Tuesday, September 23, 2014

તમામ વિકલ્પો ખૂટી પડ્યા પછી જ માણસ બધાની સાથે સારી રીતે વર્તવાનું શરૂ કરે છે -- ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=141182

વિસંવાદ માણસનો મૂળભૂત સ્વભાવ છે. પ્રકૃતિની પ્રતિકૂળતાઓ એણે આદમના જમાનાથી સહન કરી છે. કુદરત સાથે એને ક્યારેય બન્યું નથી. કુદરતે સર્જેલા કોઈ જીવ સાથે એને ક્યારેય બન્યું નથી. બીજા માણસ સાથે એને બન્યું નથી. અને મોટા ભાગના કિસ્સાઓમાં તો, માણસને એની પોતાની સાથે પણ બન્યું નથી.

સંવાદિતા આપોઆપ નથી સર્જાતી. સખત મહેનત કરવી પડે છે, મોટાં મોટાં ઘર્ષણોનો સામનો કરવો પડે છે. ચારેકોરની બેસૂરી દુનિયાને સૂરમાં લાવતાં લાવતાં નાકે દમ આવી જતો હોય છે.

કુદરતની મહેરબાની એ ખૂબ પ્રિય શબ્દપ્રયોગ છે લેખકોનો, પ્રવચનકારોનો, સાધુસંતોનો, કુદરતે ક્યારેય કોઈ મહેરબાની નથી કરી માણસ પર, કુદરતે ક્યારેય માણસનું બગાડવાના આશયથી પણ કોઈ પ્રવૃત્તિ નથી કરી. કુદરતને કારણે માણસનું સુધર્યું કે બગડયું હોય તો તે અનુક્રમે માણસની મહેનતને કારણે કે પછી માણસની આળસ/ અણઆવડત/ અભાવભરી પરિસ્થિતિને કારણે.

કુદરતનાં પાંચ મૂળભૂત તત્ત્વોને પંચ મહાભૂત બનાવ્યાં માણસની દૃષ્ટિએ. આ પાંચેપાંચ તત્ત્વોને તાબામાં લેવામાં નિષ્ફળ ગયેલા માણસે સર્જનના સિક્કાની પાછલી બાજુ નામે તબાહી પણ જોઈ છે. પૂર, વાવાઝોડું, ધરતીકંપ કે આગ જેવી મહા આફતોથી બચવા માણસે કુદરતને નાથવાનું શરૂ કર્યું, પણ દર વખતે એને સફળતા મળતી નથી, મળી શકે પણ નહીં. કારણ કે આ દુનિયાનું વજૂદ હાર્મનીને કારણે નહીં ડિસહાર્મનીને કારણે છે, સંવાદિતા નહીં પણ વિસંવાદિતાના આધારે દુનિયા ટકી રહી છે.

કુદરતનું રૌદ્ર સ્વરૂપ અનુભવીને માણસ હંમેશાં સજાગ રહેતાં શીખી ગયો છે. કુદરતની થપાટો ઝીલને એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના અનેક નુસખાઓ શોધતો રહ્યો છે. ગરમીની સામે ઍરકન્ડિશનર અને ઠંડીની સામે હીટર શોધવાની માથાઝીંક માણસે ક્યારેય ન કરી હોત, જો કુદરત એની સાથે હળીમળીને રહેતી હોત તો. સંઘર્ષ અને વિસંવાદિતા વિના દુનિયાની પ્રગતિ અશક્ય છે. કવિઓ ભલે હળીમળીને રહેવાની અને માનવીમાંથી વિશ્ર્વમાનવી બનવાની વાત કરે. આજની તારીખે બીજું કંઈ નહીં તો, વિશ્ર્વના તમામે તમામ દેશોના વિઝા મેળવવાની તો કોશિશ કરી જુઓ, પછી વિશ્ર્વમાનવી બનવાની વાત કરીએ. કવિતાની જ પંક્તિનો આધાર લેવો હોય તો હું કવિ ડૉ. મુકુલ ચૉક્સીને ટાંકવાનું પસંદ કરીશ:

હું વિષના વાતાવરણ વચ્ચે પાંગરીશ સદા

ને પ્રાણવાયુની ટાંકીમાં આપઘાત કરીશ

માણસ જેમ કુદરતની સાથે સખણો રહી શકતો નથી એમ બીજા માણસો સાથે પણ સીધો રહીને જીવી શકતો નથી. કુદરત સામે તમારે કશું જ ન કરવું હોય તો તમારે ચોમાસામાં છાપરા વગર ખુલ્લામાં સૂવું જોઈએ, ધોમધખતા તડકામાં ખુલ્લા પગે ને ઉઘાડે માથે રહેવું જોઈએ અને કડકડતી ઠંડીમાં નિર્વસ્ત્ર બનીને ફરવું જોઈએ. ઘર, છત્રી, પગરખાં, વસ્ત્ર ઈત્યાદિ તમામ શોધ કુદરતનો પ્રતિકાર છે, કુદરતનાં કારનામાં સામે માણસનો જવાબ છે. પ્રતિકાર કર્યા વિના આગળ વધવું તો ઠીક અસ્તિત્વ ટકાવી રાખવું પણ અશક્ય છે.

