આપણામાં કહેવત છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ આપણામાં એવી કોઈ કહેવત નથી કે ‘પહેલું સુખ તે ચકાચક રસ્તા, સ્વેન્કી ટ્રકો અને વિશાળ ગોડાઉનો.’ ભારત નેક્સ્ટ દાયકાઓમાં એ બધું બનાવશે એ તો ઠીક છે પણ ભારતને ફરીથી સુપર પાવર બનાવશે ભારતીય ચિકિત્સા પદ્ધતિ. આયુર્વેદ વત્તા પ્રાણાયામ વત્તા યોગ જેમાં કુદરતી ઉપચાર પદ્ધતિ તેમ જ ઘરગથ્થુ કે દેશી વૈદુંનો પણ સમાવેશ થઈ ગયો.
દુનિયાને આજે કોઈ એક વાતની જરૂર હોય તો તે છે પ્રજાની જીવનશૈલીને અભડાવ્યા વિના પ્રજાને નીરોગી રાખી શકે અને દર્દમાંથી મુક્તિ અપાવી શકે એવી ઓછામાં ઓછા ખર્ચે મળતી ઉપચાર પદ્ધતિ. દુનિયાના અન્ય કોઈ દેશ પાસે આવા કૉમ્બિનેશનવાળી ઉપચાર પદ્ધતિ નથી. ક્યાંક યુનાની પદ્ધતિ છે, તો ક્યાંક એક્યુપંકચરની તો ક્યાંક અન્ય પ્રકારના ઘરગથ્થુ ઈલાજોની પદ્ધતિ છે. ‘ધ ફાસ્ટેસ્ટ ઈન્ડિયન’ નામની ઑસ્ટ્રેલિયન ફિલ્મમાં ઉંમરલાયક હીરો એન્થની હોપક્ધિસને પ્રોસ્ટેટનું દર્દ છે અને કોઈ દવા અકસીર જણાતી નથી ત્યારે અમેરિકામાં એને હાઈવે પર મળી ગયેલા એક રેડ ઈન્ડિયન મોટર મિકેનિકે બિલકુલ દેશી દ્રવ્યોનું ચૂરણ એને પીવડાવ્યું કે તરત એને ધોધમાર પેશાબ થઈ ગયો. સ્વામી આનંદે ‘કુળકથાઓ’માં ધનીમા વિશે લખતાં એક જિક્ર કરી છે કે ધનીમાએ કેસૂડાંનાં ફુલ બાફીને એનો લેપ દર્દીના પેટ પર કર્યો ત્યારે દર્દીએ ‘તગારું ભરીને પેશાબ કરીને’ દર્દમાંથી રાહત મેળવી. આવા વિવિધ નાનામોટા ઉપચાર તો દરેક સંસ્કૃતિમાંથી મળી આવે પણ યોગ-પ્રાણાયામ-આયુર્વેદવાળી સર્વગ્રાહી ઉપચાર પદ્ધતિ માત્ર ભારતની જ દેણ છે.
એલોપથીનો આરંભ તો માંડ બસો વર્ષ પહેલાં થયો. આની સામે આપણે ત્યાં અઢી હજાર વર્ષ અગાઉ ચરકસંહિતા અને સુશ્રુત સંહિતા લખાઈ જેમાં અનુભવ સંચિત જ્ઞાનને શબ્દસ્થ કરવામાં આવ્યું. આ અનુભવો તો એના કરતાંય જૂના, છેક વૈદિક કાળના. અલમોસ્ટ પાંચેક હજાર વર્ષ પુરાણા. યોગ અને પ્રાણાયામની પદ્ધતિઓ એથીય પ્રાચીન.
એલોપથીની શોધ થઈ તે પહેલાં ત્યાંના લોકો દર્દીઓની સારવાર સાવ જંગલી રીતે કરતાં. શરીરમાં ફરતું લોહી બગડ્યું છે એટલે આ રોગ થાય છે એવી વ્યાપક માન્યતા અને એનો ઈલાજ શું? શરીરનું વધું લોહી વહી જવા દો-કાપો મૂકીને. નવું લોહી શરીર બનાવશે. આમાંને આમાં દર્દીઓ મરી જતાં. મનોચિકિત્સા માગી લેતા દર્દીઓના તો એથીય ક્રૂર રીતે ઈલાજો થતા-ગળામાં પથ્થર બાંધીને પર્વત પરથી નીચે ફેંકવામાં આવતા. બસો વર્ષ પહેલાં એલોપથીનો આવિષ્કાર થયો તે મુખ્યત્વે યુદ્ધના મેદાનમાં ઘાયલ થતા સૈનિકોને જીવાડવા માટે. રણમોરચે કોઈ સૈનિક માંદો પડે કે ઘાયલ થઈને નકામો થઈ જાય તે પરવડે નહીં. એને કોઈ પણ ભોગે અને કોઈ પણ ખર્ચે સાજો કરીને તાત્કાલિક ફરીથી યુદ્ધ કરતો થઈ જાય એવો કરવો જ પડે અથવા તો કમસે કમ જીવતી હાલતમાં પોતાના ઘરે પહોંચી જાય એવો કરવો પડે. આવું કરવામાં એના શરીરને લાંબા ગાળાનું નુકસાન થાય તેની પરવા નહોતી. યુદ્ધનો સમયગાળો સચવાઈ જવો જોઈએ. પછી શરીરનું જે થવાનું હોય તે થાય. મોર્ફિન અને એની પછીનાં દર્દશામક એન્ટિબાયોટિક્સથી લઈને ટેમ્પરરી તાકાતવર્ધક સ્ટિરોઈડ્સ સુધીની અનેક ઉપચાર પદ્ધતિઓ એની આડઅસરોને અવગણ્યા વિના પ્રચલિત થતી ગઈ અને જોતજોતામાં પશ્ર્ચિમી પ્રજામાં એનો પ્રચાર કરીને ફાર્મા કંપનીઓ અબજો ડૉલરની કમાણી કરતી થઈ ગઈ.
