Saturday, September 13, 2014

ભારતમાં ક્રાંતિજ્વાળાઓ ભડકાવવા જરૂર છે એક ચિનગારીની -- 06-11-2012

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=69723

ભારતમાં ક્રાંતિજ્વાળાઓ ભડકાવવા જરૂર છે એક ચિનગારીની    --   બ્લોગ સ્પોટ

આપણું ભારત, હિંદુસ્તાનમાંથી ઈન્ડિયા બનેલું ભારત, સનાતનકાળથી સર્વોચ્ચ મૂલ્યોનું વાહક બનેલું ભારત. ઋષિ-મુનિઓના દર્શન અને ચિંતનથી ઉત્કૃષ્ટ જીવનશૈલીનું ધ્વજારોહક બનેલું ભારત. ઈશ્વરની ચેતના અને તેમના અંશના પ્રાગટ્યનું વિશ્વનું એકમાત્ર સ્થાન ભારત. ક્રાંતિની જ્વાળાઓના શિખર પર રહીને પણ ક્રાંતિથી વંચિત રહી જતું ભારત! ભારત આશરે પાંચ હજાર વર્ષથી ક્રાંતિની પ્રતીક્ષામાં છે. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ દ્વારા થયેલી ક્રાંતિ બાદ ભારતમાં સાચા અર્થમાં ક્રાંતિ થઈ શકી નથી. જે ક્રાંતિના નામે પ્રચલિત ઘટનાઓ છે, તે માત્ર પ્રતિક્રિયામાંથી જન્મેલા ત્વરિત પરિવર્તનો કે વધુમાં વધુ અધૂરી ક્રાંતિઓ છે. ભારતે અને ભારતના લોકોએ ક્યારેય આ પરિવર્તનોને સ્થાયી કરીને પૂર્ણ ક્રાંતિને પામવા માટે પ્રયત્ન કર્યો નથી.

કદાચ ભારતના લોકોનું વર્તન એવું છે કે ક્રાંતિથી અને ક્રાંતિના લોહિયાળ પરિણામોથી તેઓ ડરી રહ્યા છે. ક્રાંતિ એક મોટું વાવાઝોડું છે, જેમાં જેનાં મૂળ ઊંડા નહીં હોય તેવી બધી વસ્તુઓ ઊડીને દરિયામાં જઈને પડશે. કુદરતે એટલે જ તો ભારતની ત્રણ બાજુ સમુદ્ર આપ્યો છે કે જે વસ્તુઓના દેશમાં ઊંડે સુધી મૂળિયા ન હોય તેને દરિયામાં ડૂબાડી શકાય. ક્રાંતિના લાલવર્ણી લાગવાનું કારણ તેનામાં રહેલી લોહીની લાલાશ છે. ક્રાંતિમાં લોહીની લાલાશ તેને પામવાની જે લોકોને અદમ્ય ઈચ્છા હોય છે, તેના જ રક્તની હોય છે. ત્યાર પછી ક્રાંતિ તેને રોકનારાઓનું પણ લોહી વહેવડાવે છે. ક્રાંતિ કદી અધૂરા હૃદયે અને ડરતા ડરતા પામી શકાતી નથી. તેના માટે અખંડ શ્રદ્ધા, અડગ વિશ્વાસ અને અવિરત નિર્ભયતા બિલકુલ આવશ્યક બાબતો છે.

