Wednesday, March 25, 2015

મોડી ટ્રેનનું મોટું વળતર --- પ્રકાશ દેસાઈ

રોલિંગ માને છે હવે મારી પાસે પૈસા છે તો મારી ફરજ છે કે સમાજને પાછું આપવું જોઇએ.
ઓપિનિયન - પ્રકાશ દેસાઈ


ભારતમાં અને ખાસ કરીને મુંબઇમાં સામાન્ય માણસની જિંદગીનો સારો એવો સમય તો લાઇનમાં નંબર લગાવવામાં જ જાય છે. પછી તે હૉસ્પિટલ હોય કે પાસપોર્ટ ઓફિસ, સ્કૂલનું એડમિશન, બસની લાઇનમાં કે ટ્રેનના રિઝર્વેશન હોય. આ લાઇનમાં ઊભા રહેતા મોટાભાગના લોકો તેના માટે પ્રશાસનને જવાબદાર ઠેરવી એક બીજા પર બળાપો કાઢીને ટાઇમપાસ કરતા હોય છે. અમિતાભ બચ્ચન ‘દિવાર’ ફિલ્મમાં ‘હમ જહાં ખડે રહેતે હૈ લાઇન વહીં સે શુરૂ હોતી હે’ એવો ડાયલોગ શું ફટકારે છે કે લોકો તાળીઓ પાડે, પણ આ બચ્ચનને પણ મુંબઇ, લંડન કે ન્યૂ યૉર્કના એરપોર્ટ પર ઇમિગ્રેશનની લાઇનમાં ઊભા જ રહેવું પડે ત્યાં એ ઊભો હોય ત્યાંથી લાઇન શરૂ ના થાય!

આ તો વાત થઇ એ જગ્યાએ લાઇનમાં ઊભા રહેવાની કે જ્યાં જતાં પહેલાં આપણને ખબર છે કે લાઇનમાં ઊભા રહેવું પડશે પણ ક્યારેક એવું થાય કે આપણે મેલ ટ્રેનમાં મુસાફરી કરવાની હોય અને અચાનક જાહેરાત થાય કે તમારે જેમાં મુસાફરી કરવાની છે તે ટ્રેન ચાર કલાક મોડી પડી છે ત્યારે જે ગુસ્સો આવે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

આપણે મનમાંને મનમાં આખી સરકાર ઉથલાવી નાખીએ પછી રેલવે સ્ટેશનના સ્ટોલ પરથી કોલ્ડ ડ્રિન્ક કે વડાપાંઉ ખાઇને બેન્ચ ઉપર એકાદ ઊંઘ ખેંચીને ગમે તેમ ચાર કલાક કાઢી નાખીએ છીએ, પણ આપણે ક્યારેય એવો વિચાર કર્યો છે કે આ ચાર કલાક મને મારી પોતાની જાતને વિચારવા, સમજવા કે નવું સંશોધન કરવા માટે ગિફ્ટમાં મળ્યા છે તેનો સદુપયોગ કરીએ? વર્ષ ૧૯૯૦ની જ વાત છે. એક દિવસ માન્ચેસ્ટર રેલવે સ્ટેશને એક યુવતી લંડન જવા માટે ટ્રેનની રાહ જોતી હતી ત્યાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર અનાઉન્સમેન્ટ થઇ કે ટ્રેન ચાર કલાક મોડી પડી છે. આ છોકરી એક બેન્ચ પર બેસીને વિચારવા લાગી અને તેમાં જન્મ થયો વિશ્વવિખ્યાત ‘હેરી પોટર’નો. ને હવે કહેવાની જરૂર ખરી કે આ યુવતી એટલે હેરી પોટર નવલકથાઓની લેખિકા જે કે રોલિંગ.

હેરી પોટરની જન્મદાતા જે. કે. રોલિંગઃ ૩૧ જુલાઇ, ૧૯૬૫માં ઇંગ્લેન્ડમાં જન્મેલી રોલિંગ એટલી શરમાળ છોકરી હતી કે તેને આ ચાર કલાકના વિલંબ દરમિયાન હેરી પોટરના પાત્રની કલ્પના આવી પણ તેની પાસે પેન ન હોવાથી તે ફક્ત કાગળ ઉપર ઉતારી શકી. કોઇ પાસે પેન માંગવામાં શરમ આવતી હતી, તેથી રોલિંગે મનમાં જ આખું પાત્ર અને વાર્તા ઘડી કાઢ્યા. જેવી ઘરે પહોંચી કે રોલિંગે એક જ બેઠકે કલાકો બેસીને હેરી પોટરના પાત્રને ડેવલપ કરવા માંડ્યું.

