Monday, May 25, 2020

સત્ય અને ગપગોળા વચ્ચે ફંગોળાતાં બ્રહ્માંડનાં રહસ્યો --ડૉ. જે. જે. રાવલ-

ભારતીય સૈન્યની એક ટુકડી માઉન્ટેનિયરિંગ કરવા હિમાલયમાં ગઇ હતી તેણે મકાલુ બઇમે કેમ્પ ખાતે ૯ એપ્રિલ ૨૦૧૯ના દિને બરફમાં ૩૨x ૧૫ ઇંચ માપનાં રહસ્યમય પગલાં જોયા છે. સામાન્ય માન્યતા એ છે કે તે પૌરાણિક હિમમાનવના છે, પૌરાણિક કથામાં આવતા ‘યેતિ’ નાં છે. આ યેતિનાં પગલાંના ફોટા પણ તેઓએ ટ્વિટર પર મોકલ્યાં છે. આ જો સાચું હોય તો કથામાં આવતા રખડતા હિમમાનવની વાત માત્ર વાત જ ન ગણાય પણ વાસ્તવમાં હિમમાનવ અસ્તિત્વ ધરાવે છે તેને પુષ્ટિ મળે.

વિજ્ઞાનીઓનું કહેવું છે કે તે હિમાલયમાં વસતા સફેદ રીંછનાં પગલાં છે જે બરફમાં વિસ્તરી વિશાળ થઇ ગયાં છે અને પવને પણ તેનો વિસ્તાર કરવામાં ભાગ ભજવ્યો છે. આ પહેલાં પણ આ જ ક્ષેત્રમાં આવાં પગલાં દેખાયાં હતાં. આવું પ્રથમ વાર જ બન્યું નથી. તેમ છતાં આ સમાચાર ભારતીય લશ્કરની ટુકડીએ આપ્યા છે. માટે તેમાં કાંઇક વજૂદ ગણાય. તેનો ગંભીરતાથી અભ્યાસ કરવો ઘટે.

પ્રશ્ર્ન એ થાય કે સદીઓથી કથામાં ચાલી આવતી વાત તે હિમમાનવ અસ્તિત્વ ધરાવે છે તે તદ્દન વાત જ હશે, કે તેમાં કાંઇક વજૂદ હશે? યેતિની કથાને ટેકો આપતી પુરાણોમાં બીજી એક કથા છે. ભૂતકાળમાં માનવીઓનાં શરીરો મોટાં હતાં, તેમની ઊંચાઇ પણ બહુ રહેતી. સમય જતાં માનવીઓ નાના ને નાના થતા ગયા. વૃષભદેવજી કે ભીમ કે મહાવીર સ્વામીનાં શરીરો પણ પડછંદ હતાં. મહાભારતની કથા જણાવે છે કે દ્રોણાચાર્યનો પુત્ર અશ્ર્વત્થામા અમર હતો. કૃપાચાર્ય, નારદજી, હનુમાનજી અને બીજા બે-એક જણ અજર અમર છે.

મહાભારતની લડાઇ સમાપ્ત થઇ તે રાતે અશ્ર્વત્થામા પાંડવોની છાવણીમાં ઘસઘસાટ ઊંઘતા પાંચ પાંડવોને મારવા ઘૂસ્યો હતો, પણ યોગાનુયોગ ત્યાં દ્રૌપદીના પાંચ પુત્રો સૂતા હતા. અશ્ર્વત્થામાએ પાંડવોના પાંચ પુત્રોનો વધ કરી નાખ્યો, અને રાત્રિના અંધારામાં છૂ થઇ ગયો. દ્રૌપદીના રુદનથી પીડાઇને અર્જુને અશ્ર્વત્થામાને પકડી તેનો વધ કરવાની પ્રતિજ્ઞા લીધી. અર્જુને તેને પકડી પાડ્યો અને તેનો વધ કરવા જતો હતો ત્યારે કૃષ્ણે અર્જુનને એમ કહીને વાળ્યો કે અશ્ર્વત્થામા અમર છે, બ્રાહ્મણ છે અને ગુરુનો પુત્ર છે, માટે તેનો વધ કરી શકાય તેમ નથી.

