Friday, November 24, 2017

જેનાથી લોકો ત્રાસતા નથી અને જેને લોકોનો ભય નથી -- સૌરભ શાહ

વિચાર જ્યારે માત્ર વિચારની અવસ્થામાં જ રહી જાય છે ત્યારે બહુ જલદી એનું બાષ્પીભવન થઈ જાય છે. વ્યવહારમાં મુકાયા વિનાનો વિચાર, અમલમાં લાવ્યા વિનાનો વિચાર પાંગરી શકતો નથી. લખાતા, બોલાતા કે છપાતા શબ્દોનું મહત્ત્વ ત્યારે જ ગણાય જ્યારે એને વ્યવહારમાં ઉતારવાની કોશિશ થાય. કોશિશનો અર્થ જ એ કે એમાં નિષ્ફળ જવાની સંભાવના પણ રહેવાની. મહત્તા પ્રયત્નોની સફળતા કે એની નિષ્ફળતાની નથી, મહત્તા પ્રયત્નોની જેન્યુઈનનેસની છે. આ પ્રયત્નો પછી પરિણામ માટેની વિહ્વળતા રાખવાને બદલે ધીરજ અને આસ્થા કે શ્રદ્ધા કે વિશ્ર્વાસ કે ભરોસો રાખતાં આવડી જાય તો માણસે ક્યારેય ન તો પોતાની સમસ્યાઓના ઉકેલ માટે ધર્મગુરુઓ કે બાબાસાધુઓના શરણે જવું પડે, ન સાયકીએટ્રિસ્ટની ટ્રીટમેન્ટ લેવી પડે.

જીવન માટેની સમજ કેળવવી હોય તો સવાલ એ ઊઠે કે આવી સમજ ક્યાંથી મળે, કોણ આપે. પોતાના અનુભવોની એક સીમા હોય છે અને બીજાઓ પાસે મળતા વિચારોમાં એ વ્યક્તિની પોતાની મર્યાદાઓ પણ હોવાની જ.

તો પછી ક્યાં જવું? ગાંધીજીએ આ બાબતમાં ભગવદ્ ગીતાનો વિકલ્પ સ્વીકાર્યો હતો. ભારોભાર અધ્યાત્મિકતાની સાથે સો ટકાના વ્યવહારુપણાનું વિરલ કૉમ્બિનેશન ગાંધીજીમાં હતું. ૧૮૮૮ના કે ૧૮૮૯ના અરસામાં ગાંધીજી સૌપ્રથમ વાર ભગવદ્ગીતાના પરિચયમાં આવ્યા હતા. ટીન એજમાંથી માંડ બહાર આવ્યા હતા. તે જ વખતે તેઓ સમજી શક્યા હતા કે આ માત્ર ઐતિહાસિક ગ્રંથ નથી પણ તેમાં ભૌતિક યુદ્ધના વર્ણનને નિમિત્તે પ્રત્યેક મનુષ્યના હૃદયની અંદર નિરંતર ચાલતા દ્વંદ્વયુદ્ધનું જ વર્ણન છે; માનુષી યોદ્ધાઓની રચના હૃદયગત યુદ્ધને રસિક બનાવવા ઘડેલી કલ્પના છે. ગાંધીજીની આ પ્રાથમિક સ્ફુરણા, ધર્મનો અને ગીતાનો વિશેષ વિચાર કર્યાં પછી પાકી થઈ અને મહાભારત વાંચ્યા પછી આ વિચાર ઔર દૃઢ થયો.

મહાભારતને ગાંધીજી ઈતિહાસનો ગ્રંથ ગણતા નથી અને આદિ પર્વનો હવાલો આપીને તેઓ કહે છે કે તેમાં વર્ણવેલાં પાત્રો મૂળે ઐતિહાસિક ભલે હોય પણ મહાભારતમાં તો તેમનો ઉપયોગ વ્યાસ ભગવાને કેવળ ધર્મનું દર્શન કરાવવા જ કર્યો છે. વ્યાસ ભગવાને આદિ પર્વમાં પાત્રોની અ-માનુષી અને અતિ-માનુષી ઉત્પત્તિ વર્ણવીને રાજાપ્રજાના ઈતિહાસને ભૂંસી નાખ્યો છે.

