સુરતના લોકપ્રિય પ્રોફેસર અને વાચકપ્રિય કોલમ રાઈટર ભૂમિકા દેસાઈ - શાહના સૌજન્ય સાથે એક અનોખી રિયલ લાઈફ સ્ટોરી વાચકો સાથે શૅર કરવી છે. સાડા ત્રણ દાયકા અગાઉ આ રિયલ લાઈફ સ્ટોરીની શરૂઆત થઈ હતી.
૧૯૭૮માં જગમશહૂર મેગેઝિન ‘ટાઈમ’ના ૨૮ વર્ષીય યુવાન ફોટોગ્રાફર રિક સ્મોલનને એક અસાઈનમેન્ટ મળ્યું, અમેરિશિયન બાળકો પર એક હૃદયસ્પર્શી ફોટો સ્ટોરી કરવાનું. એ સમય દરમિયાન સાઉથ કોરિયા, વિયેતનામ, ફિલિપાઈન્સ, જપાન, થાઈલેન્ડ વગેરે દેશોમાં અમેરિકન સૈન્યના મોટા બેઝ દરમિયાન અમેરિકન સૈનિકો થકી સ્થાનિક યુવતીઓને અને તેમને થયેલાં બાળકોને અમેરિકન સૈનિકો તરછોડી દેતા હતા. આવા અમેરિકન સૈનિકો અને એશિયન દેશોની યુવતીઓના સમાગમથી જન્મેલાં બાળકો એટલે કે અમેરેશિયન બાળકોની સ્થિતિ અત્યંત બદતર હતી. આવા ત્યજી દેવાયેલાં, દુ:ખી અને નિરાધાર બાળકો પૈકી છ બાળકોને શોધીને તેમના વિશે ફોટો સ્ટોરી કરવાનું અસાઈનમેન્ટ ‘ટાઈમ’ મેગેઝિનના ફોટોગ્રાફર રિક સ્મોલનને મળ્યું હતું.
‘ટાઈમ’ મેગેઝિન માટે ફોટો સ્ટોરી કરવા ગયેલા રિક સ્મોલનને કોરિયાની એક છોકરી હ્યુન સુક વિશે જાણવા મળ્યું. અગિયાર વર્ષની હ્યુન સુકનો અમેરિકન પિતા હ્યુનના જન્મ પછી હ્યુન અને તેની માતાને તરછોડીને ચાલ્યો ગયો હતો. હ્યુનની માતા કુંવારી માતા બન્યા પછી નાની ઉંમરની હ્યુનને નોધારી મૂકીને મૃત્યુ પામી હતી. નમાયી હ્યુનને તેની નાનીએ સંભાળી લીધી. હ્યુનની નાનીને પશ્ર્ચિમી દેશોના તમામ પુરુષો પ્રત્યે નફરત થઈ ગઈ હતી. એક અમેરિકન સૈનિક પોતાની પુત્રીની જિંદગી બરબાદ કરીને ચાલ્યો ગયો એનું દુ:ખ અને પોતાની યુવાન પુત્રીના અકાળ મૃત્યુના આઘાતથી તે હચમચી ગઈ હતી. પણ નાનકડી હ્યુન માટે તે સહારો બની રહી હતી. હ્યુનની દાદી કોરિયાના જે ગામમાં રહેતી હતી ત્યાં બધા તેને માન આપતા હતા અને હ્યુનને પણ બધા માનની નજરે જુએ એની તકેદારી તેણે રાખી હતી. હ્યુનની નાનીમાએ હ્યુન પર દુ:ખનો ઓછાયો પણ પડવા દીધો નહોતો.
અમેરિકન સૈનિકે પોતાની પુત્રીની જિંદગી બરબાદ કરી નાખી એને કારણે હ્યુનની નાનીએ નિશ્ર્ચય કર્યો હતો કે તે પોતાની લાડકી દોહિત્રી હ્યુન પર પશ્ર્ચિમી પુુરુષનો પડછાયો પણ નહીં પડવા દે અને અમેરિકન મેગેઝિન ‘ટાઈમ’નો અમેરિકન ફોટોગ્રાફર રિક સ્મોલન એ જ છોકરીને મળીને તેની ફોટો સ્ટોરી કરવા આતુર બન્યો હતો. રિક કોરિયન ભાષા જાણતો નહોતો એટલે તેણે અંગ્રેજી ભાષા જાણતા એક કોરિયન દુભાષિયાને પોતાની સાથે રાખ્યો અને અગિયાર વર્ષની હ્યુન સુકને મળવાની કોશિશ કરી.
