Wednesday, May 27, 2015

ફાઇવ સ્ટાર હૉસ્પિટલો શ્રીમંત દર્દીઓને લૂંટે છે --- સંજય વોરા

સ્પોટ લાઈટ - સંજય વોરા


ભારતનાં મોટાં શહેરોમાં છેલ્લા એક દાયકાથી જે ફાઇવ સ્ટાર હૉસ્પિટલોનો ટ્રેન્ડ શરૂ થયો છે તેનો એકમાત્ર હેતુ નફો રળવાનો હોય છે. આ ધંધામાં વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓ પણ પડી છે. શ્રીમંત દર્દીઓ આવી ફાઇવ સ્ટાર હૉસ્પિટલોમાં સારવાર લેવાને સ્ટેટસ સિમ્બોલ ગણે છે. શ્રીમંત દર્દીઓની આ મનોવૃત્તિનો લાભ લઇને આ હૉસ્પિટલો તેમને લૂંટે છે. આ હૉસ્પિટલોમાં બાહ્ય ઝાકઝમાળ ભારે હોય છે, પણ સલામતીની બાબતમાં તેમનો રેકોર્ડ કંગાળ હોય છે. વ્યાવસાયિક નીતિમતા બાબતમાં પણ તેઓ પછાત હોય છે. આ હૉસ્પિટલોમાં સેવા આપતા તબીબો હૃદય અને કિડનીના ઓપરેશનો માટે શ્રીમંત દર્દીઓ માટે બેનંબરમાં તગડી રકમો વસૂલ કરીને કરોડપતિ બને છે. કોલકાતાની જે અખછઈં હૉસ્પિટલની આગમાં ૮૯ દર્દીનાં મોત થયાં તે હૉસ્પિટલે ઇ.સ.૨૦૧૦ દરમિયાન કુલ ૧૮૬ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો, જેમાંથી તેને ૧૧ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો.

મુંબઇની ફાઇવ સ્ટાર હૉસ્પિટલો દવા કંપનીઓ પાસેથી ઇમ્પોર્ટેડ દવાઓ અને હાર્ટમાં મૂકવા માટેના સ્ટેન્ટ હોલસેલના ભાવે ખરીદે છે, પણ દર્દીઓ પાસેથી તેઓ છૂટક વેચાણ કિંમત જ વસૂલ કરે છે. મોતિયાના ઓપરેશન પછી દર્દીની આંખમાં ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ બેસાડવામાં આવે છે. આ લેન્સની ખરીદ કિંમત ૫૦૦ રૂપિયાથી લઇને ૪,૦૦૦ રૂપિયા સુધીની હોય છે, પણ હૉસ્પિટલો તેમના દર્દીઓ પાસેથી છથી આઠ હજાર રૂપિયા લેન્સની કિંમત પેટે વસૂલ કરે છે. હૉસ્પિટલોમાં હાર્ટના પેશન્ટોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે ત્યારે તેમાં નોન-મેડિકેટેડ સ્ટેન્ટ મૂકવામાં આવે છે. બજારમાં આ સ્ટેન્ટ ૬૦થી ૭૦ હજાર રૂપિયામાં મળે છે, પણ દર્દીઓ પાસેથી સવાથી દોઢ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવે છે. જે દર્દીને હાર્ટ એટેક આવ્યો હોય તેના લોહીને પાતળું કરવા માટે સ્ટ્રેપ્ટોકિનેસ અને યુરોકિનેસ નામની દવાઓ આપવામાં આવે છે. આ દવાઓ બજારમાં ૧,૦૦૦થી ૧,૨૦૦ રૂપિયામાં મળે છે, પણ દર્દીઓ પાસેથી તેના ૩,૫૦૦ રૂપિયા વસૂલ કરવામાં આવે છે. ઘણી હૉસ્પિટલો દર્દીઓને જિનેરિક દવાઓ આપે છે, પણ કિંમત બ્રાન્ડેડ દવાની વસૂલ કરે છે, જે ૨૦૦થી ૫૦૦ ટકા જેટલી વધુ હોય છે.

