Showing posts with label ગીતા માણેક. Show all posts
Showing posts with label ગીતા માણેક. Show all posts

Saturday, September 24, 2016

આપણાં સંતાનોના આપણે શુભચિંતક છીએ કે સાત ભવના વેરી? -- ગીતા માણેક

યે જો હૈ ઝિંદગી - ગીતા માણેક


આઠ વર્ષનો અર્ણવ મુંબઈની ખૂબ જ પ્રતિષ્ઠિત અને મોંઘીદાટ ફી વસૂલ કરતી ઇન્ટરનેશનલ બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલના ચોથા ધોરણમાં ભણે છે. બે દીકરીઓ બાદ આ ત્રીજું સંતાન એટલે કે પુત્ર-રત્ન તેના મોમ, ડેડ, ગ્રાની એન્ડ ગ્રાન્ડપા (અરે, દાદા-દાદી જ સ્તો!)નો અતિશય લાડકો છે. બિઝનેસમેન પપ્પાની બીએમડબલ્યુ રોજ તેને સ્કૂલે મૂકવા જાય છે. તે એરકન્ડિશનર કારમાં સ્કૂલે જાય છે, સ્કૂલના એરકન્ડિશનર વર્ગમાં ભણે છે, એરકન્ડિશનર બેડરૂમના બેડ પર બેસી પ્લેસ્ટેશન પર ફૂટબોલ રમે છે. વેકેશનમાં તેના ફ્રેંડ્સ તેના ઘરે આવે છે ત્યારે તે તેના મામાએ તેને ગિફ્ટમાં આપેલા સ્માર્ટફોનથી પિત્ઝા, બર્ગર અને કોલ્ડ ડ્રીંક્સ ઓર્ડર કરી સ્નેક્સ કરે છે. સંપૂર્ણ શાકાહારી ગુજરાતી પરિવારનો અર્ણવ ચિકન બર્ગર અને મટન બિરિયાની આરોગે છે, કારણ કે તેની મમ્મી માને છે કે નોન-વેજિટેરિયન વાનગીઓ ખાવાથી જ શરીરમાં તાકાત આવે છે અને પાછું અર્ણવે તો ભવિષ્યમાં હાયર એજ્યુકેશન લેવા ફોરેન જવાનું છે એટલે તેણે નોન-વેજ ખાવાની ટેવ તો પાડવી પડેને! જોકે છેલ્લા કેટલાક દિવસથી આ ગુજરાતી પરિવારના ઘરમાં દરરોજ સવારથી મહાભારત મંડાય છે, કારણ કે અર્ણવને માટે બ્રેકફાસ્ટમાં ઘઉંના ફાડાનો ઉપમા પીરસવામાં આવે છે અને સોફ્ટ ડ્રીંકને બદલે ફ્રૂટ જ્યુસ આપવામાં આવે છે. આવું બધું હોસ્પિટલનું ફૂડ અર્ણવ અડવા પણ તૈયાર નથી અને એટલે દરરોજ ઘરમાં રડારોળ અને ધમપછાડા થાય છે. આઠ વર્ષના અર્ણવનું વજન ૬૦ કિલોને આંબી ગયું છે અને એને કારણે અર્ણવના ઘૂંટણ પર એટલું બધું વજન આવે છે કે તે ચાલે તો પણ તેના ઘૂંટણ દુખવા માંડે છે. આને કારણે ડોક્ટરે અર્ણવના ખાવા-પીવા પર કાપ મૂકી દીધો છે.

અર્ણવનો કિસ્સો કંઈ અપવાદરૂપ કિસ્સો નથી. હિંદુસ્તાનના મુંબઈ, દિલ્હી, અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ કે કલકત્તામાં પણ તમને વત્તા-ઓછા અંશે આવા જ અનેક અર્ણવો અને અવનિઓ મળી આવશે.

અર્બન ઇન્ડિયા એટલે કે આપણા દેશના શહેરી વિસ્તારોમાં ખાસ કરીને શ્રીમંત, ઉચ્ચ મધ્યમવર્ગ અને હવે તો કેટલાક મધ્યમવર્ગના પરિવારોમાં પણ ખાવા-પીવાની આદતો અને બેઠાડું જીવનશૈલીને કારણે પ્રૌઢ લોકોમાં અને યુવાનોમાં જાતભાતના રોગ પગ પસરાવીને બેસી ગયા છે જ, પણ હવે તો બાળકો પણ એમાંથી બાકાત નથી રહ્યાં.

મુંબઈની એક સરકારી હોસ્પિટલ દ્વારા તાજેતરમાં ૧૧થી ૧૫ વર્ષનાં બાળકો પર એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જે દર્શાવે છે કે મુંબઈના ૧૦૦માંથી ૬૨ બચ્ચાંલોગના લિવર પર ચરબીના થર જામ્યા છે. આ બાળકો જાડાં-પાડાં અને કેટલાંક તો આપણે અગાઉ જેની વાત કરી તે અર્ણવ જેવાં અદોદળાં છે. જેમના પર આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું તેમાંનાં ૩૫ ટકા બાળકોને લિવર સોરાયસિસ થવાની સંભાવના છે એવું ડોક્ટરોએ કહ્યું હતું. આ હોસ્પિટલના ડોક્ટર કહે છે કે અગાઉ ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ખાસ કરીને જેઓ શરાબના વ્યસનીઓ હોય તેમનામાં જ લિવર સોરાયસિસનો રોગ જોવા મળતો હતો. ત્યારબાદ ૩૦-૩૫ વર્ષના યુવાનોમાં આ રોગ દેખાવા માંડ્યો અને હવે તો બાળકોને પણ લિવર સોરાયસિસ થવા માંડ્યો છે. એક વાત તો બધા જાણે જ છે કે શરીરમાં લિવર એ બહુ જ મહત્ત્વનું અંગ છે અને એકવાર લિવર ખરાબ થયું પછી તેને સાજું કરવું બહુ અઘરું છે.

જે બચ્ચાંઓ પર આ સર્વેક્ષણ કરવામાં આવ્યું તેમના રિપોર્ટસ જોઈને ડોક્ટરોએ એવા તારણ કાઢ્યાં છે કે એમાંનાં ૬૬ ટકા બાળકોને બહુ જ ટૂંકા ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની સંભાવના છે, ૬ બાળકોમાં તો અત્યારે જ હાયપરટેન્શન એટલે કે હાઇ-બ્લડપ્રેશરનાં લક્ષણો દેખાયાં હતાં અને ૧૮ બાળકોના શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હતું. ફરી યાદ કરાવી દઈએ કે આ બધાં બાળકોની ઉંમર ૧૧થી ૧૫ વર્ષની વચ્ચેની છે!

આમાંના ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરનારા (મતલબ તમારા-મારા જેવા પરિવારનાં બાળકો)માં મેદસ્વીતા અને અદોદળાપણું વધુ જોવા મળ્યું હતું. આ બાળકો અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત પિત્ઝા, બર્ગર અને સોફ્ટ ડ્રીંક્સ એટલે કે બાટલીઓમાં ભરી-ભરીને વેચાતા કાળા,નારંગી અને સફેદ રંગના એરેટેડ વોટર પીએ છે એવું તેમણે કબૂલ કર્યું હતું.

જોકે જે પ્રકારની જીવનશૈલી આપણે આપણાં બાળકોને આપી છે એમાં આવા રિપોર્ટ ન આવે તો નવાઈ પામવા જેવું છે. લગભગ દરેક ગુજરાતી પરિવારમાં બા, મમ્મી કે હવેના જમાનામાં બાઈઓ જમવાની થાળી કે વાટકો લઈને નાના-નાના ભૂલકાંઓની પાછળ-પાછળ ઘૂમતી આપણને જોવા મળે છે. ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં તો જાણે બાળકો પ્રત્યે પ્રેમ પ્રગટ કરવાની એક જ રીત લોકો જાણે છે અને એ છે સ્વાદિષ્ટ (પછી ભલેને એ બાળકના આરોગ્ય માટે ગમે તેટલું હાનિકારક કેમ ન હોય) ભોજન જમાડવાનું. જેની વાતથી આ લેખની શરૂઆત કરી હતી તે અર્ણવને તેની મમ્મી ખીચડી ખવડાવતી તો એ પણ દૂધ નાખીને નહીં પણ દૂધની મલાઈના દોથે-દોથા ભરીને. અમારા પરિચયમાં એક મહિલા છે જે તેમની એકની એક દીકરીને રીતસર મારી-મારીને જમાડતી હતી. મતલબ કે છોકરીની મમ્મીએ થાળીમાં જેટલી વાનગીઓ અને જેટલી માત્રામાં પીરસી હોય એટલી તે છોકરી પૂરી ન કરે તો તેને રીતસર માર પડતો. આની પાછળનું કારણ તેની મમ્મીના કહેવા મુજબ એ હતું કે તેની દીકરીને તે પ્રેમ કરતી હતી અને તેને પેટ ભરીને જમાડવા માગતી હતી. જોકે એક કારણ એ પણ હતું કે જો તેની દીકરી ભૂખી રહી જાય અને અડધી રાતે ઊઠે તો મમ્મીની ઉંઘ પણ ડિસ્ટર્બ થાયને! એના કરતાં પહેલાંથી જ દીકરીનું પેટ ઠાંસીઠાંસીને ભરી દેવાનું એટલે વહેલી પડે સવાર. ૧૨ વર્ષની આ છોકરી હવે દિવસમાં ત્રણ વાર થાળી ભરી-ભરીને અને ચીઝ, બટરથી ભરેલી વાનગીઓ ઝાપટે છે અને તેનું વજન તેની ઉંમરની છોકરીઓ કરતાં ઘણું વધુ છે.

આધુનિક યુગમાં ન મમ્મી-પપ્પાઓ શારીરિક પરિશ્રમ કરે છે કે ન તેમના બચ્ચાંઓ. પપ્પાઓ કમ્પ્યુટર પર બેસીને શેરની લે-વેચ કરે છે કે પછી એરકન્ડિશનર ઑફિસોમાં બેસીને બિઝનેસ કરે છે અને મમ્મીઓ ટેલિવિઝન સામે બેસી રહે છે કે સ્માર્ટફોનમાંથી મોં ઊંચું નથી કરતી. આધુનિક મા-બાપ પોતપોતાની આર્થિક ક્ષમતાઓને વળોટીને પણ જાતભાતના ગેજેટ્સ બચ્ચાંઓને ગિફ્ટમાં આપે છે. ઉપરાંત મહાનગરોમાં બાળકોને રમવા માટેની જગ્યા પણ ઉપલબ્ધ હોતી નથી. આવા સંજોગોમાં બાળકો ટેલિવિઝન,કમ્પ્યુટર કે ફોનની સ્ક્રીન સામે બેસી રહે છે અને આ વર્ચ્યુલ વર્લ્ડ તેમને બીજું કંઈ આપતું હોય કે ન આપતું હોય પણ ઘણા બધા શારીરિક અને માનસિક રોગ તેમના શરીરમાં ફ્રીમાં ડાઉનલોડ કરી આપે છે.

માનસશાસ્ત્રીઓ કહે છે કે જેઓ હતાશા, નિરાશાનો સામનો કરી રહ્યાં હોય, એકલતા અનુભવતા હોય કે ઉદાસ હોય એવા લોકોમાંના મોટાભાગના લોકો જાતભાતની વાનગીઓ ખાઈ-ખાઈને મનને ખુશ રાખવાનો નિષ્ફળ પ્રયાસ કરતા રહે છે. કેટલાય લોકો પેટમાં વાનગીઓ ઠાલવી-ઠાલવીને મનનો ખાલીપો પૂરવાની કોશિશ કરતા રહે છે. મનનો ખાલીપો તો ભરાતો નથી પણ ખાઈ-ખાઈને જીભને (હકીકતમાં તો મનને) સ્વાદ આવે છે પણ શરીર રોગી થતું જાય છે.

જે રીતે આપણે આપણાં બાળકોને ફાસ્ટ-ફૂડ અને ચરબીયુક્ત ખોરાક ખવડાવી રહ્યા છીએ ક્યારેક લાગે છે કે આપણે ખરેખર તેમને વહાલ કરીએ છીએ ખરાં? આપણામાંના ઘણાબધા લોકો ભલે આપણી જાતને તેમના શુભચિંતક ગણાવતા હોઈએ પણ હરકતો તો એવી કરીએ છીએ કે કોઈ દુશ્મન પણ ન કરે. આપણાં બાળકોના સ્વાસ્થ્યને હાનિકારક વસ્તુઓ ખવડાવી-પીવડાવી આપણે પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દાવો કરીએ છીએ પણ હકીકતમાં તો આપણે તેમને વારસામાં બીમારીઓ આપી રહ્યા હોઈએ છીએ. આટલું ઓછું હોય એમ રમતગમત કે શારીરિક શ્રમથી આ બાળકો કિલોમીટરના કિલોમીટર દૂર હોય છે. મુંબઈની શાળાઓના પી.ટી. શીખવતા શિક્ષકો હોય કે ફિટનેસ ટ્રેનર બધાં જ માથું કૂટે છે, કારણ કે આ પેઢીને આપણે એટલી પપલાવી-પપલાવીને રાખી છે કે તેઓ સાદામાં સાદા વ્યાયામ પણ કરી શકતા નથી. એક ફિટનેસ ટ્રેનર તો કહે છે કે જમીન પર ચોક વડે લાઈન દોરીને દસ બાળકોને જો હું એ લાઈન પર કૂદકો મારવાનું કહું તો પાંચથી છ બાળકો સાદો કૂદકો પણ મારી શકતાં નથી. મોટાભાગનાં તો એક સાદો કૂદકો મારતી વખતે પણ સંતુલન જાળવી શકતાં નથી.

એક સમજદાર અને માત્ર પૈસા કમાવા માટે ભૂરાંટા ન થયા હોય એવા ડાયેટિશિયન કહે છે કે બાળકો હોય કે પુખ્ત વયના લોકો જો આપણા દાદા-દાદીઓ જેવું ખાતાં હતાં એવું ખાય અને વ્યાયામ કે શારીરિક પરિશ્રમ કરે તો તેમણે કોઈ પ્રકારના ડાયેટિંગ કરવાની જરૂર ન પડે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે પહેલાં તો આપણે પૈસા ખર્ચીને આડેધડ ખાઈએ છીએ, ચરબીના થર ચડાવીએ છીએ અને પછી એ ઘટાડવા માટે ડાયેટિશિયનો, જિમ ઇન્સ્ટ્રક્ટરો અને ડોક્ટરોના બેન્ક બેલેન્સ તગડાં કરીએ છીએ અને ઈશ્ર્વરે દીધેલી શરીર નામની આ અણમોલ જણસની પત્તરડી ખાંડી નાખીએ છીએ. હવે આ જ સ્થિતિ આપણે આપણા બચ્ચાંઓની પણ કરી રહ્યા છીએ. 

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=194611

Sunday, July 12, 2015

તમારા હાર્ટની કહાણી અમેરિકન હાર્ટ સર્જનની વાણીમાં --- ગીતા માણેક

યે જો હૈ ઝિંદગી - ગીતા માણેક

બે મિનિટમાં તૈયાર થતો આ ખાદ્ય પદાર્થ પૌષ્ટિકતાથી ભરપૂર ન હોઈ શકે એટલું સમજવા માટે એને લેબોરેટરી ટેસ્ટના રિપોર્ટની આવશ્યકતા નહોતી. ટેલિવિઝનની જાહેરખબરો ચીસો પાડી-પાડીને ભલે ગમે તે કહે તોય આવું માની ન શકાય એટલી સામાન્ય બુદ્ધિ આપણામાં હોવી જોઈતી હતી, પરંતુ મેગી જલદી બની જતી હતી. સ્વાદિષ્ટ હતી, એને બનાવવામાં કોઈ કડાકૂટ નહોતી અને જલદીથી એને મોંમાં ઓરીને દોડમાં લાગી જઈ શકાતું હતું એટલે આપણે બધા જ એને પેટમાં પધરાવતા રહ્યા અને ખાસ તો આપણા બચ્ચાંલોગને પીરસતાં રહ્યા.

ડાહ્યા અને સમજદાર લોકો તો કાયમ પ્રોસેસ્ડ ફૂડના વિરોધી રહ્યા છે. કુદરતી અને તાજો ખોરાક ખાવો જોઈએ એવું કહેતા રહ્યા છે. ખેર, આ બધી બાબતો વિશે ઘણું બધું કહેવાઈ અને બોલાઈ ચૂક્યું છે પણ અહીં જે વાત વાચકો સમક્ષ મૂકી રહ્યા છે એ કોઈ આપણા જેવા આમ આદમીએ કહેલી નથી પણ હૃદયના હજારો ઑપરેશન કરી ચૂકેલા પ્રસિદ્ધ અમેરિકન હાર્ટ સર્જન ડૉક્ટર ડ્વાઇટ લન્ડૈલ દ્વારા આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાંથી લેવામાં આવી છે, જેમાં તેમણે હૃદય સંબંધી રોગ અને આપણા ખાવા-પીવા સંદર્ભે ઘણા ખુલાસા કર્યાં છે.

આ ઇન્ટરવ્યૂનો અનુવાદ વાચકો માટે કોઈ પણ પ્રકારની ટીકા-ટિપ્પણી વિના રજૂ કરી રહ્યા છીએ. તો લો સાંભળો સેંકડો હૃદયો ખોલીને એમાં સમારકામ કરી ચૂકેલા ડૉક્ટર ડ્વાઇટ લન્ડૈલના જ શબ્દોમાં:

અમે બધા હાર્ટ સર્જન અમારા પ્રશિક્ષણ, જ્ઞાન અને અધિકારને કારણે અહંકારી થઈ ગયા છીએ. આ કારણે અમે એ માનતા જ નથી કે અમે પણ ખોટા હોઈ શકીએ. જોકે હાર્ટની સર્જરીના ૨૫ વર્ષના અનુભવ અને ૫૦૦૦ ઓપન હાર્ટ સર્જરી કર્યા બાદ હવે હું એ કહેવા માગું છું કે અમે ખોટા હતા અને છીએ તેમ જ મેડિકલ અને વૈજ્ઞાનિક તથ્યો વિશે થયેલી ભૂલોને સુધારવાનો આજે મારો દિવસ છે.