માટે તેના માથામાં ચોટલી નીચે જે મણિ છે તે કાઢી લે એટલે તે મર્યા સમાન જ છે. ત્યારે અર્જુને તેના માથાને ચીરી મણિ કાઢી લીધો. ત્યારથી અશ્ર્વત્થામા પૂરા ભારતમાં રઘવાયો થઇને ફરે છે. તેનું શરીર પડછંદ હતું. તેના મગજનો મણિ કાઢી લેવાયો હતો એટલે તેના માથા પર મધમાખીઓ બણબણતી હતી. આ અશ્ર્વત્થામાને આવી સ્થિતિમાં કેટલાયે લોકોએ રખડતો જોયો છે. તેના પગલાં પણ ૩૨ ડ્ઢ ૧૫ ઇંચનાં હતાં. તો શું આ અશ્ર્વત્થામા જ યેતિરૂપે હિમાલયમાં પણ રખડતો હશે?

પૂના સ્થિત દંડી સ્વામી જે થોડાં વર્ષો પૂર્વે મૃત્યુ પામ્યા તેઓ પૂર્વે શંકરાચાર્ય પણ હતા, પણ કોઇ કારણોસર તેમણે શંકરાચાર્યપદ છોડી દીધેલું. તેમણે તેમના પ્રવાસ વિષે લખ્યું હતું કે જ્યારે તેઓ નર્મદાની પરિક્રમા કરતા હતા ત્યારે તેમને પડછંદ માનવીનો ભેટો થઇ ગયો હતો. તેના માથે માખીઓ બણબણતી હતી. દંડીસ્વામી તો એ જોઇને ખૂબ ડરી ગયા હતા. તેમના તો હોશ-હવાસ ઊડી ગયા હતા તે પડછંદ માનવીએ દંડી સ્વામીની થોડા નજીક આવીને બે હાથનો ખોબો ધરી ખાવાનું માંગ્યું. દંડી સ્વામીએતો તેની પાસે જે ખાવાનું હતું તે ઝટપટ તે પડછંદ માનવીને ડરતાં ડરતાં આપી દીધું અને લગભગ બેહોશ જેવા થઇ ગયા. તે પડછંદ માનવી ખાવાનું લઇને ચાલ્યો ગયો. તેનાં પગલાં ૩૨x ૧૫ ઇંચનાં હતાં. સ્વામી તો એટલા ડરી ગયા કે વાત ન પૂછો. સ્વામીનું કહેવું છે કે તેનું વર્તન અને દેખાવ એવાં હતાં કે તે ભારતમાં રખડતો અશ્ર્વત્થામા હતો. આમ યેતિની કથામાં પણ આ કથા તેને ટેકો આપે છે.

યેતિની વાત ઘણી રહસ્યમય છે. તેમાં સાચું શું અને ખોટું શું તે કહેવું થોડું તો મુશ્કેલ ખરું. યતિ હોઇ પણ શકે.

બીજી એવી વાત ઊડતી રકાબી ફ્લાઇંગ સોસર  છે. લોકો માને છે કે તે પરગ્રહવાસીઓનાં વિમાનો છે જે પૃથ્વી પર આવ્યાં હતાં, આવ્યાં છે, આવતાં રહે છે અને આવતા રહેશે. આપણી મંદાકિની (Galaxy )નું નામ આકાશગંગા મંદાકિની (The milky way galaxy) છે. તેમાં ૫૦૦ અબજ સૂર્યો છે. ખગોળવિજ્ઞાનીઓએ તેનો અભ્યાસ કરીને દર્શાવ્યું છે કે તેમાં ૫૦ ટકા તારા બરાબર આપણા સૂર્યો જેવા છે, એટલે કે ૨૫૦ અબજ તારા બરાબર આપણા સૂર્ય જેવા છે. તેમાંથી માત્ર ૧૦ ટકા લઇએ તો પણ તે ૨૫ અબજ થાય. આ ૨૫ અબજ તારા તો આબેહૂબ કદમાં, ઉષ્ણતામાનમાં, રંગમાં, કાર્યમાં આપણા સૂર્ય જેવા છે. જો આપણા સૂર્યને ગ્રહમાળા છે અને તેમાં જીવનથી ધબકતો પૃથ્વી જેવો ગ્રહ છે. તો તે ૨૫ અબજ તારાની ફરતે ઓછામાં ઓછો એક ગ્રહ આપણી પૃથ્વી જેવો હોય જ. એ તર્ક પ્રમાણે આપણી આકાશગંગામાં ઓછામાં ઓછી ૨૫ અબજ જગ્યાએ જીવન હોવું જોઇએ. માટે આપણી મંદાકિનીમાં આપણે એકલા હોવાનું કોઇ કારણ મળતું નથી. તો આ ૨૫ અબજ જગ્યાએ જીવન હોય તો કોઇ જીવન આપણી પૃથ્વી પરના જીવન કરતાં ઘણું આગળ પડતું પણ હોઇ શકે અને જેમ આપણે બીજે જીવન છે કે નહીં તે શોધી કાઢવા પ્રયત્ન કરીએ છીએ તેમ તેઓ પણ બીજે જીવન છે કે નહીં તે શોધવા પૃથ્વી પર આવ્યા હોય, આવતા હોય એ શક્ય છે. માટે તે ઊડતી રકાબીઓ જેમ લોકો માને છે તેમ પરગ્રહવાસીના યાનો પણ હોઇ શકે. પણ હજુ સુધી આપણી પાસે એવા સજ્જડ સબૂત નથી કે આપણે કહી શકીએ કે તે ફ્લાઇંગ સોસર પરગ્રહવાસીનાં પૃથ્વી પર આવેલાં વિમાનો છે. તેને આપણે યુએફઓ (UFO) કહીએ છીએ. તે પરગ્રહવાસીઓનાં યાનો પણ હોઇ શકે.

