http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=87026
કવીવર રવીન્દ્રનાથ ટાગોરે શું પંચમ જ્યોર્જની પ્રશસ્તિ કરવા માટે આ ગીતની રચના કરી હતી?
આપણા રાષ્ટ્રગીત ‘જન ગણ મન અધિનાયક’માં ‘સિંધ’ શબ્દ અંગે એક વિવાદ ચાલી રહ્યો છે. ઇ. સ. ૧૯૧૧માં રવીન્દ્રનાથ ટાગોરે આ ગીતની રચના કરી ત્યારે સિંધ પ્રાંત અખંડ ભારતનો એક હિસ્સો હતો. આજે સિંધ પાકિસ્તાનમાં છે. તો પછી રાષ્ટ્રગીતમાંથી ‘સિંધ’ શબ્દ કાઢી નાખવો જોઇએ કે નહીં? તેનો વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતમાં સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી પણ કરવામાં આવી છે. જોકે ભારતમાં રહેલા સિંધીઓ આવા કોઇ પણ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે. તેમના માટે આ સંવેદનાત્મક મુદ્દો છે. તેઓ હિન્દુ હોવાના કારણે સિંધમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. હવે આપણા રાષ્ટ્રગીતમાંથી પણ તેમની માતૃભૂમિની હકાલપટ્ટી થઇ જાય એ તેમને મંજૂર નથી.
ભારતના રાષ્ટ્રગીત વિશે આજે જેવો વિવાદ ચાલી રહ્યો છે તેનાથી કંઇક અલગ પ્રકારનો વિવાદ ઇ. સ. ૧૯૧૧થી ૧૯૩૭ સુધી ચાલ્યો હતો. ત્યાર પછી ઇ. સ. ૧૯૪૭માં ભારત જ્યારે આઝાદ બન્યું અને નવું રાષ્ટ્રગીત પસંદ કરવાનો અવસર આવ્યો ત્યારે પણ આ વિવાદે માથું ઊંચક્યું હતું. આ વિવાદ અને તેના મુદ્દા વિશે આપણી આજની નવી પેઢીને ભાગ્યે જ કોઇ જાણકારી હશે.‘જન ગણ મન અધિનાયક’ ગીતની રચના કવીવર રવીન્દ્રનાથ ટાગોરે ઇ. સ. ૧૯૧૧માં કરી હતી. આ ગીત સ્ટેજ ઉપરથી પહેલી વખત ૨૭ ડિસેમ્બર ૧૯૧૧ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૨૭મા અધિવેશનનો, જે કોલકતામાં મળ્યું હતું. અધિવેશનનો પ્રારંભ બંકિમચંદ્ર ચેટરજીએ લખેલા ‘વંદે માતરમ્’ ગીત સાથે થયો હતો. બીજે દિવસે સ્ટેજ ઉપરથી ‘જન ગણ મન’ ગાવામાં આવ્યું હતું.
કોંગ્રેસના જે અધિવેશનમાં ‘જન ગણ મન’ ગીત પહેલી વખત ગાવામાં આવ્યું તેના ત્રણ જ દિવસ પછી ઇંગ્લેંડના રાજા પંચમ જ્યોર્જ કોલકતાની મુલાકાતે આવવાના હતા. કવીવર રવીન્દ્રનાથ ટાગોરના ગીતમાં ‘જય હે ભારત ભાગ્યવિધાતા’ તરીકે જે વ્યક્તિનો ઉલ્લેખ હતો તે ઇંગ્લેંડના રાજા જ હતા, એવું લોકોએ સ્વાભાવિક જ માની લીધું હતું. રવીન્દ્રનાથ ટાગોર એ દિવસોમાં અંગ્રેજ સલ્તનતના પ્રશંસક હતા એ જાણીતી વાત હતી. હકીકતમાં ઇંગ્લેંડના રાજાની આરતી ઉતારવા માટે જ તેમણે તેમના ભારતમાં આગમન પ્રસંગે આ ગીતની રચના કરી હતી.