અનેક પ્રમુખ ચિકિત્સક જેઓ મેડિકલ જગતના દિશાદર્શક કહેવાય છે તેમની સાથે મેં વર્ષો સુધી પ્રશિક્ષણ આપ્યું છે. વૈજ્ઞાનિક સાહિત્યો અને શિક્ષાપ્રદ પરિસંવાદોમાં નિરંતર થનારા બૉમ્બાર્ડિંગ અનુસાર અમે વારંવાર એ જતાવ્યું છે કે હૃદયરોગનું કારણ હાઈ-બ્લડ કૉલેસ્ટરોલ છે. રક્તમાં કૉલેસ્ટરોલની માત્રા અધિક હોય તો જ હાર્ટ-ડિસીઝ થાય છે.

કૉલેસ્ટરોલની માત્રા ઓછી કરવાની દવાઓનું સેવન અને આહારમાં મેદની ઓછી માત્રા એ એક જ એના માટેની સારવાર છે. અમે વારંવાર એ જ કહ્યું કે આહારમાં ચરબી કે મેદની માત્રા ઘટાડવાથી લોહીમાં કૉલેસ્ટરોલની માત્રા પણ ઓછી થઈ જશે. આના સિવાયની કોઈ પણ અન્ય પ્રકારની સલાહને અમે બસ દંતકથા માનીને ન એને માનવા માગતા હતા કે ન તો મનાવવા માગતા હતા.

પરંતુ આ બધું નિરુપયોગી સાબિત થઈ ગયું. અમારી આ માન્યતા વૈજ્ઞાનિક અને નૈતિક દૃષ્ટિથી યોગ્ય નથી. ધમનીઓની આંતરિક દીવાલમાં સોજો આવવો અને બળતરા (ઇન્ફ્લમેશન) થવી એ જ દિલની બીમારીઓનું અસલી કારણ છે, આ નવીન શોધ હવે હૃદયના વિકારો અને બીમારીઓની ચિકિત્સામાં ધીરે-ધીરે બદલાવ લાવીને જ રહેશે.

સત્ય તો એ છે કે બહુ લાંબા સમયથી ડૉક્ટરો દ્વારા આપવામાં આવી રહેલી આહાર અંગેની સલાહોએ જ મેદસ્વિતા અને મધુમેહ ડાયાબિટીઝ જેવી બીમારીઓ નિર્મિત કરી છે, જેના પરિણામ સ્વરૂપ થયેલું ભયંકર શારીરિક કષ્ટ અને આર્થિક નુકસાન આજ સુધી થયેલા કોઈ પણ વિનાશકારી પ્લેગથી અનેકગણું વધુ છે.

સરળ શબ્દોમાં કહીએ તો અગર ધમનીઓની આંતરિક દીવાલમાં ઇન્ફ્લમેશન ન હોય તો જેને હાર્ટ-ડિસીઝ અથવા હાર્ટ-અટૅક આવી શકે એવા કૉલેસ્ટરોલને જમા થવાનું કોઈ કારણ જ નથી. ઇન્ફ્લમેશન ન હોય તો કૉલેસ્ટરોલ આખા શરીરમાં કુદરતી રીતે જ આસાનીથી સંચારિત થશે. ઇન્ફ્લમેશનને કારણે જ કૉલેસ્ટરોલ ધમનીઓમાં ફસાઈ જાય છે.

શરીરમાં થનારું ઇન્ફ્લમેશન પોતાનામાં જરાય ખતરનાક નથી હોતું. ઊલટું એ કીટાણુઓ અને વાઇરસ જેવા ઘૂસણખોરોથી તમારા શરીરની રક્ષા કરવાની સહજ પ્રાકૃતિક સુરક્ષા-વ્યવસ્થા છે. આ કીટાણુઓ અને વાઇરસથી સુરક્ષા માટે શરીરમાં ઇન્ફ્લમેશનની થનારી પ્રક્રિયા બિલકુલ ઉચિત છે. જોકે લાંબા સમય સુધી શરીરમાં વિષયુક્ત તત્ત્વો જમા થવાથી અને જેને પચાવવા માટે મનુષ્યશરીર બન્યું જ નથી એવા પ્રોસેસ્ડ ફૂડનું નિરંતર સેવન કરવાથી શરીરમાં ચીરકાલીન (ક્રૉનિક) ઇન્ફ્લમેશનની હાલત બની જાય છે. ક્રૉનિક ઇન્ફ્લમેશન એટલું જ ખતરનાક છે જેટલું કે ઍક્યુટ ઇન્ફ્લમેશન લાભદાયી હોય છે.

કયો સમજદાર માનવી સ્વેચ્છાથી શરીરમાં ઝેરીલાં તત્ત્વો નિર્મિત કરનારા આહારનું સેવન કરશે? હા, સિગારેટ પીનારાઓ એવું કામ કરે છે અને એ પણ પોતાની ઇચ્છાથી. બાકી આપણા જેવા લોકો ડૉક્ટરોની સલાહ અનુસાર ઓછી ચરબીવાળો, બહુઅસંતૃપ્ત મેદયુક્ત (હાઈ ઇન પૉલિઅનસૅચ્યુરેટેડ ફૅટ) અને કાર્બોહાઇડ્રેટ જેમ કે સાકર, મેંદો અને એમાંથી બનેલા અન્ય પદાર્થોનું સેવન કરતા રહે છે એ જાણ્યા વિના કે એનાથી આપણી ધમનીઓને કેટલી હાનિ પહોંચે છે.

હું ફરીથી કહું છું કે ઓછી ચરબીવાળો આહાર કરવાની સદીઓથી દેવામાં આવી રહેલી સલાહને કારણે જ રક્તકોશિકાઓમાં ઇન્ફ્લમેશન અને જખમ થાય છે.

ક્રૉનિક ઇન્ફ્લમેશનનું સૌથી મોટું કારણ છે હાઇલી પ્રોસેસ્ડ, કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોસેસ્ડ ફૂડમાં વપરાશમાં લેવાતા ઓમેગા-૬ યુક્ત વનસ્પતિ તેલ (સોયાબીન, કૉર્ન અને સનફ્લાવર)નું વધુ પડતું સેવન.

જરા આ દૃશ્યને તમારી નજર સામે લાવો કે તમારી કોમળ ત્વચા પર સખત બ્ર્ાશથી વારંવાર અને જોરજોરથી ઘસવામાં આવી રહ્યું છે એ ત્યાં સુધી કે ત્વચા લાલ થઈને એમાંથી લોહી ન નીકળવા માંડે. આ જ રીતે તમે પાંચ વર્ષ સુધી રોજ દિવસમાં અનેક વાર ઘસતા રહો તો તમારી ત્વચાની શું હાલત થશે? અગર તમે આ રીતે પોતાની ત્વચા પર બ્ર્ાશ ઘસતા રહેવાનું સહન કરી શકો તો તમને સમજાશે કે દરેક વાર ઘસવાની સાથે ત્વચાનો એ હિસ્સો સૂજી જશે અને લોહી વહેવાથી જખમી થઈ રહ્યો છે. આ રીતે કલ્પના કરવાથી તમને સમજાશે કે તમારા શરીરની ભીતર ઇન્ફ્લમેશનની હાલત કેવો ખરાબ પ્રભાવ પાડી શકે છે.

ઇન્ફ્લમેશનની આ પ્રક્રિયા શરીરની ભીતર ચાલી રહી હોય કે બહાર એ વાતથી કોઈ ફરક નથી પડતો, બન્ને એકસરખું જ છે. મેં હજારો લોકોની ધમનીઓમાં ડોકિયું કરીને જોયું છે. એક બીમાર ધમની એવી જ દેખાય છે જાણે કોઈએ એની આંતરિક દીવાલ પર બ્ર્ાશથી ઘસ-ઘસ કર્યું હોય. દરરોજ આપણે જે આહારનું સેવન કરીએ છીએ એમાં દિવસમાં કેટલીયે વાર નાના-નાના જખમ થતા રહે છે અને એ જખમ વધુ મોટા થતા જાય છે. આ જખમ શરીરમાં ઇન્ફ્લમેશનને વધારતા રહે છે.

જ્યારે આપણે સ્વીટ-રોલનો સ્વાદ લેવા માંડીએ છીએ ત્યારે વાસ્તવમાં આપણું શરીર એ રીતે સતર્ક થઈ જાય છે જાણે કોઈ ઘૂસણખોરે યુદ્ધ માટે લલકાર કર્યો હોય. છેલ્લા છ દાયકાથી સાકરયુક્ત આહાર, કાર્બોહાઇડ્રેટ્સ અને લાંબો સમય સુધી ટકાવવા માટે ઓમેગા-૬ ઑઇલયુક્ત પ્રોસેસ્ડ ફૂડ અમેરિકન આહારનો (અને હવે ભારતીય આહારનો પણ) મુખ્ય હિસ્સો રહ્યો છે. આવો આહાર ધીમે-ધીમે ઝેર જેવું કામ કરે છે.

એક સાધારણ લાગતો સ્વીટ-રોલ ધીરે-ધીરે ઇન્ફ્લમેશન વધારીને તમને કઈ રીતે બીમાર કરી શકે છે એ જાણવું બહુ જરૂરી છે. કલ્પના કરો કે તમારા કી-બોર્ડ પર સિરપ ઢોળાઈ જાય તો એની શું હાલત થશે. આની કલ્પના કરતાંની સાથે જ તમે એ સમજી શકશો કે શરીરની કોશિકાઓમાં સ્વીટ-રોલ ખાવાથી શું થાય છે. સાકર જેવું સામાન્ય કાર્બોહાઇડ્રેટ લેતાં જ બ્લડ-શુગર એકદમ તેજીથી વધી જાય છે. પરિણામે પૅન્ક્રિયાઝ ઇન્સ્યુલિનનો સ્રાવ કરે છે. ઇન્સ્યુલિનનો પ્રમુખ ઉદ્દેશ એ જ છે કે એ બ્લડ-શુગરને ગ્લુકોઝમાં બદલી દરેક કોષ સુધી પહોંચાડી દે, જેથી ત્યાં એ ઊર્જાના રૂપમાં સંગ્રહિત કરી શકાય. અગર કોઈ કોષ પહેલાંથી જ ગ્લુકોઝથી ભરેલો હોય અને એમાં અધિક ગ્લુકોઝની જરૂર નથી તો વધારાના બ્લડ-શુગરને નકારી શકે છે. જ્યારે તમારા ભરેલા કોષ વધારાના બ્લડ-શુગરને નકારે છે તો એ વધારાનું ગ્લુકોઝ મેદના રૂપમાં શરીરમાં જુદી-જુદી જગ્યાએ સંગ્રહિત કરવામાં આવે છે.

હવે આ વાતનો ઇન્ફ્લમેશન સાથે શું સંબંધ છે? બ્લડ-શુગર શરીરમાં બહુ ઓછી માત્રામાં સંગ્રહ કરી શકાય છે. બ્લડ-શુગરના વધારાના કણ અલગ-અલગ પ્રકારનાં પ્રોટીન્સ સાથે મળીને રક્ત-કોશિકાઓની દીવાલને જખમી કરતા રહે છે. રક્ત-કોશિકાઓની દીવાલ પર વારંવાર થનારા આ સૂક્ષ્મ જખમ ઇન્ફ્લમેશન નિર્મિત કરતા રહે છે. આ રીતે તમે બ્લડ-શુગરના સ્તરને દિવસમાં અનેક વાર ઉપર-નીચે કરો છો તો આ એવું જ થઈ જાય છે જેમ આ નાજુક રક્ત-કોશિકાઓને તમે સૅન્ડ-પેપરથી ઘસતા હો. જોકે તમે એ જોઈ નથી શકતા, પણ હું કહું છું કે એવું જ થાય છે; કારણ કે મેં છેલ્લા૨૫ વર્ષમાં ૫૦૦૦ રોગીઓને તપાસીને તે બધાની ધમનીઓમાં જે એક જ લક્ષણ જોયું છે એ છે ઇન્ફ્લમેશન.

આપણે ફરી સ્વીટ-રોલ તરફ વળીએ. આ નિર્દોષ દેખાતી સુંદર ચીજમાં ફક્ત સાકર નથી હોતી, બલ્કે એ ઓમેગા-૬થી ભરપૂર સોયાબીન તેલ જેવા તેલમાં પકાવવામાં આવે છે. પ્રોસેસ્ડ ફૂડ તો ઓમેગા-૬ યુક્ત તેલમાં જ બનાવવામાં આવે છે જેથી એ લાંબા સમય સુધી ખરાબ ન થાય. જોકે ઓમેગા-૬ જરૂરી છે, કારણ કે એ કોશિકાઓમાં શું આવી-જઈ રહ્યું છે એના પર નજર રાખનારી કોશિકાઓના પાતળા આવરણનો હિસ્સો હોય છે. એમ છતાં ઓમેગા-૩ના પ્રમાણમાં એનું બરાબર સંતુલિત હોવું આવશ્યક છે. અગર બિનજરૂરી ઓમેગા-૬ને કારણે આ પ્રમાણ અસંતુલિત થઈ જાય તો કોશિકાઓનું આવરણ ઇન્ફ્લમેશન નિર્મિત કરનારું સાયટોકિન નામનું રસાયણ છોડવાનું શરૂ કરી દે છે.

આજના આહારને કારણે ઓમેગા-૩ અને ઓમેગા-૬ આ બે ચરબીયુક્તની ટકાવારીમાં અત્યંત અસંતુલન નિર્માણ થઈ ગયું છે. આ અસંતુલનનું સ્તર ઓમેગા-૬ના સંબંધમાં ૧૫:૧થી ૩૦:૧ જેટલું વધી ગયું છે, જ્યારે કે આજના આહારજગતમાં ૩:૧નું પ્રમાણ ઉચિત અને સ્વાસ્થ્યપૂર્ણ છે.

સ્થિતિઓને વધુ ખરાબ કરવા માટે એવી ચીજો ખાઈ-ખાઈને તમે જાડાપણું વધારી રાખ્યું છે. એ ઇન્ફ્લમેશનને નિર્મિત કરનારાં રસાયણોનો વરસાદ કરનારી વસાયુક્ત કોશિકાઓ બનાવતું રહે છે, જે રસાયણ હાઈ બ્લડ તેમ જ શુગરથી થનારા ધમનીઓના જખમને વધુ ઊંડા કરી દે છે. આ તથ્યથી હવે ભાગી ન શકાય કે જેટલા વધુ આપણે રેડિમેડ અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરીશું ઇન્ફ્લમેશનની સ્વિચને આપણએ એટલી વધુ થોડી-થોડી રોજ દબાવતા જઈશું. આપણું શરીર ન એને પચાવી શકે છે, ન તો આપણું શરીર સાકર અને ઓમેગા-૬ ઑઇલમાં પકાવેલી વસ્તુઓને પચાવવાને લાયક બનાવવામાં આવ્યું છે.

ઇન્ફ્લમેશનને બંધ કરાવવા માટે બસ એક જ ઉપાય છે કે એવા આહારની તરફ વળો જે આહાર આપણા પ્રાકૃતિક સ્વરૂપની નજીક હોય. માંસપેશીઓને પુષ્ટ કરવા માટે અધિક પ્રોટીન્સ ખાઓ. જેમાં વિવિધ રંગોનાં ફળો અને શાકભાજી છે એવો કાર્બોહાઇડ્રેટ્સયુક્ત આહારને પસંદ કરો. ઇન્ફ્લમેશનને પ્રભાવિત કરનારા ઓમેગા-૬ યુક્ત કૉર્ન ઑઇલ કે સોયાબીન ઑઇલ અને એમાં બનાવેલા પ્રોસેસ્ડ ફૂડને ઓછાં કરો અથવા છોડી દો.

એક ટેબલસ્પૂન કૉર્ન ઑઇલમાં ૭,૨૮૦ મિલિગ્રામ અને એક ટેબલસ્પૂન સોયાબીન ઓઇલમાં ૬,૯૪૦ મિલિગ્રામ ઓમેગા-૬ હોય છે. એટલા માટે એને બદલે ઑલિવ ઑઇલ અથવા દેશી ઘીનો ઉપયોગ કરો.

એનિમલ ફૅટમાં ૨૦ ટકાથી પણ ઓછું ઓમેગા-૬ હોય છે અને એનિમલ ફૅટ પૌષ્ટિક ગણાનારા અને પૉલિઅનસૅચ્યુરેટેડ લેબલ લાગેલાં તેલોથી ઓછા જ ઇન્ફ્લમેશન માટેનું કારણ બને છે.

ચરબીયુક્ત ખોરાકનું સેવન જ હૃદયરોગોનું એકમાત્ર કારણ છે એ વાતને સાયન્સના નામ પર સદીઓથી તમારા દિમાગ પર વારંવાર ઠોકી-વગાડીને કહેવામાં આવી છે, પરંતુ હવે એ વાત કોઈ અર્થ નથી રાખતી. વસાપૂર્ણ આહાર રક્તમાં કૉલેસ્ટરોલની માત્રાને વધારે છે એ વાતમાં પણ હવે કોઈ તથ્ય નથી રહી ગયું. હવે તો આપણે બધા જાણીએ છીએ કે હૃદય-વિકારો માટે કૉલેસ્ટરોલ કારણ નથી. આ માન્યતા હવે નકામી થઈ ચૂકી છે કે હૃદય-વિકારો માટે વસાયુક્ત આહાર કારણ છે.

કૉલેસ્ટરોલ વધવાથી હૃદય-વિકાર થાય છે એ ગેરસમજને કારણે જે વસારહિત અને ઓછા વસાયુક્ત આહારનું સૂચન કરવામાં આવે છે એને કારણે આજે ધમનીઓમાં ઇન્ફ્લમેશન નિર્મિત કરનારા તથાકથિત આહારનું સેવન વધી ગયું છે. મુખ્યરૂપે પ્રચલિત મેડિકલ સાયન્સે જ્યારે લોકોને સલાહ આપી કે ઓમેગા-૬થી યુક્ત વસાપૂર્ણ આહારને ટાળો ત્યારે એ સલાહ એક જબરદસ્ત ભૂલ થઈ ગઈ. આ ખોટી સલાહને કારણે હવે આપણે ધમનીઓમાં ઇન્ફ્લમેશનને કારણે થનારા હૃદયરોગો અને અન્ય છુપાયેલા મારક રોગોનો સામનો કરવો પડી રહ્યો છે.