ક્રાંતિ તેના નેતા વગર અશક્ય છે. ક્રાંતિનો જે નેતા બને છે, તે ભગવાન બની જાય છે. કૃષ્ણ ભગવાન છે કે નહીં તેની ચર્ચા આસ્તિકો અને નાસ્તિકો વચ્ચે સતત થતી રહેશે, પરંતુ મહાભારતના યુદ્ધમાં થયેલી રક્તક્રાંતિએ કૃષ્ણને લોકહૃદયમાં ભગવાન જરૂરથી બનાવી દીધા છે, તેનાથી કોઈ ઈનકાર કરી શકે તેમ નથી. મહાભારતની રક્તક્રાંતિને અધર્મ વિરુદ્ધ ધર્મના જય સાથે તેના આખરી અંજામ સુધી કોઈએ પહોંચાડી હોય, તો કૃષ્ણના સબળ અને સક્ષમ નેતૃત્વએ. ક્રાંતિ હવામાં હોય છે. ક્રાંતિની હવા ધીરે ધીરે ફેલાય છે અને અચાનક વાવાઝોડું બનીને અનિષ્ટો અને અધર્મીઓ પર ત્રાટકે છે. ક્રાંતિની હવા પોતાનો નાયક અને સંગઠન ખુદ બનાવી લેશે. ક્રાંતિ નિશ્ચિત નાયક અને નિશ્ચિત સંગઠનો દ્વારા ક્યારેય થઈ નથી અને થવાની નથી. ક્રાંતિના વાવાઝોડામાં નાયક ઊભરી આવે છે અને નાયકની આસપાસનું વર્તુળ સંગઠનનું સ્વરૂપ લઈ લે છે. આ સંગઠન ક્રાંતિને સ્થાયી કરવા માટે સંસ્થાનું સ્વરૂપ ધારણ કરી નાખે છે, પરંતુ સંસ્થા સ્થાયી થવાથી સ્થાપિત હિતોના આગળ વધવાનું જોખમ રહેલું હોય છે. તેથી ક્રાંતિના ઉન્નત શિખરોને સર કર્યા બાદ તેની સંસ્થા, સંગઠનો અને નાયકોનું વિસર્જન અતિ આવશ્યક છે.

મહાભારતની રક્તક્રાંતિ જુઓ. માત્ર પાંચ પાડવોને કૃષ્ણનું નેતૃત્વ મળતા કૌરવોની અઢાર અક્ષૌણી સેના સામે તેમણે બાથ ભીડી. સંખ્યાની દષ્ટિએ પાંડવો પહેલેથી નબળા હતા. કૌરવ સેનાના મહારથીઓ એકએકથી ચડિયાતા હતા, પરંતુ કૌરવો પાસે એક વાતની કમી હતી અને તે ધર્મ હતો. અધર્મના માર્ગ પર ચાલનારા કૌરવોને દુર્યોધનનું નેતૃત્વ હતું અને દુર્યોધન પર અંધ ધૃતરાષ્ટ્રનો અતિમોહ હતો. અધર્મના માર્ગે કૌરવ સેનાને કૃષ્ણના સબળ નેતૃત્વવાળા પાંડવો સામે નિર્બળ બનાવી દીધી. પાંડવો ધર્મયુદ્ધ જીત્યા. ધર્મનો જય થયો. રક્તક્રાંતિના પરિણામો પ્રાપ્ત થયાં, પરંતુ ત્યાર પછી શું થયું? પાંડવો હિમાલય ગાળવા નીકળી ગયા. રાજ્ય પોતાના વંશજોને સોંપી દીધું. કૃષ્ણ ભાલકાતીર્થમાં શિકારીના તીરથી વિંધાઇને પાછા પોતાની લીલા સમાપ્ત કરીને વૈકુંઠ આવ્યા. મહાભારતના રક્તક્રાંતિ બાદ તમામ વસ્તુઓ અને નાયકો જેઓ તેના માટે જવાબદાર હતા, તેમણે પોતાને વિસર્જિત કરી દીધા. આ ક્રાંતિની અસરો ઘણાં લાંબા સમય સુધી દેશમાં રહી. ક્રાંતિ થયા પછી પણ ક્રાંતિની અસરો નિરંતર ચાલુ રહે તેના માટે તેને રિચાર્જ કરતા રહેવી પડે છે. 

ભારતમાં ક્રાંતિના રિચાર્જની પ્રક્રિયામાં કંઈક ખલેલ પડી. તેના કારણો ઘણાં હોઈ શકે, નેતૃત્વની અક્ષમતા, સમાજની શિથિલતા, રાજકીય બેજવાબદારી, સાંસ્કૃતિક ઉદાસીનતા અથવા આર્થિક મહત્ત્વકાંક્ષાઓ. ભારતમાં મહાભારત પછી ક્રાંતિ ક્યારેક રિચાર્જ થઈ નથી. 

હા, આપણે ક્રાંતિ તરીકે જેને ઓળખીએ છીએ, તેવી કેટલીક ઘટનાઓ જરૂરથી બની, પરંતુ આ ઘટનાઓ ક્રાંતિ જેવી જરૂર હતી, પરંતુ ક્રાંતિ ન હતી. આ ઘટનાઓ અન્ય ઘટનાઓની પ્રતિક્રિયામાંથી જન્મી હતી. ક્રાંતિ ક્યારેય પ્રતિક્રિયા હોતી નથી. ક્રાંતિ પ્રતિક્રિયા વગર એમ ને એમ જ વ્યવસ્થામાં રહેલી અવ્યવસ્થાઓમાંથી પેદા થાય છે.

