Showing posts with label બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી. Show all posts
Showing posts with label બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી. Show all posts

Saturday, September 24, 2016

અફીણ પીવાની ફૅશન -- ચંદ્રકાંત બક્ષી

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


ગઇ સદીમાં થઇ ગયેલા ફિલસૂફ ક્ાર્લ માકસ સામ્યવાદના જન્મદાતા ગણાય છે. એમણે અને એમના સાથી ફ્રેડરિક એંગલ્સે કમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે ધર્મ એ લોકો માટે અફીણ છે. ઓગણીસમી સદી માટે ધર્મ અફીણ જેવો કેફી હતો. ધર્મનો એક ખોટો નશો હતો અને શાસકો ધર્મને પણ શાસનના એક શસ્ત્ર તરીકે વાપરતા હતા. વીસમી સદીમાં, આજે જયારે ૧૯૭૬માં વિશ્ર્વ પ્રવેશી રહ્યું છે ત્યારે, ગઇ સદીની આ વાત કેટલે અંશે સાર્થક અથવા સંગત છે એ પ્રશ્ર્ન છે.

પણ વીસમી સદીમાં ધર્મની અફીણ તરીકે જરૂર પડતી નથી. જનતાની અફીણ પીવાની ફૅશન બદલાઇ ગઇ છે. જનતાને સમજવી કે ખુશ રાખવી એ વ્યાવહારિક રાજનીતિનો વિષય છે. દરેક રાજયકર્તા પોતાની રૈયતને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરે છે. તો જ બળવો ન થાય. આ જનતાને ખુશ રાખવાની અથવા અંકુશમાં રાખવાની રમત વિશે ફિલસૂફોએ પુસ્તકો લખ્યાં છે. ચાણકયે આ વિશે રાજાઓને સૂચના આપી છે. સોળમી સદીમાં ઇટલીમાં થઇ ગયેલા મકીઆવિલીએ પણ આ વિશે લખ્યું છે. જુદા જુદા શાસકોએ જુદી જુદી રીતો અજમાવી છે.

મકીઆવિલીએ લખેલાં પુસ્તકોનો સજાગ રાજકર્તાઓ અભ્યાસ કરતા હોય છે. એણે લખેલી વાતો પંદરમી- સોળમી સદીનાં ઇટાલિયન ગણરાજયોને લાગુ પડતી હતી અને એ સમયની પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લખી હતી. એની એક સલાહ એ હતી કે પ્રજાને જયારે કંઇ આપવું હોય તો થોડું આપવું, પણ સખ્તાઇ કરવી હોય તો બધી જ એકસાથે કરી લેવી. થોડું થોડું આપતા રહેવાથી માણસો ભૂલી શકતા નથી અને યાદ રાખતા રહે છે અને રાજા વિશે પ્રજાના મનમાં એક સારું મન:ચિત્ર ઊભું થાય છે. જો એકસાથે બધું જ આપી દે તો રાજાનું સારું કરેલું પણ થોડા સમયમાં જ ભુલાઇ જાય છે, અને લોકો પોતાની મૂળ આદતો પર આવી જાય છે. પ્રજાને નસીહત આપવી હોય ત્યારે હંમેશ પૂરેપૂરી સખ્તીથી સજા કરવી અથવા કડકમાં કડક કાયદો કરવો કે જેથી એનો ભય હોય એ કરતાં વિશેષ લાગે અને અસર લાંબો સમય ચાલે. આપણાં રાજનીતિવિષયક શાસ્ત્રોમાં પણ રાજદંડના ઉપયોગ વિશે સ્પષ્ટ ઉલ્લેખ છે. આ સિવાય મકીઆવિલીએ રાજાઓને એક સલાહ આપી છે કે પ્રજાને વચ્ચે વચ્ચે સર્કસો- તમાશાઓ બતાવતા રહેવાં જોઇએ કે જેથી પ્રજાનો વિરોધ બીજી દિશામાં ચાલ્યો જાય. પ્રજાજીવનમાં અર્થાત દૈનિક જીવનમાં કે પ્રજાની શ્રદ્ધામાં કોઇ દિવસ હસ્તક્ષેપ ન કરવો એવી પણ સલાહ આપવામાં આવી છે.

આજે પ્રજાને ધર્મના અફીણની જરૂર નથી પણ બીજા પ્રલોભનો છે. અમેરિકામાં સમાજશાસ્ત્રીઓ આ વિશે અભ્યાસ કરતા રહે છે. આજની યુવાપેઢીની કેવી તાસીર છે? લોકોને પોતાની તકલીફો ભુલાવવા માટે પણ પ્રલોભનો આપવાની જરૂર છે. ફિલ્મો અને ફિલ્મોનાં નાયક-નાયિકાઓ અને એમના વ્યક્તિગત જીવનની નાનામાં નાની વાતોમાં રસ જગાડવામાં આવે છે. બસ્તીની બહાર પાણી ન મળ્યું હોય એ કરતાં અમુક ફિલ્મસ્ટારના સેન્ટ કે અત્તરની બ્રાન્ડની ખબર પડી જાય એ વધુ આકર્ષક સમાચાર છે! હજારો ટન કાગળ ફિલ્મી પત્રિકાઓ માટે વપરાય છે, જે વાસ્તવમાં ઉત્પાદક નથી. એક વ્યક્તિની એક જ ખાનગી વાત સેંકડો વાર દોહરાવવામાં આવે છે, જે વાચકો અફીણીઓની જેમ મમળાવ્યા કરે છે. ફિલ્મજગત આજની યુવાપેઢીના એક વર્ગનું અફીણ બની ગયું છે.

મકીઆવિલીએ પ્રજાને સર્કસો બતાવવાની વાત કરી હતી. આજે ક્રિકેટનો રસ કંઇક એ હદે જ પહોંચ્યો છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટ અને રનિંગ કોમેન્ટ્રી તથા પાંચ છ દિવસ સુધી ચાલતી પ્રવાસી ટીમોની મેચો જૂના જમાનાના સર્કસો જેવી છે. લોકોને કામચલાઉ બેહોશ કરી મૂકે એવાં આ સાધનો છે. એક રમતને જબરદસ્તીથી ભારતીય બનાવવામાં આવી છે. ફિલ્મ ફેસ્ટીવલો, હોલિવુડની ફિલ્મો (વિદેશી ફિલ્મો) એ પણ એક પ્રકારની આદત પાડનારી વસ્તુ છે. ઘણી રાજ્ય વ્યવસ્થાઓમાં સેકસનો પણ એ જ ઉપયોગ કરવામાં આવે છે. શરાબ અને જુગારખાનું પણ કેટલાક દેશોમાં ગેરકાનૂની આમદનીએ મદદરૂપ થાય છે અને પ્રજાને પલાયનવાદી બનાવી મૂકે છે. ખાસ કરીને કુલમુખ્તાર અથવા પોલીસ- સરકારો અથવા ઉપસંસ્થાનવાદી સરકારોમાં આ વિશેષ જોવામાં આવે છે. સમારંભો, રોશની, ઉત્સવો આદિ પણ આ ધ્યેય સિદ્ધ કરવામાં સહાયક થઇ શકે છે.

વીસમી સદીની બીજી એક વિષક્ધયા છે. જાહેરાતનું વિશ્ર્વ જોઇએ તો ચારે તરફથી દશે દિશાઓમાંથી જાહેરાતો - વિજ્ઞાપનો દિમાગ પર સતત આક્રમણ કરતી રહે છે. લોકોને જરૂર છે માટે વસ્તુ બનાવવામાં આવતી નથી પણ બનાવનારાએ બનાવી છે માટે લોકોમાં એની જરૂરત પેદા કરવામાં આવે છે. બાળકો માટે પ્રોટીનની ટેબ્લેટ કે ગૃહિણીઓનાં ગેસ-સિલિન્ડરોને માટે મીટરો બનાવવા કરતાં પગના નખને ચીતરવા માટે નેઇલ પોલિશ બનાવવાને મહત્ત્વ આપનાર રાજ્ય- વ્યવસ્થા કે સમાજ વ્યવસ્થા પણ વીસમી સદીની તાસીર છે. મુનાફો મળે છે માટે વસ્તુ બનાવવામાં આવે છે. પ્રજાને જરૂર છે માટે વસ્તુ બનાવાતી નથી. મૂડીવાદી અર્થતંત્રએ પ્રજાને વિજ્ઞાપનોની ભૂરકી છાંટીને એમની સમજદારી અને વિવેક ખૂંચવી લીધા છે અને અમેરિકામાં આ વિજ્ઞાપનવાદનો રોગ એ હદે પહોંચ્યો છે કે મરેલા માણસને લઇ જવાના કૉફિનો પણ વધારે નકશીદાર, સુંવાળા, આરામદાયક બનાવવામાં આવે છે. વિજ્ઞાપનનું જૂઠ એ આ યુગનું નવું અફીણ છે. લોટરીમાં દેખાતા હજારોના આંકડાઓ જેવું.

રેડિયો તથા ટીવી પણ ઘણા દેશોમાં આ ઉપયોગ માટે વાપરવામાં આવે છે. સમાજશાસ્ત્રીઓ કહે છે કે બાળકોને માટે છપાતાં કોમિકસ પણ એમનાં દિમાગોને કબજે કરી લેવાનાં હથિયારો છે. અમેરિકા તથા ચીન બંને દેશોમાં કોમિકસનો બહુ મોટા પાયા પર ઉપયોગ કરવામાં આવે છે, એવું જ એક બીજું અફીણ છે જે યુવાપેઢી માટે છે- થ્રિલરો અને રહસ્યકથાઓ. જેમ્સ બોન્ડ જેવા હંમેશાં જીવતા રહેનારા મહાનાયકો, જે છોકરીઓ અને ધન અને ઝડપી જીવનમાં જ ડૂબેલા હોય છે. પ્રજાની નિરાશા કે ગરીબીને ભુલાવવા માટે આ પણ એક પ્રકારનું અફીણ જ છે.

જૂના જમાનાના ધર્મમાં આટલી બધી આનંદદાયક મદહોશી લાવવાની શક્તિ ન હતી! કાર્લ માકર્સ આજે જીવતો હોત તો આદત પાડે એવા અફીણના આટલા બધા પ્રકારો જોઇને કદાચ ખરેખર સાચા અફીણની લતે ચડી ગયો હોત.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=202827


રામા, લક્સમના, બરટા ઍન્ડ શટ્રુગ્ના! -- ચંદ્રકાંત બક્ષી

હિંદુ ધર્મમાં મંદિર પૂજાપાઠ માટે છે. ધર્મગુરુ વિધિ માટે છે. પણ સાત વર્ષના બાળક કે બાલિકાને જ્ઞાન આપવા માટે હિંદુઓમાં ફાધર કે મૌલવી નથી. હિંદુ ધર્મમાં ધર્મગુરુ ફક્ત ધર્મનો ગુરુ છે, શિક્ષણનો ગુરુ નથી


બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


રેડિયો બાંગલાદેશે હમણાં એક સરકારી ફતવો જાહેર કર્યો : મુલ્કની એક લાખથી વધારે મસ્જિદોને બાળકો માટેની પ્રાથમિક સ્કૂલોમાં બદલવાનું બાંગલાદેશ સરકારે નક્કી કરી લીધું છે. સરમુખત્યાર ઇર્શાદનો હવાલો આપતાં રેડિયોએ કહ્યું કે ધર્મગુરુઓ એમની ધાર્મિક જવાબદારી નિભાવશે અને વિશેષમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ પણ આપશે. વિકાસશીલ ત્રીજા વિશ્ર્વ માટે આ બહુ મહત્ત્વનો નિર્ણય પ્રેરણાદાયી બની શકે એમ છે...!

મસ્જિદની બાજુમાં મદરેસા કે ધાર્મિક પાઠશાળા હોય અને ધર્મગુરુ કે મૌલવી શિક્ષણ આપે એ ઇસ્લામની બહુ જૂની પ્રશંસા કરવા યોગ્ય પરંપરા છે. બાંગલાદેશની સરકારને એકસાથે એક લાખ પ્રાથમિક શાળાઓ અને એક લાખ શિક્ષકો મળી જશે! મધ્યયુગ, અંગ્રેજ આગમન તથા અઢારમી સદીના ઉત્તરાર્ધ સુધી આ ઇસ્લામી પરંપરાએ મુસ્લિમ જગતમાં શિક્ષણના પ્રસારનું કામ કર્યું પછી શિક્ષકો અર્ધ-શિક્ષિત રહેવા લાગ્યા, એકેન્દ્રિય બનતા ગયા, અને ભારતીય મુસ્લિમોના શિક્ષણમાં અંધકાર-યુગ શરૂ થયો. અંગ્રેજી અને વિજ્ઞાનની નવી તાલીમથી મુસ્લિમ યુવાપેઢી અસ્પર્શ્ય રહી ગઇ. જે ઇસ્લામના જ્ઞાનનો પ્રકાશ એક જમાનામાં અડધા વિશ્ર્વ પર ફેલાઇ ગયો હતો, એ જ ઇસ્લામના તથાકથિત રખેવાળોએ અજ્ઞાનના અંધકારનો કબજો લઇ લીધો એ ઇતિહાસની એક કરુણ વિરોધિતા છે. પણ મસ્જિદ એ શિક્ષણકેન્દ્ર હોવું જોઇએ એ વિચારની મહાનતા વિશે મતાંતર નથી.

ખ્રિસ્તી ધર્મમાં ચર્ચની બાજુમાં સ્કૂલ એ પણ જૂની પરંપરા છે. ખ્રિસ્તી ફાધરો જીવનભર માત્ર અધ્યાત્મની ગંભીર વાતો અથવા બાઇબલના પ્રસંગો કહેતા ફરતા નથી. દોઢ લાખનાં ટોળાંઓને ત્યાગનું મહત્ત્વ સમજાવતા નથી, સ્વયં ત્યાગ કરી લે છે- ભૌતિક ઇચ્છાઓ બને એટલી ઓછી કરીને આખું જીવન અધ્યયન કરે છે અને અધ્યાપન કરે છે. ભણે છે અને ભણાવે છે આજે પણ, અને છેલ્લાં દોઢસો વર્ષોથી દરેક જાતિ કે કોમનાં બાળકો ખ્રિસ્તી મિશનરી સ્કૂલોમાં ભણીને મનુષ્ય બને છે અને બનતાં રહ્યાં છે.

મુસ્લિમ મદરેસામાં બીજી જાતિનાં બાળકો ભાગ્યે જ હોય છે. ખ્રિસ્તી પબ્લિક સ્કૂલ કે કૉન્વેન્ટમાં બધી જ જાતિઓનાં - મુસ્લિમ પણ - બાળકો ભણે છે કારણ કે ખ્રિસ્તી ઉદારવાદી(લિબરલ) ગણાય છે, જ્યારે મુસ્લિમ શિક્ષણ એ દૃષ્ટિએ એકાંગી છે.

યહૂદીઓના સિનેગોગની પાસે પણ સ્કૂલ હોવાનો રિવાજ છે. યહૂદીઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઊંચું હોવાથી યહૂદી ધર્મસ્થાનની પાસે માત્ર છોકરીઓની નિશાળ હોય એ પણ સ્વાભાવિક છે.

હવે પ્રશ્ર્ન ઊભો થાય છે : હિંદુઓનો, એમના ધર્મગુરુઓનો! માત્ર ગુરુકુલ કે પાઠશાળાનાં દૃષ્ટાંતો આપી દેવાથી આ પ્રશ્ર્નના ઉત્તરો મળતા નથી. ચર્ચની સાથે સ્કૂલનું પ્રમાણ મંદિર અને પાઠશાળા કરતાં ઘણું વધારે છે. હિંદુ ધર્મમાં મંદિર પૂજાપાઠ માટે છે. ધર્મગુરુ વિધિ માટે છે. પણ સાત વર્ષના બાળક કે બાલિકાને જ્ઞાન આપવા માટે હિંદુઓમાં ફાધર કે મૌલવી નથી. હિંદુ ધર્મમાં ધર્મગુરુ ફક્ત ધર્મનો ગુરુ છે, શિક્ષણનો ગુરુ નથી. આ વિશે વિચારવાનો સમય આવી ગયો છે.

હમણાં વિરાટ હિંદુ સમાજના અધ્યક્ષ ડૉ.કરણસિંહે આ વિશે પોતાના વિચારો પ્રકટ કર્યા. હિંદુ મંદિરોમાં હિંદુ ધર્મગ્રંથોના વર્ગો લોકો માટે ખોલવા જોઇએ. આજની પેઢીને ધર્મ-નિરપેક્ષતાને નામે હિંદુ ધર્મથી લગભગ વંચિત રાખવામાં આવે છે (મુંબઇ ટી.વી.ના એક લોકપ્રિય કાર્યક્રમમાં રામના ભાઇઓનાં નામ પૂછવામાં આવ્યાં ત્યારે એક કૉલેજિયને ‘લક્સમના’ કહ્યું...પણ પછી જોવા મળ્યું કે પૅનલના છ વિદ્યાર્થીઓ અને બેઠેલા બીજા વિદ્યાર્થી સમૂહમાંથી કોઇને પણ બધાં નામોની ખબર ન હતી! આ દેશમાં મુંબઇ નગરમાં કૉલેજના છોકરાંઓને રામના ભાઇઓનાં નામ પણ ખબર નથી પછી કૉન્વેન્ટમાં ભણેલી આધુનિક ફૅશનેબલ મુસ્લિમ આયોજકે ટી.વી. પર લટક્યા કરતાં બીજાં નામો વાંચ્યા : ‘બરટા...ઍન્ડ શટ્રુગ્ના’!