હવે તો તમે એ જ કરી શકો છો કે એ જ આહાર ખાઓ જે તમારી દાદી બનાવતી હતી અને જે આહાર તમારી મમ્મી દુકાનોમાંથી રેડિમેડ પકેટ્સ લાવીને બનાવે છે એને ગુડ બાય કહો. ઇન્ફ્લમેશન કરનારા આહારને વિદાય કરીને તાજી ચીજવસ્તુઓથી બનાવેલા પૌષ્ટિક આહારનું સેવન કરવાથી તમારી ધમનીઓની અને તમારા સંપૂર્ણ શરીરની પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી સદીઓથી જે હાનિ થઈ છે એ ઠીક થઈ જશે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=165046


http://www.quackwatch.org/11Ind/lundell.html

Umesh Kapadia  6/13/2015
Your above article is very misleading to readers. Please visit the following link: http://www.quackwatch.org/11Ind/lundell.html





Wednesday, March 25, 2015

જિયા ખાન અને અમિતાભ બચ્ચન: ડિપ્રેશન બે જનરેશનનું --- ગીતા માણેક

જિયા ખાને નાનકડા સંઘર્ષથી ગળાફાંસો ખાધો અને અમિતાભ બચ્ચને ‘જીવન હૈ તો સંઘર્ષ હૈ’ એ બ્રહ્મવાક્યના આધારે સંઘર્ષને ગળે ટૂંપો દીધો!.    યે જો હૈ ઝિંદગી - ગીતા માણેક

૧૮ વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચનની હિરોઈન તરીકે બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર જિયા ખાને એટલી જ આઘાતજનક એક્ઝિટ કરી લીધી. જિયા ખાનને અંગત રીતે ન જાણનાર કે તેને ફિલ્મના પડદે એકવાર પણ ન જોઈ હોય એવા લોકોથી માંડીને આખું બોલીવુડ સ્તબ્ધ થઈ ગયું. ૨૫ વર્ષીય છોકરી આમ પંખા પર લટકી જાય એ દુ:ખદ ઘટના છે. નિશ્ર્ચિતપણે આઘાતજનક ઘટના છે. મિડિયાએ જિયા ખાનના મૃત્યુના સમાચારમાંથી જેટલા લીરાં ફાડી શકાય એટલા ફાડી લીધા છે, પરંતુ ટૂંકમાં કહીએ તો તૂટેલા સંબંધોની કરચો સાથે મતલબ કે તૂટલા-ફૂટલા પરિવારમાંથી આવતી આ ટીનએજર છોકરીએ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ‘હાઉસફૂલ’ને ‘ગઝની’ જેવી ફિલ્મોમાં કામ કર્યંુ. આશાઓ, આકાંક્ષાઓ અને સપનાંઓ સીમા બહારનાં હતાં. યુવાન વયે શરીરમાં હોર્મોન્સનો ડાન્સ ચાલી રહ્યો હોય ત્યારે પ્રેમમાં પડવું સ્વાભાવિક હતું. આજના જમાનામાં લૈલા-મજનૂ, શિરી-ફરહાદ કે ફૉર ધૅટ મેટર એક દૂજે કે લિએ જેવા પ્રેમી કે પ્રેમિકાઓ મળવા લગભગ ઈમ્પોસિબલ હોય છે. આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલી સાથે જિયા ખાનનું અફૅર હતું, પણ સૂરજ પંચોલીને અનુભવી પિતાએ સલાહ આપી હતી કે જ્યારે તે સુભાઈ ઘાઈની બ્લોકબસ્ટર ફિલ્મ હીરોની રીમેઈકમાં સુનીલ શેટ્ટીની દીકરી સામે આવી રહ્યો છે ત્યારે જિયા ખાન જેવી હવે ફલોપ સ્ટાર ગણાતી હિરોઈન સાથે તેનું નામ જોડાયેલું હોય એ તેની કારકિર્દી માટે ખતરનાક છે. આજના યુવાનોની જેમ કદાચ સૂરજ પંચોલીનો પણ ફંડા બહુ ક્લિઅર હતો, કૅરિયર ફર્સ્ટ પ્રેમ-બ્રેમ તો બધું ઠીક છે કે પછી કદાચ તેના જીવનમાં કોઈ વધુ બોલ્ડ, સેક્સી છોકરી આવી ગઈ. વ્હોટેવર, પણ જિયા ખાન બધા મોરચે ડિપ્રેસ્ડ હતી અને તેણે ઉપર ચાલતા પંખાનું આમંત્રણ સ્વીકારીને આપઘાત કરી લીધો.

જિયા ખાને જેની હિરોઈન તરીકે એન્ટ્રી કરી હતી તે અમિતાભ હરિવંશરાય બચ્ચન પણ એક તબક્કે સખત ડિપ્રેસ્ડ રહ્યા હશે. જે અભિનેતાનો ઘેરો, ઘૂંટાયેલો અવાજ આજે તેમના વ્યક્તિત્વની અમૂલ્ય મિલકત ગણાય છે એ જ અવાજને ઓલ ઈન્ડિયા રેડિયોએ ધુત્કારી કાઢેલો. તાડ જેવો હીરો ન ચાલે એમ કહીને દિગ્દર્શકોએ પાછો મોકલી દીધો હતો. સાત હિંદુસ્તાની ફિલ્મથી એક્ટિંગ કારકિર્દી શરૂ કરનાર આ હીરોને કોઈ રોલ દેવા તૈયાર નહોતું. મોટા દીકરા હોવાને નાતે ઘરની આર્થિક જવાબદારી નિભાવવાની હતી. એ યુવાન વયે પણ અમિતાભે હતાશા, નિરાશા અને આજે જેને ડિપ્રેશનનું નામ અપાય છે એ સ્થિતિ અનુભવી હશે. પછી તો સફળતાનાં શિખરો સામે ચાલીને આવવા માંડ્યા. કુલી ફિલ્મ વખતનો લગભગ મૃત્યુના મુખ સુધી પહોંચાડી આવનાર અકસ્માત, રાજકારણી તરીકેની પછડાટ અને બોફર્સકાંડમાં અમિતાભ બચ્ચનનું નામ ખરડાયું હતું. મુશ્કેલીઓનો એક લાંબો દૌર હતો.

ત્યાર પછી આવ્યું એબીસીએલ, એબીસીએલમાં પણ જબરદસ્ત પછડાટ ખાધી અને બેન્ક બેલેન્સનું તળિયું આવી ગયું હતું. માથા પર દેવાના ડુંગર ખડકાયેલા હતા અને ઘર લિલામ થઈ જાય ત્યાં સુધીની નોબત આવી હતી. એ ભયાનક દિવસોની વાત ખુદ અમિતાભ બચ્ચને જ એક ઈન્ટરવ્યૂમાં કરી હતી. એ સમય હતો જ્યારે અમિતાભ ઉંમરના એક એવા પડાવ પર હતા, જ્યારે મોટા ભાગના લોકો રિટાયરમેન્ટ પ્લાન્ટ કરવા માંડ્યા હોય એટલે કે ૬૦ની ઉંમર પર પહોંચવામાં હતા.

ઈન્ટરવ્યૂ લેનાર તેમના પરિવાર સાથે ગાઢ સંબંધ ધરાવનાર પુષ્પા ભારતીજી હતાં. એ વખતે તેમણે અમિતાભ બચ્ચનને પૂછ્યું હતું કે તારા પિતા સાઠ વર્ષની આસપાસ હતા ત્યારે તેમણે કવિતા લખી હતી:

હવે શિખર એવું

કે આપણે બંને એકબીજા માટે નથી પર્યાપ્ત

કોઈ ત્રીજો જ હાથ મને અને તને સહારો આપે.

મુલાકાત લેનારે પૂછ્યું કે તને પણ આવા કોઈ સહારાની જરૂર મહેસૂસ નથી થઈ રહી? અમિતાભ બચ્ચને જવાબ આપ્યો હતો કે ‘મારો સ્વભાવ જ એવો છે કે મને કોઈ મિત્ર કે સાથીની જરૂર નથી પડી. આ જ મુલાકાતમાં તેમણે પોતાની આર્થિક અને માનસિક સ્થિતિની વાત કરી હતી. અમિતાભ બચ્ચને કહ્યું હતું.’ હું બિલકુલ વ્યવહારકુશળ નથી. જ્યાં સુધી ફાઈનાન્સ એટલે કે પૈસાની લેવડદેવડ, પૈસા રાખવા-સાચવવા અંગેનો સવાલ છે તો મને કંઈ જ નથી આવડતું. તમે મને જડ, મૂર્ખ કહી શકો છો. હું મારી જાતને ઓળખી શક્યો ત્યારે પોતાનો વ્યવસાય સંભાળવા અજિતાભ લંડન ચાલ્યો ગયો હતો. મારા મેનેજરોએ કરેલા વિશ્ર્વાસઘાતને કારણે મેં શરૂ કરેલી કંપની એબીસીએલ નિષ્ફળ ગઈ હતી. મને ધંધો કરતા આવડ્યું નથી. મારા માથા પર દેવું વધતું જતું હતું. મને સમજાતું નહોતું કે તાંતણો ક્યાંથી પકડું કે ગૂંચવણ ઉકેલવાનો કોઈ તો છેડો મળે. હું દિવસ-રાત વિચારતો રહેતો કે આ બધું કેવી રીતે ક્યારે અને શા માટે થયું? હું એક સારી નોકરીની તલાશમાં હતો અને તે શોધતાં-શોધતાં ફિલ્મોમાં આવી ગયો હતો. ફિલ્મોમાં પૈસા મળતા હતા અને તે સિવાય મને એવું પણ લાગતું હતું કે મારી ભીતર એક કલાકાર છે. મને કળા વ્યક્ત કરવાની અભિલાષા હતી. ફિલ્મ ક્રાફ્ટ માટેની જિજ્ઞાસા હતી. હું એટલો લાલચુ ક્યારેય નહોતો કે ક્રીએટીવ અર્જને ભૂલીને પૈસાની પાછળ દોડું... મેં ક્યારેય એનું નહોતું વિચાર્યંુ કે આજે મારો સૂરજ મધ્યાહ્ને તપે છે તો તેની રોશનીમાં હું કંઈ પણ કરી શકું. સાચું કહું છું, મને બરાબર ખ્યાલ રહ્યા કરતો હતો કે અત્યારે બપોરનો ઉજાસ છે- જરૂર છે, પણ કાલે સાંજ પડશે. એટલે જ જ્યારે સારા સમયનો નિરંતર દોડતો ઘોડો થાકવા અને હાંફવા માંડ્યો ત્યારે હું બિલકુલ વિચલિત નહોતો થયો, કારણ કે આવા સમય માટે હું માનસિક રીતે હંમેશાં તૈયાર રહ્યો હતો. હું જાણતો હતો કે હંમેશાં ઊંચાઈ પર રહેવું શક્ય નથી.

અમિતાભ બચ્ચને કહ્યું કે હું અંદરથી ત્યારે તૂટવા માંડ્યો જ્યારે મને જાણ થઈ કે જેમના પર હું પૂરેપૂરો વિશ્ર્વાસ રાખતો હતો તેઓ જ મને ઉધઈની જેમ અંદરથી કોરી રહ્યા હતા, જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે તો હું ચારે તરફથી ઘેરાઈ ગયો હતો, ચક્રવ્યૂહમાં ફસાયેલા અભિમન્યુની જેમ. જેના માટે ચક્રવ્યૂહમાં પ્રવેશ કરવું તો સહેલું હતું પણ એમાંથી બહાર નીકળતા તેને આવડતું નહોતું.

મારું બૅન્ક અકાઉન્ટ ‘નીલ’ હતું અને કોર્ટમાં મારી સામે પંચાવન કેસ દાખલ થઈ ચૂક્યા હતા. મારી પાસે એક ઘર બચ્યું હતું અને એ પણ લિલામ થવાની તૈયારીમાં હતું. મારી પાસે કોઈ ફિલ્મ નહોતી. અભિષેકની કારકિર્દી હજુ શરૂઆતના તબક્કામાં હતી. લોકોની કે સમાજની મને પરવા નહોતી પણ અંદરથી હું ઘૂંટાઈ-ઘૂંટાઈને મરી રહ્યો હતો કે મારા પોતાના પરિવારને કઈ રીતે મોઢું દેખાડીશ. ક્યાંથી શરૂ કરું, શું કરું, કેવી રીતે કરું? પણ મારે કંઈકને કંઈક ઉદ્યમ તો કરવો જ પડશે એની મને ખબર હતી. મેં એક બાળકની જેમ શીખવાનું શરૂ કર્યંુ. હાથ ફેલાવીને, હાથ જોડીને શીખ્યો, બે-અઢી વર્ષ સુધી હું વિદ્યાર્થી બની રહ્યો. હું શીખી તો ઝડપથી રહ્યો હતો પણ ઈન્કમટેક્સ, કોર્ટ-કચેરીના ચક્કર ચાલુ થઈ ગયાં હતાં, કારણ કે હું દેવાદાર હતો. લેણદારોની ઉઘરાણી વધી રહી હતી. ઑફિસમાં મારે રોજ-રોજ અપમાનોના ઘૂંટડા ગળવા પડતા હતા. કોણ, ક્યારે એલફેલ બોલી જશે, ગાળ આપી જશે એનો ડર હંમેશાં રહેતો હતો. હું દિવસભર ભયાનક પરિસ્થિતિઓમાંથી પસાર થતો હતો અને રાતે મને ઊંઘ આવવાની બંધ થઈ ગઈ હતી. કોણ જાણે કેટલીય રાતો મેં આંખો ફાડી-ફાડીને, શૂન્યમાં તાકતાં વીતાવી હતી. મને કોઈ ઉંધાચત્તા વિચારો નહોતા આવતા, પણ હું રાતના અંધકાર, બાદ આવનારી સવાર મોં ફાડીને મારી રાહ જોતી બેઠી હશે કે ક્યારે આને પકડું અને ગળું દબાવું. હું ડરનો માર્યો રાતભર લાઈટ ચાલુ રાખતો હતો અને કમબખ્ત એવી આદત પડી ગઈ છે કે આજે પણ લાઈટ ચાલુ રાખીને જ ઊંઘી શકું છું.’

આ તબક્કે અમિતાભ બચ્ચનને ડાહ્યા માણસોએ સલાહ આપી હતી કે દેવાળું ફૂંકી દો અને લેણદારોમાંથી મુક્ત થઈ જાઓ, પરંતુ અમિતાભ બચ્ચને એ ઉકેલ ન અપનાવ્યો. ઊલટું તેમણે વધુ દેવું કરીને એ જ લાઈફ સ્ટાઈલ સાથે જીવવાનું ચાલુ રાખ્યું, કારણ કે તેઓ પોતાના પરિવારને આ બધી વાતની જાણ કરવા નહોતા માગતા.

કોઈ પણ સામાન્ય માણસ તૂટી પડે, ભાંગી પડે અને આ સખત મુશ્કેલ સ્થિતિમાં આત્મહત્યા કરવાનું પણ વિચારે, પણ ઊલટું તેમણે જીમ જવાનું શરૂ કર્યંુ, શરીરની વધુ સારી રીતે સંભાળ લેવાનું શરૂ કર્યંુ, કારણ કે તેમના જ શબ્દોમાં કહીએ તો ‘મને ખબર હતી કે મારે જીવતા રહેવાનું છે, નહીં તો મારા મા અને બાબુજીનું શું થાય? તેમની મૅડિકલ ટ્રીટમેન્ટનું શું થાય? તેમની સારવાર અંગેના નિર્ણયો કોણ લે? મારા પરિવારની સંભાળ કોણ લે?’

એ વખતે અમિતાભ બચ્ચન પર ૯૦ કરોડનું દેવું હતું. એવી અફવા ફેલાવા માંડી હતી કે તેમના બંગલાનું લિલામ થવાનું છે. આવી સ્થિતિમાં અમિતાભ બચ્ચન કેવી રીતે ટકી રહ્યા? નાનપણમાં તેમના પિતા હરિવંશરાય બચ્ચને તેમને આપેલી એક પંક્તિના આધારે: ‘મન કા હો તો અચ્છા હૈ ઔર મન કા ના હો તો ઔર ભી અચ્છા હૈ’ તેમણે તેમના પિતાના આ વાક્યને બ્રહ્મવાક્ય ગણીને એના પર અતૂટ વિશ્ર્વાસ રાખ્યો હતો.

આફતો બટેલિયનમાં આવી હોય એવા એક-બે દિવસ નહીં પૂરા અઢી વર્ષ અમિતાભ બચ્ચને કાઢ્યા. આ મુશ્કેલીના ગાળા વખતે તેમના પિતા હરિવંશરાય બચ્ચન વૃદ્ધ અને શારીરિક રીતે ખૂબ અસ્વસ્થ પણ હતા. તેઓ એટલા વૃદ્ધ થઈ ગયા હતા કે તેમની સાથે લાંબી વાતચીત પણ થઈ શકે એમ નહોતી, પણ એ ડિપ્રેશનના કાળમાં અમિતાભ બચ્ચનને તેમના પિતા પાસે બેસીને ય શાંતિનો અનુભવ થતો. એક દિવસ આ જ રીતે અમિતાભ બચ્ચન તેમના પિતા પાસે બેઠા હતા અને તેમના મોંમાંથી નીકળી ગયું, ‘બાબુજી! જીવન મેં બડા સંઘર્ષ હૈ.’

હરિવંશરાય બચ્ચને તત્ક્ષણ જવાબ આપ્યો, ‘બેટા, જીવન હૈ તો સંઘર્ષ હૈ. જબ તક જીવન હૈ તબ તક સંઘર્ષ હૈ’

બસ, હરિવંશરાયના પુત્ર અમિતાભને બાકીનું જીવન જીવવા માટેનું એક બ્રહ્મવાક્ય મળી ગયું. અમિતાભ બચ્ચને કહ્યું કે એ ક્ષણથી હું સંઘર્ષ અને જીવનને એક દૃષ્ટિથી જોવા માંડ્યો. હવે કોઈ સંઘર્ષ મને તોડી નહીં શકે એવો વિશ્ર્વાસ અંદરથી વધવા માંડ્યો. હવે તો સંઘર્ષ પણ વહાલો લાગવા માંડ્યો અને જીવન પણ!

