http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=68636
ન્યૂઝ ચેનલો ઉપર જાહેરખબરોનો જે મારો જોવા મળે છે, એ બધી જાહેરખબરો શુદ્ધ વેપારી ગણતરીથી જ આપવામાં આવતી હોય એ સંભવિત નથી
સ્પોટ લાઇટ - સંપ્રતિ મહેતા
જે વાત અત્યાર સુધી મિડિયાનાં નાનકડાં વર્તુળ સુધી સીમિત હતી તે હવે જાહેરમાં આવી ગઈ છે. ૨૪ કલાક જથ્થાબંધ સમાચારોનું બ્રોડકાસ્ટિંગ કરતી ટીવીની ખાનગી સેટેલાઈટ ચેનલો જંગી ખર્ચાઓ કાઢીને બિઝનેસમાં કેવી રીતે ટકી રહેતી હશે, એ રહસ્ય ઘણાંને સમજાતું નહોતું. ટીવીની અમુક ચેનલો રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, બાબાઓ, સાધ્વીઓ, સંતો, મહંતો વગેરેની પોલ ખોલી કાઢવાની ધમકી આપીને તેમની પાસેથી કરોડો રૂપિયા પડાવે છે, એવી કાનાફૂસી ઘણા સમયથી મિડિયાના સર્કલોમાં ચાલી રહી હતી. હવે ઉદ્યોગપતિ નવીન જિંદાલે ઝી ટીવીનું સ્ટીંગ ઓપરેશન કરીને આરોપ મૂક્યો છે કે તેમણે જિંદાલ ગ્રુપની બદનક્ષી કરતાં સમાચારો પ્રગટ ન કરવા ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ માગી હતી. ઝી ટીવીએ જોકે આ આરોપને નકારી કાઢ્યો છે, પણ કેસમાં ઊંડા ઊતરતાં ખ્યાલ આવે છે કે દાળમાં જરૂર કાંઈ કાળું છે.
ઉદ્યોગપતિ નવિન જિંદાલ ૧૫ અબજ ડૉલરના ઓપી જિંદાલ જૂથના અધ્યક્ષ હોવા ઉપરાંત કૉંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાઈ આવેલા રાજ્યસભાના સભ્ય પણ છે. ઉદ્યોગપતિઓ જ્યારે કોઈ પણ પક્ષની ટિકિટ ઉપર રાજ્યસભામાં ચૂંટાઈ આવે ત્યારે તેનો રીતસર સોદો થતો હોય છે અને કિંમત ચૂકવવામાં આવતી હોય છે. નવીન જિંદાલ ભારતની પ્રજાના અવાજને વાચા આપવા નહીં પણ પોતાના વેપારી હિતોનું રક્ષણ કરવા રાજ્યસભાના સભ્ય બન્યા છે. નવીન જિંદાલની કંપનીને કોલસાના બ્લોક્સની મફતમાં ફાળવણી કરીને સરકારે તેમના પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું હતું.
સેટેલાઈટ ટીવીની ન્યૂઝ ચેનલો ઉપર અચાનક કોઈ સમાચાર મોટા પાયે ચમકવા લાગે તેની પાછળ કોઈ વેપારી ગણતરીઓ કામ કરતી હોય છે. થોડા સમય પછી અચાનક આ સમાચારો પર પડદો પાડી દેવામાં આવે તેની પાછળ પણ પડદા પાછળની કોઈ રમત કામ કરતી હોય છે. બાબા રામદેવ અને અણ્ણા હઝારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનને ટીવીની ન્યૂઝ ચેનલોએ આટલું ઊંચક્યું તેની પાછળ પણ ગણતરીઓ હતી. હવે બાબા રામદેવ અને અણ્ણા ન્યૂઝ ચેનલો પરથી ગુમ થઈ ગયા છે, તેની પાછળ પણ પડદા પાછળની કોઈ મોટી રાજરમત કામ કરી રહી છે.
કોલસાનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે ટીવીની બધી ન્યૂઝ ચેનલો ખાઈ-પીને અજય સંચેતી, નવીન જિંદાલ વગેરે ઉદ્યોગપતિઓની કંપનીઓ પાછળ પડી ગઈ હતી. થોડા સમય પછી રોબર્ટ વાડરાનું પ્રકરણ બહાર આવ્યું ત્યારે ઝી ન્યૂઝ સહિતની બધી ચેનલોએ ‘કોલગેટ’ બાબતમાં ભેદી મૌન ધારણ કરી લીધું હતું.
અચાનક ઝી ન્યૂઝ ઉપર કોલસા કૌભાંડ બાબતમાં નવીન જિંદાલને ટાર્ગેટ બનાવીને સમાચારોનો મારો શરૂ થયો હતો. ઝી ન્યૂઝના રિપોર્ટર નવીન જિંદાલનો અભિપ્રાય જાણવા ગયા ત્યારે તેમણે કેમેરા તોડી નાખવાની ધમકી આપી હતી. ઝી ન્યૂઝે જાહેરમાં એવો આક્ષેપ કર્યો હતો કે નવીન જિંદાલ તેમને લાંચની ઓફર કરી રહ્યા છે. અચાનક ઝી ન્યૂઝ ઉપર જિંદાલ બાબતમાં સ્ટોરીઓ આવતી બંધ થઈ ગઈ હતી અને તેમની વચ્ચે મુલાકાતોનો દોર શરૂ થયો હતો.
