Tuesday, September 23, 2014

વન્યસૃષ્ટિ વિરુદ્ધ દંભી માનવસૃષ્ટિ -- ઈન્ટરવ્યુ ઓફ ધ વીક - નંદિની ત્રિવેદી


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=103206

વન્યસૃષ્ટિમાં કોઈ પ્રાણી બળાત્કાર કરતું નથી: અગમ ગોકાણી

                               

વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ અને ટ્રેઈન્ડ નેચરલિસ્ટ યુવાન સાથે આજે તમારી મુલાકાત કરાવવી છે. એ ગુજરાતી યુવાનનું નામ છે અગમ ગોકાણી. તેમનું ધ્યેય છે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી, ટ્રાવેલિંગ, એડવેન્ચર ટુરિઝમ. દેશ-વિેદશના પ્રવાસીઓ માટે ફોટોગ્રાફિક સફારી, બર્ડ વોચિંગ સફારી, એલિફ્ન્ટ સફારી તથા એન્જલિંગ રિવર સફારી જેવી વિશેષ સફારીનું આયાોજન કરવા સાથે મહત્તમ સમય જંગલમાં વિતાવવાનું તેઓ પસંદ કરે છે. કોર્બેટ નેશનલ પાર્ક દ્વારા યોજાયેલી પ્લેટિનમ જ્યુબિલી ફોટોગ્રાફી સ્પર્ધામાં તેમના ‘નેશનલ પ્રાઈડ’ ફોટોગ્રાફને બેસ્ટ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફનો એવોર્ડ મળ્યો છે. નેશનલ જીઓગ્રાફિક ચૅનલ માટે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર રહી ચૂક્યા છે તેમજ સ્ટેટ લેવલના સ્વિમર, ક્રિકેટર, પોલો પ્લેયર અને હોર્સ રાઈડર છે. જંગલસૃષ્ટિની હૃદયસ્પર્શી વાતોનો ખજાનો તેઓ આપણી સાથે ખોલે છે.

આવી હટ કે કહી શકાય એવી કરિયરની શરૂઆત કેવી રીતે થઈ?

સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર્સ ડેબુ રત્નાની અને જગદીશ માલીના આસિસ્ટન્ટ તરીકે મેં કરિયરની શરૂઆત કરી હતી. ફેશન ફોટોગ્રાફર હતો હું. પણ ગ્લેમર વર્લ્ડ, પ્લાસ્ટિક સ્માઈલ અને કારણ વગરના ટેન્ટ્રમ્સની નકલી દુનિયા સાથે મારી જાતને રિલેટ ન કરી શકતા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીના વિશ્ર્વકક્ષાના કોર્સ કર્યા. એ જ હવે મારા જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું છે. મારા દાદા હંમેશાં કહેતા કે જે ફરે એ હરે. મમ્મી-પપ્પા તથા કુટુંબનો સપોર્ટ તો હંમેશાં રહ્યો જ છે. બસ, એ પછી મેં ફરવાનું શરૂ કર્યું, વાઈલ્ડ ફોટોગ્રાફીની મારી પહેલી પિક્ટોરિયલ બુક બનાવી અને મા-બાપને અર્પણ કરી. પ્રકૃતિ પાસેથી ખૂબ શીખ્યો. ફૂલ કેવી રીતે ખિલે છે, એક પક્ષી બીજા પક્ષી જોડે કેવી રીતે વાતચીત કરે છે, નર પંખી માદા પંખીને કેવી રીતે ઈમ્પ્રેસ કરે છે, માળો કેવી રીતે બનાવે છે, નાનાં જીવજંતુઓ, પતંગિયાં કેવી રીતે જન્મે છે એ બધું નિરખવામાં મને જબરજસ્ત આનંદ આવતો હતો. સાઉથ આફ્રિકન કંપની દ્વારા મધ્યપ્રદેશમાં કેમ્પ થવાનો છે એવી ખબર પડી. ૧૪ મહિના માત્ર જંગલના ટેન્ટમાં જ રહેવાનું સ્લિપિંગ બેગ લઈને. ટેન્ટ બહાર મુકેલા બૂટ પણ જાનવર ઉપાડી જાય ને સ્લિપિંગ બેગમાં કેટલીય વાર સાપ ફરતા હોય. આનાથી મોટું ગ્લેમર બીજું શું હોઈ શકે? મારા પિતા, દાદા બન્ને બિઝનેસમેન. મને બિઝનેસમાં બિલકુલ રસ નહીં. કંઈક જુદું જ કરવું હતું જીવનમાં. સામે પૂરે તરવું હતું એટલે આ પ્રોફેશનમાં આવ્યો.

તમારો પ્રાઈઝવિનિંગ ફોટોગ્રાફ કયો હતો?

નેશનલ પ્રાઈડ નામના એ ફોટોગ્રાફમાં એક બાજુ રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને બીજી બાજુ રાષ્ટ્રીય પંખી મોરનું ચિત્ર છે. આ ફોટોગ્રાફ લેવા મેં ચાર દિવસ રાહ જોઈ હતી. ધીરજ નામનો બહુ મોટો ગુણ શીખ્યો છું. મોરના એક ફોટોગ્રાફ માટે સાડાચાર દિવસ લાગ્યા. કાન્હાના જંગલમાં મારે એક ચોક્કસ જગ્યાએથી અને ચોક્કસ સમયે મોરનો ફોટો લેવો હતો જેથી એનાં પીંછાંના એકેએક કલર્સ બરાબર કેપ્ચર થઈ શકે. હું દરરોજ એ સ્થાને આવતો. જ્યાં શ્રેષ્ઠ સૂર્યપ્રકાશ હતો ત્યાં મારે મોરનો નાચતો ફોટો લેવો હતો. જંગલના સત્તાવાળાઓ પાસેથી પરમિશન લઈને એક ટેન્ટ બનાવ્યો અને રહેવાનું શરૂ કર્યું. હાથી, રીંછ, નીલગાય જેવા મોટાં પ્રાણીઓની અવરજવરને કારણે મોર આવે તોય ડરીને ભાગી જતો. પછી ચાર દિવસે જાણે મારે માટે જ આવ્યો હતો એમ બરાબર સાંજે પાંચ વાગે આવ્યો અને સૂરજ સામે જોઈને આકર્ષક નૃત્ય કર્યું. સૂર્યપ્રકાશ પણ એવો પરફેક્ટ હતો કે એના નર્તનનો પડછાયો પણ પડતો હતો. એવોર્ડ વિનિંગ ફોટામાં વાઘ અને મોરનો ફોટો સાથે છે. વાઘ ટેકરી પરથી પાણી પીવા તળાવ પાસે ઊતરી રહ્યો છે. બીજી બાજુ તળાવ કિનારે મોર નાચી રહ્યો છે. વાઘને જોતાં જ મોર એના પીંછાં સંકોરી લે છે. બન્નેની નજર એકબીજા સાથે મળે છે અને વાઘ મોરને કશું કર્યા વિના પાણી પીને જતો રહે છે. વાઘના પગરવ સાંભળીને કોઈ પશુ-પંખીની હિંમત નથી હોતી કે એની સામે નજર માંડે. તેથી આ ફોટો અનોખો છે.

વાઈલ્ડ લાઈફને આટલી નજીકથી જોયા પછી તમારી લાઈફમાં કંઈ પરિવર્તન આવ્યું છે?

ડર નામની જો કોઈ ચીજ હોય તો એ નીકળી ગઈ છે. વીજળી નહીં, મોબાઈલ કે ઈન્ટરનેટ નહીં એવી સ્થિતિમાં હું ચાર વર્ષ જંગલમાં રહ્યો છું. મેં મારા ટેન્ટની બહાર બેઠેલો વાઘ જોયો છે. કોઈ પૂછે કે તને ડર નથી લાગતો? તો હું કહું કે લાગે પણ બનાવટી ચહેરાઓથી નહીં. મને લાગતું નથી કે કોઈએ કોઈથી ડરવું જોઈએ, સિવાય કે પોતાની જાતથી. વાઈલ્ડ લાઈફે મને જગતને જુદી રીતે જોવાનું શીખવ્યું. નાઉ આઈ એમ ટોકિંગ રાઈટ, વોકિંગ રાઈટ. જંગલનું દરેક પ્રાણી પોતાને રાજા સમજીને જ વર્તન કરે. વાઘ જો જંગલના રાજાની જેમ ચાલતો હોય તો એક કલાક પછી ત્યાંથી પસાર થતું હરણું પણ એ જ રીતે ચાલે જાણે પોતે જ મહારાજા! વન્યજીવન પાસેથી હું આ શીખ્યો છું. સાચા હોઈએ તો કોઈનો ડર શા માટે?

વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો કોઈ યાદગાર અનુભવ?

મહિનો હતો જાન્યુઆરી. ચાર ડીગ્રી ટેમ્પરેચર. કાન્હા અભયારણ્યમાં એક ઈન્સેક્ટનો ફોટો પાડવા હું કડકડતી ઠંડીમાં સાડા ચાર કલાક પાણીમાં ઊભો રહ્યો હતો. એ ફોટો એવો છે જેના માટે હું સો પાનાની બુક લખી શકું. ડ્રેગન ફ્લાય જેવું જ એક ઈન્સેક્ટ, ભાગ્યે જ જોવા મળે, એ ઈન્સેક્ટના સમાગમનો ફોટો મેં લીધો છે. પ્રાણી જગતમાં મેલ-ફીમેલ મેટિંગ કરતા હોય એ દૃશ્ય ભાગ્યે જ જોવા મળે. નર ડ્રેગનફ્લાય વારંવાર માદા ડ્રેગનફ્લાય પાસે આવે, તેને મળવાની કોશિશ કરે, પ્રભાવિત કરવા જાતભાતના નખરા કરે, મેટિંગ માટે ક્ધવીન્સ કરવા પ્રયત્ન કરે, એની પાસે જઈને પાણીના છાંટા ઊડાડે. આ દૃશ્ય જ એટલું રોમાંચકારી હોય! છેવટે ફીમેલ ડ્રેગનફ્લાય સમાગમ માટે તૈયાર થાય. પાછાં એ બન્ને હવામાં ઊડતાં ઊડતાં સમાગમ કરે એટલે ફોટો પાડવો કેટલો મુશ્કેલ! મારે માટે આ સૌથી યાદગાર ફોટોગ્રાફ છે. પાછી માદા પાણીમાં ઈંડાં મુકે. પાંચ ફીટની દૂરી પરથી મેં આ દૃશ્ય જોયું હતું. નર ફ્લાયે માદાને પાછળથી પકડી હતી. બન્ને સાથે પાણી પાસે આવે, માદા તેનું પેટ પાણીમાં નાંખે અને ઈંડાં મુકે. આ ઈમેજ પણ મેં લીધી છે જે મિરર ઈમેજ છે. પાણી ઉપર અને નીચે એમ બન્ને તરફ એ ઈનસેક્ટ દેખાય છે. છ સાત કલાક પાણીમાં હોવાથી બીમાર થઈ ગયો હતો પણ દુનિયા સમક્ષ હું ગૌરવપૂર્વક કહી શકું કે આ રૅર ફોટો મેં લીધો છે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં ધીરજ અત્યંત જરૂરી છે. આ ફોટો હું ક્યાંય નથી આપતો. કોઈ સ્પર્ધામાં મોકલતો નથી. અમુક કલા પોતાને માટે જ રહે તે ઈચ્છનીય છે. મોરનું કે આ ઈન્સેક્ટ મેટિંગનું પિક્ચર કોઈ લાખ રૂપિયા આપે તોય ન વેચું.

નેચરલિસ્ટ તરીકે બીજી કઈ પ્રવૃત્તિઓ?

પર્યાવરણ સંરક્ષણ માટે જે કંઈ થઈ શકે એ બધું કરું છું. મેં એવી ટ્રાવેલ કંપની શરૂ કરી છે જે વાઈલ્ડ લાઈફ ટુરીઝમ તથા બર્ડવોચિંગ સહિત અનેક સફારીનું આયોજન કરે છે. મારી ફિયોન્સે સાથે મળીને મેં શરૂ કરી છે. એ પોતે પણ કુદરતપ્રેમી છે અને કોર્બેટ પાર્કમાં આર્ટ અને નેચર કેફે ચલાવતી હતી. હું પોતે ડ્રાઈવ કરીને પ્રવાસીઓને અનોખી જગ્યાઓએ લઈ જાઉં છું. અધિકૃત રેલી ડ્રાઈવર છું. પહાડોમાં ડ્રાઈવિંગનો મને બહોળો અનુભવ છે. હા, મારી સાથે આવનાર ટ્રાવેલર હોવા જોઈએ, ટુરિસ્ટ નહીં.

તમને ગમતાં શ્રેષ્ઠ સ્થળો કયાં?

હિમાચલ, લેહ-લદ્દાખ, કાન્હા અભયારણ્ય, જિમ કોર્બેટ પાર્ક તેમજ અરૂણાચલ પ્રદેશનું નામદાફા અભયારણ્ય.

કોઈ ડરામણો અનુભવ?

એક વાર પક્ષી નિરીક્ષણ કરતાં હું વનના બફર વિસ્તારમાં પહોંચી ગયો. ગાઢ જંગલની વચ્ચે માત્ર દસ ફૂટના અંતરે વાઘ હતો. મારી જિંદગીનો સૌથી બેસ્ટ અને સૌથી વર્સ્ટ ફિયર. ત્રણ કિ.મી. સુધી વાઘ તમારી પાછળ દોડતો હોય તો શું હાલત થાય કલ્પી શકો? હાથમાં બેગપૅક હતું એ એકબાજુ ફેંક્યું ને માંડ્યો દોડવા. એક ખડક પરથી વાઘ નીચે ઊતર્યો અને બરાબર મારી સામે આવીને ઊભો હતો. નેચરલિસ્ટ તરીકે પહેલાં તો મારે એની બિહેવિયર જોવાની હોય. એનાં આંખ, કાન, પૂંછડીની મૂવમેન્ટ જોવાની. વાઘ તેનાં મૂડ, મિજાજ અને વર્તન એની પૂંછડી દ્વારા પ્રગટ કરે છે. કૂતરો પૂંછડી પટપટાવતો હોય તો ખુશ હોય એમ સમજાય પણ વાઘનો વિશ્ર્વાસ ન થાય. એની પૂંછડીની ટિપ રડારની જેમ હલી રહી હતી એનો અર્થ એ કે તે પ્લેફૂલ મૂડમાં હતો. વાઘ ભૂખ્યો હોય તો પહેલાં તો હુમલો જ કરે. હું પાછોતરો ચાલવા માંડ્યો ને એ મારી સામે આગળ વધે. હું ઊભો રહી જાઉં તો એ પણ ઊભો રહી જાય. મેં હિંમત ભેગી કરીને ઊલટું વર્તન કર્યું. હું એની તરફ ધીમે ધીમે ચાલવા માંડ્યો તો એણે પાછળ ડગ માંડવા માંડ્યા. મરવાનું જ છે એવી ખાતરી થઈ ગઈ હતી છતાં એનું વર્તન ચકાસું એમ વિચારીને ધીરજ ધરી હતી. ધીરજ ધરવાનો સ્વભાવ અહીં કામ આવ્યો. અધીરો થઈને ડરી ગયો હોત તો કદાચ કંઈક ઊંધુ ચત્તું થઈ ગયું હોત. પણ ક્ધફર્મ થઈ ગયું કે એ એટેક નહીં કરે, એ માત્ર રમત રમે છે. પણ રમત રમતમાં હુમલો કરે તોય સખત ઈજા થઈ શકે, લોહી લુહાણ થઈ જવાય. કોઈ આરોઓવારો નહોતો એટલે હું પાછો ફરીને દોડવા માંડયો. મારાથી ચાર ગણી સ્પીડે એ પણ દોડતો. મેં ચાલવાનું શરું કર્યુ તો એ પણ ચાલવા માંડયો. જાણે કોઈ રમત ના ચાલી રહી હોય! એવામાં એક ખુલ્લી જગ્યા આવી ત્યાં મેં વડનું ઝાડ જોયું. મારા જીવમાં જીવ આવ્યો. થયું કે ઉપર ચડી જાઉં તો બચી જઈશ. વાઘ ઝાડ પર ચડી શકતો નથી. મારી પાસે વોકી ટોકી મોબાઈલ હતો. જેમ તેમ ફોરેસ્ટ ઓફિસમાં ફોન કર્યો. રાત્રે સાડા નવ વાગે જીપ આવી. ત્રણ કલાક ઝાડ પર બેસી રહ્યો. વાઘમામા નીચે જ બેઠા હતા. પેટ ભરેલું હતું, ઊંઘ પૂરી થઈ હતી એટલે સાહેબ રમતિયાળ મિજાજમાં હતા. ફોરેસ્ટ જીપ આવી. ફાયરિંગ માટે ગન તાકી તો નાળચું મારી તરફ. મેં કહ્યું કે ભાઈ નાળચું ઝાડના મૂળ તરફ રાખો. ટાઈગરથી નહીં મરું તો તમારી રાયફલથી તો જરૂર મરીશ. વાઘ એ આલ્ફા નર હતો. ૩૫૦ કિલોનો. હોંકિંગ અને લાઈટિંગથી ડરાવ્યો ત્યારે ખસ્યો. એ પછી એક અઠવાડિયા સુધી હું ઊંઘી શક્યો નહોતો. સાંજે પાંચથી સાડા દસ સુધી જંગલમાં એકલો હતો. ૨૦૦૭માં આ ઘટના બની હતી. હવે ડર લાગે કશાનો આ અનુભવ પછી?

નેચર વર્લ્ડમાં જીવ્યા પછી આ દંભી સમાજમાં જીવવું કેવું લાગે છે?

