એરપોર્ટ પાસેની ઝૂંપડપટ્ટીની ગંદકીને લીધે ઊડતું એકાદ પક્ષી જો એક આધુનિક ફાઈટર હવાઈજહાજની ઝપટમાં આવી જાય તો એ ફાઈટર-પ્લેન તદ્દન નકામું થઈ શકે છે - નુકસાન કેટલું? દસથી પંદર કરોડ રૂપિયા! પણ ઝૂંપડાં ખસેડી શકાય નહીં. વોટ જોઈએ છે... અને ચૂંટણીનું અફીણ તો વખતોવખત પાતા રહેવું પડે છેને!
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
વર્ષો પહેલાં એક વાર સંસદમાં વિરોધ પક્ષના આચાર્ય કૃપલાણીએ પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો કે આ દેશમાં ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે કે રાજધાની દિલ્હીમાં શુદ્ધ ઝેર પણ મળતું નથી! કૃપલાણીએ કહ્યું કે ઝેરમાં એટલું ભેળસેળ થઈ ગયું છે કે હવે એ પીધા પછી પણ માણસ મરી શકતો નથી. એ વાતને વર્ષો વીતી ગયાં છે. કેટલાક ગમ્મતી પત્રકારોએ લખ્યું હતું કે ઝેર શુદ્ધ અને અસરકારક મળે એ જોવાની સરકારની જવાબદારી છે! પંડિત જવાહરલાલ નહેરુની સરકાર હતી અને લોકસભામાં વિરોધ પક્ષ હતો. આજે બંનેમાંથી એક પણ નથી અને ભ્રષ્ટાચાર બેહદ વધી ગયો છે. કેટલો વધ્યો છે અને કહેવા માટે પણ કવિતાનો આશરો લેવો પડશે... ઉર્દૂના મશહૂર ગાલિબે કહ્યું છે ‘એક દર્દ, બે-દવા બન્યું છે!’
ભેળસેળનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે અને કાયદાની હાલત દાંત વગરના બૂઢા શિકારી કૂતરા જેવી થઈ ગઈ છે. ભારતમાં શું નથી બનતું? પહેલાં એક પિન પણ બનતી ન હતી. આજે અવકાશયાનો બને છે. ઍટમ બૉમ્બ બને છે. પિન પણ બને છે. એ પિનને અણી હોતી નથી. હેર-પિન બને છે જેનો કાટ દેખાઈ રહ્યો છે. સોય બને છે જે તૂટી જાય છે. કવરો બને છે અને ટિકિટો મળે છે જે ચોંટતાં નથી. ઍર-મેઈલના લૅબલો ક્યારેય પોસ્ટ - ઑફિસમાં મળતાં નથી. એક કારણ ઘણી વાર બતાવવામાં આવે છે કે આપણે આપણી શ્રેષ્ઠ વસ્તુઓ નિકાસ કરીએ છીએ - ચા, કેરી, કાજુ આદિ! માટે જ તંગી છે એ વસ્તુઓની! આપણે દસ-વીસ પૈસાના સિક્કા કે એક રૂપિયાની નોટ ઍક્સપોર્ટ કરતા નથી છતાંય તંગી છે. આ દેશમાં પરચૂરણ શા માટે મળતું નથી એ આપણા એક પણ મહાન અર્થશાસ્ત્રીએ આપણને સમજાવ્યું નથી! ગ્રાહક સાથેની ઠગાઈ અથવા છેતરપિંડી એ એક ભારતીય હુન્નર છે જેનો વિકાસ બહુ ઊંચી કક્ષા સુધી પહોંચી ગયો છે! કપાસ માટે ડીમેક્રોન નામની જંતુનાશક દવા આવે છે. ઉત્તર પ્રદેશમાં પાણી નાખેલી શાહી મળે છે જે ડીમેક્રોન તરીકે વેચાતી હતી. શાહીનો ભાવ દસ રૂપિયે લિટર છે જ્યારે જંતુનાશક દવાનો ભાવ છે એકસો સિત્તેર રૂપિયે લિટર! ભારતમાં ખાદ્ય અને અન્ય સામગ્રીઓમાં ભેળસેળ વિશે કોઈએ હજી પીએચ.