Monday, January 13, 2014

તંત્રીલેખ - બે ટાઈમ-ઝોનની જરૂર: ઈલેક્ટ્રિસિટીની જંગી બચત

બે ટાઈમ-ઝોનની જરૂર: ઈલેક્ટ્રિસિટીની જંગી બચત


ભારતભરમાં એક જ ટાઈમ ઝોન છે. મતલબ કે જે સમય છે તે ઘડિયાળ અનુસાર આખા ભારતમાં એકસરખો સમય બતાવે છે. દિલ્હી અને ક્ધયાકુમારી ભલે એકબીજાથી સેંકડો માઈલ દૂર છે, પરંતુ બન્નેનો સમય એક જ છે. તેવી જ રીતે કોલકાતા અને ભૂજ બન્નેની ઘડિયાળ એકસરખો જ સમય બતાવે છે.

ભારત એક વિશાળ દેશ છે. તે ૬૮ અને ૯૭ રેખાંશ વચ્ચે પથરાયેલો છે. વિશ્ર્વસ્તરે બે રેખાંશ વચ્ચે ચાર મિનિટનો તફાવત રહે છે. ૩૬૦ રેખાંશ છે તેને ૨૪ કલાક વડે ભાગવામાં આવે તો પૂર્વ અને પશ્ર્ચિમનાં નગરો વચ્ચે ૧૧૬ મિનિટ એટલે કે લગભગ બે કલાકનો ગાળો છે. ૧૯૪૭માં જ્યારે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ સ્વીકારવામાં આવ્યો હતો તે વખતે ૮૨.૫ રેખાંશને સ્વીકૃત કરવામાં આવ્યો હતો. તેના આધારે સમયની ઘડિયાળ ફરતી હતી.

આ રેખાંશને કારણે બને છે એવું કે અરુણાચલ, આસામ, મેઘાલય જેવાં પૂર્વોત્તર રાજ્યોમાં સૂર્ય સવારે ચાર વાગે ઊગે છે જ્યારે ગુજરાતના ભૂજ, અમદાવાદ વગેરે સ્થળે સૂર્યોદય સવારે સાત વાગ્યે થાય છે. આ બધાને કારણે ઓફિસ તો ત્યાં સવારે ૧૧ વાગ્યાથી કાર્યરત થાય છે. જ્યારે સાંજે વહેલી બંધ કરી દેવી પડે છે અથવા તો ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ સાંજે વધી જાય છે. આ બાબત પૂર્વોત્તર રાજ્યોને લાગુ પડે છે.

સવારે અને સાંજે બન્ને સમયે ઈલેક્ટ્રિસિટીનો વ્યય થાય છે. આસામના મુખ્યમંત્રી દ્વારા ઈલેક્ટ્રિસિટીના બચાવ માટે બે ટાઈમ ઝોનની માગણી કરવામાં આવી છે. કારણ કે પૂર્વનાં રાજ્યોની બૅન્ક, સરકારી ઓફિસ તેમજ વ્યાપારી સંસ્થાઓ દૂરના ભારતનાં મથકો સાથે તાલ મિલાવી શકતા નથી. કારણ એ છે કે તેમને ત્યાં અંધારું વહેલું થઈ જાય છે અને સૂર્યોદય સવારે વહેલો થાય છે.

૧૯૪૭ પૂર્વે બે ટાઈમ ઝોન હતાં. તે વખતે આટલો વેપાર, વ્યવહાર, રેલવે અને સંદેશા વ્યવહારની સુવિધા નહોતી છતાં કોલકાતા ૫=૩૦=૨૧ જીએમટીથી આગળ અને બોમ્બે ટાઈમ ૪=૫૧=૦૦ જીએમટીથી આગળનો હતો. પૂર્વોત્તર રાજ્યોથી બંગલાદેશ જે ભારતનો જ ભાગ હતું ત્યાં આજે અડધી કલાક આગળનો સમય પ્રવર્તમાન છે.

વર્ષ ૨૦૧૨માં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ દ્વારા જણાવાયું હતું કે જો આ રીતે સમય ઝોનમાં ફેરફાર કરીને ઉચિત નિર્ણય કરવામાં આવે તો વાર્ષિક બે અબજ કિલોવોટ અવર્સની વિદ્યુત બચે તેવું છે. આ ફેરફારથી રેલવે, ટ્રાન્સપોર્ટ તેને કોઈ નકારાત્મક અસર થવાની નથી. એક વખત તેમાં સમયોચિત ફેરફાર થશે તો તેની રીતે ગોઠવણી પણ થઈ જવાની છે.

પૂર્વ ભારતનાં રાજ્યોમાં આથી ઉત્પાદકતા અને કાર્યક્ષમતા બન્નેમાં વધારો થશે. આસામના ચાના બગીચામાં શ્રમિકો વહેલી સવારથી કામ શરૂ કરે તો સાંજે સૂર્યાસ્ત સુધીમાં ઘણું કામ પૂરું થઈ શકે છે. સમય ઝોનમાં ફેરફાર કરવાથી ૧૭ થી ૧૮ ટકા ઈલેક્ટ્રિસિટીનો બચાવ થવાનો છે. આ બચત નાનીસૂની નથી. પૂર્વ ભારત આમ પણ ઈલેક્ટ્રિસિટીના પુરવઠાની તંગી ભોગવે છે. ત્યાં બચત થવાથી ઈલેક્ટ્રિસિટીનો પુરવઠો વધવાનો છે.

અમેરિકા, બ્રિટનમાં શિયાળાની સિઝનમાં નવેમ્બર-માર્ચ દરમિયાન ઘડિયાળમાં એક કલાકનો ફેરફાર થાય છે. એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન ૧ કલાક આગળ અને શિયાળામાં પાછળ ઘડિયાળના કાંટા કરી નાખવામાં આવે છે. આ માટેની જાહેરાત રેડિયો અને ટીવી પર જોરદાર રીતે થાય છે. લોકોને પૂરતું શિક્ષણ અને સમજદારી આપવામાં આવે છે એટલે કોઈ મોટા પ્રશ્ર્ન ઊભા થતા નથી.

જ્યારે ઈલેક્ટ્રિસિટી નહોતી તે વખતે ૧૦૦-૧૨૫ વર્ષ અગાઉ વહેલા જાગીને કાર્યની શરૂઆત કરવાનો ક્રમ હતો. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનું વર્ક કલ્ચર હતું. ગાંધીજી સ્થાપિત ખાદી ભંડાર અને ખાદી મંદિરોમાં સૂર્યાસ્તના સમયે કામકાજ બંધ કરી દેવાનો રિવાજ હતો. આથી ઈલેક્ટ્રિસિટીનો ખર્ચ બચી જતો હતો. કોઈ ખાદી ભંડાર ઈલેક્ટ્રિસિટીનો હદ બહાર ઉપયોગ કરતા નહોતા.

આજના વ્યાપાર, વાણિજ્યમાં ઈલેક્ટ્રિસિટી અને ટેલિફોન (ઈન્ટરનેટ, ફેક્સ, મોબાઈલ સાથે) ખર્ચા અનહદ વધી રહ્યા છે. કેટલાક લોકો ઈલેક્ટ્રિસિટીના બિલ વધી રહ્યા છે તેની ફરિયાદ કરે છે, પરંતુ ઘરમાં પંખા, ફ્રીઝ, એસી, વોશિંગ મશીન અને મિક્સચર, વોટર પ્યોરીફાયર જેવાં ઉપકરણો કેટલાં છે? તેનો ઉપયોગ કેવી રીતે થાય છે? ટીવી મધ્યરાત્રિ સુધી ચાલે છે. ત્યારબાદ ફરિયાદ કરે છે કે બિલ વધી રહ્યું છે!

સમયના બે ઝોન બાબતે નિર્ણય લેવાનું કાર્યક્ષેત્ર કેન્દ્ર સરકારનું છે. જો કેન્દ્ર સરકાર આ બાબતે નિર્ણય કરે તો સમગ્ર રાષ્ટ્રને ફાયદો થવાનો છે. આશ્ર્ચર્ય એ વાતનું છે કે આવી બાબત પ્રતિ કોઈનું ધ્યાન કેમ જતું નથી? વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના કેન્દ્ર સરકારના કોઈ જ પ્રધાને આટલા વર્ષમાં આ બાબતે કોઈ જ પ્રત્યાઘાત આપ્યો નથી.

સૂર્ય એ સમસ્ત બ્રહ્માંડને જાગ્રત કરે છે અને તેનું નિયંત્રણ કરે છે. સૂર્ય એ જગતના નિયંત્રા છે, સંચાલન કરે છે. સૂર્યથી જ વિશ્ર્વની પ્રવૃત્તિ શરૂ થાય છે અને સૂર્યના અસ્તથી પ્રવૃત્તિઓને વિરામ મળે છે. બીજે દિવસે સવારે ફરીથી તે જ સૂરજ જગતને પ્રવૃત્તિમય કરે છે. સૂર્યને સમાંતર પ્રવૃત્તિ કરવામાં આવે તેમાં માનવીનું શ્રેય અને હિત છે.

Sunday, January 5, 2014

સૌરભ શાહ - કેજરીવાલ અને આમ આદમી પાર્ટી: પાછલે બારણેથી સામ્યવાદની એન્ટ્રી થઈ રહી છે

સૌરભ શાહ   

કેજરીવાલ અને આમ આદમી પાર્ટી: પાછલે બારણેથી સામ્યવાદની એન્ટ્રી થઈ રહી છે

હવે દિલ્હી વિધાનસભામાં છ મહિના સુધી અરવિંદ કેજરીવાલ અને એમની ટોળકી રાજ કરશે. આવતા છ મહિના સુધી વિપક્ષ અવિશ્ર્વાસનો ઠરાવ લાવી નહીં શકે. હાલાકિ, ‘આપ’ સરકારની પોપ્યુલિસ્ટ પ્રપોઝલો વિરુદ્ધ જરૂર મત આપી શકશે અને ‘આપ’ને છ મહિનાનું જીવતદાન આપનારી કૉન્ગ્રેસ પણ વાંધાવચકા કાઢીને પચાસ ટકાએ બીજલી અને મહિને વીસ હજાર લિટર પાણી ફોગટ આપવાની દરખાસ્તનો વિરોધ કરશે.

દરેક સરકાર પૉપ્યુલિસ્ટ ત્રાગાં કરતી જ હોય છે. નીચે સાઉથમાં જયલલિતા લાખો કલર ટીવી મફતમાં આપશે તો ઉપર નૉર્થમાં અખિલેશ યાદવ લાખો લૅપટોપની લહાણી કરશે. કૉન્ગ્રેસ પોતે આખા દેશમાં એક-બે રૂપિયે કિલોના ભાવે જુવાર, ચોખા અને બીજાં ધાન્યો આપવાની જાહેરાત કરી ચૂકી છે. ગુજરાતમાં કૉન્ગ્રેસનું રાજ નથી તે છતાં ‘અમે જીતીશું તો અમુક લાખ ઘરો’ સસ્તા ભાવે આપવાનું વચન આપતી હતી. તે જોઈને ભાજપની સરકારને ચાનક ચડી અને એણે પણ મફતિયાં કે સસ્તાં ઘરો આપવાની જાહેરાત કરી દીધી. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં રહેતા શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડ્યુલ્ડ ટ્રાઈબના મતદારોને ૧૫,૦૦૦ રિક્શા લાયસન્સનો ક્વોટા આપવાની જાહેરાત કરીને ‘આપ’વાળા નાત-જાત-કોમના ભેદભાવમાં નથી માનતા એવી માન્યતાને પાણીમાં ડુબાડી.

બીજા રાજકીય પક્ષો મફતમાં ટીવી, લૅપટોપ વગેરે સરકારી ખર્ચે આપે છે તો દિલ્હીમાં કેજરીવાલ પાણી-બીજલી માટે સરકારી તિજોરીમાંથી હજારો કરોડ રૂપિયા વાપરી નાખે એમાં શું વાંધો હોવો જોઈએ એવી દલીલ કેટલાક ‘આપ’તરફીઓ કરતા હોય છે. ભલા (આમ) આદમી, પેલી સરકારો જે કરે છે ખોટું છે અને કેજરીવાલ કરે છે તે પણ એટલું જ ખોટું છે. સરકારી તિજોરીમાંથી એટલે કે ટેક્સપેયર્સના ખિસ્સામાંથી હજારો કરોડ રૂપિયા આ રીતે વેડફી નાખવાની કેજરીવાલની દાદાગીરીથી એક વાત તો પ્રૂવ થઈ ગઈ કે બીજા રાજકીય નેતાઓ કરતાં એ પોતે અને બીજા રાજકીય પક્ષો કરતાં આમ આદમી પાર્ટી જરા પણ જુદી નથી.