આયુર્વેદનો આરંભ યુદ્ધકાળ દરમિયાન નહીં, પણ પ્રજાના શાંતિકાળ દરમિયાન, પ્રજા નિરામય જીવન જીવી શકે, તે માટે થયો. રોગથી બચવા માટે પ્રાણાયામ અને યોગનો આવિષ્કાર થયો જેમાં પ્રજાની સુખાકારીનો હેતુ કેન્દ્રમાં હતો. શરીર અને મન સાથેનો સંબંધ અને તેનું બૅલેન્સ જાળવવાનું કામ યોગ દ્વારા થયું. યોગનો મતલબ જ આ બેઉનું મિલન. પશ્ર્ચિમી દેશો સાયકોસોમેટિક રોગો વિશેની સમજણ હજુ હમણાં વિક્સાવી. વિખેરાયેલા મનની અસર શરીર પર પડતાં શરીરતંત્ર પણ ડિસ્ટર્બ થઈ જાય અને શરીર ખોટકાઈ જાય ત્યારે મન ડહોળાઈ જાય એવી વાત એમને આજકાલમાં જ ખબર પડી. આપણે ત્યાં તો છેક ‘ચરકસંહિતા’માં સાયકોસોમેટિક રોગના ઉલ્લેખો છે. બાપાલાલ ગ. વૈદ્યનું ખૂબ ઉપયોગી પુસ્તક દરેક ઘરમાં હોવું જોઈએ. ‘ઘરગથ્થુ વૈદક’ની પ્રથમ આવૃત્તિ ૧૯૩૩માં પ્રગટ થઈ હતી. અત્યારે નવી સંવર્ધિત આવૃત્તિ બજારમાં મળે છે. પ્રસ્તાવનામાં બાપાલાલ વૈદ્યે ઈ. પૂ. ૩૦૦ના અરસામાં રચાયેલા ‘ચરકસંહિતા’ ગ્રંથના બે શ્ર્લોક ટાંક્યા છે અને એનો ભાવાનુવાદ પણ આપ્યો છે:
‘જે માણસનો આહાર તેમ જ વિહાર હિત છે, જોઈ વિચારીને જે કામ કરનાર છે, વિષયોમાં જેની આસક્તિ નથી, જે દાતા છે, જિતેન્દ્રિય છે, સત્ય બોલનાર છે, ક્ષમાવાન છે, આપ્તોની સેવા કરનાર છે-એવા માણસને રોગો થતા નથી.’
અને તરત જ આ બીજો શ્ર્લોક:
‘જેનાં મતિ, વચન અને કર્મ સુખાનુબંધી છે, જેનું મન પોતાના કહ્યામાં છે અથવા વશમાં છે, જેની બુદ્ધિ વિશદ છે, જે જ્ઞાનયુક્ત છે, તપસ્વી છે અને યોગમાં જેની તત્પરતા છે-એવા માણસને રોગો થતા નથી.’
પશ્ર્ચિમી દુનિયાને એલોપથીના રવાડે ચડાવવામાં ચર્ચનો બહુ મોટો હાથ હતો. ચર્ચ એટલે ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડાઓનો સમુહ. આજની તારીખે પણ ચર્ચની ઘણી મોટી ઈન્ફલ્યુઅન્સ ફાર્મા કંપનીઓ પર તેમ જ વૈશ્ર્વિક આરોગ્ય સંસ્થાઓ પર છે. આ અસરો આડકતરી રીતે ઊભી કરવામાં આવતી હોય છે. પણ અસર છે એ વાત નિ:શંક. યોગ-આયુર્વેદની સારવાર પદ્ધતિ આજની તારીખે ભારતની મલ્ટિનેશનલ કંપનીઓને હંફાવી રહી છે. એ જ્યારે વૈશ્ર્વિકસ્તરે પહોંચશે ત્યારે ચર્ચ સાથે જબરજસ્ત ટક્કર થવાની છે. ભારતે આ ટક્કર ઝીલવા માટે તૈયાર રહેવું પડશે કારણ કે આપણે કંઈ આપણા એકલાના કલ્યાણ માટે કામ નથી કરતા. આપણો ઉદ્દેશ વસુધૈવ કુટુંબકમ છે. સમગ્ર વિશ્ર્વને એક કુટુંબ જેવું ગણતા આપણે ક્યારેય આપણી ઉપચાર પદ્ધતિને પેટન્ટ કરાવી નથી. આયુર્વેદની ઔષધિઓ પર કોઈનો હક્ક નથી, સમગ્ર વિશ્ર્વ એનો ઉપયોગ કરી શકે છે. એવું જ યોગ અને પ્રાણાયામનું. આપણા માટે આ કંઈ કમાણીનાં સાધનો નથી કલ્યાણનાં સાધનો છે. આપણે જ્ઞાનને વેચ્યું નથી, વહેંચ્યું છે. વેદ-ઉપનિષદ પર કોઈ કૉપીરાઈટ નથી. ન તો વેદ વ્યાસે કે ન તો વાલ્મીકિ, તુલસીદાસે ક્યારેય મહાભારત-ગીતા-રામાયણ પર તમારી પાસેથી રૉયલ્ટી માગી છે? પશ્ર્ચિમી વિજ્ઞાને હંમેશાં માગી છે. એટલું જ નહીં આપણે જેના ઉપયોગોને હજારો વર્ષથી પુરવાર કરતા આવ્યા છીએ તે હળદર, લીમડા ઈત્યાદિને પેટન્ટ કરવાનું શૂર એ લોકોને ચડ્યું હતું. ભારતના આ જ્ઞાન સાગરને દુનિયા સ્વીકૃતિ આપે કે ન આપે એ વિજ્ઞાનનો મહાસાગર બનીને આખી દુનિયા પર છવાઈ જવાનો જ છે.
હજારો વર્ષની અનુભવસિદ્ધ વાતોને પ્રયોગશાળામાં પુરવાર કરવાની જરૂર છે?
એક તો આ વિષય તદ્દન નવો છે, મારા માટે પણ નવો છે અને પહેલી નજરે જરા અઘરો લાગે એવો છે. હકીકતમાં એવો કંઈ અઘરો નથી. નવો છે એટલે જરા એવું લાગે. બાકી, ખૂબ મઝા આવે એવી વાતો છે. આ વિસ્તૃત વિષયના એક પછી એક મણકા પરોવતા જઈએ અને છેવટે એની માળા તૈયાર થઈ જાય એટલે બરાબર ખ્યાલ આવશે કે આ વિષયનો પટારો ખોલવાથી કેટલો મોટો ખજાનો હાંસિલ થયો છે.
ભારત પાસે જ્ઞાનનો ભંડાર છે, વિશાળ સાગર છે. આ જ્ઞાનને દુનિયા માન્યતા આપે એ માટે એણે વિજ્ઞાનની કસોટીમાંથી પાર ઊતરવું પડે.
એક દાખલો લઈએ. આયુર્વેદને લગતું જ્ઞાન હજારો વર્ષથી આપણા દેશમાં પ્રચલિત છે, પણ આ જ્ઞાનને પશ્ર્ચિમી વિજ્ઞાનશાસ્ત્ર તરીકે સ્વીકારવા તૈયાર નથી. તો શું કરવું? સ્વામી રામદેવ આ પડકાર ઝીલી લેવા તૈયાર છે. આયુર્વેદ, પ્રાણાયમ અને યોગ દ્વારા કમળો, ડેન્ગ્યુ, મલેરિયા, પ્લેટલેટ્સની કમી, હાય બ્લડપ્રેશર, ડાયાબીટિસ, સંધિવા, નેત્રરોગ, દંતરોગ, આંતરડાના રોગ ઈત્યાદિ દરેક રોગોનો ઉપચાર તેમ જ તેનું નિવારણ શક્ય છે. સ્વામી રામદેવના અનુભવ મુજબ એવા હજારો કિસ્સાઓ છે જેમાં આપણી આ મૌલિક ઉપચાર પદ્ધતિ કારગર પુરવાર થઈ છે, પણ પશ્ર્ચિમી દુનિયા એલોપથીની પાછળ પાગલ થયેલી છે. એલોપથીમાં તેઓને અંધશ્રદ્ધા છે. તેઓ કહે છે કે જ્યાં સુધી લેબોરેટરીનાં કડક પરીક્ષણોમાંથી તમારી ઉપચાર પદ્ધતિ પસાર ન થાય અને જ્યાં સુધી એનાં ચોક્કસ પરિણામો અમારા માપદંડો મુજબ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અમે કેવી રીતે માની શકીએ કે તમારી ઉપચાર પદ્ધતિ દ્વારા કમળો મટી શકે છે, કિડનીના રોગ મટી શકે છે કે પછી મોતિયો વગર ઑપરેશને ઊતરી શકે છે.
