Showing posts with label સૌરભ શાહ. Show all posts
Showing posts with label સૌરભ શાહ. Show all posts

Thursday, March 21, 2019

અંતે તો તમારે શબ્દની સાથે જ ઊઠવાબેસવાનું, જીવવામરવાનું છે - સૌરભ શાહ

કવિ સુરેન ઠાકર ‘મેહુલ’એ ઝવેરચંદ મેઘાણી વિશે વાત કરતાં એક સરસ અભિવ્યક્તિ આપી હતી કે મેઘાણી શબ્દની સંતાન જેટલી કાળજી લેતા.

સંતાનને લાડ પણ લડાવવાનાં હોય અને કહ્યામાં ન રહે ત્યારે ધમકાવવાનાં પણ હોય. શબ્દો દરેક લેખક માટે પોતાનું ફરજંદ છે. એને કેવી રીતે ઉછેરવા, એને કેવા સંસ્કાર આપવા એ લેખકના પોતાના પર નિર્ભર છે. પણ આજે અહીં માત્ર લેખકના શબ્દની વાત નથી કરવી. જનસામાન્યના શબ્દની વાત છેડવી છે. માણસ શબ્દો દ્વારા - બોલીને કે લખીને - કોઈકને પ્રેમ કરી શકે છે, કોઈકનું દિલ તોડી શકે છે, કોકના પર વેર વાળી શકે છે, કોઈકને ગુસ્સે કરી શકે છે, કોઈકને શાતા આપી શકે છે, કોઈકના મનમાં રોમેન્ટિક તો ક્યારેક ગમગીનીનો માહોલ ઊભો કરી શકે છે, કોઈકને શૂરાતન ચડાવી શકે છે, હતોત્સાહ પણ કરી શકે છે, મહેણાં મારી શકે છે, ઉમળકો વ્યક્ત કરી શકે છે.

માનવસ્વભાવની ઘણીખરી, બધી જ નહીં, લાગણીઓ વ્યક્ત કરવા માટે આ શબ્દો કામ લાગે છે. કવિ મનોજ ખંડેરિયાએ કહ્યું હતું: મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા / ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

શબ્દની મર્યાદા વિશે અત્યારે વાત નથી કરતા. એ આખો જુદો વિષય છે. મર્યાદા કે સીમા ત્યારે આવે જ્યારે અમુક ચોક્કસ અંતર કપાઈ ચુક્યું હોય. ચિનુ મોદી ‘ભાવ-અભાવ’ નવલકથામાં લખી ચૂક્યા છે તે સાવ સાચું છે: ‘ભાષાનો આ સેતુ ખખડી ગયેલો છે, પસાર થતાં ક્યારે ગાબડું પડે એ કંઈ કહેવાય નહીં. એટલે અનિવાર્ય હોય તો જ આ પુલ પરથી પસાર થવાનું જોખમ ખેડવું.’

તો આ મર્યાદા વિશે ફરી ક્યારેક. આજે શબ્દની તાકાત વિશે, શબ્દના વપરાશ વિશે. શબ્દ દ્વારા અભિવ્યક્તિની ટેવ પડી ગયા પછી પણ ક્યારેક અજ્ઞાન તો ક્યારેક આળસને કારણે આપણે અનેક પ્રકારના ભાવ પ્રગટ કરવા એક જ શબ્દથી ચલાવી લેતા હોઈએ છીએ. ‘ફાઈન’ શબ્દ હવે લગભગ ગુજરાતી બની ગયો છે. પિક્ચર કેવું? ફાઈન. છોકરો કેવો? ફાઈન. ખાવાનું કેવું? ફાઈન. કપડાં પણ ફાઈન અને પ્રવાસ પણ ફાઈન અને કામવાળીએ આજે કરેલું કચરાપોતું પણ ફાઈન. જ્યાં ત્યાં ફાઈન વાપરવાની આ ટેવ પ્રત્યે, કોર્નેલ યુનિવર્સિટીમાં ભણીને શેક્સપિયર વિશે પીએચ.ડી. કરનારાં ડૉ. અંજના દેસાઈએ મારું ધ્યાન દોર્યું એ પછી હું એમની રસોઈને ટેસ્ટફુલ, એમની સાડીને કલરફુલ અને એમને પોતાને ગોર્જીયસ કહેતાં શીખ્યો છું.

આપણે કંઈ સાહિત્યકાર કે લેખક થોડા છીએ કે બોલતી/લખતી વખતે ધ્યાન રાખવું પડે? આ દલીલ જ ખોટી છે. ચાકુની ધારનું કેમ ધ્યાન રાખવું પડે છે? એ વાગી શકે છે. કાચનો કપ હાથમાંથી છૂટી ન જાય એનું શા માટે ધ્યાન રાખવું પડે છે? એ ફુટી જઈ શકે છે. શબ્દને બેદરકારીથી વાપરતાં ઘણા અકસ્માતો થઈ શકે છે અને કાળજીપૂર્વક એનો ઉપયોગ કરીને ઘણા સંભવિત અકસ્માતો નિવારી શકાય છે. શબ્દો પ્રત્યેની બેદરકારી માટે સામાન્યજન કરતાં ભાષાના વિદ્યાર્થીઓ કે લેખકો-પત્રકારો વધારે જવાબદાર છે. ફાધર વાલેસે ભાષાશાસ્ત્રના વિદ્યાર્થીઓને લઈને એક પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગ અમેરિકાના સાહિત્યિક હાસ્યકાર માર્ક ટ્વેઈનના નામે ઓળખાય છે. માર્ક ટ્વેઈને એક વાર પોતે અંગ્રેજીમાં લખેલો એક ફકરો લીધો. કોઈની પાસે એમણે એનો ફ્રેન્ચમાં અનુવાદ કરાવ્યો. પછી એણે પોતે એને ફ્રેન્ચમાંથી પાછો અંગ્રેજીમાં ઉતાર્યો અને મિત્રો આગળ સંભળાવ્યો ત્યારે મિત્રો ખડખડાટ હસી પડ્યા.

ફાધર વાલેસે એક વખત એમની કૉલેજમાં વિદ્યાર્થીઓ માટે પન્નાલાલ પટેલના એક લેખમાંથી આ ફકરો પસંદ કર્યો. ફાધરના પ્રયોગ ઉપરાંત આમેય પન્નાલાલનો આ દીર્ઘ ગદ્યખંડ આ લેખ માટે રિલેવેન્ટ છે:

‘મને ક્યારેક લેખક થવાનો વિચાર તો આવેલો જ નથી પછી મથામણ કરવાની કે ચિંતન કરવાની તો વાત જ ક્યાં રહી! આ હિસાબે મારા માટે તો શબ્દની ઈચ્છા, પ્રતીક્ષા, પ્રયત્ન, ચિંતન કે અભ્યાસ - કશું જ કરવામાં આવ્યું ન હતું... ટૂંકમાં, કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ મેં કદી કર્યો નથી અને આમ સહજ રીતે સાપ મૂઠીમાં પકડાઈ ગયો એ પછી તો જેમ જેમ સમજાતું ગયું કે આ તો સાપ છે તેમ તેમ મૂઠી મજબૂત બનતી ગઈ. અને પછી ‘હીરો’ બની બેઠા પછી તો મૂઠી છોડવી એ પણ મૂર્ખામી કરવા જેવું હતું. મૂઠી પણ જેમ જાણે કે મડામૂઠ બની ગઈ હતી... આ ઉપરાંત આ રસ્તે મારા જીવનનો ખાસ પ્રશ્ર્ન રોજી રોટીનો પણ એમાંથી સહેજે ઊકલતો હતો. મેં ક્યાંક વાંચ્યું-સાંભળ્યું છે કે સર્જન કરવાનું કામ નશાના બંધાણી જેવું છે. છોડવા જાઓ તો પણ છૂટવું મુશ્કેલ છે. ટૂંકી વાર્તામાંથી નવલકથામાં પણ સહજ રીતે લસરી પડેલો - કદાચ મારા સર્જન-ઉન્મેષને ટૂંકી વાર્તા ટૂંકી પડી હશે!’

આ પેરેગ્રાફને ફાધર વાલેસના પ્રયોગ તરીકે વાંચવા ઉપરાંત સ્વતંત્રપણે પણ વાંચવો જોઈએ. પ્રયોગની વાત કરીએ. ફાધર વાલેસે આ ફકરાને વિદ્યાર્થીઓના એક જૂથ પાસે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરાવ્યો. અને બીજા જૂથને મૂળ ગુજરાતી પાઠ આપ્યા વિના, માત્ર અંગ્રેજી ભાષાંતર આપીને કહ્યું કે હવે તમે આનો ગુજરાતી અનુવાદ કરો. આ ગુજરાતી તરજૂમાનો ઉતારો પણ અહીં છે. તમે જોશો કે મથામણ, પુરુષાર્થ, સહજ રીતે મૂઠીમાં, મડામૂઠ, રોજીરોટી, બંધાણી કે લસરી પડેલા જેવા તદ્ભવ તેમ જ તળપદી અભિવ્યક્તિના શબ્દો કે ભાવપ્રયોગની વાયા અંગ્રેજી, કેવી દયાજનક હાલત થઈ છે. પન્નાલાલે વાપરેલા ‘સર્જન-ઉન્મેખ’ શબ્દપ્રયોગને ભલે કોઈ ટિપિકલ પન્નાલાલશાહી ન કહે પણ લેખનની વાત કરતી વખતે પન્નાલાલ માટે આ શબ્દ સાહજિક, હાથવગો હતો. પન્નાલાલે એમની અસલ ગુજરાતી બાનીમાં ‘હીરો’ જેવો અંગ્રેજી શબ્દ વાપર્યો છે જે મૂળ લખાણમાં એકદમ સાહજિક લાગે છે. એ જ શબ્દ જ્યારે અંગ્રેજીમાં રૂપાંતરિત થઈને ગુજરાતીમાં પાછો આવે છે ત્યારે કેટલો આગંતુક લાગે છે તે માર્ક કરજો. ઘણા અંગ્રેજી શબ્દપ્રયોગો ગુજરાતીમાં સાહજિક લાગતા હોય છે. ‘મુંબઈ સમાચાર’માં ૧૯૯૫ની સાલમાં મારી દૈનિક કૉલમ ‘ગુડ મૉર્નિંગ’ શરૂ થઈ ત્યારે કેટલાક ઉત્સાહીઓ મને કૉલમનું નામ ‘સુપ્રભાત’ નામ રાખવાનું સૂચવતા. ગુજરાતી કે ભારતીય સંસ્કારોમાં સવાર, બપોર, સાંજ કે રાતના સમયે શુભેચ્છા આપવા-લેવાની કોઈ પરંપરા નથી. સુપ્રભાત કે શુભરાત્રિ આપણે અંગ્રેજીમાંથી તોડીને જોડી કાઢેલી અભિવ્યક્તિ છે. (એ જ રીતે તહેવારો ટાંકણે કૃત્રિમ શુભેચ્છાના શબ્દો કહેવાની પણ આપણે ત્યાં કોઈ પરંપરા નથી પણ હૅપી ન્યુ યર કે હેપી ક્રિસમસના ચાળે ચડીને આપણે હૅપી મકરસંક્રાંતિ, હૅપી હોલી, હૅપી રક્ષાબંધન, હૅપી દશેરા વગેરે ચાંપલાવેડા કરતા થઈ ગયા છીએ.

ખેર, મુંબઈ-અમદાવાદ-મુંબઈની ટ્રેનની જેમ ગુજરાતી-અંગ્રેજી-ગુજરાતીના પ્રવાસ પછી પણ આપણને ફાધર વાલેસના વિદ્યાર્થીઓ જે નવા પન્નાલાલ પટેલ આપે છે એને ઓરિજિનલ સાથે સરખાવીને એક એક વાક્ય વાંચતા જાઓ. મઝા આવશે:

‘મેં કદીય લેખક થવાનો વિચાર કર્યો નહોતો એટલે પ્રયત્ન કરવામાં કે અભ્યાસ કરવામાં કોઈ માલ ન હતો. આ બાબતમાં, એટલે કે શબ્દો શોધવા, યોજવા, મેળવવા, શીખવાની બાબતમાં કોઈએ મારે માટે કશું કર્યું નથી. ટૂંકમાં, મેં કોઈ પણ પ્રયત્ન કદી કર્યો નથી. આ રીતે મેં અજ્ઞાનપણે સાપ હાથમાં પકડ્યો, અને જેમ મને ખબર પડી કે આ સાપ જ છે તેમ મારી પકડ વધારે મજબૂત બની. પછી હું કથાનો નાયક બની ગયો એટલે હાથની પકડ છોડવાનો વિચાર મૂર્ખાઈભર્યો લાગ્યો. હાથની પકડ હવે યમરાજની પકડ બની ગઈ. ઉપરાંત આ રીતે મારા જીવનમાં આપકમાઈના વિકટ પ્રશ્ર્નનો ઉકેલ આપોઆપ મળી ગયો. મેં ક્યાંક વાંચ્યું અથવા સાંભળ્યું છે કે સર્જનાત્મક કામ વ્યસન જ છે. તમે એ છોડવા જાઓ તોય એ મુશ્કેલીથી છોડાય. હું ટૂંકી વાર્તામાંથી આવીને નવલકથા પર સ્વાભાવિક રીતે ગોઠવાઈ ગયો. કદાચ મારા સર્જક તરીકેના ઉત્સાહને ટૂંકી વાર્તા ટૂંકી જ લાગી હશે.’

શબ્દને તમે સંતાન ગણો કે પછી એને પરભવનો દુશ્મન ગણો. અંતે તો તમારે એની સાથે જ ઊઠવાબેસવાનું છે, જીવવામરવાનું છે.

Tuesday, March 5, 2019

‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ અને સોનિયા સરકારની અસલિયત- સૌરભ શાહ

‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ (ટી.એ.પી.એમ.).માં ૨૦૦૪થી ૨૦૧૪ સુધીના કૉન્ગ્રેસ શાસનની જે ઝલક બતાવવામાં આવી છે, કઈ રીતે દેશનું સંચાલન થતું હતું, કઈ રીતે એક કુટુંબને આગળ કરવા માટે સમગ્ર દેશના હિતનો ભોગ લેવાતો હતો તેની ઝલક છે. અને એટલે જ કદાચ આ ફિલ્મને સેક્યુલર તથા સામ્યવાદી રિવ્યુઅર્સે વખોડી કાઢી છે. આ ફિલ્મમાં જે પ્રગટ થાય છે તે સત્ય કૉન્ગ્રેસપ્રેમીઓથી સહન નથી જ થવાનું. અને ફિલ્મમાં જે કંઈ દેખાડવામાં આવ્યું છે તે સત્ય જ છે અને સત્ય સિવાય બીજું કશું જ નથી. જો એવું ન હોત તો ફિલ્મ સામે પ્રતિબંધ લાવવા માટે કૉન્ગ્રેસી વકીલો ક્યારના સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા હોત. ફિલ્મ જેના પર આધારિત છે તે એ જ નામના સંજય બાહુના પુસ્તકને પ્રગટ થયે પાંચ વર્ષ થયાં, પણ થોડા ઘણા નપુંસક વિરોધ સિવાય હજુ સુધી આ પુસ્તકની એક પણ માહિતીને કૉન્ગ્રેસી વકીલોએ કોર્ટમાં ખોટી પુરવાર કરવાની કોશિશ પણ નથી કરી. વિચ મીન્સ કે કૉન્ગ્રેસના અહમદ પટેલ, કપિલ સિબ્બલ કે અન્ય નેતાઓએ, રાહુલ-પ્રિયકાએ, ખુદ સોનિયા અને પૂર્વ પ્રધાન મંત્રી મનમોહનસિંહે સ્વીકારી લીધું છે કે પીએમના તે વખતના મીડિયા એડ્વાઈઝર સંજય બારુએ પુસ્તકમાં જે કંઈ લખ્યું છે તે સત્ય લખ્યું છે અને એ પુસ્તક પરથી જે ફિલ્મ બની છે તેમાં પણ એ સત્ય જ પ્રગટ થાય છે.

મનમોહનસિંહની સરકાર કઠપૂતળી સરકાર હતી. વડા પ્રધાનનો હોદ્દોે બંધારણીય હોદ્દો છે. એમની સત્તાનો દુરૂપયોગ કોઈ બીજું ન કરી શકે. પૃથ્વીરાજ ચૌહાણ એક જમાનામાં મહારાષ્ટ્રના ૧૭મા મુખ્ય મંત્રી હતા (૨૦૧૦થી ૨૦૧૪). કૉન્ગ્રેસનું મોટું માથું. ૨૦૦૨થી ૨૦૧૦ દરમ્યાન તેઓ રાજ્યસભાના સભ્ય હતા.

ફિલ્મમાં જે દૃશ્ય છે તેનું પુસ્તકમાં સંજય બારુએ પોતાના શબ્દોમાં આ રીતે વર્ણન કર્યું છે. ૨૦૦૪માં ડૉ. મનમોહનસિંહની વડા પ્રધાન તરીકે રાષ્ટ્રપતિ ભવનમાં સોગંદવિધિ થઈ તેની સામે પ્રધાનમંડળના કેટલાક સભ્યોની પણ સોગંદવિધિ થઈ, પણ કોને કયું ખાતું મળશે તેની જાહેરાત હજુ નહોતી થઈ. સંજય બારુ લખે છે: ‘(રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં) કૉન્ગ્રેસ પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ ખૂબ હોંશભેર ફરી રહ્યા હતા. ઉત્સવનું વાતાવરણ હતું. છ-છ વર્ષ પછી તેઓ પુન: સત્તા પામી રહ્યા હતા. ભાગ્યે જ કોઈને આશા હતી કે તેઓ આ ચૂંટણી જીતી શકશે અને ઘણાને આશંકા હતી કે કૉન્ગ્રેસ બીજા પક્ષો સાથે ગઠબંધન કરીને સરકાર રચી શકશે કે કેમ. સોગંદવિધિઓ પૂરી થયા પછી હું ડૉ. મનમોહનસિંહને અભિનંદન આપવા એમના તરફ ગયો, પણ સ્વાભાવિક રીતે જ તેઓ કૉન્ગ્રેસના મોટા મોટા નેતાઓથી ઘેરાઈ ચૂક્યા હતા, એમાં કેટલાક એવા મિનિસ્ટરો પણ હતા જેમને આશા હતી કે પોતાને કોઈ માલદાર મિનિસ્ટ્રી ફાળવવામાં આવશે, કેટલાક પત્રકારો પણ આ ટોળામાં હતા. મેં દૂરથી જ ડૉ. સિંહ સાથે આઈ કૉન્ટેક્ટ કર્યો અને એમને બે હાથ જોડીને નમન કર્યાં. એમણે સ્મિત કર્યું.

ટોળાથી દૂર જઈને હું આમતેમ લોકોને મળી રહ્યો હતો કે ક્યાંક મને મારા છાપા માટે કોઈ સમાચાર મળી જાય.’

એ વખતે સંજય બારુુ ‘ધ ફાઈનાન્શ્યલ એક્સપ્રેસ’ દૈનિકના ચીફ ઍડિટર હતા. મનમોહનસિંહ પી.એમ. બન્યાના થોડા દિવસ પછી સંજય બારુને પોતાના મીડિયા ઍડ્વાઈઝર બનાવ્યા.

રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં સોગંદવિધિઓ પતી ગયા પછી ફરતાં ફરતાં કોણ મળી ગયું એની વાત કરતાં સંજય બારુ લખે છે: ‘અચાનક મારો ભેટો પૃથ્વીરાજ ચૌહાણ સાથે થઈ ગયો. હું એમને એકાદ દાયકાથી જાણતો. નવી દિલ્હીના ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરમાં સેટરડે ગ્રુપના અનૌપચારિક નામે ઓળખાતી વીકલી લંચ-ચર્ચામાં અમે બેઉ રેગ્યુલર હાજરી આપતા. પૃથ્વીરાજની રાજ્ય કક્ષાના મિનિસ્ટર તરીકે સોગંદવિધિ થઈ હતી. મેં એમને પૂછ્યું કે તમને કઈ મિનિસ્ટ્રી મળવાની છે? એમનું મોઢું લાડવા જેવું થઈ ગયું. પ્રસન્નચિતેે તેઓ બોલ્યા: પીએમે મને ખાનગીમાં કહ્યું છે કે મને નાણામંત્રાલય સોંપવામાં આવશે.’

સંજય બારુ લખે છે: ‘આ તો મારા માટે ફ્રન્ટ પેજ ન્યૂઝ થયા. મેં તરત જ પૃથ્વીરાજને બીજો સવાલ પૂછ્યો. તો પછી નાણામંત્રાલયમાં કેબિનેટ મિનિસ્ટર કોણ હશે? પૃથ્વીરાજે મારી નજીક આવીને મારા કાનમાં કહ્યું: પી.એમ. પોતે ફાઈનાન્સ મિનિસ્ટ્રી સંભાળશે.’ 

બારુુ લખે છે કે, ‘મને મારી હેડલાઈન મળી ગઈ.’

બીજે દિવસે એ સમાચાર, ભલે સત્તાવાર રીતે ક્ધફર્મ્ડ નહોતા, પણ ફ્રોમ હોર્સીસ માઉથ હતા એટલે સંજય બારુએ ફ્રન્ટ પેજની લીડ આઈટમ તરીકે ‘ધ ફાઈનાન્શ્યલ એક્સપ્રેસ’માં પ્રગટ કર્યાં.

બારુુ લખે છે: ‘સવારે છાપું પ્રગટ થયું અને મને પી. ચિદમ્બરમ્નો ફોન આવ્યો. એમણે ૧૯૯૬માં ટૂંકા ગાળા માટે જીવેલી જોડતોડ સરકાર વખતે નાણામંત્રીની જવાબદારી નિભાવેલી એ વખતે તેઓ કૉન્ગ્રેસમાંથી છૂટા પડેલા જૂથ દ્વારા બનેલી પાર્ટીમાં હતા અને ૨૦૦૪ના ઈલેક્શનના થોડાક જ વખત પહેલાં પાછા કૉન્ગ્રેસમાં આવી ગયા હતા. ચિદમ્બરમે મને પૂછયું: ‘તમે છાપેલા સમાચાર સાચા છે?’ મેં એમને કહ્યું બિલકુલ સાચા છે, મેં હૉર્સીસ માઉથ પાસેથી સાંભળેલા છે. એમણે પૂછયું: ‘કોણે કહ્યું તમને? પી.એમે.?’ મેં કહ્યું: ‘ના મિનિસ્ટર ઑફ સ્ટેટ (પૃથ્વીરાજ)’એ કહ્યું. આ સાંભળીને ચિદમ્બરમે ફોન પર મને કહ્યું: ‘પી.એમ. જો ફાઈનાન્સ રાખશે તો મને શું આપશે?’

રાજરમતનું સસ્પેન્સ ડિટેક્ટિવ નવલકથામાંના રહસ્ય કરતાં પણ વધુ ઘેરું હોય છે અને કૉન્ગ્રેસી નેતાઓની રાજરમત તો રાજમાતાના સર્વોચ્ચ આસનેથી દોરીસંચાર પામતી હતી એટલે એમાં હરકિસન મહેતાની નવલકથા કરતાં પણ વધુ તીવ્ર આંચકા અને આટાપાટા આવવાના.


‘ત્યાગી’ રાજમાતાની કઠપૂતળી જેવા કરોડરજ્જુ વિનાના વડા પ્રધાન


‘પ્રધાનમંત્રી જો ફાઈનાન્સ મિનિસ્ટ્રી સંભાળશે તો એ મને શું આપશે?’ ચિદમ્બરમે સંજય બારુને પૂછ્યું હતું. બારુને આ સાંભળીને નવાઈ લાગી હતી. મીડિયામાં ઑલરેડી ચર્ચા થઈ રહી હતી કે પી. ચિદમ્બરમને કૉમર્સ મિનિસ્ટ્રી અથવા તો ટેલિકમ્યુનિકેશન્સ મિનિસ્ટ્રી સોંપવામાં આવશે. સંજય બારુએ ચિદમ્બરમના સવાલના જવાબમાં આ માહિતી આપી પણ ખરી. આની સામે ચિદમ્બરમ ગુસ્સાથી બોલ્યા, ‘મિસ્ટર એડિટર, હું અગાઉ ફાઈનાન્સ મિનિસ્ટર રહી ચૂક્યો છું! તમે એમ માનો છો કે હું સિનિયર કેબિનેટ પોસ્ટ કરતાં ઓછું કંઈ પણ સ્વીકારું એવો છું?’

ફાઈનાન્સ મિનિસ્ટરની ઑફિસ રાયસીના હિલ પર પ્રાઈમ મિનિસ્ટરની ઑફિસની જોડે હોય છે. અહીં જ વિદેશમંત્રી, સંરક્ષણ મંત્રી અને ગૃહ મંત્રીની ઑફિસો પણ હોય છે. દિલ્હીના નૉર્થ અને સાઉથ બ્લૉક્સના આ સૌ સર્વોચ્ચ માનનીય હોદ્દેદારો છે. તેઓ સૌ કેબિનેટ કમિટી ઑન સિક્યુરિટી (સી.સી.એસ.)ના પણ સભ્યો છે. નૅશનલ સિક્યુરિટી અને ન્યુક્લીયર પાવરનું મહત્ત્વ જે રીતે અત્યારના જમાનામાં વધી રહ્યું છે તે જોતાં સી.સી.એસ.ની વગ પણ ઘણી વધી ગઈ છે. 

સંજય બારુએ ચિદમ્બરમને પૂછ્યું કે તમને રાયસીના હિલ પર જગ્યા નહીં મળે તો તમે શું કરશો? 

ચિદમ્બરમે કહ્યું કે, ‘હું (પાર્લામેન્ટમાં) પાછલી પાટલીએ બેસવાનું પસંદ કરીશ’ અર્થાત્ ત્રાગું કરીશ અને રિસાઈ જઈશ. 

‘સરસ’, સંજય બારુએ એમને હસતાં હસતાં કહ્યું, ‘એનો અર્થ એ થયો કે તમે મારા પેપરમાં ફરી કૉલમ લખવાનું શરૂ કરશો.’ 

પી. ચિદમ્બરમ મે 2004માં સત્તા પર પાછા આવ્યા તે પહેલાં ‘ધ ફાઈનાન્શ્યલ એક્સ્પ્રેસ’માં વીકલી કૉલમ લખતા હતા. 

પણ સંજય બારુની મજાક માત્ર મજાક જ રહી. ચિદમ્બરમને ફરી પાછી પોતાની કૉલમ શરૂ કરવાનો વારો ન આવ્યો. સાંજ પડતાં સુધીમાં પોર્ટફોલિયોની ફાળવણી વિશે જાહેરાત થવા માંડી. ચિદમ્બરમને ફાઈનાન્સ મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા. 

પૃથ્વીરાજ ચૌહાણને પી.એમ.ઓ. (પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસ) માટેના મિનિસ્ટર ઑફ સ્ટેટનો હોદ્દો આપવામાં આવ્યો હતો. સંજય બારુએ પૃથ્વીરાજ ચૌહાણને ફોન કરીને પૂછ્યું કે આવું કેવી રીતે બન્યું. પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે પી.એમ.ને સલાહ આપવામાં આવી કે ફાઈનાન્સ જેવો હેવી પોર્ટફોલિયો તમારે તમારી પાસે નહીં રાખવો જોઈએ, કારણ કે સરકાર અને સાથી પક્ષોને સાચવવામાંથી તમે ઊંચા આવવાના નથી. 

સંજય બારુએ આ વાત ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં લખી છે અને ફિલ્મમાં પણ તમે જોઈ છે. જે વાત નથી લખી તે તમારે બિટ્વીન ધ લાઈન્સ વાંચી લેવાની છે. ચિદમ્બરમે સોનિયા ગાંધી કે સોનિયાના પિઠ્ઠુ એવા અહમદ પટેલની આગળ જઈને ત્રાગું કર્યું હશે કે મને જો ફાઈનાન્સ મિનિસ્ટર નહીં બનાવો તો હું ફરી પાછો પાર્ટી છોડીને જઉં છું અને મારા ટેકેદારોને પણ લેતો જાઉં છું. સરકારની નૈયા ડગુમગુ કરીને ચિદમ્બરમે પોતાનું ધાર્યું નિશાન તાક્યું અને સોનિયાએ મનમોહનને હાથ પાછળથી જોસથી મરડીને કહ્યું કે તમે ભલે નરસિંહ રાવના વખતમાં ફાઈનાન્સ મિનિસ્ટર તરીકે નેત્રદીપક કામગીરી બજાવી અને ભૂતકાળમાં રિઝર્વ બૅન્કનું ગવર્નરપદ પણ સંભાળ્યું હોય અને ઈકોનોમિસ્ટ તરીકે દેશમાં-દુનિયામાં તમે ભલે સુપ્રસિદ્ધ હો, પણ કૃપા કરીને આપશ્રી જહન્નમમાં જાઓ અને વ્યવસાયે વકીલ એવા પી. ચિદમ્બરમને એમના ગોટાળાઓ કરવા માટે દેશની તિજોરીમાંનું ધન પોતાની તિજોરીમાં ઠાલવવાની સગવડ કરવા માટે એમને ફાઈનાન્સ મિનિસ્ટર બનાવો અને એને કારણે તમે જ્યાં જાઓ ત્યાં જ આ દેશ પણ જતો હોય તો મારી સાસુના કેટલા ટકા. 

આ બધું બિટ્વીન ધ લાઈન્સ વાંચવાનું હોય. પ્રધાનમંત્રીને કહેવામાં આવે કે ભૈસાબ તમારાથી ફાઈનાન્સ મિનિસ્ટ્રી જેવી ભારેખમ જવાબદારી નિભાવી નહીં શકાય એનો મતલબ વળી બીજો શું થાય? 

સોનિયા ગાંધીની મહેરબાનીથી વડા પ્રધાન બનેલા મનમોહન સિંહે એમના પાંચ વત્તા પાંચ એમ કુલ દસ વર્ષના કાર્યકાળમાં આવા તો અનેક કડવા ઘૂંટડા ગળવાના આવ્યા. વારંવાર અપમાનો સહન કર્યા પછી પણ મનમોહન સિંહે સોનિયાના મોઢા પર રાજીનામું ફેંકીને વડા પ્રધાનની બંધારણીય સત્તાનો બચાવ ન કર્યો એ પુરવાર કરે છે સ્વાભિમાનના ભોગે મનમોહન સિંહ સત્તાને ચીટકી રહેવા માગતા હતા. ભારતનું કમનસીબ છે કે આ દેશની પ્રજાએ પૂરા એક દાયકા સુધી એક સ્પાઈનલેસ, કરોડરજ્જુ વિનાના વડા પ્રધાન ચલાવી લેવા પડ્યા. એટલું જ નહીં એમને કઠપૂતળીની જેમ નચાવતાં સોનિયા તથા સોનિયાની ટોળકીની ચાલબાજીઓને કારણે દેશે ભયંકર મોટું નુકસાન સહન કરવું પડ્યું. સોનિયાના મુસ્લિમ સલાહકારોની સલાહને લીધે ભારતે 2004થી 2014 દરમ્યાન પાકિસ્તાન દ્વારા રેગ્યુલરલી મોકલવામાં આવતા આતંકવાદી સામે કોઈ કાર્યવાહી ન કરી. મુંબઈની ટ્રેનોમાં થયેલા સિરિયલ બૉમ્બબ્લાસ્ટ તથા 26/11ના હૉટેલ તાજ-ઑબેરોય તથા સી.એસ.ટી. સહિતના સ્થળોએ થયેલા આતંકવાદી હુમલાઓમાં કુલ 400થી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયા તે છતાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક્સ તો ન જ કરી, પાકિસ્તાન સાથે ચાંદલિયાની કે ફટાકડાની બંદૂક પણ ન ફોડી. શું કારણ? આપણી સરકારમાં, આપણી સિક્યુરિટી એજન્સીઓમાં તેમ જ આપણા સમાજમાં ઠેર ઠેર એવા લોકો હતા જેઓ આતંકવાદીઓને સીધી યા આડકતરી મદદ કરતા, નાણાકીય કે લોજિસ્ટિકલ સહાય કરતા અને એ સૌને સોનિયાની ટીમ સાચવી લેતી, આશીર્વાદ આપતી, ઉત્તેજન આપતી જેના પુરાવાઓ મિનિસ્ટરી ઑફ હોમ અફેર્સમાં ઉચ્ચ હોદ્દા પરની જવાબદારી બજાવીને નિવૃત્ત થયેલા એક દેશભક્ત અફસરે ઑલરેડી મીડિયામાં બહાર પાડી છે, પુસ્તક પણ લખ્યું છે પણ કમનસીબે એ વાતો પર મીડિયાએ પડદો નાખી દીધો છે. આપણે ઊંચકીશું ભવિષ્યમાં. 

‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં લખ્યું છે અને ફિલ્મમાં બતાવ્યું છે એમ ડૉ. મનમોહન સિંહે એમના કાર્યકાળ દરમ્યાન ઓછામાં ઓછી બે વાર સોનિયા ગાંધીને પોતાના રાજીનામાનો પત્ર સોંપી દીધો હતો. ડૉક્ટરસાહેબનું એ ત્રાગું હતું. રાજીનામું આપવું હોય તો સીધું રાષ્ટ્રપતિને મોકલી આપવાનું હોય. સોનિયા શું દેશના રાષ્ટ્રપતિ કરતાં પણ વધુ મહત્ત્વનો હોદ્દો ધરાવતાં હતા? સોનિયા ગાંધી એક રાજકીય પક્ષના પ્રમુખ માત્ર હતા. બહુ બહુ તો કહો કે ગઠબંધનના પક્ષોએ રચેલા સંગઠનના ચૅરપર્સન હતા. ઉપરાંત દેશમાં ક્યારેય જેનું અસ્તિત્વ નહોતું એવી, પૅરેલેલ સરકાર - કહો કે સરકારની પણ સરકાર, એવી નૅશનલ ઍડવાઈઝરી કાઉન્સિલ (એન.એ.સી.)નાં ચૅરપર્સન હતાં. આ એન.એસ.સી.ના ગતકડાનું 2014ના મે ની 25મીએ પડીકું વાળી દેવામાં આવ્યું. ભારતના બંધારણની ઐસીતૈસી કરીને સોનિયા ગાંધીએ એન.એ.સી. રચી જેથી મનમોહન સિંહની ચોટલી પોતાના હાથમાં રાખી શકે. 

‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ વિશે આગળ વાત કરતાં થોડુંક રિવિઝન કરી લઈએ. 2004માં ભાજપની હાર થઈ ત્યારે સોનિયા ગાંધી વડાં પ્રધાન બનવા માટે આતુર હતા. એમણે પોતાના સંસદસભ્યો પાસે રાષ્ટ્રપતિને પત્રો મોકલાવ્યા હતા કે અમારે વડાં પ્રધાન તરીકે સોનિયા ગાંધી જોઈએ છે. ખુદ સોનિયા ગાંધીએ પણ સંસદસભ્ય તરીકે પત્ર મોકલીને રાષ્ટ્રપતિને કહ્યું હતું કે હું (સોનિયા ગાંધી) સોનિયા ગાંધીને વડાં પ્રધાન તરીકે જોવા માગું છું. આ વાત ડૉ. સુબ્રહ્મણ્યમ સ્વામીએ એમના એક જાહેર પ્રવચનમાં કહી છે. એમણે રાષ્ટ્રપતિભવનમાં આ પત્રો સગી આંખે જોયા છે. સોનિયા ગાંધીએ વડાં પ્રધાન ન બનીને કશો ત્યાગબ્યાગ નથી કર્યો. તમામે તમામ પ્રયત્નો, કાવતરાં, છટપટાહટો નિષ્ફળ ગયાં બાદ બહેનશ્રીએ વડા પ્રધાનપદનો ‘ત્યાગ’ કરવાની ઘોષણા કરી. મુખ્ય બે કારણો હતા. એક જનઆક્રોશ. ભારતીય પ્રજામાં એમના વિરુદ્ધ જબરજસ્ત જુવાળ ઊભો થયો હતો. રાજકીય પક્ષોના અનેક આગેવાનો આ આક્રોશને સાથ આપી રહ્યા હતા. સુષમા સ્વરાજે તો જાહેર કર્યું હતું કે જો સોનિયા વડાં પ્રધાન બનશે તો હું માથું બોડાવીને સાધ્વીનો વેશ ધારણ કરીશ. કૉન્ગ્રેસ સિવાયના બીજા પક્ષો (જેમાં કેટલાક તો કૉન્ગ્રેસના સાથી પક્ષો હતા) પણ નહોતા ચાહતા કે એક વિદેશી મહિલા ભારત પર રાજ કરે. 

