Wednesday, September 17, 2014

ધૂમકેતુઓની રસપ્રદ દુનિયા -- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=111887




ધૂમકેતુમાંથી નીકળતા ઝેરી વાયુ ચિત્રવિચિત્ર રોગ ફેલાવી શકે છે, પણ આપણા પૂર્વજો માનતા એમ અપશુકનિયાળ કે લડાઈ કરાવનારા તો નથી જ 

 પ્રાચીન સમયમાં લોકોને ખબર ન હતી કે ધૂમકેતુઓ શું છે? ક્યાંથી આવે છે? અને શેના બનેલા છે? ત્યારે ન હતા ગતિના નિયમો કે ન હતા ગુરુત્વાકર્ષણના નિયમો. ન હતા ખગોળવિજ્ઞાનના નિયમો કે ન હતા ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્રના નિયમો. લોકોને પદાર્થના બંધારણની પણ ખબર ન હતી. ત્યારે લોકોને પંચમહાભૂતોની જ ખબર હતી. તે હવા, પાણી, પૃથ્વી, અગ્નિ અને આકાશ હતાં. ત્યારે ન હતાં દૂરબીનો કે દૂરથી આવતા ધૂમકેતુઓને તે લોકો મહિનાઓ કે વર્ષો પહેલાં જોઈ શકે. 

પુરાતન માનવીઓ માટે ધૂમકેતુ અચાનક આકાશમાં ફૂટી નીકળતા આકાશીપિંડો હતા. ધૂમકેતુઓ પણ કેવા છે. લાંબી લાંબી પૂંછડી કાઢે. બે-ત્રણ પૂંછડીઓ પણ કાઢે. અને આકાશના ગમે તે ભાગમાં દેખાય. વળી પાછા તે અનિયમિત ચાલે. કેટલાક ઊંધી દિશામાં ચાલે. લગભગ સવાર-સાંજ દેખાય. લોકો ધૂમકેતુઓથી ડરતા. જ્યારે આકાશમાં ધૂમકેતુ દેખાતો ત્યારે પૃથ્વી પર કાંઈ પણ ખરાબ બનાવ બને તે બધા માટે દોષનો ટોપલો ધૂમકેતુ પર ઓઢાડી દેવામાં આવતો. ત્યાં સુધી કે ઘરમાં બિલાડી મરી જાય તો પણ તેના માટે જવાબદાર ધૂમકેતુ રહેતો. ધૂમકેતુ આવે તે પહેલાં રાજાનું મૃત્યુ થાય તો તે ધૂમકેતુ રાજાનો મૃતાત્મા મનાતો. ધૂમકેતુ આવ્યો હોય અને રાજા મૃત્યુ પામે, લડાઈ થાય કે રોગચાળો ફાટી નીકળે તો તેના માટે જવાબદાર ધૂમકેતુ ગણાતો. આ પાછળનું મુખ્ય કારણ લોકોનું ધૂમકેતુઓ વિષેનું અજ્ઞાન હતું.

એરિસ્ટોટલ જેવા ગ્રીક વિદ્વાનો માનતા કે ધૂમકેતુઓ ગ્રહો જેવા દૈવી આકાશીપિંડો નથી, પણ પૃથ્વીના વાયુમંડળમાં ઉત્પન્ન થતા અગ્નિગોળા છે, અને તે હવામાનમાં ચાલતી ક્રિયા-પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે.

આપણા ઋષિ-મુનિઓએ ધૂમકેતુઓની આકાશમાં જગ્યાઓ, તેમનાં રંગરૂપ, આકારો, છટાની નોંધો કરી હતી. તેમના ગર્ગ, પરાશર, નારદ જેવા નામો આપી કેટલૉગ બનાવ્યું હતું. પાંચમી-છઠ્ઠી સદીમાં થઈ ગયેલા ખગોળવેત્તા વરાહમિહિર દ્વારા સંપાદિત બૃહત્સંહિતા ગ્રંથમાં 

આપણા પૂર્વજોએ નીરખેલા એક હજારથી પણ વધારે ધૂમકેતુઓ પર વિવરણ વાંચવા 

મળે છે. 

