Sunday, October 11, 2015

ભારતના વિજ્ઞાનીઓ ઈશ્ર્વરમાં અને ધર્મમાં શ્રદ્ધા ધરાવતા થયા છે --- સ્પોટ લાઈટ - સંજય વોરા

                        

આધુનિક વિજ્ઞાન આપણને એમ કહે છે કે, જેટલું આપણે આંખથી જોઇ શકીએ અને કાનથી સાંભળી શકીએ, એટલી જ વાત સાચી માનવી જોઇએ. ધર્મમાં સ્વર્ગ-નર્ક, પુણ્ય-પાપ, આત્મા-પરમાત્મા, કર્મવાદ, પરલોક, મોક્ષ વગેરે એવી કેટલીક માન્યતાઓ છે, જેનો મેળ આધુનિક વિજ્ઞાન સાથે બેસતો નથી. આધુનિક વિજ્ઞાન દેહથી અલગ એવા આત્માનું અસ્તિત્વ માનતું નથી. વિજ્ઞાનીઓ પૂર્વજન્મ અને પુનર્જન્મની વાતમાં પણ વિશ્ર્વાસ કરતા નથી. તેમ છતાં ભારતના કેટલાક ટોચના વિજ્ઞાનીઓ પોતાના દેશની પરંપરાનો આદર કરીને ઇશ્ર્વરમાં શ્રદ્ધા ધરાવે છે અને તેમાં તેઓ વિજ્ઞાન સાથે કોઇ વિરોધાભાસ જોતા નથી. શ્રી હરિકોટ્ટા ખાતેથી રોકેટનું લોન્ચિંગ કરતા પહેલા તેઓ ફ્લાઇટમાં તિરુપતિ બાલાજીની યાત્રા કરીને ઇશ્ર્વરના આશીર્વાદ માંગી આવે છે.

અમેરિકાની ટ્રિનિટી કોલેજના વિજ્ઞાનીઓએ તાજેતરમાં ભારતના વિજ્ઞાનીઓની ધાર્મિક માન્યતાઓ બાબતમાં એક વિસ્તૃત સર્વે કર્યો હતો. તેમાં ભારતની ૧૩૦ વિવિધ વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓમાં કામ કરતાં ૧,૧૦૦ વિજ્ઞાનીઓને આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વેનાં પરિણામો તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા હતા. તેમાંના ૪૯ ટકા વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે તેઓ એવું માને છે કે ઇશ્ર્વરને પ્રાર્થના કરવાથી ફાયદો થાય છે. આ સર્વે પૈકીના ૨૬ ટકા વિજ્ઞાનીઓ ઇશ્ર્વરના અસ્તિત્વમાં માને છે. ૯૦ ટકા વિજ્ઞાનીઓ માને છે કે ભારતની યુનિવર્સિટીઓમાં આયુર્વેદનું શિક્ષણ આપવું જોઇએ. પશ્ર્ચિમના લગભગ બધા જ વિજ્ઞાનીઓ રાજકીય રીતે સામ્યવાદી વિચારધારાની નજીક જોવા મળે છે અને તેઓ લગભગ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા નથી. ભારતમાં તેનાથી ઊંધી જ પરિસ્થિતિ જોવા મળે છે. ભારતના વિજ્ઞાનીઓ ભલે કોલેજમાં ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની થિયરી ભણાવતા હોય છે, પણ અંગત રીતે તો તેઓ ઇશ્ર્વરે સૃષ્ટિનું સર્જન કર્યું છે, એમ માને છે. આ સર્વેમાં એક રસપ્રદ બાબત જાણવા મળી હતી કે કોઇ ધાર્મિક માન્યતા જો વૈજ્ઞાનિક વિચારની વિરોધી હોય તો તે ધાર્મિક માન્યતાનો વિરોધ કરવા માત્ર ૪૪ ટકા વિજ્ઞાનીઓ જ તૈયાર હતા; બાકીના પૈકી ૨૩ ટકાએ જણાવ્યું હતું કે તેઓ આ પ્રકારની ધાર્મિક માન્યતાનું ખંડન કરવા પણ તૈયાર નથી. બાકીના ૩૩ ટકા વિજ્ઞાનીઓ કહે છે કે, એવા કોઇ ખાસ પ્રસંગ વિના અમે ધર્મનું ખંડન કરવા ઇચ્છતા નથી. 

