Thursday, February 26, 2015

‘આ બંધારણને બાળી નાખવામાં હું સૌથી પહેલો હોઈશ’ --- સૌરભ શાહ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=148518




‘સર, મારા મિત્રો મને કહ્યા કરે છે કે ભારતનું બંધારણ (સંવિધાન, કૉન્સ્ટિટ્યુશન) મેં ઘડ્યું છે. પણ હું છાતી ઠોકીને કહું છું કે આ બંધારણને બાળી નાખવામાં હું સૌથી પહેલો હોઈશ. મારે એ નથી જોઈતું. એ કોઈનુંય ભલું કરે એમ નથી...’

બે-ચાર હાર્ટ ઍટેક સામટા આવી જાય એવી હકીકત એ છે કે આ શબ્દો ‘ભારતના બંધારણના ઘડવૈયા’ તરીકે જેમને સ્થાપી દેવામાં આવ્યા છે તે ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ઉર્ફે બાબાસાહેબ આંબેડકરના છે. આ શબ્દોના સંદર્ભો માટે જુઓ: પ્રોસીડિંગ્સ ઑફ ધ કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ (રાજ્યસભા), ૨ સપ્ટેમ્બર ૧૯૫૩, - કૉલમ: ૮૬૪-૮૦ અને ૩ સપ્ટેમ્બર, ૧૯૫૩ - કૉલમ: ૯૯૭-૧૦૦૩.

આંધ્ર પ્રદેશની નોખા રાજ્ય તરીકે રચના અંગે રાજ્યસભામાં ચર્ચા ચાલતી હતી ત્યારે બાબાસાહેબ આંબેડકરના આ શબ્દો બોલાયા. આંબેડકર આવેશમાં આ શબ્દો બોલી ગયા હતા? ના. એ આપણે પાછળથી જોઈશું. આંબેડકરના આ વિધાન અંગે પ્રતિક્રિયા આપતાં તે વખતના મદ્રાસ રાજ્યના યુવાન સભ્ય કે. એસ. હેગડેએ (પાછળથી તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા અને તે પછી લોકસભાના સ્પીકરપદે પણ રહ્યા હતા) રાજ્યસભાના સભ્યો સમક્ષ કહ્યું હતું કે જેમને એક પ્રધાન તરીકે બંધારણ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હોય તે પોતે જ બંધારણને બાળી નાખવાની વાત કરતા હોય તે ભારે આઘાતજનક કહેવાય. હેગડેએ કહ્યું, ‘તેઓ (આંબેડકર) શું સારો દાખલો બેસાડી રહ્યા છે? મને દુ:ખ થાય છે કે ડૉ. આંબેડકર ગૃહની નિંદા કરીને ગૃહમાંથી બહાર નીકળી ગયા. તેઓ જો ગૃહને હલકું ચીતરવા માગતા હોય તો એમના નિવેદનની પ્રતિક્રિયા સાંભળવાની તૈયારી પણ એમનામાં હોવી જોઈએ. બહુ જ હળવા શબ્દો વાપરીને હું કહું તો આંબેડકર જ્યારે કહે છે કે આ બંધારણ સાથે પોતે સહમત થતા નથી ત્યારે તેઓ નિર્લજ્જપણે એવી ઘોષણા કરે છે કે એક બનાવટને, એક ઠગાઈને, છેતરામણીને તેઓ શાશ્ર્વતી બક્ષી રહ્યા છે. એમની આખી જિંદગી આવા અનેક વિરોધાભાસોથી ખીચોખીચ છે. આરંભે તેઓ જાતિવાદના જોરે આગળ આવવા મથ્યા અને હવે એ ભૂતકાળમાંથી બહાર નીકળવા માટે ઘણું મોડું થઈ થઈ ચૂક્યું છે. મને એમના માટે માત્ર દયા આવે છે...’

કે. એસ. હેગડેના વિધાનનું છેલ્લેથી બીજું વાક્ય સૂચક છે. આંધ્ર પ્રદેશની રચના કરવાની ચર્ચા દરમ્યાન આંબેડકરે ભાષાવાદ અને જાતિવાદને કારણે દેશના ટુકડેટુકડા ન થઈ જાય એ વિશે સલાહો આપી હતી. આંબેડકરના રાજયસભામાં બોલાયેલા પેલા શબ્દો, ક્ષણિક આવેશ નહોતો. આ જ શબ્દો એમણે ત્રણ વર્ષ પછી, પોતાના મૃત્યુ (છ ડિસેમ્બર, ૧૯૫૬ના થોડાક મહિના અગાઉ રાજકીય બાબતોના અભ્યાસી તથા જીવનકથાકાર માઈકલ બ્રેકરને કહ્યા હતા. બ્રેકરે આંબેડકરના એ શબ્દોને ઑફસફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રગટ થયેલા પોતાના પુસ્તક ‘નેહરુ અ પોલિટિકલ બાયોગ્રાફી’ના ૪૨૩મા પાને ટાંક્યા છે.