પૃથ્વીની ફરતે કૃત્રિમ ઉપગ્રહોનો મોટો ભંગાર પણ પ્રદક્ષિણા કરે છે. તેના કોઇ એક પર જ્યારે સૂર્યનું કિરણ પડે છે ત્યારે તે ઊડતી રકાબી જેવો આભાસ કે ચિત્ર ખડું કરે છે. આપણી ફરતે વાયુમંડળ છે. આ વાયુમંડળમાં વાયુના નાના નાના પોકેટ સર્જાય છે. તેના પર જ્યારે સૂર્યકિરણ પડે છે તેઓ પણ ઊડતી રકાબીનું ચિત્ર ખડું કરે છે. શુક્ર, ગુરુ, બુધ જેવા ગ્રહો પર પણ દિવસે જ્યારે સૂર્ય કિરણ પડે છે તેઓ પણ ઊડતી રકાબી જેવું ચિત્ર ખડું કરે છે. આમ આ યુએફઓની કથા પણ સાચી અથવા ખોટી હોઇ શકે. ઘણા લોકોએ, ઊડતા વિમાનના પાઇલટોએ પણ ઊડતી રકાબી જોયાના દાવા કર્યા છે પણ અંતિમ કાંઇ કહી શકાય નહીં. આ હજુ સુધી એક રહસ્ય જ રહ્યું છે.

બર્મ્યુડા ટ્રાએંગલ એક ત્રીજા રહસ્યની વાત છે. બર્મ્યુડા ટ્રાયેંગલ ત્રિકોણ આકારનો સમુદ્ર છે. તેમાં ઘણી વાર સ્ટીમર ગાયબ થઇ ગઇ છે અને તેના પરથી ઊડતાં વિમાનો પણ અદૃશ્ય થઇ જાય છે. લોકો કહે છે કે ત્યાં બ્લેકહોલ છે. પણ તે બ્લેકહોલ ન હોઇ શકે, કારણ કે બ્લેકહોલ સૂર્ય, બધા ગ્રહોને અને મોટા મોટા તારાને પણ ગળી જાય. વિજ્ઞાનીઓએ લોકો માટે ત્યાં સંશોધન કર્યું છે. તેઓ કહે છે કે બર્મ્યુડા ટ્રાએંગલ ઉપર પૃથ્વીના ચુંબકીયક્ષેત્ર નો છેડો છે. સૂર્યની કાર્યશીલતા પ્રમાણે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર વધે છે અને ઘટે છે. તેથી તેનો છેડો પૃથ્વીની નજીક આવે છે અને દૂર જાય છે. આ છેડો બર્મ્યુડા ટ્રાએંગલ પર હોવાથી તે જ્યારે પૃથ્વીની નજીક આવે છે ત્યારે ત્યાં સ્ટીમર કે વિમાન કાંઇ પણ પસાર થતું હોય તેને બાળીને ભસ્મ કરી નાખે છે, કારણ કે તેમાં આકાશમાં થતી વીજળીમાં જે પાવર હોય તેના કરતાં હજારો ગણો પાવર હોય છે. આમ વિજ્ઞાન ઘણી માન્યતાઓ અને અંધશ્રદ્ધાને નાબૂદ કરે છે.