બહુ અઘરું. માણસ જેવું ખતરનાક પ્રાણી એકે નથી. વન્યસૃષ્ટિ પાસેથી હું ઘણું શીખ્યો છું. આપણે ક્ધઝર્વેશનની વાતો કરીએ છીએ, કેટલા હાથી ને કેટલા વાઘ બચ્યા એની ચર્ચા કરીએ છીએ, વાઘની ત્વચા અને હાથીના દાંત મોંઘા મૂલે વેચીએ છીએ પણ તમે જુઓ કે એ લોકો કેવી રીતે ખુમારીપૂર્વક જીવન જીવે છે. જંગલ ખતમ કરીને આપણે મકાનો બનાવીએ છીએ. એને બદલે એક ઝાડ વાવશો તો વીસ પંખી એના પર આવીને રહેશે. આપણે વીસ માણસોના ફ્લેટ બનાવવા માટે ૨૦૦ ઝાડ કાપીએ છીએ. નિર્દંભ થઈને કુદરતી જીવન કેવી રીતે જીવી શકાય એ આપણને એકેએક વનસ્પતિ, પશુ-પંખી અને જીવજંતુઓ શીખવાડે છે. પેટ ભરેલું હોય તો વાઘ-સિંહ હુમલો ન કરે. બળજબરીપૂર્વક ત્યાં કશું થતું નથી. વન્યસૃષ્ટિમાં કોઈ પ્રાણી રેપ (બળાત્કાર) કરતું નથી. નેચરલ વર્લ્ડ ડિક્શનરીમાં રેપ શબ્દ છે જ નહીં. નર પશુ કે પંખી માદા સાથે રોમેન્સ કરે, એને પટાવવાની કોશિશ કરે અને એ નરનું આમંત્રણ માદા સ્વીકારે તો ઠીક નહીં તો એ બીજી માદા પાસે જાય. જંગલમાં ક્યાંય જબરજસ્તી નથી. માત્ર માણસે બનાવેલા સમાજમાં જ બધી જબરજસ્તી છે.

તમારા ફેવરિટ નેચરલિસ્ટ કોણ જેને તમે રોલ મોડેલ સમજો?

એક ઉત્તમ કુદરતવિદ્, જેમનું અવસાન ગયા વર્ષે જ થયું તે હતા ફતેસિંહ રાઠોડ. રણથંભોર ટાઈગર રિઝર્વમાં એમણે જીવન ગાળ્યું હતું. ટાઈગરમેન ઓફ ઈન્ડિયા કહેવાતા હતા. બિલિ અર્જુન સિંહ દૂધવા અને ઉત્તરાખંડના રાજાજી નેશનલ પાર્કમાં રહેતા હતા તેમનું પણ ૨૦૧૦માં અવસાન થયું. આ બન્ને મારા ફેવરિટ નેચરલિસ્ટ છે. અર્જુનસિંહ યુવાન હતા ત્યારે તેમની પાસે એક વાઘ અને દીપડો પાળેલા હતા. ટાઈગર ને લેપર્ડ મોટા થયાં ત્યારે કુદરતી સૃષ્ટિમાં વસી શકે માટે એમને જંગલમાં છોડ્યા. અર્જુન સિંહ જંગલમાં જાય અને એમના નામની બૂમ પાડે તો એ બન્ને તરત એમની પાસે આવી જાય. એલિયટ નામ હતું એમના દીપડાનું. ત્રણ દીપડા ઊભા હોય અને એલિયટ બૂમ મારે તો સાઈડથી તરત એલિયટ સરકીને તેમની પાસે આવે અને મળી જાય. જિમ કોર્બેટ પણ મારા ફેવરિટ નેચરલિસ્ટ છે. ચારસો ટાઈગર અને છસ્સો લેપર્ડનો જેમણે શિકાર કર્યો છે છતાં નંબર વન નેચરલિસ્ટ. ડેવિડ એડનબરો બીબીસી અને નેશનલ જ્યોગ્રાફિકના મુખ્ય પ્રવક્તા છે, નંબર વન નરેટર છે, તેઓ અત્યારે ૯૧ વર્ષની ઉંમરે વિશ્ર્વની શ્રેષ્ઠ જગ્યાઓએ ટ્રાવેલ કરે છે. બધા દાંત બરકરાર છે, દૃષ્ટિ સાફ છે અને લાકડી વગર ૯૧ વર્ષે ટ્રેકિંગ કરે છે. રહે છે ઓસ્ટ્રેલિયા. મૂળ લંડનના. માત્ર ફર્યા જ કરે. આવા બધા નેચરલિસ્ટ વિશે યુવાનોએ વાંચવું જોઈએ.

વનસંરક્ષણમાં વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કઈ રીતે કામ આવે?

વન અને માનવ સમાજ વચ્ચે એ એક મહત્વનું માધ્યમ બની શકે. હજારો વસ્તુઓ એવી છે જે સામાન્ય માણસની નજરમાં ચુકાઈ જાય પણ ફોટોગ્રાફરની આંખે એવી રીતે પકડાય કે તમે આશ્ર્ચર્ય પામી જાઓ. જંગલમાં ઊધઈનું ઘર જોયું છે તમે? બધાં જંતુઓમાં સૌથી મોટું ઘર ઊધઈનું. એના ટેકરા ઠેર ઠેર દેખાય પણ કોઈ ટુરિસ્ટ પૂછશે નહીં કે આ ટેકરો શેનો છે? એનું ઘર એટલું વેલપ્લાન્ડ હોય કે જાણે કોઈ આર્કિટેક્ચરે બનાવ્યું હોય એવું જ લાગે! ટેકરાની અંદર રીતસર અપાર્ટમેન્ટ્સ હોય. સેન્ટરમાં ઊધઈ ક્વીન રહે, સૌથી ટોપ પર સોલ્જર્સ અને વચ્ચેનાં અપાર્ટમેન્ટ્સમાં વર્કર્સ રહે. સોલ્જર આખા ટેકરાનું રક્ષણ કરે, વર્કર્સ પાસે એન્ટ્રી અને એકિઝટ પોઈન્ટ હોય જેમાંથી તેઓ બહાર જાય, ખાવાનું શોધે અને સૌથી પહેલાં ક્વીન પાસે મુકે. ક્વીન એ ફૂડ માન્ય કરે પછી ઊધઈની આખી જમાત ભેગી થઈને ઉજાણી કરે. ભાલુને સૌથી ભાવતું ભોજન એટલે ઊધઈ. રીંછ એનું મોઢું ટેકરા ઉપરથી અંદર નાંખે ને જીભ લાંબી કરે, આખા ટેકરાની અંદર ગોળ ગોળ ફેરવે અને ઊધઈનું ભોજન આરોગે. ઊધઈ એટલું ઝીણું જંતુ છે કે એની જીભમાં જે ચોંટી હોય એને ગળે તો ઊતારવી પડે. તેથી એ જાય મધપૂડા તરફ. ડિઝર્ટમાં એ મધપુડો ખાય કારણ કે અન્નનળીમાં ચોંટી ગયેલી ઊધઈને કાઢવા કંઈક ચીકણો પદાર્થ તો જોઈએ તેથી મિષ્ઠાન્ન રૂપે આખો મધપૂડો ખાઈ જાય. કેવી અજબ દુનિયા છે આ પ્રાણીઓની. આવા ફોટોગ્રાફ યુનિક બની જાય છે. હોર્ન બિલ એવું પંખી છે જે એની માદા વિના જીવી ન શકે. પશુ-પંખીઓમાં સંબંધોના નિયમો નથી હોતા છતાં હોર્ન બિલ, સારસ જેવાં કેટલાંક પંખીઓ પોતાના જોડીદાર વિના જીવી નથી શકતા અને એકલતા પચાવી નથી શકતા.

આજની યુવાપેઢીને તમે કંઈ કહેવા ઈચ્છો છો?

બસ, એટલું જ ઈચ્છું કે નવી પેઢી વન્યસૃષ્ટિને પ્રેમ કરતી થાય. એ વિશે શિક્ષણ અપાવું જોઈએ, જાગરૂકતા કેળવાવી જોઈએ. તેઓ વાઈલ્ડલાઈફ ડોક્યુમેન્ટરી જુએ, પેપર-પેન લઈને લઈને વ્યવસ્થિત શીખે, સ્થાનિક સ્તરે વાઈલ્ડ લાઈફ એજ્યુકેશન અને પર્યાવરણ પર ભાર મુકાય તો વન્યજીવનને બચાવી શકાશે. એ બચશે તો આપણે બચીશું. ઉત્તરાખંડની હોનારત એ પર્યાવરણ પ્રત્યેની બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ છે. બાળકોને કુદરતની સાથે રાખો. આપોઆપ ઘણું બધું શીખી જશે.

રેલવેની રામાયણ -- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=103199

આ ટાઈમટેબલ એટલે તમે જાણી શકો છો કઈ ટ્રેન કેટલી લેટ છે...’

મને પ્રવાસો કરવા ગમે છે. તેમાં પણ ટ્રેનનો પ્રવાસ હોય, બારી પાસે જગ્યા મળી હોય, સામે સફરમાં આનંદ આવે તેવા હમસફર હોય, એ હમસફર પાછા હમદર્દ હોય, અને પાસે ટિકિટ હોય તો યાત્રા યાદગાર બની જાય છે. ગતિ વિચારોને વેગ આપે છે. ટ્રેનમાં પ્રવાસ શરૂ થતાં જ હું બહાર દૃશ્યો જોવામાં મગ્ન થઈ જાઉં છું. એક જ લીલા રંગમાં કેટલી વિવિધતા જણાય છે. પહાડો, ઝરણાં, નદી, વૃક્ષો, વનરાઈઓ જોઈ મને એમ થાય છે કે ક્યારે હું જીવનની આ સુંદર ક્ષણોને ચિત્રોરૂપે અંકિત કરી દઉં?

વિમાનના પ્રવાસમાં પણ હું બારી પાસે બને ત્યાં સુધી સીટ મેળવવા પ્રયાસ કરું છું. ઉપરથી જ્યારે જ્યારે નીચે ધરતી દેખાય છે ત્યારે મને સાહિર લુધિયાનવીની પંક્તિઓ યાદ આવે છે:

કુદરતને તો બક્ષી થી કહીં એક હી ધરતી

હમને કહીં ભારત કહીં ઈરાન બનાયા

ઍરલાઈન્સના નક્શા પણ મને જોવા બહુ ગમે છે, કારણ કે તેમાં ધરતી, પહાડો, નદીઓ અને સમુદ્ર હોય છે. રાજકીય રેખાઓ નથી હોતી.

વિમાનમાંથી દેખાતું ધરતીનું સૌંદર્ય રમણીય જરૂર હોય છે, પણ ભયમિશ્રિત હોય છે, જ્યારે ટ્રેનમાં એ નિરાંત હોય છે. મારા મોટા ભાઈ છોટુભાઈ, સી. એસ. રાઠોડ રેલવેમાં ટીટીઈ હતા અને મારા બનેવી ખાનસાહેબ આઈ. જે. પઠાણ રેલવેમાં પીએસઆઈ હતા. આટલી ઓળખાણ રેલવેમાં મફત મુસાફરી કરવા માટે ત્યારે પૂરતી ગણાતી. આ સિવાય પણ નવલભાઈ ગાર્ડ, જોરુભા હવાલદાર જેવાં ઘણાં સ્વજનો પણ રેલવેમાં હતાં. એટલે જ મેં રેલવે સ્ટાફની મજાક કરેલ છે.

એક જૂનો પ્રસંગ હું આ રીતે વર્ણવતો. એક વાર સ્ટેશનમાં વેઈટિંગ રૂમમાં રેલવે સ્ટાફ એકત્રિત થયો. એસએમ, એએસએમ, ટીટી, ટીસી, બુકિંગ ક્લાર્ક, હવાલદાર અને મારફતિયા. એમાં હવાલદારે કહ્યું, ‘હાલોને આજ કંઈક જલસો કરીએ.’ સ્ટેશન માસ્તરે કહ્યું, ‘મને પણ એમ થાય છે. વલ્લભદાસને ત્યાંથી ગરમાગરમ ભજિયાં મગાવીએ અને બાબુભાઈને ત્યાંથી ચા મગાવીએ.’ ત્યાં ટીસીએ કહ્યું, ‘એના કરતાં પાર્સલરૂમમાં જુઓને, કંઈક મળી આવશે.’ તરત બે-ત્રણ જણે સંમતિ આપી. લાભુને પાર્સલરૂમમાં તપાસ કરવાનું જણાવવામાં આવ્યું. એક પાર્સલમાં મીઠાઈ હોવાના સમાચાર મળ્યા. સૌ આનંદથી ઝૂમી ઊઠ્યા. પાર્સલ વેઈટિંગ રૂમમાં લાવવામાં આવ્યું. ઉપરથી પટ્ટીઓ કાપવામાં આવી. સૌના આશ્ર્ચર્ય વચ્ચે વિવિધ પ્રકારની મીઠાઈનો વિપુલ જથ્થો નીકળી પડ્યો. પાર્સલમાંથી મીઠાઈ કાઢી જૂનાં છાપાં પર પાથરવામાં આવી. મોહનથાળ, બુંદીના લાડવા, મેસૂબ, બરફી, હલવો, ગુલાબજાંબુ, જલેબી, રસગુલ્લાં, અડદિયા અનેક પ્રકારની મીઠાઈ જોઈ સૌનાં હૈયાં હરખાઈ ઊઠ્યાં. બુકિંગ ક્લાર્કે કહ્યું, ‘મીઠાઈ આખી નથી.’ પણ ત્યાં ટીસીએ કીધું કે આપણા મજૂરો સ્ટેશને કેવા પાર્સલ પછાડે છે એ જોયું નથી? એમાં રહેતી હશે મીઠાઈ આખી? સૌને ટીસીની વાત વાજબી લાગી. ત્યાં તો કૂકડા ઉકરડો ફંફોળે તેમ સૌ મંડ્યા મીઠાઈ ગોતવા અને ખાવા. ઉપરથી એક એક લોટો પાણી પી ગયા. ત્યાં બાબુભાઈની હોટેલથી ચા આવી. છગને ચાના કપ ભર્યા. સૌ ચા પીતા હતા ત્યાં એક ઘટના એવી બની કે સૌનાં જીવતર ઝેર થઈ ગયાં. ગામના સફાઈ કામદાર સોમલાએ સ્ટેશનમાં મંગલ પ્રવેશ કર્યો અને વેઈટિંગરૂમમાં આવી જણાવ્યું. ‘મારો ભાઈ જીવલો મુંબઈ છે. એણે લગનગાળાનો વધ્યોઘટ્યો માલ પાર્સલમાં પૅક કરી અહીં રવાના કર્યો છે.’ આ પ્રકારનું લખાણવાળું પોસ્ટકાર્ડ સોમલાએ બતાવ્યું અને વિનંતી કરી કે જો આવી ગયું હોય તો આપી દ્યો. સોમલાની વાત સાંભળતા જ સૌના હાથ થંભી ગયા. સૌના ચહેરા પર ઘેરા વિષાદની છાયા પ્રસરી ગઈ. સૂધબૂધ ખોઈ સૌ અવાચક થઈ ગયા, પણ હવાલદારે પરિસ્થિતિ સંભાળી લીધી. તેમણે સોમલાને કહી દીધું, ‘જા કલાકેક પછી આવજે. અત્યારે કોઈ નવરું નથી તારું પાર્સલ ગોતવા.’ સોમલો ‘ભલે ભાઈશાબ’ કહી ચાલતો થયો. પછી સ્ટેશન માસ્તરે કહ્યું, ‘બરફી માથે દાળના ડાઘ હતા.’ બુકિંગ ક્લાર્કે કીધું, ‘હું તો કહેતો’ તો કે કોઈ મીઠાઈ આખી નથી.’ આ સાંભળી હવાલદાર ખિજાઈ ગયા. ‘આ બધું તમને અત્યારે યાદ આવે છે?’ ત્યાં એએસએમે કીધું, ‘હવે સો વાતની એક વાત. પ્રથમ તો સૌ પાંચ પાંચ રૂપિયા કાઢો અને આ પાર્સલમાં સમાય તેટલી મીઠાઈ ગામમાં જે મળે તે ખરીદીને પાછી પાર્સલમાં પૅક કરાવી દઈએ નહીંતર હમણાં સોમલો પાછો આવશે.’

સૌએ ગંભીર ચહેરે રકમ જમા કરાવી. નાણાભંડોળ એકત્રિત થયા પછી બે જણ બજારમાં મીઠાઈ ખરીદવા ગયા અને પાર્સલને પાછું હાથ કરવામાં આવ્યું. કોઈનું ધ્યાન ગયું અને જીવલાએ મુંબઈથી લખેલી યાદીમાં મીઠાઈઓનાં નામ હતા. એ પત્ર પાર્સલમાંથી મુદ્દામાલરૂપે મળી આવ્યો તેનો નાશ કરવામાં આવ્યો. ગામમાંથી ખરીદાયેલી મીઠાઈને પાર્સલમાં ગોઠવવામાં આવી. વધેલી જગ્યા વણેલા ગાંઠિયામાંથી ભરવામાં આવી. પાર્સલ પૅક થઈ ગયું. પટ્ટીને બદલે દોરથી બાંધવામાં આવ્યું અને પાછું પાર્સલ રૂમમાં પહોંચાડી આપવામાં આવ્યું. ત્યાં સોમલો ફરી આવ્યો અને બોલ્યો, ‘સાહેબ, મારું પાર્સલ લેવા આવ્યો છું.’ સ્ટેશન માસ્તરે લાભુને કહ્યું, ‘લાભુ, સોમલાનું પાર્સલ આવ્યું હોય તો ગોતીને આપી દે.’ જાતાં જાતાં સોમલો કહેતો ગયો, ‘સાહેબ, આજકાલ કોઈનો ભરોસો રાખવા જેવો નથી એટલે ઉતાવળ કરી છે.’

સોમલો પાર્સલ લઈને ગયો. વાસમાં સૌને જાણ કરી, ‘સૌ સૌની થાળીઓ લઈ લીંબડાના ઓટે પહોંચી જાવ.’ થોડીવારમાં સૌ આવી પહોંચ્યા. સોમલાએ મુંબઈથી જીવલાએ મોકલાવેલ મીઠાઈની વાત કરી. પાર્સલ ખોલ્યું અને સૌને ભાગે પડતી મીઠાઈ વહેંચી દીધી. કરસન બોલ્યો, ‘ઠેઠ મુંબઈથી મીઠાઈ આવી છે, પણ કેવી અકબંધ છે?’ રામજીએ કહ્યું, ‘ઈ રેલવેની એટલી સાચવણ સારી, નહીંતર આપણા સુધી પહોંચે ખરી?’

