Monday, March 2, 2015

વાયુમંડળ જીવનપોષક અને જીવનરક્ષક --- બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=88665


વાયુમંડળ અને જીવનનો સંબંધ વાયુમંડળ છે તો પાણી પણ છે



બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ


દરેક ગ્રહને ગુરુત્વાકર્ષણબળ છે. જો ગ્રહ પરથી છટકવું હોય, ગ્રહમાંથી પલાયન થવું હોય તો વસ્તુને એક ગતિ ચોક્કસ ગતિ હાંસલ કરવી પડે. જ્યાં સુધી વસ્તુ તે ગતિ હાંસલ ન કરે ત્યાં સુધી તે ગ્રહમાંથી છટકી ન શકે. આ ગતિને ગ્રહ પરની પલાયન ગતિ કહે છે. ગ્રહ પરની પલાયનગતિ ગ્રહના ગુરુત્વાકર્ષણ બળ પર આધારિત હોય છે. પૃથ્વી પરથી પલાયન થવું હોય તો પદાર્થે પ્રતિ સેક્ધડની ૧૧.૨ કિલોમીટરની ગતિ હાંસલ કરવી પડે. પ્રતિ સેક્ધડની ૧૧.૨ કિલોમીટર એટલે કલાકની લગભગ ૪૦,૩૨૦ કિલોમીટરની ગતિ થઈ. આ જબ્બર ગતિ છે. તે નાની સૂની ગતિ નથી. માટે જ આપણે પૃથ્વી પરથી છટકી શકતાં નથી. માત્ર રોકેટની ગતિ આપણને પૃથ્વી પરથી છટકવા સમર્થ બનાવે છે. પૃથ્વી જન્મી ત્યારે તેના પેટાળમાંથી જન્મેલા ઘણા ખરા વાયુઓની પોતાની ગતિ, પૃથ્વી પરની છટકગતિ કરતાં ઘણી ઓછી છે માટે તે પૃથ્વી પરથી છટકી શક્યા નથી. અને તેને ઘેરી વળેલા છે અને આ રીતે પૃથ્વી ફરતે વાયુમંડળ પૃથ્વીને ઘેરીને રહ્યું છે. અને હાલ સુધી પલાયન થઈ શક્યું નથી. પૃથ્વી પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે. તેની સાથે જ તે પણ ગોળ ગોળ ફરે છે. પૃથ્વી પ્રતિ સેક્ધડની ૩૦ કિલોમીટરની ગતિથી સૂર્યની પરિક્રમા કરે છે તેમ છતાં, જોરથી હવા આવતા બાલિકાની ચૂંદડી ઊડી જાય તેમ તે ઊડી જાતું નથી. પૃથ્વીની ગતિ સેક્ધડની ૩૦ કિલોમીટરની છે એટલે કે તે કલાકની એક લાખ આઠ હજાર (૧૦૮૦૦૦) કિલોમીટરની થઈ. રાજધાની ટ્રેન કલાકના ૧૩૦ કિલોમીટરની ઝડપે દોડે છે. ત્યારે કેટલી હવા પાછળ ફેંકાય છે. જો બારણામાં ઊભા હોઈએ અને હેન્ડલ બરાબર પકડી ન રાખીએ તો બહાર ફેંકાઈ જઈએ. તો આટલી મોટી ગતિથી પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેમ છતાં તેનું ગુરુત્વાકર્ષણ એટલું મજબૂત છે કે તેનું વાયુમંડળ અંતરિક્ષમાં સરી પડતું નથી. પૃથ્વી ફરતે વાયુમંડળ ઉત્પન્ન થયું છે. તેથી જ પૃથ્વી ફરતે વાયુમંડળમાં પાણી છે અને તે વરસાદરૂપે વરસે છે અને તેથી જ પૃથ્વી પર જીવન પેદા થયું છે અને નભતું આવ્યું છે. તેમાં સૂર્યનો પણ મોટો રોલ છે. તેને પૃથ્વી પર પાણીના ચક્રને (હાઈડ્રોલિક સાઈકલને) શરૂ કર્યું છે. પૃથ્વી પરનું જીવન સૂર્ય અને પાણીની દેન છે. માટે જ આપણા ઋષિઓએ સૂર્યને દેવતા કહ્યાં છે અને પાણીને જળદેવતા કહ્યા છે. નદીઓ, તળાવ, સરોવર, મહાસાગરો જળદેવતાને રહેવાના સ્થાનો છે. માટે તે પવિત્ર છે અને પવિત્ર રાખવા જોઈએ. ગંગા-જમનાની હાલત જોઈને ખબર પડે કે આપણા દિવસો હવે ભરાઈ ગયા છે. જળદેવતાનું આપણે સન્માન કર્યું નથી. માટે તે આપણાથી રુઠતા જાય છે.

