Wednesday, January 1, 2014

સુરત પર આતંકવાદીઓ અણુ હુમલો કરવાના હતા?

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=113241

સુરત પર આતંકવાદીઓ અણુ હુમલો કરવાના હતા?

અમદાવાદ: ગુજરાતના આર્થિક વિકાસમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ યોગદાન આપતા અને દેશની આર્થિક રાજધાની મુંબઇનગરી સાથે ધંધાકીય રીતે અતૂટ નાતો ધરાવતા સુરત શહેર દેશદ્રોહી આતંકી તત્ત્વો માટે શરૂઆતથી જ સોફ્ટ ટાર્ગેટ રહ્યું હોવાની વાત જગજાહેર છે. જોકે ૨૦૦૫થી અત્યાર સુધી દેશમાં શ્રેણીબદ્ધ હુમલા કરનારા ઇન્ડિયન મુજાહિદ્દીન (આઇએમ) સંગઠનના ટોચના આતંકી યાસીન ભટકલે ચોંકાવનારો એવો ધડાકો ર્ક્યો હોવાના અહેવાલો છે કે આઇએમે સુરત શહેર પર એક નાનો ન્યુક્લિયર બોમ્બ ઝીંકી અત્યાર સુધી દેશમાં ક્યારેય ન નોંધાઇ હોય એવી ખુવારી સર્જવાની યોજનાનો અમલ મૂકવાની તજવીજ હાથ ધરી હતી. સુરત શહેર પર ન્યુક્લિયર એટેકને લગતી વિગતોથી કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાના ટોચના અધિકારીઓ સ્તબ્ધ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. સુરત શહેર પર આતંકી હુમલાનું જોખમ હજી ટળ્યું નથી કારણ કે, યાસીનનો ભાઇ એવો આઇએમનો મુખ્ય કમાન્ડર રિયાઝ ભટકલ હજી આઝાદ અને પાકિસ્તાનમાં છુપાયેલો છે. સુરતની સુરક્ષા વધારવા સાથે કેન્દ્રીય સુરક્ષા એજન્સીના અધિકારીઓએ ડિપ્લોમેટિક પગલાં ભરવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. 

એનઆઇએના અધિકારીઓની આકરી પૂછપરછ દરમિયાન યાસીને સ્ફોટક કબૂલાત કરતા જણાવ્યું કે, તેને પાકિસ્તાનમાં રહેતા ઇન્ડિયન મુજાહિદ્દીનના કમાન્ડર એવા પોતાના બોસ કમ ભાઇ રિયાઝ ભટકલને નાની કક્ષાના ન્યુક્લિયર બોમ્બની વ્યવસ્થા થઇ શકે કેમ તે અંગે પૂછપરછ કરી ત્યારે રિયાઝે જવાબ આપ્યો હતો કે, અહીં પાકિસ્તાનમાં બધી જ વ્યવસ્થા થઇ શકે છે. રિયાઝના પ્રત્યુત્તર બાદ પોતે સુરતમાં ન્યુક્લિયર બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના તૈયાર કરી હતી. જોકે, આ યોજના અમલમાં મુકાય તે પહેલાં જ તે પાકિસ્તાન પહોંચવાની પેરવી કરતા નેપાળ સરહદેથી પકડાઇ ગયો હતો. પાકિસ્તાનથી રિયાઝે જાન્યુઆરીથી જુલાઇ મહિના દરમિયાન યાસીનને ૧૩ લાખ રૂપિયા પહોંચતા કર્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું. જેને પગલે યાસીનના ખોફનાક યોજનાના દાવાને ગંભીરતાથી લેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ગત ૨૭ ઓગસ્ટના રોજ નેપાળ સરહદે પોખર વિસ્તારમાંથી ઝડપાયેલો યાસીન ભટકલ ખુદ બોમ્બ બનાવવામાં નિષ્ણાત છે. ૨૦૦૮માં દિલ્હી, જયપુર અને અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ હુમલામાં યાસીન અને તેનો સાગરીત આતીફ અમીન સીધી રીતે સંડોવાયેલા હતા. સુરતમાં ૨૭ બોમ્બ પ્લાન્ટ કરવાનું કામ આતીફે ર્ક્યું હતું અને એ તમામ બોમ્બ તૈયાર યાસીને ર્ક્યા હતા. 

આઇએમ દ્વારા સુરતમાં ન્યુક્લિયર બોમ્બથી એટેક કરવાની યોજના ઉપરાંત યાસીને પોતાના નિવેદનમાં પાકિસ્તાનમાં અપાતી આર્મી લેવલની ટ્રેનિંગની પણ માહિતી આપી હતી. પાકિસ્તાન સ્થિત ચાલતા ટ્રેનિંગ કેમ્પોમાં ભારતીય આતંકી યુવાનોને એકે ૪૭, એલએમજી, એસએલઆર, સ્નીફર રાઈફલ ચલાવવાની તાલીમ ઉપરાંત એમોનિયમ નાઇટ્રેટ, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને જિલેટીનની 

છડીથી બોમ્બ બનાવવાનું પણ શિખવાડાય છે.

