http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=87014
ઉનાળાની રમ્ય સાંજ ખગોળપ્રેમીઓને તારાદર્શન માટે ઘણી મોકળાશ પૂરી પાડે છે
ફાગણ-ચૈત્રના આકાશમાં આંખે ઊડીને આવે એવું જો કોઈ નક્ષત્ર કે રાશિ હોય તો તે સિંહ રાશિ. સિંહ રાશિને ઓળખવા માટે આપણે આકાશમાં અવળું પ્રશ્ર્નાર્થચિહ્ન શોધવું પડે. તેમાં પ્રશ્ર્નાર્થચિહ્નની બિન્દી એ મઘા તારો? મઘા તારાને અંગ્રેજીમાં રેગુલસ (છયલીહીત) કહે છે. મઘા તારાની ખાસ વિશેષતા એ છે કે તે બરાબર રવિમાર્ગ પર આવેલો છે. એટલે કે જે દિવસે સૂર્ય આ બિન્દુએ આવે ત્યારે તે મઘા તારાની પિધાનયુતિ કરે. પણ દિવસે તારા દેખાય નહીં માટે આ પિધાનયુતિ આપણે પૃથ્વી પરથી દિવસે સૂર્યની હાજરીમાં જોઈ શકીએ નહીં. હા, પણ જો આપણે ચંદ્ર પર જઈએ તો એ ઘટના જોઈ શકીએ, કારણ કે ચંદ્ર પર સૂર્ય અને તારા ચંદ્રના કાળાધબ આકાશમાં સાથે પ્રકાશે છે. માટે જ ખગોળવિજ્ઞાનીઓ ભવિષ્યમાં ચંદ્ર પર વેધશાળા સ્થાપશે અને આવી બધી ઘટનાઓ જે પૃથ્વી પરથી જોઈ શકાતી નથી તેને જોશે. સિંહ રાશિના બે ભાગ પડે છે. એક ઉત્તરાફાલ્ગુની અને બીજો ભાગ પૂર્વાફાલ્ગુની. મધા તારો હકીકતમાં સિંહના આગલા પંજામાં છે. મહા મહિનાનું નામ સિંહ રાશિના તારા મઘા પરથી પડ્યું છે અને ફાગણ મહિનાનું નામ પણ સિંહ રાશિના ફાલ્ગુની નક્ષત્ર પરથી પડ્યું છે. હાલમાં સમી સાંજે રાત્રિના પ્રથમ પ્રહરમાં પૂર્વાકાશમાં સિંહ રાશિનો નજારો દૃષ્ટિગોચર થાય છે.
સિંહ રાશિને અનુસરતી બીજી એક વિશાળ રાશિ સિંહની પૂર્વ દિશામાં નજરે ચઢે છે. તે ક્ધયા રાશિ છે. ક્ધયા તેના બે હાથ ફેલાવીને આકાશમાં પડી છે. તેની નાભિમાં એક પ્રકાશિત તારો છે. તે ચિત્રા છે. તેને અંગ્રેજીમાં જાશભફ (સ્પાયકા) કહે છે. ચૈત્ર મહિનાનું નામ આ ચિત્રા પરથી પડ્યું છે. મઘા પૂનમ, ફાલ્ગુની પૂનમ અને ચૈત્રી પૂનમ આ દિવસો દરમિયાન આવે છે. ફાલ્ગુની પૂનમ એટલે હોળી - ચૈત્રી પૂનમ એટલે હનુમાન જયંતી. આ મહિનાઓમાં જ ગૂડીપડવો આવે, શિવાજી જયંતી આવે, રામનવમી આવે, ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર આવે. ચૈત્ર મહિનામાં સૂર્ય ધખે. વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હોય, અથવા આવતી હોય અથવા પતી ગઈ હોય. ઉનાળાની સાંજ બહુ રમ્ય હોય. તારાદર્શન માટે ઘણી મોકળાશ ગણાય.
