Tuesday, September 16, 2014

મૃત્યુ ન હોય તો જીવન અસહ્ય બની જાય -- કાન્તા વોરા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=140306


મહાભારતમાં એક કથા છે. નિષાદરાજ - મહર્ષિ વ્યાસના નાના વૃદ્ધ થઈ ગયા હતા. તેમને મૃત્યુનો ખૂબ ડર લાગતો હતો. જીવિત રહેવાની ખૂબ જીજિવિષા હતી. એક દિવસ તેમને નારદમુનિ મળી ગયા. નિષાદરાજે તેમને કહ્યું, "નારદજી મને મૃત્યુનો બહુ ડર લાગે છે. મને મરવું ગમતું નથી. તમારે તો દેવતાઓને હળવા મળવાનું બહુ થતું હશે. મારી એટલી સિફારસ કરજો ને કે મને તેઓ મારે નહીં. મારું મૃત્યુ ન થાય.

નારદજી સમજી ગયા. મનોમન મલકાઈને બોલ્યા કે "નિષાદરાજ! આપના દોહિત્ર વ્યાસજીને જેટલું દેવતાઓને હળવા મળવાનું થાય તેટલું મારે ન થાય. બધા દેવતાઓ તેમનું માન પણ ખૂબ રાખે છે. તમે વ્યાસજીને જ કહેજો ને કે તેઓ જ તમારી સિફારસ કરે. તેની સિફારસની કોઈ અવગણના નહીં કરે, પરંતુ એક વાત છે કે તમારા મનની વાત વ્યાસજીને કહેતાં તેમની પાસેથી વચન લઈ લેજો કે તેણે તમને મદદ કરવી જ પડશે. વચન લેવું બહુ જરૂરી છે. બીજું એ પણ બહુ જરૂરી છે કે તેઓ જ્યારે સિફારસ કરવા જાય ત્યારે તમે તેમની સાથે જરૂર જજો. એવું ન બને કે તે આ વાત હસવામાં કાઢી નાખે.

થોડા દિવસ પછી વ્યાસજી પોતાના નાનાને મળવા આવ્યા. નિષાદરાજે તેમને કહ્યું, "આવ વ્યાસ આવ! હું તો કેટલા દિવસથી તારી રાહ જોતો હતો. મારે તારી મદદ જોઈએ છે. તું મને વચન આપ કે તું મને મદદ કરીશ.

વ્યાસજીએ કહ્યું, "નાનાજી! હું જરૂર મદદ કરીશ પણ કહો તો ખરા કે શું વાત છે? નિષાદરાજ બોલ્યા, "વ્યાસ! મને મૃત્યુનો બહુ ડર લાગે છે. મારે મરવું નથી. દેવતાઓ તારું બહુ માન રાખે છે ને? તું યમરાજને કહે કે મને મારે નહીં.

વ્યાસજીએ વચન આપી દીધું હતું એટલે પાળવું પડે તેમ જ હતું. તેમણે કહ્યું કે, "નાનાજી! જે જન્મે તેનું મૃત્યુ તો નિશ્ર્ચિત જ હોય છે. તમારી સાથે વચનથી બંધાઈ ગયો છું એટલે યમરાજ પાસે તમારી સિફારસ જરૂર કરીશ. નિષાદરાજે કહ્યું, "ચાલ યમરાજ પાસે આપણે બન્ને જઈએ.

બન્ને યમરાજ પાસે પહોંચી ગયા. વ્યાસજીએ કહ્યું, "યમદેવ! આ મારા નાનાજી નિષાદરાજ છે. તેઓ મૃત્યુથી બહુ ડરે છે અને મરવા નથી ઈચ્છતા. હું તમને પ્રાર્થના કરું છું કે આપ તેને મારશો નહીં.