પાર્ટીનું લેબલ રૂપાળું હોવાથી કંઈ નથી બનતું. જનતા પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી, કૉન્ગ્રેસ વગેરે ડઝનબંધ રાજકીય પક્ષો ભારતની પ્રજા જોઈ ચૂકી છે. આમ આદમી પાર્ટી વાસ્તવમાં ભારતમાં અને દુનિયામાં અસ્ત થઈ રહેલા સામ્યવાદનું નવું, ઈમ્પ્રુવ્ડ, લાઈમ ફ્લેવર્ડ સ્વરૂપ છે. સમાજમાં તમામ ધનિકોએ ગરીબોનું લોહી ચૂસીને ધન ભેગું કર્યું છે એવી માન્યતા સામ્યવાદનો પાયો છે. આમ આદમી પાર્ટીની માન્યતાના પાયામાં પણ આ જ વિચારસરણી છે. લાખો ઘરોને રોજનું પોણા સાતસો લિટર પાણી મફત આપ્યા પછી જળ નિગમે નવી પાઈપલાઈનો, જૂનીના સમારકામો વગેરેના ખર્ચા માટે વધારાના ટેક્સ/ સરચાર્જ નાખીને ઈન્કમ ઊભી કરવી પડવાની. એ ભરશે કોણ? જેમને પાણી મફત નથી મળતું એ લોકો. વીજળીનું બિલ ૫૦ ટકા કરી નાખ્યું છે તે વીજ કંપનીઓએ નહીં પણ સરકારની સબ્સિડીઓએ. વીજ કંપનીઓને તો અગાઉ મળતા હતા તેટલા જ પૈસા યુનિટ દીઠ મળવાના, પચાસ ટકાનું ધરખમ ડિસ્કાઉન્ટ આપનારી દિલ્હીની સરકાર હજારો કરોડની ખાધ કેવી રીતે પૂરી કરવાની છે? કેજરીવાલને ચિંતા નથી એની. એમના હાથમાં આવેલી ગાજરની પિપૂડી ૨૦૧૪ની લોકસભા ચૂંટણી સુધી વગાડતા રહેશે પછી બધા ભેગા મળીને ચાવી નાખશે. બજેટમાં જે ખાધ આવશે તે બધી ભરપાઈ કરવાનું આર્થિક મૅનેજમેન્ટ ‘આપ’ પછી આવનારી નવી સરકારે કરવાનું આવશે અને નવી સરકાર જૂની ખોટ ભરપાઈ કરવા કરવેરા નાખશે એટલે બદનામ થશે. લોકો અને મીડિયા કહેશે કે ‘આપ’ની સરકાર સારી હતી, લોકોનું કેટલું ધ્યાન રાખતી હતી. આ નવી સરકારે તો આમ આદમીની કમર તોડી નાખી.

કેજરીવાલ કે એમની મંડળીની કે ‘આપ’માં જોડાઈ રહેલા તકવાદીઓની સાદગી દેખાડાની છે. કેજરીવાલે ચીફ મિનિસ્ટરનો બંગલો નકાર્યો પણ હવે તેઓ પાંચ બેડરૂમના ડુપ્લેક્સમાં રહેવા જવાના છે. ત્યાગ કે સાદગી કરતાં વધારે મહત્ત્વ પરફૉર્મન્સનું છે રાજકારણમાં. બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમની સાદગીભરી જીવનશૈલીનાં ખૂબ વખાણ થતાં. મુખ્યમંત્રી પદેથી ઊતર્યા

પછી ખાદીની થેલી લઈને એસ.ટી. બસમાં ટ્રાવેલ કરતા કે ટ્રેનના થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા એવી લોકવાયકાઓ ખૂબ ચગાવાઈ. સાચી જ હશે. સવાલ એ છે કે આટલી સાદગી સાથે બાબુભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શું ઉકાળ્યું. નરેન્દ્ર મોદી અપટુડેટ કપડાં પહેરે છે. દિવસમાં ત્રણવાર ઝભ્ભા પહેરે છે. એમનાં સૅન્ડલ જોઈને અને એમની ચશ્માની ફ્રેમ જોઈને ભલભલાને ઈર્ષ્યા આવે. એમની ઑફિસ વગેરેનો ભપકો પણ ભારી છે, સાદગી નથી એમાં. વર્ષેદહાડે આ બધામાં કરોડો રૂપિયા ખર્ચાતા હશે. પણ એની સામે તમે છેલ્લાં બાર વર્ષનું એમનું પરફોર્મન્સ જુઓ (ઔદ્યોગિક ક્ષેત્રે, હિન્દુત્વની બાબતે નહીં) તો ખબર પડે કે ગુજરાત ભારતનાં બીજાં રાજ્યો સાથે નહીં પણ ચીન, જપાન જેવા વિકાસ પામેલા દેશો સાથે કમ્પેર થવા માંડ્યું છે. પરફોર્મન્સ ન હોય તો સાદગી કંઈ વર્ચ્યુ નથી. ગાંધીજીની સાદગી પણ મોંઘી હતી. બાપુ થર્ડ ક્લાસમાં ટ્રાવેલ કરતા પણ એ ‘સાદગી’ માટે એક આખો ડબ્બો રેલવેમાં બુક કરવો પડતો. ગાંધીજીના આશ્રમો આશ્રમવાસીઓની આપકમાઈથી નહીં પણ બિરલા - બજાજ જેવા ઉદ્યોગપતિઓની ખેરાતથી ચાલતા. ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં વાઈસ ચાન્સેલરને દસ વરસ પહેલાં એમની કેબિનમાં ભોંય પર બેસીને બેઠા મેજ જેવા ઢાળિયા પર કામ કરતાં જોયા છે. ગુજરાત વિદ્યાપીઠની હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જાતે સભાગૃહમાં પ્રાર્થના વખતે પાથરણાં પાથરે, ઉપાડે એટલું જ નહીં જાજરૂ પણ સાફ કરે. આટલાં વર્ષોમાં આ સાદગીભર્યા વાતાવરણે કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ બહાર પાડ્યા જેઓ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝળહળતું નામ બન્યા હોય. આની સામે અમદાવાદની જ આઈ.આઈ.એમ. વૈભવશાળી છે, લાખો રૂપિયાની ફીઝ છે ત્યાં. સાદગીનું નામોનિશાન નથી. પણ આઈઆઈએમની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની યાદી તપાસો તો તમને અત્યારના હુઝ હુમાં એમનાં નામ જડે.

અરવિંદ કેજરીવાલની અત્યારની બધી વાહવાહી બે વરસ પહેલાં અણ્ણા હઝારેના ઉપવાસના ગતકડાને મીડિયાએ આપેલી પબ્લિસિટીને આભારી છે. ભારતમાં પોતાને કિંગ મેકર માનતું અને કેટલાય લોકોનાં કરપ્શનને છાવરતું તેમ જ પ્રોત્સાહન આપતું દેશનું જંગી મીડિયા હાઉસ જે રાગ છેડે છે તેને એના રાઈવલ્સ લોલેલોલ કરીને ઝીલી લે છે. મીડિયામાં મળતી પબ્લિસિટીને કારણે સાઈબર જગતના નવરાઓને પણ ઉપાડો મળે છે.

મીડિયા વિશેનું એક સત્ય વાચકોએ જાણી રાખવું જોઈએ. મીડિયા સમાજનું દર્પણ છે એ વાત સાચી પણ સો ટકા સાચી નહીં. મીડિયા સમાજના દસ જ ટકા હિસ્સા પર અરીસો ધરે છે. આને કારણે ભોળા વાચકો/ ટીવી દર્શકો પર છાપ એવી પડે છે કે જે છે તે આ જ છે, બાકીનું ૯૦ ટકા જગત એક્ઝિસ્ટ જ નથી કરતું, બાકીના ૯૦ ટકા સમાજનું કોઈ અસ્તિત્વ જ નથી. આટલું ઓછું હોય તેમ ડગલે ને પગલે મીડિયા ન્યૂઝની સાથે વ્યૂઝની ભેળસેળ કરતું રહે છે. ન્યૂઝ જુદા અને વ્યૂઝ જુદા એવા બે સ્પષ્ટ વિભાગોની મીડિયા સેળભેળ કરી નાખે છે. આને લીધે મીડિયા જે દસ ટકા સમાજ સામે અરીસો ધરે છે તે અરીસો અમદાવાદની બાલવાટિકામાં એક જમાનામાં હતો તેવો બની જાય છે જેમાંનું પ્રતિબિંબ ક્યારેક લાંબું, ક્યારેક ઠીંગણું તો ક્યારેક જાડું ને ક્યારેક પાતળું દેખાય. મીડિયાના આવા વિકૃતિભર્યા આયનાથી જગતને, ભારતને કે આપણી આસપાસના સમાજને જોવાને બદલે થોડીક મહેનત કરીને ભગવાને આપેલી બુદ્ધિની ધાર તેજ કરીશું તો ખ્યાલ આવશે કે કેજરીવાલનો સામ્યવાદ આ દેશને સરવાળે કેટલો મોંઘો પડવાનો છે.

તંત્રીલેખ - વડા પ્રધાન હતાશા અને નિષ્ફળતાની કબૂલાત કરે છે

વડા પ્રધાન હતાશા અને નિષ્ફળતાની કબૂલાત કરે છે



ભાગ્યે જ કંઈ બોલતા અને અભિપ્રાય આપતા વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહની પત્રકાર પરિષદમાં મૂઆ નહીં, પરંતુ પાછા થયા જેવી વાતો નાગરિકોને સાંભળવા મળી છે!! દરેક બાબતે નિષ્ફળ નીવડેલા વડા પ્રધાન કૉંગ્રેસ પક્ષ અને દેશ માટે બોજો બની ગયા છે. આવી વ્યક્તિને વડા પ્રધાનપદ માટે ચલાવી લેવી તે પણ એક પ્રકારનો રાષ્ટ્રદ્રોહ છે.

જે વડા પ્રધાન ૮૦ વર્ષની વય વટાવી ચૂક્યા છે, ત્રણવાર બાયપાસ થઈ ચૂકી છે તેમની પાસેથી બીજી અપેક્ષા રાખવી યોગ્ય નથી, પરંતુ કમસે કમ નિષ્ઠાની અપેક્ષા ચોક્કસ રાખી શકાય. છતાં પ્રજાને તેમાં નિષ્ફળતા મળે તેવું તેમનું વક્તવ્ય હતું. ૧૦ વર્ષમાં રોજગારી વધી નથી તેવી કબૂલાત તેમણે કરી છે તે હકીકત સ્વીકાર્ય છે, પરંતુ જવાબદારી કોની?

કૉંગ્રેસ પક્ષ દ્વારા અવારનવાર ડૉ. મનમોહન સિંહનું અપમાન કરવામાં આવ્યું છે. તેમાં સાંસદોને ગેરલાયક ઠરાવતો ખરડો ફાડી નાખવાની પક્ષના જ મહામંત્રી રાહુલ ગાંધીની ચેષ્ટા અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછી કૉંગ્રેસના ધબડકા બાદ જાહેરમાં પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ નવા વડા પ્રધાનનું નામ ટૂંક સમયમાં જાહેર થશે તેવી કરેલી જાહેરાત. આ બે મુદ્દા સ્પષ્ટ રીતે વડા પ્રધાનનું અપમાન સમાન હતા.

તેમ છતાં નારાજગી સુદ્ધાં વ્યક્ત કરવાની તસ્દી તેમણે લીધી નથી. વડા પ્રધાનપદે બેઠેલી વ્યક્તિ આટલી હદ સુધી સત્તાલાલચુ હોઈ શકે ખરી? સ્વમાન જેવી કોઈ ચીજ તેમનામાં નથી? પ્રજા આવો પ્રશ્ર્ન વારંવાર પૂછી રહી છે, પરંતુ કોઈ સંતોષ થાય તેવો જવાબ મળતો નથી.

પ્રજાને તુચ્છકાર તો ત્યારે થાય છે કે જ્યારે વડા પ્રધાન તેમના જીવનની શ્રેષ્ઠ ક્ષણ એ અમેરિકા સાથેના ન્યૂક્લિઅર સોદાને ગણાવે છે!! ડૉ. મનમોહન સિંહ આ કક્ષાની વ્યક્તિ હશે તેની કોઈએ કલ્પના કરી ન હોય. તેવે વખતે સૌથી વધુ ભ્રષ્ટ અને રાષ્ટ્રદ્રોહી સોદાને તેઓ વખાણે છે. તેથી કોઈને પણ તેમની નિષ્ઠા પ્રતિ શંકા જાય છે.

આ ન્યૂક્લિઅર સોદાની લેતીદેતી કેવી અને કઈ રીતની હતી તે સંસદમાં દર્શાવાયેલા ચલણી નોટના જથ્થા પરથી નક્કી થઈ શકે તેવું છે. આ સોદામાં તપાસ પણ "સરકારી પદ્ધતિથી થઈ અને હવે તે કેસ ફાઈલ કરી દેવાયો છે!! કોઈને તેની લજ્જા કે શરમ રહી નથી અને દેખિતી રીતે તેમાં ઉચ્ચકક્ષાની સંડોવણી છે તેથી કંઈ વળવાનું નથી. આ સઘળું છે તેઓ જ સોદાને "શ્રેષ્ઠ ગણાવે છે!!

વર્ષ ૨૦૦૪થી સત્તામાં રહેલી કૉંગ્રેસે વર્ષ ૨૦૦૯ની બીજી ટર્મમાં કોલસાકાંડ, રમતોત્સવ અને ટેલિકોમકાંડ દરમિયાન જે ગેરરીતિ થઈ છે તેમાં વડા પ્રધાનની જવાબદારી કેમ ન ગણાય? જો તેમની જવાબદારી નથી તો પછી કોની જવાબદારી? અમેરિકાના પ્રમુખને આવી ગેરરીતિ માટે જવાબદાર ગણવા? આ જવાબ તેઓ આપી શકતા નથી.

આવે વખતે વડા પ્રધાન એવો લૂલો બચાવ કરે છે કે માત્ર એક રાજકીય પક્ષ કદી ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકે તેમ નથી!! આવું વિધાન તેમની પલાયનવાદી મનોવૃત્તિ સૂચવે છે એટલું જ નહીં માત્ર નિષ્ફળ વ્યક્તિ જ આવું બોલે છે. ૧૦ વર્ષમાં ઘણું થઈ શક્યું હોત, પરંતુ તેમને હાથા બનાવીને "અન્ય લોકોએ પોતાના કામ કરાવી લીધાં છે!!

તેમના જ પ્રધાનમંડળના રેલવેમંત્રી અને કાનૂનમંત્રી બન્ને પંજાબના હતા અને ગેરરીતિ બદલ ગયા. છતાં જો તેઓ એવો બચાવ કરે છે કે ગેરરીતિમાં તેમના કોઈ સગાંસંબંધી નથી અને મિત્રોને કે સગાને કોઈ ફાયદો કરાવ્યો નથી. આવી વાત કરવાથી તેમના હાથ ચોખ્ખા છે તે સાબિત થઈ શકતું નથી. ઊલટું તેમની નબળી બાજુ છે કે સુપ્રીમ કોર્ટે કોલસાકાંડમાં વડા પ્રધાનના મંત્રાલયને જવાબદાર ગણ્યું છે.