સોળમી સદીમાં થઈ ગયેલા, મહાન ખગોળનિરીક્ષક ટાયકો બ્રાહેએ ધૂમકેતુઓના વેધ લઈને દર્શાવ્યું કે ધૂમકેતુઓ જેમ એરિસ્ટોટલ માનતો હતો તે પ્રમાણે પૃથ્વીના વાયુમંડળમાં ઉત્પન્ન થતા પદાર્થો નથી, પણ ચંદ્રથી પણ દૂર વિચરતા નાના આકાશીપિંડો છે. આ શોધે ધૂમકેતુઓને સમજવામાં એક નવો યુગ શરૂ કર્યો. આ સમય સુધીમાં ખગોળવિજ્ઞાનીઓને માલૂમ પડી ગયું હતું કે મહાસાગરમાં જેટલા પ્રચુર પ્રમાણમાં માછલીઓ હોય છે. તેટલા જ પ્રચૂર પ્રમાણમાં અંતરીક્ષરૂપી મહાસાગરમાં ધૂમકેતુઓ છે, અને તેમની પૂંછડી સૂર્યની વિરુદ્ધ દિશામાં રહે છે. તે બહુ પાંખા પદાર્થ અને વાયુની બનેલી હોય છે. એ જ અરસામાં કેપ્લરે ગ્રહગતિના નિયમો શોધ્યા અને ન્યુટને પછી ગતિના અને ગુરુત્વાકર્ષણના નિયમો શોધ્યા. એડમન્ડ હેલીએ ન્યુટનના નિયમો લાગુ પાડી ધૂમકેતુઓનો અભ્યાસ કર્યો અને દર્શાવ્યું કે ૧૬૮૨માં દેખાયેલો ધૂમકેતુ દર ૭૬ વર્ષે આવે છે અને હવે પછી તે ૧૭૫૮ના નાતાલના દિવસોમાં ફરી પાછો આવશે. તે ખરેખર ૧૭૫૮ના નાતાલના દિવસોમાં આવ્યો. તેથી હેલીના માનમાં તે ધૂમકેતુનું નામ હેલી રાખવામાં આવ્યું. આ શોધે ધૂમકેતુઓને સમજવામાં આધુનિક યુગનો પ્રારંભ કર્યો. આ શોધે દર્શાવ્યું કે ધૂમકેતુઓ ગ્રહોની માફક સૂર્યમાળાના સભ્યો છે. 

તેમ છતાં આપણને ખબર ન હતી કે ધૂમકેતુઓ શું છે? શેના બનેલા છે અને ક્યાંથી આવે છે. ૧૯પ૦ની સાલ ધૂમકેતુઓને સમજવામાં અગત્યની પુરવાર થઈ. એ સાલમાં જાન હેન્ડ્રિક ઉર્ટે ૧૯ લાંબા સમયચક્રવાળા ધૂમકેતુઓનો અભ્યાસ કરી બતાવ્યું કે એ લાંબા સમયચક્રવાળા ધૂમકેતુઓ દૂર, અતિ દૂરથી આવે છે. ત્યાં સૂર્યમાળાની ફરતે ધૂમકેતુઓની વસાહત હોવી જોઈએ. ધૂમકેતુઓની એ વસાહતને ઉર્ટના માનમાં ઉર્ટનું ધૂમકેતુઓનું વાદળ કહે છે. તેમ છતાં એ પ્રશ્ર્ન હતો કે એ ઉર્ટનું ધૂમકેતુઓનું વાદળ ત્યાં કેવી રીતે આવ્યું? તેની સમજ આ લેખના લેખકે સૂર્યમાળાના જન્મની થિયરી આપીને આપી છે. ગુરુત્વાકર્ષણથી સંકોચાતા અને ગોળ ગોળ ઘૂમતા વિશાળ, અતિવિશાળ દડાકાર વાયુ અને ધુલીકણોના વાદળ જેને આપણે સૌરવાદળ કહીએ છીએ તેમાંથી સૂર્યમાળા એક પછી એક પદાર્થનાં વલયો છૂટા થવાથી જન્મી છે. સૌથી બહારનું વિશાળ પદાર્થ અને વાયુનું વલય તે જ ઉર્ટનું ધૂમકેતુનું વાદળ. ઉર્ટનું ધૂમકેતુનંું વાદળ બાવીસ અબજ કિલોમીટરથી લઈને ૧૫૦૦૦ અબજ કિલોમીટર સુધી પથરાયેલું છે. તેમાં એક હજાર નાના-મોટા ધૂમકેતુઓ છે. સૂર્યમાળા તો વિશાળ ધૂમકેતુઓથી ભરેલા ગોળાનો નાનો સરખો કેન્દ્રનો ભાગ છે. સૂર્યમાળા તો ગાડાના પૈડાનું કે જબ્બર જાયન્ટ વ્હીલનું હબ હોય તેટલા જ ભાગમાં આવેલી છે. ૧૯પ૦ની સાલમાં કોસ્મોકેમિસ્ટ ફ્રેડ વ્હિપલે દર્શાવ્યું કે ધૂમકેતુઓ તો ગંદા બરફના ગોળા છે. 

