Saturday, February 28, 2015

ગુલામોનું બજેટ શા માટે સાંજે પાંચ વાગે વંચાય છે? --- ચંદ્રકાંત બક્ષી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=155780

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


અમેરિકામાં કોઈક ચક્રમ એક્સપર્ટ જાહેર કરે છે કે દૂધ શિશુઓ માટા હાનિકર્તા છે અને આપણાવાળા તે વાત વિશે લેખો લખવા બેસી જાય છે અને બાળક મધવાળી આંગળી ચાટી જાય એમ અમેરિકન ચક્રમની વાત ચાટી જાય છે. આ પૃથ્વી પર કરોડો વર્ષોથી કરોડો મનુષ્યો અને સ્તન્ય પશુઓના નવજાત શિશુઓ અને બાળકો દૂધ પીને જ પોષણ પામ્યાં છે. પણ જો દૂધથી બાળકને હાનિ થતી હોય તો કરોડો વર્ષોથી કરોડો મનુષ્ય અને પશુ શિશુઓને હાનિ જ હાનિ થઈ રહી છે! એકને કહી, દૂજેને સુની, ગુરુ નાનક કહે દોંનો ગ્યાની...

ગુલામી લોહી, હાડકાં, સ્નાયુઓમાં કૅન્સર કે એઈડ્ઝની જેમ વ્યાપ્ત એક રોગનું નામ છે. અથવા કદાચ દરેક મનુષ્યના શરીરમાં ગુલામીના અને આઝાદીના સેલ્સ હશે, આઝાદીના સેલ્સ બીમાર થઈને મરી જતા હશે અને પછી મનુષ્ય ગુલામ થઈ જતો હશે. એક હિંદુસ્તાની કે ભારતીય દૃષ્ટિકોણ વિકસી શક્યો નથી, જેમ એક ચીની કે આફ્રિકન દૃષ્ટિકોણ છે એ રીતે. દક્ષિણ કોરિયાએ ઓલિમ્પિક્સમાં પણ વિશ્ર્વભરની ટીમોને પરેડનો ક્રમાંક અંગ્રેજી એ,બી,સી,ડી પ્રમાણે નહીં પણ એમની કોરીઅન ભાષાની બારાખડી પ્રમાણે આપ્યો હતો. જાપાની કે ચીની નેતા અંગ્રેજીમાં બોલતા નથી, અને ઘણીવાર અંગ્રેજી જાણતા હોય છે. ચીનના તાંગશાંગમાં ભયાનક ધરતીકંપ થયો અને ૫ થી ૭ લાખ માણસો મરી ગયા, પૂરું ઔદ્યોગિક નગર ખતમ થઈ ગયું, આખી દુનિયા ધન લઈને સહાયાર્થ દોડી આવી, ચીને વિષાદી ગૌરવથી કહ્યું: થેંક્સ!

પણ અમે અમારી પ્રજાની મહેનત અને પસીનાથી ફરી ઊભા થઈશું! અને ભારતવર્ષ, સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા, ને ડેન્માર્કની સ્કૂલના છોકરાં ૨૦૦૦ ડૉલર મોકલે તો પણ આપણા લટકમટક મંત્રીશ્રીઓ ટી.વી. કેમેરાની લાલ લાઈટ સામે જોતા મરકમરક થઈને સ્વીકારી લેતા હોય છે. ક્યાંય ફર્ક છે માણસની ક્વોલિટીનો. અત્યારે તો વી. પી. સિંહ ખુશખુશ થઈ જાય એટલી ઝડપથી વિશ્ર્વનાં રાજ્યમંડળોમાં આપણે પછાત, પછાતતર, પછાતતમ બની રહ્યા છીએ. કદાચ લોટો લઈને ભિક્ષાં દેહિ... અને ગ્રહણદાન, ગ્રહણદાન... બોલતા બોલતા પૃથ્વી પર ભટકવાની આપણને મજા પડી ગઈ છે.

ગુલામી મનોદશા કોને કહે છે? સન ૧૭૩૯માં ઈરાનનો નાદિર કુલી ઉર્ફ નાદિરશાહ દિલ્હી લૂંટે છે, કતલ ચલાવે છે, એ દિલ્હીમાં માત્ર ૫૭ દિવસો રહે છે. પછી એ ઈરાન જાય છે. ત્યાં એનું ખૂન થાય છે, તખ્ત પર બેસનાર બીજી વ્યક્તિનું ખૂન થાય છે, પછી નવો વંશ આવે છે અને એ પણ સમાપ્ત થાય છે. પણ નાદિરની દિલ્હી લૂંટ પછી ૫૦ વર્ષે, ૯૦૦ માઈલ દૂરની મુર્શિદાબાદની ટંકશાળામાં, હજી નાદિરશાહી સિક્કાઓ છપાતા હતા, ચલણ તરીકે સ્વીકારાતા હતા... અને નાદિર તો બંગાળથી ૯૦૦ માઈલ દૂર ૫૦ વર્ષોે પહેલાં આવીને માત્ર ૫૭ દિવસ જ રહી ગયો હતો! ગુલામી મનોેદશાનું આનાથી વધારે વેધક પ્રમાણ મળવું મુશ્કેલ છે.

ચીને એના નેતાઓનાં નામો, શહેરોનાં નામો, નદીઓનાં નામો, પૂરી લિપિ બદલી નાખ્યા છે, અને આપણે હજી અલાહાબાદને પ્રયાગરાજ કે અમદાવાદને કર્ણાવતી કરતાં ફફડીએ છીએ. જ્યાં સુધી જાતિગર્વ નથી આવતો, જ્યાં સુધી જાતિ માટે ફના થવાની કુરબાની ભાવના નથી આવતી ત્યાં સુધી શક્તિમાન દુનિયા જ નહીં, પણ ફાલતુ મેધા પાટકરો પણ લાતો મારતી રહે છે. ગુજરાતની અસ્મિતા આપણે કનૈયાલાલ મુનશીની મુઠ્ઠીમાંથી લઈને મુંબઈના હોલસેલ વેપારીઓની બંડીના અંદરના ખિસ્સાઓમાં સરકાવી દીધી છે.

ફેબ્રુઆરીમાં આપણે ત્યાં બજેટ આવશે, કારણ કે આપણું સરકારી વર્ષ ૧ એપ્રિલથી ૩૧ માર્ચ સુધીનું છે. શા માટે એ પ્રમાણે છે? કારણ કે ઈંગ્લૅન્ડમાં એ પ્રમાણે છે! કારણ કે ૧૮૫૪માં ઈંગ્લૅન્ડમાં કાયદો પસાર કરવામાં આવ્યો કે વાર્ષિક હિસાબ ૩૧ માર્ચ સુધીનો ગણવો. ૧૮૬૪માં બ્રિટિશ ઈન્ડિયન સરકારે એક કમિશન નીમ્યું જેણે સૂચવ્યું કે હિંદુસ્તાનમાં બ્રિટિશ પદ્ધતિ અપનાવવી જોઈએ. અને ૧૮૬૬થી આપણે ત્યાં આ ૧ એપ્રિલ - ૩૧ માર્ચવાળું વર્ષ છે.

અચ્છા, આપણે ત્યાં ૨૮ ફેબ્રુઆરીએ સાંજે ૫-૫:૩૦ વાગ્યે જ શા માટે બજેટ વંચાવું શરૂ થાય છે? સવારે ૧૧ વાગ્યે સંસદમાં શરૂ ન કરી શકાય, જ્યારે આખો દેશ ઑફિસોમાં બેસી ગયો હોય? ના, એટલા માટે કે ‘બેક-હોમ’ ઈંગ્લૅન્ડમાં એ વખતે ૧૧:૩૦ વાગ્યા હોય (ઈન્ડિયા અને ઈંગ્લૅન્ડ વચ્ચે સાડા પાંચ કલાકનો સમયફેર છે), અને ઈંગ્લૅન્ડ એ આપણો ઓરમાન બાપ છે માટે બ્રિટિશ ઈન્ડિયન સરકારે સાંજે બજેટસત્ર શરૂ કરવાની પ્રણાલિકા પાડી હતી. અંગ્રેજો તો ગયા, પણ એમના પાળેલાના પાળેલા આપણે ત્યાં આબાદ છે એટલે બજેટ હજી એ રીતે જ આવે છે. આપણા દેશનો ૯૦ ટકા વરસાદ ચોમાસામાં પડે છે, દિવાળી અને ક્રિસ્ટમસ સિવાયના લગભગ આપણા બધા જ ધાર્મિક-અધાર્મિક ઉત્સવો (પર્યુષણ, બળેવ, જન્માષ્ટમી, નવરાત્રિ, ગણેશોત્સવ, પૂજા, પોંગલ, ઓણમ, ગૌરવ, દિવાસો, વિજયા દશમી, પટેટી, ઈદ, ગુરુ નાનક જન્મદિવસ વગેરે) વરસાદના દિવસોમાં આવે છે. ઈંગ્લૅન્ડ માટે ફેબ્રુઆરી બરાબર છે, આપણા દેશનું હવામાન વરસાદ, નાણાંનું ચલણ, બજારમાં આવતી ફસલો, લોકોના ઉત્સવો, પ્રજા કમાય છે અને ખર્ચ કરે છે એ સીઝન, બધું જ જુદું છે. ફેબ્રુઆરીના આપણા સરકારી બજેટનો ફાયદો કે નુકસાન એક જ છે કે ડિસેમ્બર - જાન્યુઆરી - ફેબ્રુઆરીમાં આપણા સરકારી વિભાગો ખોદાખોદ કરીને ધડાધડ ગ્રાન્ટ વાપરવા માંડે છે કે જેથી આવતે વર્ષે પણ આ ખર્ચના આધાર પર ગ્રાન્ટ મળતી રહે...! આ ખોદાખોદ વિકાસલક્ષી નથી, ખર્ચલક્ષી છે.

હજી આપણા સંવિધાનમાં ભાષા છે કે અમુક વ્યક્તિ અમુક સત્તા ભોગવતો રહેશે જ્યાં સુધી પ્રેઝિડેન્ટનું ‘પ્લેઝર’ હશે ત્યાં સુધી. હજી ફૌજી ડિસ્પેચોમાં લખેલું આવે છે કે ‘ઑફિસર્સ એન્ડ મેન’ હતા. આ બધી બ્રિટિશ હાકેમશાહીની સામંતી ભાષા છે જે આપણા ગુલામો છોડી શકતા નથી. લશ્કરમાં ઑફિસર્સ અંગ્રેજો માટે અને મેન એ દેશીઓ માટે વપરાતું હતું. પણ આપણે એ હજી છોડ્યું નથી, હવે એનો ભેદ રહ્યો નથી છતાં પણ. દિલ્હીમાં રમતોત્સવ થાય અને એમાં ‘ભારતીયમ્’ મોટા અક્ષરે રોમન લિપિમાં, એટલે કે અંગ્રેજીમાં લખ્યું હોય, કારણ કે દેવનાગરી લિપિ કાળાઓની છે. અમદાવાદની અંબિકા નામની છોકરી પ્રધાનમંત્રી રાજીવરત્ન ગાંધી સમક્ષ હિંદી માટે પ્રેમ પ્રગટ કરે માટે એનું ઈનામ ખૂંચવી લેવાય.

આપણી ગુલામી એ પ્રકારની છે કે ટી.વી.ની દિલ્હીસ્થિત ઉદ્ઘોષિકા અમેરિકન ઉચ્ચારો ઈલીનોય અને આર્કાન્સો બરાબર કરે છે પણ એને વલ્લભભાઈ પટેલ કે મૌલાના અબુલ કલામ આઝાદ બોલતા આવડતું નથી (બલબાઈ અને અબ્દુલ ઉચ્ચારો થયેલા સાંભળ્યા છે). શેક્સપિયરના જમાનાનું અંગ્રેજી વાંચનારા અને ૧૯મી સદીનું અંગ્રેજી બોલનારા હવે ફક્ત હિંદુસ્તાનમાં જ રહી ગયા છે. સંસ્કૃત ભણવા માટે ભારતીય વિદ્યાર્થીઓ જર્મની જતા હતા એવું સાંભળ્યું હતું પણ હવે હિંદીમાં ડૉક્ટરેટ લેવા એક રાષ્ટ્રભાષી પેરિસ જઈ રહ્યો છે એ સાંભળ્યું ત્યારે દિલ પ્રસન્ન થઈ ગયું...

મોદીના મનની વાતો --- સૌરભ શાહ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=155672

મોદીના મનની વાતો

યાર, કમાલ માણસ છે આ. ભારતના પ્રધાનમંત્રી બન્યા પછી પણ વિદ્યાર્થીઓ સાથે પૂરી પચ્ચીસ મિનિટ સુધી એમને સમજાય એ રીતે, એમની ભાષામાં રેડિયો પરથી ‘મન કી બાત’ કરવાનું સૂઝયું કેવી રીતે? અને એ પછી દિવસનાં હજાર કામની વચ્ચે આટલી બારીકીથી, આવા કૉન્સનટ્રેશનથી, આટલા નવા નવા મુદ્દાઓ વિચારીને બોલવું. હશે, એમની પાસે પણ પ્રવચનો તૈયાર કરી આપનારી ટેલેન્ટેડ ટીમ હશે. પણ છેવટે તો એને અપ્રૂવ કરવું, રજૂ કરવું, એમાં પોતાને જે કહેવું છે તે બધું જ સામેલ કરાવડાવવું - આ બધામાં ૨૫ મિનિટ કરતાં બીજો ઘણો વધારે સમય જવાનો. આનંદ છે કે નરેન્દ્ર મોદી આવો સમય દેશના વિદ્યાર્થીઓ માટે આપે છે. કોઈ કહેશે કે એમનો સ્વાર્થ છે - ભવિષ્યમાં આ સ્ટુડન્ટ્સ પોતાને વોટ આપતા થાય એટલે આવો પ્રચાર કરે છે. ઠીક છે. આવો સ્વાર્થ તો કોઈ પણ રાજકારણીમાં હોય. પણ કયો રાજકારણી આવું કામ કરે છે?

‘મન કી બાત’ વિશે સાંભળ્યું હશે તમે બધાએ, પણ આમય શ્યોર બહુ ઓછાએ આ રેડિયો ટૉક સાંભળી હશે. મોદીએ વાતની શરૂઆત સીધીસાદી ટિપ્સથી કરી છે અને હળવેકથી એવી ઊંચાઈએ એને લઈ ગયા છે જ્યાં પહોંચવાનું ગજું કોઈ ઉમદા કક્ષાના ફિલોસોફરનું જ હોય. અહીં રાજકારણી મટીને તેઓ ચિંતક બને છે. શરૂઆત સીધીસાદી છે:

‘નમસ્તે, યુવા દોસ્તો! આજે તો આખો દિવસ કદાચ તમારું મન ક્રિકેટ મૅચ પાછળ લાગ્યું હશે. એક તરફ પરીક્ષાની ચિંતા, બીજી તરફ વર્લ્ડ. શક્ય છે કે તમે નાની બહેનને કહી રાખ્યું હશે કે વચ્ચે-વચ્ચે મને સ્કોર કહેતી રહેજે. ક્યારેક તમને એવું પણ લાગતું હશે કે ચલો, યાર છોડો, થોડા દિવસ પછી તો હોળી આવી રહી છે. પછી માથે હાથ દઈને વિચારશો કે આ વખતની હોળી પણ બેકાર ગઈ. શું કામ આ એક્ઝામ માથે આવી! થાય છે ને આવું? બિલકુલ થતું હશે. મને ખબર છે. ખૈર દોસ્તો, તમારી આ મુસીબતના સમયમાં હું તમારી પાસે આવ્યો

છું. તમારા માટે (પરીક્ષાનો આ સમય) મહત્ત્વનો અવસર છે. એ સમયે હું આવ્યો છું અને હું કંઈ તમને કોઈ ઉપદેશ આપવા નથી આવ્યો. બસ, આમ જ, થોડી હલકીફુલકી વાર્તા કરવા આવ્યો છું.’

મોદીની આ ખાસિયત છે. ચૂંટણી પ્રચારની જાહેરસભામાં એક અલગ અંદાજથી બોલતા હોય, કોઈ સભાગૃહમાં નિશ્ર્ચિત ઑડિયન્સને સંબોધતા હોય ત્યારે એમનો અંદાજ જુદો હોય, ગુજરાતમાં શિક્ષકદિને બાળકો સાથે લાઈવ-વાતચીત થતી હોય ત્યારે સાવ જુદી ભાષા હોય - આ બધા સમયે જે કૉમન હોય તે એમની સિન્સિયારિટી, નિષ્ઠા. જે વિષય પર બોલવાનું છે તે વિષયને જ કેન્દ્રમાં રાખવાની સભાનતા. બાકી કુશળ વક્તાઓ તો કોઈ પણ વિષય તમે એમને આપો, એમની પાસે જે સ્ટૉક હોય તેમાંથી તમને આંજી નાખે એવું બોલી નાખે પણ તમારી આંખ ઉઘડે ત્યારે તમને યાદ પણ ન રહે કે એમણે શું બોલી નાખ્યું. મોદી આ જમાનાના એક ઉત્તમ વક્તા છે તે માત્ર એમની વક્તૃત્વ કળાને કારણે જ નહીં, એમના વક્તવ્યમાં આવતા એમના વિચારો-એમના ચિંતનને કારણે.

‘મન કી બાત’માં મોદી વિદ્યાર્થીઓને કહે છે: ‘ખૂબ વાંચ્યું ને, બહુ થાકી ગયા ને! અને મા ગુસ્સે થાય છે, પાપા ધમકાવે છે, ટીચર પણ ડાંટે છે, શું શું સાંભળવું નથી પડતું. ટેલિફોન મૂકી દો, ટીવી બંધ કરી દે, આખો દિવસ કમ્પ્યુટર પર બેસી રહે છે. ચાલ, બધું છોડીને ભણવા બેસ. આવું જ ચાલતું હોય છે ને ઘરમાં. આખું વરસ આ જ સાંભળ્યું હશે - દસમાની પરીક્ષા હોય કે બારમાની અને તમે પણ વિચારતા હશો કે આ એક્ઝામ પતે એટલે જાન છૂટે. એવું જ વિચારો છો ને? મને ખબર છે તમારા મનની વાત અને એટલે જ આજે હું ‘મન ની વાત’ કરવા આવ્યો છું.’

એ પછી વડા પ્રધાન પોતાના મનની મૂંઝવણ પ્રગટ કરે છે: ‘આમ જુઓ તો આજનો વિષય જરા અઘરો છે. આજનો વિષય જાણીને માબાપની ઈચ્છા હશે કે હું કંઈક એવી વાતો કરું જે તેઓ પોતાના દીકરા-દીકરીઓને કહી નથી શકતા. તમારા ટીચર ચાહતા હશે કે હું એવી વાત કરું જે વિદ્યાર્થી તરીકે તમારા માટે કામની હોય અને તમે વિદ્યાર્થીઓ મારી પાસેથી એવું સાંભળવા માગતા હશો જેને કારણે ઘરમાં જે પ્રેશર છે તે પ્રેશર ઓછું થઈ જાય. મને નથી ખબર કે મારી વાતો કોને કેટલી કામ આવશે. પણ મને એટલો સંતોષ જરૂર થવાનો કે ચાલો, મારા યુવાન મિત્રોની મહત્ત્વપૂર્ણ પળો દરમ્યાન હું એમની વચ્ચે હતો, મારા મનની વાતો એમની સાથે મેં ગુનગુનાવી. બસ આ જ મારો ઈદારો છે અને આમેય મને એવું કહેવાનો હક્ક તો બિલકુલ નથી કે હું તમને સારું પેપર કેવી રીતે લખવું, વધારે માર્ક્સ લાવવાની તરકીબો શીખવું કારણ કે હું આ બધી બાબતોમાં એક અત્યંત સાધારણ સ્તરનો વિદ્યાર્થી હતો. કારણ કે મેં મારા જીવનમાં કોઈ પણ એક્ઝામમાં સારા માર્ક્સ નથી મેળવ્યા. મામૂલી લોકો જેમ વાંચે એમ વાંચી નાખતો. ઉપરાંત મારા હેન્ડરાઈટિંગ પણ એટલા ખરાબ કે ક્યારેક તો મને લાગતું કે ટીચર મારું પેપર વાંચી નહીં શકતા હોય એટલે પાસ કરી નાખતા! ખૈર, આ તો બધી અલગ વાતો થઈ - હલકીફુલકી વાતો થઈ.’

