Tuesday, September 23, 2014

રેલવેની રામાયણ -- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=103199

આ ટાઈમટેબલ એટલે તમે જાણી શકો છો કઈ ટ્રેન કેટલી લેટ છે...’

મને પ્રવાસો કરવા ગમે છે. તેમાં પણ ટ્રેનનો પ્રવાસ હોય, બારી પાસે જગ્યા મળી હોય, સામે સફરમાં આનંદ આવે તેવા હમસફર હોય, એ હમસફર પાછા હમદર્દ હોય, અને પાસે ટિકિટ હોય તો યાત્રા યાદગાર બની જાય છે. ગતિ વિચારોને વેગ આપે છે. ટ્રેનમાં પ્રવાસ શરૂ થતાં જ હું બહાર દૃશ્યો જોવામાં મગ્ન થઈ જાઉં છું. એક જ લીલા રંગમાં કેટલી વિવિધતા જણાય છે. પહાડો, ઝરણાં, નદી, વૃક્ષો, વનરાઈઓ જોઈ મને એમ થાય છે કે ક્યારે હું જીવનની આ સુંદર ક્ષણોને ચિત્રોરૂપે અંકિત કરી દઉં?

વિમાનના પ્રવાસમાં પણ હું બારી પાસે બને ત્યાં સુધી સીટ મેળવવા પ્રયાસ કરું છું. ઉપરથી જ્યારે જ્યારે નીચે ધરતી દેખાય છે ત્યારે મને સાહિર લુધિયાનવીની પંક્તિઓ યાદ આવે છે:

કુદરતને તો બક્ષી થી કહીં એક હી ધરતી

હમને કહીં ભારત કહીં ઈરાન બનાયા

ઍરલાઈન્સના નક્શા પણ મને જોવા બહુ ગમે છે, કારણ કે તેમાં ધરતી, પહાડો, નદીઓ અને સમુદ્ર હોય છે. રાજકીય રેખાઓ નથી હોતી.

વિમાનમાંથી દેખાતું ધરતીનું સૌંદર્ય રમણીય જરૂર હોય છે, પણ ભયમિશ્રિત હોય છે, જ્યારે ટ્રેનમાં એ નિરાંત હોય છે. મારા મોટા ભાઈ છોટુભાઈ, સી. એસ. રાઠોડ રેલવેમાં ટીટીઈ હતા અને મારા બનેવી ખાનસાહેબ આઈ. જે. પઠાણ રેલવેમાં પીએસઆઈ હતા. આટલી ઓળખાણ રેલવેમાં મફત મુસાફરી કરવા માટે ત્યારે પૂરતી ગણાતી. આ સિવાય પણ નવલભાઈ ગાર્ડ, જોરુભા હવાલદાર જેવાં ઘણાં સ્વજનો પણ રેલવેમાં હતાં. એટલે જ મેં રેલવે સ્ટાફની મજાક કરેલ છે.