કોલકતામાં કોંગ્રેસના અધિવેશનમાં ‘જન ગણ મન’ પછી ઇંગ્લેંડના રાજા પંચમ જ્યોર્જનું ખુશામત કરતું હિંદી ગીત કોંગ્રેસી ગાયક વૃંદ તરફથી રજૂ કરવામાં આવ્યું હતું. તે દિવસોમાં કોંગ્રેસી નેતાઓ પણ બ્રિટિશ તાજની ખુશામત કરવામાંથી ઊંચા નહોતા આવતા એટલે આ બાબતમાં કોઇને પણ કંઇ અજુગતું નહોતું લાગતું. કોલકતાના અંગ્રેજી દૈનિક ‘ધ ઇંગ્લિશમેન’માં બીજા દિવસે કોંગ્રેસના અધિવેશનનો અહેવાલ છપાયો હતો. તેમાં પણ સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે ‘અધિવેશનની કાર્યવાહીનો પ્રારંભ કવિ રવીન્દ્રનાથ ઠાકુરે ઇંગ્લેંડના રાજા પંચમ જ્યોર્જના સ્વાગત માટે ખાસ તૈયાર કરેલા ‘જન ગણ મન’ ગીત સાથે કરવામાં આવ્યો હતો.’ રવીન્દ્રનાથ ટાગોરે આ હેવાલ વાંચ્યો હતો પણ તેને રદિયો નહોતો આપ્યો. જોકે તે દિવસે ‘ધ બેંગાલી’ નામના અખબારે એવો રિપોર્ટ પ્રગટ કર્યો હતો કે ‘અધિવેશનની કાર્યવાહી શરૂ થાય તે અગાઉ બંગાળના નામાંકિત કવિ રવીન્દ્રનાથ ઠાકુરે રચેલું દેશભક્તિનું ગીત રજૂ કરવામાં આવ્યું હતું.’
‘જન ગણ મન અધિનાયક’ ગીતમાં ભારતના જે ભાગ્યવિધાતા છે, તે ઇંગ્લેંડના રાજા પંચમ જ્યોર્જ છે કે બીજા કોઇ, એ બાબતમાં રવીન્દ્રનાથ ટાગોરને વારંવાર પ્રશ્ર્નો કરવામાં આવ્યા, પરંતુ તેમણે મૌન જ રહેવાનું પસંદ કર્યું હતું. જોકે બ્રિટિશ સરકાર તો રવીન્દ્રનાથને પોતાના પ્રશંસક જ માનતી હતી. એટલે જ તેમણે ઇ. સ. ૧૯૧૫માં ટાગોરને ‘નાઇટહૂડ’ એટલે કે ‘સર’નો ખિતાબ આપ્યો હતો. આ ખિતાબ બ્રિટિશ તાજના વફાદાર પ્રજાજનને જ આપવામાં આવતો હતો. રવીન્દ્રનાથ ટાગોરે આ ખિતાબનો રાજીખુશીથી સ્વીકાર કર્યો હતો. તેને કારણે એ માન્યતા મજબૂત બની હતી કે ‘જન ગણ મન’ ગીત રાજા પંચમ જ્યોર્જની જ આરતી ઉતારવા માટે રચવામાં આવ્યું છે અને રાજાએ ટાગોરને ‘નાઇટહૂડ’ની નવાજેશ કરીને આ વફાદારીનો બદલો ચૂકવી આપ્યો છે.