ભ્રષ્ટાચાર અને ભાવ મોરચે ડૉ. મનમોહન સિંહ સંપૂર્ણ નિષ્ફળ છે. પોતાની નિષ્ફળતાને અન્ય પર ઢોળવાનો પ્રયાસ પણ ટીકાને પાત્ર છે. માત્ર તેઓ જ વડા પ્રધાન બની શકે અને બીજું કોઈ જ નહીં? તેઓ કઈ રીતે વડા પ્રધાન બન્યા છે તે પણ જાણીતી બાબત છે. સોનિયા ગાંધી ઈચ્છે તેજ વ્યક્તિ વડા પ્રધાન બને તે કૉંગ્રેસનો નિયમ છે.

હવે તેઓ બાકી રહેલા સમયગાળામાં કામ કરવાની વાત કરે છે, પરંતુ જે કાર્ય બે ટર્મમાં ન કરી શક્યા તે હવે કઈ રીતે પૂરું થશે? ખરેખર તો તેમને હાથો બનાવીને કૉંગ્રેસ પક્ષમાં રહેલી એક ટોળકીએ ભ્રષ્ટાચાર કર્યો છે, જ્યારે કૉંગ્રેસ સત્તાભ્રષ્ટ થશે તે વખતે જ કઈ રીતે ગેરરીતિ થઈ તેના રહસ્ય બહાર આવશે.

બાકી, વડા પ્રધાને જે કંઈ વાત કરી તેમાં નિરાશા અને હતાશા સિવાય કશું જ નથી. કોઈ જોમજુસ્સો પ્રેરે તેવા મુદ્દા નથી. કોઈ દૃષ્ટિ કે આગળનું આયોજન આટલા વર્ષમાં નહીં દેખાયું તો પછી હવે શું બાકી રહ્યું છે? વડા પ્રધાન હજુ માનભેર નિવૃત્ત થાય તો તેમની બાંધી મુઠ્ઠી રહી જવાની છે.

Friday, January 3, 2014

Professor Sueo Yamaguchi

Professor Sueo Yamaguchi, from the Japan Institute of Plant Management (JIPM)-the Mecca of Total Productive Maintenance (TPM) visited the Bajaj Auto Akurdi plant some time in 1999-2000 and when Rajiv Bajaj introduced himself,the Japanese academic asked.Why are you smiling Rajiv was dumbfounded & Yamaguchi retorted,"business no good why you smile".Yamaguchi asked,What is your job Rajiv replied,Vice President,products, The Japanese professor asked again,Do you design component Do you operate machine Do you sell motorcycle"Rajiv said,No, So talking is your job Yamaguchi asked.Top management ... improvement is your job. Next day when Yamaguchi met Rajiv again and asked,What is your job Rajiv hurriedly replied,Improvement, OK,what is your action, Yamaguchi responded,leaving Rajiv dumbfounded again.From there on continuous improvement has been a religion for Bajaj 

શ્રીલેખા યાજ્ઞિક -- મોબાઈલ મેનિયા: લાંબે ગાળે રોગને નિમંત્રણ

શ્રીલેખા યાજ્ઞિક

મોબાઈલ મેનિયા: લાંબે ગાળે રોગને નિમંત્રણ


શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પાડીને અનેક બીમારીની ભેટ આપતા મોબાઈલનો ઉપયોગ સમજદારીથી કરવાનો સમય આવી ગયો છે

ચર્ચગેટ સ્ટેશન પર બપોરે લગભગ એક વાગ્યની આસપાસ વિરાર ફાસ્ટ ટ્રેનમાંથી એક મોડર્ન યુવતી બંને કાનમાં ઈયર ફોન લગાવીને ઉતરી. પોતાની દુનિયામાં એટલી તો મસ્ત હતી કે બીજી ટ્રેન આવી તેની તેને તો ખબર જ ના પડી. બાજુમાંથી પસાર થતાં એક બહેને તેને પકડીને બાજુ પર હડસેલી દીધી. તેનો જાન બચી ગયો. નહીતર ન બનવાનું બની જાત. આવા તો કાંઈ કેટલાય કિસ્સા આપણે રોજબરોજ સાંભળતા જ હોઈએ છે.

મોબાઈલ ફોનની સ્વાસ્થ્ય પર અસર જાણવા માટે કૉલેજના વિદ્યાર્થીઓ પર એક સર્વે કરવામાં આવ્યો. જેમાં ત્રણ ગ્રુપ બનાવવામાં આવ્યા. પહેલા ગ્રુપમાં વિદ્યાર્થીઓ મર્યાદામાં રહીને મોબાઈલનો વપરાશ કરનાર, બીજા ગ્રુપના વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રમાણમાં મોબાઈલનો ઉપયોગ કરનાર તથા ત્રીજા ગ્રુપના વિદ્યાર્થીઓ સૌથી ઓછા પ્રમાણમાં ઉપયોગ કરનાર હતા. એક અઠવાડિયા સુધી તેમની ઉપર ધ્યાન રાખવામાં આવ્યું. તેઓ બધા જ લેકચર ભરતા, તથા નોટ પણ લખતા. એક આઠવાડિયા બાદ જોયું તો જે વિદ્યાર્થીઓ એ મોબાઈલનો ઉપયોગ સૌથી ઓછો કર્યો હતો તેઓ ૬૨ % હતા અને સારી રીતે બધી જ નોટ લખી શક્યા હતા. લખેલું કડકડાટ બોલી પણ ગયા. તેમની નાની મલ્ટીપલ ચોઈસ હોય પરીક્ષામાં લેવામાં આવી હતી. તેમાં પણ તેઓ વધુ ગુણ મેળવી શક્યા. જ્યારે વધુ પડતો ઉપયોગ કરનાર ૩૦ % ગુણ જ મેળવી શકયા હતા. તેમને તેમણે જ લખેલું પુછવામાં આવ્યું તો તેઓ તેનો જવાબ પણ અટકી અટકી ને બોલ્યા હતા. જ્યારે મર્યાદામાં રહીને મોબાઈલનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીઓ ૪૫ % ગુણ મેળવી શક્યા હતા. 
અમેરિકામાં તો વિદ્યાર્થીઓ મોબાઈલ ફોનનો સતત ઉપયોગ પિકચર મેસેજ, ટેક્સિગં કરવામાં કરે છે તેથી ત્યાં તો હવે શાળા-કૉલેજના સંચાલકોએ પેજર જેવું મશીન વસાવ્યું છે. જેને ઈલેક્ટ્રોનિક્સ ફોન ડિટેક્ટર્સ તથા મોબાઈલ ફોન સિગ્નલ બ્લોકિંગ કરવામાં ઉપયોગમાં લેવાય છે.
મોબાઈલ ફોને એક ક્રાંતિ સર્જી છે. આધુનિક ટેકનોલોજીએ ડેસ્કટોપ અને લૅપટોપની બધી સગવડો મોબાઈલમાં સમાવી લીધી છે. જેને કારણે ઝડપી માહિતી તથા તેના વિકલ્પો હાથવેંતમાં જ મેળવી શકાય છે. 
આજકાલ ૨૧મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ તેમ કહીને મનમાં આનંદ અનુભવતા હોઈએ છીએ. હાથમાં મોબાઈલ, કાનમાં ઈઅર ફોન, પીઠ પરની બેગમાં લેપટોપ ભેરવીને ફરતો યુવાવર્ગ આપણે બધાએ જોયો છે. પોતાની જાતને મોડર્ન કડેવડાવતો આ યુવાવર્ગ કઈ કઈ બીમારીઓનો ભોગ બની શકે છે તેની વિગતવાર જાણકારી મેળવીએ.
ઊંધ ઓછી થઈ જાય: 
ખાતાં-પીતાં-ઊઠતાં-બેસતાં-હાલતા-ચાલતા-કે પછી સૂતા -જાગતા મોબાઈલ જોઈએ જ. દરેક ઘરનું આ સામાન્ય દૃશ્ય હોય છે. પોતાની પુત્રી-પુત્ર ભોજન કરવા બેઠા હોય પરંતુ મોબાઈલ પર બીજા હાથની આંગળીઓ ફરતી જોવા મળશે.
સતત મોબાઈલના ઉપયોગથી વ્યક્તિની ઊંઘ ઓછી થઈ જાય છે. નાના-મોટા બધા જ વિધાર્થીઓમાં ભણવાની લગન ઓછી થઈ જાય છે. હંમેશા વૅાટ્સ અપ અને બીબીએમ (બ્લેક બેરી મેસેન્જર )માં જ ખોવાયેલા હોય છે, જેની સગવડ મોબાઈલ ઓપરેટર ફ્રીમાં આપે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સાંજ પછી બધાં જ બાળકો તથા યુવા વિધાર્થીના મોબાઈલ વપરાશ પર અંકુશ મૂકવો જોઈએ. તેમને સ્વ-શિસ્ત
શીખવવી જોઈએ. કાન થકી આપણે સાંભળી શકીએ છીએ, આંખ થકી આપણે જોઈ શકીએ છીએ. આ બંને અંગો આપણને ઈશ્ર્વરે આપેલી ભેટ છે. તેની સંભાળ રાખવી
એ આપણું કર્તવ્ય છે. 
શ્રવણશક્તિ ઘટે :
કાનમાં ઈયરફોન લગાવીને સંગીત સાંભળવામાં આવે છે ત્યારે તેનો અવાજ કેટલો રાખવામાં આવે છે તે ઘણું અગત્યનું છે. જે વ્યક્તિ ૯૦ ડેસિબલથી વધુ ઊંચા અવાજે સંગીત સાંભળે તેઓને કામચલાઉ કાનમાં બહેરાશ આવી જાય છે. અને જો પંદર મિનિટ સુધી ૧૦૦ થી ૧૦૫ ડેસિબલના અવાજ પર સંગીત સાંભળવામાં આવે તો કાયમ માટે કાનમાં સંભળાવાનું બંધ થઈ જાય છે પરંતુ ધીમા અવાજે સંગીત સંભળાય તો કોઈ અડચણ આવતી નથી.
કાનમાં ઈન્ફેક્શન થઈ જાય છેે :
ઈયરફોન બંને કાનમાં વપરાય છે. તેથી બે જ વ્યક્તિ એક જ ઈયર ફોન વાપરે તો બંનેને કાનમાં ઈન્ફ્ેક્શન થઈ શકે છે. નિષ્ણાતોના મત મુજબ લાંબા સમય માટે ઈયર ફોનના વપરાશથી કાનમાં નુકસાનકારક બેક્ટેરિયાનો ઉપદ્રવ વધી જાય છે. 
એકબીજાના ઈયર ફોન વાપરવા કે એક જ ગીત બંને વ્યક્તિ એક જ ઈયર ફોનનો ઉપયોગ કરીને સાંભળે તો બીજાના કાનના બેક્ટેરિયા નો ચેપ પણ લાગી જાય છે. તેથી ઈયર ફોન શેર કરવા નહીં. તેના વિના ચાલે તેવું ના હોય તો તેને સેનિટાઈઝ કરીને જ વાપરવા. 
અકસ્માત પણ થઈ શકે છે : 
આજકાલ ઈયર ફોન કાનમાં નાખીને ગાડી ચલાવવી જાણે કે એક ફેશન થઈ ગઈ છે,
યુવાનો કરતાં પણ ગાડી ચલાવતાં મોબાઈલ ફોન પર વાત કરવાનો રોગ ત્રીસી વટાવી ચૂકેલા ઉંમરના લોકોમાં વધુ જોવા મળે છે. વળી, રસ્તા પર ચાલતી વખતે પણ કાનમાં ઈયરફોન નાખીને ચાલનારા ભૂલી જાય છે કે તેઓ ભયાનક અકસ્માતને વિના કારણ આમંત્રણ આપી રહ્યા છે. કારણ કે ઈયર ફોન કાનમાં હોવાથી વ્યકિત્ત તેનું ધ્યાન બે જગ્યાએ એક સાથે રાખી શકવા અસમર્થ બને છે. 
તે જ ક્ષણ તેના માટે વિનાશકારક હોય છે. 
સમજદારી- સાવધાની
કાનમાં એકદમ અંદર ખોસીને ઈયરફોન વાપરવા નહીં. એનાથી સંગીત તો સારું સંભળાય છે. પરંતુ કાનનાં પડદાને મોટું નુકસાન કરે છે. જેને કારણે ધીમે ધીમે બહેરાશ આવે છે. જે વખત જતાં કાયમી બની જાય છે. નિષ્ણાતો કહે છે કે એકધારું સંગીત સાંભળ્યા કરતાં થોડો વખત વિરામ લઈને સાંભળવામાં આવે તો કાનના પડદાને નુકસાન થતું અટકાવી શકાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (હુ) એ એક પ્રોગ્રામ શરૂ કર્યો છે તે અંતર્ગત ૨૦૧૫ સુધીમાં કાનની બહેરાશ અંગેના ૫૦ % કેસેાનો નિકાલ લાવવાની પહેલ કરવામાં આવશે. ત્યારબાદ ૨૦૩૦ સુધીમાં એકંદરે ૯૦ % કેસોનો ઉકેલ આવી જશે તેવું ‘હુ’ એ જણાવ્યું છે.
યુવાનોની ખોટી લાઈફસ્ટાઈલ, ખોટી આદતો અને ખોટી રીતે ઈયરફોનના ઉપયોગને લીધે બહેરાશ આવે છે .
સોસાયટીના બિલ્ડિંગ ઉપર મૂકવામાં આવેલા મોબાઈલ ફોનના ટાવરની સામે ઊહાપોહ કરનાર ઘરમાં બાળકો કાનમાં ઈયર ફોન નાખીને કે સૂતી વખતે પણ મોબાઈલ ફોન માથા પાસે રાખીને સૂતા હોય ત્યારે પોરસાતા હોય છે. 
હવે મોબાઈલમાંથી પણ હાનિકારક કિરણો ઉત્પન્ન થતાં હોવાથી માનવ શરીરમાં તે કિરણો પ્રવેશતાં જ શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. સૂવાના સમયે પણ મોબાઈલ માથા પાસે જ રાખીને સૂવાથી મગજની અંદર થતી કિરણોની અસર તો એટલી ભયાનક હોય છે કે માણસ પોતાની યાદશક્તિ તો ગુમાવે છે પણ સાથે સાથે મગજને લોહી પહોંચાડતી નસોને નુકસાન પહોંચતાં જ બ્રેન ટ્યુમર કે પછી માથાનો દુખાવો - માઈગ્રેન જેવી બીમારી થતી જોવા મળે છે.
હવે તો યુવા વયમાં જ હાઈપર ટેન્શન જેવી બીમારી સામાન્ય બની ગઈ છે. 
ક્યારેક તો વળી નાની વયમાં વાળ સફેદ થવા કે પછી ટાલ પડી જવાનું કારણ પણ મહદઅંશે મોબાઈલનો સતત ઉપયોગ છે તેમ નિષ્ણાતો જણાવે છે.
કોઈપણ વસ્તુનો અતિરેક હાનિકારક જ ગણાય છે. મોબાઈલ મેનિયાથી દૂર રહેવામાં જ સારપ રહેલી છે એમ નથી લાગતું?

