Tuesday, September 16, 2014

કેરળ: ચર્ચ દ્વારા અગ્નિસંસ્કારની પરવાનગી -- દીનદુનિયા - મુઝફ્ફર હુસેન

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=140326

તાજેતરમાં કેરળમાં એક ક્રાંતિકારી બાબત બની છે. કેરળ ઈસાઈ ધર્મના અનુયાયનો ગઢ છે. ત્યાંના શક્તિશાળી કેથલિક ચર્ચ દ્વારા તેમના અનુયાયીઓને મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવા પરવાનગી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેરળમાં ઓર્થોડોકસ જેકબાઈટ મેરેથોમા અને ચર્ચ ઓફ સાઉથ ઈન્ડિયા સહિતના ચર્ચ કબ્રસ્તાનમાં વિસ્તૃત જગ્યા માટે ઝૂઝી રહ્યા છે.

સાઈરો મલબાર ચર્ચના પ્રવકતા ફાધર પોલ થેલાકટે જણાવ્યું હતું કે મૃતદેહને જલાવવાનો નિર્ણય કરવો તે બાબત જમીનની તંગી સાથે જોડાયેલી છે. ફાધરનું કહેવાનું છે દાટવાની મુશ્કેલી છે. દાટવામાં પર્યાવરણને લગતી સમસ્યા છે. ફાધરનું કહેવાનું છે કે દફનવિધિ એ સંસ્કાર છે, પરંતુ કેટલાક અપવાદમાં જલાવાની પણ પરવાનગી છે. જો આ વક્તવ્યનું વિશ્ર્લેષણ કરવામાં આવે તો ઈસાઈ ધર્મ આ બન્ને પ્રક્રિયાની પરવાનગી આપે છે.

જમીનનો કોઈ વિકલ્પ નથી, પરંતુ ઇંધણના સ્વરૂપે જલાવવાની અનેક ચીજ ઉપલબ્ધ છે. આજના યુગમાં ઊર્જાના નવાં સાધનોની ખોજ થઈ રહી છે. જનસંખ્યા વધતી જાય છે. જમીન ઓછી છે જો ધરતી કબ્રસ્તાનોથી ભરાય જાય તો પછી માણસને રહેવાનું મુશ્કેલ બની જાય. ખેતી તો ઠીક, પરંતુ રહેવાનું મુશ્કેલ બની જાય તેવું છે. કબર કામચલાઉ બને તે માટે કોઈ કાનૂન નથી. આવો કોઈ કાનૂન બને તે માટે ધર્મના અનુયાયીઓ પણ તૈયાર નથી. આથી હવે મૃતદેહની બાબતમાં અગ્નિને સોંપીને તેને પરમપિતા પરમેશ્ર્વર સુધી પહોંચાડવા માનવમાત્રના કલ્યાણનાં હેતૂથી સમય સમયે મહાપુરુષ જન્મ લેતા રહ્યા છે. તેમણે જે દર્શન અને માર્ગ બતાવ્યા છે તે અનુસાર ધર્મગુરુઓએ ઈબાદતનો માર્ગ બતાવ્યો છે. આથી કહેવાય છે કે ‘ધર્મ એ માધ્યમ છે જેના દ્વારા આપણે સર્વ શક્તિમાન સુધી પહોંચી શકીએ છીએ.

ધર્મ તો બાદમાં આવ્યો, પરંતુ ઈશ્ર્વરે નિર્માણ કરેલું ભૂમંડળ પહેલા અસ્તિત્વમાં આવ્યું છે. જો પ્રાકૃતિક વાતાવરણ ન હોય તો પછી મનુષ્ય જીવિત ન રહી શકે. ઉકત વાતાવરણ જેને પર્યાવરણ નામ અપાયું છે તે અનુસાર મનુષ્યની આવશ્યકતાની પૂર્તિ થાય છે. સાધારણ ભાષામાં તેને પ્રકૃતિ અને કુદરત કહે છે. આ વાતાવરણ અનુસાર મનુષ્યનું લાલનપાલન થાય છે અને જીવનની આવશ્યકતાને પણ તેના દ્વારા જ પૂર્તિ થાય છે.