બીજો મુદ્દો ટૅક્નિકલ હતો. સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીને પરણ્યાના દાયકા કરતાં વધુ સમય સુધી પોતાની ઈટાલિયન સિટીઝનશિપ છોડી નહોતી. ભારતીય પાસપોર્ટ તો એમણે ઘણો મોડો મેળવ્યો. ભારતના સંરક્ષણ દળોનો નિયમ છે કે કોઈપણ જવાન-અફસર વિદેશી મહિલા સાથે લગ્ન કરવા માગતો હોય તો એણે સૌ પ્રથમ સરકારની પરવાનગી લેવી પડે. ઘણી આકરી પૂછપરછ પછી આવી પરવાનગી મળે તો મળે, ના પણ મળે. એક અફસર પાસે હોઈ હોઈને કેટલી ખાનગી માહિતી હોય જે લીક થાય તો દેશનું નુકસાન થાય? અને એની સામે એક પ્રધાનમંત્રી પાસે કેટકેટલી ખાનગી માહિતી હોવાની? કોઈ સ્ક્રુટિની વિના એવી વ્યક્તિને આવા હોદ્દા પર બેસાડી દેવાય? 

વધુ મોટો ટૅક્નિકલ મુદ્દો તો ડૉ. સુબ્રહ્મણ્યમ સ્વામીએ રાષ્ટ્રપતિને પત્ર લખીને ઊભો કર્યો જેના સંદર્ભમાં રાષ્ટ્રપતિએ એમને રૂબરૂ મળવા બોલાવ્યા. આ મુલાકાતને કારણે રાષ્ટ્રપતિ સોનિયા ગાંધીને વડા પ્રધાનપદનો દાવો કરવા માટે આપેલું આમંત્રણ પાછું ખેંચી લીધું. ડૉ. અબ્દુલ કલામે દેશ પર કરેલો આ સૌથી મોટો ઉપકાર હતો. સ્વામીએ પોતાના પત્રમાં શું લખેલું તેની કાલે વાત કરીને ‘ધ. એ.પી.એમ.’ વિશેની રોચક વાતો આગળ લંબાવી શું. એક થ્રિલર જ છે આ. દેશને આવી થ્રિલરોની કંઈ જરૂર નથી હોતી છતાં આવી ઘટનાઓ 2004થી 2014માં બનતી રહી તે આપણા સૌનું કમનસીબ અને 2014 પછી દેશ આમાંથી બહાર આવી ગયો તે આપણું સદ્નસીબ.
રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં સુબ્રમણ્યમ સ્વામીએ અબ્દુલ કલામસાહેબનું ધ્યાન દોર્યું હતું કે ભારતના કાયદા મુજબ વિદેશમાં જન્મેલી વ્યક્તિ ભારતીય નાગરિકત્વ સ્વીકારી લે તો પણ એને ભારતમાં એટલા જ હક્ક મળે જેટલા હક્ક પેલો ભારતમાં જન્મેલી વ્યક્તિને એ દેશનું નાગરિકત્વ સ્વીકાર્યા પછી આપતો હોય. ઈટલીના કાયદા મુજબ ભારતમાં જન્મેલી વ્યક્તિ ઈટલીની સિટીઝનશિપ સ્વીકારી લે તો પણ એ ઈટલીની વડા પ્રધાન બની શકે નહીં.

વાત પૂરી થઈ ગઈ. સ્વામીના કહેવા મુજબ એ કાયદો પાછળથી રદ થયો હતો છતાં બંધારણીય રીતે એના રદબાદતલપણાને પણ પડકારી શકાય એમ છે. સ્વામીનો પત્ર મળતાં જ રાષ્ટ્રપતિ ભવનમાં ભૂકંપ આવ્યો. રાષ્ટ્રપતિએ સ્વામીને મળવા બોલાવ્યા. આ મુલાકાત પછી સાંજે રાષ્ટ્રપતિએ સોનિયાને સરકાર રચવા માટેનું આમંત્રણ આપવા બોલાવ્યાં હતાં તે મુલાકાત રદ કરતો પત્ર રાષ્ટ્રપતિએ તાબડતોબ સોનિયાના ઘરે મોકલી આપ્યો. આ દરમ્યાન રાષ્ટ્રપતિએ સોનિયા સુધી સ્વામીના પત્રની ક્ધટેન્ટ વિશે જાણકારી આપી દીધી હોવી જોઈએ અને દેશમાં બંધારણીય કટોકટી ન સર્જાય તે માટે પોતે સોનિયા ગાંધીને વડા પ્રધાનપદના શપથ દેવડાવી નહીં શકે એવું પણ સમજાવ્યું હોવું જોઈએ, કારણ કે બીજે દિવસે સવારે સોનિયા જ્યારે રાષ્ટ્રપતિને મળ્યાં ત્યારે એ મુલાકાત પછી સોનિયાએ પોતાના ‘ત્યાગ’ની વાત મીડિયા સમક્ષ મૂકી. રાજમાતાએ કરેલા આ ત્યાગને કૉન્ગ્રેસી નેતાઓની ટોળકીએ ખૂબ ઉછાળીને પોતાની વફાદારીનું પ્રદર્શન કર્યું. કૉન્ગ્રેસી કાર્યકરો પણ છાતી કૂટવા લાગ્યા, આત્મહત્યા કરવાના પ્રયાસો સુધ્ધાં થયા. કૉન્ગ્રેસ કલ્ચરમાં ઘૂસી ગયેલા ગુલામ-માનસનું આ વરવું પ્રદર્શન હતું.

સ્ત્રૈણ અદાઓ, સ્ત્રૈણ અવાજ અને સ્ત્રૈણ મિજાજ ધરાવતા ડૉ. મનમોહનસિંહે વડા પ્રધાનપદ પર ચિટકી રહેવા માટે સોનિયા ગાંધીએ કરેલાં પોતાનાં તમામ અપમાનો સહન કર્યાં, દેશને થતું નુકસાન નજરઅંદાજ કરીને પણ એકાદબે બાબતો સિવાય અઠ્ઠાણું ટકા બાબતોમાં સોનિયાની હામાં હા પુરાવ્યા કરી. આ દસ વર્ષ દરમ્યાન પોતાનો કોઈ વાંક આવે નહીં એ રીતે, દોષનો ટોપલો વડા પ્રધાન પર ઢોળાય એ રીતે, સોનિયા અને એમનાં કુટુંબીઓએ, સોનિયા અને એમના કૉન્ગ્રેસી ચમચાઓએ તેમ જ સરકારની બ્યૂરોક્રસીમાં છેક ઉપરથી નીચલા સ્તરના અધિકારી-કર્મચારીઓએ આ દેશને બોડી બામણીના ખેતરની જેમ ચૂંથી નાખ્યો. જગતના કોઈ પણ દેશમાં વડા પ્રધાન તરીકે કોઈ કઠપૂતળીને બેસાડીને પૂરા એક દાયકા સુધી અમુક લોકોએ ઑફિશિયલી દેશનું શોષણ કર્યું હોય એવો દાખલો તમને નહીં મળે.

ડૉ. મનમોહનસિંહ જાણતા હશે કે પોતાનામાં પી.એમ. બનવાની લાયકાત નથી. તેઓ એ પણ જાણતા હશે કે પોતે કૉન્ગ્રેસના પાવરફૂલ નેતા હોત તો એમને સોનિયાએ આ પદ પર બેસાડ્યા જ ન હોત. સોનિયાને કહ્યાગરા માણસની જરૂર હતી. ઊઠ કહે તો ઊઠી જાય અને બેસ કહે તો બેસી જાય અને ચૂપ કહે તો ચૂપ થઈ જાય એવા કર્મચારીની જરૂર હતી. 2004માં કૉન્ગ્રેસના પાવરફૂલ નેતાઓમાં પ્રણવકુમાર મુખર્જીનું નામ સૌથી પહેલું આવે. નરેન્દ્ર મોદીએ જેમને ભારતરત્નથી નવાજયા છે એ પ્રણવ મુખર્જીને છેક 1969માં ઈન્દિરા ગાંધીએ રાજ્યસભામાં મોકલ્યા હતા. ઈંદિરા ગાંધીના સૌથી વફાદાર સાથીઓમાંના એક એવા પ્રણવકુમાર મુખર્જી 1982માં સૌપ્રથમ વાર દેશના નાણામંત્રી બન્યા હતા. ઈન્દિરા ગાંધીની હત્યા પછી પ્રણવકુમાર મુખર્જી જ દેશના વડા પ્રધાન બનશે એવો માહોલ હતો, પણ ‘ઈન્દિરા ગાંધી કહેશે તો હું ઝાડુ મારવા પણ તૈયાર છું’ એવું કહેનાર રાષ્ટ્રપતિ ઝૈલ સિંહે નીતિમત્તાને કોરાણે મૂકીને અને કાયદાનિયમોની ઐસીતૈસી કરીને તાબડતોબ રાજીવ ગાંધીને વડા પ્રધાનપદના સોગંદ આપી દીધા. 1985થી 1989ના ગાળામાં પ્રણવકુમારે રિસાઈને પોતાની દુકાન ‘રાષ્ટ્રીય સમાજવાદી કૉન્ગ્રેસ’ નામે શરૂ કરી. પછી રાજીવ ગાંધી સાથે હાથ મિલાવી દીધા.

પ્રણવકુમાર મુખર્જી ઉપરાંત અર્જુન સિંહ પણ કૉન્ગ્રેસમાં વડા પ્રધાનપદના દાવેદાર ગણાતા, પણ પક્ષનો શક્તિશાળી નેતા જો વડા પ્રધાન બનશે તો એ પોતાનું કહ્યું નહીં માને એવી સોનિયાને ભીતિ હતી, સાચી ભીતિ હતી. એટલે જ એમણે ન ભણાવે અને ન મારે એવા માસ્તરને ક્લાસમાં મોકલી આપ્યા. મનમોહનસિંહે એક વાર વાજબી રીતે જ કહેલું કે પોતે તો અકસ્માતે પીએમ બની ગયા છે, આય એમ એન એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર.

સંજય બારુએ આ સચોટ શબ્દપ્રયોગ પકડી લઈને પી.એમ.ઓ.માંથી નિવૃત્ત થયાના પાંચેક વર્ષ બાદ ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ નામની કિતાબ લખી જેના પ્રકાશનના પાંચ વર્ષ બાદ આ જ નામની અફ્લાતૂન ફિલ્મ બની જેમાં અનુપમ ખેરે હુબહુ મનમોહનસિંહને સિલ્વર સ્ક્રીન પર જીવંત કર્યા છે. જે લોકો અનુપમ ખેરે એક્સ-પી-એમની મિમિક્રી કરી છે. એવું કહીને આ સુંદર ફિલ્મની તથા અનુપમ ખેર જેવા અનુભવી અને ટોચના ફિલ્મ કલાકારની ટીકા કરતા હોય એમણે યુ ટ્યુબ પર જઈને મનમોહનસિંહ વિશેની વીડિયો જોઈ લેવી. બરાક ઓબામા ઈન્ડિયા આવ્યા ત્યારે મોદીજીએ એમના સન્માનમાં યોજેલા સમારંભમાં યુપીના તે વખતના સીએમ અખિલેશ યાદવ પણ હાજર હતા. અખિલેશ જેવા ગલીના મવાલી કક્ષાના રાજકારણીને પ્રોજેક્ટ કરવા કોઈએ દોઢ મિનિટની એક ક્લિપ અપલોડ કરી છે. રાઈટ શબ્દો નાખીને સર્ચ કરશો તો મળી જશે. એમાં મનમોહનસિંહની એન્ટ્રી થાય છે ત્યારે તમને અદ્દલોદલ ‘ટીએમપીએમ’માં અનુપમ ખેર જે રીતે બે હાથ આગળ રાખીને જપાની મહિલા કિમોનો પહેરીને સરકતી ચાલે ચાલતી દેખાય એવી રીતે ચાલે છે તે યાદ આવે. અનુપમ ખેરે મનમોહન સિંહની સ્ત્રૈણ અદાઓને આબાદ પકડી છે. ક્યાં એ પીએમની આ ચાલ અને ક્યાં આજના પીએમની સિંહ જેવી મર્દાનગીભરી ચાલ.

‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં પત્રકાર સંજય બારુુ લખે છે કે 2004ની 22 મેના રોજ ડૉય. મનમોહન સિંહે વડા પ્રધાન તરીકે સોગંધ લીધા એ પછી બારુને નવી દિલ્હીથી પી.એમ.ના પ્રિન્સિપલ સેક્રેટરીનો ફોન આવ્યો. એ દિવસે સંજય બારુ દિલ્હીમાં નહોતા, હૈદરાબાદમાં એમના પેરેન્ટ્સના ઘરે હતા. એ દિવસે સંજય બારુની 50મી વર્ષગાંઠ હતી. શુક્રવાર, 28મીએ ફોન આવ્યો: ‘પી.એમ. આજે સાંજે તમને મળવા માગે છે.’ પણ એ શક્ય નહોતું. સોમવારે સવારે સંજય બારુ નવી દિલ્હીમાં 7, રેસકોર્સ રોડ પરના વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા. લ્યુટેન્સ દિલ્હી અને ડિપ્લોમેટિક એન્ક્લેવને અડીને આવેલા ‘સેવન આરસીઆર’ તરીકે ઓળખાતું વડા પ્રધાનનું ‘ઘર’ એક વિશાળ જગ્યા છે. 

લ્યુટેન્સ દિલ્હી વિશે તમારે થોડું જાણી લેવું જોઈએ, કારણ કે આજકાલ ‘લ્યુટેન્સ મીડિયા’ શબ્દપ્રયોગ બહુ પ્રચલિત થવા લાગ્યો છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ વાપરતા થઈ ગયા છે. બ્રિટિશ રાજ વખતે સર ઍડ્વિન લ્યુટેન્સ નામના આર્કિટેક્ટે નવી દિલ્હીનો વિસ્તાર ડિઝાઈન કર્યો, ઘણાં બધાં સ્ટ્રક્ચર્સનું આર્કિટેક્ચર એનું છે. ઍડ્વિન લ્યુટેન્સ અને એના સાથી આર્કિટેક્ટ હર્બર્ટ બેકર તેમ જ એમની ટીમે દિલ્હીના સંસદભવનની ડિઝાઈન બનાવી છે. નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિભવન (ઓરિજિનલી વાઈસરોય હાઉસ) તથા હૈદરાબાદ હાઉસ જેવાં લૅન્ડમાકર્સ પણ લ્યુટેન્સ તથા એની ટીમની ડિઝાઈનની નીપજ છે. નવી દિલ્હીનો સૌથી પૉશ વિસ્તાર લ્યુટેન્સ બંગલો ઝોન (એલ.બી.ઝેડ.) છે. લગભગ 25 કે 26 ચોરસ કિલોમીટરના એ વિસ્તારમાં કુલ એકાદ હજાર જેટલા વિશાળ-ભવ્ય બંગલોઝ છે, બાકીની હરિયાળી છે - ગાર્ડન્સ અને પાકર્સ અને પહોળા રસ્તાઓ છે. આ બધું લ્યુટેન્સ તથા એની ટીમે ડિઝાઈન કર્યું છે. આ આખા વિસ્તારની 90 ટકા જમીન સરકારી માલિકીની છે, બાકીની દસેક ટકા જમીન પ્રાઈવેટ માલિકીની છે. 12 એકરમાં પથરાયેલું વડા પ્રધાનનું નિવાસસ્થાન પણ અહીં જ છે. (રેસકોર્સ રોડ 2016થી લોક કલ્યાણ માર્ગના નામે ઓળખાય છે). લાલ બહાદુર શાસ્ત્રી વડા પ્રધાન હતા ત્યારે 10, જનપથ પર રહેતા. એમનું અકાળે અવસાન થયા પછી કૉન્ગ્રેસ પાર્ટીએ એને હડપ કરીને પક્ષનું હેડક્વાર્ટર બનાવી દીધું અને એક નાનકડા હિસ્સામાં કહેવા ખાતરનું શાસ્ત્રીજીનું મ્યુઝિયમ બનાવ્યું. અત્યારે 10, જનપથમાં રાજમાતા સોનિયા બિરાજે છે. એમનાં કુંવર કોઈ બીજા સરકારી બંગલામાં રહે છે. એમના જમાઈ-પુત્રી પણ ત્રીજા-ચોથા સરકારી બંગલાઓમાં રહે છે. 

વાત નીકળી જ છે તો જાણી લઈએ કે ‘સેવન આરસીઆર’નો પી.એમ.નો બંગલો એક બંગલો નથી, 1, 3, 5, 7 અને 9 એમ પાંચ બંગલોનો સમૂહ છે. 1 નંબર પર હેલિપેડ છે. 3માં મનમોહન સિંહ પીએમ હતા ત્યારે રહેતા હતા, હવે પીએમનું ગેસ્ટહાઉસ છે. 5 અને 7 વર્તમાન વડા પ્રધાનના નિવાસસ્થાન તેમ જ એમની અનૌપચારિક ઑફિસ તરીકે ઉપયોગમાં લેવાય છે. 9 નંબરમાં સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસ.પી.જી.)ના ગાડર્સ માટે અનામત છે. 2010માં આ ‘સેવન આરસીઆર’ના પંચવટી કૉમ્પ્લેક્સથી દિલ્હીના સફદરજંગ ઍરપોર્ટ સુધીની દોઢ કિલોમીટર લાંબી ટનલ બનાવવાનું કામ શરૂ થયું જે 2014માં પૂરું થયું. આ ભૂગર્ભ માર્ગ સૌથી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાપર્યો. 

લ્યુટેન્સ ઝોનમાં મોટા મોટા પ્રધાનો, વગદારોના બંગલોઝ છે. આ સત્તાધારી લોકોની ચાપલૂસી કરીને જે પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયા 2004થી 2014 દરમ્યાનના દાયકામાં તગડું થયું તે સેક્યુલર, સામ્યવાદી મીડિયાને હવે લ્યુટેન્સ મીડિયાની તિરસ્કૃત ઓળખાણ આપવામાં આવી છે. 

વડા પ્રધાનના નિવાસની એક તરફ લ્યુટેન્સ ઝોન છે, બીજી તરફ દુનિયાભરના દેશોના ડિપ્લોમેટ્સનાં ઘરો-ઑફિસો છે જે ડિપ્લોમેટિક એન્કલેવ તરીકે ઓળખાય છે. લ્યુટેન્સ મીડિયા તે વખતના સત્તાધારી પક્ષના ખોળામાં ગલૂડિયાની જેમ રમતું અને રાડિયા ટેપ્સનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે પુરવાર થયું કે આ મીડિયા સત્તાધારીઓ માટે લૉબીઈંગ કરતું, એમના વતી દલાલી કરતું અને બદલામાં જે બિસ્કુટના ટુકડા ફેંકાતા તેને હોંશેહોંશે આરોગીને જે ઓડકાર ખાતું તે આપણને એમના છાપાના ફ્રન્ટ પેજ પર તથા એની ટીવી ચેનલોના પ્રાઈમ ટાઈમની ચર્ચાઓ દરમ્યાન સાંભળવા મળતા. ભલું થજો વર્ષ 2014નું કે નવી સરકાર આવ્યા પછી કેટલાક મીડિયા એવા ઊભર્યા છે જેઓના હૈયે દેશહિત વસે છે અને જેઓ લ્યુટેન્સ મીડિયાની હરકતોને ઉઘાડી પાડીને આપણી આંખોમાં નખાતી ધૂળને સાફ કરે છે. 

સંજય બારુ સોમવાર, 31 મેના રોજ સવારે ‘સેવન આરસીઆર’ પર વડા પ્રધાનને મળવા ગયાં. સ્વાભાવિક રીતે જ અહીં સિક્યોરિટી એકદમ સખ્ત હોવાની. બારુએ પોતાના પુસ્તકમાં એનું વર્ણન કર્યું છે. પીએમના પર્સનલ સેક્રેટરી દ્વારા જે નામો એસ.પી.જી.ને મળ્યાં હોય એમને જ પ્રવેશ મળે. બહારના પ્રથમ ગેટમાંથી તમે તમારી કારમાંથી અંદર બીજા ગેટ સુધી પહોંચો એટલે ત્યાં તમારી ગાડી છોડી દેવાની. માત્ર પ્રધાનો, વિદેશી મહાનુભાવો તેમ જ બીજા કેટલાક ઉચ્ચ અધિકારીઓને જ બીજા ગેટમાંથી ગાડી આગળ લઈ જવાની પરવાનગી મળે. ત્યાંથી પછી એમણે પણ એસ.પી.જી.ના વેહિકલમાં પી.એમ. હાઉસ સુધી પહોંચવાનું હોય. બાકીનાઓએ ચાલીને વિઝિટર્સ રૂમ સુધી જવાનું અને ત્યાં પોતાનો મોબાઈલ ફોન ડિપોઝિટ કરાવી દેવાનો. પછી એમનું સ્ક્રીનિંગ થાય. એ પછી એમને પણ એસ.પી.જી.ની મારુતિ કાર્સના કાફલામાં પી.એમ.ના ઘર સુધી લઈ જવામાં આવે. 

એસ.પી.જી.ના આ નિયમો નૅશનલ સિક્યુરિટી ઍડવાઈઝરથી માંડીને પી.એમ.નાં સગાંવહાલાં-મિત્રોને પણ લાગુ પડે. માત્ર તદ્દન નિકટના કુટુંબીઓ આમાંથી બાકાત રહે. અર્થાત્ મનમોહન સિંહ વડા પ્રધાન હતા ત્યારે એમના પત્ની-પુત્રીને આમાંથી બાકાત રાખવામાં આવે. નરેન્દ્ર મોદીને તો એવી કોઈ જફા છે જ નહીં. પી.એમ. હાઉસના એક બંગલોમાંથી બીજા બંગલો સુધી જવાની કોરિડોર પણ બુલેટ-પ્રૂફ ગ્લાસથી ઢાંકી દેવાઈ છે. એ આખો વિસ્તાર નો-ફ્લાય ઝોન તો છે જ. ઉપરાંત, મેઈન રોડની સરહદે મોટી કોન્ક્રીટ વૉલ બાંધી દેવામાં આવી છે જેથી કોઈ સ્યુસાઈડ ટ્રક-કાર બૉમ્બર ઘૂસી ના જાય. પી.એમ.ના ઘરની આસપાસ સમ્રાટ હૉટેલ વગેરેનાં ઊંચા મકાનો છે, જેમાંથી જે રૂમ્સમાંથી પી.એમ. હાઉસ દેખાતું હોય તે ઈન્ટેલિજન્સ બ્યુરોએ લઈ લીધાં છે અને ત્યાં ચોવીસે કલાકનો પહેરો કરતા ચોકિયાતો તહેનાત હોય છે. દિલ્હી જિમખાના પણ બાજુમાં જ છે જ્યાં વૉચ ટાવર્સ ઊભા કરી દેવામાં આવ્યા છે. 

આ પંચવટી કૉમ્પ્લેક્સમાં એનું પોતાનું પાવર સ્ટેશન છે અને ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઑફ મેડિકલ સાયન્સીઝ (એઈમ્સ)ના ડૉક્ટરો-નર્સોની ફોજ પણ ટ્વેન્ટી ફોર બાય સેવન હાજર હોય છે. ઍમ્બ્લ્યુલન્સ હંમેશાં પી.એમ. જ્યાં જાય ત્યાં પાછળ પાછળ સાથે જ ફરતી રહે છે. વડા પ્રધાન નિવાસમાં વેલ મેઈન્ટેઈન્ડ ગાર્ડન્સ લૉન્સ છે જ્યાં ગુલમહોર, અર્જુન વૃક્ષ અને બીજાં અનેક વૃક્ષો છે. ઘણાં પંખીઓ આવે છે, મોર તો ખાસ. આખા નિવાસ સંકુલની જાળવણી માટે માળીઓ, પટાવાળાઓ, ઈલેક્ટ્રિશ્યનો, પ્લમરો વગેરેનો 200નો સ્ટાફ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સાદી રસોઈ બનાવવા માટે ગાંધીનગરના સી.એમ. હાઉસમાં જે બદરી નામનો રસોઈયો હતો તેને જ દિલ્હીમાં પોતાને ત્યાં બોલાવી લીધો છે. બદરીનો પગાર તેમ પોતાના ખાવાપીવાનો ખર્ચો વડા પ્રધાન પોતાના પગારમાંથી સરકારને ચૂકવી દે છે. ગુજરાતમાં સીએમ તરીકે એમણે પોતાના પગારમાંથી જે કંઈ આવો ખર્ચો કર્યો તે પછી જે બચત હતી તે તમામ બચત ગાંધીનગર છોડતી વખતે સચિવાલયના ચોથા વર્ગના કર્મચારીઓની દીકરીઓના શિક્ષણ માટે આપી દીધી હતી. 

સંજય બારુને મળવાંવેંત વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું, 

‘સંજયા, આય વૉઝ નૉટ પ્રીપેર્ડ ફોર ધિસ રોલ. આ તદ્દન નવો અનુભવ છે અને કામ સહેલું નથી. ગઠબંધન સરકાર પાસે પૂર્ણ બહુમત નથી એટલે લેફ્ટ (સામ્યવાદી) પાર્ટીઓ પાસેથી ટેકો લેવો અનિવાર્ય હતું પણ તેઓ બહારથી જ ટેકો આપવાના છે, સરકારમાં જોડાયા વિના. કૉન્ગ્રેસે ક્યારેય ગઠબંધન સરકાર ચલાવી નથી. મારે એની સફળતા માટે કામ કરવાનું છે. મને એક પ્રેસ સેક્રેટરીની જરૂર પડવાની. હું તમને જાણું છું. તમે મારી સાથે કામ કરશો તો મને ખુશી થશે. હું જાણું છું કે તમને આર્થિક દૃષ્ટિએ અહીં આવવાથી નુકસાન થશે પણ આ તકને તમે દેશની સેવાના રૂપમાં જુઓ.’ 

મનમોહન સિંહે સંજય બારુને આ ઑફર કરી તે સારું કામ કર્યું કે ખરાબ એની તે વખતે ન તો એમને ખબર હતી, ન સંજય બારુને.
વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના મીડિયા ઍડવાઈઝર તરીકેની નોકરી સ્વીકાર્યા પછી સંજય બારુએ પહેલું કામ એચ. વાય. શારદાપ્રસાદને ફોન કરીને એમના આશીર્વાદ લેવાનું કર્યું. ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં બારુએ એમની સાથે શું વાતચીત થઈ એની ઝલક આપી છે જેના પરથી આપણને ખ્યાલ આવે છે કે એક જમાનામાં કૉંગ્રેસી વડા પ્રધાનો (તેમ જ પ્રધાનો) પ્રેસને કેવી રીતે ‘સાચવતા’ હતા.

શારદાપ્રસાદે પત્રકાર તરીકે ‘ઈન્ડિયન એક્સપ્રેસ’થી કરિયરની શરૂઆત કરી હતી. પછી પ્લાનિંગ કમિશનના મુખપત્ર ‘યોજના’ના તંત્રી બન્યા હતા. એ પછી એમને ઈન્દિરા ગાંધીએ પોતાના મીડિયા ઍડવાઈઝર બનાવ્યા હતા. શારદાપ્રસાદ ૨૦૦૮માં ગુજરી ગયા.

એંશી વર્ષના અનુભવવૃદ્ધ શારદાપ્રસાદે પોતાના દીકરાની ઉંમરના પચાસ વર્ષીય સંજય બારુને સલાહ આપતાં કહ્યું, ‘અમારા જમાનામાં હું મુખ્ય દૈનિકોના તંત્રીઓને નિયમિત મળતો, પણ એ જમાનામાં પાંચ જ તંત્રીઓ હતા જેમનું કંઈક ઉપજતું. સ્ટેટ્સમેન, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, હિન્દુ, ઈન્ડિયન એક્સપ્રેસ અને હિન્દુસ્તાન ટાઈમ્સ. આજકાલ તો ઘણાં છાપાં નીકળી પડ્યાં છે અને ટીવીની ન્યુઝ ચેનલો પણ છે, પણ જેમની ગણના થતી હોય એવા બધાના સંપર્કમાં તમે રહેજો. વચ્ચે ક્યારેક ક્યારેક પી.એમ. પણ એમના સંપર્કમાં રહે એનું ખાસ ધ્યાન રાખજો. ક્યારેક કોઈ છાપામાં અભિનંદન આપવા જેવું લખાયું હોય તો મેક શ્યોર કે પીએમ એ છાપાના તંત્રીને કે કૉલમનિસ્ટને ફોન કરીને અભિનંદન આપે. બને તો ભારતીય ભાષાઓનાં અખબારોના તંત્રીઓને પણ સાથે રાખજો.’

શારદાપ્રસાદની આ સલાહનો ઉલ્લેખ અહીં સહેતુક કર્યો છે. કૉંગ્રેસના જમાનામાં પીએમ પોતે તંત્રીઓને ફોન કરીને કે મળીને કે કૉલમનિસ્ટોને અભિનંદન આપીને આ બધા જ લોકો પોતાનાં ગુણગાન ગાતાં રહે એનું ધ્યાન રાખતા. આ પત્રકારોને કોઈ ‘તકલીફ’ હોય તો એનું ‘યોગ્ય નિવારણ’ પી.એમ.ઓ.ના માર્ગદર્શન હેઠળ થતું. નીરા રાડિયા ટેપ્સ ૨૦૦૯ની સાલમાં બહાર આવી ત્યારે પુરવાર થયું કે બરખા દત્ત અને વીર સંઘવી સહિતના કેટલા બધા પત્રકારો પત્રકાર હોવાના એક્સેસનો ફાયદો કેવી રીતે ઉઠાવતા હતા, પણ એ તો માત્ર આઈસબર્ગનો વન ટેન્થ ભાગ છે. જેના કોઈ પુરાવા નથી એવા મીડિયા-ભ્રષ્ટાચારને લીધે દાયકાઓ સુધી આ દેશની જનતા ગુમરાહ થતી રહી છે. છાપામાં છપાય તે બધું જ સાચું અને ટીવી પર દેખાયું તે તો અલ્ટીમેટ એવું માની બેઠેલા કરોડો વાચકો-દર્શકોને, જેમની પીએમઓ સુધી પહોંચ હતી એવા પત્રકારો બેવકૂફ બનાવતા રહ્યા. મોદીએ આવીને આ બધાને મળતા પ્રિવિલેજીસ બંધ કરી દીધા. મોદી પરદેશ જાય ત્યારે પત્રકારોને ભાગ્યે જ પોતાની સાથે લઈ જાય છે. અગાઉના વડા પ્રધાનો પત્રકારોને મફતમાં પરદેશની મોજ કરાવતા, ઊંચા માયલો દારૂ પીવડાવતા (પ્લેનમાં પણ), મોંઘી ભેટો આપતા અને જે-તે દેશની ભારતીય ઍમ્બસી કે ભારતીય હાઈકમિશનોના ખર્ચે મોજમજા કરાવતા. (પરદેશમાં જ્યાં જ્યાં ભારતીય રાજદૂતાલય હોય તે બધી ઍમ્બસીઓ કહેવાય, પણ કૉમન વેલ્થ ક્ધટ્રીઝ (એટલે કે જે દેશો બ્રિટિશરોની ગુલામી ભોગવી ચૂક્યા હોય તે બધા રાજદૂતાલયો હાઈકમિશન કહેવાય.) એવું જ ભારતમાં. અહીં અમેરિકન ઍમ્બસી હોય અને યુકેની હાઈકમિશનની ઑફિસ હોય).

મીડિયા જે કરપ્ટ થયું તે કૉંગ્રેસની નીતિરીતિને કારણે. મીડિયાએ સ્વધર્મ ભૂલીને કૉંગ્રેસી શાસનને જે ઠીક લાગે તે જ કહેવાનું પસંદ કર્યું (અપવાદ સિવાય) તેનું કારણ એ કે વગદાર પત્રકારો એ શાસનમાં પોતાનું ધાર્યું કામ કરાવી શકતા. મિત્રો-ઓળખીતાઓની ફાઈલો પાસ કરાવીને એમને ખુશ કરી શકતા, પોતાનું કમિશન મેળવી શકતા, બંગલા-ગાડી-વિદેશમાં મોંઘાં વૅકેશનો તથા ઈન્વેસ્ટમેન્ટ્સ કરી શકતા.

મોદીએ દિલ્હી આવી આ બધું બંધ કર્યું એટલે તેઓ મીડિયામાં અળખામણા બની ગયા. મોદી માટે આ નવું નહોતું. એમણે ગુજરાતના સીએમ બન્યા પછી તરત જ પત્રકારોને પંપાળવાની રીતરસમ પર રોક લગાવી દીધી હતી. નૉર્મલી ગાંધીનગરમાં જે મુખ્યપ્રધાન આવે તે પહેલા જ અઠવાડિયે અમદાવાદનાં મુખ્ય મુખ્ય છાપાઓનાં તંત્રીઓની કૅબિનમાં ચા પીવા પહોંચી જાય. એનો સૂચિતાર્થ એ કે ‘ભૈસા’બ મને સાચવી લેજો.’ મોદીએ કોઈ છાપાની મુલાકાત લીધી નહીં. સામેથી વારંવાર આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં એમણે તંત્રીઓને ઈગ્નોર કર્યા. ઓકે. અમદાવાદથી રોજ એક બસ ઉપડતી જે પત્રકારોને લઈને ગાંધીનગર આવતી. વિનામૂલ્યે પ્રવાસની આ પદ્ધતિ મોદીએ બંધ કરાવી. આવવું હોય તેઓ પોતાનાં સ્કૂટર-કારમાં આવે, ન પોસાય તો જાહેર જનતાની જેમ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં ટિકિટભાડું ખર્ચીને આવે.

આટલું થયું, એ પછી થોડા જ અઠવાડિયામાં મોદીએ પત્રકારોને રોજેરોજ સચિવાલયમાં આવતા બંધ કરી દીધા. અઠવાડિયે એક વાર અમુક પર્ટિક્યુલર વારે જ પ્રવેશ મળે. પછી તો એના પર પણ પાબંદી આવી ગઈ. જે પત્રકારો સચિવાલયમાં આંટાફેરા કરીને ફાઈલો ફેરવવાનું, આડતિયાનું કામ કરતા હતા તે બધું બંધ થઈ ગયું. ઈનસાઈડ ઈન્ફર્મેશન મેળવવાના નામે વેસ્ટેડ ઈન્ટરેસ્ટ ધરાવતા લોકો જે કંઈ ફીડ કરતા તેના પરથી ટેબલ સ્ટોરીઓ બનાવીને અફવાની પતંગો ચગાવવાનું બંધ થઈ ગયું. મિનિસ્ટરો આપસમાં એકબીજાને પછાડવા, ક્યારેક ખુદ સીએમને ઉથલાવવા જે કાવતરાં કરતા અને પત્રકારોને પાળીને જુઠ્ઠી સ્ટોરીઓ પ્લાન્ટ કરતા તે બધું બંધ થઈ ગયું. જે પત્રકારો નવરા થઈ ગયા, એમનો તો ગરાસ લૂંટાઈ ગયો. એટલે તેઓ બમણા જોરથી મોદી સરકાર વિરુદ્ધ લખતા થઈ ગયા, પણ ૧૪ વર્ષના મોદીશાસન દરમિયાન આ પત્રકારો લાખ પ્રયત્નો પછી પણ મોદીનો વાળ પણ વાંકો કરી શક્યા નહીં, તમને ખબર છે.