આવી વૈજ્ઞાનિક જીદની સામે તમે કહી શકો છો કે જે અનુભવસિદ્ધ છે તેને પ્રયોગશાળામાં સાબિત કરવાની કોઈ જરૂર નથી. હજારો વર્ષ દરમિયાન વિવિધ સ્થળ-કાળ-સંજોગોમાં જે ચીજ સતત ટ્રાયલ ઍન્ડ એરર દ્વારા પુરવાર થઈને લોકમાન્યતા મેળવી ચૂકી હોય એને લેબોરેટરી ટેસ્ટની શું જરૂર હોય. ઘા પર હળદર લગાડવાથી કે મોચ પર હળદર-ફટકડી-સરસવના તેલનો લેપ કરવાથી ઘા મટી જાય છે કે મચડાઈ ગયેલો પગ સાજો થઈ જાય છે એની અમને ખબર છે, અમે અનુભવ્યું છે. અમો અમારી દાદીમાએ આ જ્ઞાન વારસામાં આપ્યું હતું. ને એમને એમનાં દાદીએ, એમનાં દાદીને એમના પૂર્વજો તરફથી આ જ્ઞાન મળ્યું, જે ઉપચાર પદ્ધતિ સદીઓથી નહીં બલકે સહસ્ત્રાબ્દિઓથી સો ટકા પરિણામ આપતી આવી છે એને લૅબટેસ્ટની કોઈ જરૂર રહેતી નથી. હળદર, લીમડો કે એવી સેંકડો વનસ્પતિઓ પર આજે તમે લૅબટેસ્ટ કરીને જે પુરવાર કરી રહ્યા છો તે અમે પ્રયોગશાળામાં ગયા વિના પુરવાર કરી ચૂક્યા છીએ એવી આર્ગ્યુમેન્ટ આપણે કરી શકીએ.
પણ સ્વામી રામદેવ આ પડકાર ઉપાડી લેતાં કહે છે કે અમે એવી પ્રયોગશાળાઓ ઊભી કરીશું જેમાં આયુર્વેદની ઔષધિઓ, જડીબુટીઓને પાશ્ર્ચાત્ય માપદંડોના આધારે અકસીર પુરવાર કરીશું અને એમની જે જે પરીક્ષણ પદ્ધતિઓ હોય એના પેરામીટર્સ પ્રમાણે પ્રયોગો કરીને સ્ટાર્ન્ડડાઈઝ્ડ પરિણામો દુનિયા સમક્ષ મૂકીને એમની માન્યતા મેળવીશું જેથી પાશ્ર્ચાત્ય દેશોની પ્રજાને આયુર્વેદ પર ભરોસો બેસે અને તેઓ પણ આ ઉપચાર પદ્ધતિને અપનાવીને એલોપથીની દવાઓની ઝેરી આડઅસરોથી મુક્ત થઈ વધુ સ્વસ્થ જીવનશૈલી અપનાવતા થઈ જાય.
સ્વામી રામદેવે એક વખત કહ્યું હતું કે ધૃતકુમારી અને ગિલોય ઈત્યાદિથી લોહીમાં પ્લેટલેટ્સની કમીને નિવારી શકાય છે, પણ વેસ્ટર્ન વર્લ્ડ આ સ્વીકારવા જ તૈયાર નથી. એમના માટે તો પ્રયોગશાળામાં પહેલાં ઉંદર પર, પછી સસલાં પર, પછી વાંદરા પર અને પછી બ્લાઈન્ડ ટેસ્ટ દ્વારા મનુષ્યો પર અખતરાઓ થાય અને એમાં જો પાકેપાયે સિદ્ધ થાય તો જ એ ઉપચાર સાચો. રામદેવજી હસતાં હસતાં કહે: ‘અબ બાબ્બા કહાં ચુહે પકડને જાયેં, ખરગોશ ઔર બંદર પકડને જાયે!’ અને એ ઉંદર, સસલાં વગેરેને ક્ધટ્રોલ્ડ વાતાવરણમાં રાખવા માટે તેમ જ એમના પર અખતરાઓ કરવા માટે મોંઘા મોંઘા વૈજ્ઞાનિકો રાખવા પડે અને અતિ મોંઘા ઉપકરણો વસાવવા પડે અને ઓવર અ પીરિયડ ઑફ યર્સ આ બધાં પરીક્ષણોનાં સચોટ પરિણામો દુનિયા સમક્ષ મૂકી શકાય. સ્વામી રામદેવ આ ચેલેન્જ ઉપાડી લેવા તૈયાર છે અને પાંચ-દસ-પચાસ જેટલાં વર્ષ લાગે એટલાં વર્ષ રિસર્ચ પાછળ ઈન્વેસ્ટ કરીને પણ તેઓ પાશ્ર્ચાત્ય માપદંડો વડે આયુર્વેદની અક્સીરતા પુરવાર કરવા કટિબદ્ધ છે.
સ્વામી રામદેવની આ દીર્ઘદૃષ્ટિ તથા દૃઢતાને પ્રણામ, પરંતુ આ જ વાતને હવે બીજા છેડાથી જોઈએ.