નેશનલ નૉલેજ કમિશનનાં ભૂતપૂર્વ વાઇસ ચેરમેન પુષ્પા ભાર્ગવ કહે છે કે,"ભારતના ઘણા વિજ્ઞાનીઓ બેવડું વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ જાહેરમાં ધર્મમાં અંધશ્રદ્ધાનો વિરોધ કરે છે, પણ ઘરમાંથી બહાર નીકળતા પહેલા ગણેશનાં દર્શન કરવાનું ચૂકતા નથી. તેનું કારણ એ છે કે ભારતની પરંપરામાં અને લોકોના જીવનમાં ધર્મ વણાયેલો છે. અહીં પ્રજાનો મોટો ભાગ દૈવી શક્તિમાં વિશ્ર્વાસ ધરાવે છે. આ કારણે વિજ્ઞાનના અનેક સેમિનારોનો પ્રારંભ પણ ધાર્મિક પ્રાર્થનાથી કરવામાં આવે છે. ઘણા વિજ્ઞાનીઓ માને છે કે પ્રાર્થના કરવાથી કાર્યમાં સફળતા મળે છે. આ પ્રકારની માન્યતા દેશના અડધા ભાગના વિજ્ઞાનીઓ ધરાવે છે.

ભારતના ટોચના અણુવિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઇનો જન્મ ચુસ્ત જૈન પરિવારમાં થયો હતો, પણ તેમની કેળવણી વિદેશી પદ્ધતિએ જ થઇ હતી. તેને કારણે તેમને ધાર્મિક સિદ્ધાંતોમાં બિલકુલ શ્રદ્ધા નહોતી. તેવી જ રીતે ભારતના સતીશ ધવન અને કસ્તુરીરંગન જેવા વિજ્ઞાનીઓ સંપૂર્ણપણે નાસ્તિક હતા. પરંતુ ભારતના વિજ્ઞાનીઓની વર્તમાન પેઢી ધર્મની આસ્થાળુ જણાય છે. ભારતના ટોચના રોકેટ વિજ્ઞાની અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ પણ ઇશ્ર્વરમાં શ્રદ્ધા ધરાવે છે. અમેરિકાની યુનિવર્સિટીએ જે સર્વે કર્યો તેમાં ૪૯ ટકા વિજ્ઞાનીઓએ પ્રાર્થનાની શક્તિનો સ્વીકાર કર્યો તેને કારણે કેટલાક વિજ્ઞાનીઓને પણ અચંબો થયો છે. અમેરિકાના વિજ્ઞાનીઓ માટે આ બાબતનો સર્વે કરવામાં આવ્યો ત્યારે માત્ર ૧૦ ટકા વિજ્ઞાનીઓએ જ તેઓ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા હોવાનું જણાવ્યું હતું. અમેરિકામાં તો ચર્ચ અને વિજ્ઞાન વચ્ચે તીવ્ર સંઘર્ષ ચાલી રહ્યો છે. ખ્રિસ્તી પાદરીઓ ઇશ્ર્વર કતૃત્વની થિયરીમાં માને છે જ્યારે વિજ્ઞાનીઓ ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનો ઝંડો ઉપાડીને ફરે છે. ભારતમાં આ પ્રકારનો કોઇ સંઘર્ષ જોવા મળતો નથી. 