મોદીને આ અનુભવ પીએમ બન્યા પછી પણ કામ લાગ્યો. એમણે પોતાનો કોઈ મીડિયા એડવાઈઝર તો રાખ્યો નથી જ, એ કોઈ તંત્રીને અભિનંદન આપવા માટે ફોન કરતા નથી કે નથી પત્રકારોને ‘પર્સનલ ફેવર્સ’ કરતા. એ આખી સિસ્ટમ જ એમણે દફનાવી દીધી છે. આજે પરિસ્થિતિ એ છે કે મિડિયામાં (પ્રિન્ટ, ટીવી તેમ જ ડિજિટલ મીડિયામાં) એમનો વિરોધ કરાવા માટે રોજ નવાં પ્રકાશનો, નવી ટીવી ચેનલો, નવા ઑનલાઈન ન્યૂઝ પોર્ટલો આવતાં જાય છે જેમને કૉંગ્રેસીઓ તથા કરપ્ટ બિઝનેસમેનો તરફથી કરોડો રૂપિયાનું ફંડિંગ મળે છે, કારણ કે મોદી જો બીજીવાર ચૂંટાઈ આવશે તો પોતાનું સમગ્ર અસ્તિત્વ જ ભૂંસાઈ જશે એવો એમને ભય છે જે સાચો છે. આટઆટલો મીડિયા વિરોધ હોવા છતાં મોદી અડગ છે, કારણ કે એમને ભારતની પ્રજામાં વિશ્ર્વાસ છે, પોતાની સરકારે કરેલા કામમાં વિશ્ર્વાસ છે. પ્રજાએ જોયું છે કે છેલ્લાં પાંચ વર્ષમાં કેટલી આર્થિક-સામાજિક પ્રગતિ થઈ છે અને એની સામે કરપ્શન તથા લાલફીતાશાહી કેટલાં ઓછાં થયાં છે. જે નથી થતું તેના કરતાં જે થયું છે અને ભવિષ્યમાં જે જે થઈ શકે એમ છે એના પર જો ધ્યાન આપશો તો સમજાશે કે હું શું કહેવા માગું છું.

‘ધ ઍકિ્સડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં જરા વધારે ઊંડા ઉતરતાં પહેલાં આટલી વાત જરૂરી હતી જેથી અત્યારના પી.એમ.ઓ. તથા તે વખતના પી.એમ.ઓ.ની તમે સરખામણી કરી શકો. મીડિયા એડવાઈઝરની સલાહ લીધા વિના પોતે પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કર્યા કરતા પંતપ્રધાન અને મીડિયા એડવાઈઝની સલાહ લઈને પોતાની છબિ ઉપસાવવાના નિષ્ફળ પ્રયત્નો કરતા કઠપૂતળી પંતપ્રધાન વચ્ચેનો તફાવત જોઈ શકો. કૉંગ્રેસના રાજમાં ભારતીય પ્રજાના હિતના ભોગે કેવું કેવું રાજકારણ ખેલાતું અને અત્યારે મીડિયાના જબરજસ્ત મિસઈન્ફર્મેશન કેમ્પેઈન બાવજૂદ, ભારતીય પ્રજાના ફાયદા માટે છેલ્લાં ૫૫ વર્ષમાં ક્યારેય ન થઈ હોય એવી વાતો ૫૫ મહિનામાં થઈ રહી છે તેનો તફાવત તમે અનુભવી શકો.

આટલું બેકગ્રાઉન્ડ મળ્યા પછી સંજય બારુએ લખેલી વાતોમાં તેમ જ સંજય બારુનો રોલ કરતા અક્ષય ખન્નાની ફિલ્મમાં તમને વધારે સમજ પડશે, વધારે રસ પડશે, વધારે ઊંડા ઉતરવાનું મન થશે.







Sunday, February 25, 2018

દુનિયાને આયુર્વેદ બચાવશે કે એલોપથી -- સૌરભ શાહ

આપણામાં કહેવત છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ આપણામાં એવી કોઈ કહેવત નથી કે ‘પહેલું સુખ તે ચકાચક રસ્તા, સ્વેન્કી ટ્રકો અને વિશાળ ગોડાઉનો.’ ભારત નેક્સ્ટ દાયકાઓમાં એ બધું બનાવશે એ તો ઠીક છે પણ ભારતને ફરીથી સુપર પાવર બનાવશે ભારતીય ચિકિત્સા પદ્ધતિ. આયુર્વેદ વત્તા પ્રાણાયામ વત્તા યોગ જેમાં કુદરતી ઉપચાર પદ્ધતિ તેમ જ ઘરગથ્થુ કે દેશી વૈદુંનો પણ સમાવેશ થઈ ગયો.
દુનિયાને આજે કોઈ એક વાતની જરૂર હોય તો તે છે પ્રજાની જીવનશૈલીને અભડાવ્યા વિના પ્રજાને નીરોગી રાખી શકે અને દર્દમાંથી મુક્તિ અપાવી શકે એવી ઓછામાં ઓછા ખર્ચે મળતી ઉપચાર પદ્ધતિ. દુનિયાના અન્ય કોઈ દેશ પાસે આવા કૉમ્બિનેશનવાળી ઉપચાર પદ્ધતિ નથી. ક્યાંક યુનાની પદ્ધતિ છે, તો ક્યાંક એક્યુપંકચરની તો ક્યાંક અન્ય પ્રકારના ઘરગથ્થુ ઈલાજોની પદ્ધતિ છે. ‘ધ ફાસ્ટેસ્ટ ઈન્ડિયન’ નામની ઑસ્ટ્રેલિયન ફિલ્મમાં ઉંમરલાયક હીરો એન્થની હોપક્ધિસને પ્રોસ્ટેટનું દર્દ છે અને કોઈ દવા અકસીર જણાતી નથી ત્યારે અમેરિકામાં એને હાઈવે પર મળી ગયેલા એક રેડ ઈન્ડિયન મોટર મિકેનિકે બિલકુલ દેશી દ્રવ્યોનું ચૂરણ એને પીવડાવ્યું કે તરત એને ધોધમાર પેશાબ થઈ ગયો. સ્વામી આનંદે ‘કુળકથાઓ’માં ધનીમા વિશે લખતાં એક જિક્ર કરી છે કે ધનીમાએ કેસૂડાંનાં ફુલ બાફીને એનો લેપ દર્દીના પેટ પર કર્યો ત્યારે દર્દીએ ‘તગારું ભરીને પેશાબ કરીને’ દર્દમાંથી રાહત મેળવી. આવા વિવિધ નાનામોટા ઉપચાર તો દરેક સંસ્કૃતિમાંથી મળી આવે પણ યોગ-પ્રાણાયામ-આયુર્વેદવાળી સર્વગ્રાહી ઉપચાર પદ્ધતિ માત્ર ભારતની જ દેણ છે.
એલોપથીનો આરંભ તો માંડ બસો વર્ષ પહેલાં થયો. આની સામે આપણે ત્યાં અઢી હજાર વર્ષ અગાઉ ચરકસંહિતા અને સુશ્રુત સંહિતા લખાઈ જેમાં અનુભવ સંચિત જ્ઞાનને શબ્દસ્થ કરવામાં આવ્યું. આ અનુભવો તો એના કરતાંય જૂના, છેક વૈદિક કાળના. અલમોસ્ટ પાંચેક હજાર વર્ષ પુરાણા. યોગ અને પ્રાણાયામની પદ્ધતિઓ એથીય પ્રાચીન.
એલોપથીની શોધ થઈ તે પહેલાં ત્યાંના લોકો દર્દીઓની સારવાર સાવ જંગલી રીતે કરતાં. શરીરમાં ફરતું લોહી બગડ્યું છે એટલે આ રોગ થાય છે એવી વ્યાપક માન્યતા અને એનો ઈલાજ શું? શરીરનું વધું લોહી વહી જવા દો-કાપો મૂકીને. નવું લોહી શરીર બનાવશે. આમાંને આમાં દર્દીઓ મરી જતાં. મનોચિકિત્સા માગી લેતા દર્દીઓના તો એથીય ક્રૂર રીતે ઈલાજો થતા-ગળામાં પથ્થર બાંધીને પર્વત પરથી નીચે ફેંકવામાં આવતા. બસો વર્ષ પહેલાં એલોપથીનો આવિષ્કાર થયો તે મુખ્યત્વે યુદ્ધના મેદાનમાં ઘાયલ થતા સૈનિકોને જીવાડવા માટે. રણમોરચે કોઈ સૈનિક માંદો પડે કે ઘાયલ થઈને નકામો થઈ જાય તે પરવડે નહીં. એને કોઈ પણ ભોગે અને કોઈ પણ ખર્ચે સાજો કરીને તાત્કાલિક ફરીથી યુદ્ધ કરતો થઈ જાય એવો કરવો જ પડે અથવા તો કમસે કમ જીવતી હાલતમાં પોતાના ઘરે પહોંચી જાય એવો કરવો પડે. આવું કરવામાં એના શરીરને લાંબા ગાળાનું નુકસાન થાય તેની પરવા નહોતી. યુદ્ધનો સમયગાળો સચવાઈ જવો જોઈએ. પછી શરીરનું જે થવાનું હોય તે થાય. મોર્ફિન અને એની પછીનાં દર્દશામક એન્ટિબાયોટિક્સથી લઈને ટેમ્પરરી તાકાતવર્ધક સ્ટિરોઈડ્સ સુધીની અનેક ઉપચાર પદ્ધતિઓ એની આડઅસરોને અવગણ્યા વિના પ્રચલિત થતી ગઈ અને જોતજોતામાં પશ્ર્ચિમી પ્રજામાં એનો પ્રચાર કરીને ફાર્મા કંપનીઓ અબજો ડૉલરની કમાણી કરતી થઈ ગઈ.
આયુર્વેદનો આરંભ યુદ્ધકાળ દરમિયાન નહીં, પણ પ્રજાના શાંતિકાળ દરમિયાન, પ્રજા નિરામય જીવન જીવી શકે, તે માટે થયો. રોગથી બચવા માટે પ્રાણાયામ અને યોગનો આવિષ્કાર થયો જેમાં પ્રજાની સુખાકારીનો હેતુ કેન્દ્રમાં હતો. શરીર અને મન સાથેનો સંબંધ અને તેનું બૅલેન્સ જાળવવાનું કામ યોગ દ્વારા થયું. યોગનો મતલબ જ આ બેઉનું મિલન. પશ્ર્ચિમી દેશો સાયકોસોમેટિક રોગો વિશેની સમજણ હજુ હમણાં વિક્સાવી. વિખેરાયેલા મનની અસર શરીર પર પડતાં શરીરતંત્ર પણ ડિસ્ટર્બ થઈ જાય અને શરીર ખોટકાઈ જાય ત્યારે મન ડહોળાઈ જાય એવી વાત એમને આજકાલમાં જ ખબર પડી. આપણે ત્યાં તો છેક ‘ચરકસંહિતા’માં સાયકોસોમેટિક રોગના ઉલ્લેખો છે. બાપાલાલ ગ. વૈદ્યનું ખૂબ ઉપયોગી પુસ્તક દરેક ઘરમાં હોવું જોઈએ. ‘ઘરગથ્થુ વૈદક’ની પ્રથમ આવૃત્તિ ૧૯૩૩માં પ્રગટ થઈ હતી. અત્યારે નવી સંવર્ધિત આવૃત્તિ બજારમાં મળે છે. પ્રસ્તાવનામાં બાપાલાલ વૈદ્યે ઈ. પૂ. ૩૦૦ના અરસામાં રચાયેલા ‘ચરકસંહિતા’ ગ્રંથના બે શ્ર્લોક ટાંક્યા છે અને એનો ભાવાનુવાદ પણ આપ્યો છે:
‘જે માણસનો આહાર તેમ જ વિહાર હિત છે, જોઈ વિચારીને જે કામ કરનાર છે, વિષયોમાં જેની આસક્તિ નથી, જે દાતા છે, જિતેન્દ્રિય છે, સત્ય બોલનાર છે, ક્ષમાવાન છે, આપ્તોની સેવા કરનાર છે-એવા માણસને રોગો થતા નથી.’
અને તરત જ આ બીજો શ્ર્લોક:
‘જેનાં મતિ, વચન અને કર્મ સુખાનુબંધી છે, જેનું મન પોતાના કહ્યામાં છે અથવા વશમાં છે, જેની બુદ્ધિ વિશદ છે, જે જ્ઞાનયુક્ત છે, તપસ્વી છે અને યોગમાં જેની તત્પરતા છે-એવા માણસને રોગો થતા નથી.’
પશ્ર્ચિમી દુનિયાને એલોપથીના રવાડે ચડાવવામાં ચર્ચનો બહુ મોટો હાથ હતો. ચર્ચ એટલે ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડાઓનો સમુહ. આજની તારીખે પણ ચર્ચની ઘણી મોટી ઈન્ફલ્યુઅન્સ ફાર્મા કંપનીઓ પર તેમ જ વૈશ્ર્વિક આરોગ્ય સંસ્થાઓ પર છે. આ અસરો આડકતરી રીતે ઊભી કરવામાં આવતી હોય છે. પણ અસર છે એ વાત નિ:શંક. યોગ-આયુર્વેદની સારવાર પદ્ધતિ આજની તારીખે ભારતની મલ્ટિનેશનલ કંપનીઓને હંફાવી રહી છે. એ જ્યારે વૈશ્ર્વિકસ્તરે પહોંચશે ત્યારે ચર્ચ સાથે જબરજસ્ત ટક્કર થવાની છે. ભારતે આ ટક્કર ઝીલવા માટે તૈયાર રહેવું પડશે કારણ કે આપણે કંઈ આપણા એકલાના કલ્યાણ માટે કામ નથી કરતા. આપણો ઉદ્દેશ વસુધૈવ કુટુંબકમ છે. સમગ્ર વિશ્ર્વને એક કુટુંબ જેવું ગણતા આપણે ક્યારેય આપણી ઉપચાર પદ્ધતિને પેટન્ટ કરાવી નથી. આયુર્વેદની ઔષધિઓ પર કોઈનો હક્ક નથી, સમગ્ર વિશ્ર્વ એનો ઉપયોગ કરી શકે છે. એવું જ યોગ અને પ્રાણાયામનું. આપણા માટે આ કંઈ કમાણીનાં સાધનો નથી કલ્યાણનાં સાધનો છે. આપણે જ્ઞાનને વેચ્યું નથી, વહેંચ્યું છે. વેદ-ઉપનિષદ પર કોઈ કૉપીરાઈટ નથી. ન તો વેદ વ્યાસે કે ન તો વાલ્મીકિ, તુલસીદાસે ક્યારેય મહાભારત-ગીતા-રામાયણ પર તમારી પાસેથી રૉયલ્ટી માગી છે? પશ્ર્ચિમી વિજ્ઞાને હંમેશાં માગી છે. એટલું જ નહીં આપણે જેના ઉપયોગોને હજારો વર્ષથી પુરવાર કરતા આવ્યા છીએ તે હળદર, લીમડા ઈત્યાદિને પેટન્ટ કરવાનું શૂર એ લોકોને ચડ્યું હતું. ભારતના આ જ્ઞાન સાગરને દુનિયા સ્વીકૃતિ આપે કે ન આપે એ વિજ્ઞાનનો મહાસાગર બનીને આખી દુનિયા પર છવાઈ જવાનો જ છે. 
હજારો વર્ષની અનુભવસિદ્ધ વાતોને પ્રયોગશાળામાં પુરવાર કરવાની જરૂર છે?

એક તો આ વિષય તદ્દન નવો છે, મારા માટે પણ નવો છે અને પહેલી નજરે જરા અઘરો લાગે એવો છે. હકીકતમાં એવો કંઈ અઘરો નથી. નવો છે એટલે જરા એવું લાગે. બાકી, ખૂબ મઝા આવે એવી વાતો છે. આ વિસ્તૃત વિષયના એક પછી એક મણકા પરોવતા જઈએ અને છેવટે એની માળા તૈયાર થઈ જાય એટલે બરાબર ખ્યાલ આવશે કે આ વિષયનો પટારો ખોલવાથી કેટલો મોટો ખજાનો હાંસિલ થયો છે.
ભારત પાસે જ્ઞાનનો ભંડાર છે, વિશાળ સાગર છે. આ જ્ઞાનને દુનિયા માન્યતા આપે એ માટે એણે વિજ્ઞાનની કસોટીમાંથી પાર ઊતરવું પડે.
એક દાખલો લઈએ. આયુર્વેદને લગતું જ્ઞાન હજારો વર્ષથી આપણા દેશમાં પ્રચલિત છે, પણ આ જ્ઞાનને પશ્ર્ચિમી વિજ્ઞાનશાસ્ત્ર તરીકે સ્વીકારવા તૈયાર નથી. તો શું કરવું? સ્વામી રામદેવ આ પડકાર ઝીલી લેવા તૈયાર છે. આયુર્વેદ, પ્રાણાયમ અને યોગ દ્વારા કમળો, ડેન્ગ્યુ, મલેરિયા, પ્લેટલેટ્સની કમી, હાય બ્લડપ્રેશર, ડાયાબીટિસ, સંધિવા, નેત્રરોગ, દંતરોગ, આંતરડાના રોગ ઈત્યાદિ દરેક રોગોનો ઉપચાર તેમ જ તેનું નિવારણ શક્ય છે. સ્વામી રામદેવના અનુભવ મુજબ એવા હજારો કિસ્સાઓ છે જેમાં આપણી આ મૌલિક ઉપચાર પદ્ધતિ કારગર પુરવાર થઈ છે, પણ પશ્ર્ચિમી દુનિયા એલોપથીની પાછળ પાગલ થયેલી છે. એલોપથીમાં તેઓને અંધશ્રદ્ધા છે. તેઓ કહે છે કે જ્યાં સુધી લેબોરેટરીનાં કડક પરીક્ષણોમાંથી તમારી ઉપચાર પદ્ધતિ પસાર ન થાય અને જ્યાં સુધી એનાં ચોક્કસ પરિણામો અમારા માપદંડો મુજબ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અમે કેવી રીતે માની શકીએ કે તમારી ઉપચાર પદ્ધતિ દ્વારા કમળો મટી શકે છે, કિડનીના રોગ મટી શકે છે કે પછી મોતિયો વગર ઑપરેશને ઊતરી શકે છે.
આવી વૈજ્ઞાનિક જીદની સામે તમે કહી શકો છો કે જે અનુભવસિદ્ધ છે તેને પ્રયોગશાળામાં સાબિત કરવાની કોઈ જરૂર નથી. હજારો વર્ષ દરમિયાન વિવિધ સ્થળ-કાળ-સંજોગોમાં જે ચીજ સતત ટ્રાયલ ઍન્ડ એરર દ્વારા પુરવાર થઈને લોકમાન્યતા મેળવી ચૂકી હોય એને લેબોરેટરી ટેસ્ટની શું જરૂર હોય. ઘા પર હળદર લગાડવાથી કે મોચ પર હળદર-ફટકડી-સરસવના તેલનો લેપ કરવાથી ઘા મટી જાય છે કે મચડાઈ ગયેલો પગ સાજો થઈ જાય છે એની અમને ખબર છે, અમે અનુભવ્યું છે. અમો અમારી દાદીમાએ આ જ્ઞાન વારસામાં આપ્યું હતું. ને એમને એમનાં દાદીએ, એમનાં દાદીને એમના પૂર્વજો તરફથી આ જ્ઞાન મળ્યું, જે ઉપચાર પદ્ધતિ સદીઓથી નહીં બલકે સહસ્ત્રાબ્દિઓથી સો ટકા પરિણામ આપતી આવી છે એને લૅબટેસ્ટની કોઈ જરૂર રહેતી નથી. હળદર, લીમડો કે એવી સેંકડો વનસ્પતિઓ પર આજે તમે લૅબટેસ્ટ કરીને જે પુરવાર કરી રહ્યા છો તે અમે પ્રયોગશાળામાં ગયા વિના પુરવાર કરી ચૂક્યા છીએ એવી આર્ગ્યુમેન્ટ આપણે કરી શકીએ.
પણ સ્વામી રામદેવ આ પડકાર ઉપાડી લેતાં કહે છે કે અમે એવી પ્રયોગશાળાઓ ઊભી કરીશું જેમાં આયુર્વેદની ઔષધિઓ, જડીબુટીઓને પાશ્ર્ચાત્ય માપદંડોના આધારે અકસીર પુરવાર કરીશું અને એમની જે જે પરીક્ષણ પદ્ધતિઓ હોય એના પેરામીટર્સ પ્રમાણે પ્રયોગો કરીને સ્ટાર્ન્ડડાઈઝ્ડ પરિણામો દુનિયા સમક્ષ મૂકીને એમની માન્યતા મેળવીશું જેથી પાશ્ર્ચાત્ય દેશોની પ્રજાને આયુર્વેદ પર ભરોસો બેસે અને તેઓ પણ આ ઉપચાર પદ્ધતિને અપનાવીને એલોપથીની દવાઓની ઝેરી આડઅસરોથી મુક્ત થઈ વધુ સ્વસ્થ જીવનશૈલી અપનાવતા થઈ જાય.
સ્વામી રામદેવે એક વખત કહ્યું હતું કે ધૃતકુમારી અને ગિલોય ઈત્યાદિથી લોહીમાં પ્લેટલેટ્સની કમીને નિવારી શકાય છે, પણ વેસ્ટર્ન વર્લ્ડ આ સ્વીકારવા જ તૈયાર નથી. એમના માટે તો પ્રયોગશાળામાં પહેલાં ઉંદર પર, પછી સસલાં પર, પછી વાંદરા પર અને પછી બ્લાઈન્ડ ટેસ્ટ દ્વારા મનુષ્યો પર અખતરાઓ થાય અને એમાં જો પાકેપાયે સિદ્ધ થાય તો જ એ ઉપચાર સાચો. રામદેવજી હસતાં હસતાં કહે: ‘અબ બાબ્બા કહાં ચુહે પકડને જાયેં, ખરગોશ ઔર બંદર પકડને જાયે!’ અને એ ઉંદર, સસલાં વગેરેને ક્ધટ્રોલ્ડ વાતાવરણમાં રાખવા માટે તેમ જ એમના પર અખતરાઓ કરવા માટે મોંઘા મોંઘા વૈજ્ઞાનિકો રાખવા પડે અને અતિ મોંઘા ઉપકરણો વસાવવા પડે અને ઓવર અ પીરિયડ ઑફ યર્સ આ બધાં પરીક્ષણોનાં સચોટ પરિણામો દુનિયા સમક્ષ મૂકી શકાય. સ્વામી રામદેવ આ ચેલેન્જ ઉપાડી લેવા તૈયાર છે અને પાંચ-દસ-પચાસ જેટલાં વર્ષ લાગે એટલાં વર્ષ રિસર્ચ પાછળ ઈન્વેસ્ટ કરીને પણ તેઓ પાશ્ર્ચાત્ય માપદંડો વડે આયુર્વેદની અક્સીરતા પુરવાર કરવા કટિબદ્ધ છે.
સ્વામી રામદેવની આ દીર્ઘદૃષ્ટિ તથા દૃઢતાને પ્રણામ, પરંતુ આ જ વાતને હવે બીજા છેડાથી જોઈએ.
આપણું જ્ઞાન આપણા સ્ટાન્ડર્ડથી હજારો વર્ષથી આપણે પુરવાર કરતાં આવ્યા છીએ, પણ આજે દુનિયા આપણને કહે છે કે ના, તમારા સ્ટાન્ડર્ડ્સ અમને મંજૂર નથી. અમે, મોડેથી ઊભા કરેલાં અમારાં સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે એને પુરવાર કરો. હકીકત એ છે કે એ લોકોના પોતાના સ્ટાન્ડર્ડ્સ હજુ લોચામાં છે. બેન ગોલ્ડએકરનું નામ ન સાંભળ્યું હોય તો યાદ રાખી લેજો. ૧૯૭૪માં જન્મેલા બેન ગોલ્ડએકરે દસ વર્ષ પહેલાં ‘બૅડ સાયન્સ’ નામનું પુસ્તક લખ્યું હતું અને પાંચ વર્ષ પહેલાં ‘બૅડ ફાર્મા’ નામનું પુસ્તક લખ્યું. આ બંને પુસ્તકોનાં નામ પણ યાદ કરી લેજો. આ બ્રિટિશ ફિઝિશ્યન તથા એકેડેમિક અને સાયન્સ રાઈટર ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલો છે અને ‘સેન્ટર ફૉર એવિડન્સ બૅઝ્ડ મેડિસિન’માં સિનિયર રિસર્ચ ફેલો છે. એણે ‘ઑલ ટ્રાયલ્સ’ અને ‘ઓપન ટ્રાયલ્સ’ નામના બે કૅમ્પેન ચલાવ્યા છે. આ ઝુંબેશોનો ઉદ્દેશ્ય છે: ‘ટુ રિક્વાયર ઓપન સાયન્સ પ્રેક્ટિસિસ ઈન મેડિકલ ટ્રાયલ્સ.’ એટલે કે મેડિસિનના ક્ષેત્રે દવાઓ અને સારવાર પદ્ધતિઓની બાબતમાં ક્લિનિકલ ટ્રાયલ (કે પ્રયોગશાળામાં થતા ટેસ્ટ્સ)ના નામે જે ધુપ્પલ ચાલે છે તે બંધ કરાવવું, ક્લિનિકલ ટ્રાયલને વધારે ટ્રાન્સપરન્ટ (ઑનેસ્ટ) બનાવવી. એની બૅડ સાયન્સ ડૉટ નેટ નામની વેબસાઈટને અનેક અવૉર્ડ્સ મળ્યા છે. આપણે ત્યાં ડૉ. મનુ કોઠારી વેસ્ટર્ન મેડિસિનના સ્ટાન્ડર્ડ્સને ખૂબ ચેલેન્જ કરતા રહ્યા. હવે ત્યાંના જ મનુ કોઠારીઓ ત્યાંના જ સ્ટાન્ડર્ડ્સને પડકારી રહ્યા છે. આપણા ડૉ. મનુ કોઠારી જમાના કરતાં કેટલા આગળ હતા તેનો આ પુરાવો છે. બ્લડ શ્યુગર, કોલેસ્ટરોલ, બ્લડપ્રેશર વગેરેના સ્ટાન્ડર્ડ પશ્ર્ચિમી દુનિયાએ ઊભાં કર્યાં તે આપણને લાગુ ન પડે. એમણે વિશ્ર્વવ્યાપી ફાર્મા કંપનીઓનો અબજો ડૉલરનો ધંધો વધારવા એમની જ સાઠગાંઠ હેઠળ થતી રિસર્ચ દ્વારા ખોટાં પેરામીટર્સ ઊભાં કર્યાં જેને આપણે ફૉલો કરી રહ્યા છીએ, અને હવે ખબર પડે છે કે બ્લડપ્રેશર ૧૨૦ને બદલે ૧૪૦ રહેતું હોય કે શુગર ૧૨૦ને બદલે ૧૫૦ આવે તોય તમે મોટા ભાગના કેસમાં બીપીના કે ડાયાબિટીસના રોગી નથી. આવું જ કોલેસ્ટરોલથી માંડીને બીજી અનેક બાબતોમાં. તો કરવું શું? ભારતના જ્ઞાનના ભંડારનું વિસ્તૃતિકરણ કરીને એના આધુનિક (એટલે કે પશ્ર્ચિમી) વિજ્ઞાનના એરણની કસોટીએ ખરું પુરવાર કરવા જહેમત કરવી? કે પછી આપણે આપણા માપદંડો સાથે આગળ વધીને એ માપદંડો દુનિયા માટે સ્વીકાર્ય બને એવી જહેમત કરવી? પેચીદો પ્રશ્ર્ન છે જેનો ઉકેલ આજે નહીં ને કાલે શોધવો તો પડશે જ. કાલે શોધીએ.
શ્યુગરના પ્રચાર માટે દેશી પદ્ધતિએ ઉપચાર કરનારાઓને મારી નાખવામાં આવતા