સૌએ મીઠાઈ ખાધી, જીવલાના વખાણ કર્યાં અને રાતના ભજનના કાર્યક્રમની તૈયારીમાં સૌ પડી ગયા.

ટ્રેન મોડી પડતાં ઉશ્કેરાયેલા એક પેસેન્જરે સ્ટેશન માસ્તરની ઓફિસમાં પ્રવેશી રેલવેનું ટાઈમટેબલ ટેબલ પર પછાડી પૂછ્યું, ‘આ બધી ટ્રેનો તો મોડી આવે છે. પછી આ ટાઈમટેબલનો અર્થ શો છે?’ અનુભવી સ્ટેશન માસ્તરે કહ્યું, ‘આ ટાઈમટેબલ છે એટલે તમે જાણી શકો છો કે કઈ ટ્રેન કેટલી લેટ છે. ટાઈમટેબલ ન હોય તો કેમ જાણ શકત?’

અમારા ગામના મોહનલાલ તરંગી હતા. તેમને ક્યારે શું ધૂન ચડે એ નક્કી નહીં. એક વાર હાથમાં થેલી લઈ મોહનલાલ રેલવેના પાટે પાટે રવાના થયા. રેલવે પોલીસ પરબતસિંહને શંકા થઈ. તેમણે મોહનલાલનો પીછો પકડ્યો. મોહનલાલને ઊભા રાખી પોલીસમૅને પૂછ્યું, ‘એય ક્યાં જવું છે?’ મોહનલાલે સીધો જવાબ આપ્યો. ‘આત્મહત્યા કરવા. બસ મારે નથી જીવવું.’ પરબતસિંહ કહે, ‘આત્મહત્યા કરવી છે? આત્મહત્યા કરવી એ ગુનોે છે એ તો ખબર છે ને? અને આ સાથે શું લીધું છે?’ મોહનલાલે ભોળાભાવે કહ્યું, ‘સાહેબ, અત્યારે ગાડીઓનો શો ભરોસો? એટલે મેં સાથે ભાતાનો ડબ્બો રાખ્યો છે. ટ્રેન મોડી હોય તો ખાઈ તો લેવાય!’ ત્યાં મોહનલાલને ગોતવા નીકળેલાં સ્વજનો આવી પહોંચ્યાં અને મોહનલાલને સમજાવી ઘેર લઈ ગયા.

અતિશય ઉતાવળ કરી સમયસર સ્ટેશન પર પહોંચીએ અને જાહેર કરવામાં આવે કે ટ્રેન બે કલાક લેટ છે ત્યારે મનમાં જે વ્યાકુળતા વ્યાપે છે તેને કઈ રીતે દૂર કરવી એ સમસ્યા થઈ પડે છે, પરંતુ મહાપ્રયાસે સમયસર સ્ટેશન પહોંચો અને આખી ટ્રેન જ કૅન્સલ થાય ત્યારે શું કરવું?

તા. ૧૧-૭-૦૬ની રાત્રે હું મારા મિત્ર પરેશ ઠક્કર સાથે સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો અને જાણ્યું કે અન્ય ટ્રેનો સાથે સૌરાષ્ટ્ર મેલ પણ કૅન્સલ થયો છે ત્યારે મારી સ્થિતિ કફોડી થઈ. ઝરમર વરસતા વરસાદમાં એક લકઝરીની ૧૨ તારીખની ટિકિટ લઈ અમે ઘેર ગયા. ટીવી ચાલુ કર્યું. મુંબઈ બૉમ્બબ્લાસ્ટનાં કરુણ દૃશ્યો જોયાં. સ્વજનોનાં આક્રંદ, આંસુ અને યાતના જોયાં. માનવસર્જિત હિંસાના હુતાશનમાં અણમોલ જિંદગીના અરમાનોને ખાક થતાં જોયાં. આંખમાંથી અશ્રુની ધારા વહી અને તરત જ હું મારી વ્યથા વીસરી ગયો. મને થયું, હું તો ૧૨ને બદલે ૧૩ જુલાઈના રોજ ઘેર પહોંચીશ, પરંતુ આ ૧૧ જુલાઈ, ૨૦૦૬ના અમંગળ મંગળવારે જે ઘેરથી નીકળ્યા અને સાંજે ઘેર પહોંચી જ નથી શક્યા, તેમના પરિવારનું શું?

આજ સુધી ઉત્સાહથી જીવન જીવતાં, ચેતનાથી ધબકતા, કુટુંબ સાથે કલ્લોલ કરતાં અનેક સ્વજનો સ્મૃતિની ફ્રેમમાં ફોટારૂપે અચાનક મઢાઈને સ્થિર થઈ ગયાં. ફોટા પર પહેરાવેલ હાર, પાસે પ્રગટાવેલા દીપકની જ્યોત, હૈયા જેમ સળગતી અગરબત્તીના અંતરમાંથી ઊઠતી ધૂમ્રસેરો, આપ્તજનોનાં આંસુ, આક્રંદ અને ઝરણાંની જેમ હંમેશ માટે વિદાય થયેલાં, વિખૂટાં પડેલાં સ્વજનોને અલવિદા.

કેટલા ભક્તની એક્સ્ચેન્જ ઓફર પૂરી કરવાની? -- સિક્રેટ ડાયરી - ગણપતિ બાપા - (નિખિલ મહેતાએ કરેલી કલ્પના)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=103205

(નિખિલ મહેતાએ કરેલી કલ્પના)

ગણપતિ બાપા મોર્યા. અરે શું મોર્યા- કોઇએ મને પૂછ્યું છે કે તમારા નામના આવા નારા લગાવીશું તો તમને ગમશે તો ખરુંને? કોઇએ નથી પૂછ્યું. જો પૂછ્યું હોત તો હું કહેત કે ભાઇ શાંતિ રાખો અને મને મારું કામ કરવા દો. કમસે કમ મારા આ ઉત્સવ વખતે મારા માથા પર કામનો બોજ ઘણો વધી જાય એટલે મને તમે જેટલું ઓછું ડિસ્ટર્બ કરો એટલું વધુ સારું. પણ ના. મારી જ વાહ વાહ કરવી છે, પણ મને કઇ રીતે ખુશ કરવો એ તો કોઇ પૂછતું જ નથી.

પણ ઠીક છે હવે. મારા ભક્તો જ છે બિચારા.

ખરી વાત તો એ છે કે મારો ઉત્સવ બહુ લાંબો ચાલે છે અને કામકાજ એટલું હેક્ટિક થઇ જાય છે કે મારા પરનો સ્ટ્રેસ બહુ વધી જાય છે. એવું નથી કે આખું વર્ષ હું નવરો બેસી રહું છું અને ફક્ત ગણેશોત્સવમાં જ સક્રિય બનું છું. મારી સ્પેશ્યાલિટી લોકોનાં વિઘ્નો દૂર કરવાની છે અને લોકો પર કંઇ ફક્ત ઓગસ્ટ મહિનામાં જ વિઘ્નો થોડાં આવે છે? આખું વર્ષ મારે લોકોનાં વિઘ્નો દૂર કરવાની કોશિશ કરતા રહેવાનું હોય છે. મૂળભૂત રીતે હું એક આનંદપ્રિય અને પ્રમાણમાં થોડો સુસ્ત છું. અન્ય દેવો જેવો હું ડાયનેમિક નથી. એક તો મારી કાયા જરા ભારે છે એટલે મારાથી વધુ હલનચલન નથી થતું. જે કંઇ કરવાનું હોય એ બેઠાં બેઠાં જ કરવાનું પસંદ કરુંં છું. અમુક દેવો ભલે મારી મજાક ઉડાવે, પણ હું મારી મર્યાદા સમજું છું.

ક્યારેક તો મને બધી ઝંઝટ છોડીને એકાન્તમાં જતા રહેવાનું મન થાય છે, પરંતુ મારા ભક્તો મને છોડતા નથી. ભક્તો મને એટલું બધુ ચાહે છે કે હું તેમને છોડી શકતો નથી. તેમની તકલીફો દૂર કરવાની હું શક્ય એટલી કોશિશ કરું છું.

મારા મોટા ભાગના ભક્તો મારા પર અપાર શ્રદ્ધા ધરાવે છે અને ખરા દિલથી મારી ભક્તિ કરે છે, પરંતુ અમુક ભક્તો જરા લાલચુ હોય છે. આવા ભક્તો મને એક્સચેન્જ ઓફર આપે છે. હે ગણપતિ બાપા, મને એક કરોડ રૂપિયાની લોટરી લગાવી આપ, હું તને દશ તોલાનો સોનાનો હાર ચઢાવીશ. અરે ભાઇ, આવી રિક્વેસ્ટ મને એક કરોડ લોકોએ કરી હોય તો એ બધાને હું કેવી રીતે લોટરી લગાવી આપું? બીજી વાત, મારે દશ તોલાના સોનાના હારનું શું કરવું છે? મને ધનસંપત્તિ જોઇતાં હોય તો હું ડાયરેક્ટ લક્ષ્મીજીને જ ન કહું? આવા ભક્તો છેવટે નિરાશ થાય છે અને મારાથી નારાજ થાય છે. હું આમાં શું કરી શકું?

મારા કેટલાક ભક્તો સાવ ગેરવાજબી માંગણીઓ મારી પાસે કરતા હોય છે. એક ભક્તે મને કહ્યું કે હે ગણપતિ બાપા, મને જીવનમાં બીજું કશું જ નથી જોઇતું, ફક્ત મારી પત્નીને બે મહિના સુધી માંદી પાડી દે. મારે મારી ગર્લફ્રેન્ડ સાથે મજા કરવી છે. હવે આવા ભક્તનું મારે શું કરવું? ખાસ તો એટલા માટે કે મારા આ જ ભક્તની પત્નીએ મને એવી રિક્વેસ્ટ કરી કે હે ગણપતિ બાપા, મારા પતિને માંદા પાડી દો, કારણ કે આજકાલ એ પેલી ચિબાવલી સાથે બહુ હરેફરે છે.

મારા આ ભક્તો સમજતા નથી કે તમારા કહેવાથી હું કોઇનું અહિત નહીં કરું, કારણ કે લોકોના જીવનમાં આવેલાં વિઘ્નો દૂર કરવાનું મારું મૂળ કામ છું. હું કોઇને તકલીફ ન આપી શકું. બીજું, ભક્તોએ મારી પાસે આવતી વખતે ફક્ત પોતાની સમસ્યાઓ અને પોતાનાં વિઘ્નો પૂરતાં જ મર્યાદિત રહેવું જોઇએ. તમારી અલગ સમસ્યાઓ માટે અલગ અલગ દેવો મોજૂદ છે.

અલબત્ત, એક દેવ તરીકે હું મારા ભક્તોની દરેક તકલીફો દૂર કરવા બંધાયેલો છું અને તેમની દરેક ઇચ્છા પરત્વે ધ્યાન આપવાની પણ મારી ફરજ છે. આથી જ ઘણા ભક્તોની ધનસંપત્તિ માટેની માંગણીઓ મારે લક્ષ્મીજીને ફોરવર્ડ કરવી પડે છે. આમાં પ્રોસેસ લંબાઇ જાય છે અને કામ જરા મોડું થાય છે. આના કારણે ઘણા ભક્તો ધીરજ ખોઇ બેસે છે અને જેમનાં કામ થાય છે એ લોકો કહે છે કે ભગવાનના ઘેર દેર છે, અંધેર નથી.

દેવદેવીઓમાં અમારે આવા એક્સચેન્જ તો થતાં જ રહે છે. ઘણાં દેવદેવીઓ વિઘ્નો દૂર કરવાને લગતી પોતપોતાના ભક્તોની રિક્વેસ્ટ મને ફોરવર્ડ કરતાં હોય છે અને હું એમાં ઘટતું કરતો જ હોઉં છું. અલબત્ત આમાં મને એવો કોઇ જશ નથી મળતો. મારો મતલબ છે. સંબંધિત દેવીદેવો પોતપોતાના ભક્તોની દશ-વીસ ટકા ભક્તિ મારા નામે નથી કરતા. અમારામાં એવું કોઇ કમિશન ખાવાનો રિવાજ નથી. આખરે માનવજાતનું કલ્યાણ કરવું એ અમારા જેવાં દેવદેવીઓની ફરજ જ છે. એટલું જ નહીં, એ અમારો ટાઇમપાસ પણ છે.

મારા કેટલાક ભક્તો બહુ જિદ્દી હોય છે. તેઓ મને ખુશ કરવા માટે જાતજાતની તપસ્યાઓ કરતા હોય છે. કોઇ મારી પ્રતિમા સુધી ઊંધા પગે ચાલીને આવે છે તો કોઇ ઉપવાસ રાખે છે. કોઇ ભક્તો મારા નામે ખરાબ આદતો છોડી દે છે તો કોઇ વળી પોતાની પ્રિય ચીજનો ત્યાગ કરી દે છે. આવા ભક્તો વિશેષપણે મારા ધ્યાનમાં આવે છે અને મોટે ભાગે એમનાં વિઘ્નો વહેલાં દૂર થતાં હોય છે.

ઘણી વાર મારા ભક્તોને અમુક મેસેજ મોકલવાની મને ઇચ્છા થઇ જાય છે. મારે તેમને ઘણું કહેવું છે. ખાસ તો કઇ રીતે ભક્તિ કરવી અને કઇ રીતે ન કરવી. હું કહેવા માંગું છું કે મહેરબાની કરીને મારા નામે પૈસાનો બગાડ ન કરો અને ઘોંઘાટ પણ ઓછો કરો. મારી ગ્રીન મૂર્તિ બનાવવાનું શરું કર્યું છે એ સારું છે, પણ મારા મંડળના ડેકોરેશનમાં ઓછો ખર્ચ કરો. મારે આ મેસેજ કઇ રીતે મોકલવો- મોબાઇલ દ્વારા એસએમએસ મોકલું તો કોઇને લાગે કે આ તો કોઇએ મજાક કરી છે. ફેસબુક પર આ ગાઇડલાઇન પોસ્ટ કરું તો કોઇ એ કહેશે કે ગણપતિ બાપાનું ડમી એકાઉન્ટ વળી કોણે બનાવ્યું?

અત્યારે જોકે આ વિશે વિચારવાનો સમય નથી. માથે કામ ઘણું છે. લોકોની તકલીફો વધી ગઇ છે એટલે નેચરલી મારું કામ પણ વધી ગયું છે. મારે ભક્તનો નિરાશ નથી કરવા. ભક્તો નિરાશ થાય તો આપણી વેલ્યુ શી રહે? લોકોને વેલ્યુ વગરના નેતાઓ મળ્યા છે ત્યારે કમસે કમ તેમને અમારા જેવા દેવોએ તો નારાજ ન કરવા જોઇએ એટલું તો હું સમજું છું.

(નિખિલ મહેતાએ કરેલી કલ્પના)



સંગીતનું નવું વાદ્ય ‘બ્લેક હોલ્સ’ -- બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=103209

પચીસ કરોડ પ્રકાશવર્ષ દૂર આવેલા યયાતિ મંદાકિનીના ગુચ્છમાંના એક બ્લેક હોલમાંથી રેલાતા સૂર સાંભળી આનંદિત થઈ ઊઠ્યા ખગોળશાસ્ત્રીઓ

                       

માનવી સર્જીને કુદરતે પોતાને સમજવાની પ્રક્રિયા શરૂ કરી. પોતાને સમજવા પણ કુદરતે માનવીનું સર્જન કરવું પડ્યું. જેટલો માનવી કુદરત પર નિર્ભર છે તેટલી કુદરત પણ માનવી પર નિર્ભર છે. તે એકતા છે. જેમ માનવીનું મગજ શરીરનો ભાગ છે પણ તે શરીરને સમજવાનું કાર્ય કરે છે તેમ માનવી પણ કુદરતનો, કુદરતના શરીરનો ભાગ છે અને કુદરતને સમજવાનું કાર્ય કરે છે. 

પૃથ્વી જન્મી ત્યારે વાયુમંડળ પણ જન્મ્યું. એ વાયુમંડળમાં ચાલતા પવનના સુસવાટા અવાજને ઉત્પન્ન કરતા હતા. વૃક્ષોમાંથી વહેતો પવન મધુર સંગીત ગાતો હતો. પછી પાણી વરસ્યું તો પાણીનો અવાજ, વરસતા વરસાદનો મધુર અવાજ, નદીઓમાં વહેતા પાણીનો કલકલ અવાજ, ઘૂઘવતા સમુદ્રોનો અવાજ, આકાશમાં થતી વીજળીનો કડકડાટ અને મેઘગર્જનાએ અવાજના અસ્તિત્વનું ભાન કરાવ્યું. માટે જ નાદબ્રહ્મની મહત્તા છે પણ તેનો પડઘો ક્યાં પડે? કુદરતે માનવીને સર્જીને આ વાત સ્થાપિત કરી. માનવીમાં જ બ્રહ્મનો પડઘો પડી શકે અને પડે છે તે જ માનવીની મહત્તા છે. નગણ્યતામાં ગણ્યતા છે. માટે તે કુદરતનો અંશ છે. બ્રહ્મનું અંગ છે અંતરિક્ષમાં જ અવાજનું અસ્તિત્વ સાબિત થાય છે. 

અર્ધોઘટો ઘોષમુપૈતિ નૂનમ્

પૂર્ણોઘટો નૈવ કરોતિ શબ્દમ્॥

આ વાત બે વસ્તુ સાબિત કરે છે. એક તો કે, અંતરિક્ષ છે તો અવાજ છે. ખાલી જગ્યા છે તો અવાજ છે. અવાજને પ્રસરવા ખાલી જગ્યા જરૂરી છે. માધ્યમ જરૂરી છે. બીજું કે અધૂરો ઘડો છલકાય છે અને પૂર્ણ ઘડો અવાજ કરતો નથી. તે માનવીની પ્રકૃતિ દર્શાવે છે. અવાજ માધ્યમમાં જ ગતિ કરી શકે છે. શૂન્યાવકાશમાં અવાજ ગતિ કરી શકતો નથી પણ વિશ્ર્વમાં શૂન્યાવકાશ જ ક્યાં છે? શૂન્યાવકાશ જેવી પરિસ્થિતિ છે માટે નબળો તો નબળો અવાજ શૂન્યાવકાશમાં પણ પ્રસરે છે. 