કાશ! જિયા ખાને અમિતાભ બચ્ચન સાથે એક્ટિંગ કરતાં-કરતાં અભિનયના પાઠ લેવાની સાથે-સાથે જીવન જીવવાના પાઠ શીખી લીધા હોત તો તેણે ગળે ફાંસો ખાવો ન પડ્યો હોત!

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=94053


Monday, March 9, 2015

નાઇટ લાઈફ વર્સિસ રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી --- યે જો હૈ ઝિંદગી - ગીતા માણેક

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=156341


                             

ઠાકરે પરિવારના ત્રીજી પેઢીના ફરજંદ આદિત્ય ઉદ્ધવ બાળ ઠાકરેએ મુંબઈની નાઇટ લાઈફને ધમધમતી રાખવા માટેની એલઇડી લાઈટ (આજની જનરેશન મશાલ લઈને તો ન જ નીકળેને!) લઈને નીકળી પડ્યા છે. આ એ જ દાદાના પૌત્ર છે જેઓ વેલેન્ટાઇન્સ ડેને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા વિરુદ્ધ કહીને બિચારાં પ્રેમલા-પ્રેમલીઓ પર તેમની આખી શિવસેના લઈને તૂટી પડ્યા હતા.

ખેર, નાઇટ લાઈફની તરફેણ અને વિરુદ્ધમાં બહુ બધી દલીલો અને ચર્ચાઓ થઈ રહી છે. નાઇટ લાઈફને કારણે મુંબઈનું અર્થતંત્ર વિકસશેથી માંડીને યુવાન-યુવતીઓ છાકટા થઈને કાર, મોટરસાઈકલ એક્સિડન્ટ્સ કરશે એવી બધી દલીલો સામસામે ચાલી રહી છે. આ મુદ્દે રાજકારણ પણ ભરપૂર માત્રામાં ખેલાઈ રહ્યું છે પણ આપણે એ બધી વાતો અહીં નથી માંડવી.

વિશ્ર્વભરમાં અનેક શહેરોમાં રાત આખી રેસ્ટોરાં, પબ, જુગારખાનાંઓને એવું બધું ચાલતું રહે છે એવું આપણને હિન્દુ હૃદયસમ્રાટની નવી જનરેશન દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હિન્દુ સંસ્કૃતિના આ બની બેઠેલા ઠેકેદારોને હિંદુ સંસ્કૃતિ વિશે કે એની પરંપરાનું સહેજ અમથું પણ ભાન હોત તો તેઓ આવા મુદ્દાઓ લઈને મચી ન પડ્યા હોત.

આપણી સંસ્કૃતિમાં ઊગતા સૂર્યને નમન કરવાનો, સવારે વહેલા જાગીને પ્રભુ સ્મરણ કે પછી પોતાનું જે કંઈ કર્મ હોય એ કરવાનો મહિમા કહેવામાં આવ્યો છે. વેદકાળથી માંડીને છેક આપણા નરસિંહ મહેતા પણ ગાઈ ગયા છે કે- 

રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષને સૂઈ ન રહેવું

નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ, ‘એક તું, એક તું’ એમ કહેવું

હવે ઘણાં લોકો વહેલા ઊઠવાના વાયા નરસિંહ મહેતાએ કરવામાં આવેલા આ સૂચન સામે અમારા પર ગિન્નાશે અને કહેશે કે અમારે ધર્મ અને ભગવાન અને શ્રી હરિને એ બધા સાથે કંઈ લેવાદેવા નથી. અમારે તો એ...યને નાચવું છે, ગાવું છેને ઝૂમવું છે.

વેલ, એમાં ય કશું ખોટું નથી. જિંદગી તો આમ પણ ભરપૂર જીવવા માટે જ તો મળી છે! પરંતુ સો મણનો સવાલ સોરી, મિલિયન ડોલર ક્વેશ્ર્ચન એ છે કે ભાઈ એન્ડ ફોર ધેટ મેટર મારી બેન જીવનને માણવા માટે સૌથી પહેલું સ્વાસ્થ્ય તો જોઈશે જ ને! આખી રાત ઉજાગરા કરી, આડેધડ ખાઈ-પીને સ્વાસ્થ્યનું સત્યાનાશ થઈ જશે તો દારૂ તો શું દૂધ પીવા જેવા પણ નહીં રહી શકો.

આપણા પૂર્વજોએ વહેલા જાગવાનું ઠોકીવગાડીને કહ્યું છે તો એ ફક્ત ભગવાનના ભજન માટે નહીં પણ શરીર સ્વસ્થ રહે, જીવન લાંબું ટકે અને ગોળીઓ ગળ્યા વિનાનું રહે એ માટે. હવે તો વેસ્ટર્ન મેડિકલ સાયન્સ પણ એ વાત સ્વીકારે છે. મતલબ કે વહેલા જાગવાની વાત માત્ર સંસ્કૃતિ કે પરંપરા તરીકે નહીં પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ અનિવાર્ય છે.

તાજેતરમાં જ પ્રકાશિત થયેલા પુસ્તક માઇન્ડનું મેનેજમેન્ટમાં આ મુદ્દાને બહુ જ સરસ રીતે સમજાવવામાં આવ્યો છે. સવારે તમે ત્યારે જ વહેલા ઊઠી શકો છો જ્યારે તમે રાતે જલદી સૂઈ જાઓ છો. જો તમે રાતના છથી સાત કલાક સરખો આરામ લો છો અને જો તમને ગાઢ નિદ્રા આવે છે તો એ ગાઢ નિદ્રામાં તમારી એન્ડોક્રાઇનલ સિસ્ટમ કાર્યરત થાય છે. હાયપોથેલેમસ, પિટ્યુટરી અને પિનિયલ ગ્લેન્ડ તેમ જ અન્ય ગ્રંથિઓ સામંજસ્યથી કામ કરે છે. જેને કારણે શરીરમાં ગુડ હોર્મોન્સ એટલે કે સારા હોર્મોન્સ ખાસ કરીને મેલેટોનિન અને સેરેટોનિન નામનાં હોર્મોન્સનો સ્રાવ થાય છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં અને એ મેટાબોલિઝમ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. જેથી આખા શરીરનું તંત્ર સુચારુ રીતે ચાલે છે...બીજા શબ્દોમાં કહું તો આપણા શરીરની પિનિયલ ગ્લેન્ડ એક એવી ગ્રંથિ છે જે અમુક ચોક્કસ પરિસ્થિતિમાં જ સ્રાવ કરે છે. મતલબ કે જ્યારે તમારી આંખ પર કોઈ પ્રકારનો પ્રકાશ ન પડતો હોય. રાત્રિના અંધકારમાં જ આ ગ્રંથિનો સ્રાવ અને એ પણ તમે ઊંઘતા હો ત્યારે જ થાય છે. જો આ બધા હોર્મોન્સના સ્રાવ પૂરતી માત્રામાં ન થાય તો એનો અર્થ એ કે તમારી પાસે શરીરને આખો દિવસ કાર્યરત રાખવા માટેનું ઇંધણ નથી હોતું. આ ઉપરાંત ડિપ્રેશન કે બાયપોલાર જેવા માનસિક રોગીઓને ડોક્ટરો જે એન્ટિ-ડિપ્રેશન્ટ દવાઓ આપતા હોય છે એમાં આ મેલેટોનિન અને સેરેટોનિન જ હોય છે. આ દવાઓમાંથી જે કેમિકલ આપણે પેટમાં પધરાવીએ છીએ (જે કૃત્રિમ હોવાને કારણે આડઅસરો પણ પેદા કરી શકે છે) એ જ કેમિકલ્સ આપણને રાતની ઊંઘમાં સાવ મફતમાં કુદરતી રીતે મળે છે.

વિજ્ઞાન તો હવે એ વાતની પણ સાબિતી આપી રહ્યું છે કે વહેલી સવારે જેને આપણી સંસ્કૃતિમાં બ્રાહ્મ મુહૂર્ત કહે છે એ સમયે એટલે કે સૂર્યોદયના દોઢ-બે કલાક પહેલાં વાતાવરણમાં એવા કિરણો અને હવામાં એવા કણ હોય છે જે આપણને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રદાન કરે છે અને એ પણ એફઓસી એટલે કે સાવ મફતમાં!

અપવાદરૂપ પશુ કે પક્ષીઓ અને માનવો સિવાય આખી સૃષ્ટિ સૂર્ય ઊગતાંની સાથે જ કાર્યરત થઈ જાય છે. સ્વાસ્થ્યની વાત બાજુએ મૂકીએ તો ય નરેન્દ્ર મોદી સહિતની મોટા ભાગની સફળ વ્યક્તિઓ વહેલી સવારથી જ પોતાના લક્ષ્ય તરફ ડગલાં નહીં ફાળ ભરવા માંડે છે.

થોડા સમય પહેલાં એક અંગ્રેજી અખબારે પોતપોતાના ક્ષેત્રમાં સફળ એવી કેટલીક વ્યક્તિઓ સાથે તેમના સવારે જાગવા વિશે વાતચીત કરી હતી. એમાં મુંબઈના જાણીતા મહિલા વકીલ જેઓ સેલિબ્રિટિઝના છૂટાછેડાના કેસ લડે છે અને તેમના ક્ષેત્રમાં ખૂબ જ સફળ છે તે મૃણાલિની દેશમુખે કહ્યું હતું કે સવારે પોણા પાંચ વાગ્યે ઊઠીને સાડા પાંચના ટકોરે તો હું તૈયાર થઈને મારા ટેબલ પર બેસી જાઉં છું અને કેસની તૈયારીમાં લાગી જાઉં છું. કુસ્તીના વિશ્ર્વ કક્ષાના ચેમ્પિયન સુશીલ કુમારની સવાર પણ ચાર વાગ્યે જ પડી જાય છે અને તેઓ બે કલાક સુધી કસરત કરે છે. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારી હિમાંશુ રોય રાતે ગમે એટલા મોડા કેમ ન સૂએ પણ સવારે પાંચ વાગ્યે પથારીમાંથી બહાર હોય છે. દિવસ આખો જાતભાતના ગુનેગારો અને રાજકારણીઓ સાથે પનારો પાડતાં પહેલાં હિમાંશુ રોય પોતાના કાન દ્વારા મસ્તિષ્કમાં વિલાયત ખાન કે નિખિલ બેનરજી જેવા સિતારવાદકોના સૂર ભરી લે છે જેથી મુંબઈના ક્રાઈમ વર્લ્ડનો શાંત ચિત્તે મુકાબલો કરી શકે.

ટૂંકમાં કહીએ, તો સફળ, સમજદાર અને હિન્દુ સંસ્કૃતિનું ખરેખર પાલન કરનારાઓ વહેલી સવારે ઉઠીને પોતપોતાના કામે વળગે છે. આ જ વાત તો નરસિંહ મહેતા એ વખતે કાળને અનુરૂપ ભાષામાં કહી હતી કે જે સાધુ પુરુષ એટલે કે સાધક છે તેણે પાછલી ખટ ઘડી એટલે કે બ્રાહ્મ મુહૂર્તમાં સવારે ઊઠીને હરિ ભજન કે પછી પોતાની સાધના કરવી, યોગીઓએ યોગ કરવા, ભોગીઓએ ભોગ તજવા, જ્ઞાનીઓએ વેદ અથવા ગ્રંથોનું અધ્યયન કરવું, વૈષ્ણવો એટલે કે ભક્તોએ કૃષ્ણ ભજવા, કવિ અને લેખકોએ સદગ્રંથ રચવા, દાતારે દાન કરવું. બીજા શબ્દોમાં કહીએ તો આપણા આદ્યકવિ નરસિંહ મહેતાએ દરેક વ્યક્તિએ વહેલાં ઊઠીને પોતપોતાના કર્મમાં લાગી જવું એવો ઉપદેશ આપ્યો છે.

આ જ વાતને આજની ભાષામાં કહીએ તો હેલ્થ, વેલ્થ કે સક્સેસ- સ્વાસ્થ્ય, સફળતા કે સંપત્તિ જોઈતું હોય કે આધ્યાત્મિક ઉન્નતિ ઇચ્છતા હોય તેમણે વહેલા ઊઠવું અને પોતપોતાના કામે વળગવું.

હિન્દુ ધર્મ વહેલા ઊઠીને હરિ ભજન કરવાનું કહે છે તો ઇસ્લામમાં પણ પહેલી નમાઝ જેને ફજ્રની સલાત કહે છે એનો સમય કુરાનમાં આપવામાં આવ્યો છે. પહેલી નમાજ પ્હો ફાટતાંની સાથે જ (જેને હિન્દુઓ બ્રાહ્મ મૂહુર્ત કહે છે) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મેડિકલ સાયન્સને મનુષ્યના ધર્મ સાથે લેવાદેવા નથી અને તેઓ કહે છે કે મનુષ્ય પછી તે ગમે તે ધર્મ કે જાતિનો હોય જો તે વહેલા સૂઈને વહેલો જાગે છે તો તેનું શરીર સ્વસ્થ રહે છે પણ હિન્દુ ધર્મનો ઠેકો લઈને બેઠેલા રાજકીય પક્ષોને આ બધા સાથે કંઈ લેવાદેવા નથી. યુવાનોને રીઝવવા છે, તેમના મત મેળવવા છે અને એના માટે જો તેમના સ્વાસ્થ્ય, સફળતા અને સંપત્તિનો કચ્ચરઘાણ નીકળતો હોય તો ભલે નીકળતો. ઈલેકટ્રોનિક વોટિંગ મશીનોના બટનો તેમની તરફેણમાં દબાવવા જોઈએ એ જ તેમનું લક્ષ્ય છે. યુવાનોને તે લોકો આડકતરી રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે કે બસ, ખાઓ, પીઓ, ઝૂમો અને પોતાનું સત્યાનાશ કરો.

Friday, March 6, 2015

અંત સમયે એવા ઓરતડાઓની હોય ના ગોતાગોત --- યે જો હૈ ઝિંદગી - ગીતા માણેક

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=155785

અંત સમયે એવા ઓરતડાઓની હોય ના ગોતાગોત



મૃત્યુ બિછાનાની લગોલગ આવીને ઊભું હોય અને જિંદગીની ઘડીઓ ગણાઈ રહી હોય ત્યારે એક પણ દર્દીને મેં ખુબસૂરત યુવતી કે યુવાન સાથે સેક્સ કરવાની ઇચ્છા કે સફળતા ન પામી હોવાનો અફસોસ કરતા નથી જોયો’ એવું ગયા વખતે જેના તારણો વિશે વાત શરૂ કરી હતી એ પેલિએટીવ કેઅર વિભાગની ઓસ્ટ્રેલિયન નર્સે કહ્યું હતું. 

અસાધ્ય રોગથી પીડાતા અને મૃત્યુ પામી રહેલા એ સેંકડો દર્દીઓ સાથે છેવટના દિવસો ગાળનારી આ નર્સે તેમની સાથેની વાતચીતના આધારે એક પુસ્તક લખ્યું છે ધ ટોપ ફાઇવ રિગ્રેટ્સ ઓફ ધ ડાઇંગ’ (મૃત્યુ પામી રહેલી વ્યક્તિઓના પાંચ અધૂરાં ઓરતાઓ). જેમાંના બેની વાત ગયા વખતે કરી હતી. એક, પાગલની જેમ ઉંઘુ વાળીને કામ, કામને કામ જ ન કર્યે રાખ્યું હોત તો સારું હતું. પૈસો, પ્રતિષ્ઠા અને સફળતાની દોડમાં પોતે બહુ આગળ નીકળી આવ્યા અને જિંદગી જીવવાનું રહી ગયું એવો અફસોસ. બીજું, જે સપનાંઓ પૂરાં કરવા હતાં એ પૂરા કરવા પાછળ ધ્યાન ન આપ્યું.

ત્રીજી એક વાત જે મૃત્યુની સન્મુખ ઊભેલા દર્દીઓ પાસેથી આ નર્સને સાંભળવા મળી એ કે કાશ, મેં હિંમત કરીને મારી ભીતરની સાચી લાગણીઓ વ્યક્ત કરી હોત! બીજાઓને સારું લાગે, સંબંધોમાં ખળભળાટ ન આવે, અંદર ભલે દ્વેષ કે ગુસ્સાનો ચરુ ઉકળતો હોય તો પણ આપણે અનેક વાર એકબીજા સાથે મીઠું-મીઠું બોલતા રહીએ છીએ. અથવા એનાથી તદ્દન ઉલટું કેટલીય વાર કેટલી બધી લાગણીઓ વ્યક્ત કરવી હોય છે પણ એવું કહેવાની હિંમત ન હોવાથી આપણે એને મનમાં ઠાંસી રાખીએ છીએ. પોતે નૃત્યાંગના બનવા માગતી હોય તોય પપ્પાને નહીં ગમે કે પછી સમાજ શું કહેશે કે ડોક્ટરની દીકરી નૃત્યાંગના બની એવા કારણસર પોતાની ઇચ્છાઓનું ગળું ટૂંપી દે છે. એમબીબીએસમાં એડમિશન ન મળે તો હોમિયોપેથિક ડોક્ટર બનીને જિંદગી વિતાવવાને બદલે નૃત્ય શીખીને મન મૂકીને નાચવું જોઈતું હતું એવી લાગણી મૃત્યુ સમયે બહુ જોરથી ધસી આવે છે. કોઈ સમક્ષ પ્રેમનો એકરાર કરવાનું કે પછી અણગમતી વ્યક્તિ સાથે જિંદગી ઢસડ્યે રાખવાને બદલે પોતાની સાચી લાગણી વ્યક્ત કરી દીધી હોત તો સારું થયું હોત એવા અફસોસ સાથે લોકોને મરતાં આ નર્સે જોયા હતા. બ્રોની વેઅર નામની આ નર્સ કહે છે કે કેટલાક લોકો તો અમુક રોગનો ભોગ જ એટલા માટે બન્યા હતા કે તેમણે હિંમતપૂર્વક પોતાના મનની વાતને વ્યક્ત કરવાને બદલે એને એક ખૂણામાં સંઘરી રાખી અને પછી એ લાગણી એટલી હદે કહોવાઈ ગઈ કે બીમારી બનીને શરીર પર છવાઈ ગઈ હતી.

