Sunday, May 24, 2015

બ્રહ્માંડમાં વિવિધ ક્ષેત્રે સમાનતા પ્રવર્તે છે --- ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=160293


                             

નદીને વહેતી જોઇને માનવીને પ્રવાહનો ખ્યાલ આવ્યો. નદી વહે છે તે જોઇને માનવીને થયું કે સમય પણ વહે છે. હકીકતમાં સમય દેખાતો નથી. સમય વહે છે તો જિંદગી પણ વહે છે. નદી મહાસાગરમાં જઇને મળે છે. ત્યાં તેનો અંત આવે છે. સમયનો અંત છે કે નહીં તે આપણે કહી શકીએ નહીં, પણ સમયને વાંકો વાળી શકાય, તેને કદાચ ઊલટી દિશામાં પણ વાળી શકાય. તે ગુરુત્વાકર્ષણ કરી શકે. સમયના પ્રવાહને પાછો વાળી શકાય. નદીના પ્રવાહને પાછો વાળી શકાય નહીં. વહેણ કરીને તેને બીજી દિશામાં વાળી શકીએ, કદાચ વહેણને પાછું પણ કરી શકાય, પણ મૂળ દિશામાં તો પ્રવાહ રહે, અથવા સૂકી નદી રહે. પવનનો પણ પ્રવાહ છે જેને પાછો વાળી શકાય નહીં. ગરમીના પ્રવાહને પણ પાછો વાળી શકાય નહીં. આમ બ્રહ્માંડમાં ઘણી જાતના પ્રવાહો છે. પણ મૂળભૂત રીતે તે પ્રવાહ છે. આ બધા પ્રવાહોને જાણીને માનવીએ વિદ્યુતને પણ પ્રવાહિત થતી જોઇ. માણસના શરીરમાં લોહીનો પણ પ્રવાહ છે. માણસોનો પોતાનો પ્રવાહ છે. ચર્ચગેટ સ્ટેશનમાંથી નીકળતાં માણસો પણ એક પ્રવાહ જ બનાવે છે. ગાયોનું કે ઘેટાં બકરાનું ધણ નીકળે તે પણ એક પ્રવાહ જ છે. કેટલાક પ્રવાહો પાછા વાળી શકાય છે, કેટલાક નહીં, પણ આ બધા પ્રવાહો જ છે. બ્રહ્માંડમાં છેવટે ઠેર ઠેર પ્રવાહો છે. નળમાંથી નીકળતા પાણીનો પણ પ્રવાહ જ છે. દરિયામાં પણ ગરમ અને ઠંડા પાણીના પ્રવાહો ચાલે છે. તેલનો પ્રવાહ, પેટ્રોલનો પ્રવાહ. આમ પ્રવાહ બધે જ છે. જીવનરેખા પણ એક પ્રવાહ જ છે અને બ્રહ્માંડની ઉત્ક્રાંતિ પણ એક પ્રવાહ છે. પ્રવાહો અલગ અલગ પ્રકારનાં છે, પણ મૂળભૂત રીતે તે એક જ છે.

તો થાય કે પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થતો હશે? પ્રવાહ વહેતી વસ્તુના અતિશય પ્રમાણમાંથી ઉત્પન્ન થાય છે. કોઇ ધનિક માનવીનું ધન વધી જાય તો ત્યાંથી ધનનો પ્રવાહ ઉત્પન્ન થાય. દાનનો પ્રવાહ ઉત્પન્ન થાય. જ્યાં સતત રીતે વસ્તુ ઉત્પન્ન થતી રહે તેનો પ્રવાહ ઉત્પન્ન થાય. વૈજ્ઞાનિક શબ્દોમાં કહીએ તો દબાણ (Pressure) પ્રવાહ ઉત્પન્ન કરે. એટલે કે વાયુનું દબાણ હોય, પાણીનું દબાણ હોય, લોહીનું દબાણ હોય. વિદ્યુતનું દબાણ હોય. બીજી ઘણી જાતનાં દબાણ હોય છે. કોઇ અધિકારી હોય તો તેને ઉપરી અધિકારી દબાણ કરે તો નીચેના અધિકારીઓ પણ દબાણ કરે. રાજકારણીઓ દબાણ કરે તેને પોલિટિકલ પ્રેશર કહેવાય. પોલિટિકલ પ્રેશર ઘણી જગ્યાએ દેખાય છે. પોલિટિકલ પ્રેશર સારા માટે પણ હોય છે અને ખરાબ માટે પણ હોય છે. જો આગલા ક્રિકેટરોએ સારા રન કર્યા ન હોય તો પાછળના ક્રિકેટર પ્રેશરમાં આવી જાય છે. અમુક જણાને કોઇ પણ પ્રેશર લાગતું નથી. તે પ્રેશર પ્રૂફ હોય છે. છેવટે પ્રેશરજ પ્રવાહનેે ઉત્પન્ન કરે છે.