અવાજ એ કુદરતનું રમ્ય સ્વરૂપ છે ને કર્ણપ્રિય પણ છે અને ઘાતક પણ છે. ઘાતક અવાજ ઘોંઘાટ કહેવાય છે. પણ તે અવાજ છે. કુદરતના હંમેશાં બે રૂપ જ હોય છે. સર્જનાત્મક અને વિનાશાત્મક. આ બંને રૂપોને જુદાં કરી શકાતાં નથી. સર્જન અને વિનાશનું કુદરતી એકીકરણ છે. કલાપીએ ઘણું મહાન સત્ય તેની પંક્તિ:

‘પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી?’માં રજૂ કર્યું છે.

માનવીને ખબર ન હતી કે ખરેખર અવાજ શું છે? ઊર્જા બ્રહ્મ છે અને પ્રાથમિક છે, પણ નાદબ્રહ્મ ઊર્જાનો આવિષ્કાર છે. દ્વિતીય છે. અવાજ એક ઊર્જા છે. તરંગો છે. માનવી જન્મ્યો ત્યારે તેને ખબર ન હતી કે અવાજ શું છે. તે માનતો કે પૂરા વિશ્ર્વમાં અવાજ પ્રસરી શકે છે. અવાજ પૂરા વિશ્ર્વમાં તો પ્રસરી શકે પણ જ્યાં માધ્યમ હોય ત્યાં પૂરા વિશ્ર્વમાં પાંખૂં પણ માધ્યમ તો છે. પૃથ્વી પરના વાયુમંડળના માધ્યમથી તે ભલે અબજોપણું પાંખું હોય પણ તે વિશ્ર્વભરમાં છે. માટે અવાજ પણ ત્યાં ધીમો અબજો ઘણો ધીમો પણ અસ્તિત્વ ધરાવે છે. અવાજ વિશ્ર્વની વસ્તુ સાથે જડાયેલો છે. 

બાળક જન્મે ત્યારે તે રડે છે. આ વિશ્ર્વ સાથે તેના અસ્તિત્વને જોેડે છે. માનવીએ પોતાના જ શરીરમાંથી જાતજાતના અવાજો સાંભળ્યા. માનવીના કાને તેને ગ્રહણ કર્યા. આમ માનવી અવાજના રૂપને થોડું ઘણું સમજી શક્યો. વિજ્ઞાન એક મહાન, અતિ ગૂઢ જ્ઞાન છે. તેને અવાજના પૂરા શાસ્ત્રને આપણી સમક્ષ રજૂ કરી દીધું. આપણે અવાજના બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો. અવાજ આપણી દુનિયા પર મોટો આશીર્વાદ છે. અવાજ માનવીની કે પશુ-પંખી-પ્રાણીની એક સિગ્નેચર છે. જેમ માનવીના અંગૂઠાની છાપ કે ડીએનએ-આરએનએ તેની સિગ્નેચર છે તેમ માનવીનો અવાજ પણ તેની સિગ્નેચર છે. 

માનવીએ પણ તૂંબડામાંથી અવાજ આવતાં સાંભળ્યો. ઢોલ, નગારાં, મૃદંગ, વીણામાંથી અવાજ આવતો સાંભળ્યો. બંસરીવાદન શરૂ થયું. શ્રીકૃષ્ણે તેને મહત્ત્વ આપ્યું. જાતજાતનાં વાદ્યો આજે અસ્તિત્વમાં છે. માનવીનું મનોરંજન પણ કરે છે અને તેને બ્રહ્મ સાથે જોડે છે. કુદરતના મહાન સ્વરૂપ સાથે માનવીને તાદાત્મ્ય કરે છે. અવાજ એ શિસ્તબદ્ધ છે. શિસ્તબદ્ધ ચાલે છે. એક રિધમ છે. ‘તરંગો જો શિસ્તબદ્ધ ચાલે તો તેને તરંગો કેમ કહેવાય?’ એ વાક્ય નકામું સાબિત થાય છે, કારણ કે તરંગો જેટલા શિસ્તબદ્ધ કોઈ જ નથી. માનવીના તરંગોનું પણ એવું જ છે. તરંગી માનવી એક જુદું જ વિચારતો નજરે ચઢે છે અને તેઓએ જ ઈતિહાસ રચ્યો છે. 

તરંગો હાર્મની જન્માવી શકે. તરંગો સામયિક ક્રિયા છે અને વિશ્ર્વમાં ચાલતી સામયિક ક્રિયાઓનો એક ભાગ છે. વિજ્ઞાનીઓએ વિશ્ર્વમાં અવાજ કરતાં પણ વધારે વિસ્તૃત સામયિક ક્રિયાઓનું દર્શન કર્યું. ઉપર ઉપરથી લાગે કે વિશ્ર્વમાં ચાલતી સામયિક ક્રિયા અને અવાજને કાંઈ સંબંધ નથી પણ એવું નથી. બધા એકના એક જ છે. અદ્વૈતવાદ હવે ધીરે ધીરે સાબિત થતો લાગે છે.

સૂર્યની ફરતે પરિક્રમા કરતા ગ્રહો આ વિસ્તૃત સામયિક ક્રિયાનો ભાગ છે. વિશ્ર્વ એ મ્યુઝિક ઑફ રફીઅર છે. ગોળાઓમાંથી ઉત્પન્ન થતું સંગીત. વિશ્ર્વ પોતે જ સંગીત છે, અને કુદરતનું મહાકાવ્ય પણ. કવિતામાં પણ લય છે જે વિશ્ર્વની લયતાનો પડઘો છે. વિશ્ર્વ કવિતા અને સંગીતનો આ સંંબંધ છે. સંગીત એ વિજ્ઞાન છે. વિશ્ર્વ એ વિજ્ઞાન છે. માટે જ જ્ઞાન વિજ્ઞાન વિશ્ર્વમાં ઉચ્ચ રિયલાઈઝેશન છે. વિશ્ર્વમાં સંગીત ક્યાં નથી? અવાજ ક્યાં નથી? માટે જ ગ્રહોની ગતિના નિયમોને હાર્મોનિક લૉ કહે છે. એ જ અવાજ જ્યારે રુદ્રરૂપ ધારણ કરે છે ત્યારે ઘોંઘાટ કહેવાય છે. સંગીતકારો આ નાદબ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે માટે સંગીત દિવ્ય છે. રાસ-ગરબા પણ આ વિશ્ર્વના લયનો જ ભાગ છે. 

શ્ર્વાસોચ્છવાસ પણ વિશ્ર્વના લયનો ભાગ છે. નટરાજ સંગીત અને નૃત્યના દેવતા છે જે વિશ્ર્વની ગતિવિધિનું પ્રદર્શન કરે છે. ધરતીકંપ થાય ત્યારે પૃથ્વીના ગર્ભમાંથી મૃત્યુદેવતાનો અવાજ સંભળાય છે.

સોનોગ્રાફી આનો જ ભાગ છે. પેટમાં આંતરડાં પણ અવાજ કરતાં સંભળાય છે. પ્રકાશ એ તરંગો જ છે અને સંગીત અને દિવ્યતાનું બીજું સ્વરૂપ છે. અણુની નાભિ ફરતે પરિક્રમા કરતાં ઈલેક્ટ્રોન્સ પણ સામયિક ક્રિયા કરે છે. 

વિશ્ર્વમાં તારાના મહાવિસ્ફોટ થાય છે. વિશ્ર્વમાં અંતરિક્ષમાં માધ્યમ એટલું પાંખું છે કે આપણે તેને શૂન્યાવકાશ તરીકે લઈએ છીએ. આ પરિસ્થિતિ હોવાથી વિસ્ફોટના અવાજો આપણા સુધી પહોંચતા નથી અને આપણે સલામત રીતે પૃથ્વી પર જીવીએ છીએ. 

કૃષ્ણવિવર બ્લેક હોલ એ જબ્બર તારાનો અંત છે. તેમાંથી પ્રકાશ પણ બહાર નીકળી શકતો નથી, કારણ કે તેના પર પલાયનગતિ પ્રકાશની ગતિ છે. તે સતત સંકોચાતું જતું અંતરિક્ષ બિન્દુ અને તેમાં ગયેલી વસ્તું હરહંમેશ માટે અદૃશ્ય બને છે. તે હોલ ઈન હેવન્સ છે. તેની આજુબાજુ પદાર્થનું વલય બની રહે છે જે પદાર્થ તેમાં હોમાવાનો હોય છે. 

આ પદાર્થના વલયમાંથી શક્તિશાળી એક્સરે નીકળે છે, કારણ કે પદાર્થ બ્લેક હોલમાં પડતાં પહેલાં તેનો ઘણો ભાગ ઊર્જામાં રૂપાંતર થાય છે. બ્લેક હોલમાંથી જે બહાર નીકળે છે તે તેની ફરતેના અંતરિક્ષમાંથી બહાર નીકળે છે.

હાલમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે બ્લેક હોલમાંથી સંગીત પણ રેલાય છે. આ સંગીત જોકે બહું ધીમું છે. માટે અત્યાર સુધી શોધાયું નહોતું. વિશ્ર્વમાં સંગીતના રાગ છેડનાર વસ્તુઓમાં હવે બ્લેક હોલનું નામ પણ સામેલ થયું છે. જેમ આપણામાં સૂર્ય પણ સંગીત રેડે છે અને તારાની ટિમટિમાહટમાંથી પણ સંગીત રેલાતું મહેસૂસ થાય છે. જીવતા કે મરેલા તારામાંથી નીકળતા સંગીતને સાંભળવા કાન સરવા રાખવા પડે. રપ કરોડ પ્રકાશવર્ષ દૂર આવેલા યયાતિ મંદાકિનીના ગુચ્છમાં રહેલા એક બ્લેક હોલમાંથી રેલાતા સૂર ખગોળવિજ્ઞાનીઓએ સાંભળ્યા છે અને તેથી તેઓ આનંદિત થઈ ઊઠ્યા છે. સંગીતનું આ નવું વાદ્ય વિશ્ર્વમાં નજરે ચઢ્યું છે. વિજ્ઞાનીઓ હવે તેના નવા નવા તાર છેડતા રહીને આ સંગીતનો સ્વાદ ચાખશે.

તમામ વિકલ્પો ખૂટી પડ્યા પછી જ માણસ બધાની સાથે સારી રીતે વર્તવાનું શરૂ કરે છે -- ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=141182

વિસંવાદ માણસનો મૂળભૂત સ્વભાવ છે. પ્રકૃતિની પ્રતિકૂળતાઓ એણે આદમના જમાનાથી સહન કરી છે. કુદરત સાથે એને ક્યારેય બન્યું નથી. કુદરતે સર્જેલા કોઈ જીવ સાથે એને ક્યારેય બન્યું નથી. બીજા માણસ સાથે એને બન્યું નથી. અને મોટા ભાગના કિસ્સાઓમાં તો, માણસને એની પોતાની સાથે પણ બન્યું નથી.

સંવાદિતા આપોઆપ નથી સર્જાતી. સખત મહેનત કરવી પડે છે, મોટાં મોટાં ઘર્ષણોનો સામનો કરવો પડે છે. ચારેકોરની બેસૂરી દુનિયાને સૂરમાં લાવતાં લાવતાં નાકે દમ આવી જતો હોય છે.

કુદરતની મહેરબાની એ ખૂબ પ્રિય શબ્દપ્રયોગ છે લેખકોનો, પ્રવચનકારોનો, સાધુસંતોનો, કુદરતે ક્યારેય કોઈ મહેરબાની નથી કરી માણસ પર, કુદરતે ક્યારેય માણસનું બગાડવાના આશયથી પણ કોઈ પ્રવૃત્તિ નથી કરી. કુદરતને કારણે માણસનું સુધર્યું કે બગડયું હોય તો તે અનુક્રમે માણસની મહેનતને કારણે કે પછી માણસની આળસ/ અણઆવડત/ અભાવભરી પરિસ્થિતિને કારણે.

કુદરતનાં પાંચ મૂળભૂત તત્ત્વોને પંચ મહાભૂત બનાવ્યાં માણસની દૃષ્ટિએ. આ પાંચેપાંચ તત્ત્વોને તાબામાં લેવામાં નિષ્ફળ ગયેલા માણસે સર્જનના સિક્કાની પાછલી બાજુ નામે તબાહી પણ જોઈ છે. પૂર, વાવાઝોડું, ધરતીકંપ કે આગ જેવી મહા આફતોથી બચવા માણસે કુદરતને નાથવાનું શરૂ કર્યું, પણ દર વખતે એને સફળતા મળતી નથી, મળી શકે પણ નહીં. કારણ કે આ દુનિયાનું વજૂદ હાર્મનીને કારણે નહીં ડિસહાર્મનીને કારણે છે, સંવાદિતા નહીં પણ વિસંવાદિતાના આધારે દુનિયા ટકી રહી છે.

કુદરતનું રૌદ્ર સ્વરૂપ અનુભવીને માણસ હંમેશાં સજાગ રહેતાં શીખી ગયો છે. કુદરતની થપાટો ઝીલને એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના અનેક નુસખાઓ શોધતો રહ્યો છે. ગરમીની સામે ઍરકન્ડિશનર અને ઠંડીની સામે હીટર શોધવાની માથાઝીંક માણસે ક્યારેય ન કરી હોત, જો કુદરત એની સાથે હળીમળીને રહેતી હોત તો. સંઘર્ષ અને વિસંવાદિતા વિના દુનિયાની પ્રગતિ અશક્ય છે. કવિઓ ભલે હળીમળીને રહેવાની અને માનવીમાંથી વિશ્ર્વમાનવી બનવાની વાત કરે. આજની તારીખે બીજું કંઈ નહીં તો, વિશ્ર્વના તમામે તમામ દેશોના વિઝા મેળવવાની તો કોશિશ કરી જુઓ, પછી વિશ્ર્વમાનવી બનવાની વાત કરીએ. કવિતાની જ પંક્તિનો આધાર લેવો હોય તો હું કવિ ડૉ. મુકુલ ચૉક્સીને ટાંકવાનું પસંદ કરીશ:

હું વિષના વાતાવરણ વચ્ચે પાંગરીશ સદા

ને પ્રાણવાયુની ટાંકીમાં આપઘાત કરીશ

માણસ જેમ કુદરતની સાથે સખણો રહી શકતો નથી એમ બીજા માણસો સાથે પણ સીધો રહીને જીવી શકતો નથી. કુદરત સામે તમારે કશું જ ન કરવું હોય તો તમારે ચોમાસામાં છાપરા વગર ખુલ્લામાં સૂવું જોઈએ, ધોમધખતા તડકામાં ખુલ્લા પગે ને ઉઘાડે માથે રહેવું જોઈએ અને કડકડતી ઠંડીમાં નિર્વસ્ત્ર બનીને ફરવું જોઈએ. ઘર, છત્રી, પગરખાં, વસ્ત્ર ઈત્યાદિ તમામ શોધ કુદરતનો પ્રતિકાર છે, કુદરતનાં કારનામાં સામે માણસનો જવાબ છે. પ્રતિકાર કર્યા વિના આગળ વધવું તો ઠીક અસ્તિત્વ ટકાવી રાખવું પણ અશક્ય છે.

કુદરતની જેમ માણસને બીજાં પ્રાણીઓ પણ નડે છે, ને એમાંય માણસ નામનું પ્રાણી ખાસ નડે છે. અન્ય પ્રાણીઓનું તો ઠીક, એમને એ પાંજરામાં પૂરી શકે છે પણ બીજા માણસોને એ પાંજરામાં પૂરી શકતો નથી. જો એવું થતું હોત તો દરેક મોટા શહેરમાં પ્રાણીબાગ જોવા મળે છે એ રીતે જૈનોની વગ ધરાવતાં શહેરોમાં વૈષ્ણવબાગ અને વૈષ્ણવોની બહુમતી ધરાવતા વિસ્તારોમાં જૈનબાગ જોવા મળતા હોત.

એક માણસ બીજા માણસની સાથે હળીમળીને રહી શકે એવી એની પ્રકૃતિ જ નથી. ઝઘડવું એ એનો મૂળભૂત સ્વભાવ છે. ઝઘડો કરીને જ એ પોતાની મહત્તા બીજા પર સ્થાપી શકે છે અને પોતાની મહત્તા ન સ્થપાય ત્યાં સુધી એને જીવવું નિરર્થક લાગે છે, પોતાની જાત માટેનો અહોભાવ ઓછો થઈ જતો હોય એવું લાગે છે. સેલ્ફ એસ્ટીમ જાળવવા માણસે માત્ર બીજાઓની આગળ જ નહીં, પોતાની જાત સમક્ષ પણ પોતાની મહત્તા પુરવાર કરવાની હોય છે, અને એ કામ એણે બીજાઓની સાથે સંઘર્ષમાં ઊતરીને જ કરવું પડે. એની પોતાની ઈચ્છા ન હોય તો બીજાઓ એને રણમેદાનમાં લઈ આવે. લડવું તો પડે જ. ભગવદ્ ગીતામાં કૃષ્ણે અર્જુનને કહ્યું: મામનુસ્મર યુદ્ધસ્ય. મારું સ્મરણ કર, (અને) યુદ્ધ કર. લડવું તો પડે જ. ભગવાનનું નામ લઈને બેસી રહેવાથી કંઈ ન વળે.

માણસને માથે શિંગડાં હોત તો એના માટે કામ આસાન થઈ ગયું હોત, લડવા માટે એને જીભનો ઉપયોગ કરવાની ભાગ્યે જ જરૂર પડતી હોત. માથું પિસ્તાલીસ ડિગ્રીએ નમાવ્યું અને ફૂંફાડો મારીને ચાર ડગલાં દોડ્યા કે કામ પત્યું. પણ કમનસીબે જિંદગી એટલી આસાન નથી. શિંગડાના અભાવે જીભથી ચલાવી લેવું પડે છે.

કોઈપણ માણસ ક્યારેય નમ્ર હોતો નથી. કોઈ પણ માણસ ક્યારેય તમને ઉપયોગી થવા કે તમારી મદદ કરવા તત્પર નથી હોતો. એ પોતાનું સાચવે કે પછી તમને મદદ કરવા આવે? તમારે વિચારવું જોઈએ. કોઈ પણ માણસ પોતાનો સ્વાર્થ ન હોય ત્યાં સુધી બીજાના ભલા વિશે વિચારતો નથી. એ સ્વાર્થ નિજાનંદનો હોઈ શકે. કબૂલ. પણ સ્વાર્થ એ સ્વાર્થ.