મનમાં ધરબી રાખેલી આમાંની કેટલીય વાતો દર્દીઓએ જ્યારે બ્રોની વેઅરને કરી ત્યારે તેને લાગ્યું કે જ્યારે આપણે આપણા મનની વાત રજૂ કરીએ ત્યારે બીજાઓ શું વિચારશે કે કરશે એ આપણા હાથમાં નથી. શક્ય છે કે જ્યારે તમે તમારી લાગણીઓ પ્રામાણિકતાથી રજૂ કરો ત્યારે સામેની વ્યક્તિ દુભાય પણ ખરી પરંતુ પછી ધીમે-ધીમે સ્થિતિ થાળે પડવા માંડે છે અને સંબંધોની તંદુરસ્તી જળવાઈ રહે છે. ઘણી વાર તો એ સંબંધોને સંપૂર્ણત: નવું જ પરિમાણ સાંપડે છે.

તમારો કોઈ જૂનો મિત્ર હોય જેને તમે વરસોથી મળ્યા ન હો અથવા કોઈ બહેનપણી એવી હોય જેની સાથે તમારે સમય વિતાવવો હોય તો આજે જ હમણાં જ ફોન કરી લેજો એવું આ નર્સ કહે છે કારણ કે મૃત્યુના બિછાને જૂના મિત્રો કે જેમની સાથે દિલના તાર મળ્યા હોય એવા દોસ્તો સાથે સમય ન વિતાવી શક્યાના વસવસા સાથે અનેક દર્દીઓને મરતા તેણે જોયા છે. 

મૃત્યુ પામી રહેલા આ દર્દીઓ પોતાના પૈસા કે સંપત્તિની પોતાના પ્રિયજનો અને સ્વજનો માટે ગોઠવણ કરવા માગતા હોય છે પણ તેમના હાથમાં ઘણી વાર સમય એટલો ઓછો હોય છે અને શરીર સાથ નથી આપતું એટલે આવી વ્યવસ્થા કર્યા વિના જ તેમણે વિદાય લઈ લેવી પડે છે. જો કે અંત સમયે પૈસા કે તમારી પાસે કેટલા બંગલા, ગાડી કે ઘરેણાં છે એનું કોઈ મૂલ્ય મરનાર વ્યક્તિ માટે હોતું નથી. એ વખતે તો ભૂખ હોય છે માત્ર સ્નેહ અને સંબંધોની.

આ નર્સે લખ્યું છે કે આ બધા દર્દીઓમાં એક વાત બધાએ જ કહી હતી અને તે એ કે અમારે સુખની પસંદગી કરવી જોઈતી હતી. કેટલાય લોકોને છેલ્લી ઘડીઓમાં સમજાય છે કે ખુશીને પસંદ કરવી પડે છે. જૂની ઘરેડ અને આદતોમાં અટવાયેલા રહીને સતત દુ:ખને જ ગળે લગાડતા રહ્યા છીએ એનું ભાન બહુ મોડે-મોડે થાય છે. કશુંક જુદું, કશુંક નવું કરીને નિર્દોષ અને નિર્ભેળ આનંદ મેળવી શકાયો હોત. જેમ કે કોઈ મહિલાને થાય કે સાડીને પહેર્યા કરવાને બદલે ઘણી વાર મન થયું હતું સલવાર-કમીઝ કે ફોર ધેટ મેટર જિન્સ પહેરવાનું તો પહેરી લેવું જોઈતું હતું. ખભે થેલો નાખીને મનગમતી જગ્યાએ એકલા જ ફરવા ઉપડી જવાની ઇચ્છાને હાય, હાય એવું કઈ રીતે કરાય’ એવું વિચારીને દબાવી દેવાને બદલે નીકળી પડવું જોઈતું હતું એવા કેટલાય આદતવશ કે હિંમતના અભાવે પૂરી ન કરી શકાયેલી અધૂરી ઇચ્છાઓ સાથે આ દર્દીઓ દફન થઈ ગયા હતા.

બ્રોની વેઅર નામની આ નર્સે કહ્યું છે કે જિંદગી આપણને પસંદગીનો અવકાશ આપે છે. આ તમારી પોતાની જિંદગી છે તો સભાનતાપૂર્વક, વિવેકપૂર્વક અને પોતાની જાતને પ્રામાણિક રહીને પસંદગી કરો; સુખ, ખુશી અને આનંદની પસંદગી કરો.

મૃત્યુની આંગળી પકડીને ચાલી નીકળવાનું હોય અને જિંદગીની વિદાય લેવાની હોય તો કેવી રીતે જવું ગમે? રડતાં, ચીડતાં, વસવસો કરતા કે પછી મસ્ત મૌલા થઈને?

પેલિએટીવ કેઅર વિભાગની ઓસ્ટ્રેલિયન નર્સ બ્રોની વેઅરે મૃત્યુ પામી રહેલા દર્દીઓ સાથે આખરના સમયે કરેલી વાતચીતના આધારે આ તારણો આપ્યા પણ આપણે ત્યાં આ જ વાત સંતો હંમેશાં જ કહેતા આવ્યા છે. આપણે ત્યાં તો માનવજીવનને દુર્લભ ગણવામાં આવ્યું છે અને એની ક્ષણે-ક્ષણને ઉત્સવની જેમ જીવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. જીવતાજીવત આસક્તિઓથી મુક્ત થઈ ધીમે-ધીમે પરમાત્માની નજીક સરકતા જવાની વાત આપણા શાસ્ત્રો, પુરાણો અને સંત કવિઓ કરતા રહ્યા છે. સમાધાન અને સંતોષ સાથે પ્રભુ સ્મરણ કરતા-કરતા મૃત્યુ મળે એવી માગણી આપણે કરીએ છીએ. આપણા કવિ કરસનદાસ માણેકે ઈશ્ર્વર પાસે એક આવા જ મોતની માગણી કરતી પ્રાર્થના કરી છે જ્યાં આ કરી લીધું હોત ને પેલું કરી લીધું હોત એવી અધૂરી ઇચ્છાઓ અને ઓરતાઓની ગોતાગોત ન હોય. આ સુંદર પ્રાર્થના વાંચવા અને ગણગણવા જેવી છે.

એવું જ હું માગું મોત,

હરિ, હું તો એવું જ માગું મોત!

આ થયું હોત ને તે થયું હોત ને

જો પેલું થયું હોત...

અંત સમે એવા ઓરતડાઓની

હોય ન ગોતાગોત!

કાયાની કણીકણીથી પ્રગટે

એક જ શાંત સરોદ:

જો જે રખે પડે પાતળું કદી યે

આતમ કેરું પોત!

અંતિમ શ્ર્વાસ લગી આતમની

અવિરત ચલવું ગોત:

ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે

ઊડે પ્રાણ-કપોત!

ઘન ઘન વીંધતાં, ગિરિગણ ચઢતાં

તરતાં સરિતા-સ્રોત

સન્મુખ સાથી જનમજનમનો

અંતર ઝળહળ જ્યોત!

હરિ, હું તો એવું જ માગું મોત! 

Wednesday, February 18, 2015

શરીરરૂપી કારનું એન્જિન છે મન -- માઈન્ડ મેનેજમેન્ટ -સંકલન: ગીતા માણેક

મન ક્યાં છે? શરીરની અંદર કે બહાર? પગમાં, ઘૂંટણમાં, ખોપડીમાં? મન છે ક્યાં?


માઈન્ડ મેનેજમેન્ટ -સંકલન: ગીતા માણેક


આનંદમૂર્તિ ગુરુમા

આજકાલ બધે જ મૅનેજમેન્ટની બોલબાલા છે. બિઝનેસ મૅનેજમેન્ટ, ફાયનાન્સિયલ મૅનેજમેન્ટ, પોર્ટફોલિયો મૅનેજમેન્ટ, ટાઈમ મૅનેજમેન્ટ, બૉડી મૅનેજમેન્ટ... છતાં લાખ્ખો રૂપિયાની ફી ભરીને બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી મેળવનારો યુવાન ઊંચા પગારની નોકરી હોવા છતાં આત્મહત્યા કરી નાખે છે. ફાયનાન્સિયલ મૅનેજમેન્ટમાં નિષ્ણાત ઊંઘની ગોળીઓ ગળતો હોવા છતાં અનિદ્રાથી પીડાય છે. બૉડી મેનેજમેન્ટ માટે જિમમાં આંટા મારનારાઓ હાઈપરટેન્શન અને ડાયાબિટીઝથી પીડાતા જોવા મળે છે. બહારની બધી જ બાબતોના મૅનેજમેન્ટમાં રચ્ચાપચ્યા રહેતા આપણે લોકો જેના થકી આપણે ચાલી રહ્યા છે એ મનનું મૅનેજમેન્ટ કરવાનું જ વિસરી જઈએ છીએ અને એમાંથી સર્જાય છે અનેક ગૂંચવણો અને સમસ્યાઓ.

આધુનિક મહિલા સંત આનંદમૂર્તિ ગુરુમા દ્વારા અમેરિકામાં કરવામાં આવેલા સત્સંગનો વિષય હતો મૅનેજ યૉર માઈન્ડ. એકવીસમી સદીના માનવીને ઉપયોગી એવી આ શ્રેણીને અહીં આ કૉલમમાં રજૂ કરીએ છીએ એવી આશા સાથે કે એ આપણને બધાને આપણું માઈન્ડ મૅનેજ કરી જીવનને વધુ સુંદર બનાવવામાં મદદરૂપ થશે.

જ્યારે તમારું મન વિશ્રામમાં હોય છે, જ્યારે તમારું મન આરામમાં હોય છે ત્યારે તમે કેવળ આંતરિક સુખનો જ અનુભવ નથી કરતા પણ તમારા શરીરને પણ વિશ્રામ મળે છે અને જ્યારે શરીર વિશ્રામમાં હોય ત્યારે શરીર સ્વસ્થ રહે છે. શરીર સ્વસ્થ રહે અને મન વિશ્રામમાં હોય ત્યારે જીવન જીવવાનો આનંદ હોય છે. અમે આ જ તો શીખવીએ છીએ. જીવનની આ કીમતી પળોને કાં તો આપણે ફિકર કરવામાં બરબાદ કરી શકીએ છીએ અથવા એ રીતે જીવીએ કે અંતરમાં બેફિકર છીએ અને જીવનમાં જે પણ પરિસ્થિતિ આપણી સામે આવે એમાંથી માર્ગ કાઢીએ, એ પરિસ્થિતિનો સામનો કરીએ. પરંતુ જ્યારે તમે પરિસ્થિતિનો સામનો કરવાને બદલે ફક્ત પરિસ્થિતિઓ વિશે વિચારતા રહો છો ત્યારે આ વ્યર્થના વિચારોમાં તમારી ઊર્જા નષ્ટ થાય છે. તમારું સુખચેન તો જાય જ છે પણ સૌથી મોટું નુકસાન જે થાય છે એ તમારા સ્વાસ્થ્ય પર. કાશ, તમે આ વાત સમજી શકતા હોત કે તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે.

હું જાણું છું કે આજકાલ મૅડિકલ સાયન્સ અનુવંશિક અને વારસાગત રોગની વાત કરે છે જે તમને તમારા પૂર્વજો તરફથી મળ્યા છે, પરંતુ મારું માનવું છે કે મનમાંથી શરીર થયું છે. અગર હું એમ કહું તે તમારું શરીર જે ઉત્પન્ન થયું છે તે તમારા મનને કારણે બન્યું છે. તમારા શરીરનો જે આકાર અને દેખાવ છે એ તમારા મનને લીધે છે. એવું નથી કે શરીર પહેલા બન્યું પછી મન એમાં આવ્યું. એવું નથી કે જાણે પહેલાં કોઈએ માટીનું વાસણ બનાવ્યું અને પછી આપણે એમાં પાણી ભરી દીધું. ઘણાં લોકો એવું માને છે કે શરીરને ઈશ્ર્વરે, પ્રકૃતિએ બનાવ્યું પછી એમાં મન આવ્યું. ના એની નથી. કેટલાંક લોકો એવું પણ માને છે કે શરીરમાંથી મન ઊગે છે. વાત થોડીક ટેક્નિકલ થઈ રહી છે પણ કંઇ વાંધો નહીં, તમારું શરીર શું છે, તમારું મન શું છે એની સમજ તો તેમને હોવી જોઈએ કે નહીં?

તમારે ગાડી ખરીદવી હોય તો દસ શૉ-રૂમમાં જાવ છો, ઈન્ટરનેટ પર સર્ફિંગ કરો છો, દસ લોકોનો અભિપ્રાય લો છો. કોનું ઍન્જિન સારું છે, કોનું ઍરૅક્ધિડશનિંગ સારું છે. જો તમે યુવાન હો તો તમને એ વાતની ફિકર હોય છે કે એ દેખાવમાં કેવી છે અને જો તમારામાં પૌરુષ વધારે હોય તો તમારો બીજો સવાલ હશે કે ઍન્જિનનો પાવર કેટલો છે એ કહો. હાઈ-વે પર એ કેટલી ફાસ્ટ ભાગશે? જુઓ, આ પણ ઉંમરનો જ તકાજો હોય છે અને તમારી રુચિ પણ બદલાતી રહે છે. જુવાનીમાં પૂછશે, ઍન્જિનની સ્પીડ કેટલી છે અને એ જ જ્યારે બુઢ્ઢો થઈ જશે તો પૂછશે સીટ બૅલ્ટ બરાબર બંધ થાય છેને! જો જોરથી બ્રેક વાગી જાય અને હું પડી જાઉં... તો શરીરની ચિંતા થાય છે. સસ્તામાં સ્ટ્રોંગ ગાડી જોઈએ જેથી ન કરે નારાયણ અને કોઈ એક્સિડન્ટ થઈ જાય તો હું અંદર સલામત રહું. ઘણીવાર લોકોને શૉપિંગ કરતા જોવાની મને બહુ મજા પડે છે. ખાસ કરીને, તેઓ તેમના કપડાંની શૉપિંગ કરતા હોય છે. ઘરે કલાકો વીતાવ્યા હોય છે ઈન્ટરનેટ પર, મૅગેઝિનમાં જોયું હોય છે. શું સારું છે, શું ફેશનમાં છે, ક્યો કલર સારો લાગશે, છતાં જ્યારે ખરીદવા જાય છે તો એક ઉપાડશે, પહેરીને જોશે, પછી બીજું ટ્રાય કરશે, ત્રીજું ટ્રાય કરશે. એક પેન્ટ જેની ઉંમર થોડાક વર્ષ, વર્ષ તો મેં વધારે જ કહી દીધું કારણ કે તમે તો દરેક સિઝનમાં ખરીદી કરો છો પણ માની લો કે કોઈ માટે એ પેન્ટ ૬ મહિના, કોઈ માટે ૬ વર્ષ કે કોઈ માટે કદાચ ૨૦ વર્ષ ચાલવાનું છે. આવા એક પેન્ટને ખરીદવામાં તમે કેટલું દિમાગ વાપરો છો પણ જે શરીરને તમે પેન્ટ પહેરાવ્યું છે, એ શરીર વિશે તમારી જાણકારી કેટલી છે? શું તમે ખરેખર જાણો છો કે તમારું શરીર કેવું છે, કેવી રીતે કામ કરે છે? એનું સર્જન કઈ રીતે થયું છે અને શરીરની અંદર બધી યંત્રણા કઈ રીતે ચાલે છે? તમે કહેશો એટલી ફિકર કરવાની શું જરૂરત છે અત્યારે તો સારું ચાલી રહ્યું છે, ખરાબ થશે તો ડૉકટર પાસે ચાલ્યા જઈશું. પણ મારા વ્હાલા, ડૉકટરની ફી અને દવાઓ મોંઘી છે. તો તમને તમારા શરીરરૂપી વાહન કે કાર જેના થકી તમે ચાલી રહ્યા છો એના વિશે જ્ઞાન તો હોવું જોઈએ! આ શરીરરૂપી કારની અંદર જે ઍન્જિન છે એને હું મન કહું છું. જેમ કોઈ કાર એના ઍન્જિન વિના નથી ચાલી શકતી એ જ રીતે આ શરીર પણ મન વિના નથી ચાલી શકતું.

મારો પ્રશ્ર્ન છે કે શરીર પહેલાં બન્યું પછી એમાં મન ઊગ્યું કે મન પહેલાં હતું અને પછી શરીર ઊગ્યું? બીજો પ્રશ્ર્ન એ કે મન શરીરની અંદર છે કે બહાર છે? આંગળીમાં છે કે મન ખોપડીમાં છે કે મન પગમાં છે કે મન ઘૂંટણમાં છે? મન છે ક્યાં?

ભાગ-૨

મનને મેનેજ કરવા માટે પહેલાં મન છે શું એ જાણવું પડશે, સમજવું પડશે


ગયા હપ્તામાં આપણે વાત કરી કે મન અને શરીરના સ્વાસ્થ્યને સીધો સંબંધ છે. આપણે કેવું જીવન જીવીએ છીએ એનો આધાર આપણા મન પર છે, પરંતુ મન આપણા શરીરની અંદર છે કે બહાર? શરીરની અંદર છે તો ક્યા સ્થાન પર છે? હવે આગળ વાંચો. 

એક મહિલા એક સંત પાસે ગઈ અને કહે, ‘મહારાજ, મારું મન તૂટી ગયું.’

મહારાજે કહ્યું, ‘લાવ, મારી પાસે એક ટયૂબ છે જેનાથી હું તૂટી ગયેલી ચીજને જોડી દઉં છું, મને તારું મન દે તો એને પણ જોડી દઉં!’

બીજી મહિલાએ કહ્યું, ‘મારું મન બહુ ખાટું થઈ ગયું છે આજે.’

તો સંતે એક ટોફી આપી અને કહ્યું, ‘લે, આ ચોકલેટ ખાઈ લે હમણાં મીઠું થઈ જશે.’

