Thursday, January 7, 2016

શિવજીનું સ્વરૂપ --- 1 નાયક ખલનાયક - જયવંત પંડ્યા

શિવજીની ઉત્પત્તિથી તેમના બે વિવાહ વચ્ચેની કથા આપણે ‘શિવપુરાણ’ના માધ્યમથી જાણી. તેનો તત્ત્વાર્થ જાણ્યો. શિવજીનું જે સ્વરૂપ છે તેનું ચિંતન પણ જરૂરી છે. શિવજી આજના જમાનાના કોઈ પણ યુવાનને રોકસ્ટાર લાગે. લાંબા વાળ, કપાળે ત્રિપુંડ, ગળામાં મફલરના બદલે સાપ (કદાચ આ જોઈને જ ‘જાની’ રાજકુમાર, જિતેન્દ્ર, મિથુન ચક્રવર્તી અને ગોવિંદા જેવા લોકોએ ગળામાં મફલરની ફેશન અપનાવી હશે?), સાથે ત્રિશૂળ, ડમરુ, વ્યાઘ્રચર્મનું આસન, પૌરુષત્વથી છલોછલ ચહેરો અને શરીર, માથા પર અર્ધચંદ્ર અને ગંગા, હાથમાં કોણીથી સહેજ ઉપર અને કાંડા પર રુદ્રાક્ષ, ધ્યાન કરતા હોય ત્યારે શાંત પણ કામદેવ જેવા કોઈએ છંછેડે કે સતી યોગાગ્નિમાં ભસ્મ થઈ જાય ત્યારે નરેન્દ્ર મોદીના પેલા સૂત્રની જેમ અમે કોઈને છંછેડતા નથી, પણ કોઈ અમને છંછેડે તો તેને છોડતા નથી’. 

પતિ તરીકે પણ કેવા આદર્શ? સતીને રામની પરીક્ષા કરવાનું મન થયું તો જવા દીધા, પરંતુ પછી તેમનો માનસિક ત્યાગ કર્યો. સતીએ પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં આમંત્રણ નહોતું તો પણ જવા જીદ પકડી તો પહેલાં સમજાવ્યાં, પરંતુ ન માન્યા તો જવા દીધાં. હુકમ ન આપ્યો કે જોરજબરદસ્તી ન કરી કે હું તો આ સૃષ્ટિનો રચયિતા. તમારે હું કહું તેમ જ કરવાનું હોય. પતિની આજ્ઞા માનવી જ પડે. સતીએ આત્મવિલોપન કર્યું તે જાણ્યું ત્યારે પતિ તરીકે કેટલા ગુસ્સે થઈ ગયા! દક્ષના યજ્ઞને છિન્નભિન્ન કરી નાખ્યો. તાંડવ કર્યું અને સતીના મૃતદેહને લઈને ફર્યા. વિષ્ણુ ભગવાને રુદ્રના ક્રોધને શાંત કરવા પોતાના ચક્રથી સતીના દેહના બાર ટુકડા કરી નાખ્યા અને આ ટુકડા જ્યાં પડ્યા તે શક્તિપીઠ બની ગયા. 

સતીના મૃત્યુ પછી શિવજી સાવ વિરક્ત બની ગયા. ભારે મનોમંથન પછી શિવજીએ પાર્વતી સાથે બીજાં લગ્ન કર્યાં અને તેનો હેતુ પણ માત્ર સાત્વિક હતો - તારકાસુરનો વધ કરવા કાર્તિકેયનો જન્મ જરૂરી હતો. લગ્નનું નક્કી કરતાં પહેલાં પાર્વતીની વારંવાર પરીક્ષા લીધી. તેમને ભરપૂર સમજાવવા પ્રયાસ કર્યો, પરંતુ એક વાર લગ્નનો નિર્ણય લઈ લીધો તે પછી સાસુ મેનાને તેમનું રૂપ પસંદ ન પડ્યું તો તેમને ગમે તેવું સુંદર રૂપ પણ ધારણ કર્યું. અને લગ્ન પછી પાર્વતી સાથે પ્રીતિ પણ દર્શાવી- લગ્ન કરીને કૈલાસ પર્વત પર પહોંચ્યા કે તરત તેમણે પાર્વતી સાથે ગયા જન્મની વગેરે વાતો કાઢી. પાર્વતીએ કહેવું પડ્યું કે પહેલાં દેવતાઓની સરભરા કરી લઈએ, પછી વાત! 

જ્યારે સમુદ્રમંથન થયું ત્યારે ઝેર કોણ પીવે? એ માટે શિવજી આગળ આવ્યા. તેમણે ઝેર પીધું અને પીધું પણ તેને પચાવી પણ જાણ્યું. તેને ગળેથી ઉતારી ન ગયા. ગળામાં જ રાખ્યું. જેણે શિવ થવું હશે, જે સમગ્ર સૃષ્ટિના કલ્યાણની ચિંતા કરતા હશે તેણે ઝેર પીતા અને તેને અટકાવતા પણ શીખવું પડશે. આ બહુ મોટી વાત છે. અત્યારે નાની નાની વાતમાં ઘરમાં પણ ક્લેશ થતા હોય છે. નાની નાની વાતમાં માઠું લાગી જાય છે. અને ત્યારે બોલવામાં આપણે ધ્યાન નથી રાખતા હોતા. મોઢામાંથી એવી વાણી નીકળી જાય છે જે ક્લેશને ઉત્પન્ન કરે છે અથવા વધારે છે. તેને સામાન્ય ભાષામાં ઝેર ઓક્યું કહે છે. રાસાયણિક કે ખાદ્ય પદાર્થોમાંથી ઉત્પન્ન થતું ઝેર કરતાંય આ ઝેર વધુ ખતરનાક હોય છે. રાસાયણિક ઝેર તો શારીરિક રીતે માંદા પાડે છે જ્યારે શાબ્દિક ઝેર માનસિક રીતે બીમાર પાડે છે. જે સાંભળે છે તેને પણ માનસિક રીતે અસર થાય છે અને જે બોલે છે તેના મનને પણ આ બોલી લેવાથી શાંતિ મળતી નથી. તેને પણ પછીથી પસ્તાવો થાય છે કે આવું હું ક્યાં બોલ્યો અથવા બોલી? 