જેને કારણે ડાયાબિટીસનો રોગ જન્મે છે તે ખાંડને એલોપથીના પ્રસાર સાથે સીધો સંબંધ છે એ તમે જાણો છો? શરીરમાં સર્જાતી અનેક નાનીમોટી તેમ જ ભયંકરમાં ભયંકર બીમારીઓનું કારણ ડાયાબિટીસ છે, ખાંડ છે. આ ખાંડને કારણે આપણા દેશની તેમ જ સદીઓ પૂર્વેની વિદેશોની સ્થાનિક ઉપચાર પદ્ધતિને મરણતોલ ફટકો પડ્યો. કેવી રીતે જોઈએ.
માણસ જાતિના હજારો-લાખો વર્ષ જૂના ઈતિહાસમાં ક્યાંય ખાંડ નહોતી. શેરડી હતી, મધ હતું. પણ શેરડીના રસમાંથી તેમ જ અન્ય ફળોના રસમાંથી કૃત્રિમ રીતે, રસાયણો નાખીને બનાવવામાં આવતી શ્યુગર, શર્કરા કે સાકર-ખાંડ નહોતી.
પર્શિયાના સામ્રાજ્યે શેરડીના રસમાંથી ખાંડ બનાવવાની શોધ કરી. આ વાત સાતમી સદીની. આજથી ૧૪૦૦ વર્ષ પહેલાંની. ઈસ્લામના પ્રસાર સાથે ખાંડનો પ્રચાર થવા લાગ્યો. યુરોપીય શાસકોને ખબર પડવા માંડી કે ઈજિપ્તના દરબારમાં બેસતા યુરોપીય રાજદૂતોને ‘ખાંડની લત લગાડવામાં’ આવતી હતી અને એમને ‘મોંઘા મરીમસાલા તથા ખાંડ’ની લાંચ આપીને પોતાના તરફી કરી લેવામાં આવતા હતા. આવા અનેક રાજદૂતોને યુરોપીય શાસકોએ પાછા બોલાવી લેવાની નોબત આવતી.
ઈ. સ. ૧૨૦૦ના ગાળામાં ઈસ્લામ અને ખ્રિસ્તી શાસકો વચ્ચેની ગળાકાપ સ્પર્ધા પરાકાષ્ઠાએ પહોંચી. ઈ. સ. ૧૩૦૬ની સાલમાં વેટિકને ફરીથી ક્રૂસેડ (ધર્મયુદ્ધ) કરવાનું નક્કી કર્યું. ફ્રાન્સ, ઈન્ગલૅન્ડ અને સિસિલીના શાસકોને ચર્ચ તરફથી આ અંગેની અપીલો મળવા લાગી: ‘સુલતાનોના પ્રદેશમાં શ્યુગરનું ખૂબ ઉત્પાદન થાય છે અને એમાંથી એ લોકોને કરવેરારૂપે મોટી આવકો મળે છે. ખ્રિસ્તીઓ જો એ પ્રદેશો પર કબજો મેળવી લે તો સુલતાનોની આર્થિક તાકાત ઓછી કરીને ખ્રિસ્તીઓના તાબાના પ્રદેશોમાં પણ શ્યુગરનું ઉત્પાદન થઈ શકે.’
આમ શ્યુગર મેળવવા માટેનાં યુદ્ધો થયાં અને સુલતાનની પ્રજાઓને ગુલામ બનાવીને એમનો વેપાર શરૂ થયો જેથી તેઓ શેરડીના ખેતરોમાં મજૂરી કરી શકે.
૧૪૫૪ની સાલમાં વેટિકનના પોપે ગુલામ વેપારને આશીર્વાદ આપીને એને ઉત્તેજન આપ્યું જેથી સાકરનું ઉત્પાદન બેરોકટોક ચાલુ રહે. પોર્ટુગલ અને સ્પેન તે વખતે ખાંડ ઉત્પાદનનાં મહત્ત્વનાં મથકો બની ગયા હતાં. ૧૪૯૩માં ક્રિસ્ટોફર કોલમ્બસે વિશ્ર્વભ્રમણનો આરંભ કર્યો ત્યારે સ્પેનની રાણી ઈઝાબેલાના કહેવાથી એણે શેરડીના સાંઠાના ભારાઓને પોતાની સાથે લીધા હતા. કોલમ્બસે વેસ્ટ ઈન્ડિઝની પ્રજાને ગુલામ બનાવીને સ્પેનમાં વસાવવાનું સૂચન કર્યું હતું જેથી શેરડીનો પાક લેવા માટે પૂરતા મજૂરો મળી રહે. પણ રાણી ઈઝાબેલાએ આ સૂચન માન્ય નહોતું રાખ્યું. કોલમ્બસે ધરાર બે જહાજ ભરીને ગુલામો સ્પેન મોકલી આપ્યા પણ રાણીએ ગુલામોને પાછા મોકલી દીધા. રાણીના મૃત્યુ પછી રાજા ફર્ડિનાન્ડે સ્પેનની શ્યુગર ઈન્ડસ્ટ્રી માટે ગુલામોનો મોટો જથ્થો લાવવાની પરવાનગી આપી. આ થઈ ૧૫૧૦ની સાલની વાત. લગભગ પાંચસો વર્ષ પહેલાં.
આ ગાળામાં પોર્ટુગીઝો ગુલામ મજૂરોની મદદથી બ્રાઝિલમાં ખાંડ માટેની શેરડીનું ઉત્પાદન કરતાં થઈ ગયેલા. આ બાજુ ડચ (વલંદા) લોકો લિસ્બન, બ્રાઝિલ, સ્પેન વગેરેમાં ઊગતી શેરડીમાંથી એન્ટવર્પમાં ખાંડ બનાવતા થઈ ગયેલા. ૧૫૬૦ સુધીમાં સ્પેનના રાજા પાંચમા ચાર્લ્સે શ્યુગરના વેપારમાંથી મળતા કરવેરામાંથી માર્ડિડ અને ટોલેડોમાં આલીશાન મહેલો બનાવી લીધા હતા. ૧૫૮૮માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ-પહેલીના હુકમનામાથી પશ્ર્ચિમ આફ્રિકાના ગુલામ વેપાર પર બ્રિટિશ સામ્રાજ્યની ઈજારાશાહી સ્થપાઈ. પશ્ર્ચિમી જગતના રાજકીય ઈતિહાસમાં જો કોઈ એક ચીજ-ઉત્પાદને સૌથી મોટો ભાગ ભજવ્યો હોય તો તે શ્યુગરે. ૧૬૬૦ સુધીમાં શ્યુગરનો વેપાર એટલો બધો મહત્ત્વનો બની ગયો હતો કે બ્રિટિશ સામ્રાજ્ય આ માટે જંગે ચડવા તૈયાર હતું. ૧૮૬૦ના ગાળા સુધીમાં તો શ્યુગર શબ્દ અંગ્રેજી ભાષામાં સત્તાવાર રીતે મની (નાણું)ના પર્યાય તરીકે વપરાતો થઈ ગયો હતો.
વેક્યુમ, વરાળ અને આરકોલનો આવિષ્કાર ખાંડની ઉત્પાદન પ્રક્રિયામાં થયો નહોતો ત્યાં સુધી આજે બજારમાં મળે છે એવી રિફાઈન્ડ વ્હાઈટ કમર્શ્યલ શ્યુગર મળતી નહોતી. પરદેશમાં સ્થાનિક રીતે થતી રિફાઈનિંગ પ્રક્રિયાથી એકદમ રૉ, લાઈટ બ્રાઉન શ્યુગર બનતી. પ્રાણીઓનાં હાડકાં અને તોતિંગ રિફાઈનરીઓ આ પ્રક્રિયામાં ઉમેરાયા પછી પ્યોર વ્હાઈટ દાણેદાર ખાંડ બનવાની શરૂઆત થઈ.
એક તરફ પશ્ર્ચિમી શાસકોને શ્યુગરના વેપારમાંથી મળતા કરવેરાઓમાંથી જંગી કમાણી થવા માંડી તો બીજી તરફ શ્યુગરને કારણે શરીર પર થતી ગંભીર અસરો અને એમાંથી સર્જાતી બીમારીઓ વિશે ત્યાંના સ્થાનિક વૈદો જે ‘નેચરલ હીલર્સ’ કે અન્ય નામે ઓળખાતા તે, સજાગ થઈને પ્રજાને ચેતવણી આપવા માંડ્યા. શ્યુગરને કારણે થતી ભયંકર અસરોથી તેઓ વાકેફ હતા, પણ પશ્ર્ચિમી શાસકોએ શ્યુગરનો પ્રચાર ઔર વધાર્યો તે ત્યાં સુધી કે બિયર જે તે જમાનામાં એક આરોગ્યપ્રદ પીણું હતો, નવજાત શિશુને સ્તનપાન કરાવતી માતાઓ સવારે નાસ્તામાં એ બિયર પીતી તે બિયરને પ્રદૂષિત કરીને આજે બજારમાં મળે છે એવો રંગ, પરપોટા અને ફીણ થાય એવાં રસાયણો ઉમેરીને બિનઆરોગ્યપ્રદ બનાવી નાખવામાં આવ્યો. કેવી રીતે? એમાં ખાંડ ઉમેરીને, જેથી ખાંડનો વપરાશ સામાન્ય પ્રજામાં વધે. ખ્રિસ્તી શાસકોએ આ બિયરને બગાડ્યો તે પહેલાં બિયરમાં ખાંડ ઉમેરનારને અવળે ગધેડે બેસાડીને ગામમાં ફેરવવામાં આવતો-એ સંદેશો આપવા કે માણસનું શરીર અને એનું દિમાગ ખાંડને પચાવી શકે એમ નથી. એ જમાનાના લોકોને આની જાણ હતી.
૧૪મી સદીમાં શ્યુગર સામે લાલબત્તી ધરનારાઓ ચર્ચને આંખમાં કણાની જેમ ખૂંચતા થઈ ગયા હતા. ચર્ચે જોયું કે શ્યુગરની ભયંકર અસરો વિશે ચેતવણી આપનારા ‘નેચરલ હીલર્સ’ (સ્થાનિક ઉપચારોથી સાજા કરનારાઓ - જે આપણા દેશી વૈદરાજોની સમકક્ષ હતા)ને રોકવામાં નહીં આવે તો વેટિકનને ખ્રિસ્તી શાસકો તરફથી થતી કમાણી સાવ ઘટી જશે. ચર્ચે એક પછી એક હુકમો જારી કર્યા. આ પ્રકારની દેશી સારવાર પદ્ધતિ કરતી મહિલાઓને વિચ (ડાકણ) ગણવામાં આવી અને એમને વીણી વીણીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. વિચ હન્ટ શબ્દપ્રયોગ ત્યારથી પ્રચલિત થયો. એ પછી માત્ર ગ્રીક અને લેટિન ભાષામાં જ ઉપચાર પદ્ધતિઓની ટર્મિનોલોજી હોય એવો કાયદો આવ્યો. પેટના દુખાવાને સ્ટમકએકને બદલે ડાયસ્પેસિયા કહેવાથી દર્દી ઈમ્પ્રેસ થઈને તરત તાબામાં આવી જાય એવી આ ચાલનો શિકાર ક્રમશ: કરોડો લોકો બન્યા.
આ બધી વાતો વિલિયમ ડફ્ટીના જાણીતા પુસ્તક ‘શ્યુગર બ્લ્યુઝ’માં છે.
આપણા સદ્નસીબ કે ભારત તે વખતે ચર્ચની પહોંચ બહાર હતું. અન્યથા આપણે ત્યાં જો આવી વિચ હન્ટ થઈ હોત તો આજે જેમ આયુર્વેદમાંથી દંતચિકિત્સા તેમ જ શલ્ય ચિકિત્સા ભુલાઈ જવા આવી છે કે ભુલાઈ ગઈ છે એમ આયુર્વેદના સમગ્ર જ્ઞાનને કાળની ગર્તામાં ધકેલી દેવામાં આવ્યું હોત. અને ભારત આજે સંપૂર્ણપણે એલોપથીની ચપેટમાં આવી ગયું હોત. ચર્ચની પહોંચ તે વખતે આપણા સુધી નહોતી તે બદલ ભગવાનનો પાડ માનવો જોઈએ. 
ખાંડ આપણા દેશ માટે અજાણી હતી. ચા પણ. મારા પપ્પા કહેતા કે ચાના પ્રચાર માટે લિપ્ટન કંપનીવાળા સ્ટેશનના પ્લેટફૉર્મ પર મફત પીવડાવતા. એ જમાનામાં, આઝાદી મળી એની આસપાસના ગાળામાં, ચા પીવી એ સામાજિક રીતે નીચાજોણું ગણાતી. પપ્પા કહેતા કે એ સ્કૂલમાં હતા ત્યારે ગામના છેવાડે આવેલી ચાની ટપરી પર જઈને દોસ્તારો સાથે ચૂપચાપ ચા પી આવતા અને કોઈ ગામવાળું જોઈ જાય તો ઘરે ફરિયાદ કરશે એવી બીક લાગતી. પચાસ-પંચોતેર વર્ષમાં જ ચા ભારતની પ્રજા માટે અનિવાર્ય બની ગઈ તે ત્યાં સુધી કે કોઈને ત્યાં જઈએ ને ચાનું ના પૂછે તો કહીએ કે એણે તો ચાનોય ભાવ ન પૂછ્યો. ચા પ્રજાના જનજીવનમાં એટલી ઘૂસી ગઈ કે આદરસત્કારનો પર્યાય બની ગઈ. આમાં કમાણી કોણે કરી? લિપ્ટન અને બ્રુક બૉન્ડ બનાવતી વિદેશી મલ્ટિનૅશનલ કંપનીઓએ. વાઘબકરી કે ગિરનાર-સોસાયટી જેવી ભારતીય કંપનીઓ તો મોડેથી આવી અથવા એમની સ્થાપના પછી એમનો વિકાસ ઘણો પાછળથી થયો. પશ્ર્ચિમી જગતે ભારતને લૂંટવામાં ચાનો ઉપયોગ કર્યો તે જ રીતે ચા પહેલાં ખાંડનો ઉપયોગ કર્યો.
આપણે જોઈ ગયા કે ખાંડ આપણા દેશ માટે અજાણી હતી. અંગ્રેજોએ મોરેશિયસમાં ગુલામો રાખીને મોટા પાયે શેરડીનું ઉત્પાદન શરૂ કર્યું અને ત્યાં બનતી ખાંડ ભારતમાં આવી ત્યારે આપણે એને મોરસના નામે ઓળખતા. ખાંડના આગમન પહેલાં મીઠાશ માટે ગોળ, મધ ઈત્યાદિ વપરાતાં. આરબ દેશોમાં ખજૂર કે એનો રસ કે એના રસમાંથી બનતા પદાર્થો ગળપણ માટે વપરાતા. (બીટમાંથી પણ શ્યુગર બને છે અને મકાઈમાંથી પણ બને છે જે ઈક્વલી હાનિકારક છે).
ખાંડનું પ્રચલન પરદેશમાં વધ્યું તે પછી ત્યાંના આરોગ્ય નિષ્ણાતોને ખાંડથી થતા રોગ ધ્યાનમાં આવ્યા જેનું નામ પાછળથી ડાયાબિટીસ પડ્યું. જ્યારે આપણે ત્યાં તો ખાંડના આગમન પહેલાં જ વધુ પડતું ગળ્યું ખાવાથી થતા મધુપ્રમેહ (મીઠી પેશાબ અર્થાત્ ડાયાબિટીસ)ના રોગની જાણકારી હતી એટલું જ નહીં એને લગતા ઈલાજો પણ આપણી પાસે હતા. આયુર્વેદમાં એક કરતાં વધુ ‘દવાઓના’ સેવનથી મધુપ્રમેહનો ઈલાજ થાય છે. ગિલોય દ્વારા પણ થાય, જાંબુના ઠળિયાના ભુક્કા દ્વારા થાય અને કારેલાં દ્વારા પણ થાય. યોગ-પ્રાણાયામમાં પણ એના ઈલાજો છે. પેન્ક્રિયાસ પર પ્રેશર આવે એવાં આસનોથી લઈને વિવિધ શ્ર્વસન પદ્ધતિઓથી ડાયાબિટીસના સરળ ઈલાજો થાય છે.
ખાંડના આવિષ્કાર પહેલાં પણ આપણને ખબર હતી કે અતિશય ગળપણનું સેવન શરીર માટે હાનિકારક છે અને એને લીધે મધુપ્રમેહ જેવા રોગ થાય છે. વધુ પડતું મધ કે વધુ પડતો શેરડીનો રસ ખાવા-પીવાથી કે ખોરાકમાં લેવાથી કે આ પ્રકારનું અન્ય કોઈ પણ ગળપણ વધુ પડતું લેવામાં આવે તો મધુપ્રમેહ થવાનો જ છે એવી જાણકારી હતી એટલે જ આ બધા ઉપચારો શોધાયા, પણ ખાંડના આગમન પછી ગળપણને થતાં છૂટાછવાયા રોગના કિસ્સાઓ રોગચાળામાં ફેલાઈ ગયા, એપિડેમિકમાં પલટાઈ ગયા. ઈતિહાસમાં આપણે પ્લેગ, ટાઈફોઈડ વગેરેના રોગચાળા ફેલાતા તે વાંચી ગયા છીએ, પણ આજે ખાંડને લીધે ફેલાયેલો ડાયાબિટીસ પણ રોગચાળો જ છે એવું કોઈ નથી કહેતું.
જન્મજાત, વંશાનુગત ખામીઓને લીધે સર્જાતો ડાયાબિટીસ જુદો છે અને તેનો ઈલાજ પણ આયુર્વેદમાં છે જેની માહિતી તમને સ્વામી રામદેવ પાસેથી ગૂગલ કે યુટ્યૂબ સર્ચ કરીને મળશે. ટાઈપ-વન તરીકે ક્લાસિફાય થયેલા આ ડાયાબિટીસ વિશે પણ આપણને ખબર હતી-પશ્ર્ચિમ કરતાં પહેલાં અને એટલે જ એનો ઈલાજ પણ આયુર્વેદ પાસે છે. આ ટાઈપ-વન ડાયાબિટીસ ભલે જિનેટિક ખામીઓને કારણે થતો હોય, પણ એના ઈલાજરૂપેય ખાંડ કે ગળ્યા પદાર્થો કે શર્કરા જેમાં હોય એવી વસ્તુઓ (ઠંડાં પીણાં, વ્હિસ્કી, બિયર ઈત્યાદિ)થી દર્દીએ સલામત અંતરે રહેવું જ પડે અને સાથોસાથ આયુર્વેદે સૂચવેલા ઉપાયો તેમ પ્રાણાયામ-આસનો નિયમિત કરવાં પડે.
ખાંડના આગમનથી બિચારા ગોળનું સ્ટેટસ સાવ ઘટી ગયું. ગઈ કાલનો મારો લેખ વાંચ્યા પછી એક વાચકે લખ્યું કે ઘણા વખતથી અમે ખાંડની હાનિકારકતા સમજીને અમારી ઑફિસમાં ગોળની ચા બનાવીએ છીએ અને કોઈનેય ખ્યાલ પણ નથી આવતો.
ગયા અઠવાડિયે મહુવામાં પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં યોજાયેલી ‘હરકિસન મહેતા વ્યાખ્યાનમાળા’ના પ્રવચન દરમિયાન આ વિષય પર વાત કરતાં મેં એક કિસ્સો કહ્યો હતો. મારા મોસાળમાં ખેતી હતી. ઉનાળાની રજાઓમાં ગયા હોઈએ ત્યારે બપોર પછી ખેતરમાં બે પ્રકારની ચા મોકલવામાં આવે. એક ખાંડમાં બનેલી ચા હોય જે નાના, મામા અને ખેતરના એક-બે ઈમ્પોર્ટન્ટ લોકો માટે હોય. બીજી ચા ગોળમાંથી બને જે તમામ મજૂરો માટે બને. ગોળવાળી ચાનો રંગ વધારે લાલ હોય એટલે મારો મોટોભાઈ એ જ ચા પીવાની જીદ કરે. મામીઓ કહે કે ભાણાભાઈ, આપણાથી આવી ચા ના પીવાય, પણ ભાઈ ધરાર ગોળવાળી જ ચા પીએ. હું તો તે વખતે ચા પીતો નહોતો, પણ આવા કિસ્સા બરાબર મનમાં જડાઈ ગયા છે કે સારા લોકો ગોળવાળી નહીં, ખાંડવાળી ચા પીએ અને મજૂરો જ ગોળવાળી ચા પીએ. મોટા થઈને સમજાયું કે ખાંડ તો ઝેર છે અને એની સામે ગોળ ભલે અમૃત ન હોય પણ ઘણો ઓછો હાનિકારક છે તેમ જ જો કેમિકલ વગરનો ગોળ પ્રમાણસર ખોરાકમાં લેવામાં આવે તો તો એ ઉપયોગી પણ છે.
ગળપણપુરાણ અહીં અટકાવીને આગળ વધીએ. ભારતના જ્ઞાનના સાગરને ઢાંકી દેવા કેવાં કેવાં કાવતરાંઓ થયા અને ભારતને વિજ્ઞાનનો મહાસાગર બનતો અટકાવવા હજુય કેવી રમતો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખેલાઈ રહી છે એની ઘણી બધી રસપ્રદ વાતોનો ખજાનો મેં શોધી કાઢ્યો છે જે તમારી સાથે વહેંચવા અત્યંત આતુર છું.

શૂન્યની શોધ અને જ્ઞાનની સમૃદ્ધિ

ભારત એક જમાનામાં જ્ઞાનની રાજધાની હતી, વિશ્ર્વ આખામાં વિદ્યા મેળવવાનું સૌથી મોટું કેન્દ્ર આપણો દેશ હતો. આવું કહીએ ત્યારે કેટલાક લોકો આપણને ઉતારી પાડતા હોય છે, પુરાવાઓ લાવો એવું કહેતા હોય છે અને છેવટે હિન્દુવાદી કહીને ઉતારી પાડતા હોય છે. ભલું થજો એમનું.
તક્ષશિલા અને નાલંદાના જ્ઞાનભંડારો એની સાબિતિ છે. લગભગ પંદરસો વર્ષ અને બે હજાર વર્ષ જૂના ઈસ્લામ તથા ખ્રિસ્તી ધર્મ પણ આપણા પાંચ હજાર વર્ષથી વધુ પુરાણા વેદ-ઉપનિષદ-ગીતા વગેરેની છાયાઓ એના પુરાવાઓ છે. આરોગ્ય અને ઉપચારોની બાબતમાં પણ આપણે કેટલા આગળ હતા તેનો પુરાવો પતંજલિ યોગસૂત્ર, ચરક સંહિતા તથા સુશ્રુત સંહિતા છે.
અને એ જમાનામાં આપણે અતિ શ્રીમંત રાષ્ટ્રની પ્રજા હતા, સુખી-સમૃદ્ધ હતા એનો પુરાવો છે - શૂન્યની શોધ. કેવી રીતે? વાત કરીએ પણ તે પહેલાં એક આ નાનકડી વાત.
ભારત ફરી એકવાર વિશ્ર્વ આખામાં જ્ઞાનના કેન્દ્ર તરીકે સ્થપાય એવી યોજના તૈયાર થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક મહિના પહેલાં પટણા યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં શું કહ્યું તે યાદ છે? એમણે કહ્યું હતું કે ભારતની તમામ યુનિવર્સિટીઓને અમે તક આપવા માગીએ છીએ કે તમે વિશ્ર્વની શ્રેષ્ઠ યુનિવર્સિટી બનવા માટે કમર કસો. સરકાર દેશની તમામ યુનિવર્સિટીમાંથી જે દસ સૌથી વધુ લાયક હશે, પ્રોમિસિંગ હશે તે દરેકને રૂપિયા દસ હજાર કરોડ આપીને એને વિશ્ર્વની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીની સમકક્ષ બનાવવામાં મદદરૂપ થશે. કુલ દસ ભારતીય યુનિવર્સિટીઓને દસ-દસ હજાર કરોડ રૂપિયા. વિચાર કરો. અમેરિકાની હાર્વર્ડ, પ્રિન્સ્ટન અને કૉર્નેલ વગેરે જેવી આઈવી લીગ યુનિવર્સિટીઓ કે ઈંગ્લૅન્ડની ઓક્સફર્ડ કે કૅમ્બ્રિજ જેવી કુલ દસ યુનિવર્સિટીઓ ભારતમાં હશે ત્યારે રિવર્સ બ્રેઈન ડ્રેઈન શરૂ થવાનું. વિશ્ર્વભરના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓ આ ભારતીય યુનિવર્સિટીઓમાં ભણવા માટે પડાપડી કરવાના. ભારતના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓએ પછી મોંઘી ફી ભરીને અને અન્ય તોતિંગ ખર્ચાઓ કરીને વિદેશ નહીં જવું પડે. ભારતમાં ફરી એકવાર નવા જમાનાની તક્ષશિલા-નાલંદા વિદ્યાપીઠો સ્થપાશે. ભારતના બૌદ્ધિક ધનનો પરિચય અને પરચો વિશ્ર્વ આખાને થશે જે શૂન્યની શોધ વખતે થયો હતો. શૂન્યની શોધ આરબોએ કરી હતી તે ભૂલભરેલો ઈતિહાસ છે. ભારતે વિશ્ર્વને શૂન્યની ભેટ આપી.
હવે એ વાત કરીએ.
સમાજ પર કે પ્રજાના જીવન પર કઈ કઈ વસ્તુઓ સીધી અસર કરતી હોય છે? મારે હિસાબે પાંચ:
૧. ખેતી, પશુપાલન અને અન્ય વનસ્પતિઓ જે પ્રજાને ખોરાક આપે, પોષણ આપે, શક્તિ આપે.
૨. ઘર અને ગ્રામ્યવ્યવસ્થા જે પ્રજાને સુરક્ષા આપે અને રોજિંદા જીવનને સરળ બનાવે. મોહેં-જો-દરો, લોથલ, ધોળાવીરા, રાણકી વાવ વગેરે અનેક ઉદાહરણો ટાંકી શકો.
૩. બીમારીથી બચવાનું અને બીમારીઓથી સાજા થવાનું જ્ઞાન. આયુર્વેદ વગેરે.
૪. સામાજિક રીતરસમો. લગ્નસંસ્થા તથા રામાયણ-મહાભારત જેવા ગ્રંથોમાંથી મળતું વ્યવહારું જ્ઞાન.
૫. વિજ્ઞાન. ઉપરની ચારેય બાબતો જ્યારે પૂરતા પ્રમાણમાં હોય ત્યારે વિજ્ઞાન લોકોપયોગી બને અન્યથા તે વિનાશકારી બને.
આટલું બેકગ્રાઉન્ડ સમજી લીધા પછી થોડી વ્યાપક દૃષ્ટિએ વિચારીએ. શૂન્ય વિશે સમાજ કે લોકો ક્યારે વિચારી શકે? ભૂખ્યો હોય ત્યારે? ના. મરવા પડ્યો હોય, જાનનું જોખમ હોય કે અસલામતીમાં જીવતો હોય ત્યારે ના. બીમાર હોય ત્યારે? ના. આક્રમણ સામે લડતો હોય ત્યારે? ના. પોતાની આસપાસના લોકો અબૂધ હોય ત્યારે? ના.
ભૂખ, જાનનું જોખમ, બીમારી, આક્રમણનો ભય અને આસપાસની દુનિયા વિશેનું અજ્ઞાન જ્યારે ન હોય ત્યારે માણસ શૂન્ય સુધી વિચારી શકે, જ્યારે એ બધી રીતે સુખી, સમૃદ્ધ, સુરક્ષિત અને સંતુષ્ટ હોય ત્યારે શૂન્ય પિક્ચરમાં આવે, કારણકે મૅથેમેટિક્સ કંઈ લાઈફની જરૂરિયાત નહોતી (આપણે હજારો વર્ષ પહેલાંની વાત કરીએ છીએ, આજના જમાનાની નહીં). પ્રાણીઓ, ઝાડપાન, ગ્રહો, તારાઓ, આખી દુનિયા અને આખું બ્રહ્માંડ મૅથ્સ વિના જ જીવે છે. ગણિત લાઈફની લક્ઝરી હતી. અને એટલે શૂન્યની શોધ આપણી જીવનપદ્ધતિના વૈભવનું પ્રૂફ છે. આપણે દુનિયાને શૂન્યની ભેટ આપી, કારણ કે વૈભવ તો ઓલરેડી આપી રહ્યા હતા. વૈભવ ઓવરફ્લો થઈ રહ્યો હતો. આપણો દેશ જ્ઞાનનો સાગર અને વિજ્ઞાનનો મહાસાગર હતો અને છે, અને આ શૂન્ય ગણિતમાંથી નથી આવ્યું. ગણિતશાસ્ત્રમાં તો પાછળથી ઍપ્લાય થયું હશે. ગણિત પહેલાં ભારતીય અધ્યાત્મમાં શૂન્યનો આવિષ્કાર થયો અને અધ્યાત્મમાંથી શૂન્યે ગણિતશાસ્ત્ર તરફ પ્રયાણ કર્યું. વિજ્ઞાન અને અધ્યાત્મને પશ્ર્ચિમી જગત આજે જોડે છે, આપણે હજારો વર્ષ પહેલાં એ બંને વચ્ચેનો સંબંધ જોડી શક્યા હતા. વિષ્ણુનાં એક હજાર નામમાંનું એક નામ છે - શૂન્ય. સંગીતમાં તાલના જે છ મુખ્ય અંગ છે તેમાંનું બીજું અંગ છે શૂન્ય જેને ખાલી પણ કહીએ. ફળ જ્યોતિષમાં સૂર્ય જે નક્ષત્રમાં હોય તેનાથી આઠમું નક્ષત્ર શૂન્ય ગણાય. એટલું જ નહીં આપણી સંસ્કૃતિમાં તો શૂન્યવાદને પણ સ્વીકારવામાં આવ્યો છે. શૂન્યવાદ એટલે જગતમાં ઈશ્ર્વર જેવું કંઈ છે જ નહીં એવો મત. અર્થાત્ નાસ્તિકવાદ. બીજી રીતે કહીએ તો દુનિયામાં કોઈપણ વાદ અસ્તિત્વ ધરાવતો નથી એવો મત એટલે શૂન્યવાદ.
ભારત દેશ જ્ઞાનનો સાગર અને વિજ્ઞાનનો મહાસાગર હતો અને પશ્ર્ચિમી વિજ્ઞાને ભારતના આ મહાસાગરને હડપ કરી લેવાની જે ચેષ્ટાઓ કરી તે કયા ગાળામાં થઈ? ગઈ સહસ્રાબ્દીની કેટલીક શતાબ્દીઓ દરમ્યાન. વીતેલા મિલિનિયમની કેટલીક સદીઓ દરમ્યાન આક્રમણખોરોને લીધે ભારતનું મહત્ત્વ ઝૂંટવાઈ ગયું, ઢંકાઈ ગયું, દટાઈ ગયું. એ હવે ફરી પાછું લાઈમલાઈટમાં આવી રહ્યું છે. વિદેશીઓએ જ્ઞાનને વિજ્ઞાન તરીકે સ્વીકારવા માટે જે જે પોતાના તરફી માપદંડો સ્થાપી દીધા તે પેરામીટર્સને હવે આપણે પડકારી રહ્યા છીએ. આ પડકારો આપનારાઓમાં આધુનિક જમાનામાં ડૉ. મનુ કોઠારી અગ્રણી હતા જેમના અવસાનના ૩ વર્ષ બાદ વિદેશી સંશોધકો ડૉ. કોઠારીના પડકારોને સાચા ઠેરવી રહ્યા છે



























Friday, November 24, 2017

જેનાથી લોકો ત્રાસતા નથી અને જેને લોકોનો ભય નથી -- સૌરભ શાહ

વિચાર જ્યારે માત્ર વિચારની અવસ્થામાં જ રહી જાય છે ત્યારે બહુ જલદી એનું બાષ્પીભવન થઈ જાય છે. વ્યવહારમાં મુકાયા વિનાનો વિચાર, અમલમાં લાવ્યા વિનાનો વિચાર પાંગરી શકતો નથી. લખાતા, બોલાતા કે છપાતા શબ્દોનું મહત્ત્વ ત્યારે જ ગણાય જ્યારે એને વ્યવહારમાં ઉતારવાની કોશિશ થાય. કોશિશનો અર્થ જ એ કે એમાં નિષ્ફળ જવાની સંભાવના પણ રહેવાની. મહત્તા પ્રયત્નોની સફળતા કે એની નિષ્ફળતાની નથી, મહત્તા પ્રયત્નોની જેન્યુઈનનેસની છે. આ પ્રયત્નો પછી પરિણામ માટેની વિહ્વળતા રાખવાને બદલે ધીરજ અને આસ્થા કે શ્રદ્ધા કે વિશ્ર્વાસ કે ભરોસો રાખતાં આવડી જાય તો માણસે ક્યારેય ન તો પોતાની સમસ્યાઓના ઉકેલ માટે ધર્મગુરુઓ કે બાબાસાધુઓના શરણે જવું પડે, ન સાયકીએટ્રિસ્ટની ટ્રીટમેન્ટ લેવી પડે.

જીવન માટેની સમજ કેળવવી હોય તો સવાલ એ ઊઠે કે આવી સમજ ક્યાંથી મળે, કોણ આપે. પોતાના અનુભવોની એક સીમા હોય છે અને બીજાઓ પાસે મળતા વિચારોમાં એ વ્યક્તિની પોતાની મર્યાદાઓ પણ હોવાની જ.

તો પછી ક્યાં જવું? ગાંધીજીએ આ બાબતમાં ભગવદ્ ગીતાનો વિકલ્પ સ્વીકાર્યો હતો. ભારોભાર અધ્યાત્મિકતાની સાથે સો ટકાના વ્યવહારુપણાનું વિરલ કૉમ્બિનેશન ગાંધીજીમાં હતું. ૧૮૮૮ના કે ૧૮૮૯ના અરસામાં ગાંધીજી સૌપ્રથમ વાર ભગવદ્ગીતાના પરિચયમાં આવ્યા હતા. ટીન એજમાંથી માંડ બહાર આવ્યા હતા. તે જ વખતે તેઓ સમજી શક્યા હતા કે આ માત્ર ઐતિહાસિક ગ્રંથ નથી પણ તેમાં ભૌતિક યુદ્ધના વર્ણનને નિમિત્તે પ્રત્યેક મનુષ્યના હૃદયની અંદર નિરંતર ચાલતા દ્વંદ્વયુદ્ધનું જ વર્ણન છે; માનુષી યોદ્ધાઓની રચના હૃદયગત યુદ્ધને રસિક બનાવવા ઘડેલી કલ્પના છે. ગાંધીજીની આ પ્રાથમિક સ્ફુરણા, ધર્મનો અને ગીતાનો વિશેષ વિચાર કર્યાં પછી પાકી થઈ અને મહાભારત વાંચ્યા પછી આ વિચાર ઔર દૃઢ થયો.

મહાભારતને ગાંધીજી ઈતિહાસનો ગ્રંથ ગણતા નથી અને આદિ પર્વનો હવાલો આપીને તેઓ કહે છે કે તેમાં વર્ણવેલાં પાત્રો મૂળે ઐતિહાસિક ભલે હોય પણ મહાભારતમાં તો તેમનો ઉપયોગ વ્યાસ ભગવાને કેવળ ધર્મનું દર્શન કરાવવા જ કર્યો છે. વ્યાસ ભગવાને આદિ પર્વમાં પાત્રોની અ-માનુષી અને અતિ-માનુષી ઉત્પત્તિ વર્ણવીને રાજાપ્રજાના ઈતિહાસને ભૂંસી નાખ્યો છે.

ગાંધીજીની આ સમજે ગીતાના અભ્યાસનો અને એને વ્યવહારમાં મૂકવાના પ્રયત્નોનો વ્યાપ વધાર્યો. ભગવદ્ગીતાનું મહત્ત્વ શ્ર્લોકોની ગોખણપટ્ટી કરવા પૂરતું કે જીવનની સમસ્યાઓમાંથી છટકબારીઓ શોધવા પૂરતું નથી. એ સ્તરે ગીતા પાસે જનારાઓ એમાંથી કશું જ પામી શકતા નથી. એમના માટે ગીતા વેડફાઈ જાય છે. ગીતા વિશે વાંચીને, સાંભળીને, લખીને, બોલીને, સમજીને કે સમજાવીને માણસના રોજબરોજના વ્યવહારમાં કશો ફરક પડતો ન હોય તો સમજવાનું કે એના માટે ગીતાના ગ્રંથની ઉપયોગિતા એક જમાનામાં આવતી એવી સિનેમાનાં ગાયનોની ચોપડી જેટલી જ છે. ભક્તિ અને કર્મની વાતો માત્ર વિચારના જ સ્તરે રહે, માત્ર ક્ધસેપ્ટના લેવલે જ રમ્યા કરે તો એનો શું અર્થ?

ભક્તિની બાબતમાં પણ ફરી એક વાર સ્પષ્ટ થઈ જવું પડશે. લૌકિક કલ્પનામાં ‘ભકત એટલે વેવલો, માળા લઈને જપ જપનાર.’ ગાંધીજી કહે છે કે ગીતાની ભક્તિ તે વેવલાપણું નહીં, અંધશ્રદ્ધા નહીં. ગીતામાં સૂચવેલા ઉપચારને બાહ્ય ચેષ્ટા કે ક્રિયાની સાથે ઓછામાં ઓછો સંબંધ છે. માળા, તિલક, અર્ઘ્ય ઈત્યાદિ સાધનો ભક્ત ભલે વાપરે પણ તે ભક્તિનાં લક્ષણો નથી. ગાંધીજી આગળ કહે છે કે ભક્તનાં લક્ષણો કયાંં? જે કોઈનો દ્વેષ નથી કરતો, જે કરુણાનો ભંડાર છે, જે અહમ્-મમતાથી મુક્ત છે, જેને મન સુખદુખ ટાઢતકડો સરખાં છે, જે ક્ષમાશીલ છે, જે સદાય સંતોષી છે, જેના નિશ્ર્ચય કદી ફરતા નથી, જેણે મન અને બુદ્ધિ ઈશ્ર્વરને અર્પણ કર્યાં છે, જેનાથી લોકો ત્રાસતા નથી, જે લોકોનો ભય રાખતો નથી, જે હર્ષ-શોક-ભય વગેરેથી મુક્ત છે, જે પવિત્ર છે, જે કાર્યદક્ષ છે છતાં તટસ્થ છે, જે શુભાશુભનો ત્યાગ કરનારો છે, જે શત્રુમિત્ર પ્રત્યે સમભાવી છે, જેને માનઅપમાન સરખાં છે, જે સ્તુતિથી ફુલાતો નથી, નિંદાથી ગ્લાનિ પામતો નથી, જેને એકાન્ત પ્રિય છે, જે સ્થિરબુદ્ધિ છે તે ભક્ત છે.

ગીતાકારે ભક્તનાં લક્ષણ સ્થિતપ્રજ્ઞનાં જેવાં જ

વર્ણવ્યાં છે અને ગાંધીજી કહે છે એમ આ ભક્તિ પછી જે મળે છે તે મોક્ષ છે.

મોક્ષનો અર્થ બાબાગુરુઓ ગમે તે સમજાવે પણ જીવન પૂરું થઈ ગયા પછી મળનારી કોઈપણ ચીજમાં સમજુ પુરુષને રસ ન હોઈ શકે. એને તો જીવતે જીવ જે મળતું હોય તેને પામવામાં રસ હોય. ગાંધીજી કહે છે: ‘ગીતાનો મોક્ષ એટલે પરમ શાન્તિ.’ ગીતા દ્વારા તમને તમારી તમામ ચિંતાઓમાંથી પરમ શાન્તિ મળતી હોય, મુક્તિ મળતી હોય તો તે તમારા માટે મોક્ષ છે.

મોક્ષ અને પરમ શાન્તિને એકમેકના પર્યાય માની લીધા પછી ગીતાનો અભ્યાસ વધુ સરળ બની જવાનો. પરિણામની ઈચ્છા રાખ્યા વિના માત્ર પ્રયત્નો કરતાં રહેવાનું મનોબળ કેળવવાનું કામ પણ સરળ બની જવાનું.



કાગળ પરના દીવા........



ખુશીનો એક દરવાજો બંધ થઈ જાય છે ત્યારે કોઈક અન્ય દિશામાં બીજો દરવાજો ઉઘડતો જ હોય છે. પણ મોટે ભાગે બને છે એવું કે બંધ થઈ ગયેલા દ્વારને સૂની નજરે તાકી રહેવામાંથી જ આપણે ઊંચા આવતા નથી, જેને કારણે આપણા માટે ખોલી નાખવામાં આવેલાં બીજાં બારણાં નજરે ચડતાં નથી.

- હેલન કેલર

Friday, June 2, 2017

અસીથી મણિકર્ણિકા વાયા દશઅશ્ર્વમેધ - બનારસ યાત્રા - સૌરભ શાહ

ન મુઝે કિસીને ભેજા હૈ, ન મૈં (ખુદ ચલ કે) યહાં આયા હૂં, મુઝે તો માં ગંગાને બુલાયા હૈ - નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા ક્ષેત્ર પરથી પોતાનું નામાંકન પત્ર ભર્યા બાદ આ મશહૂર થઈ ચૂકેલા શબ્દો ઉચ્ચાર્યા હતા.

આપણું પણ કંઈક આવું જ હતું. ફરક માત્ર એટલો હતો કે ગંગામૈયાને બદલે મને મિત્રે બોલાવ્યો હતો. નૅચરલી. મા ગંગાનું આમંત્રણ મળે તો મોદીજી જેવી હસ્તીને મળે, આપણા જેવાને મા શું કામ યાદ કરે. કારણ કે યાદ તો આપણે કરવાની હોય માને. જે નહાતી વખતે માથા પર લોટો ભરીને પાણી રેડતી વખતે રોજ કરતા હોઈએ છીએ. મા ગંગાને, મા યમુનાને, મા નર્મદાને, મા ગોદાવરીને, મા તાપીને.

ગંગામૈયાની આરતીની પ્રથા હરદ્વારે શરૂ કરી અને ઈ.સ. ૨૦૦૦ની સાલમાં બનારસે એને અપનાવી. અમારે આગમનના પહેલા જ દિવસે આ ભવ્ય આરતી નિહાળવાની હતી. પ્રથા પ્રાચીન હોય કે નવી શરૂ થયેલી હોય, જો એમાં આમ લોકોનો સાથ ભળે તો તે પરંપરા બની જતી હોય છે, સંસ્કૃતિનો એક ભાગ બની જતી હોય છે. વારાણસીમાં ગંગામૈયાની સંધ્યાઆરતી આવી જ એક પરંપરા બની ગઈ છે જેનો વિશ્ર્વવ્યાપી પ્રચાર નરેન્દ્ર મોદીએ (પીએમ બનતાં પહેલાં પણ લોકસભાની ચૂંટણી જીત્યા પછી) વારાણસી આવીને કર્યો. ચૂંટણીપ્રચાર વખતે મોદીને જીલ્લા શાસને અહીં આરતી કરવાની મનાઈ ફરમાવી હતી. રિઝલ્ટ આવ્યા પછી, સોગંદવિધિ પહેલાં મોદીએ વારાણસીના ફેમસ દશઅશ્ર્વમેધ ઘાટ પર ગંગામાની આરતી કરતાં પહેલાં પ્રવચનમાં કહ્યું હતું: ‘આ દેશમાં ગઠબંધનથી સરકારો તો બનતી આવી છે પણ આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે ગઠબંધનથી વિપક્ષ બનાવવો પડશે.’

યુપીમાં આઠમી માર્ચે વિધાનસભાની ચૂંટણીનો છેલ્લો દૌર છે. વારાણસી અને અન્ય મતવિસ્તારોમાં આઠમીએ ચૂંટણી છે. ૧૧મી માર્ચે રિઝલ્ટ આવશે. પીએમની કન્સ્ટિટ્યુઅન્સી છે એટલે સ્વાભાવિક રીતે અહીં ભાજપતરફી વાતાવરણ છે. અમે વારાણસી પહોંચ્યા ત્યારે સટ્ટાબજાર યુપીમાં ભાજપને ૧૫૫ સીટ્સ આપતું હતું. પાંચ દિવસ પછી અમે નીકળ્યા ત્યારે ૧૯૫ સીટ્સ આપતું હતું. (આ ૪૦ સીટ્સની બઢૌતરીમાં અમારી મુલાકાતનો કોઈ ફાળો નથી).

બનારસ જઈને અમારે ન તો ત્યાંના રાજકારણની આંટીઘૂંટી સમજવી હતી, ન ત્યાંના ચૂંટણી માહૌલનો અનુભવ લેવો હતો. અમારે તો માત્ર ભારતની આ સૌથી પ્રાચીન નગરીની હવામાં રહેલો પ્રાણવાયુ બને એટલો વધારે શ્ર્વાસમાં ભરી લેવો હતો.

સાંજે નૌકાયન માટે અસ્સી ઘાટ જતાં પહેલાં સંકટ મોચન હનુમાનજીનાં દર્શન કર્યાં. હવે નદીમાં અમારી નૌકા તરે કે ડૂબે એ બધી જવાબદારી હનુમાનજીને સોંપીને અમે નિશ્ર્ચિંત થઈ ગયા. બાકી, પાણીની અમને બહુ બીક લાગે.

સાંજે અસ્સી ઘાટ પર પહોંચીને અમારા મિત્રે સવારે કહ્યું હતું એમ સૌથી પહેલાં ચા પીધી. દૂધ વગરની. બ્લેક ટી. થોડાં ટીપાં લીંબુનાં. અને થોડો મરીમસાલો. મુંબઈમાં પૃથ્વી થિયેટરમાં એને ‘સુલેમાની ચાય’ કહે છે અને માટુંગાના કિંગ્સ સર્કલ પર આવેલી ઈરાનીમાં એને ‘અફઘાની ચા’ કહે છે. ફરક એટલો કે અસ્સી ઘાટની આ ચા વધારે સ્વાદિષ્ટ હતી. ચા પીધા પછી મુડી ખાવાની હતી. કલકત્તાના મુડી મસાલામાં સરસવનું તેલ પડે. અહીં જરા જુદા જુદા ઈન્ગ્રેડિયન્ટ્સ નાખવામાં આવે. બમ્બૈયા સુખા ભેલ અને કલકત્તી મુડીમસાલાનાં લગ્ન પછી જે બાળક પેદા થઈ શકે એવું મિશ્રણ પુડીમાં લઈને અમે નૌકામાં બેઠા. સીધી સાદી નૌકા. પણ હલેસાંને બદલે એન્જિન લગાડેલું એટલે મોટર બોટ બની ગઈ.