ગાંધીજીની આ સમજે ગીતાના અભ્યાસનો અને એને વ્યવહારમાં મૂકવાના પ્રયત્નોનો વ્યાપ વધાર્યો. ભગવદ્ગીતાનું મહત્ત્વ શ્ર્લોકોની ગોખણપટ્ટી કરવા પૂરતું કે જીવનની સમસ્યાઓમાંથી છટકબારીઓ શોધવા પૂરતું નથી. એ સ્તરે ગીતા પાસે જનારાઓ એમાંથી કશું જ પામી શકતા નથી. એમના માટે ગીતા વેડફાઈ જાય છે. ગીતા વિશે વાંચીને, સાંભળીને, લખીને, બોલીને, સમજીને કે સમજાવીને માણસના રોજબરોજના વ્યવહારમાં કશો ફરક પડતો ન હોય તો સમજવાનું કે એના માટે ગીતાના ગ્રંથની ઉપયોગિતા એક જમાનામાં આવતી એવી સિનેમાનાં ગાયનોની ચોપડી જેટલી જ છે. ભક્તિ અને કર્મની વાતો માત્ર વિચારના જ સ્તરે રહે, માત્ર ક્ધસેપ્ટના લેવલે જ રમ્યા કરે તો એનો શું અર્થ?

ભક્તિની બાબતમાં પણ ફરી એક વાર સ્પષ્ટ થઈ જવું પડશે. લૌકિક કલ્પનામાં ‘ભકત એટલે વેવલો, માળા લઈને જપ જપનાર.’ ગાંધીજી કહે છે કે ગીતાની ભક્તિ તે વેવલાપણું નહીં, અંધશ્રદ્ધા નહીં. ગીતામાં સૂચવેલા ઉપચારને બાહ્ય ચેષ્ટા કે ક્રિયાની સાથે ઓછામાં ઓછો સંબંધ છે. માળા, તિલક, અર્ઘ્ય ઈત્યાદિ સાધનો ભક્ત ભલે વાપરે પણ તે ભક્તિનાં લક્ષણો નથી. ગાંધીજી આગળ કહે છે કે ભક્તનાં લક્ષણો કયાંં? જે કોઈનો દ્વેષ નથી કરતો, જે કરુણાનો ભંડાર છે, જે અહમ્-મમતાથી મુક્ત છે, જેને મન સુખદુખ ટાઢતકડો સરખાં છે, જે ક્ષમાશીલ છે, જે સદાય સંતોષી છે, જેના નિશ્ર્ચય કદી ફરતા નથી, જેણે મન અને બુદ્ધિ ઈશ્ર્વરને અર્પણ કર્યાં છે, જેનાથી લોકો ત્રાસતા નથી, જે લોકોનો ભય રાખતો નથી, જે હર્ષ-શોક-ભય વગેરેથી મુક્ત છે, જે પવિત્ર છે, જે કાર્યદક્ષ છે છતાં તટસ્થ છે, જે શુભાશુભનો ત્યાગ કરનારો છે, જે શત્રુમિત્ર પ્રત્યે સમભાવી છે, જેને માનઅપમાન સરખાં છે, જે સ્તુતિથી ફુલાતો નથી, નિંદાથી ગ્લાનિ પામતો નથી, જેને એકાન્ત પ્રિય છે, જે સ્થિરબુદ્ધિ છે તે ભક્ત છે.

ગીતાકારે ભક્તનાં લક્ષણ સ્થિતપ્રજ્ઞનાં જેવાં જ

વર્ણવ્યાં છે અને ગાંધીજી કહે છે એમ આ ભક્તિ પછી જે મળે છે તે મોક્ષ છે.

મોક્ષનો અર્થ બાબાગુરુઓ ગમે તે સમજાવે પણ જીવન પૂરું થઈ ગયા પછી મળનારી કોઈપણ ચીજમાં સમજુ પુરુષને રસ ન હોઈ શકે. એને તો જીવતે જીવ જે મળતું હોય તેને પામવામાં રસ હોય. ગાંધીજી કહે છે: ‘ગીતાનો મોક્ષ એટલે પરમ શાન્તિ.’ ગીતા દ્વારા તમને તમારી તમામ ચિંતાઓમાંથી પરમ શાન્તિ મળતી હોય, મુક્તિ મળતી હોય તો તે તમારા માટે મોક્ષ છે.

મોક્ષ અને પરમ શાન્તિને એકમેકના પર્યાય માની લીધા પછી ગીતાનો અભ્યાસ વધુ સરળ બની જવાનો. પરિણામની ઈચ્છા રાખ્યા વિના માત્ર પ્રયત્નો કરતાં રહેવાનું મનોબળ કેળવવાનું કામ પણ સરળ બની જવાનું.



કાગળ પરના દીવા........



ખુશીનો એક દરવાજો બંધ થઈ જાય છે ત્યારે કોઈક અન્ય દિશામાં બીજો દરવાજો ઉઘડતો જ હોય છે. પણ મોટે ભાગે બને છે એવું કે બંધ થઈ ગયેલા દ્વારને સૂની નજરે તાકી રહેવામાંથી જ આપણે ઊંચા આવતા નથી, જેને કારણે આપણા માટે ખોલી નાખવામાં આવેલાં બીજાં બારણાં નજરે ચડતાં નથી.

- હેલન કેલર

No comments:

Post a Comment