એમ તો એવા મોટા મોટા પથ્થર છે જે પાણી પર તરે છે, કારણ કે તે એવા પદાર્થના બન્યા હોય છે જેની ઘનતા એવી હોય છે કે તે જ્યારે પાણીમાં નાંખવામાં આવે ત્યારે તેના ઘનફળના પાણીનું વજન પથ્થરના વજનથી વધારે હોય છે જે સ્ટીમરની માફક કે હોડીની માફક તરે છે. પથ્થર પાણી પર તરે તે શક્ય છે.

મહારાષ્ટ્રના બુલધાણા નજીક લોનાર ઉલ્કાકુંડ છે. આ ઉલ્કાકુંડ નજીક પહાડમાંથી એક ઝરણું વહે છે. તે સતત વહેતું જ રહે છે. એનું આ પાણી ક્યાંથી આવે છે તે મોટું રહસ્ય છે. પણ વિજ્ઞાનીઓને લાગે છે કે જ્યારે ત્યાં ૧૫૦ ફૂટની ઉલ્કા ધસમસતી આવી પડી તેણે ત્યાં બે કિલોમીટર વ્યાસનો અને ૧૦૦૦ ફૂટ ઊંડો ઉલ્કાકુંડ બનાવ્યો અને તેનું દબાણ એટલું હતું કે બાજુના પહાડમાં ઝરણું ફૂટી નીકળ્યું જે સતત વહે છે. લોકો તેને ત્યાં થયેલું ગંગાવતરણ કહે છે. વિષ્ણુ ભગવાને લવણાસૂર રાક્ષસને માર્યો. તેમના પગમાંથી લોહી નીકળ્યું. તે લોહીને સાફ કરવા ત્યાં ગંગાવતરણ થયું.

લેખકે લોનાર ઉલ્કાકુંડ કેવી રીતે બન્યો તેના વિષે સંશોધન કર્યું છે. લેખક જ પ્રથમ હતા જે લોનાર ઉલ્કાકુંડને લોકોની જાણમાં લાવ્યા હતાં.

હિમાચલ પ્રદેશમાં ચંબા અને ડેલહાઉઝીની વચ્ચે સુંદર, અતિસુંદર ખજિયાર તળાવ છે. તેના વિષે કેટલીયે દંતકથાઓ ચાલતી. લોકો માનતાં કે ખજિયાર તળાવ તળિયા વગરનું તળાવ છે અને તેમાં કોઇ પડી જાય તો તે ગાયબ થઇ જાય. લેખક અને તેમના સહકાર્યકર હિમાચલ પ્રદેશના સાયન્સ વિભાગના વડા ડૉ. એસ. એસ. ચંદેલે હોડી ભાડે કરી ૧૦૦૦ મીટર લાંબી રસ્સી લઇ તેના છેડે ૧૦ કિલોનું વજન બાંધી હોડીમાં બેસી જગ્યાએ જગ્યાએ વજનને પાણીમાં નાખી દર્શાવ્યું કે ખજિયાર તળાવ જેમ લોકો માને છે તેમ તળિયા વગરનું તળાવ નથી. તેની ઊંડાઇ વધારેમાં વધારે ૩૦ ફૂટની જ છે. થોડું દલ-દલ હશે તેથી લોકોમાં જે માન્યતા હતી કે ખજિયાર તળાવ તળિયાવગરનું છે તે ચાલી ગઇ. લેખકે અને તેમના સહકાર્યકરોએ પણ પ્રાથમિક રીતે દર્શાવ્યું કે ખજિયાર તળાવ હકીકતમાં ઉલ્કાકુંડ છે. ખજિયાર તળાવ વિષે ખજિયાર નાગ (શેષનાગ) ભીમ હિડિંબા વગેરે વિષે ઘણી કથાઓ પ્રચલિત છે. હવે લોકો માનતા થઇ ગયા છે કે ખજિયાર તળાવ ઉલ્કાકુંડ છે. તેના વિષેની બધી કથાઓ અદૃશ્ય થઇ ગઇ છે.