એક જૂનો પ્રસંગ હું આ રીતે વર્ણવતો. એક વાર સ્ટેશનમાં વેઈટિંગ રૂમમાં રેલવે સ્ટાફ એકત્રિત થયો. એસએમ, એએસએમ, ટીટી, ટીસી, બુકિંગ ક્લાર્ક, હવાલદાર અને મારફતિયા. એમાં હવાલદારે કહ્યું, ‘હાલોને આજ કંઈક જલસો કરીએ.’ સ્ટેશન માસ્તરે કહ્યું, ‘મને પણ એમ થાય છે. વલ્લભદાસને ત્યાંથી ગરમાગરમ ભજિયાં મગાવીએ અને બાબુભાઈને ત્યાંથી ચા મગાવીએ.’ ત્યાં ટીસીએ કહ્યું, ‘એના કરતાં પાર્સલરૂમમાં જુઓને, કંઈક મળી આવશે.’ તરત બે-ત્રણ જણે સંમતિ આપી. લાભુને પાર્સલરૂમમાં તપાસ કરવાનું જણાવવામાં આવ્યું. એક પાર્સલમાં મીઠાઈ હોવાના સમાચાર મળ્યા. સૌ આનંદથી ઝૂમી ઊઠ્યા. પાર્સલ વેઈટિંગ રૂમમાં લાવવામાં આવ્યું. ઉપરથી પટ્ટીઓ કાપવામાં આવી. સૌના આશ્ર્ચર્ય વચ્ચે વિવિધ પ્રકારની મીઠાઈનો વિપુલ જથ્થો નીકળી પડ્યો. પાર્સલમાંથી મીઠાઈ કાઢી જૂનાં છાપાં પર પાથરવામાં આવી. મોહનથાળ, બુંદીના લાડવા, મેસૂબ, બરફી, હલવો, ગુલાબજાંબુ, જલેબી, રસગુલ્લાં, અડદિયા અનેક પ્રકારની મીઠાઈ જોઈ સૌનાં હૈયાં હરખાઈ ઊઠ્યાં. બુકિંગ ક્લાર્કે કહ્યું, ‘મીઠાઈ આખી નથી.’ પણ ત્યાં ટીસીએ કીધું કે આપણા મજૂરો સ્ટેશને કેવા પાર્સલ પછાડે છે એ જોયું નથી? એમાં રહેતી હશે મીઠાઈ આખી? સૌને ટીસીની વાત વાજબી લાગી. ત્યાં તો કૂકડા ઉકરડો ફંફોળે તેમ સૌ મંડ્યા મીઠાઈ ગોતવા અને ખાવા. ઉપરથી એક એક લોટો પાણી પી ગયા. ત્યાં બાબુભાઈની હોટેલથી ચા આવી. છગને ચાના કપ ભર્યા. સૌ ચા પીતા હતા ત્યાં એક ઘટના એવી બની કે સૌનાં જીવતર ઝેર થઈ ગયાં. ગામના સફાઈ કામદાર સોમલાએ સ્ટેશનમાં મંગલ પ્રવેશ કર્યો અને વેઈટિંગરૂમમાં આવી જણાવ્યું. ‘મારો ભાઈ જીવલો મુંબઈ છે. એણે લગનગાળાનો વધ્યોઘટ્યો માલ પાર્સલમાં પૅક કરી અહીં રવાના કર્યો છે.’ આ પ્રકારનું લખાણવાળું પોસ્ટકાર્ડ સોમલાએ બતાવ્યું અને વિનંતી કરી કે જો આવી ગયું હોય તો આપી દ્યો. સોમલાની વાત સાંભળતા જ સૌના હાથ થંભી ગયા. સૌના ચહેરા પર ઘેરા વિષાદની છાયા પ્રસરી ગઈ. સૂધબૂધ ખોઈ સૌ અવાચક થઈ ગયા, પણ હવાલદારે પરિસ્થિતિ સંભાળી લીધી. તેમણે સોમલાને કહી દીધું, ‘જા કલાકેક પછી આવજે. અત્યારે કોઈ નવરું નથી તારું પાર્સલ ગોતવા.’ સોમલો ‘ભલે ભાઈશાબ’ કહી ચાલતો થયો. પછી સ્ટેશન માસ્તરે કહ્યું, ‘બરફી માથે દાળના ડાઘ હતા.’ બુકિંગ ક્લાર્કે કીધું, ‘હું તો કહેતો’ તો કે કોઈ મીઠાઈ આખી નથી.’ આ સાંભળી હવાલદાર ખિજાઈ ગયા. ‘આ બધું તમને અત્યારે યાદ આવે છે?’ ત્યાં એએસએમે કીધું, ‘હવે સો વાતની એક વાત. પ્રથમ તો સૌ પાંચ પાંચ રૂપિયા કાઢો અને આ પાર્સલમાં સમાય તેટલી મીઠાઈ ગામમાં જે મળે તે ખરીદીને પાછી પાર્સલમાં પૅક કરાવી દઈએ નહીંતર હમણાં સોમલો પાછો આવશે.’