રામા,લક્સમના, બરટા ઍન્ડ શટ્રુગ્ના બોલનારા હિંદુ વિદ્યાર્થીઓને નાક દબાવીને ધાર્મિક જ્ઞાન ચમચીથી પાવું પડશે, કારણ કે નાનપણમાં એમને પાયું નથી. ડૉ.કરણસિંહની વાતમાં તથ્ય છે. એમણે બીજી ઘણી વાતો કરી. નવી પેઢીને હિંદુ ધર્મ શીખવવો પડશે. મંદિરોમાં સ્કૂલોનું આયોજન કરવું પડશે. લગ્નો બહુ જ સીધીસાદી વિધિ સાથે મંદિરોમાં થવાં જોઇએ. મુસ્લિમનું લગ્ન મસ્જિદમાં અને ખ્રિસ્તીનું ચર્ચમાં થાય છે. હિંદુ લગ્ન મંદિરમાં થવાં જોેઇએ, તો મંદિર લોકોના જીવનના એક મહત્ત્વના તબક્કાએ પ્રવેશશે. ખોટો ખર્ચ પણ ઓછો થઇ શકશે. ગરીબને એટલે કે ગરીબ હિંદુને મંદિરમાં લગ્ન કરવાનો અધિકાર મળવો જોઇએ! કદાચ હિંદુ મંદિરોનાં સંચાલનોમાં હસ્તક્ષેપ કરી શકે છે પણ મસ્જિદ કે ચર્ચમાં દખલ કરતાં ફફડે છે. શીખ સુવર્ણમંદિરમાં સંતાયેલા મુઠ્ઠીભર ગુંડાઓ ગોળીઓની બૌછાર વર્ષાવે છે. પણ ભારતની મહાબલિ સરકાર કંઇક પણ કદમ ભરતાં બે વર્ષથી વિચાર કરે છે. ટૂંકમાં ધ્રૂજી રહી છે. દક્ષિણના તિરુપતિના ફંડનો ઉપયોગ બધી જ જાતિઓ માટે કરવાની આંધ્ર સરકારે મંદિરના ટ્રસ્ટને ફરજ પાડી છે પણ મસ્જિદ કે ચર્ચના ફંડને લાંબી લાકડી લઇને અડવાની પણ સરકારમાં હિંમત નથી. સરકારી ધર્મનિરપેક્ષતાની બંને આંખોનાં ચશ્માંના નંબરો જુદા છે...

હિંદુ ધર્મગુરુઓ મને બહુ સમજાયા નથી. દુનિયાનું કલ્યાણ એમના પ્રયત્નોથી થઇ જાય તો મારો કોઇ જ વિરોધ નથી. પણ એ આખો વર્ગ મને તદ્દન પ્રતિક્રિયાવાદી, યથાસ્થિતિવાદી અને નકારાત્મક લાગ્યો છે. ખ્રિસ્તી ફાધર જીવનસભર ભણાવે છે અથવા અનુસંધાન-અભ્યાસ કરે છે, પુસ્તકો પ્રકટ કરે છે. હિંદુ ધર્મનેતાઓ આત્માના કલ્યાણ અને આવતા ભવના ચક્કરમાંથી બહાર નીકળતા નથી. ખ્રિસ્તી ફાધરની જેમ મરતા માણસની પાસે જઇને એના મોઢામાં ગંગાજળ અને કાનમાં મંત્રોચ્ચાર કરી ન શકે? ધર્મની વિધિની સાથે એ બીજું કંઇ જ કરી શકે નહીં? જિવાતા જીવનની લગોલગ ધર્મને ન લાવી શકે? સાયપ્રસમાં આર્ચબિશપ મકારીઓ, શીખોમાં સંત ભિંડરાનવાલે અને લોંગોવાલ, મુસ્લિમોના શાહી ઇમામ, જેરુસલેમના મુફ્તી આજે ઇરાનમાં આયાતુલ્લાહ ખૌમેની આ બધા ધાર્મિક નેતાઓ છે. જર્મનીમાં ‘ક્રિશ્ટીઅન’ ડૅમોક્રેટિક પક્ષે વર્ષો સુધી રાજ્ય ચલાવ્યું, ભારતના હિંદુ ધર્મનેતાઓમાં આયાતોલ્લાહો કે સંતો ન બની શકે? ધર્મગુરુએ શા માટે રાજકારણમાં ન આવવું જોઇએ? ૧૯૮૪ના અમેરિકન પ્રમુખપદ માટેના નીગ્રો ઉમેદવાર જેસે જૅકસન પ્રથમ કાળા ઉમેદવાર છે અને ‘રેવરન્ડ જેસે જૅક્સન છે! માર્ટિન લ્યૂથર કિંગ પણ ધર્મગુરુ હતા. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મૌલાનાઓનો જનતા પર કેવો ભયંકર કબ્જો છે એ આપણે બધા જ જાણીએ છીએ. શ્રીલંકાના બૌદ્ધ ધાર્મિક નેતાઓને પૂછીને પ્રમુખ જયવર્ધને આગળ ચાલે છે. ત્રીજા વિશ્ર્વમાં ધર્મનેતા રાજકારણનો એક મહત્ત્વનો ભાગ છે અને જ્યાં વામપક્ષી વિચારધારા નથી એ ત્રીજા વિશ્ર્વમાં ધર્મ એક જબરજસ્ત બળ છે.

હિંદુ ધર્મનેતાઓએ ઘણાં વર્ષો રામની અને સીતાની વાર્તાઓ કહી. હવે કૃષ્ણ અને અર્જુનની ગીતા વાંચીને ઊતરવું પડશે. દરેક રાજકારણી કહેવાનો કે ધર્મને રાજકારણથી દૂર રાખો! કારણ કે એને ખબર છે ધર્મની શક્તિ શાહોના શાહ ઇરાનના શહેનશાહને પણ ઇતિહાસના કચરાડબ્બામાં ફેંકી શકે છે. હિંદુસ્તાનના રાજકારણમાં હિંદુ ધર્મના બળને બરાબર સમજનાર છેલ્લા રાજકારણીનું નામ હતું : મહાત્મા!...

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=195708

એકના પૈસા લઈને બીજાને વોટ આપવો: નીતિની રાજનીતિ -- ચંદ્રકાંત બક્ષી

ટેરરિઝમ માટે ત્રાસવાદ શબ્દ વપરાય છે. આ સિવાયના શબ્દો છે: આતંકવાદ અને ઉગ્રવાદ (એનાર્કી અને એક્સટ્િિમઝમ) પંજાબમાં ટેરરિસ્ટ છે, પણ શ્રીલંકામાં મિલિટન્ટ છે, એક ત્રાસવાદી છે, એક બાગી છે. આપણા સંદર્ભમાં આ બધા શબ્દો નવા છે એટલે અર્થરેખાઓ સ્પષ્ટ દોરાઈ નથી. એટલે એકને બદલે બીજો શબ્દ વપરાતો રહે છે. નાગરિક સામાન્ય રીતે અન્યાય અથવા ન્યાય મળવામાં અસહ્ય વિલંબ સહન કરતો રહે છે. પણ દુ:ખી નાગરિક, વસ્તુહારા નાગરિક, શોષિત-પીડિત નાગરિક બગાવત કરે છે. ત્રાસવાદી કે આતંકવાદી બની જાય છે-પંજાબ-મિઝોરમ-ત્રિપુરા, બિહારના આદિવાસી અંચલો, ઉત્તર અને પૂર્વ શ્રીલંકા, આંખની સામે આપણે ટેરર કે ત્રાસનો નકશો જોઈ રહ્યા છીએ અને રાષ્ટ્રવિજ્ઞાનીઓએ હવે એક નવી વિચારધારા વિશે જનધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. જેમ લોકોનો એક ત્રાસવાદ છે એમ વીસમી સદીમાં ઊભરતા સમાજોમાં એક રાજ્ય-ત્રાસવાદ (સ્ટેટ-ટેરેરિઝમ) પણ આવ્યો છે. રાજ્યનો, શાસનનો, શાસનની શસ્ત્રશક્તિનો, પોલીસનો, પરા-સૈનિક શક્તિનો. લૅટિન અમેરિકા અને આફ્રિકાના દેશોમાં આ રાજ્ય-ત્રાસવાદ ઘણાં વર્ષોથી છે. પણ એશિયાના દેશોમાં આ એક નવી સ્થિતિ છે એમ ચિંતકો કહે છે. 

ભારતમાં રાજ્ય-ત્રાસવાદનું પ્રમાણ ઓછું છે. ભારતનો રાજ્યત્રાસવાદ હજી એટલો બેશરમ અને નગ્ન નથી અને આંચલિક છે, કારણ કે પ્રજાનાં બે ઘટકો-છાપાં અને ન્યાયાલયો હજી વિરોધ કરી શકે છે. પર્દાફાશ કરી શકે છે. બેનકાબ કરી શકે છે. ત્રીજું ઘટક સંસદ છે પણ એમાં જો ચર્ચા જ ન થવા દે તો એ વિકલાંગ બની જાય છે. જનમાધ્યમો રેડિયો તથા ટીવી શાસનના તાબેદાર સરકારી માધ્યમો છે. એટલે રાજ્ય-ત્રાસવાદની સામે બોલવું, લખવું કે વિરોધ કરવો ભારતમાં સરળ નથી. 

આલ્બેર કામ્યુએ રાજ્ય-ત્રાસવાદ વિશે લખતાં એક ઐતિહાસિક પ્રશ્ર્ન ઉઠાવ્યો છે: ૧૭૮૯ની ફ્રેન્ચ ક્રાંન્તિએ નેપોલિયન ત્રીજાને જન્મ આપ્યો. ૧૯૪૭ની રશિયન બોલ્શેવિક ક્રાન્તિએ સ્તાલિનને જન્મ આપ્યો. ૧૯૨૦નાં ઈટાલિયન આંદોલનોએ મુસોલિનીને જન્મ આપ્યો, ૧૯૩૦ના વાઈમાર ગણતંત્રે હિટલરને જન્મ આપ્યો. સરમુખત્યારશાહી સામેની જનક્રાન્તિઓને અંતે ફરીથી વધારે ભયાનક સરમુખત્યારો શા માટે આવ્યા? ભારતમાં આ તુલના જરા જુદી રીતે કરવી પડશે કારણ કે ભારતમાં સરમુખત્યારશાહીની ફૅશન જુદી છે. બ્રિટિશ એકહથ્થુશાહીની વિરુદ્ધ વિપ્લવ ભડકાવનારા મહાત્મા ગાંધીના સફળ આંદોલનોએ જ રાજીવ ગાંધીની તુઘલખી સુલતાનીને જન્મ આપ્યો છે? ચિંતકોએ આ વિશે ચિંતા કરવી પડશે. ભારતમાં ગોલા-ગરાસિયા-સામંતશાહીને પાછી લાવવામાં રાજીવ ગાંધીના રાજ્યકાળને ઈતિહાસમાં જરૂર સ્થાન મળશે. રાજીવ ગાંધીએ વીસમી સદીમાં ભારતીય શાસનને અઢારમી સદીની ગરાસો લૂંટાવવાની અને શિરપાવ (શિર-ઓ-પા) આપવાની અને વંશવારસોને જાગીરો આપવાની બધી જ એબોની કક્ષાએ મૂકી દીધું છે. ગરાસોની જેમ મોટાં મોટાં સરકારી બોર્ડોમાં નિયુક્તિઓ થાય છે, ભારતરત્નથી નાનામાં નાનાં ઈનામો સુધી હજારો શિરપાવ અપાય છે અને સંસદ વિધાનસભાઓમાં મૃત સંસદસભ્ય કે વિધાનસભ્યના વંશવારસોને માટે એ વિસ્તારો જાગીરોની જેમ રિઝર્વ કરી આપવામાં આવ્યા છે. રાજીવ ગાંધીએ આપણને ખરેખર ૧૮મી સદીમાં મૂકી દીધા છે. એક ફારસી ઉક્તિ હતી જે ૧૮મી સદીના દરબારોને લાગુ પડતી હતી. રાજા કહે કે જુઓ, કેવો સૂર્ય ઊગ્યો છે! ત્યારે દરબારીઓએ આકાશમાં ચંદ્ર સામે જોઈને કહેવું જોઈએ: પ્રભુ! કેવી સખત ગરમી લાગી રહી છે!.. રાગ દરબારી ગાઓ ત્યારે ચાંદની રૌદ્ર ધૂપ બની જાય છે. જો ચાંદનીમાં પસીનો થઈ શકે તો તમે રાજાની પાસે ઊભા રહેવા લાયક બનો છો! બધા રાગોમાં રાગ દરબારી શ્રેષ્ઠ રાગ છે, એ ગમે તે સમયે ગાઈ શકાય છે. એમાં ફક્ત આલાપ હોય છે, અને એક જ તાલ હોય છે. 

જગતમાં રાજ્ય-ત્રાસવાદ સમસ્યા છે એમ ભારતવર્ષમાં રાજ્ય-ભષ્ટ્રાચાર સૌથી જીવંત સમસ્યા છે. આચાર્ય કૃપલાણીએ લોકસભામાં જવાહરલાલ નહેરુને એક ફારસી નીતિકથા કહી હતી. એક બાદશાહ એના વજીર, સેનાપતિ, અફસરાન સાથે શિકાર પર ગયો. શિકાર કરીને, પકાવી જમવા બેઠા ત્યારે ખબર પડી કે મીઠું નખાયું નથી. એક ખાસદારે કહ્યું: જહાંપનાહ! હું હમણાં નિમક લઈ આવું છું. એ કથાના બાદશાહે ખાસદારને નિમક લાવવા માટે અશરફીઓ આપવા માંડી ત્યારે વઝીરે કહ્યું: અન્નદાતા! આ પૂરું સામ્રાજ્ય આપનું છે! આપને નિમકના પૈસા આપવાના હોય! બાદશાહે ખાસદારના હાથમાં અશરફીઓ થમાવતાં વજીરને કહ્યું: જે દિવસે બાદશાહ પ્રજાનું નિમક મફત લેવા માંડશે એ દિવસે એની નીચેવાળા અફસરો પ્રજાની મુર્ગીઓ મફત લઈ જશે... અને સમજશે કે પૂરું સામ્રાજ્ય એમનું જ છે! વઝીર સમજી ગયો. 

સાર: જે રાજા મફતની એક કટકી લેશે એની નીચેના હાકેમો, અફસરો, સરકારી કર્મચારીઓ આખો દેશ લૂંટી જશે. 

આજના ભારતમાં એક વિચિત્ર નઝારો જોવા મળે છે. લૂંટાલૂંટ ચાલી રહી છે. એક પ્રધાન બૅંકમેળાઓ ભરે છે, ગરીબોને પૈસા લૂંટાવે છે. મિઝોરમ ત્રિપુરામાં રૂપિયા લૂંટાવીને નિર્વાચનો જિતાયાં. આ સુલતાની, બેજવાબદાર રાજીવશાહી આ રીતે લાંબી ચાલી શકે નહીં. મુખ્ય પ્રધાન ગરીબોને માટે જ રાજ્ય ચલાવે છે. ચાવલ, કપડાં, ચંપલો, સાડીઓ, ઘરો, ઢોર, જમીનો, બૅંકના રૂપિયા બધું જ ગરીબોના મેળા ભરીને ખેરાત કરી દેવામાં આવે છે. કે જેથી ગરીબો શાસક પક્ષને જ વોટ આપતા રહે. પૈસા લો, વોટ આપો. નીતિ-અનીતિ મોહનદાસ ગાંધી સાથે ગઈ. સમીકરણ સ્પષ્ટ છે-ઉઠાવો પૈસો, લાવો વોટ, લગભગ બધી જ ગરીબપ્રેમવાળી સરકારો ખેરાતો-સખાવતો પ્રજાના પૈસે નિર્વાચન પહેલાં મતદાતાઓને વહેંચી દેવામાં આવે છે. આ ભારતીય રાજીવબ્રાન્ડ લોકશાહી છે. રાજ્ય-ત્રાસવાદ જેવી જ આ એક સમસ્યા છે: રાજ્ય-ભ્રષ્ટાચાર.

ભારતમાં જ નહીં, અન્યત્ર પણ કમજોર અને ક્રૂર (આ બે વિશેષણો સાથે જ જાય છે, એકબીજાનાં પૂરક છે) શાસકોએ મતદાતાઓને પૈસા આપીને ખરીદવાની કુચેષ્ટા કરી છે. ભારતમાં હજી એટલી મુફલિસી, નિરક્ષરતા, મૂર્ખતા, ડોબાપણું છે કે ભૂખે મરતા લોકો પણ દર પાંચ વર્ષે ફરી એના એ જ ગઠિયાઓ પાસેથી થોડા રૂપિયા લઈને એમને વોટ પહેરાવી આવે છે. અને એમના ઉમેદવાર ચૂંટાઈ ગયા પછી મતદાતા પંદર જ દિવસમાં કકળાટ શરૂ કરી દે છે. મતદાનથી સરકાર બદલી શકાય છે અને પાંચ વર્ષે મળતો મતાધિકાર પરિપકવ થઈને વાપરવાનું શસ્ત્ર છે એ ચાળીસ વર્ષ પછી પણ એક વિશાળ વર્ગને સમજાતું નથી. પ્રશ્ર્ન છે કે જો સત્તાધીશ પક્ષ સિંહાસન પરથી ભ્રષ્ટાચાર કરે તો પ્રજાએ કેટલા નૈતિક રહેવું? અથવા વધારે આસાન રીતે મૂકીએ તો: તમને વોટ આપવા માટે પૈસા મળ્યા છે. તમારી એને જ વોટ આપવાની નૈતિક જવાબદારી છે. તમે પૈસા એકના લઈને બીજાને વોટ આપો એ જ નૈતિક છે. અનીતિનાં ધંધામાં એકપક્ષી નીતિ ચાલે નહીં. શત્રુને એનાં જ શસ્ત્રોથી પરાસ્ત કરવો પડશે. જે તમને ભ્રષ્ટ કરવાની ઝુર્રત કરી રહ્યો છે એને તમારે ભ્રષ્ટ થઈને શેષ કરવો પડશે. 

