Wednesday, September 17, 2014

દેશી તેલીબિયાંનાં તેલ આરોગ્ય માટે શ્રેષ્ઠ -- સ્પોટ લાઈટ -- સંજય વોરા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=112531

પામ ઓઇલ, સૂર્યમુખીનું તેલ અને કપાસિયાનું તેલ બેડ કોલેસ્ટરોલ વધારીને આરોગ્યને હાનિ પહોંચાડે છે

ભારત દેશ ભૌગોલિક દૃષ્ટિએ વિશાળ છે અને તેની ખાણીપીણીની રીતભાતો પ્રાંતે પ્રાંતે બદલાય છે. આહારવિજ્ઞાનનો પાયાનો સિદ્ધાંત એ છે કે જે પ્રદેશમાં જે અનાજ, કઠોળ, તેલીબિયાં, શાકભાજી, ફળો અને મરીમસાલા પેદા થતાં હોય તેનો જ આહાર કરવો. આ સિદ્ધાંત મુજબ આપણે ત્યાં દક્ષિણ અને પૂર્વ ભારતના અધિકાંશ લોકો આહારમાં ચોખાનો વધુ ઉપયોગ કરતા હતા. તેવી જ રીતે ગુજરાતની પ્રજા જુવાર, બાજરો અને મકાઇ ખાતી હતી તો પંજાબના લોકો આહારમાં ઘઉંનો વધુ ઉપયોગ કરતા હતા. જે પ્રદેશમાં જે તેલીબિયાં પાકે તેના તેલનો જ રસોઇમાં વધુ ઉપયોગ કરવાથી લોકોનું આરોગ્ય સચવાઇ રહેતું હતું. દક્ષિણ ભારતની પ્રજા રસોઇમાં કોપરેલ તેલનો વપરાશ કરતી હતી તો ઉત્તરની પ્રજા રાયડાના તેલનો અને ગુજરાતની પ્રજા તલના તેલનો વધુ ઉપયોગ કરતી હતી. મગફળી પણ ભારતીય પાક નથી. ભારત માટે તો મગફળીનું તેલ પણ વિદેશી છે. તે ઉપરાંત આજે જે વિદેશી તેલોની મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે, તેઓ હકીકતમાં આપણા આરોગ્યને ગંભીર નુકસાન કરનારાં છે, એમ આહારશાસ્ત્રીઓ કહે છે. તેમના મતે આપણે સાજાનરવા રહેવું હોય તો દેશી ખાદ્ય તેલો જ વાપરવાં જોઈએ.

ભારતમાં ખાદ્ય તેલના ઉદ્યોગે ભારે કાઠું કાઢ્યું છે. અગાઉ જ્યારે ઓઇલ મિલો નહોતી ત્યારે ગામનો ઘાંચી જ ખાદ્ય તેલની જરૂરિયાત પૂરી પાડતો, જેને તેલીબિયાં પણ તેના ગ્રાહકો જ આપતા. ઘાંચીનું કામ તો આ તેલીબિયાંમાંથી તેલ પીલવાનું જ રહેતું હતું. આ સ્થાનિક ઉત્પાદનને કારણે તેલીબિયાં પણ સ્થાનિક જ રહેતાં અને લોકોનું આરોગ્ય બરાબર સચવાઈ રહેતું. આજે ઓઇલ મિલોને કારણે ખાદ્ય તેલના ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયું છે અને લોકો પરપ્રાંતમાં અને પરદેશમાં પેદા થતું ખાદ્ય તેલ પણ ખાવા લાગ્યા છે. તેમાં પણ વનસ્પતિ તેલોના ઉત્પાદકોે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે એવો પ્રચાર કરે છે કે વનસ્પતિ તેલોમાં ઓછું કોલેસ્ટરોલ હોય છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે, પરંતુ હવે વિજ્ઞાનીઓ એ બાબતમાં લગભગ સર્વાનુમત ધરાવતા થયા છે કે આ દાવાઓ અત્યંત ગેરમાર્ગે દોરનારા હતા. તેઓ કહે છે કે આહારમાં માત્ર આરોગ્યપ્રદ ખાદ્ય તેલો જ વાપરવાં જોઇએ અને દેશી તેલો સૌથી વધુ આરોગ્યપ્રદ હોય છે.

વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો કોઇ પણ ખાદ્ય તેલ ત્રણ પ્રકારનાં ફેટી એસિડ્સનાં બનેલાં હોય છે. એક, સેચ્યુરેટેડ (સંતૃપ્ત) ફેટી એસિડ્સ; બે, મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને ત્રણ, પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ. કેટલાંક તેલોમાં પામિટિક એસિડ નામનો પદાર્થ હોય છે, જેનાથી લો ડેન્સિટી લાઇપોપ્રોટીન્સ (એલડીએલ)નું પ્રમાણ વધે છે. આ એલડીએલ ખરાબ કોલેસ્ટરોલ ગણાય છે, જ્યારે ઓમેગા-૩ અને ઓમેગા-૬ નામનાં ફેટી એસિડ્સ શરીરની રોગપ્રતિકારકશક્તિ વધારે છે અને તેઓ હૃદય માટે ખૂબ લાભકારક હોય છે. વિજ્ઞાનીઓ આ પ્રકારનાં ફેટી એસિડ્સને ગુડ કોલેસ્ટરોલ તરીકે ઓળખે છે. ભારતમાં પરંપરાગત રીતે વપરાતા તલ, રાયડા અને કોપરાના તેલમાં આ ગુડ કોલેસ્ટરોલ મોટા પ્રમાણમાં હોય છે. આયાત કરવામાં આવેલા પામ ઓઇલમાં એલડીએલ તરીકે ઓળખાતું બેડ કોલેસ્ટરોલ મોટા પ્રમાણમાં હોય છે.

૧૯૮૦ના દાયકામાં આપણા દેશમાં એવો પ્રચાર થવા લાગ્યો કે જે તેલોમાં સંતૃપ્ત ફેટી એસિડ્સ વધુ પ્રમાણમાં હોય છે, તે હૃદય માટે જોખમી હોય છે, કારણ કે તેમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધુ હોય છે. આવાં ખાદ્ય તેલોમાં તલ, રાયડો, કોપરું વગેરેનાં તેલોનો સમાવેશ થતો હતો. તે સમયગાળામાં સંતૃપ્ત ફેટી એસિડ્સનું ઓછું પ્રમાણ ધરાવતા સૂર્યમુખી તેલ, સોયાબીન તેલ વગેરેનો પ્રચાર વધવા લાગ્યો. કોપરેલમાં સંતૃપ્ત ફેટી એસિડ્સના ૯૨ ટકા પ્રમાણ સામે સૂર્યમુખીના તેલમાં તેનું પ્રમાણ ૧૧ ટકા અને સોયાબીનના તેલમાં ૧૫ ટકા જેટલું ઓછું હતું. આ વિદેશી તેલોથી હૃદયરોગનો ખતરો ટળે છે, એવા પ્રચારને કારણે તેમના વપરાશમાં જબરદસ્ત ઉછાળો આવ્યો અને પરંપરાગત ખાદ્ય તેલોના વપરાશને જબરદસ્ત ફટકો પડ્યો. સૂર્યમુખી અને સોયાબીનનાં તેલોમાં સંતૃપ્ત ફેટી એસિડ્સ ભલે ઓછાં હોય, પણ તેમાં અસંતૃપ્ત ફેટી એસિડ્સ વધુ પ્રમાણમાં હતાં, એ હકીકતની કોઈએ નોંધ ન લીધી. સૂર્યમુખીના તેલમાં પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સનું પ્રમાણ ૬૯ ટકા જેટલું અને સોયાબીનના તેલમાં તે પ્રમાણ ૬૧ ટકા જેટલું હતું. અમેરિકન જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે સોયાબીન અને સૂર્યમુખીના તેલના વપરાશથી શરીર માટે ફાયદાકારક હાઇ ડેન્સિટી લાઇપોપ્રોટીન (એચડીએલ)ના પ્રમાણમાં ઘટાડો થાય છે. આ તેલોમાં જે પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ હોય છે તે ખૂબ જ સક્રિય હોવાથી શરીરનાં અંગોમાં ચરબીના સ્વરૂપમાં જમા થાય છે અને બ્લડપ્રેશર તેમ જ હૃદયરોગને ઉત્તેજન આપે છે. આ સંશોધન બહાર પડ્યું ત્યાં સુધી ભારત જેવા દેશોમાં કરોડો લોકો સૂર્યમુખીના તેલના રવાડે ચડી ગયા હતા અને તેને હૃદય માટે લાભકારક માનવા લાગ્યા હતા. આજે પણ સૂર્યમુખીના તેલના ઉત્પાદકો તેનો પ્રચાર હૃદય માટે ઉપયોગી ખાદ્ય તેલ તરીકે જ કરે છે અને તે વાત સાચી માનીને લોકો પોતાના હૃદયને ગંભીર નુકસાન પહોંચાડે છે.