મુંબઇનાં ઉપનગર બોરીવલીમાં ફાઇવ સ્ટાર ક્લિનિક ધરાવતા ડૉ. પ્રદીપ વ્યાસની ધરપકડ કરવામાં આવી હતી. આ ડોક્ટર પાસે મીનાક્ષી મૂર્તિ નામની ૭૬ વર્ષની મહિલા હૃદયરોગની સારવાર કરાવવા આવી હતી. ડોક્ટરે આ મહિલાની એન્જિયોપ્લાસ્ટી કરી હતી અને તેના હૃદયમાં બે સ્ટેન્ટ મૂકીને તેની ફી વસૂલ કરી હતી. થોડા સમય પછી આ મહિલાને ફરીથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરે તેને હૃદયરોગની સારવાર આપી પણ તે ન્યુમોનિયાથી મરી ગઇ હતી, જેનું ડોક્ટરે નિદાન જ કર્યું નહોતું. આ મહિલાનું જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી વાત જાણવા મળી હતી કે તેના હૃદયમાં સ્ટેન્ટ મૂક્યા વિના જે ડોક્ટરે પૈસા વસૂલ કર્યા હતા. આ મહિલાની પુત્રી હેમલત્તા ઠાકુરના પતિ ગુજરાતમાં ઉચ્ચ પોલીસ અધિકારી છે. તેની ફરિયાદના આધારે પોલીસે ડૉક્ટર પ્રદીપ વ્યાસની ધરપકડ કરી છે. અનીતિ આચરીને ઝટપટ શ્રીમંત બનવા માગતા ડોક્ટરો માટે હૃદયરોગ અને કિડનીના રોગો કમાઉ દીકરા જેવા બની ગયા છે.

ભારતના શ્રીમંત દર્દીઓને લૂંટવા માટે અનેક વિદેશી કંપનીઓએ ભારતમાં ફાઇવ સ્ટાર હૉસ્પિટલોની ચેઇન ઊભી કરી છે. તેઓ તબીબી વ્યવસાયના ધારાધોરણોથી વિરુદ્ધ કરોડો રૂપિયા જાહેરખબરો પાછળ ખર્ચે છે. ફોર્ટીસ નામની મલ્ટિનેશનલ કંપનીએ ભારતમાં ૫૩ હૉસ્પિટલો ખોલી છે, જેમાં ૮,૦૦૦થી વધુ પથારીઓ છે. આ હૉસ્પિટલે ઇ.સ.૨૦૧૦ના ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં ૩૪.૫ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. આ ત્રણ મહિનામાં ફોર્ટીસ હોસ્પિટલમાં હૃદયરોગના ૧૨,૦૦૦ ઓપરેશનો કરવામાં આવ્યા હતા. ચેન્નાઇમાં મુખ્ય મથક ધરાવતી એપોલો હોસ્પિટલે જૂન-ઓગસ્ટના ત્રણ મહિનામાં ૬૪૧ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો, જેમાંથી તેને ૫૧.૨૭ કરોડ રૂપિયાનો નફો થયો હતો.આ હૉસ્પિટલો દવા બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓ પાસેથી હોલસેલના ભાવમાં દવાઓ ખરીદે છે અને દર્દીઓ પાસેથી તેની પૂરી વેચાણ કિંમત વસૂલ કરે છે. હોસ્પિટલનો ઉદ્યોગ હવે દર્દીઓને લૂંટીને તગડો નફો કમાવા માટેનો ઉદ્યોગ બની ગયો છે.