એવા કિસ્સા વર્તમાનપત્રોમાં આવ્યા છે કે કોઇ આઠ-દસ વર્ષનું બાળક કહેવા માંડે કે પૂર્વજન્મમાં તેનું ગામ ફલાણું ફલાણું હતું. તે તેનું સરનામું આપે અને થોડી બીજી વિગત પણ આપે તો તેમાંની ઘણી વાત સાચી દેખાઇ હતી અને અમુક વાત ખોટી સાબિત થઇ હતી.

તેમ છતાં અંતિમ રીતે આપણે ન કહી શકીએ કે પુનર્જન્મ છે. હોય પણ ખરો. આ જગતમાં ઇશ્ર્વર, આત્મા, પુનર્જન્મ, ભૂત-પ્રેત એ ઘણાં રહસ્યમય છે. તે છે કે નહીં એ જાણવું ઘણું અઘરું છે. જો કે આપણાં શાસ્ત્રોમાં પુનર્જન્મ છે એમ મનાય છે. આત્મા છે એમ પણ મનાય છે, ઇશ્ર્વર છે એમ પણ મનાય છે. તેમ છતાં આ બધાં ગહન રહસ્યો છે... હોય પણ ખરાં. વિજ્ઞાનનો એક સિદ્ધાંત એ છે કે પ્રમાણની ગેરહાજરી તે ગેરહાજરીનું પ્રમાણ નથી. પ્રમાણ ન હોય તો એમ માની લેવું નહીં કે તે નથી, હોય પણ ખરું. ભવિષ્યમાં તેના અસ્તિત્વનું પ્રમાણ મળી પણ શકે. વિજ્ઞાનની શોધોમાં પહેલા પ્રમાણ હોતાં નથી પછી તે વાસ્તવિકતામાં સાબિત થાય છે.

હજારો લોકો હજારો ભૂતની વાતો કહે છે. બહુ જ આદરણીય માણસો પણ કહે છે કે ભૂત છે અને ભૂત વિષે હજારો વાર્તા પ્રચલિત છે, પણ જ્યારે ભૂતની વાર્તા કહેનારને પૂછીએ કે તમે ખરેખર ભૂત જોયું છે તો તે કહેશે કે જોયું નથી, પણ વાતો સાંભળી છે. મેં પણ ઘણા નજીકના સાચા, પ્રામાણિક અને આદરણીય માણસો પાસેથી ભૂત વિષે વાર્તા સાંભળી છે. કદાચ ભૂત હોય પણ ખરાં. વાત સાંભળી હોય કે ફલાણી જગ્યાએ ભૂત થાય છે. રાતે ૧૨ વાગ્યે ત્યાંથી નીકળીએ તો ડર લાગવા માંડે અને ભૂતના અસ્તિત્વનો ભ્રમ પણ થાય ખરો.

આપણા જ દેશમાં એવી જગ્યાઓ છે જ્યાં મોટરકાર પોતાની મેળે જ ઢાળ ચઢવા માંડે. ત્યાં ઉપરના છેડે ખડકોમાં કે જમીનમાં ખૂબ જ શક્તિશાળી ચુંબક પણ હોઇ શકે.

એવી પણ વાત સાંભળી છે કે એક જગ્યાએ ગાય ઊભી રહે અને તેના આંચળમાંથી દૂધની ધારા વહે ત્યાં પછી જમીનમાંથી શંકર ભગવાનનું લિંગ નીકળે. આમ ઘણી ચિત્ર-વિચિત્ર કથાઓ આપણને સાંભળવા મળે છે.