થોડા દાયકા પહેલાં માત્ર પ૦૦ કે ૧૦૦૦ ધૂમકેતુઓનું વિજ્ઞાનીઓ પાસે લિસ્ટ હતું. હવે ર૦૦૦ ધૂમકેતુઓનું લિસ્ટ છે. વિજ્ઞાનીઓ માને છે કે સૂર્યમાળામાં હજારો, લાખો ધૂમકેતુઓ અને લઘુગ્રહો છે. સૂર્યમાળા ધૂમકેતુઓ અને લઘુગ્રહોનો સાગર છે.

સૂર્યમાળાની ફરતે ધૂમકેતુઓનું વિશાળ વાદળ છે તેમ દરેકેદરેક ઉપગ્રહમાળાની ફરતે પણ ધૂમકેતુઓનાં વાદળ છે, અથવા હતાં. બધા ગ્રહોની ફરતેનાં ઉર્ટના ધૂમકેતુઓનાં વાદળોએ ટૂંકા પરિક્રમા સમયવાળા ધૂમકેતુઓને જન્મ આપ્યો છે. તેમાં હૅલી, એન્કે વગેરે ધૂમકેતુઓ છે. હૅઈલ-બૉપ્પ ધૂમકેતુનો સૂર્ય-પરિક્રમા સમય ર૧૦૦ વર્ષનો છે. તે સૂર્યમાળા ફરતેના ઉર્ટના ધૂમકેતુઓનાં વાદળની અંદરની કિનારીએથી આવતો ધૂમકેતુ છે. તે ત્યાંથી ખરી પડીને સૌપ્રથમ વાર સૂર્યમાળામાં પ્રવેશ્યો છે. આમે તે તદ્દન યુવાન ધૂમકેતુ છે અને પદાર્થ, વાયુઓ અને ધૂલીકણોથી ફાટ ફાટ થાય છે. માટે જ તે ગુરુ અને શનિ વચ્ચેનાં દૂરના અંતરીક્ષમાં હતો ત્યારે શોધાયો હતો. 

ધૂમકેતુઓ જો મોટા અને પ્રકાશિત ન હોય તો તેઓ ગુરુની પેલે પારના અંતરેથી દેખાતા નથી. તે સૂર્યથી એક અબજ કિલોમીટરના અંતરે હતો ત્યારે શોધાયો હતો. તેનું કદ લગભગ ૪૦ કિલોમીટરનું છે, જે હેલીના ધૂમકેતુના કદથી પાંચ ગણું છે. (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=112533

અંતરીક્ષમાં તરતા બરફના પહાડો




વિજ્ઞાનીઓ માને છે કે પૃથ્વી પર મહાસાગરો પાણીથી છલકાય છે તે મૂળ તો ધૂમકેતુઓમાંથી આવ્યું છે. ધૂમકેતુઓ પૃથ્વી પર આવી પટકાયા અને અબજો ગેલન પાણી તેમાંથી પૃથ્વી પર આવ્યું