તે સ્ત્રી કહે, ‘ચોકલેટ ખાઈશ તો મોં મીઠું થશે, મન થોડું જ મીઠું થશે?’

સંતે કહ્યું, ‘જે રીતે તેં તારું મન ખાટું કર્યું છે એ રીતે હવે મીઠું પણ કરી લે. કોઈક કંઈકે બૂરી વાત સંભળાવી તો મન ખાટું થઈ ગયું હવે હું તને થોડીક સારી વાતો કહી રહ્યો છું તો એ સાંભળીને મનને મીઠું કરી લે.’

તે સ્ત્રી કહે, ‘એવું થોડું હોય?’

હવે જુઓ સારી વાત શીખવા માટે તો પ્રશ્ર્ન કરો છો એવું કેવી રીતે થઈ શકે? મનને ખરાબ કરવામાં તો જરાય વાર નથી લાગતી. 

મન ક્યાં છે આ દેહમાં? અંદર છે કે બહાર છે? અગર તમારો જવાબ એ છે કે અંદર તો હું પૂછું છું કે અંદર ક્યાં છે? ભાઈ, બહાર તમે કાર ક્યાં પાર્ક કરી છે એ તો યાદ છેને? કોઈ મોટા મોલમાં કે પાર્કિંગ પ્લોટમાં કાર રાખો છો તો નોંધો છો - એફ-૨૬, નહીં તો પછી ક્યાં - ક્યાં ભટકતા ફરો. યાદ હોય તો પછી શોધવું આસાન થઈ જાય. તો તમે તમારા મનને ક્યાં પાર્ક કર્યું છે? એ શરીરના કયા ભાગમાં છે? એનું સ્થાન ક્યાં છે અને એ ક્યાંથી કામ કરે છે એ જોઈએ.

કોઈએ જવાબ આપ્યો કે મન આખા શરીરમાં છે, પરંતુ આ તો બહુ ચબરાકીભર્યો જવાબ છે. વળી કોઈએ જવાબ આપ્યો કે મન તો ફરતું રહે છે. તો અત્યારે તમારું મન ક્યાં ફરવા ગયું છે? ખિસ્સાખર્ચી આપી છે કે નહીં? 

મજાકની વાત બાજુએ મૂકીએ અને મન શરીરની અંદર છે કે બહાર કે શરીરમાં ક્યાં છે એ તો પછી શોધીશું પણ એ પહેલા એ તો જાણીએ કે મન છે શું? પહેલા ખબર તો પડે કે એ શું છે તો એને શોધી શકાયને!

મન છે વિચાર. વિચારોનો સમૂહ. વિચારનો કોઈ આકાર તો છે નહીં. જેમ ફૂલમાં ખુશ્બૂ છે. ફૂલનું શરીર છે, આકાર છે પણ ખુશ્બૂને કોઈ શરીર કે આકાર નથી. તો આપણે કહી શકીએ કે અશરીરી ખુશ્બૂ ફૂલના શરીરમાં છે. છતાં ફૂલ અને ખુશ્બૂ બે અલગ-અલગ વસ્તુઓ છે. આપણે એક ઊંડો શ્ર્વાસ ભરીને સુગંધ લઈએ તો પણ બાકીની સુગંધ તો ફૂલમાં જ રહે છે. એક ફૂલને અગર વીસ જણાં પણ સૂંઘી લે તો પણ એની સુગંધ ખતમ નથી થઈ જતી. એક ફૂલમાં કેટલી સુગંધ હોય છે એને તમે કેવી રીતે માપશો, કઈ રીતે વજન કરશો કે કેટલા માઈક્રોગ્રામ છે. 

એક નાનકડું ફૂલ ચંપાનું કે એની એક કળી અથવા રજનીગંધાની એક ડાળખી કે કળી ઓરડામાં રાખી દો તો આખા રૂમને ખુશ્બૂથી ભરે દે છે. હવે એ રૂમમાં પચાસ લોકો પણ આવીને બેસે તો એવું નથી કે આપણે કહેવું પડે કે હવે પચાસ લોકોએ ખુશ્બૂ લઈ લીધી છે તો ખુશ્બૂ ખતમ થઈ ગઈ.ખુશ્બૂ હજુ પણ ત્યાં જ છે અને પાંચસો લોકો આવીને ચાલ્યા જાય તો પણ ખૂશ્બુ ત્યાં જ રહે છે પણ આ ખૂશ્બુનો જે સ્ત્રોત છે એ નાનકડું ફૂલ છે. 

હવે આને આ રીતે સમજો. તમારું મન ખુશ્બૂ પણ છે અને કળી પણ છે. બન્ને મન અદૃશ્ય છે એટલે કે જેમ તમે સુગંધને તમારી આંખોથી જોઈ નથી શકતા કે હાથથી સ્પર્શી નથી શકતા પણ સૂંઘી શકો છો, પરંતુ ફૂલ તો આંખોને દેખાય છે. આપણે એમ કહી શકીએ કે તમારું શરીર તો દેખાય છે પણ એ શરીરમાં મોજૂદ મન દેખાતું નથી. જેમ ખુશ્બૂ બહુ મોટા વિસ્તારમાં પથરાઈ જાય છે એ જ રીતે તમારું મન પણ પથરાયેલું છે. અને આ પથરાયેલા મનમાં આ એક તમારું મન પણ ઊગ્યું છે. મનમાંથી તન નીકળ્યું છે. મન તનમાં પણ છે અને મન તનની બહાર પણ છે. મન એક વિચાર પણ છે, પરંતુ માત્ર વિચાર નથી. મન વિચારથી કંઈક વધુ છે. તમારી ભાવનાઓ, તમારો અહેસાસ, મન ઈચ્છા પણ છે.

હવે હું તમને પૂછું કે તમારા મનમાં એક ઈચ્છા આવી તો એ ઈચ્છાનું વજન કેટલું છે? અચ્છા, એક ઈચ્છાએ તમારા મનની કેટલી જગ્યા રોકી છે? ઘણી વાર કેટલાંક ભક્તો એવું ભજન ગાય છે કે મારા મનનાં એક ખૂણામાં ભગવાન તમારી મૂરત છે અને તમે ત્યાં રહો છો. જ્યારે હું આવું ભજન સાંભળું છું તો કહું છું કે બિચારાને ખૂણામાં કેમ બેસાડ્યો છે? બાકી આખી દુનિયાને તો મોટી જગ્યા આપી રાખી છે અને ભગવાનને ખૂણામાં બેસાડી રાખ્યો છે. 

તો મન ભાવના પણ છે, મન ઈચ્છા પણ છે, મન અહેસાસ પણ છે અને મન સંસ્કાર પણ છે. સંસ્કાર મતલબ તમારા મગજમાં ઈન્દ્રિયોના અનુભવમાંથી અંકિત થઈને સંગ્રહ થયેલી બધી છાપ.

મન તમારા જીવનના અનુભવોનું મેમરી કાર્ડ છે અને ભાવિ આયોજનોનો નકશો પણ
ભાગ-૩

મનુષ્યનું આ જે મસ્તિષ્ક છે, મગજ છે એ પણ પોતાનામાં એક જટિલ યંત્ર છે. તમારા મગજના એક કોષમાં, તમારા મગજના એક ન્યુરોનમાં એટલી માહિતી છે કે આપણે કહી શકીએ કે આખી એક લાઈબ્રેરી તમારા ન્યુરોનમાં મોજૂદ છે. તમામ દુનિયાના પુસ્તકોની જાણકારીઓ અગર આપણે ઇચ્છીએ તો આપણા મસ્તિષ્કમાં રાખી શકીએ. કેવી રીતે રાખી શકીએ, કયાં રાખવામાં આવશે?તો કહે છે કે એક જ ન્યુરોનમાં આવી જાય. કરોડો પ્રકારની માહિતી તમારા મગજના ન્યુરોનમાં ભરેલી છે અને આવા કરોડો ન્યુરોન તમારા મગજમાં છે. મતલબ કે આપણે કહી શકીએ કે આખું વિશ્ર્વ તમારા મગજમાં મોજૂદ છે. બરાબર? આ એક વિશિષ્ટ સંસાર છે જે તમારા દિમાગમાં ભરેલો છે.

જેવી રીતે હું તમને પૂછું કે તમારું નામ શું? ધારો કે તમારું નામ કમલેશ છે. તો આ કમલેશ ક્યાં જન્મ્યો. કમલેશનું ઘર, કમલેશના મા-બાપ, દાદી-દાદી, કાકા-કાકી, મોટાબાપા, પાડોસી, કઈ સ્કૂલમાં કમલેશ ભણ્યો, કોની સાથે રમ્યો. કોની સાથે કેટલા તોફાન કર્યા, પછી કમલેશ મોટો થયો તો કેટલી લફંગાગિરી કરી અને કયા-કયા સજ્જનોના ઘરે ગયો, કેટલીવાર બાપુજીનો માર પડયો કે ન પડયો. આવી કંઇક કેટલીય માહિતી તમારા મગજના એક ન્યુરોનમાં સંઘરાયેલી પડી છે. 

તમારી પોતાની એક દુનિયા તમારા દિમાગમાં છે. મગજ શું છે? તમારી ચેતનાનું આસન છે. તમારી ચેતના તમારા મન અને મસ્તિષ્ક સાથે મળીને કામ કરી રહી છે. તો મન શું છે? મન ઘણું બધું છે. આપણે કમલેશનું ઉદાહરણ લીધું હતું. કમલેશના મનમાં જેટલી યાદો છે, જેટલી વાર્તા છે. જેટલાં સુખ અને દુ:ખના અનુભવ છે, જેટલા સારા-ખરાબ વિચારો છે એ કમલેશના મનના કોઇ એક ભાગમાં છે. અને આ ધરતી પર કેટલા દેશ છે. અમેરિકા, બ્રાઝિલ વગેરે. કેટલા નક્ષત્ર છે, કેટલા ગ્રહો છે, કયા -કયા દેશમાં કોણ -કોણ વડા પ્રધાન છે. કોણ રાષ્ટ્રપતિ છે. તો તમારી સ્કૂલથી માંડીને કોલેજ, કોલેજથી માંડીને લગ્ન, લગ્નથી માંડીને ઇન્ડો-પાક યુદ્ધ, ઇન્ડો-ચાઇના યુદ્ધ, વિશ્ર્વયુદ્ધ... આ બધી માહિતી તમારા મનમાં મોજૂદ છે. હવે રસપ્રદ ભાગ એ છે કે જે માહિતી તમારી પાસે છે એ વિશિષ્ટપણે તમારી પોતાની છે કારણ કે તમારી ભાવનાઓની છાપ એમાં આવી જાય છે. જે ચીજ તમે મહેસૂસ કરો છો. દાખલા તરીકે, આ સમયે આ હોલમાં જેટલા લોકો બેઠા છે (અથવા અત્યારે વાંચી રહ્યા છે) શું બધાને એકસરખો અનુભવ થઇ રહ્યો હશે? શું બધા એક જ રીતે સમજી રહ્યા હશે? શું બધા એક જ રીતે મને જોઇ રહ્યા હશે? શું બધા મને એક જ રીતે યાદ કરશે? ના, બધાનો અનુભવ અલગ- અલગ હશે. મને યાદ છે એકવાર સત્સંગની એક બેઠક બાદ હું નીકળી તો એક મહિલા પાછળથી જોરજોરથી બૂમ પાડતી હતી, ‘ગુરુમા, ગુરુમા.. મારે વાત કરવી છે... મારે વાત કરવી છે.’ મેં કહ્યું. ‘ સારું, આવ અહીં. શું વાત કરવી છે?’ કહે, ‘મારે એ પૂછવું છે કે તમારા ગળામાં આ જે રુદ્રાક્ષની માળા છે એ તમે ક્યાંથી લીધી હતી? મને બહુ ગમી. ક્યાંથી ખરીદી હતી?’ મેં કહ્યું, ‘વાહ વાહ!’ હવે તમે જુઓ આખા સત્સંગમાં તેની નજર, તેનું ધ્યાન વિશિષ્ટપણે ક્યાં અટકયું હતું તો કહે માળા પર. હું પણ એ માળાને લઇ લઉં તે કેવું સારું, એ કેટલાની હશે, હું કઇ સાડી સાથે પહેરીશ, કોને- કોને દેખાડીશ આ બધું પ્લાનિંગ તેના દિમાગમાં ચાલી રહ્યું છે, પરંતુ દુનિયાની દૃષ્ટિએ જોઇએ અને હું પણ તેને સામે બેઠેલી જોઉ છું તો લાગે છે કે સત્સંગ સાંભળી રહી છે પણ સાંભળીને પણ તે ખરેખર નથી સાંભળી રહી. આપણી આંખ જે જુએ છે, આપણા કાન જે સાંભળે છે, આપણી ચામડી જે ઠંડું કે ગરમ અનુભવ કરે છે... હવે જે લોકો જમીન પર બેઠા છે તો કાર્પેટનો એક સ્પર્શ થઇ રહ્યો છે. અગર કોઈને અગવડ પડી રહી છે મતલબ તેની ઘૂંટીમાં તકલીફ થઇ રહી છે, ખૂંચી રહ્યું છે, તો તેનું ધ્યાન ત્યાં અટકયું હશે તો અડધી વાત તો તે મારી સાંભળશે પણ નહીં. 

એકવાર સજ્જન મને કહેવા માંડયા કે તમે જે સમજાવ્યું હું એ બરાબર સમજયો નહીં. મને એકવાર એક ફરીથી સમજાવશો? મેં કહ્યું, ‘તમે તો બિલકુલ મારી સામે જ બેઠા હતા તો તેમને કેમ નહીં સમજાયું, શું મુશ્કેલી થઇ?’ તેમણે કહ્યું, ‘અસલમાં થયું એવું કે સત્સંગમાં આવતા પહેલા મેં બધું પાણી પી લીધું હતું અને મારે ત્યારે જ બાથરૂમ જવું પડે એમ હતું. હું સૌથી આગળ બેઠો હતો તો બધામાંથી વચ્ચેથી ઊભો થઇને જાઉં કેવી રીતે એટલે બેઠો તો રહ્યો પણ ધ્યાન ન રહ્યું એટલે તમે જે કહી રહ્યા હતા એ સમજવું મુશ્કેલ થઇ ગયું તો તમે મને ફરીવાર સમજાવો.

તમને નવાઈ લાગશે કે મારા એક પરિચિત મહાત્મા છે તેઓ જ્યારે પણ સત્સંગ માટે બેસે છે તે સૌ સથી પહેલા એ જ કહે છે કે ‘બાથરૂમ જઇ આવ્યા?’ અડધા કલાક પછી ફરીથી કહે છે, ‘અચ્છા, હું હવે એક બ્રેક લઉં છું . જાવ, બાથરૂમ જઇ આવો.’ સાંભળવામાં વિચિત્ર લાગે છે પણ એક ઉંમર બાદ જેમને કોઈ શારીરિક તકલીફ છે કે કોઈ બીમારી છે તેમને માટે તો આ બહુ રાહતની વાત છે. આપણું મન શરીરમાં જે સંવેદનાઓ, ઈચ્છાઓ, ઉત્તેજના કે દબાણને મહેસૂસ કરે છે. આપણી જ્ઞાનેન્દ્રિય દ્વારા જે કંઇ સંદેશ પહોંચે છે એને પણ મન સમજે છે, તમારા જીવનના જેટલા અનુભવ અત્યાર સુધી થઇ ચૂકયા છે એ બધા જ અનુભવોનું ‘મેમરી કાર્ડ પણ તમારું મન જ છે અને આવતીકાલે તમે જે કરવા માગો છો અને આજથી દસ વર્ષ બાદ તમે જે કંઈ કરવા ઈચ્છો છો, તમારા બધા સપનાં પણ તમારું મન છે. સપનાં, વિચાર, અહેસાસ, ઐન્દ્રિક અનુભવ, સંસ્કાર, અપેક્ષાઓ, ઈચ્છાઓ આ બધું જ મન છે. તો મન તમારું એટલું જ નથી જેટલું તમે વિચારો છો. મનનો એક હિસ્સો તો એ છે જેને તમે સમજો છે, પણ એના એક મોટા હિસ્સા વિશે તમને કંઇ જ સમજણ નથી.

મનથી શરીર જ નહીં, સંસાર પણ બન્યો છે
પૃથ્વી પર જેટલાં મન જીવી રહ્યાં છે એ તમામને ભેગાં કરીએ એટલે વિશ્ર્વ રચાય

ભાગ-૪

અત્યારે તમને લાગે છે કે મારું મન અલગ છે અને બીજાઓનું મન અલગ છે. તો અહીં જો બસ્સો લોકો બેઠા છે તો તમે કહી શકો છો કે બસ્સો મન બેઠાં છે, પરંતુ મન બસ્સો નથી, મન વાસ્તવમાં એક જ છે.

જો હું તમને આ રીતે સમજાવું. જો તમે એક જંગલ જુઓ તો જંગલ શું છે? જંગલ એવી જગ્યા છે જ્યાં ઘણાં બધાં વૃક્ષો છે અથવા વૃક્ષોના એક મોટા સમૂહને જંગલ કહેવાય છે, બરાબર? હવે એમાંથી હું એક વૃક્ષ કાઢી લઉં તો પણ જંગલ તો ત્યાં જ રહેશે. પછી હું બીજું એક વૃક્ષ કાઢી લઉં તો પણ જંગલ તો ત્યાં જ છે. પણ માની લો કે દસ હજાર લોકો આવે અને કહે કે અમે એક-એક વૃક્ષ લઈએ છીએ અને ધીમે ધીમે એક પછી એક વૃક્ષ કપાઈ જાય અને એક પણ વૃક્ષ ન રહે તો જંગલ ક્યાં રહેશે? તો જંગલ એટલે વૃક્ષોનો સમૂહ અને એક-એક વૃક્ષ જંગલના વ્યક્તિત્વમાં, આકારમાં ઉમેરો કરે છે અને છતાં દરેક વૃક્ષ બીજા વૃક્ષથી અલગ છે. દેખાવમાં, ઉંમરમાં, જાતિમાં બધા એકબીજાથી અલગ છે. તેમ છતાં જો જંગલના એક ખૂણે આગ લાગી જાય તો એ જંગલનાં બધાં વૃક્ષોને બાળી નાખે. 

મતલબ કે આપણે કહી શકીએ કે એક મન એક વૃક્ષ જેવું છે અને ઘણાં બધાં મન એટલે મનનો એક નાનો સમૂહ. તો આ હોલની બહાર કેટલા મન છે. આ પૃથ્વી પર કેટલાં મન જીવી રહ્યાં છે અને એ બધા મનને આપણે ભેગાં કરીએ તો એને સંસાર કહેવાય છે. સંસાર એટલે કે વિશ્ર્વ... તો વિશ્ર્વ પંચત્તત્વ અગ્નિ, પૃથ્વી, જળ, અવકાશ, વાયુનું નથી બન્યું,ખરેખર તો વિશ્ર્વ મનનું બન્યું છે. જ્યારે આપણે સમગ્ર મન કહીએ છીએ ત્યારે આપણે અલગ-અલગ મન કહી રહ્યા હોઈએ છીએ પણ હકીકતમાં મન જુદા-જુદા નથી, એક વૈશ્ર્વિક મન જ છે આ વૈશ્ર્વિક મનને સંસ્કૃતમાં માયા કહે છે. 

માયા શાને કહે છે? આ જ જે વ્યાપક મન છે એને આપણે માયા કહીએ છીએ. તો જેવી રીતે એક-એક વૃક્ષ સાથે આવતા જંગલ બની ગયું એવી રીતે એક-એક મનના જોડાવાથી સંસાર થઈ ગયો. તો આપણે એમ પણ કહી શકીએ કે મન શું છે? મન છે સંસાર.

મને એક વાત કહો, આ જે બહાર તમે સંસાર જોઈ રહ્યા છો એ કેટલો મોટો છે? બહુ મોટો છે. અહીં ધરતીથી સૂરજ કેટલો દૂર હશે? અહીંથી ચંદ્રમાં કેટલો દૂર હશે? અહીંથી શનિ, ગુરુ, શુક્ર આ બધા ગ્રહો જે સૂર્યમંડળની આકાશગંગામાં છે એ બધા તમારા મન એટલે કે વ્યાપક મનમાં મોજૂદ છે, પણ તમને આ વૈશ્ર્વિક મનની જાણ નથી. તમને મનના આ એક યુનિટ (એકમ) વિશે ખબર છે જેને કમલેશનું મન (અગાઉ કમલેશ નામના માણસનું ઉદાહરણ લીધું હતું) અથવા જેને મારું મન કહો છો, પણ મન ફક્ત આટલું જ નથી. જેટલું તમે એને સમજો છો. મન તો આ સંસારને પેદા કરનારું મૂળ કારણ છે. મનથી સંસાર થયો છે. મનથી શરીર જ નહીં મનથી સંસાર પણ બન્યો છે.

હવે મજેદાર વાત. તમે એ સમજો કે જે મને આ સંસારને બનાવ્યો એ ખુદ આ સંસારમાં ફસાઈ જાય છે. ચાલો, હું તમને નાના સ્તર પર, માઈક્રો લેવલ પર લઈ જાઉં. લગ્ન તમે તમારી મરજીથી કર્યાં હતાં. ખુશી-ખુશી, ઢોલ-નગારા સાથે, ઘોડેચડીને, દુલ્હા રાજા બનીને, સાજ સજીને અથવા સ્ત્રી હો તો સુંદર દુલ્હન બનીને, શૃંગાર કરીને સુંદર વર જે પસંદ આવ્યો હતો કે મા-બાપે પસંદ કર્યો હતો તેની સાથે સાત ફેરા લીધા અને સાત જનમોનો સંકલ્પ કર્યો કે, સાત જનમ સાથે રહીશું. હિન્દુ મેરેજ બહુ લાંબે સુધી ચાલે છે ભાઈ! પછી પતિનો સ્વભાવ પસંદ નથી આવતો કે બહુ અક્કડ છે, બહુ જોરજોરથી બોલે છે, ખાતી વખતે નાકમાં આંગળી નાખે છે, બીજાના કામકાજમાં આંગળી નાખે છે. બહુ ચીડ આવે છે પણ પસંદ કર્યો છેને તો તેની સાથે રહીએ છીએ.

તેને પસંદ કોણે કર્યો હતો? તમે. તમારા મને. હવે તેનાથી જે સુખ થશે એ પણ તમે ભોગવશો અને જે દુ:ખ થશે એ કોઈ બીજું ભોગવશે? એ પણ તમે જ ભોગવશો. પછી તમારા બંને થકી, તમે પતિ-પત્ની થકી બાળકો થયા. હવે જે વાત આવે છેને એ વાત સમજો. પેકેજ હંમેશાં આખું હોય છે, અધુરું નથી હોતું. આ પેકેજમાં જ્યારે તમને સુખ મળે છે તો દુ:ખ પણ નિશ્ર્ચિતપણે મળશે જ. તમને એ નથી જોઈતું હોતું પણ એ તો સોદાનો ભાગ હતો હવે તમે એ અડધા હિસ્સાને નકારી ન શકો. 

એક પતિ-પત્નીની લગ્નની પચાસમી વર્ષગાંઠ હતી તો એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં બધું ગોલ્ડન હતું કારણ કે પચાસમી લગ્નતિથિ હતી એટલે ગોલ્ડન સાડી અને પતિ માટે ગોલ્ડન અચકન, ગોલ્ડન જૂતાં અને બધાને ગોલ્ડન કાર્ડ-આમંત્રણ પત્રિકા છાપવામાં આવી હતી. કોઈએ પૂછ્યું તમારાં આ લાંબા દાંપત્યજીવનની સફળતાનું રહસ્ય શું છે? પતિએ જવાબ આપ્યો કે હવે જ્યારે પચાસ વર્ષ થઈ જ ગયા છે તો આજ હું તમને આ ખુશીના મોકા પર રહસ્ય જણાવી જ દઉં છું. તે કહે, ‘જુઓ અમે લગ્નની રાત્રે જ આપસમાં એક કરાર કર્યો હતો કે એકબીજા સાથે ઝઘડીશું નહીં, પરંતુ અગર ઝઘડાની નોબત આવી જાય અને તને ક્યાંક ગુસ્સો આવી જાય મારા પર અને મને દેખાય કે તું મારા પર ગુસ્સામાં છે તો હું ઘરની બહાર ચાલ્યો જઈશ. અહીં-ત્યાં ફરીશ. તો બે-ચાર કલાકમાં તે પણ ઠીક થઈ જાય છે. અને હું પણ ઠીક થઈ જાઉં છું. એટલે છેલ્લાં પ૦ વર્ષમાં જ્યારે-જ્યારે મારી પત્નીને ગુસ્સો આવે તો હું ઘરની બહાર ચાલ્યો જાઉં છું, તો એ રીતે પચાસ વર્ષમાં અમે ક્યારેય ઝઘડ્યા નથી. અમારી આપસમાં ગોઠવણ છે જમવાનું હું બનાવું છું તે ખાય છે, બાળકો તેણે જણ્યા હું સંભાળું છું, હું કમાઉં છું તે ખર્ચે છે. ગોઠવણ છે આ અમારી વચ્ચે. અમારા લગ્નને પચાસ વર્ષ થઈ રહ્યાં છે તો અમારી ખુશીનો આધાર જે છે એ આ વાત પર જ છે કે હું હંમેશાં શાંત રહું છું. જો તે ગરમ થઈ જાય તો અને અગર હું ગુસ્સે થઈ જાઉં તો ઠંડા પાણીથી નહાઈને પોતાની જાતને શાંત પાડી દઉં છું! (ક્રમશ:)



Friday, August 22, 2014

ભગવદ્ ગીતા હિન્દુઓનો નહીં, સમસ્ત માનવજાતનો ગ્રંથ છે --- યે જો હૈ ઝિંદગી - ગીતા માણેક

કોઈ પણ દર્દી ડોક્ટર પાસે જાય અને જો તે કાબેલ ડોક્ટર દવા આપે તો શું એ દવા હિન્દુને વધુ કે મુસલમાનને વધુ અસર કરે એવું બને ખરું? ભગવદ્ ગીતા જીવન માટે દવા જેવું જ કામ કરી શકે છે, જો એને સમજીને જીવનમાં ઉતારવામાં આવે. હવે એને જુદા-જુદા ધર્મ કે સંપ્રદાય સાથે શી લેવાદેવા?

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.આર. દવેને આજકાલ મીડિયા અને કહેવાતા સેક્યુલરવાદીઓએ અપરાધીના કઠેડામાં ઊભા રાખીને ઝીંકાઝીંક કરવા માંડી છે. આ લોકોના હિસાબે જસ્ટિસ દવેએ ‘અક્ષમ્ય’ અપરાધ કર્યો છે. શું? તો કહે છે કે જસ્ટિસ દવેએ કહ્યું કે બાળકોને નાનપણથી જ ભગવદ્ ગીતા અને મહાભારત ભણાવો.

સેક્યુલરિસ્ટો તૂટી પડ્યા. ‘હાય, હાય ભદવદ્ ગીતા જેવો હિન્દુ ગ્રંથ કંઈ બાળકોને નાનપણથી ભણાવાતો હશે.’ સૌથી પહેલાં તો આવું કહેનારાઓને પૂછવું જોઈએ કે ભાઈઓ કે બહેનો, તમે ક્યારેય ભગવદ્ ગીતા વાંચી છે ખરી? જો એકવાર ભૂલેચૂકે પણ ભગવદ્ ગીતાનો એકાદ શ્ર્લોક પણ વાંચીને સમજવાની દરકાર કરી હોત તો ભગવદ્ ગીતાને ‘હિન્દુ’ ગ્રંથ કહેવાની મૂર્ખામી કોઈ વ્યક્તિ કરી જ ન શકે! યોગને હિન્દુઓ સાથે જોડી શકાય ખરો? યોગના કોઈ પણ આસન પછી તે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી કે જગતની કોઈ પણ વ્યક્તિ કરે અને એના જે શારીરિક (માનસિક અને આધ્યાત્મિકની વાત અત્યારે બાજુએ મૂકીએ તો પણ) લાભ મળે એ શું હિન્દુને વધુ અને મુસ્લિમ કે ક્રિશ્ર્ચયનને ઓછા મળે?

કોઈ પણ દર્દી ડોક્ટર પાસે જાય અને જો તે કાબેલ ડોક્ટર દવા આપે તો શું એ દવા હિન્દુને વધુ કે મુસલમાનને વધુ અસર કરે એવું બને ખરું? ભગવદ્ ગીતા જીવન માટે દવા જેવું જ કામ કરી શકે છે જો એને સમજીને જીવનમાં ઉતારવામાં આવે. હવે એને જુદા-જુદા ધર્મ કે સંપ્રદાય સાથે શું લેવાદેવા?

અર્જુનને જે વિષાદ થયો હતો એટલે કે આજની ભાષામાં કહીએ તો અર્જુન ડિપ્રેસ્ડ થઈ ગયો હતો. શું ડિપ્રેશન કોઈ એક ધર્મ કે કોમ પૂરતું મર્યાદિત છે? શ્રીકૃષ્ણને દેવ તરીકે ન જોઈને એક સાયકિયાટ્રીસ્ટ કે માર્ગદર્શક મિત્ર તરીકે તેમના ઉપદેશ સાંભળીએ તો? શ્રીકૃષ્ણે આખી ગીતામાં ક્યાંય પોતાને હિન્દુ કીધા હોવાનું આ લખનારના ધ્યાનમાં તો નથી.

ક્ષત્રિય તરીકે અર્જુન કેટલાય યુદ્ધ લડ્યો હતો અને કેટલાયને મારી નાખ્યા હતા પણ જ્યારે પોતાના સ્વજનોને સામે ઊભેલા જોયા ત્યારે તેના ગાત્રો શિથિલ થવા માંડ્યા હતા અને તે સંન્યાસની ભાષા બોલવા માંડ્યો હતો. આ સમજાવવા ગીતા પ્રવચનોમાં વિનોબા ભાવેએ એક દૃષ્ટાંત આપ્યું છે- એક ન્યાયાધીશ હતો. સેંકડોં ગુનેગારને તેણે ફાંસીની સજા કરી હતી. પણ એક દિવસ તેના પોતાના દીકરાને ખૂની તરીકે તેની સામે ખડો કરવામાં આવ્યો. દીકરા પર મૂકાયેલો ખૂનનો આરોપ સાબિત થયો ને તેને ફાંસીની સજા કરવાનું એ ન્યાયાધીશને માથે આવ્યું પણ તેમ કરતાં ન્યાયાધીશ અચકાયો. એટલે તેણે બુદ્ધિવાદભરી વાતો કરવા માંડી ફાંસીની સજા અમાનવીય છે; એવી સજા કરવાનું માણસને શોભતું નથી; માણસના સુધરવાની આશા એને લીધે રહેતી નથી; ખૂન કરનારે લાગણીના આવેશમાં આવી ખૂન કર્યું પણ તેની આંખ પરનાં લોહીનાં પડળ ઊતરી ગયા પછી પણ ગંભીરતાથી તે માણસને ઊંચકીને ફાંસીએ લટકાવીને મારવાનું કામ સમાજની માણસાઈને નીચું જોવડાવનારું તેમ જ ડાઘ લગાડનારું છે. આ અને આવા મુદ્દા ન્યાયાધીશે રજૂ કરવા માંડ્યા. આ છોકરો સામો આવ્યો ન હોત તો મરતાં સુધી ન્યાયાધીશ સાહેબ ખાસા ફાંસીની સજાઓ ટીપતા રહ્યા હોત. દીકરા પરના મમત્વને લીધે ન્યાયાધીશ આ પ્રમાણે બોલવા લાગ્યા હતા. તેમનું આ બોલવું અંતરનું નહોતું. તે આસક્તિજન્ય હતું. ‘:આ મારો દીકરો છે’ એવા મમત્વમાંથી જન્મેલું કથન હતું. 

આવું મમત્વ શું માત્ર હિન્દુઓને જ થાય છે? માતા-પિતા, ભાઈ-બહેન, સંતાન કે સગાંવહાલાઓ અને મિત્રો માટેની આસક્તિ પર શું કોઈ એક ધર્મના કે સંપ્રદાયના લોકોને જ હોય છે? આવી પરિસ્થિતિમાં શું માત્ર હિન્દુઓના જ ગાત્રો શિથિલ થાય છે? શ્રીકૃષ્ણ અહીં કોઈ ધર્મની વાત નથી કરતા પણ તેમનો પ્રયાસ માનવમાત્રની આસક્તિ જે તેમને અર્જુનમાં પણ દેખાઈ રહી છે એને દૂર કરવાની વાત કરે છે.

ભગવદ્ ગીતાના કોઈ પણ શ્ર્લોકને આ જ એરણ પર ચડાવીએ તો તે નખશીખ માનવજાત માટેનો ગ્રંથ સાબિત થશે એ અંગે કોઈ શંકાને સ્થાન નથી.

ઉદાહરણ તરીકે બીજા અધ્યાયનો ૨૮મો શ્ર્લોક લઈએ તો એ કહે છે- 

અવ્યક્તાદીનિ ભૂતાનિ વ્યક્ત્તમધ્યાનિ ભારત

અવ્યક્ત્તાનિધનાન્યેવ તત્ર કા પરિદેવનામમ

શ્રી અરબિંદોએ આને આ રીતે સમજાવ્યો કે હે ભારત, ભૂતમાત્ર( અહીં ભૂતમાત્ર એટલે કે પંચભૂતોમાંથી પેદા થયેલો દરેક જીવ એમ કહ્યું છે. કોઈ ચોક્કસ ધર્મની વ્યક્તિ એવું નથી કહ્યું) અવ્યક્ત એવી અવસ્થામાંથી જન્મમાં આવે છે. વચ્ચે વ્યક્ત અવસ્થામાં હોય છે અને તેમનું અવ્યક્ત અવસ્થામાં પાછું જવું એનું નામ મરણ છે. આમ જન્મ પૂર્વેની અને મરણ પછીની સ્થિતિ અવ્યક્ત એટલે કે જોઈ શકાતી ન હોય એવી હોય છે. માત્ર વચ્ચેની સ્થિતિ જ પ્રગટ થાય છે. તો આ બાબતમાં શોક શો કરવો?

આ વાત શું ફક્ત હિન્દુ ધર્મના લોકોને જ લાગુ પડે છે? એક જાણીતા સંતે આને સાદી સરળ ભાષામાં સમજાવતા કહ્યું હતું કે આપણું શરીર પંચમહાભૂતમાંથી એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશમાંથી બને છે. ગર્ભાધાન થાય એ પહેલાં શરીરનું અસ્તિત્ત્વ હોતું નથી. આ પાંચેય મહાભૂતો અમુક એક ચોક્કસ નિયમ અને પ્રક્રિયા અનુસાર ભેગાં થાય અને બાળકનું સર્જન થાય. જેટલા વર્ષનું વ્યક્તિનું આયુષ્ય હોય ત્યાં સુધી તેનું શરીર જીવે છે એટલે કે વ્યક્ત અવસ્થામાં હોય છે. તે વખતે આપણે તે વ્યક્તિનું શરીર જોઈ શકીએ છીએ. મૃત્યુ બાદ આ તમામ તત્ત્વો જેનાથી આ શરીર બન્યું હતું એમાં ચાલ્યા જાય છે- પૃથ્વીનો અંશ પૃથ્વીમાં, જળનો જળમાં, વાયુનો વાયુમાં, આકાશ આકાશમાં, અગ્નિ અગ્નિમાં અને ફરી જે અવ્યક્ત વ્યક્ત થયું હતું તે અવ્યક્ત થઈ જાય છે.

હવે આ વાત શું જગતના દરેક માનવ કે પછી સજીવ માટે સાચી નથી? કે પછી ફક્ત હિન્દુ શરીરનું જ આવું થાય છે? અન્ય બધા શરીરો મૃત્યુ બાદ પણ વ્યક્ત અવસ્થામાં જ રહે છે?

આ બધું લખવા પાછળ ભગવદ્ ગીતા પર ભાષ્ય કરવાનો કોઈ જ ઈરાદો નથી પણ આપણે ત્યાં કોઈ પણ બાબતને સમજ્યા વિના તેને સંપ્રદાય, કોમ કે ધર્મ સાથે જોડી દઈ હોબાળો મચાવવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. 