‘જન ગણ મન’ ગીતની રચના કરવામાં આવી ત્યારે ભારતની અને બંગાળની રાજકીય પરિસ્થિતિ કેવી હતી તેનો અભ્યાસ કરવાથી પણ આ ગીતના પ્રયોજનનો ખ્યાલ આવે છે. ઇ. સ. ૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા તેના ઘેરા પ્રત્યાઘાતો આખા હિન્દુસ્તાનમાં પેદા થયા હતા. કોંગ્રેસી આગેવાનોએ આ ભાગલાનો વિરોધ કર્યો હતો. ઇંગ્લેંડના રાજા પંચમ જ્યોર્જે કોંગ્રેસી આગેવાનોને વચન આપ્યું હતું કે તેઓ બંગાળને ફરી અખંડ બનાવશે. આ બાબતની સત્તાવાર જાહેરાત કરવા માટે ઇંગ્લેંડના રાજા પંચમ જ્યોર્જ ઇ. સ. ૧૯૧૧ના ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ પ્રસંગે જ ભારતમાં બ્રિટિશ રાજ્યની રાજધાની કોલકતાથી ખસેડીને નવી દિલ્હીમાં તેનું સ્થળાંતર કરવાનું હતું. આ પ્રસંગે ભારતના રાજામહારાજાઓને પંચમ જ્યોર્જના દરબારમાં નવી દિલ્હી ખાતે હાજર થવાનું કહેણ મોકલવામાં આવ્યું હતું.
આખા દેશમાં પંચમ જ્યોર્જની જ ચર્ચા ચાલી રહી હતી. પંચમ જ્યોર્જે ઇ. સ. ૧૯૧૧ની ૧૨ ડિસેમ્બરે નવી દિલ્હીમાં ભવ્ય દરબાર ભર્યો હતો. તેમાં આશરે ૮૦,૦૦૦ પ્રજાજનો હાજર રહ્યા હતા. આ દરબારમાં જ તેમણે બંગાળને ફરી અખંડ બનાવવાની ઘોષણા કરી હતી. અગાઉ બિહાર અને ઓરિસ્સા પ્રાંત પણ બંગાળનો હિસ્સો ગણાતા હતા. નવી રચનામાં પંચમ જ્યોર્જે બે બંગાળનું એકીકરણ કરવાની સાથે બિહાર અને ઓરિસ્સાને તેમાંથી અલગ કરી નાખ્યા હતા. બંગાળીઓએ પણ આ નિર્ણયને વધાવી લીધો હતો. આ જાહેરાત પછી જ કવીવર રવીન્દ્રનાથ ટાગોરે ‘જન ગણ મન’ ગીતની રચના કરી હતી. આ કારણે જ તેમાં ‘પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગ’ એવા શબ્દો મૂકવામાં આવ્યા હતા. અહીં ‘ઉત્કલ’ શબ્દ ઓરિસ્સાનો સૂચક છે અને ‘બંગાળ’ પ્રાંતથી તેને અલગ પાડ્યો છે. રવીન્દ્રનાથ ટાગોરનું ગીત સ્પષ્ટપણે જ પંચમ જ્યોર્જના દરબારની અસર હેઠળ, તેમને ભારતના ભાગ્યવિધાતા ઠરાવવા માટે જ લખવામાં આવ્યું હતું.
‘જન ગણ મન’ ગીતમાં ભારતનો ભાગ્યવિધાતા કોણ છે એ બાબતમાં કવીવર રવીન્દ્રનાથ ટાગોરનું મૌન આશરે ૨૫ વર્ષ ચાલ્યું. એ દિવસોમાં ભારતમાં રાજકીય તખતે ભારે પરિવર્તન થયું હતું. ગાંધીજીની આગેવાની હેઠળ આઝાદીની ચળવળ જોર પકડી રહી હતી. શહીદ ભગત સિંહ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ વગેરે ક્રાંતિવીરોએ ભારતમાં અપૂર્વ ચેતના પ્રગટાવી હતી. હવે બ્રિટિશરો માટે ધિક્કારની લાગણી પ્રબળ બની હતી. રવીન્દ્રનાથ ટાગોરે પણ રાષ્ટ્રીય આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. આ સંયોગોમાં બ્રિટિશ સલ્તનત વિશેના તેમના વિચારો પણ બદલાયા હોય તે શક્ય છે. એટલે તેમણે છેક ઇ. સ. ૧૯૩૭માં ખુલાસો કર્યો હતો કે, ‘જન ગણ મન અધિનાયક ગીતમાં જે ભારતના ભાગ્યવિધાતાની વાત કરવામાં આવી છે એ વિધાતા ઇંગ્લેંડનો રાજા પંચમ જ્યોર્જ નથી પણ સર્વશક્તિમાન ઇશ્ર્વર જ છે.’