જે જન્મ ધારણ કરે છે તેનું મૃત્યુ પણ સ્વાભાવિક છે. મૃત્યુ બાદ મૃતદેહનું શું કરવું તે પ્રશ્ર્ન છે. કચરાના ઢગ પર શરીરને ફેંકી દેવામાં આવે તો તે બીજાઓને માટે એક દુ:ખદ ઘટના બને છે. બીજા લોકો માટે આરોગ્યનો ખતરો પેદા કરે છે. દરેક સ્થળે ભૌગોલિક વાતાવરણ અનુસાર તેની અંતિમક્રિયા કરવામાં આવે છે. જ્યાં જંગલો હોય છે ત્યાં અગ્નિના હવાલે કરી દેવામાં આવે છે.

જ્યાં રણપ્રદેશ છે ત્યાં રણમાં દફનાવી દેવામાં આવે છે. ટાપુઓમાં રહેનારા સમુદ્રમાં પધરાવે છે. તેનાથી મૃતદેહનો ઉપયોગ પરમાત્મા કોઈ જીવના ભોજનમાં કરાવે છે. દુનિયામાં મનુષ્યની સમજ અનુસાર સંસ્કારોએ જન્મ લીધો અને પયગમ્બરોએ તેમનું માર્ગદર્શન પણ કર્યું. જ્યારે ધર્મની પ્રાસંગિકતા પર ચર્ચા થવા લાગી તો અંતિમ સંસ્કારની વાત ભિન્ન ભિન્ન ધર્મ સાથે જોડાઈ ગઈ.

ભૌગોલિક બાબતોને આધારે જે સાધનો ઉપલબ્ધ હતાં તેને દરેક ધર્મ દ્વારા પ્રાથમિકતા આપવામાં આવી હતી, પરંતુ ધર્મ અને સંસ્કાર અલગ દેખાય તે માટે દરેકે પ્રાકૃતિક આવશ્યકતા અનુસાર તેને આગળ ઓળખ આપી હતી. રણપ્રદેશમાં જે ધર્મ હતો તેને ધરતી સાથે કોઈ નિસ્બત નહોતી. કારણ કે તેની પાસે જમીન વધુ અને જનસંખ્યા ઓછી હતી. તેઓ રણમાં રેતી હટાવીને પોતાના સ્વજનને ધરતીમાં જ દફનાવી દેતા હતા. જયાં લાકડા સરળતાથી ઉપલબ્ધ હતા ત્યાં અગ્નિને સોંપીને રાખ કરી નાખવામાં આવતી હતી. પરંતુ રાજનીતિ અને સમાજને પ્રભાવિત કરવા ધર્મમાં કટ્ટરતા પેદા થઈ તો દરેકે ધર્મને ઓળખ બનાવીને ઉપયોગ શરૂ કર્યો. આ જ યહૂદી - ઈસાઈ - મુસલમાન જો મૃત શરીર અગ્નિને સોંપે તો તે ધર્મની વિરુદ્ધમાં ગણવામાં આવે,

પરંતુ દુનિયામાં વધતી જતી જનસંખ્યા ને કારણે કબ્રસ્તાનથી વધુ અનાજ પકાવવા જમીનની જરૂર છે. પશ્ર્ચિમી એશિયામાંથી નીકળેલા ત્રણ ધર્મ મૃત શરીરને દફનાવવામાં માને છે. આથી કબ્રસ્તાન માટે જમીનને વ્યાપ વધતો ગયો હતો. તેમના માટે પોતાનું જીવન એ પણ પડકાર અને ધર્મ પણ એક પડકાર હતો. આ બન્નેમાંથી કોની જરૂર હતી?