આપણું જ્ઞાન આપણા સ્ટાન્ડર્ડથી હજારો વર્ષથી આપણે પુરવાર કરતાં આવ્યા છીએ, પણ આજે દુનિયા આપણને કહે છે કે ના, તમારા સ્ટાન્ડર્ડ્સ અમને મંજૂર નથી. અમે, મોડેથી ઊભા કરેલાં અમારાં સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે એને પુરવાર કરો. હકીકત એ છે કે એ લોકોના પોતાના સ્ટાન્ડર્ડ્સ હજુ લોચામાં છે. બેન ગોલ્ડએકરનું નામ ન સાંભળ્યું હોય તો યાદ રાખી લેજો. ૧૯૭૪માં જન્મેલા બેન ગોલ્ડએકરે દસ વર્ષ પહેલાં ‘બૅડ સાયન્સ’ નામનું પુસ્તક લખ્યું હતું અને પાંચ વર્ષ પહેલાં ‘બૅડ ફાર્મા’ નામનું પુસ્તક લખ્યું. આ બંને પુસ્તકોનાં નામ પણ યાદ કરી લેજો. આ બ્રિટિશ ફિઝિશ્યન તથા એકેડેમિક અને સાયન્સ રાઈટર ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલો છે અને ‘સેન્ટર ફૉર એવિડન્સ બૅઝ્ડ મેડિસિન’માં સિનિયર રિસર્ચ ફેલો છે. એણે ‘ઑલ ટ્રાયલ્સ’ અને ‘ઓપન ટ્રાયલ્સ’ નામના બે કૅમ્પેન ચલાવ્યા છે. આ ઝુંબેશોનો ઉદ્દેશ્ય છે: ‘ટુ રિક્વાયર ઓપન સાયન્સ પ્રેક્ટિસિસ ઈન મેડિકલ ટ્રાયલ્સ.’ એટલે કે મેડિસિનના ક્ષેત્રે દવાઓ અને સારવાર પદ્ધતિઓની બાબતમાં ક્લિનિકલ ટ્રાયલ (કે પ્રયોગશાળામાં થતા ટેસ્ટ્સ)ના નામે જે ધુપ્પલ ચાલે છે તે બંધ કરાવવું, ક્લિનિકલ ટ્રાયલને વધારે ટ્રાન્સપરન્ટ (ઑનેસ્ટ) બનાવવી. એની બૅડ સાયન્સ ડૉટ નેટ નામની વેબસાઈટને અનેક અવૉર્ડ્સ મળ્યા છે. આપણે ત્યાં ડૉ. મનુ કોઠારી વેસ્ટર્ન મેડિસિનના સ્ટાન્ડર્ડ્સને ખૂબ ચેલેન્જ કરતા રહ્યા. હવે ત્યાંના જ મનુ કોઠારીઓ ત્યાંના જ સ્ટાન્ડર્ડ્સને પડકારી રહ્યા છે. આપણા ડૉ. મનુ કોઠારી જમાના કરતાં કેટલા આગળ હતા તેનો આ પુરાવો છે. બ્લડ શ્યુગર, કોલેસ્ટરોલ, બ્લડપ્રેશર વગેરેના સ્ટાન્ડર્ડ પશ્ર્ચિમી દુનિયાએ ઊભાં કર્યાં તે આપણને લાગુ ન પડે. એમણે વિશ્ર્વવ્યાપી ફાર્મા કંપનીઓનો અબજો ડૉલરનો ધંધો વધારવા એમની જ સાઠગાંઠ હેઠળ થતી રિસર્ચ દ્વારા ખોટાં પેરામીટર્સ ઊભાં કર્યાં જેને આપણે ફૉલો કરી રહ્યા છીએ, અને હવે ખબર પડે છે કે બ્લડપ્રેશર ૧૨૦ને બદલે ૧૪૦ રહેતું હોય કે શુગર ૧૨૦ને બદલે ૧૫૦ આવે તોય તમે મોટા ભાગના કેસમાં બીપીના કે ડાયાબિટીસના રોગી નથી. આવું જ કોલેસ્ટરોલથી માંડીને બીજી અનેક બાબતોમાં. તો કરવું શું? ભારતના જ્ઞાનના ભંડારનું વિસ્તૃતિકરણ કરીને એના આધુનિક (એટલે કે પશ્ર્ચિમી) વિજ્ઞાનના એરણની કસોટીએ ખરું પુરવાર કરવા જહેમત કરવી? કે પછી આપણે આપણા માપદંડો સાથે આગળ વધીને એ માપદંડો દુનિયા માટે સ્વીકાર્ય બને એવી જહેમત કરવી? પેચીદો પ્રશ્ર્ન છે જેનો ઉકેલ આજે નહીં ને કાલે શોધવો તો પડશે જ. કાલે શોધીએ.
શ્યુગરના પ્રચાર માટે દેશી પદ્ધતિએ ઉપચાર કરનારાઓને મારી નાખવામાં આવતા
જેને કારણે ડાયાબિટીસનો રોગ જન્મે છે તે ખાંડને એલોપથીના પ્રસાર સાથે સીધો સંબંધ છે એ તમે જાણો છો? શરીરમાં સર્જાતી અનેક નાનીમોટી તેમ જ ભયંકરમાં ભયંકર બીમારીઓનું કારણ ડાયાબિટીસ છે, ખાંડ છે. આ ખાંડને કારણે આપણા દેશની તેમ જ સદીઓ પૂર્વેની વિદેશોની સ્થાનિક ઉપચાર પદ્ધતિને મરણતોલ ફટકો પડ્યો. કેવી રીતે જોઈએ.
માણસ જાતિના હજારો-લાખો વર્ષ જૂના ઈતિહાસમાં ક્યાંય ખાંડ નહોતી. શેરડી હતી, મધ હતું. પણ શેરડીના રસમાંથી તેમ જ અન્ય ફળોના રસમાંથી કૃત્રિમ રીતે, રસાયણો નાખીને બનાવવામાં આવતી શ્યુગર, શર્કરા કે સાકર-ખાંડ નહોતી.
પર્શિયાના સામ્રાજ્યે શેરડીના રસમાંથી ખાંડ બનાવવાની શોધ કરી. આ વાત સાતમી સદીની. આજથી ૧૪૦૦ વર્ષ પહેલાંની. ઈસ્લામના પ્રસાર સાથે ખાંડનો પ્રચાર થવા લાગ્યો. યુરોપીય શાસકોને ખબર પડવા માંડી કે ઈજિપ્તના દરબારમાં બેસતા યુરોપીય રાજદૂતોને ‘ખાંડની લત લગાડવામાં’ આવતી હતી અને એમને ‘મોંઘા મરીમસાલા તથા ખાંડ’ની લાંચ આપીને પોતાના તરફી કરી લેવામાં આવતા હતા. આવા અનેક રાજદૂતોને યુરોપીય શાસકોએ પાછા બોલાવી લેવાની નોબત આવતી.
ઈ. સ. ૧૨૦૦ના ગાળામાં ઈસ્લામ અને ખ્રિસ્તી શાસકો વચ્ચેની ગળાકાપ સ્પર્ધા પરાકાષ્ઠાએ પહોંચી. ઈ. સ. ૧૩૦૬ની સાલમાં વેટિકને ફરીથી ક્રૂસેડ (ધર્મયુદ્ધ) કરવાનું નક્કી કર્યું. ફ્રાન્સ, ઈન્ગલૅન્ડ અને સિસિલીના શાસકોને ચર્ચ તરફથી આ અંગેની અપીલો મળવા લાગી: ‘સુલતાનોના પ્રદેશમાં શ્યુગરનું ખૂબ ઉત્પાદન થાય છે અને એમાંથી એ લોકોને કરવેરારૂપે મોટી આવકો મળે છે. ખ્રિસ્તીઓ જો એ પ્રદેશો પર કબજો મેળવી લે તો સુલતાનોની આર્થિક તાકાત ઓછી કરીને ખ્રિસ્તીઓના તાબાના પ્રદેશોમાં પણ શ્યુગરનું ઉત્પાદન થઈ શકે.’
આમ શ્યુગર મેળવવા માટેનાં યુદ્ધો થયાં અને સુલતાનની પ્રજાઓને ગુલામ બનાવીને એમનો વેપાર શરૂ થયો જેથી તેઓ શેરડીના ખેતરોમાં મજૂરી કરી શકે.