અને આટલી પ્રસ્તાવના બાંધ્યા પછી વક્તા ગિયર બદલે છે. પરીક્ષાનો પ્રસંગ કેવી રીતે એક માનસિક બોજ બની જાય છે. એની વાત કરે છે. બીજાઓની સાથે સરખામણી કરીને માબાપ, અડોશીપડોશી, આપણે પોતે કઈ રીતે ટેન્શન ઊભું કરી નાખીએ છીએ એની વાત કરે છે.

નરેન્દ્ર મોદીની એ વાતો સાથે કોણ સહમત નહીં થાય? સ્કૂલનાં દિવસોમાં રિઝલ્ટ લઈને હું ઘરે આવતો ત્યારે મારાં માબાપ હંમેશાં મને કહેતા: જરાક વધારે મહેનત કરી હોત તો સંદીપની જેમ તારો પણ પહેલો નંબર આવ્યો હોત. મારા નિકટતમ ઓળખીતાઓ પણ એ જ કહેતા. સારા માર્ક્સ સાથે પાસ થવાનો બધો જ આનંદ ઓસરી જતો. આખું વરસ રખડી ખાય છે - એ જ સાંભળવાનું હોય. હવે રખડવું એટલે શું? મવાલીગીરી થોડી કરતા’તા? આખા એરિયાની સર્ક્યુલેટિંગ લાઇબ્રેરીઓમાં ફરી-ફરીને જે હાથમાં આવતી તે ચોપડીઓ વાંચી કાઢતા. સ્કૂલની ને બીજી લાઇબ્રેરીઓની તમામ ચોપડીઓ ચાટી જતા.

ઘરે આવતાં છાપાં-મૅગેઝિનોમાં રામન રાઘવન ખૂન કેસથી માંડીને કવિ ચિનુ મોદીએ ધર્મપરિવર્તન કરીને કરેલાં બીજાં લગ્ન કર્યા એનો વિવાદ સાંજના ગુજરાતી છાપાના રિપોર્ટ્સરૂપે આવતો તે વાંચતા. જેમ્સ બૉન્ડ અને રિપ કર્બી અને ડેગ્વૂડ-બ્લોન્ડીની કૉમિક પટ્ટીઓ વાંચતા. આને જો રખડી ખાવાનું કહેવાય અને એને કારણે ક્યારેય ક્લાસમાં પહેલો નંબર ન આવતો હોય તો પૂળો મૂક્યો પહેલા નંબર પર - એવું તે વખતે ટેન્ટેટિવલી લાગતું, હવે તો અફકોર્સ દૃઢતાપૂર્વક લાગે છે. મૅથ્સની ફાઈનલ્સના આગલા દિવસે જમતાં જમતાં સ્કૂલમાંથી ભેટ મળેલી વિમળા સેતલવાડ ટ્રસ્ટની ‘સાહસિક કિશોર’ નવલકથા વાંચવાને લીધે મૅથ્સમાં ઓછા માર્ક્સ આવ્યા હશે પણ એ કિશોરકથા હજુય યાદ છે. કોઈ અફસોસ નથી. અફસોસ હોય તો તે એટલો જ કે અમારા જમાનામાં પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ ક્યારેય અમને સંબોધીને આ રીતે ‘મન કી બાત’ નહોતી કરી. કદાચ એટલે જ, ૧૯૭૭ની લોકસભાની ચૂંટણીમાં રાયબરેલીથી રાજનારાયણ જીત્યા અને ઈન્દિરા ગાંધી હાર્યા એવા સમાચાર રેડિયો પર સાંભળીને વાર્ષિક પરીક્ષાનું વાંચવાનું પડતું મૂકીને રસ્તા પર ફૂટતા ફટાકડા સાંભળવા દોડી ગયા હતા.


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=155757

સ્પર્ધા કરવી, બીજાની સાથે નહીં પણ પોતાની જ સાથે: મોદી

સર્જેઈ બૂબકા વર્લ્ડ પોલ વૉલ્ટ ચૅમ્પિયન છે. યુક્રેનનો છે. એણે ૧૭ વખત આઉટડોરમાં અને ૧૮ વખત ઈન્ડોરમાં મેન્સ પોલ વૉલ્ટમાં પોતાના જ રેકૉર્ડ તોડ્યા છે. એથ્લેટિક્સની શરૂઆત એણે હન્ડ્રેડ મીટર્સની દોડ અને લૉન્ગ જમ્પથી કરી પણ રિયલ સિદ્ધિઓ પોલ વૉલ્ટમાં મેળવી. લાંબા વાંસડા સાથે દોડીને, એના પર લટકીને ૧૯ ફીટ બે ઈંચનો કૂદકો મારીને એણે પહેલો રેકોર્ડ સ્થાપ્યો. ૧૯૮૩ની વાત. ૨૦૦૧માં રમતમાંથી નિવૃત્તિ લીધી એ પહેલાં એણે, અગાઉ લખ્યું તેમ એણે ૩૫ વખત પોતે જ પોતાના રેકોર્ડ તોડ્યા. ૨૦ ફીટ પોણા બે ઈંચ સુધી એણે પ્રગતિ કરી - ઈંચ બાય ઈંચ. 

નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે ‘મન કી બાત’ કરતી વખતે સર્જેઈ બૂબકાનો દાખલો આપે છે: ‘દોસ્તો, એક વાત છે જે આપણને બહુ તકલીફ આપતી હોય છે. આપણે હંમેશાં આપણી પ્રગતિની સરખામણી બીજાઓની સાથે કરવાની ટેવ ધરાવતા હોઈએ છીએ. આપણી બધી જ શક્તિઓ પ્રતિસ્પર્ધામાં ખર્ચાઈ જતી હોય છે. જીવનનાં ઘણા ક્ષેત્રોમાં કદાચ પ્રતિસ્પર્ધા જરૂરી પણ હશે, પરંતુ પોતાના વિકાસ માટે પ્રતિસ્પર્ધા એટલી પ્રેરણા નથી આપતી જેટલી આપણે આપણી પોતાની જ સાથે સ્પર્ધા કરવાની ટેવ આપણને પ્રેરણા આપે છે. તમે પોતાની સાથે જ સ્પર્ધા કરતા રહો, જ્યાં છો ત્યાંથી હજુ વધારે આગળ જવાની સ્પર્ધા તમારી પોતાની જ સાથે કરો (અને તમે પોતે જ તમારો માપદંડ બનો). પછી જુઓ, આ સ્પર્ધાની તાકાત તમને એટલો સંતોષ આપશે, એટલો આનંદ આપશે, તમે કલ્પના પણ નહીં કરી શકો. આપણે બહુ મોટા ગૌરવ સાથે એથ્લીટ સજેર્ર્ઈ બૂબકાનું સ્મરણ કરીએ છીએ. આ રમતવીરે ૩૫ વખત પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. એ દર વખતે પોતાની જ પરીક્ષા લેતો. પોતાની જાતને પોતાની જ કસોટીમાં ઉતારતો અને નવા સંકલ્પો સિદ્ધ કરતો. તમે પણ એ જ રીતે આગળ વધો, પ્રગતિના માર્ગ આડે બીજું કોઈ નહીં આવી શકે, જો જો.’

સ્પર્ધાના આ યુગમાં મોદી યુવાનોને જે રીતે પ્રેરણા આપે છે તે વાત સમજવા જેવી છે. આખી દુનિયા એક રૅટ રેસમાં દોડી રહી છે. સૌની નજર પોતાનાથી આગળ નીકળી ગયેલા લોકો પર છે. અહીં જ આપણા બધાની ભૂલ થતી હોય છે. આપણી શક્તિ, આપણી તાકાત, આપણા રિસોર્સીસ અને આપણા સર્કમસ્ટન્સીસનો વિચાર કર્યા વિના આપણે બીજાઓ સાથે સરખામણી કરીને એમનાથી આગળ નીકળી જવાની કોશિશ કરીએ છીએ ત્યારે બેમાંથી એક વાત બને છે. કઈ?

મોદી જે કહેવા માગે છે વિદ્યાર્થીઓને તેનો સાર એ છે કે એક, બીજાઓ સાથે કમ્પેરિઝન કરવામાં ક્યાંક આપણે આપણા પોતાના પોટેન્શ્યલને અંડરવૅલ્યુ કરતા થઈ જઈએ એવું બને. ગુજરાત રાજ્યની સ્ટેટ લેવલની કૉમ્પીટિશન તમારે જીતવી છે. સ્પર્ધા કરીને તમે જીતી પણ ગયા, પણ તમારું પોટેન્શ્યલ નેશનલ લેવલની સ્પર્ધા જીતવાનું છે. જો તમે ગુજરાતના બીજા સ્પર્ધકો સાથે જ તમારી સરખામણી કરતા રહેશો તો સ્ટેટ લેવલમાંથી નેશનલ લેવલ પર પહોંચવાની તમારી છૂપી શક્તિને ક્યારેય બહાર નહીં લાવી શકો. જો તમે નેશનલ લેવલ પર જીતી ગયા અને ખુશ થઈ ગયા, સંતોષ પામીને ત્યાં ને ત્યાં જ અટકી ગયા તો ઑલિમ્પિક કક્ષાએ નહીં જઈ શકો. અહીં માત્ર રમતગમતની જ વાત નથી, જિંદગીનાં અનેક ક્ષેત્રોની વાત છે. ચાહે એ બિઝનેસનું ક્ષેત્ર હોય, ચાહે એ કળા-વિજ્ઞાનનું ક્ષેત્ર હોય. તમે એક સારી ગુજરાતી ફિલ્મ બનાવી. તમારું સપનું ભવિષ્યમાં સંજય લીલા ભણસાળી બનવાનું છે. પણ તમારી આંખ સામે સ્ટીવન સ્પીલબર્ગ નહીં હોય તો તમે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્યારેય ઝળકી નહીં શકો. જો તમે તમારી પોતાની જ જાત સાથે સ્પર્ધામાં હશો તો શક્ય છે કે સ્ટીવન સ્પીલબર્ગ કરતાંય આગળ વધી શકશો. 

આ એક વાત. અને બીજી વાત. તમારી પોતાની જ સાથે સ્પર્ધામાં હશો તો તમને તમારી મર્યાદાઓ, તમારાં લિમિટેશન્સનો પણ અંદાજ આવશે. તમારા સંજોગો, તમારી પ્રકૃતિ કે તમારી તાલીમની મર્યાદા સ્વીકારી હશે તો તમે સમજી શકશો કે મારા માટે ધસ ફાર ઍન્ડ નો ફર્ધરની સીમા ક્યાં છે. ક્યારેક મેં આ જ કૉલમમાં લખ્યું હતું કે સપનું જોતાં પહેલાં આપણે આપણી લાયકાત માપી લેવી જોઈએ. નાનપણથી યુવાની સુધીમાં શારીરિક બાંધો (જે વારસામાં પણ મળતો હોય છે) જેવો થયો તેને અવગણીને તમે એવરેસ્ટના શિખર પર પહોંચવાની કોશિશ કરશો તો બેઝ કૅમ્પ પહોંચતાં પહેલાં જ તમને હૉસ્પિટલભેગા કરવા પડે એવું બને. શારીરિક ક્ષમતા અને માનસિક દૃઢતા આ બેઉનું પરફેક્ટ કૉમ્બિનેશન હોય ત્યારે જ સંકલ્પો સિદ્ધ થતા હોય છે. 

ક્યારેક એવું બને કે સંજોગો બધા જ સાનુકૂળ હોય, પણ કોઈક કારણોસર તમારું મન, તમારું સંકલ્પબળ પૂરતો સાથ ન આપે. અને કોઈ વખત એવું પણ બને કે સંકલ્પમાં તમે અત્યંત દૃઢ હો પણ શારીરિક ક્ષમતા પૂરતી ન હોય - આ બેઉ સંજોગોમાં તમારે સ્વીકારી લેવું પડે કે તમે તમારા ધ્યેય સુધી નહીં પહોંચી શકો. તમારે નીચું નિશાન સ્વીકારી લેવું પડે. આમાં તમારી હાર નથી, તમારી વ્યવહારતા છે. તમે એન્ટિલા બાંધી ન શક્યા તો કંઈ

નહીં, સ્વતંત્ર ધંધો કરીને ગામના કાચા ઘરમાંથી શહેરમાં બે બેડરૂમનો સુંદર ફલૅટ તો લઈ શક્યા. આ કંઈ તમારી હાર નથી. આટલું સ્વીકાર્યા પછી જ સંતોષની જિંદગી પ્રાપ્ત થતી હોય છે. 

નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને હવે પછી જે વાતો કરી છે એમાં જે. કૃષ્ણમૂર્તિ કે રજનીશ જેવા તત્ત્વજ્ઞાનીઓ સમું ઊંડું ચિંતન તમે અનુભવી શકશો. આમાં મોદીને હાઈ પેડેસ્ટલ પર મૂકવાની વાત નથી, એમના વિચારોની ઊંચાઈને રેક્ગ્નાઈઝ કરવાની વાત છે. મોદીવિરોધીઓ આ ઍન્ગલ ન સ્વીકારી શકે તો લૉસ એમનો છે. ભારતના વિદ્યાર્થીઓ માટે તો એ વાતો સોનાની લગડી જેવી છે. કાલે પૂરું કરીએ. 

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=155870


"ઈચ્છાઓ સ્થિર થયા પછી જે સંકલ્પો સર્જાય એ જ સિદ્ધ થાય

રાત થોડી ને વેશ ઝાઝા છે, જગ્યા થોડી ને મૅટર ઝાઝી છે એટલે વિશેષ કોઈ ટિપ્પણી વગર નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે કરેલી ‘મન કી બાત’ શરૂ કરી દઈએ. હવે પછીના તમામ શબ્દો મોદીના છે:

દોસ્તો, ખુદની પહેચાન કરવી બહુ જરૂરી છે. તમે એક કામ કરો, બહુ કંઈ દૂર સુધી જોવાની જરૂર નથી. તમારા ઘરમાં જ તમારી બહેન હશે કે તમારા મિત્રની બહેન હશે જે દસમા કે બારમાની એક્ઝામ માટે તૈયારી કરી રહી હશે. તમે જોયું હશે કે આવી મોટી પરીક્ષાઓના સમયે પણ ઘરની દીકરીઓ માને મદદ કરતી હોય છે. ક્યારેય વિચાર્યું છે કે એમની અંદર એવી કઈ શક્તિ છુપાયેલી હશે જેને કારણે એ પરીક્ષા માટે વાંચવાની સાથે સાથે ઘરકામમાં માને મદદ કરતી રહેતી હશે. આસપાસની પરિસ્થિતિ તમને ડિસ્ટર્બ કરે છે તો આ દીકરીઓ કેવી રીતે વાંચવામાં ધ્યાન આપતી હશે. ડિસ્ટર્બન્સ બહારના વાતાવરણમાંથી નહીં, આપણી અંદરથી જ પેદા થતું હોય છે. આત્મવિશ્ર્વાસનો અભાવ હોય ત્યારે આવું થાય અને આત્મવિશ્ર્વાસનો અભાવ હોય ત્યારે અંધવિશ્ર્વાસ વધી જાય. અંધવિશ્ર્વાસને કારણે ડિસ્ટર્બન્સ દૂર કરવા માટે બહારથી કારણો શોધતા રહીએ છે, આરંભે શૂરા બની જઈએ છીએ. રોજ એક નવો વિચાર, રોજ એક નવી ઈચ્છા, રોજનો એક નવો સંકલ્પ અને પછી એ સંકલ્પનું બાળમૃત્યુ થઈ જાય છે, આપણે હતા ત્યાંના ત્યાં રહી જઈએ છીએ. ઈચ્છાઓ સ્થિર હોવી જોઈએ. જ્યારે ઈચ્છાઓ સ્થિર થાય છે ત્યારે જ એમાંથી સંકલ્પ સર્જાય છે અને આવા સંકલ્પની સાથે પુરુષાર્થ જોડાય છે ત્યારે સંકલ્પ સિદ્ધિમાં પરિણમે છે. કોઈ તમારી પરીક્ષા શું કામ લે? તમે પોતે જ તમારી કસોટી કરતા રહો ને. ટેવ પાડો એવી. જિંદગીની પરીક્ષાઓમાં જેમને પાસ થવું છે એમના માટે ક્લાસરૂમની પરીક્ષા તો બહુ મામૂલી હોય છે.

તમે જ તમારામાંથી પ્રેરણા લેતા થાઓ. અગાઉ તમે કેવી કેવી કસોટીઓમાંથી સફળતાપૂર્વક પાર ઊતર્યા હતા, યાદ કરો. ગયા વરસે બીમાર હતા છતાંય સારા માર્ક સાથે પાસ થયા હતા. ગયા વખતે મામાને ત્યાં લગ્ન હતાં, અઠવાડિયું વેડફાઈ ગયું હતું, છતાં સારા માર્ક્સ આવ્યા હતા. તમે જ તમારા માર્ગદર્શક બની જાઓ, આ મોદી તમને શું ઉપદેશ આપવાનો છે. ભગવાન બુદ્ધે કહ્યું છે: અપ્પ દીપો ભવ: તમારો દીપક તમે જ બનો.

હું માનું છું કે તમારી ભીતર 

જે પ્રકાશ છે ને, એને ઓળખો. તમારામાં રહેલા સામર્થ્યને ઓળખો. જે પોતાને વારંવાર કસોટીમાં ઉતારે છે એ નવી નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે છે. બીજી વાત. ક્યારેક ક્યારેક આપણે બહુ લાંબા ભવિષ્યનું વિચારીએ છીએ તો ક્યારેક ભૂતકાળમાં ડૂબેલા રહીએ છીએ. દોસ્તો, પરીક્ષાના સમયે આવું નહીં કરતા. પરીક્ષાના સમયે તમે વર્તમાનમાં રહો તે જ સારું છે. શું કોઈ બૅટ્સમૅન બેટિંગ કરતી વખતે અગાઉ કેટલી વાર પોતે ઝીરોમાં આઉટ થઈ ગયો હતો એ યાદ કરે છે? અથવા આ આખી સિરીઝ જીતીશું કે નહીં એવું વિચારે છે? સેન્ચ્યુરી મારીશ કે નહીં એવું વિચારે છે? ના. એનું સમગ્ર ધ્યાન સામેથી આવી રહેલા બોલ પર જ હોય છે. એ ન તો હવે પછીના બોલ વિશે વિચારે છે, ન આખી મૅચ વિશે, ન સિરીઝ વિશે. તમે પણ તમારું મન વર્તમાનમાં લગાવી દો. જીતવું હશે તો આ જડીબૂટી કામ લાગશે. વર્તમાનમાં જીવો.

મારા યુવા દોસ્તો, શું તમે એમ વિચારો છો કે આ પરીક્ષા તમારી ક્ષમતા બીજાઓની આગળ દેખાય એના માટે હોય છે?

તમારે કોની સામે તમારી ક્ષમતા દેખાડવી છે. પરીક્ષા તમારી ક્ષમતાના પ્રદર્શન માટે નથી, તમે પોતે તમારી ક્ષમતા કેટલી છે તે જાણી શકો એ માટે આ પરીક્ષા હોય છે. જે ક્ષણે તમને આ સમજાઈ જશે એ ક્ષણથી તમારી અંદરનો વિશ્ર્વાસ વધતો જશે અને એક વાર તમે તમારી જાતને ઓળખી શકશો, તમારી તાકાતનો અંદાજ લગાવી લેશો અને તાકાતને ખાતરપાણી આપતા રહેશો તો એ તાકાત એક નવા સામર્થ્યમાં પરિવર્તિત થઈ જશે. પરીક્ષાને આ દુનિયાને દેખાડી આપવા માટેની ચૅલેન્જ તરીકે નહીં સ્વીકારતા, આ અવસર છે પોતાની જાતની સાથે જીવવાનો, જીવી લો, મારા મિત્રો.