બુધ ગ્રહનું ગુરુત્વાકર્ષણ ઘણું ઓછું હોવાથી બુધ ગ્રહ તેના વાયુમંડળને ઝકડી રાખી શક્યો નથી. તે વાયુમંડળ વિનાનો ગ્રહ છે. વાયુમંડળને લીધે ગરમી-ઠંડીનું સમતુલન જળવાય છે. દિવસે તે ગરમી શોષે છે અને તેનો સંગ્રહ કરે છે. રાતે જ્યારે પૃથ્વી જેમ જેમ ઠંડી પડતી જાય છે તેમ તેમ ગરમ વાયુમંડળ તેને ગરમી આપતું જાય છે અને તેને તદ્દન ઠંડી પડવા દેતું નથી. બીજું વાયુમંડળ એ જ પાણી છે અને તેથી એ જ જીવન છે. પૃથ્વીના વાયુમંડળનો ઓક્સિજન લઈને આપણે જીવીએ છીએ. વૃક્ષો અને વનસ્પતિની દુનિયા વાયુમંડળને કાર્બનડાયોક્સાઈડ લઈને જીવે છે અને આપણા માટે ખોરાક બનાવે છે. વાયુમંડળમાં કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ તો માત્ર ૦.૦૧ ટકો છે પણ તે જ આપણને હૂંફ આપે છે, તે વધી જાય તો ગ્લોબલ વૉર્મિંગ લાવે અને ઘટી જાય તો શીતયુગ લાવે. બંને પૃથ્વીના જીવન માટે ભયંકર નુકસાનકારક છે. નાઈટ્રોજન ઓક્સિજનની જલદતાને મંદ કરે છે. વાયુમંડળ બાહ્ય આકાશમાંથી આવતી ઉલ્કાને ભસ્મીભૂત કરી અથવા તેની શક્તિ ઘટાડી આપણું રક્ષણ કરે છે. વાયુમંડળ પૃથ્વીનું રક્ષાકવચ છે. બુધ ગ્રહને વાયુમંડળ નહીં હોવાથી ત્યાં જીવન નથી. ત્યાં દિવસે ઉષ્ણતામાન ૪૦૦ અંશ સેલ્સિયસ થઈ જાય છે અને રાતે ઓછા ર૬ અંશ સેલ્સિયસ થઈ જાય છે. વાયુમંડળ નહીં હોવાથી બુધ ગ્રહ પર ઉલ્કાઓ અથડાઈને ત્યાં હજારો નાના મોટા ઉલ્કાકુંડો બનાવી દીધા છે. ત્યાં આપણે ઉતરીએ તો ઉલ્કાઓ આપણું શરીર ચાળણી કરી નાખે, આ પરથી સ્પષ્ટ થાય છે કે ગ્રહના વાયુમંડળને અને જીવનને કેવો સંબંધ છે.

ચંદ્રની સ્થિતિ પણ બરાબર બુધ ગ્રહની સ્થિતિ જેવી જ છે. તેનાથી બદ્તર છે. કારણ કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ તો બુધના ગુરુત્વાકર્ષણથી પણ નબળું છે.