ઘણી વાર વર્તમાનપત્રોમાં આવે છે કે આવતી કાલે ૧૨ વાગ્યે આપણો પડછાયો અદૃશ્ય થશે. પડછાયો કોઇ દિવસ આપણો સાથ છોડતો નથી પણ આવતી કાલે ૧૨ વાગ્યે તે આપણો પડછાયો આપણો સાથ છોડી દેશે. ઘણાને કૌતુક લાગે, ઘણાં ડરી જાય કે હાય, હાય, આપણું શું થશે, આપણો પડછાયો આપણો સાથ છોડી દેશે. આવું જાહેર કરનારે તેની પાછળનું કારણ દર્શાવતાં નથી. એમ પણ બને છે કે તેમને તેની પાછળના કારણની ખબર નથી હોતી. લોકોમાં થ્રિલ ઉત્પન્ન કરવા, હોશિયારી દર્શાવવા કે પોતે કેટલું બધું જાણે છે તેની લોકોમાં છાપ પાડવા આવા સમાચાર આપે છે. વર્તમાનપત્રોને બિચારાને આવા સમાચાર સારા લાગે છે તેથી છાપે છે. તેની પાછળનું રહસ્ય એ છે કે તે દિવસે સૂર્ય નિરીક્ષકના અક્ષાંશ પર આવે છે. તેથી દિવસે ૧૨ વાગ્યે આપણો પડછાયો અદૃશ્ય થાય છે.

ઘણી વાર વર્તમાનપત્રોમાં આવે છે કે અમુક ગામમાં અમુક મંદિરમાં ભગવાનના કપાળે સૂર્ય કિરણ પડશે. અંધશ્રદ્ધાથી વરેલાં લોકો રાજી રાજી થઇ જાય છે. તેની પાછળનું કારણ પણ ઉપરોક્ત દર્શાવ્યા મુજબનું છે.

કલ્પના કરો કે એક માણસ ઉત્તરધ્રુવ પ્રદેશ પર જાય છે. તેને છ મહિના સુધી રાત દેખાય છે અને પછી છ મહિના સુધી દિવસ હોય છે. તે આ બાબતે શું વિચારે? અહો આ ભગવાનની કુદરતની લીલા છે. તે હકીકતમાં કુદરતની લીલા છે, કારણ કે આપણી પૃથ્વી ૨૩.૫ અંશે ઝૂકેલી છે માટે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પ્રદેશો પર છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ થાય છે. જો પૃથ્વીની ધરી ૭૦ અંશે ઝૂકેલી હોત કે ઝૂકવવામાં આવે તો મુંબઇ પર પણ છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત થાય. વિજ્ઞાન આમ ઘણાં રહસ્યોનો પર્દાફાસ કરે છે. ત્યારે રહસ્ય, રહસ્ય રહેતું નથી. એવી કેટલીયે પ્રક્રિયા હતી જે રહસ્યમય લાગતી હતી. વિજ્ઞાને તેની પાછળનાં કારણો સમજાવી તે રહસ્યને છતું કર્યુ છે. કે.લાલ કે સરકારના જાદુ, હકીકતમાં કોઇ જાદુ નથી હોતાં તેની પાછળ વિજ્ઞાનના સિદ્ધાંતો કાર્ય કરે છે. એક વખત એક સમારંભમાં લેખક અને દુનિયાના મહાન જાદુગર કે.લાલ એક મંચ પર સાથે થઇ ગયા. લેખકે કે.લાલને પૂછ્યું કે તમે જાદુ કરો છો તે ખરેખર ગજબ છે. તેની પાછળનું રહસ્ય તમે મને જણાવી શકશો. ત્યારે કે.લાલે લેખકને કહેલું કે રાવલ સાહેબ, એ કોઇ જાદુ નથી. માત્ર વૈજ્ઞાનિક ટ્રિક છે જેમ ફિલ્મ જોવા જઇએ અને તે આપણને સર્વત્ર દેખાય છે પણ વાસ્તવમાં એ ફોટો અમુક ક્ષણોમાં આપણી આંખો સમક્ષથી પસાર થઇ જાય અને આપણને હલનચલન દેખાય તેવી આ બધી ટ્રિકો છે. કટિંગ લેડી ઇન ટુ ટુ કે વોટર ઓફ ઇન્ડિયા આ બધી વૈજ્ઞાનિક ટ્રિકો છે જેને અમુક ઝડપથી કરવામાં આવે છે અને આપણને જાદુનો આભાસ ઉત્પન્ન કરે છે.

પત્તાનાં જાદુ, અગ્નિ પર ચાલવાના જાદુ, યજ્ઞમાં યજ્ઞકુંડમાં અગ્નિ પ્રગટાવવાના જાદુ, રસાયણશાસ્ત્રના જાદુ એમ ઘણાં જાદુઓ છે જેની પાછળનાં કારણો વિજ્ઞાન સરસ રીતે સમજાવી શકે છ.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=496135

No comments:

Post a Comment