આઈસોન ધૂમકેતુ ઉર્ટના ધૂમકેતુઓનાં વાદળના અંદરના ભાગમાંથી આવે છે. એટલે કે તે ઘણે દૂરના અંતરેથી આવે છે. તેનો સૂર્ય-પરિક્રમા કરવાનો સમય ઘણો લાંબો છે. તે પણ સૂર્યમાળામાં પ્રથમ વાર પ્રવેશ્યો છે. તેનું કદ ધાર્યા કરતાં ઘણું નાનું, માત્ર પાંચ કિલોમીટરનું જ છે. તેમ છતાં તે દૂરથી દેખાયો હતો. તેથી વિજ્ઞાનીઓ માનતાં કે તે મોટો અને તેજસ્વી ધૂમકેતુ છે. પણ એ ભ્રમણા સાબિત થઈ છે. પણ તે જ્યારે દૂર હતો ત્યારે પ્રકાશિત તો હતો. કદાચ ત્યારે તે મોટો પણ હોય પણ એ શક્ય છે કે નજીક આવતાં તેણે તેનો ઘણો પદાર્થ ગુમાવી પણ દીધો હોય. ધૂમકેતુઓનું વર્તન જલદીથી કળી શકાય એવું હોતું નથી. 

ધૂમકેતુઓ કાર્બનડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ સાયનોજન મિથેન, ઈથેન, અમોનિયા અને પાણીના બરફના બનેલા છે. તેમાં એમિનો એસિડ પ્રચુર પ્રમાણમાં હોય છે, જે જીવનનો મૂળભૂત રસ છે. ધૂમકેતુ જ્યારે સૂર્યની નજીક આવે છે ત્યારે આ બધા પદાર્થોના બરફો પીગળે છે. અને અંતરીક્ષમાં ફ્ેલાય છે. સૂર્યમાંથી ખૂબ જ ગતિથી નીકળતા સૂર્યપવનોને લીધે આ બધા પદાર્થોનાં વાયુને તે સૂર્યની વિરુદ્ધ દિશામાં ઘસડે છે જેને આપણે ધૂમકેતુની પૂંછડી કહીએ છીએ. માટે જ ધૂમકેતુની પૂંછડી સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોય છે. 

ધૂમકેતુને બે પૂંછડીઓ પણ હોય છે-એક સીધી આયન ભરેલી પૂંછડી અને બીજી તેના માર્ગ સાથે ઘસડાતી વાંકી ધૂલીકણોની પૂંછડી. કોઈ ધૂમકેતુને તેના માથામાંથી પણ સૂર્ય તરફની દિશામાં પદાર્થનો જેટ બહાર પાડે છે. તે તેની ત્રીજી પૂંછડી બનાવે છે. ધૂમકેતુ વેસ્ટ તો બરાબર ઝાડુ (સાવરણી) આકારનો છે અને ધૂમકેતુ ઈકેયા-સાકી તલવારના આકારનો છે. ધૂમકેતુની પૂંછડી ઘણી વાર પંદર કરોડ કિલોમીટર લાંબી હોય છે. એ વખતે પૃથ્વી તેની પૂંછડીમાંથી પસાર થાય છે. એટલે કે ધૂમકેતુની પૂંછડીના હલકા વાયુમંડળમાંથી પસાર થાય છે. ધૂમકેતુનું નાભિ તો પાંચ, દશ, પંદર, વીસ કે પચીસ, બહુ બહુ તો ચાલીસ કિલોમીટરના વ્યાસનું હોય છે. પણ તેનું માથું એક કરોડ કિલોમીટરના વ્યાસનું વાયુનું વાદળ હોય છે. 

ધૂમકેતુ પૃથ્વીની નજીક આવે છે ત્યારે ધૂમકેતુનો પદાર્થ પૃથ્વી પર વરસાદ માફક વરસે છે. થોડા વિજ્ઞાનીઓ માને છે કે પૃથ્વી પર જે જીવન ઉત્પન્ન થયું છે તેના મૂળભૂત રેણુઓ (જીવન રસ) ધૂમકેતુઓમાંથી આવ્યો છે. પૃથ્વી પર વાયુમંડળ, પાણી અને હૂંફાળું હવામાન હોવાથી અહીં પૃથ્વી પર જીવન પાંગર્યું છે. ધૂમકેતુઓનાં આધુનિક અભ્યાસે આ માન્યતાને ટેકો આપ્યો છે. આ માન્યતાના જનક પ્રાધ્યાપક હોઈલ પ્રાધ્યાપક ચંદ્ર વિક્રમસિંઘ અને પ્રાધ્યાપક જયંત નારલીકર અને તેના સહયોગીઓ છે. 