કુદરતની જેમ માણસને બીજાં પ્રાણીઓ પણ નડે છે, ને એમાંય માણસ નામનું પ્રાણી ખાસ નડે છે. અન્ય પ્રાણીઓનું તો ઠીક, એમને એ પાંજરામાં પૂરી શકે છે પણ બીજા માણસોને એ પાંજરામાં પૂરી શકતો નથી. જો એવું થતું હોત તો દરેક મોટા શહેરમાં પ્રાણીબાગ જોવા મળે છે એ રીતે જૈનોની વગ ધરાવતાં શહેરોમાં વૈષ્ણવબાગ અને વૈષ્ણવોની બહુમતી ધરાવતા વિસ્તારોમાં જૈનબાગ જોવા મળતા હોત.

એક માણસ બીજા માણસની સાથે હળીમળીને રહી શકે એવી એની પ્રકૃતિ જ નથી. ઝઘડવું એ એનો મૂળભૂત સ્વભાવ છે. ઝઘડો કરીને જ એ પોતાની મહત્તા બીજા પર સ્થાપી શકે છે અને પોતાની મહત્તા ન સ્થપાય ત્યાં સુધી એને જીવવું નિરર્થક લાગે છે, પોતાની જાત માટેનો અહોભાવ ઓછો થઈ જતો હોય એવું લાગે છે. સેલ્ફ એસ્ટીમ જાળવવા માણસે માત્ર બીજાઓની આગળ જ નહીં, પોતાની જાત સમક્ષ પણ પોતાની મહત્તા પુરવાર કરવાની હોય છે, અને એ કામ એણે બીજાઓની સાથે સંઘર્ષમાં ઊતરીને જ કરવું પડે. એની પોતાની ઈચ્છા ન હોય તો બીજાઓ એને રણમેદાનમાં લઈ આવે. લડવું તો પડે જ. ભગવદ્ ગીતામાં કૃષ્ણે અર્જુનને કહ્યું: મામનુસ્મર યુદ્ધસ્ય. મારું સ્મરણ કર, (અને) યુદ્ધ કર. લડવું તો પડે જ. ભગવાનનું નામ લઈને બેસી રહેવાથી કંઈ ન વળે.

માણસને માથે શિંગડાં હોત તો એના માટે કામ આસાન થઈ ગયું હોત, લડવા માટે એને જીભનો ઉપયોગ કરવાની ભાગ્યે જ જરૂર પડતી હોત. માથું પિસ્તાલીસ ડિગ્રીએ નમાવ્યું અને ફૂંફાડો મારીને ચાર ડગલાં દોડ્યા કે કામ પત્યું. પણ કમનસીબે જિંદગી એટલી આસાન નથી. શિંગડાના અભાવે જીભથી ચલાવી લેવું પડે છે.

કોઈપણ માણસ ક્યારેય નમ્ર હોતો નથી. કોઈ પણ માણસ ક્યારેય તમને ઉપયોગી થવા કે તમારી મદદ કરવા તત્પર નથી હોતો. એ પોતાનું સાચવે કે પછી તમને મદદ કરવા આવે? તમારે વિચારવું જોઈએ. કોઈ પણ માણસ પોતાનો સ્વાર્થ ન હોય ત્યાં સુધી બીજાના ભલા વિશે વિચારતો નથી. એ સ્વાર્થ નિજાનંદનો હોઈ શકે. કબૂલ. પણ સ્વાર્થ એ સ્વાર્થ.

માણસનો સ્વભાવ ઝઘડાળુ છે. મોટા સ્તરે એ પાડોશી રાષ્ટ્રને ગાળો આપે છે અને નાનામાં નાના સ્તરે સગા ભાઈ સાથે બાખડે છે. વચ્ચેના સ્તરોમાં પરભાષી, પરધર્મી અને પરજ્ઞાતીલા આવી જાય. માણસ ક્યારેય સોશ્યલ ઍનિમલ નહોતો, સામાજિક પ્રાણી બનવાની 

એને ફરજ પડી છે, કહો કે એના કરતાં જોરાવર એવા બીજા માણસોએ એને સમૂહમાં રહેવાની ફરજ પાડી છે. એ હવે એકલો રહેતાં ડરે છે. ડરવું જ પડે. નહીં તો પેલા જોરાવરો એને ફોલી ખાય.