મને પહેલાં કવિતા લખવાનો શોખ હતો. ગુજરાતીમાં મેં એક કવિતા લખી હતી. આખી કવિતા તો મોઢે નથી પણ એમાં મેં કંઈક એવું લખ્યું હતું કે સફળ થયા તો ઈર્ષ્યાપાત્ર, વિફળ થયા તો ટીકાપાત્ર, તો આ તો દુનિયાનું એક ચક્ર છે, ચાલ્યા કરવાનું છે. સફળ થાઓ, પણ કોઈને પરાજિત કરવા માટે નહીં. સફળ થાઓ પોતાના સંકલ્પો સિદ્ધ કરવા માટે, સફળ થાઓ તમારા પોતાના આનંદ માટે, સફળ થાઓ જેઓ તમારા માટે જીવી રહ્યા છે એમના જીવનમાં ખુશીઓ ભરી દેવા માટે. આ ખુશીને જ જો કેન્દ્રમાં રાખીને તમે આગળ વધશો તો મને વિશ્ર્વાસ છે દોસ્તો, બહુ સરસ સફળતા મળશે અને પછી ક્યારેક હોળી મનાવી કે નહીં, મામાના ઘરે લગ્નમાં જવાયું કે નહીં, દોસ્તની બર્થડે પાર્ટીમાં જવાયું કે નહીં, ક્રિકેટ વર્લ્ડ કપની મૅચ જોવાઈ કે નહીં, આ બધી વાતો બેકાર બની જશે, તમે એક નવા આનંદ સાથે, નવી ખુશીઓ સાથે જોડાઈ જશો. મારી ખૂબ શુભકામના છે. તમને, તમારું ભવિષ્ય જેટલું ઉજ્જવળ હશે એટલું જ ઉજ્જવળ દેશનું ભવિષ્ય હશે...

વડા પ્રધાનની ‘મન કી બાત’ મારે હિસાબે અહીં પૂરી નથી થતી, શરૂ થાય છે. મોદીના આ વિચારો એમને એક રાજકારણીથી, એક સર્વોચ્ચ આસનના પદાધિકારીથી ઘણે ઊંચે લઈ જાય છે, થિન્કર મોદી બનાવે છે.



































Thursday, February 26, 2015

આકાશની ગહનતા અને વિજ્ઞાનની જીવનરેખા --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=148514




બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


આકાશમાં જેટલા તારા દેખાય છે, તેના કરતાં કેટલાયગણા તારા દેખાતાં નથી. દૃષ્યવિશ્ર્વ કરતાં અદૃશ્યવિશ્ર્વ ઘણું વિશાળ છે. આપણી આંખ કે દકકાચવાળા દૂરબીનો માત્ર દૃશ્યપ્રકાશ જ જોઈ શકે છે. આપણું શરીર એક મશીન જ છે, જેમાં બે આંખ કેમેરાનું કામ કરે છે. મગજ સેન્સર છે.

ન્યુટને યંત્રશાસ્ત્રના નિયમો શોધી તેને બ્રહ્માંડને લાગુ પાડી બ્રહ્માંડને પણ એક મશીન બનાવી દીધું છે. પણ બ્રહ્માંડ મશીન કરતાં અતિ વિશેષ છે. તે જીવંત છે.

બ્રહ્માંડમાં એવા આકાશીપિંડો છે જે દૃશ્યપ્રકાશ છોડતાં નથી, પણ અદૃશ્ય ગામા, એક્ષ અલ્ટ્રાવાયોલેટ ઈન્ફ્રારેડ અને રેડિયો તરંગો-કિરણો પ્રકાશ છોડે છે, જે આપણે જોઈ શકતાં નથી. પણ ખગોળવિજ્ઞાનીઓએ આ બધા કિરણો છોડતાં આકશીપિંડોને જોવા દૂરબીનો બનાવ્યાં છે, અને તેઓ હવે અંધારામાં જોવા પણ સમર્થ બન્યાં છે.

ભારતમાં આપણા ખગોળવિજ્ઞાનીઓએ નૈનિતાલના મનોરાપીક, આબુના ગુરુશિખર, દક્ષિણમાં કાવાલૂર,ગોરી બિદનૂરના પહાડો પર, હૈદરાબાદ નજીક જપાલ-રંગાપુરના પહાડો પર, ઊટીના પહાડો પર પૂના પાસે નારણગાંવ, આબુના ગુરૂશિખર પહાડ પર ફતેહસાગર તળાવની વચ્ચે અને તેની નજીક પહાડ પર વગેરે જગ્યાએ મોટો મોટા દકકા, ઈન્ફ્રારેડ અને રેડિયો દૂરબીનો સ્થાપિત કર્યાં છે. તેના દ્વારા તે આકાશની સમૃદ્ધિ અને ભવ્યતાનો તાગ મેળવે છે.

આ ઉપરાંત બ્રહ્માંડમાં ૯૫ ટકા અદૃશ્ય પદાર્થ છે જે કોઈ પણ જાતનો પ્રકાશ છોડતો દેખાતો નથી. તેને વિજ્ઞાનીઓ ડાર્કમેટર કે ડાર્કએનર્જી કહે છે. આ નામનો માત્ર સિમ્બોલીક છે પણ હકીકતમાં ડાર્કમેટર કે ડાર્કએનર્જી શું છે તે તેમને ખબર પડતી નથી. તેથી તેનાં નામો આવા આપવામાં આવ્યાં છે. પણ તેની અસર બ્રહ્માંડમાં દેખાય છે. આપણું બ્રહ્માંડ માત્ર વિસ્તૃત થતું નથી પણ તે પ્રવેગી (ફભભયહયફિયિંમ) માલૂમ પડ્યું છે. તો પૂરા બ્રહ્માંડને કોણ પ્રવેગી બનાવે છે? તે ખબર પડતી નથી. આ જો શોધી શકાય તો તે ખગોળવિજ્ઞાનમાં એક બીજી મહાન શોધ હશે.

બ્રહ્માંડમાં પ્રથમ શોધ અગ્નિની, પછી બીજી શોધ પૈડાની, ત્રીજી શોધ કેલેન્ડરની, ચોથી શોધ કે પૃથ્વી ગોળ છે, પાંચમી કે પૃથ્વીની ધરી વાંકી છે, છઠ્ઠી પૃથ્વી તેની ધરી પર ગોળ ગોળ ફરે છે, સાતમી પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે, આઠમી શોધ કે વસંતસંપાત બિન્દુ પશ્ર્ચિમમાં ખસે છે. નવમી શોધ ભૂમિતિની અને યુક્લિડ ભૂમિતિની (જો કે, આ શોધ પહેલા થઈ હતી), દશમી શોધ અણુ વિશે, અગિયારમી શોધ બીજગણીતની, બારમી શોધ ???, તેરમી શોધ ત્રિકોણમિતીની, ચૌદમી શોધ દ્વિધાત સમીકરણની, પંદરમી શોધ શૂન્ય સાથે અંકશાસ્ત્રની (જો કે, તે ઘણી પહેલાં થઈ હતી.) સોળમી શોધ પૃથ્વી કેન્દ્રીય વિશ્ર્વવિચાર (જો કે, આ શોધ પણ પહેલાં થઈ હતી), સત્તરમી શોધ ગુરુત્વાકર્ષણની (ભાસ્કરાચાર્યને તેનો અણસાર હતો), અઢારમી શોધ પરમ્યુટેશન-કોમ્બિનેશનની, ઓગણીસમી શોધ સૂર્ય-કેન્દ્રિત વિશ્ર્વવિચાર (કોપરનીકસ)ની, વીસમી શોધ કેપ્લરના ગતિના ત્રણ નિયમોની, એકવીસમી શોધ ગેલિલિયોએ આકાશ તરફ દૂરબીન માંડ્યું તે, બાવીસમી શોધ ગેલિલિયોએ સાબિત કર્યું કે પૃથ્વી દરેક વસ્તુને એક જ પ્રવેગથી આકર્ષે છે, ત્રેવીસમી શોધ કે ગેલિલિયોએ સાબિત કર્યું કે વસ્તુની સ્થિર સ્થિતિ અને એક જ ગતિથી દોડતી વસ્તુની સ્થિતિ, બંને એક જ ગણાય, ચોવીસમી શોધ ન્યુટને ગતિના ત્રણ નિયમો શોધ્યાં, બીજી તરફ વાયુશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગરમીશાસ્ત્ર, પ્રકાશશાસ્ત્રની શોધો થઈ-વિજ્ઞાને હરણફાળ ભરી. સદીના મધ્યભાગમાં રેને દેકાર્તે ત્રિપરિમાણીય સંદર્ભ ચોકઠાની શોધ કરી જે ન્યુટનના જન્મ પહેલા થઈ હતી. દેકાર્તે એવા વિચારો વહેતા મૂક્યાં છે જેમ સરોવરો અને સમુદ્રોમાં મોટા લાકડાનો ટુકડો, નાના નાના લાકડાના ટુકડાને હંકારે છે, તેમ સૂર્ય ગ્રહોને હંકારે છે. જો કે, આ કલ્પના હતી, પણ તેને પછીના વિજ્ઞાનીઓને સૂર્ય ફરતે ગ્રહો કેવી રીતે, અને શા માટે ફરે છે અને સૂર્યમાળાની રચના કેવી છે તેની શોધ કરવા પ્રેર્યા. ન્યુટને પ્રકાશ કણોનો બનેલો છે તેવી થીઅરી આપી પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનનાં નિયમો આપ્યાં તો બીજી તરફ કિશ્ર્ચન હોયગન્સે પ્રકાશ તરંગોનો બનેલો છે તેવી થિયરી આપી.

હેલીએ સૂચવ્યું કે ધૂમકેતુઓ ગ્રહોની જેમ સૂર્યની પરિક્રમા કરે છે અને તે સૂર્યમાળાના જ સભ્યો છે.

એ જ અરસામાં ઓલ રૉમરે પ્રકાશની ગતિ સીમિત છે તેમ કહ્યું અને પ્રકાશની ગતિને માપી એ જ અરસામાં હોયગન્સે શનિને વલયો છે તેમ સ્પષ્ટ કર્યું. ગેલિલિયોએ ગુરુના ચાર ચંદ્રો ગુરુની પરિક્રમા કરે છે, માટે ગ્રહો પણ કોપરનીક્સ કહે છે તેમ સૂર્યની પરિક્રમા કરતા હોવા જોઈએ. આજ અરસામાં કસીનીએ સૂર્યથી ગ્રહોનાં અંતરો માપ્યાં. હોયગન્સે શનિનો મોટો ઉપગ્રહ ટાયટન શોધ્યો, કસીનીએ શનિના બીજા બે ઉપગ્રહો શોધ્યાં. આ વખતે ભારતમાં ઔરંગઝેબ રાજ કરતો હતો અને મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજની આણ વર્તતી હતી.

અઢારમી સદીના મધ્યમાં ઈમેન્યુઅલ કોન્ટે અભિપ્રાય દર્શાવ્યો કે ગ્રહો વાયુના વાદળમાંથી જન્મતા હોવા જોઈએ. લાપ્લાસે કેન્ટના આ વિચારો પર સૂર્યમાળાના જન્મની પ્રાથમિક થિયરી આપી. ૧૭૮૧માં સૂર્યમાળામાં માનવીએ પ્રથમવાર જ શનિ પછીના ગ્રહને શોધ્યો. તેનું નામ યુરેનસ. પશ્ર્ચિમ પૌરાણિક કથા પ્રમાણે યુરેનસ શનિના પિતા અને ગુરુના દાદા છે. જ્યારે વિલિયમ હર્ષલે યુરેનસ શોધ્યો ત્યારે ભારતમાં ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતો હતો.

આ અરસામાં મહાન ગણિતતજ્ઞો પેદા થયાં જેવા કે ર્ગાસ, રીમાન, જેકોબી, લાગ્રાન્જ, લાપ્લાસ, બેસલ, ફુટીઅર લીજાન્ડર, આર્યસર, હેમીલ્ટન, ડેવીડ હિલ્બર્ટ, લોબોચોસ્કી, જેમને ગણિતશાસ્ત્રને નવી જ ઊંચાઈ આપી. યુક્લિડીઅન (ક્ષજ્ઞક્ષ-ઊભહશમયફક્ષ) ભૂમિતિ શોધાઈ.

ધૂમકેતુઓ તો પુરાતનકાળથી માનવજાતને જાણીતા હતા. ગેલિલિયોએ ગુરુના ઉપગ્રહો શોધી ઈતિહાસ બનાવ્યો, ઓગણીસમી સદીના પ્રથમ દિવસે જ પ્રથમ લઘુગ્રહ શોધાયો અને એક નવા પ્રકારનાં આકાશીપિંડો અસ્તિત્વમાં આવ્યાં. ઓગણીસમી સદીના મધ્યમાં નેપ્ચ્યૂન શોધાયો. બીજી તરફ ભૌતિકશાસ્ત્રે હરણફાળ ભરી. રેડિયો-તરંગોની શોધ થઈ. એક્ષ-કિરણો, રોન્જન્ટ કિરણો, ઈલેક્ટ્રોન્સ શોધાયા, નેથી પ્લાન્કે દર્શાવ્યું કે પ્રકાશ નાના નાના પેકેટમાં (ક્વોન્ટામાં) આવે છે. આઈન્સ્ટાઈને ફોટો-ઈલેક્ટ્રીક ઈફેક્ટને સમજાવતા કહ્યું કે પ્રકાશ કણોનો પણ બનેલો છે અને તરંગોનો પણ બનેલો છે. તેમાંથી ક્વોન્ટોમ ભૌતિકશાસ્ત્ર ઉત્પન્ન થયું. બીજી તરફ આઈન્સ્ટાઈને સમયને બ્રહ્માંડના ચોથા પરિમાણ તરીકે લઈ વિશિષ્ટ સાપેક્ષવાદની સ્થાપના કરી અને પછી વિસ્તૃત સાપેક્ષવાદની સ્થાપના કરી ભૌતિકશાસ્ત્રમાં જબ્બર ક્રાંતિ આણી. સાપેક્ષવાદ અને કવોન્ટમ ભૌતિકશાસ્ત્રે અર્વાચીન વિજ્ઞાનને નવું પરિમાણ આપ્યું. ર૦૧૫માં આઈન્સ્ટાઈનના વિસ્તૃત સાપેક્ષવાદને ૧૦૦ વર્ષ પૂરા થાય છે.

વીસમી સદીમાં વિજ્ઞાને ઘણી સફળતા પ્રાપ્ત કરી. આ સદીમાં કેટલાય મહાન વિજ્ઞાનીઓ પેદા થયાં જેને આધુનિક દુનિયાને આકાર આપ્યો. તેમાં અણુંવિજ્ઞાન, સૂક્ષ્મકણોની દુનિયા, અંતરીક્ષયુગે મોટું યોગદાન આપ્યું. ઍરોપ્લેનો આકાશમાં ઊડવા લાગ્યાં. બ્રહ્માંડ વિસ્તૃત થાય છે તેની ખબર પડી, મંદાકિનીઓ શોધાઈ, રોકેટો બન્યાં, એટમ બૉમ્બ, હાઈડ્રોજન બૉમ્બ, ન્યુટ્રોન બૉમ્બ અસ્તિત્વમાં આવ્યાં. સ્પૂતનિક આકાશમાં ગયો, યુરી ગાગારીન વેલેન્ટિના તેરેસ્કોવા અને અમેરિકી અંતરીક્ષયાત્રીઓ આકાશમાં ગયાં, પરંતુ ચંદ્ર પર માનવીએ ડગ માંડ્યા, ૧૯૭૭માં યુરેનસ ફરતે વલવ્યો શોધાયાં. ગ્રહો ફરતે અંતરીક્ષયાનોએ ટ્રીપો લગાવી, હબલ અંતરીક્ષ દૂરબીને બ્રહ્માંડના અભ્યાસમાં ઈતિહાસ રચ્યો અને એકવીસમી સદીનો પ્રારંભ થયો. વીસમી સદીમાં ચંદ્રશેખરનાં શ્ર્વેતવામન તારા અને ઑપનહેમરનાં ન્યુટ્રોન તારા અને બ્લેકહોલ્સના અસ્તિત્વની જાણ થઈ, હવે એકવીસમી સદી આગળ ધપે છે, જેમાં નેનો ટેક્નૉલૉજી કમ્પ્યૂટર, મોબાઈલ ઈન્ફોર્મેશન ટેક્નૉલૉજી, સ્ટેમસેલ, જીનોમ, જીનિટિક એન્જિનિયરિંગ, ફોયોન્સિક સાયન્સ, જીવવિજ્ઞાનશાસ્ત્ર કૂદકે ને ભૂસકે આગળ વધે છે.

‘આ બંધારણને બાળી નાખવામાં હું સૌથી પહેલો હોઈશ’ --- સૌરભ શાહ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=148518




‘સર, મારા મિત્રો મને કહ્યા કરે છે કે ભારતનું બંધારણ (સંવિધાન, કૉન્સ્ટિટ્યુશન) મેં ઘડ્યું છે. પણ હું છાતી ઠોકીને કહું છું કે આ બંધારણને બાળી નાખવામાં હું સૌથી પહેલો હોઈશ. મારે એ નથી જોઈતું. એ કોઈનુંય ભલું કરે એમ નથી...’

બે-ચાર હાર્ટ ઍટેક સામટા આવી જાય એવી હકીકત એ છે કે આ શબ્દો ‘ભારતના બંધારણના ઘડવૈયા’ તરીકે જેમને સ્થાપી દેવામાં આવ્યા છે તે ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ઉર્ફે બાબાસાહેબ આંબેડકરના છે. આ શબ્દોના સંદર્ભો માટે જુઓ: પ્રોસીડિંગ્સ ઑફ ધ કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ (રાજ્યસભા), ૨ સપ્ટેમ્બર ૧૯૫૩, - કૉલમ: ૮૬૪-૮૦ અને ૩ સપ્ટેમ્બર, ૧૯૫૩ - કૉલમ: ૯૯૭-૧૦૦૩.

આંધ્ર પ્રદેશની નોખા રાજ્ય તરીકે રચના અંગે રાજ્યસભામાં ચર્ચા ચાલતી હતી ત્યારે બાબાસાહેબ આંબેડકરના આ શબ્દો બોલાયા. આંબેડકર આવેશમાં આ શબ્દો બોલી ગયા હતા? ના. એ આપણે પાછળથી જોઈશું. આંબેડકરના આ વિધાન અંગે પ્રતિક્રિયા આપતાં તે વખતના મદ્રાસ રાજ્યના યુવાન સભ્ય કે. એસ. હેગડેએ (પાછળથી તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા અને તે પછી લોકસભાના સ્પીકરપદે પણ રહ્યા હતા) રાજ્યસભાના સભ્યો સમક્ષ કહ્યું હતું કે જેમને એક પ્રધાન તરીકે બંધારણ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હોય તે પોતે જ બંધારણને બાળી નાખવાની વાત કરતા હોય તે ભારે આઘાતજનક કહેવાય. હેગડેએ કહ્યું, ‘તેઓ (આંબેડકર) શું સારો દાખલો બેસાડી રહ્યા છે? મને દુ:ખ થાય છે કે ડૉ. આંબેડકર ગૃહની નિંદા કરીને ગૃહમાંથી બહાર નીકળી ગયા. તેઓ જો ગૃહને હલકું ચીતરવા માગતા હોય તો એમના નિવેદનની પ્રતિક્રિયા સાંભળવાની તૈયારી પણ એમનામાં હોવી જોઈએ. બહુ જ હળવા શબ્દો વાપરીને હું કહું તો આંબેડકર જ્યારે કહે છે કે આ બંધારણ સાથે પોતે સહમત થતા નથી ત્યારે તેઓ નિર્લજ્જપણે એવી ઘોષણા કરે છે કે એક બનાવટને, એક ઠગાઈને, છેતરામણીને તેઓ શાશ્ર્વતી બક્ષી રહ્યા છે. એમની આખી જિંદગી આવા અનેક વિરોધાભાસોથી ખીચોખીચ છે. આરંભે તેઓ જાતિવાદના જોરે આગળ આવવા મથ્યા અને હવે એ ભૂતકાળમાંથી બહાર નીકળવા માટે ઘણું મોડું થઈ થઈ ચૂક્યું છે. મને એમના માટે માત્ર દયા આવે છે...’

કે. એસ. હેગડેના વિધાનનું છેલ્લેથી બીજું વાક્ય સૂચક છે. આંધ્ર પ્રદેશની રચના કરવાની ચર્ચા દરમ્યાન આંબેડકરે ભાષાવાદ અને જાતિવાદને કારણે દેશના ટુકડેટુકડા ન થઈ જાય એ વિશે સલાહો આપી હતી. આંબેડકરના રાજયસભામાં બોલાયેલા પેલા શબ્દો, ક્ષણિક આવેશ નહોતો. આ જ શબ્દો એમણે ત્રણ વર્ષ પછી, પોતાના મૃત્યુ (છ ડિસેમ્બર, ૧૯૫૬ના થોડાક મહિના અગાઉ રાજકીય બાબતોના અભ્યાસી તથા જીવનકથાકાર માઈકલ બ્રેકરને કહ્યા હતા. બ્રેકરે આંબેડકરના એ શબ્દોને ઑફસફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રગટ થયેલા પોતાના પુસ્તક ‘નેહરુ અ પોલિટિકલ બાયોગ્રાફી’ના ૪૨૩મા પાને ટાંક્યા છે.

