Monday, October 12, 2015

બ્રહ્માંડમાં પણ મોજૂદ છે લક્ષ્મણરેખા --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

04-10-2015

રામાયણમાં લક્ષ્મણરેખાની વાત આવે છે. રામ સુવર્ણમૃગને મારવા જાય છે પણ તે એવી રીતે આમતેમ દોડે છે કે રામ તેના પર સરસંધાન કરી શકતા નથી. તે માયાવી હરણ ધીરે ધીરે રામને દૂર દૂર લઈ જાય છે. છેવટે રામ હરણ પર તીર છોડે છે ત્યારે પ્લાન પ્રમાણે હરણને જ્યારે રામનું તીર વાગે છે ત્યારે મર્યા પહેલાં એ હે લક્ષ્મણ એમ બોલે છે. આ અવાજ સીતાજી અને લક્ષ્મણ સાંભળે છે. સીતાજીને થાય છે કે રામ મુસીબતમાં છે માટે લક્ષ્મણને રામની મદદે જવાનું કહે છે. લક્ષ્મણ તો સીતાજીના રક્ષણ માટે ત્યાં રહ્યા હતા. તે સીતાજીના આદેશને માનતા નથી અને કહે છે કે ભાભી રામને કોઈ મુસીબત નડી જ ન શકે. પણ સીતાજી લક્ષ્મણને કડવા વચન કહે છે અને રામની મદદે જવા આદેશ આપે છે. લક્ષ્મણજી મને-કમને રામ જે દિશામાં ગયા હતા તે દિશામાં જવા તૈયાર થાય છે પણ તે પહેલાં સીતાજીના રક્ષણ માટે ઝૂંપડી ફરતે વર્તુળ કરે છે અને સીતાજીને કહેતા જાય છે કે આ વર્તુળની બહાર નીકળતા નહીં તે તેમનું રક્ષા કવચ છે. જો કોઈ પણ આ વર્તુળને ઓળંગી ઝૂંપડી તરફ જાય તો બળીને ભસ્મ થઈ જાય. આને લક્ષ્મણ રેખા કહે છે. લક્ષ્મણ રામ જે દિશામાં ગયા હતા તે દિશામાં પ્રયાણ કરે છે. પ્લાન પ્રમાણે રાવણ સીતાનું હરણ કરવા ત્યાં આવે છે. રાવણ જેવો તેનો પગ એ વર્તુળને ઓળંગવા ઉપાડે છે ત્યાં તો ભયંકર અગ્નિ ઝળહળે છે. રાવણ જોઈ શકે છે કે સીતાનું હરણ કરવા ઝૂંપડીમાં જઈ શકાય તેમ નથી. માટે તે દૂરથી જ ભિક્ષા માગે છે. સીતાજી રાવણને ઝૂંપડી આગળ આવી ભિક્ષા લેવાનું કહે છે પણ રાવણને ખબર હતી કે લક્ષ્મણરેખા ઓળંગી શકાય તેમ નથી. જો તે લક્ષ્મણરેખા ઓળંગે તો તેનું મૃત્યુ નિશ્ર્ચિત છે. માટે તે સીતાજી પાસે નજીક આવી ભિક્ષા આપવાની જિદ કરે છે.

એ જમાનાના રીત-રિવાજ અને માન્યતા પ્રમાણે ભિક્ષુકને પાછો ન કઢાય. તેથી સીતાજી ભિક્ષા દેવા માટે લક્ષ્મણરેખા ઓળંગી બહાર આવે છે અને રાવણ તેનું હરણ કરે છે. તો થાય કે આ સાચું હશે? શું આવી લક્ષ્મણરેખા હોતી હશે? શું રામાયણકર્તાએ તેની કલ્પના દોડાવી હશે?

કોઈ પણ આકાશીપિંડની ફરતે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હોય છે. જો એ આકાશીપિંડ મોટો હોય તો તેની ફરતે ખૂબ જ બળવાન ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હોય છે. હવે જ્યારે બીજો નાનો આકાશીપિંડ તેની નજીકમાં આવે ત્યારે મોટા આકાશીપિંડનું ગુરુત્વાકર્ષણ બળ તે નજીક આવતા આકાશીપિંડ પર લાગે છે. એ નાના આકાશીપિંડના નજીકના ભાગ પર મોટા આકાશીપિંડનું ગુરુત્વાકર્ષણ વધારે લાગે છે અને તેની દિશા મોટા આકાશીપિંડ તરફ હોય છે અને તે નાના આકાશીપિંડના દૂરના ભાગ પર પણ મોટા આકાશીપિંડનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પણ તેની દિશા મોટા આકાશીપિંડની વિરુદ્ધ દિશામાં હોય છે. આ બંને બળો વિરુદ્ધ દિશામાં લાગતા હોવાથી તે નાના આકાશીપિંડના આકળા ઢીલા કરે છે. જેમ જેમ નાનો આકાશીપિંડ મોટા આકાશીપિંડની નજીક નજીક આવતો જાય છે તેમ તેમ નાના આકાશીપિંડ પર લાગતાં આ વિરોધી બળો પણ બળવાન બને છે. મોટા આકાશીપિંડની ફરતે એક અંતર એવું બને છે જ્યાં નાના આકાશીપિંડ પર લાગતા વિરોધી બળો એટલા બળવાન બને છે કે તે નાના આકાશીપિંડના ટુકડે ટુકડા કરી નાખે છે. મોટા આકાશીપિંડની ફરતેના એ અંતરની શોધ રોસ નામના ખગોળવિજ્ઞાનીએ કરી હતી. તેથી તે અંતરને રોસ અંતર અથવા રોસલિમિટ અથવા રોસરેખા કહે છે, અને એ અંતરથી બંધાયેલ ક્ષેત્રને રોસક્ષેત્ર કહે છે. આ રોસલિમિટ મોટા આકાશીપિંડની ફરતે લક્ષ્મણરેખા છે. એમાં જો કોઈ નાનો આકાશીપિંડ ભૂલે ચૂકે પ્રવેશે તો તેના ટુકડે ટુકડા થઈ જાય છે. તે નાના આકાશીપિંડનું મોત થાય છે. એટલે કે કોઈ પણ નાનો આકાશીપિંડ મોટા આકાશીપિંડની રોસલિમિટને રોસરેખાને ઓળંગી જવા પ્રયત્ન કરે તો તેના ટુકડે ટુકડા થઈ જાય, તેનું મોત થાય. આ દર્શાવે છે કે અંતરીક્ષમાં દરેકે દરેક મોટા આકાશીપિંડની ફરતે લક્ષ્મણરેખા જેવી રોસરેખા છે. એટલે કે અંતરીક્ષમાં લક્ષ્મણરેખા છે.

આપણે પૃથ્વી પરથી પથ્થર કે દડો અંતરીક્ષમાં ફેંકીએ તો તે પાછો આવે. જો આપણે દડાને વધારે બળથી એટલે કે ગતિથી આકાશમાં ફેંકીએ તો તે વધારે ઊંચો જાય પણ પાછો આવે જ. તો વિજ્ઞાનીઓને થયું કે શું એટલું બળ દડાને લગાવી શકાય કે જે તેને એટલી બધી ગતિ પ્રધાન કરે કે દડો પછી પાછો જ આવે નહીં? ન્યુટનના ડાયનામિક્સે તેમને દર્શાવ્યું છે કે જો દડાને પ્રતિ સેક્ધડની ૧૧.૨ કિલોમીટરની એટલે કે કલાકની ૪૦,૦૦૦ કિલોમીટરની ગતિથી અંતરિક્ષમાં છોડીએ તો તે કદી પાછો આવે જ નહીં. આ ગતિને પલાયનગતિ (ઊતભફાય ટફહજ્ઞભશિું, છટકગતિ) કહે છે. આ ગતિ નાની સૂની નથી. આ ગતિ મેળવવા જબ્બર બળ આપવું પડે. જેમ આકાશીપિંડ મોટો તેમ તેનું ગુરુત્વાકર્ષણબળ પણ મોટુ. ત્યાંથી છટકવા ગતિ પણ મોટી જોઈએ. બ્લેકહોલ (કૃષ્ણ વિવિર, કાળું બાકોરું કૃષ્ણ ગર્ત) એવો આકાશીપિંડ છે જેનું ગુરુત્વાકર્ષણ એટલું તો ભયંકર છે કે ત્યાં છટક ગતિ પ્રકાશની ગતિ છે. એટલે કે ત્યાંથી પ્રકાશ પણ છટકી ન શકે. તેની પર પ્રકાશ ફેંકીએ તો તે તેમાં જ ચૂસાઈ જાય અને પરાવર્તિત થાય નહીં. તેમાં કોઈ પણ વસ્તુ જાય તે પાછી ફરે જ નહીં. એટલું જ નહીં વસ્તુ તેની નજીક જાય તો તેના ટુકડે ટુકડા થઈ જાય. બ્લેકહોલની ફરતે એવું અંતર છે, ત્રિજ્યા છે જેની અંદર વસ્તુ પ્રવેશે તે પહેલાં જ તેના ટુકડે ટુકડા થઈ જાય. તે ઊર્જામાં, કણ કણમાં રૂપાંતર પામી જાય. આ અંતરને તેના શોધક કાર્સ સ્વાર્ઝશીલ્ડના નામ પરથી તેને માન આપવા સ્વાર્ઝશીલ્ડ ત્રિજ્યા (સ્વાર્ઝશીલ્ડ અંતર) કહે છે. આ સ્વાર્ઝશીલ્ડ રેખા અંતરીક્ષ બ્લેકહોલ ફરતે લક્ષ્મણરેખા છે. તેમાં જે કોઈ વસ્તુ દાખલ થાય તેનો કણ કણમાં ઊર્જામાં રૂપાંતરમાં નાશ નિશ્ર્ચિત જ હોય છે. આશ્ર્ચર્યની વાત છે કે બ્રહ્માંડમાં પણ લક્ષ્મણ રેખા મોજુદ છે.

રોસ લક્ષ્મણરેખા અને સ્વાર્ઝશીલ્ડ લક્ષ્મણરેખામાં ફરક એટલો છે કે રોસ-લક્ષ્મણરેખા બંને આકાશીપિંડના દળ અથવા કહો કે ઘનતા પર આધાર રાખે છે, જ્યારે સ્વાર્ઝશીલ્ડ-લક્ષ્મણ રેખા માત્ર બ્લેકહોલ પર જ આધાર રાખે છે. તેની નજીક આવતી વસ્તુને તે કણ કણમાં, ઊર્જામાં છિન-વિછિન્ન કરી નાખે છે. સ્વાર્ઝશીલ્ડ-લક્ષ્મણરેખા અંતરીક્ષ સ્થિત બ્લેકહોલ ફરતે ભયંકર લક્ષ્મણરેખા છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=175103

No comments:

Post a Comment