માણસ નામનું મૉડલ બીજાઓ સાથે હળીમળીને રહેવા સર્જાયું જ નથી. ટીવી પાસે તમે માઈક્રોવેવ અવનનું કામ કેવી રીતે લઈ શકો? અહમ્ માણસના અસ્તિત્વનું કેન્દ્રસ્થાન છે, બીજ છે. એ આત્મકેન્દ્રી જ હોવાનો. બીજાઓની એને ભાગ્યે જ પડી હોય. પોતાની જીદ ચાલે એમ હોય ત્યાં સુધી એ બીજાની પરવા કરતો નથી. પણ કમનસીબે એની જીદ બધે ચાલતી નથી. એને જેવું વિશ્ર્વ જોઈએ છે એવું એ બનાવી શકતો નથી. ક્યારેક એને ભ્રમ થાય છે કે બીજાઓ સાથે હળીમળીને રહેવાથી એમનો સાથસહકાર મળી જશે અને પોતાની કલ્પના મુજબનું વિશ્ર્વ એ બનાવી શકશે.

એનો આ ભ્રમ લાંબું ટકતો નથી. લોકો એને એની કલ્પના મુજબનું વિશ્ર્વ નહીં રચવા દે. કારણ સીધું છે. બીજાઓ પોતાની કલ્પના મુજબની દુનિયા બનાવવા માગે છે. ક્યારેક તમારી અને એમની કલ્પનાઓ એકમેકને મળતી આવતી હશે તો પણ તેઓ વિચારશે કે તમે પહેલાં તમારી કલ્પના રજૂ કરી, હવે તમને ટેકો આપું તો હું તમારી પાછળ પાછળ ચાલનારો કહેવાઉં એટલે હવે હું તમારો વિરોધી.

માણસે સારા બનવું પડે છે, બીજા સાથે સારી રીતે રહેવું પડે છે એનું એકમાત્ર કારણ છે કે એવું કર્યા વિના એનો કોઈ છૂટકો નથી. દુનિયામાં રહેવું હશે તો એણે પોતાના સ્વ-ભાવના ટુકડાઓ કાપી કાપીને બીજાઓને ખવડાવી દેવા પડશે, કેશવાળી વિનાના સિંહ બની જવું પડશે. આ જગતમાં સૌથી સુખી માણસ કયો? એ જે બીજાઓની સાથે મનફાવે તે રીતે વર્તી શકે, એવું વર્તન એને પોસાઈ શકે અને જો ક્યારેક એવા વર્તનની કિંમત ચૂકવવાની આવે તો હસતાં હસતાં ચૂકવી શકે.

પોતાની કોઈ જ મજબૂરી ન હોવા છતાં બધાની સાથે સારી રીતે વર્તતો એક જ માણસ આ જગતમાં હતો, એના પહેલાં કોઈ નહોતું અને એની પછવાડે એવો કોઈ વૈષ્ણવજન પાક્યો નથી. એના નામનો ફોડ શું પાડવો? તમે સૌ એને ગજવામાં ઘાલીને ફરો છો.

આજનો વિચાર

નર્કમાં જવાનો રસ્તો ક્રિયાવિશેષણોથી છવાયેલો છે.

- સ્ટીવન કિંગ (ગઈ કાલે આ મહાન અમેરિકન લેખકની ૬૭મી વર્ષગાંઠ હતી)

એક મિનિટ!

આ વૉટ્સઍપના ચક્કરમાં દિમાગના નટબોલ્ટ ઢીલા થઈ ગયા છે...

એક સેક્ધડમાં મિજાજે શાયરાના થઈ જાય છે અને બીજી જ સેક્ધડે દેશભક્તિનો જુવાળ પ્રગટે છે.

એ પછી તરત સની લિયોન આવીને બોડીમાં કેમિકલ લોચા ઍક્ટિવેટ કરી નાખે છે.

ત્યાં જ અચાનક કોઈ ભગવાન બુદ્ધ અને વિવેકાનંદનાં સુવાક્યો મોકલીને મૂડની વાટ લગાડી નાખે છે.

એ પછી કોઈ દુખી આત્મા પત્ની વિશેના જોક્સ પર જોક્સ મોકલીને પોતાની મર્દાનગી સાબિત કરવાની કોશિશ કરે છે.

અને હવે જ્યારે થોડી શાંતિ મળી રહી છે એવું લાગે ને કોઈનો ડરાવી નાખે એવો ફૉરવર્ડ સાંઈબાબાને નામે આવે છે કે આ દસ જણને મોકલશો તો લૉટરી લાગશે નહીં તો સત્યનાશ થઈ જશે તમારું.

આ પછી દિમાગનું દહીંવડું ત્યારે થાય છે જ્યારે કોઈ ક્વિઝ લઈને આવે છે.

માણસનું આટલું ઝડપી હૃદયપરિવર્તન તો માત્ર વૉટ્સઍપ પર જ થઈ શકે છે.

(વૉટ્સએપ પર ફરતું).

No comments:

Post a Comment