પ્રેશર (દબાણ) જાતજાતના હોય છે અને દબાણ જ બધાને ચલાવે છે. દબાણ સારા માટે હોય છે. પણ કોઇક વાર તેનું પરિણામ ખરાબ પણ હોય છે. જોવાનું એ છે કે દરેકેદરેક બાબતને સારી અને ખરાબ બાજું હોય છે.

બ્રહ્માંડમાં આવી સરખી ક્રિયાઓ છે અને એક ક્રિયાનો અભ્યાસ કરીને આપણે બીજી ક્રિયાને સમજી શકીએ છીએ અને તેને લાગુ કરી શકીએ છીએ. તેને એનોલોજી (Anology) કહે છે. બ્રહ્માડમાં એનોલોજીની કામગીરી ઘણી મોટી છે અને ખૂબ જ ઉપયોગી છે. તેને એક જાતની નકલ પણ કહી શકાય. નકલ કુદરતમાં પણ છે. કુદરત પણ નકલ કરે છે. એનોલોજી આપણા જ્ઞાનમાં વધારો કરે છે. એનેલોજીથી ઘણું શીખી શકાય છે.

એક વધારે એનોલોજી ઘનતાની છે. આપણી પાસે પાણીની ઘનતા છે, આપણી પાસે ધાતુની ઘનતા છે, આપણી પાસે મંદાકિનીમાં તારાની ઘનતા છે. વાયુની ઘનતા છે, શહેરમાં માનવીઓની ઘનતા છે. ઘનતા એટલે (Crowedeness) ટોળે વળવું, કેટલું ટોળે વળવું. પાંખી ઘનતા એટલે છુટ્ટું-છવાયું. ઘનતા એટલે ગીચતા. મુંબઇ, ટોકયો, ન્યૂ યોર્કમાં માણસોની ગીચતા છે. ત્યારે દૂર દૂરના ગામડામાં માણસોની ગીચતા નથી હોતી. માનવીઓની ગીચતામાં દુષણો હોય છે પણ સાથે સાથે તે સલામતી પણ આપે છે રાતે એકલ-દોકલ માણસ લૂંટાઇ જાય છે. ગીચતાના પોતાના ફાયદા-ગેરફાયદા છે.

જે. જે. થોમ્સને શોધ્યું છે કે એટમમાં ઇલેકટ્રોન્સ છે. જો એટમમાં ઈલેકટ્રોન્સ હોય તો તે ન્યુટ્રલ છે. તેમાં ઘનવિદ્યુતભાર પણ હોવો જોઇએ. તો પ્રશ્ર્ન થયો કે એટમમાં ઘનવિદ્યુતભાર કેવી રીતે પથરાયેલો હશે.? તો કહે તડબૂચનાં કાળા બી અથવા દૂધપાકમાં દ્રાક્ષ, કાજુ, બદામ, પિસ્તા છે તેમ ઘનવિદ્યુતભારના ગોળારૂપી એટમમાં ઋણ વિદ્યુતભાર વહન કરતાં ઇલેકટ્રોન્સ રહે છે. પણ રુધરફોર્ડના પ્રયોગે દર્શાવ્યું કે એટમમાં ઘનવિદ્યુતભાર તો તેના તદ્દન નાના કેન્દ્રમાં જ હોય છે. તે સૂર્યમાળાની એનેલોજીએ દર્શાવ્યું કે ઇલેકટ્રોન્સ સૂર્યમાળામાં જેમ ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે તેમ પરિક્રમા કરતા હોવા જોઇએ. જો ગ્રહો સૂર્યમાળામાં સૂર્યની પરિક્રમા કરે છે અને તેમના અંતર માટે નિયમ છે જેને ગ્રહ-અંતરનો નિયમ કહે છે, તો ઈલેકટ્રોન્સ પણ તેની ઘનવિદ્યુતભારવાહી નાભિની ફરતે પરિક્રમા કરતાં હોય તો ઇલેકટ્રોન્સ પણ કોઇ અંતરના નિયમને અનુસરતાં હોવા જોઇએ. આમ ઇલેકટ્રોન્સ અંતર નિયમની શોધ થઇ. આમ એનેલોજી નવી નવી શોધોનેે શક્ય બનાવે છે.