માણસનો સ્વભાવ ઝઘડાળુ છે. મોટા સ્તરે એ પાડોશી રાષ્ટ્રને ગાળો આપે છે અને નાનામાં નાના સ્તરે સગા ભાઈ સાથે બાખડે છે. વચ્ચેના સ્તરોમાં પરભાષી, પરધર્મી અને પરજ્ઞાતીલા આવી જાય. માણસ ક્યારેય સોશ્યલ ઍનિમલ નહોતો, સામાજિક પ્રાણી બનવાની 

એને ફરજ પડી છે, કહો કે એના કરતાં જોરાવર એવા બીજા માણસોએ એને સમૂહમાં રહેવાની ફરજ પાડી છે. એ હવે એકલો રહેતાં ડરે છે. ડરવું જ પડે. નહીં તો પેલા જોરાવરો એને ફોલી ખાય.

માણસ નામનું મૉડલ બીજાઓ સાથે હળીમળીને રહેવા સર્જાયું જ નથી. ટીવી પાસે તમે માઈક્રોવેવ અવનનું કામ કેવી રીતે લઈ શકો? અહમ્ માણસના અસ્તિત્વનું કેન્દ્રસ્થાન છે, બીજ છે. એ આત્મકેન્દ્રી જ હોવાનો. બીજાઓની એને ભાગ્યે જ પડી હોય. પોતાની જીદ ચાલે એમ હોય ત્યાં સુધી એ બીજાની પરવા કરતો નથી. પણ કમનસીબે એની જીદ બધે ચાલતી નથી. એને જેવું વિશ્ર્વ જોઈએ છે એવું એ બનાવી શકતો નથી. ક્યારેક એને ભ્રમ થાય છે કે બીજાઓ સાથે હળીમળીને રહેવાથી એમનો સાથસહકાર મળી જશે અને પોતાની કલ્પના મુજબનું વિશ્ર્વ એ બનાવી શકશે.

એનો આ ભ્રમ લાંબું ટકતો નથી. લોકો એને એની કલ્પના મુજબનું વિશ્ર્વ નહીં રચવા દે. કારણ સીધું છે. બીજાઓ પોતાની કલ્પના મુજબની દુનિયા બનાવવા માગે છે. ક્યારેક તમારી અને એમની કલ્પનાઓ એકમેકને મળતી આવતી હશે તો પણ તેઓ વિચારશે કે તમે પહેલાં તમારી કલ્પના રજૂ કરી, હવે તમને ટેકો આપું તો હું તમારી પાછળ પાછળ ચાલનારો કહેવાઉં એટલે હવે હું તમારો વિરોધી.

માણસે સારા બનવું પડે છે, બીજા સાથે સારી રીતે રહેવું પડે છે એનું એકમાત્ર કારણ છે કે એવું કર્યા વિના એનો કોઈ છૂટકો નથી. દુનિયામાં રહેવું હશે તો એણે પોતાના સ્વ-ભાવના ટુકડાઓ કાપી કાપીને બીજાઓને ખવડાવી દેવા પડશે, કેશવાળી વિનાના સિંહ બની જવું પડશે. આ જગતમાં સૌથી સુખી માણસ કયો? એ જે બીજાઓની સાથે મનફાવે તે રીતે વર્તી શકે, એવું વર્તન એને પોસાઈ શકે અને જો ક્યારેક એવા વર્તનની કિંમત ચૂકવવાની આવે તો હસતાં હસતાં ચૂકવી શકે.

પોતાની કોઈ જ મજબૂરી ન હોવા છતાં બધાની સાથે સારી રીતે વર્તતો એક જ માણસ આ જગતમાં હતો, એના પહેલાં કોઈ નહોતું અને એની પછવાડે એવો કોઈ વૈષ્ણવજન પાક્યો નથી. એના નામનો ફોડ શું પાડવો? તમે સૌ એને ગજવામાં ઘાલીને ફરો છો.

આજનો વિચાર

નર્કમાં જવાનો રસ્તો ક્રિયાવિશેષણોથી છવાયેલો છે.

- સ્ટીવન કિંગ (ગઈ કાલે આ મહાન અમેરિકન લેખકની ૬૭મી વર્ષગાંઠ હતી)

એક મિનિટ!

આ વૉટ્સઍપના ચક્કરમાં દિમાગના નટબોલ્ટ ઢીલા થઈ ગયા છે...

એક સેક્ધડમાં મિજાજે શાયરાના થઈ જાય છે અને બીજી જ સેક્ધડે દેશભક્તિનો જુવાળ પ્રગટે છે.

એ પછી તરત સની લિયોન આવીને બોડીમાં કેમિકલ લોચા ઍક્ટિવેટ કરી નાખે છે.

ત્યાં જ અચાનક કોઈ ભગવાન બુદ્ધ અને વિવેકાનંદનાં સુવાક્યો મોકલીને મૂડની વાટ લગાડી નાખે છે.

એ પછી કોઈ દુખી આત્મા પત્ની વિશેના જોક્સ પર જોક્સ મોકલીને પોતાની મર્દાનગી સાબિત કરવાની કોશિશ કરે છે.

અને હવે જ્યારે થોડી શાંતિ મળી રહી છે એવું લાગે ને કોઈનો ડરાવી નાખે એવો ફૉરવર્ડ સાંઈબાબાને નામે આવે છે કે આ દસ જણને મોકલશો તો લૉટરી લાગશે નહીં તો સત્યનાશ થઈ જશે તમારું.

આ પછી દિમાગનું દહીંવડું ત્યારે થાય છે જ્યારે કોઈ ક્વિઝ લઈને આવે છે.

માણસનું આટલું ઝડપી હૃદયપરિવર્તન તો માત્ર વૉટ્સઍપ પર જ થઈ શકે છે.

(વૉટ્સએપ પર ફરતું).

Wednesday, September 17, 2014

રાત્રિ આકાશનું ઝગમગ સૌંદર્ય -- બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=78046

રાત્રિ આકાશના વિખ્યાત પ્રકાશિત તારાને ઓળખો તો બારે મહિનાનું આકાશ આત્મસાત્ થઈ શકે


કૃત્તિકા નક્ષત્ર વૃષભ રાશિમાં છે. નરી આંખે તેમાં ૭ તારા ગણી શકાય છે. તેથી તેને seven sisters પણ કહે છે. અંગ્રેજીમાં Pleides કહે છે. રાત્રિ આકાશમાં તે જ્યારે હોય ત્યારે તારાના ઢૂમલાના રૂપમાં દેખાય છે. સ્વચ્છ રાત્રિ આકાશમાં તેની શોભા અનેરી હોય છે. તે વૃષભ રાશિને ઓળખવામાં મદદ કરે છે. જે મહિનાની પૂર્ણિમાએ ચંદ્ર કૃત્તિકા નક્ષત્રની નજીક હોય તેને આપણા પૂર્વજોએ કારતક મહિનો કહ્યો છે. કારતક મહિનામાં કૃત્તિકા રાજ કરે છે, તે કારતક મહિનાની અધિષ્ઠાત્રી દેવી છે. તે કારતક મહિનાની પૂર્ણિમાએ પૂર્વ આકાશમાં ચંદ્ર સાથે ઉદય પામે છે. પ્રાચીન સમયમાં મહિનો પૂર્ણિમાના પછીના દિવસે શરૂ થતો. પૃથ્વીની પરાંચન ગતિને લીધે રાશિચક્ર પશ્ર્ચિમ તરફ સરકે છે તેથી સૌરવર્ષ અને ઋતુચક્રનો મેળ બેસાડવા વરાહમિહીરે મહિનાને ૧૫ દિવસ કુદાવી અમાસના બીજા દિવસે પ્રારંભ કરવાનું શરૂ કર્યંુ. હજુ પણ ઉત્તર પ્રદેશમાં મહિનાનો પ્રારંભ પૂર્ણિમાના પછીના દિવસે થાય છે.

કૃત્તિકાના તારા તાજા જન્મેલા બાળ તારા છે. તેની વય માત્ર દસ કરોડ વર્ષની છે, જ્યારે આપણા સૂર્યની વય તેના કરતાં પચાસગણી વધારે છે- એટલે કે ૫૦૦ કરોડ વર્ષ છે. હાલમાં પણ આપણે કૃત્તિકાના તારાની ફરતે વાયુના ઘેઘૂર વાદળો જોઈ શકીએ છીએ. જેમાંથી એ તારા જન્મ્યા છે. વાદળોથી વીંટળાયેલા કૃત્તિકાના બાળ તારા જાણે વાદળોરૂપી બાળોતીયામાં વીંટળાયેલા હોય તેમ લાગે છે. મોટા મોટા દૂરબીનમાંથી જોઈએ તો કૃત્તિકા નક્ષત્રમાં છ કે સાત નહીં પણ ૪૦૦ તારા દેખાય છે. મહાભારતના યુદ્ધ વખતે વસંતસંપાત કૃત્તિકા નક્ષત્રમાં થતો. વસંતસંપાતના દિને રાત-દિવસ સરખા હોય છે.

કૃત્તિકાની નજીકમાં લાલ રોહિણી નામનો તારો છે. તે અંગ્રેજી આકાર V ના એક પાંખડામાં પર છે અને વૃષભની આંખ પર છે. જાણે કે વૃષભ તેની આંખથી આપણી સમક્ષ જુએ છે અને ભૂરાટો થઈને આપણી ઉપર કૂદવાની તૈયારીમાં હોય. રોહિણી વિરાટ લાલ તારો છે. વિરાટ લાલ તારા વૃદ્ધ તારા છે. તે તેમના મૃત્યુના આરે છે. તેના ગર્ભ ભાગમાં હાઈડ્રોજન વાયુરૂપી ઇંધણ લગભગ ખતમ થઈ ગયું હોય છે.

વૃષભ (Taurus)ની બાજુમાં અગ્નિ દિશામાં વિશાળ મૃગન ક્ષત્ર છે. મૃગ નક્ષત્રને વેદો સાથે સંબંધ છે, જ્યારે વેદો લખાયા ત્યારે વસંતસંપાત મૃગન ક્ષત્રમાં થતો હતો. ઋગ્વેદમાં મૃગન ક્ષત્ર વિષે પ્રચૂર પ્રમાણમાં વર્ણન છે. કથા એવી છે કે મૃગલારૂપી પ્રજાપતિ વૃષભ રાશિ સ્થિત તેની જ પુત્રી રોહિણીને પરણવા આગળ ધપે છે. પ્રજાપતિનું આ અયોગ્ય વર્તન જોઈને શંકર ભગવાન ક્રોધિત થઈને તેનો વધ કરવા તેની પાછળ પાછળ દોડે છે તે જ વ્યાધનો તારો. હકીકતમાં મૃગ નક્ષત્રમાંનો વસંતસંપાત રોહિણી તરફ ગતિ કરતો જોઈ, તે વખતના વિદ્વાનોને ખબર પડતી ન હતી કે એ શું થઈ રહ્યું છે, તેથી તેઓએ આવી કથા ઘડી કાઢી.

મૃગ નક્ષત્રમાં ચાર તારા ચતુષ્કોણ બનાવે છે. જેમાં પ્રકાશિત લાલ તારો જે રોહિણી તરફ છે તે ભરત છે. તે વિરાટ લાલ તારો છે. તે આપણાથી ૬૪૦ પ્રકાશ વર્ષ દૂર છે. ખગોળ વિજ્ઞાનીઓ માને છે કે ભરત તારાનો વિસ્ફોટ થઈ ગયો છે જે આપણને હજુ સુધી અકબંધ દેખાય છે, કારણ કે તેના વિસ્ફોટની માહિતી હજુ સુધી આપણા સુધી પહોંચી નથી. ભરત તારાની સામે વિકર્ણમાં સફેદ પ્રકાશિત તારો છે જે રાજન્ય અથવા બાણરજ તરીકે ઓળખાય છે. તેની સપાટીનું ઉષ્ણતામાન લગભગ ૧૬૦૦૦ અંશ સેસ્લિઅસ છે, જ્યારે લાલ વિરાટ તારાની સપાટીનું ઉષ્ણમાન ૩૦૦૦ અંશ સેલ્સીઅસ જ હોય છે. ભરત અને રાજન્ય વચ્ચે બેલાટ્રીથી અને શૈફ નામના તારા છે. મૃગ નક્ષત્રની વચ્ચે ત્રણ પ્રકાશિત તારા છે. તેનાં નામો ઉષા, અનિરુદ્ધ અને ચિત્રલેખા છે. તેની નીચે આકાશની ભવ્યતા જેવી મૃગ નિહારિકા અને અશ્ર્વમુખ નિહારિકા છે જ્યાં આજે પણ તારા જન્મ લઈ રહ્યાં છે. મૃગનક્ષત્ર ઐતિહાસિક તો છે, તે ઈતિહાસને તેનામાં સાચવી બેઠું છે, સાથે સાથે તે રાત્રિ આકાશની શોભા પણ છે. મૃગનક્ષત્ર જ્યારે આકાશમાં હોય ત્યારે બધા જ લોકોની દૃષ્ટિને તે તેના તરફ આકર્ષે છે, જ્યારે તે આકાશમાં હોય ત્યારે ભાગ્યે જ કોઈ તેને ચૂકે, મિસ કરે.

મૃગન ક્ષત્રની નીચે, અગ્નિ દિશામાં, ઓખા- અનિરુદ્ધ- ચિત્રલેખા નામના એક રેખા પર આવેલા ત્રણ તારાની દિશામાં એક પ્રકાશિત તારો છે તે વ્યાધનો તારો છે. વ્યાધ તારો પૃથ્વી પરથી જોતાં સૌથી વધારે પ્રકાશિત તારો છે જે આપણાથી ૮.૭ પ્રકાશવર્ષ જ દૂર છે. વ્યાધ તારો હકીકતમાં યુગ્મતારો છે, તેનો જોડિયો તારો ચંદ્રશેખરનો શ્ર્વેતવામન (શ્ર્વેતપટુ, White Dwarf) તારો છે. તે એટલો બધો વજનદાર છે કે તેના એક ચમચીભર દ્રવ્યનું વજન દશ લાખ ગ્રામ થાય. તેમાં ઠાંસી ઠાંસીને પદાર્થ ભરેલો છે તેની પાછળનું કારણ તારામાં ઇંધણ ખૂટ્યું ત્યારે થયેલા ભયંકર ગુરુત્વાયપતન છે. વ્યાધ તારો બૃહલુબ્ધક તારકસમૂહનો સૌથી પ્રકાશિત તારો છે. તેને Big Dog મહાશ્ર્વાન પણ કહે છે. તે સ્વર્ગના દ્વારે રક્ષા કરે છે અને લાયકાત વગરના માનવીને સ્વર્ગમાં દાખલ થવા દેતો નથી. બાજુમાં તેનો જોડિયો બીજો નાનો શ્ર્વાન છે, જે દરવાજાની બીજી બાજુએ સ્વર્ગની રક્ષા કરે છે. તેનું નામ પ્રશ્ર્વા છે. પ્રશ્ર્વા લઘુલુબ્ધક તારકસમૂહનો સૌથી પ્રકાશિત તારો છે. આ બંને સ્વર્ગના શ્ર્વાનો છે. યુધિષ્ઠિર જ્યારે સદેહે સ્વર્ગમાં જતા હતા ત્યારે જે શ્ર્વાન તેની પાછળ પાછળ આવતો હતો તે આ શ્ર્વાન હતો.

વૃષભની પૂર્વમાં મિથુન રાશિ છે. મિથુનના ચાર તારા પ્રકાશિત તારા છે. બે તારા જોડકાના માથામાં છે અને બે તારા જોડકાના પગમાં છે. મિથુનના પગમાં રહેલા તારા કક્ષ અને પ્લવ છે. તેને આર્દ્રા નક્ષત્ર પણ કહે છે. સૂર્ય જ્યારે આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશે છે ત્યારે પૃથ્વીના ઉત્તરગોવાર્ધમાં વર્ષા ઋતુ શરૂ થાય છે. કક્ષ અને પ્લવ તારાને કોઈ પુરુષ અને પ્રકૃતિ કહે છે, તો કોઈ રામ-લક્ષ્મણ કહે છે, તો કોઈ લવ-કુશ પણ કહે છે. મિથુન રાશિના આ બે તારા અને પ્રશ્ર્વા અને તેની નજીકનો તારો સ્વર્ગના દરવાજાના ચાર થાંભલા છે, બે થાંભલા એક બાજુએ અને બીજા બે થાંભલા બીજી બાજુએ. મિથુન રાશિના બે તારા સ્વર્ગના દરવાજાના બે થાંભલા પ્રદર્શિત કરે છે, જ્યારે પ્રશ્ર્વા અને તેની નજીકનો ઝાંખો તારો સ્વર્ગના દરવાજાના બીજા બે થાંભલા પ્રદર્શિત કરે છે. તેને Gateway of Heavens કહે છે. સૂર્ય- ચંદ્ર અને બધાં જ ગ્રહોને તેની આકાશની પરિક્રમા દરમિયાન આ દરવાજામાંથી પસાર થવું જ પડે છે.

મિથુન રાશિમાં એક ભાગ તરીકે પુનર્વસુ નક્ષત્ર છે. પુનર્વસુ નક્ષત્રની અધિષ્ઠાત્રી દેવી અદિતી છે. ૮૦૦૦ વર્ષ પહેલા પુનર્વસુ નક્ષત્રમાં વસંતસંપાત થતો. દુનિયાનું પ્રથમ કેલેન્ડર અદિતીથી શરૂ થયેલું કેલેન્ડર હતું. અદિતીને બે મુખ છે. આગળના મુખે તે વર્ષના પ્રારંભમાં નૈવેદ્ય લે છે અને પાછળના મુખે તે વર્ષના અંતે નૈવેદ્ય લે છે.

