહે છે. હિટલર અને બોનાપાર્ટ

પણ પામર થઇને ઊભા રહે છે. ઘણીવાર ખરાબ જીવન જીવવું એ માનવીન મજબૂરી હોય છે. ભવ્યતા અને આપણે એક જ

છીએ તો ભવ્યતા પાછળ શા માટે દોડવું. પણ આ સમજવું મગજનું ઉચ્ચસ્તર માગી લે છે.

આ સંદર્ભે ગુરુ નાનકદેવજીની કથા બહુ રસપ્રદ છે. ગુરુ એક વાર મક્કાની યાત્રાએ ગયેલા. યાત્રા કરીને પાછા ફરતા હતા ત્યારે થાકી ગયેલા. માટે સૂતા. પણ તેમને ખબર ન હતી કે તેમના પગ કાબાની સામે છે. તેવામાં એક ઇમામ ત્યાં આવ્યો. આ જોઇને તેણે ગુરુના પગે દંડો મારીને કહ્યું ‘અલ્યા તું અલ્લાહની સામે પગ રાખીને સૂતો છે. સરખો સૂઇ જા.’ તો ગુરુએ કહ્યું કે કઇ દિશામાં અલ્લાહ નથી તે મને કહે. તે દિશામાં હું પગ રાખીને સૂઈ જાઉં. તો કહે સામેની દિશામાં પગ રાખ. ગુરુ તેવી રીતે સૂતા. તો તે ઇમામના આશ્ર્ચર્ય વચ્ચે ગુરુએ જે દિશામાં પગ રાખેલા તે દિશામાં કાબા આવી ગયું. બિચારો ઇમામ. ગુરુના પગમાં પડી ગયો.

આવી જ બીજી આદ્ય શંકરાચાર્યની કથા છે. એ કથા પ્રમાણે શંકરાચાર્ય તેમના ચાર શિષ્યોને લઇને ભિક્ષા માગવા નીકળ્યા. ક્યાંય પતો લાગ્યો નહીં, એક ગરીબ ડોશીની ઝૂંપડીએ આવીને ઊભા રહ્યા અને કહ્યું માતા ભિક્ષા આપો. તે ડોશી તો મહાત્મા તેમની ઝૂંપડીએ આવેલા જોઇને ગાંડી-ઘેલી થઇ ગઇ. ઝૂંપડીમાં ખાવાનું કાંઇ હતું જ નહીં. ડોશીના દીકરાનો ધંધો દારૂનો હતો. તે તો ઘડો ભરીને દારૂ લઇ આવી. શંકરાચાર્યને બોલી કે મહારાજ ભિક્ષાપાત્ર ધરો. શંકર વિચારવા લાગ્યા કે આ માજીની ભિક્ષા નહીં લઇએ તો તેને દુ:ખ લાગશે. એટલે તેમણે દારૂને ભિક્ષાપાત્રમાં લઇ એ તો પી ગયા. પછી ડોશીએ તેમના શિષ્યોને કહ્યું, ભિક્ષા લો. તેમના શિષ્યો ખચકાયા, પણ ગુરૂરુએ કહ્યું કે સાધુઓ ભિક્ષા લઇ લ્યો. બધા શિષ્યોએ પણ ભિક્ષામાં આપેલ દારૂ પી લીધો. તેમને તો મઝા આવી ગઇ. બીજે દિવસે સવારે ગુરુને વંદન કરવા આવ્યા ત્યારે બોલ્યા ગુરુજી આજે અમે એકલા જ ભિક્ષા લેવા જઇશું. શિષ્યોને દારૂનો ચટકો લાગેલો. તે તો ડોશીમાની ઝૂંપડીએ પહોંચ્યા અને દારૂની ભિક્ષા લઇ આનંદ પામ્યા. ગુરુને ખબર પડી કે શિષ્યો બીજે રસ્તે ચાલ્યા છે. ત્રીજે દિવસે જ્યારે શિષ્યો સવારે ગુરુને વંદન કરવા આવ્યા ત્યારે ગુરુએ કહ્યું કે ‘શિષ્યો આજે આપણે સાથે ભિક્ષા લેવા જશું.’ શિષ્યો કહે ગુરુજી, તમે તસ્દી નહીં લેતા. તમે તમારે ભિક્ષા લઇ આવજો, અમે પણ અલગ ભિક્ષા લઇ આવશું.’ ગુરુ કહે ‘ના હવેથી તમારે મારી સાથે જ ભિક્ષા લેવા આવવાનું છે.’ ગુરુની આજ્ઞા તો માનવી જ પડે. બધા સાથે ભિક્ષા માગવા નીકળ્યા. ગુરુ એક એસિડ વેચનારને ઘરે આવીને ઊભા રહ્યા અને કહ્યું ‘ભિક્ષા આપો’. એસિડવાળો તો મહાત્માઓને જોઇને ગાંડો-ઘેલો થઇ ગયો. સવારે સવારે તેના ઘરમાં પણ કાંઇ ખાવાનું હતું નહીં. એ તો ઘડો ભરીને એસિડ લઇ આવ્યો. શંકરાચાર્યને કહે ‘મહારાજ ભિક્ષાપાત્ર ધરો હું આપને ભિક્ષા આપું.’ શંકરાચાર્યે તેમનું પાત્ર ધર્યું. એસિડવાળાએ તેમાં ધગધગતો એસિડ નાખ્યો અને હરખમાં પાત્ર ભરી દીધું. શંકરાચાર્ય તો તે ગટગટાવી ગયા. પછી તે એસિડવાળાએ તેમના શિષ્યોને કહ્યું ‘ભિક્ષાપાત્ર ધરો હું તમને ભિક્ષા આપું.’ શિષ્યો તો ગભરાઇ ગયા. ગુુરુએ કહ્યું ‘ભિક્ષાપાત્ર ધરો. ભિક્ષા લો. કાલે તમને દારૂની ભિક્ષા બહુ સારી લાગી હતીને? ભિક્ષા તો ભિક્ષા હોય. જે આપે તે ખાવાનું હોય.’ બધા શિષ્યો ગુરુના પગમાં પડ્યા. તેમને તેમની ભૂલ સમજાઇ. ગુરુ તો પરમબ્રહ્મ સ્વરૂપ હતા. તેમને રોટલો, દારૂ, લાડુ કે એસિડમાં કાંઇ જ ફરક ન હતો. આ બ્રહ્મન ચેતના પૂરા બ્રહ્માંડમાં વહે છે અને અનેકવિધરૂપ ધારણ કરે છે. (સમાપ્ત)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=172646



























No comments:

Post a Comment