Saturday, February 28, 2015

મોદીના મનની વાતો --- સૌરભ શાહ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=155672

મોદીના મનની વાતો

યાર, કમાલ માણસ છે આ. ભારતના પ્રધાનમંત્રી બન્યા પછી પણ વિદ્યાર્થીઓ સાથે પૂરી પચ્ચીસ મિનિટ સુધી એમને સમજાય એ રીતે, એમની ભાષામાં રેડિયો પરથી ‘મન કી બાત’ કરવાનું સૂઝયું કેવી રીતે? અને એ પછી દિવસનાં હજાર કામની વચ્ચે આટલી બારીકીથી, આવા કૉન્સનટ્રેશનથી, આટલા નવા નવા મુદ્દાઓ વિચારીને બોલવું. હશે, એમની પાસે પણ પ્રવચનો તૈયાર કરી આપનારી ટેલેન્ટેડ ટીમ હશે. પણ છેવટે તો એને અપ્રૂવ કરવું, રજૂ કરવું, એમાં પોતાને જે કહેવું છે તે બધું જ સામેલ કરાવડાવવું - આ બધામાં ૨૫ મિનિટ કરતાં બીજો ઘણો વધારે સમય જવાનો. આનંદ છે કે નરેન્દ્ર મોદી આવો સમય દેશના વિદ્યાર્થીઓ માટે આપે છે. કોઈ કહેશે કે એમનો સ્વાર્થ છે - ભવિષ્યમાં આ સ્ટુડન્ટ્સ પોતાને વોટ આપતા થાય એટલે આવો પ્રચાર કરે છે. ઠીક છે. આવો સ્વાર્થ તો કોઈ પણ રાજકારણીમાં હોય. પણ કયો રાજકારણી આવું કામ કરે છે?

‘મન કી બાત’ વિશે સાંભળ્યું હશે તમે બધાએ, પણ આમય શ્યોર બહુ ઓછાએ આ રેડિયો ટૉક સાંભળી હશે. મોદીએ વાતની શરૂઆત સીધીસાદી ટિપ્સથી કરી છે અને હળવેકથી એવી ઊંચાઈએ એને લઈ ગયા છે જ્યાં પહોંચવાનું ગજું કોઈ ઉમદા કક્ષાના ફિલોસોફરનું જ હોય. અહીં રાજકારણી મટીને તેઓ ચિંતક બને છે. શરૂઆત સીધીસાદી છે:

‘નમસ્તે, યુવા દોસ્તો! આજે તો આખો દિવસ કદાચ તમારું મન ક્રિકેટ મૅચ પાછળ લાગ્યું હશે. એક તરફ પરીક્ષાની ચિંતા, બીજી તરફ વર્લ્ડ. શક્ય છે કે તમે નાની બહેનને કહી રાખ્યું હશે કે વચ્ચે-વચ્ચે મને સ્કોર કહેતી રહેજે. ક્યારેક તમને એવું પણ લાગતું હશે કે ચલો, યાર છોડો, થોડા દિવસ પછી તો હોળી આવી રહી છે. પછી માથે હાથ દઈને વિચારશો કે આ વખતની હોળી પણ બેકાર ગઈ. શું કામ આ એક્ઝામ માથે આવી! થાય છે ને આવું? બિલકુલ થતું હશે. મને ખબર છે. ખૈર દોસ્તો, તમારી આ મુસીબતના સમયમાં હું તમારી પાસે આવ્યો

છું. તમારા માટે (પરીક્ષાનો આ સમય) મહત્ત્વનો અવસર છે. એ સમયે હું આવ્યો છું અને હું કંઈ તમને કોઈ ઉપદેશ આપવા નથી આવ્યો. બસ, આમ જ, થોડી હલકીફુલકી વાર્તા કરવા આવ્યો છું.’