ભારતનું નવું બંધારણ ઘડવા માટેની બંધારણીય સભાની રચના કરવા માટે પ્રાંતીય ધારાસભાઓની ૧૯૪૬માં ચૂંટણી થઈ. કુલ ૧૫૮૫ બેઠકોમાંથી આંબેડકરના શેડયુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનને માત્ર એક જ બેઠક મળી. એટલું જ નહીં, બૉમ્બે પ્રેસિડન્સીની ૧૭૫ બેઠકોમાંથી ક્યાંય આંબેડકરના ફેડરેશનને સમ ખાવા પૂરતી એક બેઠક પરથી પણ જીત ન મળી. છેવટે, ધનંજય કીર દ્વારા લખાયેલી આંબેડકરની જીવનકથામાં જણાવ્યા મુજબ, આંબેડકર મુસ્લિમ લીગની મદદ લઈને બંગાળમાંથી ચૂંટાયા. પણ પછી તો બંગાળના ભાગલા થયા એટલે આંબેડકરનો મતવિસ્તાર પૂર્વ પાકિસ્તાનમાં જવાનો થયો. આંબેડકરના સદ્નસીબે કૉન્ગ્રેસે નવ-ભારતની રચનાની આગલી સંધ્યાએ આ તમામ ખરડાયેલો ભૂતકાળ દાટી દેવાનું નક્કી કર્યું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સરદાર વલ્લભભાઈ પટેલે મુંબઈ સ્ટેટના તે વખતના મુખ્ય પ્રધાન બી. જી. ખેરને સૂચના આપી અને તે મુજબ મુંબઈની બેઠક પરના લાયક ઉમેદવારોને ઉમેદવારી ન નોંધાવવા માટે સમજાવી દેવામાં આવ્યા અને આંબેડકર મુંબઈથી ચૂંટણી જીતીને બંધારણીય સભામાં જાય એવી સગવડ કરી આપવામાં આવી. આંબેડકર પોતે પહેલેથી જ બંધારણીય સભાની રચનાના વિરોધી હતા. ૧૯૪૫ની ૭મી મેએ શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશને એક ઠરાવ પસાર કર્યો હતો જેના શબ્દો આંબેડકરના પોતાના હતા. એ ઠરાવમાં સપ્રુ કમિટીએ કરેલા બંધારણીય સભા રચવાના સૂચનને સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવ્યું હતું. બંધારણીય સભા બોલાવવાના મૂળભૂત વિચારનો જ એ ઠરાવે વિરોધ કર્યો હતો.

આંબેડકરના આ વિચારો ૧૯૪૬ના આખાય વર્ષ દરમ્યાન પણ રહ્યા. ૧૯૪૬ની ૯મી ડિસેમ્બરે બંધારણીય સભાની પ્રથમ બેઠક મળી તેના થોડાક દિવસ પહેલાં પણ આંબેડકર બંધારણીય સભાનો વિરોધ કરતા રહ્યા. આ બાબતના પુરાવા તમને ‘ટ્રાન્સફર ઑફ પાવર’ના નવમા ગ્રંથના પૃષ્ઠ ૧૯૭-૬૯૮ પરથી મળે છે. બંધારણીય સભાની પ્રથમ બેઠકના માંડ પખવાડિયા પહેલાં, નવેમ્બર, ૧૯૪૬માં, આંબેડકર મુસ્લિમ લીગની સાથે મળીને બંધારણીય સભાના તીવ્ર વિરોધનો જુવાળ ફેલાવે એવી પૂરેપૂરી શક્યતા હતી. ૨૭ નવેમ્બર, ૧૯૪૬ના રોજ રવાના થયેલા ‘પ્રાઈવેટ ઍન્ડ સીક્રેટ’ સંદેશામાં વાઈસરૉય લૉર્ડ વેવલે બ્રિટનના વિદેશ પ્રધાનને જણાવ્યું: ‘ધ ઑલ ઈન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશન (જેના આંબેડકર સર્વેસર્વા હતા) દ્વારા જાહેરાત થઈ છે કે ટૂંક સમયમાં જ તેઓ નિર્ણય લેશે કે બંધારણીય સભાની કાર્યવાહીનો બહિષ્કાર કરવો કે નહીં, અત્યારે તો તેઓ એવું જ કરશે એવું લાગે છે, અને જો તેઓ એવું કરે તો એનો અર્થ એ થશે કે તેઓ મુસ્લિમ લીગ સાથે ભળી ગયા છે.’

આ વાતની જાણ ભારતની આઝાદી માટે લડી રહેલા સૌ નેતાઓને હતી. રાજકારણમાં વિરોધીઓને પોતાની પાંખમાં લઈ લેવાનો કે ચૂપ કરી દેવાનો શ્રેષ્ઠ ઉપાય ક્યારેક એ પણ હોય છે કે વ્યક્તિ જેનો વિરોધ કરી રહી હોય એ જ જવાબદારી એને સોંપી દેવી. ડૉ. બાબાસાહેબ આંબેડકરના કિસ્સામાં એવું જ બન્યું હતું.

--------------------

કાગળ પરના દીવા

જીવનનો વિરોધી શબ્દ મૃત્યુ નથી, અવગણના છે.

- એલી વીઝેલ

--------------------

સન્ડે હ્યુમર

કૉન્વેન્ટ સ્કૂલની એક ટીનેજર ગુજરાતી વિદ્યાર્થિની એક છોકરાને ગુજરાતીમાં પ્રેમપત્ર લખતાં પકડાઈ ગઈ.

શિસ્તપ્રિય પ્રિન્સિપાલે એને બોલાવીને કડક શબ્દોમાં ખખડાવી અને કહ્યું, ‘હવેથી ઇંગ્લિશમાં જ લખવાનું, શું સમજી?’

શરીર નામનું બ્રહ્માંડ ને ઈશ્ર્વર નામનું વિજ્ઞાન --- બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=155152




ધર્મગુરુ અને સાધુબાવામાં ફર્ક છે. ધર્મગુરુ દર્શનને પ્રજ્ઞાથી ઉપર લઈ જાય છે, સાધુબાવા ધર્મને જ્ઞાનથી નીચે ઉતારે છે. ધર્મગુરુને પોતાની પ્રતિમામાં રસ નથી. સાધુબાવા એમના ફોટાઓ, કેસેટો, અવાજ, ઈન્ટરવ્યુ, જાહેરખબરો, શેઠશેઠાણીઓના ભક્તગણમાં રુચિ રાખે છે. ધર્મગુરુ ક્યારેય નેગેટિવ વાત કરી શકતો નથી, સાધુબાવા એક શ્ર્વાસે કહી શકે છે કે વિજ્ઞાન વ્યર્થ છે. નવી પેઢી બગડી રહી છે. ઈન્દ્રિયોને જીતો, એટલે કે જિતેન્દ્રિય બનો. ધર્મગુરુના દિમાગની ખિડકીઓ ખુલ્લી હોય છે. સાધુબાવા બીજા સાધુબાવાઓને સ્પર્ધકોથી શત્રુઓ સુધી માને છે. ધર્મગુરુ સ્પષ્ટ બુદ્ધિથી સંધાન કરીને બોલે છે. સાધુબાવા ગાય છે, રડે છે, ઉદાહરણો આપે છે, જોક કરે છે, ગઝલોના શેર ફટકારે છે, સુંવાળા કટાક્ષો કરે છે, આંખો બંધ કરીને પોઝ આપીને ભરી સભામાં ધ્યાનસ્થ થઈ શકે છે, સાધુબાવા એક ઈન્ડસ્ટ્રી છે. ધર્મગુરુ ધાર્મિક છે, પૂરા ચિત્તતંત્રને ઝાકઝોર કરી નાંખે છે, શ્રોતાની બુદ્ધિની ધાર ઉતારી નાંખે છે, ધર્મગુરુને ‘પ્રજ્ઞા પારમિતા શબ્દોના અર્થની ખબર છે.

ધર્મ વિરુદ્ધ વિજ્ઞાન એ જૂનો પ્રશ્ર્ન છે. ધર્મ આસ્તિક છે, વિજ્ઞાન નાસ્તિક છે. એવું આપણા દિમાગોનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે. કારણ કે વિજ્ઞાન ઈશ્ર્વરનું અસ્તિત્વ સ્વીકારતું નથી. જેમ સંગીત અને ગણિત કે વિજ્ઞાન બંનેનું બિંદુ ઈનફિનિટી અથવા અનંત (:) છે, એમ ધર્મ અને વિજ્ઞાન બંનેનું અંતિમ બિંદુ, મારી દૃષ્ટિએ, સર્જનહાર છે. (આ સર્જનહારને ઈશ્ર્વરથી, કુદરતથી, નિયતિથી ઋતુ સુધી ગમે તે લેબલ, દરેક પોતાની આસ્થા કે અનાસ્થા પ્રમાણે લગાવી શકે છે!) અને આ સંદર્ભમાં જિતેન્દ્રિય કે ઈન્દ્રિયોને જીતવાની વાતને સમજવી પડશે. મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે, દુનિયાના વ્યવહારો નિભાવી શકે છે, જીવી શકે છે. આ આંખ, કાન, નાક, ત્વચા, જીભ ઈશ્ર્વરે આપણને આપ્યાં છે. સાધુબાવા કહે છે કે આ ઈન્દ્રિયોને જીતી લો. ધર્મગુરુ કહે છે કે ઈન્દ્રિયગમ્ય જ્ઞાન પણ સીમાબદ્ધ છે. આંખ કેટલું જોઈ શકે? નાક કેટલું સૂંઘી શકે? ચામડી કેટલું અનુભવી શકે? માટે જ માત્ર ઈન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ જ્ઞાનનો કેટલો વિશ્ર્વાસ કરી શકાય? સાધુબાવા પણ સાચા છે, ધર્મગુરુ પણ સાચા છે, ઈશ્ર્વરને શોધો. ધર્મ દ્વારા ઈશ્ર્વરને શોધો. વિજ્ઞાનનો માર્ગ તજી દો, એ વિનાશનો માર્ગ છે. ધર્મ મંડન કરે છે, વિજ્ઞાન ખંડન કરે છે. આ સૃષ્ટિ ઈશ્ર્વરનું સર્જન છે. દેહ કંઈ નથી, જે છે એ આત્મા છે. આત્મા જ પરમાત્મામાં વિલીન થઈ જાય છે. ધર્મની ભાષા અંતરિક્ષની ભાષા બની જાય છે, એમાં બ્રહ્મ અને ૐ જેવા શબ્દો આવે છે. ઈશ્ર્વર નિરંજન નિરાકાર છે? ઈશ્ર્વરને વિજ્ઞાન દ્વારા મને અપાયેલા પરિપકવ મનુષ્યદેહ દ્વારા સમજવાની કોશિશ કરું છું. જો હું મારા પોતાના દેહને જ હજી સમજ્યો નથી, જો હું પંચેન્દ્રિય હોવા છતાં મારી પોતાની એક ઈન્દ્રિયને હજી સમજ્યો નથી તો હું બ્રહ્મ અને બ્રહ્માંડની અપાર્થિવ વાતો કરીને, એક છળજાળ રચીને, ઈશ્ર્વરને પામવાનો દંભ કરી શકતો નથી. મારે માટે મારું બ્રહ્માંડ મારું શરીર છે અને મારા શરીરની એક એક સેન્ટીમીટર જગ્યામાં સુપર-કોમ્પ્યુટરો ગોઠવેલાં છે. વિસ્મયનાં ખજાનાઓ ખડકેલા છે, ઊર્જાના મહાસમુદ્રો ઘૂઘવી રહ્યા છે. બુદ્ધિ સંપૂર્ણ પરાજય સ્વીકારી લે એટલાં બધાં રહસ્યો આ શરીરની એક એક મિલિમીટર જગ્યામાં ગોઠવનાર કોણ હશે? ધર્મનો ઈશ્ર્વર? કરોડો - અબજો વર્ષોની ઉત્ક્રાંતિની પ્રક્રિયા તર્કબદ્ધ રીતે સમજાવી શકતું વિજ્ઞાન? કે વિજ્ઞાનનું અંતબિંદુ અથવા ઉત્ક્રાંતિનું આરંભબિંદુ ઈશ્ર્વર નામની એક પરિકલ્પનામાં સમાવિષ્ટ થઈ જાય છે?

ધર્મ પાસે ઉત્તરો છે અને સમાધાન છે, વિજ્ઞાન પાસે પ્રશ્ર્નો છે અને જિજ્ઞાસા છે. આ શરીરને ધર્મની દૃષ્ટિએ જોવું સરળ છે, પણ વિજ્ઞાનની દૃષ્ટિએ સમજવું કઠિન છે. માણસના શરીરમાં હાડકાં અને હાડકાંની અંદર બોન-મેરો કે હાડકાંનો ગર છે જેમાં પ્રતિ સેકંડ હજારો કરોડો રક્ત કોષો કે બ્લડ સેલ્સનું ઉત્પાદન થતું રહે છે. એક હૃદય છે એ ૭૦ વર્ષો સુધી પ્રતિ સેકંડ ૧/૬ ક્વોર્ટ રક્ત ચૂસે છે અને ફેંકે છે, ફેંકતું રહે છે. શરીરમાં લિવર કે કલેજું છે જે વાસ્તવમાં એક સંપૂર્ણ કારખાનું છે. મગજ છે જેમાં અબજો સંપર્ક સૂત્રો સતત ઝંકૃત થતાં રહે છે અને ચામડી જેવું એક તદ્દન નિરુપદ્રવી ‘અંગ’ છે, જેને એક ઈન્દ્રિય ગણવામાં આવી છે. આ ચામડી જડ, અચેતન, લગભગ નિષ્ચેષ્ટ આવરણ છે જે શરીરને ઢાંકે છે. એમાં કંઈ જ વિશેષ નથી. એ આંખ કે કાન કે નાકની કક્ષાની પ્રમુખ ઈન્દ્રિય પણ નથી.

અને ચામડી આખા શરીરને ઢાંકે છે, વહેતા લોહીનો ત્રીજો ભાગ ચામડી વાપરે છે. આખા શરીરની ચામડી ૨૦,૦૦૦ ચોરસ સેન્ટીમીટર છે (૩૧૦૦ ચોરસ ઈંચ). એક ચોરસ સેન્ટીમીટર ચામડી એટલે કે એક ટપાલ ટિકિટની સાઈઝની ચામડીની નીચે શું શું હોય છે? ૧૦૦ પ્રસ્વેદ ગ્લેન્ડ, ઠંડક માટે ૨ સેન્સરી બિંદુઓ, ગરમી માટે ૧૨ બિંદુઓ, ૩૦ લાખ કોષ, લગભગ ૧૦ વાળ, ૧૫ અન્ય ગ્લેન્ડ, ૧ વાર સુધીનાં રક્ત-વેસલ, નર્વ ફાઈબરને અંતે રહેલાં ૩૦૦૦ સેન્સરી સેલ, ૪ વાર નર્વઝ, ૨૫ પ્રેશર સ્વીકાર્ય બિંદુ, દુ:ખ સમજવા માટેનાં ૨૦૦ નર્વ - એંડીંગ્ઝ! દરેક ૧ ચોરસ સેન્ટીમીટર ચામડીની નીચે આટલો જંગી સામાન ખડકાયેલો હોય છે! ચામડી રોજ નવા નવા કેટલાય બિલિયન સેલ પેદા કરતી રહે છે અને કેટલાય બિલિયન મૃત ‘હોર્ન પ્લેટ્સ’ ફેંકતી રહેતી હોય છે. ચામડી પર હોર્ન-સેલનાં ૩૦ પડ રહ્યાં હોય છે, ઉપરનું નીકળે છે, નીચેનું ઉપર આવતું રહે છે અને સતત ૩૦ પડ રહે છે. માણસની ચામડી પર ૩ થી ૫ લાખ વાળ હોય છે. મૂળ મનુષ્યપ્રાણીને પૂરી ચામડી પર વાળ હતા, મનુષ્યની વાળ વગરની નગ્નતા એ પશ્ર્ચાત આડઅસર છે. ચામડી શરીરની ઉષ્ણતાને અંકુશમાં રાખે છે, બહારની ગરમીને અંદર જતાં અને અંદરની ગરમીને બહાર નીકળતાં મોનિટર કરે છે, પાણી ચામડીને ચોંટીને છિદ્રો દ્વારા અંદર પ્રવેશતું નથી (પસીનો એસિડ છે, ત્રીજી કિડનીનું કામ કરે છે અને એ છિદ્રો દ્વારા બહાર ફેંકાય છે!) એક જ આંગળીના ટેરવાની લાઈનો જેવી ૧૦૦ લાઈનોવાળું બીજું ટેરવું શોધવા માટે ૪ બિલિયન વર્ષો જોઈએ, અને એમાં બે તદ્દન એક જ જેવી રેખાઓ મળી શકે છે! (અને મનુષ્યને ૧૦ ટેરવાં હોય છે). જો એક આંગળીનું ટેરવું બાળી નાંખવામાં આવે તો બીજીવાર જે ચામડી ઊગે છે એમાં એજ રેખાઓ ફરીથી આવી જાય છે! આ દૃષ્ટિએ ‘અંગૂઠાછાપ’ અત્યંત રોમાન્ટિક વ્યક્તિત્વ હોય છે...

મનુષ્યની ચામડીમાં જ ફક્ત બાહ્ય બ્રહ્માંડ છે, એક આંતરિક બ્રહ્માંડ છે. યંત્રણા કે પેઈન કેવી રીતે અનુભવાય છે એ વિશે વિજ્ઞાન હજી અસ્પષ્ટ છે. ગલીગલી પેઈન છે? ગાલ પર યંત્રણા શા માટે બહુ ઓછી અનુભવાય છે? ચામડી પર ૩૦ લાખ એવાં બિંદુઓ છે જ્યાં દુ:ખ અનુભવી શકાય છે. બળવું, વાગવું, ચોંટવું, ખોતરવું, ઘસાવું, કરડવું... ચામડીની નર્વ્ઝ કેટલા પ્રકારના ‘પેઈન’ને એક વિપલના ઝબકારામાં સમજી શકે છે? ચામડી અંધકારમાં પણ મવાલીની દબાતી હથેળી અને મિત્રની હસ્તધનૂન માટે દબાતી હથેળીનો ફર્ક સમજી શકે છે. પરિચિત પુરુષની હથેળી અને અપરિચિત સ્ત્રીની હથેળી મારી હથેળી સાથે ભિડાય છે ત્યારે પસાર થતા કરંટોની ભિન્નતા ચામડી સમજી લે છે. પગ ઠંડી ફર્શ પર મુકાય છે, ઠંડું ટીપું માથા પર પડે છે અને બંને ઠંડકો જુદી સમજાય છે. ચામડીની નીચે ઈશ્ર્વર કે કુદરતે એક વિરાટ વેદનાતંત્ર ગોઠવ્યું છે, જેને આજની સ્થિતિ પ્રાપ્ત કરતાં કરોડો વર્ષો લાગ્યાં છે એવું વિજ્ઞાન કહે છે.

અને ત્વક કે ત્વચા એ શરીરના હજારો પુર્જાઓ, અંગો, ઉપકરણોમાંથી માત્ર એક જ છે! મને સર્જનહારની લીલા સમજવા માટે સાધુબાવા કે ધર્મગુરુની પણ જરૂર નથી, બાયોલોજીનું કોઈપણ પુસ્તક મારે માટે ઉત્ક્રાંતિના અભ્યાસ માટે પર્યાપ્ત છે. મારે માટે ઈશ્ર્વર તરફ જવાનો માર્ગ ધર્મ નથી, વિજ્ઞાન છે...! શરીર બ્રહ્માંડ છે. 

Wednesday, February 18, 2015

શરીરરૂપી કારનું એન્જિન છે મન -- માઈન્ડ મેનેજમેન્ટ -સંકલન: ગીતા માણેક

મન ક્યાં છે? શરીરની અંદર કે બહાર? પગમાં, ઘૂંટણમાં, ખોપડીમાં? મન છે ક્યાં?


