Saturday, February 28, 2015

ગુલામોનું બજેટ શા માટે સાંજે પાંચ વાગે વંચાય છે? --- ચંદ્રકાંત બક્ષી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=155780

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


અમેરિકામાં કોઈક ચક્રમ એક્સપર્ટ જાહેર કરે છે કે દૂધ શિશુઓ માટા હાનિકર્તા છે અને આપણાવાળા તે વાત વિશે લેખો લખવા બેસી જાય છે અને બાળક મધવાળી આંગળી ચાટી જાય એમ અમેરિકન ચક્રમની વાત ચાટી જાય છે. આ પૃથ્વી પર કરોડો વર્ષોથી કરોડો મનુષ્યો અને સ્તન્ય પશુઓના નવજાત શિશુઓ અને બાળકો દૂધ પીને જ પોષણ પામ્યાં છે. પણ જો દૂધથી બાળકને હાનિ થતી હોય તો કરોડો વર્ષોથી કરોડો મનુષ્ય અને પશુ શિશુઓને હાનિ જ હાનિ થઈ રહી છે! એકને કહી, દૂજેને સુની, ગુરુ નાનક કહે દોંનો ગ્યાની...

ગુલામી લોહી, હાડકાં, સ્નાયુઓમાં કૅન્સર કે એઈડ્ઝની જેમ વ્યાપ્ત એક રોગનું નામ છે. અથવા કદાચ દરેક મનુષ્યના શરીરમાં ગુલામીના અને આઝાદીના સેલ્સ હશે, આઝાદીના સેલ્સ બીમાર થઈને મરી જતા હશે અને પછી મનુષ્ય ગુલામ થઈ જતો હશે. એક હિંદુસ્તાની કે ભારતીય દૃષ્ટિકોણ વિકસી શક્યો નથી, જેમ એક ચીની કે આફ્રિકન દૃષ્ટિકોણ છે એ રીતે. દક્ષિણ કોરિયાએ ઓલિમ્પિક્સમાં પણ વિશ્ર્વભરની ટીમોને પરેડનો ક્રમાંક અંગ્રેજી એ,બી,સી,ડી પ્રમાણે નહીં પણ એમની કોરીઅન ભાષાની બારાખડી પ્રમાણે આપ્યો હતો. જાપાની કે ચીની નેતા અંગ્રેજીમાં બોલતા નથી, અને ઘણીવાર અંગ્રેજી જાણતા હોય છે. ચીનના તાંગશાંગમાં ભયાનક ધરતીકંપ થયો અને ૫ થી ૭ લાખ માણસો મરી ગયા, પૂરું ઔદ્યોગિક નગર ખતમ થઈ ગયું, આખી દુનિયા ધન લઈને સહાયાર્થ દોડી આવી, ચીને વિષાદી ગૌરવથી કહ્યું: થેંક્સ!

પણ અમે અમારી પ્રજાની મહેનત અને પસીનાથી ફરી ઊભા થઈશું! અને ભારતવર્ષ, સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા, ને ડેન્માર્કની સ્કૂલના છોકરાં ૨૦૦૦ ડૉલર મોકલે તો પણ આપણા લટકમટક મંત્રીશ્રીઓ ટી.વી. કેમેરાની લાલ લાઈટ સામે જોતા મરકમરક થઈને સ્વીકારી લેતા હોય છે. ક્યાંય ફર્ક છે માણસની ક્વોલિટીનો. અત્યારે તો વી. પી. સિંહ ખુશખુશ થઈ જાય એટલી ઝડપથી વિશ્ર્વનાં રાજ્યમંડળોમાં આપણે પછાત, પછાતતર, પછાતતમ બની રહ્યા છીએ. કદાચ લોટો લઈને ભિક્ષાં દેહિ... અને ગ્રહણદાન, ગ્રહણદાન... બોલતા બોલતા પૃથ્વી પર ભટકવાની આપણને મજા પડી ગઈ છે.