રોલિંગ પંદર વર્ષની હશે ત્યારે તેની માને મોટી બીમારી થઇ જેના કારણે તેની નર્વસ સિસ્ટમ ડાઉન થવા લાગી હતી. થોડા સમય બાદ ૩૦ ડિસેમ્બર, ૧૯૯૦ના રોજ તેનું ૪૫ વર્ષની યુવાન વયે મૃત્યુ થયું. આ આઘાત રોલિંગ સહન ન કરી શકી. તે ડિપ્રેશનનો શિકાર થઇ ગઇ. ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે રોલિંગે પોર્ટુગલમાં અંગ્રેજી વિષયની શિક્ષિકા તરીકેની નોકરી સ્વીકારી અને સાથે હેરી પોટરની મૅન્યુસિ્ક્રપ્ટ પણ લઇ ગઇ અને તેમાં નવાં નવાં પાત્રો ઉમેરતી ગઇ. પણ, માના મૃત્યુ બાદ હેરી પોટરની તેની વાર્તાઓમાં નવા વળાંકો આવવા લાગ્યા, જેમાં હેરીની ફિલિંગ્સ તેના મૃત માતાપિતા માટે વધારે સહાનુભૂતિવાળી થવા લાગી. રોલિંગની માના મૃત્યુના તેના માનસ ઉપર એટલી અસર થઇ ગઇ કે હેરી પોટરની બધી વાર્તાઓમાં મૃત્યુનો ઉલ્લેખ છે. પોર્ટુગલમાં તેણે પ્રેમલગ્ન કર્યાં. જેની ફળશ્રુતિ તરીકે એક દીકરી પણ થઇ પણ કોઇ કારણસર તેના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું. રોલિંગને આશા હતી કે તેના પોર્ટુગલના વસવાટ દરમિયાન હેરી પોટરનું પુસ્તક લખાઇ જશે તે તો એક બાજુએ રહ્યું અને રોલિંગ તેની દીકરી સાથે પોર્ટુગલ છોડી સ્વૈચ્છિક સંસ્થાઓના સહારે ધર્માદા પર જીવવા લાગી. સ્નાતક થયાના સાત વર્ષ પછી પણ તેની પાસે સુરક્ષિત નોકરી નહોતી. લગ્નજીવનમાં ભંગાણ અને પોતાની દીકરીને ઉછેરવાની જવાબદારી. આવા કપરા કાળમાં તેને ઘણી વખત આપઘાતના વિચારો પણ આવ્યા હતા પણ મનને સાચી દિશામાં વાળીને મક્કમ નિર્ધાર કર્યો કે જે થાય તે પણ હેરી પોટરની પહેલી નવલકથા પૂરી કરવી જ છે. વર્ષ ૧૯૯૩માં રોલિંગ સ્કોટલેન્ડના એડિનબરો શહેરમાં તેની બહેનના ઘરે તેની દીકરી સાથે રહેવા ગઇ અને દીકરી સૂઇ જાય પછી ભાગીને કોફી શોપમાં હેરી પોટરનું પુસ્તક લખવા લાગે અને મહામહેનતે હેરી પોટરની સિરીઝની પહેલી નવલકથા ‘ફિલોસોફર્સ સ્ટોન’ પૂરી કરી અને તેને બહાર પાડવાના સ્વપ્નાઓ જોવા લાગી.