સ્વચ્છ ગંગાનું મોદીજીએ શરૂ કરેલું મિશન આ નૌકાવાળા માઝીએ પણ અપનાવ્યું છે. નૌકામાં વેસ્ટ પેપર બાસ્કેટ રાખી છે જેથી અમારા જેવા પર્યટકો મુડી ખાઈ લીધા પછીની ખાલી પુડીને ગંગામાં પધરાવવાની ધૃષ્ટતા ના કરે.

વારાણસીમાં દક્ષિણ તરફનો અંતિમ ઘાટ અસીઘાટ છે. ઘાટ એટલે ગંગાના પશ્ર્ચિમ કિનારે બનાવેલાં પગથિયાં, ઓટલો અને એની પાછળ ઊભી કરેલી ઈમારત. અસીઘાટથી અમે નૌકા કરી. ગંગા અને નાની મોટી અસ્સી (એંશી) નદીઓનો સંગમ થાય છે એવી માન્યતા છે. બીજી એક માન્યતા છે કે આ એંશીમો ઘાટ છે. સૌથી પહેલો ઘાટ ઉત્તરમાં રાજઘાટ છે. જોકે, ગણવા જઈએ તો કુલ ૮૪ જેટલા ઘાટ થાય છે. આ તમામ ઘાટનાં નાના-મોટાં, લાંબા - પહોળા પગથિયાં પરથી ઉપરનીચે ચાલતાં ચાલતાં જવું હોય તો પણ તમે જઈ શકો. દરેક ઘાટ પર નહાઈ શકો એવી સુવિધા (ચેન્જિંગ રૂમ્સ વગેરે) ન પણ હોય. આમાંના બે ઘાટ પર સ્મશાન છે - હરિશ્ર્ચંદ્ર ઘાટ અને મણિકર્ણિકા ઘાટ. બંને ખૂબ જાણીતા છે. (‘મસાણ’ ફિલ્મ આખી આ ઘાટની પ્રથાની ઈર્દગિર્દ વણાયેલી છે).

વરુણા અને અસી નદીઓની વચ્ચે વસેલું નગર વારાણસી. છેક સવા ત્રણ હજાર વર્ષ પહેલાં રચાયેલા અથર્વવેદમાં વારાણસીનો ઉલ્લેખ છે. એટલા જ પ્રાચીન આર્કિયોલોજિકલ પુરાવાઓ પણ અવશેષોરૂપે અહીંથી મળી આવ્યા છે.

સાંજ પડી રહી છે. ઢળતો સૂરજ અહીંથી દેખાતો નથી. પશ્ર્ચિમમાં આખું નગર વસેલું છે એટલે ઢંકાઈ જાય છે. પણ ગંગાનો પૂર્વનો કિનારો આખો ખાલી છે. સવારે ત્યાંથી સૂરજ ઊગશે ત્યારે એ દૃશ્ય જોવા જેવું હશે. આમેય કહેવત છે ને કે સુબહ - એ - બનારસ ઔર શામ - એ - અવધ. લખનૌની - અવધની સાંજ/રાત રંગીન હોય, નવાબી રંગીન. ઈન્હીં લોગોંને લે લીના દુપટ્ટા મેરાવાળી રાત્રિઓ માટે અવધની ગલીઓ જાણીતી. એ ભૌતિક સુખોની સામે બનારસની સવારનું અધ્યાત્મિક સુખ જક્સ્ટાપોઝ થાય.

અસી ઘાટનું લંગર છોડીને અમારી નૌકા ગંગાના પ્રવાહમાં ઉત્તર તરફ પ્રયાણ કરી રહી છે. બાજુમાં જ તુલસી ઘાટ છે. એનું જૂનું નામ લોલાર્ક ઘાટ હતું. પાછળથી ગોસ્વામી તુલસીદાસની સ્મૃતિમાં આ નવું નામ પ્રચલિત થયું. રામચરિત માનસ, વિનયપત્રિકા, હનુમાન ચાલીસા અને બીજી અનેક કૃતિઓના સર્જક તુલસીદાસનું મોટાભાગનું જીવન વારાણસીમાં વીત્યું. તુલસીદાસે રામલીલાની ભજવણી કરવાની શરૂઆત કરી. સંસ્કૃત તેમ જ અવધિ - બેઉના તેઓ પ્રકાંડ પંડિત. વારાણસીમાં વ્યાયામશાળા (અખાડા)ની પ્રથાનો પણ એમણે આરંભ કર્યો. આજે પણ કોઈ પણ શહેરના અખાડામાં વ્યાયામ માટે જતા યુવાનો ત્યાં રાખેલી હનુમાનજીની છબિની વંદના કરીને શારીરિક કસરતોનો આરંભ કરે છે.

તુલસી ઘાટ અને હરિશ્ર્ચન્દ્ર ઘાટની વચ્ચે જાનકી ઘાટ છે જે ૧૮૭૦ની સાલમાં સુરસંદ (બિહાર)ની મહારાણી કુંવરે બનાવડાવ્યો હતો, આ ઉપરાંત વચ્છરાજ ઘાટ અને જૈન ઘાટ પણ છે. ૭મા જૈન તીર્થંકર ભગવાન શ્રી સુપાર્શ્ર્વનાથનો અહીંથી નજીકના જ સ્થળે જન્મ થયો હતો. ૧૮મી સદીમાં અહીંના એક જૈન વ્યાપારીએ આ ઘાટ બનાવડાવ્યો. જૈન ઘાટ અગાઉ વચ્છરાજ ઘાટનો જ એક હિસ્સો હતો. ૧૯૩૧માં જૈન સમુદાયે એના એક ભાગમાં પાકું બાંધકામ કરીને નવું નામ આપ્યું. આ બેઉ ઘાટ નજીક જૈન પરિવારની વસતિ રહે છે. હરિશ્ર્ચન્દ્ર ઘાટ આવે એ પહેલાં શિવાલા ઘાટ છે. નેપાળના મહારાજા સંજય વિક્રમ શાહે ૧૯મી સદીમાં અહીં ભવન બનાવ્યું. એક શિવ મંદિર પણ બનાવ્યું. એની બાજુમાં જ પ્રાચીન હનુમાન ઘાટ છે જેના માટે માન્યતા એવી છે કે ૧૫મી સદીના વૈષ્ણવ સંત વલ્લભાચાર્યજીનું અહીં જન્મ સ્થળ છે. પુષ્ટિ સમ્પ્રદાયના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજીને કારણે ઉત્તર ભારતમાં કૃષ્ણ ભક્તિનું પુન: જાગરણ થયું ને હવે દેખાય છે તે હરિશ્ર્ચન્દ્ર ઘાટ. સત્યવાદી રાજા હરિશ્ર્ચન્દ્રે પોતાના સત્ય અને દાનધર્મના વ્રતની રક્ષા કરવા માટે આ ભૂમિ પર ચાંડાળની ભૂમિકા ભજવીને મૃતદેહને દાહકર્મ આપવાનું કાર્ય કર્યું હતું. એ કથા ખૂબ જાણીતી છે. આ સ્મશાન ઘાટ છે. અહીં કોઈપણ સમયે તમે પ્રજવલિત ચિતા જોઈ શકો છો.

હરિશ્ર્ચન્દ્ર ઘાટ ને મણિકર્ણિકા ઘાટ વચ્ચે બીજા ઘણા ઘાટ છે. દરેક ઘાટના ઈતિહાસમાં ઊંડા ઊતરીશું તો વાત ખૂબ લંબાઈ જશે. મણિકર્ણિકા ઘાટ વિશેની પૌરાણિક કથામાં ભારોભાર સર્જકતા છે. સૃષ્ટિની રચના સમયે ભગવાન વિષ્ણુએ પોતાના ચક્ર દ્વારા અહીં પવિત્ર કુંડની રચના કરીને અહીં કઠોર તપસ્યા કરી ત્યારે એમના પ્રસ્વેદથી આખો કુંડ છલકાઈ ગયો. શિવજીએ વિષ્ણુજીની પ્રશંસા કરતાં માથું હલાવ્યું ત્યારે શિવજીના કાનમાંનું એક મણિ આ કુંડમાં, ખાડામાં અર્થાત્ મણિકમાં પડ્યું. એટલે આ જગ્યાનું નામ મણિકર્ણિકા ઘાટ પડ્યું. અહીં મણિકર્ણિકેશ્ર્વર, મહેશ્ર્વર (ખુલ્લામાં રાખેલું શિવ લિંગ) મંદિર પણ છે.

અમે જોઈએ છીએ કે સંધ્યાના આછા પ્રકાશમાં અહીં એક સાથે નવ-નવ ચિતા ભડ ભડ બળી રહી છે. હજુ બીજા એકાદ ડઝન મૃતદેહો આવે તો પણ વેઈટિંગમાં રહેવું ના પડે એવી વ્યવસ્થા છે. ઘાટની નજીકની ત્રણ ચાર જગ્યાઓએ વીસ-ત્રીસ ફીટ ઊંચી એવી લાકડાની થપ્પીઓ છે. દિવસરાત આ સ્મશાન ધમધમતું રહે છે. ‘ધમધમતું’ એટલા માટે કહ્યું કે આ સ્મશાન પર એક આખી પ્રજાનાં સેંકડો કુટુંબોનો જીવનનિર્વાહ ચાલે છે. આપણે જેમને મસાણિયા કહીએ છીએ તે ડોમ પ્રજા આ કાર્યને લીધે જ પોષાય છે. નજીકમાં જ ડોમરાજાનું ઘર છે. કહેવાય છે કે એમના ઘરમાં દેશી દારૂની ટાંકી હતી અને સીધા પાઈપવાટે જ તેઓ પીતા. હવે તેઓ જીવિત નથી. સ્મશાનમાં ચિતા બાળવાનું આજીવન કામ કરનારાઓએ સતત આ વાતાવરણમાં રહેવાનું હોવાથી દારૂ એમના જીવનનું અગત્યનું અંગ બની જતું હોય છે.

મણિકર્ણિકા ઘાટ માટે કહેવાય છે કે અહીં ક્યારેય તમને એક પણ ચિતા પ્રગટેલી ન હોય એવું જોવા નહીં મળે કારણ કે એક મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ ગયા પછી જો બીજો મૃતદેહ લાઈનમાં ન હોય તો લોટનું બાવલું બનાવીને એને ચિતામાં પધરાવી દેવાનું, પણ ચિતા ટાઢી ન થવી જોઈએ, ચોવીસે કલાક પ્રજ્વલિત રહેવી જોઈએ.

આપણે તો સ્મશાનમાં જઈએ ત્યારે આપણા સ્વર્ગસ્થ સ્વજનની ચિતા જોઈ હોય અને મન વિષાદભર્યું થઈ જાય. પણ અહીં તો અજાણ્યાઓના અંતિમસંસ્કાર થતાં જોઈને તમે ગમગીન થઈ જાઓ. કદાચ આટલી મોટી સંખ્યામાં થતી આ વિધિ ન જોઈ હોય એટલે. મણિકર્ણિકા ઘાટ તો આમેય સર્જન - વિસર્જનના પ્રતીક તરીકે વિશ્ર્વભરમાં ખૂબ જાણીતો છે. અહીં તસવીર લેવાની સત્તાવાર મનાઈ છે. અમારા માઝીએ કહ્યું: ફોટુ ખીંચ લો. અમે ના પાડી. સત્તાવાર આદેશની આમન્યા રાખવા માટે નહીં, અમારી સ્મૃતિમાં અમારે આવી કોઈ યાદ નથી રાખી મૂકવી. મરવાનું તો છે જ. ઈચ્છા નહીં હોય તો પણ મરણ આવવાનું જ છે. આપણા હાથની ક્યાં વાત છે? તો પછી એને ભૂલીને જીવવું જોઈએ, ભરપૂર જીવવું જોઈએ. ઉલ્લાસ અને પ્રકાશ સાથે જીવવું જોઈએ.

નૌકાના અને મનોવ્યાપારના યુ ટર્ન પછી અમે દશઅશ્ર્વમેધ ઘાટ પર આવી જઈએ છીએ. એને અડીને જ ડૉ. રાજેન્દ્રપ્રસાદ ઘાટ છે. અહીં ગંગા આરતીનો માહોલ સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. ઘાટનાં પગથિયાં પર હકડેઠઠ ભીડ છે. આ બાજુ ગંગાના તટ પરની તમામ નાની મોટી નૌકાઓ ઘાટની આસપાસ સાંકડેમાંકડે ગોઠવાઈ ગઈ છે. હજારોની મેદનીને ઈંતેજાર છે શંખનાદનો. સાતના શંખ ગગનભેદી નાદ સાથે ગંગા આરતીનાં હૃદયંગમ દર્શન શરૂ થવાને હવે થોડીક જ પળોની વાર છે.

ગંગોત્રી સેવા સમિતિના વડા પૂજારીના નેતૃત્વ હેઠળ વેદ તથા ઉપનિષદનો ઉચ્ચ અભ્યાસ કરી રહેલા પાંચ-પાંચ યુવાનો પિતાંબર પહેરીને ત્વમેવ માતા ચ પિતા ત્વમેવના શ્ર્લોક સાથે દીર્ઘ સમય સુધી શંખનાદ કરે છે. વારાણસીના દશઅશ્ર્વમેધ ઘાટ અને ડૉ. રાજેન્દ્રપ્રસાદ ઘાટ પર સાંજની ગંગા આરતીનો આરંભ થાય છે. ઘંટનાદથી આખું વાતાવરણ ગુંજી ઊઠે છે. દરેકની પાસે સાત સ્તર ઊંચી આરતીના દીવા છે. છેક ઉપરના સ્તરે એક દીવો છે, એની નીચેના સ્તરે ત્રણ, એ પછીના સ્તરે હજુ વધારે એમ છેક સાતમા સ્તરે એક ડઝન કરતાં વધુ દીવાઓની જ્યોત છે. આરતી માટે દીપ પ્રાગટ્ય કરતાં પહેલાં ધૂપદાની દ્વારા વારાફરતી ચારેય દિશાઓનું શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવે છે, પંચમહાભૂતોનું સ્મરણ કરવામાં આવે છે. દરેક યુવાન પૂજારી એકમેક સાથે તાલ મિલાવીને દરેક ક્રિયા કરી રહ્યા છે.

દીપ પ્રાગટ્ય કરીને દરેક પૂજારી ઊંચા દીવાને વર્તુળાકારમાં ઘુમાવીને આરતી શરૂ કરે છે. એક સાથે આટલા બધા દીવાની જ્યોત તમારી આંખને ઠારે છે. મા ગંગાના આશીર્વાદથી આ ભારેખમ દીવાઓ યુવાન પૂજારીઓના હાથમાં ફૂલ જેવા હળવા થઈ ગયા હોય એવું લાગે. બીજે દિવસે મેં આ બંને ધૂપદાની અને આરતીનો દીવો વારાફરતી એક હાથે ઊંચકવાની કોશિશ કરી. એમાં ઘીનું વજન નહોતું તોય ભારેખમ હતો. આટલી બધી વાર ધીરજપૂર્વક એને ઉપાડીને આરતી કરવા માટે બાવડામાં પણ જોર જોઈએ. આવું જ જોર હલેસાંવાળી હોડી ચલાવવામાં જોઈએ. હલેસાંને અહીં ચપ્પુ કહે. જોકે, અત્યારે અમારી નૌકામાં મોટર એન્જિન છે જે આરતી દરમ્યાન શાંત છે. લગભગ પોણો કલાકની ગંગા આરતીના સાક્ષી થયા પછી અમે પાછા અસ્સી ઘાટ જવાને બદલે દશઅશ્ર્વમેધ ઘાટ પર જ હોડી છોડી દીધી. દશઅશ્ર્વમેધ ઘાટનો ઉચ્ચાર દશાશ્ર્વમેધ ઘાટ થાય છે પણ સંધિ છૂટી પાડીને જાણી જોઈને લખી રહ્યો છું જેથી અર્થ સ્ફુટ થાય. બ્રહ્માજીએ અહીં દસ અશ્ર્વમેધ યજ્ઞ કર્યા હતા જેથી નિર્વાસન બાદ ભગવાન શિવ માટે બનારસ પાછા ફરવાનું આસાન બને. ગઈ કાલે હનુમાન ઘાટ વિશે વાત કરતાં મારી ચૂક થઈ ગઈ. વલ્લભાચાર્યનો જન્મ નહીં પણ એમનો દેહત્યાગ આ જગ્યાએ થયો - આષાઢી બીજના દિવસે. વલ્લભાચાર્યજીનો જન્મ ચંપારણમાં થયો એ તો બહુ જાણીતી માહિતી છે છતાં ચૂક થઈ ગઈ. ચંપારણ એક જમાનામાં બિહાર રાજ્યમાં ગણાતું. નવાં રાજ્યો બન્યા પછી છત્તીસગઢમાં આવે છે.

દશઅશ્ર્વમેધ ઘાટ પર ઊતરીને અમે અહીંના વિશ્ર્વ વિખ્યાત કાશી વિશ્ર્વનાથનાં દર્શને જઈ રહ્યા છીએ. આ ઘાટ પરથી બહાર આવો કે તરત તમને મુંબઈનો ભૂલેશ્ર્વર વિસ્તાર યાદ આવે એવું તળ વારાણસી દેખાય. કાપડ વેચતી એક નાનકડી દુકાન પાસે રોકાઈને એક ગમછો લીધો. એકથી મન ન ભરાયું એટલે બીજો એક જરા મોટી સાઈઝનો ગમછો પણ લીધો. આ બીજો ગમછો મુંબઈ પાછા આવતી વખતે બૅગમાં મૂકવાનો જ રહી ગયો. લાલચ બડી બૂરી ચીજ છે. હવે મુંબઈમાં એક ગમછાથી ચલાવી લેવું પડશે. સાવ સસ્તો છે. માત્ર ત્રીસ રૂપિયાનો. આર્થર રોડ જેલનિવાસી છગન ભુજબળ એમના સારા દિવસોમાં ગળામાં લંડનની બર્બરી બ્રાન્ડનો ચેક્સવાળી ડિઝાઈનનો ‘ગમછો’ પહેરતા જેની કિંમતમાં અમે વારાણસીથી ખરીદ્યા એવા એકથી દોઢ હજાર ગમછા આવી જાય!

ગમછો ગળામાં લગાવી વટભેર અમે ઝડપી પગલે કાશી વિશ્ર્વનાથના મંદિર તરફ ચાલ્યા. ભારતભરમાં શિવજીનું આ સૌથી વધુ મહાત્મ્ય ધરાવતું મંદિર. બાર જ્યોતિર્લિંગોમાંનું એક.

પં. નહેરુની કૉન્ગ્રેસ સરકારે દિલ્હીના એક રાજ માર્ગને જેનું નામ આપ્યું છે અને જેને બદલવાની વાત થાય તો સેક્યુલરોની પૂંઠે ઝાળ લાગે છે એ છઠ્ઠા મોગલ બાદશાહ ઔરંગઝેબે આ મંદિર તોડીને એના અવશેષોમાંથી એ જ સ્થળે જ્ઞાનવાપી મસ્જિદ બનાવી. ઔરંગઝેબ આલમગીર એવું આખું નામ એનું એટલે આ આલમગીર મસ્જિદ તરીકે પણ જાણીતી છે. આ મસ્જિદમાં અત્યારે હિંદુઓને પ્રવેશ નથી. દૂરથી જુઓ તો ખ્યાલ આવે કે ઢાંચો મંદિરનો જ વાપર્યો છે. નંદીનું કદ જોતાં ખબર પડે કે શિવલિંગનું કદ કેટલું મોટું હશે. ૧૭૮૦માં આ મંદિરવાળી જગ્યાને અડીને ઇંદોરનાં મરાઠા શાસક અહિલ્યાબાઈ હોળકરે અત્યારે જે મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ તે બનાવ્યું. ૧૯૮૩થી આ મંદિરનું મૅનેજમેન્ટ ઉત્તર પ્રદેશ સરકાર કરે છે. ભારતનાં અનેક પ્રમુખ મંદિરોનાં ટ્રસ્ટ સરકાર મૅનેજ કરે છે. મસ્જિદો અને ઈસ્લામનાં બીજાં ધર્મસ્થળો પર તેમ જ હિન્દુ સિવાયનાં અન્ય ધર્મોનાં સ્થાનકો પર સરકારની કોઈ આણ નથી, કોઈ દખલગીરી નથી.

સ્કંદ પુરાણમાં જેનો ઉલ્લેખ છે તે આ કાશી વિશ્ર્વનાથના મંદિરને ઔરંગઝેબે ૧૬૬૯ની સાલમાં રગદોળ્યું તે પહેલાં મોહમ્મદ ઘોરીના સેનાપતિ કુતબુદ્દીન ઔબકે ૧૧૯૪માં કનૌજના રાજાને પરાસ્ત કર્યા બાદ ધ્વસ્ત કર્યું હતું. એ પછી એક ગુજરાતી વેપારીએ દિલ્હીના સુલતાન ઈલ્તુતમિશ (૧૨૧૧-૧૨૬૬)ના શાસન દરમ્યાન આ મંદિરનો જિર્ણોદ્ધાર કર્યો. આ ફરી બંધાયેલા મંદિરને હુસૈન શાહ શાર્કી (૧૪૪૭-૧૪૫૮) કે સિકંદર લોધી (૧૪૮૯-૧૫૧૭)એ ફરી એકવાર તોડી નાખ્યું. અકબરના શાસન દરમ્યાન રાજા માનસિંહે ફરી આ મંદિર બંધાવ્યું પણ એ નવા બંધાયેલા મંદિરમાં કોઈ હિન્દુ દર્શન કરવા જતા જ નહીં. હિન્દુઓ અને શિવભક્તોના આ બૉયકોટનું કારણ એ કે રાજા માનસિંહે પોતાના કુટુંબની સ્ત્રીઓને મોગલો સાથે પરણવા દીધી હતી. છેવટે ૧૫૮૫માં રાજા ટોડરમલે એ મંદિરનું ફરી બાંધકામ કર્યું, પણ લેસ ધૅન અ સેન્ચ્યુરીમાં ઔરંગઝેબે ફરી આ મંદિર તોડ્યું.

ઈસ્લામમાં અડગ શ્રદ્ધા રાખતા મોગલ શાસકો જે મંદિરની પાછળ પડી ગયા હોય. ૧૧૯૪થી ૧૬૬૯ દરમ્યાનના પાંચ પાંચ દાયકા સુધી સતત જે મંદિરનો ધ્વંસ કરતા રહ્યા હોય તે મંદિરની મહત્તા એ જમાનામાં પણ કેટલી હશે તેની કલ્પના તમે કરી શકો છો. જ્ઞાનવાપી મસ્જિદ એ મંદિરના અવશેષો પર બનેલી છે તે પ્રુવન ફેક્ટ છે. અનેક આર્કિયોલોજિકલ પુરાવાઓ છે. ઐતિહાસિક દસ્તાવેજો પણ છે.

મંદિરમાં પ્રવેશવાના એકાધિક દ્વાર છે. અમે જે દ્વારમાંથી પ્રવેશ્યા ત્યાં અમારી જમણી તરફ એક ઊંચી વાડ બાંધેલી જેની આરપાર જ્ઞાનવાપી મસ્જિદ અમે જોઈ શકતા હતા. કાશી વિશ્ર્વનાથની રક્ષા કરવા માટે સેંકડો પોલીસો, સુરક્ષા દળના જવાનો ઠેર ઠેર જોવા મળે છે. ત્રણ-ત્રણ જગ્યાએ અમારી શારીરિક જાંચ થઈ. મોબાઈલ અને ધાતુના બક્કલવાળો ચામડાનો કમરપટ્ટો તેમ ચામડાનું પૈસાપાકીટ અમે પ્રવેશતાં પહેલાં જ સોંપી દીધેલું - ખપ પૂરતી રોકડ રકમ ખિસ્સામાં લઈ લીધેલી.

કાશી વિશ્ર્વનાથના દર્શને આવનારાઓમાં તમિળનાડુથી આવેલા જાત્રાળુઓ સૌથી વધારે જોવા મળે છે. આપણે લોકો તિરુપતિ જઈને વાળ ઊતરાવીએ છીએ. કેટલાય તમિળયનો અહીં આવીને મુંડન કરાવતા હોય છે. ફૂલ અને બીજો પૂજાપો વેચનારાઓ પણ એમને જોઈને તમિળમાં ભાવ બોલતા થઈ જાય છે, જે ભાષા તમને ધંધો અપાવે તે શીખી લેવાની. (અમારા માટે તો ગુજરાતી પૂરતી છે).

અમે સંધ્યા આરતી સમયે પહોંચ્યા છે એટલે ગર્ભગૃહ સુધી જવાની કોઈ ગુંજાઈશ નથી. ગર્ભગૃહની બહાર એક નાનકડો છતવાળો ચોક છે. ત્યાં ક્લોઝ સર્કિટ ટીવી પર એ આરતી દેખાડવામાં આવી રહી છે. અન્ય શિવભક્તોની સાથે અમે પણ ત્યાં પલાંઠી મારીને બેસી જઈએ છીએ. જોકે, મને સીસીટીવીના લાઈવ કવરેજમાં રસ નથી. શિવજીને હાજરાહજૂર મળવું છે. થોડી રાહ જોવી પડશે. કાને આરતી સંભળાય છે પણ મન આલમગીર ઉર્ફે જ્ઞાનવાપી મસ્જિદ તરફ ભટક્યા કરે છે. વાપી એટલે કૂવો. તે જગ્યામાં ખરેખર એક કૂવો છે એવું સાંભળ્યું છે. એને જ્ઞાનનો કૂવો કહેતા હશે, એટલું સારું છે કે આ મસ્જિદને પ્રશાસન દ્વારા ચીતરાયેલા સાઈન બોર્ડ્સમાં ક્યાંક આલમગીર મસ્જિદ નથી કહેતા, જ્ઞાનવાપી જ કહે છે. વિસ્તાર પણ જ્ઞાનવાપી તરીકે જ ઓળખાય છે.

આરતી પૂરી થઈ ગઈ છે. ગર્ભગૃહ તરફ જવા માટે ધમાચકડી મચી છે. એ પહેલાં અંદર જમા થયેલા શ્રદ્ધાળુઓને તો બહાર આવવા દઈએ. બધા બહાર આવી ગયા પછી અમારા લોકોની ભીડ અંદર જવા ઉતાવળી થઈ છે. દરેક જગ્યાએ આપણે ભીડમાં હોઈએ ત્યારે વિચારીએ છીએ કે કેટલી ભીડ છે અહીં, પણ એ નથી વિચારતા કે આપણે પણ આ ભીડનો જ એક હિસ્સો છીએ. મુંબઈના રસ્તા પર કારમાં કે ટેક્સીમાં જતી વખતે વિચારીએ છીએ કે કેટલો બધો ટ્રાફિક છે પણ એ નથી વિચારતા કે આ ટ્રાફિકમાં ઉમેરો કરનારી એક ગાડી તમારી પોતાની જ છે. બીજાઓને બ્લેમ કરવામાં આપણે સૌ ઉસ્તાદ છીએ.

ભીડ ચસક્તી નથી. અમારી બાજુમાં ઊભેલો યુ.પી. પોલીસનો એક ગણવેશધારી ઈન્સ્પેક્ટર મોટેથી બૂમ પાડીને અંદર સૂચના આપે છે કે ‘અંદર કોઈ ખેંચનારાઓ છે કે નહીં?’ અમને સમજ નથી પડતી કે આ સૂચના શું કામ આપી હશે. થોડી મિનિટોમાં અમારો વારો આવે છે. ગર્ભગૃહમાં દાખલ થતાંવેંત અમારા બે હાથ જોડાઈ જાય છે પણ ત્યાં જ બે પોલીસવાળાઓ એક-એક હાથે અમને પકડીને શિવલિંગ તરફ નમાવે છે. અમે દર્શન કરીએ ન કરીએ ત્યાં જ એ બે પોલીસવાળા પાસેથી બીજા બે પોલીસવાળા અમને ખેંચી લે છે. એ પછી બીજા બે અમને ખેંચે છે અને અમે ગર્ભગૃહની બહાર આવી જઈએ છીએ. આ રીતે ખેંચમતાણી ન થાય તો હજારો દર્શનાર્થીઓનો વારો જ ન આવે. મને આ વ્યવસ્થા સામે કોઈ જ વાંધો નથી. કોઈ અન્ય વિકલ્પ ન શોધાય ત્યાં સુધી શ્રીનાથજીના મંદિરના ઝાપટિયાઓ જેવી સેવા યુપીની પોલીસે બજાવવી જ પડે. ગર્ભગૃહની બહાર મંદિરના પરિસરમાં એ પૂજારી સૌના ભાલ પર શિવજીની ભસ્મનો પ્રસાદ લગાડતા દેખાય છે. અમે પણ દક્ષિણા મૂકીને અમારા કપાળને પવિત્ર કરીએ છીએ. વધુ જરૂર તો એ કપાળની પાછળ રહેલા દિમાગને પવિત્ર કરવાની છે. પણ જેવી મહાદેવજીની કૃપા. આટલું તો આટલું.

થોડી વાર શાંતિથી ઊભા રહીને, શિવલિંગ તરફ મોઢું રાખીને પ્રાર્થના કરીએ છીએ. ભારતની મહાન પરંપરાઓ કેવી રીતે સચવાઈ છે એનો સાચો ઈતિહાસ જ્યાં સુધી આપણને ખબર ન હોય ત્યાં સુધી આપણે એનું મૂલ્ય સમજી શકતા નથી. ભોળાનાથની કૃપાથી આજે અમે એમનાં દર્શન કરી શક્યા છીએ.

અને હવે અમને કકડીને ભૂખ લાગી છે.

ટમાટર, ટિકિયા, ગોલગપ્પા, મલાઈ ટોસ્ટ અને જલેબી-કચૌડી

કાશી વિશ્ર્વનાથનાં દર્શન કરીને અમે સીધા ભાગ્યા નજીકના લક્સા વિસ્તારમાં. અહીં દીના ચાટ અને કાશી ચાટ બેઉ અતિપ્રસિદ્ધ જગ્યાઓ છે. આજના માટે અમે દીના ચાટ પસંદ કરી. કાશી ચાટનો સ્વાદ કાલે કે પરમ દિવસે. દીના ચાટમાં સૌથી વધુ વખણાતી વાનગીનું નામ છે ‘ટમાટર’. બસ, ટમાટર. માટીની કુલડીમાં ગરમાગરમ આવે. લાકડાની ચમ્મચથી ખાવાનું. ટમાટરમાં ઉપર એકદમ બારીક સક્કરપારા ભભરાવવામાં આવે. બારીક એટલે સાવ બારીક. સક્કરપારાનો ભુક્કો નહીં પણ રાઈ અને મરીના દાણાની વચ્ચેની સાઈઝના સક્કરપારા. એ તો માત્ર ક્રન્ચ માટે. ઘણી જગ્યાએ રગડા પેટીસની ઉપર પૂરી તોડીને જે કારણોસર ભભરાવવામાં આવે તે જ કારણોસર. ટમાટરનો ભરપૂર સ્વાદ. મીઠાશ અને ખટાશનો પણ. વિવિધ મસાલાનો સ્વાદ. પણ એ બને છે કેવી રીતે? અમે વિશાળ તવા ઉપર ગોઠવાયેલા બે ભાઈઓને વારાફરતી પૂછી જોયું. - બંનેએ કહ્યું: બસ, આ રીતે! અને બનાવતા રહ્યા. કાઉન્ટર સંભાળતા માલિકને પૂછયું કે આમાં શું શું પડે? એણે તવા તરફ આંગળી ચીંધીને કહ્યું: આ બધું જ!

છેવટે અમને સમજાયું કે સિન્સ અમારા ગળા પર ગમછો લટકાવેલો એટલે એમનો પોટેન્શ્યલ રાઈવલ માની લીધો હશે. ક્યાંક અમારી અને કાશી ચાટની વચ્ચે ગુડ મૉર્નિંગ ચાટનો ખૂમચો ના નાખી દે. આમેય આપણા લખ્ખણેય એવાં જ. લખવા કરતાં પાણીપૂરી ને ભેળપૂરી બનાવવાનું વધારે ફાવે.

દીના ચાટમાં ટિકી તો ખાવી જ પડે. પડિયામાં પીરસાતી આપણી રગડા પેટીસની ટિકી પણ ફરક એટલો કે આપણે ત્યાં માત્ર આલુની બને, અહીં વટાણાને કચરીને એમાં બીજો મસાલો - કોથમીર વગેરે ઉમેરીને ટિકી બને. સાથે વટાણાનો રગડો. મીઠી ચટણી અને અહીં બધે જ જોયું કે પ્યાજ કે કાંદાને બદલે ઉપર મૂળાની છીણ ભભરાવે. વધારે સ્વાદિષ્ટ લાગે. પાપડી ચાટ અને ગોલગપ્પા ખાધા પછી પેટમાં ભાગ્યે જ જગ્યા હતી. પણ બીજાઓને પડિયામાં ‘જામુન’ ખાતાં જોઈ અમારું પણ મન લલચાઈ ગયું. એકદમ મોટી સાઈઝના ગુલાબજાંબુ. અંદરથી પણ માવાદાર અને એકદમ સોફટ. ગરમ એટલા કે ઉતાવળ કરી અને જો રાહ ન જુઓ તો જીભ દાઝી જાય. આજના દિવસ માટે આટલું પૂરતું હતું.

રાત્રે છૂટા પડતી વખતે અમારી તહેનાતમાં મૂકવામાં આવેલા સેવક કુંવર પ્રતાપ સિંહે ગાડીના ડ્રાઈવરને સૂચના આપી કે કલ સુબહ ઈન કો ચાય-ટોસ્ટ ઔર કચૌડી-જલેબી કરાના હૈ!

બીજે દિવસે સવારે ચાર વાગ્યે ઊઠી જવાના ટેન્શનમાં રાતે ઊંઘ પણ મોડી આવે છે. બનારસ આવ્યાને હજુ બાર જ કલાક થયા હતા અને કેટકેટલું અનુભવી લીધું, માણી લીધું. આગળ તો પૂરા ૪ દિવસ બાકી છે.

સવારે ચાર વાગ્યે ઊઠીને નહાઈને જવાને બદલે અમે નહાવાનો સમય બચાવીને પાંચ વાગ્યે ઊઠ્યા હોત તો ચાલી જાત પણ તો અમે એક સુંદર ધાર્મિક વિધિથી વંચિત રહી જાત. આ વાતની અમને જાણ કરવામાં આવી હતી એટલે જ અમે આળસ કર્યા વિના નહાઈધોઈને બરાબર સાડાપાંચ ને પાંચે અસ્સી ઘાટ પહોંચી ગયા.

સુબહ-એ-બનારસનો નજારો જોવા માટે ગમે એટલા ઉજાગરા કરવા પડે, વસૂલ છે. હજુ સૂર્યોદય થવાને વાર છે. પૂર્વાકાશમાં લાલિમા પણ નથી ફૂટી. ઘાટ પર થોડી બેઠકો ગોઠવવામાં આવી છે. સંસ્કૃતનો અભ્યાસ કરતી છ કુમારિકાઓ વેદના મંત્રોનું સમૂહગાન શરૂ કરે છે:

ઓમ પ્રાતરગ્નિં પ્રાતરિન્દ્રં હવામહે

પ્રાતર્મિત્રાવરુણા પ્રાતરશ્વિના

પ્રાતર્ભગં પૂષણં બ્રહ્મણસ્પતિં

પ્રાત: સોમમુત રુદ્રં હુવેમ

ભાવાર્થ: પ્રભાત વેળાએ સ્વપ્રકાશ સ્વરૂપ પરમ ઐશ્ર્વર્યના દાતા, પરમ ઐશ્ર્વર્યયુક્ત પ્રાણ, ઉદાન સમાન પ્રિય અને સર્વશક્તિમાન સૂર્ય-ચન્દ્રને જેમણે ઉત્પન્ન કર્યા તે પરમાત્માનું અમે આહ્વાન કરીએ છીએ, એમની સ્તુતિ કરીએ છીએ. ભજનીય, સેવનીય, ઐશ્ર્વર્યયુક્ત પુષ્ટિકર્તા તમારા ઉપાસક, વેદ અને બ્રહ્માંડના પાલનહાર, અન્તર્યામી પ્રેરક અને પાપીઓને રડાવનારા અને સર્વરોગનાશક પ્રભુની અમે સ્તુતિ - પ્રાર્થના કરીએ છીએ.