દિલ્હીની એક આઇટી કંપનીમાં નોકરી કરતાં ૪૦ વર્ષના ગજાનંદ સિંહને જડબાનું કેન્સર હતું. ગજાનંદ સિંહ પાસે આઠ લાખ રૂપિયાની મેડિક્લેઇમની પોલિસી હતી. ગજાનંદ સિંહ કેન્સરની સારવાર કરાવવા માટે દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ નામની સરકારી હૉસ્પિટલમાં ગયો, પણ ત્યાં એટલી બધી ગિર્દી હતી કે તે મજબૂરીથી મેક્સ સુપરસ્પેશિયાલિટી હૉસ્પિટલ નામની ફાઇવ સ્ટાર હૉસ્પિટલમાં સારવાર લેવા માટે ગયો. અહીંના ડોક્ટરે ગજાનંદના સ્વજનોને કહ્યું કે તેને કેમોથેરપી આપવી પડશે. ગજાનંદનું કેન્સર બહુ આગળ વધી ગયું હતું અને તેને કેમોથેરપીથી કાબૂમાં લઇ શકાય તેમ નહોતું તો પણ તેને ત્રણ દિવસ રેડિયેશન આપવામાં આવ્યું. ચોથા દિવસે ગજાનંદનું મોત થઇ ગયું. હૉસ્પિટલે ત્રણ દિવસની કેમોથેરપીનું બિલ ૭.૯૫ લાખ રૂપિયા પકડાવી દીધું. આ બિલ તેની મેડિક્લેઇમની મર્યાદા કરતાં પાંચ હજાર રૂપિયા જેટલું જ ઓછું હતું. ટૂંકમાં, વીમો ઉતારનારી કંપનીને ખાડામાં ઉતારીને પેલી હૉસ્પિટલે ૭.૯૫ લાખની કમાણી કરી

લીધી હતી. આ રીતે દર્દીઓને અને વીમા કંપનીઓને છેતરીને બેલેન્સશીટમાં વધુ પ્રોફિટ બતાડવાની બાબતમાં આ હોસ્પિટલો નિષ્ણાત થઇ ગઇ છે.

એક અંદાજ પ્રમાણે ભારતમાં દર વર્ષે દર્દીઓના હૃદયમાં આશરે બે લાખ સ્ટેન્ટ મૂકવામાં આવે છે. જોન્સન એન્ડ જોન્સન અને એબ્બોટ નામની વિદેશી કંપનીઓ ઉપરાંત ભારતની કંપનીઓ પણ સ્ટેન્ટ બનાવે છે. ભારતની કંપનીઓ દ્વારા બનાવવામાં આવતાં સ્ટેન્ટની કિંમત ૭૫,૦૦૦થી ૯૦,૦૦૦ રૂપિયા હોય છે, જ્યારે વિદેશી કંપનીઓના સ્ટેન્ટ સવા લાખ રૂપિયા આસપાસ વેચાય છે. હૉસ્પિટલો ભારતની કંપનીઓ પાસેથી હોલસેલમાં ૪૫,૦૦૦ રૂપિયાના ભાવે સ્ટેન્ટ ખરીદે છે અને તેના સવા લાખ રૂપિયા વસૂલ કરે છે. સ્ટેન્ટ બનાવતી કંપનીઓ પોતાના પ્રતિનિધિઓને હૃદયરોગની સારવાર કરતી હૉસ્પિટલોમાં માર્કેટિંગ માટે મોકલે છે. તેઓ ડૉક્ટરોને કમિશનની લાલચ આપીને વધુ સ્ટેન્ટ ખરીદવાનું પ્રોત્સાહન આપે છે. ડૉક્ટરો પણ કમિશનની લાલચમાં દર્દીઓને જરૂર ન હોય તો પણ સ્ટેન્ટ મૂકાવવાની સલાહ આપે છે.