હ્યુન સુક તેની નાની સાથે જે નાનકડા ગામડામાં રહેતી હતી ત્યાં પહોંચીને રિક સ્મોલનને ખબર પડી કે હ્યુનની નાની કોઈ કાળે હ્યુનને અમેરિકન પુરુષ સામે આવવા નહીં દે.
રિકે હ્યુનને મળવા માટે સ્થાનિક લોકોની મદદ લેવાની કોશિશ પણ કરી જોઈ. તેણે દુભાષિયાની મદદથી હ્યુનના પાડોશીઓને કહ્યું કે, બધા પશ્ર્ચિમી પુરુષો ખરાબ નથી હોતા એવું તમે હ્યુનની નાનીને સમજાવો અને તેને મારા વતી વિનંતી કરો કે તે મને હ્યુનને મળવાની પરવાનગી આપે. તો હ્યુનના ગામના એ લોકોએ રિકને સામે સમજાવવાની કોશિશ કરી કે હ્યુનની નાની કોઈ પણ હિસાબે હ્યુનને મળવાની પરવાનગી તમને નહીં આપે.
રિક સ્મોલન અને હ્યુન સુકની કથા થોડી લાંબી છે એટલે થોડા દિવસ સુધી ચલાવવી પડશે. આગળની વાત કાલે.
અગિયાર વર્ષની હ્યુનની નાનીએ હ્યુન ફરતે જાણે અભેધ કવચ બનાવી રાખ્યું હતું. પોતે અમેરિકન પુરુષ હોવાથી હ્યુનને મળવાનું અશક્ય જેવું લાગ્યું એટલે ‘ટાઈમ’ મૅગેઝિનના ફોટોગ્રાફર રિક સ્મોલનની હ્યુનને મળવાની ઉત્સુક્તા અને ઝંખના ઓર વધી ગઈ. કોઈને મળવાનું અસંભવ લાગે ત્યારે માણસની તેને મળવાની ઝંખના અને ઉત્સુક્તા વધી જાય એવું જ રિક સાથે પણ થયું હતું.
બહુ કોશિશ કર્યા પછી છેવટે રિક સ્મોલનને દુભાષિયાની મદદથી હ્યુનની નાનીને એવું સમજાવવામાં સફળતા મળી કે, હું માત્ર હ્યુનની તસવીરો ખેંચવા ઈચ્છું છું, કારણ કે હું હ્યુનની જેમ અમેરિકન સૈનિકો દ્વારા તરછોડાયેલી એશિયન યુવતીઓના સંતાનો વિશે ફોટો સ્ટૉરી કરી રહ્યો છું.
રિકના અથાક પ્રયાસો બાદ હ્યુનની નાનીનું હૃદય પીગળ્યું અને તેણે રિકને હ્યુનની તસવીરો ખેંચવાની પરવાનગી આપી. હ્યુનની નાનીને રિક પર ભરોસો બેઠો કે આ માણસ હ્યુનને કોઈ રીતે નુકસાન નહીં પહોંચાડે. હ્યુનની તસવીરો ખેંચવાની પરવાનગી મળી ગઈ એટલે રિકે થોડી વધુ હિંમત કરીને થોડા દિવસ પછી હ્યુનની નાનીને વિનંતી કરી કે, હું હ્યુનના જીવનને નજીકથી જોવા માગું છું. એટલે તમને વાંધો ના હોય તો હું થોડા દિવસ તમારા ઘરમાં રહેવા ઈચ્છું છું. રિકને ખાતરી નહોતી કે હ્યુનની નાની આ માટે તૈયાર થશે, પણ તેના સુખદ આશ્ર્ચર્ય વચ્ચે હ્યુનની નાનીએ તેની વિનંતી સ્વીકારીને તેને એક સપ્તાહ માટે પોતાના ઘરમાં રહેવાની મંજૂરી આપી.