મોદીની આ ખાસિયત છે. ચૂંટણી પ્રચારની જાહેરસભામાં એક અલગ અંદાજથી બોલતા હોય, કોઈ સભાગૃહમાં નિશ્ર્ચિત ઑડિયન્સને સંબોધતા હોય ત્યારે એમનો અંદાજ જુદો હોય, ગુજરાતમાં શિક્ષકદિને બાળકો સાથે લાઈવ-વાતચીત થતી હોય ત્યારે સાવ જુદી ભાષા હોય - આ બધા સમયે જે કૉમન હોય તે એમની સિન્સિયારિટી, નિષ્ઠા. જે વિષય પર બોલવાનું છે તે વિષયને જ કેન્દ્રમાં રાખવાની સભાનતા. બાકી કુશળ વક્તાઓ તો કોઈ પણ વિષય તમે એમને આપો, એમની પાસે જે સ્ટૉક હોય તેમાંથી તમને આંજી નાખે એવું બોલી નાખે પણ તમારી આંખ ઉઘડે ત્યારે તમને યાદ પણ ન રહે કે એમણે શું બોલી નાખ્યું. મોદી આ જમાનાના એક ઉત્તમ વક્તા છે તે માત્ર એમની વક્તૃત્વ કળાને કારણે જ નહીં, એમના વક્તવ્યમાં આવતા એમના વિચારો-એમના ચિંતનને કારણે.

‘મન કી બાત’માં મોદી વિદ્યાર્થીઓને કહે છે: ‘ખૂબ વાંચ્યું ને, બહુ થાકી ગયા ને! અને મા ગુસ્સે થાય છે, પાપા ધમકાવે છે, ટીચર પણ ડાંટે છે, શું શું સાંભળવું નથી પડતું. ટેલિફોન મૂકી દો, ટીવી બંધ કરી દે, આખો દિવસ કમ્પ્યુટર પર બેસી રહે છે. ચાલ, બધું છોડીને ભણવા બેસ. આવું જ ચાલતું હોય છે ને ઘરમાં. આખું વરસ આ જ સાંભળ્યું હશે - દસમાની પરીક્ષા હોય કે બારમાની અને તમે પણ વિચારતા હશો કે આ એક્ઝામ પતે એટલે જાન છૂટે. એવું જ વિચારો છો ને? મને ખબર છે તમારા મનની વાત અને એટલે જ આજે હું ‘મન ની વાત’ કરવા આવ્યો છું.’

એ પછી વડા પ્રધાન પોતાના મનની મૂંઝવણ પ્રગટ કરે છે: ‘આમ જુઓ તો આજનો વિષય જરા અઘરો છે. આજનો વિષય જાણીને માબાપની ઈચ્છા હશે કે હું કંઈક એવી વાતો કરું જે તેઓ પોતાના દીકરા-દીકરીઓને કહી નથી શકતા. તમારા ટીચર ચાહતા હશે કે હું એવી વાત કરું જે વિદ્યાર્થી તરીકે તમારા માટે કામની હોય અને તમે વિદ્યાર્થીઓ મારી પાસેથી એવું સાંભળવા માગતા હશો જેને કારણે ઘરમાં જે પ્રેશર છે તે પ્રેશર ઓછું થઈ જાય. મને નથી ખબર કે મારી વાતો કોને કેટલી કામ આવશે. પણ મને એટલો સંતોષ જરૂર થવાનો કે ચાલો, મારા યુવાન મિત્રોની મહત્ત્વપૂર્ણ પળો દરમ્યાન હું એમની વચ્ચે હતો, મારા મનની વાતો એમની સાથે મેં ગુનગુનાવી. બસ આ જ મારો ઈદારો છે અને આમેય મને એવું કહેવાનો હક્ક તો બિલકુલ નથી કે હું તમને સારું પેપર કેવી રીતે લખવું, વધારે માર્ક્સ લાવવાની તરકીબો શીખવું કારણ કે હું આ બધી બાબતોમાં એક અત્યંત સાધારણ સ્તરનો વિદ્યાર્થી હતો. કારણ કે મેં મારા જીવનમાં કોઈ પણ એક્ઝામમાં સારા માર્ક્સ નથી મેળવ્યા. મામૂલી લોકો જેમ વાંચે એમ વાંચી નાખતો. ઉપરાંત મારા હેન્ડરાઈટિંગ પણ એટલા ખરાબ કે ક્યારેક તો મને લાગતું કે ટીચર મારું પેપર વાંચી નહીં શકતા હોય એટલે પાસ કરી નાખતા! ખૈર, આ તો બધી અલગ વાતો થઈ - હલકીફુલકી વાતો થઈ.’