કોલકાતાના દિપક સેનની પત્નીને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો એટલે તેમણે એક ફાઇવ સ્ટાર હૉસ્પિટલમાં પત્નીને સારવાર માટે દાખલ કરી. ડૉક્ટરોએ તેમને એન્જીયોપ્લાસ્ટી કરાવવાની સલાહ આપી. દિપક સેને આ માટે સંમતિ આપી એટલે ડૉક્ટરે તેમની પત્નીના હૃદયમાં એક નહીં પણ પાંચ સ્ટેન્ટ મૂકી દીધા. હૉસ્પિટલે તેમના હાથમાં ૧૬ લાખ રૂપિયાનું બિલ પકડાવી દીધું. એન્જીયોપ્લાસ્ટીના એક અઠવાડિયા પછી સેનની પત્નીનું અવસાન થયું. તેમનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યાં સ્ટેન્ટની જરૂર નહોતી ત્યાં પણ સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. દિપક સેને મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ કરી, પણ તેનું કાંઇ પરિણામ આવ્યું નહીં. હવે તેમણે કોન્ઝ્યુમર કોર્ટમાં હૉસ્પિટલ પાસે ૫૦ લાખ રૂપિયાનું વળતર માંગતો દાવો કર્યો છે. આ પ્રકારના કેસોનો કોન્ઝ્યુમર કોર્ટોમાં ઢગલો થયો છે.

આજકાલ શ્રીમંત દર્દીઓમાં ફાઇવ સ્ટાર હૉસ્પિટલમાં સારવાર લેવી એ પણ એક જાતનું સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. ઘણા લોકોએ આરોગ્યનો વીમો ઉતરાવ્યો હોય છે, જેને કારણે તેમને તબીબી ખર્ચની ચિંતા નથી હોતી. ઘણી વખત જરૂર ન હોય તો પણ તેઓ વીમાના પૈસા વસૂલ કરવા હૉસ્પિટલમાં ભરતી થઇ જાય છે. હૉસ્પિટલના સંચાલકોને ખ્યાલ આવે છે કે દર્દી પાસે મેડિક્લેઇમ છે ત્યારે તેઓ મોટું બિલ જ બનાવે છે. ઘણા લોકોનાં હૉસ્પિટલનાં બીલ તેમની કંપની ભરવાની હોય છે. આવા લોકોને પણ હૉસ્પિટલો આરામથી લૂંટે છે. ઘણા શ્રીમંતોને હૉસ્પિટલનો ગમે એટલો ખર્ચ આવે તો પણ કાંઇ ફરક પડતો નથી. આ બધાને ફાઇવ સ્ટાર હૉસ્પિટલો બકરા બનાવે છે.

ભારતમાં આરોગ્યના ક્ષેત્રમાં પ્રત્યેક તબક્કે દર્દીઓની લૂંટફાટ ચાલી રહી છે. કોઇ વિદ્યાર્થીને તબીબી કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો તગડું ડોનેશન આપવું પડે છે અને તગડી ફી ચૂકવવી પડે છે ત્યાંથી લૂંટફાટની શરૂઆત થાય છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ માન્યતા મેળવવા માટે મેડિકલ કાઉન્સિલના સભ્યોને કરોડો રૂપિયાની લાંચ આપવી પડે છે. આ રૂપિયા તેઓ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલ કરે છે. એક વિદ્યાર્થીએ ડોક્ટર બનવા માટે ૨૦થી ૨૫ લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. આ ખર્ચો વસૂલ કરવા તેણે દર્દીઓને લૂંટવા પડે છે. દવા બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓ પોતાની દવા વેચવા માટે ડોક્ટરોનો ઉપયોગ એજન્ટ તરીકે કરે છે. ડોક્ટરો દર્દીઓને બિનજરૂરી દવાઓ લખી આપે છે. જનરલ પ્રેક્ટિશનર કોઇ ફાઇવ સ્ટાર હૉસ્પિટલમાં પોતાના દર્દીને મોકલે તો તેમાં પણ કમિશન મળે છે. કેમિસ્ટો પણ ડૉક્ટરોને કમિશન આપે છે. આ બધો ખર્ચ છેવટે તો ગરીબ અથવા શ્રીમંત દર્દીઓ પાસેથી જ વસૂલ કરવામાં આવે છે. હૉસ્પિટલો, ડૉક્ટરો અને દવા કંપનીઓ મળીને પ્રજાનું આરોગ્ય બચાવવાના બહાને તેમનાં ખિસ્સાં હળવાં કરી રહી છે. આ લૂંટફાટ સરકારે અટકાવવી જોઇએ.

03-05-2015

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=161397

No comments:

Post a Comment