માઈન્ડ મેનેજમેન્ટ -સંકલન: ગીતા માણેક


આનંદમૂર્તિ ગુરુમા

આજકાલ બધે જ મૅનેજમેન્ટની બોલબાલા છે. બિઝનેસ મૅનેજમેન્ટ, ફાયનાન્સિયલ મૅનેજમેન્ટ, પોર્ટફોલિયો મૅનેજમેન્ટ, ટાઈમ મૅનેજમેન્ટ, બૉડી મૅનેજમેન્ટ... છતાં લાખ્ખો રૂપિયાની ફી ભરીને બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી મેળવનારો યુવાન ઊંચા પગારની નોકરી હોવા છતાં આત્મહત્યા કરી નાખે છે. ફાયનાન્સિયલ મૅનેજમેન્ટમાં નિષ્ણાત ઊંઘની ગોળીઓ ગળતો હોવા છતાં અનિદ્રાથી પીડાય છે. બૉડી મેનેજમેન્ટ માટે જિમમાં આંટા મારનારાઓ હાઈપરટેન્શન અને ડાયાબિટીઝથી પીડાતા જોવા મળે છે. બહારની બધી જ બાબતોના મૅનેજમેન્ટમાં રચ્ચાપચ્યા રહેતા આપણે લોકો જેના થકી આપણે ચાલી રહ્યા છે એ મનનું મૅનેજમેન્ટ કરવાનું જ વિસરી જઈએ છીએ અને એમાંથી સર્જાય છે અનેક ગૂંચવણો અને સમસ્યાઓ.

આધુનિક મહિલા સંત આનંદમૂર્તિ ગુરુમા દ્વારા અમેરિકામાં કરવામાં આવેલા સત્સંગનો વિષય હતો મૅનેજ યૉર માઈન્ડ. એકવીસમી સદીના માનવીને ઉપયોગી એવી આ શ્રેણીને અહીં આ કૉલમમાં રજૂ કરીએ છીએ એવી આશા સાથે કે એ આપણને બધાને આપણું માઈન્ડ મૅનેજ કરી જીવનને વધુ સુંદર બનાવવામાં મદદરૂપ થશે.

જ્યારે તમારું મન વિશ્રામમાં હોય છે, જ્યારે તમારું મન આરામમાં હોય છે ત્યારે તમે કેવળ આંતરિક સુખનો જ અનુભવ નથી કરતા પણ તમારા શરીરને પણ વિશ્રામ મળે છે અને જ્યારે શરીર વિશ્રામમાં હોય ત્યારે શરીર સ્વસ્થ રહે છે. શરીર સ્વસ્થ રહે અને મન વિશ્રામમાં હોય ત્યારે જીવન જીવવાનો આનંદ હોય છે. અમે આ જ તો શીખવીએ છીએ. જીવનની આ કીમતી પળોને કાં તો આપણે ફિકર કરવામાં બરબાદ કરી શકીએ છીએ અથવા એ રીતે જીવીએ કે અંતરમાં બેફિકર છીએ અને જીવનમાં જે પણ પરિસ્થિતિ આપણી સામે આવે એમાંથી માર્ગ કાઢીએ, એ પરિસ્થિતિનો સામનો કરીએ. પરંતુ જ્યારે તમે પરિસ્થિતિનો સામનો કરવાને બદલે ફક્ત પરિસ્થિતિઓ વિશે વિચારતા રહો છો ત્યારે આ વ્યર્થના વિચારોમાં તમારી ઊર્જા નષ્ટ થાય છે. તમારું સુખચેન તો જાય જ છે પણ સૌથી મોટું નુકસાન જે થાય છે એ તમારા સ્વાસ્થ્ય પર. કાશ, તમે આ વાત સમજી શકતા હોત કે તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે.

હું જાણું છું કે આજકાલ મૅડિકલ સાયન્સ અનુવંશિક અને વારસાગત રોગની વાત કરે છે જે તમને તમારા પૂર્વજો તરફથી મળ્યા છે, પરંતુ મારું માનવું છે કે મનમાંથી શરીર થયું છે. અગર હું એમ કહું તે તમારું શરીર જે ઉત્પન્ન થયું છે તે તમારા મનને કારણે બન્યું છે. તમારા શરીરનો જે આકાર અને દેખાવ છે એ તમારા મનને લીધે છે. એવું નથી કે શરીર પહેલા બન્યું પછી મન એમાં આવ્યું. એવું નથી કે જાણે પહેલાં કોઈએ માટીનું વાસણ બનાવ્યું અને પછી આપણે એમાં પાણી ભરી દીધું. ઘણાં લોકો એવું માને છે કે શરીરને ઈશ્ર્વરે, પ્રકૃતિએ બનાવ્યું પછી એમાં મન આવ્યું. ના એની નથી. કેટલાંક લોકો એવું પણ માને છે કે શરીરમાંથી મન ઊગે છે. વાત થોડીક ટેક્નિકલ થઈ રહી છે પણ કંઇ વાંધો નહીં, તમારું શરીર શું છે, તમારું મન શું છે એની સમજ તો તેમને હોવી જોઈએ કે નહીં?

તમારે ગાડી ખરીદવી હોય તો દસ શૉ-રૂમમાં જાવ છો, ઈન્ટરનેટ પર સર્ફિંગ કરો છો, દસ લોકોનો અભિપ્રાય લો છો. કોનું ઍન્જિન સારું છે, કોનું ઍરૅક્ધિડશનિંગ સારું છે. જો તમે યુવાન હો તો તમને એ વાતની ફિકર હોય છે કે એ દેખાવમાં કેવી છે અને જો તમારામાં પૌરુષ વધારે હોય તો તમારો બીજો સવાલ હશે કે ઍન્જિનનો પાવર કેટલો છે એ કહો. હાઈ-વે પર એ કેટલી ફાસ્ટ ભાગશે? જુઓ, આ પણ ઉંમરનો જ તકાજો હોય છે અને તમારી રુચિ પણ બદલાતી રહે છે. જુવાનીમાં પૂછશે, ઍન્જિનની સ્પીડ કેટલી છે અને એ જ જ્યારે બુઢ્ઢો થઈ જશે તો પૂછશે સીટ બૅલ્ટ બરાબર બંધ થાય છેને! જો જોરથી બ્રેક વાગી જાય અને હું પડી જાઉં... તો શરીરની ચિંતા થાય છે. સસ્તામાં સ્ટ્રોંગ ગાડી જોઈએ જેથી ન કરે નારાયણ અને કોઈ એક્સિડન્ટ થઈ જાય તો હું અંદર સલામત રહું. ઘણીવાર લોકોને શૉપિંગ કરતા જોવાની મને બહુ મજા પડે છે. ખાસ કરીને, તેઓ તેમના કપડાંની શૉપિંગ કરતા હોય છે. ઘરે કલાકો વીતાવ્યા હોય છે ઈન્ટરનેટ પર, મૅગેઝિનમાં જોયું હોય છે. શું સારું છે, શું ફેશનમાં છે, ક્યો કલર સારો લાગશે, છતાં જ્યારે ખરીદવા જાય છે તો એક ઉપાડશે, પહેરીને જોશે, પછી બીજું ટ્રાય કરશે, ત્રીજું ટ્રાય કરશે. એક પેન્ટ જેની ઉંમર થોડાક વર્ષ, વર્ષ તો મેં વધારે જ કહી દીધું કારણ કે તમે તો દરેક સિઝનમાં ખરીદી કરો છો પણ માની લો કે કોઈ માટે એ પેન્ટ ૬ મહિના, કોઈ માટે ૬ વર્ષ કે કોઈ માટે કદાચ ૨૦ વર્ષ ચાલવાનું છે. આવા એક પેન્ટને ખરીદવામાં તમે કેટલું દિમાગ વાપરો છો પણ જે શરીરને તમે પેન્ટ પહેરાવ્યું છે, એ શરીર વિશે તમારી જાણકારી કેટલી છે? શું તમે ખરેખર જાણો છો કે તમારું શરીર કેવું છે, કેવી રીતે કામ કરે છે? એનું સર્જન કઈ રીતે થયું છે અને શરીરની અંદર બધી યંત્રણા કઈ રીતે ચાલે છે? તમે કહેશો એટલી ફિકર કરવાની શું જરૂરત છે અત્યારે તો સારું ચાલી રહ્યું છે, ખરાબ થશે તો ડૉકટર પાસે ચાલ્યા જઈશું. પણ મારા વ્હાલા, ડૉકટરની ફી અને દવાઓ મોંઘી છે. તો તમને તમારા શરીરરૂપી વાહન કે કાર જેના થકી તમે ચાલી રહ્યા છો એના વિશે જ્ઞાન તો હોવું જોઈએ! આ શરીરરૂપી કારની અંદર જે ઍન્જિન છે એને હું મન કહું છું. જેમ કોઈ કાર એના ઍન્જિન વિના નથી ચાલી શકતી એ જ રીતે આ શરીર પણ મન વિના નથી ચાલી શકતું.

મારો પ્રશ્ર્ન છે કે શરીર પહેલાં બન્યું પછી એમાં મન ઊગ્યું કે મન પહેલાં હતું અને પછી શરીર ઊગ્યું? બીજો પ્રશ્ર્ન એ કે મન શરીરની અંદર છે કે બહાર છે? આંગળીમાં છે કે મન ખોપડીમાં છે કે મન પગમાં છે કે મન ઘૂંટણમાં છે? મન છે ક્યાં?

ભાગ-૨

મનને મેનેજ કરવા માટે પહેલાં મન છે શું એ જાણવું પડશે, સમજવું પડશે


ગયા હપ્તામાં આપણે વાત કરી કે મન અને શરીરના સ્વાસ્થ્યને સીધો સંબંધ છે. આપણે કેવું જીવન જીવીએ છીએ એનો આધાર આપણા મન પર છે, પરંતુ મન આપણા શરીરની અંદર છે કે બહાર? શરીરની અંદર છે તો ક્યા સ્થાન પર છે? હવે આગળ વાંચો. 

એક મહિલા એક સંત પાસે ગઈ અને કહે, ‘મહારાજ, મારું મન તૂટી ગયું.’

મહારાજે કહ્યું, ‘લાવ, મારી પાસે એક ટયૂબ છે જેનાથી હું તૂટી ગયેલી ચીજને જોડી દઉં છું, મને તારું મન દે તો એને પણ જોડી દઉં!’

બીજી મહિલાએ કહ્યું, ‘મારું મન બહુ ખાટું થઈ ગયું છે આજે.’

તો સંતે એક ટોફી આપી અને કહ્યું, ‘લે, આ ચોકલેટ ખાઈ લે હમણાં મીઠું થઈ જશે.’

તે સ્ત્રી કહે, ‘ચોકલેટ ખાઈશ તો મોં મીઠું થશે, મન થોડું જ મીઠું થશે?’

સંતે કહ્યું, ‘જે રીતે તેં તારું મન ખાટું કર્યું છે એ રીતે હવે મીઠું પણ કરી લે. કોઈક કંઈકે બૂરી વાત સંભળાવી તો મન ખાટું થઈ ગયું હવે હું તને થોડીક સારી વાતો કહી રહ્યો છું તો એ સાંભળીને મનને મીઠું કરી લે.’

તે સ્ત્રી કહે, ‘એવું થોડું હોય?’

હવે જુઓ સારી વાત શીખવા માટે તો પ્રશ્ર્ન કરો છો એવું કેવી રીતે થઈ શકે? મનને ખરાબ કરવામાં તો જરાય વાર નથી લાગતી. 

મન ક્યાં છે આ દેહમાં? અંદર છે કે બહાર છે? અગર તમારો જવાબ એ છે કે અંદર તો હું પૂછું છું કે અંદર ક્યાં છે? ભાઈ, બહાર તમે કાર ક્યાં પાર્ક કરી છે એ તો યાદ છેને? કોઈ મોટા મોલમાં કે પાર્કિંગ પ્લોટમાં કાર રાખો છો તો નોંધો છો - એફ-૨૬, નહીં તો પછી ક્યાં - ક્યાં ભટકતા ફરો. યાદ હોય તો પછી શોધવું આસાન થઈ જાય. તો તમે તમારા મનને ક્યાં પાર્ક કર્યું છે? એ શરીરના કયા ભાગમાં છે? એનું સ્થાન ક્યાં છે અને એ ક્યાંથી કામ કરે છે એ જોઈએ.

કોઈએ જવાબ આપ્યો કે મન આખા શરીરમાં છે, પરંતુ આ તો બહુ ચબરાકીભર્યો જવાબ છે. વળી કોઈએ જવાબ આપ્યો કે મન તો ફરતું રહે છે. તો અત્યારે તમારું મન ક્યાં ફરવા ગયું છે? ખિસ્સાખર્ચી આપી છે કે નહીં? 

મજાકની વાત બાજુએ મૂકીએ અને મન શરીરની અંદર છે કે બહાર કે શરીરમાં ક્યાં છે એ તો પછી શોધીશું પણ એ પહેલા એ તો જાણીએ કે મન છે શું? પહેલા ખબર તો પડે કે એ શું છે તો એને શોધી શકાયને!

મન છે વિચાર. વિચારોનો સમૂહ. વિચારનો કોઈ આકાર તો છે નહીં. જેમ ફૂલમાં ખુશ્બૂ છે. ફૂલનું શરીર છે, આકાર છે પણ ખુશ્બૂને કોઈ શરીર કે આકાર નથી. તો આપણે કહી શકીએ કે અશરીરી ખુશ્બૂ ફૂલના શરીરમાં છે. છતાં ફૂલ અને ખુશ્બૂ બે અલગ-અલગ વસ્તુઓ છે. આપણે એક ઊંડો શ્ર્વાસ ભરીને સુગંધ લઈએ તો પણ બાકીની સુગંધ તો ફૂલમાં જ રહે છે. એક ફૂલને અગર વીસ જણાં પણ સૂંઘી લે તો પણ એની સુગંધ ખતમ નથી થઈ જતી. એક ફૂલમાં કેટલી સુગંધ હોય છે એને તમે કેવી રીતે માપશો, કઈ રીતે વજન કરશો કે કેટલા માઈક્રોગ્રામ છે. 

એક નાનકડું ફૂલ ચંપાનું કે એની એક કળી અથવા રજનીગંધાની એક ડાળખી કે કળી ઓરડામાં રાખી દો તો આખા રૂમને ખુશ્બૂથી ભરે દે છે. હવે એ રૂમમાં પચાસ લોકો પણ આવીને બેસે તો એવું નથી કે આપણે કહેવું પડે કે હવે પચાસ લોકોએ ખુશ્બૂ લઈ લીધી છે તો ખુશ્બૂ ખતમ થઈ ગઈ.ખુશ્બૂ હજુ પણ ત્યાં જ છે અને પાંચસો લોકો આવીને ચાલ્યા જાય તો પણ ખૂશ્બુ ત્યાં જ રહે છે પણ આ ખૂશ્બુનો જે સ્ત્રોત છે એ નાનકડું ફૂલ છે. 

હવે આને આ રીતે સમજો. તમારું મન ખુશ્બૂ પણ છે અને કળી પણ છે. બન્ને મન અદૃશ્ય છે એટલે કે જેમ તમે સુગંધને તમારી આંખોથી જોઈ નથી શકતા કે હાથથી સ્પર્શી નથી શકતા પણ સૂંઘી શકો છો, પરંતુ ફૂલ તો આંખોને દેખાય છે. આપણે એમ કહી શકીએ કે તમારું શરીર તો દેખાય છે પણ એ શરીરમાં મોજૂદ મન દેખાતું નથી. જેમ ખુશ્બૂ બહુ મોટા વિસ્તારમાં પથરાઈ જાય છે એ જ રીતે તમારું મન પણ પથરાયેલું છે. અને આ પથરાયેલા મનમાં આ એક તમારું મન પણ ઊગ્યું છે. મનમાંથી તન નીકળ્યું છે. મન તનમાં પણ છે અને મન તનની બહાર પણ છે. મન એક વિચાર પણ છે, પરંતુ માત્ર વિચાર નથી. મન વિચારથી કંઈક વધુ છે. તમારી ભાવનાઓ, તમારો અહેસાસ, મન ઈચ્છા પણ છે.

હવે હું તમને પૂછું કે તમારા મનમાં એક ઈચ્છા આવી તો એ ઈચ્છાનું વજન કેટલું છે? અચ્છા, એક ઈચ્છાએ તમારા મનની કેટલી જગ્યા રોકી છે? ઘણી વાર કેટલાંક ભક્તો એવું ભજન ગાય છે કે મારા મનનાં એક ખૂણામાં ભગવાન તમારી મૂરત છે અને તમે ત્યાં રહો છો. જ્યારે હું આવું ભજન સાંભળું છું તો કહું છું કે બિચારાને ખૂણામાં કેમ બેસાડ્યો છે? બાકી આખી દુનિયાને તો મોટી જગ્યા આપી રાખી છે અને ભગવાનને ખૂણામાં બેસાડી રાખ્યો છે. 

તો મન ભાવના પણ છે, મન ઈચ્છા પણ છે, મન અહેસાસ પણ છે અને મન સંસ્કાર પણ છે. સંસ્કાર મતલબ તમારા મગજમાં ઈન્દ્રિયોના અનુભવમાંથી અંકિત થઈને સંગ્રહ થયેલી બધી છાપ.

મન તમારા જીવનના અનુભવોનું મેમરી કાર્ડ છે અને ભાવિ આયોજનોનો નકશો પણ
ભાગ-૩

મનુષ્યનું આ જે મસ્તિષ્ક છે, મગજ છે એ પણ પોતાનામાં એક જટિલ યંત્ર છે. તમારા મગજના એક કોષમાં, તમારા મગજના એક ન્યુરોનમાં એટલી માહિતી છે કે આપણે કહી શકીએ કે આખી એક લાઈબ્રેરી તમારા ન્યુરોનમાં મોજૂદ છે. તમામ દુનિયાના પુસ્તકોની જાણકારીઓ અગર આપણે ઇચ્છીએ તો આપણા મસ્તિષ્કમાં રાખી શકીએ. કેવી રીતે રાખી શકીએ, કયાં રાખવામાં આવશે?તો કહે છે કે એક જ ન્યુરોનમાં આવી જાય. કરોડો પ્રકારની માહિતી તમારા મગજના ન્યુરોનમાં ભરેલી છે અને આવા કરોડો ન્યુરોન તમારા મગજમાં છે. મતલબ કે આપણે કહી શકીએ કે આખું વિશ્ર્વ તમારા મગજમાં મોજૂદ છે. બરાબર? આ એક વિશિષ્ટ સંસાર છે જે તમારા દિમાગમાં ભરેલો છે.

જેવી રીતે હું તમને પૂછું કે તમારું નામ શું? ધારો કે તમારું નામ કમલેશ છે. તો આ કમલેશ ક્યાં જન્મ્યો. કમલેશનું ઘર, કમલેશના મા-બાપ, દાદી-દાદી, કાકા-કાકી, મોટાબાપા, પાડોસી, કઈ સ્કૂલમાં કમલેશ ભણ્યો, કોની સાથે રમ્યો. કોની સાથે કેટલા તોફાન કર્યા, પછી કમલેશ મોટો થયો તો કેટલી લફંગાગિરી કરી અને કયા-કયા સજ્જનોના ઘરે ગયો, કેટલીવાર બાપુજીનો માર પડયો કે ન પડયો. આવી કંઇક કેટલીય માહિતી તમારા મગજના એક ન્યુરોનમાં સંઘરાયેલી પડી છે. 