ભારતનું નવું બંધારણ ઘડવા માટેની બંધારણીય સભાની રચના કરવા માટે પ્રાંતીય ધારાસભાઓની ૧૯૪૬માં ચૂંટણી થઈ. કુલ ૧૫૮૫ બેઠકોમાંથી આંબેડકરના શેડયુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનને માત્ર એક જ બેઠક મળી. એટલું જ નહીં, બૉમ્બે પ્રેસિડન્સીની ૧૭૫ બેઠકોમાંથી ક્યાંય આંબેડકરના ફેડરેશનને સમ ખાવા પૂરતી એક બેઠક પરથી પણ જીત ન મળી. છેવટે, ધનંજય કીર દ્વારા લખાયેલી આંબેડકરની જીવનકથામાં જણાવ્યા મુજબ, આંબેડકર મુસ્લિમ લીગની મદદ લઈને બંગાળમાંથી ચૂંટાયા. પણ પછી તો બંગાળના ભાગલા થયા એટલે આંબેડકરનો મતવિસ્તાર પૂર્વ પાકિસ્તાનમાં જવાનો થયો. આંબેડકરના સદ્નસીબે કૉન્ગ્રેસે નવ-ભારતની રચનાની આગલી સંધ્યાએ આ તમામ ખરડાયેલો ભૂતકાળ દાટી દેવાનું નક્કી કર્યું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સરદાર વલ્લભભાઈ પટેલે મુંબઈ સ્ટેટના તે વખતના મુખ્ય પ્રધાન બી. જી. ખેરને સૂચના આપી અને તે મુજબ મુંબઈની બેઠક પરના લાયક ઉમેદવારોને ઉમેદવારી ન નોંધાવવા માટે સમજાવી દેવામાં આવ્યા અને આંબેડકર મુંબઈથી ચૂંટણી જીતીને બંધારણીય સભામાં જાય એવી સગવડ કરી આપવામાં આવી. આંબેડકર પોતે પહેલેથી જ બંધારણીય સભાની રચનાના વિરોધી હતા. ૧૯૪૫ની ૭મી મેએ શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશને એક ઠરાવ પસાર કર્યો હતો જેના શબ્દો આંબેડકરના પોતાના હતા. એ ઠરાવમાં સપ્રુ કમિટીએ કરેલા બંધારણીય સભા રચવાના સૂચનને સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવ્યું હતું. બંધારણીય સભા બોલાવવાના મૂળભૂત વિચારનો જ એ ઠરાવે વિરોધ કર્યો હતો.

આંબેડકરના આ વિચારો ૧૯૪૬ના આખાય વર્ષ દરમ્યાન પણ રહ્યા. ૧૯૪૬ની ૯મી ડિસેમ્બરે બંધારણીય સભાની પ્રથમ બેઠક મળી તેના થોડાક દિવસ પહેલાં પણ આંબેડકર બંધારણીય સભાનો વિરોધ કરતા રહ્યા. આ બાબતના પુરાવા તમને ‘ટ્રાન્સફર ઑફ પાવર’ના નવમા ગ્રંથના પૃષ્ઠ ૧૯૭-૬૯૮ પરથી મળે છે. બંધારણીય સભાની પ્રથમ બેઠકના માંડ પખવાડિયા પહેલાં, નવેમ્બર, ૧૯૪૬માં, આંબેડકર મુસ્લિમ લીગની સાથે મળીને બંધારણીય સભાના તીવ્ર વિરોધનો જુવાળ ફેલાવે એવી પૂરેપૂરી શક્યતા હતી. ૨૭ નવેમ્બર, ૧૯૪૬ના રોજ રવાના થયેલા ‘પ્રાઈવેટ ઍન્ડ સીક્રેટ’ સંદેશામાં વાઈસરૉય લૉર્ડ વેવલે બ્રિટનના વિદેશ પ્રધાનને જણાવ્યું: ‘ધ ઑલ ઈન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશન (જેના આંબેડકર સર્વેસર્વા હતા) દ્વારા જાહેરાત થઈ છે કે ટૂંક સમયમાં જ તેઓ નિર્ણય લેશે કે બંધારણીય સભાની કાર્યવાહીનો બહિષ્કાર કરવો કે નહીં, અત્યારે તો તેઓ એવું જ કરશે એવું લાગે છે, અને જો તેઓ એવું કરે તો એનો અર્થ એ થશે કે તેઓ મુસ્લિમ લીગ સાથે ભળી ગયા છે.’

આ વાતની જાણ ભારતની આઝાદી માટે લડી રહેલા સૌ નેતાઓને હતી. રાજકારણમાં વિરોધીઓને પોતાની પાંખમાં લઈ લેવાનો કે ચૂપ કરી દેવાનો શ્રેષ્ઠ ઉપાય ક્યારેક એ પણ હોય છે કે વ્યક્તિ જેનો વિરોધ કરી રહી હોય એ જ જવાબદારી એને સોંપી દેવી. ડૉ. બાબાસાહેબ આંબેડકરના કિસ્સામાં એવું જ બન્યું હતું.

--------------------

કાગળ પરના દીવા

જીવનનો વિરોધી શબ્દ મૃત્યુ નથી, અવગણના છે.

- એલી વીઝેલ

--------------------

સન્ડે હ્યુમર

કૉન્વેન્ટ સ્કૂલની એક ટીનેજર ગુજરાતી વિદ્યાર્થિની એક છોકરાને ગુજરાતીમાં પ્રેમપત્ર લખતાં પકડાઈ ગઈ.

શિસ્તપ્રિય પ્રિન્સિપાલે એને બોલાવીને કડક શબ્દોમાં ખખડાવી અને કહ્યું, ‘હવેથી ઇંગ્લિશમાં જ લખવાનું, શું સમજી?’

No comments:

Post a Comment