ગુલામી મનોદશા કોને કહે છે? સન ૧૭૩૯માં ઈરાનનો નાદિર કુલી ઉર્ફ નાદિરશાહ દિલ્હી લૂંટે છે, કતલ ચલાવે છે, એ દિલ્હીમાં માત્ર ૫૭ દિવસો રહે છે. પછી એ ઈરાન જાય છે. ત્યાં એનું ખૂન થાય છે, તખ્ત પર બેસનાર બીજી વ્યક્તિનું ખૂન થાય છે, પછી નવો વંશ આવે છે અને એ પણ સમાપ્ત થાય છે. પણ નાદિરની દિલ્હી લૂંટ પછી ૫૦ વર્ષે, ૯૦૦ માઈલ દૂરની મુર્શિદાબાદની ટંકશાળામાં, હજી નાદિરશાહી સિક્કાઓ છપાતા હતા, ચલણ તરીકે સ્વીકારાતા હતા... અને નાદિર તો બંગાળથી ૯૦૦ માઈલ દૂર ૫૦ વર્ષોે પહેલાં આવીને માત્ર ૫૭ દિવસ જ રહી ગયો હતો! ગુલામી મનોેદશાનું આનાથી વધારે વેધક પ્રમાણ મળવું મુશ્કેલ છે.

ચીને એના નેતાઓનાં નામો, શહેરોનાં નામો, નદીઓનાં નામો, પૂરી લિપિ બદલી નાખ્યા છે, અને આપણે હજી અલાહાબાદને પ્રયાગરાજ કે અમદાવાદને કર્ણાવતી કરતાં ફફડીએ છીએ. જ્યાં સુધી જાતિગર્વ નથી આવતો, જ્યાં સુધી જાતિ માટે ફના થવાની કુરબાની ભાવના નથી આવતી ત્યાં સુધી શક્તિમાન દુનિયા જ નહીં, પણ ફાલતુ મેધા પાટકરો પણ લાતો મારતી રહે છે. ગુજરાતની અસ્મિતા આપણે કનૈયાલાલ મુનશીની મુઠ્ઠીમાંથી લઈને મુંબઈના હોલસેલ વેપારીઓની બંડીના અંદરના ખિસ્સાઓમાં સરકાવી દીધી છે.

ફેબ્રુઆરીમાં આપણે ત્યાં બજેટ આવશે, કારણ કે આપણું સરકારી વર્ષ ૧ એપ્રિલથી ૩૧ માર્ચ સુધીનું છે. શા માટે એ પ્રમાણે છે? કારણ કે ઈંગ્લૅન્ડમાં એ પ્રમાણે છે! કારણ કે ૧૮૫૪માં ઈંગ્લૅન્ડમાં કાયદો પસાર કરવામાં આવ્યો કે વાર્ષિક હિસાબ ૩૧ માર્ચ સુધીનો ગણવો. ૧૮૬૪માં બ્રિટિશ ઈન્ડિયન સરકારે એક કમિશન નીમ્યું જેણે સૂચવ્યું કે હિંદુસ્તાનમાં બ્રિટિશ પદ્ધતિ અપનાવવી જોઈએ. અને ૧૮૬૬થી આપણે ત્યાં આ ૧ એપ્રિલ - ૩૧ માર્ચવાળું વર્ષ છે.