ભારતના ૫૯ ટકા વિજ્ઞાનીઓ કહે છે કે તેઓ બિનસાંપ્રદાયિક છે. તેમના માટે બિનસાંપ્રદાયિકતાનો અર્થ તમામ ધર્મ માટેની સહિષ્ણુતા એવો થાય છે. અમેરિકામાં સ્ટેમ સેલ રિસર્ચ અને જિનેટીક એન્જિનિયરીંગનો ભારે વિરોધ ધાર્મિક કારણોથી ચાલી રહ્યો છે, કારણ કે રોમન કેથોલિક ચર્ચ આ પ્રવૃત્તિઓના વિરોધમાં છે. ચર્ચના પાદરીઓ માને છે કે સ્ટેમ સેલ પણ એક પ્રકારનો ગર્ભ છે, જેની હત્યા કરવી જોઇએ નહીં. ભારતમાં આ પ્રકારનો કોઇ વિવાદ નથી. ભારતના માત્ર આઠ ટકા વિજ્ઞાનીઓ માને છે કે નૈતિક કારણોસર સ્ટેમ સેલવિષયક સંશોધનનો વિરોધ કરવો જોઇએ. ભારતના ૧૪ ટકા વિજ્ઞાનીઓ જ્યોતિષમાં અને બીજા ૧૪ ટકા વાસ્તુશાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવે છે. ૧૬ ટકા ચમત્કારિક સારવારમાં અને ૧૩ ટકા પ્રાણિક હીલિંગમાં શ્રદ્ધા ધરાવે છે. અમેરિકાના કનેક્ટિકટની ટ્રિનિટી કોલેજમાં ‘ધ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટડીઝ ઓફ સેક્યુલારિઝમ ઇન સોસાયટી એન્ડ કલ્ચર’ નામની સંસ્થા ચાલે છે. તેમણે ત્રીજા વિશ્ર્વના વિજ્ઞાનીઓની ધાર્મિક તેમ જ સામાજીક માન્યતાનો અભ્યાસ કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રારંભમાં ભારતના વિજ્ઞાનીઓનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. હવે તેઓ ચીન, જપાન, રશિયા અને તુર્કસ્તાનના વિજ્ઞાનીઓનો અભ્યાસ પણ હાથ ધરવા માંગે છે. આ અભ્યાસનો હેતુ સમકાલીન વિજ્ઞાનીઓ ધાર્મિક અને નૈતિક બાબતો વિશે ક્યા પ્રકારની વિચારધારા ધરાવે છે તે જાણવાનો અને વિજ્ઞાનીઓના માનસને સમજવાનો છે.

ભારતની ૧૩૦ વિજ્ઞાન સંશોધન સંસ્થાઓમાં અત્યારે આશરે ૪૦ લાખ વિજ્ઞાનીઓ વિવિધ વિભાગોમાં પોતાની કામગીરી બજાવી રહ્યા છે. આ વિજ્ઞાનીઓના પ્રતિનિધિ તરીકે ૧,૧૦૦ વિજ્ઞાનીઓની પસંદગી કરવામાં આવી હતી.આ અભ્યાસમાં ભારતની ‘સેન્ટર ફોર ઇન્ક્વાયરી’ નામની સંસ્થાએ પણ સહકાર આપ્યો હતો. ડો. પુષ્પા ભાર્ગવ આ સંસ્થાના મુખ્ય સલાહકાર છે. ઇ.સ. ૨૦૦૫માં ભારતના રોકેટનું લોન્ચિંગ કરનારા વિજ્ઞાનીઓની ટુકડી તિરુપતિ બાલાજીના આશીર્વાદ લેવા ગઇ હતી. આ બાબતમાં સવાલ પૂછવામાં આવ્યો ત્યારે ૫૪ ટકા વિજ્ઞાનીઓએ તેને અનુમોદન આપ્યું હતું અને ૪૬ ટકાએ તેનો વિરોધ કર્યો હતો. આ રીતે ભારતના બહુમતી વિજ્ઞાનીઓને લાગે છે કે રોકેટના સફળ લોન્ચિંગ માટે ભગવાનનાં આશીર્વાદ લેવામાં કાંઇ ખોટું નથી.