અને રાજકારણ, ફિલ્મ, ક્રિકેટ, સાહિત્ય આ ક્ષેત્રે પણ વિષવમનની પ્રવૃત્તિ છેલ્લાં કેટલાંક વર્ષોથી ભરપૂર ચાલી છે. અને તેને કેટલાંક માધ્યમો દ્વારા ભરપૂર પ્રસિદ્ધિ પણ મળે છે. કોઈએ માનો કે ઊલટી કરી હોય અને તે ઘરની લાદી (ટાઇલ્સ) પર પડી હોય તો તમે શું કરો? તેને તરત સાફ કરી નાખશો કે તેને ફેલાવીને આખા ઘરમાં રંગોળી કરશો? સ્વાભાવિક જ સાફ કરી નાખશો, પરંતુ કેટલાંક માધ્યમો, ખાસ કરીને સનસનાટીજીવી (સનસનાટી પર જીવતી) ચેનલો પર આવા વિષવમનને બતાવીને સનસનાટી પેદા કરાય છે. ઓવૈસી કંઈ બેફામ બોલે એટલે તેને આખો દિવસ ચલાવાય. અને સામે પક્ષે સાક્ષી મહારાજની પણ પ્રતિક્રિયા લઈ લેવાય. સાક્ષી મહારાજ પણ સામે આવી જ જલદ પ્રતિક્રિયા આપે. તેના પર વળી કૉંગ્રેસ-જનતા દળ (યુ) વગેરેના સાંસદો બોલે. આમ ચાલતું જ રહે. શું ઓવૈસી સમગ્ર મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે? શું સાક્ષી મહારાજ સમસ્ત હિન્દુ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે? જવાબ છે - ના. જો આ ૨૪ કલાક ચાલતી સનસનાટીજીવી ચેનલો નક્કી કરે કે આવાં નિવેદનોને માત્ર ૨૦ સેક્ધડમાં ફટાફટ અપાતા ૧૦૦ સમાચારમાં જ સ્થાન આપી દઈશું તો? અને બીજું કે આવાં નિવેદનો પર કોઈની પણ પ્રતિક્રિયા લઈશું નહીં, તેને બતાવીશું નહીં તો? વિષવમનની રંગોળી થતી બચી જાય! સમાજમાં એકતા, અખંડિતતા અને સંવાદિતાનું વાતાવરણ આગળ વધે. 

કોઈ પણ અઘરું કામ હોય તો તેના માટે પહેલાં નેતાએ, પ્રમુખે, અગ્રણીએ આગળ આવીને જવાબદારી લેવી જોઈએ. તો જ તે સાચો નેતા કહેવાય. જ્યારે ભગીરથે ગંગાને પૃથ્વી પર અવતરિત કરવા માટે તપ કર્યું ત્યારે બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગંગા પૃથ્વી પર તો આવશે, પરંતુ તેનો વેગ એટલો પ્રચંડ છે કે તે સ્વર્ગમાંથી ઊતરીને સીધી પૃથ્વી પર આવશે અને સમગ્ર પૃથ્વીને વહાવીને લઈ જશે. આથી જો શિવજી તેને પોતાની જટામાં રોકી લે તો તેનો વેગ મંદ પડી જાય. અને ભગીરથ શિવજીની તપસ્યા કરે છે. શિવજી પોતાની જટામાં ગંગાને ઝીલે છે અને પછી ત્યાંથી તે પૃથ્વી પર આવે છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આપણે તેને એવી રીતે જોઈ શકીએ કે ગંગાનો પ્રચંડ ધોધ સ્વરૂપને શિવજીએ વૈજ્ઞાનિક-એન્જિનિયરિંગ ઢબે એવી રીતે વાળ્યો હશે કે જેથી તે છેક બંગાળની ખાડી સુધી પહોંચે. અત્યારે તો નેતાઓ સલાહો આપવામાં શૂરા છે. બીજાને ગેસની સબસીડી છોડવાની સલાહો આપે છે, પરંતુ પોતાના પક્ષના નેતાઓ - પ્રધાનો, કાર્યકરો જ સબસીડી છોડતા નથી. કોઈ પણ કામનો જો પોતાનાથી પ્રારંભ કરે, અઘરા કામની પોતે જવાબદારી લે તો સમાજ તેને અપનાવી લેશે. શિવજીએ આ મોટી વાત સમજાવી છે. જે સમાજના વિવિધ ક્ષેત્ર- ચાહે તે રાજકારણ હોય, ઉદ્યોગ હોય, ફિલ્મ હોય કે રમતજગત-તેના અગ્રણીઓ જેવા જીવનનો દાખલો બેસાડે છે તેનું ઘણા અંશે અનુસરણ થતું હોય છે. ગાંધીજીના વખતમાં કેમ બધા સમાજ માટે કાર્ય કરવા તત્પર બનતા હતા? કેમ સારી સારી નોકરી છોડીને સમાજસેવામાં લાગી પડતા હતા? કારણ કે ગાંધીજી પોતે પણ એવું જીવન જીવતા હતા જે નમૂનારૂપ હતું.

આપણે ત્યાં અધ્યાત્મદર્શનમાં કોઈ પણ ક્રિયા કે રૂપના અધ્યાત્મિક અર્થો કાઢીને તેને સમજાવાય છે. આ પ્રમાણે, રોકસ્ટાર’ શિવજીનું જે રૂપ છે તેમાં વિવિધ બાજુઓના અધ્યાત્મમાં સુંદર અર્થો કઢાયા છે. શિવજીની જટાના શું અર્થ હોઈ શકે? બહુ સીધો તર્ક સામાન્ય રીતે નીકળે. શિવજી મુખ્યત્વે તપ કરતા હતા. વળી ઊંચે કૈલાસ પર્વત પર તેમનું સ્થાન હતું. સ્વાભાવિક જ તપમાં ખલેલ ન પડે તેથી વાળ વધારતા હશે. આવું વિચારી શકાય, પરંતુ અધ્યાત્મચિંતકોએ તેનો અર્થ એવો કાઢ્યો છે કે શિવજીની જટા વાયુમંડળનું પ્રતીક છે. શિવજી વાયુના પણ ભગવાન છે. વાયુ વગર સૃષ્ટિ સંભવ નથી. આથી તેઓ જીવનના દેવતા છે. 

તેમની જટામાંથી ગંગાનો પ્રવાહ નીકળે છે. આનો આપણે ઉપર એક અર્થ જોયો કે તેમણે એન્જિનિયરિંગની રીતે ધસમસતી ગંગાના પ્રવાહને ચેનલાઇઝ કરીને તેને યોગ્ય માર્ગે વાળી હશે, પરંતુ અધ્યાત્મિક રીતે અર્થ એવો નીકળે છે કે તેમના મસ્તિષ્ક પર ગંગા ધારણ કરે છે. ગંગા એટલે શુદ્ધ સાત્વિક જળ. શંકર ભગવાનને ગુસ્સો ખૂબ જ આવે. કોઈ પણ મનુષ્યને આવે, પરંતુ તેને મહદંશે શાંત રાખવું જરૂરી છે. જ્યારે સતીના યોગાગ્નિમાં ભસ્મ થઈ જવા જેવી કે કામદેવ વારંવાર પરેશાન કરે તેવી ઘટના બને ત્યારે ગુસ્સો કરવો અનિવાર્ય પણ બને છે, પરંતુ નાનીનાની વાતમાં ગુસ્સો તપસ્વી માટે કે કોઈ પણ વ્યક્તિ માટે સારો નથી. આથી માથા પર જળ રેડવું. સ્વામી વિવેકાનંદ- નરેન્દ્ર જ્યારે નાનપણમાં ખૂબ જ ચંચળ અને નટખટ હતા. તોફાન ખૂબ જ કરતા હતા. તેથી તેમની માતા તેમના માથા પર શિવ શિવ’ બોલી જળ રેડતા હતા. પરિણામે નરેન્દ્ર શાંત થઈ જતા. શિવજીના સ્વરૂપના અધ્યાત્મિક અર્થો વિશે વધુ આવતા અંકે. (ક્રમશ:)

દુનિયાને જોવા ત્રીજી આંખ વાપરવી!