અસંતૃપ્ત ફેટી એસિડયુક્ત તેલો સસ્તામાં મળતાં હોવાથી વેફર, ચિપ્સ, તૈયાર ફરસાણ વગેરેનું ઉત્પાદન કરતા ઉદ્યોગો ખાદ્ય પદાર્થોમાં તેનો વ્યાપક ઉપયોગ કરતા થયા છે. બજારમાં મળતી મોટા ભાગની તળેલી ચીજવસ્તુઓમાં આ પ્રકારનાં ખાદ્ય તેલોનો જ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પણ પ્રોસેસ્ડ ફૂડના ઉદ્યોગમાં તો આ પ્રકારનાં સસ્તાં આયાતી તેલો જ વધુ પ્રમાણમાં વપરાય છે. જોકે આ તેલો પ્રોસેસ્ડ ફૂડની બનાવટમાં ટેક્નિકલ રીતે અગવડયુક્ત હોવાથી તેને હાઇડ્રોજનેટેડ બનાવવામાં આવે છે. આમ કરવાથી તેમાં ટ્રાન્સ-ફેટી એસિડ્સ પેદા થાય છે, જે માનવ આરોગ્ય માટે અતિશય હાનિકારક છે. હાઇડ્રોજનેટેડ વનસ્પતિ તેલોને આપણે વેજિટેબલ ‘ઘી’ તરીકે પણ ઓળખીએ છીએ. તેમાં રહેલાં ટ્રાન્સ-ફેટી એસિડ્સ આપણા શરીરની રોગપ્રતિકારકશક્તિનો નાશ કરે છે. આ પદાર્થ આપણા શરીરમાં લો ડેન્સિટી લાઇપોપ્રોટીન (એલડીએલ)ના પ્રમાણમાં પણ વધારો કરે છે, જે આરોગ્ય માટે હાનિકારક છે.

તેલીબિયાંમાંથી કઇ રીતે તેલ કાઢવામાં આવે છે, તેના ઉપર પણ તેલની ગુણવત્તા અવલંબિત હોય છે. ઓઇલ મિલોમાં તેલ કાઢવા માટે હેક્સેન જેવાં કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ સસ્તી છે, તેનાથી તેલનું ઉત્પાદન વધે છે, તેલ વધુ દિવસો સુધી બગડતું નથી અને તેમાંથી બધા રંગ અને સ્વાદ પણ દૂર થઇ જાય છે. પરંતુ તેલમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થો દૂર કરવા માટે તેલને ઉકાળવામાં આવે છે, જે પ્રક્રિયામાં તેની અંદર રહેલા પૌષ્ટિક પદાર્થોનો પણ નાશ થઇ જાય છે. તેથી વિરુદ્ધ બળદઘાણી વડે જે તેલ પ્રાપ્ત કરવામાં આવ્યું હોય તેમાં અસલ સ્વાદ, સોડમ, રંગ અને પૌષ્ટિક પદાર્થો જળવાઇ રહે છે. આ કારણે જ આજે કેટલાક શ્રીમંતો ઊંચી કિંમત ચૂકવીને પણ બળદઘાણીનું તેલ ખરીદતા જોવા મળે છે.