ભારતના જે ૧,૧૦૦ વિજ્ઞાનીઓનો સર્વે કરવામાં આવ્યો તેમાના ૯૦ ટકાએ પોતાનો ધર્મ જણાવ્યો હતો, પણ માત્ર ૧૦ ટકા વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે તેઓ નાસ્તિક છે, માટે તેમનો કોઇ ધર્મ નથી. જે વિજ્ઞાનીઓનો સર્વે કરવામાં આવ્યો તેમાંના ૬૬ ટકા હિન્દુ છે, ત્રણ ટકા ખ્રિસ્તી છે, ત્રણ ટકા મુસ્લિમ છે, ચાર ટકા બૌદ્ધ, શીખ કે જૈન છે અને ૧૪ ટકાએ પોતાનો ધર્મ જણાવ્યો નથી. જે વિજ્ઞાનીઓનો સર્વે કરવામાં આવ્યો તેમાંના ૫૭ ટકાએ જણાવ્યું કે તેઓ માંસાહારી છે અને ૪૩ ટકાએ જણાવ્યું હતું કે તેઓ શુદ્ધ શાકાહારી છે. શાકાહારીઓ પૈકી ૨૩ ટકાએ કહ્યું હતું કે તેઓ આરોગ્ય અને ધર્મના કારણે શાકાહાર કરે છે. આઠ ટકાએ કહ્યું હતું કે તેઓ આરોગ્યના હેતુથી શાકાહાર કરે છે, જ્યારે ત્રણ ટકાએ માત્ર ધર્મના હેતુથી શાકાહાર કરતા હોવાનું જણાવ્યું હતું. તેના ઉપરથી એટલું નક્કી થાય છે કે શાકાહારથી આરોગ્યને ફાયદો થાય છે, એ બાબતમાં ભારતના મોટા ભાગના વિજ્ઞાનીઓ સંમત છે.

આપણે એમ માનીએ છીએ કે વિજ્ઞાનીઓ ભગવાનના અને સાધુસંતોના ચમત્કારમાં શ્રદ્ધા ધરાવતા નથી. આ માન્યતા પણ ટ્રિનિટી કોલેજના સર્વેને કારણે ખોટી સાબિત થઇ છે. જે વિજ્ઞાનીઓનો સર્વે કરવામાં આવ્યો તે પૈકીના ૩૮ ટકાએ જણાવ્યું હતું કે તેમને ઇશ્ર્વરના ચમત્કારમાં વિશ્ર્વાસ છે. બીજા ૨૪ ટકાએ કહ્યું હતું કે તેમને સાધુસંતોના ચમત્કારમાં પણ વિશ્ર્વાસ છે. ૨૯ ટકા વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે તેમને પુણ્ય-પાપમાં અને કર્મવાદમાં શ્રદ્ધા છે તો ૪૬ ટકાએ કહ્યું હતું કે તેઓ પુનર્જન્મમાં માને છે. સાત ટકા વિજ્ઞાનીઓ તો ભૂતપ્રેતમાં પણ વિશ્ર્વાસ ધરાવે છે. સાત ટકા ઉડતી રકાબીઓની વાતને સાચી માને છે.

ભારતના બધા જ વિજ્ઞાનીઓ નાસ્તિક છે અને તેઓ ધર્મના સિદ્ધાંતોમાં બિલકુલ શ્રદ્ધા ધરાવતા નથી, એ માન્યતા આ સર્વેને કારણે ખોટી સાબિત થઇ ગઇ છે. ભારતમાં તો ધર્મની અને વિજ્ઞાનની સ્પર્ધામાં ધર્મનો વિજય થયો છે. તેનું કારણ વિજ્ઞાનીઓની અંધશ્રદ્ધા નથી, પણ ધર્મના સિદ્ધાંતોની વૈજ્ઞાનિકતા છે. આ વિજ્ઞાનીઓ પ્રામાણિકતાથી માને છે કે ધર્મના તમામ સિદ્ધાંતોમાં વિજ્ઞાન છે, જેનો તાગ આજના વિજ્ઞાનીઓ કદાચ મેળવી શક્યા નથી, પણ તેનો ઇનકાર પણ કરી શકાય તેમ નથી. ભારતના આ શ્રદ્ધાવાન વિજ્ઞાનીઓ જો સાચી દિશામાં પુરૂષાર્થ કરે તો ધર્મના તમામ સિદ્ધાંતોની વૈજ્ઞાનિક સાબિતી શોધીને વિજ્ઞાન અને ધર્મનો સમન્વય કરી શકે તેમ છે. આ વિજ્ઞાનીઓને માર્ગદર્શન આપવા કોઇ ધર્મગુરુએ આગેવાની લેવાની જરૂર છે, એમ નથી લાગતું?

No comments:

Post a Comment