શાંત વહેતી નદીના ઘાટ પરથી વહેતા આ વેદોચ્ચારો આખા વાતાવરણમાં ગુંજ્યા કરે છે. એક પછી એક શ્ર્લોક બોલાતા જાય છે. આકાશમાં પંખીઓની ચહલપહલ શરૂ થઈ ગઈ છે. ઓમ શાંતિ:, શાંતિ:, શાંતિ: સાથે મંત્રગાન સમાપ્ત થાય છે અને પાંચ કુમારો ચારે દિશાઓનું પૂજન કરવા બેએક ફીટ ઊંચા નાના-નાના પ્લેટફોર્મ પર હાથમાં ધૂપદાની લઈને ચડી જાય છે. પ્રથમ સામે દેખાતી ગંગા સામે એમનું મુખ છે. એ પૂર્વ દિશા છે. ચારે દિશા અને પાંચેય તત્ત્વની પૂજા-આરતી બાદ અમને સૌને અસ્સી ઘાટની યજ્ઞશાળામાં લઈ જવામાં આવે છે. કેટલાક વિદેશીઓ છે જેમાં કેટલાક બૌદ્ધ ભિખ્ખુઓ પણ છે. ભારતની પચરંગી પ્રજા તો છે જ. યજ્ઞશાળા ચારે તરફથી ખુલ્લી છે. માથે વાસ્તુ મુજબનું છાપરું છે. વચ્ચોવચ હવનકુંડ છે. એક વિદુષી મહિલા વિધિ અનુસાર યજ્ઞક્રિયા આરંભે છે. ભારતીય પરંપરાઓમાં યજ્ઞવિધિનું બહુ મોટું પ્રદાન છે. યજ્ઞને કારણે યજ્ઞ કરાવનાર રાજા કે વ્યક્તિ પોતાના શુભ સંકલ્પને પ્રજા સુધી, પોતાના હિતેચ્છુઓ સુધી પહોંચાડતો. આને લીધે એ સૌનો સાથ સાંપડતો અને સંકલ્પસિદ્ધિ થતી. હોમ તથા યજ્ઞમાં હોમવામાં આવતા જવ જેવા અનાજ કે પછી ઘી ઈત્યાદિને કારણે લાખોકરોડો રૂપિયાનો વ્યય થાય છે એવી બુમરાણ ખોટી છે. એવો કંઈ લાંબો પહોળો ખર્ચ નથી થતો. અહીં કંઈ ગાડાં ભરીને કે પછી તપેલાં ભરીને ઘી હોમવામાં નથી આવતું કે અનાજ પણ કંઈ ટનબંધ નથી ઠલવાતું. બધું થોડીક ચમચીઓ કે મુઠ્ઠીઓ જેટલું જ હોય છે. આની સરખામણીએ બીજા ધર્મોના પવિત્ર તહેવારોમાં બકરા જેવા પ્રાણીઓનું બલિદાન આપવામાં આવે છે તેમાં કરોડો રૂપિયા ખર્ચાય છે. નિર્દોષ જીવોની હત્યા થાય છે અને પારાવાર ગંદકી થાય છે. યજ્ઞમાં અમે પણ સમિધ મૂકીએ છીએ. શુભ સંકલ્પો દ્વારા સમાજનું ભલું થતું જેઓ જોઈ શકતા નથી તે રાક્ષસો આવા હવનમાં હાડકાં નાખતા એવી પ્રાચીન કથાઓ આપણે જાણેલી છે. હવનમાં આ રીતે વિઘ્ન કરનારાઓના ઈરાદાઓને સફળતા ન મળે એ માટે જ તો કિશોર ઉંમરના રામ-લક્ષ્મણની મદદ ઋષિમુનિઓએ માગી હતી.

યજ્ઞની પૂર્ણાહુતિની સાથે જ પૂર્વાકાશમાં કેસરી છાંટની લહેરખી દેખાવા માંડી છે. સૂર્યના પ્રથમ કિરણની સાથે જ સૂર્યપૂજાની ક્ષણ આવી પહોંચે છે. ગંગાના જળમાં ઊતરીને તાંબાની લોટીમાં એને ભરીને સૂર્યદેવતાને એ જળ અર્ધ્યરૂપે આપીને પૂજા કરીએ છીએ. સૂર્ય અગ્નિ દેવ છે. ગંગામાં જળદેવતા છે. ઉપર ખુલ્લું આકાશ છે અને પગ તળે ભીની રેતીવાળી જમીન છે. મંદ મંદ પવન આ બધાયનો સાક્ષી છે. પાંચેય તત્ત્વોનું સ્મરણ કરીને પંચ મહાભૂતોમાંથી બનેલો આ જીવ હવે જમણી તરફના નાનકડા મંચ પર શરૂ થઈ રહેલા ધ્રુપદ ગાનના સૂરોને માણવા તૈયાર છે. પખવાજની સંગતમાં ધ્રુપદ શૈલીનું સંગીત સાંભળતાં સાંભળતાં દૂર ક્ષિતિજ પરથી ઊભરી રહેલા સૂરજનાં કિરણો વહી જતા ગંગાજળ પર પડીને આખાય તટને સોનેરી આભા બક્ષે છે. ધ્રુપદ સાંભળવા માટે જે નિરાંત જોઈએ તે આ વાતાવરણમાં સૌ કોઈની પાસે છે. અત્યાર સુધીની જિંદગીમાં આવી રીતે સવારની શરૂઆત ક્યારેય કરી નથી. સુબહ-એ-બનારસે આવો અમૂલ્ય લ્હાવો આપ્યો. સંગીત પછી યોગનો કાર્યક્રમ છે પણ અમારો જીવ અત્યારે યોગમાં નહીં પણ ભોગમાં છે. યોગાસાન અને પ્રાણાયમ શીખવતા આચાર્યની ક્ષમા માગી, એમની રજા લઈને અમે ચૌક તરફ જઈએ છીએ. અહીંથી જરા દૂર છે. દૂર એટલે? દસ મિનિટ!

લક્ષ્મી ચાયની દુકાન આપણા મૂળજી જેઠા માર્કેટની આજુબાજુ આવેલી કોઈપણ શંકરવિલાસ ચાવાળાની દુકાન કરતાંય સાદીસીધી છે. અહીં બધું કામકાજ ઊંચી ભઠ્ઠી પર જ થાય છે. ચા પણ ભઠ્ઠી પર ઉકળે અને ટોસ્ટ પણ ભઠ્ઠી પર બને. લોખંડના તારમાંથી બનેલા બે મોટી જાળીવાળા ‘ટોસ્ટર’ની વચ્ચે પ્રાઈવેટ બેકરીમાંથી આવેલા બ્રેડના લોફની જાડી જાડી ચાર સ્લાઈસો મૂકીને પાપડ શેકીએ એમ ભઠ્ઠી પર સુલટાવી - ઉલટાવીને ટોસ્ટ તૈયાર. મખ્ખનવાળા ટોસ્ટ જોઈએ કે મલાઈવાળા? મખ્ખનવાળા કહો તો પૂછે કે: સફેદ કે અમૂલ? અને મલાઈવાળા કહો તો પૂછે કે: મિસરી કિતની?

બહોત સારી જ હોય ને, મલાઈ ખાઈને ડાયેટ ક્ધટ્રોલની ઐસીતૈસી જ કરવી હોય તો પૂરેપૂરી વસૂલાત કેમ નહીં કરવાની? ટોસ્ટ ઉપર મલાઈનો જાડો, આટલો જાડો, થર અને ઉપર ઢેરસારી મિસરી. કુલડીમાં ચા. ટોસ્ટનું એક બાઈટ ભરો એટલે કેટલી કેલરી થઈ એની ગણતરી કરવી હોય તેના માટે લક્ષ્મી ચાયના દરવાજા બંધ છે. એક પ્લેટમાં પાછા આવા બે ટોસ્ટ. અમે વ્યક્તિ દીઠ એક-એક આખી પ્લેટ મગાવી હતી. પણ પૂરી કરી નાખી. ચા બેવાર પીવી પડી, એટલું જ.

બ્રેકફાસ્ટ જ નહીં, અલમોસ્ટ બ્રન્ચ થઈ ગયું હતું. પણ હજુ બ્રેકફાસ્ટનો ઉત્તરાર્ધ બાકી હતો. લંકા ચૌરાહા યાદ છે? જ્યાંના કેશવ તામ્બુલ ભંડારમાં પહેલું બનારસી પાન જમાવ્યું હતું? એ ડાબી તરફ. આ છે તે જમણી તરફની ગલીના નાકે જ. નાનકડી છાપરી જેવી અતિ સાધારણ દુકાનમાં વારાણસીની સૌથી ફેમસ જલેબી-કચૌડી મળે છે. કોઈ કૃત્રિમ રંગ નાખ્યા વિના નાની નાની જલેબીઓ તળાઈ રહી છે. પછી ચાસણીમાં ડુબાડાઈ રહી છે. પણ એ પહેલાં કચૌડી ખાવાની છે. અમે ઑર્ડર આપ્યો. એક પર એક ગોઠવાયેલી પાંચ કચૌડી અને એની સાથે બટાટાનું વિવિધ ચાટમસાલા નાખેલું ખાટુંમીઠું શાક. અહીં આ ફૂલેલી સાદી ઘઉંની પૂરીને કચૌડી કહે છે. નિરાશ નહીં થતા. બીજી એક પ્રકારની કચૌડી આવી જ પૂરીમાં વટાણા વગેરેનું આછું મિશ્રણ ભરીને બનાવવામાં આવે છે અને ત્રીજી એક પ્રકારની કચૌડી કડક પડવાળી, પેટીસની સાઈઝની, અંદર ભરપૂર પૂરણ ભર્યું હોય એવી પણ બને છે. આપણે શહેરીઓ આ ત્રીજા પ્રકારની કચોરીની જ કચૌડી તરીકે અપેક્ષા રાખીએ. એ કચૌડીને દહીં - ચટણી વગેરે નાખીને ખાવાની. પણ અત્યારે આ પાંચ કચૌડી અર્થાત્ પુરીને ઝાપટવાની છે. આટલા સમ્પ્ચ્યુઅસ મલાઈ ટોસ્ટ ખાધા પછી આ પણ ખવાઈ જશે એવી કલ્પના નહોતી. અમે તો એ પછી જલેબી પણ ઝાપટી. અહીંથી મેઈન રોડ પર પહલવાનની લસ્સીનું પાટિયું દેખાય છે. એ પણ અમારા ટાર્ગેટમાં છે. પણ ભઈ, અત્યારે નહીં. આજે હવે ખાવા સિવાય બીજું ઘણું કરવાનું છે. જેમાંથી પહેલું ડેસ્ટિનેશન છે - બનારસ હિન્દુ યુનિવર્સિટી. નાલંદા અને તક્ષશિલાની વિશ્ર્વવિદ્યાપીઠો કેવી હશે તેની ઝાંખી કરવી હોય તો મહામના પંડિત મદન મોહન માલવીયાજીએ અકિંચન હોવા છતાં આજથી સો વર્ષ પહેલાં - ૧૯૧૬માં - આટલી વિશાળ અને ભવ્ય યુનિવર્સિટીની મુલાકાત લેવી જોઈએ - કોઈ જ ઉતાવળ વિના, શાંતિથી અહીં ફરવું જોઈએ, વિવિધ વ્યક્તિઓને મળવું જોઈએ. અમે એ જ કરવા જઈ રહ્યા છીએ.

મધુર મનોહર અતીવ સુન્દર, યહ સર્વવિદ્યા કી રાજધાની

વારાણસી શહેરનો નકશો જુઓ તો નીચે દક્ષિણ તરફના લંકા વિસ્તારનો એક ખાસ્સો મોટો એવો ચન્ક તમને બનારસ હિન્દુ યુનિવર્સિટી-(બીએચયુ)નો દેખાય. આ યુનિવર્સિટી ફરતે બાઉન્ડરી વૉલ બનાવવાનો ખર્ચ જ ઘણો મોટો થયો હતો. પંડિત મદન મોહન માલવીય આ કાશી હિન્દુ વિશ્ર્વવિદ્યાપીઠના નિર્માણ માટે સૌ કોઈની આગળ ઝોળી ફેલાવતા. હૈદરાબાદના કંજૂસ નિઝામ આગળ પણ ફેલાવી. નિઝામને કોઈએ ફૂંક મારી દીધેલી કે પંડિતજી તો હિંદુ યુનિવર્સિટી બાંધવા માટે ફંડફાળો ઉઘરાવવા આવી રહ્યા છે. નિઝામે પંડિત મદન મોહન માલવીયને કહું કે મારી પાસે તો કંઈ ધન છે નહીં, જોઈએ તો મારી આ મોજડીઓ પણ પગમાંથી ઉતારીને તમને આપી દઉં, બાકી તો હું કંગાળ છું.

પંડિતજી નિઝામની દાનત સમજી ગયા. નિઝામે ધાર્યું હતું કે મારાં પગરખાંને ઊંચકીને લઈ જવાનું અપમાનજનક કામ તો પંડિતજી કરવાના નથી. પણ પંડિતજીએ નિઝામનો આભાર માનીને મોજડીઓ લઈ લીધી. થોડા વખત પછી નિઝામને ખબર પડી કે યુનિવર્સિટી જ્યાં ઊભી થવાની છે તેના ચૌરાહા પર ઓટલો બનાવીને પંડિતજીએ મોજડીઓ મૂકી છે અને જતાઆવતા સૌની પાસે બોલી લગાવીને હરાજી શરૂ કરી છે, એમ કહીને કે, આપણા નિઝામની આર્થિક હાલત અત્યંત કપરી થઈ ગઈ છે, એમણે પોતાની મોજડી પણ વેચવી પડે એમ છે તો આપણે એની સારામાં સારી કિંમત એમને અપાવીએ.

નિઝામે પોતાની આબરૂનું લિલામ થતું અટકાવવા પંડિતજીને પાછા બનારસથી હૈદરાબાદ આવવાનું આમંત્રણ આપ્યું અને દાન માટે રકમ આપવાની તૈયારી દેખાડી. નિઝામના નામની હૉસ્ટેલ બાંધવાનું કહીને દાનની રકમ લઈને પંડિતજી પાછા આવ્યા. થોડા મહિના પછી નિઝામને ખબર પડી કે હૉસ્ટેલનું બાંધકામ તો હજુ શરૂ થયું નથી અને પંડિતજીએ બધા પૈસા વાપરી કાઢ્યા છે. પૂછતાછ કરતાં ખબર પડી કે બધી જ રકમ બાઉન્ડરી વૉલ બાંધવામાં વપરાઈ ગઈ છે અને હજુય એ અધૂરી છે. નિઝામે પૂછ્યું તો માલવીયજીએ કહ્યું કે હૉસ્ટેલના જે વિદ્યાર્થીઓ રહેશે તેમને આસપાસના જંગલ વિસ્તારમાંથી આવી શકનારા પ્રાણીઓથી બચાવવા પહેલાં બાઉન્ડરી વૉલ તો બાંધવી જ પડે ને. તમે હજુ થોડા પૈસા આપો તો પહેલાં બાઉન્ડરી વૉલનું બાંધકામ પૂરું કરી લઈએ પછી હૉસ્ટેલનું મકાન ચણીએ. આમ કરતાં કરતાં માલવીયજી નિઝામ પાસેથી પૈસા લેતા ગયા, લેતા ગયા અને કહે છે કે નિઝામનો સાઠ ટકા ખજાનો એમણે બાઉન્ડરી વૉલ બનાવવામાં જ વાપરી નાખ્યો. બાકીના પૈસામાં ભવ્ય હૉસ્ટેલો બનાવી અને નિઝામ ખરેખર કંગાળ થઈ ગયો!

આવી તો અનેક કથાઓ પંડિત મદનમોહન માલવીય અને બનારસ હિન્દુ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. યુનિવર્સિટીનો કૅમ્પસ પગે ચાલીને તો એક દિવસમાં જોવો અશક્ય એટલો લાંબો-પહોળો વિસ્તાર. બીએચયુમાં આઈ.આઈ.ટી. છે અને આયુર્વેદિક ફેકલ્ટી પણ છે. એગ્રીકલ્ચરથી માંડીને બિઝનેસ મૅનેજમેન્ટ સુધીની વિદ્યાઓનું આ મોટું ધામ છે. આયુર્વેદ ફેકલ્ટીના પેથોલોજિ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા યુવાન અનુભવી ડૉ. અનુરાગ પાન્ડેય એમની કારમાં અમને આખી યુનિવર્સિટી ફેરવી રહ્યા છે. આંતરિક રસ્તાઓ એટલા પથરાયેલા છે કે એક વખત તો એ પોતે ભૂલા પડી ગયા અને યુટર્ન મારીને પાછા સીધા રસ્તે ગાડી લીધી. સંસ્કૃત, સાહિત્ય, કૉમર્સ, વિજ્ઞાન, લૉ, પરફોર્મિંગ આર્ટ્સ ઉપરાંત અહીંની વિઝયુઅલ આર્ટ્સની ફેકલ્ટી પણ ઘણી જાણીતી છે. ‘બાહુબલી’ ફિલ્મના એનિમેશન માટે આ ફેકલ્ટીના બસોથી વધુ વિદ્યાર્થીઓએ રાતદિવસ મહેનત કરી હતી. ફિલ્મમાં એ સૌની ક્રેડિટ છે.

ડૉકટર અનુરાગ સાથે વાત કરતાં મેં કહ્યું કે અહીં આવીને મને તો ખબર પડી કે કાશી માત્ર સંસ્કૃતની વિદ્યા પ્રાપ્ત કરવાનું જ કેન્દ્ર નથી, સંગીત અને આયુર્વેદ જેવી ઘણી વિદ્યાઓનું આ ધામ છે. ડૉ. અનુરાગે તરત જ ઉત્સાહમાં આવીને અમને કહ્યું: ‘સૌરભજી, આપને હમારી યુનિવર્સિટી કા કુલગાન સુના હૈ? યુ ટ્યુબ પર હૈ: મધુર મનોહર અતીવ સુન્દર, યહ સર્વવિદ્યા કી રાજધાની...’

બીએચયુનું આ જોશીલું કુલગાન ડૉ. અનુરાગનું ત્રણ ચાર વરસનું પોયરું ઘરમાં રોજ સાંભળે અને સાથે સાથે ગાય પણ. ડૉ. શાન્તિસ્વરૂપ ભટનાગર રચિત આ અતિ પ્રસિદ્ધ કુલગાનથી અમે અત્યાર સુધી સાવ બેખબર હતા. (ડૉ. ભટનાગર સાહિત્યના નહીં કેમિસ્ટ્રીના પ્રોફેસર હતા. ૧૯૩૦ પહેલાં અહીં ભણાવતા. અંગ્રેજોએ એમને નાઈટહૂડ બક્ષીને ‘સર’ની પદવી આપી હતી).

અમારે આજે અહીં એક સંસ્કૃતના વિદ્વાન અને એક હિન્દી સાહિત્યના વિદ્વાનને મળવાનું છે. મુલાકાતોનો સમય ગોઠવાઈ ગયો છે. પણ પ્રથમ અમારે અહીંની દસ લાખ પુસ્તકો ધરાવતી સેન્ટ્રલ લાઈબ્રેરીની મુલાકાત લેવી છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દાનથી બનેલી આ લાઈબ્રેરી એમના જ નામે ઓળખાય છે. લાઈબ્રેરીનું વિશાળ મકાન બહારથી મહેલ જેવી ભવ્યતા ધરાવે છે. બીએચયુની આ એકમાત્ર લાઈબ્રેરી નથી. કેમ્પસમાં દરેક ફેકલ્ટીની પોતાની અલાયદી લાઈબ્રેરી પણ ખરી. એ તમામ પુસ્તકોની સંખ્યા ગણો તો બીજા છ લાખ જેટલા પુસ્તકો થાય. કુલ સોળ લાખ પુસ્તકો. અહીંના એક ઈન્ચાર્જ ડેપ્યુટી લાઈબ્રેરિયન ડૉ. વિવેકાનંદ જૈન અમારી જ રાહ જોઈ રહ્યા છે. ઔપચારિક પરિચયવિધિ પૂરી કરીને તેઓ અમને પુસ્તકાલયની ટૂર કરાવે છે. અમારું તો મગજ ચકરાવે ચઢી જાય છે. આટલાં પુસ્તકોની ખરીદી, જાળવણી, વિદ્યાર્થીઓને વાંચવા માટે આપવાની અને પાછા લેવાની પદ્ધતિ - આ બધું કેટલી મહેનત અને વ્યવસ્થા માગી લેતું કામ હશે. પુસ્તકાલયની વચ્ચોવચ્ચ ગોળાકારમાં ફેલાયેલો રીડિંગ રૂમ છે જેની અત્યારે પંચોતેર ટકા જગ્યાઓ વિદ્યાર્થીઓથી ભરાયેલી છે. આ ઉપરાંત બીજા અનેક નાનામોટા રીડિંગ રૂમ્સ છે પણ આ ખંડની વિશિષ્ટતા એ છે કે પંડિત મદન મોહન માલવીયજીએ બ્રિટનની પાર્લમેન્ટનો એક ખંડ જોઈને આવી ગુંબજવાળી ડિઝાઈન બનાવડાવી. અહીં જે પ્રાચીન પંખા છે તે ઉપરથી લટકતા નથી પણ જમીનમાં ખોડેલી થાંભલી પર ઉપરના છેવાડે પાંખિયાં હોય એવાં છે. જૂની ડૉક્યુમેન્ટરી ફિલ્મોમાં તમે ભારતના સંસદ ગૃહમાં આવા પંખા જોયા હશે. જોકે, અહીંના પંખા બંધ છે પણ પરંપરાના પ્રતીકરૂપે મૂકી 

રાખ્યા છે.

એક આખો વિભાગ જૂની હસ્તપ્રતો અને દુર્લભ પુસ્તકોનો છે જ્યાંનું એસી ચોવીસે કલાક ચાલુ રાખવું પડે છે. ફાયરપ્રૂફ કેબિનેટમાં સચવાયેલો આ અમૂલ્ય વારસો જોવા માટે જેવા અમે એ ખંડમાં પ્રવેશ્યા કે અમારી ઓળખાણ એક વયોવૃદ્ધ દક્ષિણ ભારતીય વિદ્વાન સાથે કરાવવામાં આવી: ‘આ છે મિસ્ટર કે. ચન્દ્રમૌલી...’ હું ધારીને એમનો ચહેરો જોતો રહ્યો. તરત જ બત્તી થઈ. ગઈ કાલે મોડી સાંજે મારા ઉતારે મેં મગાવેલાં કેટલાંક પુસ્તકો આવ્યાં હતાં તેમાંનું એક દળદાર પુસ્તક જે મેં પસંદ કરેલું એના લેખક છે આ તો! મેં કહ્યું: ‘તમે ‘આનંદ કાનન કાશી’ના લેખક તો નહીં?’ એમને આશ્ર્ચર્ય થયું: ‘તમે કેવી રીતે ઓળખો મને?’ ‘મેં કાલે જ એ પુસ્તકના ફલેપમાં તમારો ફોટો જોયો.’ ‘બહુ વર્ષ જૂનો ફોટો છે એ.’ ‘પણ તોય તમને ઓળખી ગયા અમે!’

અત્યંત વિદ્વત્તાપૂર્ણ પુસ્તકના લેખકને મળીને ખૂબ હર્ષ થયો. પુસ્તક માત્ર ઉપરથી જ જોયું હતું પણ બીજી ઘણી વાતો થઈ એમની સાથે. અહીં તેઓ જૂનાં દુર્લભ પુસ્તકો રિફર કરીને પંડિત મદનમોહન માલવીયજીનું જીવનચરિત્ર નવેસરથી તૈયાર કરી રહ્યા છે. આ સિરીઝ લખવાનું કાર્ય પૂરું થયા પછી એમનું આ મહામૂલું પુસ્તક વાંચવા લઈશું.

લાઈબ્રેરીમાં ભોજપત્ર અને તાડપત્રની પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી કરવાનો એક અલગ વિભાગ છે જે અમને જોવા મળ્યો. એમાં કામ કરતા નિષ્ણાતોએ બહુ ઉત્સાહથી અમને આખીય પ્રક્રિયા સમજાવી. ખૂબ ઝીણવટભર્યું, થકવી નાખનારું અને ધીરજ માગી લે એવું આ કાર્ય છે. આ વિભાગમાં કામ કરનારાઓ માત્ર ટેક્નિકલ એક્સપર્ટ્સ જ નથી. તેઓ હસ્તપ્રતમાં લખાયેલી ભાષા ઉકેલી શકે છે.

અહીંથી અમારે સંસ્કૃત ફેકલ્ટીના જ્યોતિષ વિભાગના વડા ડૉ. ચંદ્રમૌલિ ઉપાધ્યાયને મળવા જવાનું છે, હિંદીના પ્રાધ્યાપકને પણ મળવાનું છે. પણ એ પહેલાં આજનું બીજું એક અગત્યનું કામ કરવાનું છે. બીજા દિવસ ાટે ‘ગુડ મોર્નિંગ’ મોકલવાની ડેડલાઈન નજીક આવી ગઈ છે. સ્વામી સચ્ચિદાનંદે શીખોના ઈતિહાસ વિશે લખેલા પુસ્તકની શ્રેણીનો અંતિમ હપ્તો અમે આ ભવ્ય લાઈબ્રેરીના ગુંબજાકાર રીડિંગ રૂમમાં વિદ્યાર્થીઓની વચ્ચે બેસીને લખ્યો અને ઈમેલ પર મોકલી આપ્યો.

હવે અમે છુટ્ટા છીએ બચ્ચનજીના જ્યોતિષાચાર્યની મુલાકાતે જવા.
આજે બનારસ શહેરની નહીં પણ એક એવા બનારસીબાબુની વાત કહું જે જગમશહૂર છે. વેલ, અલમોસ્ટ. અમિતાભ બચ્ચન અને સચિન તેન્ડુલકરના જ્યોતિષ ડૉ. ચંદ્રમૌલી ઉપાધ્યાયનો ઉલ્લેખ સિરીઝના આરંભે જ કર્યો. ઉપાધ્યાય ગુરુજીને મળવા જતાં પહેલાં જ્યોતિષ વિશેના મારા અંગત અભિપ્રાયોને મેં એક ખૂંટે બાંધી દીધા હતા. મારો મત તો મેં એક કરતાં વધારે વાર મારાં લખાણોમાં વ્યક્ત થવા દીધો છે અને મારા કોઈ એક જૂના પુસ્તકમાં પણ એક દીર્ઘ લેખ એ વિષેનો મેં લીધો છે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીની લાઈબ્રેરી જેટલી સમૃદ્ધ છે એટલી જ સમૃદ્ધ અહીંની સંસ્કૃત ફેકલ્ટી છે,. સ્વાભાવિક છે. સંસ્કૃત માટે તો આ શહેર જગતઆખામાં રાજધાનીનું નગર ગણાય છે. બનારસમાં એક આખી અલગ જ સંસ્કૃત વિદ્યાપીઠ છે પણ એ પવિત્ર વિદ્યાધામની અમારી મુલાકાત ગોઠવાય એટલો સમય જ રહ્યો નહીં. બીએચયુની સંસ્કૃત ફેકલ્ટીમાં એક આખો ડિપાર્ટમેન્ટ જ્યોતિષ વિદ્યાનો છે. આ વિભાગના વડા ડૉ. ચંદ્રમૌલી ઉપાધ્યાયે અમને આપેલા સમય કરતાં અમે ખાસ્સા એવા મોડા છીએ. હૃદયપૂર્વક ક્ષમાપ્રાર્થીને અમે એમની ડેસ્ક સામેની મુલાકાતીઓ માટેની ખુરશીમાં ધીમેકથી ગોઠવાઈ જઈએ છીએ, કારણ કે અત્યારે એમના હાથ નીચે ભણતો વિદ્યાર્થી એમને પોતાની કુંડળી બતાવી રહ્યો છે. કોઈની અંગત વાત સંભળાય નહીં અને સાંભળી હોય તો બીજાને કહેવાય નહીં એવું અમે સજ્જડપણે માનીએ છીએ પણ અહીં તમને ખબર નથી પડવાની કે એ વિદ્યાર્થી કોણ હતો એટલે કોઈની પ્રાઈવસીમાં ભંગ નથી થઈ રહ્યો. વિદ્યાર્થીની મૂંઝવણ એ હતી કે એ પિતાની ફેક્ટરીમાં જોડાવા માગે છે પણ પિતા એને પોતાના ધંધામાં આવવા નથી દેતા! જરાક કૉમિક સિચ્યુએશન હતી. નૉર્મલી આના કરતાં જુદી જ સમસ્યા હોય. યંગસ્ટર પોતે બાપના ધંધામાં પડવાને બદલે પોતાની રીતે કોઈ બીજા ક્ષેત્રમાં ઝંપલાવવા માગતો હોય તે બાપા એના પર ઈમોશનલ અત્યાચાર કરતા હોય કે બેટા, આ જે કંઈ છે તે તારું જ છે ને, તું આ ફેક્ટરી નહીં સંભાળી લે તો બીજું કોણ આનું ધ્યાન રાખશે.

ગુરુજી એને ગણતરી સાથે સમજાવે છે કે અત્યારે તારી સારી સાડા સાતી ચાલી રહી છે એટલે જે થશે તે સારા માટે થશે અને પ્રિસ્ક્રિપ્શનરૂપે એને ગોમેદનું રત્ન પહેરવાનું લખી આપ્યું.

વિદ્યાર્થીના ગયા પછી અમને કહે કે આપ મોડા આવ્યા છો, કોઈ વાંધો નહીં, પણ આ રીતે ત્રણેક જણ બીજા આવવાના છે તો વચ્ચે વચ્ચે વિક્ષેપ પડતો રહેશે, વાંધો નથી ને?

અમને શું વાંધો હોય. વળી વાંક તો અમારો જ હતો. અમે ગુરુજીને પ્રશ્ર્નો પૂછતા ગયા, તેઓ વિગતે ઉત્તર આપતા ગયા. પછી તો એવા ખિલ્યા કે અમારા પૂછ્યા વિના જ ઘણી બધી વાતો કરતા રહ્યા. આ છે એમની જીવનકહાણી.

ડૉ. ચંદ્રમૌલીએ અમને કહ્યું કે ૩૫ વર્ષની ઉંમર સુધી તો મારે દર મહિને ખાવા-પીવાનાય સાંસાં હતા. લગ્ન તો થઈ જ ચૂકેલા. દીકરો પણ મોટો થઈ રહ્યો હતો. પૈસાના અભાવે ક્યારેક પિતા પાસે સોએક રૂપિયા જેવી મામુલી રકમ માટે પિતા પાસે હાથ લાંબો કરવો પડે તો શરમના માર્યા ભોંયમાં પેસી જવા જેવું થતું. પિતા એ વખતે આ જ ડિપાર્ટમેન્ટના હેડ હતા. ડૉ. ચંદ્રમૌલીના કહેવા મુજબ અનુપમ ખેર અને એ એક જ ઉંમરના. અનુભવના પણ તેઓ ગુરુજી છે. બેઉ અત્યારે ૬૧ વર્ષના. મીન્સ કે પચીસેક વર્ષમાં જ ગુરુજીએ આટલી વિરાટ પ્રગતિ કરી.

આર્થિક સંકડામણમાંથી મુક્તિ મેળવવા ઉપાધ્યાયજીએ લોકોની કુંડળીઓ બનાવવાનું કામ શરૂ કર્યું. કોઈની પાસે પૈસા તો મગાય નહીં. ક્યારેક કોઈ મહેનત કરાવીને એક રૂપિયોય ન પરખાવે એવું બને. તો ક્યારેક દસ-વીસ રૂપિયાની દક્ષિણા મૂકતા જાય. એમાંથી એમણે લોકોને કુંડળી જોઈ આપવાનું કામ શરૂ કર્યું. પિતાજી ઑલરેડી મોટા જ્યોતિષાચાર્ય હતા. ઈન્દિરા ગાંધી એમને ક્ધસલ્ટ કરતા. પુત્રે પણ ભવિષ્ય ભાખવાનું નક્કી કર્યું છે એ જાણીને પિતાએ કહી દીધું: મારા એક પણ કલાયન્ટને હું તારી પાસે મોકલવાનો નથી, અને તારે પણ એમની પાસે જવાનું નહીં, એ સામેથી આવે તો પણ નહીં લેવાના... તું તારા કલાયન્ટો જાતે શોધી લેજે.

નરેશ ગોયલ એમના પહેલા ક્લાયન્ટ. પોતાની જેટ ઍરવેઝની ટિકિટ મોકલીને એમને દિલ્હી બોલાવ્યા. ધીમે ધીમે ક્લાયન્ટો વધતા ગયા. એક દિવસ અમરસિંહ સાથે મુલાકાત થઈ. અમરસિંહના એ ચડતીના દિવસો હતા, પણ એમના મોટાભાઈ જેવા મિત્ર અમિતાભ બચ્ચનના પડતીના. બૅન્ગલોરમાં મિસ વર્લ્ડની ઈવેન્ટ ફલોપ જતાં એબીસીએલ ભારે મુસીબતમાં આવી ગઈ હતી. એ પછી એમબીએની ડિગ્રી ધરાવતા મેનેજરો બચ્ચનજીને ફલૉપ કેવી રીતે જવું એની પ્રેરણા આપતા રહ્યા. એક તબક્કે જુહુના દસમા રસ્તા પરના કૉર્નરનો ‘પ્રતીક્ષા’ બંગલો કૅનેરા બૅન્કવાળા ટાંચમાં લેવાના હતા. જયા બચ્ચને ઘર ચલાવવા ‘બા રિટાયર થાય છે’ના હિન્દી વર્ઝનમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આ ગાળામાં અમરસિંહ ડૉ. ચંદ્રમૌલી ઉપાધ્યાયને અમિતાભ બચ્ચન સાથે મેલવે છે. બચ્ચન માટે બનારસના સંકટ મોચન હનુમાનજીના મંદિરમાં મોટી પૂજા થાય છે. બચ્ચનજી પરનાં કાળાં ડિબાંગ વાદળાં ધીમે ધીમે વિખેરાતાં જાય છે. સંકટો દૂર થવાની શરૂઆત થઈ. બીપીએલની ઍડ માટેનો કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ, કૌન બનેગા કરોડપતિનો આરંભ, એ પછી યશ ચોપરાની ‘મહોબ્બતે’માં શાહરુખ ખાન સામે ટક્કર. એક નવા જ બચ્ચનજી ઊભર્યા. એમને જેટલી હાશ થઈ હશે એના કરતાં વધારે આપણા જેવા એમના કરોડો ચાહકોને હાશ થઈ હશે. આપણા પર આવું સંકટ આવે તો બંગલો વેચીને ફલેટમાં કે પછી ફલેટ વેચીને મુંબઈના દૂર દૂરના સબર્બમાં કે પછી મુંબઈ છોડીને દેશમાં જતા રહીએ. બચ્ચનજી કેવી રીતે જઈ શકે? અને જાય પણ શું કામ?

બચ્ચનજીના ઘરે અભિષેકના લગ્ન પ્રસંગે સચિન તેન્ડુલકર પણ મહેમાન હતા. ઓળખાણ થઈ. ઘણા વખત પછી સચિન આઉટ ઑફ ફૉર્મ છે એવી બૂમરાણ મચી. ટીમમાંથી પડતો મૂકો એવી માગણી ઊઠી. પણ સચિન માટે એ માત્ર એક ખરાબ પિરિયડ હતો. ડૉ. ચંદ્રમૌલીને તેડું આવ્યું. તે વખતે સચિનનો બાન્દ્રામાં બંગલો નહોતો, ફલેટમાં રહેતા. જ્યોતિષાચાર્યને ક્ધસલ્ટ કર્યા પછી સચિનનો આત્મવિશ્ર્વાસ વધ્યો. બીજી અનેક સેન્ચ્યુરીઓ ફટકારી, બીજા ઘણા વિશ્ર્વવિક્રમો સર્જ્યા.