શંભુના સ્વરૂપના આધ્યાત્મિક અર્થની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તેમની ત્રીજી આંખની વાત કરીએ. ત્રીજી આંખ એટલે ડહાપણ. ત્રીજી આંખ એટલે બે નરી આંખે દેખાતી ચીજોને જ સાચી ન માની લેવું. ઘણી વાર આપણે જે સગી આંખે જોતા હોઈએ કે કાને સાંભળતા હોઈએ તે સાચું ન પણ હોઈ શકે. 

એક પ્રચલિત વાર્તા છે. એક રાજા કોઈ કામસર (ધારો કે યુદ્ધ) બહારગામ ગયો. તે તેની રાણી અને તેના નાનકડા દીકરાને છોડીને ગયો હતો. થોડાંક વર્ષો પછી તે પાછો આવ્યો ત્યારે યુદ્ધની ભાંજગડમાં ભૂલી ગયો કે તેનો દીકરો હવે યુવાન બની ગયો હશે. રાત્રે આવીને તેણે જોયું તો રાણી કોઈ પારકા પુરુષ સાથે સૂતી હતી. આ જોઈને રાજાને ક્રોધ આવી ગયો. રાજાએ એ પુરુષને મારવા તલવાર ઉગામી. પણ સ્ત્રી ઊંઘમાંય સાવધ હોય છે. તેનું આજ્ઞાચક્ર ઘણી વાર તેને ઊંઘમાંય અણસાર આપી દેતું હોય છે. રાણી જાગી ગઈ અને તેણે રાજાનો હાથ પકડી લીધો. રાજાને કહ્યું કે આ શું કરો છો? આ તો આપણો દીકરો છે. 

આવો જ એક બીજો કિસ્સો છે. અમેરિકામાં એક સ્ત્રી એરપોર્ટ પર ફ્લાઇટની પ્રતીક્ષામાં બેઠી હતી. તે પોતાની થેલીમાંથી ચિપ્સ ખાતી હતી. તેણે જોયું કે તેની બાજુમાં બેઠેલો પુરુષ પણ તેની થેલીમાંથી ચિપ્સ ખાતો હતો. તેને આ ગમ્યું નહીં. (એરપોર્ટ પર આવું થાય. બસ, રેલવેમાં સામેથી સામેવાળા કે બાજુવાળા પ્રવાસીને નાસ્તો-જમવાનું પૂછે-આપે. ઘણી વાર તો વાત એટલી આગળ વધી જાય કે પોતપોતાના દીકરા-દીકરીના વિવાહનું પણ નક્કી કરી નાખે!) પણ આ સ્ત્રી કોઈ બખેડો કરવા માગતી નહોતી. એટલે કંઈ બોલી નહીં. છેવટે છેલ્લો એક ટુકડો વધ્યો. પેલા પુરુષે તે લીધો અને તેનો અડધો ટુકડો આ સ્ત્રીને આપ્યો. સ્ત્રી મનમાં ને મનમાં સમસમી ગઈ. તેની ફ્લાઇટનો સમય થઈ ગયો હતો. આથી તે ઊભી થઈને ત્યાંથી ચાલી ગઈ. પ્લેનમાં તે તેની બેગ ઉપર સામાન રાખવાની જગ્યાએ મૂકવા ગઈ અને જોયું તો તેની બેગના બહારના ખાનામાં તેની ચિપ્સની થેલી એમ ને એમ પડીકાબંધ હતી! એનો અર્થ એ કે ઉલટાનું તે પુરુષની થેલીની ચિપ્સ ખાઈ રહી હતી!

આપણે ટ્રેનમાં, બસમાં જતા હોઈએ છીએ ત્યારે બારીમાંથી બહાર જોઈએ તો લાગે કે ટ્રેન સ્થિર છે અને સામેથી બધું આવી રહ્યું છે. ફિલ્મોમાં જે કંઈ જોઈએ છીએ તે બધાં એક-એક સ્થિર ચિત્ર જ છે, પરંતુ આવાં સંખ્યાબંધ સ્થિરચિત્રો ઝડપથી આંખ આગળથી પસાર થાય છે એટલે આપણને હાલતાચાલતા લાગે છે. આપણે નાનપણમાં એક રમત જરૂર રમ્યા હોઈશું. નોટબુકના પાનાના જમણા ખૂણે માણસના એક સરખાં ચિત્ર દોરવાનાં. તેમાં એક ચિત્રમાં માણસનો એક પગ અને એક હાથ

આગળ હોય તો બીજા ચિત્રમાં બીજો પગ અને હાથ આગળ હોય. પછી એ ખૂણેથી પાનું ઝડપથી ફેરવો તો એવું લાગે જાણે એ માણસ ચાલે છે!

અત્યારે કેટલાંક અખબારોમાં, ટીવીમાં, સોશિયલ મીડિયા પર ઘણું બધું એવું ફરે છે જે આપણને દૃષ્ટિથી ભ્રમિત કરી નાખે. એક જ સમાચારને તમે અલગ-અલગ ટીવી ચેનલ પર જુઓ તો અલગ રીતે બતાવાય છે. અખબારોમાં પણ આવું થાય છે. સોશિયલ મીડિયા પર તો ઘણું બધું એવું ફરે છે કે તેને સીધું સાચું માનવું મુશ્કેલ હોય છે. પરંતુ ફોટોશોપની કમાલ કે કોઈ ઘટનાઓને જોડીને એવા સંદેશાઓ બનાવાય કે તરત જ કેટલાક લોકો સાચું માની લે. 

આથી જ તો અખબારો માટે શબ્દ આવ્યો- બિટવીન ધ લાઇન્સ’. કોઈ પણ ઘટનાની પાછળ શું છે તે વાંચવું. તે સમજવું. કોઈ કંઈ બોલે તો પણ સમજવું પડે કે તે શું કામ બોલ્યો કે બોલી?