એક બાજુ વિજ્ઞાનીઓ બિનપરંપરાગત ખાદ્ય તેલોના ગેરફાયદાઓ વિશે સંશોધન કરી રહ્યા છે તો બીજી તરફ આવાં તેલોના ઉત્પાદકોના ગેરમાર્ગે દોરનારા પ્રચારને કારણે આપણા દેશમાં વિદેશી સસ્તાં ખાદ્ય તેલોનું વેચાણ સતત વધી રહ્યું છે. ઈ. સ. ૧૯૭૫ની સાલ સુધી આપણા દેશના ખાદ્ય તેલના કુલ વપરાશમાં પામ ઓઇલ, સૂર્યમુખી તેલ અને સોયાબીન તેલનો ફાળો માત્ર ૪ ટકા જેટલો જ હતો; આજે આ પ્રમાણ વધીને ૬૦ ટકા ઉપર પહોંચી ગયું છે. ઈ. સ. ૧૯૮૮ અને ૧૯૯૪ વચ્ચે આપણા દેશમાં ત્રણ લાખ ટન પામ ઓઇલ અને સોયાબીન તેલની આયાત કરવામાં આવી હતી. ઈ. સ. ૧૯૯૮ અને ૨૦૦૨ વચ્ચે કુલ બાવન લાખ ટન સોયાબીન અને પામ તેલની આયાત કરવામાં આવી હતી. આજે આપણા દેશમાં ખાદ્ય તેલોનો જે કુલ વપરાશ થાય છે, તેમાં પામ ઓઇલનો ફાળો ૩૮ ટકા અને સોયાબીનના તેલનો ફાળો ૨૧ ટકા જેટલો છે. ભારતના લોકોમાં હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે, તેમાં બહુ મોટો ફાળો આ વિદેશી હાનિકારક તેલોનો હોવાનું જણાઇ રહ્યું છે. તેમ છતાં આજે પણ કેટલાક અજ્ઞાની ડોક્ટરો પોતાના દર્દીઓને હૃદયરોગથી બચવા માટે સૂર્યમુખીનું તેલ વાપરવાની સલાહ કેમ આપતા હશે?

આ બાજુ વૈજ્ઞાનિક સંશોધનો સ્પષ્ટ સૂચવે છે કે ભારતનાં પરંપરાગત ખાદ્ય તેલો આરોગ્ય માટે ખૂબ જ લાભકારક છે. ઈ. સ. ૧૯૯૫માં કેરળ યુનિવર્સિટીમાં કરવામાં આવેલું સંશોધન એમ કહે છે કે કોપરેલનો ઉપયોગ કરવાથી લોહીમાં હાઇ ડેન્સિટી લાઇપોપ્રોટીન (એચડીએલ)નું પ્રમાણ વધે છે, જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. રાયડાના તેલમાં ઓમેગા-૩ નામનો જે પદાર્થ હોય છે તે અમુક પ્રકારના હૃદયરોગમાં ખૂબ જ લાભકારક છે, તેમ અમેરિકામાં અને ભારતમાં થયેલું સંશોધન કહે છે. આ સંશોધન મુજબ રાયડાના તેલમાં ઓમેગા-૩નું પ્રમાણ ૧૨ ટકા જેટલું હોય છે. તેની સરખામણીએ સૂર્યમુખીના તેલમાં ઓમેગા-૩નું પ્રમાણ માત્ર ૦.૫ ટકા જેટલું જ હોય છે. આ સંશોધનનો હેવાલ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રગટ થયો હતો. તેને કારણે સૂર્યમુખીનું તેલ આરોગ્ય માટે લાભકારક છે, તેવા દાવાઓ પોકળ સાબિત થઇ જાય છે. આપણે જો આપણું આરોગ્ય ટકાવી રાખવું હશે તો પરંપરાગત ખાદ્ય તેલોના વપરાશ તરફ પાછું વળવું પડશે.

No comments:

Post a Comment