સદગુરુ શ્રી ચૈતન્યજી -- અહમનું વિસર્જન એ જ મુક્તિ

અહમનું વિસર્જન એ જ મુક્તિ

અહંકાર એ જ સંસાર છે. માનવીનું મન (ભોગ અને ત્યાગ)નાં બે છેડા પર ભટકતું રહે છે. પરંતુ મધ્યમાં અનાશક્તિમાં ટકતું નથી. સંસારનાં દુખોથી પલાયન થઇ સાધુ- સાધ્વીઓ ત્યાગ તરફ ભાગે છે. ગૃહસ્થોનાં સંસારમાંથી છૂટવાનું સહેલું છે. પરંતુ સાધુ-સાધ્વીઓનાં મહાસંસારમાંથી છુટવું અઘરું છે. કારણ કે સંસારીનો અહંકાર જોઇ શકાય છે જયારે ત્યાગીના ત્યાગનો અહંકાર ઊંડા મૂળિયા નાખી ચુકયો હોય છે. અને આજકાલ તો ભાગ કરવામાં મોટો દેખાડો થાય છે. સાધુઓમાં પણ દિક્ષાપર્યાય કાળને હિસાબે નવા જૂનાના હિસાબે જુનિયર- સિનિયરની ગણના થાય છે. ઉપવાસ, એકાસણા આયંબિલ, સિદ્ધિતપ તથા કર્મકાંડ ક્રિયાઓને જ ધર્મ ગણવામાં આવે છે. એ ઉગ્ર તપસ્યા દ્વારા પોતે વધુ મોટા તપસ્વી હોવાનો સૂક્ષ્મ અહમ નિર્માણ થાય છે. બહોળો ભકતવર્ગ તથા પોતાનો સંઘ, ગચ્છ, સાધુ પરિવાર વંશ જ હોવાનો ગર્વ, એ દ્વારા શાસન સમ્રાટ (ધાર્મિક સેલિબ્રિટી) હોવાને સૂક્ષ્મ ઈગો, એના પોતાના મનનો રબજો (પાછલા બારણેથી પ્રવેશીને) લઇ લે છે એ વિષે મોટા ભાગે સાધુ-સાધ્વી બેહોશ બેખબર હોય છે. સંસારિક વૃત્તિ સાથે આવેલું મન માત્ર ઉપલક રીતે બદલે છે પણ મૂળભૂત રીતે એજ તો એનું એ જ રહે છે. અહમ ઘટવાને બદલે સાધુતાનાં સ્ટેટસ દ્વારા વધે છે. સાધુના દુશ્મન સાધુ હોય છે. કુદરતનો અદભુત ખેલ એ છે કે જે નાનકડાં સંસારમાંથી છટકે છે એ મોટાં સંસારમાં પકડાય જાય છે. હકીકતમાં કયાંય ભાગવાનું નથી પણ તમે જયા છો ત્યાં જ તમારા મન પ્રત્યે, ઈગો પ્રત્યે જાગવાનું છે. તમારી જાતના બચાવ વગર, તમારી ભૂલો પ્રત્યે, અહમ પ્રત્યે જાગવાનું છે. હું વગર પોતાની જાતનું, સાક્ષીભાવે નિરીક્ષણ કરવાથીજ પોતાનું શુદ્ધ હોવાપણું પ્રગટે છે. અહમનું વિસર્જન આ જ મુક્તિ છે.

- સદગુરુ શ્રી ચૈતન્યજી

આંતરયાત્રા મિશન, કાલાવડ રોડ, પાંડુરંગજી વૃક્ષ મંદિરના ગેટ સામે, રાજકોટ-૫.

Wednesday, January 1, 2014

ડો. કિશોર પી. દવે -- નેતૃત્વ અને દૃષ્ટિ સંપન્નતાનો સમન્વય એટલે અટલ બિહારી વાજપેયી



નેતૃત્વ અને દૃષ્ટિ સંપન્નતાનો સમન્વય એટલે અટલ બિહારી વાજપેયી
પોલિટિક્સ અને પોએટિક્સ બંને ક્ષેત્રમાં અટલ સૂત્રધાર!

ઘણી વ્યક્તિમાં નેતૃત્વ પૂરું પાડવાનો ગુણ જન્મજાત હોય છે. આવી વ્યક્તિ જનસમૂહ પર એક અજબનો પ્રભાવ પાથરે છે. લોકોમાં તેઓ પ્રિય હોય છે. તેમને સાંભળવા - સમજવા લોકો આવે છે. તેમના વિચારમાં તાજગી હોય છે. શબ્દોમાં જાદુ હોય છે. તેઓ પ્રજાની મનોવૈજ્ઞાનિકતા સમજતા હોય છે.

વિશ્ર્વના શ્રેષ્ઠ નેતાઓના ગુણનું જો વિશ્ર્લેષણ કરવામાં આવે તો વ્યક્તિત્વ, ભાષા - દેખાવ - હાવભાવ - બોલવાની છટા અને શબ્દો પરની પક્કડ સાથે જનમાનસને ઓળખવાની તેમની પરખ શક્તિ એ શ્રેષ્ઠ નેતૃત્વના ગુણ છે. આવા ગુણસભર નેતા પૈકી એક એટલે અટલ બિહારી વાજપેયી. તેમના શબ્દોમાં એવો જાદું હતો કે લોકો તેમને સાંભળતા મંત્રમુગ્ધ થઈ જતા હતા.

હમણા જ તેમનો જન્મદિવસ ઉજવાયો અને ખુદ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ તેમને પુષ્પગુચ્છ આપવા ગયા હતા જે ચીલાચાલુ રાજકીય પ્રસંગથી અલગ પડે તેવી ઘટના હતી, પરંતુ ભારતમાં આ બાબતે એક નવો ચીલો પાડયો તેટલું કહી શકાય. વડા પ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયીએ એકંદરે સ્થિરતા સાથે કાર્ય કર્યું અને યશસ્વી પણ રહ્યા.

તેમના શાસનમાં રાજકીય સ્થિરતા - આર્થિક મોરચે શાંતિ - પ્રગતિ અને પડોશી રાષ્ટ્રો સાથે સુમેળ વધારવાના નોંધપાત્ર પ્રયાસ થયા. અલબત્ત સફળતા ન મળી તે જુદી બાબત છે. ૧૯૫૭માં પહેલીવાર લોકસભામાં ચૂંટાયા ત્યારબાદ એકમાત્ર ૧૯૮૪ના અપવાદ સિવાય તેઓ લાગલગાટ સાંસદ રહ્યા.

૧૯૮૪માં ગ્વાલિયર ખાતે લોકસભાની ચૂંટણી તેઓ માધવરાવ સિંધિયા સામે હારી ગયા હતા. તે વખતે ઈંદિરાજીની હત્યા બાદ થયેલી ચૂંટણીમાં મતદારોની સહાનુભૂતિ રાજીવ ગાંધી પ્રતિ વધુ પ્રમાણમાં હતી. આથી વાજપેયી જેવા સમર્થ નેતા પણ હારી ગયા હતા. તે વખતે ભાજપની લોકસભામાં માત્ર બે બેઠકો રહી હતી.

જયારે મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી તે વખતે "પાંચજન્ય કે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સાપ્તાહિક છે તેના સંપાદક તરીકે અટલ બિહારી વાજપેયી હતા અને તેઓ ઘણા યુવાન હતા. તેમણે તે વખતે ખૂબ જ સમતોલપણું જાળવીને કાર્ય કર્યું હતું. તેમ જ પરિસ્થિતિ સંભાળી લીધી હતી.

૧૯૭૭માં મોરારજીભાઈ દેસાઈ વડા પ્રધાન બન્યા તે વખતે અટલ બિહારી વાજપેયી વિદેશમંત્રી બન્યા હતા. મુંબઈની પાસપોર્ટ ઓફિસમાં તે વખતે કામકાજ ઘણું રહેતું હતું. પાસપોર્ટ મેળવવામાં વિલંબ થતો હતો. આથી મળેલી ફરિયાદને આધારે જાતમાહિતી મેળવવા તેઓ રૂબરૂ આવ્યા હતા. પાસપોર્ટ ઓફિસની વરલી ખાતે મુલાકાત લીધી હતી અને ઉપાય સૂચવ્યા હતા.

અટલ બિહારી વાજપેયીને કવિતા સાંભળવી અને રચવી તેનો વ્યક્તિગત શોખ છે. તેમના ખુદના લખેલાં કાવ્યો ઘણાં જ સુંદર છે. ભાષાનો વૈભવ અને શબ્દોનો પ્રાસ મેળવવાની તેમની કુનેહ પ્રશંસનીય છે. તેમને સંગીત સાંભળવાનો પણ તેટલો જ શોખ છે. રવિન્દ્ર સંગીતના તેઓ પ્રશંસક છે. તે વાત તેમણે ઘણી વખત નજીકના મિત્રો - શુભેચ્છકોને જણાવી છે.

જયારે તેઓ વડા પ્રધાન હતા તે વખતે તેમણે લીધેલા એક-બે બાબતના નિર્ણયોની ખૂબ જ દૂરગામી અસર થાય તેવી બાબતો તેમાં છે. તેમાં બર્મા (મ્યાનમાર) સાથે ઈશાન ભારતને જોડતી સરહદ સાથે રસ્તો બનાવવાનું કાર્ય સૌથી મહત્ત્વનું છે. આ વિસ્તાર પહેલા ભારત સાથે ભૌગોલિક રીતે જોડાયેલો હતો.

એક સમયે ઈશાન ભારતના વિસ્તાર અને બર્મા એક જ હતા. તેમની વચ્ચે વ્યાપાર થતો હતો. બર્માથી લાકડુ - ચોખા આવતા હતા અને અરૂણાચલ - નાગભૂમિથી ફળો જતાં હતાં. એટલું જ નહીં સાંસ્કૃતિક આદાન - પ્રદાન પણ થતું હતું, પરંતુ ત્યારબાદ રસ્તાને તકલીફને કારણે તેમ જ કાયદો - વ્યવસ્થાના પ્રશ્ર્નોથી વેપાર સાવ બંધ જેવો થઈ ગયો હતો.

બર્માથી દૂર પૂર્વના અગ્નિ એશિયાના અનેક રાષ્ટ્રો સુધી ભારત પોતાના સંપર્ક જીવિત કરી શકે તેમ છે. એક સમયે આ તમામ રાષ્ટ્ર ભારત સાથે ધર્મ - શિક્ષણ - વ્યાપાર - રાજનીતિ અને સાંસ્કૃતિક સંબંધો હતા. બૌદ્ધ ધર્મ ઈન્ડોનેશિયા અને 

થાઈલેન્ડ સુધી ઈશાન ભારતના માર્ગથી પહોંચ્યો હતો. આ માર્ગને પુન:નિર્માણ કરવાનો નિર્ણય ખુદ અટલ બિહારી વાજપેયી દ્વારા લેવામાં આવ્યો હતો.

કારણ કે તેમણે ભૂગોળ અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો છે. તેમને એ વાતમાં રસ હતો કે ભારતનું પ્રભુત્વ કેમ ઘટી ગયું. અન્યથા અયોધ્યાની રાજકુમારીના લગ્ન કોરિયાના તે વખતના રાજકુમાર સાથે થયા હતા. આ બાબતે આદાનપ્રદાન થતું હતું તેના ઘણા પ્રમાણ છે. જે માત્ર વાજપેયી જેવા દૃષ્ટિ સંપન્ન અભ્યાસુ રાજનેતા દ્વારા જ સમજી શકાયું હતું.

જયારે વાજપેયી વિદેશમંત્રી હતા તે વખતે તેમણે સંખ્યાબંધ દેશોની મુલાકાત લીધી હતી. તેઓ ૧૯૭૮માં અફઘાનિસ્તાન ગયા હતા. તે વખતે કાબુલના મધ્ય વિસ્તારમાંથી પસાર થતી વખતે તેમનું ધ્યાન ગયું કે ત્યાં એક પૂતળું હતું જે રાજા કનિષ્કનું હતું. વાજપેયીને ઘણું આશ્ર્ચર્ય થયું કે કનિષ્કનું પૂતળું અહીં કયાંથી હોય શકે?