કેનિયાના ગાંધી જોમો કેન્યાટાએ એની પ્રજાને ચૂંટણી પહેલાં સ્પષ્ટ કહ્યું હતું: વિરોધ પક્ષના પૈસા, ઘૂસ, રિશવત બધું જ લઈ લેજો અને ચૂંટણીને દિવસે વોટ આપણા ડબ્બામાં નાખજો...! અને એમ જ થયું હતું. ઈટાલીના કમ્યુનિસ્ટ નેતા પાલ્મીરો ટોગ્લીઆટ્ટીના કાળમાં ઈટાલીમાં કમ્યુનિસ્ટ પાર્ટી બહુમતી સીટો જીતી ગઈ હતી. કોમેરેડ ટોગ્લીઆટ્ટીને આ સફળતાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું: અમે મૂડીવાદને એના જ સાધનોથી પીટીએ છીએ! તમારે મૂડીવાદને એના જ હથિયારથી ઝબ્બે કરવો પડશે! અને ટોગ્લીઆટ્ટી પ્રોફેસર હતો, રેસમાં એના ઘોડા દોડતા હતા, એને રખાતો કે મિસ્ટ્રેસ હતી! એ અત્યંત ધનાઢ્ય હતો...

ફિલિપિન્સમાં ધર્મગુરુ કાર્ડિનલ સીને માર્કોસની સામે એક ફતવો બહાર પાડ્યો હતો કે માર્કોસને વોટ આપવો અધર્મ ગણાશે અને એમ પણ કહ્યું હતું કે માર્કોસ તરફથી જે પૈસા મળશે એ સ્વીકારવા અધર્મ નથી. પૈસા માર્કોસના લઈ શકો છો, પણ વોટ કોરી ઍક્વિનોને આપવાનો છે. 

રિશવત લેવાની પણ એક નીતિ છે! ઈજિપ્તમાં જ્યારે રાષ્ટ્રપતિ નાસર સત્તા પર હતા ત્યારે અમેરિકન ગુપ્તચર તંત્રી સી.આઈ. દ્વારા નાસેરને ૩૦ લાખ ડૉલરની રિશવતની ઑફર થઈ હતી. આ વાત સી.આઈ.એ.ના એક ઉચ્ચાધિકારી માઈલ્સ કોપલેન્ડે એમના પુસ્તક ‘ધ ગેમ ઑફ નેશન્સ’માં લખી છે. રાષ્ટ્રપતિ નાસરે ૩૦ લાખ ડૉલર લઈ લીધા પછી રાષ્ટ્ર સમક્ષ જાહેર કર્યું કે એમને આ રીતે રિશવત આપવામાં આવી હતી જે એમણે લઈ લીધી છે અને એ ધનમાંથી એક ટેલિવિઝન ટાવર બનાવવામાં આવશે જોકે જાહેરાત પછી એમણે કેરોમાંથી બધા જ અમેરિકન સરકારી અફસરોને કાઢી મૂક્યા. આ ફેંકાઈ ગયેલા અફસરોમાંથી એકનું નામ: મિ. માઈલ્સ કોપલેન્ડ! 

બદમાશની સાથે બદમાશી કરવી એ નીતિ છે, એવું આજની રાજનીતિમાં ઘણા માને છે. યુનોમાં નિકારાગુઆની રાજદૂત કુમારી નોરા એસ્ટોર્ગા જ્યારે ૩૮ વર્ષની હતી ત્યારે એની સાથેનો એક પ્રસંગ જગજાહેર થઈ ગયો હતો. કુમારી નોરાએ ક્રૂર જુલ્મગાર સોમોઝાના એક વરિષ્ઠ સેનાપતિને એના બેડરૂમમાં બોલાવ્યો હતો. ૮મી માર્ચે ૧૯૭૮ને દિવસે આ જુલમી સેનાપતિ નોરાના બેડરૂમમાં પ્રવેશ્યો અને કપડાં કાઢીને નગ્ન થઈ ગયો પછી નોરાએ સંકેત કર્યો... અને ત્યાં છુપાયેલા ત્રણ સાંડિનિસ્ટા બળવાખોરો બહાર નીકળ્યા અને આ જુલમીને ગોળીઓથી વીંધી નાખ્યો. હમણાં નોરા એસ્ટોર્ગાનું કૅન્સરમાં અવસાન થયું ત્યારે રાષ્ટ્રપતિ ઓર્તેર્ગાએ કહ્યું કે તે વીરાંગના હતી. દેશની અને ક્રાન્તિની નેતા હતી. એની દફનવિધિ પૂરા રાષ્ટ્રીય સન્માન સાથે થશે...

જ્યારે રાજ્ય સ્વયં વિશાળ પાયે મહાભ્રષ્ટાચાર કરવા માંડે ત્યારે નાના પક્ષો અને નાના માણસો તેમ જ નાના દેશભક્તોએ એનો પ્રતિકાર કઈ રીતે કરવો? પ્રતિ-મહાભ્રષ્ટાચારથી! જોમો કેન્યાટા, પાલ્મીરો ટોગ્લીઆટ્ટી, કાર્ડિનલ સીન, રાષ્ટ્રપતિ જમાલ, અબ્દ-અલ નાસર અને નોરા એસ્ટોર્ગાનો માર્ગ સાચો છે. શરીરમાં અસાધ્ય ગૂમડાં થાય છે ત્યારે જ એના મવાદની રસીનાં ઇંજેક્સન આપવાં પડે છે. લોઢું લોઢાને કાપે છે, હીરો હીરાને કાપે છે. ગરમી ગરમીને મારે છે. એકના પૈસા લઈનીને બીાને વોટ આપવાથી દેશનું ભાવિ સુધરે છે. અસ્તુ. 

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=194604

એક દર્દ બે-દવા... -- ચંદ્રકાંત બક્ષી

એરપોર્ટ પાસેની ઝૂંપડપટ્ટીની ગંદકીને લીધે ઊડતું એકાદ પક્ષી જો એક આધુનિક ફાઈટર હવાઈજહાજની ઝપટમાં આવી જાય તો એ ફાઈટર-પ્લેન તદ્દન નકામું થઈ શકે છે - નુકસાન કેટલું? દસથી પંદર કરોડ રૂપિયા! પણ ઝૂંપડાં ખસેડી શકાય નહીં. વોટ જોઈએ છે... અને ચૂંટણીનું અફીણ તો વખતોવખત પાતા રહેવું પડે છેને!


બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


વર્ષો પહેલાં એક વાર સંસદમાં વિરોધ પક્ષના આચાર્ય કૃપલાણીએ પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો કે આ દેશમાં ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે કે રાજધાની દિલ્હીમાં શુદ્ધ ઝેર પણ મળતું નથી! કૃપલાણીએ કહ્યું કે ઝેરમાં એટલું ભેળસેળ થઈ ગયું છે કે હવે એ પીધા પછી પણ માણસ મરી શકતો નથી. એ વાતને વર્ષો વીતી ગયાં છે. કેટલાક ગમ્મતી પત્રકારોએ લખ્યું હતું કે ઝેર શુદ્ધ અને અસરકારક મળે એ જોવાની સરકારની જવાબદારી છે! પંડિત જવાહરલાલ નહેરુની સરકાર હતી અને લોકસભામાં વિરોધ પક્ષ હતો. આજે બંનેમાંથી એક પણ નથી અને ભ્રષ્ટાચાર બેહદ વધી ગયો છે. કેટલો વધ્યો છે અને કહેવા માટે પણ કવિતાનો આશરો લેવો પડશે... ઉર્દૂના મશહૂર ગાલિબે કહ્યું છે ‘એક દર્દ, બે-દવા બન્યું છે!’

ભેળસેળનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે અને કાયદાની હાલત દાંત વગરના બૂઢા શિકારી કૂતરા જેવી થઈ ગઈ છે. ભારતમાં શું નથી બનતું? પહેલાં એક પિન પણ બનતી ન હતી. આજે અવકાશયાનો બને છે. ઍટમ બૉમ્બ બને છે. પિન પણ બને છે. એ પિનને અણી હોતી નથી. હેર-પિન બને છે જેનો કાટ દેખાઈ રહ્યો છે. સોય બને છે જે તૂટી જાય છે. કવરો બને છે અને ટિકિટો મળે છે જે ચોંટતાં નથી. ઍર-મેઈલના લૅબલો ક્યારેય પોસ્ટ - ઑફિસમાં મળતાં નથી. એક કારણ ઘણી વાર બતાવવામાં આવે છે કે આપણે આપણી શ્રેષ્ઠ વસ્તુઓ નિકાસ કરીએ છીએ - ચા, કેરી, કાજુ આદિ! માટે જ તંગી છે એ વસ્તુઓની! આપણે દસ-વીસ પૈસાના સિક્કા કે એક રૂપિયાની નોટ ઍક્સપોર્ટ કરતા નથી છતાંય તંગી છે. આ દેશમાં પરચૂરણ શા માટે મળતું નથી એ આપણા એક પણ મહાન અર્થશાસ્ત્રીએ આપણને સમજાવ્યું નથી!

ગ્રાહક સાથેની ઠગાઈ અથવા છેતરપિંડી એ એક ભારતીય હુન્નર છે જેનો વિકાસ બહુ ઊંચી કક્ષા સુધી પહોંચી ગયો છે! કપાસ માટે ડીમેક્રોન નામની જંતુનાશક દવા આવે છે. ઉત્તર પ્રદેશમાં પાણી નાખેલી શાહી મળે છે જે ડીમેક્રોન તરીકે વેચાતી હતી. શાહીનો ભાવ દસ રૂપિયે લિટર છે જ્યારે જંતુનાશક દવાનો ભાવ છે એકસો સિત્તેર રૂપિયે લિટર!

ભારતમાં ખાદ્ય અને અન્ય સામગ્રીઓમાં ભેળસેળ વિશે કોઈએ હજી પીએચ.ડી. કર્યું નથી એ પણ આશ્ર્ચર્યની વાત છે. આપણને બધું જ કોઠે પડી જાય છે. દૂધમાં પાણી ઉમેરીને આપણને વર્ષોથી પાવામાં આવ્યું છે. આપણી ગળથૂથી પણ શુદ્ધ રહી નથી. સ્મશાનમાં લાકડાં પણ ભીનાં હોય છે, ત્યાં પણ સૂકાં લાકડાં મળતાં નથી. ડિસ્ટિલ્ડ વૉટરથી સ્ટેઈલેસ સ્ટીલ સુધી ઘણી બધી વસ્તુઓમાં શુદ્ધતાનું કોઈ ખાસ ધોરણ રાખવાનો રિવાજ નથી અને કોઈ ભેળસેળ કરે તો એને પકડવો મુશ્કેલ છે. પૈસા ફેંકવાથી રસ્તા સાફ રહે છે. સતયુગમાં જે કામ ગંગાજળથી થતું હતું એ કામ આજના કળિયુગમાં કાળા પૈસાથી થઈ જાય છે.

કદાચ પકડાઈ જાઓ તો પણ શું આસમાન તૂટી પડવાનું છે? જામીન પર છૂટી શકો છો. પૈસા ફેંકવાથી રસ્તો ન નીકળ્યો તો સજા થશે એટલું જ! અને સજાઓ હજી ૧૯૮૫ના ધોરણની નથી! ઈન્ડિયન પીનલ કોડ લખાયો એ જમાનાની છે. લાઈસન્સ કૅન્સલ થાય કે દંડ ભરવો પડે. કદાચ બેચાર મહિના જેલ જવું પડે. ફાંસી તો કોઈ મારવાનું નથી! અને જીવતો નર ભદ્રા પામે! જીવતા રહ્યા તો બધું ફરીથી વસાવીશું! જાન હૈ તો જહાન હૈ!... નહેરુએ ૧૯૪૫માં જેલમાંથી છૂટીને કહ્યું હતું કે દેશ આઝાદ થશે ત્યારે દરેક કાળાબજારિયાને પાસેના લૅમ્પ-પોસ્ટ પર લટકાવીશું! અને ભગવત શરણ ઉપાધ્યાયે એમના પુસ્તક ‘ખૂન કે છીટે - ઈતિહાસ કે પન્ને પર!’માં કટાક્ષ કર્યો હતો: લીડર કહે છે કે લૅમ્પ-પોસ્ટ પર લટકાવીશું... પણ લીડર એ વખતે ધનપતિઓના ખીસામાં હશે.

ઘીમાં બીફ-ટેલો અથવા ગાયની ચરબી ઘૂસી ગઈ. દક્ષિણનાં કેટલાંક મંદિરોમાં ભક્તોને કુમકુમ લગાવે છે. એમાં કંઈક એવા રસાયણો છે કે કપાળની એટલી ચામડી રોગગ્રસ્ત થાય છે, કાળી પડી જાય છે, કડક થઈ જાય છે. વજન કરનારા વજન વધારવા માટે ત્રાજવાની નીચે લોહચુંબક ચોંટાડી દે તો વજન આપોઆપ વધી જાય છે. પચાસ રૂપિયા કિલોના હિસાબે મીઠાઈની સાથે સાથે આપણે પૂંઠાનો ડબ્બો પણ પચાસ રૂપિયે કિલો ખરીદીએ છીએ. જગતભરમાં સિમેન્ટ કાગળની થેલીમાં પૅક થાય છે કે જેથી એ ભેજ ચૂસે નહીં, રસ્તામાં પડતો રહે નહીં, ચોરાય નહીં, ક્વૉલિટીમાં ભેળસેળ થાય નહીં, આપણે ત્યાં શણના થેલા વપરાય છે જેમાં આ બધું જ થતું રહે છે. 

ટૉક્સિ-કોલૉજિકલ રીસર્ચ સેન્ટરે ૧૨,૫૭૫ નમૂનાઓ તપાસ્યા જેમાંથી ૮૮૨૦ એટલે કે ૭૨ ટકા નમૂનાઓમાં જે રંગો વપરાયા હતા એ ગૈરકાનૂની હતા, જોખમી હતા. આ નમૂનાઓ ખાવાની વસ્તુઓના હતા. પશ્ર્ચિમમાં તો ‘ક્લિઅરિંગ એજન્ટ’ વસ્તુ પર જ પ્રતિબંધ મુકાઈ ગયો છે, એમાં કોઈ પોષક દ્રવ્ય નથી અને એ વેચાણ માટે વસ્તુને આકર્ષક બનાવવા સિવાય કોઈ રીતે જરૂરી નથી. પણ ભારતવર્ષમાં જલેબી, લાડુ, દાળ, કેસર, હળદર, સોપારી, હિંગ જેવી અનગિનત વસ્તુઓ રંગાય છે, વેચાય છે.

બૉલ પૉઈન્ટ રિફિલ પર મેન્યુફેકચરિંગ તારીખ અને મહિનો લખવાનું સૂચન છે અને સોનાના ઘરેણાં પર બાવીસ કૅરેટ કે અઢાર કૅરેટનો સ્ટૅમ્પ લગાવવાનો કાયદો છે. ઇંગ્લેન્ડમાં દરેક ઘરેણાં પર કંપનીનું કોડનામ તથા કેરેટની સ્વચ્છતાનો સ્પષ્ટ સ્ટેમ્પ મારવાનો કાયદો છે જેનું સખતાઈથી પાલન થાય છે. ભારતમાં અઢાર કૅરેટનું સોનું બાવીસ કૅરેટના ભાવે કંઈક વેચાઈ ગયું કારણ કે એને રીફાઈનરીમાં મોકલીને શુદ્ધીકરણ કરવાની શક્યતા ઓછી છે અને એ જ જૂનો રોગ: કાયદાના દાંત પડી ગયા છે અથવા એટલા ધારદાર રહ્યા નથી.

બૉનસ મેળવવા માટે બસના ડ્રાઈવરો ડીઝલમાં વહેંર નાખી દે એવા કિસ્સા બન્યા છે. ગામડાઓમાં ટી.વી. સેટો રિપેર થયા વિના પડ્યા છે. ધ્યાન ન હોય તો પેટ્રોલ-સ્ટેશનો પર મીટર શૂન્ય પર આવે એ પહેલાં જ પેટ્રોલ ભરાવું શરૂ થઈ જાય છે, અથવા મોટર-ઑઈલમાં ડૂબાડવામાં આવતા ગેજને પલાળવામાં પણ બદમાશી થાય છે. એરપોર્ટ પાસેની ઝૂંપડપટ્ટીની ગંદકીને લીધે ઊડતું એકાદ પક્ષી જો એક આધુનિક ફાઈટર હવાઈજહાજની ઝપટમાં આવી જાય તો એ ફાઈટર-પ્લેન તદ્દન નકામું થઈ શકે છે - નુકસાન કેટલું? દસથી પંદર કરોડ રૂપિયા! પણ ઝૂંપડાં ખસેડી શકાય નહીં. વોટ જોઈએ છે... અને ચૂંટણીનું અફીણ તો વખતોવખત પાતા રહેવું પડે છે ને! એક અનુમાન પ્રમાણે દર વર્ષે ૫૦થી ૬૦ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે અને કેટલાક અનુભવી પાયલોટના જાન પણ જાય છે...

કાપડ પર ૬૭ ટકા પૉલિસ્ટર અને ૩૩ ટકા કોટનની મહોર લાગી હોય છે, ભાવ એ રીતે લેવાય છે પણ ક્યારેક એ બ્લેન્ડમાં વધઘટ હોય છે. નાયલોન વાપરીને પૉલિસ્ટરનો સ્ટેમ્પ લાગતો હોય છે અને ભિવંડી કે ઈચલકરંજીથી પાવરલુમનું કાપડ લઈને મુંબઈમાં મિલોના નામના સ્ટેમ્પ લગાવી આપવાનો ગૃહ-ઉદ્યોગ વિશાળ પાયા પર ચાલી રહ્યો છે.