અચ્છા, આપણે ત્યાં ૨૮ ફેબ્રુઆરીએ સાંજે ૫-૫:૩૦ વાગ્યે જ શા માટે બજેટ વંચાવું શરૂ થાય છે? સવારે ૧૧ વાગ્યે સંસદમાં શરૂ ન કરી શકાય, જ્યારે આખો દેશ ઑફિસોમાં બેસી ગયો હોય? ના, એટલા માટે કે ‘બેક-હોમ’ ઈંગ્લૅન્ડમાં એ વખતે ૧૧:૩૦ વાગ્યા હોય (ઈન્ડિયા અને ઈંગ્લૅન્ડ વચ્ચે સાડા પાંચ કલાકનો સમયફેર છે), અને ઈંગ્લૅન્ડ એ આપણો ઓરમાન બાપ છે માટે બ્રિટિશ ઈન્ડિયન સરકારે સાંજે બજેટસત્ર શરૂ કરવાની પ્રણાલિકા પાડી હતી. અંગ્રેજો તો ગયા, પણ એમના પાળેલાના પાળેલા આપણે ત્યાં આબાદ છે એટલે બજેટ હજી એ રીતે જ આવે છે. આપણા દેશનો ૯૦ ટકા વરસાદ ચોમાસામાં પડે છે, દિવાળી અને ક્રિસ્ટમસ સિવાયના લગભગ આપણા બધા જ ધાર્મિક-અધાર્મિક ઉત્સવો (પર્યુષણ, બળેવ, જન્માષ્ટમી, નવરાત્રિ, ગણેશોત્સવ, પૂજા, પોંગલ, ઓણમ, ગૌરવ, દિવાસો, વિજયા દશમી, પટેટી, ઈદ, ગુરુ નાનક જન્મદિવસ વગેરે) વરસાદના દિવસોમાં આવે છે. ઈંગ્લૅન્ડ માટે ફેબ્રુઆરી બરાબર છે, આપણા દેશનું હવામાન વરસાદ, નાણાંનું ચલણ, બજારમાં આવતી ફસલો, લોકોના ઉત્સવો, પ્રજા કમાય છે અને ખર્ચ કરે છે એ સીઝન, બધું જ જુદું છે. ફેબ્રુઆરીના આપણા સરકારી બજેટનો ફાયદો કે નુકસાન એક જ છે કે ડિસેમ્બર - જાન્યુઆરી - ફેબ્રુઆરીમાં આપણા સરકારી વિભાગો ખોદાખોદ કરીને ધડાધડ ગ્રાન્ટ વાપરવા માંડે છે કે જેથી આવતે વર્ષે પણ આ ખર્ચના આધાર પર ગ્રાન્ટ મળતી રહે...! આ ખોદાખોદ વિકાસલક્ષી નથી, ખર્ચલક્ષી છે.

હજી આપણા સંવિધાનમાં ભાષા છે કે અમુક વ્યક્તિ અમુક સત્તા ભોગવતો રહેશે જ્યાં સુધી પ્રેઝિડેન્ટનું ‘પ્લેઝર’ હશે ત્યાં સુધી. હજી ફૌજી ડિસ્પેચોમાં લખેલું આવે છે કે ‘ઑફિસર્સ એન્ડ મેન’ હતા. આ બધી બ્રિટિશ હાકેમશાહીની સામંતી ભાષા છે જે આપણા ગુલામો છોડી શકતા નથી. લશ્કરમાં ઑફિસર્સ અંગ્રેજો માટે અને મેન એ દેશીઓ માટે વપરાતું હતું. પણ આપણે એ હજી છોડ્યું નથી, હવે એનો ભેદ રહ્યો નથી છતાં પણ. દિલ્હીમાં રમતોત્સવ થાય અને એમાં ‘ભારતીયમ્’ મોટા અક્ષરે રોમન લિપિમાં, એટલે કે અંગ્રેજીમાં લખ્યું હોય, કારણ કે દેવનાગરી લિપિ કાળાઓની છે. અમદાવાદની અંબિકા નામની છોકરી પ્રધાનમંત્રી રાજીવરત્ન ગાંધી સમક્ષ હિંદી માટે પ્રેમ પ્રગટ કરે માટે એનું ઈનામ ખૂંચવી લેવાય.

આપણી ગુલામી એ પ્રકારની છે કે ટી.વી.ની દિલ્હીસ્થિત ઉદ્ઘોષિકા અમેરિકન ઉચ્ચારો ઈલીનોય અને આર્કાન્સો બરાબર કરે છે પણ એને વલ્લભભાઈ પટેલ કે મૌલાના અબુલ કલામ આઝાદ બોલતા આવડતું નથી (બલબાઈ અને અબ્દુલ ઉચ્ચારો થયેલા સાંભળ્યા છે). શેક્સપિયરના જમાનાનું અંગ્રેજી વાંચનારા અને ૧૯મી સદીનું અંગ્રેજી બોલનારા હવે ફક્ત હિંદુસ્તાનમાં જ રહી ગયા છે. સંસ્કૃત ભણવા માટે ભારતીય વિદ્યાર્થીઓ જર્મની જતા હતા એવું સાંભળ્યું હતું પણ હવે હિંદીમાં ડૉક્ટરેટ લેવા એક રાષ્ટ્રભાષી પેરિસ જઈ રહ્યો છે એ સાંભળ્યું ત્યારે દિલ પ્રસન્ન થઈ ગયું...

No comments:

Post a Comment