Sunday, August 30, 2015

પૃથ્વીના ધરીભ્રમણને પીડતાં પરિબળો --- ડો. જે. જે. રાવલ




                             

કરોડો વર્ષ પહેલાં પૃથ્વીનું વર્ષ ૪૫૦ દિવસનું ને દિવસ ૨૧ કલાકનો હતો
પ્રાચીન સમયમાં મનાતું કે પૃથ્વી સ્થિર છે, પણ આકાશ તેની ફરતે પરિક્રમા કરે છે. પછી સમજાયું કે હકીકત ઊલટી છે. પૃથ્વી તેની ધરી પર ગોળ ગોળ ફરે છે અને તેથી આકાશ ગોળ ગોળ ફરતું દેખાય છે. પૃથ્વી તેની ધરી પર પશ્ર્ચિમથી પૂર્વ તરફ ગોળ ગોળ ફરે છે તેથી આકાશ પૂર્વથી પશ્ર્ચિમ તરફ ગોળ ગોળ ફરતું દેખાય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારા પૂર્વ દિશામાં ઊગે છે અને પશ્ર્ચિમમાં આથમે છે. 

પૃથ્વી ગોળ છે, અને તેની ધરી પર ગોળ ગોળ ફરે છે માટે દિવસ-રાત થાય છે. તદ્ઉપરાંત પૃથ્વીની ધરી ઝૂકેલી છે માટે દિવસ-રાત લાંબા, ટૂંકા અને વર્ષમાં બે વાર સરખા થાય છે. 

પૃથ્વીના ગર્ભભાગમાં શું છે અને શું ચાલી રહ્યું છે તેની આપણને ખરેખર જાણ નથી. પૃથ્વીના ગર્ભભાગમાં જે ચાલી રહ્યું છે તેની આપણને જે જાણ છે તે આપણું અનુમાન છે. ઇંગ્લેન્ડની લીવરપૂલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ દશ દશ વર્ષના ગાળા દરમિયાન ૧૯૬૨થી ૨૦૧૨ સુધી દિવસની લંબાઈ અને તેમાં થતાં ફેરફારોનો અભ્યાસ કર્યો છે. આ પ૦ વર્ષ દરમિયાનના દિવસની લંબાઈ અને તેમાં થતા ફેરફારના તેમના અભ્યાસે સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફાર પૃથ્વીના ગર્ભમાં ચાલી રહેલી કોઈ પ્રકારની ભૌતિક ક્રિયાને આભારી છે. આ ભૌતિક ક્રિયા ખરેખર કઈ છે તેની તેમને ખબર પડી નથી. 

તેઓએ શોધી કાઢ્યું છે કે ૩૦ કરોડ વર્ષ પહેલાં પૃથ્વીનું વર્ષ ૩૬૫ દિવસનું નહીં પણ ૪૫૦ દિવસનું હતું. એટલે કે વર્ષમાં દિવસો ઝાઝા હતાં. એટલે કે પૃથ્વી ઝડપથી તેની ધરી પર ભ્રમણ કરતી હતી પણ ધીરે ધીરે તે ધીમી પડતી જાય છે. હાલમાં દિવસની લંબાઈ ર૪ કલાક છે પણ ભૂતકાળમાં તે ૨૧ કલાકની હતી. અને હવેના ભવિષ્યમાં તે ધીરે ધીરે વધતી જશે રપ, ર૬ કલાક વગેરે થશે. એટલે કે વર્ષમાં દિવસો ઘટતા જશે. એવો સમય આવે કે વર્ષ ૩૦૦, ૨૦૦ કે ૧૦૦ દિવસ પણ થઈ જાય. દિવાળી જલદી આવે. કારણ કે દિવસો પોતે જ લાંબા હોય.

પૃથ્વીનું ધરીભ્રમણ જે ધીમું પડતું જાય છે તેની પાછળનાં પરિબળો કયા છે? ચંદ્ર જે પૃથ્વી પર ભરતી-ઓટ લાવે છે તેને લીધે પૃથ્વીના ધરીભ્રમણ પર બ્રેક લાગે છે અને પૃથ્વીનું ધરીભ્રમણ ધીમું પડતું જાય છે અને તેના પરિણામે ચંદ્ર ધીમે ધીમે પૃથ્વીથી દૂર દૂર જતો જાય છે અને તેથી નાનો અને નાનો દેખાશે. ખગ્રાસ સૂર્યગ્રહણોની સંખ્યામાં તેથી ઘટાડો થશે. કંકણાકૃતિ ગ્રહણોમાં ધીરે ધીરે વધારો થતો જશે. બીજું પૃથ્વી પર આજે બળવાન પવનો જ્યારે ઊંચાં ઊંચાં પહાડોની સાથે અથડાય છે તે ક્રિયા પણ આંશિક રીતે પૃથ્વીના ધરીભ્રમણને ધીમું પાડતી જાય છે. દર વર્ષે પહેલાં તે મિલીસેક્ધડના પ્રમાણમાં હોય. પૃથ્વીનું વાયુમંડળ મહાસાગરો પણ આંશિક રીતે પૃથ્વીના ધરીભ્રમણને ધીમું પાડે છે.