ભેળસેળ ફક્ત વસ્તુઓમાં નથી, માણસોમાં પણ છે. બિહારના ડૉ. નગેન્દ્ર ઝા શિક્ષણમંત્રી હતા માટે એમણે બદમાશી કરીને પોતાને માટે ડૉક્ટરેટ લઈ લીધી છે એવું ડૉ. જગન્નાથ મિશ્રના અનુયાયીઓએ કહ્યું! તરત જ ડૉ. નગેન્દ્ર ઝાના અનુયાયીઓએ ફટકો લગાવ્યો. ૧૯૬૪માં જગન્નાથ મિશ્ર મુઝફફરપુરની એલ. એસ. કૉલેજમાં એક સામાન્ય લેકચરર હતા. એમણે ૧૯૬૪માં ડૉક્ટરેટ કેવી રીતે મેળવી લીધી? આ એ પ્રદેશની વાત છે જ્યાં એક યુગમાં નાલંદા અને વિક્રમશિલાનાં મહાવિદ્યાલયો હતાં... અને વિશ્ર્વભરમાંથી વિદ્યાર્થિઓ ભણવા આવતા હતા.

પણ તમિળનાડુ વધારે સમજદાર છે. ત્યાં કેટલીક યુનિવર્સિટીઓ ડૉક્ટરેટ આપે છે. ‘ઑનરરી ડૉક્ટરેટ’ હોય છે. તમિળનાડુના ફિલ્મસ્ટાર મુખ્યમંત્રી વિશે બા-કાયદા લખાય છે: ‘ડૉ. એમ. જી. આર...!

જો આ દેશમાં માથાને ઠંડું રાખવું હોય તો ભેળસેળ કે ભ્રષ્ટાચારને એક રમૂજ તરીકે લેવી જોઈએ. કંઈ ન કરી શકનાર માણસ કમસે કમ હસી તો શકે છે! અને આપણે માટે હસીએ છીએ ત્યારે નિર્ભેળ હસી શકીએ છીએ. 

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=189790

Thursday, January 7, 2016

નાની બેબીની દુનિયા: કોઈને કહેવાનું નહીં! પ્રોમિસ? --- બક્ષી સદાબહાર

નાની બેબીનું એક નિર્દોષ જાદુ હોય છે, જેને ઍક્સ-રેથી સમજી શકાતું નથી અને માઈક્રોસ્કોપમાં પકડી શકાતું નથી. એ ફોટો પડાવવા બેસે છે ત્યારે આખી પૃથ્વીની સમ્રાજ્ઞીની અદાથી બેસે છે અને એના ચહેરા પર હાસ્યને માંડ માંડ પકડી રાખેલી એક નિર્દોષ ચુસ્તી હોય છે

આપણે બધા એક બાળપણ જીવ્યા છીએ, શૈશવાવસ્થા અને કિશોરાવસ્થાની વચ્ચેની સ્થિતિ, જેને અંગ્રેજીમાં ‘એન્ચાન્ટેડ યર્સ’ અથવા સ્વપ્નિલ વર્ષો કહેવાય છે. બંને હાથ ટેબલ પર મૂકીને, ઉપર માથું ઢાળીને, સ્વચ્છ ખુલ્લી આંખોથી બધી વસ્તુઓ પર ફોકસ કરીને કંઈ જ ન જોવાનાં વર્ષો, જ્યારે આંખો મોટી હતી અને વાળ ઓળવા જરૂરી નહોતા, જ્યારે આયનો આપણી ખૂબસૂરતી તપાસતા રહેવા માટેનું સાધન નહીં, પણ મસ્તી કરતા રહેવાનું એક રમકડું હતો. જ્યારે આયનાની સામે ઊભા રહીને બીજાને જોવાની શરારત સૂઝ્યા કરતી હતી, એ બાળપણ હતું, એ ઉલ્લાસનું સામ્રાજ્ય હતું. જ્યાં સ્વપ્નો જોવા માટે આંખો બંધ કરવાની જરૂરી નહોતી, જ્યાં આંસુ એ સુકાયા પહેલાં ભૂલી જવાની વસ્તુ હતી, જ્યાં બપોરનો ધગધગતો તડકો રમવાની મૌસમ હતી, જ્યાં છેલ્લા વરસાદમાં પણ પહેલા વરસાદની ખુશ્બૂઓ સૂંઘવાની મજા હતી, જ્યાં આંખોને ઊંઘવા માટે અને હોઠોને હસવા માટે ફક્ત સેકંડો જ જોઈતી હતી. એ બાળપણ હતું. 

નાની નાની બેબીઓને કોણ સમજ્યું છે? એ નાહીને બહાર આવે છે ત્યારે કેટલી બધી સુવાસ પ્રસરી જાય છે? હમણાં જ પેકિંગ ખોલીને બ્રાન્ડ ન્યુ વસ્તુ બહાર મૂકી હોય એમ, એવી સ્વચ્છ ચમક કોણ પાથરી જાય છે? નાની બેબીઓ દરેક વસ્તુ તરફ હસી શકે છે, પોતે પડી જાય તો, બીજો પડી જાય તો, કોઈ ન પડે તો... છત્રી, આઈસક્રીમ, ટીવીની જાહેરખબર, ડોરબેલનો અવાજ, મમ્મીનો ગુસ્સો. એક નાની બેબીમાં ભગવાને કેટલું હાસ્ય ભરી દીધું છે? અને નાની બેબી રડે છે ત્યારે એનું આખું શરીર રડી પડે છે, બધાં આંસુનો સ્ટોક તરત છલકાઈ જાય છે. નાની બેબી સિવાય વિશ્ર્વનું કોઈ પ્રાણી રડતું હોય ત્યારે પણ આકર્ષક લાગતું નથી અને નાનાં પશુપક્ષીઓ અને નાની નાની બેબીઓ વચ્ચે કઈ રીતે તરત જ એક સંવાદિતા સ્થપાઈ જાય છે? મૌનની ભાષા, ભાષ્ય કે તર્ક વિના, અપ્રયાસ કેવી રીતે સમજાઈ જાય છે? અને કહેવાઈ જાય છે?

નાની બેબીનું એક નિર્દોષ જાદુ હોય છે, જેને ઍક્સ-રેથી સમજી શકાતું નથી અને માઈક્રોસ્કોપમાં પકડી શકાતું નથી. એ ફોટો પડાવવા બેસે છે ત્યારે આખી પૃથ્વીની સમ્રાજ્ઞીની અદાથી બેસે છે અને એના ચહેરા પર હાસ્યને માંડ માંડ પકડી રાખેલી એક નિર્દોષ ચુસ્તી હોય છે. નાની બેબીના ચહેરા પર પડછાયાઓ રહી શકતા નથી, પૃથ્વી પર એ એક જ પાંખોવાળું મનુષ્ય પ્રાણી છે. એ બે પગ જમીન પર રાખીને ઊડી શકે છે, એ પાણી વિના તરી શકે છે, અને આંખો બંધ કરીને હંમેશાં જોઈ લેવાને ઉત્સુક હોય છે. એનો ચહેરો એની રિદ્ધિસિદ્ધ છે. આભૂષણો પહેરાવેલી નાની બેબી મા-બાપની દરિદ્રતાનો નમૂનો છે, બૌદ્ધિક અને સાંસ્કૃતિક દરિદ્રતાનો. નાની બેબીની આંખોમાં કેટલા રસ એકસાથે છલકી શકે છે? નાની બેબી એ રસજ્ઞોને જોઈ ખડખડાટ હસી પડે છે કારણ કે એને ખબર નથી કે આ રસજ્ઞો કહેવાય અને એની રમતિયાળ મસ્તી મર્મજ્ઞો હજી સુધી સમજી શક્યા નથી. 

અને નાની બેબી એ જોઈ શકે છે, જે આપણી અનુભવી આંખો જોઈ શકતી નથી... ફૂલની પાછળ સંતાઈ ગયેલો ભમરો, કેરીના ઢગલાની અંદર ઘૂસી ગયેલું જીવડું, ઝાડના થડ પર ફરતો મંકોડો, કૂતરાની લટકતી જીભ પરથી ટપકતું ટીપું, સાંજનું અંધારું ઘેરાઈ રહ્યું હોય ત્યારે રસ્તો ભૂલી ગયેલું પક્ષી, વાયરની જાળીમાં છૂટાં છૂટાં ઝૂલી રહેલા વરસાદનાં બુંદ, કેન્ડી ક્લોસ લઈને આવતા નાના છોકરાઓ. આપણે એને છોકરાથી છૂટી પાડીને, દૂર કરીને, અન્યાય કરીને, એને સેક્ધડ કલાસ બનાવવા માટે એક આખું જીવન, પિતૃત્વ કે માતૃત્વ વાપરી નાખીએ છીએ. નાની બેબી પણ ગુસ્સો કરી શકે છે અને એ ક્ષમા કરતી રહે છે. 

સેક્સભેદના આપણા જડ વિચારોને, નગ્ન અન્યાયને, આપણા ઊંચા ખખડતા અવાજને, આપણા દંભને, જૂઠને, દ્વૈતને એ રડી લે છે. એની ઢીંગલીને બે થપ્પડો મારી લે છે, આયના સામે જોઈને વાળ ઓળી લેવાનો પ્રયત્ન કરતી રહે છે અથવા ગાલ પર આંસુઓની લકીરો ભીની રાખીને જ એ સૂઈ જાય છે, સૂઈ શકે છે...

જગતભરમાં નાની બેબીને મારનાર પિતા કરતાં ક્રૂર રાક્ષસ જન્મ્યો નથી. અને નાની બેબીની દુનિયામાં એક ખાસ જગ્યા હોય છે નાની નાની ખાનગી વાતોની. કોઈને કહેવાનું નહીં. ટોપ સિક્રેટ! આજે સ્કૂલબસમાં આવતી વખતે મેં રાકેશની વોટર બોટલમાંથી પાણી પી લીધું હતું. પ્રોમિસ? તું મારી બેસ્ટ ફ્રેન્ડ અને હું તારી બેસ્ટ ફ્રેન્ડ! કોઈને કહેવાનું નહીં. કાલે મેં મમ્મીના નેઈલ પોલિશથી પગના નખ રંગ્યા હતા. આ રિબન મને જયેશમામાએ આપી છે. ભારતીમાસી મને વૅકેશનમાં એક ટ્રાઈસિકલ અપાવશે. હું તને ચલાવવા આપીશ. બીજા કોઈને નહીં! પ્રોમિસ. મને મમ્મી રોજ સવારે દૂધનો ગ્લાસ જોર કરીને પીવડાવે છે. મને જરાય ભાવતું નથી. અને મમ્મીઓ. નાની બેબીઓની સરગોશીઓ અને ગુફતગૂઓનો મુખ્ય ટોપિક: મમ્મીઓ. 

એ નાનપણ પસાર થઈ ગયું છે. હવે રાત્રે એકલા સૂવાનો ડર લાગતો નથી, ફક્ત એકલા સૂવાની એકલતા લાગે છે. રાત્રે મમ્મીની સાડી લઈને સૂવાથી અંધારાનો દરેક ભય ભાગી જતો હોય એ બાળપણ. જાદુથી તરબતર નાની નાની વસ્તુઓથી આખું જીવન ભરાઈ જતું હતું. જ્યારે એક કલાક એક દિવસ જેવો લાંબો ચાલતો હતો. જ્યારે મોજું ઊંધું પહેરાઈ જતું હતું અને રિબનમાં ગૂંચ પડી જતી અને મમ્મી જિંદગીની દરેક ઉલઝન સુલઝાવવા ચોવીસે કલાક પાસે જ રહેતી હતી.

એ દુનિયા, મમ્મીના સ્પર્શની દુનિયા, ડેડીના ખડખડાટ હાસ્યની દુનિયા, વાળ ખેંચતા બાબાની નાની નાની આંગળીઓની દુનિયા, હવે નથી. જ્યારે બૂટને બકલ લગાડતાં આવડતું નહોતું અને ફ્રોક ઊંધું પહેરાઈ જતું હતું અને પાણીનો ગ્લાસ ઢળી જતો હતો...

એ દુનિયા, એ નાનપણ, એ એન્ચાન્ટેડ યર્સ, એ સ્વપ્નિલ વર્ષો. હવે નથી. કોઈને ખબર છે, નાની બેબી ક્યારે એકાએક મોટી બેબી થઈ જાય છે?

::::: 

ક્લોઝ અપ

જીવનમાં દરેકે એક જ કામ કરવાનું હોય છે: પોતાની જાતને શોધવાનું. 

-હરમાન હાસ 

છ મહિનામાં જાપાન સાતમા ભાગની પૃથ્વી જીત્યું હતું, માટે...? --- ચંદ્રકાંત બક્ષી

સામ્રાજ્યવાદ કે ઇમ્પીરિયલીઝમ આજની દુનિયામાં એક બદનામ શબ્દ છે, પણ કનૈયાલાલ મુનશી કદાચ પ્રથમ ગુજરાતી લેખક છે કે જેમણે ઇમ્પીરિયલ શબ્દને લગભગ ગર્વથી વાપર્યો છે

સામ્રાજ્ય એટલે એમ્પાયર, સમ્રાટ એટલે એમ્પેરર, સમ્રાજ્ઞી એટલે એમ્પ્રેસ. સમ્રાટની સામે રાજા એક નાની હસ્તી છે. આપણને બ્રિટિશ એમ્પાયરનો અનુભવ છે. કહેવાતું હતું કે સૂર્ય ક્યારેય બ્રિટિશ સામ્રાજ્ય પર અસ્ત થતો નથી ( કારણ કે બ્રિટિશ સામ્રાજ્ય વિશ્ર્વમાં ચારે તરફ એટલું ફેલાયેલું છે.) આપણા કૂટનીતિજ્ઞ અને તીક્ષ્ણબુુુદ્ધિ કૃષ્ણમેનને ભયંકર વ્યંગમાં કહ્યું હતું... સૂર્ય પણ બ્રિટિશોનો વિશ્ર્વાસ કરતો નથી!....

૧૮મી સદીમાં સામ્રાજ્યવાદ ફેલાતો ગયો, ૧૯મી સદીમાં ચરમસીમા પર પહોંચી ગયો. ૨૦મી સદીમાં સામ્રાજ્યવાદની ઓટ આવી, પણ ૨૧મી સદીમાં સામ્રાજ્યવાદનો પુનર્જન્મ, નવા સ્વરૂપે દેખાઇ રહ્યો છે. 

આજે અમેરિકા એ અત્યાધુનિક સામ્રાજ્યવાદી રાષ્ટ્ર છે અને પારંપરિક સામ્રાજ્યવાદની ફૅશન બદલાઇ ગઇ છે, હવે પ્રદેશો જીતવાની જરૂર રહેતી નથી, અર્થતંત્રો માત્ર અપંગ કરી નાખવાનાં છે. હાથપગ તોડવાની જરૂર નથી, એ દેશની માત્ર ગર્દનમાં સાંકળ પહેરાવી દેવાની છે, જેવી રીતે ૧૬મી અને ૧૭મી સદીમાં ગુલામોને કબજે કરવામાં આવતા હતા. 

સોવિયેત રશિયન સામ્રાજ્યને તોડીને અમેરિકા એક નવ સામ્રાજ્યવાદી રાષ્ટ્ર બની ગયું છે. એ આરબોને તોડી શકે છે, એ ઇથિપિયાને લાઇનમાં ઊભું કરી શકે છે, એ દક્ષિણ અને મધ્ય અમેરિકામાં પુલીસમૅનનો રોલ અદા કરી શકે છે. અમેરિકા એ આજના વિશ્ર્વનો સુપરકોપ (સવાઇ પુલીસમૅન) છે...

આપણે તો મહાશાંતિવાદી છીએ..... ૐ દ્યો: શાંતિ: અન્તરિક્ષં શાંતિ: થી શરૂ કરીને પૃથ્વી, જલ, ઔષધિ, વનસ્પતિ, દિવ્ય પદાર્થો , જ્ઞાન, વિશ્ર્વની પ્રત્યેક વસ્તુ.... સર્વશાંતિ: શાન્તિરેવ શાંતિ: સુધી ૐ શાંતિ:, શાંતિ: સિવાય બીજી વાત કરતા નથી! સારું છે. વિશ્ર્વશાંતિ હોવી જોઇએ, પણ એક પ્રશ્ર્ન મને હંમેશાં સતાવતો રહ્યો છે.

વિશ્ર્વમાં અશાંતિ કરનારા સામ્રાજ્યવાદી દેશોની પ્રજાઓ જ શા માટે મહાન થાય છે? જે લડતા રહ્યા છે, ફેલાતા રહ્યા છે, જીવતા રહ્યા છે, બીજા પ્રદેશો અને પ્રજાઓને પોતાના અંકુશમાં રાખી શક્યા છે એ લોકો જ, એ જાતિઓ જ કેમ શ્રેષ્ઠ થઇ છે? સામ્રાજ્યવાદી પ્રજાઓ ખરેખર મહાન હોય છે ? વિજય એક આત્મવિશ્ર્વાસ, એક ગૌરવ, એક વનઅપમૅનશિપ કે બહેતરિનની ભાવના જન્માવે છે? આપણા ઇતિહાસમાં આપણા સામ્રાજ્યવાદી, ઉપસંસ્થાનવાદી મૌર્ય અને ગુપ્ત વંશો, હર્ષવર્ધન, અકબર, કૃષ્ણદેવરાય કે રાજ રાજેન્દ્ર ચોલ કે રણજિત સિંહના કાલખંડો શા માટે આપણા સુવર્ણયુગો હતા? જે સામ્રાજ્યવાદી અંગ્રેજ પ્રજા ગાતી હતી.... રૂલ બ્રિટાનિયા, રૂલ ધ વેવ્ઝ... બ્રિટન્સ નેવર શેલ બી સ્લેવ્ઝ ( રાજ કર બ્રિટાનિયા, સમુદ્રો પર રાજ કર... અંગ્રેજો ક્યારેય ગુલામ નહિ બને! ) એ પ્રજાએ એના ઝંડા પૂરી પૃથ્વી પર ગાડી દીધા હતા, કૅનેડાથી ઓસ્ટ્રેલિયા સુધી, અને સ્કોટલેન્ડથી ટેરા ડેલ ફ્યૂએગો કે કૅપ ઑફ ગુડ હોપ સુધી.