શુક્ર ગ્રહનું કદ અને વજન પૃથ્વીના કદ અને વજન જેટલું જ છે અને તેથી ત્યાં પલાયન ગતિ પૃથ્વીની પલાયન ગતિ જેટલી જ છે, પણ તેની ધરી પૃથ્વીની ધરીની જેમ ર૩.૬ અંશે ઝૂકેલી નથી પણ સીધી છે. તેથી ત્યાં ઉષ્ણતામાનમાં પરિવર્તન થતું નથી. શુક્ર ગ્રહ સૂર્યની નજીક હોવાથી ત્યાં સૂર્યની ગરમીને લીધે પાણી અને બીજા બાષ્પીભવન થઈને ઊડી જાય તેવા વાયુઓ બાષ્પ થઈને ઊડી ગયા છે. શુક્રના વાયુમંડળમાં કાર્બનડાયોક્સાઈડ અને સલ્ફરડાયોક્સાઈડ જેવા વાયુઓની પોતાની ગતિ તેના પરની પલાયનગતિથી ઓછી હોવાથી તે ઊડી શક્યા નથી, પલાયન થઈ શક્યાં નથી. આ વાયુઓએ શુક્રને ઘેરી લીધો છે ત્યાં આ વાયુઓનું ઘટ્ટ વાયુમંડળ છે. આ વાયુઓ ગ્રીનહાઉસ વાયુઓ હોવાથી તે સૂર્યની ગરમીને શોષે છે અને પછી તેને બહાર જવા દેતા નથી. માટે શુક્ર ગ્રહ પર ઉષ્ણતામાન પ૦૦ અંશ સેલ્સિયસ છે અને દિવસે દિવસે વધતું જાય છે અને તેનું વાયુમંડળ પારદર્શક નહીં હોવાથી અને ધરી વાંકી નહીં હોવાથી દિવસ-રાત તે જ ઉષ્ણતામાન રહે છે માટે જ ત્યાં જીવન પાંગળ્યું નથી.

કુદરતી કારણોસર અથવા જો શુક્રના વાયુમંડળમાં ધૂમકેતુ ખાબકે તો કાર્બનડાયોક્સાઈડનું વિઘટન થઈ કાર્બન અને ઓક્સિજન છૂટા પડે કાર્બન તેની સપાટી પર કણોના રૂપે પડે અને તેના વાતાવરણમાં ઓક્સિજનનો આવિર્ભાવ થાય તે જ રીતે સલ્ફરડાયોક્સાઈડનું વિઘટન થઈ સલ્ફર અને ઓક્સિજન ઉત્પન્ન થાય. સલ્ફરના કણો શુક્રની સપાટી પર પડે અને શુક્રના વાયુમંડળમાં ઓક્સિજન ફરતો થઈ જાય. જો આમ થાય તો શુક્ર બીજી પૃથ્વી બને ત્યાં ધૂમકેતુના ખાબક્યાને લીધે પાણી પણ આવે, ઓક્સિજન વાયુમંડળમાં આવે અને તે પૃથ્વી જેવો નંદનવન બની જાય. ત્યાં પછી જીવન પાંગળે, ભવિષ્યમાં આવું બને પણ ખરું. આમ બનવાની ઘણી શક્યતા છે કારણ કે કેટલાય ધૂમકેતુઓ સૂર્યંમાળામાં ચક્કર લવાવે છે. જેમ ૧૯૯૫માં ગુરુમાં ધૂમકેતુ શુમેકર-લેવી-૯ ખાબક્યો હતો તેમ ભવિષ્યમાં એકાદ મોટો ધૂમકેતુ શુક્રમાં ખાબકે પણ ખરો. ક્યારે તે શુક્રમાં ખાબકે છે તેટલી જ વાર છે. જ્યારે આમ થશે ત્યારે જીવનવાળી પૃથ્વીની નજીક જ જીવનવાળી બીજી પૃથ્વી અસ્તિત્વમાં આવશે.

No comments:

Post a Comment