૧૪૫૪ની સાલમાં વેટિકનના પોપે ગુલામ વેપારને આશીર્વાદ આપીને એને ઉત્તેજન આપ્યું જેથી સાકરનું ઉત્પાદન બેરોકટોક ચાલુ રહે. પોર્ટુગલ અને સ્પેન તે વખતે ખાંડ ઉત્પાદનનાં મહત્ત્વનાં મથકો બની ગયા હતાં. ૧૪૯૩માં ક્રિસ્ટોફર કોલમ્બસે વિશ્ર્વભ્રમણનો આરંભ કર્યો ત્યારે સ્પેનની રાણી ઈઝાબેલાના કહેવાથી એણે શેરડીના સાંઠાના ભારાઓને પોતાની સાથે લીધા હતા. કોલમ્બસે વેસ્ટ ઈન્ડિઝની પ્રજાને ગુલામ બનાવીને સ્પેનમાં વસાવવાનું સૂચન કર્યું હતું જેથી શેરડીનો પાક લેવા માટે પૂરતા મજૂરો મળી રહે. પણ રાણી ઈઝાબેલાએ આ સૂચન માન્ય નહોતું રાખ્યું. કોલમ્બસે ધરાર બે જહાજ ભરીને ગુલામો સ્પેન મોકલી આપ્યા પણ રાણીએ ગુલામોને પાછા મોકલી દીધા. રાણીના મૃત્યુ પછી રાજા ફર્ડિનાન્ડે સ્પેનની શ્યુગર ઈન્ડસ્ટ્રી માટે ગુલામોનો મોટો જથ્થો લાવવાની પરવાનગી આપી. આ થઈ ૧૫૧૦ની સાલની વાત. લગભગ પાંચસો વર્ષ પહેલાં.
આ ગાળામાં પોર્ટુગીઝો ગુલામ મજૂરોની મદદથી બ્રાઝિલમાં ખાંડ માટેની શેરડીનું ઉત્પાદન કરતાં થઈ ગયેલા. આ બાજુ ડચ (વલંદા) લોકો લિસ્બન, બ્રાઝિલ, સ્પેન વગેરેમાં ઊગતી શેરડીમાંથી એન્ટવર્પમાં ખાંડ બનાવતા થઈ ગયેલા. ૧૫૬૦ સુધીમાં સ્પેનના રાજા પાંચમા ચાર્લ્સે શ્યુગરના વેપારમાંથી મળતા કરવેરામાંથી માર્ડિડ અને ટોલેડોમાં આલીશાન મહેલો બનાવી લીધા હતા. ૧૫૮૮માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ-પહેલીના હુકમનામાથી પશ્ર્ચિમ આફ્રિકાના ગુલામ વેપાર પર બ્રિટિશ સામ્રાજ્યની ઈજારાશાહી સ્થપાઈ. પશ્ર્ચિમી જગતના રાજકીય ઈતિહાસમાં જો કોઈ એક ચીજ-ઉત્પાદને સૌથી મોટો ભાગ ભજવ્યો હોય તો તે શ્યુગરે. ૧૬૬૦ સુધીમાં શ્યુગરનો વેપાર એટલો બધો મહત્ત્વનો બની ગયો હતો કે બ્રિટિશ સામ્રાજ્ય આ માટે જંગે ચડવા તૈયાર હતું. ૧૮૬૦ના ગાળા સુધીમાં તો શ્યુગર શબ્દ અંગ્રેજી ભાષામાં સત્તાવાર રીતે મની (નાણું)ના પર્યાય તરીકે વપરાતો થઈ ગયો હતો.
વેક્યુમ, વરાળ અને આરકોલનો આવિષ્કાર ખાંડની ઉત્પાદન પ્રક્રિયામાં થયો નહોતો ત્યાં સુધી આજે બજારમાં મળે છે એવી રિફાઈન્ડ વ્હાઈટ કમર્શ્યલ શ્યુગર મળતી નહોતી. પરદેશમાં સ્થાનિક રીતે થતી રિફાઈનિંગ પ્રક્રિયાથી એકદમ રૉ, લાઈટ બ્રાઉન શ્યુગર બનતી. પ્રાણીઓનાં હાડકાં અને તોતિંગ રિફાઈનરીઓ આ પ્રક્રિયામાં ઉમેરાયા પછી પ્યોર વ્હાઈટ દાણેદાર ખાંડ બનવાની શરૂઆત થઈ.
એક તરફ પશ્ર્ચિમી શાસકોને શ્યુગરના વેપારમાંથી મળતા કરવેરાઓમાંથી જંગી કમાણી થવા માંડી તો બીજી તરફ શ્યુગરને કારણે શરીર પર થતી ગંભીર અસરો અને એમાંથી સર્જાતી બીમારીઓ વિશે ત્યાંના સ્થાનિક વૈદો જે ‘નેચરલ હીલર્સ’ કે અન્ય નામે ઓળખાતા તે, સજાગ થઈને પ્રજાને ચેતવણી આપવા માંડ્યા. શ્યુગરને કારણે થતી ભયંકર અસરોથી તેઓ વાકેફ હતા, પણ પશ્ર્ચિમી શાસકોએ શ્યુગરનો પ્રચાર ઔર વધાર્યો તે ત્યાં સુધી કે બિયર જે તે જમાનામાં એક આરોગ્યપ્રદ પીણું હતો, નવજાત શિશુને સ્તનપાન કરાવતી માતાઓ સવારે નાસ્તામાં એ બિયર પીતી તે બિયરને પ્રદૂષિત કરીને આજે બજારમાં મળે છે એવો રંગ, પરપોટા અને ફીણ થાય એવાં રસાયણો ઉમેરીને બિનઆરોગ્યપ્રદ બનાવી નાખવામાં આવ્યો. કેવી રીતે? એમાં ખાંડ ઉમેરીને, જેથી ખાંડનો વપરાશ સામાન્ય પ્રજામાં વધે. ખ્રિસ્તી શાસકોએ આ બિયરને બગાડ્યો તે પહેલાં બિયરમાં ખાંડ ઉમેરનારને અવળે ગધેડે બેસાડીને ગામમાં ફેરવવામાં આવતો-એ સંદેશો આપવા કે માણસનું શરીર અને એનું દિમાગ ખાંડને પચાવી શકે એમ નથી. એ જમાનાના લોકોને આની જાણ હતી.
૧૪મી સદીમાં શ્યુગર સામે લાલબત્તી ધરનારાઓ ચર્ચને આંખમાં કણાની જેમ ખૂંચતા થઈ ગયા હતા. ચર્ચે જોયું કે શ્યુગરની ભયંકર અસરો વિશે ચેતવણી આપનારા ‘નેચરલ હીલર્સ’ (સ્થાનિક ઉપચારોથી સાજા કરનારાઓ - જે આપણા દેશી વૈદરાજોની સમકક્ષ હતા)ને રોકવામાં નહીં આવે તો વેટિકનને ખ્રિસ્તી શાસકો તરફથી થતી કમાણી સાવ ઘટી જશે. ચર્ચે એક પછી એક હુકમો જારી કર્યા. આ પ્રકારની દેશી સારવાર પદ્ધતિ કરતી મહિલાઓને વિચ (ડાકણ) ગણવામાં આવી અને એમને વીણી વીણીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. વિચ હન્ટ શબ્દપ્રયોગ ત્યારથી પ્રચલિત થયો. એ પછી માત્ર ગ્રીક અને લેટિન ભાષામાં જ ઉપચાર પદ્ધતિઓની ટર્મિનોલોજી હોય એવો કાયદો આવ્યો. પેટના દુખાવાને સ્ટમકએકને બદલે ડાયસ્પેસિયા કહેવાથી દર્દી ઈમ્પ્રેસ થઈને તરત તાબામાં આવી જાય એવી આ ચાલનો શિકાર ક્રમશ: કરોડો લોકો બન્યા.