થોડા વિજ્ઞાનીઓ માને છે કે પૃથ્વી પર જીવન પાણીમાં ઉત્પન્ન થયું હતું અને પછી જમીન પર આવ્યું. આમ પૃથ્વી પરનું જીવન આ બંને પ્રકારના મિશ્રણની ઊપજ છે. આમ પૃથ્વી પર જે જીવન ઉદ્ભવ્યું છે તેમાં ધૂમકેતુઓનો હાથ તો છે જ. 

ગમે તે હોય, પણ ધૂમકેતુઓ નાના પણ ઘણા અગત્યના આકાશીપિંડો છે. ગ્રહો, ઉપગ્રહોની રચનામાં બિલ્ડિંગ બ્લોક્સ છે અને સૂર્ય ગ્રહો, ઉપગ્રહો બન્યા પછી પાછળ વધી રહેલા પદાર્થ છે. તે સૌરવાદળનો મૂળભૂત પદાર્થ પોતાનામાં ધરબી બેઠા છે. તેથી ધૂમકેતુઓમાં રહેલા પદાર્થનો અભ્યાસ કરવાથી આપણને સૂર્યમાળાના મૂળભૂત પદાર્થ વિષે જાણકારી મળી શકે તેમ છે. જ્યારે સૂર્યમાળા જન્મી ત્યારે તેની પરિસ્થિતિ કેવી હતી તે વિશે જાણવા મળી શકે તેમ છે. 

વિજ્ઞાનીઓ એમ પણ માને છે કે પૃથ્વી પર મહાસાગરો પાણીથી છલકાય છે તે મૂળ તો ધૂમકેતુઓમાંથી આવ્યું છે. ધૂમકેતુઓ પૃથ્વી પર આવી પટકાયા અને અબજો ગેલન પાણી તેમાંથી પૃથ્વી પર આવ્યું. તે પાણીના વેગન અને વેગન હોય તેમ પાણીથી મહાસાગરો ભરાઈ ગયા. ધૂમકેતુઓના એક લાખ ટન પદાર્થમાં અબજો લિટર પાણી હોય છે, અને એક ધૂમકેતુમાં લગભગ દશ હજાર અબજ ટન પદાર્થ હોય છે. હાલમાં ચંદ્રના ઊંડા ઉલ્કાકૂંડોમાં જે પ્રચુર પ્રમાણમાં બરફો મળી આવ્યા છે તે હકીકતમાં તેમાં આવી પડેલા ધૂમકેતુઓના બરફો છે. ધૂમકેતુઓ અંતરીક્ષમાં તરતા બરફના પહાડો છે. 

વિજ્ઞાનીઓ માને છે કે ધૂમકેતુઓ ગ્રહોનાં વાયુમંડળોમાં ફેરફાર કરે છે. તે ગ્રહોના નવાં વાયુમંડળો પેદા કરે છે અને ક્યાંક તેમનાં વાયુમંડળોનો નાશ કરે છે. તે ગ્રહો પરના જીવનની જાત બદલાવી શકે છે. સામાન્ય રીતે તો ધૂમકેતુઓ નિર્દોષ નાના આકાશીપિંડો છે પણ પૃથ્વી પર આવી પડે ત્યારે ઉલ્કાપાત સર્જી શકે છે. માટે જ કદાચ આપણા પૂર્વજો તેનાથી ડરતા હતા. ધૂમકેતુઓમાંથી ઝેરી વાયુઓ નીકળે છે, જે ચિત્ર-વિચિત્ર પ્રકારના રોગો ફેલાવી શકે છે. આમ તેઓથી ડરવા જેવું તો ખરું જ. તેમ છતાં તેઓ જેમ લોકો માનતા તેમ અપશુકનિયાળ કે લડાઈ કરાવનારા તો નથી જ. લડાઈ તો આપણે કરીએ છીએ. (સમાપ્ત)














No comments:

Post a Comment