અને આટલી પ્રસ્તાવના બાંધ્યા પછી વક્તા ગિયર બદલે છે. પરીક્ષાનો પ્રસંગ કેવી રીતે એક માનસિક બોજ બની જાય છે. એની વાત કરે છે. બીજાઓની સાથે સરખામણી કરીને માબાપ, અડોશીપડોશી, આપણે પોતે કઈ રીતે ટેન્શન ઊભું કરી નાખીએ છીએ એની વાત કરે છે.

નરેન્દ્ર મોદીની એ વાતો સાથે કોણ સહમત નહીં થાય? સ્કૂલનાં દિવસોમાં રિઝલ્ટ લઈને હું ઘરે આવતો ત્યારે મારાં માબાપ હંમેશાં મને કહેતા: જરાક વધારે મહેનત કરી હોત તો સંદીપની જેમ તારો પણ પહેલો નંબર આવ્યો હોત. મારા નિકટતમ ઓળખીતાઓ પણ એ જ કહેતા. સારા માર્ક્સ સાથે પાસ થવાનો બધો જ આનંદ ઓસરી જતો. આખું વરસ રખડી ખાય છે - એ જ સાંભળવાનું હોય. હવે રખડવું એટલે શું? મવાલીગીરી થોડી કરતા’તા? આખા એરિયાની સર્ક્યુલેટિંગ લાઇબ્રેરીઓમાં ફરી-ફરીને જે હાથમાં આવતી તે ચોપડીઓ વાંચી કાઢતા. સ્કૂલની ને બીજી લાઇબ્રેરીઓની તમામ ચોપડીઓ ચાટી જતા.

ઘરે આવતાં છાપાં-મૅગેઝિનોમાં રામન રાઘવન ખૂન કેસથી માંડીને કવિ ચિનુ મોદીએ ધર્મપરિવર્તન કરીને કરેલાં બીજાં લગ્ન કર્યા એનો વિવાદ સાંજના ગુજરાતી છાપાના રિપોર્ટ્સરૂપે આવતો તે વાંચતા. જેમ્સ બૉન્ડ અને રિપ કર્બી અને ડેગ્વૂડ-બ્લોન્ડીની કૉમિક પટ્ટીઓ વાંચતા. આને જો રખડી ખાવાનું કહેવાય અને એને કારણે ક્યારેય ક્લાસમાં પહેલો નંબર ન આવતો હોય તો પૂળો મૂક્યો પહેલા નંબર પર - એવું તે વખતે ટેન્ટેટિવલી લાગતું, હવે તો અફકોર્સ દૃઢતાપૂર્વક લાગે છે. મૅથ્સની ફાઈનલ્સના આગલા દિવસે જમતાં જમતાં સ્કૂલમાંથી ભેટ મળેલી વિમળા સેતલવાડ ટ્રસ્ટની ‘સાહસિક કિશોર’ નવલકથા વાંચવાને લીધે મૅથ્સમાં ઓછા માર્ક્સ આવ્યા હશે પણ એ કિશોરકથા હજુય યાદ છે. કોઈ અફસોસ નથી. અફસોસ હોય તો તે એટલો જ કે અમારા જમાનામાં પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ ક્યારેય અમને સંબોધીને આ રીતે ‘મન કી બાત’ નહોતી કરી. કદાચ એટલે જ, ૧૯૭૭ની લોકસભાની ચૂંટણીમાં રાયબરેલીથી રાજનારાયણ જીત્યા અને ઈન્દિરા ગાંધી હાર્યા એવા સમાચાર રેડિયો પર સાંભળીને વાર્ષિક પરીક્ષાનું વાંચવાનું પડતું મૂકીને રસ્તા પર ફૂટતા ફટાકડા સાંભળવા દોડી ગયા હતા.