ડી. કર્યું નથી એ પણ આશ્ર્ચર્યની વાત છે. આપણને બધું જ કોઠે પડી જાય છે. દૂધમાં પાણી ઉમેરીને આપણને વર્ષોથી પાવામાં આવ્યું છે. આપણી ગળથૂથી પણ શુદ્ધ રહી નથી. સ્મશાનમાં લાકડાં પણ ભીનાં હોય છે, ત્યાં પણ સૂકાં લાકડાં મળતાં નથી. ડિસ્ટિલ્ડ વૉટરથી સ્ટેઈલેસ સ્ટીલ સુધી ઘણી બધી વસ્તુઓમાં શુદ્ધતાનું કોઈ ખાસ ધોરણ રાખવાનો રિવાજ નથી અને કોઈ ભેળસેળ કરે તો એને પકડવો મુશ્કેલ છે. પૈસા ફેંકવાથી રસ્તા સાફ રહે છે. સતયુગમાં જે કામ ગંગાજળથી થતું હતું એ કામ આજના કળિયુગમાં કાળા પૈસાથી થઈ જાય છે. કદાચ પકડાઈ જાઓ તો પણ શું આસમાન તૂટી પડવાનું છે? જામીન પર છૂટી શકો છો. પૈસા ફેંકવાથી રસ્તો ન નીકળ્યો તો સજા થશે એટલું જ! અને સજાઓ હજી ૧૯૮૫ના ધોરણની નથી! ઈન્ડિયન પીનલ કોડ લખાયો એ જમાનાની છે. લાઈસન્સ કૅન્સલ થાય કે દંડ ભરવો પડે. કદાચ બેચાર મહિના જેલ જવું પડે. ફાંસી તો કોઈ મારવાનું નથી! અને જીવતો નર ભદ્રા પામે! જીવતા રહ્યા તો બધું ફરીથી વસાવીશું! જાન હૈ તો જહાન હૈ!... નહેરુએ ૧૯૪૫માં જેલમાંથી છૂટીને કહ્યું હતું કે દેશ આઝાદ થશે ત્યારે દરેક કાળાબજારિયાને પાસેના લૅમ્પ-પોસ્ટ પર લટકાવીશું! અને ભગવત શરણ ઉપાધ્યાયે એમના પુસ્તક ‘ખૂન કે છીટે - ઈતિહાસ કે પન્ને પર!’માં કટાક્ષ કર્યો હતો: લીડર કહે છે કે લૅમ્પ-પોસ્ટ પર લટકાવીશું... પણ લીડર એ વખતે ધનપતિઓના ખીસામાં હશે. ઘીમાં બીફ-ટેલો અથવા ગાયની ચરબી ઘૂસી ગઈ. દક્ષિણનાં કેટલાંક મંદિરોમાં ભક્તોને કુમકુમ લગાવે છે. એમાં કંઈક એવા રસાયણો છે કે કપાળની એટલી ચામડી રોગગ્રસ્ત થાય છે, કાળી પડી જાય છે, કડક થઈ જાય છે. વજન કરનારા વજન વધારવા માટે ત્રાજવાની નીચે લોહચુંબક ચોંટાડી દે તો વજન આપોઆપ વધી જાય છે. પચાસ રૂપિયા કિલોના હિસાબે મીઠાઈની સાથે સાથે આપણે પૂંઠાનો ડબ્બો પણ પચાસ રૂપિયે કિલો ખરીદીએ છીએ. જગતભરમાં સિમેન્ટ કાગળની થેલીમાં પૅક થાય છે કે જેથી એ ભેજ ચૂસે નહીં, રસ્તામાં પડતો રહે નહીં, ચોરાય નહીં, ક્વૉલિટીમાં ભેળસેળ થાય નહીં, આપણે ત્યાં શણના થેલા વપરાય છે જેમાં આ બધું જ થતું રહે છે. ટૉક્સિ-કોલૉજિકલ રીસર્ચ સેન્ટરે ૧૨,૫૭૫ નમૂનાઓ તપાસ્યા જેમાંથી ૮૮૨૦ એટલે કે ૭૨ ટકા નમૂનાઓમાં જે રંગો વપરાયા હતા એ ગૈરકાનૂની હતા, જોખમી હતા. આ નમૂનાઓ ખાવાની વસ્તુઓના હતા. પશ્ર્ચિમમાં તો ‘ક્લિઅરિંગ એજન્ટ’ વસ્તુ પર જ પ્રતિબંધ મુકાઈ ગયો છે, એમાં કોઈ પોષક દ્રવ્ય નથી અને એ વેચાણ માટે વસ્તુને આકર્ષક બનાવવા સિવાય કોઈ રીતે જરૂરી નથી. પણ ભારતવર્ષમાં જલેબી, લાડુ, દાળ, કેસર, હળદર, સોપારી, હિંગ જેવી અનગિનત વસ્તુઓ રંગાય છે, વેચાય છે. બૉલ પૉઈન્ટ રિફિલ પર મેન્યુફેકચરિંગ તારીખ અને મહિનો લખવાનું સૂચન છે અને સોનાના ઘરેણાં પર બાવીસ કૅરેટ કે અઢાર કૅરેટનો સ્ટૅમ્પ લગાવવાનો કાયદો છે. ઇંગ્લેન્ડમાં દરેક ઘરેણાં પર કંપનીનું કોડનામ તથા કેરેટની સ્વચ્છતાનો સ્પષ્ટ સ્ટેમ્પ મારવાનો કાયદો છે જેનું સખતાઈથી પાલન થાય છે. ભારતમાં અઢાર કૅરેટનું સોનું બાવીસ કૅરેટના ભાવે કંઈક વેચાઈ ગયું કારણ કે એને રીફાઈનરીમાં મોકલીને શુદ્ધીકરણ કરવાની શક્યતા ઓછી છે અને એ જ જૂનો રોગ: કાયદાના દાંત પડી ગયા છે અથવા એટલા ધારદાર રહ્યા નથી. બૉનસ મેળવવા માટે બસના ડ્રાઈવરો ડીઝલમાં વહેંર નાખી દે એવા કિસ્સા બન્યા છે. ગામડાઓમાં ટી.