આ બધી વાતો વિલિયમ ડફ્ટીના જાણીતા પુસ્તક ‘શ્યુગર બ્લ્યુઝ’માં છે.
આપણા સદ્નસીબ કે ભારત તે વખતે ચર્ચની પહોંચ બહાર હતું. અન્યથા આપણે ત્યાં જો આવી વિચ હન્ટ થઈ હોત તો આજે જેમ આયુર્વેદમાંથી દંતચિકિત્સા તેમ જ શલ્ય ચિકિત્સા ભુલાઈ જવા આવી છે કે ભુલાઈ ગઈ છે એમ આયુર્વેદના સમગ્ર જ્ઞાનને કાળની ગર્તામાં ધકેલી દેવામાં આવ્યું હોત. અને ભારત આજે સંપૂર્ણપણે એલોપથીની ચપેટમાં આવી ગયું હોત. ચર્ચની પહોંચ તે વખતે આપણા સુધી નહોતી તે બદલ ભગવાનનો પાડ માનવો જોઈએ.
ખાંડ આપણા દેશ માટે અજાણી હતી. ચા પણ. મારા પપ્પા કહેતા કે ચાના પ્રચાર માટે લિપ્ટન કંપનીવાળા સ્ટેશનના પ્લેટફૉર્મ પર મફત પીવડાવતા. એ જમાનામાં, આઝાદી મળી એની આસપાસના ગાળામાં, ચા પીવી એ સામાજિક રીતે નીચાજોણું ગણાતી. પપ્પા કહેતા કે એ સ્કૂલમાં હતા ત્યારે ગામના છેવાડે આવેલી ચાની ટપરી પર જઈને દોસ્તારો સાથે ચૂપચાપ ચા પી આવતા અને કોઈ ગામવાળું જોઈ જાય તો ઘરે ફરિયાદ કરશે એવી બીક લાગતી. પચાસ-પંચોતેર વર્ષમાં જ ચા ભારતની પ્રજા માટે અનિવાર્ય બની ગઈ તે ત્યાં સુધી કે કોઈને ત્યાં જઈએ ને ચાનું ના પૂછે તો કહીએ કે એણે તો ચાનોય ભાવ ન પૂછ્યો. ચા પ્રજાના જનજીવનમાં એટલી ઘૂસી ગઈ કે આદરસત્કારનો પર્યાય બની ગઈ. આમાં કમાણી કોણે કરી? લિપ્ટન અને બ્રુક બૉન્ડ બનાવતી વિદેશી મલ્ટિનૅશનલ કંપનીઓએ. વાઘબકરી કે ગિરનાર-સોસાયટી જેવી ભારતીય કંપનીઓ તો મોડેથી આવી અથવા એમની સ્થાપના પછી એમનો વિકાસ ઘણો પાછળથી થયો. પશ્ર્ચિમી જગતે ભારતને લૂંટવામાં ચાનો ઉપયોગ કર્યો તે જ રીતે ચા પહેલાં ખાંડનો ઉપયોગ કર્યો.
આપણે જોઈ ગયા કે ખાંડ આપણા દેશ માટે અજાણી હતી. અંગ્રેજોએ મોરેશિયસમાં ગુલામો રાખીને મોટા પાયે શેરડીનું ઉત્પાદન શરૂ કર્યું અને ત્યાં બનતી ખાંડ ભારતમાં આવી ત્યારે આપણે એને મોરસના નામે ઓળખતા. ખાંડના આગમન પહેલાં મીઠાશ માટે ગોળ, મધ ઈત્યાદિ વપરાતાં. આરબ દેશોમાં ખજૂર કે એનો રસ કે એના રસમાંથી બનતા પદાર્થો ગળપણ માટે વપરાતા. (બીટમાંથી પણ શ્યુગર બને છે અને મકાઈમાંથી પણ બને છે જે ઈક્વલી હાનિકારક છે).
ખાંડનું પ્રચલન પરદેશમાં વધ્યું તે પછી ત્યાંના આરોગ્ય નિષ્ણાતોને ખાંડથી થતા રોગ ધ્યાનમાં આવ્યા જેનું નામ પાછળથી ડાયાબિટીસ પડ્યું. જ્યારે આપણે ત્યાં તો ખાંડના આગમન પહેલાં જ વધુ પડતું ગળ્યું ખાવાથી થતા મધુપ્રમેહ (મીઠી પેશાબ અર્થાત્ ડાયાબિટીસ)ના રોગની જાણકારી હતી એટલું જ નહીં એને લગતા ઈલાજો પણ આપણી પાસે હતા. આયુર્વેદમાં એક કરતાં વધુ ‘દવાઓના’ સેવનથી મધુપ્રમેહનો ઈલાજ થાય છે. ગિલોય દ્વારા પણ થાય, જાંબુના ઠળિયાના ભુક્કા દ્વારા થાય અને કારેલાં દ્વારા પણ થાય. યોગ-પ્રાણાયામમાં પણ એના ઈલાજો છે. પેન્ક્રિયાસ પર પ્રેશર આવે એવાં આસનોથી લઈને વિવિધ શ્ર્વસન પદ્ધતિઓથી ડાયાબિટીસના સરળ ઈલાજો થાય છે.
ખાંડના આવિષ્કાર પહેલાં પણ આપણને ખબર હતી કે અતિશય ગળપણનું સેવન શરીર માટે હાનિકારક છે અને એને લીધે મધુપ્રમેહ જેવા રોગ થાય છે. વધુ પડતું મધ કે વધુ પડતો શેરડીનો રસ ખાવા-પીવાથી કે ખોરાકમાં લેવાથી કે આ પ્રકારનું અન્ય કોઈ પણ ગળપણ વધુ પડતું લેવામાં આવે તો મધુપ્રમેહ થવાનો જ છે એવી જાણકારી હતી એટલે જ આ બધા ઉપચારો શોધાયા, પણ ખાંડના આગમન પછી ગળપણને થતાં છૂટાછવાયા રોગના કિસ્સાઓ રોગચાળામાં ફેલાઈ ગયા, એપિડેમિકમાં પલટાઈ ગયા. ઈતિહાસમાં આપણે પ્લેગ, ટાઈફોઈડ વગેરેના રોગચાળા ફેલાતા તે વાંચી ગયા છીએ, પણ આજે ખાંડને લીધે ફેલાયેલો ડાયાબિટીસ પણ રોગચાળો જ છે એવું કોઈ નથી કહેતું.