દ્વિતીય વિશ્ર્વયુદ્ધમાં ૧૯૪૧ની સાતમી ડિસેમ્બરે નાનકડા જાપાને પ્રવેશ કર્યો અને પછી? ઉત્તરમાં આલાસ્કા પર અટેક, પૂર્વમાં પેસિફિક મહાસાગરની પાર સેન ફ્રેન્સિસ્કોમાં સાઇરનો વાગતી શરૂ થઇ ગઇ. દક્ષિણમાં ઓસ્ટ્રેલિયાના ડાર્વિન નગર પર ફેબ્રુઆરી ૧૯, ૧૯૪૨ ને દિવસે બૉમ્બમારો. મે ૧, ૧૯૪૨ : જાપાનીઓ બ્રહ્મદેશનું માંડલે જીતે છે. (બંગલાદેશના) કોક્ષ બાઝાર, નારાયણગંજ અને કોલકોત્તા પર બૉમ્બવર્ષા. ચીનમાં નાનકિંગ પડે છે. પૃથ્વીના ગોળા પર જાપાનની વિજયસીમાઓ જોઇએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે માત્ર છ મહિનામાં જાપાન પૂરી પૃથ્વીના સાતમા ભાગનું માલિક બની ગયું હતું! એની સામે માત્ર ચાર જ અવરોધો ચાર દિશાઓમાં ઊભા હતા: અમેરિકા, ઓસ્ટ્રેલિયા, હિંદુસ્તાન, પશ્ર્ચિમમાં ચીન હતું. 

અને એ જ જાપાન છે, છ મહિનામાં સાતમા ભાગની પૃથ્વી જીતી જનારું જાપાન, દ્વિતીય વિશ્ર્વયુદ્ધમાં ધરાશાયી થઇ ગયેલું સામ્રાજ્યવાદી જાપાન, આજે વિશ્ર્વમાં લગભગ પ્રથમ નંબરે છે. સામ્રાજ્યવાદી પ્રસ્તારે જાપાની પ્રજાને એક અજેય મનોબળ આપ્યું છે? સામ્રાજ્યવાદ ગુરુતાગ્રંથિ પેદા કરે છે? 

આપણે પાકિસ્તાનને પીટી નાંખ્યું પણ એવા ચિકનદિલ છીએ એ વિજયોની સ્મૃતિરૂપે મુંબઇના સમુદ્રમાં એક પાકિસ્તાની જહાજ કે દિલ્હીના કેનોટ સર્કસ પર એક પેટન ટેંક પણ ઊભી રાખી નથી. લંડનની થેમ્સ નદીની વચ્ચે મેં એક જર્મન જહાજ જોયું છે, જે પ્રથમ વિશ્ર્વયુદ્ધની યાદરૂપે ઇંગ્લેંડે હજી સુધી પક્ડી રાખ્યું છે. 

સોવિયેત રશિયામાં તો જર્મન ફાસિસ્ટોને હરાવી નાખવાની યાદરૂપે આખા દેશમાં, લગભગ દરેક પ્રમુખ નગરમાં સ્મૃતિચિહ્નો છે. લેનિનગ્રાદમાં તો રસ્તાઓની દીવાલો પર જર્મન ગોળીઓનાં કાણાં પણ સાચવી રાખ્યાં છે. પેરિસમાં આર્ક દ ત્રાયમ્ફ એ નેપોલિયનની વિજયકમાન છે અને ત્યાં ઊભો રહીને ફ્રેન્ચ બાળક વાંચે છે એ ખોદેલા અક્ષરો, ફ્રાન્સની અભૂતપૂર્વ જાહોજલાલ તવારીખ.... એમનો સમ્રાટ નેપોલિયન ફ્રાન્સ માટે શું શું જીત્યો હતો ? એ સૂચિમાંથી કેટલાંક નામો મેં ત્યાં ઊભા રહીને લખી લીધાં હતાં : ‘ડાન્યુબ, હેલ્વેશી (સ્વિત્ઝર્લેન્ડ), ઓલ્પસ, ઇટલી, રોમ, નેપલ્સ, આર્દેનિસ, ર્હાઇન, હોલડ, હેનોવર, ડેલ્મેમિક, ઇજ્પ્તિ, એસ્પાન્યાસ(સ્પેન), પોર્તુગાલ, અન્દલુસી, કાતાલોન, મીદી, બુલો, પીરીનીઝ... આ સિવાયનાં નામો સમજાયાં નહોતાંં. 

લંડનમાં ટ્રાફાલ્ગર સ્કવેરમાં હેવલોકનું બાવલું છે. નીચે લખ્યું છે કે એણે ૧૮૭૫માં હિંદુસ્તાનમાં બળવો શમાવ્યો હતો. 

સામ્રાજ્યો આવતાં રહ્યાં છે. ઇ.સ.પૂર્વ ૧૪૫૦માં ઇજ્પ્તિ પરાકાષ્ઠાએ હતું. ઇસાપૂર્વ ૩૪૦૦માં શરૂ થયું, ૩૦ અંશો અને ૩૦૦૦ વર્ષો ઇજ્પ્તિ ટક્યું, જે પિરામિડો અને સુએઝની નહેર મૂકી ગયું છે. 

ઇસાપૂર્વ ૬૬૦માં આસીરીઆ આવ્યું, કહેવાય છે કે રાણી સેમિરામીસે ભારત પર આક્રમણ કર્યું હતું. ઇસાપૂર્વ ૫૦૦માં પર્શિયા, પશ્ર્ચિમમાં ડાન્યુબ નદી, પૂર્વમાં સિંધુ નદી સુધી સમ્રાટ દરિયાવૂશ પ્રથમ ફેલાઇ ગયો હતો. ઇસાપૂર્વ ૨૮૧માં કાર્થેજ, ઇસાપૂર્વ ૩૨૩માં મેસીડોનીઆ. દુનિયા ૩૨મે વર્ષે મલેરિયામાં મરી ગયેલા એલેક્ઝાન્ડરના નામથી આ સામ્રાજ્યને ઓળખે છે. 

રોમનો જુલિયસ સીઝર આજે પણ ઇટાલીયનોને પ્રેરણા આપે છે, ૨૧૦૦ વર્ષો પછી. સીઝરે વીજળીની ઝડપથી ઇંગ્લેંડથી તુર્કસ્તાન સુધી ૮૦૦ શહેરો જીત્યાં હતા અને ૧૦ લાખ બંદીઓ પક્ડયા હતા. રોમન સામ્રાજ્ય ગયું, બાયઝેન્ટીઅમ ગયું અને ઇસ્લામની સલ્તનત આવી.

સ્પેનથી સિંધુ સુધી ઇસ્લામનું સામ્રાજ્ય ફેલાઇ ગયું. ઇતિહાસ પર વિેજેતાઓ ફૂંકાતા ગયા છે, પણ મંગોલ ચંગેઝખાં બર્લિનથી બીજિંગ અને મોસ્કોથી સિંધુ સુધી ફેંકાઇ ગયો. તેમુર આવ્યો, ઓટોમન તુર્ક સુલેમાન આવ્યો. અને સન ૧૪૫૮માં પોપ એલેકઝાન્ડર છઠ્ઠાએ વિશ્ર્વના બે ભાગ કરી નાખ્યા. 

આફ્રિકા અને પૂર્વ પોર્ટુગલ અપાયાં, સ્પેનને પશ્ર્ચિમ વિશ્ર્વ સોંપાયું ( માત્ર બ્રાઝિલ પોર્ટુગલને મળ્યું) તોર્દેસિલાસમાં બાકાયદા આ વિશ્ર્વવિભાજનના કરાર થયા. આમાં ઇંગ્લેંડ, ફ્રાન્સ, હોલેન્ડ નહોતાં. 

અને નેપોલિયન અને હિટલર. એમના સામ્રાજ્યવાદે એમની પ્રજાઓને લડવાની, સહેવાની, મહત્ત્વાકાંક્ષાઓ સેવવાની એક રાક્ષસી તાકાત આપી એ સ્વીકારવું જ પડશે. નાનકડાં પરગણાંઓમાંથી નીકળેલાં ફ્રેન્ચ સૈનિકો મોસ્કોમાં પડાવ નાખી આવ્યા હતા. 

જર્મન સૈનિક વરસતા બરફમાં મોસ્કો કે લેનિનગ્રાદના દરવાજા સુધી પહોંચ્યો હશે એ વીર જરૂર હશે.... સીમા ઓળંગીને બીજી ધરતી પર રાષ્ટ્રધ્વજ લહેરાવતા, અને રાષ્ટ્રગીત ગાતાં ગાતાં કૂચ કરતી પ્રજાના સિપાહીઓની નસોમાં દોડતું ખૂન જરૂર જુદું હશે.... 

એ જર્મનો, એ ફ્રેન્ચો. એ જાપાનીઓ, એ અંગ્રેજો, એ અમેરિકનો, આજે પણ રણક્ષેત્ર હોય કે અર્થક્ષેત્ર હોય, પ્રથમ છે. પહેલો નંબર મેળવવા માટે ક્રૂરતા, યુયુત્સા, પુખ્તતા કંઇક જોઇએ છે. સર્વધર્મ સમભાવ કે ૐ શાંતિ : શાંતિ: શાંતિ: એ આપણને પ્રથમકક્ષ બનવા દીધા નથી. 

આપણે સમર્થ સામ્રાજ્યવાદી ન બની શક્યા માટે આપણે નિર્વીર્ય સમાધાનવાદી બનતા ગયા? ઉત્તર દરેક પ્રજાએ દરેક કાળમાં પોતે જ શોધવો પડે છે. ઉ

ક્લોઝ અપ

ઇંગ્લેંડની રાણીને સંબોધન કરવાની પરંપરા પ્રમાણે લખાતું હતું : ટુ ધ ક્વીન્સ મોસ્ટ એક્સેલન્ટ મેજેસ્ટી...!

Friday, October 30, 2015

વિજ્ઞાન જીવજ્ઞાન અને જંતુજ્ઞાન સુધી પહોંચે છે! --- ચંદ્રકાંત બક્ષી



                                         

સન ૧૯૮૨માં ન્યુ દિલ્હીમાં એશિયન રમતોત્સવ વખતે ઊંચે કૂદવાની રમત માટે એક ચીનો એથ્લીટ આવ્યો હતો, જે વિશ્ર્વવિજેતા હતો. એ ત્રાંસો દોડતો આવીને જરા અટકીને, સ્પ્રિંગની જેમ ઊછળતો હતો અને શ્ર્વાસ રોકાઈ જાય એટલું ઊંચું કૂદતો હતો. એની ‘રનિંગ-હાઈ-જમ્પ’ની ટેક્નિક જ જુદી હતી!

પાછળથી એના વિશે એક સોવિયેત પત્રિકામાં વાંચ્યું. એ છોકરો ચીનની શાંઘહાઈ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો અને હોસ્ટેલમાં રહેતો હતો. ત્યાં એ હાઈ-જમ્પમાં ભાગ લેતો હતો. 

એક વાર એણે એની રૂમમાં એક બિલાડી આવેલી જોઈ. એ બિલાડીનું નિરીક્ષણ કરતો રહ્યો. બિલાડી દોડતી આવી, સંકોચાઈ, સ્પ્રિંગની જેમ પાછલા પગ દબાવીને ઊછળી, બારીમાં પહોંચીને બહાર નીકળી ગઈ.

દિવસો સુધી આ એથ્લીટે આ બિલાડીની હાઈ-જમ્પની ટેક્નિકનો અભ્યાસ કર્યો અને એ ટેક્નિક અપનાવી. એના કોચે એને બિલાડીની જેમ હાઈ-જમ્પ કરવાની તાલીમ આપી! અને એ વિશ્ર્વચેમ્પિયન બન્યો. 

અજ્ઞાની માણસ એ છે, જેને ખબર નથી એ કેટલો જ્ઞાની છે. જ્ઞાની માણસ એ છે, જેને ખબર છે કે એ કેટલો અજ્ઞાની છે. 

લેનિનની પ્રગતિ માટેની એક પ્રખ્યાત વ્યાખ્યા છે: બે કદમ આગળ કૂદવું હોય તો એક કદમ પાછળ જાઓ! આજનું વિજ્ઞાન અને તંત્રજ્ઞાન પ્રકૃતિ અને પ્રાણીઓનો ગંભીરતાથી અભ્યાસ કરે છે કે જેથી નવી વસ્તુઓ અને સાધનોની ડિઝાઈનો અને તેને બનાવવાની ટેક્નિક સુધરે! આધુનિક હાઈ-જમ્પની ટેક્નિક મનુષ્ય બિલાડી પાસેથી શીખી રહ્યો છે. 

જ્ઞાનપ્રાપ્તિ માટે ઈશ્ર્વરે બનાવેલી સૃષ્ટિ હજી પણ મનુષ્યને માર્ગદર્શન આપી શકે છે. એક એક રહસ્ય ખૂલતું રહે એ પણ પ્રગતિની દિશા છે. 

માણસનું શરીર અદ્ભુતનો ભંડાર છે. તમારી ચામડી વોટરપ્રૂફ છે. બહાર વરસાદ હોય કે બરફ હોય કે રૌદ્ર તડકો હોય, પણ શરીરનું તાપમાન આપોઆપ ૯૮.૪ ડિગ્રી જ થઈ જાય છે. 

ડાબું મગજ જમણા શરીરનું સંચાલન કરે છે. તમે જે જુઓ છો એનું પ્રતિબિંબ આંખમાં ઊંધું પડે છે, તમારા તોડવાના અને ચાવવાના દાંત જુદા છે. કાન એક જ ક્ષણે સેંકડો અવાજો સાંભળે છે, પણ આપણે જે ‘સાંભળીએ’ છીએ ‘એડિટ’ થયેલું સાંભળીએ છીએ. 

કાન સ્વર અને વ્યંજનનો ભેદ કઈ રીતે પારખે છે? જીભ છએ છ સ્વાદોને સમજે છે, પણ દાંત સ્વાદથી પર છે. વિવિધ વાસોને સમજવા માટે નાક પાસે ‘સેન્સરી સેલ્સ’ છે. 

હવે વિજ્ઞાન માને છે કે મનુષ્યનું નાક એક કમ્પાસ જેવું છે, નાકની અંદર જે સાઈનસનું હાડકું છે એનાથી પૃથ્વીનું લોહચુંબકીય ક્ષેત્ર સમજી શકાય છે. ગ્લેન્ડ અને હોર્મોન અને નર્વસ-સિસ્ટમ જેવાં શરીરનાં આંતરિક પરિમાણોની કિતાબના પ્રથમ પ્રકરણમાં જ હજી મનુષ્ય પહોંચ્યો છે. મનુષ્યદેહ ખરેખર વિરલ છે... 

કબૂતરો અને ડોલ્ફિન માછલીઓ દિશા ભૂલ્યા વિના કઈ રીતે સેંકડો માઈલો ઊડી કે તરી શકે છે? ઘેર પાછા ફરવા માટે એમની પાસે કયું દિશાયંત્ર છે? રણોમાં રખડનારી આદિજાતિઓ કઈ રીતે પૃથ્વીનું ચુંબકીય તત્ત્વ સમજતી હતી? એમની પાસે દિશાસૂઝ હતી. 

ઉપ્યુલુરી ગણપતિ શાસ્ત્રી ભારતવર્ષના એક પ્રકાંડ વેદાચાર્ય છે અને એમની વય ૯૬ વર્ષની છે. એક જિજ્ઞાસુએ એમની સાથે કરેલી પ્રશ્ર્નોત્તરી રસિક છે. પ્રશ્ર્ન થયો: પક્ષીઓ રાત્રે ભૂમિ પર શા માટે બેસતા નથી? શાસ્ત્રીજીએ ઉત્તર આપ્યો: સૃષ્ટિના ઉદ્ભવ સમયે દેવતાઓએ પાણીની સપાટી પર એક આહુતિયજ્ઞ કર્યો, જેનું નામ ‘અગ્નિ’ છે. વેદશાસ્ત્રો કહે છે કે પૃથ્વી પર સ્વાદિષ્ટ આહાર પાથર્યો હોય તો પણ પાંખોવાળા જીવો રાત્રિના અંધકારમાં વૃક્ષોની ઘટાઓમાં પોતાના આવાસ છોડતા નથી. કારણ? દૂરદર્શી પક્ષીઓેને એ સમયે પૃથ્વીની સપાટી ભડકે બળી રહેલા આહુતિયજ્ઞની ધરતી જેવી દેખાય છે!

અદ્ભુતના વિશ્ર્વમાંથી મનુષ્ય સહજજ્ઞાન પ્રાપ્ત કરે છે અને સંશોધનમાંથી વિજ્ઞાન પ્રકટે છે. ઓટો લિલિયેનથેલે ઊડતાં પક્ષીઓની પાંખોના ફડફડાટનો અભ્યાસ કરીને પ્રથમ વિમાનોની ડિઝાઈન બનાવી હતી. માખી જ્યાં બેઠી હોય ત્યાંથી જ સીધી ઊંચી ઊડી શકે છે. એના પરથી હેલિકોપ્ટર કે ચોપરની કલ્પના સાકાર થઈ હતી. ચકલી હવામાં જ પાંખો ફફડાવીને સ્થિર રહી શકે છે. 

માખીઓ, મધમાખીઓ, પતંગિયાં, તીડોનો વૈજ્ઞાનિકોએ એરોનોટિક્સ કે વિમાનવિષયક ક્ષેત્ર માટે અભ્યાસ કર્યો છે. 

માખી પોતાની લંબાઈથી અઢીસો ગણું અંતર એક સેકંડમાં ત્રણસો વખત પાંખો ફફડાવીને કાપી શકે છે. એરક્રાફ્ટ એન્જિનિયરોએ મિની-ઈલેક્ટ્રોડ લગાવીને માખીના સ્નાયુઓની સ્થિતિસ્થાપકતા માપી છે. એની પાંખો બહાર કડક અને અંદરની તરફ જતાં નરમ અને લચીલી થતી જાય છે. 