ક્રાંતિ રિચાર્જ થતી રહેતી હોત, તો ભારતીય સમાજને ગુલામીના હજાર વર્ષ સહન કરવું પડયું ન હોત. એલેકઝાંડર સામે ચંદ્રગુપ્ત-ચાણક્યે પ્રતિકાર કર્યો. મહંમદ ગઝનવી સામે રાજા-મહારાજાઓ અલગ-અલગ લડ્યા, પૃથ્વીરાજ ચૌહાણે હાથમાં આવેલા મહંમદ ઘોરીને છોડ્યો. બાબરને રાણા સાંગાની તલવારનો સામનો કરવો પડ્યો, અકબરને રાણા પ્રતાપની ટેક સામે જીતવા છતાં સતત નમતા રહેવું પડ્યું. ઔરંગઝેબ સામે છત્રપતિ શિવાજી, ગુરુ ગોવિંદસિંહ અને છત્રસાલની તલવારોએ બરાબરની ઝીંક ઝીલી, અંગ્રેજો સામે ૧૮૫૭માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, ક્રાંતિકારીઓએ સતત અંગ્રેજી સલ્તનતના પાયા પોતાના બલિદાનો થકી હલબલાવ્યા, આઝાદ હિંદ ફોજ થકી સુભાષ બાબુએ અંગ્રેજોને હિંદુસ્તાનીઓની જાગી રહેલી શક્તિ દેખાડી, ૧૯૪૬માં નૌસેનાએ મુંબઈમાં બળવો કર્યો. આ તમામ ઘટનાઓ પ્રતિક્રિયાઓ હતી, ગુલામી સામેની પ્રતિક્રિયાઓ હતી. તે ક્રાંતિ ન હતી, ક્રાંતિ ગુલામીમાંથી પેદા થતી નથી, તે ગુલામીને ફગાવી દેનારી સમાજની સ્વયંભૂ ઘટના હોય છે. ભારતમાં કહેવાય છે કે દેશની આઝાદીને ૬૫ વર્ષ થયા, પરંતુ હકીકત એ છે કે ક્રાંતિની સ્વયંભૂ ઘટના નહીં થવાને કારણે પ્રતિક્રિયાવાદી ઘટનાઓથી અંગ્રેજો અને અંગ્રેજી સલ્તનતે જરૂરથી દેશ છોડ્યો છે. પરંતુ અંગ્રેજીયત, તેમના કાયદા અને તેમની નીતિઓ હજી પણ આ દેશમાં ચાલુ છે. જો આમ હોય તો આ દેશ આઝાદ કેવી રીતે કહી શકાય? 

ક્રાંતિ આ દેશને સંપૂર્ણ સ્વતંત્ર કરવાની સ્વરાજને સંપૂર્ણ સાર્વભૌમત્વ અપાવવાની અને તેના થકી સુરાજ નિર્માણ કરવાની અતિ જવાબદારીપૂર્ણ પ્રક્રિયા છે. આ દેશ ક્રાંતિ ઈચ્છી રહ્યો છે. દુનિયામાં અત્યારે ક્યાંય કોઈ ક્રાંતિની શક્યતા છે. તો તે ભારતમાં છે. ભારતમાં ક્રાંતિ ઘટવા માટેના તમામ કારણો મોજૂદ છે અને લોકો પણ ક્રાંતિ ઈચ્છી રહ્યા છે, પરંતુ ભારતમાં ગુલામીના હજાર વર્ષમાં એક ક્રાંતિ વિરોધી માળખું અસ્તિત્વમાં આવ્યું છે, આ માળખું ભારતમાં ક્રાંતિ સર્જવા દેતું નથી. જેઓ મોતના મરજીવા બનીને મમત્વને છોડીને મેદાનમાં આવશે, જેઓ લોકોની આકાંક્ષાઓને પામવા માટે પોતાના લીલુડા માથા વધેરાવા તૈયાર થશે, જે લોકો સ્વને છોડીને ભારતમાં વિલીન થવા માટેની તૈયારી દર્શાવશે, ક્રાંતિ તો આવા લોકો માટે ચપટીની વાત છે. આવા લોકો ભારતની બહુરત્ના વસુંધરા જ આપશે.

- ક્રાંતિ વિચાર

No comments:

Post a Comment