આપણે થિયેટરોમાં કે ટીવીના પડદે કોઈ અભિનેતા કે અભિનેત્રીને જોઈને તેના રૂપથી મોહિત થઈ જઈએ, પરંતુ તેનો મેકઅપ વગર અસલી ચહેરો જોઈએ તો ખબર પડે કે અરર! આ તો ભૂંડાભૂખ છે. દેખાડીને છેતરવાની કળા આજકાલ માર્કેટિંગના નામે ઓળખાય છે. ટીવી પર વિજ્ઞાપનોમાં એટલું સુંદર રીતે દર્શાવે કે ભલભલા પોતાના ખિસ્સાં ખંખેરવા તૈયાર થઈ જાય. એટલે જ્યારે પણ કોઈ પ્રશ્ન, સમસ્યા થાય કે ક્રોધ આવે ત્યારે બે મિનિટ આંખો બંધ કરી આ ત્રીજી આંખ એટલે કે આજ્ઞા ચક્રના સ્થાને ધ્યાન કરવું. કોઈ રસ્તો જડી જશે અને ક્રોધ શાંત થઈ જશે. 

આ જ રીતે શિવજીના માથા પર અર્ધચંદ્ર પણ દર્શાવાયો છે. એ બહુ જાણીતી વાત છે કે ચંદ્રની અસર મન પર થાય છે. ચંદ્રની અસર પાણી પર પણ થાય છે. પૂનમ હોય છે ત્યારે ભરતી આવે છે અને અમાસ હોય છે ત્યારે ઓટ આવે છે. આપણા શરીરમાં કુલ ૭૫ ટકા પાણી હોય છે. તો સ્વાભાવિક છે કે તેના પર પણ ચંદ્રની અસર થાય. જોકે આ બહુ સૂક્ષ્મ માત્રામાં હોય છે, પરંતુ તેમાંય જ્યોતિષની રીતે ચંદ્રના અંશ, ચંદ્ર કઈ રાશિમાં છે વગેરે બાબતો ધ્યાનમાં રખાય છે. પણ સામાન્યત: પૂનમે પાગલપણું વધે છે તેવી આપણે ત્યાં જ નહીં વિદેશોમાં પણ માન્યતા છે. વિદેશોમાં પૂનમના દિવસે વેમ્પાયર, વેરવૂલ્ફ બહાર આવે છે તેવી માન્યતા હતી. હકીકતે આ ગપ્પું નથી, કે દંતકથા નથી. આનો કહેવાનો અર્થ એ કે તે દિવસે મનુષ્યોમાંનું પશુત્વ બહાર આવે છે. 

ડેઇલી મેઇલ નામના બ્રિટનના એક અખબારમાં વર્ષ ૨૦૦૯માં આ અંગે એક અહેવાલ છપાયો હતો. અહેવાલમાં ઑસ્ટ્રેલિયાના એક સંશોધનને ટંકાયું છે. ઑસ્ટ્રેલિયાના આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે વેરવૂલ્ફ જેવા કહી શકાય તેવા (મતલબ પશુ જેવા) ૯૧ ઇમર્જન્સી પેશન્ટોને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેઓ હિંસક અને ખૂબ જ અશાંત હતા. અને આ દર્દીઓએ હોસ્પિટલના સ્ટાફ પર પશુની જેમ બટકા ભર્યાં હતાં. તેમના પર થૂંક્યા હતાં. ઉઝરડા પાડ્યા હતા.

વર્ષ ૨૦૦૮માં બ્રિટીશ સંશોધકોને જણાયું હતું કે દર્દીઓએ માથું દુખવાની, હાથ પગ વગેરેમાં ખાલી ચડી જવાની (સંવેદનશૂન્યતા), એકબીજા અવયવો વચ્ચે સંકલન, સ્ટ્રોક વગેરેની ફરિયાદ કરી હતી, પરંતુ તબીબોએ તપાસ્યું તો આવું કંઈ હતું નહીં. મતલબ કે દર્દીઓને માનસિક રીતે જ આવું લાગતું હતું. આમ સંશોધકોને ચંદ્રની અસર અને તબીબી રીતે ન સમજી શકાય તેવાં લક્ષણો વચ્ચે કડી જણાઈ હતી. 

બ્રિટનના ડેઇલી એક્સ્પ્રેસના વર્ષ ૨૦૦૯ના એક અહેવાલમાં નોંધાયું હતું કે ૭,૨૦૦ દર્દીઓ પૈકી ૧૨૯ દર્દીઓને ખોટા સ્ટ્રોકનાં લક્ષણો અનુભવાયાં હતાં. જ્યારે તેમણે કેલેન્ડર તપાસ્યું ત્યારે ખબર પડી કે તે પૂર્ણિમાનો દિવસ હતો. તારણ એ નીકળ્યું કે આ રહસ્યમય સ્ટ્રોકનું કારણ તબીબી કરતાં વધુ માનસિક હતું. આ અહેવાલમાં આગળ નોંધ્યું છે કે ભારતીય વૈજ્ઞાનિકોના મત પ્રમાણે, જ્યારે પૂનમની આસપાસ સ્ત્રીને બીજ છૂટું પડતું હોય ત્યારે જો સંબંધ બાંધવામાં આવે તો તેને દીકરો જન્મવાની શક્યતા વધુ રહે છે. બ્રાઝિલમાં સાઓ પૌલો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેંચ અથવા આંચકીમાં અણધાર્યાં મોતનાં આઠ વર્ષનાં કિસ્સાઓ તપાસ્યા તો નોંધ્યું કે તેમાંથી ૭૦ ટકા મૃત્યુ પૂનમના દિવસે થયા હતા. 

આ જ રીતે અમાસની પણ મન પર અસર થાય છે. ઓટ થાય એટલે પાણી જતું રહે. એમ અમાસના દિવસે મનમાં ખાલીપો અનુભવાય છે. ડિપ્રેશન થાય છે. ખોટી ખોટી ચિંતા થાય છે. 

આપણે હવે ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવી લીધું છે. પરંતુ હિન્દુ પંચાંગ ચંદ્રની કળા પર ચાલે છે. આપણે ત્યાં પૂનમ અને અમાસનું મહત્ત્વ છે. દર અમાસે યાચક બ્રાહ્મણને અથવા મંદિરમાં જઈને સીધુ આપવાનો રિવાજ હતો. પૂનમના દિવસે સત્યનારાયણની કથા કરવાનો મહિમા પણ આવા જ કોઈ કારણસર હોવો જોઈએ જેથી મનમાં આડાઅવળા વિચારો ન આવે. મન પ્રભુ ભક્તિમાં લાગેલું રહે. 