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=155757

સ્પર્ધા કરવી, બીજાની સાથે નહીં પણ પોતાની જ સાથે: મોદી

સર્જેઈ બૂબકા વર્લ્ડ પોલ વૉલ્ટ ચૅમ્પિયન છે. યુક્રેનનો છે. એણે ૧૭ વખત આઉટડોરમાં અને ૧૮ વખત ઈન્ડોરમાં મેન્સ પોલ વૉલ્ટમાં પોતાના જ રેકૉર્ડ તોડ્યા છે. એથ્લેટિક્સની શરૂઆત એણે હન્ડ્રેડ મીટર્સની દોડ અને લૉન્ગ જમ્પથી કરી પણ રિયલ સિદ્ધિઓ પોલ વૉલ્ટમાં મેળવી. લાંબા વાંસડા સાથે દોડીને, એના પર લટકીને ૧૯ ફીટ બે ઈંચનો કૂદકો મારીને એણે પહેલો રેકોર્ડ સ્થાપ્યો. ૧૯૮૩ની વાત. ૨૦૦૧માં રમતમાંથી નિવૃત્તિ લીધી એ પહેલાં એણે, અગાઉ લખ્યું તેમ એણે ૩૫ વખત પોતે જ પોતાના રેકોર્ડ તોડ્યા. ૨૦ ફીટ પોણા બે ઈંચ સુધી એણે પ્રગતિ કરી - ઈંચ બાય ઈંચ. 

નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે ‘મન કી બાત’ કરતી વખતે સર્જેઈ બૂબકાનો દાખલો આપે છે: ‘દોસ્તો, એક વાત છે જે આપણને બહુ તકલીફ આપતી હોય છે. આપણે હંમેશાં આપણી પ્રગતિની સરખામણી બીજાઓની સાથે કરવાની ટેવ ધરાવતા હોઈએ છીએ. આપણી બધી જ શક્તિઓ પ્રતિસ્પર્ધામાં ખર્ચાઈ જતી હોય છે. જીવનનાં ઘણા ક્ષેત્રોમાં કદાચ પ્રતિસ્પર્ધા જરૂરી પણ હશે, પરંતુ પોતાના વિકાસ માટે પ્રતિસ્પર્ધા એટલી પ્રેરણા નથી આપતી જેટલી આપણે આપણી પોતાની જ સાથે સ્પર્ધા કરવાની ટેવ આપણને પ્રેરણા આપે છે. તમે પોતાની સાથે જ સ્પર્ધા કરતા રહો, જ્યાં છો ત્યાંથી હજુ વધારે આગળ જવાની સ્પર્ધા તમારી પોતાની જ સાથે કરો (અને તમે પોતે જ તમારો માપદંડ બનો). પછી જુઓ, આ સ્પર્ધાની તાકાત તમને એટલો સંતોષ આપશે, એટલો આનંદ આપશે, તમે કલ્પના પણ નહીં કરી શકો. આપણે બહુ મોટા ગૌરવ સાથે એથ્લીટ સજેર્ર્ઈ બૂબકાનું સ્મરણ કરીએ છીએ. આ રમતવીરે ૩૫ વખત પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. એ દર વખતે પોતાની જ પરીક્ષા લેતો. પોતાની જાતને પોતાની જ કસોટીમાં ઉતારતો અને નવા સંકલ્પો સિદ્ધ કરતો. તમે પણ એ જ રીતે આગળ વધો, પ્રગતિના માર્ગ આડે બીજું કોઈ નહીં આવી શકે, જો જો.’

સ્પર્ધાના આ યુગમાં મોદી યુવાનોને જે રીતે પ્રેરણા આપે છે તે વાત સમજવા જેવી છે. આખી દુનિયા એક રૅટ રેસમાં દોડી રહી છે. સૌની નજર પોતાનાથી આગળ નીકળી ગયેલા લોકો પર છે. અહીં જ આપણા બધાની ભૂલ થતી હોય છે. આપણી શક્તિ, આપણી તાકાત, આપણા રિસોર્સીસ અને આપણા સર્કમસ્ટન્સીસનો વિચાર કર્યા વિના આપણે બીજાઓ સાથે સરખામણી કરીને એમનાથી આગળ નીકળી જવાની કોશિશ કરીએ છીએ ત્યારે બેમાંથી એક વાત બને છે. કઈ?

મોદી જે કહેવા માગે છે વિદ્યાર્થીઓને તેનો સાર એ છે કે એક, બીજાઓ સાથે કમ્પેરિઝન કરવામાં ક્યાંક આપણે આપણા પોતાના પોટેન્શ્યલને અંડરવૅલ્યુ કરતા થઈ જઈએ એવું બને. ગુજરાત રાજ્યની સ્ટેટ લેવલની કૉમ્પીટિશન તમારે જીતવી છે. સ્પર્ધા કરીને તમે જીતી પણ ગયા, પણ તમારું પોટેન્શ્યલ નેશનલ લેવલની સ્પર્ધા જીતવાનું છે. જો તમે ગુજરાતના બીજા સ્પર્ધકો સાથે જ તમારી સરખામણી કરતા રહેશો તો સ્ટેટ લેવલમાંથી નેશનલ લેવલ પર પહોંચવાની તમારી છૂપી શક્તિને ક્યારેય બહાર નહીં લાવી શકો. જો તમે નેશનલ લેવલ પર જીતી ગયા અને ખુશ થઈ ગયા, સંતોષ પામીને ત્યાં ને ત્યાં જ અટકી ગયા તો ઑલિમ્પિક કક્ષાએ નહીં જઈ શકો. અહીં માત્ર રમતગમતની જ વાત નથી, જિંદગીનાં અનેક ક્ષેત્રોની વાત છે. ચાહે એ બિઝનેસનું ક્ષેત્ર હોય, ચાહે એ કળા-વિજ્ઞાનનું ક્ષેત્ર હોય. તમે એક સારી ગુજરાતી ફિલ્મ બનાવી. તમારું સપનું ભવિષ્યમાં સંજય લીલા ભણસાળી બનવાનું છે. પણ તમારી આંખ સામે સ્ટીવન સ્પીલબર્ગ નહીં હોય તો તમે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્યારેય ઝળકી નહીં શકો. જો તમે તમારી પોતાની જ જાત સાથે સ્પર્ધામાં હશો તો શક્ય છે કે સ્ટીવન સ્પીલબર્ગ કરતાંય આગળ વધી શકશો. 

આ એક વાત. અને બીજી વાત. તમારી પોતાની જ સાથે સ્પર્ધામાં હશો તો તમને તમારી મર્યાદાઓ, તમારાં લિમિટેશન્સનો પણ અંદાજ આવશે. તમારા સંજોગો, તમારી પ્રકૃતિ કે તમારી તાલીમની મર્યાદા સ્વીકારી હશે તો તમે સમજી શકશો કે મારા માટે ધસ ફાર ઍન્ડ નો ફર્ધરની સીમા ક્યાં છે. ક્યારેક મેં આ જ કૉલમમાં લખ્યું હતું કે સપનું જોતાં પહેલાં આપણે આપણી લાયકાત માપી લેવી જોઈએ. નાનપણથી યુવાની સુધીમાં શારીરિક બાંધો (જે વારસામાં પણ મળતો હોય છે) જેવો થયો તેને અવગણીને તમે એવરેસ્ટના શિખર પર પહોંચવાની કોશિશ કરશો તો બેઝ કૅમ્પ પહોંચતાં પહેલાં જ તમને હૉસ્પિટલભેગા કરવા પડે એવું બને. શારીરિક ક્ષમતા અને માનસિક દૃઢતા આ બેઉનું પરફેક્ટ કૉમ્બિનેશન હોય ત્યારે જ સંકલ્પો સિદ્ધ થતા હોય છે. 

