Friday, October 30, 2015

વિજ્ઞાન જીવજ્ઞાન અને જંતુજ્ઞાન સુધી પહોંચે છે! --- ચંદ્રકાંત બક્ષી



                                         

સન ૧૯૮૨માં ન્યુ દિલ્હીમાં એશિયન રમતોત્સવ વખતે ઊંચે કૂદવાની રમત માટે એક ચીનો એથ્લીટ આવ્યો હતો, જે વિશ્ર્વવિજેતા હતો. એ ત્રાંસો દોડતો આવીને જરા અટકીને, સ્પ્રિંગની જેમ ઊછળતો હતો અને શ્ર્વાસ રોકાઈ જાય એટલું ઊંચું કૂદતો હતો. એની ‘રનિંગ-હાઈ-જમ્પ’ની ટેક્નિક જ જુદી હતી!

પાછળથી એના વિશે એક સોવિયેત પત્રિકામાં વાંચ્યું. એ છોકરો ચીનની શાંઘહાઈ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો અને હોસ્ટેલમાં રહેતો હતો. ત્યાં એ હાઈ-જમ્પમાં ભાગ લેતો હતો. 

એક વાર એણે એની રૂમમાં એક બિલાડી આવેલી જોઈ. એ બિલાડીનું નિરીક્ષણ કરતો રહ્યો. બિલાડી દોડતી આવી, સંકોચાઈ, સ્પ્રિંગની જેમ પાછલા પગ દબાવીને ઊછળી, બારીમાં પહોંચીને બહાર નીકળી ગઈ.

દિવસો સુધી આ એથ્લીટે આ બિલાડીની હાઈ-જમ્પની ટેક્નિકનો અભ્યાસ કર્યો અને એ ટેક્નિક અપનાવી. એના કોચે એને બિલાડીની જેમ હાઈ-જમ્પ કરવાની તાલીમ આપી! અને એ વિશ્ર્વચેમ્પિયન બન્યો. 

અજ્ઞાની માણસ એ છે, જેને ખબર નથી એ કેટલો જ્ઞાની છે. જ્ઞાની માણસ એ છે, જેને ખબર છે કે એ કેટલો અજ્ઞાની છે. 

લેનિનની પ્રગતિ માટેની એક પ્રખ્યાત વ્યાખ્યા છે: બે કદમ આગળ કૂદવું હોય તો એક કદમ પાછળ જાઓ! આજનું વિજ્ઞાન અને તંત્રજ્ઞાન પ્રકૃતિ અને પ્રાણીઓનો ગંભીરતાથી અભ્યાસ કરે છે કે જેથી નવી વસ્તુઓ અને સાધનોની ડિઝાઈનો અને તેને બનાવવાની ટેક્નિક સુધરે! આધુનિક હાઈ-જમ્પની ટેક્નિક મનુષ્ય બિલાડી પાસેથી શીખી રહ્યો છે. 

જ્ઞાનપ્રાપ્તિ માટે ઈશ્ર્વરે બનાવેલી સૃષ્ટિ હજી પણ મનુષ્યને માર્ગદર્શન આપી શકે છે. એક એક રહસ્ય ખૂલતું રહે એ પણ પ્રગતિની દિશા છે. 

માણસનું શરીર અદ્ભુતનો ભંડાર છે. તમારી ચામડી વોટરપ્રૂફ છે. બહાર વરસાદ હોય કે બરફ હોય કે રૌદ્ર તડકો હોય, પણ શરીરનું તાપમાન આપોઆપ ૯૮.૪ ડિગ્રી જ થઈ જાય છે. 

ડાબું મગજ જમણા શરીરનું સંચાલન કરે છે. તમે જે જુઓ છો એનું પ્રતિબિંબ આંખમાં ઊંધું પડે છે, તમારા તોડવાના અને ચાવવાના દાંત જુદા છે. કાન એક જ ક્ષણે સેંકડો અવાજો સાંભળે છે, પણ આપણે જે ‘સાંભળીએ’ છીએ ‘એડિટ’ થયેલું સાંભળીએ છીએ. 