શંકર ભગવાનના માથા પર અર્ધચંદ્ર છે તે બતાવે છે કે પૂનમના ચંદ્રની જેમ મનને ઉન્માદી પણ નથી બનવા દેવાનું કે અમાસે ચંદ્ર સાવ ગાયબ થઈ જાય તેમ મનને નિરાશ પણ નથી થવા દેવાનું. મનને સંતુલિત રાખવાનું છે. બીજો મત એવો પણ છે કે સૂર્યને ગરમ જ્યારે ચંદ્રને ઠંડો મનાય છે. તેમ તપ કરતા હો કે કોઈ સારું કાર્ય કરતા હો તો ક્રોધને મન પર વશ થવા દેવાનો નથી. ચંદ્રની જેમ મનને ઠંડું રાખવાનું છે. (ક્રમશ:)

શંકર ભગવાનના ગળામાં સાપ હાર તરીકે કેમ છે?

શંકર ભગવાનના ભૌતિક રૂપની આધ્યાત્મિક ચર્ચામાં આગળ વધીએ. તેમના ગળામાં સાપ જોવા મળે છે. આપણામાંના ઘણાને સાપથી ડર લાગતો હશે. ફિલ્મો કે ટીવીમાં જ્યારે નકલી સાપને અસલી તરીકે દેખાડતા હશે ત્યારે પણ આંખો બંધ કરી જતા હશે. આ ડર કેમ હોય છે? શંકર ભગવાનના ગળામાં સાપ હાર તરીકે કેમ છે?

આપણે ત્યાં ધાર્મિક કથાઓનું બહુ મહત્ત્વ છે. કથાની રીતે-રૂપકની રીતે બધું સમજાવવામાં આવ્યું. કેટલીક બાબતો એવી હોય છે જ્યારે તમે સરળતાથી સમજી ન શકો ત્યારે તેને વાર્તા-કથાની જેમ કહેવાય. ઋષિ-મુનિઓ જે વિજ્ઞાન જાણી ગયા હતા તે સામાન્ય માનવીઓને સમજાવવું અઘરું પડે. આજે થ્રીડી વીડિયોની રીતે આપણે જોઈ શકીએ છીએ તોય વિજ્ઞાન દરેકને સમજાય તેવું નથી. તો એ સમયે તો અઘરું હોય જ. એટલે ઘણી કથાઓ ઊપજી હશે. શિવજીના ગળામાં નાગ પાછળની ધાર્મિક કથા એવું કહે છે કે શિવજીના ગળામાં સાપ છે તે વાસુકિ છે. આ નાગ વિશે પુરાણો એવું કહે છે કે તે નાગોનો રાજા છે અને નાગલોક પર તેનું શાસન છે. સાગર મંથન વખતે તેણે દોરડાનું કામ કર્યું હતું. 

વાસુકિ નાગ શિવના પરમ ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને નાગલોકના રાજા બનાવી દીધા. સાથે પોતાના ગળામાં આભૂષણની જેમ લપેટ્યા રહેવાનું વરદાન પણ આપ્યું. બીજી એક કથા પ્રમાણે, નાગ જાતિ ખતરામાં આવી ગઈ. આથી તેમણે શિવજી પાસે કૈલાસમાં રહેવા શરણ માગ્યું. શિવજીએ આપ્યું તો ખરું, પરંતુ ઠંડા તાપમાનના કારણે ત્યાં પણ તેમને મુશ્કેલી થઈ. આથી શિવજીએ તેમને ગળામાં રાખ્યા જેથી શરીરની ગરમી તેમને મળે. 

શિવજીના ગળામાં સાપને મફલરની જેમ કે હારની જેમ વીંટાળવાનો આધ્યાત્મિક અર્થ કાઢનારા તત્ત્વચિંતકો કહે છે કે શિવજીનું એક નામ પશુપતિનાથ છે. આ સૃષ્ટિમાં રહેતા તમામ સજીવોના ભગવાન શિવ છે. શિવજી સુવર્ણ (સોનું) કે ચાંદી વગેરે દુન્યવી વસ્તુનાં આભૂષણો પહેરવાના બદલે સાપને આભૂષણ તરીકે ધારણ કરે છે. કેમ કે સોના-ચાંદી વગેરે દુન્યવી ચીજોની લાલચ, આસક્તિ અસીમ છે. સાપથી લોકોને ડર લાગે છે. સાપના દંશથી મૃત્યુ થવું પણ સંભવ છે, પરંતુ શિવજીના ગળામાં સાપ બતાવે છે કે શિવજી નિર્ભય છે અને જે વ્યક્તિ શિવજીની શરણમાં આવશે તે પણ નિર્ભય બની જશે. તેને કોઈ જાતના પશુ-પંખી, વિષનો ભય નહીં રહે. તેને મૃત્યુ પણ નહીં સતાવે. સાપને કુંડલીની શક્તિના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. શિવજી મહાયોગી છે. યોગવિદ્યાના જાણકારોનું માનવું છે કે કુંડલીની શક્તિ આપણા મૂળાધાર ચક્ર (જે આપણી ગુદા અને જનનેન્દ્રિય વચ્ચે આવેલું છે.)માં સાપની જેમ ગૂંચળું વળીને પડેલી હોય છે, પરંતુ શિવજી મહાયોગી હોવાથી તેમનામાં આ શક્તિ જાગૃત થઈ, ઉર્ધ્વગમન કરીને ઉપર સુધી આવેલી છે. આ ઉપરાંત સાપને ઈચ્છાઓ અને લાગણીઓના રૂપમાં પણ જોવામાં આવે છે. સાપને ગળામાં પહેરીને શિવજી બતાવે છે કે તેઓ તમામ ઈચ્છાઓ અને લાગણીઓથી પર છે. જિતેન્દ્રિય છે. 

માત્ર શિવજીએ જ નહીં, વિષ્ણુ ભગવાને પણ સર્પનું મહત્ત્વ બતાવ્યું છે. વિષ્ણુ ભગવાન શેષનાગની શય્યા પર શયન કરે છે. સૂર્યનારાયણના રથનું વહન સર્પ કરે છે. ગણેશજી પણ યજ્ઞોપવિત તરીકે સાપને ધારણ કરે છે. નાગપંચમીએ આપણે ત્યાં નાગનું ચિત્ર બનાવીને અથવા સાક્ષાત નાગની પૂજા પણ થાય છે. ગુજરાતીમાં સાપને દૂધ પીવડાવવું અને હિન્દીમાં ‘આસ્તિન મેં સાંપ કો પાલના’ જેવી કહેવત પણ આવી છે. જ્યોતિષની રીતે સર્પ દોષ અને કાળ સર્પ દોષ છે. પૂર્વ જન્મમાં પાપ કર્યાં હોય, પૂર્વજોએ કાળા જાદુ અથવા તંત્ર-મંત્રના પ્રયોગો કર્યા હોય, સાપ કે ભ્રૂણ હત્યા કરી હોય તો આવો દોષ કુંડળીમાં બનતો હોવાનું જ્યોતિષના જાણકારોનું માનવું છે. 