કેટલાક લોકોએ જસ્ટિસ દવેનો એમ કહીને વિરોધ કર્યો કે નાના-નાના બાળકો ભગવદ્ ગીતામાં શું સમજશે? હકીકત તો એ છે કે ભગવદ્ ગીતા કે પછી કોઈ પણ સત્ત્વશીલ ધર્મગ્રંથો નાનપણથી જ શીખવા અને સમજવાનો મતલબ છે, કારણ કે ભગવદ્ ગીતા હોય કે અન્ય કોઈ આવા ગ્રંથો આપણને જીવન જીવવાની કળા શીખવવા માટે હોય છે વૃદ્ધાવસ્થામાં ટાઈમપાસ કરવા માટે નહીં. મુસ્લિમ બિરાદરો નાનપણથી જ મદરેસામાં અને મસ્જિદોમાં બાળકોને ધર્મનું શિક્ષણ નથી આપતા? ચર્ચમાં અને મિશનરી સ્કૂલોમાં બાઈબલ નથી વાંચવામાં આવતું? 

અન્ય ધર્મોના આવા ગ્રંથો વિશેની ઊંડી જાણકારી નથી પણ ભગવદ્ ગીતાના શ્ર્લોક (અર્થ જાણતા હો કે ન જાણતા હો) એટલે કે સંસ્કૃત ભાષાના આ કાવ્યના શબ્દતરંગો માણસના મન પર પોઝિટિવ અસર કરે છે એ અભ્યાસ પછી સિદ્ધ થયું છે. આ શ્ર્લોકના બીજ બાળ માનસમાં વાવવામાં આવે અને એમાંથી સમજણના સુંદર વૃક્ષો ઉગે તો એમાં ખોટું શું છે? ન્યુટન અને આઇન્સ્ટાઈનની થિયરીઓ આપણે સાદી ભાષામાં પણ બાળકોને નાનપણથી શીખવીએ જ છીએને?

મહાભારતની આ વાતો કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના બાળકને શીખવવાથી કંઈ તેનો ધર્મ વટલાઈ નથી જતો. જ્યારે આપણે બાળકોને પંચતંત્રની નીતિકથાઓ ભણાવીએ છીએ તો એનો અર્થ આપણે તેમને પશુ જગતનું શિક્ષણ આપીએ છીએ એવો તો ન જ કરી શકાયને! પશુના પ્રતીકો દ્વારા આપણે તેને જીવન જીવવાના પાઠ ભણાવીએ છીએ. જો કે એની સામે કોઈને વાંધો નથી હોતો કારણ કે પશુઓમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન કે યહૂદી નથી હોતા!

જસ્ટિસ દવે જેવી વ્યક્તિઓ ક્યારેય સરમુખત્યાર થશે નહીં અને મોદી સરકારના રાજમાં પણ ન તો બાળપણથી જ ભગવદ્ ગીતા કે મહાભારત-રામાયણ શીખવવાના કોઈ ફતવાઓ આવશે પણ કમ સે કમ સંસ્કૃત ભાષા બાળકોને ફરજિયાત નહીં તો ય શીખવા મળે એ માટેની વ્યવસ્થા પણ જો આપણી સ્કૂલોમાં થાય તો ય ઘણું છે. 

બાય ધ વે, ભગવદ્ ગીતા વાંચીને, એને માથે મૂકીને નાચનારો જર્મન કવિ ક્યાં હિન્દુ હતો!

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=137131

Friday, June 27, 2014

તમારા પતિને વિધુર બનતાં શીખવાડો --- યે જો હૈ ઝિંદગી - ગીતા માણેક

ગુજરાતી કોલમિસ્ટ જગતના રાજા કહી શકાય એવા કોલમિસ્ટ અને લેખક તેમ જ અમારા વડીલ ચંદ્રકાંત બક્ષીએ વર્ષો પહેલાં તમારી પત્નીને વિધવા બનતાં શીખવાડો એવો એક લેખ લખ્યો હતો. હજુ પણ અનેક કુટુંબોમાં સ્ત્રીઓને એ જાણ નથી હોતી કે પતિ કે પરિવાર પાસે કેટલી મિલકત છે, કઈ બેન્કમાં કેટલા રૂપિયા છે, ક્યાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે, કેટલા શેર્સ છે કે કોની પાસેથી કેટલા પૈસા લેવાના છે કે આપવાના છે એવી કોઈ માહિતી હોતી નથી. મોટા ભાગે પુરુષો પત્નીઓને કહી દેતા હોય છે કે ‘હું બેઠો છુંને પછી તારે શું ચિંતા’ પણ અચાનક આ બેઠેલો પુરુષ ચત્તોપાટ થઈ જાય છે. અકસ્માત કે હાર્ટ-એટેક કે એવી કોઈ બીમારી પર સવાર થઈને મોત ત્રાટકે છે ત્યારે આ બધા હિસાબો આપવા-લેવાનો સમય રહેતો નથી. અબજોપતિઓની પત્નીઓ પોતાના પતિની કે પોતાની માલિકીની સંપત્તિ હોવા છતાં આ બધા અંગે અજાણ હોવાને કારણે ઓશિયાળું અને બિચારું જીવન જીવતી હોય છે. તમારી પત્નીને તમારું એક નંબરનું અને બે નંબરનું ખાતું શું છે એની જાણકારી હોવી જોઈએ એવી શીખ ગુજરાતી વાચકોને આપવામાં આવી હતી.

આ મુંબઈ શહેરમાં પણ એવી મહિલાઓ છે જેઓ ક્યારેય બેન્કમાં સુધ્ધાં ગઈ નથી. તેમના કિચન, ટેલિવિઝન સિરિયલ અને લગ્ન, મરણ કે સીમંતના પ્રસંગો સિવાયની પણ એક દુનિયા છે એની તેમને ખબર નથી. આ મહિલાઓનો પતિ અચાનક ફટાકડાની જેમ ફૂટી જાય કે પછી કોઈ લલના સાથે લીલા કરવા ચાલ્યો જાય તો તેની સ્થિતિ દયનીય થઈ જાય છે. અલબત્ત, આના માટે ફક્ત પુરુષ નહીં પણ તે મહિલા પોતે પણ જવાબદાર હોય છે એવું અમે પણ ચોક્કસપણે માનીએ છીએ.

ખેર, આ વિષય પર ચંદ્રકાંત બક્ષીથી માંડીને અન્ય લેખકો લખી ચૂક્યા છે પણ જેમ પત્નીને વિધવા બનતાં શીખવવું જરૂરી છે એટલું જ પતિને વિધુર બનતાં શીખવવું જરૂરી નથી?

અમારા પ્રિય કવિ ગુલઝારની એક બહુ જ હૃદયસ્પર્શી કવિતા છે:

બુઢિયા, તેરે સાથ મૈંને, જીને કી હર શૈ બાંટી હૈ!

દાના પાની, કપડા લત્તા, નીંદે ઔર જગરાતે સારે,

ઔલાદોં કે જનને સે બસને તક, ઔર બિછડને તક!

ઉમ્ર કા હર હિસ્સા બાંટા હૈ...

તેરે સાથ જુદાઈ બાંટી, રૂઠ, સુલહ, તન્હાઈ ભી,

સારી કારસ્તાનિયાં બાંટી, ઝૂઠ ભી ઔર સચ્ચાઈ ભી,

મેરે દર્દ સહે હૈ તૂને,

તેરી સારી પીડે મેરે પોરોં સે ગુઝરી હૈ,

સાથ જિયે હૈં...

સાથ મરેં યે કૈસે મુમકિન હો સકતા હૈ?

દોનોં મેં સે એક કો ઇક દિન,

દૂજે કો શમ્શાન પે છોડ કે

તન્હા વાપસ લૌટના હોગા!!

આપણને ગમે કે ન ગમે, આપણે એના માટે તૈયાર હોઈએ કે ન હોઈએ, સંબંધો પ્રેમભર્યા હોય કે કંકાસથી છલોછલ પણ હકીકત તો એ જ છે કે બહુ થોડા અપવાદો બાદ કરતાં પતિ-પત્નીનું એકસાથે મૃત્યુ થયું હોય એવું ભાગ્યે જ બને છે. કવિ ગુલઝારે લખ્યું છે એમ જિંદગીના દરેક તબક્કે સાથ નિભાવ્યો હોય પણ બેમાંથી એક જણે બીજાને સ્મશાનમાં ચિતા પર ચડાવીને ઘરે એકલા પાછા ફરવાનું હોય છે. આ એકલતા ભયાનક હોય છે એ ખરું પણ દરકે પરિણીત વ્યક્તિએ પોતાનો જીવનસાથી ગુમાવવાની એ કારમી પીડાનો ક્યારેક તો સામનો કરવો જ પડતો હોય છે.

સંવેદનાના સ્તર પર બંનેએ, પછી તે પતિ હોય કે પત્ની, જીવનસાથીની ગેરહાજરીમાં જીવવા માટે આગોતરી તૈયારી કરવાની હોય જ છે, પણ બાહ્યજગતમાંય આ તૈયારી કરવી પડતી હોય છે.

પતિનું મૃત્યુ થાય તો પત્નીને આર્થિક તકલીફોનો સામનો કરવો પડે કે પછી દુનિયાદારીનું વ્યવહારુ જ્ઞાન ન હોવાને કારણે મુશ્કેલી અનુભવવી પડતી હોય એવા અનેક કિસ્સાઓ છે, પરંતુ પત્ની મૃત્યુ ન પામી હોય પણ બે-ચાર દિવસ બહારગામ ગઈ હોય કે બીમારીમાં પટકાઈ હોય તોય રઘવાયા થઈ જતા અને મા વિનાના બાળક જેવા પતિઓને અમે જોયા છે, કારણ કે આ પતિદેવોને પત્નીની ગેરહાજરીમાં એક કપ ચાના કે બે ટાઈમ ભોજનના ય સાંસા પડે છે. એ માટે કાં તો તેમણે હોટેલનો કે પછી કોઈ સગાં-સંબંધીઓનો આશરો લેવો પડે છે. એક યુવાન અને યુવતીનાં લગ્ન થયાં. લગ્નના બીજા દિવસે પતિ પથારીમાંથી ઊઠ્યો અને બાથરૂમમાં ગયો તો બાથરૂમમાં તેના ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાડીને તૈયાર હતી. તેનો ટુવાલ બાથરૂમમાં ટીંગાડી દેવામાં આવ્યો હતો. કપડાંને ઈસ્ત્રી કરીને મૂકવામાં આવ્યા હતા. રૂમાલ, મોજાં બધું જ તૈયાર કરીને મૂકવામાં આવ્યું હતું. પતિએ તરત જ બૂમ પાડીને પત્નીને બોલાવી. પત્ની દોડીને આવી એવું માનીને કે તેણે જે બધું ગોઠવી રાખ્યુ હતું એ જોઈને પતિ ખુશખુશાલ થઈ ગયો હશે પણ તેને બદલે પતિના ચહેરા પર નારાજગી હતી. પતિએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આજે તો આ બધું કર્યું પણ હવેથી આ બધું કરવાની જરૂર નથી. પત્નીના ચહેરા પરનો રંગ ઊડી ગયેલો જોઈને તેણે તેને બાજુમાં બેસાડીને સમજાવી કે જો, આજે તેં મારા ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાડવાથી માંડીને મારી જરૂરતની બધી જ ચીજવસ્તુઓ ગોઠવીને મૂકી છે. આવું તું કાયમ કરી શકીશ નહીં અને કરીશ તોય થોડા વખત પછી આનો તને બોજ લાગવા માંડશે. ત્યાં સુધીમાં મને બધું જ હાથમાં મળે એવી આદત પડી ગઈ હશે. ટૂંકમાં, આવી વ્યવસ્થા લાંબો સમય ચાલશે નહીં અને ચાલશે તોય એમાં કંટાળો પ્રવેશશે. આ સિવાય પણ હું તારા પર એટલા હદે નિર્ભર થવા નથી ઈચ્છતો કે મારું પોતાનું કામ કરવા માટે પણ મને તારી જરૂર પડે. માટે મહેરબાની કરીને મને મારાં કામ જાતે કરી લેવા દે. તું મારા જીવનમાં નહોતી ત્યારે પણ હું બ્રશ કરતો હતો અને નહાઈને જાતે જ તૈયાર થઈ જતો હતો.

કોણ જાણે કેમ પણ આપણે ત્યાં પ્રેમની વ્યાખ્યા એકબીજા પર નિર્ભર હોવું એવી થઈ ગઈ છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોય, લાગણી હોય કે ફોર ધેટ મેટર કોઈ પણ સંબંધોમાં પરસ્પર એકબીજા માટે સ્નેહ હોય એ સારી બાબત છે પણ પતિ-પત્નીના સંબંધોમાં એકબીજા માટેનો સ્નેહ કે દોસ્તી કરતાં વધુ એકબીજા પરની નિર્ભરતા પ્રવેશી જાય છે. પતિ-પત્ની પ્રેમી મટીને એકબીજાની જરૂરિયાત પૂરી કરનારા મશીન જેવા થઈ જાય છે. કેટલીય પત્નીઓને એવું કહેતાં સાંભળી છે કે મને તો અમુક જગ્યાએ ફરવા કે કોઈને મળવા જવું છે પણ કેવી રીતે જઈએ, કારણ કે હું જો થોડા દિવસ ન હોઉં તો મારા પતિ કે છોકરાઓ ભૂખ્યા રહે, ઘરનો કારભાર કોણ ચલાવે? મૃત્યુ તો બહુ દૂરની વાત છે પણ પત્ની કે ઘરની મુખ્ય મહિલાની ગેરહાજરીમાં ઘર નામની આ ફેક્ટરી સદંતર ખોટકાઈ જતી હોય છે. દાંપત્યજીવનનાં શરૂઆતનાં વર્ષોને બાદ કરતાં પછી ધીમે-ધીમે પતિ-પત્ની વચ્ચે પ્રણયને બદલે પરસ્પર ગુલામી પ્રવેશ કરી જાય છે. જ્યાં ગુલામી હોય, અસલામતીની ભાવના હોય ત્યાં પ્રેમ ક્યાંથી પાંગરી શકે!

જ્યાં હિંદુસ્તાની પ્રથા અનુસાર પતિ કમાતો હોય અને પત્ની ઘર સાચવતી હોય એ સંજોગોમાં મિલકત, સંપત્તિ અને અન્ય જરૂરી બાબતો અંગે પત્નીને વાકેફ રાખવી અને અચાનક એક્ઝિટ કરવાનો વારો આવે તો પત્ની અને બાળકો દર-દરની ઠોકર ખાતાં ન ફરે એટલી રીતે પત્નીને સજ્જ કરવાની જવાબદારી પતિની ગણી શકાય. એ જ રીતે પત્ની બીમાર થાય કે કોઈ પણ કારણસર ગેરહાજર હોય કે પછી અણધારી વિદાય લઈ લે તો પતિ સવારની એક કપ ચા કે એક સાફ-સ્વચ્છ ટુવાલ માટે પુત્રવધૂ કે દીકરી પાસે આજીજી કરતો થઈ જાય એવી સ્થિતિ ન આવે એ જોવાની જવાબદારી સ્ત્રીની હોવી જોઈએ.

આજુબાજુ નજર કરશો તો ખ્યાલમાં આવશે કે આજની નારી આત્મનિર્ભર બની છે. કાં તો પોતે કમાય છે અથવા જો ન કમાતી હોય તો પણ પતિના કામકાજ કે વ્યવસાય અંગે વાકેફ છે પણ એની સરખામણીમાં મોટા ભાગના પુરુષો હજુ પણ પોતાની રોજબરોજની જરૂરિયાતો માટે પત્ની કે પછી મા અથવા ઘરની જ કોઈ મહિલા સદસ્ય પર નિર્ભર છે. પુરુષોની આ સ્થિતિ માટે જેટલા પુરુષો જવાબદાર છે એટલી જ કદાચ તેમના જીવનમાં રહેલી સ્ત્રીઓ પણ જવાબદાર છે. ઘણા ખરા કિસ્સાઓમાં સ્ત્રીઓ પણ પોતાના પતિઓને કે પુત્રોને પોતાના પર નિર્ભર રાખવા ઇચ્છતી હોય છે. મારા હસબંડને તો મારા વિના ચાલે જ નહીં. તેમને તો પેન્ટ અને શર્ટનું મેચિંગ કરતાં પણ ન આવડે. ઘરમાં ચા-સાકરના ડબ્બા ક્યાં છે એની પણ તેને ખબર ન હોય એવું ઘણી મહિલાઓ પોરસાઈને કહેતી હોય છે. આમાં પ્રેમ કરતાંય વધારે માલિકીપણાનો ભાવ વધુ દેખાય છે.

પરિપક્વ સંબંધોમાં એકબીજા પર નિર્ભર નહીં પણ એકબીજાને આત્મનિર્ભર બનાવવા તરફનો ઝોક વધુ હોય છે. એકબીજાનો સાથ-સંગાથ ગમવો એ જુદી વાત છે અને એકબીજા માટે વ્યસન બની જવું એ જુદી વાત છે. જો સંબંધોમાં પૂરતી મોકળાશ ન હોય તો સંબંધો પણ વ્યસન બની જતા હોય છે. એવા વ્યસન જેને આપણે ધિક્કારીએ છીએ પણ છોડી શકતા નથી. સંબંધોમાં જ્યારે આપણે મુક્તતા નથી અનુભવતા કે એકબીજાના પગમાં બેડી બની જઈએ છીએ ત્યારે એનો ભાર લાગવા માંડે છે. એક સામાજિક વ્યવસ્થા અને સગવડતા માટે બંનેના કાર્યક્ષેત્ર જુદા હોય અને બંને પોતપોતાની જવાબદારી સારી રીતે નિભાવતા હોય એ નિશ્ર્ચિતપણે પ્રશંસનીય બાબત છે પણ એકબીજા વિના લૂલા-લંગડા કે અપંગ થઈ ગયા હોવાનો ભાવ આવતો હોય તો એને પ્રેમ તો ન જ કહી શકાય.