પુરાતન સમયમાં અગ્નિની શોધ થયા પછી તેને જાળવવા અગ્નિની ધૂણી રાત-દિવસ ધખાવી રાખવી પડતી. પછી તે ધરીના રૂપમાં આવી. સાંઝા ચૂલાના રૂપમાં આવી. આજે પણ પારસીઓ અને અગ્નિહોત્રીઓ રાત-દિવસ અગ્નિની ધૂણી ધખાવી રાખે છે. એ મહાદેવતા અગ્નિ છે. કોઈ પણ ઊર્જાનું સ્વરૂપ અગ્નિ જ છે. અગ્નિ આપણા પેટમાં છે, અગ્નિ બહાર છે. પૂરા બ્રહ્માંડમાં અગ્નિ છે. તેની જ્વાળા દેખાતી ન હોય તે જુદી વાત છે. એરકન્ડિશન્ડ રૂમમાં પણ અગ્નિ તો હોય જ છે. આ પૂરું બ્રહ્માંડ અગ્નિનો ગોળો છે. હોળી સર્વત્ર બળે છે. તે હોળીનું સ્વરૂપ છે. હોળી આવે એટલે ઠંડી રજા લે. ઠંડીનું છેલ્લું તાપણું એટલે હોળી.
ક્ધયા રાશિ ખગોળવિજ્ઞાનીઓ માટે ઘણી રસપ્રદ રાશિ છે. તેમાં મંદાકિનીઓનાં ઝુંડનાં ઝુંડ છે જેને વર્ગો કલસ્ટર કહે છે. ક્ધયા રાશિ એટલી વિશાળ છે કે સૂર્યને તેમાંથી પસાર થતાં મહિનો નહીં પણ દોઢ મહિનો લાગે છે.
સિંહ રાશિની અગ્નિ દિશામાં હસ્ત નક્ષત્ર છે. હસ્ત નક્ષત્રનો આકાર હાથ જેવો છે. તે પાંચ આંગળીએ રહેલા પાંચ તારાથી ઓળખાય છે. રાત્રિ આકાશમાં હસ્ત નક્ષત્ર સ્પષ્ટ દેખાય છે. ભાદરવા મહિનામાં સૂર્ય હસ્ત નક્ષત્ર રાશિમાં પહોંચે છે, ત્યારે ચોમાસાની સમાપ્તિ થાય છે. ચોમાસાની સમાપ્તિની છડી પોકારવા હાથિયો ગાજે છે. હાથિયો ગાજે એટલે સમજવું કે વરસાદ ગયો. આકાશની ઋતુઓની, તારા-નક્ષત્રોની કથા રમ્ય છે.
આ દિવસો દરમિયાન સપ્તર્ષિ દર્શન દેતા હોય છે. તે સિંહ રાશિની ઉત્તરે છે. ઉત્તર દિશા નક્કી કરવા સપ્તર્ષિ જ વધારે સગવડ ભરેલો છે. આપણા પૂર્વજોએ આ તારાનાં નામો સપ્તર્ષિના નામે રાખ્યાં છે, કારણ કે એ સપ્તર્ષિઓ ખગોળવિજ્ઞાનીઓ હતા. તે ઉત્તરાખંડમાં વસતા હતાં. ધ્રુવના તારાને દર્શાવનાર સપ્તર્ષિના હેન્ડલની વિરુદ્ધના તારા ક્રતુ અને પુલહ છે.
આ મહિનાઓ દરમિયાન મુંબઈથી એક વધુ વિખ્યાત તારો દક્ષિણ દિશામાં નજરે પડે છે. તે અગસ્ત્યનો તારો છે. તેને હાલમાં દક્ષિણ ધ્રુવના તારા તરીકે લેવાય છે. જોકે તે વાસ્તવિક દક્ષિણ ધ્રુવથી થોડો દૂર છે. અગસ્ત્યમુનિ દક્ષિણ ભારતમાં જ્ઞાન અને શિક્ષણનો ફેલાવો કરવા ગયા હતા. તેની યાદમાં દક્ષિણ આકાશના પ્રકાશિત તારાને અગસ્ત્ય મુનિનું નામ આપવામાં આવ્યું છે. અગસ્તય મુનિ દક્ષિણ એશિયાના દેશોમાં ફર્યા હતા અને તેમણે દક્ષિણ ભારત અને દક્ષિણ એશિયામાં શિક્ષણ અને જ્ઞાનનો ફેલાવો કર્યો હતો. તે જાવા-સુમાત્રા, લંકા, મલેશિયા, થાઈલેન્ડમાં ગયા હતા. ત્યાં અગસ્ત્ય મુનિની મૂર્તિઓ નજરે ચઢે છે. આજે પણ અંતરીક્ષયાનો અગસ્ત્યના તારાને ધ્યાનમાં રાખી દિશા જાણે છે. માટે તે અંતરીક્ષયાનોની દીવાદાંડી છે, તે આપણાથી ૯૦૦ પ્રકાશવર્ષ દૂર છે. એટલે કે જ્યારે આપણે અગસ્ત્યનો તારો જોઈએ ત્યારે તેની સ્થિતિ આપણે ૯૦૦ વર્ષ પહેલાંની જોઈએ છીએ, ૧૧૧૩ની જોઈએ છીએ. જ્યારે મહંમદ ગઝની ભારતને ધમરોળતો હતો.