વી. સેટો રિપેર થયા વિના પડ્યા છે. ધ્યાન ન હોય તો પેટ્રોલ-સ્ટેશનો પર મીટર શૂન્ય પર આવે એ પહેલાં જ પેટ્રોલ ભરાવું શરૂ થઈ જાય છે, અથવા મોટર-ઑઈલમાં ડૂબાડવામાં આવતા ગેજને પલાળવામાં પણ બદમાશી થાય છે. એરપોર્ટ પાસેની ઝૂંપડપટ્ટીની ગંદકીને લીધે ઊડતું એકાદ પક્ષી જો એક આધુનિક ફાઈટર હવાઈજહાજની ઝપટમાં આવી જાય તો એ ફાઈટર-પ્લેન તદ્દન નકામું થઈ શકે છે - નુકસાન કેટલું? દસથી પંદર કરોડ રૂપિયા! પણ ઝૂંપડાં ખસેડી શકાય નહીં. વોટ જોઈએ છે... અને ચૂંટણીનું અફીણ તો વખતોવખત પાતા રહેવું પડે છે ને! એક અનુમાન પ્રમાણે દર વર્ષે ૫૦થી ૬૦ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે અને કેટલાક અનુભવી પાયલોટના જાન પણ જાય છે... કાપડ પર ૬૭ ટકા પૉલિસ્ટર અને ૩૩ ટકા કોટનની મહોર લાગી હોય છે, ભાવ એ રીતે લેવાય છે પણ ક્યારેક એ બ્લેન્ડમાં વધઘટ હોય છે. નાયલોન વાપરીને પૉલિસ્ટરનો સ્ટેમ્પ લાગતો હોય છે અને ભિવંડી કે ઈચલકરંજીથી પાવરલુમનું કાપડ લઈને મુંબઈમાં મિલોના નામના સ્ટેમ્પ લગાવી આપવાનો ગૃહ-ઉદ્યોગ વિશાળ પાયા પર ચાલી રહ્યો છે. ભેળસેળ ફક્ત વસ્તુઓમાં નથી, માણસોમાં પણ છે. બિહારના ડૉ. નગેન્દ્ર ઝા શિક્ષણમંત્રી હતા માટે એમણે બદમાશી કરીને પોતાને માટે ડૉક્ટરેટ લઈ લીધી છે એવું ડૉ. જગન્નાથ મિશ્રના અનુયાયીઓએ કહ્યું! તરત જ ડૉ. નગેન્દ્ર ઝાના અનુયાયીઓએ ફટકો લગાવ્યો. ૧૯૬૪માં જગન્નાથ મિશ્ર મુઝફફરપુરની એલ. એસ. કૉલેજમાં એક સામાન્ય લેકચરર હતા. એમણે ૧૯૬૪માં ડૉક્ટરેટ કેવી રીતે મેળવી લીધી? આ એ પ્રદેશની વાત છે જ્યાં એક યુગમાં નાલંદા અને વિક્રમશિલાનાં મહાવિદ્યાલયો હતાં... અને વિશ્ર્વભરમાંથી વિદ્યાર્થિઓ ભણવા આવતા હતા. પણ તમિળનાડુ વધારે સમજદાર છે. ત્યાં કેટલીક યુનિવર્સિટીઓ ડૉક્ટરેટ આપે છે. ‘ઑનરરી ડૉક્ટરેટ’ હોય છે. તમિળનાડુના ફિલ્મસ્ટાર મુખ્યમંત્રી વિશે બા-કાયદા લખાય છે: ‘ડૉ. એમ. જી. આર...! જો આ દેશમાં માથાને ઠંડું રાખવું હોય તો ભેળસેળ કે ભ્રષ્ટાચારને એક રમૂજ તરીકે લેવી જોઈએ. કંઈ ન કરી શકનાર માણસ કમસે કમ હસી તો શકે છે! અને આપણે માટે હસીએ છીએ ત્યારે નિર્ભેળ હસી શકીએ છીએ. http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=189790 |
Saturday, September 24, 2016
એક દર્દ બે-દવા... -- ચંદ્રકાંત બક્ષી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment