Monday, October 12, 2015

બ્રહ્માંડમાં દિશાઓની માયા ---- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

આપણે પૃથ્વી પર છીએ. અહીં આપણી પાસે પૂર્વ દિશા છે, પશ્ર્ચિમ દિશા છે, ઉત્તર દિશા છે, દક્ષિણ દિશા છે, ઉપરની દિશા છે અને નીચેની દિશા પણ છે. તો આપણને થાય કે આ દિશાઓ કેવી રીતે અસ્તિત્વમાં આવી હશે? આ દિશાઓ કોણ નક્કી કરે? દિશાઓથી ફાયદા શું? દિશા ન હોય તો શું થાય? હકીકતમાં આપણને કોઈ અચાનક પૂછે કે ઉત્તર દિશા કઈ? તો આપણે જવાબ દઈ શકવાની સ્થિતિમાં નથી હોતા આવે સમયે દિશા કેવી રીતે નક્કી કરવી?

દિશાના ફાયદા એ છે કે આપણે, આપણું ગામ કે દેશની જગ્યાને પૃથ્વીના બીજા દેશોના સંદર્ભે કયાં છે તે દર્શાવી શકીએ. આપણે મહાસાગર, રણ કે જંગલમાં હોઈએ તો આપણા સ્વજનોને આપણે ક્યાં છીએ દેશના સંદર્ભે અને રાજ્યના સંદર્ભે કયાં રહીએ છીએ તે દર્શાવી શકીએ. પૃથ્વી પર કયા અક્ષાંશ પર અને કયા રેખાંશ પર આપણું ગામ કે શહેર આવેલું છે, તે દર્શાવી શકીએ. જગ્યાના બધા જ ડૉક્યુમેન્ટસ (દસ્તાવેજ) દિશાને સંદર્ભે બને છે. ભારતના સંદર્ભે મુંબઈ પશ્ર્ચિમમાં છે. વળી પાછું મુંબઈના સંદર્ભે પણ ઉત્તર મુંબઈ, દક્ષિણ મુંબઈ, પૂર્વ મુંબઈ, પશ્ર્ચિમ મુંબઈ વગેરે ભાગો છે જે આપણને ગ્લોબલી દૃષ્ટિ આપે છે કે આ બધું ક્યાં છે. ગુજરાતમાં સાબરકાંઠા ઉત્તર ગુજરાત કહેવાય છે, સુરત, વલસાડ, વાપી દક્ષિણ ગુજરાત કહેવાય છે. કચ્છ પશ્ર્ચિમ ગુજરાત કહેવાય છે. જ્યારે સૌરાષ્ટ્ર વગેરે પૂર્વ ગુજરાત કહેવાય છે. દિશાઓને કોઈ ચોક્કસ પ્રદેશ નથી હોતાં પણ દિશાઓનો વિચાર જબરદસ્ત છે. આપણને તે લોકલી કે ગ્લોબલી આપણી કે બીજાની જગ્યા દર્શાવે છે. જોકે આ વિચાર માનવીએ ઉત્પન્ન કરેલો છે, તેની સાથે કોઈ શાશ્ર્વતતા જોડાયેલી નથી. કરન્સી પણ એક વ્યવહારિક ઉપયોગિતા છે, તે શાશ્ર્વત નથી. જમણુ-ડાબુ તો વધારે તૂત હોય તેમ લાગે. કારણ કે દરેકે દરેક જગ્યાએ ડાબુ-જમણુ હોય, તે એ રીતે નિશ્ર્ચિત નથી.

આપણી વાત એ છે કે પૂર્વ દિશા કોણ નક્કી કરે. કોઈ વળી વિચારશીલ માણસ હોય તો કહે કે સૂર્ય પૂર્વ દિશા નક્કી કરે છે. સૂર્ય જે દિશામાં ઉદય પામે તે પૂર્વ અને અસ્ત પામે તે પશ્ર્ચિમ. એક ક્ષણે આપણને આ સાચું જ લાગે કે સૂર્ય, પૂર્વ દિશા નક્કી કરે છે, પણ વિજ્ઞાન એ એક એવું વિશિષ્ટ જ્ઞાન છે જે હકીકત દર્શાવે છે અને આપણને ચોંકાવી પણ દે છે. કારણ કે તે આપણી માન્યતા વિરુદ્ધ સૂર કાઢે છે, તે માત્ર આપણી માન્યતા વિરુદ્ધ માત્ર સૂર જ નથી કાઢતું, પણ તે વાતને સમજાવે છે, તે સત્યને સમજાવે છે. આ બ્રહ્માંડમાં ઘણી વાર જે સાચું છે તે દેખાતું નથી અને ઘણી વાર દેખાય છે તે સાચું હોતું નથી.

પૃથ્વી પર પૂર્વ અને પશ્ર્ચિમ દિશા સૂર્ય નથી નક્કી કરતાં પણ પૃથ્વી પોતે જ નક્કી કરે છે કે કઈ પૂર્વ દિશા અને કઈ પશ્ર્ચિમ દિશા? પૃથ્વી પશ્ર્ચિમથી પૂર્વ તરફ પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે, માટે સૂર્યને પૂર્વ દિશામાં ઉદય થયા વગર કોઈ આરો જ નથી. તેને પૂર્વમાં ઊગવું પડે છે અને પશ્ર્ચિમમાં આથમવું પડે છે. શુક્ર ગ્રહ તેની ધરી પર ઊલટો ફરે છે. જ્યારે આપણી સંદર્ભે સૂર્ય ત્યાં પશ્ર્ચિમમાં ઉદય પામે છે અને પૂર્વમાં અસ્ત પામે છે. યુરેનસ ગ્રહની ધરીભ્રમણની ધરી જ સૂર્ય સામે છે. માટે ત્યાં ઉત્તર ગોળાર્ધમાં દિશાઓનો કોઈ અર્થ રહેતો નથી, તેવું જ તેના દક્ષિણ ગોળાર્ધ પર છે. યુરેનસના ઉત્તર ગોળાર્ધ પર કદી રાત હોતી નથી અને દક્ષિણ ગોળાર્ધ પર કદી દિવસ હોતો નથી. યુરેનસના ઉત્તર ગોળાર્ધ પર હંમેશાં સૂર્ય રહે છે, ત્યાં સૂર્ય આંખની લંબદિશામાં સૂર્ય ચક્કર મારે છે તેનો દિવસ ૧૬ કલાકનો હોવાથી, સૂર્ય ૧૬ કલાક પછી ચક્કર મારી વળી પાછો ઉપરના બિન્દુએ આવે છે. છે ને બ્રહ્માંડ વિચિત્ર? યુરેનસના દક્ષિણ ગોળાર્ધ પરના માણસોએ કદી સૂર્ય જ જોયો નથી. માત્ર રાત્રે ત્યાં તારા જ દેખાય છે. યુરેનસને ૨૩ ચંદ્રો છે પણ તે આપણી દૃષ્ટિને લંબ હોય તે સમતલમાં રહીને જ યુરેનસની પરિક્રમા કરે છે. માટે યુરેનસના ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય હોવાથી દેખાતાં નથી અને તેના દક્ષિણ ગોળાર્ધ પર સૂર્યનો પ્રકાશ પડતો નથી માટે દેખાતાં નથી. આ રીતે યુરેનસ પર દિશા જેવું કશું જ નથી. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ્યારે છ મહિનાનો દિવસ હોય છે ત્યારે સૂર્ય ક્ષિતિજ પર જ ચક્કર લગાવતો નજરે ચઢે છે અને બીજા છ મહિના તે ગાયબ રહે છે. જોકે આપણને ચંદ્ર આકાશમાં દેખાય છે. કારણ કે ચંદ્ર પૃથ્વીના વિષુવવૃત્તની લગભગ સમતલમાં રહીને પૃથ્વીની પરિક્રમા કરે છે.

તો થાય કે પૃથ્વી પર ઉત્તર અને દક્ષિણ દિશા કોણ નક્કી કરે છે? કોઈ વિચારશીલ માણસ હોય તો તે કહે કે પૃથ્વી પર ઉત્તર દિશા ઉત્તર ધ્રુવનો તારો નક્કી કરે છે. કાલિદાસ તેના મેઘદૂતમાં કહે છે. અસ્તિ ઉત્તરસ્યાં દિશી હિમાલયો નામ નગાધિરાજ / અર્થાત ઉત્તર દિશામાં હિમાલય નામનો નગાધિરાજ (પર્વતોનો રાજા) છે. હકીકતમાં તે બરાબર ઉત્તર દિશામાં નથી પણ ઉત્તર-પૂર્વ દિશામાં છે, પણ અંદાજે (રફલી) આપણે કહી શકીએ કે હિમાલય ભારતની ઉત્તર દિશામાં છે.

ઉત્તર ધ્રુવને નક્કી કરનાર પૃથ્વી પોતે જ છે. પૃથ્વી પોતાની ધરી પર ગોળ ગોળ ઘૂમે છે. તેની ધરી નિશ્ર્ચિત છે, અને વિજ્ઞાનનો નિયમ છે કે જે બિન્દુ ફરતે વસ્તુ ગોળ ગોળ ફરે તે બિન્દુ અને તેમાંથી પસાર થતી ધરીનાં દરેકે દરેક બિન્દુ સ્થિર રહે. ઉત્તર ધ્રુવનો તારો પૃથ્વીની ધરી પર છે માટે તે સ્થિર રહે છે, પણ પૃથ્વીની ધરી પર સ્થિર નથી તે જેમ ભમરડાની ધરી પરાંયન ગતિ કરે તેમ પરાંયન ગતિ કરે છે. માટે ધ્રુવનો તારો બદલાય છે અને પૃથ્વીની ઉત્તર દિશા પણ બદલાય છે. માટે છેવટે પૃથ્વી પોતે જ નક્કી કરે છે કે તેનો ધ્રુવનો તારો કયો? એટલે કે પૃથ્વી પોતે જ નક્કી કરે છે કે ઉત્તર દિશા કઈ? અને ઉત્તર દિશાની વિરુદ્ધની દિશા તે દક્ષિણ દિશા.

તો થાય કે ઉપરની અને નીચેની દિશા કોણ નક્કી કરે છે? સામાન્ય માણસ તરત જ કહે કે આકાશ ઉપરની દિશા નક્કી કરે પણ આકાશ તો પૃથ્વી પર જ્યાં જાવ ત્યાં છે. તે તો પૃથ્વીને ઘેરીને બેઠું છે તો ઉપરની દિશા કઈ? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ નીચેની દિશા નક્કી કરે છે. કારણ કે બધી જ વસ્તુ પૃથ્વી પર નીચે આવીને પડે છે. માટે પૃથ્વી પોતે જ નીચેની દિશા કઈ તે નક્કી કરે છે. તેની વિરુદ્ધની દિશા ઉપરની દિશા જ્યાં આકાશ છે જ. આમ આકાશ ઉપરની દિશા નક્કી કરતું નથી. ઉત્તર ધ્રુવ પર માનવીના પગ પૃથ્વી સાથે જડાયેલાં છે અને તે આંગળીથી આકાશની દિશાને ઉપરની દિશા તરીકે દેખાડે છે. દક્ષિણ ધ્રુવ પરના માનવીના પગો પૃથ્વી સાથે જડાયેલાં છે જે ઉત્તર ધ્રુવ પરના માનવીના સંદર્ભે ઊલટા છે તે પણ આકાશ તરફ આંગળી ચીંધી ઉપરની દિશા દર્શાવે છે પણ તે એકબીજાથી વિરુદ્ધ દિશા છે. પૃથ્વીના વિષુવવૃત્ત પર ઊભેલો માનવી આ બંને માનવીઓને લંબ છે. તેનું માથું અંતરિક્ષ તરફ છે અને પગો પૃથ્વી સાથે જોડાયેલા છે જે ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ પર ઊભેલા માનવીને લંબ હોય છે. આમ ઉપરની અને નીચેની દિશા પણ તેના ગુરુત્વાકર્ષણની દિશાને સહારે પૃથ્વી પોતે જ નક્કી કરે છે. તેથી સ્પષ્ટ થાય છે કે પૃથ્વી પોતે જ પોતાની દિશા નક્કી કરે છે. સૂર્ય પર છોડતી નથી આમાંથી સંદેશો એ મળે છે કે દરેકે દરેક વ્યક્તિએ જ પોતાની દિશા નક્કી કરવાની છે. આપણા માટે કોઈ બીજું દિશા નક્કી કરી શકે નહીં, અને કરે તો ક્યારેક તે આપણા માટે સાચી દિશા ન પણ હોય. આપણે આપણી દિશા નક્કી કરવાનું બીજા કોઈના પર છોડવું ન જોઈએ. ગ્રહો પર આપણી દિશા નક્કી કરવાનું છોડી દેવું ન જોઈએ.

આ બધી દિશાઓ ચોક્કસ રીતે નક્કી થાય છે (ઞક્ષશિીયહુ મયયિંળિશક્ષયમ) પૃથ્વી એ છે કે હજુ પણ કોઈ દિશા છે જે ચોક્કસ રીતે નક્કી થઈ શકે? હાં, તે છે ઉત્તર-પૂર્વ, પૂર્વ-દક્ષિણ, દક્ષિણ-પશ્ર્ચિમ અને પશ્ર્ચિમ-ઉત્તર. આ હકીકતમાં ઉત્તર અને પૂર્વ વચ્ચે જે ૯૦ અંશનો ખૂણો બને છે તેના દુભાજકની દિશા છે, ૪૫ અંશે આવેલી દિશા છે, તેવી જ રીતે પૂર્વ-દક્ષિણ વગેરે દિશાઓનું છે. આમ પૃથ્વી પર ૧૦ દિશાઓ છે. આ કુદરતી દિશા છે. બીજી કોઈ દિશા હોય તો તે કૃત્રિમ છે.

દરેકે દરેક ગ્રહને પોતપોતાની દિશાઓ છે, દરેકે દરેક ઉપગ્રહને, તારાને, મંદાકિનીઓને પોતપોતાની દિશા છે. આમ બ્રહ્માંડમાં દિશાઓની જબ્બર નેટવર્ક છે તે એકબીજાને ડિસક્રોસ કરે છે.

દિશાઓ હકીકતમાં માયા છે તેનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ નથી. આપણે પૃથ્વી કે કોઈ ગ્રહને છોડી દઈએ એટલે તેના પરની દિશાનું જાળું અદૃશ્ય થઈ જાય. અંતરિક્ષમાં કોઈ જ દિશા નથી. કોઈ પણ ગ્રહ પર ઊતરીએ એટલે તેના ધરીભ્રમણને સંલગ્ન દિશાઓનું જાળું અસ્તિત્વમાં આવે. દરેકે દરેક ગ્રહને કે ઉપગ્રહને કે કોઈ પણ આકાશપિંડને પોતાનો ઉત્તર ધ્રુવનો તારો છે. આપણો દેશ જ્ઞાનમાં આગળ હતો. તેને ઉત્તર-પૂર્વને ઈશાન દિશા એવું સ્પષ્ટ નામ અપાયું છે. તેવી જ રીતે પૂર્વ-દક્ષિણ અગ્નિખૂણો છે. કારણ કે આ ભાગમાં અવારનવાર જવાલામુખી ફાટે છે અને અગ્નિ કેર વર્તાવે છે. દક્ષિણ-પશ્ર્ચિમ દિશા નૈઋત્ય કહેવાય છે. કારણ કે ભારતમાં વરસાદ નેઋત્ય દિશામાંથી આવે છે જે ભારતની ઋતુઓને સમતુલનમાં રાખે છે. પશ્ર્ચિમ-ઉત્તર દિશાને વાયવ્ય દિશા કહે છે જ્યાં ખૈબર ઘાટ છે અને ભારત પર ચઢી આવનારા દુશ્મનો આ દિશાના ખૈબરઘાટમાંથી આવતા. અંતરિક્ષમાં તારા ગતિ કરતાં દેખાતાં નથી. સૂર્ય અને તારા સાથે જ પ્રકાશે છે. જોકે સૂર્ય એક તારો જ છે અને બધા તારા સૂર્ય આપણા મનીષીઓએ તારાને નાના સૂર્ય: કહ્યાં છે, નાના એટલે નાના નહીં, સંસ્કૃતમાં નાના એટલે પ્રકાર પ્રકારનાં, વિવિધ પ્રકારનાં.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=174577

No comments:

Post a Comment