તેમણે આ બાબતે તેમની સાથે મોટરમાં રહેલા અફઘાન વિદેશમંત્રીને પૂછયું તે વખતે ખુદ અટલ બિહારી વાજપેયીને આશ્ર્ચર્ય થાય તેવો જવાબ આપ્યો કે, ‘અમે ધર્મ બદલ્યો છે, સંસ્કૃતિ બદલી નથી.’ મતલબ કે રાજા કનિષ્કનું સામ્રાજય અહીં અફઘાનિસ્તાન સુધી એક સમયે હતું આ બાબતે કોઈ ઈનકાર કરી શકે તેમ નથી.

અટલ બિહારી વાજપેયીએ ભૂગોળનો તેમ જ ઈતિહાસનો ખૂબ જ અભ્યાસ કર્યો છે. ભારત અને ચીન સાથે સરહદી વિવાદ હતો તે બાબતે ઘણી વખત તેમણે પ્રયાસ કર્યો હતો. પરંતુ ચીનના જક્કી વલણને કારણે તેમાં કોઈ નોંધપાત્ર સફળતા મળી નહોતી. ચીને જૂનો ઈતિહાસ ભૂલી જઈ નવો ઈતિહાસ બનાવવા નિર્દેશ આપ્યો હતો જે ડિપ્લોમેટ ભાષામાં વાત કહી હતી.

પરંતુ અટલ બિહારી વાજપેયીએ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રહિત હૈયામાં હોવાથી એવો મુત્સદ્દીભર્યો જવાબ આપ્યો કે ‘ઈતિહાસ બદલવો સરળ છે, પરંતુ ભૂગોળ બદલવી મુશ્કેલ છે.’ અર્થ એવો છે કે જે જમીન અમારી હતી તે તમારા કબજમાં છે તે ભૂગોળ બદલવી આજે મુશ્કેલ છે. ઈતિહાસ તો હજુ બદલી શકાય કે બે દેશ વચ્ચે યુદ્ધ થયા હતા - પરંતુ આજે હવે સારું છે. ઈતિહાસ પરિવર્તનશીલ છે જયારે ભૂગોળ શાશ્ર્વત છે.

આવી દીર્ઘદૃષ્ટિ માત્ર અટલ બિહારી વાજપેયીના વ્યક્તિત્વમાં જોવા મળે છે. તેમનું ઘડતર કેટલા શિસ્ત અને દેશપ્રેમના વાતાવરણ વચ્ચે થયું હશે તે સમજી શકાય તેવું છે. અટલ બિહારીએ કાનપુર ખાતે શિક્ષણ લીધું હતું અને તેઓ આગ્રા યુનિવર્સિટીના ગ્રેજયુએટ છે. હિન્દી ભાષા પરની તેમની પક્કડ અદ્દભુત રીતે તેમના વકતવ્યમાં જોવા મળે છે.

કમનસીબે તેઓ શાસનમાં બહુ લાંબો સમય રહ્યા નહીં અન્યથા ભારતને લાંબેગાળે લાભ કરાવે તેવી ઘણી બાબતોએ આકાર લીધો હોત. જો અગ્નિ એશિયા સાથે રસ્તા દ્વારા અનેક સારી બાબતોને સ્થાપી શકાય તો પછી આવા બીજા ૫-૧૦ મહત્ત્વના નીતિવિષયક નિર્ણયોએ કેટલી બધી સારી વાતને આગળ વધારી હોત.

જો કે અટલ બિહારી વાજપેયીને રાજનીતિનો કડવો અનુભવ પણ થયો હતો. તેમને કટોકટી દરમિયાન જેલમાં જવું પડયું હતું. પરંતુ તે પૂર્વે ૧૯૭૧માં તેમણે બંગલાદેશ પરના ભારતના ભવ્ય વિજય બાદ વડા પ્રધાન ઈંદિરાજીને ‘મા-દુર્ગા’ તરીકે બીરદાવ્યાં હતાં. જેવી રીતે દુર્ગાએ અસુરોનો નાશ કર્યો હતો તેવી જ રીતે ઈંદિરાજીએ બંગલાદેશમાં પાકિસ્તાની લશ્કરના અસુરોનો સફાયો કર્યો હતો. તેવો તેમનો સંદર્ભ હતો.

હાલમાં તેઓ રાજકારણમાંથી નિવૃત્ત છે. વર્ષ ૨૦૦૪ પછી તેઓ કયાંય જાહેરમાં આવ્યા નથી. ઘૂંટણના ઓપરેશન બાદ તેઓને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. હવે બહુ કોઈને મળતા નથી છતાં તેઓ હજુ અનેકને માટે પ્રેરણાપાત્ર છે.

આશુ પટેલ -- ચટ ભી મેરી પટ ભી મેરી!

એક નગરમાં પ્રવેશતા દરેક માણસની ચકાસણી કરવા માટે રાજાએ જડબેસલાક વ્યવસ્થા ગોઠવી. તેણે નગરની ચોતરફ ઊંચી દીવાલ ચણાવી દીધી અને માત્ર એક દરવાજેથી જ માણસો નગરમાં આવી શકે એવી ગોઠવણ કરી. એ દરવાજે મોટી સંખ્યામાં સૌનિકો પહેરો ભરવા લાગ્યા અને નગરમાં પ્રવેશતી દરેક વ્યક્તિને તપાસવા માંડ્યા.

બીજી બાજુ રાજાએ જાહેરાત કરી દીધી કે નગરમાં પ્રવેશતા દરેક માણસને પ્રશ્ર્નો પૂછાશે અને જે સાચું બોલશે એને જ નગરમાં પ્રવેશ અપાશે. જો કોઈ જુઠ્ઠું બોલશે તો તેને શૂળીએ ચડાવી દેવાશે.

રાજાએ આવી જાહેરાત કરી એના બીજા જ દિવસે સવારમાં મુલ્લા નસીરૂદ્દીન નગરના દરવાજે આવ્યા. રાજાના આદેશ પ્રમાણે તેમને નગરમાં પ્રવેશ આપતા પહેલા તેમની પૂછપરછ કરાઈ.

સૈનિક ટુકડીના વડાએ તેમને પૂછયું, "તમારું નામ શું છે?

મુલ્લાએ કહ્યું, "મુલ્લા નસીરુદ્દીન.

મુલ્લાને બીજો સવાલ પૂછાયો, "તમે ક્યાં જઈ રહ્યા છો?

મુલ્લા નસીરુદ્દીને ભોળપણ બતાવતા કહ્યું, "હું મારા રસ્તે જઈ રહ્યો છું.

સૈનિકોના વડાએ ત્રીજો સવાલ કર્યો, "શું કામે જઈ રહ્યા છો?

મુલ્લા નસીરુદ્દીને પોતાનો ચહેરો દયનીય બનાવીને કહ્યું, "શૂળીએ ચડવા માટે.

સૈનિકોના વડાએ કહ્યું, "હું તમારી વાત સાચી માનવા તૈયાર નથી.

મુલ્લા નસીરુદ્દીને કહ્યું, "કંઈ વાંધો નહીં. તમે એમ માનો છો કે હું ખોટું બોલું છું તો મને શૂળીએ ચડાવી દો.

સૈનિકોનો વડો ગૂંચવાઈ ગયો. તેણે કહ્યું, "તમે જુઠ્ઠું બોલવા માટે અમે તમને ફાંસીએ ચડાવી દઈએ તો તમે જે બોલ્યા છો એ સાચું સાબિત થઈ જાય!

કહેવાય છે કે મુલ્લા નસીરુદ્દીન જતે દહાડે એ નગરના રાજાની વિરુદ્ધ પબ્લિકને ઉશ્કેરીને પછી એ રાજાના સપોર્ટથી જ નવા શાસક બન્યા અને એ રાજાનો સપોર્ટ લેવાની પરવાનગી પણ તેમણે નગરની પ્રજા પાસેથી જ લીધી. એ પછી રાજા સળી કરે તો મુલ્લા નસીરુદ્દીન તેને પબ્લિકનો ડર બતાવે છે અને પબ્લિક કોઈ સવાલ ઉઠાવે તો મુલ્લા નસીરુદ્દીન તેને રાજાનો ડર બતાવે છે કે હું જઈશ તો આ પાછો આવશે, બોલો શું કરવું છે?

તંત્રીલેખ -- સુરક્ષા સામે સમયાંતરે નવા પડકાર આવ્યા છે

તંત્રીલેખ

સુરક્ષા સામે સમયાંતરે નવા પડકાર આવ્યા છે

ત્રાસવાદનો વ્યાપ અનેક રીતે વધી રહ્યો છે. માનવબૉમ્બથી આગળ વધીને હવે તેઓ નાના અણુબૉમ્બ સુધી પહોંચી રહ્યાની વાત એક ચિંતાનો વિષય છે. સુરક્ષા માટે નવા - નવા વિકલ્પ વિચારીને નાગરિકો પણ તેના માટે તૈયારી કરે તે હાલના સંજોગોની માગ છે. આવી બાબતમાં સરકાર કરતાં નાગરિકો વધુ સક્રિય રીતે વિચારણા કરી શકે તેમ છે.

સુરક્ષા પાછળ પણ ખર્ચ થાય છે છતાં જે રીતે આંતરિક સુરક્ષામાં છીંડાં જોવામાં આવે છે તે ટીકાને પાત્ર છે. પકડાયેલા ત્રાસવાદી યાસીન ભટકલે સુરતમાં નાની આવૃત્તિ જેવા અણુબૉમ્બના પ્રયોગની કામગીરી માટે પ્રયાસ કર્યો હતો. આ વાત પરથી આપણે ત્યાં સુરક્ષા ક્ષેત્રે કેવી બાબતો બની રહી છે તેની જાણકારી મળે છે.

આટલી ગંભીર બાબત હોવા છતાં હજુ ખુદ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો ઈશરત જહાં ત્રાસવાદી નહોતી અને આઈ.બી.ના અધિકારીએ માહિતી આપવામાં ભૂલ કરી હતી જેવી બાબતોમાં ફીફાં ખાંડી રહ્યા છે. આવા નપાવટ સુરક્ષા અધિકારીઓ જો પ્રજાના હાથમાં આવશે તો લોકો તેમના હાડકાંપાંસળા એક કરી નાખવાના છે.

જ્યારે જ્યારે ભાંગફોડિયા કે ત્રાસવાદીઓ પકડાય છે તેવે વખતે તેઓ કોઈ ચોક્કસ વર્ગના છે તેમ કહીને દેકારો બોલાવીને સુરક્ષા એજન્સીઓનો નૈતિક જુસ્સો ભાંગી નાખવાનું કાર્ય થાય છે. આટલા વર્ષે હજુ કોઈ કહી શકતું નથી કે ઈશરત જહાંની સાથે મોટરમાં પાછળ બેઠેલી બે વ્યક્તિ કોણ હતી? તેઓ પાકિસ્તાની નાગરિક હતા તે વાત જણાવવાની નૈતિક હિંમત નથી.

નાનો અણુબૉમ્બ પણ ઘણો વિનાશ વેરી શકે છે. વળી પાકિસ્તાન સાથે ત્રણ યુદ્ધ થયાં તેમાંથી તેને એકપણ વખત જીત મળી નથી. આવે વખતે જો હવે કોઈ રીતે અણુબૉમ્બનો નાના સ્વરૂપે ત્રાસવાદીઓ મારફતે ભારત પર પ્રયોગ થાય તો શું થાય - તે અંગે ભાગ્યે જ કોઈએ વિચાર કર્યો છે અથવા તો તે માટે વ્યૂહ વિચાર્યો છે.

કારણ કે જો પ્રતિ હુમલો ભારતે કરવો હોય તો કોની પર કરવો? એટલું જ નહિ, પાકિસ્તાને તો કદી ત્રાસવાદી હુમલા અંગે કોઈ જવાબદારી સ્વીકારી નથી. ૨૬/૧૧ના મુંબઈ હુમલામાં પાકિસ્તાને તો કહ્યું હતું કે તેઓ "સ્ટેટલેસ એક્ટર છે. આશ્ર્ચર્યની વાત છે કે હુમલાના બીજા જ દિવસે આ વાત કહેવામાં આવી હતી. તેના પરથી પાકિસ્તાનની તૈયારી કેટલી હતી તે નક્કી થાય છે.

સુરક્ષા વ્યૂહરચનાના ઘડવૈયાઓ માટે એક નવો પડકાર આ રીતે ત્રાસવાદીઓના હાથમાં અણુસામગ્રી છે. જોકે આવી બાબત બની હશે તો પણ બીજે દિવસે ઈનકાર કરવામાં આવશે અથવા તો ગોળ ગોળ વાતો કરવામાં આવશે. કેન્દ્ર સરકાર કહેશે કે આવી વાત સત્યથી વેગળી છે, પરંતુ જે રીતે ભૂતકાળમાં ઘટના બની છે તે જોતા હવે આવી વાતમાં કોઈને વિશ્ર્વાસ રહેવાનો નથી.

ત્રાસવાદની સેંકડો ઘટના બની છે તેમાં પાકિસ્તાનની સંડોવણીની સાબિતી છતાં પલાયનવાદી મનોવૃત્તિ ભારતે બતાવી છે. આવી બાબત કેમ બને છે તે સમજવું મુશ્કેલ છે. માત્ર અમેરિકામાં રાજદૂત સાથે બનેલી ઘટનામાં જ વિદેશી મંત્રાલય આકરા પાણીએ છે તે સિવાય હંમેશા દૂધ અને દહીંમાં પગ રાખવાની મનોવૃત્તિ ધરાવે છે તેવી સામાન્ય લોકોના મનમાં છાપ છે.

શ્રીલંકાએ પોતાને ત્યાં તેમને પસંદ નથી તેવા ત્રાસવાદ અને ત્રાસવાદી પ્રવૃત્તિનો સફાયો કરી નાખ્યો, પરંતુ આપણે ત્યાં આવી સખતાઈ આટલા વર્ષમાં દાખવવામાં આવી નથી. પાકિસ્તાન સાથે મિત્રતા વધારવી જોઈએ તેવું કહેનાર દેશદ્રોહીઓનો એક વર્ગ ઘરઆંગણે છે, કારણ કે તેમને ત્રાસવાદનો વરવો અનુભવ થયો નથી અને તેમના ઘરમાંથી કોઈ ત્રાસવાદીઓની એકે-૫૬ રાઈફલની ગોળીનો શિકાર બન્યા નથી.