ન્યાયતંત્રની સ્વતંત્રતા?: વાસ્તવિકતા જુદી હોય છે -- તંત્રીલેખ -- 16-09-2014

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=140421

ન્યાયતંત્રની સ્વતંત્રતા એ બાબત ચવાઈ ચવાઈને કુચ્ચો થઈ ગઈ છે. પગ હેઠળ પાણી આવે છે તેવે વખતે જ ન્યાયતંત્રને તેની સ્વતંત્રતા યાદ આવે છે. જ્યારે ચીફ જસ્ટિસ નિવૃત્ત થવાના હોય છે તેવે વખતે મગરના આંસુ પાડે છે. આવો ક્રમ વર્ષોથી પ્રજા જોઈ રહી છે. સામાન્ય વ્યક્તિ તો ન્યાયતંત્રથી દૂર ભાગી રહી છે કારણ કે "ન્યાય માગવા કોણ જાય છે તે સૌ કોઈ જાણે છે.

બીજાઓની ટીકા કરતું ખુદ ન્યાયતંત્ર કેવું છે? ભ્રષ્ટાચારથી ખદબદતું ન્યાયતંત્ર ન્યાય અને કાયદાનો સરેઆમ ભંગ કરી રહ્યું છે. મુદતો પાડવામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કયા અને કેવા સંજોગોમાં મુદતો આપવી તે અંગે જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તેનો સબોર્ડીનેટ કોર્ટ દ્વારા કદી અમલ કરવામાં આવતો નથી.

એક સિવિલ મેટર કે ક્રિમિનલ મેટરમાં મુદતો કેટલી હોય શકે? કબૂલ છે કે નવી નવી વિગતો રજૂ થતી હોય તો ન્યાયમૂર્તિને પણ અભ્યાસ કરવા - ચિંતન અને વિચાર કરવા પૂરતો સમય મળવો જોઈએ. વિગતો રજૂ થયા પછી ૧૫-૨૦ કે ૨૫ દિવસની વિચારણાનો સમય હોવો જોઈએ, પરંતુ સામાન્ય અને પરચુરણ બાબતમાં ૧૧-૧૧ મહિનાની મુદતો પડે છે!

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ભલે ગમે તે કહે, પરંતુ આજે સમાજમાં સૌથી વધુ ધિક્કાર અને હાંસીને પાત્ર ન્યાયતંત્ર છે. ડિસ્ટ્રિક્ટ લેવલની કોર્ટમાં જે પિટિશન કરવામાં આવે છે તે ૨૦૦ થી ૪૦૦ કે ૫૦૦ પાનાંની હોય છે. કયો ન્યાયમૂર્તિ આટલા પાનાં વાંચતા હશે? જાહેરમાં ચર્ચા કરવા પડકાર છે.

નીચલી કોર્ટમાં ન્યાયમૂર્તિઓની બુદ્ધિપ્રતિભા તદ્દન કંગાળ છે. ઘણાને તો કાયદાનું પૂરતું જ્ઞાન હોતું નથી. ચાલુ અદાલતે દલીલબાજી થતી હોય છે તેવે વખતે ઘણા ન્યાયમૂર્તિઓ ઝોકાં ખાતા જોવામાં આવ્યા છે. શું આવી દરેક બાબતોના ફોટા પ્રસિદ્ધ થાય તો જ તેવી બાબતો સાચી છે તેમ પુરવાર થાય?

ન્યાયતંત્ર બદનામ થઈ રહ્યું છે તેમાં ખુદના કરતૂતો છે. કોલેજીયમ સિસ્ટમમાં સગાવાદ અને પ્રાંતવાદ કોણે ઘુસાડ્યા? ડૉ. અભિષેક મનુ સિંઘવીએ કેવા ધંધા કર્યા હતા - તેની ચર્ચા કેમ બંધ થઈ ગઈ? ચીફ જસ્ટિસે પહેલા આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ. ત્યારબાદ ન્યાયતંત્રની સ્વતંત્રતાના ફીફાં ખાંડવા જોઈએ.

સુધરાઈ અને મહાપાલિકાની ગટરોમાં સ્વચ્છતા આવી છે - જાળવણી થાય છે અને નિયમિત સફાઈ કરવામાં આવે છે, પરંતુ ન્યાયતંત્રમાં આટલા વર્ષમાં કોઈ જ પ્રક્રિયા બદલાણી નથી અને જડ નિયમો દૂર કરવાની તો કોઈ વાત જ બાકી રાખવી. આટલા વર્ષો બાદ ત્યાં ફાઈલોના ઢલગા - ખોટેખોટા કાગળિયા લઈને દોડતા અરજદારો અને વકીલો સિવાય ત્યાં કોઈ જોવા મળતું નથી.

બાર કાઉન્સિલ અને બાર એસોસિયેશન તો સ્થાપિત હિતોના અડ્ડા બની ગયા છે. જે વ્યવસાય બુદ્ધિનો ગણાતો હતો - તર્કસંગત ન્યાયની જે અપેક્ષા રાખવામાં આવતી હતી તે જ વ્યવસાય આજે શું છે અને પ્રજા તેમના માટે કેવો અભિપ્રાય આપે છે તે જાણવા એક મોજણી કરાવવાની જરૂર છે. આવો પડકાર ઝીલનાર કોઈ મળતું નથી.

જ્યાં "સત્યમેવ જયતે લખાયું છે તે જ અદાલતોના કંપાઉન્ડમાં સાક્ષીઓને ફોડવામાં આવે છે, ખોટી જુબાની બદલ લેતીદેતી થાય છે અને ન્યાયનું વેચાણ થાય તેવી કામગીરી થઈ રહી છે. આમાંનું કશું જ અદાલતોના ધ્યાન બહાર નથી, પરંતુ તેમના દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી તેવે વખતે પ્રશ્ર્ન છે કે ન્યાયતંત્રની સ્વતંત્રતા કયાં છે?

સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટની કામગીરીનું રેકોર્ડિંગ કરવાની દરખાસ્ત કેમ આગળ વધતી નથી? આવી બાબતથી કોની સ્વતંત્રતા પર તરાપ પડવાની છે? પ્રજાને શંકા જાય તેવી કામગીરીમાં ખુદ ન્યાયતંત્રની સામેલગીરી છે. થોડામાં ઘણું કહેવાયું છે હવે તેમાં સચ્ચાઈ કઈ છે તે પુરવાર કરવાનું કામ તેમનું છે.

ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર છે અને તેને છાવરી શકાય તેવું રહ્યું નથી. જે રીતે ન્યાયમૂર્તિઓ નિવૃત્ત થયા બાદ એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે તે દર્શાવે છે કે જળ કેટલા ઊંડા છે. ન્યાયતંત્ર પણ સગાવાદ - પ્રદેશવાદ અને ભાઈ-ભતીજાવાદથી ખદબદી રહ્યું છે. ન્યાય જેવું કશું જ રહ્યું નથી માત્ર તંત્ર રહ્યું છે.

ન્યાયતંત્ર સાથે સંકળાયેલાઓ માત્ર અંગ્રેજી ભાષાના દૈનિકો અને તેમની જ ટીવી ચેનલો જુએ છે. તેમને પ્રાદેશિક ભાષાના માધ્યમો શું પ્રત્યાઘાત આપે છે તે જાણવાની પરવા રહી નથી, પરંતુ સૌથી મોટો બેઝ ભાષાના માધ્યમોનો છે અને તેઓ ન્યાયતંત્રના તમામ ભાંડા ફોડવાના છે.

જ્યાં હજારો - લાખો કેસ પડતર હોય અને પ્રજામાં ન્યાયતંત્ર સામે વ્યાપક નારાજગી હોય ત્યાં સ્વતંત્રતાની વાત કરવી વ્યર્થ છે. આવી ચર્ચામાં કોઈને રસ નથી. ન્યાયતંત્રએ પહેલા પોતાનું ઘર સંભાળવાની જરૂર છે. ગામને મોઢે ગળણું બાંધી શકાતું નથી. તમામ પ્રકારની ન્યાયિક પ્રક્રિયા નવો ઓપ માગે છે.

દેશી તેલીબિયાંનાં તેલ આરોગ્ય માટે શ્રેષ્ઠ -- સ્પોટ લાઈટ -- સંજય વોરા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=112531

પામ ઓઇલ, સૂર્યમુખીનું તેલ અને કપાસિયાનું તેલ બેડ કોલેસ્ટરોલ વધારીને આરોગ્યને હાનિ પહોંચાડે છે

ભારત દેશ ભૌગોલિક દૃષ્ટિએ વિશાળ છે અને તેની ખાણીપીણીની રીતભાતો પ્રાંતે પ્રાંતે બદલાય છે. આહારવિજ્ઞાનનો પાયાનો સિદ્ધાંત એ છે કે જે પ્રદેશમાં જે અનાજ, કઠોળ, તેલીબિયાં, શાકભાજી, ફળો અને મરીમસાલા પેદા થતાં હોય તેનો જ આહાર કરવો. આ સિદ્ધાંત મુજબ આપણે ત્યાં દક્ષિણ અને પૂર્વ ભારતના અધિકાંશ લોકો આહારમાં ચોખાનો વધુ ઉપયોગ કરતા હતા. તેવી જ રીતે ગુજરાતની પ્રજા જુવાર, બાજરો અને મકાઇ ખાતી હતી તો પંજાબના લોકો આહારમાં ઘઉંનો વધુ ઉપયોગ કરતા હતા. જે પ્રદેશમાં જે તેલીબિયાં પાકે તેના તેલનો જ રસોઇમાં વધુ ઉપયોગ કરવાથી લોકોનું આરોગ્ય સચવાઇ રહેતું હતું. દક્ષિણ ભારતની પ્રજા રસોઇમાં કોપરેલ તેલનો વપરાશ કરતી હતી તો ઉત્તરની પ્રજા રાયડાના તેલનો અને ગુજરાતની પ્રજા તલના તેલનો વધુ ઉપયોગ કરતી હતી. મગફળી પણ ભારતીય પાક નથી. ભારત માટે તો મગફળીનું તેલ પણ વિદેશી છે. તે ઉપરાંત આજે જે વિદેશી તેલોની મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે, તેઓ હકીકતમાં આપણા આરોગ્યને ગંભીર નુકસાન કરનારાં છે, એમ આહારશાસ્ત્રીઓ કહે છે. તેમના મતે આપણે સાજાનરવા રહેવું હોય તો દેશી ખાદ્ય તેલો જ વાપરવાં જોઈએ.

ભારતમાં ખાદ્ય તેલના ઉદ્યોગે ભારે કાઠું કાઢ્યું છે. અગાઉ જ્યારે ઓઇલ મિલો નહોતી ત્યારે ગામનો ઘાંચી જ ખાદ્ય તેલની જરૂરિયાત પૂરી પાડતો, જેને તેલીબિયાં પણ તેના ગ્રાહકો જ આપતા. ઘાંચીનું કામ તો આ તેલીબિયાંમાંથી તેલ પીલવાનું જ રહેતું હતું. આ સ્થાનિક ઉત્પાદનને કારણે તેલીબિયાં પણ સ્થાનિક જ રહેતાં અને લોકોનું આરોગ્ય બરાબર સચવાઈ રહેતું. આજે ઓઇલ મિલોને કારણે ખાદ્ય તેલના ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયું છે અને લોકો પરપ્રાંતમાં અને પરદેશમાં પેદા થતું ખાદ્ય તેલ પણ ખાવા લાગ્યા છે. તેમાં પણ વનસ્પતિ તેલોના ઉત્પાદકોે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે એવો પ્રચાર કરે છે કે વનસ્પતિ તેલોમાં ઓછું કોલેસ્ટરોલ હોય છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે, પરંતુ હવે વિજ્ઞાનીઓ એ બાબતમાં લગભગ સર્વાનુમત ધરાવતા થયા છે કે આ દાવાઓ અત્યંત ગેરમાર્ગે દોરનારા હતા. તેઓ કહે છે કે આહારમાં માત્ર આરોગ્યપ્રદ ખાદ્ય તેલો જ વાપરવાં જોઇએ અને દેશી તેલો સૌથી વધુ આરોગ્યપ્રદ હોય છે.

વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો કોઇ પણ ખાદ્ય તેલ ત્રણ પ્રકારનાં ફેટી એસિડ્સનાં બનેલાં હોય છે. એક, સેચ્યુરેટેડ (સંતૃપ્ત) ફેટી એસિડ્સ; બે, મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને ત્રણ, પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ. કેટલાંક તેલોમાં પામિટિક એસિડ નામનો પદાર્થ હોય છે, જેનાથી લો ડેન્સિટી લાઇપોપ્રોટીન્સ (એલડીએલ)નું પ્રમાણ વધે છે. આ એલડીએલ ખરાબ કોલેસ્ટરોલ ગણાય છે, જ્યારે ઓમેગા-૩ અને ઓમેગા-૬ નામનાં ફેટી એસિડ્સ શરીરની રોગપ્રતિકારકશક્તિ વધારે છે અને તેઓ હૃદય માટે ખૂબ લાભકારક હોય છે. વિજ્ઞાનીઓ આ પ્રકારનાં ફેટી એસિડ્સને ગુડ કોલેસ્ટરોલ તરીકે ઓળખે છે. ભારતમાં પરંપરાગત રીતે વપરાતા તલ, રાયડા અને કોપરાના તેલમાં આ ગુડ કોલેસ્ટરોલ મોટા પ્રમાણમાં હોય છે. આયાત કરવામાં આવેલા પામ ઓઇલમાં એલડીએલ તરીકે ઓળખાતું બેડ કોલેસ્ટરોલ મોટા પ્રમાણમાં હોય છે.

૧૯૮૦ના દાયકામાં આપણા દેશમાં એવો પ્રચાર થવા લાગ્યો કે જે તેલોમાં સંતૃપ્ત ફેટી એસિડ્સ વધુ પ્રમાણમાં હોય છે, તે હૃદય માટે જોખમી હોય છે, કારણ કે તેમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધુ હોય છે. આવાં ખાદ્ય તેલોમાં તલ, રાયડો, કોપરું વગેરેનાં તેલોનો સમાવેશ થતો હતો. તે સમયગાળામાં સંતૃપ્ત ફેટી એસિડ્સનું ઓછું પ્રમાણ ધરાવતા સૂર્યમુખી તેલ, સોયાબીન તેલ વગેરેનો પ્રચાર વધવા લાગ્યો. કોપરેલમાં સંતૃપ્ત ફેટી એસિડ્સના ૯૨ ટકા પ્રમાણ સામે સૂર્યમુખીના તેલમાં તેનું પ્રમાણ ૧૧ ટકા અને સોયાબીનના તેલમાં ૧૫ ટકા જેટલું ઓછું હતું. આ વિદેશી તેલોથી હૃદયરોગનો ખતરો ટળે છે, એવા પ્રચારને કારણે તેમના વપરાશમાં જબરદસ્ત ઉછાળો આવ્યો અને પરંપરાગત ખાદ્ય તેલોના વપરાશને જબરદસ્ત ફટકો પડ્યો. સૂર્યમુખી અને સોયાબીનનાં તેલોમાં સંતૃપ્ત ફેટી એસિડ્સ ભલે ઓછાં હોય, પણ તેમાં અસંતૃપ્ત ફેટી એસિડ્સ વધુ પ્રમાણમાં હતાં, એ હકીકતની કોઈએ નોંધ ન લીધી. સૂર્યમુખીના તેલમાં પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સનું પ્રમાણ ૬૯ ટકા જેટલું અને સોયાબીનના તેલમાં તે પ્રમાણ ૬૧ ટકા જેટલું હતું. અમેરિકન જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે સોયાબીન અને સૂર્યમુખીના તેલના વપરાશથી શરીર માટે ફાયદાકારક હાઇ ડેન્સિટી લાઇપોપ્રોટીન (એચડીએલ)ના પ્રમાણમાં ઘટાડો થાય છે. આ તેલોમાં જે પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ હોય છે તે ખૂબ જ સક્રિય હોવાથી શરીરનાં અંગોમાં ચરબીના સ્વરૂપમાં જમા થાય છે અને બ્લડપ્રેશર તેમ જ હૃદયરોગને ઉત્તેજન આપે છે. આ સંશોધન બહાર પડ્યું ત્યાં સુધી ભારત જેવા દેશોમાં કરોડો લોકો સૂર્યમુખીના તેલના રવાડે ચડી ગયા હતા અને તેને હૃદય માટે લાભકારક માનવા લાગ્યા હતા. આજે પણ સૂર્યમુખીના તેલના ઉત્પાદકો તેનો પ્રચાર હૃદય માટે ઉપયોગી ખાદ્ય તેલ તરીકે જ કરે છે અને તે વાત સાચી માનીને લોકો પોતાના હૃદયને ગંભીર નુકસાન પહોંચાડે છે.

અસંતૃપ્ત ફેટી એસિડયુક્ત તેલો સસ્તામાં મળતાં હોવાથી વેફર, ચિપ્સ, તૈયાર ફરસાણ વગેરેનું ઉત્પાદન કરતા ઉદ્યોગો ખાદ્ય પદાર્થોમાં તેનો વ્યાપક ઉપયોગ કરતા થયા છે. બજારમાં મળતી મોટા ભાગની તળેલી ચીજવસ્તુઓમાં આ પ્રકારનાં ખાદ્ય તેલોનો જ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પણ પ્રોસેસ્ડ ફૂડના ઉદ્યોગમાં તો આ પ્રકારનાં સસ્તાં આયાતી તેલો જ વધુ પ્રમાણમાં વપરાય છે. જોકે આ તેલો પ્રોસેસ્ડ ફૂડની બનાવટમાં ટેક્નિકલ રીતે અગવડયુક્ત હોવાથી તેને હાઇડ્રોજનેટેડ બનાવવામાં આવે છે. આમ કરવાથી તેમાં ટ્રાન્સ-ફેટી એસિડ્સ પેદા થાય છે, જે માનવ આરોગ્ય માટે અતિશય હાનિકારક છે. હાઇડ્રોજનેટેડ વનસ્પતિ તેલોને આપણે વેજિટેબલ ‘ઘી’ તરીકે પણ ઓળખીએ છીએ. તેમાં રહેલાં ટ્રાન્સ-ફેટી એસિડ્સ આપણા શરીરની રોગપ્રતિકારકશક્તિનો નાશ કરે છે. આ પદાર્થ આપણા શરીરમાં લો ડેન્સિટી લાઇપોપ્રોટીન (એલડીએલ)ના પ્રમાણમાં પણ વધારો કરે છે, જે આરોગ્ય માટે હાનિકારક છે.