સૌએ ગંભીર ચહેરે રકમ જમા કરાવી. નાણાભંડોળ એકત્રિત થયા પછી બે જણ બજારમાં મીઠાઈ ખરીદવા ગયા અને પાર્સલને પાછું હાથ કરવામાં આવ્યું. કોઈનું ધ્યાન ગયું અને જીવલાએ મુંબઈથી લખેલી યાદીમાં મીઠાઈઓનાં નામ હતા. એ પત્ર પાર્સલમાંથી મુદ્દામાલરૂપે મળી આવ્યો તેનો નાશ કરવામાં આવ્યો. ગામમાંથી ખરીદાયેલી મીઠાઈને પાર્સલમાં ગોઠવવામાં આવી. વધેલી જગ્યા વણેલા ગાંઠિયામાંથી ભરવામાં આવી. પાર્સલ પૅક થઈ ગયું. પટ્ટીને બદલે દોરથી બાંધવામાં આવ્યું અને પાછું પાર્સલ રૂમમાં પહોંચાડી આપવામાં આવ્યું. ત્યાં સોમલો ફરી આવ્યો અને બોલ્યો, ‘સાહેબ, મારું પાર્સલ લેવા આવ્યો છું.’ સ્ટેશન માસ્તરે લાભુને કહ્યું, ‘લાભુ, સોમલાનું પાર્સલ આવ્યું હોય તો ગોતીને આપી દે.’ જાતાં જાતાં સોમલો કહેતો ગયો, ‘સાહેબ, આજકાલ કોઈનો ભરોસો રાખવા જેવો નથી એટલે ઉતાવળ કરી છે.’

સોમલો પાર્સલ લઈને ગયો. વાસમાં સૌને જાણ કરી, ‘સૌ સૌની થાળીઓ લઈ લીંબડાના ઓટે પહોંચી જાવ.’ થોડીવારમાં સૌ આવી પહોંચ્યા. સોમલાએ મુંબઈથી જીવલાએ મોકલાવેલ મીઠાઈની વાત કરી. પાર્સલ ખોલ્યું અને સૌને ભાગે પડતી મીઠાઈ વહેંચી દીધી. કરસન બોલ્યો, ‘ઠેઠ મુંબઈથી મીઠાઈ આવી છે, પણ કેવી અકબંધ છે?’ રામજીએ કહ્યું, ‘ઈ રેલવેની એટલી સાચવણ સારી, નહીંતર આપણા સુધી પહોંચે ખરી?’

સૌએ મીઠાઈ ખાધી, જીવલાના વખાણ કર્યાં અને રાતના ભજનના કાર્યક્રમની તૈયારીમાં સૌ પડી ગયા.

ટ્રેન મોડી પડતાં ઉશ્કેરાયેલા એક પેસેન્જરે સ્ટેશન માસ્તરની ઓફિસમાં પ્રવેશી રેલવેનું ટાઈમટેબલ ટેબલ પર પછાડી પૂછ્યું, ‘આ બધી ટ્રેનો તો મોડી આવે છે. પછી આ ટાઈમટેબલનો અર્થ શો છે?’ અનુભવી સ્ટેશન માસ્તરે કહ્યું, ‘આ ટાઈમટેબલ છે એટલે તમે જાણી શકો છો કે કઈ ટ્રેન કેટલી લેટ છે. ટાઈમટેબલ ન હોય તો કેમ જાણ શકત?’