રોબો અથવા યંત્ર સહાયક આજે અત્યાધુનિક ઔદ્યોગિક દેશોમાં વપરાવા લાગ્યો છે. એ રોબોટના સર્જન માટે જંતુઓની નર્વસ-સિસ્ટમનો અભ્યાસ કરવામાં આવ્યો છે. 

સેન્સર દ્વારા સંચાલિત રોબો તૈયાર કરવા માટે વંદા કે કોકરોચની નર્વસ-સિસ્ટમનો અભ્યાસ સહાયક થયો છે. બીજા જંતુઓ કરતાં વંદાની નર્વસ-સિસ્ટમ પ્રમાણમાં સરળ છે. બદલાતી પરિસ્થિતિ સામે એની પ્રતિક્રિયા ત્વરિત હોય છે એટલે રોબોના મોડેલ રૂપે વંદો ઉપયોગી છે. 

આપણે ૨૧મી સદીની ફાલતુ વાતો કરી કરીને આપણી જાતને અને આપણી પ્રજાને ઠગી રહ્યા છીએ. 

જે દેશો અત્યંત ઔદ્યોગિક છે એ રોબો અને ઓટોમેશનનું મહત્ત્વ સમજે છે. રોબો એટલે મનુષ્યને બદલે કામ કરી આપતું મશીન અને ઓટોમેશન એટલે મનુષ્ય વિના થતું સ્વનિયંત્રણ અને રોબોટિક્સ અથવા યંત્રસહાયશાસ્ત્ર પણ કોઈ સ્થિર કે સ્થગિત થઈ ગયેલું શાસ્ત્ર નથી. 

જાપાનની નિસ્સાન કંપનીએ ૧૯૮૫ના ટોકિયોના ‘રોબોસ શો’ પ્રદર્શનમાં એવા રોબો બતાવ્યા હતા, જે એમની કંપનીમાં અન્ય રોબોના કામ પર ધ્યાન રાખવા માટે વપરાય છે! તંત્રજ્ઞાનની ભાષામાં રોબોજગતમાં અત્યારે બીજી પેઢી ચાલી રહી છે. 

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને દાર્શનિક ડૉ. રાધાકૃષ્ણનું હંમેશાં મનુષ્યના મગજનું દૃષ્ટાંત આપતા હતા-મગજની રચના બે ‘લોબ્ઝ’ અથવા શાખાઓમાં વહેંચાયેલી છે. (અખરોટની અંદરનો ગર્ભ અકબંધ રહે તો એ કંઈક અંશે આકારમાં મગજ જેવો લાગે.)

આ બંને શાખાઓ બે જુદાં કામો કરે છે, ભિન્ન છે, પણ વિરોધી નથી, પૂરક છે, ઉપકારક છે-ધર્મ અને વિજ્ઞાનની જેમ, પરંપરા અને આધુનિકતાની જેમ, વિચાર અને આચારની જેમ વિજ્ઞાનનું સંતાન તંત્રજ્ઞાન કે ટેક્નોલોજી વિજ્ઞાનની પૂર્વજ પ્રકૃતિ કે ઈશ્ર્વરદત્ત સૃષ્ટિ પાસેથી આજે પણ રહસ્યો ખોલીને માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે છે. 

-------------------------

ક્લોઝ અપ

ધીમાનાં દહેરાં, ને ઉતાવળાના પાળિયા.

(જૂની ગુજરાતી કહેવત)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=175605

સમર્થન હોય તો બુદ્ધિ પણ શક્તિ બની જાય છે! --- ચંદ્રકાંત બક્ષી

સન ૧૯૭૬માં એક વિચિત્ર ઘટના બની હતી. એ વર્ષે દરેક નોબેલ પારિતોષિક અમેરિકનો જીતી ગયા હતા. આવું ભાગ્યે જ બનતું હોય છે કે ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને સાહિત્ય બધામાં એક જ વર્ષમાં એક જ દેશમાંથી બુદ્ધિમાનો નીકળે. પણ આ પ્રશ્ર્નનો ઉત્તર સરળ છે. ૧૯૭૬માં અમેરિકાની બાયસેન્ટેનરી અથવા દ્વિ-શત વાર્ષિકી હતી અને અમેરિકાનું વર્ચસ વિશ્ર્વની ઘણી સંસ્થાઓ પર સંપૂર્ણ છે. નોબેલ ઈનામ આપનારી કમિટીઓ અમેરિકન મહાસત્તાની અસર નહિ પણ અમેરિકન મહાસત્તાના અંકુશમાંથી કેમ મુક્ત રહી શકે? બધાં જ ઈનામો અમેરિકાને ખુશ કરવા અમેરિકન નાગરિકોને અપાયાં.

અને પછી નોબેલ પારિતોષિકો આપવામાં આ સિલસિલો ચાલુ રહ્યો છે. જે દેશ ફોક્સમાં હોય એ દેશને, અથવા એ પ્રજાને ઈનામ એનાયત કરવામાં આવે છે. મહાત્મા ગાંધીનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે વારંવાર મુકાતું હતું, પણ એમને ક્યારેય ન અપાયું. પછી મધર ટેરેસાને અપાયું. તિબેટ પર હક ચાલુ રાખનાર દલાઈ લામાને અપાયું. બ્રહ્મદેશની વિરોધી નેતા સુ કીને અપાયું. સાહિત્યમાં આ બદલાતા રાજકીય પરિવેશનો સ્પષ્ટ પ્રતિસાદ સંભળાય છે. ૧૯૮૨માં લૅટિન અમેરિકાના લેખક ગેબ્રિઅલ ગાશિઆ માર્કવેઝને ઈનામ અપાય છે કારણ કે એ દશકમાં દક્ષિણ અમેરિકા સમાચારોમાં હતું. ૧૯૮૬માં નાઈજીરિયાનો આફ્રિકન કાળો લેખક વોલ સોયિકા પસંદ કરાયો, જે પ્રથમ નોબેલ વિજેતા આફ્રિકન લેખક હતો.

૧૯૮૭માં અમેરિકાસ્થિત અને સોવિયેત રશિયાવિરોધી રશિયન કવિ જોઝેફ બ્રોદ્સ્કીની પસંદગી સાહિત્યિક કરતાં રાજનીતિજ્ઞ વિશેષ હતી. ૧૯૮૮માં ઈજિપ્તના નગીબ મેહફૂઝની પસંદગી થઈ કારણ કે હવે કોઈ આરબ લેખક આવવો જોઈએ. આ નોબેલ ઈનામવિજેતા પ્રથમ આરબ હતો. પોલેન્ડના લેસ વાલેસાને એ માટે શાંતિ પારિતોષિક અપાયું હતું કારણ કે એણે પોલેન્ડમાં કમ્યુનિસ્ટ શાસન અને આંદોલન જગાવ્યું હતું. હડતાળો પડાવી હતી, સંગઠિત વિરોધ કર્યો હતો.

ઈનામો-પુરસ્કારો જીતી શકે એવી મેધા પ્રકટાવવા માટે કોઈ દેશકાળની જરૂર પડે છે કે એ એક તદ્દન વ્યક્તિગત સિદ્ધિ છે? એક સમયે જે પ્રદેશ પૂર્વ જર્મની તરીકે ઓળખાતો હતો એ પ્રદેશમાંથી વિશ્ર્વના પ્રથમ કક્ષાના કહી શકાય એવા અત્યંત પ્રતિભાવાન સંગીતજ્ઞો, દાર્શનિકો, લેખકો, કવિઓ, ચિત્રકારો પ્રકટ્યા હતા (કાર્લ માર્ક્સ, ગઅટે, હેગલ, કેન્ટ, બિટોવન વગેરે.) પણ ૧૯૪૯નું જર્મનીનું વિભાજન થયા પછી જે પ્રદેશ પૂર્વ જર્મની બન્યો એણે એક પણ સારી નવલકથા કે ફિલ્મ કે નાટક વિશ્ર્વને આપ્યું નથી.

એ સિવાય ઓષધો કે સ્થાપત્ય કે અન્ય કોઈ બૌદ્ધિક શાસ્ત્રમાં પણ સામ્યવાદી પૂર્વ જર્મનીનું ખાસ પ્રદાન રહ્યું નથી. ફકત એક જ વસ્તુમાં પૂર્વ જર્મની અગ્રેસર રહ્યું છે: ઑલિમ્પિક્સમાં અને અન્યત્ર સ્વર્ણચંદ્રકો જીતવામાં. વિશ્ર્વના કેટલાક શ્રેષ્ઠ એથ્લીટ અહીં પૈદા થયા. પૃથક્કરણના શોખીનોને અભ્યાસ કરવાની મજા આવે એવો આ વિષય છે. કોઈ પણ વિચારધારાને ફેલાવા માટે એક પાલક કે ગોડફાધર કે પેટ્રનની જરૂર પડે છે. કોન્ફ્યૂશિયસની વિચારધારા સેંકડો વિચારધારાઓમાંની એક હતી. પછી સમ્રાટ ગાઓ ઝૂ (ઈસા પૂર્વ ૨૫૬-૧૯૫)એ કોન્ફ્યૂશિયસના વિચારો માટે આદર બતાવ્યો. બીજા સમ્રાટ વુ દીએ કોન્ફ્યૂશિયસ સિવાયના બધા જ વિચારો પર પ્રતિબંધ મૂક્યો. અંતે એક પછી એક હાન વંશના સમ્રાટો કોન્ફ્યૂશિયસને ઉચ્ચતમ સ્થાન આપતા ગયા અને કોન્ફ્યૂશિયસનો ધર્મ ચીનનો પ્રમુખ ધર્મ બન્યો. હિંદુસ્તાનમાં બૌદ્ધ ધર્મના પ્રસારમાં સમ્રાટ અશોકનું આ જ યોગદાન છે. જો અશોક ન હોત તો બૌદ્ધવાદનો આટલો ફેલાવો ન થયો હોત.

ગુજરાતમાં જૈન ધર્મનો આજે સદીઓ પછી અન્ય કોઈ રાજ્યના જૈન ધર્મ કરતાં વધારે પ્રભાવ છે અને એનું કારણ એ છે કે ગુજરાતમાં કુમારપાળ જેવો એક સશક્ત જૈનધર્મી રાજા રાજ્ય કરી ગયો. એના સમકાલીન હેમચંદ્રાચાર્ય અને કુમારપાળના સમયમાં જૈન ધર્મની નીંવ ગુજરાતમાં ઊંડી ઊતરી ગઈ. યુરોપમાં રોમન સામ્રાજ્યનો પૂરો ઈતિહાસ નવા ધર્મ ક્રિસ્ટીઆનિટી પરના સતત જુલ્મનો છે. શરૂના ખ્રિસ્તીઓને રોમનો સિંહોની સામે ફેંકી દેતા અને નાગરિકો કોલોઝિયમ કે સ્ટેડિયમમાં બેસીને જોતા.

ખ્રિસ્તી ધર્મને સૌથી મોટો સમર્થક શાર્લમેન મળે છે. એના કાળમાં ક્રિસ્ટીઅન ગુલામોનો સમય પૂરો થયો, એની ઈચ્છા આખા યુરોપને ખ્રિસ્તી બનાવવાની હતી. શાર્લમેન ખ્રિસ્તી ધર્મનો અત્યંત શક્તિમાન સમ્રાટ હતો. એણે જ્યારે સેક્સન પ્રજાને જીતી ત્યારે ફરમાન કાઢ્યું કે પરાજિત પ્રજા પાસે બે જ વિકલ્પ છે: કતલ થઈ જાઓ અથવા ખ્રિસ્તી બની જાઓ! એણે એક જ દિવસમાં ૪૫૦૦ સેક્સનોને ખ્રિસ્તી ન થવા માટે કતલ કરી નાખ્યા હતા. ખ્રિસ્તી ધર્મપ્રસારમાં શાર્લમેનનું સૌથી મોટું આરંભિક યોગદાન છે.

એ જ રીતે મધ્ય યુગમાં ખ્રિસ્તી ધર્મ જ્યારે ભ્રષ્ટ થઈ ગયો ત્યારે પ્રોટેસ્ટંટ સુધારાવાદના સ્થાપક માર્ટિન લ્યુથરનો પ્રવેશ થાય છે.

માર્ટિન લ્યુથરના મુકદ્દરમાં પણ જીવતા જલી જવાનું હતું, જે ગતિ ચેકસ્લોવેકિયામાં ધર્મપ્રચારક જ્હોન હ્યુસની થઈ હતી. પણ જ્યારે એની એ ગતિ થવાની હતી ત્યારે જ ડ્યૂક ઑફ સેક્સનીએ લ્યુથરને ઉપાડી લીધો અને એના વાર્ટબર્ગના કિલ્લામાં સંતાડી દીધો. લ્યુથર બચી ગયો અને પ્રોટેસ્ટંટ ધર્મનો ઉદય થયો. જો આ જર્મન રાજકુમાર માર્ટિન લ્યુથરને બચાવવા ન આવ્યો હોત તો સુધારાવાદી પ્રોટેસ્ટંટ ધર્મની જુદી જ ગતિ થઈ હોત.

દેશકાળ, કિસ્મત, સંજોગો, એકાદ પક્ષધર માણસ... કોઈ ક્યાંક સહાય કરતું હોય છે. હિંદુસ્તાનમાં ઝૈલસિંઘ રાષ્ટ્રપતિ થવા માટે કદાચ સૌથી નકામા ઉમેદવાર હતા અને માટે જ થયા, કારણ કે શ્રીમતી ઈન્દિરા ગાંધી શીખોને ખુશ કરવા માગતાં હતા, અને એમને એક ઘસાયેલા રબર સ્ટેમ્પ જેવો માણસ જોઈતો હતો. ઝૈલસિંઘ લગભગ અભણ હતા, ભરપૂર આજ્ઞાંકિત હતા, ગાંધી-નહેરુ પરિવારના ઘરઘાટી તરીકે ઝાડુ મારવાની પણ એમની તૈયારી હતી, અને શીખ હતા. આટલી બધી યોગ્યતાવાળો વફાદાર માણસ, સ્લોટમાં સિક્કો ફિટ થઈ જાય એવો, એક જ હતો. માટે એ માણસને આ દેશના રાષ્ટ્રપતિની ખુરશી સોંપવામાં આવી.

પોલેન્ડમાં લેચ વાલેસાના સોલિડેરિટી સંગઠને સામ્યવાદી શાસકોને દુ:ખી દુ:ખી કરી નાખ્યા હતા. એક સામાન્ય ડોક મજદૂર એક પૂરી રાજ્યવ્યવસ્થા સામે ઝૂઝી રહ્યો હતો. એ દેશ સામ્યવાદની દીવાલ તોડવા માટે કામ આવી રહ્યો હતો. પોલેન્ડનું ધ્યાન રાખવું જોઈએ. ત્યાં રોમન કેથલિક પ્રજાની બહુ મોટી વસતિ છે. અત્યાર સુધી માત્ર ઈટાલીઅન ધર્મગુરુઓ જ પોપ બનતા હતા, પહેલી વાર એક પોલીસ ધર્મગુરુ પોપ બની રહ્યો હતો. પોપની નિયુક્તિ કે નિર્વાચન ધાર્મિક કરતાં વાસ્તવરાજનીતિક વિશેષ હતું. ઈતિહાસમાં ઘણાં દૃષ્ટાંતો છે. સિકંદર દુનિયા જીતવા નીકળ્યો એટલે ગ્રીક નાટકો એની સાથે સાથે હિંદુસ્તાન સુધી આવ્યાં. અંગ્રેજો આખી દુનિયાના સમુદ્રો પર ફેલાતા ગયા અને એટલે શેક્સપિયર વિશ્ર્વનો શ્રેષ્ઠ નાટ્યકાર બની ગયો. માત્ર મેધા કે પ્રતિભાથી દુનિયા જીતી શકાય છે? સંજોગો, કિસ્મત, ગોડફાધર, તરવારની નોક... કંઈક જોઈએ છે.

------------------------

કલોઝ અપ

હું એક સામાન્ય માણસ અને ગરીબ માણસ, બંને રહી ચૂક્યો છું અને મને એનો જરા પણ રોમાંસ નથી. - જ્યોર્જ બર્નાર્ડ શો

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=176228

Tuesday, September 15, 2015

જૈન દર્શન: વંદન મસ્તકથી થાય છે, નમન હૃદયથી થાય છે --- ચંદ્રકાંત બક્ષી

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
પર્યુષણ જૈનોને ધર્મનો એટેક આવવાની ઋતુ છે. એ અઠાઈ ઘરથી સંવત્સરી સુધીના દિવસોમાં જૈન જીવ સંસારમાંથી છટકી શકે છે, દુકાન કે ધંધો બંધ કરી દે છે અથવા બેસણું કે એકાસણું કરી નાખે છે અથવા માત્ર મિચ્છામિદુક્કડં બોલી લે છે અથવા ઉપાશ્રયમાં જ રહી જાય છે.

જૈન ધર્મ કે જૈન દર્શન વિશ્ર્વનાં મહાન તત્ત્વજ્ઞાનોમાં સ્થાન પામે છે. જૈન દર્શને વિશ્ર્વને ઘણું આપ્યું છે. ભારતવર્ષમાં જૈન વિચારધારાનું યોગદાન અમીટ છે: અહિંસા, વ્યાકરણ, દસમીથી બારમી સદી સુધીનું ભારતભરમાં પ્રકટેલું અદ્વિતીય જૈન શિલ્પસ્થાપત્ય, ગણિત, દેહદમન વિશેના આત્યંતિક વિચારો, ઉપવાસ, કૈવલ્ય, નવકારમંત્ર, સંથારો. આ યોગદાન ઈતિહાસની દૃષ્ટિએ અઢી હજાર વર્ષ જૂનું છે.