કાન સ્વર અને વ્યંજનનો ભેદ કઈ રીતે પારખે છે? જીભ છએ છ સ્વાદોને સમજે છે, પણ દાંત સ્વાદથી પર છે. વિવિધ વાસોને સમજવા માટે નાક પાસે ‘સેન્સરી સેલ્સ’ છે. 

હવે વિજ્ઞાન માને છે કે મનુષ્યનું નાક એક કમ્પાસ જેવું છે, નાકની અંદર જે સાઈનસનું હાડકું છે એનાથી પૃથ્વીનું લોહચુંબકીય ક્ષેત્ર સમજી શકાય છે. ગ્લેન્ડ અને હોર્મોન અને નર્વસ-સિસ્ટમ જેવાં શરીરનાં આંતરિક પરિમાણોની કિતાબના પ્રથમ પ્રકરણમાં જ હજી મનુષ્ય પહોંચ્યો છે. મનુષ્યદેહ ખરેખર વિરલ છે... 

કબૂતરો અને ડોલ્ફિન માછલીઓ દિશા ભૂલ્યા વિના કઈ રીતે સેંકડો માઈલો ઊડી કે તરી શકે છે? ઘેર પાછા ફરવા માટે એમની પાસે કયું દિશાયંત્ર છે? રણોમાં રખડનારી આદિજાતિઓ કઈ રીતે પૃથ્વીનું ચુંબકીય તત્ત્વ સમજતી હતી? એમની પાસે દિશાસૂઝ હતી. 

ઉપ્યુલુરી ગણપતિ શાસ્ત્રી ભારતવર્ષના એક પ્રકાંડ વેદાચાર્ય છે અને એમની વય ૯૬ વર્ષની છે. એક જિજ્ઞાસુએ એમની સાથે કરેલી પ્રશ્ર્નોત્તરી રસિક છે. પ્રશ્ર્ન થયો: પક્ષીઓ રાત્રે ભૂમિ પર શા માટે બેસતા નથી? શાસ્ત્રીજીએ ઉત્તર આપ્યો: સૃષ્ટિના ઉદ્ભવ સમયે દેવતાઓએ પાણીની સપાટી પર એક આહુતિયજ્ઞ કર્યો, જેનું નામ ‘અગ્નિ’ છે. વેદશાસ્ત્રો કહે છે કે પૃથ્વી પર સ્વાદિષ્ટ આહાર પાથર્યો હોય તો પણ પાંખોવાળા જીવો રાત્રિના અંધકારમાં વૃક્ષોની ઘટાઓમાં પોતાના આવાસ છોડતા નથી. કારણ? દૂરદર્શી પક્ષીઓેને એ સમયે પૃથ્વીની સપાટી ભડકે બળી રહેલા આહુતિયજ્ઞની ધરતી જેવી દેખાય છે!

અદ્ભુતના વિશ્ર્વમાંથી મનુષ્ય સહજજ્ઞાન પ્રાપ્ત કરે છે અને સંશોધનમાંથી વિજ્ઞાન પ્રકટે છે. ઓટો લિલિયેનથેલે ઊડતાં પક્ષીઓની પાંખોના ફડફડાટનો અભ્યાસ કરીને પ્રથમ વિમાનોની ડિઝાઈન બનાવી હતી. માખી જ્યાં બેઠી હોય ત્યાંથી જ સીધી ઊંચી ઊડી શકે છે. એના પરથી હેલિકોપ્ટર કે ચોપરની કલ્પના સાકાર થઈ હતી. ચકલી હવામાં જ પાંખો ફફડાવીને સ્થિર રહી શકે છે. 

માખીઓ, મધમાખીઓ, પતંગિયાં, તીડોનો વૈજ્ઞાનિકોએ એરોનોટિક્સ કે વિમાનવિષયક ક્ષેત્ર માટે અભ્યાસ કર્યો છે. 