અગસ્ત્ય ઋષિ ઋગ્વેદના દૃષ્ટા ઋષિ હતા. તેમની પત્નીનું નામ લોપામુદ્રા હતું. જ્યારે રામ વનવાસમાં હતા ત્યારે તેઓ અગસ્ત્ય ઋષિના આશ્રમે આવ્યા હતા.
રાત્રિ આકાશની મઝા માણવી હોય તો ગામ અને શહેરની લાઈટોથી દૂર જવું જોઈએ. લોનાર ઉલ્કાકુંડના કાંઠે કે દહાણુ - ચાંચણ - બોરડીના દરિયાકાંઠે. નવેમ્બરમાં એક પ્રકાશિત ધૂમકેતુ પૃથ્વીના આકાશમાં દર્શન દેવાનો છે. એક એવી ખાનગી સ્પેસ એજન્સી ઊભી થઈ છે જે આપને રૂ. પચીસ લાખમાં તે ધૂમકેતુની નજીક લટાર મરાવશે.
ઉનાળા દરમિયાન વૃષભ, રોહિણી, કૃત્તિકા, વ્યાધ, મૃગ, મિથુન, કર્ક નક્ષત્ર વગેરે પ્રકાશિત તારકસમૂહો તો દેખાશે જ પણ એક નાનું પણ રસપ્રદ નક્ષત્ર પણ દેખાશે. તે રાશિ કે નક્ષત્ર નથી પણ તારક સમૂહ છે તે દક્ષિણમાં નર-તુરંગ નક્ષત્રની નીચે છે. નર-તુરંગ એટલે નર અને અશ્ર્વ, તેમાં બે પ્રકાશિત તારા જય - વિજય કે મિત્ર અને મિત્રક છે. તે સ્વર્ગના દ્વારપાળો છે. ત્રિશંકુ બરાબર તેની નીચે છે. ત્રિશંકુ સ્વર્ગના દ્વારે છે.
ત્રિશંકુની કથા બહુ જ વિખ્યાત છે. રાજા ત્રિશંકુને સ્વર્ગમાં જવું હતું. ઋષિ વિશ્ર્વામિત્રને તેણે વિનંતી કરી. વિશ્ર્વામિત્રે તો ત્રિશંકુને સ્વર્ગમાં મોકલ્યો. ત્રિશંકુ સ્વર્ગને દ્વારે આવ્યો. ઈન્દ્રને કોઈ મૃત્યુલોકનો માનવી સદેહે સ્વર્ગમાં આવે તે પસંદ ન હતું, તેણે ત્રિશંકુને નીચે ફેંક્યો. આ તો વિશ્ર્વામિત્રની ઈજ્જતનો સવાલ હતો. તેણે ત્રિશંકુને નીચે જ પડવા નહીં દીધો. આ બે મહાન બળોની (શક્તિઓની) લડાઈમાં બિચારો ત્રિશંકુ આકાશમાં લટકી પડ્યો. શું તે ગુરુત્વાકર્ષણ અને તેની વિરુદ્ધ દિશામાં લાગતા બળોની વચ્ચે સમતુલનમાં આવી ગયો. હાલમાં વૈજ્ઞાનિકોએ લાગ્રાંજ બિન્દુઓ શોધી કાઢ્યા છે. જ્યાં સ્થિત વસ્તુ ન તો બહિર ગતિ કરી શકે ન તો અંદર. આ બિન્દુઓની પ્રથમ શોધ લાગ્રાંજ નામના મહાન ગણિતશાસ્ત્રીએ ૧૮મી - ૧૯મી સદીમાં ગણિતશાસ્ત્રની મદદથી કરી હતી. તે ન્યુટનના ગુરુત્વાકર્ષણ અને ગતિના નિયમોના સમીકરણનો ઉકેલ હતો.
No comments:
Post a Comment