જૈન માન્યતા પ્રમાણે સહસ્ત્રો, ખર્વો, નિખર્વો વર્ષોનું યોગદાન છે. મને જૈન ધર્મમાં સંથારો એક અદ્ભુત વિચાર લાગ્યો છે, જ્યારે માણસ ઈશ્ર્વર બની જાય છે. હું મારી ઈચ્છા પ્રમાણે મારા શરીરને હોલવીને દેહ છોડી દઉં છું. જૈનોની જીવવાની રીતનું મને બહુ આકર્ષણ નથી, પણ મરવાની રીત મહાન છે. વિશ્ર્વના કોઈ ધર્મમાં આ નથી.

સંથારા પછીનો બીજો વિચાર મિચ્છામિદુક્કડંનો છે, મિથ્યા મે દુષ્કૃત્યમ્, ‘ભૂલો માટે ક્ષમાયાચના.’ ભાવકની ભાષામાં - મનથી, વચનથી, કાયાથી - અને વકીલની ભાષામાં - જાણ્યે કે અજાણ્યે... અમે સર્વ જીવોને ખમાવીએ છીએ એમ તમને પણ ખમાવીએ છીએ.

જૈન દર્શનનું મારે માટે એક આકર્ષણ છે: શબ્દો. આટલા તલસ્પર્શી, સ્પષ્ટઅર્થી, સૂક્ષ્મતમ્ શબ્દો અન્ય ધર્મદર્શનોમાં મને મળ્યા નથી. વિશેષણો અને સુપરલેટિવ્ઝની એક ભવ્યતા છે. પર્યુષણ ‘પર્વાધિરાજ’ છે, હેમચંદ્રાચાર્ય ‘કલિકાલસર્વજ્ઞ’ છે. આવા વિશેષતાસ્થાપક શબ્દો જૈન દર્શનનો જ ભાગ છે.

ગુજરાતી ભાષાને જૈનોએ કેવી રીતે સમૃદ્ધ બનાવી છે? એક પુસ્તકના આરંભમાં લખ્યું છે. દ્રવ્યસહાયક: યોગનિષ્ઠ આચાર્યશ્રી વિજયકેસરસૂરીશ્ર્વરજીનાં આજ્ઞાનુયાયિની પ્રવર્તિની સાધ્વી શ્રી ચંપાશ્રીજી મહારાજનાં શિષ્યા પરમવિનેય સાધ્વી શ્રી પ્રભાશ્રીજી મહારાજના શિષ્યા પરમવિનેય સાધ્વી શ્રી કુમુદશ્રીજીના સદુપદેશથી... પછી એ પુસ્તક માટે દ્રવ્ય સહાય કરનાર વ્યક્તિનું નામ આવે છે!

આજે જૈન વિશેષણકોશ ખોટા માણસો માટે ખોટી રીતે વપરાઈ રહ્યો છે. જૈન દર્શને ગુજરાતીમાં અને ભારતવર્ષની અન્ય ભાષાઓમાં શબ્દોનું જે અશ્ર્વમેઘી સામ્રાજ્ય પાથર્યું છે એની તુલના શક્ય નથી. અને શબ્દો કેટલા વિવિધઅર્થી છે, કેટલા સૂક્ષ્મઅર્થી છે. સ્વર એટલે જેનો ઉચ્ચાર સદા થયા કરે, વ્યંજન એટલે જેની અંદર સ્વર ન હોય, એટલે એનો ઉચ્ચાર પૂર્ણ ન થઈ શકે, શરીર વ્યંજન છે, આત્મા એનો સ્વર છે, સ્વર વિનાનો વ્યંજન ખોડો લેખાય છે એમ આત્મા વગરનું શરીર અનિત્ય છે, અશાશ્ર્વત છે.

જૈન દર્શનમાં દરેક શબ્દની ચોક્કસ ક્રિયા છે. ચોક્કસ અર્થ છે. વંદન મસ્તકથી થાય છે, પણ નમન મસ્તક અને હૃદય બંનેથી થાય છે. શબ્દ એ ચકમક છે, અર્થ એ ફલક છે, ચકમક ફલક સાથે ઘસાય છે ત્યારે તણખો પ્રકટે છે, જે ભાવ છે. ભાવરૂપ પ્રકાશ મનુષ્યને યથાર્થ જ્ઞાન કરાવે છે.

જૈન દર્શન શબ્દ સુધી આવીને અટકી શકતું નથી. વૃક્ષની જેમ, દરેક શબ્દને મૂળ છે, શાખા અને પ્રશાખા છે. ફૂલ ફૂલે છે પછી ફળ ફળે છે. જ્ઞાનપ્રાપ્તિ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાની વ્યાખ્યા અપાઈ છે: શાસ્ત્રની અને ગુરુવચનની સત્યબુદ્ધિથી નિશ્ર્ચયપૂર્વ ધારણ કરવાની સ્થિતિ. જૈન દર્શનમાં આત્મવિકાસનાં બે અંગો છે; પુણ્ય અને નિર્જરા. પુણ્યથી સાધનો પ્રાપ્ત થાય છે, પણ આ સાધનો દ્વારા પતિત ન થતાં આત્મવિકાસને માર્ગે જવાય એ નિર્જરા કહેવાય છે.

જ્ઞાની ભેદ સમજે છે, જ્ઞાનીને નિર્જરા થાય છે. ભેદ સમજવા એ પણ જ્ઞાન છે: પેય અપેય, કર્તવ્ય અકર્તવ્ય, સેવ્ય અસેવ્ય, હિત અહિત, લોક અલોક, સત્ય અસત્ય, દ્રવ્ય અદ્રવ્ય, કારણ કાર્ય, જ્ઞાન જ્ઞેય, સમ્યક્ અસમ્યક્, સ્વભાવ પરભાવ, જ્ઞાનમાં શ્રદ્ધાનું બહુ મોટું સ્થાન છે.

જ્ઞાનની ભૂમિકાઓ છે: મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન: પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન. જ્ઞાન શુદ્ધ હોય તો સજ્જ્ઞાન કહેવાય. અશુદ્ધ કે વિપર્યાસવાળું હોય તો અજ્ઞાન કહેવાય. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ને અવધિજ્ઞાન અશુદ્ધ હોય તો મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગજ્ઞાન કહેવાય છે. કેવળજ્ઞાન પછીનો માણસ સર્વજ્ઞ કહેવાય છે. કર્મનાં સંપૂર્ણ આવરણો બળી ગયા પછી એ પ્રાપ્ત થાય છે. ભગવાન પાર્શ્ર્વનાથનો કાળ પ્રાજ્ઞકાળ હતો.

જૈન શબ્દકોશ જેમ જેમ સૂક્ષ્મ બને છે એમ એમ ધર્મ શુદ્ધ દર્શન કે તત્ત્વજ્ઞાન બની જાય છે. અહીં ‘આત્મવીર્યોલ્લાસ’ જેવો શબ્દ છે. ‘શ્રેણિચારણ લબ્ધિ’ નામનો એક શબ્દ છે. એનો અર્થ: અગ્નિની બળતી જ્વાલાઓ ઉપર ચાલે તો પણ અગ્નિના જીવોને પીડા ન ઊપજે એવી ચાલવાની શક્તિ!

એક જૈન શબ્દ કદાચ જૈન દર્શનનું સાચું પ્રતિનિધિત્વ કરે છે. એ શબ્દ છે ‘અનભિગ્રહીક’. એનો અર્થ જરા વિચિત્ર છે: બધા જ ધર્મો સારા છે, બધી જ ફિલસૂફીઓ સરસ છે, સૌને વંદન કરીએ, કોઈની નિંદા ન કરીએ, ઝેર અને અમૃતને એકસમાન ગણીએ. મિથ્યાત્વના પાંચ પ્રકારોમાંનો આ એક પ્રકાર છે...!

જૈન દર્શને જે ઝીણવટથી શબ્દોનો ઉપયોગ કર્યો છે એવો અન્ય કોઈ ધર્મે ભાગ્યે જ કર્યો છે. એક સ્થાનથી બીજે સ્થાને જતા જીવોને દુ:ખ ઉપજાવવાના પ્રકારો ઈરિયાવહિયં સૂત્રમાં વર્ણવ્યાં છે. સામા આવતાં પગથી હણ્યા હોય, ધૂળમાં કે કાદવમાં ઢાંક્યા હોય, જમીન સાથે મસળ્યા હોય, અંદર અંદર એકબીજાનાં શરીર મેળવ્યા હોય, સ્પર્શ કરીને દૂભવ્યા હોય, દુ:ખ દીધાં હોય, મરણતોલ કર્યા હોય, ત્રાસ ઉપજાવ્યો હોય, એક સ્થાનથી બીજે સ્થાને મૂક્યા હોય, પ્રાણરહિત કર્યા હોય, એ સંબંધી મને પાપ લાગ્યું હોય તો એ પાપ મિથ્યા થાઓ-

જીવોની નિરાધના થઈ હોય. કઈ રીતે? જીવોને પગથી ચાંપવાથી, વાવેલા બીજને ચાંપવાથી, લીલી વનસ્પતિ ચાંપવાથી, આકાશમાંથી પડતા ઠારને ચાંપવાથી, કીડીના દરને ચાંપવાથી, પાંચ વર્ણની સેવાળને ચાંપવાથી, સચિત્ત પાણી અને સચિત્ત માટીને ચાંપવાથી, કરોળિયાની જાળને ચાંપવાથી જો પીડા ઉપજાવી હોય તો એ પાપ મિથ્યા થાઓ-

અને જીવો, કેવા જીવો? એક ઈન્દ્રિયવાળા (પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય), બે ઈન્દ્રિયવાળા (કૃમિ, શંખ, અળસિયાં આદિ), ત્રણ ઈન્દ્રિયવાળા (જૂ, માંકડ, કીડી વગેરે), ચાર ઈન્દ્રિયવાળા (વીંછી, ચાંચડ, ભમરી, તીડ વગેરે) અને પાંચ ઈન્દ્રિયવાળા (નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. અને તિર્યંચમાં પણ જળચર, સ્થળચર અને ખેચર) જીવોને વિરાધ્યા હોય તો એ પાપ મિથ્યા થાઓ-

તસ્સમિચ્છામિ દુક્કડં (તે મારાં પાપ મિથ્યા થાઓ).

Tuesday, August 18, 2015

ભારતની પશ્ર્ચિમ પર અસર --- ચંદ્રકાંત બક્ષી

આપણા ઉપર પશ્ર્ચિમની અસર છે, એ વિશે પુષ્કળ લખાયું છે. ડૉ. રાધાકૃષ્ણનના કથન મુજબ અંગ્રેજો આપણને ત્રણ અમીટ બક્ષીસો આપી ગયા છે - ‘ફુલપેન્ટ, ક્રિકેટ અને લિમિટેડ કંપની!’ આ સિવાય પણ અંગ્રજો ઘણું આપી ગયા. આજે અમેરિકન અસર વધતી જાય છે. પશ્ર્ચિમ પાસેથી આપણે છેલ્લી બે સદીઓમાં ઘણું પ્રાપ્ત કર્યું છે.

પણ વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી દેશ એવા ભારત ગણરાજ્યના બાવનમા પ્રજાસત્તાક દિને મારા મનમાં એક વિચાર સહજ ઝબકી ગયો. ભારતે પશ્ર્ચિમને શું આપ્યું છે? આજ સુધી પશ્ર્ચિમે પૂર્વ પાસેથી શું પ્રાપ્ત કર્યું છે એ વિશે બહુ ઓછું વિચારાયું છે, પરંતુ હવે વિચારકો અને સંશોધકો એ વિશે અનુસંધાન કરવા માંડ્યા છે. પૂર્વના દેશો અને સંસ્કૃતિઓ પાસેથી પશ્ર્ચિમને શું શું મળ્યું? ભારત, ચીન અને અરબ દેશોની સંસ્કૃતિઓએ પશ્ર્ચિમને શું આપ્યું? આાજની કેટલીય વસ્તુઓ, જે પશ્ર્ચિમથી આપણી પાસે આવી છે એ મૂળ અહીં પૂર્વથી પશ્ર્ચિમ પાસે ગઈ હતી એ સાબિત થઈ ચૂક્યું છે!

પશ્ર્ચિમને હંમેશાં ભારતનું આકર્ષણ રહ્યું છે. અઢી હજાર વર્ષ પહેલા ગ્રીક નાટ્યકાર સોફોક્લેસે એના જ એક નાટકમાં ભારતીયોના ધન વિષે લખ્યું છે. ભારતની સ્ત્રીઓને સોનું બહુ પસંદ છે એવો ઉલ્લેખ છે. એ પછી બેસુમાર પશ્ર્ચિમી લેખકો પ્રવાસીઓને ભારતનું જાણવાની ઈચ્છા રહી છે. વિશ્ર્વનો સૌથી મહાન નાવિક કોલંબસ હિન્દુસ્તાન શોધવા નીકળ્યો હતો અને અમેરિકા શોધાઈ ગયું હતું. મૃત્યુ સુધી એને એ જ ભ્રમ હતો કે ભારત શોધાઈ ચૂક્યું છે. ઉત્તરથી દક્ષિણ અમેરિકા સુધી ઘણા દેશોની મૂળ પ્રજાને આજે પણ ઈન્ડિયન નામથી ઓળખવામાં આવે છે. શેરલોક હોમ્સની ડિટેક્ટિવ વાર્તાઓમાં ભારત વારંવાર ઝબકે છે. યુરોપના રૂમેનિયાનો રાજકુમાર, ડ્રેકુલા ફિલ્મ જોનારી પેઢીને પરિચિત છે. આ લોહીતરસ્યો ડ્રેકુલા એક ભારતીય રાજકુમાર હતો એવું વર્ષોથી મનાતું આવ્યું છે. જુલેવર્નનું પ્રખ્યાત પાત્ર કેપ્ટન નેમો એક ભારતીય રાજા હતો. ‘ગલીવર્સ ટ્રાવેર્લ્સ’ - જેનો ગુજરાતીમાં ‘ગોળીબારની મુસાફારી’ નામે અનુવાદ થયો છે - અંગ્રેજીનું પ્રસિદ્ધ પુસ્તક છે. આ ગલીવર હિન્દુસ્તાન જતા જહાજમાં બેસીને એની વિચિત્ર મુસાફરીએ પહોંચ્યો હતો.

ચીનમાં બે ભયંકર અફીણ-યુદ્ધો થયાં હતાં. ત્યાંથી આધુનિક ચીનના ઈતિહાસનો આરંભ થાય છે. આ અફીણ ભારતથી ચીન મોકલાતું હતું. અમેરિકાના સ્વાતંત્ર્યયુદ્ધમાં પણ આરંભ બોસ્ટન ટી પાર્ટીથી થયો છે. બોસ્ટનના બારામાં ચાની પેટીઓ અમેરિકન સ્વાતંત્ર્યવીરોએ ઈન્ડિયનોના પોશાક પહેરીને વહાણોમાં ચડીને સમુદ્રમાં ફેંકી દીધી હતી. આ ચાની પેટીઓ હિન્દુસ્તાનથી અમેરિકા ગઈ હતી.

વિશ્ર્વના યુદ્ધોમાં પણ ભારતીયોએ ભાગ લીધો છે. ઈરાનનો મહાન સમ્રાટ સાયરસ એક ભારતીય બાણાવળીના ઝેરી તીરને કારણે મર્યો હતો. ગ્રીસના મહાન થર્મોપીલીના યુદ્ધમાં ભારતીય સેનાએ ભાગ લીધો હતો. ગ્રીસ અને ઈરાનના યુદ્ધમાં ભારતીય કૂતરાઓ હતા એવો ઉલ્લેખ છે. રોમનોએ જ્યારે ઇંગ્લેન્ડ પર અંકુશ જમાવ્યો ત્યારે રોમન સેનાના ભાગરૂપે ભારતીય સૈનિકોનું થાણું ઇંગ્લેન્ડમાં સીરેન સેસ્ટરમાં હતું. ખલીફોને જ્યારે બાયઝેન્ટીઅમની સામે લડવું પડ્યું ત્યારે હિન્દુસ્તાની સૈનિકો ખલીફો તરફતી લડ્યા હતા. ખ્રિસ્તી અને મુસ્લિમનાં ધર્મયુદ્ધોમાં પણ ભારતીયો મુસ્લિમો તરફથી લડ્યા હતા. પાછળથી તો ચીન, ક્રિમિયા (રશિયા) અને વિશ્ર્વની ઘણી રણભૂમિઓ પર ભારતીય સેનાઓ લડી છે. ઈરાનના આટાઝેરઝેસના સૈન્યમાં ભારતીય બાણાવળીઓ હંમેશાં રહેતા હતા.

ભારતે દુનિયાને જે આપ્યું છે એની સૂચિ મોટી છે. ૧૭૨૮ સુધી ભારતે દુનિયાને હીરા પૂરા પાડ્યા છે. એ પછી બ્રાઝિલની ખાણો ખુલી. કોહિનૂર આદિ વિશ્ર્વના પ્રસિદ્ધ હીરાઓ હિન્દુસ્તાનની ધરતીમાંથી જ નીકળ્યા છે.

શતરંજની રમત ભારતથી યુરોપમાં ગઈ. મધ્યકાલીન ધર્મયુદ્ધોના સમયમાં અરબો એ રમત લઈ ગયા એવું મનાય છે. કવિ-નાટ્યકાર બાણભટ્ટે સન ૬૨૫માં ‘ચતુર્અંગ’ તરીકે એનો ઉલ્લેખ કર્યો છે. આ ચાર અંગો હિંદુસૈન્યોમાં હતા - હાથી, ઘોડા, ઊંટ અને પાયદળ! ફારસીમાં આ ચતુર્અંગ ‘શતરંજ’ બની ગયું! આજે પણ શતરંજની રમતમાં આ ચાર મહોરાં હયાત છે.