તમારી પોતાની એક દુનિયા તમારા દિમાગમાં છે. મગજ શું છે? તમારી ચેતનાનું આસન છે. તમારી ચેતના તમારા મન અને મસ્તિષ્ક સાથે મળીને કામ કરી રહી છે. તો મન શું છે? મન ઘણું બધું છે. આપણે કમલેશનું ઉદાહરણ લીધું હતું. કમલેશના મનમાં જેટલી યાદો છે, જેટલી વાર્તા છે. જેટલાં સુખ અને દુ:ખના અનુભવ છે, જેટલા સારા-ખરાબ વિચારો છે એ કમલેશના મનના કોઇ એક ભાગમાં છે. અને આ ધરતી પર કેટલા દેશ છે. અમેરિકા, બ્રાઝિલ વગેરે. કેટલા નક્ષત્ર છે, કેટલા ગ્રહો છે, કયા -કયા દેશમાં કોણ -કોણ વડા પ્રધાન છે. કોણ રાષ્ટ્રપતિ છે. તો તમારી સ્કૂલથી માંડીને કોલેજ, કોલેજથી માંડીને લગ્ન, લગ્નથી માંડીને ઇન્ડો-પાક યુદ્ધ, ઇન્ડો-ચાઇના યુદ્ધ, વિશ્ર્વયુદ્ધ... આ બધી માહિતી તમારા મનમાં મોજૂદ છે. હવે રસપ્રદ ભાગ એ છે કે જે માહિતી તમારી પાસે છે એ વિશિષ્ટપણે તમારી પોતાની છે કારણ કે તમારી ભાવનાઓની છાપ એમાં આવી જાય છે. જે ચીજ તમે મહેસૂસ કરો છો. દાખલા તરીકે, આ સમયે આ હોલમાં જેટલા લોકો બેઠા છે (અથવા અત્યારે વાંચી રહ્યા છે) શું બધાને એકસરખો અનુભવ થઇ રહ્યો હશે? શું બધા એક જ રીતે સમજી રહ્યા હશે? શું બધા એક જ રીતે મને જોઇ રહ્યા હશે? શું બધા મને એક જ રીતે યાદ કરશે? ના, બધાનો અનુભવ અલગ- અલગ હશે. મને યાદ છે એકવાર સત્સંગની એક બેઠક બાદ હું નીકળી તો એક મહિલા પાછળથી જોરજોરથી બૂમ પાડતી હતી, ‘ગુરુમા, ગુરુમા.. મારે વાત કરવી છે... મારે વાત કરવી છે.’ મેં કહ્યું. ‘ સારું, આવ અહીં. શું વાત કરવી છે?’ કહે, ‘મારે એ પૂછવું છે કે તમારા ગળામાં આ જે રુદ્રાક્ષની માળા છે એ તમે ક્યાંથી લીધી હતી? મને બહુ ગમી. ક્યાંથી ખરીદી હતી?’ મેં કહ્યું, ‘વાહ વાહ!’ હવે તમે જુઓ આખા સત્સંગમાં તેની નજર, તેનું ધ્યાન વિશિષ્ટપણે ક્યાં અટકયું હતું તો કહે માળા પર. હું પણ એ માળાને લઇ લઉં તે કેવું સારું, એ કેટલાની હશે, હું કઇ સાડી સાથે પહેરીશ, કોને- કોને દેખાડીશ આ બધું પ્લાનિંગ તેના દિમાગમાં ચાલી રહ્યું છે, પરંતુ દુનિયાની દૃષ્ટિએ જોઇએ અને હું પણ તેને સામે બેઠેલી જોઉ છું તો લાગે છે કે સત્સંગ સાંભળી રહી છે પણ સાંભળીને પણ તે ખરેખર નથી સાંભળી રહી. આપણી આંખ જે જુએ છે, આપણા કાન જે સાંભળે છે, આપણી ચામડી જે ઠંડું કે ગરમ અનુભવ કરે છે... હવે જે લોકો જમીન પર બેઠા છે તો કાર્પેટનો એક સ્પર્શ થઇ રહ્યો છે. અગર કોઈને અગવડ પડી રહી છે મતલબ તેની ઘૂંટીમાં તકલીફ થઇ રહી છે, ખૂંચી રહ્યું છે, તો તેનું ધ્યાન ત્યાં અટકયું હશે તો અડધી વાત તો તે મારી સાંભળશે પણ નહીં. 

એકવાર સજ્જન મને કહેવા માંડયા કે તમે જે સમજાવ્યું હું એ બરાબર સમજયો નહીં. મને એકવાર એક ફરીથી સમજાવશો? મેં કહ્યું, ‘તમે તો બિલકુલ મારી સામે જ બેઠા હતા તો તેમને કેમ નહીં સમજાયું, શું મુશ્કેલી થઇ?’ તેમણે કહ્યું, ‘અસલમાં થયું એવું કે સત્સંગમાં આવતા પહેલા મેં બધું પાણી પી લીધું હતું અને મારે ત્યારે જ બાથરૂમ જવું પડે એમ હતું. હું સૌથી આગળ બેઠો હતો તો બધામાંથી વચ્ચેથી ઊભો થઇને જાઉં કેવી રીતે એટલે બેઠો તો રહ્યો પણ ધ્યાન ન રહ્યું એટલે તમે જે કહી રહ્યા હતા એ સમજવું મુશ્કેલ થઇ ગયું તો તમે મને ફરીવાર સમજાવો.

તમને નવાઈ લાગશે કે મારા એક પરિચિત મહાત્મા છે તેઓ જ્યારે પણ સત્સંગ માટે બેસે છે તે સૌ સથી પહેલા એ જ કહે છે કે ‘બાથરૂમ જઇ આવ્યા?’ અડધા કલાક પછી ફરીથી કહે છે, ‘અચ્છા, હું હવે એક બ્રેક લઉં છું . જાવ, બાથરૂમ જઇ આવો.’ સાંભળવામાં વિચિત્ર લાગે છે પણ એક ઉંમર બાદ જેમને કોઈ શારીરિક તકલીફ છે કે કોઈ બીમારી છે તેમને માટે તો આ બહુ રાહતની વાત છે. આપણું મન શરીરમાં જે સંવેદનાઓ, ઈચ્છાઓ, ઉત્તેજના કે દબાણને મહેસૂસ કરે છે. આપણી જ્ઞાનેન્દ્રિય દ્વારા જે કંઇ સંદેશ પહોંચે છે એને પણ મન સમજે છે, તમારા જીવનના જેટલા અનુભવ અત્યાર સુધી થઇ ચૂકયા છે એ બધા જ અનુભવોનું ‘મેમરી કાર્ડ પણ તમારું મન જ છે અને આવતીકાલે તમે જે કરવા માગો છો અને આજથી દસ વર્ષ બાદ તમે જે કંઈ કરવા ઈચ્છો છો, તમારા બધા સપનાં પણ તમારું મન છે. સપનાં, વિચાર, અહેસાસ, ઐન્દ્રિક અનુભવ, સંસ્કાર, અપેક્ષાઓ, ઈચ્છાઓ આ બધું જ મન છે. તો મન તમારું એટલું જ નથી જેટલું તમે વિચારો છો. મનનો એક હિસ્સો તો એ છે જેને તમે સમજો છે, પણ એના એક મોટા હિસ્સા વિશે તમને કંઇ જ સમજણ નથી.

મનથી શરીર જ નહીં, સંસાર પણ બન્યો છે
પૃથ્વી પર જેટલાં મન જીવી રહ્યાં છે એ તમામને ભેગાં કરીએ એટલે વિશ્ર્વ રચાય

ભાગ-૪

અત્યારે તમને લાગે છે કે મારું મન અલગ છે અને બીજાઓનું મન અલગ છે. તો અહીં જો બસ્સો લોકો બેઠા છે તો તમે કહી શકો છો કે બસ્સો મન બેઠાં છે, પરંતુ મન બસ્સો નથી, મન વાસ્તવમાં એક જ છે.

જો હું તમને આ રીતે સમજાવું. જો તમે એક જંગલ જુઓ તો જંગલ શું છે? જંગલ એવી જગ્યા છે જ્યાં ઘણાં બધાં વૃક્ષો છે અથવા વૃક્ષોના એક મોટા સમૂહને જંગલ કહેવાય છે, બરાબર? હવે એમાંથી હું એક વૃક્ષ કાઢી લઉં તો પણ જંગલ તો ત્યાં જ રહેશે. પછી હું બીજું એક વૃક્ષ કાઢી લઉં તો પણ જંગલ તો ત્યાં જ છે. પણ માની લો કે દસ હજાર લોકો આવે અને કહે કે અમે એક-એક વૃક્ષ લઈએ છીએ અને ધીમે ધીમે એક પછી એક વૃક્ષ કપાઈ જાય અને એક પણ વૃક્ષ ન રહે તો જંગલ ક્યાં રહેશે? તો જંગલ એટલે વૃક્ષોનો સમૂહ અને એક-એક વૃક્ષ જંગલના વ્યક્તિત્વમાં, આકારમાં ઉમેરો કરે છે અને છતાં દરેક વૃક્ષ બીજા વૃક્ષથી અલગ છે. દેખાવમાં, ઉંમરમાં, જાતિમાં બધા એકબીજાથી અલગ છે. તેમ છતાં જો જંગલના એક ખૂણે આગ લાગી જાય તો એ જંગલનાં બધાં વૃક્ષોને બાળી નાખે. 

મતલબ કે આપણે કહી શકીએ કે એક મન એક વૃક્ષ જેવું છે અને ઘણાં બધાં મન એટલે મનનો એક નાનો સમૂહ. તો આ હોલની બહાર કેટલા મન છે. આ પૃથ્વી પર કેટલાં મન જીવી રહ્યાં છે અને એ બધા મનને આપણે ભેગાં કરીએ તો એને સંસાર કહેવાય છે. સંસાર એટલે કે વિશ્ર્વ... તો વિશ્ર્વ પંચત્તત્વ અગ્નિ, પૃથ્વી, જળ, અવકાશ, વાયુનું નથી બન્યું,ખરેખર તો વિશ્ર્વ મનનું બન્યું છે. જ્યારે આપણે સમગ્ર મન કહીએ છીએ ત્યારે આપણે અલગ-અલગ મન કહી રહ્યા હોઈએ છીએ પણ હકીકતમાં મન જુદા-જુદા નથી, એક વૈશ્ર્વિક મન જ છે આ વૈશ્ર્વિક મનને સંસ્કૃતમાં માયા કહે છે. 

માયા શાને કહે છે? આ જ જે વ્યાપક મન છે એને આપણે માયા કહીએ છીએ. તો જેવી રીતે એક-એક વૃક્ષ સાથે આવતા જંગલ બની ગયું એવી રીતે એક-એક મનના જોડાવાથી સંસાર થઈ ગયો. તો આપણે એમ પણ કહી શકીએ કે મન શું છે? મન છે સંસાર.

મને એક વાત કહો, આ જે બહાર તમે સંસાર જોઈ રહ્યા છો એ કેટલો મોટો છે? બહુ મોટો છે. અહીં ધરતીથી સૂરજ કેટલો દૂર હશે? અહીંથી ચંદ્રમાં કેટલો દૂર હશે? અહીંથી શનિ, ગુરુ, શુક્ર આ બધા ગ્રહો જે સૂર્યમંડળની આકાશગંગામાં છે એ બધા તમારા મન એટલે કે વ્યાપક મનમાં મોજૂદ છે, પણ તમને આ વૈશ્ર્વિક મનની જાણ નથી. તમને મનના આ એક યુનિટ (એકમ) વિશે ખબર છે જેને કમલેશનું મન (અગાઉ કમલેશ નામના માણસનું ઉદાહરણ લીધું હતું) અથવા જેને મારું મન કહો છો, પણ મન ફક્ત આટલું જ નથી. જેટલું તમે એને સમજો છો. મન તો આ સંસારને પેદા કરનારું મૂળ કારણ છે. મનથી સંસાર થયો છે. મનથી શરીર જ નહીં મનથી સંસાર પણ બન્યો છે.

હવે મજેદાર વાત. તમે એ સમજો કે જે મને આ સંસારને બનાવ્યો એ ખુદ આ સંસારમાં ફસાઈ જાય છે. ચાલો, હું તમને નાના સ્તર પર, માઈક્રો લેવલ પર લઈ જાઉં. લગ્ન તમે તમારી મરજીથી કર્યાં હતાં. ખુશી-ખુશી, ઢોલ-નગારા સાથે, ઘોડેચડીને, દુલ્હા રાજા બનીને, સાજ સજીને અથવા સ્ત્રી હો તો સુંદર દુલ્હન બનીને, શૃંગાર કરીને સુંદર વર જે પસંદ આવ્યો હતો કે મા-બાપે પસંદ કર્યો હતો તેની સાથે સાત ફેરા લીધા અને સાત જનમોનો સંકલ્પ કર્યો કે, સાત જનમ સાથે રહીશું. હિન્દુ મેરેજ બહુ લાંબે સુધી ચાલે છે ભાઈ! પછી પતિનો સ્વભાવ પસંદ નથી આવતો કે બહુ અક્કડ છે, બહુ જોરજોરથી બોલે છે, ખાતી વખતે નાકમાં આંગળી નાખે છે, બીજાના કામકાજમાં આંગળી નાખે છે. બહુ ચીડ આવે છે પણ પસંદ કર્યો છેને તો તેની સાથે રહીએ છીએ.

તેને પસંદ કોણે કર્યો હતો? તમે. તમારા મને. હવે તેનાથી જે સુખ થશે એ પણ તમે ભોગવશો અને જે દુ:ખ થશે એ કોઈ બીજું ભોગવશે? એ પણ તમે જ ભોગવશો. પછી તમારા બંને થકી, તમે પતિ-પત્ની થકી બાળકો થયા. હવે જે વાત આવે છેને એ વાત સમજો. પેકેજ હંમેશાં આખું હોય છે, અધુરું નથી હોતું. આ પેકેજમાં જ્યારે તમને સુખ મળે છે તો દુ:ખ પણ નિશ્ર્ચિતપણે મળશે જ. તમને એ નથી જોઈતું હોતું પણ એ તો સોદાનો ભાગ હતો હવે તમે એ અડધા હિસ્સાને નકારી ન શકો. 

એક પતિ-પત્નીની લગ્નની પચાસમી વર્ષગાંઠ હતી તો એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં બધું ગોલ્ડન હતું કારણ કે પચાસમી લગ્નતિથિ હતી એટલે ગોલ્ડન સાડી અને પતિ માટે ગોલ્ડન અચકન, ગોલ્ડન જૂતાં અને બધાને ગોલ્ડન કાર્ડ-આમંત્રણ પત્રિકા છાપવામાં આવી હતી. કોઈએ પૂછ્યું તમારાં આ લાંબા દાંપત્યજીવનની સફળતાનું રહસ્ય શું છે? પતિએ જવાબ આપ્યો કે હવે જ્યારે પચાસ વર્ષ થઈ જ ગયા છે તો આજ હું તમને આ ખુશીના મોકા પર રહસ્ય જણાવી જ દઉં છું. તે કહે, ‘જુઓ અમે લગ્નની રાત્રે જ આપસમાં એક કરાર કર્યો હતો કે એકબીજા સાથે ઝઘડીશું નહીં, પરંતુ અગર ઝઘડાની નોબત આવી જાય અને તને ક્યાંક ગુસ્સો આવી જાય મારા પર અને મને દેખાય કે તું મારા પર ગુસ્સામાં છે તો હું ઘરની બહાર ચાલ્યો જઈશ. અહીં-ત્યાં ફરીશ. તો બે-ચાર કલાકમાં તે પણ ઠીક થઈ જાય છે. અને હું પણ ઠીક થઈ જાઉં છું. એટલે છેલ્લાં પ૦ વર્ષમાં જ્યારે-જ્યારે મારી પત્નીને ગુસ્સો આવે તો હું ઘરની બહાર ચાલ્યો જાઉં છું, તો એ રીતે પચાસ વર્ષમાં અમે ક્યારેય ઝઘડ્યા નથી. અમારી આપસમાં ગોઠવણ છે જમવાનું હું બનાવું છું તે ખાય છે, બાળકો તેણે જણ્યા હું સંભાળું છું, હું કમાઉં છું તે ખર્ચે છે. ગોઠવણ છે આ અમારી વચ્ચે. અમારા લગ્નને પચાસ વર્ષ થઈ રહ્યાં છે તો અમારી ખુશીનો આધાર જે છે એ આ વાત પર જ છે કે હું હંમેશાં શાંત રહું છું. જો તે ગરમ થઈ જાય તો અને અગર હું ગુસ્સે થઈ જાઉં તો ઠંડા પાણીથી નહાઈને પોતાની જાતને શાંત પાડી દઉં છું! (ક્રમશ:)



સ્વર્ગસ્થ ડૉ. મનુ કોઠારીને મળીને, વાંચીને, સાંભળીને તમારા મનમાંથી રોગનો ફફડાટ દૂર થઈ જતો --- સન્ડે મોર્નિંગ - સૌરભ શાહ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=143844

સન્ડે મોર્નિંગ - સૌરભ શાહ


જેમને લીધે જિંદગી જીવવા જેવી લાગતી હોય એવા લોકો જતા રહે ત્યારે સાચું કહું, જીવન ઓછું જીવવા જેવું લાગે છે. તબીબી ક્ષેત્રનાં જેમનાં સંશોધનોને હવે પશ્ર્ચિમી મીડિયા પણ સ્વીકારી રહ્યું છે તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડૉ. મનુ કોઠારીએ ત્રણ દિવસ પહેલાંના ગુરુવારે ૭૯ વર્ષની ઉંમરે છેલ્લો શ્ર્વાસ લીધો ત્યારે કંઈક આવી જ ફીલિંગ આંખમાંથી છલકાઈ ગઈ. દવા આપીને દર્દીને સાજા કરનારા ડૉકટરને લોકો દેવ ગણે છે. એ હિસાબે દવા આપ્યા વિના દર્દીને સાજા કરનારા ડૉકટર મહા-દેવ ગણાવા જોઈએ. તબીબીશાસ્ત્રની ટોચની પદવીઓની હારમાળા ધરાવતા ડૉ. મનુ કોઠારીનું કૅન્સર અંગેનું સંશોધન આજે પણ કોઈ પડકારી શકતું નથી. ધ વૉશિંગ્ટન પોસ્ટ અને ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સ છેક હવે એવા રિપોર્ટ્સ છાપતા થયા છે કે મેડિકલ ક્ષેત્રમાં ‘ઓવર ડાયગ્નોસિસ’ થાય છે. ડૉ. મનુ કોઠારી દાયકાઓથી સલાહ આપતા રહ્યા કે વાતવાતમાં ચેકઅપ કરાવવા દોડી જવું મૂર્ખામી છે. કમ્પલીટ બોડી ચેકઅપ કમ્પલીટ નાદાનિયત છે. ડાયગ્નોસિસ માટે ફ્રી ઑફ ચાર્જ યોજવામાં આવતા કૅમ્પ્સ વાસ્તવમાં ઘરાકો મેળવવાની માર્કેટિંગ યોજનાઓ છે. સ્વામી સચ્ચિદાનંદે કહ્યું છે કે ખંડન કરવાથી ખંડન થતું નથી, ઊલટાનું મંડન થાય છે. મુંબઈની કેઈએમ હૉસ્પિટલ સાથે સંલગ્ન જી. એસ. મેડિકલ કૉલેજના ઍનેટોમી વિભાગના ભૂતપૂર્વ ડીન ડૉ. મનુ કોઠારી તબીબી ક્ષેત્રે કોઈનુંય ખંડન નહોતા કરતા પણ પોતાની તબીબી વિચારધારાને આગવી શૈલીમાં વ્યક્ત કરતા રહેતા. તેઓ તબીબી ક્ષેત્રના કે તબીબોના વિરોધી નહોતા પણ આ પવિત્ર ક્ષેત્રમાં ચાલી રહેલી ગેરરીતિઓને વૈજ્ઞાનિક ઢબે તમારી સમક્ષ ઉઘાડી પાડતા. એમને મળીને, વાંચીને, સાંભળીને માંદગી માટેનો તમારો ફફડાટ સાવ ગાયબ થઈ જતો.

માણસને સૌથી વધુ ભય શેનો સતાવે? મૃત્યુનો? ના. મૃત્યુનો ભય એને પોતાને હોય એના કરતાં વધારે એના પર જેમનાં જીવનનો આધાર છે એવી વ્યક્તિઓને વધારે હોવાનો. કારણ કે એના ગયા પછી એણે તો કશું સહન કરવાનું નથી, એના આશ્રિતોએ વધુ સહન કરવાનું હોય છે. મૃત્યુ કરતાં પણ મોટો ભય માણસને રોગનો હોય છે. શરદીખાંસી જેવા રોગની વાત નથી. અલ્ઝાઈમર્સ ડિસીઝ જેવા રોગ. કૅન્સર કે હૃદયને લગતા રોગ. વૃદ્ધાવસ્થાને કારણે તમે યાદશક્તિ ગુમાવતા જાઓ તો તમારી આજીવિકા ગુમાવી બેસો. અલ્ઝાઈમર્સનાં પરફેક્ટ કારણો કે ઍકયુરેટ ઉપચારો શોધાયા નથી. આ રોગ ન થાય એ માટે તમે પ્રિવેન્ટિવ મેઝર્સ લઈ શકતા નથી. કૅન્સર થવાનો તમને ડર હોય તો પણ તમે એ માટે પ્રિવેન્શનનાં પગલાં લઈ શકતા નથી, કારણ કે કૅન્સર શું કામ થાય છે એનું જ સંશોધન હજુ અધૂરું છે. કૅન્સરના દર્દીને સાજા કરનારી દવાઓ માત્ર દાવાઓ છે, ક્લેમ્સ છે. ઉલ્કાપાતનો ચોક્કસ સમય કહી શકનારું વિજ્ઞાન આપણી પાસે છે, કૅન્સરને જડમૂળમાંથી ઉખાડી નાખનારું વિજ્ઞાન નથી.