તેઓ પોતાનું જીવન કઈ રીતે વ્યતીત કરે? બન્ને વચ્ચે એક સંકટ ઊભું થયું તો? પરંતુ ધર્મને સંકીર્ણતામાં રાખી ન શકાય. આથી એવો વિચાર કરવામાં આવ્યો કે મૃત શરીરને જો અગ્નિને હવાલે કરી દેવામાં આવે તો કોઈ મુશ્કેલી નથી, પરંતુ આવું વિશાળતાથી વિચારનારા કેટલા લોકો? આ તો ધર્મને ખતરામાં નાખવા જેવી વાત છે. આથી જેમણે આવો નિર્ણય લીધો તેમના માટે સંઘર્ષની નોબત આવી ગઈ.

પરંતુ વ્યક્તિની પહેલી અનિવાર્યતા તેનું જીવન છે. મૃત્યુના નામે કોઈ જીવિત વ્યક્તિને મારી નાખી શકાય નહીં. જ્યાં સુધી બૌદ્ધિક આધારનો પ્રશ્ર્ન છે ત્યાં સુધી મનુષ્યએ જીવિત રહેવા એ મુદ્દાને પ્રાથમિકતા આપવાની જરૂર છે કે હવે દુનિયામાં એક વર્ગ એવો તૈયાર થયો છે કે પરિસ્થિતિ અનુસાર દરેક વ્યક્તિને અંતિમ સંસ્કાર માટે પોતાની વૈચારિક સ્વંતત્રતા હોવી જોઈએ.

તદ્દનુસાર મધ્ય પૂર્વથી નીકળેલા ત્રણેય ધર્મના દાર્શનિક અને વિચારકો એ વાત સાથે સહમત થશે કે દરેક ધર્મના અનુયાયીને પોતાની વિવેક અનુસાર નિર્ણય કરવાની છૂટ હોવી જોઈએ. એવું જાણવામાં છે કે અનેક બુદ્ધિજીવી સમાજ સુધારકો - પછી તે ઈસાઈ - મુસ્લિમ કે યહૂદી પોતાનું મૃત શરીર અગ્નિને હવાલે કરવામાં હીચકીચાટ અનુભવશે નહીં. સમાચાર પત્રોમાં આ પ્રકારના સમાચાર પ્રકાશિત થતા રહેવાના છે.

ગાયિકા શમશાદ બેગમે પોતાનું મૃત શરીર અગ્નિને હવાલે કર્યું હતું. મુંબઈમાં પવઈ ક્ષેત્રમાં હીરાનંદાની વસાહતની નજીકના સ્મશાન ગૃહમાં તેમનો અગ્નિસંસ્કાર થયો હતો. આ અગાઉ પૂર્વ ચીફ જસ્ટિસ મહમદ કરીમભાઈ ચાગલા - ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હિદાયતુલ્લાહ ઉપરાંત સત્ય શોધક સંગઠનના હમીદ દલવાઈ - નામ લઈ શકાય.

ઉર્દૂના પ્રસિદ્ધ ઉપન્યાસકાર અસમત ચુગતાઈના મુંબઈ સ્થિત ચંદનવાડી વિદ્યુત સ્મશાનમાં અંતિમ સંસ્કાર થયા હતા. આ સૂચિ તો મુંબઈની છે, પરંતુ અનેક મુસ્લિમ બુદ્ધિજીવીઓ અને સમાજ અગ્રણીઓ આ પગદંડી પર ચાલવા તૈયાર છે. મુસ્લિમ સમાજમાં પણ ઈસાઈ સમાજની જેમ અગ્નિ સંસ્કાર કરવાની પ્રથા પડી છે.

મૃત્યુ પછી શું કરવું તે મુદ્દે વ્યક્તિગત સ્વતંત્રતા હોવી અનિવાર્ય છે. મુંબઈ મહાનગર સહિતનાં શહેરોમાં હવે કબ્રસ્તાન ભરાઈ ગયાં છે. કબરનું લાખો રૂપિયામાં વેચાણ થાય છે. જોકે નગરપાલિકા બધી જમીન મફત આપે છે, પરંતુ ધર્મગુરુઓ અને તથાકથિત સમાજના કાર્યકર્તાઓ માટે તે વેપાર બની ગઈ છે. આથી મુંબઈવાસીઓએ આ સમસ્યા પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.

No comments:

Post a Comment