http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=60382
ઉચ્ચ જ્ઞાન અને અભ્યાસ હોય ત્યાં સગપણો જોડ્યાં છે સુબ્રમણ્યમ સ્વામીએ

ઉચ્ચ જ્ઞાન અને અભ્યાસ હોય ત્યાં સગપણો જોડ્યાં છે સુબ્રમણ્યમ સ્વામીએ

ભારતના રાજકારણમાં એક તરફ ઓછું ભણેલા તો બીજી તરફ વિવિધ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ થયેલા નેતાઓ પહેલેથી જ સક્રિય છે. આઝાદીના આંદોલન વેળા તો વિદેશથી ભણીને આવ્યા હોય તેવા નેતાઓની ભરમાર હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન નેહરુ, ગૃહપ્રધાન સરદાર પટેલથી માંડી અન્ય મંત્રીઓ પણ એવું ઉચ્ચ શિક્ષણ પામેલા હતા. આવા નેતાઓની માત્રા ક્રમશઃ ઘટતી ગઈ તે આપણા રાજકારણની વાસ્તવિકતા છે. તેમાંય એવા નેતાઓ તો લગભગ નહીંવત્ છે કે જે સક્રિય રાજકારણમાં હોય અને સાથે જ વિદેશની યુનિવર્સિટીમાં ભણાવતા હોય. તરત જે પહેલું નામ યાદ આવે તો ડૉ. સુબ્રમણ્યમ સ્વામીનું જ હોય. ટૂજી કૌભાંડ અંગે સુપ્રીમમાં તેમણે જ પ્રથમ કેસ દાખલ કરેલો અને પરિણામે રાજા અને કનીમોઝીએ જેલવાસ ભોગવવો પડેલો. પી. ચિદમ્બરમ જેલમાં જતાં બચી ગયા, કારણ કે તેઓ મોટી સત્તા ધરાવે છે. બાકી ડૉ. સુબ્રમણ્યમને પોતાની પાસેના દસ્તાવેજો, પુરાવાઓ વિગતો પર પૂરતો આત્મવિશ્વાસ હતો. તિહાર જેલના રસોઈયા એમ કહેતા થઈ ગયેલા કે સ્વામી એટલા મદ્રાસીઓને મોકલે છે કે અમારે વધુ પડતા મસાલા ઢોસા બનાવવા પડે છે. સ્વામીએ તે વેળા તેમની શૈલીમાં કહેલું, ‘થોભો, તમને ઈટાલિયન વાનગી બનાવવાનોય મોકો મળશે.’
૧૯૭૪થી ’૯૯ દરમ્યાન લોકસભા માટે પાંચ વાર ચૂંટાયેલા સુબ્રમણ્યમ સ્વામી ભણવામાં પહેલેથી જ ખૂબ તેજસ્વી હતા. હાર્વર્ડમાં તેમણે નોબેલ પારિતોષિક વિજેતા સિમોન ક્રુઝનેટ પાસે અર્થશાસ્ત્રમાં પીએચ.ડી. કર્યું હતું અને ત્યાં જ પ્રોફેસર તરીકે ભણાવતા થયેલા. ૧૯૬૯માં અમર્ત્ય સેને તેમને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં શિક્ષણ આપવા નિમંત્રેલા, પણ તેમણે ના પાડેલી. જયપ્રકાશ નારાયણે જ્યારે સર્વોદય આંદોલન માંડ્યું ત્યારે તેઓ રાજકારણ તરફ દોરવાયા. સાંસદ તરીકે કારકિર્દી શરૂ થઈ ત્યારે ૧૯૭૭માં મોરારજી દેસાઈએ તેમને નાણામંત્રી બનાવવાનું સૂચન કરેલું. ૧૯૯૦-’૯૧માં ચન્દ્રશેખર વડા પ્રધાન હતા ત્યારે તેઓ કોમર્સ, કાયદો અને ન્યાય ખાતાના કેબિનેટ મંત્રી હતા. એક સમયે તેઓ યુનાઈટેડ નેશન્સ (ન્યૂ યોર્ક)માં આર્થિક બાબતોના સહાયક અધિકારી હતા. ભારતના આયોજન પંચના પણ તેઓ સભ્ય રહી ચૂકયા છે. ડો. સુબ્રમણ્યમને જાણીતા રાજકીય પક્ષો સાથે ઓછો મેળ પડયો છે. ૨૦૦૪માં તેમણે રાષ્ટ્રીય સ્વાભિમાન મંચની સ્થાપના કરેલી અને જનતા પક્ષના તો તેઓ નેતા છે જ. દેશના કેટલાક નેતાઓ અંગ્રેજી અખબારોમાં નિયમિત કોલમ લખે છે. સુબ્રમણ્યમ સ્વામીની ‘સ્ટેટ્સમેન’ની કોલમ બહુ જાણીતી છે. ૧૭થી વધુ પુસ્તકોના આ લેખક જયલલિતાને પણ જેલમાં મોકલવા માટે જાણીતા છે. સુબ્રમણ્યમ સ્વામીના પિતા સીતારામ ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસમાં મોટા અધિકારી રહીને નિવૃત્ત થયા છે તો માતા પદ્માવતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સક્રિય