માખી પોતાની લંબાઈથી અઢીસો ગણું અંતર એક સેકંડમાં ત્રણસો વખત પાંખો ફફડાવીને કાપી શકે છે. એરક્રાફ્ટ એન્જિનિયરોએ મિની-ઈલેક્ટ્રોડ લગાવીને માખીના સ્નાયુઓની સ્થિતિસ્થાપકતા માપી છે. એની પાંખો બહાર કડક અને અંદરની તરફ જતાં નરમ અને લચીલી થતી જાય છે. 

રોબો અથવા યંત્ર સહાયક આજે અત્યાધુનિક ઔદ્યોગિક દેશોમાં વપરાવા લાગ્યો છે. એ રોબોટના સર્જન માટે જંતુઓની નર્વસ-સિસ્ટમનો અભ્યાસ કરવામાં આવ્યો છે. 

સેન્સર દ્વારા સંચાલિત રોબો તૈયાર કરવા માટે વંદા કે કોકરોચની નર્વસ-સિસ્ટમનો અભ્યાસ સહાયક થયો છે. બીજા જંતુઓ કરતાં વંદાની નર્વસ-સિસ્ટમ પ્રમાણમાં સરળ છે. બદલાતી પરિસ્થિતિ સામે એની પ્રતિક્રિયા ત્વરિત હોય છે એટલે રોબોના મોડેલ રૂપે વંદો ઉપયોગી છે. 

આપણે ૨૧મી સદીની ફાલતુ વાતો કરી કરીને આપણી જાતને અને આપણી પ્રજાને ઠગી રહ્યા છીએ. 

જે દેશો અત્યંત ઔદ્યોગિક છે એ રોબો અને ઓટોમેશનનું મહત્ત્વ સમજે છે. રોબો એટલે મનુષ્યને બદલે કામ કરી આપતું મશીન અને ઓટોમેશન એટલે મનુષ્ય વિના થતું સ્વનિયંત્રણ અને રોબોટિક્સ અથવા યંત્રસહાયશાસ્ત્ર પણ કોઈ સ્થિર કે સ્થગિત થઈ ગયેલું શાસ્ત્ર નથી. 

જાપાનની નિસ્સાન કંપનીએ ૧૯૮૫ના ટોકિયોના ‘રોબોસ શો’ પ્રદર્શનમાં એવા રોબો બતાવ્યા હતા, જે એમની કંપનીમાં અન્ય રોબોના કામ પર ધ્યાન રાખવા માટે વપરાય છે! તંત્રજ્ઞાનની ભાષામાં રોબોજગતમાં અત્યારે બીજી પેઢી ચાલી રહી છે. 

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને દાર્શનિક ડૉ. રાધાકૃષ્ણનું હંમેશાં મનુષ્યના મગજનું દૃષ્ટાંત આપતા હતા-મગજની રચના બે ‘લોબ્ઝ’ અથવા શાખાઓમાં વહેંચાયેલી છે. (અખરોટની અંદરનો ગર્ભ અકબંધ રહે તો એ કંઈક અંશે આકારમાં મગજ જેવો લાગે.)

આ બંને શાખાઓ બે જુદાં કામો કરે છે, ભિન્ન છે, પણ વિરોધી નથી, પૂરક છે, ઉપકારક છે-ધર્મ અને વિજ્ઞાનની જેમ, પરંપરા અને આધુનિકતાની જેમ, વિચાર અને આચારની જેમ વિજ્ઞાનનું સંતાન તંત્રજ્ઞાન કે ટેક્નોલોજી વિજ્ઞાનની પૂર્વજ પ્રકૃતિ કે ઈશ્ર્વરદત્ત સૃષ્ટિ પાસેથી આજે પણ રહસ્યો ખોલીને માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે છે. 

-------------------------

ક્લોઝ અપ

ધીમાનાં દહેરાં, ને ઉતાવળાના પાળિયા.

(જૂની ગુજરાતી કહેવત)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=175605

No comments:

Post a Comment