ક્યારેક એવું બને કે સંજોગો બધા જ સાનુકૂળ હોય, પણ કોઈક કારણોસર તમારું મન, તમારું સંકલ્પબળ પૂરતો સાથ ન આપે. અને કોઈ વખત એવું પણ બને કે સંકલ્પમાં તમે અત્યંત દૃઢ હો પણ શારીરિક ક્ષમતા પૂરતી ન હોય - આ બેઉ સંજોગોમાં તમારે સ્વીકારી લેવું પડે કે તમે તમારા ધ્યેય સુધી નહીં પહોંચી શકો. તમારે નીચું નિશાન સ્વીકારી લેવું પડે. આમાં તમારી હાર નથી, તમારી વ્યવહારતા છે. તમે એન્ટિલા બાંધી ન શક્યા તો કંઈ

નહીં, સ્વતંત્ર ધંધો કરીને ગામના કાચા ઘરમાંથી શહેરમાં બે બેડરૂમનો સુંદર ફલૅટ તો લઈ શક્યા. આ કંઈ તમારી હાર નથી. આટલું સ્વીકાર્યા પછી જ સંતોષની જિંદગી પ્રાપ્ત થતી હોય છે. 

નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને હવે પછી જે વાતો કરી છે એમાં જે. કૃષ્ણમૂર્તિ કે રજનીશ જેવા તત્ત્વજ્ઞાનીઓ સમું ઊંડું ચિંતન તમે અનુભવી શકશો. આમાં મોદીને હાઈ પેડેસ્ટલ પર મૂકવાની વાત નથી, એમના વિચારોની ઊંચાઈને રેક્ગ્નાઈઝ કરવાની વાત છે. મોદીવિરોધીઓ આ ઍન્ગલ ન સ્વીકારી શકે તો લૉસ એમનો છે. ભારતના વિદ્યાર્થીઓ માટે તો એ વાતો સોનાની લગડી જેવી છે. કાલે પૂરું કરીએ. 

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=155870


"ઈચ્છાઓ સ્થિર થયા પછી જે સંકલ્પો સર્જાય એ જ સિદ્ધ થાય

રાત થોડી ને વેશ ઝાઝા છે, જગ્યા થોડી ને મૅટર ઝાઝી છે એટલે વિશેષ કોઈ ટિપ્પણી વગર નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે કરેલી ‘મન કી બાત’ શરૂ કરી દઈએ. હવે પછીના તમામ શબ્દો મોદીના છે:

દોસ્તો, ખુદની પહેચાન કરવી બહુ જરૂરી છે. તમે એક કામ કરો, બહુ કંઈ દૂર સુધી જોવાની જરૂર નથી. તમારા ઘરમાં જ તમારી બહેન હશે કે તમારા મિત્રની બહેન હશે જે દસમા કે બારમાની એક્ઝામ માટે તૈયારી કરી રહી હશે. તમે જોયું હશે કે આવી મોટી પરીક્ષાઓના સમયે પણ ઘરની દીકરીઓ માને મદદ કરતી હોય છે. ક્યારેય વિચાર્યું છે કે એમની અંદર એવી કઈ શક્તિ છુપાયેલી હશે જેને કારણે એ પરીક્ષા માટે વાંચવાની સાથે સાથે ઘરકામમાં માને મદદ કરતી રહેતી હશે. આસપાસની પરિસ્થિતિ તમને ડિસ્ટર્બ કરે છે તો આ દીકરીઓ કેવી રીતે વાંચવામાં ધ્યાન આપતી હશે. ડિસ્ટર્બન્સ બહારના વાતાવરણમાંથી નહીં, આપણી અંદરથી જ પેદા થતું હોય છે. આત્મવિશ્ર્વાસનો અભાવ હોય ત્યારે આવું થાય અને આત્મવિશ્ર્વાસનો અભાવ હોય ત્યારે અંધવિશ્ર્વાસ વધી જાય. અંધવિશ્ર્વાસને કારણે ડિસ્ટર્બન્સ દૂર કરવા માટે બહારથી કારણો શોધતા રહીએ છે, આરંભે શૂરા બની જઈએ છીએ. રોજ એક નવો વિચાર, રોજ એક નવી ઈચ્છા, રોજનો એક નવો સંકલ્પ અને પછી એ સંકલ્પનું બાળમૃત્યુ થઈ જાય છે, આપણે હતા ત્યાંના ત્યાં રહી જઈએ છીએ. ઈચ્છાઓ સ્થિર હોવી જોઈએ. જ્યારે ઈચ્છાઓ સ્થિર થાય છે ત્યારે જ એમાંથી સંકલ્પ સર્જાય છે અને આવા સંકલ્પની સાથે પુરુષાર્થ જોડાય છે ત્યારે સંકલ્પ સિદ્ધિમાં પરિણમે છે. કોઈ તમારી પરીક્ષા શું કામ લે? તમે પોતે જ તમારી કસોટી કરતા રહો ને. ટેવ પાડો એવી. જિંદગીની પરીક્ષાઓમાં જેમને પાસ થવું છે એમના માટે ક્લાસરૂમની પરીક્ષા તો બહુ મામૂલી હોય છે.

તમે જ તમારામાંથી પ્રેરણા લેતા થાઓ. અગાઉ તમે કેવી કેવી કસોટીઓમાંથી સફળતાપૂર્વક પાર ઊતર્યા હતા, યાદ કરો. ગયા વરસે બીમાર હતા છતાંય સારા માર્ક સાથે પાસ થયા હતા. ગયા વખતે મામાને ત્યાં લગ્ન હતાં, અઠવાડિયું વેડફાઈ ગયું હતું, છતાં સારા માર્ક્સ આવ્યા હતા. તમે જ તમારા માર્ગદર્શક બની જાઓ, આ મોદી તમને શું ઉપદેશ આપવાનો છે. ભગવાન બુદ્ધે કહ્યું છે: અપ્પ દીપો ભવ: તમારો દીપક તમે જ બનો.

હું માનું છું કે તમારી ભીતર 

જે પ્રકાશ છે ને, એને ઓળખો. તમારામાં રહેલા સામર્થ્યને ઓળખો. જે પોતાને વારંવાર કસોટીમાં ઉતારે છે એ નવી નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે છે. બીજી વાત. ક્યારેક ક્યારેક આપણે બહુ લાંબા ભવિષ્યનું વિચારીએ છીએ તો ક્યારેક ભૂતકાળમાં ડૂબેલા રહીએ છીએ. દોસ્તો, પરીક્ષાના સમયે આવું નહીં કરતા. પરીક્ષાના સમયે તમે વર્તમાનમાં રહો તે જ સારું છે. શું કોઈ બૅટ્સમૅન બેટિંગ કરતી વખતે અગાઉ કેટલી વાર પોતે ઝીરોમાં આઉટ થઈ ગયો હતો એ યાદ કરે છે? અથવા આ આખી સિરીઝ જીતીશું કે નહીં એવું વિચારે છે? સેન્ચ્યુરી મારીશ કે નહીં એવું વિચારે છે? ના. એનું સમગ્ર ધ્યાન સામેથી આવી રહેલા બોલ પર જ હોય છે. એ ન તો હવે પછીના બોલ વિશે વિચારે છે, ન આખી મૅચ વિશે, ન સિરીઝ વિશે. તમે પણ તમારું મન વર્તમાનમાં લગાવી દો. જીતવું હશે તો આ જડીબૂટી કામ લાગશે. વર્તમાનમાં જીવો.