હતાં. સુબ્રમણ્યમ સ્વામીના ભાઈનું નામ રામ સુબ્રમણ્યમ કે જે હમણાં થોડા વર્ષ પહેલાં જ ઈનિ્સ્ટટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનેલિસિસમાંથી નિવૃત્ત થયા છે. સુબ્રમણ્યમ સ્વામી જ્યારે હાર્વર્ડમાં ભણતા હતા ત્યારે રોક્ષના નામની ભારતીય સહવિદ્યાર્થિનીના પ્રેમમાં પડ્યા અને ૧૯૬૬માં બંને પરણી ગયાં. રોક્ષના પારસી છે અને તેના પિતા આઈસીએસ અધિકારી રહી ચૂકયા છે. રોક્ષના વીત્યાં ઘણાં વર્ષોથી સુપ્રીમ કોર્ટનાં વકીલ તરીકે કામ કરે છે. આ રોક્ષનાનાં બહેનનું નામ કૂમી કપૂર. કૂમી કપૂરે બહુ નાનાં કહેવાય તેવા ‘મધરલેન્ડ’ અખબારથી પત્રકારત્વ આરંભેલું પછી ‘ઈન્ડિયા ટુડે’, ‘સન્ડે મેલ’, ‘ઈન્ડિયન પોસ્ટ’, ‘ઈલેસ્ટ્રેટેડ વીકલી’ વગેરેમાં કામ કર્યા બાદ હવે ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં કન્સલ્ટિંગ એડિટર છે અને રાજકીય સમીક્ષક તરીકે કોલમ લખે છે. કૂમીએ કપૂર અટક વીરેન્દ્ર કપૂર સાથે પ્રેમલગ્ન પછી ધારણ કરી છે. વીરેન્દ્ર કપૂર એક સમયે ‘ફ્રી પ્રેસ જર્નલ’ના એડિટર હતા અને હવે ‘ઈન્ડિયન એકસપ્રેસ’ દિલ્હીના રેસિડેન્ટ એડિટર છે. તેઓ પણ કોલમ લખે છે. ૧૫ સપ્ટેમ્બર, ૧૯૩૯માં ચેન્નઈમાં જન્મેલા સુબ્રમણ્યમ સ્વામીના સગપણનો વિસ્તાર ત્યારે વધુ રસપ્રદ બન્યો જ્યારે તેમની એક પુત્રી સુહાસિનીએ સલમાન હૈદરના પુત્ર નદીમ હૈદર સાથે લગ્ન કર્યાં. સલમાન હૈદર યુનાઈટેડ કિંગ્ડમ, ચીન અને ભૂૂતાનમાં ભારતના એલચી રહી ચૂકયા છે. અફઘાનિસ્તાનમાં તેઓ આપણા એચલીના નાયબ તરીકે વરાયેલા અને સેક્રેટરી પણ હતા. એક સમયે આપણા વિદેશ વિભાગના પ્રવકતા તરીકે પણ તેઓ સક્રિય રહ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીની બીજી પુત્રીનું નામ ડો. ગીતાંજલિ કે જે મેસેચ્યુસેટ્સમાં ઈનિ્સ્ટટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં મિકેનિકલ એન્જિનિયરિંગની પ્રોફેસર છે અને તેમના નામે બહુ મહત્ત્વનાં કેટલાંક સંશોધનો ચડી ચૂકયાં છે. સંજય શર્મા નામના સુબ્રમણ્યમ સ્વામીના આ બીજા જમાઈએ કેલિફોર્નિયાની બર્કલેમાંથી પીએચ.ડી. કરેલું. ડો. ગીતાંજલિ જો તેજસ્વી વિદ્યાર્થિની હતાં તો સુહાસિની પણ દિલ્હીની લેડી શ્રીરામ કોલેજની ડિગ્રી ધરાવે છે. તે તેની માસી કૂમી કપૂરની જેમ ૧૯૯૪થી પત્રકારત્વમાં આવી અને હવે સીએનએન- આઈબીએનમાં ડેપ્યુટી ફોરેન એડિટર હોવા ઉપરાંત પ્રાઈમ ટાઈમ એન્કર છે. વડા પ્રધાન મનમોહનસિંહના અધિકૃત પ્રવાસોમાં તે અમેરિકા, ફ્રાન્સ, રશિયા ઉપરાંત ‘નામ’ અને ‘સાર્ક’ પરિષદમાં જઈ આવી છે. સુબ્રમણ્યમ સ્વામી આમ હિન્દુ જાગૃતિ ચળવળમાં સક્રિય છે. ભારતના મુસ્લિમોને તેમણે કહેલું મૂળ તો તમે વટલાયેલા હિન્દુઓ જ છો, પરંતુ સ્વામી ખુદ પારસીને પરણ્યા છે. એક પુત્રી મુસ્લિમને અને બીજી બ્રાહ્મણને પરણી છે. તેમના બનેવી યહૂદી છે. જ્યાં ઉચ્ચ જ્ઞાન- અભ્યાસ હોય ત્યાં તેમણે સગપણો જોડ્યાં છે. રાજકારણમાં આવા ખરેખરા બિનસાંપ્રદાયિક નેતા ઓછા હોય અને પક્ષ નહીં માત્ર વ્યક્તિગત બળે કેન્દ્ર સરકારમાં ઊથલપાથલ મચાવનારા નેતા તો ઑર ઓછા હોય. |
No comments:
Post a Comment