યમરાજ બોલ્યા, "વ્યાસજી! તમે કહો છો તો તે હું જરૂર માનીશ પણ એક તકલીફ છે કે લોકોને મારવાનું કામ મેં મૃત્યુને સોંપી દીધું છે. હું તેને કહી દઈશ કે, તમારા નાનાને ન મારે. નિષાદરાજે વિનંતી કરી કે "યમરાજ! એટલી કૃપા કરો છો તો અમને સાથે જ લઈ જાવ ને! અમારી સામે જ તેને કહી દો ને! સંસારમાં કરોડો મનુષ્ય છે. મૃત્યુ તેને મારે જ છેને? બસ મને તે ન મારે.

યમરાજે કહ્યું, "ચાલો! હું હમણાં જ જઈને તેને કહી દઉં કે તે તમને ન મારે. અને યમરાજ, મહર્ષિ વ્યાસ અને નિષાદરાજ ત્રણે પહોંચી ગયા મૃત્યુ પાસે.

યમરાજે મૃત્યુને કહ્યું, "આ છે મહર્ષિ વ્યાસ અને આ છે તેમનાં નાના નિષાદરાજ, નિષાદરાજને તારો બહુ ડર લાગે છે. તેઓ મરવા નથી ઈચ્છતા. વ્યાસજીએ તેમની સિફારસ કરી છે. મેં તેમની સિફારસ માની લીધી છે. હવે નિષાદરાજને તું મારીશ નહીં.

મૃત્યુએ જવાબ આપ્યો, "મહારાજ! આપ કોઈની ઉપર કૃપા કરવા ઈચ્છો તો હું તેને કેવી રીતે મારી શકું? પરંતુ કોને ક્યારે મરવાનું છે તેનો નિર્ણય તો કાળદેવતા કરે છે. મારું કામ તો જ્યાં તે આજ્ઞા કરે ત્યાં પહોંચી જવાનું છે. આપ કાળદેવતાને કહો, તેને આજ્ઞા કરો કે નિષાદરાજને ન મારે. તમે કહો તો હું પણ તમારી સાથે આવું.

અને મહાજનોની ટોળી કાળદેવને સિફારસ કરવા ચાલી. નિષાદરાજ, વ્યાસ, યમરાજ અને મૃત્યુ પહોંચ્યા કાળદેવતા પાસે. વ્યાસજીએ કાળદેવતાને પ્રાર્થના કરી કે, "હે કાળદેવ! આ મારા નાનાજી નિષાદરાજ છે. તે મૃત્યુથી બહુ ડરે છે. તેઓ મરવા ઈચ્છતા નથી. યમરાજે અને મૃત્યુએ કૃપા કરી છે અને મારી પ્રાર્થના માની લીધી છે કે મારા નાના મરે નહીં, પણ કોણ ક્યારે મરશે તેનો નિર્ણય તો આપ કરો છો ને? આપ પણ એટલી કૃપા કરો કે મારા નાનાજીનું મૃત્યુ ન થાય.

કાળદેવતાએ કહ્યું, ‘આપ જેવા મહર્ષિ સિફારસ કરે. સ્વયં યમરાજ તે માન્ય રાખે તો ન માનવાવાળો હું કોણ? પરંતુ મરવાવાળાની યાદી તો વિધાતા તૈયાર કરે છે અને તે તેની પાસે જ રહે છે. એ પોતે જ યાદીમાં જોઈને મને કહે છે કે કોનો સમય આવી ગયો છે અને કેવી રીતે તેને મરવાનું છે. જઈને હું તેને જ આ બાબત જણાવી દઉં. નિષાદરાજે કહ્યું, "અમે પણ તમારી સાથે આવીએ. કાળદેવતાએ કહ્યું, "ચાલો. અને આ જનયાત્રા પહોંચી વિધાતા પાસે.

વ્યાસજીએ ફરીથી વિધાતાને પોતાની વાત કહી સંભળાવી કે "આ મારા નાના નિષાદરાજ મૃત્યુથી ભયભીત છે. તેમની ઈચ્છા મરવાની નથી. યમરાજા, મૃત્યુ અને કાળદેવતા બધાંએ મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો છે. હવે તમે પણ કૃપા કરી માની જાવ અને તમારી યાદીમાંથી મારા નાનાજીનું નામ ભૂંસી નાખો.