સાપનું આટલું મહત્ત્વ અને તેનો ડર કેમ છે? વૈજ્ઞાનિક દૃષ્ટિથી સમજવું પડશે. વૈજ્ઞાનિકો માને છે કે કેટલાક ડર આપણે જન્મજાત લઈને આવીએ છીએ. કેટલાક ક્રમશ: વિકસિત થાય છે. સાપનો ડર મોટા ભાગે જન્મજાત હોય છે. ફોનની ભાષામાં કહીએ તો ફેક્ટરી મોડ. આધ્યાત્મિક રીતે કહીએ તો પૂર્વ જન્મના વારસામાં કેટલાક ડર કેટલાક ગમા-અણગમા કેરી ફોરવર્ડ થયેલા હોય છે. કેટલાકને ગરોળીથી એલર્જી હોય તો કેટલાકને છછૂંદરથી. કેટલાકને ઉંદરથી. કેટલાકને વાંદાથી. સાપ ક્યારેય કરડ્યા ન હોય તેવી વ્યક્તિને પણ સાપને ટીવી કે ફિલ્મમાં જોતા પણ ડર લાગે તેવું સંભવ છે, પણ આ સાપ, ઉંદર વગેરે જે આપણા શિવજી-ગણેશજી-વિષ્ણુ ભગવાન વાહન તરીકે યા આભૂષણ તરીકે ધારણ કરે છે તે કદાચ લોકોને પર્યાવરણનું સંતુલન સમજાવવા માટે હોઈ શકે. પહેલાંના સમયમાં કૃષિ મુખ્ય વ્યવસાય હતો. ખેતરોમાં સાપ બહુ નીકળે અને સર્પદંશથી મૃત્યુના કિસ્સા બને. આના કારણે સ્વાભાવિક જ સાપને મારી નાખવામાં આવે, પરંતુ જો સાપને મારી નાખવામાં આવે તો તેનાથી પર્યાવરણનું (ઇકો સિસ્ટમ)-ખોરાકનું (ફૂડ ચેઇન) ચક્ર ખોરવાઈ જાય. 

ખેતીમાં થતા પાકને બગાડતા ઉંદર તેમ જ અન્ય જીવજંતુઓને સાપ ખાઈ જાય છે. વળી સાપ પોતે પણ બીજા પ્રાણીઓનો ખોરાક છે. નોળિયો, દરેક પ્રકારની બિલાડી, ઉત્તર અમેરિકામાં જોવા મળતું વરુ (કોયોટ), જંગલી ડુક્કર અને કેટલાક દેડકા સાપને ખાય છે. જો સાપની પ્રજાતિ નષ્ટ પામે તો આ પ્રાણીઓનો ખોરાક નષ્ટ થાય. આના પરિણામે ખોરાકનું ચક્ર ખોરવાઈ જાય. સાપની કાંચળીનું પણ મહત્ત્વ છે. આ કાંચળીમાં અનેક પોષક તત્ત્વો રહેલાં છે! સાપની કાંચળીથી બેગ, સ્કાર્ફ, પટ્ટો, બૂટ, હેન્ડ બેગ વગેરે બને છે. ખિસકોલી આ કાંચળીને ખાય છે. 

બીબીસીના ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ના અહેવાલ પ્રમાણે, લિવરપુલ (ઈંગ્લેન્ડ)ના સંશોધકો માને છે કે માનવના રોગો માટે સાપના ઝેરમાંથી દવા બનાવી શકાય છે. જોકે, સાપના ઝેરમાંથી માદક ડ્રગ્સ બને છે તે એક દુ:ખની વાત પણ છે. ભારતમાં દિલ્હી સહિતના મેટ્રો શહેરમાં યુવાનોમાં કોબ્રાના ઝેરમાંથી બનતું ડ્રગ્ઝ વેલેન્ટાઇન દિવસે, રેવ પાર્ટીઓમાં અને ડિસ્કો થેકમાં યુવાનોમાં ઘણું વેચાય છે. તેનાથી સેન્સેશન વધે છે. શક્તિનો વધારો થયો હોય તેવું લાગે છે. યુવાનો લાંબા સમય સુધી નાચી શકે છે તેવું મનાય છે. દિલ્હીમાં વેલેન્ટાઇન દિવસના એક સપ્તાહ પહેલાં આવા ડ્રગ્ઝનું વેચાણ વધી જાય છે. અંગ્રેજી સમાચારપત્ર ડીએનએના ૧૧ એપ્રિલ, ૨૦૧૫ના અહેવાલ પ્રમાણે, રેટલસ્નેક (અમેરિકામાં જોવા મળતા વિષધર સાપ)ના ઝેરમાંથી બનાવાયેલી હોમિયોપેથિક દવાથી એચઆઈવીને ફેલાતા અટકાવી શકાય છે. નવી દિલ્હીમાં વર્લ્ડ હોમિયોપેથ સમ્મિટમાં સંશોધકોએ આવું સંશોધન રજૂ કર્યું હતું. હૈદરાબાદની જેએસપીએસ ગવર્મેન્ટ હોમિયોપેથિક મેડિકલ કૉલેજ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નૉલૉજીના ડૉક્ટરોએ સંશોધન કર્યું હતું કે સાપના ઝેરમાંથી બનાવાયેલી હોમિયોપેથિક દવા ક્રોટેલસ હોરિડસ એચઆઈવીને ફેલાતા અટકાવે છે. આયુર્વેદમાં પણ સાપના ઝેર તેમ જ સાપના શરીરના વિવિધ ભાગોનો ઉપયોગ દવાઓમાં થાય છે.

આમ, પર્યાવરણના ચક્રને જાળવી રાખવા માટે, લોકોમાં સાપનો ભય દૂર કરવા, સાપ જેવી મનમાં સળવળતી ઈચ્છાઓ, કામેચ્છાઓને વશ કરવા શિવજીએ ગળામાં સર્પને ધારણ કર્યું હોવાનું માની શકાય. 

અને અંતે, રમૂજમાં કહેવું હોય તો કહી શકાય કે જો સાપ ન હોત તો રાજકુમાર કોહલીની ‘નાગીન’, હરમેશ મલ્હોત્રાની શ્રીદેવી અભિનીત ‘નગીના’ જેવી સુપરહિટ ફિલ્મો ક્યાંથી હોત? અને અત્યારે એકતા કપૂરની સૌથી વધુ ટીઆરપી મેળવતી કલર્સ ચેનલ પર આવતી ‘નાગીન’ સિરિયલ પણ ક્યાંથી હોત?!