તેલીબિયાંમાંથી કઇ રીતે તેલ કાઢવામાં આવે છે, તેના ઉપર પણ તેલની ગુણવત્તા અવલંબિત હોય છે. ઓઇલ મિલોમાં તેલ કાઢવા માટે હેક્સેન જેવાં કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ સસ્તી છે, તેનાથી તેલનું ઉત્પાદન વધે છે, તેલ વધુ દિવસો સુધી બગડતું નથી અને તેમાંથી બધા રંગ અને સ્વાદ પણ દૂર થઇ જાય છે. પરંતુ તેલમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થો દૂર કરવા માટે તેલને ઉકાળવામાં આવે છે, જે પ્રક્રિયામાં તેની અંદર રહેલા પૌષ્ટિક પદાર્થોનો પણ નાશ થઇ જાય છે. તેથી વિરુદ્ધ બળદઘાણી વડે જે તેલ પ્રાપ્ત કરવામાં આવ્યું હોય તેમાં અસલ સ્વાદ, સોડમ, રંગ અને પૌષ્ટિક પદાર્થો જળવાઇ રહે છે. આ કારણે જ આજે કેટલાક શ્રીમંતો ઊંચી કિંમત ચૂકવીને પણ બળદઘાણીનું તેલ ખરીદતા જોવા મળે છે.

એક બાજુ વિજ્ઞાનીઓ બિનપરંપરાગત ખાદ્ય તેલોના ગેરફાયદાઓ વિશે સંશોધન કરી રહ્યા છે તો બીજી તરફ આવાં તેલોના ઉત્પાદકોના ગેરમાર્ગે દોરનારા પ્રચારને કારણે આપણા દેશમાં વિદેશી સસ્તાં ખાદ્ય તેલોનું વેચાણ સતત વધી રહ્યું છે. ઈ. સ. ૧૯૭૫ની સાલ સુધી આપણા દેશના ખાદ્ય તેલના કુલ વપરાશમાં પામ ઓઇલ, સૂર્યમુખી તેલ અને સોયાબીન તેલનો ફાળો માત્ર ૪ ટકા જેટલો જ હતો; આજે આ પ્રમાણ વધીને ૬૦ ટકા ઉપર પહોંચી ગયું છે. ઈ. સ. ૧૯૮૮ અને ૧૯૯૪ વચ્ચે આપણા દેશમાં ત્રણ લાખ ટન પામ ઓઇલ અને સોયાબીન તેલની આયાત કરવામાં આવી હતી. ઈ. સ. ૧૯૯૮ અને ૨૦૦૨ વચ્ચે કુલ બાવન લાખ ટન સોયાબીન અને પામ તેલની આયાત કરવામાં આવી હતી. આજે આપણા દેશમાં ખાદ્ય તેલોનો જે કુલ વપરાશ થાય છે, તેમાં પામ ઓઇલનો ફાળો ૩૮ ટકા અને સોયાબીનના તેલનો ફાળો ૨૧ ટકા જેટલો છે. ભારતના લોકોમાં હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે, તેમાં બહુ મોટો ફાળો આ વિદેશી હાનિકારક તેલોનો હોવાનું જણાઇ રહ્યું છે. તેમ છતાં આજે પણ કેટલાક અજ્ઞાની ડોક્ટરો પોતાના દર્દીઓને હૃદયરોગથી બચવા માટે સૂર્યમુખીનું તેલ વાપરવાની સલાહ કેમ આપતા હશે?

આ બાજુ વૈજ્ઞાનિક સંશોધનો સ્પષ્ટ સૂચવે છે કે ભારતનાં પરંપરાગત ખાદ્ય તેલો આરોગ્ય માટે ખૂબ જ લાભકારક છે. ઈ. સ. ૧૯૯૫માં કેરળ યુનિવર્સિટીમાં કરવામાં આવેલું સંશોધન એમ કહે છે કે કોપરેલનો ઉપયોગ કરવાથી લોહીમાં હાઇ ડેન્સિટી લાઇપોપ્રોટીન (એચડીએલ)નું પ્રમાણ વધે છે, જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. રાયડાના તેલમાં ઓમેગા-૩ નામનો જે પદાર્થ હોય છે તે અમુક પ્રકારના હૃદયરોગમાં ખૂબ જ લાભકારક છે, તેમ અમેરિકામાં અને ભારતમાં થયેલું સંશોધન કહે છે. આ સંશોધન મુજબ રાયડાના તેલમાં ઓમેગા-૩નું પ્રમાણ ૧૨ ટકા જેટલું હોય છે. તેની સરખામણીએ સૂર્યમુખીના તેલમાં ઓમેગા-૩નું પ્રમાણ માત્ર ૦.૫ ટકા જેટલું જ હોય છે. આ સંશોધનનો હેવાલ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રગટ થયો હતો. તેને કારણે સૂર્યમુખીનું તેલ આરોગ્ય માટે લાભકારક છે, તેવા દાવાઓ પોકળ સાબિત થઇ જાય છે. આપણે જો આપણું આરોગ્ય ટકાવી રાખવું હશે તો પરંપરાગત ખાદ્ય તેલોના વપરાશ તરફ પાછું વળવું પડશે.

અચલ રહા જો અપને પથ પર -- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=112524

સલામતીના કોચલાની બહાર નીકળીએ તો અસલામતી ઊભી થાયને?

નિર્બળ, નિરર્થક, નિર્માલ્ય વિચારો જ જીવનનું નિકંદન કાઢી નાખે છે. જીવનને નષ્ટ કરી નાખે છે.

ઉત્તમમાં ઉત્તમ જીવન જીવવાની જે જે સંભાવના હોય છે એ સંભાવનાના છોડને મૂળમાંથી કાતરી ખાનાર નબળા વિચારના ઝેરી જંતુઓ હોય છે.

સ્ટેજ પર પ્રથમ વાર બોલવા ઊભા થનારના પગ ધ્રૂજે છે. અવાજ લથડે છે. માથું ભમે છે. વિચારોનું સંકલન તૂટી જાય છે. પણ સંભવ છે તેનામાં જ કોઈ સમર્થ વક્તા થવાની સંભાવના છુપાયેલી હશે! ટેસ્ટ મૅચમાં હાથમાં બેટ લઈ પ્રથમ વાર જ રમનાર ખેલાડીના હૃદયના ધબકારા વધી જાય છે. પરસેવો વળી જાય છે. બેટ પરની પકડ ઢીલી થઈ જાય છે. આત્મવિશ્ર્વાસ ડગી જાય છે, પરંતુ એ જ ખેલાડી ભવિષ્યનો મહાન ક્રિકેટર પણ બની શકે છે. શૂટિંગની તૈયારીઓ થઈ રહી હોય અને મેકઅપ કરી તૈયાર ઊભેલા પ્રથમ વાર કેમેરા સામે આવતા અદાકારની આ જ હાલત હોય છે. પ્રેમીનો રોલ ભજવવાનો હોય છે. હૃદયમાં ડર સિવાય કાંઈ હોતું નથી. જે ઊર્મિઓ ચહેરા પર હિરોઈન સમક્ષ પ્રદર્શિત કરવાની હોય છે તેનો ચહેરાના ભાવ અને સંવાદો સાથે ક્યાંય મેળ ખાતો નથી.

મારા મિત્ર ચમનને અમે શેઠ પ્રવીણચંદ્રનું પાત્ર આપેલું. એનો સંવાદ હતો, "હું હજી જમ્યો નથી. આટલું બોલવાનું હતું પણ ચમન બોલ્યો, "હું હજી જન્મ્યો નથી. ખલાસ. નાટકની મજા મારી ગઈ. મારા મિત્ર વિનુભાઈ મહેતા બોલવામાં બીજાનો વારો આવવા નથી દેતા, પણ માઈક સામું મૂકો એટલે તરત બોલતા બંધ થઈ જાય છે. ઓટલે બેસીને ચર્ચા કરતી બહેનો પાસે ટેપ રેકોર્ડર મૂકી અને ચાલુ કરી જણાવી દ્યો કે તરત વાતો બંધ થઈ જશે.

અરે, ઑડિયન્સ સામે બોલવાની ક્યાં વાત કરવી? પરિચિત યુવતી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂકવામાં ધરતી આખી ચકરાવે ચડી હોય એવું લાગે છે. યુદ્ધ પહેલાં અર્જુનની દશા થઈ હતી એવી હાલત થઈ જાય છે. શા માટે આમ થાય છે? કોર્ટમાં પ્રથમ વાર દલીલ કરવા ઊભા થતા વકીલ, મેદાન પર ઊતરતા ખેલાડી, કેમેરા સમક્ષ અભિનય કરતા કલાકાર, જાહેરમાં બોલવા ઊભા થતા વક્તા વગેરેની આવી તકલીફ કેમ થાય છે? એક જ ડર છે મનમાં - નિષ્ફળતાનો. ફજેતો થશે તો? લોકો હાંસી ઉડાવશે તો?

નિષ્ફળતાનો વિકરાળ પંજો જાણે ગળા ફરતો ફરી વળતો હોય એવું લાગે છે. શ્ર્વાસ રૂંધાવા માંડે છે. તો પછી આવી વિકટ પરિસ્થિતિ સર્જવા શા માટે દેવી? શી જરૂર છે મેદાનમાં રમવા જવાની! શેરી શી ખોટી છે? શું જરૂર છે કેમેરા સામે ઊભા રહેવાની? આગળ વધવાની આકાંક્ષા જ નિર્મૂળ કરી નાખવાથી આ તમામ સમસ્યાઓ હલ થઈ જશે.

સલામતીના કોચલાની બહાર નીકળીએ તો અસલામતી ઊભી થાય ને? માનવીનું મન હંમેશાં સલામતીની ઝંખના કરે છે. અમે વિમાનમાં એન્ટવર્પ જતાં હતાં. મારી પાસે કરસનકાકા બેઠા હતા. રાત્રિના અઢી વાગ્યે સહાર એરપોર્ટથી વિમાન રવાના થયું. પછી તો ફ્લાઈટ એટલી સ્ટેડી હતી કે કરસનકાકાએ મને હલબલાવીને પૂછ્યું, "એ હેંડે છે કે ઊભું છે. મેં વળી ડાહ્યા થઈને ઉમેર્યું કાકા, એક કલાકના એક હજાર કિલોમીટરની ઝડપથી હેંડે છે. કરસનકાકા ગભરાઈ ગયા. એમને સ્પીડ ઘણી લાગી. એ ચિંતામાં પડી ગયા. મને ધીરે રહીને કહે, "તમે અંદર જઈને કો’ને ધીરે હલાવે, આપણે ક્યાં પહોંચવાની ઉતાવળ છે! કરસનકાકાના મનમાં અસલામતી ઊભી થઈ ગઈ. મને પસ્તાવો થયો. મેં કહ્યું, "એ તો હમણાં ધીમું પડી જશે. ચિંતા કરશો મા. આ સાંભળી એમને થોડી નિરાંત થઈ. વિઠ્ઠલને નાના આંતરડામાં અલ્સર હતું. તેનું ઑપરેશન કરવાનું હતું. અમે બધાં વિઠ્ઠલને મળવા ગયા. વિઠ્ઠલ સાવ મોળો પડી ગયો હતો. સગાસંબંધી હિંમત આપતાં હતાં, "વિઠ્ઠલ! જરાય મોળો પડીશ નહિ, મરદ કોઈ દી પાછા નો પડે. એમાં વળી મગનકાકા કહે, "જો ડૉક્ટર ટોપી સુંઘાડે તોય બેભાન થઈશ નહિ. નકર વેતરી નાખશે, કાકાએ ઠોંસો માર્યો, "તમને તે બોલવાનું ભાન છે કે નહિ? બીજાની સમજણ, બીજાની હિંમત, બીજાની શિખામણ આપણને કામ નથી આવતી. માનવી ગમે તે વાંચે, ગમે તેને સાંભળે, ગમે તેટલી શિખામણ યાદ રાખે પણ સરવાળે કરે છે પોતાની સમજણ પ્રમાણે જ.

જીવનમાં સફળતાની ઝંખના એને સલામતીના કિલ્લામાં રહેવા નથી દેતી અને અસલામતીમાં નિષ્ફળતાની શંકા એને સુખે સૂવા નથી દેતી. માનવીનું વ્યક્તિત્વ રહેંસાઈ જાય છે. દ્વિધા ઊભી થાય છે. કોન્ટ્રાડિક્શનમાં ઊર્જાનો વધુમાં વધુ વ્યય થાય છે. જીવનમાં જ્યાં પહોંચવું હોય તેની ઝંખના જ્યારે એટલી હદે તીવ્ર બની જશે ત્યારે રસ્તામાં આવતી કોઈ પણ મુશ્કેલીને ગણકારશે નહિ.

બાધાએં કબ બાંધ સકી હૈં,

આગે બઢને વાલોં કો,

વિપદાએં કબ રોક સકી હૈં

પથ પર ચલને વાલોં કો.

માનવીની ઝંખના જ તેના ધ્યેય સુધી પહોંચવાનો પંથ બની જાય છે.

અચલ રહા જો અપને પથ પર,

લાખ મુસીબત આને મેં,

મિલી સફલતા જગ મેં ઉસકો,

જીને મેં મર જાને મેં.

પહાડ પરથી નીકળેલી નદી સમુદ્રને મળવા માટે અનેક અંતરાયો ઓળંગી જાય છે. અનેક અવરોધો વટાવી જાય છે. "દરેક આપત્તિને તેનો અંત હોય છે. આ વાત નદી પોતાની મેળે જ શીખી લે છે. પોતાના વિષય વિષે પૂરતું જ્ઞાન મેળવનાર વક્તા ગભરાતા નથી. પૂરતી પ્રેક્ટિસ કરીને મેદાનમાં ઊતરતો ક્રિકેટર ડરતો નથી, સંગીતની રાત-દિવસ રિયાઝ કરનાર કલાકારને ક્ષોભ થતો નથી. અનેક વાર નિષ્ફળ ચિત્રો દોરી ચૂકેલો ચિત્રકાર સરળતાથી સફળ ચિત્રો બનાવે છે. સંવાદો આત્મસાત્ કરનાર અભિનેતા મૂંઝાયા વગર પોતાના અભિનયમાં ઓતપ્રોત થઈ શકે. સ્થળને, સમયને અને સ્વયંને વીસરી જનાર જ કાંઈક અનોખું સર્જન કરી શકે છે.

અમે નાટક ભજવતાં હતાં - ‘રખેવાળ’. એમાં ગ્રામ રક્ષક દળના બહાદુર જવાનો બહારવટિયાઓનો સામનો કરે છે. બહારવટિયા ગામ ભાંગવા આવે છે તેને જુવાનો લલકારે છે. ગામને ખાતર જાનફેસાની કરનાર અમે જુવાનો બન્યા હતા. અમારામાંના એક જુવાન ખેમરાજે કહ્યું: "ખબરદાર આગળ વધ્યો છો તો! જ્યાં સુધી અમારા દેહમાં લોહીનું એક ટીપું બાકી છે ત્યાં સુધી મજાલ નથી કોઈના બાપની કે આ ગામમાં પગ મૂકી શકે. બહારવટિયો બીજલ કહે: "જુવાનો, તમારાં માબાપને પૂછીને આવ્યા છો? હટી જાવ અમારા રસ્તામાંથી. નહિતર હમણાં બંદૂકની એક એક ગોળી સાથે તમારા જીવતરનાં અરમાન પૂરાં થઈ જશે. બહારવટિયાનો પડકાર ઝીલી અમારા જુવાનોમાંથી નટવરલાલને શૂરાતન ચડ્યું અને પોતાના પાત્રમાં ન હોય એવું નટુ બોલવા માંડ્યો.

"બીજલ, તને નામર્દો ભેટ્યા હશે પણ મર્દ ભેટ્યા નથી; તને નિર્માલ્યો ભેટ્યા હશે પણ નરવીર કદી ભેટ્યા નથી, આ બે જ સંવાદ નટુ બોલ્યો ત્યાં ઑડિયન્સમાંથી તાલીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો. નટુ જોશમાં આવી ગયો અને છપ્પો બોલ્યો:

‘સિક્કા પડે મુજ નામના રણયુદ્ધના મેદાનમાં,

હાંક મારી સાંભળી સિંહ થરથરે મેદાનમાં.

ધૂમકેતુઓની રસપ્રદ દુનિયા -- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=111887




ધૂમકેતુમાંથી નીકળતા ઝેરી વાયુ ચિત્રવિચિત્ર રોગ ફેલાવી શકે છે, પણ આપણા પૂર્વજો માનતા એમ અપશુકનિયાળ કે લડાઈ કરાવનારા તો નથી જ 

 પ્રાચીન સમયમાં લોકોને ખબર ન હતી કે ધૂમકેતુઓ શું છે? ક્યાંથી આવે છે? અને શેના બનેલા છે? ત્યારે ન હતા ગતિના નિયમો કે ન હતા ગુરુત્વાકર્ષણના નિયમો. ન હતા ખગોળવિજ્ઞાનના નિયમો કે ન હતા ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્રના નિયમો. લોકોને પદાર્થના બંધારણની પણ ખબર ન હતી. ત્યારે લોકોને પંચમહાભૂતોની જ ખબર હતી. તે હવા, પાણી, પૃથ્વી, અગ્નિ અને આકાશ હતાં. ત્યારે ન હતાં દૂરબીનો કે દૂરથી આવતા ધૂમકેતુઓને તે લોકો મહિનાઓ કે વર્ષો પહેલાં જોઈ શકે. 