હેરી પોટરે બદલી રોલિંગની દુનિયાઃ નવા લેખકને તેનું પહેલું પુસ્તક બહાર પાડવામાં કેટલી તકલીફો પડે છે તે તો જે કે રોલિંગથી વધારે કોઇ નહીં જાણતું હોય! વર્ષ ૧૯૯૫માં ‘હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર’સ સ્ટોન’ની મૅન્યુસિ્ક્રપ્ટ તૈયાર થઇ અને રોલિંગે તેના પ્રથમ ત્રણ પ્રકરણ ટાઇપ કરીને સુંદર ફોલ્ડરમાં પબ્લિશરને પુસ્તક છાપવા અને તેના અભિપ્રાય માટે મોકલાવ્યું પણ તે ફોલ્ડર એટલું ઝડપથી પરત આવ્યું કે શંકા પડે કે કોઇએ ખોલ્યા વગર જ પાછું મોકલી આપ્યું હશે. આવા એક નહીં પણ બાર-બાર પબ્લિશર્સે પુસ્તક છાપવાનો નનૈયો ભણ્યો. એક વર્ષ પછી લંડનની બ્લૂમ્સબરી પબ્લિશિંગ કંપનીને આ પુસ્તકનું પહેલું પ્રકરણ મોકલ્યું તો આ ચિલ્ડ્રનબુક હોવાના કારણે કંપનીના ચૅરમેને આ પ્રકરણ તેની આઠ વર્ષની દીકરી ન્યુટનને વાંચવા આપ્યું. તેણે આ પ્રકરણ વાંચ્યા બાદ બીજા પ્રકરણો વાંચવા માગતા બ્લૂમ્સબરીને થયું કે આ પુસ્તક તો સારું હોવું જોઇએ, તેથી રોલિંગને ૧,૫૦૦ પાઉન્ડ ચૂકવીને તેને છાપવાનું નક્કી કર્યું પણ રોલિંગને જણાવ્યું કે ‘જેન. રોલિંગ એ મહિલા નામ હોઇ તેણે લખેલી ચિલ્ડ્રનબુક કોઇ છોકરાઓ વાંચશે નહીં, તેથી પુસ્તકમાં લેખિકા તરીકે તેનું નામ છાપ્યું જે. કે. રોલિંગ.’

બ્લૂમ્સબરીના ચૅરમેને રોલિંગને સલાહ આપી કે ‘ભલે હેરી પોટરની પહેલી નવલકથા છપાઇ પણ બહુ આશા નહીં રાખવાની અને નિયમિત આવક માટે તેણે કોઇ નોકરી શોધી લેવાની જરૂર છે.’ આ બાજુ સ્કોટિશ આર્ટ્સ કાઉન્સિલે રોલિંગને તેનું લખાણ ચાલુ રાખવા માટે ૮,૦૦૦ પાઉન્ડનું વળતર આપ્યું. અમેરિકન પબ્લિશર્સ સ્કોલેસ્ટિકે સપ્ટેમ્બર, ૧૯૯૮માં આ બુક ‘હેરી પોટર એન્ડ ધ સોર્સરર સ્ટોન’ના નામે અમેરિકામાં બહાર પાડીને રોલિંગને ૧,૦૫,૦૦૦ અમેરિકન ડૉલર ચૂકવ્યા, જે તે સમયે કોઇ પણ ચિલ્ડ્રનબુકની નવી લેખિકાને અપાયેલી રકમમાં સર્વોત્તમ હતી અને આ સમાચાર સાંભળીને રોલિંગ લગભગ બેભાન થઇ ગઇ હતી.

જૂન, ૧૯૯૭માં ‘હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ સ્ટોન’ પુસ્તકની ૧,૦૦૦ નકલ પ્રકાશિત કરી હતી, જેમાંથી ૫૦૦ નકલ તો પુસ્તકાલયમાં આપી હતી. આજની તારીખે આ પુસ્તક ‘ઓરિજિનલ પ્રિન્ટ ક્લેક્ટર્સ આઇટમ’ ગણાય છે અને તેની માર્કેટમાં કિંમત છે ૨૫,૦૦૦ પાઉન્ડ મતલબ લગભગ ૨૨ લાખ રૂપિયા. આમ હેરી પોટરની સિરીઝના પ્રથમ પુસ્તકે કેટલાય પારિતોષિકો જીત્યા અને રાતોરાત જે કે રોલિંગની દુનિયા બદલાઇ ગઇ.