અમારે ગુરુજી પાસેથી જે જાણવી હતી તે એક જ વાત હતી કે ગુરુજી, આવું શું કામ થતું હોય છે જીવનમાં. માણસ છેક શિખરે પહોંચી જાય ત્યારે જ શું કામ ધડામ દઈને પટકાતો હોય છે?

ડૉ. ચંદ્રમૌલી ઉપાધ્યાયે અમને ગાંઠે બાંધી રાખવા જેવી વાત કરી: સૌરભજી, ચડતી પછી પડતી આવતી જ હોય છે અને લખી રાખો કે દરેક પડતી પછી ચડતી પણ આવવાની જ હોય છે. ઊંચે પહોંચેલી વ્યક્તિ નીચે પટકાય છે તેનું કારણ એ કે હવે એણે અગાઉના કરતાં પણ મોટી ઊંચાઈ મેળવવાની હોય છે.

ગુરુજીની વાતોમાં સચ્ચાઈનો રણકો હતો, અનુભવસિદ્ધ રણકો હતો એ.

એક આસિસ્ટન્ટ આવીને કહી જાય છે કે બહાર ત્રણ જણ રાહ જોઈને બેઠા છે. ગુરુજીએ કહ્યું: ‘એમને કહો કે હજુ રાહ જોવી પડશે. મુંબઈથી મહેમાનો આવ્યા છે.’

કાળ ભૈરવનાં દર્શને

બનારસી પાન જેટલું જ જગમશહૂર છે બનારસી સંગીત. બીએચયુની મુલાકાત પછી રાત્રે સંગીતના જલસામાં જવાનું છે. આજે સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્મા પધારવાના છે.

બનારસ હિન્દુ યુનિવર્સિટી (બી.એચ.યુ.)માં હિંદીના પ્રૉફેસરની મુલાકાત નક્કી હતી પણ હવે સમય રહ્યો નહોતો. આવતી કાલે મહાશિવરાત્રિ નિમિત્તે અહીં રજા હતી અને આમેય આવતી કાલથી તેઓ થોડાક દિવસ રજા પર બહારગામ જવાના છે એટલે એમને મળવાનું થશે કાશીની આવતી મુલાકાતે. આમેય ફરી અહીં આવવા માટે કશુંક નિમિત્ત તો જોઈશે જ. જેમ કે, આ પ્રથમ મુલાકાતનું નિમિત્ત બન્યું હતું મિત્ર કૃષ્ણકુમાર જાલાનનું ત્રિદિવસીય સંગીત મહોત્સવ માટેનું નિમંત્રણ. જાલાનજીના પિતા તેમ જ એમના પિતાની સ્મૃતિમાં આ પરિવાર ૨૬ વર્ષથી નિયમિત ત્રણ દિવસનો સંગીતનૃત્યનો કાર્યક્રમ કરે છે. સૌને આમંત્રણ સૌનું સ્વાગત. આ વર્ષે આજના પહેલા દિવસે પં. શિવકુમાર શર્મા છે અને આવતી કાલે પં. રોનુ મઝૂમદારનું વાંસળીવાદન છે.

સંગીતના કાર્યક્રમમાં જતાં પહેલાં થોડી પેટપૂજા કરી લેવાની છે. કાર્યક્રમ સ્થળ પર તો બનારસની વિશિષ્ટ વાનગીઓના ભોજનનો સ્વરુચિ થાળ (આય મીન બુફે) છે જ પણ તે લાભ નવ વાગ્યે મળવાનો. અત્યારે સાંજે છ વાગ્યા છે. ત્રણ કલાક ચાલે એટલું પેટ્રોલ પુરાવી લેવું છે. જાલાનજીએ અમને કહી રાખેલું કે બીએચયુ જાઓ તો ત્યાંના પનીર પરાઠા અને કોલ્ડ કૉફી માણવાનું ભૂલતા નહીં. કૅમ્પસમાં ખાવાપીવાની ઘણી જગ્યાઓ છે. કાશી વિશ્ર્વનાથના મંદિરની બહાર તમે કોઈને પણ પૂછશો તો બતાવશે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીના કૅમ્પસમાં આવેલું કાશી વિશ્ર્વનાથનું મંદિર ભલે મૂળ મંદિર જેટલું પ્રાચીન નથી પણ એનો મહિમા ઘણો છે. અનેક લોકો એ મૂળ મંદિરમાં દર્શન કરીને આ મંદિરે આવતા હોય છે. અહીં ફાયદો એટલો કે ભીડ ઓછી એટલે નિરાંતે દર્શન કરવા મળે. ઉપરાંત મંદિરના પરિસરની આજુબાજુમાં કોઈ ઔરંગઝેબે મસ્જિદ બાંધી દીધી નથી એટલે સિકયુરિટી ઓછી જેને લીધે દૂરથી, નજીકથી મંદિરના પરિસરમાં ફરીને એનું સ્થાપત્ય માણવા મળે.

યુનિવર્સિટી કૅમ્પસમાં તોતિંગ મંદિર ઊભું કરવાનો ક્ધસેપ્ટ પણ યુનિવર્સિટીના જન્મદાતા પં. મદનમોહન માલવીયજીનો જ. અમને આર્કિટેક્ટની મૂળ બ્લ્યુપ્રિન્ટ બતાડીને કહેવામાં આવ્યું કે મંદિરના પરિસરમાં જે ગાર્ડન છે એમાં પહેલાં બેઉ બાજુથી અર્ધ ગોળાકારમાં પાણીની નહેર કાઢવાની હતી. ગંગાજીનું પાણી અહીં સુધી લાવવાની યોજના હતી. એટલું જ નહીં, મંદિરના ગુંબજની હાઈટ અત્યારે છે એના કરતાં પણ સો ફીટ વધારે હતી પણ માલવીયજીના જીવતે જીવ એમને અંગ્રેજોની સરકાર નડી અને એમના મૃત્યુ બાદ, જ્યારે આઝાદી મળી તે પછી સ્વતંત્ર ભારત દેશની પહેલી સરકાર નડી. ન ગંગાજળની નહેર અપ્રુવ થઈ, ન ગુંબજની મૂળ ઊંચાઈને મંજૂરી મળી. મધ્ય ગુંબજની બેઉ બાજુના ગુંબજ. પણ નીચા જ રહી ગયા. આઝાદી મળ્યા પછી ભારતના અનેક સપૂતોને મરણોત્તર ભારતરત્નથી નવાજવામાં આવ્યા. પંડિત મદનમોહન માલવીયજીને આ સન્માન મોદીજી સત્તા પર આવ્યા તે પછી જ પ્રાપ્ત થયું.

પનીર પરાઠા માટે ફેમસ જે દુકાન હતી ત્યાં આજે પનીર નહોતું. તેઓ પનીર બહારથી નથી લાવતા. પોતાનું તાજું જ બનાવે છે. પણ કાલે મહાશિવરાત્રિનો ઉપવાસ હશે એટલે પનીર કોઈ નહીં ખાય એટલે આજે ઓછું બનાવ્યું હતું જે બપોર સુધીમાં પૂરું થઈ ગયું. હશે, જેવી ભોળાનાથની ઈચ્છા. અમે છોલે ભટૂરે મગાવી લીધા. એ પણ લાજવાબ. એકદમ ઑથેન્ટિક ટેસ્ટ. ગળું સાચવવા કોલ્ડ કૉફીને બદલે આઈસ વિનાનો ગંગાજમના જ્યુસ પીધો.

અહીંથી હવે દુર્ગા મંદિર જવાનું છે. મંદિરની પાછળના દુર્ગાકુંડની સામે જ અંધજન શાળા છે જ્યાંના નાનકડા એકદમ સાદાસીધા બેઠકખંડમાં ગાદલાં - પાથરણાં પાથરીને શ્રોતાઓને આવકારવામાં આવે છે. સામેના બહુ ઊંચા નહીં એવા આરસના સ્ટેજ પર પં. શિવકુમાર શર્મા ક્યારે પધારે તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. બેઠક નાનકડી છે પણ આયોજન ભવ્ય છે. બનારસ દૂરદર્શનના ત્રણ મોટા કૅમેરા ટ્રોલી પર ગોઠવાયેલા છે. એ સિવાય બીજા બે નાના વીડિયો કેમેરા પણ ફરી રહ્યા છે. હૉલની બહાર દૂરદર્શનની આઉટડોર બ્રોડકાસ્ટિંગ (ઓ.બી.) વાન છે.

દુર્ગા મંદિર બાજુમાં જ છે છતાં દર્શન કરવા જવાયું નથી. આજે સવારે બનારસના બીજા એક વિખ્યાત મંદિરનાં દર્શને ગયા હતા. કાળ ભૈરવના આ મંદિરે રવિવારે મોદીજી પણ એમના ચૂંટણી પ્રચારના એક ભાગરૂપે ગયા હતા. તે જ કાળ ભૈરવના મંદિરે અમે સવારે દર્શનાર્થે ગયા ત્યારે વિચાર આવ્યો કે આપણી સંસ્કૃતિમાં કાળનું કેટલું મોટું મહત્ત્વ છે. કાળને આપણે દેવતા ગણીએ છીએ. એને નમન કરીને કહીએ છીએ કે કાલાય તસ્મેં નમ:. સમયને હંમેશાં પગે જ લાગવાનું હોય. એની શરણાગતિ સ્વીકારી લેવાની હોય. તમે ગમે એટલો પુરુષાર્થ કરીને તૂટી જાઓ, ગમે એટલાં ભવ્ય આયોજનોનાં મનોરથ કરો, તમારું નસીબ ગમે એટલું જોરદાર હશે, તમારી પાસે ઓળખાણોનો, ધનનો, કામ કરનારા માણસોનો અખૂટ જથ્થો હશે તો પણ સમય પોતાનું કામ કરવાનો જ. આ કાળ તમારા પર મહેરબાન હશે તો તમને એક ફૂંકે અહીંથી એવરેસ્ટ પર ચડાવી દેશે અને જો રૂઠશે તો માત્ર એક લાત મારશે ને તમને પાતાળમાં પણ જગ્યા નહીં મળે.

મંદિરોમાં મૂર્તિઓની સ્થાપના કરીને એનું પૂજન કરતા થયા એ પહેલાંની આપણી સંસ્કૃતિમાં, વેદ કાળથી આપણે પંચ મહાભૂતોની પૂજા કરતા આવ્યા છીએ. કાળની પૂજા કદાચ ત્યારથી શરૂ થઈ હશે. પછી એને મૂર્તિ સ્વરૂપે, કાળ ભૈરવ તરીકે પૂજતા થયા હોઈશું. વિદ્યા અને ધર્મ આપણે ત્યાં પરાપર્વથી એકબીજા સાથે સંકળાયેલાં છે. મદરેસાઓ તો દોઢેક હજાર વર્ષ પહેલાં આવી. ખ્રિસ્તી શાળા-કૉલેજોમાં અચૂક ચર્ચ હોવાનાં. આપણી શાળાઓમાં મંદિર હશે તો આપણા પર આક્ષેપ આવવાનો કે ‘તમે સેક્યુલર નથી’! ભારતની સૌથી મોટી યુનિવર્સિટી નામે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં કાશી વિશ્ર્વનાથનું ભવ્ય મંદિર જોઈને હૃદયને અતિ સંતોષ થયો.

બનારસ આવીને તમે બીજાં ત્રણ કામ ન કરો તો અહીંની તમારી મુલાકાત અધૂરી ગણાય. કાશીનું જ્યારે રાજ્ય હતું ત્યારે કાશી નરેશ બનારસમાં રહીને નહીં પણ ગંગાજીના સામેના કિનારે રામનગરમાં કિલ્લો બાંધીને રહેતા અને ત્યાંથી જ શાસન ચલાવતા. કાશીમાં એક રાજા તો ઓલરેડી છે જ જે જગત આખાનું રાજ્ય ચલાવે છે - મહાદેવ - તો અહીં બીજા રાજાને સ્થાન નથી એવું કહીને એમણે સામે પાર રહેવાનું પસંદ કર્યું હતું. એ રામનગરમાં ભજવાતી વિશ્ર્વ પ્રસિદ્ધ રામલીલાનો ઈતિહાસ ઘણો જૂનો છે. બનારસમાં એક વિશિષ્ટ પ્રકારની પુસ્તકોની દુકાન છે. પુસ્તકોનું ભવ્ય મંદિર છે એમ કહેવું વધુ યોગ્ય ગણાશે. અને ભગવાન બુદ્ધે જ્યાં સૌપ્રથમ ઉપદેશ આપ્યો તે પવિત્ર ભૂમિ પણ બનારસથી બાર-તેર કિલોમીટરના અંતરે જ છે. સારનાથની આ ભૂમિએ આપેલો ચાર સિંહવાળો અશોક સ્તંભ ભારતે રાજમુદ્રા તરીકે સ્વીકાર્યો છે અને અશોક ચક્રને રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપેલું છે. હવે પછીના દિવસોની રૂપરેખા તમને આપી દીધી.

સંગીતના જલસામાં પાછળ એક ખૂણે ચાનું મોટું થર્મોસ છે. બાજુમાં માટીની કુલડીઓનો ઢગલો છે. ચા જમાવીને અમે ગાદીતકિયે ગોઠવાઈ જઈએ છીએ. જાલાનજીનો સેવક પાન લઈને આવે છે. બનારસમાં હોઈએ અને સંગીતની બેઠકમાં હોઈએ ને બનારસી પાનનું બીડું મોઢામાં ન હોય એવું કેવી રીતે ચાલે. પંડિત શિવકુમાર જોશી રાગ હંસધ્વનિથી મહેફિલનો આરંભ કરે છે. કર્ણાટકી સંગીતના આ રાગને હવે હિન્દુસ્તાની સંગીત શૈલીમાં ખૂબસૂરતીથી આપનાવી લેવામાં આવ્યો છે. રાત્રિના બીજા પ્રહરનો આ રાગ છે. સ્થળ, સમય અને શ્રોતા - સઘળુંય અનુરૂપ છે. પંડિત શિવકુમાર શર્માની સંતૂરના સૂરમાં ડૂબકી મારવી એ અમારા માટે ગંગાજીમાં માથાબોળ ડૂબકી લગાવવા જેટલું જ પવિત્ર કાર્ય છે.

પંડિત રવિશંકર અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંનું બનારસ

પંડિત શિવકુમાર શર્મા પર્સનલી અમારા માટે શાસ્ત્રીય સંગીતનો કક્કો ઘૂંટાવનાર સંગીતકાર છે. હાલાં કિ હજુય અમે આ ક્ષેત્રે કક્કાથી સહેજ પણ આગળ નથી વધ્યા પણ એમના સંતુરવાદનથી શાસ્ત્રીય સંગીત સાંભળવાની અમે શરૂઆત કરી ત્યારે જઈને હવે અમે કાનસેન બની શક્યા છીએ અને છેલ્લે છેલ્લે ધ્રુપદ શૈલીમાં ગવાતા રાગોને પણ માણી શકીએ છીએ. કાનસેન છીએ એ જ પૂરતું છે. તાનસેન તો આવતી સાત નહીં, આગામી ૭૦૦ પેઢીમાંય નહીં થઈ શકીએ.

પંડિત શિવકુમાર શર્મા (ઉં. વ. ૭૯)એ ૧૯૬૭માં બાંસૂરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા (અને બ્રિજભુષણ કાબરા-ગિટાર) સાથે મળીને ‘કૉલ ઑફ ધ વેલી’ નામની એક એલ.પી. બનાવેલી જેની કૅસેટ વર્ષો પછી સાંભળી અને ત્યારથી શાસ્ત્રીય સંગીતમાં રસ પડવા માંડેલો. ઈન્સિડેન્ટલી દસેક વર્ષ અગાઉના કોઈ ઈન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ કહેલું કે સંગીતમાં આ એમનું સૌથી પ્રિય આલબમ છે. આર. ડી. બર્મન વિશેની આ કૉલમમાં લખાયેલી સિરીઝના એક લેખમાં તમે વાંચ્યું હશે કે પંડિત શિવકુમાર શર્મા તબલાં અને સંતુર-બેઉ સરસ વગાડતા. પણ ૬૦ના દાયકામાં એમણે નક્કી કર્યું કે હવે માત્ર સંતુર પર જ કૉન્સન્ટ્રેટ કરવું છે. તબલાં વગાડવાનું છોડી દીધે વરસો વીતી ગયા બાદ એક દિવસ આર. ડી.એ એમને કહ્યું કે પિતાજીની ફિલ્મ આવી રહી છે ‘ગાઈડ’, એના એક ગીત માટે તમારે તબલાં વગાડવાનાં છે. મિત્રને પંડિતજી ના ન પાડી શક્યા. મૌસે છલ કિયે જાય ગીતમાં આરંભમાં તમે પંડિત શિવકુમાર શર્માએ તબલાં પર જમાવેલી રમઝટ સાંભળી શકો છો. એ પછી શિવજીએ ફિલ્મોમાં ક્યારેય તબલાં વગાડ્યાં નથી. સંતુર ઘણી ફિલ્મોમાં વગાડ્યું અને અફકોર્સ પં. હરિપ્રસાદ ચૌરસિયા સાથે ‘સિલસિલા’ (૧૯૮૦), ‘ચાંદની’ (૧૯૮૯), ‘લમ્હે’ (૧૯૯૧) અને ‘ડર’ જેવી ફિલ્મોમાં (બધી યશ ચોપરાની) યાદગાર સંગીત પણ આપ્યું. 

પદ્મવિભુષણ પંડિત શિવકુમાર શર્માને અત્યારે બનારસમાં જે રીતે સાંભળવાનો લહાવો મળ્યો તે જ રીતે ગયા વર્ષે મુંબઈમાં એક મિત્રના જુહુના બાર માળના બંગલાની અગાસી પર સાંભળવાનો મોકો મળ્યો હતો. હૉલ કે ઑડિટોરિયમમાં પહેલી હરોળમાં બેઠા હો તેનાથી પણ સાવ નજીક બેસીને આત્મીયતાથી આવા આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા કળાકારને સાંભળવાનું સદ્ભાગ્ય એક નહીં પણ બે વાર મળે ત્યારે ગંગામાં નહાયા વગર જ તમારાં બધાં પાપ ધોવાઈ જાય. 

પંડિતજીના સંતુરવાદનને બૅકગ્રાઉન્ડમાં સાંભળતાં સાંભળતાં બનારસના સંગીત વારસાની થોડીક વાતો ટૂંકમાં ફરી લઈને પ્રવાસડાયરી આગળ લંબાવીએ. 

બનારસ ભારતની જ નહીં, વિશ્ર્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાની નગરી છે. ભગવાન શિવજીએ આ શહેર વસાવ્યું એટલે સ્થાપનાથી જ અહીં સંગીત અને નૃત્યની પરંપરા વિકસી છે. અપ્સરાઓ, ગાંધર્વો અને ક્ધિનરોએ અહીં સંગીત-નૃત્યની આરાધના કરી. 

સુરદાસ, કબીર, રવિદાસ, તુલસીદાસ અને વલ્લભાચાર્યે ભક્તિસંગીતમાં પોતપોતાની રીતે અનોખું યોગદાન આપ્યું. આ પરંપરા આધુનિક સમયના સંગીતકારોએ પોતાની રીતે આગળ ધપાવી જેમાં સિતારવાદક પંડિત રવિશંકર, શરણાઈવાદક ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં અને કંઠ્ય સંગીતમાં ગિરિજા દેવીએ આગળ વધારી. યુનેસ્કોેએ વિશ્ર્વના ‘સંગીત શહેરો’ (સિટીઝ ઑફ મ્યુઝિક)ની યાદીમાં વારાણસીને મોખરાનું સ્થાન આપેલું છે. 

પં. કિસન મહારાજ, પં. સામતા પ્રસાદ, પં. કુમાર બોસ અને પં. સમર સાહાના ઉલ્લેખ વિના વારાણસીનો સંગીત ઈતિહાસ અધૂરો રહે. મિયાં તાનસેનનો જન્મ પણ વારાણસીમાં થયો હતો એવું મનાય છે. 

ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંસાહેબનું નામ પંડિત શિવકુમાર શર્મા કરતાં ઘણું સિનિયર પણ એ અમારા જીવનમાં બીજા આવ્યા. પછી તો અનેક મહારથીઓ આવ્યા. ઉસ્તાદ અલ્લારખા, પંડિત રવિશંકર, ઉસ્તાદ વિલાયત ખાં, પંડિત પન્નાલાલ ઘોષ વગેરે શાસ્ત્રીય સંગીતના મહારથીઓનાં નામ સાવ નાનપણમાં અમને મોઢે થઈ ગયેલાં, તેઓ કયું વાદ્ય વગાડવામાં પારંગત છે અને સદેહે કેવા દેખાય છે એની છાપ નાનપણમાં જ ચિત્ત પર અંકિત થઈ ગયેલી. અમારા વાણિયા કુટુંબમાં સંગીત તો માત્ર રેડિયો સિલોન પર વાગતા બિનાકા ગીતમાલા અને આકાશવાણી મુંબઈ ‘એ’ કેન્દ્ર પર સવારે પોણા નવ વાગ્યે આવતા ગુજરાતી સુગમ સંગીતના પંદર મિનિટના કાર્યક્રમ ‘ગીતગુંજન’ પૂરતું જ સીમિત હતું, પણ ઘરમાં દર વર્ષ એર-ઈન્ડિયાનું મોટું ભીંતકૅલેન્ડર કોઈકના તરફથી આવતું જેમાં દરેક વખતે અલગ અલગ થીમ રહેતી. આવા જ એક કૅલેન્ડરમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની થીમ. એક આખો મહિનો પંડિત રવિ શંકરને જોયા કરીએ અને ક્યારે મહિનો પૂરો થાય અને ક્યારે એ પાનું ફાડીને સ્કૂલની ચોપડીનું પૂઠું બનાવીને મિત્રોમાં વટ પાડીએ એટલું જ આકર્ષણ આ મહાનુભાવો માટે. પણ કેવું છે ને નંઈ? મોટા થયા પછી આ જ બધા મહારથીઓ જે સબકૉન્શિયસમાં વસી ગયા હશે તે વખત જતાં કાયમી ધોરણે ચિત્તમાં વસી ગયા. 

બનારસ અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં એકબીજાથી અભિન્ન એવાં નામ. વર્ષો પહેલાં નામી ફોટોગ્રાફ્ર રઘુ રાયે એક મેગેઝિન માટે બિસ્મિલ્લા ખાંની એમના બનારસના ઘરમાં તેમ જ બનારસના વિવિધ સ્થળોએ ખેંચેલી તસવીરોનું ફોટો આલબમ જોયું હતું. થોડાક વર્ષ પહેલાં બિસ્મિલ્લા ખાં સાહેબ પર ફિલ્માવેલી એક ડૉક્યુમેન્ટરી પણ ડીવીડી પર જોઈ હતી. હમણાં ગયા એક-બે મહિના પહેલાં જ યતીન્દ્ર મિશ્ર લિખિત ‘સુર કી બારાદરી’ નામનું પેન્ગવિને પ્રગટ કરેલું ઉ. બિસ્મિલ્લા ખાં વિશેનું નાનકડું (૯૦ પાનાં) હિંદી પુસ્તક વાંચ્યું અને એ જ ગાળામાં એમના ઘરમાંથી કેટલીક દુર્લભ શરણાઈઓની ચોરી થઈ જવાના સમાચાર પણ જાણ્યા. 

ઉસ્તાદજી તો ર૦૦૬માં ૯૦ વર્ષની ઉંમરે જન્નતનશીન થઈ ગયા પણ, શરણાઈને એમણે આપેલો દરજ્જો કાયમ રહેવાનો. શરણાઈ એક જમાનામાં લોકસંગીતનું વાદ્ય ગણાતું. ઉસ્તાદજીએ એને શાસ્ત્રીય સંગીતની મહેફિલમાં લઈ આવ્યા. છ વર્ષની ઉંમરે એ કાશી આવ્યા. કાકા અલી બક્ષ ‘વિલાયતુ’ના શાગીર્દ તરીકે તાલીમ લીધી. આ કાકા કાશી વિશ્ર્વનાથના મંદિરમાં શરણાઈ વાદન કરતા. અમારું સદ્ભાગ્ય જુઓ આજે પંડિત શિવકુમાર શર્માના સંતુરવાદન પહેલાંનો કંઠ્ય સંગીતનો કાર્યક્રમ બીજા દિવસ પર મુલતવી રહ્યો એટલે અમને એની અવેજીમાં ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંના શિષ્યનું શહેનાઈ વાદન સાંભળવા મળ્યું. કાશીમાં આવી ધન્ય ઘડીઓ આવતી જ રહેવાની. 

આખો દિવસ ગંગાકિનારે પડ્યાપાથર્યા રહેવાની મઝા

બનારસમાં હજુ ઘણું જોવાનું છે, પણ એમાંથી કેટલુંક અમે બાકી રાખવાના છીએ કારણ કે એટલો સમય અમે બનારસને માણવાના છીએ. સંસ્કૃત વિદ્યાપીઠ તો ન જોઈ, ઉપરાંત બનારસનો ઈતિહાસ કહેતું ભારત કલા ભવનનું મ્યુઝિયમ જોવાનું પણ મુલતવી રાખીએ છીએ. આ સિવાયની પણ પર્યટકો માટે મસ્ટ કહેવાય એવી કેટલીક જગ્યાઓએ અમે જઈ શકવાના નથી, કારણ કે આજે મહાશિવરાત્રિનો આખો દિવસ અમે ગંગાજીના ઘાટ પર પડ્યાપાથર્યા રહેવાના છીએ. ગંગાજી બનારસનું, બનારસની સંસ્કૃતિનું હાર્દ છે. અહીંના અનેક ઘાટ પર પગપાળા રખડવું, પગથિયાંઓ પર બેસી રહેવું, આકાશના બદલાતા રંગો જોવા અને મા ગંગાનું સ્મરણ કરવું એ જ અમારો એજન્ડા છે, અને બાય ધ વે, બમ બમ ભોલેના બહાને ન તો અમને આજે ભાંગ પીવામાં રસ છે, ન ચિલમ. ભગવાનને વચ્ચે લાવ્યા વિના એ બધાં કામ થઈ જ શકે છે અને કર્યાં પણ છે. શિવનગરીમાં મહાશિવરાત્રિના પવિત્ર દિવસે આ બધું યાદ કરવું પણ સાચા ભક્તને શોભે નહીં.

અમે સવારે નાસ્તો કરી, એક લેખ લખી, બપોરે બારના સુમારે ગંગાકિનારે પહોંચી ગયા. બપોરનો સન્નાટો હતો, પણ તહેવારની ઉજવણીનો માહોલ ક્યાંક ક્યાંક અહીંની નીરવ શાંતિને ખલેલ પહોંચાડતો હતો. વેદોના મંત્રોચ્ચાર કે ભજનો સાંભળવાની જુદી જ મઝા છે, પણ અહીં ઘાટ પર માઈક લગાડીને આવું બધું થાય છે ત્યારે તે ગંગાના પ્રદૂષણમાં ઉમેરો કરે છે. અને એમાંય કોઈ ભોજપુરી ગીત હતું જેમાં શંકર-પાર્વતી એકબીજાને ‘ઓ ગણેસ કે પાપા’ અને ‘ઓ ગણેસ કી મમ્મી’ કહીને સંબોધતા હતાં તે તો ખરેખર ત્રાસ હતું. 

પણ અહીં અમે કોણ કેવો ત્રાસ ગુજારે છે એની નોંધ કરવા નહોતા આવ્યા. એકાગ્ર થવાનું નક્કી કરીએ તો થોડીક પ્રેકટિસ બાદ તમારા કાન પાસે જ કોઈ ધડાકો કરે તોય તમે વિચલિત નથી થતાં. કંઈક એવા જ ટ્રાન્સમાં અમે સામેની ગંગાજીનાં દર્શન કરતાં કરતાં, ભરબપોરે ઘાટના પગથિયાં પર બેસીને આ સિરીઝનો પ્રથમ લેખ લખ્યો. પૂરો કર્યો ત્યારે જાણે ટ્રાન્સમાંથી બહાર આવ્યા હોઈએ એવું લાગ્યું. ભવિષ્યમાં આ ઘાટ ‘ગુડ મૉર્નિંગ ઘાટ’ તરીકે ઓળખાવાનો! કેમ નહીં? 

બપોર પછી ભૂખ ઉઘડી. બે ઑપ્શન હતા, જો શહેરમાં અંદર ન જવું હોય તો. એક ‘જુકાસો ગેન્જીસ’ કરીને વેલકમ ગ્રુપની ફાઈવ સ્ટાર હૉટેલની રેસ્ટોરાંમાં જઈને ખાવું, અને બીજો વિકલ્પ હતો ‘વાટિકા’ નામના ઓપનએર પિઝેરિયામાં જવું. પેલી અમે જ્યાં બેઠા છીએ ત્યાંથી ઘણી દૂર છે, મણિકર્ણિકા ઘાટથી પણ આગળ. અને ‘વાટિકા’ નજીકમાં જ છે, તુલસી ઘાટ પાસે. બેઉ જગ્યાએથી તમે ગંગાજીના દર્શન કરતાં કરતાં ભાવતાં ભોજન કરી શકો છો. ‘જુકાસો’નું ખાવાનું ઓકીડોકી છે અને ‘વાટિકા’ના પિત્ઝા વખણાય છે એવું અમે સાંભળ્યું હતું. છેવટે અમે નક્કી કર્યું કે દૂર જવાને બદલે નજીકની ‘વાટિકા’માં જ જઈએ. અમારા કન્સિડરેશનમાં એક માત્ર ગણતરી મોંઘી કે સસ્તી જગ્યાની જ હતી! જોકે, ‘વાટિકા’ પણ કંઈ સાવ સસ્તી જગ્યા નથી. અહીં વિદેશીઓ ઘણા આવે છે એટલે પિત્ઝાનો અને એપલ પાઈના સ્વાદમાં એમને ધ્યાનમાં રાખવામાં આવે છે જે સાદું જ છે. ‘વાટિકા’માં બેસીને એક વધુ લેખ લખ્યો. આજે કુલ ત્રણ લેખ લખાયા, પણ જાણે રમતાં રમતાં લખાઈ ગયા હોય એવું લાગ્યું. 

આકાશમાં સંધ્યાના રંગો ઉતરી રહ્યા છે. એક વાર તો ગંગાજીમાં નૌકાયન કરીને ઘણા બધા ઘાટ જોઈ લીધા છે. આજે ઘાટ જોવા માટે નહીં, પણ નૌકાવિહારનો આનંદ માણવા માટે ફરી એકવાર હોડીવાળા પાસે જઈએ છીએ. મોટરવાળી નૌકા નથી જોઈતી, હલેસાંવાળી જોઈએ છે જેથી નિરાંતે વહ્યા કરે અને કોઈ અવાજ ન કરે. માત્ર પાણીમાં હલેસાં પડે અને જળ કપાય તે વખતે જે કર્ણમધુર અવાજ આવે તે જ સંભળાય.

સાંજના પાંચ વાગ્યાથી બે કલાક સુધી ભરપૂર નૌકાયન કરીને અમે અસ્સી ઘાટ પાછા ઊતર્યા. કોઈ પૂછે કે આજે તમે બનારસમાં શું શું કર્યું? તો શું જવાબ આપવાનો? કશું જ નહીં, બસ બનારસને માણ્યું.

પ્રવાસો બે રીતના હોય છે. એક વ્હિસલ સ્ટૉન ટૂર્સ. આઠ દિવસ સાત રાત્રિમાં અડધું યુરોપ ફરી વળવાનું. દાયકાઓ પહેલાંની એક અંગ્રેજી ફિલ્મ છે: ‘ઈફ ઈટ્સ ટ્યુઝડે ઈટ મસ્ટ બી બેલ્જિયમ.’ શહેરમાં જોવાં જેવાં સ્થળો પર થપ્પો મારીને તરત બીજા શહેરમાં આ રીતે એક પછી એક દેશ પતાવતાં જવાનું અને પાસપોર્ટ પર થપ્પા લગાવડાવતાં જવાનું. પિક્ચર પોસ્ટકાર્ડ મેમરીઝને લઈને અને બૅગમાં સુવેનિયરો ભરીને ઘરે પાછા આવી જવાનું. આ વર્ષે યુ.એસ.નો ઈસ્ટ કોસ્ટ પતાવી દીધો છે, નેકસ્ટ સમર વેસ્ટ કોસ્ટ પતાવી દઈએ એટલે પછી ખાલી અલાસ્કા બાકી. એક આ રીત છે પ્રવાસની.

બીજી રીત છે કોઈ પણ શહેરમાં જઈને દિવસો, અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી રહીને ત્યાંનું કલ્ચર, ત્યાંની પ્રજાની વિશિષ્ટતાઓ, ત્યાંની હવાને શ્ર્વાસમાં ભરીને સમૃદ્ધ થવાનું. ‘હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં મારું કે તમારું કોઈ કામ કરવા આવ્યો છું’ એવી કવિતા સર્જનારા નિરંજન ભગત પોતાના પ્રિય ફ્રેન્ચ કવિ બોદલેરની કવિતાને જાતે ઓરિજિનલમાંથી ટ્રાન્સલેટ કરી શકે એ માટે ફ્રેન્ચ શીખેલા એટલું જ નહીં પેરિસ જઈને મહિનાઓ સુધી ત્યાં રહેલા, રખડેલા. મારે હિસાબે રિયલ પ્રવાસી આમને કહેવાય. જીવ્યા કરતાં જોયું ભલું અહીં સાર્થક થાય. બાકી તો ગાઈડબુક્સમાંથી કે ગૂગલ પરથી તમને જે સ્થળની જે માહિતી જોઈએ તે મળી જ રહેવાની છે. ડિસ્કવરી જેવી ચેનલો પર કે યુ ટ્યુબ પર તમને એ સ્થળોનું સૌંદર્ય પણ જોવા મળવાનું છે. દેશના પર્યટન વ્યવસાયને બઢાવો આપવા માટે દરેક જગ્યાએ ટૂરિસ્ટ કલ્ચર હોવાનું અને ઘરે બેસીને પંચાત કરવા કરતાં આ રીતે તો આ રીતે ફરવા નીકળી પડવું સારું જ છે. પણ મારી અંગત ચોઈસ કવિ નિરંજન ભગત ટાઈપના પ્રવાસની છે. જે સ્થળે ગયા હોઈએ તે સ્થળ પોતીકું ન બની જાય ત્યાં સુધી ત્યાં રહેવાનું, એને માણવાનું. કોને ખબર ભવિષ્યમાં એ તમારું બીજું ઘર બની જાય! હું બહુ ફર્યો નથી, ફરતો નથી, ફરી શકતો નથી, પણ માથેરાન મારા માટે આવું સેક્ધડ હોમ છે. બનારસમાં આવ્યા પછી બીજે-ત્રીજે દિવસે રાધેશ્યામજી પોદ્દાર નામના એક વડીલે મને પૂછ્યું કે અહીં આવીને બોર તો નથી થતા ને! મેં કહ્યું: તાઉજી, અહીં તો દિવસો ઓછા પડશે એવું લાગે છે ને ટૂંક સમયમાં ફરી વાર આવવું પડશે.

અને ખરેખર અમે નીકળતા હતા ત્યારે અમારા મિત્ર જાલાનજીએ પણ કહ્યું: બહુ ઓછા દિવસ માટે તમે આવ્યા, હવે નેકસ્ટ ટાઈમ નિરાંત કાઢીને આવો!

ટિપિકલ ટૂરિસ્ટ મેન્ટાલિટી ધરાવનારાઓને એક જ શહેરમાં પાંચ-પાંચ દિવસ સુધી ‘પડી રહ્યા’ પછી ‘નિરાંત કાઢીને’ ફરી પાછા આવવાનો અર્થ જ નહીં સમજાય.