પુરાતન માનવીઓ માટે ધૂમકેતુ અચાનક આકાશમાં ફૂટી નીકળતા આકાશીપિંડો હતા. ધૂમકેતુઓ પણ કેવા છે. લાંબી લાંબી પૂંછડી કાઢે. બે-ત્રણ પૂંછડીઓ પણ કાઢે. અને આકાશના ગમે તે ભાગમાં દેખાય. વળી પાછા તે અનિયમિત ચાલે. કેટલાક ઊંધી દિશામાં ચાલે. લગભગ સવાર-સાંજ દેખાય. લોકો ધૂમકેતુઓથી ડરતા. જ્યારે આકાશમાં ધૂમકેતુ દેખાતો ત્યારે પૃથ્વી પર કાંઈ પણ ખરાબ બનાવ બને તે બધા માટે દોષનો ટોપલો ધૂમકેતુ પર ઓઢાડી દેવામાં આવતો. ત્યાં સુધી કે ઘરમાં બિલાડી મરી જાય તો પણ તેના માટે જવાબદાર ધૂમકેતુ રહેતો. ધૂમકેતુ આવે તે પહેલાં રાજાનું મૃત્યુ થાય તો તે ધૂમકેતુ રાજાનો મૃતાત્મા મનાતો. ધૂમકેતુ આવ્યો હોય અને રાજા મૃત્યુ પામે, લડાઈ થાય કે રોગચાળો ફાટી નીકળે તો તેના માટે જવાબદાર ધૂમકેતુ ગણાતો. આ પાછળનું મુખ્ય કારણ લોકોનું ધૂમકેતુઓ વિષેનું અજ્ઞાન હતું.

એરિસ્ટોટલ જેવા ગ્રીક વિદ્વાનો માનતા કે ધૂમકેતુઓ ગ્રહો જેવા દૈવી આકાશીપિંડો નથી, પણ પૃથ્વીના વાયુમંડળમાં ઉત્પન્ન થતા અગ્નિગોળા છે, અને તે હવામાનમાં ચાલતી ક્રિયા-પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે.

આપણા ઋષિ-મુનિઓએ ધૂમકેતુઓની આકાશમાં જગ્યાઓ, તેમનાં રંગરૂપ, આકારો, છટાની નોંધો કરી હતી. તેમના ગર્ગ, પરાશર, નારદ જેવા નામો આપી કેટલૉગ બનાવ્યું હતું. પાંચમી-છઠ્ઠી સદીમાં થઈ ગયેલા ખગોળવેત્તા વરાહમિહિર દ્વારા સંપાદિત બૃહત્સંહિતા ગ્રંથમાં 

આપણા પૂર્વજોએ નીરખેલા એક હજારથી પણ વધારે ધૂમકેતુઓ પર વિવરણ વાંચવા 

મળે છે. 

સોળમી સદીમાં થઈ ગયેલા, મહાન ખગોળનિરીક્ષક ટાયકો બ્રાહેએ ધૂમકેતુઓના વેધ લઈને દર્શાવ્યું કે ધૂમકેતુઓ જેમ એરિસ્ટોટલ માનતો હતો તે પ્રમાણે પૃથ્વીના વાયુમંડળમાં ઉત્પન્ન થતા પદાર્થો નથી, પણ ચંદ્રથી પણ દૂર વિચરતા નાના આકાશીપિંડો છે. આ શોધે ધૂમકેતુઓને સમજવામાં એક નવો યુગ શરૂ કર્યો. આ સમય સુધીમાં ખગોળવિજ્ઞાનીઓને માલૂમ પડી ગયું હતું કે મહાસાગરમાં જેટલા પ્રચુર પ્રમાણમાં માછલીઓ હોય છે. તેટલા જ પ્રચૂર પ્રમાણમાં અંતરીક્ષરૂપી મહાસાગરમાં ધૂમકેતુઓ છે, અને તેમની પૂંછડી સૂર્યની વિરુદ્ધ દિશામાં રહે છે. તે બહુ પાંખા પદાર્થ અને વાયુની બનેલી હોય છે. એ જ અરસામાં કેપ્લરે ગ્રહગતિના નિયમો શોધ્યા અને ન્યુટને પછી ગતિના અને ગુરુત્વાકર્ષણના નિયમો શોધ્યા. એડમન્ડ હેલીએ ન્યુટનના નિયમો લાગુ પાડી ધૂમકેતુઓનો અભ્યાસ કર્યો અને દર્શાવ્યું કે ૧૬૮૨માં દેખાયેલો ધૂમકેતુ દર ૭૬ વર્ષે આવે છે અને હવે પછી તે ૧૭૫૮ના નાતાલના દિવસોમાં ફરી પાછો આવશે. તે ખરેખર ૧૭૫૮ના નાતાલના દિવસોમાં આવ્યો. તેથી હેલીના માનમાં તે ધૂમકેતુનું નામ હેલી રાખવામાં આવ્યું. આ શોધે ધૂમકેતુઓને સમજવામાં આધુનિક યુગનો પ્રારંભ કર્યો. આ શોધે દર્શાવ્યું કે ધૂમકેતુઓ ગ્રહોની માફક સૂર્યમાળાના સભ્યો છે. 

તેમ છતાં આપણને ખબર ન હતી કે ધૂમકેતુઓ શું છે? શેના બનેલા છે અને ક્યાંથી આવે છે. ૧૯પ૦ની સાલ ધૂમકેતુઓને સમજવામાં અગત્યની પુરવાર થઈ. એ સાલમાં જાન હેન્ડ્રિક ઉર્ટે ૧૯ લાંબા સમયચક્રવાળા ધૂમકેતુઓનો અભ્યાસ કરી બતાવ્યું કે એ લાંબા સમયચક્રવાળા ધૂમકેતુઓ દૂર, અતિ દૂરથી આવે છે. ત્યાં સૂર્યમાળાની ફરતે ધૂમકેતુઓની વસાહત હોવી જોઈએ. ધૂમકેતુઓની એ વસાહતને ઉર્ટના માનમાં ઉર્ટનું ધૂમકેતુઓનું વાદળ કહે છે. તેમ છતાં એ પ્રશ્ર્ન હતો કે એ ઉર્ટનું ધૂમકેતુઓનું વાદળ ત્યાં કેવી રીતે આવ્યું? તેની સમજ આ લેખના લેખકે સૂર્યમાળાના જન્મની થિયરી આપીને આપી છે. ગુરુત્વાકર્ષણથી સંકોચાતા અને ગોળ ગોળ ઘૂમતા વિશાળ, અતિવિશાળ દડાકાર વાયુ અને ધુલીકણોના વાદળ જેને આપણે સૌરવાદળ કહીએ છીએ તેમાંથી સૂર્યમાળા એક પછી એક પદાર્થનાં વલયો છૂટા થવાથી જન્મી છે. સૌથી બહારનું વિશાળ પદાર્થ અને વાયુનું વલય તે જ ઉર્ટનું ધૂમકેતુનું વાદળ. ઉર્ટનું ધૂમકેતુનંું વાદળ બાવીસ અબજ કિલોમીટરથી લઈને ૧૫૦૦૦ અબજ કિલોમીટર સુધી પથરાયેલું છે. તેમાં એક હજાર નાના-મોટા ધૂમકેતુઓ છે. સૂર્યમાળા તો વિશાળ ધૂમકેતુઓથી ભરેલા ગોળાનો નાનો સરખો કેન્દ્રનો ભાગ છે. સૂર્યમાળા તો ગાડાના પૈડાનું કે જબ્બર જાયન્ટ વ્હીલનું હબ હોય તેટલા જ ભાગમાં આવેલી છે. ૧૯પ૦ની સાલમાં કોસ્મોકેમિસ્ટ ફ્રેડ વ્હિપલે દર્શાવ્યું કે ધૂમકેતુઓ તો ગંદા બરફના ગોળા છે. 

થોડા દાયકા પહેલાં માત્ર પ૦૦ કે ૧૦૦૦ ધૂમકેતુઓનું વિજ્ઞાનીઓ પાસે લિસ્ટ હતું. હવે ર૦૦૦ ધૂમકેતુઓનું લિસ્ટ છે. વિજ્ઞાનીઓ માને છે કે સૂર્યમાળામાં હજારો, લાખો ધૂમકેતુઓ અને લઘુગ્રહો છે. સૂર્યમાળા ધૂમકેતુઓ અને લઘુગ્રહોનો સાગર છે.

સૂર્યમાળાની ફરતે ધૂમકેતુઓનું વિશાળ વાદળ છે તેમ દરેકેદરેક ઉપગ્રહમાળાની ફરતે પણ ધૂમકેતુઓનાં વાદળ છે, અથવા હતાં. બધા ગ્રહોની ફરતેનાં ઉર્ટના ધૂમકેતુઓનાં વાદળોએ ટૂંકા પરિક્રમા સમયવાળા ધૂમકેતુઓને જન્મ આપ્યો છે. તેમાં હૅલી, એન્કે વગેરે ધૂમકેતુઓ છે. હૅઈલ-બૉપ્પ ધૂમકેતુનો સૂર્ય-પરિક્રમા સમય ર૧૦૦ વર્ષનો છે. તે સૂર્યમાળા ફરતેના ઉર્ટના ધૂમકેતુઓનાં વાદળની અંદરની કિનારીએથી આવતો ધૂમકેતુ છે. તે ત્યાંથી ખરી પડીને સૌપ્રથમ વાર સૂર્યમાળામાં પ્રવેશ્યો છે. આમે તે તદ્દન યુવાન ધૂમકેતુ છે અને પદાર્થ, વાયુઓ અને ધૂલીકણોથી ફાટ ફાટ થાય છે. માટે જ તે ગુરુ અને શનિ વચ્ચેનાં દૂરના અંતરીક્ષમાં હતો ત્યારે શોધાયો હતો. 

ધૂમકેતુઓ જો મોટા અને પ્રકાશિત ન હોય તો તેઓ ગુરુની પેલે પારના અંતરેથી દેખાતા નથી. તે સૂર્યથી એક અબજ કિલોમીટરના અંતરે હતો ત્યારે શોધાયો હતો. તેનું કદ લગભગ ૪૦ કિલોમીટરનું છે, જે હેલીના ધૂમકેતુના કદથી પાંચ ગણું છે. (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=112533

અંતરીક્ષમાં તરતા બરફના પહાડો




વિજ્ઞાનીઓ માને છે કે પૃથ્વી પર મહાસાગરો પાણીથી છલકાય છે તે મૂળ તો ધૂમકેતુઓમાંથી આવ્યું છે. ધૂમકેતુઓ પૃથ્વી પર આવી પટકાયા અને અબજો ગેલન પાણી તેમાંથી પૃથ્વી પર આવ્યું

આઈસોન ધૂમકેતુ ઉર્ટના ધૂમકેતુઓનાં વાદળના અંદરના ભાગમાંથી આવે છે. એટલે કે તે ઘણે દૂરના અંતરેથી આવે છે. તેનો સૂર્ય-પરિક્રમા કરવાનો સમય ઘણો લાંબો છે. તે પણ સૂર્યમાળામાં પ્રથમ વાર પ્રવેશ્યો છે. તેનું કદ ધાર્યા કરતાં ઘણું નાનું, માત્ર પાંચ કિલોમીટરનું જ છે. તેમ છતાં તે દૂરથી દેખાયો હતો. તેથી વિજ્ઞાનીઓ માનતાં કે તે મોટો અને તેજસ્વી ધૂમકેતુ છે. પણ એ ભ્રમણા સાબિત થઈ છે. પણ તે જ્યારે દૂર હતો ત્યારે પ્રકાશિત તો હતો. કદાચ ત્યારે તે મોટો પણ હોય પણ એ શક્ય છે કે નજીક આવતાં તેણે તેનો ઘણો પદાર્થ ગુમાવી પણ દીધો હોય. ધૂમકેતુઓનું વર્તન જલદીથી કળી શકાય એવું હોતું નથી. 

ધૂમકેતુઓ કાર્બનડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ સાયનોજન મિથેન, ઈથેન, અમોનિયા અને પાણીના બરફના બનેલા છે. તેમાં એમિનો એસિડ પ્રચુર પ્રમાણમાં હોય છે, જે જીવનનો મૂળભૂત રસ છે. ધૂમકેતુ જ્યારે સૂર્યની નજીક આવે છે ત્યારે આ બધા પદાર્થોના બરફો પીગળે છે. અને અંતરીક્ષમાં ફ્ેલાય છે. સૂર્યમાંથી ખૂબ જ ગતિથી નીકળતા સૂર્યપવનોને લીધે આ બધા પદાર્થોનાં વાયુને તે સૂર્યની વિરુદ્ધ દિશામાં ઘસડે છે જેને આપણે ધૂમકેતુની પૂંછડી કહીએ છીએ. માટે જ ધૂમકેતુની પૂંછડી સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોય છે. 

ધૂમકેતુને બે પૂંછડીઓ પણ હોય છે-એક સીધી આયન ભરેલી પૂંછડી અને બીજી તેના માર્ગ સાથે ઘસડાતી વાંકી ધૂલીકણોની પૂંછડી. કોઈ ધૂમકેતુને તેના માથામાંથી પણ સૂર્ય તરફની દિશામાં પદાર્થનો જેટ બહાર પાડે છે. તે તેની ત્રીજી પૂંછડી બનાવે છે. ધૂમકેતુ વેસ્ટ તો બરાબર ઝાડુ (સાવરણી) આકારનો છે અને ધૂમકેતુ ઈકેયા-સાકી તલવારના આકારનો છે. ધૂમકેતુની પૂંછડી ઘણી વાર પંદર કરોડ કિલોમીટર લાંબી હોય છે. એ વખતે પૃથ્વી તેની પૂંછડીમાંથી પસાર થાય છે. એટલે કે ધૂમકેતુની પૂંછડીના હલકા વાયુમંડળમાંથી પસાર થાય છે. ધૂમકેતુનું નાભિ તો પાંચ, દશ, પંદર, વીસ કે પચીસ, બહુ બહુ તો ચાલીસ કિલોમીટરના વ્યાસનું હોય છે. પણ તેનું માથું એક કરોડ કિલોમીટરના વ્યાસનું વાયુનું વાદળ હોય છે. 

ધૂમકેતુ પૃથ્વીની નજીક આવે છે ત્યારે ધૂમકેતુનો પદાર્થ પૃથ્વી પર વરસાદ માફક વરસે છે. થોડા વિજ્ઞાનીઓ માને છે કે પૃથ્વી પર જે જીવન ઉત્પન્ન થયું છે તેના મૂળભૂત રેણુઓ (જીવન રસ) ધૂમકેતુઓમાંથી આવ્યો છે. પૃથ્વી પર વાયુમંડળ, પાણી અને હૂંફાળું હવામાન હોવાથી અહીં પૃથ્વી પર જીવન પાંગર્યું છે. ધૂમકેતુઓનાં આધુનિક અભ્યાસે આ માન્યતાને ટેકો આપ્યો છે. આ માન્યતાના જનક પ્રાધ્યાપક હોઈલ પ્રાધ્યાપક ચંદ્ર વિક્રમસિંઘ અને પ્રાધ્યાપક જયંત નારલીકર અને તેના સહયોગીઓ છે. 

થોડા વિજ્ઞાનીઓ માને છે કે પૃથ્વી પર જીવન પાણીમાં ઉત્પન્ન થયું હતું અને પછી જમીન પર આવ્યું. આમ પૃથ્વી પરનું જીવન આ બંને પ્રકારના મિશ્રણની ઊપજ છે. આમ પૃથ્વી પર જે જીવન ઉદ્ભવ્યું છે તેમાં ધૂમકેતુઓનો હાથ તો છે જ. 

ગમે તે હોય, પણ ધૂમકેતુઓ નાના પણ ઘણા અગત્યના આકાશીપિંડો છે. ગ્રહો, ઉપગ્રહોની રચનામાં બિલ્ડિંગ બ્લોક્સ છે અને સૂર્ય ગ્રહો, ઉપગ્રહો બન્યા પછી પાછળ વધી રહેલા પદાર્થ છે. તે સૌરવાદળનો મૂળભૂત પદાર્થ પોતાનામાં ધરબી બેઠા છે. તેથી ધૂમકેતુઓમાં રહેલા પદાર્થનો અભ્યાસ કરવાથી આપણને સૂર્યમાળાના મૂળભૂત પદાર્થ વિષે જાણકારી મળી શકે તેમ છે. જ્યારે સૂર્યમાળા જન્મી ત્યારે તેની પરિસ્થિતિ કેવી હતી તે વિશે જાણવા મળી શકે તેમ છે. 

વિજ્ઞાનીઓ એમ પણ માને છે કે પૃથ્વી પર મહાસાગરો પાણીથી છલકાય છે તે મૂળ તો ધૂમકેતુઓમાંથી આવ્યું છે. ધૂમકેતુઓ પૃથ્વી પર આવી પટકાયા અને અબજો ગેલન પાણી તેમાંથી પૃથ્વી પર આવ્યું. તે પાણીના વેગન અને વેગન હોય તેમ પાણીથી મહાસાગરો ભરાઈ ગયા. ધૂમકેતુઓના એક લાખ ટન પદાર્થમાં અબજો લિટર પાણી હોય છે, અને એક ધૂમકેતુમાં લગભગ દશ હજાર અબજ ટન પદાર્થ હોય છે. હાલમાં ચંદ્રના ઊંડા ઉલ્કાકૂંડોમાં જે પ્રચુર પ્રમાણમાં બરફો મળી આવ્યા છે તે હકીકતમાં તેમાં આવી પડેલા ધૂમકેતુઓના બરફો છે. ધૂમકેતુઓ અંતરીક્ષમાં તરતા બરફના પહાડો છે. 

વિજ્ઞાનીઓ માને છે કે ધૂમકેતુઓ ગ્રહોનાં વાયુમંડળોમાં ફેરફાર કરે છે. તે ગ્રહોના નવાં વાયુમંડળો પેદા કરે છે અને ક્યાંક તેમનાં વાયુમંડળોનો નાશ કરે છે. તે ગ્રહો પરના જીવનની જાત બદલાવી શકે છે. સામાન્ય રીતે તો ધૂમકેતુઓ નિર્દોષ નાના આકાશીપિંડો છે પણ પૃથ્વી પર આવી પડે ત્યારે ઉલ્કાપાત સર્જી શકે છે. માટે જ કદાચ આપણા પૂર્વજો તેનાથી ડરતા હતા. ધૂમકેતુઓમાંથી ઝેરી વાયુઓ નીકળે છે, જે ચિત્ર-વિચિત્ર પ્રકારના રોગો ફેલાવી શકે છે. આમ તેઓથી ડરવા જેવું તો ખરું જ. તેમ છતાં તેઓ જેમ લોકો માનતા તેમ અપશુકનિયાળ કે લડાઈ કરાવનારા તો નથી જ. લડાઈ તો આપણે કરીએ છીએ. (સમાપ્ત)