ઝી ટીવી ઉપર સતત ચાલી રહેલી કુપ્રસિદ્ધિથી ત્રાસીને શકય છે કે નવીન જિંદાલ તેમને લાંચ આપવા તૈયાર થઇ ગયા હોય. ટીવીની ચેનલો લાંચની રકમ રોકડમાં નથી સ્વીકારતી, પણ જાહેરખબરોના કમિટમેન્ટના રૂપમાં સત્તાવાર લાંચ લે છે. નવીન જિંદાલે પહેલી મિટીંગમાં ૨૦ કરોડ રૂપિયાની જાહેરખબરોનું કમિટમેન્ટ આપવાની તૈયારી બતાવી હતી, પણ ઝી ન્યૂઝે બીજી મિટિંગમાં આ રકમ વધારીને ૧૦૦ કરોડ રૂપિયા કરી નાખી હતી. નવીન જિંદાલે અગમચેતી વાપરીને આ બંને મિટિંગોનું વિડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું, જે તેમણે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને જાહેર કર્યું છે.
નવીન જિંદાલે લખાવેલી એફઆઈઆર મુજબ તેમની કંપનીના ત્રણ ઉચ્ચ અધિકારીઓ ૧૭ સપ્ટેમ્બરે નવી દિલ્હીની હયાત રિજન્સી હોટેલના પોલો લાઉન્જમાં ઝી ન્યૂઝના ટોચના બે ઓફિસરોને મળ્યા હતા. આ બે ઓફિસરો સમીર આહલુવાલિયા અને સુધીર ચૌધરી ઝી ન્યૂઝ સંપાદક હોવા ઉપરાંત તેના બિઝનેસ હેડ પણ છે. ટીવીની ન્યૂઝ ચેનલોનું તંત્ર જ એવી રીતે ગોઠવવામાં આવે છે કે સંપાદકોને બિઝનેસ વધારવાની જવાબદારી સોંપવામાં આવે છે. અગાઉ ટીવીની અનેક ચેનલોએ અનેક ઉદ્યોગપતિઓ સાથે સોદાબાજી કરીને તેમના વિશેના સમાચારો બ્લેકઆઉટ કર્યા હશે, પણ એ બધું પરસ્પરની સહમતીથી થતું હોવાથી આપણા સુધી આ વાત પહોંચી નહોતી.
આ વખતે સોદાબાજીની શરતોમાં કાંઈક મતભેદ રહી ગયા. જેને કારણે ટીવીની ચેનલ અને ઉદ્યોગપતિ વચ્ચે અંટસ પડી અને વાત આપણા સુધી પહોંચી ગઈ છે.
ઝી ન્યૂઝ સામે નવીન જિંદાલે કરેલી ફરિયાદમાં તથ્ય જોઈને જ બ્રોડકાસ્ટ એડિટર્સ એસોસિયેશને તેમના ખજાનચી સુધીર ચૌધરીને હોદ્દા ઉપરથી રાજીનામું આપવાની ફરજ પાડી છે. નવીન જિંદાલે પોતાની ફરિયાદમાં લખ્યું છે કે ઝી ન્યૂઝના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે આ વાટાઘાટો તેઓ ઝી ટીવીના અધ્યક્ષ સુભાષ ગોયેલના ઈશારા ઉપર જ ચલાવી રહ્યા છે અને દરેક બાબતથી તેમને વાકેફ રાખવામાં આવી રહ્યા છે. આ કારણે તેમને એફઆઈઆરમાં સમીર આહલુવાલિયા અને સુધીર ચૌધરી ઉપરાંત સુભાષ ગોયેલનું નામ પણ સામેલ કર્યું છે.
ટીવીની ચેનલોએ ભૂતકાળમાં અનેક શક્તિશાળી બાબાઓને બેનકાબ કરવાની ઝુંબેશ ચલાવીને તેમની પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું કહેવાય છે. નિર્મલ બાબા નામના સાધુ પાસેથી એક ચેનલે ૧૭ કરોડ રૂપિયા માગ્યા હતા. નિર્મલ બાબાના ભક્તો આટલા્ રૂપિયા ખર્ચવા તૈયાર નહોતા એટલે બાબા સામે જોરદાર ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તેવી જ રીતે બોરીવલીમાં પોતાનો આશ્રમ ધરાવતાં રાધે માતા સામે પણ ચેનલોએ ઝુંબેશ ચલાવી હતી.
ટૂંક સમયમાં પડદા પાછળ કાંઈક એવું બન્યું કે આ બંને ઝુંબેશો બંધ થઈ ગઈ હતી.
આવા તો ઘણા કિસ્સાઓ મિડિયાના સર્કલમાં જાણીતા છે.
વર્તમાન રાજકીય પદ્ધતિમાં દેશના રાજકારણીઓ માટે ભ્રષ્ટાચાર આચર્યા વિના સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ છે, તેમ ટીવીની ન્યૂઝ ચેનલો વચ્ચે પણ એટલી ગળાકાપ હરીફાઈ છે કે ગેરરીતિઓ આચર્યા વિના તેઓ પણ સ્પર્ધામાં ટકી શકે તેમ નથી. ટીવીની ન્યૂઝ ચેનલો ઉપર સતત જાહેરાતોનો જે મારો ચાલે છે, એ બધી જાહેરાતો માત્ર વેપારી ગણતરીથી આપવામાં આવતી હોય એ શક્ય નથી.
આપણા દર્શકોને એવી આદત હોય છે કે ટીવી ઉપર જે કોઈ સમાચાર તેઓ જુએ તેને સાચા અને તટસ્થ માની લે છે. હકીકત તેનાથી કાંઈક અલગ જ હોય છે, જેનો ખ્યાલ આપણને ઝી ન્યૂઝના પ્રકરણ ઉપરથી આવે છે.

No comments:
Post a Comment