હાર્ટ ઍટેક. કોઈ પણ ઉંમરે હૃદયરોગનો હુમલો આવી શકે. રોગથી મરી જવાનો ડર માણસને એટલો નથી હોતો જેટલો રોગની સારવાર પાછળ આર્થિક રીતે પાયમાલ થઈ જવાનો ભય હોય છે. આ ભયગ્રંથિને કારણે દવા બનાવનારી કંપનીઓ, મેડિકલ રિસર્ચ સેન્ટરો, હૉસ્પિટલો તથા ડૉકટરી આલમનો ધંધો ખૂબ ફૂલેફાલે છે. મેડિકલેઈમ જેવા વીમા લેનારી કંપનીઓ પણ હવે આ બૅન્ડવેગનમાં સામેલ થઈ ગઈ છે.

કોઈપણ માણસનું શરીર અમુક ચોક્કસ પ્રકારના કોષો સાથે જન્મે છે. માણસની તંદુરસ્તીનો આધાર એને રોગ થયા પછી મળતી સારવારની ઉત્કૃષ્ટતા પર નહીં, પરંતુ રોગ થયા પહેલાંની એની શારીરિક - માનસિક પરિસ્થિતિ પર છે. આ વાતને જરા વધુ સરળતાથી જોઈએ. પહેલું સુખ તે જાતે નર્યાની કહેવતમાં પ્રિવેન્શન ઈઝ બેટર ધૅન ક્યોર ઉક્તિનો સમાવેશ થઈ જાય છે. જે વાતને તબીબી વિજ્ઞાનની સચોટતાનો આધાર જોઈએ તે વાત મારા જેવા કોઈ બિનતબીબના મોઢે બોલાતી કે એવાની કલમે લખાતી હોય ત્યારે એની વિશ્ર્વસનીયતા ઘટી જાય. એટલે જ ડૉ. મનુ કોઠારી અને એમનાં કલીગ ડૉ. લોપા મહેતાએ લખેલાં કેટલાંક પુસ્તકોના નિચોડરૂપે એમણે કહેલી જ બે-ચાર વાત આ શ્રદ્ધાંજલિના લેખમાં ટાંકવા માગું છું:

આ બંને લેખકોએ એક જગ્યાએ રોકફેલર ફાઉન્ડેશને પ્રગટ કરેલા પુસ્તક ‘ડુઈંગ બેટર ફીલિંગ વર્સ’ને ટાંક્યું છે. આ પુસ્તકના નિચોડરૂપે કહેવાયું છે કે તબીબી સંભાળનું ધોરણ ઊંચું એટલે સ્વાસ્થ્યનું ધોરણ પણ ઊંચું એવું સમીકરણ ખોટું છે. જન્મ વખતે જ નવજાત શિશુ જીવશે કે નહીં, કેટલું જીવશે, વ્યક્તિ જીવનભર કેટલો વખત સાજી રહેશે અને કેટલો વખત માંદી એ નક્કી થઈ જાય છે અને આવી બાબતોમાં ૯૦ ટકા વખત ડૉકટરો, દવાઓ કે હૉસ્પિટલો કશું જ કરી શકતાં નથી. ૯૦ ટકા માંદગી જે પરિબળોથી નિયંત્રિત થાય છે તેના પર ડૉકટરોનો કે દવાઓનો કોઈ જ કાબૂ હોતો નથી. આ પરિબળો છે વ્યક્તિની અંગત જીવનરીતિ (ધૂમ્રપાન જેવી કુટેવો કે નિયમિત કસરત જેવી સારી આદતો કે ચિંતાજનક સ્વભાવ, આનંદી મિજાજ જેવી માનસિકતા), સામાજિક પરિસ્થિતિ (આવક, ખોરાકની ગુણવત્તા તથા એનું પ્રમાણ, માતાપિતાનો શારીરિક વારસો), રહેઠાણ, હવાપાણી અને આસપાસનું વાતાવરણ, માણસને આધુનિક યુગમાં જે પ્રકારની માંદગીઓ આવે છે એમાંથી ઘણીખરીને તબીબી ક્ષેત્ર મહાત કરી શકતું નથી એવું આ પુસ્તક કહે છે.

ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતા ‘ઑક્સફર્ડ કમ્પેનિયન ટુ મેડિસિન’ને ટાંકીને કહે છે કે: ‘કેટલાય દરદીઓ તેમની માંદગીમાંથી ડૉકટરની દવા લીધા વિના તેમ જ ખોટી માત્રા કે બિનઅસરકારક દવા લીધી હોવા છતાં, સાજા થઈ જાય છે. સાજા થવા માટે કુદરત જ કારણભૂત છે એની ડૉકટરોને ખબર હોય છે. તેમને એ પણ ખ્યાલ હોય છે કે મોટા ભાગની માંદગીમાં રોગી આપમેળે સાજો થઈ જાય છે. જિંદગી બચાવવા માટે દવા કે શસ્ત્રક્રિયાની જ્વલ્લે જ જરૂર પડે છે.

ડૉ. મનુ કોઠારીએ પોતાના દીર્ઘ અને સ્વસ્થ આયુષ્ય દરમ્યાન આપણા જેવા કૉમન પીપલને ધ્યાનમાં રાખીને કહેલી અગણિત વાતોને જો કૅપ્સ્યુલરૂપે મૂકી આપવી હોય તો આ પાંચ તારણો નીકળે. આ પાંચ વાતો યાદ રાખીને ડૉ. મનુ કોઠારીને સાચી શ્રદ્ધાંજલિ આપીએ:

૧. રોગ શરીરનો ધર્મ છે અને મૃત્યુ સમયનો ધર્મ છે. આ બન્ને વચ્ચે કારણ અને પરિણામનો સંબંધ નથી. ઉંમર સહજ બેતાળાં આવવાં, વાળ સફેદ થવા, ચામડી પર કરચલી પડવી, મોતિયો આવવો, શરીરનું કદ સહેજ ઓછું થવું - આ બધાને સહજ રીતે, શરીરના ગુણધર્મની જેમ આપણે સ્વીકારીએ છીએ એમ જ હૃદયની ધમનીમાં જોવા મળતા વિકારોને (જેને કારણે લોકો બાયપાસ કરાવવા દોડી જાય છે) પણ ઉંમર સહજ ફેરફારો તરીકે સ્વીકારવાની સમજ કેળવવી પડશે.

૨. રોગ અને મૃત્યુને કારણ-કાર્યનો સંબંધ નથી. તંદુરસ્ત વ્યક્તિઓ આંખના પલકારામાં ઢળી પડે છે અને લાંબા વખતથી પીડાતા માનવીની જીવનદોરી ટકી રહે છે. મૃત્યુ માત્ર રોગને કારણે જ આવે છે એવું નથી. દરેક રોગનો ઈલાજ છે જ એવું પણ નથી. રોગ જ મૃત્યુનું કારણ છે એવી ભ્રમણામાંથી તબીબી વિજ્ઞાન બહાર આવ્યું નથી. એમાંથી મુક્ત થવાનો સમય પાકી ચૂકયો છે.

૩. પોતાને અને પોતાના એકદમ નિકટના સ્વજનોને રોગ લાગુ પડે છે ત્યારે ડૉકટરો ખપ પૂરતો ઉપચાર કરે, ઉગ્ર સારવારનો આશ્રય નથી લેતા.

૪. રોગનું નિદાન વહેલું થયું કે મોડું, રોગની ઉગ્રતા વધુ કે ઓછી, એવી વિવિધ બીનાઓ રોગની તવારીખમાં મીનમેખ કરી શકતી નથી. રોગનું નિદાન વહેલું થયું હોત તો સારું થાત એવો ઉલ્લેખ કરી, રોગમાંથી મુક્ત કરવાનો જશ પોતે રાખીને સારું ન થવાનો સંપૂર્ણ બોજો રોગીના ગળે નાખી ડૉકટર પોતે છૂટી જાય છે.

૫. વિશ્ર્વભરના અભ્યાસો પરથી તારવણી નીકળે છે કે પ્રત્યેક ૧૦ ઈલાજમાંથી ૯ ઈલાજ બિનજરૂરી, બિનઅસરકારક કે અસહાયક પુરવાર થાય છે. આવતા રવિવારે બાકીની વાત પૂરી કરીએ.

--------------

કાગળ પરના દીવા

માણસના સદ્ગુણોને યાદ કરવા એનું મૃત્યુ થાય ત્યાં સુધી રાહ જોવાની? -સૌરભ શાહ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=144440

"બાયપાસની મોંઘી સર્જરી વડે માત્ર માનસિક આશ્ર્વાસન ખરીદાય છે

‘જગતભરમાં કેટલા લોકોને ખબર છે કે તબીબી વિજ્ઞાન પાસે ખરેખર હૃદયરોગનો હુમલો, પક્ષઘાત, બ્લડપ્રેશર, કૅન્સર કે સંધિવા જેવા અનેક રોગોને માત કરવાની કે એવા રોગો થતા અટકાવવાની કોઈ દવા જ નથી,’ ડૉ. મનુ કોઠારી અને ડૉક્ટર લોપા મહેતાએ આ સવાલ વારંવાર પૂછયો છે. સવાલ પૂછવા માટે એમની પાસે અધિકાર છે અને જવાબ આપવાનો પણ. ડૉ. મનુભાઈએ વર્ષો સુધી મુંબઈની સુપ્રસિદ્ધ જી. એસ. મેડિકલ કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું, સાથેસાથ વિશ્ર્વના ટોચના સાયન્ટિસ્ટ્સ જેવાં અનેક મૌલિક સંશોધન કાર્યો તેમ જ અભ્યાસકાર્યો પણ કર્યાં. સવાલના જવાબમાં ડૉ. મનુ કોઠારીએ કહ્યું હતું, ‘આ રોગો માટે જે કંઈ દવા આપવામાં આવે છે એ તો જેમ ધોકો મારીને નઠારા છોકરાને ચૂપ કરી દેવામાં આવે એમ રોગીને બેહાલ કરી નાખે છે. આ દવારૂપે બધી લટકતી તલવારો (યાને કિ સાઈડ ઈફેક્ટ્સ) પાછી છાશવારે બદલાતી રહે છે. આ બદલાતી ફૅશનને પ્રગતિના ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે.’

હૃદયરોગના હુમલા વિશે અને બાયપાસ સર્જરી વિશે તમારા મનમાં જો કોઈ હાઉ હોય તો તે ડૉ. મનુ કોઠારીની દલીલો સાંભળીને જતો રહેતો. કાલ ઊઠીને કુટુંબમાં કોઈને બાયપાસ સર્જરી કરાવવી પડે તો બે-પાંચ-દસ લાખ રૂપિયા સાચવીને રાખ્યા હોય તો સારું એમ માનીને જો તમે એટલી બચત કરી રાખી હોય તો એનો સદુપયોગ બીજે ઠેકાણે કરશો. ડૉ. મનુ કોઠારીના ત્રણ મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે:

૧. બાયપાસની શસ્ત્રક્રિયા મહદ્અંશે મનના સંતોષ માટે છે. બાયપાસની આસપાસ એક મોટી તાકીદની પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે. મોટા ખર્ચા થાય છે. શસ્ત્રક્રિયા કરનાર સર્જન પાસે સમય મેળવવો રેલવેમાં રિઝર્વેશન મેળવવા કરતા પણ વધુ મુશ્કેલ છે. આ બધાને કારણે દરદી અને એના કુટુંબીજનો પર માનસિક અસર થાય છે કે આપણે નસીબદાર છીએ, સમયસર જે પગલાં લેવાં જોઈએ તે લેવાઈ ગયાં છે. હૃદય માટે હવે કોઈ જોખમ રહ્યું નથી. બસ. તેઓ નિરાંતનો શ્ર્વાસ લેતાં થઈ જાય છે.

અંદાજ કાઢવામાં આવ્યો છે કે આ શસ્ત્રક્રિયા કરાવનાર વ્યક્તિઓમાં લગભગ ૬૪ ટકા દરદીઓમાં શસ્ત્રક્રિયાની વિધિ દરદીને અને એનાં સગાંસંબંધીઓને મનથી રાહત આપે છે. આ શસ્ત્રક્રિયા રોગની પ્રકૃતિમાં કોઈ ફેરફાર કરી શકતી નથી. પણ આટલી મોટી હૉસ્પિટલ, અતિ દક્ષ વિભાગ, લાંબો સમય ચાલતી મોટી શસ્ત્રક્રિયા, આટલો બધો ખર્ચ જેમાં થતો હોય એ શસ્ત્રક્રિયાની વિધિ જ દરદી અને સગાં-સંબંધીઓને ખાતરી આપે છે કે બધું જ ઘટતું કરીને દરદીને સાજો કરી દેવામાં આવ્યો છે, દરદીના હૃદયમાં હવે તલભાર રોગ રહ્યો નથી. આ માનસિક આશ્ર્વાસનની ખરીદી ઘણાં કુટુંબોને આર્થિક રીતે પાયમાલ કરી મૂકે છે.

૨. બીજો મુદ્દો ટેક્નિકલ છે, પણ ધીરજ રાખીને સમજવા જેવો છે. બાયપાસની શસ્ત્રક્રિયામાં હૃદયના જ્ઞાનતંતુઓ છેદાઈ જાય છે એટલે હૃદય દ્વારા દુખાવાનો સંદેશો મગજ સુધી પહોંચી શકતો નથી. બાયપાસ કરતી વખતે હૃદય પર રહેલું પેરીકાર્ડિયલ આવરણ કાપવું પડતું હોય છે. આને કારણે અનાયાસે જ્ઞાનતંતુઓ પણ કપાઈ જાય છે. કોરોનરી ધમનીમાં કંઈ જ ફરક પડતો નથી પણ પીડાના સિગ્નલ મગજ સુધી ન પહોંચવાને કારણે દરદીને રાહત લાગે છે. આ શસ્ત્રક્રિયાને કારણે મગજ પર વિપરીત અસર પહોંચે છે જેનો ઉલ્લેખ નિષ્ણાતો કરતા નથી. ૨૫ ટકા વ્યક્તિઓનો આઈક્યુ (ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ, બુદ્ધિઆંક) બાયપાસ કરાવ્યા પછી ઘટી જાય છે. કેટલાક લોકો ઉદાસ રહે છે, આત્મહત્યાનો વિચાર કરતા થઈ જાય છે. કેટલાકના હાથપગ લકવાગ્રસ્ત થઈ જાય છે. આનું કારણ શું? મગજ માત્ર માહિતી આપનાર અંગ નથી, માહિતી સ્વીકારનાર અંગ પણ છે, વધુ વખત એ જ કામગીરી હોય છે મગજની. મગજ અને હૃદયને જોડનારા જ્ઞાનતંતુઓ હૃદયમાંથી મગજ તરફ માહિતી લઈ જાય છે. હૃદયની બાયપાસ સર્જરી ઉપરાંત અન્ય કેટલીક શસ્ત્રક્રિયા પણ આવી જ આડઅસર ઊપજાવે. દાખલા તરીકે હોજરી અને મગજને જોડનાર જ્ઞાનતંતુઓ પણ હોજરીમાંથી મગજ તરફ માહિતી લઈ જાય છે. હોજરીમાં ચાંદું પડયું હોય (પેપ્ટિક અલ્સર) ત્યારે જો એના ઉપચાર રૂપે શસ્ત્રક્રિયા કરીને હોજરી અને મગજને જોડતા જ્ઞાનતંતુઓ કાપી નાખવામાં આવે (વેગોટોમી) તો દરદી મનથી ઘણો ઢીલો થઈ જાય, દારૂ અને અન્ય વ્યસનોનો સહારો લેતો થઈ જાય, ઘણી વાર આત્મહત્યા પણ કરી બેસે.

૩. હૃદયના જે ભાગમાંથી દુખાવાની ફરિયાદ થતી હોય છે તે ભાગ શસ્ત્રક્રિયા કરવાથી પૂરેપરો મરી જાય છે એટલે ત્યાંથી પછી દુખાવો શરૂ થતો નથી. તબીબી ભાષામાં એને માયોકાર્ડિયલ ઈશ્ર્ચિમિયા લોડિંગ ટુ માયોકાર્ડિયલ ઈન્ફાર્ક્શન કહે છે. અર્થાત્ હૃદયના જે ભાગમાં લોહી ઓછું પહોંચતું હોય એટલા ભાગને કાયમ માટે ખોટું પાડી દેવું. હૃદયની ધમનીમાં બાયપાસ કરતી વખતે થોડો સમય હૃદયના જેટલા ભાગમાં એ ધમની લોહી પૂરું પાડતી હોય ત્યાં લોહી પહોંચતું નથી તેથી હૃદયનો એટલો ભાગ મરી જાય છે. આમ એ ભાગને કાયમ માટે ચૂપ કરી દેવામાં આવે છે. દરદી અને ડૉક્ટર ખુદ, દુખાવો શાંત પડતાં શસ્ત્રક્રિયાની અક્સીરતા પર વારી જાય છે. આંગણાં મોકળાં મૂકીને ખાળે ડૂચા દેવામાં આવે છે.

આ ત્રણ મહત્ત્વના મુદ્દાઓ સાથે ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતાએ બીજી પણ કેટલીક વાતો કહી છે જે ડૉ. મનુભાઈની શ્રદ્ધાંજલિરૂપે લખાતી આ લેખમાળાના આવતા હપ્તામાં વાંચીશું. આ તબીબી વાતો સમજતી વખતે એક મુદ્દો ખાસ ધ્યાનમાં રહેવો જોઈએ કે એલોપથી સંપૂર્ણપણે બિનઉપયોગી છે એવું કોઈ નથી કહેતું, ડૉ. મનુભાઈએ પણ એવું ક્યારેય કહ્યું નથી, માન્યું નથી. એમનો જે રોષ હતો તે એલોપથી વિશેના કેટલાક ભ્રામક વિચારો સામે, દરદીઓને ઉપકારક બન્યા વિના માત્ર એમને મિથ્યા માનસિક સંતોષ આપતી કેટલીક ઉપચાર પદ્ધતિઓ સામે તેમ જ એલોપથીના આડેધડ કમર્શ્યલાઈજેશન સામે. 

----------------

કાગળ પરના દીવા

પહેલું સુખ તે જાતે નર્યા.

- સદાબહાર ગુજરાતી કહેવત

----------------

સન્ડે હ્યુમર

દિવાળી દરમ્યાન મારા બિલ્ડિંગમાં મારી કેવી આબરૂ છે એની મને ખબર પડી ગઈ.

બધા જ ફ્લેટનાં બાળકો વારાફરતી મારા ઘરે આવીને રૉકેટ ફોડવા માટે ખાલી બાટલી માગી જતા.