હેરી પોટરનું આ પુસ્તક જ્યારે પ્રકાશિત થયું ત્યારે બધા ઇનામો તેને જ મળતા હતા, તેથી જ્યારે તેની ચોથી આવૃત્તિ પ્રકાશિત કરી ત્યારે રોલિંગે ઇનામો માટે તેના પુસ્તકોની ગણતરી નહીં કરવાની વિનંતી કરી કે જેથી બીજા લોકોને તેનો લાભ મળી શકે. હેરી પોટર સિરીઝના પ્રથમ પુસ્તકનો ઓર્ડર ૧૯૯૭માં ૧,૦૦૦ નકલનો હતો અને ૧૬ જુલાઇ, ૨૦૦૫માં તેની છઠ્ઠી બુક ‘હેરી પોટર એન્ડ ધ હાફ-બ્લડ પ્રિન્સ’ પ્રકાશિત કરવામાં આવી ત્યારે ૨૪ કલાકમાં ૯૦ લાખ નકલનું અધધધ વેચાણ થયું હતું. વર્ષ ૧૯૯૮માં જ્યારે અમેરિકાના વોર્નર બ્રધર્સે હેરી પોટરની વાર્તા ઉપરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેણે રોલિંગને ૧૦ લાખ પાઉન્ડ રોયલ્ટીના ચૂકવ્યા હતા અને સાથે વોર્નર બ્રધર્સે શરત પણ કરેલી કે ફિલ્મના બધા કલાકારો બ્રિટિશર જ જોઇએ. હેરી પોટરનું પુસ્તક મધરાત્રે બહાર પડે છે તે બહાર પાડવાના ૨૪ કલાક પહેલા બ્રિટન, અમેરિકા અને વિશ્વના અન્ય દેશોમાં છોકરા-છોકરીઓ વિક્રેતાની દુકાનની બહાર લાઇન લગાવે છે અને એક જ બેઠકે પુસ્તક વાંચી કાઢે છે. હેરી પોટરનું પુસ્તક દુનિયાની ૬૭ ભાષામાં ટ્રાન્સલેટ થયું છે અને રોલિંગ દુનિયાની પ્રથમ એવાં લેખિકા છે કે જેમનું પુસ્તક આટલી બધી ભાષામાં ટ્રાન્સલેટ થયું છે. હેરી પોટરની વાર્તા પર કેટલીય ફિલ્મો બની છે અને હેરી પોટરના નામથી વિશ્વમાં ભાગ્યે જ કોઇ બાળક અજાણ હશે.

ફોર્બ્સ સામયિકે વર્ષ ૨૦૦૪માં રોલિંગને પ્રથમ બિલિયોનેર મહિલા લેખિકા કહી છે. ૨૦૦૮માં ધનાઢ્ય બ્રિટિશર્સમાં તે ૧૪૪મા ક્રમે છે. ૨૦૦૧માં તેણે સ્કોટલેન્ડમાં મોંઘીદાટ પૌરાણિક હવેલી ખરીદેલ છે. રોલિંગના ચાહકોમાં બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ગોર્ડન બ્રાઉનની પત્ની સારાહ બ્રાઉન સમાવિષ્ટ છે. ૨૦૦૦ના વર્ષમાં રોલિંગે ૧.૫ મિલિયન કે ૧૫ લાખ પાઉન્ડનું દાન કરીને વોલન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે જેનો મુખ્ય ઉદ્દેશ સિંગલ પેરેન્ટ ચિલ્ડ્રનને મદદ કરવાનો છે. રોલિંગ કહે છે કે ‘ભગવાને મને જોઇએ કરતા ઘણું વધારે આપ્યું છે એક સમય એવો હતો કે હું ધર્માદા પર જીવતી હતી હવે જ્યારે મારી પાસે પૈસા છે ત્યારે મારી ફરજ છે સમાજને પાછું આપવું જોઇએ.’

બ્લૂમ્સબરીના ચૅરમેનને દાદ આપવી પડે કે તેણે નવી ઊભરતી લેખિકામાં વિશ્વાસ મૂકી તેને તક આપી. અને હા, તેની વ્યવહારુ બુદ્ધિકુશળતા પણ પ્રશંસાને પાત્ર છે કે ચિલ્ડ્રનબુક માટે તેણે મોટેરાઓનો નહીં પણ બાળકોનો અભિપ્રાય મહત્ત્વનો છે તેમ સમજીને તેની દીકરીને પુસ્તકનું પ્રથમ પ્રકરણ વાંચવા આપ્યું ને હેરી પોટર સિરીઝની પહેલી નવલકથા છાપવાનો નિર્ણય કર્યો.

કહેવાય છે ને તક ક્યારેય દસ્તક દઇને નથી આવતી. મતલબ તક આવતી નથી તેને પેદા કરવી પડે છે અને તેથી જ વિન્સ્ટન ચર્ચિલનું પણ કહેવું છે કે ‘અ પેસિમિસ્ટ સીસ ધ ડિફિકલ્ટી ઇન એવરી ઓપોર્ચ્યુનિટીઃ એન ઓપ્ટિમિસ્ટ સીસ ધ ઓપોર્ચ્યુનિટી ઇન એવરી ડિફિકલ્ટી.’

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=55658

No comments:

Post a Comment