શિવજી-સાંઈબાબાએ ભસ્મ અથવા ઉદીનું મહત્ત્વ બતાવ્યું!
શિવજીના ભૌતિક રૂપના આધ્યાત્મિક અર્થ અને વૈજ્ઞાનિક અર્થને સમજવામાં આજે આપણે તેઓ વિભૂતિ અથવા ભસ્મ લગાડતા હતા તેની વાત કરીશું. આ વિભૂતિ અથવા ભસ્મ છે શું? યજ્ઞ કરો ત્યારે તેમાં સમિધ (યજ્ઞમાં વપરાતા લાકડાં), ઘી તેમજ અન્ય દ્રવ્યો બળે છે. તે પૂરો થાય પછી તેમાં જે બચે તેને ભસ્મ કહે છે. શંકર ભગવાન સ્મશાનમાં મૃતદેહને બાળવાથી જે ભસ્મ સર્જાય તેને શરીર પર લગાડતા હતા. 

ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં પ્રાત: ચારથી છની વચ્ચે ભસ્મ આરતી થાય છે. તેમાં કહે છે કે સ્મશાનમાંથી ચિતાની ભસ્મ લાવવામાં આવતી હતી અને તે પણ તાજી ચિતાની. અને આ ભસ્મ આરતી દુનિયાભરમાં આવેલા શિવનાં કોઈ મંદિરમાં નહીં પણ મહાકાલેશ્ર્વરમાં જ થાય છે. અગાઉથી મંદિરના પ્રશાસનને આવેદનપત્ર (અરજી) આપીને અનુમતિપત્ર મેળવવો પડે છે. તેમાં સાધારણ (કેઝ્યુઅલ) વસ્ત્રો પહેરીને જવાની અનુમતિ નથી. પુરુષોએ રેશ્મી ધોતી અને મહિલાઓએ સાડી પહેરવી ફરજિયાત છે. મુખ્ય આરતીમાં માત્ર પુરુષો જ જઈ શકે છે. સ્ત્રીઓનો પ્રવેશ વર્જિત છે. અહીં જે શિવલિંગ અને આસપાસ જે શ્રૃંગાર થાય છે તે પણ અદ્ભુત હોય છે. આરતીમાં જાવ ત્યારે તે એકદમ સામેથી જોવા મળે તેવી જગ્યાએ બેઠક લઈ લેવી. આ આરતીના સાક્ષી બનવાનો અનુભવ જીવનમાં એક વાર લેવા જેવો છે. રૂંવાડા ઊભા થઈ જાય તેવો દિવ્ય અનુભવ છે. જેઓ વારંવાર લઈ શકે તે તો ખરેખર ધન્ય જ છે. 

શિવજીને સંહારના દેવ મનાયા છે તો સાથે તેઓ મૃત્યુના મુખમાંથી પાછા પણ વાળી શકે છે. શિવજીના પુત્ર કાર્તિકેયે કાલ પર મહાકાલના વિજયની એક કથા કહી હતી. તે મુજબ, એક રાજા નામે શ્ર્વેતકેતુ હતો. તે સદાચારી, સત્યવાદી અને ધર્મના માર્ગ પર ચાલનારો, શૂરવીર અને પ્રજાપાલક હતો. તે મોટો શિવભક્ત પણ હતો. ભોલાનાથની કૃપાથી તેના રાજ્યમાં દરિદ્રતા, દુ:ખ, મહામારી નહોતા. દરેક ક્ષણે ધર્મ અને પ્રજાપાલનમાં ધ્યાન આપી તેણે જીવન વ્યતિત કર્યું. વૃદ્ધાવસ્થા આવી. તેનો જીવનકાળ સમાપ્ત થઈ ગયો હતો. ચિત્રગુપ્તે ધર્મરાજને કહ્યું હતું કે રાજા શ્ર્વેતકેતુનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે યમરાજાએ દૂતોને આજ્ઞા આપી કે જાવ, રાજા શ્ર્વેતકેતુના પ્રાણ હરી લાવો. 

યમદૂતો રાજા શ્વેતકેતુ પાસે આવ્યા ત્યારે તે ભગવાન શિવની આરાધનામાં વ્યસ્ત હતો. દૂતો બહાર ઊભા હતા. શ્ર્વેતકેતુ તો ભારે ધ્યાનમાં મગ્ન. ઘણો સમય નીકળી ગયો. ન શ્ર્વેતકેતુ હલ્યો ન યમદૂતો. છેવટે યમદૂતો ખાલી હાથે યમરાજ આગળ પાછા ફર્યા. આથી હવે યમરાજાએ પોતે જ આ કામ કરવાનું નક્કી કર્યું. હાથમાં લીધો કાળદંડ અને ઉપડ્યા શ્ર્વેતકેતુ પાસે. જોયું તો એ જ સ્થિતિ. શ્ર્વેતકેતુ શિવજીની ઉપાસનામાં લીન. આથી હવે કાળને સૂચના મળી. કાળ હાજર થયો. તેણે કહ્યું: ધર્મરાજ. આ બહુ જ અશોભનીય છે કે તમે તેના પ્રાણ લઈ શકતા નથી. ધર્મરાજે કહ્યું: તે અનન્ય શિવભક્ત છે. શિવપૂજામાં તલ્લીન છે. અમે તેનું ઉલ્લંઘન ન કરી શકીએ. ત્રિશૂલધારી ભગવાન શિવના ભયથી અમે અહીં મૂર્તિની જેમ ઊભા છીએ. આ જોઈને કાળને ચડ્યો ક્રોધ. કાઢી તલવાર અને કાળ મંદિરમાં ઘૂસ્યો. તેણે જોયું કે શ્ર્વેતકેતુ ભગવાન શંકરનું ધ્યાન કરી રહ્યો છે તેમ છતાં તે તલવાર સાથે તેનો વધ કરવા આગળ વધ્યો. જેવી તેણે તલવાર ઉગામી કે શિવજીએ શિવલિંગમાંથી ત્રીજું નેત્ર ખોલીને કાળ તરફ જોયું. કાળને ચિત્કાર કરવાનો સમય પણ ન મળ્યો. તે શ્ર્વેતકેતુ સામે જ બળીને ભસ્મ થઈ ગયો.

જ્યારે શ્ર્વેતકેતુનું ધ્યાન તૂટ્યું ત્યારે તેણે ભગવાન શિવને પ્રણામ કરી પૂછ્યું કે આ કોણ છે? શિવજીએ વાત કહી. શ્ર્વેતકેતુએ પૂછ્યું: પણ કાળ તો તમારું જ રૂપ છે. તમારી આજ્ઞાથી જ તે બધાં કાર્ય કરે છે. તેને જીવિત કરી દ્યો. ભગવાન શિવે કાળને જીવિત કર્યો. કાળે પોતાના દૂતોને કહ્યું: જે લોકો સાચી શિવની આરાધનામાં મસ્ત રહે છે, માથા પર જટા અને ગળામાં રૂદ્રાક્ષ પહેરે છે, વિભૂતિનું ત્રિપુંડ લલાટમાં કરે છે અને ઓમ નમ: શિવાય એ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે તેને ક્યારેય મારી નગરીમાં ન લાવવા. શિવના ભક્તો શિવની કૃપાથી કાળને પણ જીતી લે છે. કદાચ એ સંદેશો દેવા જ મહાકાળમાં તાજી ચિતાની ભસ્મ આરતી કરવામાં આવે છે. 