ન્યુક્લિયર બૉમ્બ ન મળે તો પ્લાન બી તૈયાર કરાયો

અમદાવાદ: ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકીઓએ ગુજરાત અને ગુજરાતીઓને આર્થિક રીતે કમ્મરતોડ ફટકો મારવા અને કલ્પનાંતિત ખુવારી સર્જવા માટે ખોફનાક કાવતરું રચ્યું હતું. ન્યુક્લિયર બૉમ્બ કોઇ કારણસર ન મળી શકે તો આવી સ્થિતિમાં યાસીન ભટકલે પ્લાન બી પણ તૈયાર ર્ક્યો હતો. યાસીન પ્લાન બી અંતર્ગત હવામાં ઝેરી વાયુ પ્રસરાવી સુરતમાં મોતનું નગ્ન તાંડવ ખેલવાનો મેલો મનસૂબો ધરાવતો હતો. 

ન્યુક્લિયર બૉમ્બ હાથમાં ન આવે તો વાપી પાસેની એક વિશાળ આર્ગેનિક કંપની ‘સબેરો’ને યાસીને ટાર્ગેટ કરી હતી. ઓર્ગેનિક કંપનીના પ્લાન્ટમાં જો ભાંગફોડ થાય તો વ્યાપક પ્રમાણમાં હવામાં ઝેરી કેમિકલ ફેલાય અને તેનાથી લોકો રીબાઇ રીબાઇને તરફડીને મોતને ભેટે એવી કટોકટી સર્જાય. પણ આ યોજનામાં મુસ્લિમો પણ મોટી સંખ્યામાં મોતને ભેટવાની દહેશત હતી. તેથી પાકિસ્તાનથી આઇએમના કમાન્ડર રિયાઝે પ્લાન બીને મુલતવી રાખવાની તાકીદ કરી હતી. ન્યુક્લિયર બૉમ્બથી સુરત પર એટેક કરવાની યાસીનની યોજના સાથે રિયાઝ સહમત થયો હતો. ન્યુક્લિયર બૉમ્બ મેળવવાની કવાયત હેઠળ જ યાસીન નેપાળ સરહદ ક્રોસ કરી પાકિસ્તાન જવા નીકળ્યો હતો, પણ સુરતવાસીઓના સદ્દનસીબે તે ઝડપાઇ ગયો અને તેની ખોફનાક યોજના ઉજાગર થઇ. સુરતની સુરક્ષા વ્યવસ્થા માટે વધુ સઘન અને વ્યૂહાત્મક પગલાં ભરવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સુરતના મુસ્લિમોને બચાવી લેવાની યોજના બનાવી હતી

અમદાવાદ : સુરત શહેર પર ન્યુક્લિયર બૉમ્બ ઝીંકી મોતનું નગ્ન તાંડવ ખેલવાની યોજના તૈયાર કરનારા યાસીન ભટકલ સમક્ષ પાકિસ્તાનમાં છુપાઇને બેઠેલા ઇન્ડિયન મુજાહિદ્દીનના કમાન્ડર રિયાઝ ભટકલે સુરત શહેરમાં વસતા મુસ્લિમ બાંધવોની ચિંતા વ્યક્ત કરી હતી. યાસીને જ્યારે સુરત પર નાની કક્ષાનો ન્યુક્લિયર બૉમ્બ ઝીંકવાની યોજના મૂકી ત્યારે રિયાઝે આ યોજનામાં તો મોટી સંખ્યામાં મુસ્લિમો પણ માર્યા જવા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે યાસીને રિયાઝને બીજો પ્લાન સમજાવ્યો હતો. યાસીને રિયાઝને જણાવ્યું હતું કે, ‘ ન્યુક્લિયર બૉમ્બ હાથમાં આવી જાય અને તેનો બ્લાસ્ટ કરતા પહેલાં શહેરની તમામ મસ્જિદોમાં ઉર્દૂ ભાષામાં પોસ્ટરો લગાવી મુસ્લિમ બિરાદરોને સુરત શહેર છોડી જવાની તાકીદ આપી દેવાશે. શુક્રવારે દરેક મુસ્લિમ મસ્જિદમાં નમાજ અદા કરવા આવે છે. આ દરમિયાન શહેર છોડી જવાની ગર્ભિત ચેતવણી આપી દેવાય પછી રવિવારે સાંજના સમયે જ્યારે બજારોમાં ભીડભાડ હોય ત્યારે જ ન્યુક્લિયર બૉમ્બ બ્લાસ્ટ કરાશે! જે મુસ્લિમ બિરાદરો શુક્રવારે મસ્જિદમાં નમાજ અદા નહીં કરતા હોય તેમની ફિકર કરવાની જરૂર ન હોવાનો મત પણ યાસીને રિયાઝ સમક્ષ વ્યક્ત ર્ક્યો હતો. યાસીનના સુરત પરના ન્યક્લિયર બૉમ્બ એટેકના પ્લાનિંગના દાવાને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ અત્યંત ગંભીરતાથી લઇ વ્યૂહાત્મક પગલાં ભરવાની તજવીજ હાથ ધરી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
























No comments:

Post a Comment