એવી કોઈ રાજકીય સર્વસંમતિ પણ દેખાતી નથી કે કમસેકમ પ્રજાની સુરક્ષાના મામલામાં મતભેદ કે મતમતાંતર નહિ હોવા જોઈએ. જ્યારે આવી ભાવનાત્મક એકતા જોવા મળશે તે વખતે જ સામેના પક્ષને કોઈક સંદેશો મળવાનો છે. બાકી હાલમાં જે રીતે કાર્ય ચાલી રહ્યું છે તે જોતાં ભારત એક ખૂબ જ સોફટ ટાર્ગેટ ત્રાસવાદી પ્રવૃત્તિ માટે બની ગયું છે.

૨૬/૧૧ના હુમલા બાદ કયો પદાર્થપાઠ શીખવા મળ્યો છે? કઈ જગ્યાએ કેટલા સુધારા થયા? કેટલા યુવાનોને ત્રાસવાદ સામે પ્રતિકાર માટેની ટ્રેનિંગ આપવામાં આવી? આવા પ્રશ્ર્નનો જવાબ ગૃહમંત્રી કે સુરક્ષા મંત્રી આપી શકવાના નથી, કારણ કે ખુદ તેઓ જ કોઈ વિચાર કે બાબતને સાધ્ય કરી શકે તેમ નથી. બાકી રાષ્ટ્રપ્રેમ હોય તેવી વ્યક્તિ કદી બાંધછોડ કરવા માટે તૈયાર હોતી નથી.

જ્યારે જ્યારે ત્રાસવાદની ઘટના બની છે તેવે વખતે માત્ર આશ્ર્વાસન આપવા સિવાય કોઈ વાત થઈ નથી. આવી બાબતમાં પ્રજાને હવે ભરોસો નથી તેવી જ રીતે કાશ્મીર કે અન્યત્ર ત્રાસવાદી ઘટના બને છે તેવે વખતે તેમાંથી કોઈ બોધપાઠ ગ્રહણ થતો નથી તે બાબતને સંગઠનની નબળાઈ ગણવી કે પછી પ્રજા તરીકેની આપણી નિર્માલ્યતા?

સુરત પર આતંકવાદીઓ અણુ હુમલો કરવાના હતા?

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=113241

સુરત પર આતંકવાદીઓ અણુ હુમલો કરવાના હતા?

અમદાવાદ: ગુજરાતના આર્થિક વિકાસમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ યોગદાન આપતા અને દેશની આર્થિક રાજધાની મુંબઇનગરી સાથે ધંધાકીય રીતે અતૂટ નાતો ધરાવતા સુરત શહેર દેશદ્રોહી આતંકી તત્ત્વો માટે શરૂઆતથી જ સોફ્ટ ટાર્ગેટ રહ્યું હોવાની વાત જગજાહેર છે. જોકે ૨૦૦૫થી અત્યાર સુધી દેશમાં શ્રેણીબદ્ધ હુમલા કરનારા ઇન્ડિયન મુજાહિદ્દીન (આઇએમ) સંગઠનના ટોચના આતંકી યાસીન ભટકલે ચોંકાવનારો એવો ધડાકો ર્ક્યો હોવાના અહેવાલો છે કે આઇએમે સુરત શહેર પર એક નાનો ન્યુક્લિયર બોમ્બ ઝીંકી અત્યાર સુધી દેશમાં ક્યારેય ન નોંધાઇ હોય એવી ખુવારી સર્જવાની યોજનાનો અમલ મૂકવાની તજવીજ હાથ ધરી હતી. સુરત શહેર પર ન્યુક્લિયર એટેકને લગતી વિગતોથી કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાના ટોચના અધિકારીઓ સ્તબ્ધ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. સુરત શહેર પર આતંકી હુમલાનું જોખમ હજી ટળ્યું નથી કારણ કે, યાસીનનો ભાઇ એવો આઇએમનો મુખ્ય કમાન્ડર રિયાઝ ભટકલ હજી આઝાદ અને પાકિસ્તાનમાં છુપાયેલો છે. સુરતની સુરક્ષા વધારવા સાથે કેન્દ્રીય સુરક્ષા એજન્સીના અધિકારીઓએ ડિપ્લોમેટિક પગલાં ભરવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. 

એનઆઇએના અધિકારીઓની આકરી પૂછપરછ દરમિયાન યાસીને સ્ફોટક કબૂલાત કરતા જણાવ્યું કે, તેને પાકિસ્તાનમાં રહેતા ઇન્ડિયન મુજાહિદ્દીનના કમાન્ડર એવા પોતાના બોસ કમ ભાઇ રિયાઝ ભટકલને નાની કક્ષાના ન્યુક્લિયર બોમ્બની વ્યવસ્થા થઇ શકે કેમ તે અંગે પૂછપરછ કરી ત્યારે રિયાઝે જવાબ આપ્યો હતો કે, અહીં પાકિસ્તાનમાં બધી જ વ્યવસ્થા થઇ શકે છે. રિયાઝના પ્રત્યુત્તર બાદ પોતે સુરતમાં ન્યુક્લિયર બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના તૈયાર કરી હતી. જોકે, આ યોજના અમલમાં મુકાય તે પહેલાં જ તે પાકિસ્તાન પહોંચવાની પેરવી કરતા નેપાળ સરહદેથી પકડાઇ ગયો હતો. પાકિસ્તાનથી રિયાઝે જાન્યુઆરીથી જુલાઇ મહિના દરમિયાન યાસીનને ૧૩ લાખ રૂપિયા પહોંચતા કર્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું. જેને પગલે યાસીનના ખોફનાક યોજનાના દાવાને ગંભીરતાથી લેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ગત ૨૭ ઓગસ્ટના રોજ નેપાળ સરહદે પોખર વિસ્તારમાંથી ઝડપાયેલો યાસીન ભટકલ ખુદ બોમ્બ બનાવવામાં નિષ્ણાત છે. ૨૦૦૮માં દિલ્હી, જયપુર અને અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ હુમલામાં યાસીન અને તેનો સાગરીત આતીફ અમીન સીધી રીતે સંડોવાયેલા હતા. સુરતમાં ૨૭ બોમ્બ પ્લાન્ટ કરવાનું કામ આતીફે ર્ક્યું હતું અને એ તમામ બોમ્બ તૈયાર યાસીને ર્ક્યા હતા. 

આઇએમ દ્વારા સુરતમાં ન્યુક્લિયર બોમ્બથી એટેક કરવાની યોજના ઉપરાંત યાસીને પોતાના નિવેદનમાં પાકિસ્તાનમાં અપાતી આર્મી લેવલની ટ્રેનિંગની પણ માહિતી આપી હતી. પાકિસ્તાન સ્થિત ચાલતા ટ્રેનિંગ કેમ્પોમાં ભારતીય આતંકી યુવાનોને એકે ૪૭, એલએમજી, એસએલઆર, સ્નીફર રાઈફલ ચલાવવાની તાલીમ ઉપરાંત એમોનિયમ નાઇટ્રેટ, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને જિલેટીનની 

છડીથી બોમ્બ બનાવવાનું પણ શિખવાડાય છે.

ન્યુક્લિયર બૉમ્બ ન મળે તો પ્લાન બી તૈયાર કરાયો

અમદાવાદ: ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકીઓએ ગુજરાત અને ગુજરાતીઓને આર્થિક રીતે કમ્મરતોડ ફટકો મારવા અને કલ્પનાંતિત ખુવારી સર્જવા માટે ખોફનાક કાવતરું રચ્યું હતું. ન્યુક્લિયર બૉમ્બ કોઇ કારણસર ન મળી શકે તો આવી સ્થિતિમાં યાસીન ભટકલે પ્લાન બી પણ તૈયાર ર્ક્યો હતો. યાસીન પ્લાન બી અંતર્ગત હવામાં ઝેરી વાયુ પ્રસરાવી સુરતમાં મોતનું નગ્ન તાંડવ ખેલવાનો મેલો મનસૂબો ધરાવતો હતો. 

ન્યુક્લિયર બૉમ્બ હાથમાં ન આવે તો વાપી પાસેની એક વિશાળ આર્ગેનિક કંપની ‘સબેરો’ને યાસીને ટાર્ગેટ કરી હતી. ઓર્ગેનિક કંપનીના પ્લાન્ટમાં જો ભાંગફોડ થાય તો વ્યાપક પ્રમાણમાં હવામાં ઝેરી કેમિકલ ફેલાય અને તેનાથી લોકો રીબાઇ રીબાઇને તરફડીને મોતને ભેટે એવી કટોકટી સર્જાય. પણ આ યોજનામાં મુસ્લિમો પણ મોટી સંખ્યામાં મોતને ભેટવાની દહેશત હતી. તેથી પાકિસ્તાનથી આઇએમના કમાન્ડર રિયાઝે પ્લાન બીને મુલતવી રાખવાની તાકીદ કરી હતી. ન્યુક્લિયર બૉમ્બથી સુરત પર એટેક કરવાની યાસીનની યોજના સાથે રિયાઝ સહમત થયો હતો. ન્યુક્લિયર બૉમ્બ મેળવવાની કવાયત હેઠળ જ યાસીન નેપાળ સરહદ ક્રોસ કરી પાકિસ્તાન જવા નીકળ્યો હતો, પણ સુરતવાસીઓના સદ્દનસીબે તે ઝડપાઇ ગયો અને તેની ખોફનાક યોજના ઉજાગર થઇ. સુરતની સુરક્ષા વ્યવસ્થા માટે વધુ સઘન અને વ્યૂહાત્મક પગલાં ભરવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સુરતના મુસ્લિમોને બચાવી લેવાની યોજના બનાવી હતી

અમદાવાદ : સુરત શહેર પર ન્યુક્લિયર બૉમ્બ ઝીંકી મોતનું નગ્ન તાંડવ ખેલવાની યોજના તૈયાર કરનારા યાસીન ભટકલ સમક્ષ પાકિસ્તાનમાં છુપાઇને બેઠેલા ઇન્ડિયન મુજાહિદ્દીનના કમાન્ડર રિયાઝ ભટકલે સુરત શહેરમાં વસતા મુસ્લિમ બાંધવોની ચિંતા વ્યક્ત કરી હતી. યાસીને જ્યારે સુરત પર નાની કક્ષાનો ન્યુક્લિયર બૉમ્બ ઝીંકવાની યોજના મૂકી ત્યારે રિયાઝે આ યોજનામાં તો મોટી સંખ્યામાં મુસ્લિમો પણ માર્યા જવા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે યાસીને રિયાઝને બીજો પ્લાન સમજાવ્યો હતો. યાસીને રિયાઝને જણાવ્યું હતું કે, ‘ ન્યુક્લિયર બૉમ્બ હાથમાં આવી જાય અને તેનો બ્લાસ્ટ કરતા પહેલાં શહેરની તમામ મસ્જિદોમાં ઉર્દૂ ભાષામાં પોસ્ટરો લગાવી મુસ્લિમ બિરાદરોને સુરત શહેર છોડી જવાની તાકીદ આપી દેવાશે. શુક્રવારે દરેક મુસ્લિમ મસ્જિદમાં નમાજ અદા કરવા આવે છે. આ દરમિયાન શહેર છોડી જવાની ગર્ભિત ચેતવણી આપી દેવાય પછી રવિવારે સાંજના સમયે જ્યારે બજારોમાં ભીડભાડ હોય ત્યારે જ ન્યુક્લિયર બૉમ્બ બ્લાસ્ટ કરાશે! જે મુસ્લિમ બિરાદરો શુક્રવારે મસ્જિદમાં નમાજ અદા નહીં કરતા હોય તેમની ફિકર કરવાની જરૂર ન હોવાનો મત પણ યાસીને રિયાઝ સમક્ષ વ્યક્ત ર્ક્યો હતો. યાસીનના સુરત પરના ન્યક્લિયર બૉમ્બ એટેકના પ્લાનિંગના દાવાને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ અત્યંત ગંભીરતાથી લઇ વ્યૂહાત્મક પગલાં ભરવાની તજવીજ હાથ ધરી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
























ચંદ્રકાંત બક્ષી -- હિંદુસ્તાન, હિંદુસ્તાન: શૃંગારનું અને શીશમહેલનું...

ચંદ્રકાંત બક્ષી

હિંદુસ્તાન, હિંદુસ્તાન: શૃંગારનું અને શીશમહેલનું...

હિંદુસ્તાન એક એવો દેશ છે, જ્યાં તળાવોમાં તમે સૂકી માછલી ફેંકો તો તરત જ સજીવન થઈને તરવા લાગે છે... હિંદુસ્તાનમાં એવાં બોલતાં વૃક્ષો છે, જે સૂર્યાસ્ત થાય ત્યારે તમારું ભવિષ્ય કહેવા લાગે છે! એવી કીડીઓ અને મંકોડા છે, જે ઘોડાઓને એમના દરોમાં ખેંચી જાય છે... નોગોવ નામનું એક એવું પક્ષી થાય છે, જેનો માળો પંદર ઓક વૃક્ષ (આપણો વડ) પર ફેલાયેલો હોય છે. હિંદુસ્તાનમાં એવા માણસો થાય છે, જેમને દાંતની ત્રણ હરોળો છે... અહીં મગર પેશાબ કરે છે એ તરત જ ભડકો થઈ જાય છે... અહીં સમુદ્રકિનારે એવા પર્વતો ઊભા છે, જેમને સાંકળો બાંધીને જહાજો ખેંચે તો એ પર્વતના ટુકડાટુકડા થઈ જાય છે... હિંદુસ્તાનમાં જાતજાતના માણસો જીવે છે. શિંગડાંવાળા, ત્રણ પગવાળા, ચાર હાથવાળા, અડધા કૂતરા, અડધા ઘોડા, અડધા પક્ષી જેવા, રાક્ષસોથી વેંતિયાઓ સુધી બધા જ કદના...