વિધાતાએ કહ્યું, "મહર્ષિ વ્યાસ! મને ખબર છે કે તમારા નાના મૃત્યુથી બહુ ડરે છે અને મરવાનું ઈચ્છતા નથી, પરંતુ તેમનાં મૃત્યુ સંબંધે તેમનાં ભાગ્ય લેખમાં મેં તો એવી શરત મૂકેલી હતી કે જે ક્યારેય, સરળતાથી પૂરી ન થઈ શકે, પરંતુ હવે હું શું કરું? તમે જ જુઓ મેં શું લખ્યું છે તે, - ‘નિષાદરાજનું મૃત્યુ ત્યાં સુધી ન થવું જોઈએ, જ્યાં સુધી મહર્ષિ વ્યાસ, યમરાજા, મૃત્યુ અને કાળદેવતા બધાંને લઈને તે પોતે જાતે મારી પાસે ન આવે. વિધાતાની વાત બધાં સાંભળતા હતાં ત્યાં જ ધડામ કરતાં નિષાદરાજ નીચે પડી ગયા અને તેમનું મૃત્યુ થયું.

વિધાતાએ કહ્યું, "મેં તો બહુ આકરી શરત મૂકી હતી. આ બધી વ્યક્તિ સાધારણ રીતે ક્યારેય ભેગી થતી નથી. તમારા નાનાજી તો પોતે જાતે જ એ બધાને ભેગાં કરી મારી પાસે લઈ આવ્યા. બોલો, હવે હું શું કરી શકું?

માટે કોઈ કવિએ કહ્યું છે કે -

"કોટિ જતન કરના ચહે,

કરલે મેરે મીત;

જો જન્મા સો જાયેગા,

યહી જગત કી રીત.

એજ તો જગતનો નિયમ છે. એને કોઈ બદલી શકતું નથી. જે ખીલ્યું છે તે ખરવાનું જ છે. આ જગતમાં બીજી કોઈ વાતમાં સંદેહ ભલે હોય, પરંતુ મૃત્યુ માટે કોઈ સંદેહની શક્યતા જ નથી. જગતમાં જો કોઈ વસ્તુ નિશ્ર્ચિત હોય તો તે મૃત્યુ જ છે. આજે કે કાલે ગમે ત્યારે મરવાનું તો છે જ. મૃત્યુથી ડરો કે ન ડરો, તે રોકાવાનું નથી. ગમે તે સમયે તે આવી પહોંચશે. જીવન મનુષ્યને બહુ પ્યારું છે. સુખ-દુ:ખ, ચિંતા, વિપત્તિ આ બધા સાથે સંઘર્ષ કરી કરીને જિંદગી જીવવાની છે. એ બધી આપત્તિઓનો અંત મૃત્યુ પછી જ આવે છે. તો પછી મૃત્યુને આપણું અહોભાગ્ય કેમ ન સમજીએ કે જે આપણને આ વિટંબણા અને ઝંઝાળમાંથી મુક્તિ અપાવે છે.

જે નિશ્ર્ચિત છે, અટલ છે તેને માટે દુ:ખ, ચિંતા કે ડર રાખવો વ્યર્થ છે.

‘જન્મા, જન્મા સબ કહે,

યહી ન જાનત કોઈ;

જો જન્મા સો જાયેગા,

આખિર મરના હોય.’

સંસારમાં મૃત્યુ ન હોય તો જીવન, બિલકુલ અસહ્ય બની જાય એ વાત આપણે ભૂલી જઈએ છે. ઉત્પત્તિ, વિનાશ અને પરિવર્તન એ તો સંસારનો નિયમ છે. મનુષ્યે તે સ્વીકારવું જ રહ્યું.

No comments:

Post a Comment