કેટલાક ગાયના છાણાં પર ઘી રેડી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરી તેમાંથી જે ભસ્મ બનાવે છે તે લગાડે છે. સામાન્ય ભાષામાં રાખ પણ કહે છે. 

આજના જમાનામાં જ્યારે ઔષધીય વિજ્ઞાન આટલું આગળ વધી ગયું હોય ત્યારે પ્રશ્ર્ન થાય કે વિભૂતિ, ભસ્મ કે ઉદીથી રોગ મટે ખરા? હિન્દીમાં જેને કહે છે કે ‘ભસ્મ રમાના’ તેમ શરીર પર ભસ્મ શા માટે લગાડવી જોઈએ? બ્રાહ્મણો માટે ત્રિકાળ સંધ્યામાં પણ ભસ્મ લગાડવાનું મહત્ત્વ છે. 

સંસ્કૃત ભસ્મનો શાબ્દિક અર્થ છે- ભ એટલે ભર્ત્સનમ. એટલે કે નાશ થવો. સ્મ એટલે સ્મરણમ એટલે સ્મરણ રહેવું. ભસ્મ લગાડવાનો આધ્યાત્મિક અર્થ છે કે આ શરીર નશ્ર્વર છે. તે મૃત્યુ પછી ભસ્મ અથવા રાખ થઈ જવાનું છે તે સતત યાદ રાખવું. ભસ્મ લગાડવાથી આ અનુભૂતિ હરેક પળે થવી જોઈએ. આના કારણે આસક્તિ, મોહ, માયા અને લાલચ આ બધા ષડરિપુઓને દૂર કરવાના છે. જેવી રીતે યજ્ઞમાં આહુતિ આપીને ભસ્મ બને છે તેમ માનવે પોતાની બિનજરૂરી ઈચ્છાઓ-ખોટી આકાંક્ષાઓ, અહંકાર દોષ અને અજ્ઞાનની આહુતિ આપવાની છે. ભસ્મ દ્વારા આપણે આપણી ખોટી ઓળખને બાળવાની છે. આ જન્મમાં આપણે છગન, મગન, રમા કે કોકિલા હોઈએ પણ આવતા જન્મમાં શું થવાના છીએ તે ક્યાં ખબર છે? આવતા જન્મમાં માનવ અવતાર મળશે જ એ પણ ક્યાં નક્કી છે? આપણી અસલી ઓળખ તો આત્મા થકી છે. જેમ રોજ આપણે જુદાં-જુદાં કપડાં પહેરીએ તો આપણી ઓળખ એ કપડાં થકી નથી થતી પણ આપણી ઓળખ એ જ રહે છે. તેમ શરીર રૂપી કપડાંથી આપણી ઓળખ નથી, આત્મા થકી છે. 

સામાન્ય રીતે ભસ્મને કપાળ પર લગાડાય છે. એક ઉક્તિ છે- લલાટ શૂન્યમ સ્મશાન તુલ્યમ. એટલે હિન્દુ ધર્મમાં માત્ર સ્ત્રીએ જ ચાંદલો કરવાનો છે તેવું નથી. પુરુષે પણ તિલક કરવાનું છે. ચાહે ચંદનનું કરો કે ભસ્મનું. ભસ્મને કેટલાક હાથ, છાતી પર, પેટ પર પણ લગાડે છે. શિવજી તો આખા શરીર પર લગાડતા હતા. તેઓ ભસ્મથી કપાળ પર ત્રિપુંડ પણ કરે છે. આ ત્રણ રેખા ત્રણ ગુણ-સત, રજ અને તમના પ્રતીક મનાય છે. સંન્યાસીઓમાં કપાળે ભસ્મ લગાડવાના નિયમ હોય છે. જિજ્ઞાસુ સંન્યાસી માત્ર એક જ રેખા કરે છે તેનો અર્થ એ છે કે તે તમો ગુણને પાર જવા માગે છે. કર્મ સંન્યાસી બે રેખા કરે છે જે બતાવે છે કે તે રજો અને તમો ગુણને પાર જવા માગે છે. પૂર્ણ સંન્યાસી ત્રણ રેખા કરે છે. અર્થાત તે ત્રણેય ગુણને પાર જવા માગે છે. એક અર્થમાં ગુણાતીત.

ભસ્મનું આધુનિક વિજ્ઞાન પણ મહત્ત્વ દર્શાવે છે. પશ્ર્ચિમમાં ટાઢ બહુ પડે એટલે તેઓ ફાયર પ્લેસ રાખે, જ્યાં આગ જલતી હોય અને ગરમી મળ્યા રાખે. વિજ્ઞાનીઓ કહે છે કે આ આગની ભસ્મ એટલે કે લાકડાં બળવાથી જે ભસ્મ બને છે તેમાં પોષક તત્ત્વો ભરપૂર હોય છે. તેનો ઉપયોગ ખાતર તરીકે કરી શકાય છે. ખેતીમાં કે બગીચામાં તે જીવજંતુઓને આવતા પણ રોકે છે. જો જમીન એસિડિક હોય તો છોડને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટેશિયમ મળતા નથી. લાકડાની ભસ્મ એસિડિક જમીનને તટસ્થ કરે છે. લાકડાની રાખમાં પોટેશિયમ ભરપૂર હોય છે, તેમ અમેરિકાના જાણીતા સમાચારપત્ર ‘વોશિંગ્ટન પોસ્ટ’નું કહેવું છે. તમે જો પશુપક્ષી પાળતા હો તો તેઓ ચોખ્ખા થવા માટીમાં નહાતા હોય છે. તેનાથી તેમના શરીરમાં રહેલા જીવાણુઓ નાશ પામે છે. તેમને આ લાકડાની ભસ્મથી સ્નાન કરાવવું અતિ ઉત્તમ છે. 

એમ કહેવાય છે કે ભસ્મ લગાડવાથી તે શરીર પરનાં રોમછિદ્રોને બંધ કરી દે છે. પરિણામે ગરમી કે ઠંડી લાગતી નથી. શિવજી કે સંન્યાસીઓ મોટા ભાગે ખુલ્લા ડીલે હોય છે. તેઓ આ કારણે પણ ભસ્મ લગાડતા હશે કે ઉનાળા કે શિયાળામાં ગરમી-ઠંડીથી બચી શકાય. આ ભસ્મ કીટાણુઓ(વાઇરસ)થી પણ બચાવે છે. મચ્છર-માંકડ વગેરેથી પણ રક્ષા કરે છે. (ભસ્મનું બીજું નામ રક્ષા-રાખ પણ છે.) (ક્રમશ:)




























No comments:

Post a Comment