આ અને આવાં વર્ણનો જૂનાં રશિયન લખાણોમાં હિંદુસ્તાન વિશે મળે છે. હિંદુસ્તાન દંતકથાનું છે, અને હિંદુસ્તાન ઈતિહાસનું છે, નૃત્ય ખંડ છે, શીશમહલ છે, ખ્વાબગાહ છે, અટારી અને ઝરૂખો અને કક્ષ છે તબલિયા અને સારંગિયા અને સિતારિયા અને ગવૈયા છે. અને ગર્મિયોમાં ખસના ભીંજવેલા પડદાઓની પાછળ તખ્ત પર લેટેલા જ સંગીત સાંભળતા સંગીતપ્રેમીઓ છે. તખ્તપોશ પર ચિત્રો છે, શિકારનાં અથવા રાસલીલાનાં. લંબચોરસ બૂટાદાર કાલીનો દીવાલો પર ઝુલાવ્યા છે અને ઝાલરો ફર્શ પર ફેલાઈ ગઈ છે. બહાર વૃક્ષો પર પાળેલાં રંગીન પક્ષીઓ ચહચહી રહ્યાં છે. બારહદરીના આરસના સફેદ સ્તંભો સફેદ છે, કેમ કે એમને શંખના ભૂકાથી પૉલિશ કરાયા છે. 

હિંદુસ્તાનનું વર્ણન કરવું સહેલું છે, કારણ કે એ જુદું છે અને સામે છે. અને એ વર્ણન કરવું અઘરું છે, કારણ કે એની વિવિધતા પાગલ કરી મૂકે એવી છે. હિંદુસ્તાનીની આંખે હિંદુસ્તાન જોવું અને અંગ્રેજની આંખે હિંદુસ્તાન જોવું એ બે વસ્તુઓમાં ભેદ છે. કેટલીય વસ્તુઓ પરથી આપણી આંખો રોજ ફરી જાય છે અને આપણે ‘જોતા’ નથી, કદાચ નવી આંખો જે પહેલી વાર જુએ છે એ આરપાર જોઈ શકે છે, જ્યારે શરૂના અંગ્રેજો હિંદુસ્તાન આવ્યા ત્યારે એમણે નવી દુનિયા જોઈ અને એમનાં વર્ણનોએ હિંદુસ્તાન વિશે એક રોમેન્સ પેદા કર્યો. આજે પણ એ રોમેન્સનો હેંગઓવર ચાલે છે. 

આ હિંદુસ્તાનમાં લોકો ક્રૂર છે, ખુલ્લા આકાશ નીચે મુડદાં બાળી નાખે છે. રાત્રે મચ્છરો ખૂન પી જાય છે, મલેરિયા છે, મોન્સૂન બધું જ ભીંજવી નાખે છે. ચંપી છે, માલિશ છે, લોકો રોજ નહાય છે (!) હિંદુસ્તાનીઓ અગ્નિ અને પાણીની સાથે જ સતત જીવે છે. ભાંગનો નશો કરવામાં આવે છે. રાજાઓ એમની બોરડીઓ ચીકુ જેટલાં મોટાં બોર આપે એ માટે એ વૃક્ષને ગાયના દૂધથી સીંચે છે. અને શરાબ બનાવવા માટેની અંગૂરો રસદાર ઊતરે માટે ખાતરરૂપે જીવતાં કૂતરાં દાટવામાં આવતાં હતાં અને મહેલોની ફર્શ ગુલાબજળનાં ભીનાં પોતાથી લૂછવામાં આવતી હતી. અસાધ્ય રોગને ડામ દઈને સુધારવામાં આવતો હતો. અફીણ ચીન મોકલાતું હતું, ચા ચીનથી આવતી હતી, તેજાના મલાક્કાથી આવતા હતા, સોનું વિલાયત મોકલાતું હતું. બજારોમાં જાતજાતના રૂપિયાના સિક્કાઓ મળતા હતા. નવા ખ્રિસ્તીઓ નવું અંગ્રેજી શીખતા હતા...

હિંદુસ્તાનની હિંદુસ્તાનિયત શું છે? એવું ઘણું બધું છે, જે ખાસ આ હવા, અને આ આસમાન, અને આ મિટ્ટીનું જ છે. શેરડી છે, જે વાંસ નથી. પિત્તળના લોટાઓ અને સર્પની કાંચળી અને છેટે બેઠેલી સ્ત્રીઓ અને બળતા કપૂરની આરતી અને વળેલી અર્ધચંદ્રાકાર તરવારો અને તુલસીનો છોડ અને તડકામાં નાચતા મોર અને ઓંકારનો ધ્વનિ અને કાજલ લગાવેલી આંખો અને દસ મોઢાંવાળો રાવણ અને બકરાની ખાલ ભરીને દોડતા ભિશ્તીઓ ને ખભા પર કલબલ અવાજો લઈને ફરતો તેતર-બટેર ફરોશ (વેચનારો)...

હિંદુસ્તાનમાં ધનતેરસની કે દિવાળીની રાત્રે લક્ષ્મીદેવી સ્વયં પાણી ભરવા નીકળે છે. ગુંબજોની અંદર નક્કાશી કરેલાં ચાંદીનાં પતરાં મઢવામાં આવે છે. મંદિરોના ઘંટનાદોના તાલમાં હાથીઓ તાલમાં નાચે છે. તિબ્બતી બકરાના મહિન રેસાદાર વાળના પશમીના પર બારીક કઢાઈકામ કરીને ‘અમલી શાલ’ બનાવાય છે. તળાવ પર બજારમાં નાચનારીઓ નાચે છે, હૃદયના આકારની લાલ પતવારોથી બજરો વહેતો રહે છે. સાથે અંગૂરનો મુરબ્બો છે, કેસરની શરાબ છે, ફૂલ જેવા ગુદાઝ કબાબ છે અને શૃંગાર છે. આ એક હિંદુસ્તાન હતું. કિનારાના મહેલોની બહાર રાત્રે ફાટતી રાતરાણીની મહેલોની મહેકમાં તર-બ-તર, હુક્કો પીને, નાહીને, શરીર પર ઈત્ર છાંટનાર, ધુંઆ ધુંઆ સાંજોમાં બિખરી... જનારાં શરીરોનું... 

જેમ મધ્યયુગીન રશિયનો અને અંગ્રેજો હિંદુસ્તાન જોઈને હતપ્રભ થઈ ગયા હતા. એમ જ સન ૧૨૫૩માં તુર્ક પિતા અને હિંદુસ્તાની મુસ્લિમ માતાના પુત્ર અમીર ખુસરોએ વૃદ્ધાવસ્થામાં લખેલા નૂર-સિપિહર (નવ ચક્રો)ના ત્રીજા ચક્રમાં હિંદુસ્તાનના લોકો વિશે લખ્યું છે. એમાંથી થોડા નમૂના: (હિંદુઓ) મરેલા માણસને છ મહિના પછી પણ જીવતો કરી શકે છે... એ લોકો એને પૂર્વ તરફ વહેતી એક નદીમાં વહાવી દે છે, જ્યારે એક અનુભવી ડાકણ એના શરીરમાં જીવન ભરી આપે છે. બ્રાહ્મણો માથું કપાઈ ગયું હોય એને પણ જીવતાં કરી શકે છે... એક યોગી એક મૂર્તિમાં પ્રવેશીને સાડા ત્રણસોથી વધુ વર્ષો જીવતો રહ્યો હતો. એ લોકો મનુષ્યોમાં કૂતરા, બિલાડા અને વરુમાં પોતાની જાતનું રૂપાંતર કરી શકે છે... પોતાની શક્તિથી માણસના શરીરનું રક્ત ખેંચી કાઢે છે અને ફરીથી એ રક્ત પાછું મૂકી શકે છે... શારીરિક રોગ છાંટી શકે છે, લાશને કિનારાથી કિનારા સુધી તરાવી શકે છે. હવામાં પક્ષીની જેમ ઊડી શકે છે... અને આ વાત અશક્ય જેવી લાગે છે, પણ આંખમાં એક પ્રકારનું અંજન લગાવીને ઈચ્છા પ્રમાણે પોતાની જાતને અદૃશ્ય કરી શકે છે.’

હિંદુસ્તાન દરેક પ્રજા માટે જુદી અસર ઊભી કરે છે. દ્વિતીય વિશ્ર્વયુદ્ધ સમયે હિંદુસ્તાનમાં આવેલા અમેરિકન સૈનિકો માટે અમેરિકન સરકારે ‘પોકેટ ગાઈડ ઑફ ઈન્ડિયા’ બહાર પાડી હતી. આ ગાઈડમાં હિંદુસ્તાન વિશે આપણને જરા કૉમિક લાગે એવી માહિતી-માર્ગદર્શન અપાયાં હતાં. એમાંથી થોડાં સેમ્પલ: ‘ઘણા હિંદુઓ કપાળ પર ‘યુ’ આકારનું અથવા ત્રણ કાંટાવાળા ફોર્કનું ચિત્ર ચીતરે છે અથવા રાખ હોરિઝોન્ટલ (સીધી લીટીમાં) ઘસે છે... અહીં વાંદરા, મોર અને ગાય પવિત્ર છે, માટે ક્યારેય શૂટ ન કરવાં... રસોઈ કરનારા બ્રાહ્મણ જાતિના હોય છે... પવિત્ર જનોઈ હંમેશાં ડાબા ખભા પર પહેરાય છે... મંદિર કે મસ્જિદમાં ક્યારય બૂટ પહેરીને ઘૂસી ન જશો. યાદ રાખીને બહાર ઉતારજો... દાઢી અને પઘડીવાળા શીખને ભૂલથી પણ સિગારેટ ઓફર કરશો નહીં... આખું માથું જો શેવ કર્યું હોય એવા પૂરા વાળ સાફ કરી નાખ્યા હોય તો એ પવિત્ર સાધુ હશે... દરેક શહેરમાં એક પ્રાત:કાળનું બજાર (ડોન માર્કેટ) હોય છે. હાથીના દંતશૂળ પર પિત્તળ કે લોખંડની રિંગ પહેરાવી હોય છે એ સુશોભન માટે છે, એનાથી હાથીને તકલીફ પડતી નથી... કોઈ હિંદુસ્તાનીના મોઢાની અંદર અને હોઠો લાલ જુઓ તો ગભરાશો નહીં, એ પાન-જ્યૂસ છે. કાથો, ચૂનો અને પાનનું પાંદડું સાથે ચાવવાથી એનો લાલઘૂમ રંગ નીકળે છે.’

અને વિદેશી પર્યટકોને, વેચવાનું હિંદુસ્તાન જુદું છે. લંડનના પ્રખ્યાત પત્ર ‘પંચ’માં ભારત સરકારની ટૂરિસ્ટ ઓફિસે આપેલી જાહેરખબરમાં મુખ્ય લોગો હતો: ઈન્ડિયા-અલાઉ અસ ટુ સ્પોઈલ યુ (અમને તમને બગાડવા દો!). એમણે જે હિંદુસ્તાનનું ચિત્ર પ્રસ્તુત કર્યું હતું એ આ પ્રમાણે હતું: હિંદુસ્તાન જોવાની શ્રેષ્ઠ સીટ કઈ છે? વિરાટ, મહાકાય ઈન્ડિયન હાથીની પહોળી પીઠ અને એની કિંમત કેટલી સસ્તી છે એ તમે અનુભવથી જ માનશો... દુનિયામાં ક્યાં તમે એક પૂરો દિવસ માછલી પકડશો અને બે પાંઈટ શરાબ જેટલી જ કિંમત ચૂકવશો!... એક ટેક્સી તમને રેસ્ટોરાંમાં લઈ જશે, તમે નિરાંતે જમશો, ટેક્સી બહાર ઊભી રહેશે અને તમે અડધી બોટલ વાઈનની કિંમત ચૂકવશો?... આ ઈન્ડિયા છે, તમારા પૈસાનું શ્રેષ્ઠ મૂલ્ય મેળવવાની જગ્યા... અને હાથી પર બેસવાનું ભાડું? એક કલાકના પચીસ પી (રપ પેન્સ)!...

હિંદુસ્તાન શું છે? સંક્ષેપમાં કહેવું કઠિન છે. નાના નાના ટૂંકા ટૂંકા શબ્દો અને શબ્દચિત્રોમાં હિંદુસ્તાન નામનો એક કોલાઝ ઊભરે છે અને આ શબ્દકોલાઝ માત્ર એક ટકા હિંદુસ્તાન પણ વર્ણવી શકતો નથી. રકાબીમાં પિવાતી મીઠી ચા, સાકરિયા ચણા, હુતુતુતુ રમતા છોકરાઓ, લાકડાના ગઢ્ઢા ઉપર છરાથી મારી મારીને કિમો બનાવતો કસાઈ, ચાંદીનો વરખ ચોંટાડેલી બરફી, જન્મકુંડળી અને મંગળ અને શનિ, શીર્ષાસન, મોરનાં પીંછાં, છાશ અને પોંક, ચાંદની ચોક, નળિયાં અને શકોરાં અને ઘડા, તાડનાં પાંદડાંનો બનાવેલો પંખો, હાથથી ખાવું, શંખધ્વનિ અને ઘંટનાદ, લાજ, બીડી, હડતાળ, સિંદૂર, પીપળો, અસ્થિવિસર્જન... કરોડો શબ્દો, વિધિઓ, વસ્તુઓ, ક્રિયાઓમાં હિંદુસ્તાન વહેતા પ્રવાહ પર નાચતાં કિરણોની જેમ ઝગમગે છે...