- વૉટ્સઍપ પર ફરતું




















નરસિંહ મહેતાની રચના અને બ્રહ્માંડની રચના --- ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=143857




બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


જ્યારે સાહિત્યની વાત થાય ત્યારે આપણને ગુજરાતના આદ્યકવિ નરસિંહ મહેતા અને તેમના ભજનો યાદ આવે. આપણને થાય કે શું આ માત્ર ગાવાનાં ભજનો છે, પ્રભાતિયા છે કે તેમાં બ્રહ્માંડને સમજવાનું જ્ઞાન છે? નરસિંહ મહેતા તો શાળાએ પણ ગયા નહોતા, અભણ હતા, તો તેમના ભજનોમાં બ્રહ્માંડના જ્ઞાનની કેવી રીતે આશા રાખી શકાય અને તેય પણ લગભગ ૬૦૦ વર્ષ પહેલાં? હકીકત એ છે કે નરસિંહ મહેતાના અમુક ભજનોમાં બ્રહ્માંડનું જ્ઞાન ખીચોખીચ ભરેલું છે અને તેય સુંદર અને સરળ ભાષામાં. આ એક નવાઈ પડે તેવી વાત છે. આપણી સંસ્કૃતિમાં ઋષિ-મુનિએ વેદો અને ઉપનિષદોમાં તેમનું મહાન ચિંતન અને તત્ત્વજ્ઞાન લખ્યું છે. ઋગ્વેદ દુનિયાનો પ્રથમ ગ્રંથ છે અને પછી ઉપનિષદો થયાં. મા સરસ્વતીએ ઋગ્વેદના રૂપમાં ભારતમાં પ્રથમ અવતાર લીધો. હકીકતમાં શ્રીકૃષ્ણએ ગીતામાં અર્જુનને ‘વેદો’ અને ઉપનિષદોનું જ જ્ઞાન કહ્યું છે. આ સાહિત્યે ભારતીય સંસ્કૃતિને ઉજાળી છે. આ સાહિત્ય ભારતીય સંસ્કૃતિને જ્ઞાન આપતું રહ્યું છે. સાહિત્ય જ ન હોત તો બ્રહ્માંડનું શું થાત? બ્રહ્માંડને કોણ સમજી શક્યું હોત? આદ્ય શંકરાચાર્યે પણ વેદો અને ઉપનિષદોનાં જ્ઞાનનો જ પ્રચાર કર્યો છે અને કહ્યું છે કે આ બધું એક જ છે. અદ્વૈતવાદ - વેદો- ઉપનિષદોમાં અને શંકરાચાર્ય આ એકત્વને પરબ્રહ્મ શબ્દથી ઓળખાવે છે. નરસિંહ મહેતા તેમના ભજનમાં આ એકત્વની વાત કરે છે, અને તે એવા સરસ ઉદાહરણો આપે છે કે ...ને આ પરમ એકત્વ તત્ત્વ જોકે કયાંય દેખાતું નથી પણ તરત જ સમજાઈ જાય. નરસિંહ મહેતા કહે છે: નીરખ રે ગગનમાં કોણ ઘૂમી રહ્યો. એનો અર્થ થાય કે બ્રહ્માંડમાં એક એવું ચેતન તત્ત્વ છે જે પૂરા બ્રહ્માંડમાં પથરાયેલું છે અને તે જ બ્રહ્માંડનું કર્તા-ધર્તા છે. નરસિંહ મહેતા બીજા ભજનમાં વેદો અને ઉપનિષદોનો નિચોડ મૂકી દે છે. નરસિંહ મહેતા ગાય છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે- એટલે કે બ્રહ્માંડમાં એક જ શ્રી હરિ છે, એક જ તત્ત્વ છે જેણે બ્રહ્માંડના આ બધાં રૂપો ધારણ કર્યાં છે, ધારણ કરીને બેઠું છે. આદ્ય કવિ આગળ કહે છે, ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોયે. સોનાના એરિંગ, પાટલા, હાર ગમે તે ઘાટ હોય, દાગીના હોય પણ છેવટે તો તે હેમનું હેમ હોયે. કવિએ આમાં માસ્ટર સ્ટ્રોક માર્યો છે જે મહાન વિજ્ઞાનીઓને પણ સુખદ આશ્ર્ચર્ય પમાડે છે.

ન્યુટનના ગણિતશાસ્ત્ર અને યંત્રશાસ્ત્રીય વિજ્ઞાનીઓને બે-ત્રણ મોટી ઊણપો જણાઈ. ખાસ કરીને જ્યારે પ્રકાશ અને ઈલેકટ્રોન જેવા પદાર્થોની ગતિ અતિપ્રચંડ તેમ છતાં સીમિત (રશક્ષશયિં) સાબિત થઈ. ન્યુટનના ગતિશાસ્ત્રની ત્યારે લિમિટ દેખાઈ. ન્યુટનની ગતિશાસ્ત્રની એ ઊણપોને દૂર કરવા અને તેને વિસ્તૃત કરવા આઈન્સ્ટાઈને સમયને જ બ્રહ્માંડનું એક પરિમાણ (મશળયક્ષતશજ્ઞક્ષ) લીધું. સમય તો સેક્ધડમાં મપાય છે અને પરિમાણ એટલે લંબાઈ, પહોળાઈ અથવા ઊંચાઈ (સાઈઝ) તે સે.મી. ઈંચ, ફૂટ, મીટર કે કિલોમીટરમાં મપાય છે. તો સમયને લંબાઈમાં કેવી રીતે દર્શાવવું? એક પ્રકાશસેક્ધડ એટલે એટલું અંતર જે પ્રકાશ એક સેક્ધડમાં કાપે. આમ આઈન્સ્ટાઈને સમયને લંબાઈમાં દર્શાવ્યો. એક પ્રકાશ મિનિટ એટલે એટલું અંતર (લંબાઈ) જે પ્રકાશ એક મિનિટમાં કાપે એટલે કે ૬૦ સેક્ધડમાં કાપે. એક પ્રકાશકલાક એટલે એટલું અંતર (લંબાઈ) જે પ્રકાશ એક કલાકમાં કાપે એટલે કે ૩૬૦૦ સેક્ધડમાં કાપે. અને એક પ્રકાશદિવસ એટલે એટલું અંતર (લંબાઈ) જે પ્રકાશ એક દિવસમાં કાપે.

એક પ્રકાશવર્ષ એટલે એટલું અંતર જે પ્રકાશ એક વર્ષમાં કાપે.

આમ આઈન્સ્ટાઈને સમયને બ્રહ્માંડનું ચોથું પરિમાણ લીધું અને આ ચાર- પરિમાણીય બ્રહ્માંડમાં ન્યુટનના ગતિ અને યંત્રશાસ્ત્રને ઢાળ્યું. તો આઈન્સ્ટાઈનને શું મળ્યું? આથી આઈન્સ્ટાઈને સાબિત કર્યું કે અંતરીક્ષ છે ત્યાં સમય છે અને સમય છે ત્યાં અંતરીક્ષ છે. બંને એકબીજાથી જુદા નથી. એકની હાજરી, બીજાની હાજરી સાબિત કરે છે. આપણને લોહચુંબક અને ચુંબકત્વ, ચુંબકીય ક્ષેત્રની ખબર છે તે લોહચુંબકીય ટુકડા દૃશ્યમાન કરે છે. જમીન અને ખડકોમાં પણ ચુંબકત્વ હોય છે. આપણને વિદ્યુતભારની ખબર છે. વિદ્યુતની ખબર છે. ચુંબકત્વમાં બે ધ્રુવો હોય છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. વિદ્યુતમાં બે વિદ્યુતભાર હોય છે, ધન અને ઋણ. આઈન્સ્ટાઈનની થીઅરી દર્શાવે છે કે ચુંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્ર લાગે છે તદ્દન અલગ અલગ, એક લોહચુંબકીય ટુકડા ઉત્પન્ન કરે છે, બીજાને વિદ્યુતભાર ઉત્પન્ન કરે છે. પણ છેવટે બંને એકના એક છે. ચુંબકને ચલાવવામાં આવે છે ત્યારે તે વિદ્યુત ઉત્પન્ન વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને વિદ્યુત પ્રવાહ ચુંબકત્વને, ચુંબકીયક્ષેત્રને ઉત્પન્ન કરે છે. ક્યાં ચુંબકીયક્ષેત્ર અને ક્યાં વિદ્યુતક્ષેત્ર? તેમ છતાં બંને એકના એક છે. આશ્ર્ચર્યની વાત છેને? મેક્સવેલ જેવા વિજ્ઞાનીઓએ એ સ્પષ્ટ કર્યું કે આપણે પ્રકાશ પ્રકાશ કહીએ છીએ, તેને જોઈએ છીએ. તેના ઝળહળાટને જોઈએ છીએ જે આપણા જીવનનો આધાર છે તે બીજું કાંઈ જ નથી પણ વિદ્યુત-ચુંબકીય તરંગો છે અને પૂરા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. બ્રહ્માંડમાં તસુભાર પણ જગ્યા એવી નથી જ્યાં પ્રકાશના (વિદ્યુત-ચુંબકીય તરંગો)ની હાજરી ન હોય. તે એમની પ્રેઝન્ટ છે. ઈશ્ર્વરને આપણે એમની પ્રેઝન્ટ કહીએ છીએ તે જ આ ઈશ્ર્વર છે. આ ઊર્જા છે, આ ચેતના છે, આ ગરમી છે. ઊર્જાના ઘણાં સ્વરૂપો છે. તેમ છતાં તે એકની એક છે. જેમ ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોયે.

આઈન્સ્ટાઈને પછી એક જબ્બર વાત કરી. ઘણું આશ્ર્ચર્ય થાય તેવી વાત કરી અને બ્રહ્માંડના પાયાની વાત કરી. તેણે સાબિત કર્યું કે જે આ પદાર્થ દેખાય છે ને રેતી, માટી, સોનું, પેન, પ્લાસ્ટિક, કપડા, કાગળ અને ખરેખર ઊર્જા છે. ઊર્જાનું પદાર્થના રૂપમાં ગઠન છે. એક કિલોગ્રામ પદાર્થ ૯ કરોડ અબજ જૂલ ઊર્જા ઉત્પન્ન કરે. ક્યાં નિષ્ક્રિય દેખાતો પદાર્થ અને ક્યાં જીવંત ઊર્જા. આ વાતને સહિત કરતું આઈન્સ્ટાઈનનું સૂત્ર ઊ=ળભ૨ જગ-વિખ્યાત છે. એટલું વિખ્યાત છે કે વિજ્ઞાનમાં પણ અવાર-નવાર દેખાય છે. યુદ્ધ-જહાજ પર કોતરાયેલું હોય છે. આ સૂત્ર પોતાનામાં જ એક સાહિત્ય છે. એક એવી કવિતા જે શાંતિ માટે ગવાય તો દુનિયામાં સ્વર્ગ ખડું કરે અને યુદ્ધ માટે વપરાય તો દુનિયામાં નરક ખડું કરે અને યુદ્ધ માટે વપરાય તો દુનિયામાં નરક ખડું કરી છે. આપણો જીવનદાતા સૂર્ય આ સૂત્ર પ્રમાણે જ આપણને અહીં જિવાડે છે, પ્રકાશ અને શક્તિ આપે છે. પદાર્થ અને ઊર્જા એકરૂપ છે માટે પૂરું બ્રહ્માંડ એક જ તત્ત્વનું બનેલું છે. આ વાત આપણા વેદો- ઉપનિષદો અને શંકરાચાર્યે કહી છે જેને આપણે અદ્વૈતવાદ કહીએ છીએ. આમ જ્ઞાન- સાહિત્ય આપણને બ્રહ્માંડની એકતાને સમજાવે છે. સામાન્ય માનવી આઈન્સ્ટાઈનની થીઅરી જો કદાચ સમજી ન શકે પણ નરસિંહ મહેતાનું કહેવાનું કે ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોયે તેવું બ્રહ્માંડના પાયાનું સત્ય તરત જ સમજી જાય. એટલે કે આ સકળ બ્રહ્માંડમાં એક જ તત્ત્વ છે, તે છે ઊર્જા- ચેતના પરબ્રહ્મ. આ બધી જ તેની જ વિવિધતા છે, ઈલેકટ્રોન્સ- પ્રોટોન્સ, ન્યુટ્રોન્સ, સોનું, રૂપું, કોયલો, લોખંડ, આપણે, અને બધું જ. એક જ નાના વાક્યમાં બ્રહ્માંડનું રહસ્ય આપણને સમજાઈ જાય છે.

આપણા પેટમાં અંતરીક્ષ છે. આપણી બહાર રૂમમાં અંતરીક્ષ છે, રૂમની બહાર બિલ્ડિંગમાં અંતરીક્ષ છે, બિલ્ડિંગની બહાર અંતરીક્ષ છે, પૃથ્વીની બહાર પણ સૂર્યમાળામાં અંતરીક્ષ છે. સૂર્યમાળાની બહાર, મંદાકિનીમાં, મંદાકિનીની બહાર બ્રહ્માંડમાં અંતરીક્ષ છે. આ બધું અંતરીક્ષ એક જ છે. અંતરીક્ષને કેદ કરી શકાય નહીં. રૂમ અંતરીક્ષને કેદ કરે પણ તેની બહાર પણ અંતરીક્ષ છે.

અંતરીક્ષ જેવી બ્રહ્માંડમાં બીજી એક ચીજ છે તે છે ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણને કેદ કરી શકાય નહીં. કોઈ વસ્તુ- ઢાંકણ, એન્કલોઝર ગુરુત્વાકર્ષને કેદ કરવા જાય પણ તેને પોતાને જ ગુરુત્વાકર્ષણ હોય છે માટે ગુરુત્વાકર્ષણને કેદ કરી શકાય નહીં અને ગુરુત્વાકર્ષણને કેદ કરી શકાય નહીં તો બંને એકના એક હોવા જોઈએ. ગુરુત્વાકર્ષણને જો અંતરીક્ષના રૂપમાં વર્ણવી શકાય તો આપણે તે બંનેને એકના એક સાબિત કરી શકીએ. માટે આઈન્સ્ટાઈનને ગુરુત્વાકર્ષણને અંતરીક્ષના રૂપમાં સાબિત કરવાના પ્રયત્નો આદર્યા. પણ ગુરુત્વાકર્ષણની હાજરીમાં ભૂમિતિ સપાટ ન રહી શકે. માટે ગુરુત્વાકર્ષણનું વર્ણન કરવા યુક્લિડની સમતલની ભૂમિતિ (ાહફક્ષય લયજ્ઞળયિિંુ) કામ ન આવે તે માટે અંતરીક્ષની વક્રભૂમિની જરૂર પડે. આઈન્સ્ટાઈનના સદ્ભાગ્યે ગૉસ, રીમાન, બોલ્યાઈ બોલોચોવ્સ્કી વગેરે મહાન ગણિતશાસ્ત્રીઓએ તેમની જિજ્ઞાસા સંતોષવા, જ્ઞાનને ખાતર જ્ઞાન, ગણિતને ખાતર ગણિત, માટે વક્રભૂમિતનો આવિષ્કાર કરેલો. ત્યારે તેમને પણ ખબર ન હતી કે આ વક્રભૂમિતિ જ ગુરુત્વાકર્ષણ છે. આઈન્સ્ટાઈને વક્રભૂમિતિના બેકગ્રાઉન્ડમાં ન્યુટનના ગણિતશાસ્ત્રને વિકસાવ્યું અને સાબિત કર્યું કે અંતરીક્ષ એ જ ગુરુત્વાકર્ષણ છે. જ્યારે પદાર્થ કે ઊર્જા અસ્તિત્વમાં આવે છે ત્યારે તે અંતરીક્ષની ભૂમિતિને વક્ર કરે છે. આ વક્ર જ ગુરુત્વાકર્ષણને પ્રદર્શિત કરે છે. માટે ગુરુત્વાકર્ષણ એ બીજું કાંઈ જ નથી પણ અંતરીક્ષનો વક્ર છે. અંતરીક્ષમાં જે ઝોલો પડે છે, ખાડો પડે છે તે અંતરીક્ષમાં ઢાળ ઉત્પન્ન કરે છે અને આ ઢાળ પર કોઈ પણ નાનો પદાર્થ આવે, અસ્તિત્વમાં આવે તો તે ઢાળ વાટે ખાડામાં જે મોટો પદાર્થ પડ્યો હોય છે તેમાં જઈને પડે જેને આપણે ગુરુત્વાકર્ષણનું આકર્ષણ કહીએ છીએ. જો પદાર્થ એ મોટા પદાર્થની પરિક્રમા કરે તો જ તે તેમાં પડતો બચે છે. આમ પૂરતા બળની પરિક્રમા નાના પદાર્થને મોટા પદાર્થમાં પડતાં બચાવે છે, કારણ કે પરિક્રમા કરતા પદાર્થ પર બહારની બાજુએ કેન્દ્રગામી બળ લાગે છે જે તેને પદાર્થમાં પડતાં બચાવે છે. આમ અંતરીક્ષ જ સર્વસ્વ છે.

આપણા પૂર્વજોએ, ભારતીય મનીષીઓએ બ્રહ્માંડ પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને અંતરીક્ષ એમ પાંચ તત્ત્વનું બનેલું છે એેમ જાહેર કરેલું અને તેમાં અંતરીક્ષ જે દેખાતું નથી તેને બ્રહ્માંડના પાંચમા તત્ત્વ તરીકે લીધું તે બહુ મહાન વાત ગણાય. તેમનું મહાન તત્ત્વજ્ઞાન કહેવાય. વધારામાં છાંદોગ્ય ઉપનિષદમાં ભારતીય મનીષીઓએ તે પણ સ્પષ્ટ કર્યું છે કે બધું જ અંતરીક્ષમાંથી ઉત્પન્ન થાય છે અને અંતરીક્ષમાં સમાય છે. અંતરીક્ષ જ બધાનું ઉદ્ભવ સ્થાન છે અને અંતિમ સ્થાન પણ. આ બહુ મોટી વાત છે. જગતમાં તેમના તત્ત્વજ્ઞાનનો જોેટો મળવો મુશ્કેલ છે અને આઈન્સ્ટાઈનના વિજ્ઞાને તે સાબિત કરી આપ્યું છે, તેમને સાચા સાબિત કર્યાં છે. પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ અંતરીક્ષનાં જ ભાગો છે. માટે મૂલત: પાંચ મહાભૂતો નથી પણ એક જ મહાભૂત છે અને તે અંતરીક્ષ છે. તે મહાભૂતોનું પણ મહાભૂત છે. આમ છેવટે એક જ તત્ત્વ છે જે ઊર્જા કે અંતરીક્ષ છે.

બ્રહ્માંડમાં ચાર બળો છે. ગુરુત્વાકર્ષણ, વિદ્યુત- ચુંબકીય, નાભિકીય (આણ્વિક) અને રેડિયો - એક્ટિવિટીનું નબળું વિદ્યુતચુંબકીય બળ. વિજ્ઞાનીઓ માનતા હતા કે આ ચારેય બળો હકીકતમાં એકના એક જ છે. તેમાં તેઓએ બીજા ત્રણ બળોની એકતા સ્થાપિત કરી છે અને ગુરુત્વાકર્ષણ તેમાં ભળી જશે જે ભળવાની તૈયારી છે ત્યારે ચાર બળોની પણ એકતા સ્થપાશે. અદ્વૈતવાદપણું સ્થપાશે. આપણા મનીષીઓ શોધતાં હતાં કે બ્રહ્માંડમાં ખરેખર અંતિમ પદાર્થ શું છે? તેમાં ચેતના- પરંબ્રહ્મ સુધી પહોંચી ગયા હતા. હવે વિજ્ઞાન તેમને સાચા પાડવા જઈ રહ્યું છે. લાર્જ હેડ્રોન કોલાઈડરના જીનીવાના પ્રયોગનું ધ્યેય (હેતુ) શું છે? તો કહે બ્રહ્માંડનો અંતિમ પદાર્થ શોધવાનું. બ્રહ્માંડનો ખરેખર અંતિમ પદાર્થ શું છે? તે ચેતના છે જે પૂરા બ્રહ્માંડને ચલાવી રહી છે. આપણા મનીષીઓએ તેને પરંબ્રહ્મની ચેતના (પરંબ્રહ્મ પોતે) કહી છે.

ગેલિલિયોએ દૂરબીનમાંથી ચંદ્ર જોઈને કહ્યું તે પૃથ્વી જેવો જ છે. આ પ્રથમ અદ્વૈતતા, ન્યુટને વૈશ્ર્વિક નિયમો બનાવી બીજી અદ્વૈતના સ્થાપી. આઈન્સ્ટાઈને પૂરા બ્રહ્માંડની અદ્વૈતતા સ્થાપી. પણ આપણા મનીષીઓએ વેદ- ઉપનિષદના પ્રાચીન સમયથી જ પરંબ્રહ્મરૂપી અદ્વૈતતાની સ્થાપના કરી હતી. આદ્ય શંકરાચાર્યે તેનો પ્રચાર કર્યો.

જો આપણે પુનર્જન્મમાં માનીએ તો કદાચ શંકરાચાર્યે જ આઈન્સ્ટાઈન તરીકે બીજો જન્મ લીધો હોય.

બ્રહ્માંડમાં વિવિધતામાં એકરૂપતા છે. બ્રહ્માંડમાં વિજ્ઞાનીઓ કહે છે તેમ યુનિફિકેશન (ઞક્ષશરશભફશિંજ્ઞક્ષ) છે. બ્રહ્માંડ યુનિફાઈડ છે. બ્રહ્માંડ ચાદર જેવું લચીલું છે. બ્રહ્માંડ જેવું ફ્લેક્સિબલ કાંઈ જ નથી. આઈન્સ્ટાઈનની થીયરી પ્રમાણે તેમાં તાણા-વાણા છે જેને વિજ્ઞાનીઓ વર્લ્ડલાઈન કહે છે. એટલે કે બ્રહ્માંડ સંત- કબીરની ચાદર જેવું છે. માનવી પણ માનવદેહ પછી બ્રહ્માંડનો ભાગ છે માટે સંત કબીરની ચાદર છે. તેને મેલી કરવી નહીં જોઈએ.