જોકે રવીન્દ્રનાથ ટાગોરે મોડે મોડે કરેલો આ ખુલાસો પણ જલદીથી ગળે ઊતરે તેવો નહોતો. રવીન્દ્રનાથ ટાગોરે જ્યારે ‘જન ગણ મન’ ગીતની રચના કરી ત્યારે તેમાં કુલ પાંચ પરિચ્છેદો હતા. આ ગીતના અંતિમ ફકરામાં નીચે મુજબ પ્રશસ્તિ હતી, ‘જય જય જય દે, જય રાજેશ્ર્વર, ભારત ભાગ્ય વિધાતા.’ આ કડીમાં જે ‘રાજેશ્ર્વર’ શબ્દ હતો એ સ્પષ્ટ રીતે પંચમ જ્યોર્જને ઉદ્દેશીને જ લખવામાં આવ્યો હતો. રવીન્દ્રનાથ ટાગોરે પોતે જ સંસ્કૃતમાં રચાયેલા ગીતનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. તેમાં ‘રાજેશ્ર્વર’ શબ્દનું ભાષાંતર ‘કિંગ ઓફ ઓલ કિંગ્સ’ તરીકે કરવામાં આવ્યું હતું. ઇ. સ. ૧૯૧૧માં આ ગીતની રચના કરવામાં આવી ત્યારે પંચમ જ્યોર્જની પ્રશસ્તિ પણ કિંગ ઓફ કિંગ્સ તરીકે જ કરવામાં આવતી હતી.
ઇ. સ. ૧૯૪૭માં જ્યારે ભારતને આઝાદી આપવાની વાત આવી ત્યારે મોટા ભાગના નેતાઓ બંકિમચંદ્રના ગીત ‘વંદે માતરમ્’ને જ રાષ્ટ્રગીત બનાવવા માગતા હતા. ભારતના લાખો સ્વતંત્રતા સૈનિકોનું પ્રિય ગીત આ જ હતું. ‘વંદે માતરમ્’ ગીત ભારતની માતૃભૂમિને ઉદ્દેશીને લખાયેલું હોવાથી મુસ્લિમો તેનો વિરોધ કરતા હતા. તેઓ અલ્લાહ સિવાય કોઇને પણ વંદન કરવામાં નહોતા માનતા, જ્યારે આ ગીતમાં માતૃભૂમિને એટલે કે ભારતમાતાને દેવી કલ્પીને તેને વંદન કરવાની વાત હતી. મુસ્લિમોના વિરોધને કારણે કોંગ્રેસના અધિવેશનમાં પાછળથી આખું ‘વંદે માતરમ્’ ગાવાને બદલે તેની પ્રથમ બે પંક્તિઓ જ ગાવામાં આવતી હતી, જેમાં ભારતની માત્ર ભૌગોલિક સમૃદ્ધિનું જ વર્ણન છે, એમ કહીને મુસ્લિમોનું મન મનાવી લેવામાં આવ્યું હતું.
મુસ્લિમોને તેમનો અલગ દેશ મળી ગયો તે પછી ભારતને ‘વંદે માતરમ્’ ગીત રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં કોઇ વાંધો આવે તેમ નહોતો. પરંતુ કોઇ અકળ કારણોસર પંડિત નેહરુએ બંધારણ સભા ઉપર દબાણ લાવી ‘જન ગણ મન અધિનાયક’ને ભારતના રાષ્ટ્રગીત તરીકે મંજૂર કરાવી દીધું. આ દબાણને કારણે જ બંધારણ સભાએ ‘રાષ્ટ્રવિધાતા’ કોણ, એ ચર્ચા જ કરી નહીં. જોકે ‘જન ગણ મન’ ગીતના પ્રથમ ફકરાને જ રાષ્ટ્રગીત તરીકે માન્ય રાખવામાં આવ્યો એટલે તેમાં જે ‘રાજેશ્ર્વર’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પ્રજા ભૂલી ગઇ.
No comments:
Post a Comment