વિજ્ઞાનીઓએ એ પણ શોધી કાઢ્યું કે પૃથ્વીના દિવસની લંબાઈ જે વધે છે તે દર છ વર્ષે વધે છે અને પૃથ્વીના ગર્ભભાગમાં ચાલતી ક્રિયા આ સમયના ગાળે કુદકો મારે છે. પૃથ્વીના ગર્ભમાં ચાલતી ક્રિયા દર છ વર્ષે પૃથ્વીના દિવસની લંબાઈમાં ફેરફાર કરે છે. એટલે કે આ ક્રિયા જે હોય તે તે સામયિક (Cyclic,Periodic) છે અને તેનું સમયચક્ર છ વર્ષનું છે. તે પૃથ્વીના દિવસની લંબાઈમાં વધારો કરતી જાય છે. ધરતીકંપ પણ પૃથ્વીના દિવસની લંબાઈમાં ફેરફાર કરે છે. તે દિવસની લંબાઈ વધારે પણ ખરો અને ઘટાડે પણ ખરો. તે પૃથ્વીની ધરીના ઝુકાવમાં પણ ફેરફાર કરે છે. પૃથ્વીના ગોળામાં જ્યારે પદાર્થની જગ્યા બદલાય ત્યારે પણ પૃથ્વીના દિવસની લંબાઈમાં ફેરફાર થાય છે. પૃથ્વીના પેટાળમાં ભારે પદાર્થ જગ્યા બદલે ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે. ધરતીના ખંડોની પાટોનું સ્થળાંતર આવી પરિસ્થિતિ સર્જે છે. પીગળતી હિમશિલામાં પણ પૃથ્વીના દિવસની લંબાઈમાં ફેરફારો કરે છે. તે દિવસની લંબાઈ વધારે પણ ખરી અને ઘટાડે પણ ખરી. ગ્રહોની ગોઠવણમાં ફેરફાર થાય તો પણ પૃથ્વીના દિવસની લંબાઈમાં ફેરફારો થઈ શકે છે. 

પૃથ્વીના વસ્તીનું ધ્રુવીકરણ પણ આંશિક રીતે પૃથ્વીના ધરીભ્રમણને અસર કરી શકે ખરું. અંતરીક્ષમાંથી આવતી મોટા મોટા લઘુગ્રહોની અથડામણ પણ પૃથ્વીના ધરીભ્રમણમાં ફેરફાર કરી દિવસને લાંબો તથા ટૂંકો બનાવી શકે. 

શું આ બાબત બધા જ ગ્રહોને લાગુ પડે છે? આનો જવાબ હા માં છે. જે ગ્રહોને ઉપગ્રહો હોય તેવા ગ્રહોને આ બાબત લાગુ પડે છે, ખુદ સૂર્ય સમેત બધા તારા કે પૂરી મંદાકિની (આકાશગંગા)ને અને બીજી મંદાકિનીઓને પણ આ બાબત લાગુ પડે છે. 

કોઈ પણ આકાશીપિંડ અને ધરીભ્રમણને આવો સંબંધ છે. ગ્રહોની ધરી પણ પરાંયન ગતિ કરે છે. માટે ધ્રુવતારા બદલાય છે. ઉપરોક્ત જાયજાયન્ટિક ક્રિયાઓ ગ્રહોની ધરીના ઝુકાવમાં બદલાવ લાવે છે. તેથી ગ્રહોના ધ્રુવતારા બદલાય છે. 

ગ્રહોના ધરીભ્રમણમાં થતા ફેરફારો તેના ઉપગ્રહો પર પણ અસર કરે છે. ગ્રહનું ધીમું ધરીભ્રમણ ગ્રહની નજીકના ઉપગ્રહોનો અને વલયોનો સંહાર કરે છે. આકાશીપિંડોના ધરીભ્રમણનો અભ્યાસ પોતે જ પોતાનામાં એક વિષય છે. ચિંચણી-તારાપુર એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ શ્રી રજનીકાંતભાઈ શ્રોફ દશકાઓથી સૂર્યના માર્ગનો અને સૂર્યનો અભ્યાસ ચિંચણથી કરી રહ્યાં છે. તેમના નિરીક્ષણ પ્રમાણે સૂર્ય પહેલાં કરતાં વધારે સમય ઉત્તર-ગોળાર્ધમાં રહે છે અને તેથી જે બધું થાય છે તેમાં તેનું પણ ઠીક ઠીક યોગદાન હોવું જોઈએ. પૃથ્વીની ધરીના ઝુકાવમાં પણ ફેરફાર થાય છે, જે દિવસની લંબાઈમાં ફેરફાર કરે છે. આ વાતમાં તથ્ય હોય તેમ લાગે છે. આ બાબતે ગહન અને ગંભીર અધ્યયન કરવું જરૂરી છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=99695

No comments:

Post a Comment