વૃક્ષમાં જો પાણી કેશાકર્ષણથી ઊંચે ચઢતું હોય તો સૂક્ષ્મ રક્તવાહિનીઓમાં પણ કેશાકર્ષણથી લોહી ઊંચે ચઢતું હોવું જોઇએ. સૂર્ય-ચંદ્ર ગોળ છે. માટે ગ્રહો, પૃથ્વી, તારા પણ ગોળ હોવા જોઇએ.

જો ગ્રહોની કક્ષા વચ્ચે એક ગુણોત્તર હોય એટલે કે તે ૧, ૨,૩,ની જેમ ડિસ્ક્રિટ હોય તો ઇલેકટ્રોનની કક્ષાએ વચ્ચે પણ એક ગુર્ણોત્તર હોય અને તે ડિસ્ક્રિટ હોય. તેમાંથી ક્વોન્ટમ પિકેનિકસનો જન્મ થયો જેને બોહરની કવોન્ટમ કન્ડિશન કહે છે. વાયુ કે પાણી ઉપર ઉપરથી ડિસ્ક્રિટ નથી લાગતું પણ છેવટે તે ડિસ્ક્રિટ છે. વિજ્ઞાનીઓ કહે છે કે અંતરીક્ષ પણ કન્ટિન્યુઅસ નથી. તે પણ ડિસ્ક્રિટ છે. પ્રથમ ડિસ્ક્રિટનેસનું મુખ્ય ઉદાહરણ ૧, ૨,૩, સંખ્યા છે. પાણીમાં પથ્થર નાખતાં તેમાં વર્તુળાકાર તરંગો ઉત્પન્ન થાય છે. તે જોઇને અવાજના તરંગો છે પ્રકાશના તરંગો તેવું જોઇ શકાય. અવાજના પડઘા પડે છે. એટલે કે તેનું પરાવર્તન થાય છે. તો પ્રકાશનું પણ પરાવર્તન થાય છે.

રેલવે ટ્રેન દૂરથી આપણી તરફ આવતી હોય અને તે વ્હીસલ વગાડે તો તે વ્હીસલનો અવાજ તીણો હોય છે, કારણ કે અવાજના તરંગો સાંકડા થતા જાય છે. એ જ ગાડી વ્હીસલ મારતી દૂર જાય તો તેનો અવાજ ઘોઘરો થતો જાય છે, કારણ કે અવાજના તરંગો વિસ્તૃત થતાં જાય છે. આ ક્રિયા ડોપ્લર નામના વિજ્ઞાનીએ અવાજના તરંગો માટે શોધી કાઢેલી છે. તેને અવાજના તરંગોમાં થતી ડોપ્લર ઈફેક્ટ કહે છે. તેની સામાન્યતા લઇને પ્રકાશના તરંગોમાં પણ ડોપ્લર ઇફેકટ થાય છે. અને પ્રકાશનો રંગ પટ લાલ રંગ તરફ ખસે છે. આમ સામાન્યતા (એનેલોજી) એ આપણને બ્રહ્માંડના ઘણાં રહસ્યો બતાવ્યાં છે. બ્રહ્માંડમાં ભૌતિક ક્રિયાઓ અલગ અલગ હોય છે. પણ તમાં પૂર્ણ સામાન્યતા દેખાય છે. બ્રહ્માંડમાં સામન્યતાએ આપણને ઘણું શીખડાવ્યું છે. જો સૂર્યને ગ્રહમાળા હોય તો સૂર્ય જેવા તારાને પણ ગ્રહમાળા હોય તેમ આ સામાન્યતાનો સિદ્ધાંત કહે છે. પૃથ્વી ઉપરના જીવનને જોઇને આપણને થાય કે બીજા ગ્રહ પર જીવન હોય તો કદાચ તે પણ પૃથ્વી પરના જીવન જેવું હોય. આ સામાન્યતા કહેવાય છે પણ આવું ન પણ હોય. ઘણી વાર એવું બને કે બે ક્રિયાઓ પ્રથમ પગલાંમાં સામાન્યતા દેખાડે પણ આગળ જતાં તે અલગ પડે. બે વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ કે અષાકર્ષણનો નિયમ તેમની વચ્ચેના અંતરના વર્ગના પ્રમાણમાં છે. એ પદાર્થ વચ્ચેનો ગુરૂત્વાકર્ષણનો નિયમ પણ એ પદાર્થ વચ્ચેના અંતરના વર્ગના પ્રમાણમાં હોય છે. પણ પછી આગળ જતાં તે થોડા અલગ પડે છે. વિદ્યુતભાર વચ્ચેનો નિયમ સિનિયર છે, જ્યારે ગુરુત્વાકર્ષણ નોન-સિનિયર છે.

No comments:

Post a Comment