જન્મજાત, વંશાનુગત ખામીઓને લીધે સર્જાતો ડાયાબિટીસ જુદો છે અને તેનો ઈલાજ પણ આયુર્વેદમાં છે જેની માહિતી તમને સ્વામી રામદેવ પાસેથી ગૂગલ કે યુટ્યૂબ સર્ચ કરીને મળશે. ટાઈપ-વન તરીકે ક્લાસિફાય થયેલા આ ડાયાબિટીસ વિશે પણ આપણને ખબર હતી-પશ્ર્ચિમ કરતાં પહેલાં અને એટલે જ એનો ઈલાજ પણ આયુર્વેદ પાસે છે. આ ટાઈપ-વન ડાયાબિટીસ ભલે જિનેટિક ખામીઓને કારણે થતો હોય, પણ એના ઈલાજરૂપેય ખાંડ કે ગળ્યા પદાર્થો કે શર્કરા જેમાં હોય એવી વસ્તુઓ (ઠંડાં પીણાં, વ્હિસ્કી, બિયર ઈત્યાદિ)થી દર્દીએ સલામત અંતરે રહેવું જ પડે અને સાથોસાથ આયુર્વેદે સૂચવેલા ઉપાયો તેમ પ્રાણાયામ-આસનો નિયમિત કરવાં પડે.
ખાંડના આગમનથી બિચારા ગોળનું સ્ટેટસ સાવ ઘટી ગયું. ગઈ કાલનો મારો લેખ વાંચ્યા પછી એક વાચકે લખ્યું કે ઘણા વખતથી અમે ખાંડની હાનિકારકતા સમજીને અમારી ઑફિસમાં ગોળની ચા બનાવીએ છીએ અને કોઈનેય ખ્યાલ પણ નથી આવતો.
ગયા અઠવાડિયે મહુવામાં પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં યોજાયેલી ‘હરકિસન મહેતા વ્યાખ્યાનમાળા’ના પ્રવચન દરમિયાન આ વિષય પર વાત કરતાં મેં એક કિસ્સો કહ્યો હતો. મારા મોસાળમાં ખેતી હતી. ઉનાળાની રજાઓમાં ગયા હોઈએ ત્યારે બપોર પછી ખેતરમાં બે પ્રકારની ચા મોકલવામાં આવે. એક ખાંડમાં બનેલી ચા હોય જે નાના, મામા અને ખેતરના એક-બે ઈમ્પોર્ટન્ટ લોકો માટે હોય. બીજી ચા ગોળમાંથી બને જે તમામ મજૂરો માટે બને. ગોળવાળી ચાનો રંગ વધારે લાલ હોય એટલે મારો મોટોભાઈ એ જ ચા પીવાની જીદ કરે. મામીઓ કહે કે ભાણાભાઈ, આપણાથી આવી ચા ના પીવાય, પણ ભાઈ ધરાર ગોળવાળી જ ચા પીએ. હું તો તે વખતે ચા પીતો નહોતો, પણ આવા કિસ્સા બરાબર મનમાં જડાઈ ગયા છે કે સારા લોકો ગોળવાળી નહીં, ખાંડવાળી ચા પીએ અને મજૂરો જ ગોળવાળી ચા પીએ. મોટા થઈને સમજાયું કે ખાંડ તો ઝેર છે અને એની સામે ગોળ ભલે અમૃત ન હોય પણ ઘણો ઓછો હાનિકારક છે તેમ જ જો કેમિકલ વગરનો ગોળ પ્રમાણસર ખોરાકમાં લેવામાં આવે તો તો એ ઉપયોગી પણ છે.
ગળપણપુરાણ અહીં અટકાવીને આગળ વધીએ. ભારતના જ્ઞાનના સાગરને ઢાંકી દેવા કેવાં કેવાં કાવતરાંઓ થયા અને ભારતને વિજ્ઞાનનો મહાસાગર બનતો અટકાવવા હજુય કેવી રમતો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખેલાઈ રહી છે એની ઘણી બધી રસપ્રદ વાતોનો ખજાનો મેં શોધી કાઢ્યો છે જે તમારી સાથે વહેંચવા અત્યંત આતુર છું.
શૂન્યની શોધ અને જ્ઞાનની સમૃદ્ધિ
ભારત એક જમાનામાં જ્ઞાનની રાજધાની હતી, વિશ્ર્વ આખામાં વિદ્યા મેળવવાનું સૌથી મોટું કેન્દ્ર આપણો દેશ હતો. આવું કહીએ ત્યારે કેટલાક લોકો આપણને ઉતારી પાડતા હોય છે, પુરાવાઓ લાવો એવું કહેતા હોય છે અને છેવટે હિન્દુવાદી કહીને ઉતારી પાડતા હોય છે. ભલું થજો એમનું.
તક્ષશિલા અને નાલંદાના જ્ઞાનભંડારો એની સાબિતિ છે. લગભગ પંદરસો વર્ષ અને બે હજાર વર્ષ જૂના ઈસ્લામ તથા ખ્રિસ્તી ધર્મ પણ આપણા પાંચ હજાર વર્ષથી વધુ પુરાણા વેદ-ઉપનિષદ-ગીતા વગેરેની છાયાઓ એના પુરાવાઓ છે. આરોગ્ય અને ઉપચારોની બાબતમાં પણ આપણે કેટલા આગળ હતા તેનો પુરાવો પતંજલિ યોગસૂત્ર, ચરક સંહિતા તથા સુશ્રુત સંહિતા છે.
અને એ જમાનામાં આપણે અતિ શ્રીમંત રાષ્ટ્રની પ્રજા હતા, સુખી-સમૃદ્ધ હતા એનો પુરાવો છે - શૂન્યની શોધ. કેવી રીતે? વાત કરીએ પણ તે પહેલાં એક આ નાનકડી વાત.
ભારત ફરી એકવાર વિશ્ર્વ આખામાં જ્ઞાનના કેન્દ્ર તરીકે સ્થપાય એવી યોજના તૈયાર થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક મહિના પહેલાં પટણા યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં શું કહ્યું તે યાદ છે? એમણે કહ્યું હતું કે ભારતની તમામ યુનિવર્સિટીઓને અમે તક આપવા માગીએ છીએ કે તમે વિશ્ર્વની શ્રેષ્ઠ યુનિવર્સિટી બનવા માટે કમર કસો. સરકાર દેશની તમામ યુનિવર્સિટીમાંથી જે દસ સૌથી વધુ લાયક હશે, પ્રોમિસિંગ હશે તે દરેકને રૂપિયા દસ હજાર કરોડ આપીને એને વિશ્ર્વની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીની સમકક્ષ બનાવવામાં મદદરૂપ થશે. કુલ દસ ભારતીય યુનિવર્સિટીઓને દસ-દસ હજાર કરોડ રૂપિયા. વિચાર કરો. અમેરિકાની હાર્વર્ડ, પ્રિન્સ્ટન અને કૉર્નેલ વગેરે જેવી આઈવી લીગ યુનિવર્સિટીઓ કે ઈંગ્લૅન્ડની ઓક્સફર્ડ કે કૅમ્બ્રિજ જેવી કુલ દસ યુનિવર્સિટીઓ ભારતમાં હશે ત્યારે રિવર્સ બ્રેઈન ડ્રેઈન શરૂ થવાનું. વિશ્ર્વભરના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓ આ ભારતીય યુનિવર્સિટીઓમાં ભણવા માટે પડાપડી કરવાના. ભારતના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓએ પછી મોંઘી ફી ભરીને અને અન્ય તોતિંગ ખર્ચાઓ કરીને વિદેશ નહીં જવું પડે. ભારતમાં ફરી એકવાર નવા જમાનાની તક્ષશિલા-નાલંદા વિદ્યાપીઠો સ્થપાશે. ભારતના બૌદ્ધિક ધનનો પરિચય અને પરચો વિશ્ર્વ આખાને થશે જે શૂન્યની શોધ વખતે થયો હતો. શૂન્યની શોધ આરબોએ કરી હતી તે ભૂલભરેલો ઈતિહાસ છે. ભારતે વિશ્ર્વને શૂન્યની ભેટ આપી.