ક્લૉઝ અપ

...હિંદુસ્તાનમાં જંગલો હતાં. આગ્રાથી માંડીને નાસિક સુધી જંગલ... એટલું ગાઢું હતું કે વાંદરા એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઠેકતાં ઠેકતાં ઠેઠ મથુરાથી નાસિક સુધી પહોંચી જતા...

-વિનોબા ભાવે (પ્રવચનો: ૧૯૬૪)

ગીતા માણેક -- યે દિલ માંગે મોત...

ગીતા માણેક
યે દિલ માંગે મોત...

બૉલીવુડના કે ભારતીય ક્રિકેટ જગતમાં કોઈપણ લોકપ્રિય અને સફળ બને એટલે ઠંડાં પીણાં બનાવતી કંપનીઓ તરત જ તેમને અધધધધ રકમ આપીને જાહેરખબર માટે સાઇન કરી લે છે. કારણ? બોલીવુડના બાદશાહો કે ફૂટડી હીરોઈનો કે ચોક્કા-છક્કા ફટકારતા બેટ્સમેનો જ્યારે યે દિલ માંગે મોર અથવા સબસે બડી પ્યાસ કહીને ઠંડા પીણા પીતાં દેખાય છે ત્યારે સામાન્ય લોકો તેમની પાછળ-પાછળ એ પીણાંઓ ગટગટાવવા તૈયાર થઈ જાય છે. સામાન્ય પ્રજાને ભાગ્યે જ જાણ છે કે આ પીણાંઓથી તરસ છિપાતી હોવાની પ્રતીતિ ભલે થતી હોય પણ ખરેખર તો તેમના માટે બીમારી અને આપણી નહીં પણ યમરાજાની પ્યાસ બુઝાવવાનું માધ્યમ બની જતી હોય છે.

કમનસીબે સત્તાની ખુરશી પર બેઠેલાઓને કાં તો પોતાના ગજવાં ભરવામાં રસ છે અને નહીં તો તેઓ જે મલ્ટીનેશનલ કંપનીઓ (એમએનસી)ને અછોવાનાં કરી રહ્યા છે, એ પ્રજાના સ્વાસ્થ્ય અને જિંદગી સાથે કેવાં ચેડાં કરી રહ્યા છે એનું આ અભણ અને અનાડી નેતાલોગને ભાન પણ નથી. એટલું જ નહીં પણ આ ઠંડાં પીણાં જેને અંગ્રેજીમાં એરેટેડ વોટર કહે છે એ બનાવનારી કંપનીઓ આપણા દેશના જળસ્ત્રોતની અને અર્થતંત્રની પણ કેવી વાટ લગાડી રહી છે એ જાણવા-સમજવા જેટલી કાં તો બુદ્ધિ અને કાં તો દાનત ખુરશી પર બેઠેલાઓની નથી.

જોકે આપણામાંના ઘણા લોકોમાં ધીમે-ધીમે એક જાગરૂકતા આવી રહી છે કે આ પીણાંઓ આપણા સ્વાસ્થ્ય માટે સારા નથી પણ એ કેટલી હદે હાનિકારક છે એનો ઘણા લોકોને અંદાજ નથી અને એટલે જ આ કાળા-કેસરી કે સફેદ પીણાંઓ ગટગટાવતા રહે છે.

સૌથી પહેલાં આપણે આ પીણાંઓની આપણા શરીર પર કેટલી ખતરનાક અસર થાય છે એની વાત કરીશું.

પોતાનો માલ પધરાવવા માટે આમ તો કોકા કોલાના ચેરમેન અને સીઈઓએ એવો દાવો કર્યો છે કે અમારા ઉત્પાદનો તો બહુ જ સ્વાસ્થ્યપ્રદ છે. શરીરમાં પ્રવાહી જવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે... કોકા કોલા કંપની તો લોકોને પ્રવાહી પીવા માટે પ્રેરિત કરવાની મહાન સેવા બજાવી રહી છે! જ્યારે હકીકત એ છે કે આ પીણાંઓ દ્વારા આ કંપનીઓ લોકોના પેટમાં ઝેર રેડી રહી છે એવું કહેવામાં સહેજ પણ અતિશ્યોક્તિ નથી. હિંદુસ્તાનમાં આ બધાં પીણાંઓ ઘણાં મોડેથી આવ્યા પણ અમેરિકા અને જર્મની અને પશ્ર્ચિમના અન્ય દેશમાં પાણી ઓછું અને એરેટેડ ડ્રિંક્સ અથવા જેને તેઓ સોડાના ટૂંકા નામે બોલાવે છે એ વધુ પીવાય છે. વર્ષો આ પીણાંઓ ગટગટાવ્યા બાદ ત્યાંના લોકોના આરોગ્ય પર જે અસર થઈ છે એ પછી કેટલાક સમજદાર જાગૃત વ્યક્તિઓ અને વૈજ્ઞાનિકોએ ઘણું સંશોધન કરીને આ પીણાંઓ શરીર માટે કેટલા હાનિકારક છે એનો પર્દાફાશ કર્યો છે. અહીં આ પીણાંઓની વાત કરતી વખતે પરદેશમાં થયેલાં સંશોધનો પર વધારે આધાર રાખવો પડશે કારણ કે અહીં તો લોકોની ઊંઘ ઉડતાં હજુ વર્ષો લાગી જશે અને ત્યાં સુધીમાં આ કંપનીઓએ આપણી પ્રજાનું ઘણું નખ્ખોદ વાળી નાખ્યું હશે.

આ પીણાંઓમાં એસિટિક, ફ્યુમેરિક, ગ્લુકોનિક અને ફોસ્ફોરિક એસિડનો ઉપયોગ થાય છે. આ પીણાંઓને હલકાં માદક અને એનું વ્યસન થઈ જાય એવા બનાવવા માટે એસિડનું જે કોમ્બિનેશન વપરાય છે એ એટલું તેજાબી હોય છે કે ઘણા પ્લમ્બરો મોરીનો પાઈપ ભરાઈ ગયો હોય ત્યારે એમાંથી કચરો છૂટો પાડવા માટે એનો ઉપયોગ કરે છે. કેટલાક કાર મેકેનિક્સ કટાઈ ગયેલી કારની બેટ્રીનો કાટ કાઢવા માટે પણ વાપરે છે. હવે વિચારો કે આ પીણાં આપણા પેટમાં કેવો વિનાશ સર્જતા હશે! નિયમિત આ પીણાંઓ પીવાથી પેટના પાચનઅવયવોમાં સોજો આવે છે ઉપરાંત અવયવો ખવાતાં જાય છે જેને મેડિકલ ભાષામાં ગેસ્ટ્રોનોમિક ડિસ્ટ્રેસ કહે છે.

આ પીણાંઓ આપણા શરીર માટે જરૂરી એવા સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમનું સંતુલન ખોરવી નાખે છે. જેના પરિણામે હાડકાં નબળાં પડવા, કોલાઇટિસ, હાર્ટ ડિસીઝ, પાચનતંત્રને લગતી બીમારીઓ અને એનિમિયા જેવા રોગને ભાવભીનું નિમંત્રણ પાઠવે છે.

આ ૩૦૦ મિલિલિટર કોલ્ડ ડ્રિંક્સની એક બોટલમાં ૩૦-૪૦ મિલીગ્રામ કેફિન હોય છે. કેફિનનું વ્યસન થઈ જાય છે એ તો આપણે બધાને ખબર છે. હું ચા-કોફી નથી પીતો કે મને એની ટેવ નથી’ એવું ગર્વ સાથે કહેતી વ્યક્તિઓ કોલ્ડ ડ્રિંક્સની બોટલો બેધડક ઢીંચતા હોય છે કારણ કે તેમને પોતાને પણ ખ્યાલ નથી હોતો કે તેમને આની પણ ટેવ પડી જાય છે. હકીકતમાં કેફિન પોતાનામાં જ શરીર માટે ઉપયોગી નથી પણ જ્યારે કેફિન ઠંડું કરીને પીવામાં આવે છે ત્યારે એની આદત પડવાની સંભાવના અનેકગણી વધી જાય છે. આ સિવાય પણ કેફિન ઠંડું કરીને પીવાથી એ વધુ ખરાબ અસરો પેદા કરે છે. ઠંડા પીણાંઓમાં ઠંડુ થયેલું કેફિન નર્વસનેસ, ચીડિયાપણું, અનિદ્રા અને હૃદયની ધડકનો તેજ કરે છે. અમેરિકામાં કરવામાં આવેલા સંશોધન મુજબ દરરોજ જો ૧૦૦ મિલીગ્રામ કેફિન જે બેથી ત્રણ બોટલ પીવાથી મળે છે એનાથી વ્યક્તિ તેનો બંધાણી બને છે.

બોર થતાં યુવાનો એકાદ ઠંડા પીણાની બાટલી ઢીંચી જાય છે ત્યારે તેમને ખ્યાલ પણ નથી હોતો કે તેઓ ધીમે-ધીમે એના બંધાણી થઈ રહ્યા છે.

કદાચ કોઈ એવી દલીલ કરે કે અમે કંઈ રોજ ઠંડા પીણા પીતાં નથી પણ અવારનવાર પી લઈએ છીએ પણ આ વ્યક્તિઓને ખ્યાલ નથી કે કેફિનને કારણે હાડકાંઓમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે. જે સંશોધન થયું છે એ પ્રમાણે ૩૦૦ મિલીલિટરની એક બોટલ એરેટેડ વોટર અથવા તો જેની જોરશોરથી જાહેરખબરો કરવામાં આવે છે એ ઠંડું પીણું પીવાથી હાડકાંઓમાંનું ૨૦ મિલીગ્રામ કેલ્શિયમ ઓછું થાય છે!

આ સિવાય આ પીણાંઓમાં સાકરની માત્રા બહુ મોટા પ્રમાણમાં હોય છે. આપણે બધા જ જાણીએ છીએ કે રિફાઇન્ડ સુગર એટલે કે સાકર આપણા શરીર માટે કેટલી નુકસાનકારક છે. આ પીણાંઓમાં સાકર ઠાંસીઠાંસીને નાખવામાં આવે છે એસિડ, કેફિન જેવા જે પદાર્થો આ કોલ્ડ ડ્રિંક્સમાં નાખવામાં આવે છે એના કડવાશભર્યા સ્વાદને મારી નાખવા માટે દોથા ભરીને સાકર ભભરાવવામાં આવે છે. ના, અહીં દોથા ભરીને એવા આ કાઠિયાવાડી શબ્દો કંઈ લેખને વધુ મજેદાર બનાવવા નથી લખવામાં આવ્યા પણ દરેક ૩૦૦ મિલીલિટરની બોટલ દીઠ ૮-૯ ચમચી સાકર આ પીણાંઓમાં ઠાલવવામાં આવી હોય છે!

વધુ પડતી સાકર પણ વ્યક્તિને એ પદાર્થની લત લગાડી શકે છે. આટલી બધી સાકરને પચાવવા માટે પાચનતંત્રને ખૂબ બધા પાણીની જરૂર પડે છે. એ જરૂરિયાત પૂરી કરવા માટે પાચનતંત્ર શરીરના અન્ય અવયવોમાંથી પાણી ખેંચી લે છે જેને કારણે આવું ઠંડું પીણું પીધા પછીના થોડા જ સમયમાં વધુ જોરથી તરસનો અનુભવ થાય છે અને એ પ્યાસ મિટાવવા શક્ય છે કે વ્યક્તિ એવું જ વધુ પીણું ગટગટાવી જાય.

આ પીણાંઓ ઢીંચવાને કારણે ઓબેસિટી એટલે કે મેદસ્વીતા, ડાયાબિટીસ, હૃદયરોગ તેમ જ અન્ય રોગ કેવી રીતે આપણા મોં વાટે આ પીણાંઓ દ્વારા પ્રવેશે છે અને શરીરમાં મહેમાન નહીં પણ સ્થાયી થઈને રહી જાય છે એની વાત આવતા વખતે વિસ્તારપૂર્વક કરીશું અને પશ્ર્ચિમના દેશોમાં હવે જ્યારે આ બધી બાબતો અંગે જાગરૂકતા આવી છે અને ત્યાં આ મલ્ટીનેશનલ કંપનીઓના ઉત્પાદનોનું વેચાણ ઘટી રહ્યું છે ત્યારે તેમણે ભારત અને અન્ય વિકાસશીલ દેશોમાં કેવો પગદંડો જમાવવા માંડ્યો છે એ વિશે પણ વાત માંડીશું. આને માટે તેમના ટાર્ગેટ છે આપણાં બાળકો. નાનપણથી જ વિવિધ માધ્યમો દ્વારા તેમને આ પીણાંઓ પ્રત્યે આકર્ષિત કરીને પોતાના બેન્કનાં ખાતાંઓ નાણાંથી ફાટફાટ કરવાની પેરવી કરી રહ્યા છે. આપણે ત્યાં પણ હોંશે-હોંશે મા-બાપ પોતાના નાનાં-નાનાં ભૂલકાંઓને આવા પીણાં પીવડાવે છે. શહેરોમાં લગભગ દરેક બર્થડે પાર્ટીમાં આવા જ પીણાંઓના ગ્લાસ ભરી-ભરીને બાળકોને પીરસવામાં આવે છે. મા-બાપને પોતાને જ કદાચ ખ્યાલ નથી હોતો કે આ કોલ્ડ ડ્રિંક્સના નામે તેઓ બાળકોના પેટમાં ઝેર ઠાલવી રહ્યાં છે અને તેમને જાતભાતના રોગ ભેટમાં આપી રહ્યા છે.

આપણા બેવકૂફ, લુચ્ચા, ખંધા અને લાંચિયા નેતાઓ આપણા ભારતીય સ્વાસ્થ્યવર્ધક પીણાંઓને ઉત્તેજન આપવાને બદલે આ

મલ્ટીનેશનલ કંપનીઓની સાથે કુલડીમાં ગોળ ભાંગીને આપણા આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. આ વિશે વધુ વિસ્તારપૂર્વક વાત કરીશું આવતા શનિવારે.