અમારા ગામના મોહનલાલ તરંગી હતા. તેમને ક્યારે શું ધૂન ચડે એ નક્કી નહીં. એક વાર હાથમાં થેલી લઈ મોહનલાલ રેલવેના પાટે પાટે રવાના થયા. રેલવે પોલીસ પરબતસિંહને શંકા થઈ. તેમણે મોહનલાલનો પીછો પકડ્યો. મોહનલાલને ઊભા રાખી પોલીસમૅને પૂછ્યું, ‘એય ક્યાં જવું છે?’ મોહનલાલે સીધો જવાબ આપ્યો. ‘આત્મહત્યા કરવા. બસ મારે નથી જીવવું.’ પરબતસિંહ કહે, ‘આત્મહત્યા કરવી છે? આત્મહત્યા કરવી એ ગુનોે છે એ તો ખબર છે ને? અને આ સાથે શું લીધું છે?’ મોહનલાલે ભોળાભાવે કહ્યું, ‘સાહેબ, અત્યારે ગાડીઓનો શો ભરોસો? એટલે મેં સાથે ભાતાનો ડબ્બો રાખ્યો છે. ટ્રેન મોડી હોય તો ખાઈ તો લેવાય!’ ત્યાં મોહનલાલને ગોતવા નીકળેલાં સ્વજનો આવી પહોંચ્યાં અને મોહનલાલને સમજાવી ઘેર લઈ ગયા.

અતિશય ઉતાવળ કરી સમયસર સ્ટેશન પર પહોંચીએ અને જાહેર કરવામાં આવે કે ટ્રેન બે કલાક લેટ છે ત્યારે મનમાં જે વ્યાકુળતા વ્યાપે છે તેને કઈ રીતે દૂર કરવી એ સમસ્યા થઈ પડે છે, પરંતુ મહાપ્રયાસે સમયસર સ્ટેશન પહોંચો અને આખી ટ્રેન જ કૅન્સલ થાય ત્યારે શું કરવું?

તા. ૧૧-૭-૦૬ની રાત્રે હું મારા મિત્ર પરેશ ઠક્કર સાથે સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો અને જાણ્યું કે અન્ય ટ્રેનો સાથે સૌરાષ્ટ્ર મેલ પણ કૅન્સલ થયો છે ત્યારે મારી સ્થિતિ કફોડી થઈ. ઝરમર વરસતા વરસાદમાં એક લકઝરીની ૧૨ તારીખની ટિકિટ લઈ અમે ઘેર ગયા. ટીવી ચાલુ કર્યું. મુંબઈ બૉમ્બબ્લાસ્ટનાં કરુણ દૃશ્યો જોયાં. સ્વજનોનાં આક્રંદ, આંસુ અને યાતના જોયાં. માનવસર્જિત હિંસાના હુતાશનમાં અણમોલ જિંદગીના અરમાનોને ખાક થતાં જોયાં. આંખમાંથી અશ્રુની ધારા વહી અને તરત જ હું મારી વ્યથા વીસરી ગયો. મને થયું, હું તો ૧૨ને બદલે ૧૩ જુલાઈના રોજ ઘેર પહોંચીશ, પરંતુ આ ૧૧ જુલાઈ, ૨૦૦૬ના અમંગળ મંગળવારે જે ઘેરથી નીકળ્યા અને સાંજે ઘેર પહોંચી જ નથી શક્યા, તેમના પરિવારનું શું?

આજ સુધી ઉત્સાહથી જીવન જીવતાં, ચેતનાથી ધબકતા, કુટુંબ સાથે કલ્લોલ કરતાં અનેક સ્વજનો સ્મૃતિની ફ્રેમમાં ફોટારૂપે અચાનક મઢાઈને સ્થિર થઈ ગયાં. ફોટા પર પહેરાવેલ હાર, પાસે પ્રગટાવેલા દીપકની જ્યોત, હૈયા જેમ સળગતી અગરબત્તીના અંતરમાંથી ઊઠતી ધૂમ્રસેરો, આપ્તજનોનાં આંસુ, આક્રંદ અને ઝરણાંની જેમ હંમેશ માટે વિદાય થયેલાં, વિખૂટાં પડેલાં સ્વજનોને અલવિદા.

No comments:

Post a Comment