મારા યુવા દોસ્તો, શું તમે એમ વિચારો છો કે આ પરીક્ષા તમારી ક્ષમતા બીજાઓની આગળ દેખાય એના માટે હોય છે?

તમારે કોની સામે તમારી ક્ષમતા દેખાડવી છે. પરીક્ષા તમારી ક્ષમતાના પ્રદર્શન માટે નથી, તમે પોતે તમારી ક્ષમતા કેટલી છે તે જાણી શકો એ માટે આ પરીક્ષા હોય છે. જે ક્ષણે તમને આ સમજાઈ જશે એ ક્ષણથી તમારી અંદરનો વિશ્ર્વાસ વધતો જશે અને એક વાર તમે તમારી જાતને ઓળખી શકશો, તમારી તાકાતનો અંદાજ લગાવી લેશો અને તાકાતને ખાતરપાણી આપતા રહેશો તો એ તાકાત એક નવા સામર્થ્યમાં પરિવર્તિત થઈ જશે. પરીક્ષાને આ દુનિયાને દેખાડી આપવા માટેની ચૅલેન્જ તરીકે નહીં સ્વીકારતા, આ અવસર છે પોતાની જાતની સાથે જીવવાનો, જીવી લો, મારા મિત્રો.

મને પહેલાં કવિતા લખવાનો શોખ હતો. ગુજરાતીમાં મેં એક કવિતા લખી હતી. આખી કવિતા તો મોઢે નથી પણ એમાં મેં કંઈક એવું લખ્યું હતું કે સફળ થયા તો ઈર્ષ્યાપાત્ર, વિફળ થયા તો ટીકાપાત્ર, તો આ તો દુનિયાનું એક ચક્ર છે, ચાલ્યા કરવાનું છે. સફળ થાઓ, પણ કોઈને પરાજિત કરવા માટે નહીં. સફળ થાઓ પોતાના સંકલ્પો સિદ્ધ કરવા માટે, સફળ થાઓ તમારા પોતાના આનંદ માટે, સફળ થાઓ જેઓ તમારા માટે જીવી રહ્યા છે એમના જીવનમાં ખુશીઓ ભરી દેવા માટે. આ ખુશીને જ જો કેન્દ્રમાં રાખીને તમે આગળ વધશો તો મને વિશ્ર્વાસ છે દોસ્તો, બહુ સરસ સફળતા મળશે અને પછી ક્યારેક હોળી મનાવી કે નહીં, મામાના ઘરે લગ્નમાં જવાયું કે નહીં, દોસ્તની બર્થડે પાર્ટીમાં જવાયું કે નહીં, ક્રિકેટ વર્લ્ડ કપની મૅચ જોવાઈ કે નહીં, આ બધી વાતો બેકાર બની જશે, તમે એક નવા આનંદ સાથે, નવી ખુશીઓ સાથે જોડાઈ જશો. મારી ખૂબ શુભકામના છે. તમને, તમારું ભવિષ્ય જેટલું ઉજ્જવળ હશે એટલું જ ઉજ્જવળ દેશનું ભવિષ્ય હશે...

વડા પ્રધાનની ‘મન કી બાત’ મારે હિસાબે અહીં પૂરી નથી થતી, શરૂ થાય છે. મોદીના આ વિચારો એમને એક રાજકારણીથી, એક સર્વોચ્ચ આસનના પદાધિકારીથી ઘણે ઊંચે લઈ જાય છે, થિન્કર મોદી બનાવે છે.



































No comments:

Post a Comment