હવે એ વાત કરીએ.
સમાજ પર કે પ્રજાના જીવન પર કઈ કઈ વસ્તુઓ સીધી અસર કરતી હોય છે? મારે હિસાબે પાંચ:
૧. ખેતી, પશુપાલન અને અન્ય વનસ્પતિઓ જે પ્રજાને ખોરાક આપે, પોષણ આપે, શક્તિ આપે.
૨. ઘર અને ગ્રામ્યવ્યવસ્થા જે પ્રજાને સુરક્ષા આપે અને રોજિંદા જીવનને સરળ બનાવે. મોહેં-જો-દરો, લોથલ, ધોળાવીરા, રાણકી વાવ વગેરે અનેક ઉદાહરણો ટાંકી શકો.
૩. બીમારીથી બચવાનું અને બીમારીઓથી સાજા થવાનું જ્ઞાન. આયુર્વેદ વગેરે.
૪. સામાજિક રીતરસમો. લગ્નસંસ્થા તથા રામાયણ-મહાભારત જેવા ગ્રંથોમાંથી મળતું વ્યવહારું જ્ઞાન.
૫. વિજ્ઞાન. ઉપરની ચારેય બાબતો જ્યારે પૂરતા પ્રમાણમાં હોય ત્યારે વિજ્ઞાન લોકોપયોગી બને અન્યથા તે વિનાશકારી બને.
આટલું બેકગ્રાઉન્ડ સમજી લીધા પછી થોડી વ્યાપક દૃષ્ટિએ વિચારીએ. શૂન્ય વિશે સમાજ કે લોકો ક્યારે વિચારી શકે? ભૂખ્યો હોય ત્યારે? ના. મરવા પડ્યો હોય, જાનનું જોખમ હોય કે અસલામતીમાં જીવતો હોય ત્યારે ના. બીમાર હોય ત્યારે? ના. આક્રમણ સામે લડતો હોય ત્યારે? ના. પોતાની આસપાસના લોકો અબૂધ હોય ત્યારે? ના.
ભૂખ, જાનનું જોખમ, બીમારી, આક્રમણનો ભય અને આસપાસની દુનિયા વિશેનું અજ્ઞાન જ્યારે ન હોય ત્યારે માણસ શૂન્ય સુધી વિચારી શકે, જ્યારે એ બધી રીતે સુખી, સમૃદ્ધ, સુરક્ષિત અને સંતુષ્ટ હોય ત્યારે શૂન્ય પિક્ચરમાં આવે, કારણકે મૅથેમેટિક્સ કંઈ લાઈફની જરૂરિયાત નહોતી (આપણે હજારો વર્ષ પહેલાંની વાત કરીએ છીએ, આજના જમાનાની નહીં). પ્રાણીઓ, ઝાડપાન, ગ્રહો, તારાઓ, આખી દુનિયા અને આખું બ્રહ્માંડ મૅથ્સ વિના જ જીવે છે. ગણિત લાઈફની લક્ઝરી હતી. અને એટલે શૂન્યની શોધ આપણી જીવનપદ્ધતિના વૈભવનું પ્રૂફ છે. આપણે દુનિયાને શૂન્યની ભેટ આપી, કારણ કે વૈભવ તો ઓલરેડી આપી રહ્યા હતા. વૈભવ ઓવરફ્લો થઈ રહ્યો હતો. આપણો દેશ જ્ઞાનનો સાગર અને વિજ્ઞાનનો મહાસાગર હતો અને છે, અને આ શૂન્ય ગણિતમાંથી નથી આવ્યું. ગણિતશાસ્ત્રમાં તો પાછળથી ઍપ્લાય થયું હશે. ગણિત પહેલાં ભારતીય અધ્યાત્મમાં શૂન્યનો આવિષ્કાર થયો અને અધ્યાત્મમાંથી શૂન્યે ગણિતશાસ્ત્ર તરફ પ્રયાણ કર્યું. વિજ્ઞાન અને અધ્યાત્મને પશ્ર્ચિમી જગત આજે જોડે છે, આપણે હજારો વર્ષ પહેલાં એ બંને વચ્ચેનો સંબંધ જોડી શક્યા હતા. વિષ્ણુનાં એક હજાર નામમાંનું એક નામ છે - શૂન્ય. સંગીતમાં તાલના જે છ મુખ્ય અંગ છે તેમાંનું બીજું અંગ છે શૂન્ય જેને ખાલી પણ કહીએ. ફળ જ્યોતિષમાં સૂર્ય જે નક્ષત્રમાં હોય તેનાથી આઠમું નક્ષત્ર શૂન્ય ગણાય. એટલું જ નહીં આપણી સંસ્કૃતિમાં તો શૂન્યવાદને પણ સ્વીકારવામાં આવ્યો છે. શૂન્યવાદ એટલે જગતમાં ઈશ્ર્વર જેવું કંઈ છે જ નહીં એવો મત. અર્થાત્ નાસ્તિકવાદ. બીજી રીતે કહીએ તો દુનિયામાં કોઈપણ વાદ અસ્તિત્વ ધરાવતો નથી એવો મત એટલે શૂન્યવાદ.
ભારત દેશ જ્ઞાનનો સાગર અને વિજ્ઞાનનો મહાસાગર હતો અને પશ્ર્ચિમી વિજ્ઞાને ભારતના આ મહાસાગરને હડપ કરી લેવાની જે ચેષ્ટાઓ કરી તે કયા ગાળામાં થઈ? ગઈ સહસ્રાબ્દીની કેટલીક શતાબ્દીઓ દરમ્યાન. વીતેલા મિલિનિયમની કેટલીક સદીઓ દરમ્યાન આક્રમણખોરોને લીધે ભારતનું મહત્ત્વ ઝૂંટવાઈ ગયું, ઢંકાઈ ગયું, દટાઈ ગયું. એ હવે ફરી પાછું લાઈમલાઈટમાં આવી રહ્યું છે. વિદેશીઓએ જ્ઞાનને વિજ્ઞાન તરીકે સ્વીકારવા માટે જે જે પોતાના તરફી માપદંડો સ્થાપી દીધા તે પેરામીટર્સને હવે આપણે પડકારી રહ્યા છીએ. આ પડકારો આપનારાઓમાં આધુનિક જમાનામાં ડૉ. મનુ કોઠારી અગ્રણી હતા જેમના અવસાનના ૩ વર્ષ બાદ વિદેશી સંશોધકો ડૉ. કોઠારીના પડકારોને સાચા ઠેરવી રહ્યા છે
No comments:
Post a Comment