રિક હ્યુનના નાનકડા ઘરમાં રહેવા ગયો અને તેણે હ્યુનની દિનચર્યાનું નિરીક્ષણ શરૂ કર્યું. તે હ્યુનની સાથે તેની શાળામાં પણ સાથે જવા માંડ્યો. હ્યુનના જીવનમાં ડોકિયું કર્યા પછી રિકને સમજાયું કે હ્યુન સામાન્ય છોકરી નથી, પણ સ્પેશિયલ ચાઈલ્ડ છે એટલે કે મેધાવી બાળક છે. રિક હ્યુનને મળ્યો એ અગાઉ તે બીજા ઘણા દેશના અમેરેશિયન બાળકોને મળી ચૂક્યો હતો. તેણે અત્યાર સુધી જેટલા અમેરેશિયન બાળકો જોયા હતા એ તમામ બાળકો લઘુતાગ્રંથિથી પીડાતા હતા. તેઓ અંતર્મુખી રહેતા હતા અને ખૂબ જ ઓછું બોલતા હતા, દબાયેલા, દુભાયેલા રહેતા હતા. પણ હ્યુનની વાત અલગ હતી. હ્યુનની તસવીરો ખેંચતા ખેંચતા રિક તેનું નિરીક્ષણ કરતો રહેતો હતો. રિકને એવી પ્રતીતિ થઈ કે આ છોકરી અલગ છે, અદ્ભુત છે. બીજા અમેરેશિયન બાળકો કરતા આ ચોકરીની પ્રકૃતિ તદ્દન ભિન્ન છે. અન્ય અમેરેશિયન બાળકો શક્ય હોય ત્યાં સુધી લોકોના સંપર્કમાં આવવાનું ટાળતા હતા, પણ હ્યુન વધુ ને વધુ વ્યક્તિઓને મળવા માટે ઉત્સુક રહેતી હતી. અમેરિકન પિતાની છાંટ તેના વ્યક્તિત્વમાં ઊતરી હતી એટલે તે કોરિયનને બદલે કોઈ પશ્ર્ચિમી દેશની છોકરી લાગતી હતી અને નાનીને કારણે તે અત્યંત આત્મવિશ્ર્વાસ ધરાવતી હતી.
રિક હ્યુનની સાથે શાળામાં જતો હતો ત્યાં તેણે જોયું કે ટીચર કલાસમાં સાવલ પૂછે તો તેનો સૌ પ્રથમ જવાબ આપવા માટે હ્યુન ઉત્સુક રહેતી હતી. તેનામાં નેતૃત્વનો ગુણ પણ હતો. એક કુશળ લીડરની જેમ તે હોંશભેર જવાબદારી સ્વીકારીને આયોજન કરતી હતી અને શાળાના કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પાડતી હતી.
રિક એક અઠવાડિયું હ્યુન અને તેની નાનીમા સાથે રહ્યો. એ દિવસો દરમિયાન હ્યુન અને તેની નાનીમા સાથે રિકની આત્મીયતા બંધાઈ ગઈ. એક અઠવાડિયામાં હ્યુન વિશે ફોટોસ્ટોરી પૂરી કરીને રિકે પાછા જવાની તૈયારી કરી. રિક જવાનો હતો એની આગલી રાતે રિકે દુભાષિયાની મદદથી હ્યુન અને તેની નાની સાથે ખૂબ વાતો કરી. ‘ટાઈમ’ મૅગેઝિનના ફોટો જર્નલિસ્ટ તરીકે રિક સંખ્યાબંધ વ્યક્તિઓને મળ્યો હતો, પણ આ નાની - દોહિત્રીની વિદાય લેવાના વિચારથી તેનું હૃદય ભારે થઈ ગયું. હ્યુન અને તેની નાની પણ ઉદાસ થઈ ગયા હતા. જ્યારે રિકની વિદાયનો સમય આવ્યો ત્યારે હ્યુનની નાનીએ કંઈક કહ્યું એથી રિક સ્તબ્ધ થઈ ગયો.
વધુ વાતો આવતી કાલે કરીએ.
No comments:
Post a Comment