આજે રાત્રે પંડિત રોનુ મજુમદારનું વાંસળીવાદન સાંભળ્યું. એમની સાથે જુગલબંદીમાં એમનાથી ય સિનિયર એવા વાદક હતા. કાદરી ગોપાલનાથ જેઓ સેક્સોફોન વગાડતા હતા, અને તેય કર્ણાટકી શૈલીમાં! હેલનજી સંપૂર્ણ અંગ ઢંકાય એ રીતે મીરાંનું ભજન ગાતા હોય એવી ફીલિંગ થાય. સેક્સોફોનના આ પ્રકારના વાદનને બાંસુરીવાદન સાથે સાંભળવાનો રોમાંચ અનેરો હતો. કાર્યક્રમમાં અમારી ઓળખાણ રામાનન્દજી નામના સજ્જન સાથે થઈ. એમનો ભગવો પહેરવેશ, માળા, સફેદ દાઢી, તિલક વગેરે જોઈને અમે એમને સાધુ માનીને પરંપરા અનુસાર વંદન કરીને આદર આપીએ છીએ ત્યાં જ અમને કહેવામાં આવ્યું કે તેઓ સાધુ જેવા લાગે છે, પણ સાધુ નથી, પણ બાય ધેટ ટાઈમ અને અમે નીચા વળીને એમને વંદન કરી ચૂક્યા હતા. અજાણતાં કોઈનું અપમાન થઈ જાય એના કરતાં અજાણતામાં કોઈને વંદન કરીને આદર અપાઈ જાય તે સારું. જોકે, બીજા દિવસે મોડી સાંજે અમે રામાનન્દજીને નિરાંતે મળ્યા ત્યારે છૂટા પડતી વખતે અમે એમને ફરી ભાવપૂર્વક વંદન કર્યા અને કહ્યું: ગઈ કાલે તમારા વેશને વંદન કર્યાં હતાં, આજે તમારા કાર્યને કરું છું.

એવું તે કયું કાર્ય કરી રહ્યા હતા રામાનન્દજી, કૅન યુ ગેસ?

એક ટિપ: એ જે ક્ષેત્રમાં હતા તે ક્ષેત્ર મારા ભાવવિશ્ર્વની ખૂબ નજીકનું છે. (આયમ, શ્યોર કે તમે ખોટી કલ્પના કરી રહ્યા છો! આ હતી બીજી ટિપ!)


વધુ કાલે.


ગંગા, કુંભમેળો, સંસ્કૃત, આયુર્વેદ અને નોર્થ-સાઉથ ડિવાઈડ અંગેની કેટલીક ગેરમાન્યતાઓ

વારાણસી જઈને પ્રતીતિ થઈ કે કેટલીક વાતો આપણા માનસમાં એવી યુક્તિથી ઘુસાડી દેવામાં આવે છે કે આપણે તરત માની લઈએ છીએ અને લાખ પુરાવાઓ છતાં એને ત્યજવા તૈયાર થતા નથી.

આવી એક માન્યતા છે કે ગંગા નદી હવે પવિત્ર નથી રહી, એમાં ગંદકી પુષ્કળ છે અને એનું પાણી પ્રદૂષણયુક્ત છે. હિંદી ફિલ્મ પણ આવી ગઈ: રામ તેરી ગંગા મૈલી. અને આનું કારણ આપતાં કહેવામાં આવે છે કે આપણે લોકોએ નહાઈને, ડૂબકીઓ લગાવીને ગંગાનું પાણી મેલું કરી નાખ્યું. પાપીઓના પાપ ધોવામાં ને ધોવામાં ગંગામૈયા પ્રદૂષિત થઈ ગઈ.

હકીકત કંઈક જુદી જ છે. ગંગોત્રીથી વહી આવતી ગંગા પવિત્ર જ છે. એનું જળ પવિત્ર છે. જો એ પાણી મેલું હોત, તબિયતને માટે હાનિકારક હોત તો પૂજ્ય મોરારિબાપુનું સ્વાસ્થ્ય અત્યારે છે એવું તંદુરસ્તીભર્યું ન હોત. ઈન ફૅક્ટ, વારંવાર બદલાતાં પાણીને કારણે તબિયત પર અવળી અસર ન પડે તે માટે ગંગાજળ સતત સાથે રાખવાનો એમનો આગ્રહ આવકાર્ય છે. તો ગંગા મેલી છે એવું શું કામ કહેવાય છે? હરદ્વાર પછી જેમ જેમ ગંગા આગળ વધતી જાય છે તેમ તેમ એના કાંઠા નજીક વસેલાં ગામ-શહેરોનો બે પ્રકારનો કચરો એમાં ઠલવાતો જાય છે એટલે એ પ્રદૂષિત થતી જાય છે, નહીં કે લોકોના નહાવાથી એનું પાણી ગંદું થઈ જાય છે. ગંગા કિનારે વસેલાં ગામ-શહેરોની વસ્તી જે મળમૂત્રનું વિસર્જન કરે છે તે ગંદકીનો નિકાલ કરવાનું સરળ અને સૌથી ઝડપી માધ્યમ આ નદી બની ગઈ છે. એમાં ઉમેરાય છે આ ગામ-શહેરોની ઔદ્યોગિક વસાહતો દ્વારા ઊભો થતો કેમિકલયુક્ત ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટ. આ બંનેને કારણે ગંગામાં પ્રદૂષણ ફેલાય છે, ગંગામાં ડૂબકી લગાવતા શ્રદ્ધાળુઓને લીધે એ અપવિત્ર નથી થતી. આટલો પાયાનો ડિફરન્સ સમજવા જેવો છે. ગંગામાં પધરાવાતાં અસ્થિ તેમ જ ફૂલપાંદડાં વગેરેને કારણે પણ એટલું પ્રદૂષણ નથી સર્જાતું જેટલું આ બે કારણોસર સર્જાય છે. આ સમજવાની વાત છે. લંડન જે નદીના કાંઠે વસેલું છે તે થેમ્સ નદીને પણ પ્રદૂષણનો ઘણો મોટો પ્રશ્ર્ન નડ્યો હતો. વેનિસ જેના માટે વખણાય છે તેની નહેરો પણ એક જમાનાના ધારાવી જેટલી ગંધાતી હતી. લંડન કે વેનિસ જઈને લોકો ડૂબકી નથી લગાવતા કે ત્યાં અસ્થિ-ફૂલ નથી પધરાવતા છતાં ત્યાંનું જળ પ્રદૂષિત છે. આપણે આપણી નબળાઈ ઢાંકવા બીજાની નબળાઈઓ ગણાવીએ ત્યારે ભૂંડા લાગીએ પણ નબળાઈઓ આખી દુનિયામાં એકલા તમારામાં જ છે અને બાકીના બધા જ સતના પૂતળા છે એવું બીજાઓ કહેતા હોય છે ત્યારે ચૂપચાપ સાંભળી લઈએ ત્યારે આપણે નમાલા, બાયલા અને ભીરુ લાગીએ. ભીરુ લાગવા કરતાં ભૂંડા દેખાવું સારું - જો આ જ બે ચોઈસ હોય તો.

ગંગામાં ઠલવાતી ગંદકીને રોકવાની યોજના નરેન્દ્ર મોદી વારાણસીમાંથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા પછી જોરશોરથી આગળ વધી રહી છે. સ્વચ્છ ગંગાનું અભિયાન ગ્રાસરૂટ લેવલ સુધી પ્રસરી રહ્યું છે. પહેલીવાર અમે જે નૌકામાં બેઠા એમાં મુડી ખાધા પછીની ખાલી પુડી ફેંકવા માટે નાનકડી કચરા ટોપલી હતી. દિવસ દરમિયાન ગંગાના ઘાટ પર યુનિફોર્મ પહેરેલા સફાઈ કર્મચારીઓ સતત કામ કરતા જોવા મળે. ઈન્ડસ્ટ્રિયલ કચરો તેમ જ માનવદેહનો નૈસર્ગિક કચરો ગંગામાં ન ઠલવાય પણ એને ચોખ્ખો કરીને એમાંથી કુદરતી ખાતર તેમ જ બિનહાનિકારક વેસ્ટ બનાવીને એનો ઉપયોગ કરવામાં આવે એની યોજનાઓ પણ ધમધમતી થઈ ગઈ છે. પણ આ બધાનું રિઝલ્ટ કંઈ રાતોરાત તમને મળવાનું નથી. વર્ષોથી, વર્ષોથી નહીં દાયકાઓથી, અને દાયકાઓથી નહીં સૈકાઓથી જે કચરો ઠલવાતો રહ્યો છે તેને રોકીને મોદી પાંચ વરસમાં જ ગંગાને ચોખ્ખીચણાક બનાવી દેશે એવી આશા વધારે પડતી છે.

આવી જ એક મિથ ચલાવવામાં આવે છે દેશમાં વિવિધ સ્થળોએ યોજાતાં કુંભમેળાઓ વખતે. કુંભમેળામાં અવ્યવસ્થા સર્જાય છે, ધમાચકડીમાં ક્યારેક અકસ્માતો સર્જાય છે, માણસો મરી જાય છે અને એવા વખતે હિંદુઓની આસ્થા પર પ્રહાર કરતા રિપોર્ટ્સ ટીવી પર રાજદીપ - રવિશકુમાર આણિ કંપની તમારા માથા પર ઠોકે છે. હજયાત્રા વખતે કેટલીય વાર સેંકડો આસ્થાળુઓ ચગદાઈને મરી ગયા છે. ત્યારે કોઈ ઈસ્લામની ધાર્મિક પરંપરાને ભાંડવાની હિંમત નહીં કરે. માત્ર કુંભમેળાની અવ્યવસ્થા જ તમને દેખાશે.

કુંભમેળાઓ જે જમાનામાં કમ્યુનિકેશનની આસાન સુવિધાઓ નહોતી ત્યારે એની ખોટ પૂરવા માટે સર્જાયા. એના પાછળની પૌરાણિક કથાઓ ઈન્ટરેસ્ટિંગ છે. પણ વાસ્તવિક કારણ એ હતું કે દર ચાર કે બાર વર્ષે ભારતના કોઈને કોઈ નગરમાં આખા દેશમાંથી આવેલા પ્રબુદ્ધજનો - સાધુસંતો ભેગા થાય, પોતપોતાના પ્રદેશોમાં શું શું થઈ રહ્યું છે તેની માહિતીનું આદાનપ્રદાન કરે, નવા જ્ઞાનપ્રવાહો વિશે ચર્ચા કરી એકમેકને સમૃદ્ધ કરે અને આ રીતે દેશની એકતા, અખંડિતતા વધુ મજબૂત બને. આવી ભલી પરંપરા છે કુંભમેળાની અને આપણને ટીવીવાળાઓ કુંભમેળાનાં ક્યાં દૃશ્યો વારંવાર દેખાડે છે? નાગા બાવાઓનાં, વિવિધ અખડાઓ વચ્ચે શાહી સ્નાન અંગે થતી તકરારોના, ભીડના, ગંદકીના.

તમે વિચાર કરો કે ભારતના નૉર્થ-સાઉથ ડિવાઈડ વિશે અત્યાર સુધીમાં કેટલા ટન વાંચન તમારા માથા પર ફટકારવામાં આવ્યું. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે સંસ્કૃતિની, ભાષાની, પરંપરાની કેટલી મોટી ખાઈ છે એવું તમને ઈતિહાસની તમારી ટેકસ્ટબુકોથી માંડીને તમારા છાપાં-ટીવીવાળાઓ કહ્યા કરે છે. વારાણસી જઈને તમે શું જુઓ છો? તમિળનાડુથી મેક્સિમમ જાત્રાળુઓ મહાશિવરાત્રિ નિમિત્તે અહીં આવ્યા છે. આગળ લખી ગયા એમ આપણે તિરુપતિ જઈને વાળ ઉતરાવીએ એમ ત્યાંથી આવનારા યાત્રાળુઓ અહીં કાશી વિશ્ર્વનાથનાં દર્શન કરીને વાળ ઉતરાવે. મંદિરની ગલીઓમાં ફૂલો વેચનારાઓ પણ આ યાત્રાળુઓની માતૃભાષા તમિળમાં ફૂલોના ભાવ બોલતા થઈ ગયા છે એ પણ તમે વાંચ્યું. હવે તમે જ કહો કે ભાષા, સંસ્કૃતિ કે બીજાં કોઈપણ કારણોસર આ દેશને કોણ તોડી શકવાનું છે? આવી ભાવનાત્મક, સામાજિક તથા પારંપરિક એકતાનો સામ્યવાદી વિચારસરણી ધરાવતા એન્ટી હિન્દુ સેક્યુલરો કેવી રીતે ભંગ કરાવી શકવાના છે. હા, અત્યાર સુધી તેઓ મોટી અને વગ ધરાવનારી ખુરશીઓ તથા હોદ્દાઓ પર બેઠા હતા એટલે તમને લાગતું હતું કે તેઓ જે કહે છે તે સાચું છે. પણ મોદીના પીએમ બન્યા પછી બીજી ઘણી બાબતો સહિત આ વાતમાં પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ રહ્યું છે.

રહી સંસ્કૃત ભાષાની વાત. ‘સંસ્ક્રીત ઈઝ અ ડેડ લેન્ગવેજ’ એવું તમે કેટલીવાર સાંભળ્યું? હકીકત એ છે કે સંસ્કૃત ડેડ લેન્ગ્વેજ નથી. હજુય એ જીવે છે, તંદુરસ્તીથી જીવે છે. સ્કૂલમાં તમારો દીકરો ફ્રેન્ચ લે કે દીકરી જર્મની લે એટલે કંઈ સંસ્કૃત મરી પરવારવાની નથી. ફ્રેન્ચ - જર્મન જેવી શીખવામાં અત્યંત કઠિન ભાષાને સિલેબસમાં મૂકીને એવો અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે કે તમે એમાં ચિક્કાર માર્ક્સ સ્કોર કરી શકો, ભાષા ન આવડતી હોવા છતાં, ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ર્ચન્સને કારણે તમને વધારે પર્સન્ટેજ આવે.

ફ્રેન્ચ-જર્મન જ નહીં, અંગ્રેજીની બાબતમાં પણ એવું જ થયું છે. નવી એસ.એસ.સી.નો પ્રથમ બૅચ મારો. અંગ્રેજીમાં આખી સ્કૂલમાં હાઈએસ્ટ માર્ક્સ આવ્યા. વિચાર કરો ગુજરાતીમાં નહીં પણ અંગ્રેજીમાં. કેવી રીતે? એક દાખલો આપું. દસ માર્ક્સનો નિબંધ. તમારી લેખનકળાની ચકાસણી કરવા માટે નિબંધ પૂછાતો હોય. અમારા પ્રશ્ર્નપત્રમાં આખેઆખો નિબંધ છાપીને એમાંથી દર થોડાક વાક્યમાંથી એક એક શબ્દ કાઢી લઈને ત્યાં ખાલી જગ્યા મૂકવામાં આવી હતી. નીચે એ દસે દસ શબ્દોને જમ્બલ અપ કરીને મૂકવામાં આવ્યા હતા. તમારે એમાંથી એક એક શબ્દ પકડીને પેલી ખાલી જગ્યામાં મૂકી દેવાનો. રોકડા દસ માર્ક્સ તમારા ગજવામાં નિબંધમાં તે વળી કોઈ દિવસ દસમાંથી દસ માર્ક્સ હોતા હશે? પણ આ રીતે આપી દેવામાં આવતા. અંગ્રેજીના ૧૦૦ માર્ક્સના પેપરની સામે સંસ્કૃત ૫૦ માર્ક્સનું પણ એનો અભ્યાસક્રમ એટલો અઘરો કે તમે રામા, રામૌ, રામ: ની વિભક્તિઓની ગોખણપટ્ટીમાંથી જ ઊંચા ના આવો. સંસ્કૃતનો અભ્યાસ જાણી જોઈને કંટાળાજનક બનાવી દેવામાં આવે અને પછી ડિકલેર કરવામાં આવે કે ‘સંસ્ક્રીત ઈઝ એ ડેડ લેંગ્વેજ’.

સંસ્કૃતમાં લખાયેલા આપણા આયુર્વેદના ગ્રંથોને ભુલાવી દેવાનું કાવતરું સૈકાઓ સુધી ચાલ્યું પણ નાકામિયાબ રહ્યું. આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિમાં શસ્ત્રક્રિયા, દાંતની શલ્ય ચિકિત્સા વગેરે બધું જ થતું. પણ ક્રમશ: ભુલાઈ ગયું. એમાં આગળ સંશોધન ન થયું. એલોપથીવાળા કહેશે કે આયુર્વેદવાળા શું બાયપાસ સર્જરી કરી શકવાના હતા?

મારો જવાબ એ છે કે આયુર્વેદની જેમ એલોપથીને પણ ગળું ઘોંટીને સદીઓ પહેલાં સ્થગિત કરી દેવામાં આવ્યું હોત તો એલોપથીમાં પણ આજે શસ્ત્રક્રિયાઓ ન થતી હોત અને વધારે સાચો જવાબ એ છે કે આયુર્વેદને જનસામાન્ય સુધી પહોંચતા રોકવામાં એલોપથિક કાવતરાઓ પર કાવતરાં ન થયાં હોત તો આયુર્વેદ, યોગ, પ્રાણાયમને લીધે પ્રજાનું આરોગ્ય જ એટલું સુધરી ગયું હોત કે આવી બાયપાસ, ફાયપાસની જરૂરો જ ઊભી ન થઈ હોત. મારી આ વિચારસરણીને વધુ દૃઢ કરવામાં વારાણસીની મુલાકાતે ઘણો મોટો ભાગ ભજવ્યો.

ફરી જલદી પાછો આવું છું, બનારસ

વારાણસીમાં આજે અમારો છેલ્લો દિવસ છે. ગઈકાલે સવારે અમે કાશીના રાજાનો કિલ્લો જોવા રામનગર ગયા હતા. કાશીના રાજા કાશીમાં રાજમહેલ બનાવવાને બદલે સામા કાંઠે કિલ્લો બાંધીને શું કામ રહેતા હશે તેની એક વાયકા લખી હતી કે કાશીના સમ્રાટ શંકર કહેવાય એટલે કાશીનરેશ માનતા કે એક શહેરમાં બે રાજા ક્યાંથી રહી શકે એટલે કાશી છોડીને રામનગર રહેવા ગયા. 

લોકવાયકા તરીકે આ કથા ઠીક છે, પણ કોઈ રાજા પ્રજાનું રક્ષણ કરવા એમની વચ્ચે મહેલ કે કિલ્લો બાંધીને રહેવાને બદલે ગંગાપાર જઈને રહે એ જરા અજુગતું લાગે. ઈતિહાસમાં એનાં સાચાં કારણો કદાચ દટાઈ ગયાં હશે. કાશીનરેશ વિશે વર્ષો અગાઉ ટીવીના એક ફૂડ શૉમાંથી જાણેલું કે આ રાજાઓની પરંપરા એવી છે કે તેઓ કોઈના દેખતાં જમતા નથી. ભોજનખંડમાં પાટલો મૂકીને જમવા બેસે ત્યારે પીરસણિયાઓ નાનાં નાનાં પાત્રોમાં એમની થાળીની આસપાસ વધારાની તમામ વાનગીઓ ગોઠવીને બારણું ભીડી દે પછી રાજા એકલા જ ભોજન આરોગે. આસપાસ કોઈ ન હોય. વારાણસીથી 

રામનગરનું અંતર માત્ર ગંગાના પટ જેટલું જ છે અને પાંચ વર્ષથી બંધાઈ રહેલો નવો પુલ તૈયાર થઈ જશે એ પછી દસ-પંદર મિનિટમાં જ ત્યાં પહોંચી શકાશે. અત્યારે જરા લાંબું ચક્કર કાપવું પડે છે એટલે ટ્રાફિકને લીધે પોણોએક કલાક થઈ જાય. નવો પુલ જે બંધાઈ રહ્યો છે તેની બાજુમાં પૈદલ જવા માટે કે સાઈકલ અને ટુ વ્હીલરની અવરજવર માટેનો સાવ નીચો અને જૂનો પુલ છે પણ ફોર વ્હીલર માટે એ નથી. 

કાશીનરેશનો એક જમાનામાં આખા હિન્દુસ્તાનમાં ભારે દબદબો હતો. કાશી અતિ શ્રીમંત રાજ્ય હતું. વ્યાપારના ધામ તરીકે પણ કાશીની મોટી ખ્યાતિ હતી. રામનગરનો કિલ્લો જોતાં તમને અહીંની એક જમાનાની જાહોજલાલીનો અંદાજ આવે. વીસમી સદીના આરંભમાં બનેલી અનેક વિન્ટેજ ગાડીઓનું કલેકશન અહીંના મ્યુઝિયમમાં છે. સાથે જાતજાતની પાલખીઓ અને અંબાડીઓ પણ સચવાયેલી છે. સંગ્રહાલયનું સૌથી મહત્ત્વનું પાસું મને અહીંના શસ્ત્રાગારનું લાગ્યું. બેનાળી અને ચતુર્નાળી બંદૂકો, તમંચા, ઑટોમેટિક ગન્સ, રિવોલ્વર્સ, વિવિધ પ્રકારની તલવારો તથા ખંજરો. આ તો સોથી બસો વર્ષ પછી સચવાયેલાં પ્રતીક રૂપનાં શસ્ત્રો છે. એ જમાનામાં તો ઘણો મોટો ભંડાર હતો. આપણા રાજાઓ પાસે આટલાં શસ્ત્રો હોય એનો મતલબ હોવાનો કે સૈનિકો પણ રહેવાના. લશ્કર રાખવાનો મતલબ કે તેઓ આક્રમણખોરોનો સામનો પણ કરવાના. અમસ્તા જ આપણે આપણા જ પૂર્વજોને બદનામ કરતા રહીએ છીએ કે આપણે કોઈની સામે લડતા નહોતા, આપણે લડાખ નહોતા. 

બપોરે રામનગરથી પાછા આવીને લંચ માટે કાશી ચાટ જઈએ છીએ પણ હજુ દુકાન મંડાઈ રહી છે. અડધો કલાક લાગશે. અમે સામેની લાઈનમાં આવેલી દીના ચાટમાં ફરી એક વાર ટમાટર, ટિકિયા વગેરે માણીએ છીએ. 

રામનગર ગયાની આગલી સાંજે રામાનન્દજી સાથે મુલાકાત થઈ હતી. એમને અમારે આજે સાંજે મળવાનું હતું. દુર્ગા મંદિરની સાવ નજીકમાં જ પિલગ્રિમ્સ નામની એમની પુસ્તકોની દુકાન છે. દુકાન કહીએ તો આ સ્થળને અન્યાય થઈ જાય. મંદિર છે પુસ્તકોનું. આનાં કરતાં વિશાળ બુક શૉપ્સ તો યુરોપ-અમેરિકાના પ્રવાસીઓએ ઘણી જોઈ હશે, પણ આ પુસ્તક-મંદિરનું ઈન્ટિરિયર તમને જોતાવેંત ટ્રાન્સમાં લઈ જાય. નીચે અને ઉપર બે માળ. ઉપરના માળે જવા માટે બેઉ બાજુથી લાકડાના કઠેડાવાળા પગથિયાં. ઉપલા માળે ચડીને તમે નીચેની આખી દુકાન જોઈ શકો. ‘માય ફેર લેડી’માં પ્રોફેસર હિગિન્સના સ્ટડી રૂમનું વિશાળ વર્ઝન જોઈ લો. ઈન્ટિરિયર જેટલું જ મહત્ત્વ અહીં વેચાઈ રહેલાં પુસ્તકોનું ઈતિહાસ, સંસ્કૃતિ, ધર્મ, અધ્યાત્મ વગેરે વિષયોના પુસ્તકનું આટલું મોટું કલેકશન એકસાથે જુઓ તો તમે પાગલ થઈ જાઓ. રામાનન્દજીની કાઠમંડુમાં આના કરતાંય ઘણી મોટી બુક શૉપ હતી જે ત્રણચાર વર્ષ પહેલાં આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. સાથે દુર્લભ હસ્તપ્રતો, ચીજવસ્તુઓ તથા ચિત્રો વગેરેનું હ્યુજ કલેકશન પણ બળીને ખાખ થઈ ગયું. પાંચસો કરોડ રૂપિયા કરતાં વધુની મિલકતો નષ્ટ પામી. રામાનન્દજી કોઈ અફસોસ વિના, મસ્ત મૌલાની જેમ, તદ્દન નિર્લેપ ભાવે આ વાતો કરે છે. એ પોતે પ્રકાશક પણ છે. જે પ્રકારનાં પુસ્તકો નોર્મલ કમર્શિયલ પ્રકાશક ન છાપે તેને છાપે અને ખૂબ વેચે એવું નેટવર્ક છે એમનું. અમારી વાતો ખૂટતી નહોતી. રામાનન્દ તિવારી એમનું મૂળ નામ. પછી અટક છોડી દીધી. સાધુ નથી પણ વૃત્તિ સાધુની. પુસ્તકો છાપવાનો અને વેચવાનો બહોળો ધંધો કરે છે છતાં વેપારી નથી કે નથી વાણિયાવૃત્તિ. અને સાથોસાથ નથી એમનામાં લાખના બાર હજાર કરવાની વૃત્તિ. ધંધો છે તો એમાંથી કમાણી પણ થવી જોઈએ જેથી વધુ ને વધુ સારા કામ થઈ શકે. એમની દુકાનમાં ગ્રાહકોને ડિસ્કાઉન્ટ નથી મળતું, એમનાં પોતાનાં પ્રકાશનો પર પણ. મ્યુઝિકનું પણ સારું એવું કલેકશન છે એમની દુકાનમાં. એમનાં પત્ની પોતે અમારા માટે જલપાન લઈને આવે છે. (બાય ધ વે જલપાન એટલે માત્ર જળનું પાન નહીં. આપણે જેને ચાનાસ્તો કહીએ તેને ઉત્તરમાં બધે જલપાન કહે.) વાતો હજુ અધૂરી હતી અને અમારે જાલાનજી યોજિત સંગીત મહોત્સવમાં જવાનું હતું જ્યાં પોરબંદરના સાંદીપનિ આશ્રમથી પધારેલા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સાથે મુલાકાત થવાની હતી. રામાનન્દજીએ સવારે બ્રેકફાસ્ટ (બાલભોગ!) માટે આમંત્રણ આપ્યું. અમારે સારનાથ જવાનું હતું અને એ પહેલાં એક છેલ્લી વાર પ્રભાતે નૌકાયન કરવું હતું, પણ એમના આગ્રહને કારણે સમયમાં ફેરફારો કરીને હા પાડી. 

બીજે દિવસે સાડાપાંચ વાગ્યે ફરી એક વાર હલેસાંવાળી હોડીમાં નૌકાયન કરવા નીકળી પડ્યા. ફરી સુબહ-એ-બનારસનો નજારો. દશાશ્ર્વમેધ ઘાટ નજીક જઈને તમે નદીમાં ભુજિયા (સેવ) નાખો તો બહારગામથી આ ઋતુમાં અહીં આવેલાં સીગલ્સ એને ખાવા ટોળે વળે. સેવનો એક દાણો ન છોડે. સૂર્યના ઉદય સાથે પંખીઓને ચહકતા સાંભળવાની આ મઝા બે કલાક ચાલી. પાછા અસ્સી ઘાટ આવીને મલાઈ ટોસ્ટ અને ચા માટે ફરી એક વાર ચૌક ગયા. ત્યાંથી બ્રેકફાસ્ટ માટે રામાનન્દજીના ઘરે. દુકાનની ઉપર જ ત્રણ માળનું ઘર. ફરી ફરીને બધું બતાવ્યું. એમના અંગત ખંડમાં અનેક દુર્લભ હસ્તપ્રતો તથા વિવિધ રામાયણોનું કલેકશન છે. પાંચ-સાત વિવિધ પ્રકારના નવાં નવાં ફ્રૂટ્સના મોટા બૉલમાં મૂસળી તથા ડ્રાયફ્રૂટ્સ અને ઉપર દહીં. આટલો સમ્ચ્યુઅસ બાલભોગ ખાધા પછી બીજા એક મોટા બૉલમાં દલિયાની સાથે વિવિધ બોઈલ્ડ વેજિટેબલ્સ. સાંજ સુધી હવે ભૂખ લાગવાની નથી. ચાની સાથે લોકલ બેકરીના બ્રેડના લોફની સ્લાઈસ. આટલી વજનદાર કેવી રીતે? હોલ વ્હીટ અને મલ્ટિ ગ્રેઈન બ્રેડની એક જ જાડી સ્લાઈસ ટોસ્ટ કરીને ખાધા પછી થયું કે રામાનન્દજીએ લંચ કે ડિનર માટે ન બોલાવ્યા તે સારું થયું. અન્યથા સારનાથ તો શું મુંબઈ જવાનું માંડી વાળવું પડત. 

સારનાથના ભગવાન બુદ્ધે સૌથી પહેલું પ્રવચન આપ્યું હતું. ખૂબ વિશાળ સ્તૂપ એમની યાદગીરીમાં બંધાયેલો છે. બૌદ્ધ સાધુઓની પ્રાચીન વસાહતોના અવશેષો મળી આવ્યા છે. આપણી રાજમુદ્રા સમો અશોક સ્તંભ પણ અહીંથી મળી આવ્યો અને અશોકચક્ર પણ. આ બધું જ અહીંના ઍરકંડિશન્ડ મ્યુઝિયમમાં સરસ રીતે સચવાયેલું છે. 

ભગવાન બુદ્ધના તત્ત્વજ્ઞાનથી ખૂબ જ પ્રભાવિત છું, પણ બૌદ્ધ ધર્મની અસર હેઠળ સમ્રાટ અશોક જેવા ભારતના પ્રતાપી અને ચક્રવર્તી રાજાએ અહિંસાવ્રત લઈ લીધું એવા ઈતિહાસ પ્રકરણને હું ભારત માટે ગૌરવપ્રદ નથી ગણતો. અશોકના ચાર સિંહોવાળા અશોક સ્તંભને તથા અશોકચક્રને રાજચિહ્ન બનાવીને કે રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપીને પંડિત નહેરુની કૉન્ગ્રેસી સરકાર કયો સેક્યુલર ઉપદેશ આપવા માગતી હશે તે ભગવાન જાણે. આપણો રાષ્ટ્રધ્વજ તો વચ્ચેથી ત્રિકોણાકારે કપાયેલો ભગવો જ હોવો જોઈતો હતો અને એમાં નમાલા અશોકચક્રને બદલે ત્રિશૂળ કે સૂર્યના પ્રતીકને સ્થાન હોવું જોઈતું હતું. સારનાથની યાત્રા કરી તો મારા આ વિચારો વધારે સ્પષ્ટ થયા. 

સાંજે વારાણસીની વિદાય લેતાં પહેલાં જાલાનજીએ મલાઈની ગિલ્હૌરી નામની મીઠાઈ બંધાવી આપી, સાથે ઓરેન્જ (સંતરા)ની પણ મીઠાઈ હતી. આ ઉપરાંત ઘર માટે આલુના પાપડ અને મિર્ચીનું આચાર પણ હતું. મુંબઈથી આવ્યા ત્યારે સામાનનું જેટલું વજન હતું તેના કરતાં બમણું વજન લઈને પાછા જઈ રહ્યા છીએ. અને આમાં જો સ્મૃતિમાં સચવાયેલો ભંડાર ઉમેરો તો એક આખું કાર્ગો વિમાન ભરાય. ફરી જરૂર આવીશુ વારાણસીમાં. બહુ જલદી આવીશું.
--------------------------------------------------------------------------------------------------------------------------
આજનો વિચાર

અંતે તો જે યાદ રહેશે તે આપણા દુશ્મનોના શબ્દો નહીં હોય, 

પણ આપણા મિત્રોનું મૌન હશે.

- માર્ટિન લ્યુથર કિંગ, જુ.

એક મિનિટ!

રાહુલબાબાની એક વાત તો કહેવી પડે હોં.

આટઆટલાં રાજ્યોમાં ભાજપની સરકારો બનાવી આપી

પણ ઘમંડ બિલકુલ નહીં!
-------------------------------

આજનો વિચાર

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં

હું તને મળી શકું તારા જ શ્ર્વાસમાં



ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે?

સ્વપ્નમાં સાથે હશું કોઈ પ્રવાસમાં

- અંકિત ત્રિવેદી

---------------------------------

એક મિનિટ!

પત્ની: હું તમારી યાદમાં ૧૫ દિવસમાં અડધી થઈ ગઈ. ક્યારે લેવા આવો છો?

પતિ: ૧૫ દિવસ પછી...

---------------------------


આજનો વિચાર

લગ્ન પહેલાં દુનિયા ફરી લેવી જોઈએ.

લગ્ન પછી દુનિયા ફરી જાય છે.

-સ્વામી પરણેલાનંદ

(વૉટ્સઍપ પર વાંચેલું)

એક મિનિટ!

અતિશય ગરમીમાં 

શેરડીનો રસ 

લીંબું શરબત 

તરબૂચનો રસ 

કે ગમે તેટલાં કોક-પેપ્સી પીઓ 

પણ ઠંડક તો ત્યારે જ થાય 

જ્યારે ઘરવાળી પિયર હોય 

ને ફ્રિજમાં ચિલ્ડ બિયર હોય.

-----------------------------------
વે આ અફવા કોણ ફેલાવી રહ્યું છે કે હોળીના દિવસે દિલ્હીવાળાઓ પ્રહલાદને બદલે કેજરીવાલને બેસાડવાના છે. પ્રામાણિક હશે તો ઊની આંચ નહીં આવે. 

-વૉટ્સ એપ પર વાંચેલું

એક મિનિટ!

આજકાલ લોકોના ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં વાંચવા મળે છે: મમ્મી ન્યુ, પાપા ટુ, વાઈફ ઑલ્ડ, વાઈફ ટુ, સાસુ જિયો...
-------------------------------

આજનો વિચાર

આમ હરા હોતા હૈ લેકિન ઉસે એક દિન ભગવા હોના હી પડતા હૈ.

ઔર જો આમ ભગવા નહીં હોતા હમ ઉસકી ચટની બના દેતે હૈ.

- વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

એન.ડી.ટી.વી.: આપ કો કૈસે પતા થા કી વો એબીવીપી કે ગુંડે થે?

ગુરમહેર કૌર: વો ભારત માતા કી જય કે નારે લગાતે રહે થે...
-------------------------------------------------


આજનો વિચાર

ત્રાજવે મીનમેખ બહુ ભારે પડ્યો

જોખનારો, દેખ! બહુ ભારે પડ્યો



સંસ્કૃતિ પૂરેપૂરી પિંખાઈ ગઈ

ભવ્ય શિલાલેખ બહુ ભારે પડ્યો



કાવાદાવામાં ખૂંપાયું નહિ કદી

ઓલિયાને ભેખ બહુ ભારે પડ્યો

- શોભિત દેસાઈ

એક મિનિટ!

કૅશલેસ ઈકોનોમીની ગભરામણ:

લાગે છે કે

થોડા દિવસ પછી તમે

બૅન્કની આજુબાજુમાં પણ દેખાયા

તોય તમને પકડીને

દોઢસો રૂપિયા

વસૂલવામાં આવશે!




આજનો વિચાર

સુના હૈ લોગ ઉસે આંખ ભરકે દેખતે હૈં,

સો ઉસકે શહર મેં કુછ દિન ઠહર કે દેખતે હૈં.

- અહમદ ફરાઝ 
-----------------------------


આજનો વિચાર

મૈં તુઝ સે રોઝ મિલના ચાહતા હૂં

મગર ઈસ રાહ મેં ખતરા બહુત હૈ



ઉસે શોહરત ને તન્હા કર દિયા હૈ

સમંદર હૈ મગર પ્યાસા બહુત હૈ



મૈં એક લમ્હે મેં સદિયાં દેખતા હૂં

તુમ્હારે સાથ એક લમ્હા બહુત હૈ

- બશીર બદ્ર

એક મિનિટ!

જે લોકો હોળી પર પાણી બચાવવાનો મેસેજ મોકલે એમને કહેવું કે:

મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવાનું શરૂ કરશો તો કબ્રસ્તાન માટે વપરાતી વિશાળ જગ્યાઓની બચત થશે.
-----------------------------------------

આજનો વિચાર

એક દર્યા હૈ યહાં પર દૂર તક ફૈલા હુઆ,

આજ અપને બાજુઓં કો દેખ, પતવારેં ન દેખ.



રાખ કિતની રાખ હૈ, યારોં તરફ બિખરી હુઈ,

રાખ મેં ચિનગારિયાં હી દેખ, અંગારે ન દેખ.

એક મિનિટ!

ગુજરાતના ગધેડાઓ ભાગ્યશાળી છે કે જેમનો પ્રચાર સદીના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા થાય છે.

યુપીમાં બે ગધેડા એવા છે જેમના પ્રચાર માટે એમનાં સગાં માબાપ પણ નથી આવતા.

- વૉટ્સએપ પર વાંચેલું




આજનો વિચાર

તમામ ઉમ્ર મૈં ઈક અજનબી કે ઘર મેં રહા,

સફર ન કરતે હુએ ભી કિસી સફર મેં રહા.

હજારોં રત્ન થે ઉસ જૌહરી કી ઝોલી મેં

ઉસે કુછ ભી ન મિલા જો અગર-મગર મેં રહા.

- ગોપાલદાસ ‘નીરજ’