‘શુક-સપ્તતિ’ અર્થાત્ પોપટે કહેલી સિત્તેર વાતો સંસ્કૃતનો એક ગ્રંથ છે. ફારસીમાં એનું નામ ‘તુતીનામા’ પડ્યું. એ જ વાર્તાઓ અરબીમાં ‘કલીના વ દીમના’ નામથી ઓળખાઈ. કરટક અને દમનક નામના બે શિયાળો પરથી આ અરબી નામ આવ્યું છે. પછી ઈટલીમાં બોકાચીઓ નામના લેખક પર એની અસર પડી. બોકાચીઓ નવજાગૃતિકાળનો પ્રથમ વાર્તાલેખક ગણાય છે. યુરોપના કથાસાહિત્ય પર બોકાચીઓની બહુ મોટી અસર છે. વધુ પશ્ર્ચિમમાં ઇંગ્લેન્ડમાં ચોરસની ‘કેન્ટરબેરી ટેલ્સ’ પર પણ એની અસર છે! અંગ્રેજી સાહિત્યનું એ પ્રથમ કથાનક છે.

શેક્સપીયરના ‘મર્ચન્ટ ઓફ વેનિસ’ નામના પ્રખ્યાત નાટકનું કથાવસ્તુ મૂળ એક બૌદ્ધ જાતકકથા છે. શેસ્કપીયરના સમયમાં યહૂદીઓને લંડનમાં વ્યવસાય કરવાની છૂટ નહોતી!

પંચતંત્રના કર્તાનું નામ વિદ્યાપતિ હતું અને ફ્રેન્ચમાં ‘બિદપાઈ’ અથવા ‘પિલપ્રે’ નામના મૂળ લેખકનો ઉલ્લેખ છે, જે વિદ્યાપતિ છે, ભારતમાંથી ઈરાન થઈને આ વાર્તાઓ ફ્રાન્સમાં ગઈ. ગ્રીસના ક્રીટ ટાપુમાં ઈસપ નામના એક માણસે પંચતંત્રના આધાર પર લગભગ સીધેસીધો અનુવાદ કર્યો છે, જે ‘ઈસપની નીતિકથાઓ’ અથવા ‘ઈસપ્સ ફેબલ્સ’ નામે ઓળખાય છે. સત્તરમી સદીમાં થઈ ગયેલા ફ્રેન્ચ લેખક લાફોન્તેને વિદ્યાપતિના પુસ્તકમાંથી વાર્તાઓ લીધાનું કબૂલ્યું છે.

એલેકઝાન્ડ્રીઆના સાહિત્ય પર ભારતની અસર હતી. ખ્રિસ્તી ધર્મની આરંભની ધર્મકથાઓ પર ભારતીય મહાત્માઓની કથાઓનું ઋણ છે. ગ્રીક ફિલસૂફ પ્લેટોના વિચારોમાં પુષ્કળ ભારતીય વિચારો સમાયેલા છે. એના પ્રખ્યાત પુસ્તક ‘રિપબ્લિક’માં હિંદુઓનો કર્મનો સિદ્ધાંત સમાયેલો છે. આત્મા પરલોક સુધી પ્રવાસ કરે છે. રિપબ્લિકના સાતમા પુસ્તકમાં માયાના ભારતીય દર્શન વિશે વિશદતાથી લખવામાં આવ્યું છે. આ વિભાગનું શીર્ષક છે: ‘ગુફાનું રહસ્ય!’

સાહિત્યનું આદાન-પ્રદાન હંમેશાં ચાલતું રહ્યું છે. કલાઓનું પણ એવું જ છે. ભારતે વિશ્ર્વને ઘણું આપ્યું છે અને આ બધું હવે સ્વીકારાઈ રહ્યું છે અને પ્રકાશમાં આવી રહ્યું છે. આજે જ્યારે ભારતને પોતાની સંસ્કૃતિનાં મૂળ શોધવામાં વૈજ્ઞાનિક રુચિ જન્મે છે ત્યારે આ યોગદાન વિશેષ મહત્ત્વનું બની રહે છે.

યુરોપના મોટા મોટા કલાસ્વામીઓ ભારતની અસરથી મુક્ત રહી શક્યા નથી. ફ્રેન્ચ દાર્શનિક વોલ્તેયર માનતો હતો કે પશ્ર્ચિમનું ખગોળ અને જ્યોતિષ ગંગાના કિનારા પરથી આવ્યું છે. ૧૮મી સદીનો ખગોળશાસ્ત્રી ઝયો સીલ્વેનબેઈલી સ્વીકારે છે કે બ્રાહ્મણો ગ્રીકોના ગુરુ હતા અને માટે એ યુરોપભરના ગુરુઓ હતા! જર્મન કવિ ગએટ શકુંતલાના પાત્ર પર અને નાટક ‘શાકુન્તલ’ પર એટલો મોહી પડ્યો હતો કે એણે કાલિદાસની અસર નીચે, એની લેખનરીતિ અજમાવીને ‘ફોસ્ટ’ નાટક લખ્યું હતું. અન્ય વિખ્યાત જર્મન નાટ્યકાર શિલરે એના નાટક ‘મારીઆ સ્ટુઅર્ટ’માં કાલિદાસના ‘મેઘદૂત’નો સહારો લીધો છે. શિલરના નાટકમાં દેશનિકાલ થયેલી રાણી વાદળોને સંદેશો આપે છે, જે એના જન્મસ્થાનમાં પહોંચાડવાનો હોય છે! (ક્રમશ)
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=168882

હિંદુઓએ ગણિતને શૂન્યની ભેટ આપી છે
(ગયા અંકથી ચાલુ)

૧૯મી સદીનો પ્રખ્યાત ફ્રેન્ચ લેખક થિયોફાઈલ ગોતીઅર પણ ભારતીય અસરથી મુક્ત રહી શક્યો નહોતો. ૧૮૪૮માં એની નવલકથા ‘લા પાર્તીકેરી’ આવી, જેના પર ભારતમાં કુખ્યાત થયેલા ઠગોનો આધાર હતો. દસ વર્ષ પછી એણે એક બેલે પણ લખ્યું જેનું નામ હતું - ‘સકોન્તલા’!

મહાન સંગીતજ્ઞ રિચર્ડ વેગ્નરે એની પ્રિય માથીલ્ડાને ઉદ્દેશીને લખેલા પત્રમાં બૌદ્ધ પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. આ પ્રિયાને દૃષ્ટિમાં રાખીને જ એણે એનું વિશ્ર્વવિખ્યાત ઓપેરા ‘ટ્રીસ્ટાન એન્ડ ઈસોલ્ડે’ લખ્યું હતું. જે ઓપેરા એણે લખ્યાં એમાં ભારતીય સૂત્રો જોવા મળે છે. અહીંના વિચારોની અસર નીચે રશિયન માદામ બ્લેવેત્સ્કી અને અમેરિકન કર્નલ ઓલકોટે વિશ્ર્વ માટે થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી હતી.

ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ ચોથાએ ૧૮૦૩માં બ્રાઈટનમાં એક મહેલ બનાવ્યો હતો, જે હિંદુ સ્થાપત્યના સિદ્ધાંતો પર આધારિત હતો. ચિત્રકાર રેંબ્રાંએ એક નાના ચિત્ર પરથી શાહજહાંનું મોટું ચિત્ર બનાવ્યું હતું. એ મુગલ ચિત્રકલાનો અભ્યાસી હતો. થોડા વર્ષ અગાઉ લંડનમાં શાહજહાંનું એ ચિત્ર ત્રીસ લાખ પાઉન્ડમાં વેચાયું હતું!

હિંદુસ્તાનમાં ઉત્પન્ન થતાં કાળાં મરીએ દુનિયાના ઈતિહાસ પર અસર કરી છે. પ્રાચીન રોમમાં ‘પાઈવર નીગરમ’ અથવા કાળાં મરીનાં ડાંખળાં બહુ મોંઘા ભાવે વેચાતાં. ૪૧૦ ઈસવીસનમાં જ્યારે બર્બર ગોથ જાતિના રાજા એલેરીકે રોમને હરાવ્યું ત્યારે સજારૂપે ૩૦૦૦ પાઉન્ડ કાળાં મરી માગ્યાં હતાં! તુર્ક લોકો પાસેથી કાળાં મરીનો વ્યવસાય લઈ લેવા માટે વાસ્કો-દ-ગામા આફ્રિકા ફરીને હિંદુસ્તાન આવ્યો હતો એ દુનિયા આખી જાણે છે.

હિંદુઓએ ગણિતને શૂન્યની ભેટ આપી છે. પશ્ર્ચિમના ગણિતમાં શૂન્યની કલ્પના ન હોવાથી એમની પ્રગતિ સદીઓ સુધી અટકી ગઈ હતી. એકથી નવ સુધી યુરોપ બહુ કઢંગી રીતે ગણતરી કરતું. મધ્યયુગના સર્વશ્રેષ્ઠ ગણિતજ્ઞ લિયોનાર્દો ફિબોનાચીએ ગત ૧૨૦૨માં લખેલ પુસ્તકમાં હિંદુ આંકડા પહેલી વાર સમજાવવામાં આવ્યા હતા. આજે એકથી દસ જે રીતે લખાય છે એ યુરોપમાં ‘એરેબિક ન્યુમરલ્સ’ તરીકે ઓળખાય છે, પણ આ મૂળ ભારતના હિંદુઓની શોધ છે એ જગત હવે સ્વીકારે છે. આરબો યુરોપમાં લઈ ગયા માટે એ એરેબિક કહેવાયા. ૧૬મી સદીમાં આંકડાઓનો વપરાશ વધ્યો.

ગણિતની જેમ બીજગણિત અને એલજીબ્રા પણ હિંદુસ્તાનથી દુનિયામાં ગયું. આર્યભટ્ટે ‘સ્કવેર રૂટ’ અને ‘ક્યુબ રૂટ’ આપ્યાં! ભારતે ઘણા મહાન ગણિતજ્ઞો આપ્યા. આર્યભટ્ટ પ્રથમ અને દ્વિતીય, ભાસ્કર, બ્રહ્મગુપ્ત આદિ. દશાંશ પદ્ધતિ અને અણુપરમાણુની કલ્પના, જે એટમ બૉમ્બના પાયામાં છે, એ ભારતથી ગયાં. ઉચ્ચ ગણિતની મહાન કલ્પનાઓ ‘પાઈ’ અથવા ૨૨/૭ અને ‘સાઈન’ પણ હિંદુઓનું યોગદાન છે. મૂળ આર્યભટ્ટે ‘જયા’ અથવા ‘જીવા’ શબ્દ આપ્યો, જેનો ધનુષ્યની પણછ અથવા પ્રત્યંચા સાથે સંબંધ હતો. અરબીમાં ‘જીવા’ કે ‘જૈબ’ બન્યું. લેટિનમાં ‘સિનસ’, પછી દુનિયાભરમાં ‘સાઈન’ તરીકે ઓળખાયું! હિંદુ બીજગણિતને મહાન અરબી ગણિતજ્ઞ અલખ્વરીઝમીએ અરબીમાં ઉતાર્યું, જેના નામ પરથી ‘એલ્જોરીઝમસ’ આવ્યું, પછી એલજીબ્રા!

આજે જેમ ‘ગ્રીનવીચ મીન ટાઈમ’ સમયના ધોરણને માટે દુનિયાભરમાં વપરાય છે એમ મધ્યયુગમાં ‘અરીનનો સમય’ વપરાતો હતો. આપણા ઉજ્જૈનનું આરબોએ ’અઝીન’ કરેલું. કાલક્રમે ‘ઝ’ના ઉપરનું બિંદુ ઘસાઈ ગયું અને અરબી અક્ષર ‘ર’ બની ગયો! ઉજ્જૈન વિશ્ર્વનું શિખર ગણાતું હતું! ત્યાંથી વિશ્ર્વની મધ્યરેખા પસાર થતી હતી. ઉજ્જયિની - ઉજ્જૈન અઝીન - અરીન એમ વિકાસ થયો.

ભારતે દુનિયાને શર્કરા અને સાકર આપી. ફારસીમાં એ ‘શકર’ બની, પછી આરબો એને સ્પેન લઈ ગયા. ત્યાંથી ફ્રાન્સ અને ઇંગ્લેન્ડમાં જઈને એ ‘શ્યુગર’ બની! રેશમ અથવા સિલ્ક પણ ભારતથી દુનિયામાં ગયું. છઠ્ઠી સદીના બાયઝેન્ટિયમના ઈતિહાસકાર પ્રોકોપીઅસે લખ્યું છે કે મહાન રાજા જરટીનીઅનના સમયમાં ભારતના સાધુઓ રેશમ લઈ ગયા અને એમણે સમજાવ્યું કે એ શી રીતે બને છે! રાજાને સમજાયું નહિ એટલે સાધુઓ ભારત પાછા આવ્યા અને શેતૂરનાં પાંદડાંઓ સાથે રેશમના કીડા લઈ ગયા અને કોન્સ્ટન્ટિનોપલના દરબારમાં બતાવાયું. ત્યારથી યુરોપમાં રેશમનું ઉત્પાદન થવા માંડ્યું. સંગીતની દુનિયામાં ભારતનું યશસ્વી પ્રદાન છે. વાંસળી અથવા ‘ફલ્યૂટ’ કૃષ્ણના સમયથી આપણી સંસ્કૃતિમાં છે. બંસી અહીંથી જગતે સ્વીકારી. વાયોલિનની બો, જેનાથી વાયોલિન વાગે છે, એ પિનાક ભારતની બક્ષિસ છે.

પશ્ર્ચિમના સમૂહસંગીતમાં વાયોલિન અને ફ્લ્યૂટ મહત્ત્વનાં અંગો છે, જે ભારતે રચ્યાં છે. બો વિના વાયોલિન વાગી શકે નહિ! પણ એનાથી વિશેષ મહત્ત્વનું પદાર્પણ છે આપણા સપ્તસૂર - સારેગમપધનિ! ફ્રેન્ચ એન્સાઈક્લોપીડિયામાં લેખક લેવીએ આનો ઋણ સ્વીકાર કર્યો છે! આપણી સંગીતની ભાષા પ્રથમ સ્વીકારાઈ પછી સ્વરલિપિ પેદા થઈ.

હજારો શબ્દો અહીંથી દુનિયામાં ગયા છે, જેના વિશે પુસ્તકો લખાયાં છે. પોલોની રમતનું મૂળ સંસ્કૃત શબ્દ ‘કપાલ’ અથવા ખોપરી છે, એ અહીંથી ગઈ. કેરી અને રીંગણાં અને આંબલી માટે ટેમીરીન્ડ’ શબ્દ છે, જે ‘તમર-ઈ-હિંદ’ અથવા ‘હિંદનું ફળ’ એના અર્થમાં છે. ‘ચિરૂટ’ શબ્દ તામિલ છે. મરાઠીનો મંગૂસ શબ્દ નોળિયા માટે વપરાય છે જે અંગે્રજોએ સ્વીકારી લીધો. વીર્ય છાંટવાની ક્રિયાને સંસ્કૃતમાં ‘ઉક્ષ’ કહે છે, જેના પરિણામે અંગ્રેજી શબ્દ ઓક્ષ અથવા બળદ આવ્યો! ‘મૂષ’ એટલે સંસ્કૃતમાં ચોરવું એવો અર્થ થાય. અંગ્રેજીમાં એ માઉસ અથવા ઉંદર બન્યો! સંસ્કૃતમાં ‘ભી’ શબ્દ થરથરવા માટે વપરાય છે. પશ્ર્ચિમમાં જઈને એ ‘બી’ અથવા માખી કે મધમાખી બન્યો. વ્યાઘ્ર અથવા વાઘમાંથી કકુ અને કુકકુટમાંથી અંગ્રેજી શબ્દ કોક અથવા મુર્ગો બને છે. કુકડાનું જન્મસ્થાન ભારત છે. આવા શબ્દો બેસુમાર છે.

પશ્ર્ચિમને આપણે ઘણું શીખવ્યું. હિંદુસ્તાનમાં હિંદુઓને રોજ નાહતા જોઈને અંગ્રેજો રોજ સ્નાન કરતાં શીખ્યા! રોજ નાહવાનો રિવાજ હિંદુઓમાં જ હતો. આટલી સ્વચ્છતાની અંગ્રેજોને ખબર નહોતી અને યુરોપની ઠંડીમાં એ શક્ય પણ નહોતું! આજના ડિપાર્ટમેન્ટ સ્ટોરનો વિચાર પણ એમને આપણા બજાર પરથી આવ્યો, જ્યાં એક જ ચોક બજારમાં બધું જ મળી રહે! અહીં આવીને પાયજાના પહેરતાં શીખ્યા. ૧૯૦૦ પછી યુરોપમાં પાયજામાનો વપરાશ ખૂબ વધી ગયો. મહાન સિકંદરના સૈનિકો અહીંથી ચાવલ અથવા અરીસી, જે તામિલ શબ્દ છે, લઈ ગયા, જેને યુરોપે ‘રાઈસ’ નામ આપ્યું! રૂ ભારતથી દુનિયામાં ગયું. કપાસ બીજે ક્યાય પેદા થતો નહોતો એટલે કોટનના કપડાં પણ આપણું યોગદાન છે.

ભારતે દુનિયાને કપૂર અને ચંદન અને આદું આપ્યાં. બંગલો અને વરંડો બનાવતા શીખવ્યું, ચંપી કરતા શીખવી, જે યુરોપમાં જઈને ‘શેમ્પું’ બનીને આજે ભારતની આધુનિક મહિલાઓના વાળ સાફ કરે છે! લાખની ઉત્પત્તિ પણ ભારતની છે. શરીરની શસ્ત્રક્રિયા પ્રથમ આ દેશમાં થઈ હતી.

પણ... સારાની સાથે ખરાબ પણ જાય જ છે. આપણે આ બધા સિવાય પણ કંઈક આપ્યું છે!... અંગ્રેજો અહીંથી જે થોડા વિચારો અને શબ્દો લઈ ગયા અને દુનિયાએ જેને સ્વીકાર્યા છે એ છે - ઠગ, જેલ, લૂંટ, જંગલ, ગુંડા...! ઉ